સૌરાષ્ટ્રની રસધાર - ભાગ-4 સંપૂર્ણ પુસ્તક Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌરાષ્ટ્રની રસધાર - ભાગ-4 સંપૂર્ણ પુસ્તક



રસધારની વાર્તાઓ - ૪

ઝવેરચંદ મેઘાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

નિવેદન

(પહેલી આવૃત્તિ)

ચાર ચાર વર્ષના સમાગમ વડે - અને અનેક પ્રતિકૂળ દિશાઓમાંથી ફૂંકાતા વાયરા છતાંયે - જે સૌહાર્દ ‘રસધાર’ અને વાચનવર્ગની વચ્ચે બંધાયું છે, તેને ભરોસે રહીને સમજી લઉં છું કે વાચક પોતાની નિર્બળ ઊર્મશવતાને પંપાળવા ખાતર નહીં, પણ સબળ ભાવો વડે સરજાયેલા દેદીપ્યમાન ભૂતકાળને સમજવા ખાતર જ ‘રસધાર’ને ચાહે છે.

સોરઠી જીવનની સમસ્યાઓ

સાદાં અને સીધાં શૌર્ય અગર સ્નેહ અને સત્યવાદીપણાની વાતો તો સહેજે પચી જાય છે; પરંતુ આ તો જીવનકથાઓ છે અને જીવન એટલું સાદું નથી હોતું. જીવનમાં અનેક પરસ્પરવિરોધી ભાવોના ઉછાળા આવે છે.

અસલી યુગનાં તત્ત્વોને ન સમજી શકનાર માનવી એને ગપ્પાં કહે છે, ને કાંં માને છે નાદાનીઃ જેવી કે, કરણસંગ પોતાના પિતૃપક્ષ પરથી મહેણાં ઉતારવા માટે પોતાના ભાઇને જ પોતાનું જ માથું કાપી લેવા બોલાવે તે નાદાની (‘સંઘજી કાવેઠિયો’);

રજપૂતની બેલડી પોતાની વચ્ચે તરવાર મૂકીને એક જ પથારીએ મોઢે તે નાદાની (‘દસ્તાવેજ’); માણસિયો વાળો પોતાનો દેહ છેદી એક પંખીને ખવરાવે તે નાદાનીઃ અને જાલમસંગ જાડેજો પોતાની શરદી ઉડાડવા પોતાના આશ્રયદાતાની પત્નીને પડખે બાલભાવે પોઢી જાય તે નાદાની (‘ભાઇબંધી’)ઃ

એ બધા વિરોધી દેખાતા અને જંગલી જણાતા માનવધર્મોનો મેળ સમજવો મુશ્કેલ થઇ પડે છે. વાચક! તારી કલ્પનાશક્તિને ઠગી જવાની આ રમત નથી. તું. પોતે જ તારી દૃષ્ટિને દિલાસો જ બનાવી માનવજીવનનાં આ આત્મમંથનનો ન્યાય આપજે. યુગ યુગના જૂજવા કુલધર્મો ઉકેલવાની આંખ કેળવજે.

એ કાંઇ શાસ્ત્રાજ્ઞાઓ ઉપર રચાયેલો કુલધર્મ નહોતો. એ તો માનવ ધર્મની નિગૂઢ સમસ્યાઓ લઇને મનુષ્યો સમક્ષ આવી ઊભો રહતો. સીતા અને સાવિત્રીનાં સતીત્વ તો સીધાં અને સુગમ્ય છે;

પણ સોરઠી સંસ્કૃતિનું સતીત્વ એટલે તો સાંઇ નેસડીનું, (‘સાંઇ નેસડી’) દાંત પાડી નાખનાર કાઠિયાણીનું (‘આઇ!’) અને નાગાજણ ચારણની સ્ત્રીનું (‘મરશિયાની મોજ!’) સમસ્યાભર્યું અને જટિલ સતીત્વઃ એ આપણી મતિને મૂંઝવી નાખે છે. એનો તાપ આપણાથી જલદી ઝિલાતો નથી. માટે જ એને પચાવવાની પ્રબળ કલ્પનાશક્તિ જોઇએ છે.

‘અણનમ માથાં’ની ઘટના આપણી અસલી સંસ્કૃતિમાં એક નવી રેખા આંકે છે. કોઇ મિથ્યાભિમાની પોતાના ગર્વથી બહેકી જઇ અન્યને માથું ન નમાવે તે કાંઇ ગૌરવ-ગાથાની વસ્તુ નથી. આંહીં તો માનવી માનવી વચ્ચેની ઇશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિદ્ધાંત પર બાર વીરોનું નિરભિમાની બલિદાન ચડેલું છે.

અને બારમો એક બાકી રહી ગયેલો મિત્ર દોડીને કોઇ સતીની માફક પોતાના મિત્રની ચિતામાં શરીર હોમે એવો બનાવ દુનિયાના અન્ય સાહિત્યમાં હજી શોધાયો નથી.

‘દસ્તાવેજ’ની કથાનું ઘટનાસ્થાન નક્કી નથી. પણ સોરઠી સાહિત્યે અને સંસ્કૃતિએ એને અપનાવી લીધી છે, તેથી જ એ કથા રાત્રે આપી છે. એ જ રીતે, ‘હોથલ’ પણ કચ્છ અને કાઠિયાવાડ વચ્ચે તકરારી સામગ્રી છે.

સોરઠની ગંગાહરી

‘ભાગીરથી’ની ઘટના આંહી આલેખાઇ છે, તે તો જાણે કે બિકાનેરના કવિકુમાર પૃથ્વીરાજજીની જીવન-ઘટનામાંથી ચોરાયેલી હોય તેવું કહેવાય છે. અકબરના દરબારના એ ક્ષત્રિય-કવિ પૃથ્વીરાજજી ચારણી સાહિત્યના એવા ધુરંધર સર્જક હતા, કે એમના પિતૃત્વ વિશે ચારણોએ મલિન લોકાપવાદ ચલાવેલો. એ વાત પૃથ્વીરાજજીને કાને પહોંચી. માતાની પાસે.

“માડી! સાચું કહેજો, મારા ગર્ભાધાનમાં કશી કલંકકથા છે કે નહિ? ન કહો તો હું પ્રાણ કાઢું!” “બેટા, એબ તો એટલી જ, કે જે રાત્રીએ તારું ઓધાન રહ્યું તે જ સંધ્યાએ રજસ્વલા સ્નાન કરીને તારા પિતાની વાટ જોતી હું છૂટે કેશે ઝરૂખામાં ઊભેલી. સામેના મહેલમાં આપણા રાજકવિ ઊભેલા. મારાં નેત્રોથી એની સામે એક નજર થઇ ગઇ હતી.”

માતાની વિશુદ્ધિની આ કથા જગતે એમ માની નહિ. એટલે પૃથ્વીરાજજીએ ભાગીરથીના ઘાટ પર બેસી દુહે દુહે ગંગાજીને પગથિયાં ચડાવ્યાં અને પોતે માથાબોળ સ્નાન લીધું. આ કથા મારવાડી ચારણોએ મને કહી છે. પરંતુ ‘રાજદે-ભાગીરથી’ અને ‘પૃથ્વીરાજ-ભાગીરથી’ એ બેમાંથી ઇતિહાસનું પ્રમાણ કોને પક્ષે જાય છે તે નક્કી કરવું રહ્યું છે. ને એ દંતકથાઓ હોય, તોયે શી હાનિ છે? લોકહ્ય્દયની ભાવનામાં રમી રહેનારી કલ્પનો પણ ઇતિહાસ જ છે ના! એ જ સાચો ઇતિહાસ છે.

સોરઠનો પ્રોમિથિયસ

ગ્રીસ દેસના પુરાણામાં એક કથા છેઃ માનવજાતિના બાલ્યકાલમાં, શસ્ત્રહીન અને નિરાધાર માનવીઓને માટે, તેઓના બલવાન બાંધવ પ્રોમિથિયસે સ્વર્ગમાં જઇને ઇંદ્રના ભુવનમાંથી અગ્નિનો અંગાર આણ્યો અને ધરતીનાં ખનિજો ખોદી માનવીઓને પોતાના રક્ષણાર્થે એ અગ્નિ વડે અસ્ત્ર-શસ્ત્રો બનાવતાં શીખવ્યું.

માનવજાતિના આ નવા સામર્થ્યથી અમરરાજે પોતાના સિંહાસનને ડોલતું દેખ્યું. પોતાના ભુવનમાંથી અગ્નિ લઇ જનાર પ્રોમિથિયસને એણે પકડાવ્યો અને કૉકેસસ પહાડના કાળાધોળા પથ્થરના શિખર પર એ શત્રુના શરીરનો સાંકળો અને ખીલા વડે જડી લીધું. સ્વાર્થભીરુ ઇંદ્રના કોપને સહન કરતો એ માનવી સળગતા સૂર્યમાં શેકાતો અને રાત્રિનાં તોફાનોમાં પીડાતો અબોલ બની પડ્યો રહ્યો.

પહાડની ગુફાઓમાં વસતાં જે ગરુડો અને ગીધો એના દેહમાંથી માંસના લોચા તોડી તોડી ભક્ષ કરતાં હતાં તેને બંદીવાને ચૂપચાપ પોતાનું શરીર ખાવા દીધું. પણ વેદનાના ચિત્કાર કરીને પોતાને માનવપ્રતાપ લજાવા ન દીધો.

હજારો વર્ષ પૂર્વેના એ વીર પ્રોમિથિયસને યાદ કરાવનાર, સો વર્ષ પૂર્વેનો સોરઠી માનવ માણસિયો વાળો આજે આ પુસ્તકમાં રજૂ થાય છે. પિત્રાઇઓને પાપે કોઠા પર પુરાયેલા એ માણસિયાએ સ્વહસ્તે પોતાના સાથળ કાપીને સમળીઓને ઉજાણી જમાડી દેહ પાડી નાખ્યો.

અને પંક્તિઓ ઉચ્ચારતાં તો રોમાંચ થાય છે. કોણ હતા એ ‘છસો શૂરવીરો’? એ અંગ્રેજ સૈન્યના અસવારો હતા. અને એ યુરોપની રણભૂમિ હતી. સામે હતું રશિયાનું પ્રચંડ લશ્કર. અંગ્રેજો પાસે એક પણ તોપ ન મળે, અને શત્રુઓની પાસે સમર્થ તોપખાનું.

અંગ્રેજ સેનાપતિનો આદેશ મળ્યો કે ‘ઓનવર્ડ!’ - અરે, ક્યાં? શત્રુઓની ધૂંવાધાર તોપો સામે, મૃત્યુના જડબામાં - ‘ઇન્ટુ ધ જૉઝ ઑફ ડેથ!’ અને ‘ઓનવર્ડ’નો ઉચ્ચાર સાંભળતાં તો છસો વીર અક્કેક ઉઘાડી તરવારે દોડ્યા. રશિયાઇ તોપખાનાને એના ગોળાઓના વરસાદ વચ્ચે જઇને તારાજ કર્યું.

છસોયે વીર વીંધાઇ ગયા. એના પરાક્રમ પર અંગ્રેજ કવિવર ટેનિસનનો પ્રાણ ફિદા થયો અને એ પ્રાણમાંથી અમર વીર-કાવ્ય સરજાયું. બ્રિટનનાં બાળકો એ ગીતમાંથી બલિદાનમાં મંત્રો રટે છે... અને સોરઠનાં બાળક શું પોતાના ઇતિહાસમાં શૂન્ય નજર નાખશે? છસો નહિં - અરે, છયે નહીં, પણ એક જ વીરઃ

એનું નામ જાદવ ડાંગર- ભાવનગરના આતાભાઇનો એ આહીર યોદ્ધોઃ એકલે હાથે દોડીને એણે કાઠીઓની તોપોના કાન બૂરી દીધા. આજકાલની જ વાત.

ગુજરાતની તરુણ પ્રજામાંથી કોઇ ગુર્જર ટેનિસન પ્રગટ થશે ત્યારે જાદવ ડાંગરના નામનું પણ એક રણગીત આપણી શાળાઓમાં ગાજવા લાગશે. આજ તો જાદવના પાળિયા પાસે એના ગામડાનાં નાનાં બચ્ચાં રમતાં હશે, અને ગામની તરુણીઓ ઘૂમટો તાણીને એ વીરના સ્મૃતિ-ચિહ્નની મરજાદ સાચવતી હશે.

પ્રાંતિક અભિમાનનો આદર્શ

સોરઠ ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળનો વાંચશે એટલું જ નહીં, પણ દેશદેશના વીરત્વ વચ્ચેના સમાનતાના સંદેશ ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રાન્તિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી.

ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિંમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલો - એટલી પહોળી ફૂલો, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય; પરંતુ એ વિશ્વદર્શન દીન મનોદશાના દાસોને નથી લાધતું. એ તો માગે છે ગર્વોન્નત મસ્તકઃ અને પોતાના પગ તળેની જ ધૂળ માટે જો મમત્વ પેદા ન થાય, તો એ ગર્વ ક્યાંથી?

આવી રીતની સરખામણી કર્યા પછી સૌરાષ્ટ્રણી કર્યા પછી સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઇ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઇને હિંમતથી બોલી શકશે, કે ઇંગ્લન્ડ, ગ્રીસ ્‌અને રોમની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે.

અને તેટલા માટે મારાં નાનાં ભાંડુંઓના અભ્યાક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું - દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફુલાવીને, મારા હક તરીકે માગું છું.

મુંબઇની યુનિવર્સિટીને પોતાની પ્રતિભા વડે શોભાવી રહેવા સંખ્યાબંધ સૌરાષ્ટ્રવાસીઓ પ્રત્યે આટલી આશા ધરીને વિદાય લેતાં લેતાં એક ખુલાસી કરવો રહે છેઃ સેનાપતિ’ની કથામાં લખી જવાયું છે કે ‘રાણીએ મહારાજનાં મીઠડાં લીધાં’.

‘દાદાજીની વાતો’માં પણ એવો પ્રયોગ થયો છે તે તરફ મિત્રોએે ધ્યાન ખેંચ્યું છે. ઓવારણાં લેવાની ક્રિયાના ગર્ભમાં એ લેંનારની સામે માથું નમાવવાનો સંકેત છે; પુરુષ પોતાની નારીને નમતો નથી, તેથી પત્ની પતિનાં ઓવારણાં લે એવો રિવાજ આપણે ત્યાં નથી. એ સરતચૂક માટે હું દિલગીર છું.

સૌરાષ્ટ્ર કાર્યાલયઃ

અષાઢી પૂર્ણિમા, સં. ૧૯૮૨ (ઇ.સ. ૧૯૨૫ ) ઝવેરચંદ મેઘાણી

(ત્રીજી આવૃત્તિ)

(ટૂંકાવીને)

મારી કૃતિઓની પ્રત્યેક નવીન આવૃત્તિને ટાણે હું એના સંસ્કરણમાંમારી આછરેલી અભિરુચિની તેમ જ બહારથી સાંપડેલ ટીકાની કસોટીને ઠીક ઠીક કામે લગાડું છે. નાની ત્રુટિઓ પણ નિવારવા શ્રમ લઉં છું. આ ચોથા ખંડની લખાવતટમાં મને એ કસોટીએ ઘણો લાભ કરી આપ્યો છે; કેટલોય કૂથો વાર્તાના આલેખનમાંથી મેં ઓછો કર્યો છે.

બોટાદઃ ૩ ’-૨-૪૨

(આઠમી આવૃત્તિ)

આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણો વખતે શિથિલ પ્રૂફવાચનને કારણે ઉત્તરોત્તર દાખલ થઇ ગઇ હશે અને કેટલાક મૂળ પાઠો જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઇ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી

ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું.

શ્રી રતુભાઇ રોહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવંતી સરાણે ચડીને પાર ઊતર્યા એ આ આવૃત્તિમાં સમાવી લીધી છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઇ એ અંગેની સ્પષ્ટતાઓ શ્રી બળદેવભાઇ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે.

‘રસધાર’ના ત્રીજા ભાગને છેડે (અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતેે) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આપ્યા છે. કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને અર્થો આપ્યા છે.

કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા; એનો ઉપયોગ કરીને આ અર્થસારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીનો લાભ મળ્યો છે.

‘રસધાર’ની આ આવૃત્તિ હવે આમ વિશેષ। પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડ્યા છે. એમાં એમનો ‘રસધાર’ અને તેના લેખક પ્રત્યેની ઊંચો પ્રેમાદર જોઇએ છીએ અને અમારો આભાર વ્યક્ત કરીએ છીએ.

૨૮ ઑગસ્ટ ૧૯૮૦ઃ ૮૪ મી મેઘાણી-જયન્તી જયંત મેઘાણી

‘સોરઠી બોલીનો કોશ’ અને ‘કાઠી અને ચારણી બોલીની ખાસિયતો’ એ બેઉ પરિશિષ્ટો ‘સૌરાષ્ટ્રની રસધાર’ની અગાઉની આવૃત્તિઓમાં બીજા ભાગમાં હતા. એ સામગ્રી હવે પાંચમાં ભાગના અંતમાં મૂકી છે. પાંચેય ભાગની કથાઓની સંકલિત સૂચિ પણ હવે પાંચમાં ભાગમાં ઉમેરી છે.

૨૦૦૩ જયંત મેઘાણી

ક્રમ

અણનમ માથાં

હોથલ

વરજાંગ ધાધલ

ઓળીપો

દસ્તાવેજ

સંઘજી કાવેઠિયો

સેનાપતિ

દૂધ-ચોખા

સૂરજ-ચંદ્રની સાખે

મરશિયાની મોજ

તેગે અને દેગે

દુશ્મનોની ખાનદાની

ભાગીરથી

વાલેરા વાળો

ચોટલાવાળી

વોળાવિયા

ખોળામાં ખાંભી

માણસિયો વાળો!!

અણનમ માથાં

આ સંસારની અંદર ભાઇબંધો તો કંઇક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઇ એવા બહાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચારસો વરસ ઉપર પાક્યા હતા.

બે નહિ, ચાર નહિ, પણ બાર ભાઇબંધોનું જૂથ. બારેય અંતર એકબીજાને આંટી લઇ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઇ લ્યો. બાર ખોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે.

સૂરજ-ચંદ્રની સાખે બેસીને બારેય ભાઇબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાંધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેયનો સરદાર વીસળ રાબોઃ પરાજિયો ચારણઃ સાત ગામડાંનો ધણીઃ હળવદના રાજસાહેબનો જમણો હાથઃ

જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છેઃ જેણે પોતાની તરવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઇને માથું ન નમાવવાનાં વ્રત લીધાં છેઃ દેવતા જેને મોઢમોઢ હોંકારા દે છેઃ એવા અણનમ કહેવાતા વીસળ રાબાએ વાત ઉચ્ચારીઃ “ભાવ ધાનરવ! ભાઇ સાજણ! ભાઇ નાગાજણ! રવિયા! લખમણ! તેજરવ! ખીમરવ! આલગા! પાલા! વેરસલ! અને કેશવગર! સાંભળો.”

“બોલો, વીહળભા!” એમ હોંકારો દઇને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા.

“સાંભળો, ભાઇ! જીવતાં લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે. પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશેકાઇ મેલી છે. આપણને શાસ્તરની ઝાઝી ગતાગમ નથી. આપણું શાસ્તર એક જ કે જીવવું ત્યાં સુધીય એકસંગાથે, ને મરવું તોય સંગાથે - વાંસા - મોર્ય નહિ. છે કબૂલ?”

“વીહળભા! રૂડી વાત ભણી. સરગાપરને ગામતરે વીહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે? સહુ પોતપોતાની તરવારને શિર ઉપર ચડાવીને સોગંદ ખાઓ કે જીવવું ને મરવું એક જ સંગાથે.”

ડાલાં ડાલાં જેવડાં બારેય માથાં ઉપર બાર ઝગારા મારતાં ખડગ મંડાયા. અને બારેયનું લોહી ભેળું કરીને લખત લખ્યાં કે ‘જીવવું-મરવું બારેયને એક સંગાથે - ઘડી એકનુંયે છેટું ન પાડવું.’

અગિયાર પરજિયા ચારણ અને એક કેશવગર બાવોઃ મૉતને મુકામે સહુ ભેળા થાવાના છીએ, એવા કોલ દઇને આનંદે ચડ્યા છેઃ વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સહુ પોતપોતાના ધંધાપાણીમાં ગરકાવ છેઃ કોઇ ગૌધન ચારે છે,

કોઇ સાંતીડીં હાંકે છે, કોઇ ઘોડાની સોદાગરી કેળવે કોઇ ગૌધન ચારે છે, કોઇ સાંતીડાં હાંકે છે, કોઇ ઘોડાની સોદાગરી કેળવે છે, અને કેશવગર બાવો આંબરડીના ચોરામાં ઇશ્વરનાં ભજન-આરતી સંભળાવે છે.

બીજી બાજુ શો બનાવ બન્યો?

અમદાવાદ કચેરીમાં જઇને વીસળ ગઢવીના એક અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે “અરે, હે પાદશાહ સલામત! તેં સારાય સોરઠ દેશને કડે કર્યો, મોટા મોટા હાકેમ તારા વખતને પાયે મુગટ ઝુકાવે, પણ તારી પાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે.”

“કોણ છે એવો બેમાથાળો, જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય?” પાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું.

“આંબરડી સુંદરીનાં સાત સાંજણ ગામનો ધણી વીસળ રાબો. જાતનો ચારણ છે.”

‘લા હોલ વલ્લાહ! યા ખુદા તાલા! યા પાક પરવરદિગાર!’- એવી કલબલી ભાષામાં ધૂંવાડા કાઢતા, ઝરખિયાના ઝાંપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા, ધોમચખ આંખોવાળા, પાડા જેવી કાંધવાળા, વસમી ત્રાડ દેવાવાળા, અક્કેક ઘેટો હજમ કરવાવાળા, અક્કેક બતક શરાબ પીવાવાળા, લોઢાના ટોપ-બખ્તર પહેરવાવાળા મુલતાની, મકરાણી, અફઘાણી અને ઇરાની જોદ્ધાઓ ગોઠણભેર થઇ ગયા.

“શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે? એની પાસે કેટલી ફોજ?”

“ફોજ-બોજ કાંઇ નહિ, અલ્લાના ફિરસ્તા! એક પોતે ને અગિયાર એના ભાઇબંધો. પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે. પાદશાહને બબ્બે કટકા ગાળ્યું કાઢે છે.”

સડડડડ! સુલતાનની ફૂલગુલાબી કાયાને માથે નવાણું હજાર રૂંવાડાં બેઠાં થઇ ગયાં. ફોજને હંકારવાનો હુકમ દીધો. અલ્લાનો કાળદૂત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામ પર આવ્યો. ગામની સીમમાં તંબૂ તાણીને ફરમાસ કરી કે “બોલાવો વીસળ રાબાને.”

એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં બળદની રાશ, ખભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો - એવા દેવતાઇ રૂપવાળો વીસળ રાબો પોતાના સીમમાં સાંતીડું હાંકે છે. આભામંડળનું દેવળ કર્યું છે.

સૂરજના કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવી છે. નવરંગીલી દસ દિશાઓના ચાકળા-ચંદરવા કલ્પ્યા છે, અને બપોરની વરાળો નાખતી ધરતી દેવાની યજ્ઞ-કુંજ જેવી સડસડે છે. માંહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઇ છે! એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વને મંદિર સરજી, માંહે ઊભો ઊભો ભક્ત વીસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છેઃ

જ્યોતે પ્રળંબા, જુગદમ્બા, આદ્ય અંબા ઇસરી,

વદનં ઝળંબા, ચંદ બંબા, તેજ તમ્બા તું ખરી,

હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી,

જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

જીય રાસ આવડ રમ્મણી

જીય રાસ આવડ રમ્મણી.

ભેરવે હલ્લા, ભલ્લા ભલ્લાં ખાગ ઝલ્લાં ખેલીયં,

હોતે હમલ્લાં, હાક હલ્લાં, ઝુઝ મલ્લાં ઝેલ્લીયં,

ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,

જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

ગમમમ ગમમમ આભનો ઘુમ્મટ ગુંજે છે, દિશાની ગુફાઓ હોંકારા દિયે છે, અને સાંતીની કોશને જાણે શેષનાગની ફેણ સાથે પહોંચાડીને પારસમણિના કટકા કરવાનું મન હોય એવાં જોર કરીને બેય ઇંડા જેવા ધોળા બળદ સાંતીડું ખેંચે છે. ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વીસળ પાછો ત્રિભુવનની ઇસરી શક્તિના આરાધન ઉપાડે છેઃ

આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંનર પાય નમે,

ડિગપાલ ડગમ્બર, આઠહી ડુંગર, સાતહીં સાયર તેણ સમે,

નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી,

રવરાય રવેચીએ, જગ્ગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી.

દેવી વક્કળ વેસીએ ઇસવરી,

માડી વક્કળ વેસીએ ઇસવારી.

મેઘમાળ ગાજી હોય એવો ભુલાવો ખાઇને મોરલા મલ્લાર ગાવા લાગે છે વીસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઊપડી આવી છે.

એવે ટાણે ઘોડેસવારે આવીને વાવડ દીધા કે “વીહળભા! પાતશા તમારે પાદર આજ પરોણા થઇને ઊતરેલ છે.”

“પાતશાની તો પરવા નથી, પણ પરોણો એટલે જ પાતશા.” એમ બોલીને ચારણ સાંતીડે ઘીંસરું નાખી, બળદ હાંકી ઘેર પહોંચ્યો. બળદ બાંધી, કડબ નીરી, કોઇ જાતની ઉતાવળ ન હોય એમ પાતશાહને મળવા ચાલ્યો.

“વીસળભા, સંભાળજો! ચાડી પહોંચી છે.” બજારના માણસોએ શિખામણ સંભળાવી.

“હું તે બેમાંથી કોને સંભાળું, ભાઇ? પાતશાને કે ચૌદ લોકની જગજ્જનનીને?”

એટલો જવાબ વાળીને વીસળ ગઢવી સુલતાનના તંબૂમાં દાખલ થયા. સિત્તેરમાં અને બોતેરખાં ઉમરાવ પણ જ્યાં અદબ ભીડી, શિર ઝુકાવી ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે, સોરઠના રાજરાણાઓ જ્યાં અંજલી જોડી આજ્ઞાની વાટ જોતા ઊભા છે,

ત્યાં સાત ગામડીના ધણી એક ચારણે રજેભર્યે લૂગડે, અણથડકી છાતીએ, ધીરે ધીરે ડગલે પાતશાહના તખ્તા સામા આવીને એક હાથે આડી તરવાર ઝાલીને બીજે હાથે સલામ દીધી. એનું માથું અણનમ રહ્યું.

“વીસળ ગઢવી!” સુલતાને નાખોરાં ફુલાવીને પડકારો કર્યો. “સલામ કોની કરી?”

“સલામ તો કરી આ શક્તિની - અમારી તરવારની, ભણેં પાતશા!” વીસળે ઠંડે કલેજે જવાબ વાળ્યો.

“સોરઠના હાકેમને નથી નમતા?”

“ના, મોળા બાપ! જોગમાયા વન્યા અવરાહીં કમણેહીં આ હાથની સલામું નોય કે આ માથાની નમણ્યું નોય; બાકી તોળી આવરદા માતાજી ક્રોડ વરસની કરે!”

“કેમ નથી નમતા?”

“કાણા સારુ નમાં? માણ માણહહીં કેવાનો નમે? હાથ જોડવા લાયક તો એક અલ્લા અને દૂજી આદ્યશક્તિઃ એક બાપ અને દૂજી માવડી; આપણ સંધા તો ભાઇયું ભણાયેં. બથું ભરીને ભેટીએ, પાતશા! નમાએં નહિ. તું કે મું, બેમાં કમણેય ઊંચ કે નીચ નસેં તો પછેં, બોલ્ય પાતશા કાણા સારું નમાંય”

ચારણને વેણે વેણે જાણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ઘણ પડ્યા. નાના બાળકના જેેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલવહેલી સાંભળી. અદબ અને તાબેદારીના કડક પળાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો.

પણ સુલતાન બરાડ્યોઃ “કાં સલામ દે, કાં લડાઇ લે.” “હા! હા! હા! હા!” હસીને વીસળભા બોલ્યોઃ “લડાઇ તો લિયા; અબ ઘડી લિયા. મરણના ભે તો માથે રાખ્યા નસેં. પણ પાતશા! મોળો એક વેણ રાખ્ય.”

“ક્યા હૈ?”

“ભણેં પાતશા, તોળી પાસેં દૂઠ દમંગળ ફોજ, અને મોળી પાસેં દસ ને એક દોસદારઃ તોળા પાસેં તોપું, બંધૂકું, નાળ્યું-ઝંઝાળ્યું, અને અમણી પાસેં અક્કેક ખડગઃ ભણેં લડાઇ લિયાં; પણ દારૂગોળે નહિ; આડહથિયારે. તોળા સૈકડા મોઢે લડવૈયા; અમું બાર ભાઇબંધઃ આવી જા. અમણાં હાથ જોતો જા, અણનમ માથાં લેને કીમ કવળાસે જવાય ઇ જોતો જા!”

સુલતાને બેફિકર રહીને કેવળ તરવાર-ભાલાં જેવાં અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી.

“રંગ વીસળભા! લડાઇને લેને આદો! રંગ વીસળભા! પાતશાની આગળ અણનમ રૈને આદો!”

એમ હરખના નાદ કરતા દસ ભાઇબંધોએ સામી બજારે દોટ દીધી, વીસળને બાથમાં લઇ લીધો. દસ ને એક અગિયાર જણા કેસરિયાં પાણી કરીને લૂગડાં રંગે છે. સામસામા અબીલગુલાલ છાંટે છે. માથાના મોટા મોટા ચોટલા તેલમાં ઝબોળે છે.

મોરલા જેવા બાર ભાઇબંધોનાં મૉતના પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબૂમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે “ભૂલ થઇ, જબરી ભૂલ થઇ. બાર નિરપરાધી વીર પુરુષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઇ જાશે. યા અલ્લા! મેં ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઇ આ આફતમાંથી ઊગરવાનો ઇલાજ બતાવે?”

“ઇલાજ છે ખુદાવંદ,” વજીર બોલ્યોઃ “આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેેની દીવાલે લઇ જઇએ. વીસળ રાબો ઝાંપેથી નીકળવા જશે. એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ, એને આપણે સંભળાવી દેશું કે અમને તે પીઠ દેખાડી,હવે જંગ હોય નહિ.”

સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઇ ઊભી. અગિયારેય ભાઇબંધો સગાંવહાલાને જીવ્યા-મૂઆના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધોઃ “વીસળભા! વેરીની ફોજ ગામની પછીતે ઊભી છે. અને ઝાંપેથી જાશો તો અણનમ વીસળે ભારથમાં પારોઠનાં ૧ પગલાં ભર્યાં કહેવાશે, હો!”

“પારોઠનાં પગલાં! વીહળો ભરશે?” વીસળભાની આંખોમાં તેજ વધ્યાંઃ “ધાનરવ ભા! નાગાજણ ભા! રવિયા! લખમણ! ખીમરવ દરબારગઢની પછીત તોડી નાખો. સામી છાતીએ બા’ર નીકળીએ.”

પછીત તોડીને અગિયાર યોદ્ધા, યજ્ઞના પુરોહિત જેવા, બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તદારોને દેખ્યા.

“અલ્લાહ! અલ્લાહ! અલ્લાહ! ઇમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મૉતના ડાચામાં ચાલ્યા આવે છે. એની સમશેરના ઘા ઝીલશે કોણ?”

એવે ટાણે વીસળ રાબાએ કેશવગરને સવાલ કર્યોઃ

વીહળ પૂછે વ્રાહ્મણા, સુણ કંસવ કંધાળા,

કણ પગલે સ્ત્રગ પામીએ, પશતક નૈયાળા?

(અરે, હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ, સાંભળ, હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય? એ જ્ઞાન બતાવનારું કોઇ પુસ્તક તેં નિહાળ્યું છે?)

અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઇ ગયાં છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઇ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, તે કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વીહળભા! -

કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં,

કરવત કે ભેરવ કરે, શીખરાં શખરાળાં,

ત્રિયા, ત્રંબાસ, આપતળ જે મરે હઠાલા,

તે વર દિયાં વીહળા, સ્ત્રગ થિયે ભવાળા,

(વીહળભા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઇ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઇ ભેરવ-જપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મૉતમાંથી એકેય મૉતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે, હે ભાઇ વીહળ!)

સાંભળીને વીસળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીએ ‘ખળાવા’ જમીનમાં લીટો દઇને કૂંડાળું કાઢ્યું.

“જુવાનો!” વીસળે વાણીનો ટંકાર કર્યોઃ “જુવાનો! આજ આપણાં અમરાપુરનાં ગામતરાં છે. અને કેશવગરે ગણાવ્યાં એટલા કેડામાંથી ‘કૂંડાળે મરણ’નો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે.

બીજે માર્ગે તો પાંડવો સરખા કંઇકના પગલાં પડ્યાં છે. પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો, ભાઇબંધો! આજ બાઇબંધીના પારખાં થાશે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મૉતની સેજડીએ એક સંગાથે સૂવા આ કૂંડાળે સહુ આવાી પહોંચજો. કહો, કબૂલ છે?”

“રૂડું વેણ ભણ્યું, વીહળભા!” દસેય જણાએ લલકાર દીધો.

“આકળા થાઓ મા, ભાઇ, સાંભળો! કુંડાળે આવવું તો ખરું, પણ પોતપોતાનાં હથિયાર પડિયાર, ફેંટાફાળિયા અને કાયાની પરજેપરજ નોખાં થઇ ગયાં હોય તેયે વીણીને સાથે આણવાં. બોલો, બનશે?”

“વીહળભા!” ભાઇબંધો ગરજ્યાઃ “ચંદર-સૂરજની સાખે માથે ખડગ મેલીને વ્રત લીધાં છે. આ કેસરિયા વાઘા પહેર્યા છે. આ કંકુના થાપા લીધા છે અને હવે વળી નવી કબૂલાત શી બાકી રહી? અમે તો તારા ઓછાયા, બાપ! વાંસોવાંસ ડગલાં દીધ્યે આવશું.”

“જુઓ, ભાઇ! અત્યારે આજ સાંજરે આપણામાંથી આંહીં જે કૂંડાળા બહાર, એ ઇશ્વરને આંગણેય કૂંડાળા બહાર; વીસરશો મા.”

દસેય જણાએ માથાં નમાવ્યાં.

“અરે, પણ આપણો તેજરવભા ક્યાં?”

“તેજરવ પરગામ ગયો છે.”

“આ...હા! તેજરવ રહી ગયો. હઠાળો તેજરવ વાંસેથી માથાં પછાડીને મરશે. પણ હવે વેળા નથી. ઓલે અવતાર ભેળાં થાશું.”

અગિયારેય જણાએ એકબીજાને બાથમાં લઇ ભેટી લીધું. જીવ્યા-મૂઆના રામરામ કર્યા. જુદા પડવાની ઘડી આવી પહોંચી.

સામે એક ખૂણામાં ઊભેલા હાથી સામે આંગળી ચીંધાડી વીસળ બોલ્યોઃ “ભાઇ, ઓલી અંબાડીમાં પાતશા બેઠો છે. એને માથે ઘા ન હોય, કે! પાતશા તો પચીસનો પીર કહેવાય. લાખુંનો પાળનાર ગણાય. એને તો લોઢાના હોદ્દામાં બેઠાં બેઠાં આપણી રમત જોવા દેજો, હો!”

“હો, ભાઇ!”

માથે પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજૂડી રબારણ હાલી આવે છે. આવીને એણે કૂંડાળા ઢૂકડો ગોળો ઉતાર્યો. “વીહળ આપા! આ પાણી!”

“માંજૂડી, બેટા, રંગ તને, ઠીક કર્યું. પાછા વળશું ત્યારે તરસ બહુ લાગી હશે. અમે વળીએ ત્યાં સુધી આહીં બેસજે. બેટા!”

એટલું બોલીને અગિયાર યોદ્ધાએ ‘જે જોગણી!’ ‘જે ચંડી જે જોગણી!’ની હાકલો દીધી, દોટ કાઢી. અગિયાર જણા પગપાળા અને સામે -

હે જલંગા હંસલા કમંધ મકરાણી,

શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,

ગરવર જંગા ગોહણા પે પંથા પાણી,

જાણ શશંગી ઝોપિયા સજકિયા પતશાણી.

રેવતવંકા રાવતાં મખમલ પલાણી,

સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

ઝલંગા, હંસલા, મારવાડી, મકરાણી, ક્યાડા, માંકડા, અરબી, ખોરાસાની - એવા જાતજાતના પાણીપંથા અને પહાડને વીંધે એવી જાંઘોવાળા માથે મખમલના પલાણ માંડીને પઠાણો ઊતર્યા.

ઝાકાઝીકઃ ઝાકાઝીકઃ ઝાકાઝીકઃ સામસામી તરવારોની તાળીઓ પડવા મંડી. એક એક ભાઇબંધ સો-સો શત્રુના ઝાટકા ઝીલવા મંડ્યો. એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું. અને હાથીને હોદ્દેથી સુલતાન જોઇ જોઇને પોકાર કરવા લાગ્યો કે ‘યા અલ્લાહ! યા અલ્લાહ! ઇમાનને ખાતર ઇન્સાન કેવી જિગરથી મરી રહ્યો છે!’

“વાહ, કેશવગર! વાહ બાવાજી! વાહ બ્રાહ્મણ, તારી વીરતા!” એવા ધન્યવાદ દેતો દેતો વીસળ રાબો કેશવગરનું ધીંગાણું નીરખે છે.

શું નીરખે છે? કેશવગરના પેટ પર ઘા પડ્યા છે, માંહીથી આંતરડાં નીકળીને ધરતી પર ઢસરડાય છે, આંતરડાં પગમાં અટવાય છે, અને જંગ ખેલતો બાવો આંતરડાંને ઉપાડીને પોતાને ખભે ચડાવી લે છે.

“વીહળભા!” વીસળના નાનેરા ભાઇ લખમણે સાદ દીધોઃ “વીહળભા, જીવતાં સુધી મારી સાથે અબોલા રાખ્યા, અને આજ મરતુક આવ્યાં તોય મને તારા મોઢાનો મીઠો સુખન નહિ! વીહળ, કેશવગરને ભલકારા દઇ રિયા છો, પણ આમ તો નજર માંડો!”

ડોક ફેરવીને જ્યાં વીસળ પોતાના ભાઇની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તરવાર ઠણકાવી રહ્યો છે. ભાઇને ભાળતાં જ જીવતરના અબોલા તૂટી પડ્યા. વીસળની છાતી ફાટફાટ થઇ રહી.

“એ બાપ, લખમણ, તું તો રામનો ભાઇ, તને ભલકારા ન હોય, તું શુરવીરાઇ દાખવ એમાં નવાઇ કેવી? પણ કેશવ તો લોટની ચપટીનો માગતલ બાવોઃ માગણ ઊઠીને આંતરડાંની વરમાળ ડોકે પહેરી લ્યે એની વશેકાઇ કહેવાય, મારા લખમણ જતિ!”

સાંજ પડી. ઝડવઝડ દિવસ રહ્યો. સુલતાનનું કાળજું ફફડી ઊઠ્યું. “યા ખુદા! આડથિયારે આ બહાદુરો નહિ મરે. અને હમણાં મારી ફોજનું માથેમાથું આ અગિયારેય જણા બાજરાનાં ડૂંડાની જેમ લગી લેશે.”

“તીરકામઠાં ઉઠાવો! ગલોલીઓ ચલાવો!” હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાંની વાર ત હડુડુડુડુ! હમમમમ! ધડ! ધડ! ધડ!-

સીંગણ છૂટે ભારસું, હથનાળ વછટ્ટે,

સાબળ છૂટે સોંસરા, સૂરા સભટ્ટે

વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટા પ્રાછટ્ટે,

ત્રુટે ઝુંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.

પાતશાહી ફોજની ગલોલીઓ છૂટી. ઢાલોને વીંધીને સીસાં સોંસરવાં ગયાં. છાતીઓમાં ઘા પડ્યા. નવરાતરના ગરબા બનીને અગિયાર ભાઇબંધો જુદ્ધમાંથી બહાર નીકળ્યાં. કોઇ એક પગે ઠેકતો આવે છે, કોઇ આંતરડાં ઉપાડતો ચાલ્યો આવે છે, કોઇ ધડ હાથમાં માથું લઇને દોડ્યું આવે છે. એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કૂંડાળે પહોંચ્યા, પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો, “ભાઇબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો!”

સહુ બેઠા. લોહીનો ગારો કરીને સહુએ અક્કેક બબ્બે પિંડ વાળ્યા. ઓતરાદાં ઓશીકાં કર્યાં. અને સામાસામા રામરામ કરી, અગિયારેય ઝણા પડખોપડખ પોઢ્યા.

ટોયલી ભરી ભરીને માંજૂડી રબારણ અગિયારેય મૉતના વટેમાર્ગુઓને પાણી પાય છે, પેટના દીકરા પ્રમાણે સહુના માથા ઉપર હાથ પંપાળે છે, ્‌ત્યાં તો અગિયારેયની ઓળખાણ કરવા સુલતાન પોતાના કૂકડીયા ચારણને લઇને કૂંડાળે આવ્યો.

આંગળી ચીંધાડીને પાતશાહ પૂછતો જાય છે કે “આ કોણ? આ કોણ?”

અને ભાલાની અણી અડાડી અડાડીને કૂકડીયો ઓળખાણ દેતો જાય છે કે “આ વીસળ! આ ધાનરવ! આ લખમણ.”

“મારા પીટ્યા!” માંજૂડીએ કાળવચન કાઢ્યુંઃ “તને વાંગે મારા વાશિયાંગનાં ભાલાં! મારા સૂતેલા સાવઝને શીદ જગાડછ? જીવતા હતા તે ટાણે ઓળખાવવા આવવું’તું ને?” ૧

માંજૂડીની આંખમાં આંસુ આવ્યા. શરમાઇને સુલતાન પાછો વળ્યો, ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો.

ગાડું લઇને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે. એને આજના બનાવની જરાય ગતાગમ નથી. પાદર આવીને એણે લોહીની નીકો ભાળી એને આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો. માથે ફાળિયું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને ઝાળો નાખતી અગિયાર શૂરાઓની એકસામટી ઝૂપી સળગી રહી છે. દેના આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમાવાથી છેટે જઇ બેઠું છે. દોડીને સહુએ તેજરવના હાથ ઝાલી લીધા. “હશે! તેજરવ આપા! હરિને ગમ્યું તે સાચું. હવે ટાઢા પડો.”

“એ ભાઇ, મને રોકો મા. તે દી છોડિયું છબે નો’તી રમી, પણ મરદોએ કાંડાં બાંધ્યાં હતાં.”

છૂટીને તેજરવ દોડ્યો, છલંગ મારીને તેજરવ સોયા એ અગિયાર ભાઇબંધોની ચિતા સામે ઊભીને બોલ્યોઃ “વીહળભા, તમું હાર્યે જીવસટોસટની બોલીએ હું બંધાણો હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા? મને છેટું પાડી દીધું? પણ હે અગ્નિદેવતા! મારો

ફેર ભાંગી નાખજો. જોજો હો, અમરાપરીના ઓરડામાં વીહળભા મારી મોઢા આગળ દાખલ ન થઇ જાય.”

એટલું બોલીને અગિયાર ભાઇબંધોની ચિતા ઉપર તેજરવે આસન વાળ્યું, હાથમાં માળા લીધી અને બળતી ઝાળોની વચ્ચે બેસીને ‘હર! હર! હર!’ના જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો. આખીયે કાયા સળગી ઊઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી.

(દુહો)

તેજરવે તન લે, હાડાં માથે હોમિયાં

સોયે મરણ સટે, વીસળસું વાચા બંધલ.

(તેજરવે પોતાનું તન મિત્રોના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના મિત્ર વીસળની સાથે મૃત્યુસટોસટના કોલ દીધા હતા.)

અને અણનમ માથાંનો તે દિવસે જેજેકાર બોલાયો.

આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું ‘કૂંડાળું’ કાઢવામાં આવેલું ત્યાં એક દેરી છે. ઓટા ઉપર બાર પાળિયા છે. એ યુદ્ધમાં વીસા રાબાએ હાથીના દંતૂશળ પર પગ દઇને સુલતાનના શાહજાદા મહેબતખાનને હણેલો તેની એંધાણી તરીકે ‘મહોબતખાન પીરની જગ્યા’ છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે. અને લોકોકિત મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતા તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી. વીસળ રાબો ચોર્યાસી જાતનાં વ્રત પાળતો અને શત્રુની તરવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે.

“અણનમ માથાં” નું કથાગીત

(આ ઘટનાની સાક્ષી પૂરતું જામનગર તાબે જાંબુડા ગામા મીર કરમણ કૃષ્મ ચોટાળાનું રચેલું ‘નિશાણી’ નામક પ્રાચીન ઐતિહાસિક ચારણી કાવ્ય. વાર્તામાં કેટલાંક અવતરણો પણ તેમાંથી લીધાં છે.)

ચૌદ સવંત પાંસઠ સરસ,

પ્રસધ વખામે પાત્ર,

અણદન વીસળ અવતર્યો,

ચારણ વ્રણ કુળ સાત.

સુપ્રસિદ્ધ સંવત ૧૯૬૫ માં ચારણોના સાત કુળમાં વીસલનો જન્મ થયો.

નિશાની ૧

દો કર જોડી શારદા વ્રણવાં વ્રગ વાણી

તું જગજણણી જોગણી પરમહુંત પરાણી

કોયલાપત કતિયાણી રવરજ રવરાણી!

દેવી દૈવતડારણી સાંભળ સરગાણી!

વદિયા હંસાવાહણી દે વેદક વાણી,

વીહળ નરસો વીનવાં, પડ ચાડણ પાણી,

(બે કર જોડીને, હે શારદા, હું વાણીમાં વર્ણવું છું. તું જગજ્જનની જોગણી છો; પરમ (પ્રભુ)થીયે મોટી છો. હે તું કોયલા ડુંગરની દેવી (હર્ષદી), હે રવરાઇ, દૈત્યોને વિદારનારી હે દેવી, હે સ્વર્ગીય, સાંભળ. હે હંસવાહિની વિદ્યાદેવી, તું મને વેદક વાણી દે. એટલે હું પોતાના કુળને પાણી પડાવનાર વીસળ નામના નરા કુળના ચારમને વર્ણવું.)

નિશાણી ૨

પ્રમ ડાડો જેરે હેક પખ, પખ બે પાનંગરા,

ગઢા પરઠે નવનગર ચોરાશી શકારા,

વાહણ નિગમ ભડ વગંબે પખ બે વડવારા,

ચારણ તારણ ખતરિયાં વેદગ વચારા,

ભલા સે ચારણ ભણાં દાતા સવચારા,

તંબર નાગ સવસંતે નરા અંધકારા.

(જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે ગદરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે; એવા ક્ષત્રિયોને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું! એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.)

નિશાણી ૩

નવગરે નરહા વડા ચૌં જગ લગ ચારણ,

વાહણ ફેરણ ગવરીવર, સગ લોગ સકારણ.

સાત દીપ વશ શુધ કળાં ત્રાગે કળ તારણ,

માથે ભારત, ત્રભે મન વડે વેર વડારણ,

તાય વડગણ વીનવાં નર વ્રે નારાયણ.

(એ નવેય નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છેઃ પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતેય દ્ધીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું અને વર્ણવું છું.)

નિશાણી ૪

સરુ સરાં જેમ માણસર, દણિયર દેવાળાં,

કળાં નવાં જેમ શેષફણ પાવસ પશવાળાં,

જેમ નરમલ ગંગજળ કોયણ ગરે અઠકળાં,

સાત સમંદ્રાં ખીરસર તવીએ ધ્રુવ તારાં,

રામ રઢાળાં રગવંશાં ગોરખ મેંદ્રાળાં.

એમ વરદાય વીહળ વડો ચારણ સકારાં.

(સરોવરમાં જેમ માનસરોવર, દેવોમાં જેમ સૂર્યદેવ, નવકુળ નાગમાં જેમ શેષનાગ, પશુપતિઓમાં જેમ ઇંદ્ર, નદીઓમાં ગંગા, આઠ કુલ ગિરિઓમાં જેમ મેરું (કોયણ), સાત સમુદ્રોમાં જેમ ખીરસાગર, તારાઓમાં જેમ ધ્રુવ, રઘુવંશમાં જેમ રામચંદ્ર, યોગીઓમાં જેમ ગોરખનાથ એમ ચારણોમાં શ્રેષ્ઠ ઇશ્વરી વરદાન પામેલો વીસળ ગણાય.)

નિશાણી ૫

વડ ચારણ ચવીએ વડો વરદાય વીહળ,

લખણ બત્રીસે લીળઘણ ચિત્ત ધ્રુવ અણચળ,

નરમલ નરહો નવનગર, જેડો ગંગાજળ,

ચોરાશી વ્રણ ચકવે વજિયો ડાડાવળ,

આફળ્યો સોઢે આંગમે દો માઝે મેળે દળ

આગળ રવિયો ધારઇં દિવાણે અણકળ.

(એવો ચારણોમાં શ્રેષ્ઠ, વરદાયી વીસળ, બત્રીસલક્ષણો, ઘણો શોભીતો, અચલાયમાન ચિત્તવાળો, નવેય નગરના ચારણોમાં નિર્મળ એ નરસો. જેવું નિર્મળ ગંગાજળ, ચોરાસીયે વર્ણમાં જે ‘ડાડાવળો’ કહેવાયો, જે અગાઉ સોઢાઓની સાથે લડેલો.)

નિશાણી ૬

શાત્રવ શેન શનાયા, શબળા શરતાણા,

રા’ પંચાળા ઉપરે ચડિયા દિવાણા,

શેષ સળક્કે ભારસું, કોરંભ કચકાણા,

ધર અંબર રવ્ય ધ્રોંખળો ઠાર ચડે અઠ્ઠાણા,

થાનકે વીહળ વાત થે નરહે નરહાણા,

દેવારિયા ડાડાવળે નરભે નિશાણા.

(શત્રુઓએ સૈન્ય સજ્યું. સબળ સુલતાન એ પાંચાળના રાજવી ઉપર ચડ્યો. એની સેનાના ભારથી શેષનાગ સળવળ્યા. કાચબો કચકચી ગયો. ધરતી, આકાશ અને રાત્રિ ધૂંધળાં બન્યાં, વીસળના થાનકમાં વાત થઇ, એટલે એ ડાડાવળે (વીસળે) યુદ્ધના નિર્ભય નિશાનો સામે દેખાડ્યાં.)

નિશાણી ૭

પાંડવ વેશ પ્રગટિયાં હેંથાટે હેંદળ,

અભંગ અશપત ઉપરે બળિયારે સાબળ,

ધોડ કરે ખગ ધૂણિયા કાબળ અણકળ,

બતત પેખે બરબિયો વીરત ડાડાવળ,

વેરિયાં પડ તાણાવિયો વઢવા કજ વીહળ,

નરહો કોઇ ભાજે નૈ ભેળનાં નરા ભળ.

નિશાણી ૮

વીહળ પૂછે વ્રાહ્મણાં સુણ કેસવ કંધાળા,

કણ પગલે સ્ત્રગ પામીએં પશતક નૈયાળા?

કૂંડે મરણ જે કરે, ગળે હેમાળાં,

કરવત ભેરવ કરે, શીખળ શખાળાં,

ત્રિયા ત્રંબાસ આપતળ જે મરે હઠાળા,

તે વર દિયાં વીહળા સ્ત્રગ થિયે ભવાળા.

(વિસળ (કેશવગરને) પૂછે છે, કે હે બ્રાહ્મણ. હે શૂરવીર કેશવ, કયે પગલે સ્વર્ગ પમાય એવું કોઇ પુસ્તક નિહાળ્યું છે તેં? (કેશવ કહે છેઃ) કૂંડાળે મરણ કરે, હિમાલયમાં ગાત્રો ગાળે, કાશીએ કરવત મુકાવે, ગિરનાર પણ ભૈરવજપ ખાય, સિંહની સામે લડી મરે, અબળા, ગાય કે પોતાના ગરાસ માટે જે હઠીલાઓ મરે, તે બધા સ્વર્ગે જાય, હે વરદાયી વીસળ!)

નિશાણી ૯

વીહળ રાબો, રાબો ધાનરવ, સૂરાં ગર સાજણ,

નાગાજણ, રવિયો, નગડ, મૂળિયો, લખમણ,

રૈયણ, સોયો, તેજરવ, સાધે સાંબસણ,

હઠમલ જોગડો ખીમરવ, મરવા હેક લડણ,

આંબર લાંગો આલગો નરદેવ ન્રભે પણ,

સજડે પાલો વેરસલ કેસરિયા વઢકણ,

વીરત કેસવ વ્રામણું બરંબે બ્રદઘણ,

આડા ઊભા આંબલી રઢમલ માંડે રણ.

(એક વીસળ રાબો, બીજો ધાનરવ રાબો, ત્રીજો શૂરવીર સાજણગર, ચોથો નાગાજણ, પાંચમો રવિયો, છઠ્ઠો લખમણ, ત્રણેય મૂળિયા ચારણઃ સાતમો તેજરવ સોયો, સામસામાં બાણ સાંદે તેવો તીરંદાજ; આઠમો ખીમરવ, મરવા માટે એકલો લડનારોઃ નવમો આલગો, નિર્ભય મનવાળો; પાલો અને વેરસલ, જે બંને કેસરિયા કહેવાતા, અને બારમો કેશવગર બ્રાહ્મણ, જેને ઘણાં ઘણાં બિરુદો હતાં. તે બધાએ આંબરડી ગામની આડે ઊભા રહીને રણસંગ્રામ માંડ્યો.)

નિશાણી ૧૦

ચાળ બંધે ચલ્લિયા લૂંવડ હઠાળા,

સાહંદા એ યારસું મુકલ મહેમંદા,

ખદાબદ ખેસખણ કરણ કહંદા,

જાવદા રેમાનજા વ્રત રોજ રહંદા,

પરિત્રિ-નંદા પરામખ વેરાગ વેહંદા,

ગાત્ર ગેહંદા ગજ્જણા લંક મેહંદા,

સગળા હંદા સારખા દરશણ દેહંદા.

(ચાળ બાંધીને એ લૂંવડ જાતના બારેય હઠીલા ચારણે ચાલ્યા. સામે મુગલો અને મોહમેદો છે, જેઓ સાદા રહેમાનનાં વ્રત રહેનાર છે. પરસ્ત્રીના ભોગી છે, પરાઙમુખ છે, વૈરાગ્યવિહિન છે. હાથી જેવા અંગોવાળા ગઝનીઓ છે. લંકાના યોદ્ધા જેવા છે. એવા તમામ સરખા યવનોએ દેખાવ દીધો.)

નિશાણી ૧૧

મીરા બચારા ત્રમખ્ખી જકે સ્ત્રવભ્રંખી,

કુંચ કુંવારી મોંયરખી મુંગલ અશમખ્ખી,

ધેધિંગર ધોમચખી જેરી વાણ વલંખી,

વાણ વલંખી વાત જે સરતાણ અસંખી

તાણે ટંક અઢાર કી એહડા તીર નથી,

તે વરદાય વીહળાસું વેધે વધંખી.

(તામસી, સર્વભક્ષી, મોં પર દાઢી રાખનાર, અશ્વ જેવા મોંવાળા મુગલો; ધીંગા અને ધોમચખ આંખોવાળા, જેની વાણી વસમી છે એવા અસંખ્ય સુલતાનોઃ અઢાર આયુધ બાંધનારા, તીર રાખનારા, એવા તમામ વીસળની સામે લડવા આવ્યા.)

નિશાણી ૧૨

સવાણી સનાયા ભારથ અબંગા,

મેરે બગતરા પાખરાં એહણાં લોહ અંગા,

હાથોડા રાંગાહળા ઝળંબા ઝંગા,

કંધ વ્રજ મેળાહકા સર ટોપ સચંગા,

જેડ લાહ જંજરિયા દીપે દોઅંગા,

જાણ કે મારગ મળિયા માલતાણ મલંગા.

નિશાણી ૧૩

દોહ કડે ખગ દાબિયા વામંગ કટારા,

હે હયડે હાથ કર પટા બે ધારા,

એડા નાખેડા અસે નાળે નળિયારા,

વઢવા કાજ ડાડાવળે કાબલ કંધારા,

ખાન અતંગા વંકડા હુવા હોહોકારા,

હેમર સા હણાયા હડા લાખ કંકડારા.

(કમ્મરની બન્ને બાજુ બબ્બે તરવારો દાબી, ડાભી ભેટમાં કટરા નાખી. બેધારા પટા સજ્યા. હોહોકાર થયો. ઘોડા હણહણવા લાગ્યા.

નિશાણી ૧૪

હે જલંગા હંસલા કમંધ મકરાણી,

શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,

ગરવર જંગા ગોહણા પે પંથા પાણી,

જાય શશંગી ઝોપિયા સજકિયા પતશાણી,

રેવતવંકા રાવતાં મખમલ પલાણી,

સવરે વજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

(જલંગા ઘોડા,, હંસલા ઘોડા, મારવાડી, અરબ્બી, ક્યાડા રંગના, માંકડા રંગના અને ખોરાસાણી ઘોડાઃ ગિરિવર ઉપર ચડી જાય તેવી જાંઘોવાળા; પાણીપંથા; તે સહુની ઉપર પાદશાહી પલાણો માંડ્યાં છે. જેવા રેવંતો (ઘોડા) છે, તેવા જ એના રાવતો (અશ્વપાળો) છે. મખમલનાં પલાણ માંડ્યાં છે એવાં ઘોડા ઉપર પઠાણો ચડ્યા છે.)

નિશાણી ૧૫

વીહળ માઝી વંકડા છત્રપત છોગાળા,

કળગર જેડા કેશવા નર જે નેઠાળા,

કેસરિયા બે આલગો ભાણેજ શખાળા,

તરકા અણશું આપતલ મચવે મેતાળા,

અભંગ ઘાયે આવિયા વાયે રકમાળા.

નિશાણી ૧૬

ધરે નતાળાં વાદ્યળાં બાંધે ખગાળાં,

સખ નપારાં સેહણાં રોશાળ રઢાળાં,

કુંત ઝબક્કે વીજળાં વજે ત્રંબાળાં,

બાણ વછૂટે સાવળાં ગાજે હથનાળાં,

રત વરશાળાં વાદળાં જાણે કે સખરાળાં,

વડેવધ વશધરા વડાં ભોપાળાં.

(નતાળ (તાળ વિનાનાં નગારાં) વાગ્યાં, તરવારો બંધાણી, ભાલાં ઝબૂક્યાં, ત્રંબાળ વાગ્યાં, બાણો વછૂટ્યાં, હાથનાળો (બંદૂકો) ગાજી.)

નિશાણી ૧૭

સીંગણ છટે ભારસું હથનાળ વછટ્ટે

સાબળ ફૂટે સોંસરા સૂરા સભટ્ટે

વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટા પ્રાછટ્ટે

ત્રૂટે ઝંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે

(ગલોલીઓ જોરથી છૂટવા લાગી. હાથનાળો વછૂટવા લાગી. ઢાલો સોંસરવી વીંધાવા લાગી, શૂરવીરોનાં હૈયાં વચ્ચે જખમો પ્રગટવા લાગ્યાં.)

રજિયતમલ કે રતનશી આગળ એમ અખે,

જે ખૂની પતશાવરા સો નરહો રખે,

અશપત ગજપત ઉપરે દજડો શંક દખે

સવણે વેઅણસે સાંભળે કાબલ વધંખે,

વીહળ કેમ વેણીએ ખાંગા કેમ પખે,

કેમ સૂરત મંગળી દળમળ અસંખે,

ચોટાળો કરમણ સરસ ભારી ગ્રંથ ભખે.

(આ કાવ્યના કેટલાક અર્થો સૂઝી શક્યા નથી.)

હોથલ

(પ્રેમશૌર્યની કોઇ વિરલ પ્રતિમાસમી, સ્ત્રીત્વ અને પુરુષત્વની સંગમ-ત્રિવેણીસમી ને જગતમાં કોઇ મહાકાવ્યને શોભાવે તેવી આ હોથલ પદ્મણી છૂટાછવાયા લેખોમાં કે નાટકોમાં આલેખાઇ ગયાં છતાં તેની કંઇક સબળ રેખાઓ અણદોરી રહી છે.

હોથલનું એ વીસરાતું વીરાંગનાપદ પુનર્જીવન માગે છે - નાટકીય શૈલીએ નહિ, પણ શુદ્ધ સોરઠી ભાવાલેખન દ્ધારા. વળી, એ પ્રેમવીરત્વની ગાથાના સંખ્યાબંધ દોહાઓ પમ સાંપડ્યા છે. એનો પરિચય પણ જીવતો કરવાનો ઉદ્દેશ છે. દુહાઓ મિશ્ર સોરઠી-કચ્છી વાણીના છે.)

કચ્છની ઠકરાત કિયોર કકડાણાને પાદર ત્રંબાળું ઢોલ ધડૂકે છે. મીઠી જીભની શરણાઇઓ ગુંજી રહી છે. નોબત ગડેડે છે. માળિયે બેઠેલી ઠકરાણી પોતાની દાસીને પૂછે છેઃ “છોૅકરી, આ વાજાં શેનાં?”

“બાઇ, જાણતાં નથી? બેસો અસવારે ઓઢો જામ આજ આઠ મહિને ઘેર આવે છે. એની વધાઇનાં આ વાજાં. ઓઢો ભા-તમારા દેવર.”

“એમાં આટલોે બધો ઉછરંગ છે?”

“બાઇ, ઓઢો તો કિયોર કકડાણાનો આતમરામ. ઓઢો તો શંકરનો ગણ કહેવાય. એની નાડી ધોયે આડાં ભાંગે. અને રૂપ તો જાણે અનિરુદ્ધનાં.”

“ક્યાંથી નીકળશે?”

“આખી અસવારી આપણા મો’લ નીચેથી નીકળશે.”

“મને એમાંથી ઓઢો દેખાડજે.”

હૈડાં હલબલિયાં

અસવારી વાજતેગાજતે હાલી આવે છે. ડેલીએ ડેલીએ કિયોર કકડાણાની બે’ન દીકરીઓ કંકુ-ચોખા છાંટીને ઓઢા જામનાં ઓવરાણાં લે છે અને સોળ શણગાર સજીને ગોખમાં બેઠેલી જુવાન મીણલદે આઘેથી કેસરી સિંહ જેવી નિર્મળ આંખલડીઓવાળા દેવરને ભાળી ભાળીને શી ગતિ ભોગવી રહી છે!

ઓઢે બગતર ભીડિયાં, સોનાજી કડિયાં,

મીનળદે કે માયલાં, હૈડાં હલબલિયાં.

(હેમની કડીઓ ભીડેલા બખતરમાં શોભતો જુવાન જોદ્ધો ભાળીને ભોજાઇનાં હૈયાં હલી ગયાં.)

‘વાહ ઓઢો! વાહ ઓઢો! વાહ ઓઢો!’ એવાં વેણ એનાથી બોલાઇ ગયાં. સામૈયું ગઢમાં ગયું.

પ્રભાતને પહોરે જદુવંશી જાડેજાઓનો દાયરો જામ્યો છે. સેંથા પાડેલી કાળી કાળી દાઢીઓ જાડેજાઓને મોઢે શોભી રહી છે. કસુંબાની છાકમછોળ ઊડી રહી છે. ઓઢો જામ પોતાની મુસાફરીનાં વર્ણનો કરે છે. દેશદેશના નવા સમાચાર કહેવા-સાંભળવામાં ભાઇ ગરકાવ છે. પોતાનાં શૂરાતનની વાતો વર્ણવતા ઓઢાની જુવાની એના મુખની ચામડી ઉપર ચૂમકીઓ લઇ રહી છે ત્યાં તો બાનડી આવીઃ

“બાપુ, ઓઢા જામને મારાં બાઇ સંભારે છે.”

“હા હા, ઓઢા, બાપ, જઇ આવ, તું ને તારી નવી ભોજાઇ તો હજુ મળ્યાંયે નથી.” એમ કહીને બુઢ્‌ઢા જામ હોથીએ ઓઢાને મીણલદેને ઓરડે મોકલ્યો.

વાળે વાળે મોતી ઠાંસીને મીણલદે વાટ જુએ છે. આંખમાં કાજળ ચળકારા કરે છે. કાને, કંઠે, ભુજા ઉપર અને કાંડે આભરણ હીંડોળે છે. મોટા મહિપતિને મારવા જાણે કામદેવે સેના સજી છે.

ઓઢે કેસરિયાં પેરિયાં, આંગણ ઉજારો,

દીઠો દેરજો મોં તડે, સૂર થિયો કારો.

(કેસરિયા પોશાકમાં શોભતો દેવર દાખલ થયો ત્યાં તો ઓરડે અજવાળાં છવાયાં. દેરનું મોઢું દેખાતાં સૂરજ ઝાંખો પડ્યો.)

ઓઢે કેસરિયા પેરિયાં, માથે બંધ્યો મોડ,

દેરભોજાઇ આપણે, મળિયું સરખી જોડ.

(આહાહા! વિધાતાએ તો મારી અને ઓઢાની જ જોડી અરજી. પણ મારાં માવતર ભૂલ્યાં.)

“માતાજી! મારા જીવતરનાં જાનકીજી! તમે મારા મોટાભાઇના કુળઉજાળણ ભલે આવ્યાં,” એમ કહીને લખમણજતિ જેવા ઓઢાએ માથું નમાવ્યું.

“હાં, હાં, હાં, ઓઢા જામ, રે’વા દો,” એમ કહી ભોજાઇ દોડી, હાથ ઝાલીને દેવરને ઢોલિયા ઉપર બેસાડ્યા માંડી -

ઓઢા મ વે ઉબરે, હી પલંગ પિયો,

આધી રાતજી ઊઠિયાં, ઓઢો યાદ અયો.

(એ ઓઢા જામ, તું સાંભર્યો અને અધરાતની મારી નીંદર ઊડી ગઇ છે. થોડા પાણીમાં માછલું ફફડે તેમ ફફડી રહી છું. આવ, પલંગે બેસ. બીજી વાત મેલી દે.)

ઓઢો ભોજાઇની આંખ ઓળખી ગયો. દેવતા અડ્યો હોય ને જેમ માનવી ચમકે એમ ચમકીને ઓઢો આઘો ઊભો રહ્યો. “અરે! અરે, ભાભી!”

હી પલંગ હોથી હીજો, હોથી મુંજો ભા,

તેંજી તું ઘરવારી થિયે, થિયે અસાંજી મા.

(તારા ભરથાર હોથીનો આ પલંગ છે. અને હોથી તો મારો ભાઇ, એની તું ઘરવાળી. અરે, ભાભી, તું તો મારે માતાના ઠેકાણે.)

ચૌદ વરસ ને ચાર, ઓઢા અસાં કે થિયાં,

નજર ખણી નિહાર, હૈડાં ન રયે હાકલ્યાં.

(ભાભી બોલીઃ મને અઢાર જ વર્ષ થયાં છે. નજર તો કર, મારું હૈયું હાકલ્યું રહેતું નથી.)

ગા ગોરણી ગોતરજ, ભાયાહંદી ભજ,

એતાં વાનાં તજિજએ, ખાધોમાંય અખજ.

(ઓઢે કહ્યુંઃ એક તો ગાય, બીજી ગોરાણી, ત્રીજી સગોત્રી અને ચોથી ભાઇની સ્ત્રી, એ ચારેય અખાજ કહેવાય.)

ઓઢો પાછો વળ્યો. અગ્નિની ઝાળ જેવી ભોજાઇ આડી ફરી. બહુ પહોળા કર્યા. ઓઢાએ હાથ જોડીને કહ્યું કે -

ન હુવ રે ન થિયે, ન કઢ એડી ગાલ,

કચો લાગે કુલકે, કેડો મેડિયાં માલ.

(એ ભાભી, એ ન બને, એ વાત છોડી દે. કુળને ખોટ બેસે.)

“ઓઢા, ઓઢા, રહેવા દે, માની જા, નીકર -

ઉઢા થીને દુઃખિયો, ઝંઝો થીને દૂર,

છંડાઇસ કેરોકકડો, વેંદો પાણીજે પૂર.

(દૂઃખી થઇ જઇશ. કેરાકકડાના સીમાડા છાંડવા પડશે. પાણીના પૂરમાં લાકડું તણાય એમ બદનામ થઇ નીકળવું પડશે.)

બોલ્યા વગર ઓઢો ચાલી નીકળ્યો. મીણલદે ભોંઠી પડીને થંભી ગઇ.

દેશવટો

“અરે ટાણી! આ મો’લમાં દીવા કાં ન મળે? આ ઘોર અંધારું કેમ? તમે ટૂટમૂટ ખાટલીમાં શીદ પડ્યાં? ને આ લૂગડાં ચિરાયેલાં કેમ?”

આંસુડાં પાડીને રાણી બોલીઃ “તમારા ભાઇનાં પરાક્રમ!”

“મારો લખમણજત! મારો ઓઢો?”

“ઠાકોર, મને અફીણ મગાવી આપો. ઘોળીને પી જાઉં. તમારા લખમણજતિને જાળવજો ખુશીથી. તમારા રાજમહેલમાં રજપૂતાણી નહિ રહી શકે.”

બુઢ્‌ઢો હોથી સ્ત્રીચરિત્રને વશ થઇ ગયો. સવાર પડ્યું ત્યાં કાળો જાંબુમોર ઘોડો અને કાળો પોશાક ઓઢાની ડેલીએ હાજર છે.

દેશવટાની તૈયારી કરતાં ઓઢાને મીણલદેએ ફરી વાર કહેવરાવ્યુંઃ

માને મુંજા વેણ, (તો) વે’તા લદા વારિયાં,

થિયે અસાંજા રોણ, તો તજ મથ્થે ઘોરિયાં.

(હજુ મારાં વેણ માન, તો તારા વહેતા ઉચાળાને પાછા વાળું. જો મારો પ્રિયતમ થા, તો તારા માથે હું ઘોળી જાઉં.)

મિયા ભરીને માલ, ઓઢે ઉચારા ભર્યા,

ખીરા, તોં જુવાર, સો સો સલામું સજણાં.

(ઉંટને માથે પોતાની ઘરવખરી નાખી, કાળો પોશાક પહેરી, કાળે ઘોડે સવાર થઇ, પોતાના બસો અસવારને લઇને ઓઢો દેશવટે ચાલી નીકળ્યો અને કિયોર કકડાણાના ખીરા નામના ડુંગરની વિદાય લેતાં ઓઢાએ ઉચ્ચાર કર્યો કે, હે ભાઇ ખીરા, હે મારા સ્વજન, તને આજ સો સો સલામો કરું છું.)

ખીરાં, તોં જુવાર, સો સો સલામું સપરી,

તું નવલખો હાર, ઓઢા વિસારિયો.

વીસળદેવને ઘેર

પોતાના મશિયાઇ વીસળદેવ વાઘેલાની રાજધાની પીરાણા પાટણ (ધોળકા)ની અંદર આવીને ઓઢે આશરો લીધો છે. એક દિવસ બન્ને ભાઇઓ ખાવા બેઠા છે. ભોજનની થાળી આવીને બટકું ભાંગીને વીસળદેવે નિસાસો મેલ્યો.

ખાવા બેઠો ખેણ, વીસળે નિસાસો વયો,

વડો મથ્થે વેણ, બિયો બાંભણિયા તણો

“અરે હે ભાઇ વીસળદેવ! અન્નદેવતાને માથે બેસીને ઊંડો નિસાસો કાં નાખ્યો? એવડાં બધાં તે શા ગુપ્ત દુઃખ છે તારે, બેલી?” ઓઢાએ ભાઇને પૂછ્યું.

વીસળદેવે જવાબ દીધો કે “હે બેલી, બાંભણિયા બાદશાહનાં મે’ણાં મારે માથે રાત-દિવસ ખટક્યા કરે છે. નગરસમોઇની સાત વીસું સાંઢ્યો જ્યાં સુધી હું ન કાઢી આવું, ત્યાં સુધી હું અનાજ નથી ખાતો, ધૂળ ફાકું છું.”

“બાંભણિયાની સાંઢ્યું? ઓહો, પારકરની ધરતી તો મારા પગ તળે ઘસાઇ ગઇ. પલકારામાં સાંઢ્યું વાળીને હાજર કરું છું. મારા બસો જણ બેઠા બેઠા તારા રોટલા ચાવે છે. એને હક કરી આવું,” એમ કહીને કટક લઇને ઊપડ્યો.

ઓઢે સરવર પાર, નજર ખણી નિયારિયું,

એક આવે અસવાર, નીલો નેજો ફરુકિયો.

અકે તળાવડીને આરે ઓઢો જામ તડકા ગાળવા બેઠેલ છે. વાયરામાં લૂ વરસે છે. હરણાંનાં માથાં ફાટે એવી વરાળ ધરતીમાંથી નીકળે છે. એમાં આંખો માંડીને ઓઢે જોયું તો તડકામાં એક ઘોડેસવાર ચાલ્યો આવે છે. આસમાનને માપતો એનો ભાલો રમતો આવે છે. લીલી ધજા ફરકે છે. અસવારના અંગ ઉપરનું કસેલું બખતર ઝળકારા કરતું આવે છે.

કૂકડાની ગરદન જેવું ઘોડાનું કાંધ, માથે બેઠેલ અસવાર, અને ઘોડાના પૂંછડાનો ઊડતો ઝંડો, એમ એક અસવાર, ત્રણ-ત્રણ અસવારો દેખાડતો આવે છે. સીમાડા ઉપર જાણે બીજો સૂરજ ઊગ્યો!

ઓઢાના અસવાર માંહોમાંહી વહેંચણ કરવા મંડ્યાઃ “ભાઇ, ઇ મુસાફરનો ઘોડો મારો!” - “ઘોડાનો ચારજામો મારો!” - “અસવારનું બખતર મારું!” - “આદમીનો પોશાક મારો!”

સામી પાળે પોતાના ઘોડાને પાણી પાતો અસવાર આ લૂંટારાઓની વાતો કાનોકાન સાંભળી રહ્યો છે. મરક મરક હસે છે. જરાક પરચો તો દેખાડું, એમ વિચારીને એણે ઘોડાનો તંગ તાણ્યો. એવો તંગ તાણ્યો કે -

તેજી તોળ્યો ત્રાજવે, જેમ બજારે બકાલ,

માર્યો કેનો નૈ મરે, ગાંડી મ કૂજ્યો ગાલ.

જેમ વેપારી ત્રાજવું ઊંચું કરે તેમ ઘોડાને તોળી લીધો! એ જોઇને ઓઢો બોલ્યો, “એ રજપૂતો! ચીંથરાં ફાડો મા; આમ તો જુઓ! ડુંગરા જેવડા ઘોડાને જેણે તંગમાં ઊંચો ઉપાડી લીધો, એવો જોરાવર આદમી કોઇનો માર્યો મરે નહિ. અને જોરાવર ન હોત તો એકલવાયો નીકળત નહિ. એને લૂંટવાની ગાંડી વાતો છોડી દ્યો!”

ત્યાં તો અસવાર લગોલગ આવી પહોંચ્યો. મોઢે મોસરિયું બાંધ્યું છે, મૂછનો દોરોય હજુ ફૂટ્યો નથી, ઘૂમતા પારેવાા જેવી રાતી આંખ ઝગે છે, ભમ્મરની કમાનો ખેંચાઇને ભેળી થઇ ગઇ છે, મં ઉપર મીટ મંડાય નહિ એવો રૂડો અને કરડો જુવાન નજીક આવી ઊભો.

અહાહાહા! ઓઢા જામના અંતરમાં ટાઢો શેરડો પડી ગયો. સાહેબધણીએ સંસારમાં શું રૂપ સરજ્યું છે! ને આવડી અવસ્થાએ અને આવે વેશે આ વીર પુરુષ બીજે ક્યાં જાય? કોઇક ગઢને ગોખે વાટ જોતી મૃગનેનીને મળવા જાતો હોય, ને કાં મલીને પાછો વળતો હોય, એવા દીદાર છે. સગો ભાઇ હોય, બાળપણનો ભેરુબંધ હોય, એવું હેત મારા કલેજામાં આજ કાં ઊગે?

“કાં રજપૂતો!” સવારે પડકાર દીધોઃ “મને લૂંટવો છે ને તમારે? શૂરવીરો, એમાં કાં ભોંઠા પડો? ઊઠો. કાં અક્કેક જણ આવી જાઓ, ને કાં સહુ સાથે ઊતરો; જોર હોય તો મારાં લૂગડાંઘરેણાં આંચકી લ્યો.”

રજપૂતો એકબીજાની સામે જોવા લાગ્યા. હસીને ઓઢો બોલ્યોઃ “માફ કરો, મારા ભાઇ, મનમાં કાંઇ આણશો મા. મારા રજપૂતોએ ભૂલ કરી. ઊતરો, બા, કસુંબો લેવા તો ઊતરો.”

“ના, ના, એમ મારાથી ન ઊતરાય. તમ સરખા શૂરવીરના દાયરામાં હું કેમ શોભું? અરે દાયરાના ભાઇઓ, આમ જુઓ. આ ખીજડાનું ઝાડ જોયું? એના થડમાં હું તીર નાખું. તમે એને ખેંચી કાઢો એટલે બસ. બાકીનું બધું તમારું!”

એમ કહી અસવારે ખભેથી ધનુષ્યની કમાન ઉતારી. ત્રણસો ને સાઠ તીરનો ભાથો ભર્યો છે એમાંથી એક તીર તાણીને કમાન ઉપર ચડાવ્યું. ઘોડાના પેંગડા ઉપર ઊભો થઇ ગયો. કાન સુધી પણછ ખેંચીને તીર છોડ્યું. હવામાં ગાજતું જતું તીર આંખના પલકારા ભેગું તો ખીજડાના થડમાં ખૂંતી ગયું. ફક્ત તીરની લાકડી ચાર આંગળ બહાર રહી.

રજપૂતોના શ્વાસ ઊંચે ચડી ગયા. ઓઢો જામ અસવારના મોં સામે જોઇને ફૂલોલ છાતીએ બોલી ઊઠ્યોઃ “વાહ બાણાવળી! વાગ ધનુર્ધારી! વાહ રે તારી જનેતા! ધન્યભાગ્ય તારાં વારણાં લેનારી રજપૂતાણીનાં! વાહ રજપૂતડા!”

ઝાડે ઘાવ ન ઝીલિયો, ધરતી ન ઝીલે ભાર,

નૈ કાળા મથ્થાજો માનવી, અંદરજો અવતાર.

(આ ઝાડે પણ જેનો ઘા ન ઝીલ્યો અને ધરતી જેનો ભાર ન ઝીલ્યાથી પગ નીચે કડાકા કરે છે, એ પુરુષ કાળા માથાનો માનવી નહિ, પણ સાચોસાચ ઇન્દ્રનો અવતાર દીસે છે.)

અસવારે હાકલ દીધી.ઃ “ઠાકોરો! ઊઠો, કોઇક જઇને એ તીર ખેંચી લાવો તો પણ હું સરસામાન સોંપી દઉં.”

રજપૂતો ઊઠ્યા, ચાર આંગળની લાકડી ખેંચવા મંડ્યા પણ તીર ચસ દેતું નથી.

“જુવાનો, ઉતાવળા થાઓ મા. ફરીને બળ વાપરો.”

પણ ઓઢાના યોદ્ધા શરમાઇ ગયા એટલે અસવાર પોતે ચાલ્યો. જઇને તીર તાણ્યું. જેમ માખણનાં પિંડામાંથી મોવાળો ખેંચાય તેમ તીર ખીજડામાંથી ખેંચાઇ આવ્યું.

અજાણ્યા પરદેશીનાં એક પછી એક શૂરાતન જોઇ જોઇને ઓઢાને લોહી ચડતું જાય છે. પોતાનો નાનેરો ભાઇ પરાક્રમ દાખવતો હોય તેમ ઓઢો ઓછો ઓછો થઇ રહ્યો છે. ઓઢો ઊઠ્યો. બાવડું ઝાલીને અસવારને ઘોડેથી ઉતારી લીધો. ઘોડાના ઘાસિયા પાથર્યા હતા, તેની ઉપર બેસાડીને પ્રેમભીની નજરે ઓઢાએ પૂછ્યુંઃ

ઓઢો મુખથી આખવે, જાણાં તોજી જાત,

નામ તો હોથી નગામરો, સાંગણ મુંજો તાત.

“બેલીડા! તમારું નામ, ઠામ, ઠેકાણું તો કહો.”

“મારું નામ હોથી નગામરો. સાંગણ નગામરો મારો બાપ થાય. મારું હુલામણું નામ એકલમલ્લ.”

“એકલમલ્લ!” નામ લેતાં તો ઓઢાનાં ગલોફાં જાણે ભરાઇ ગયાંઃ “મીઠૂં નામ! ભારી મીઠું નામ! શોભીતું નામ!”

“અને તમારું નામ, બેલી?” એકલમલ્લે પૂછ્યું.

“મને ઓઢો જામ કહે છે.”

“આ હા હા હા! ઓઢો જામ તમે પોતે? ઓઢો કિયોરનો કહેવાય છે એ પંડે? ભાભીએ દેશવટો દેવાર્યો એ કચ્છમાં અમે જાણ્યું હતું. પણ કારણ શું બન્યું’તું, ઓઢા જામ?”

“કાંઇ નહિ, બેલી! એ વાત કહેવરાવો મા. હોય, માટીના માનવી છીએ, ભૂલ્યાં હશું.”

“ના, ના, ઓઢા જામ! હનુમાનજતિ જેવો ઓઢો એવું ગોથું ખાય નહિ. કચ્છનો તો પાપીમાં પાપી માણસ પણ એવું માને નહિ.”

“બેલી! આપણે પરદેશી પંખીડાં કહેવાઇએ. કરમસંજોગે ભેળાં મળ્યાં. હજી તો આંખોની જ ઓળખાણ કહેવાય. બે ઘડીની લેણાદેણી લૂંટી લઇએ, જુદાઇની ઘડી માથે ઊભી છે. કલેજાં ઉઘાડીને વાતો કરવા જેટલો વખત નથી. માટે મેલો એ વાતને. આવો, કસુંબા પિયે.”

ઓઢાએ ને એકલમલ્લે સામસામી અંજલિ ભરી. એકબીજાને ગળાના સોગંદ આપીને અમલ પિવરાવ્યાં. પીતાં પીતાં થાકતા નથી. હાથ ઠેલતાં જીવ હાલતો નથી. કસુંબાની અંજલિઓમાં એક બીજાનાં અંતર રેડાઇ ગયાં છે. અમલ આજ અમૃતના ઘૂંટડા જેવું લાગે છે. જેમ -

મૂંમન લાગી તુંમનાં, તુંમનાં લાગી મૂં,

લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી વળુંભ્યાં લૂણ.

જાણે લૂણ-પાણી ઓગળીને એકરસ થઇ જાય તેવાં સામસામાં અંતર પણ એકકાર થઇ ગયાં. મુખે ઝાઝું બોલાતું નથી. ઓઢો વિચાર કરે છે કે ‘હે કિસ્મત! આ બસોને બદલે એકલો એકલમલ્લ જ મારી સંગાથે ચડ્યો હોય, તો આભજમીનના કડાં એક કરી નાખતાં શી વાર?’

એકલમલ્લે પૂછ્યુંઃ “ઓઢા જામ, કેણી કોર જાશો?”

“ભાઇ, નગરસમોઇનાં બાંભણિયા બાદશાહની સાંઢ્યું કાઢવા, કેમ કે, એ કારણે પીરાણા પાટણનો ધરી મારો મશિયાઇ વીસળદેવ પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખીને ધાન ખાય છે. પણ તમે ક્યાં પધારો છો?”

એકલમલ્લે મોઢું મલકાવ્યુંઃ “બેલી, એક જ પંથે - એક જ કામે.”

“ઓહોહો! ભારે મજાનો જોગ; પણ તમે કોની સારુ ચડ્યા છો?”

“ઓઢા જામ! કનરા ડુંગરની ગુંજમાં અમારાં રહેઠાણ છે. બાપુ મૉતન સમજાઇમાં પડ્યા. છેલ્લી ઘડીએ જીવ નીકળતો નહોતો. એને માથેય બાંભણિયાના વેર હતાં. બાંભણિયાની સાંઢ્યો લાવવાની પ્રતિજ્ઞા અધૂરી રહેતી હતી, એટલે બાપુનો જીવ ટૂંપાતો હતો. મેં પાણી મેલ્યું અને બાપુને સદ્‌ગતિ દીધી.”

“એકલમલ્લ ભાઇ! આપણે બેય સાથે ચડીએ તો?”

“ઓઢા જામ; સાથે ચડીએ, પણ મારો કરાર જાણો છો? મહેનત અને કમાણી, બેયમાં સરખો ભાગઃ અરધમાં તમે બધા અને અરધમાં હું એકલોઃ છે કબૂલ?”

ઓઢો કબૂલ થયો. પણ ઓઢાના રજપૂતો રાઇતું મેળવવા મંડ્યા.

ભાઇબંધી

પડખોપડખ ઘોડા રાખીને બેય ભેરુબંધ હાલ્યા જાય છે. પારકરની ધરતીના તરણેતરણાને જાણે કે એકલમલ્લ ઓળખતો હોય તેમ ઝાડવાં, દેવસ્થાનો, નદીનાળાં અને ગઢકાંગરાનાં નામ લઇ લઇ ઓઢાને હોંશે હોંશે ઓળખાવતો જાય છે. બેય ઘોડા પણ એકબીજાનાં મોં અડકાડતા, નટવાની જેમ નાચ કરતા કરતા, નખરાંખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે.

બરાબર રાતને ચોથે પહોરે નગરસમોઇને ગઢે પહોંચ્યા. એ કોટમાં સાતવીસ સાંઢ્યો પુરાય છે. દેવળના થંભ જેવા પગવાળી, રેશમ જેવી સુંવાળી રુંવાટીવાળી, પવનવેગી અને મનવેગી - એવી અસલ થળની સાતવીસ સાંઢ્યો તો બાંભણિયા બાદશાહનાં સાચાં સવા-લમાં મોતી જેવી છે.

રાતોરાત પચાસ-પચાસ ગાઉની મજલ ખેંચીને એ પંખિણી જેવી કે સાંઢ્યો બાંભણિયાને ઘેર લૂંટનો માલ પહોંચાડે છે. એનો ચોકીદાર રૂડિયા રબારી હોય ત્યાં લગી ઘાણીને ૧ બારણે ચડવાનીયે કોેની મગદૂર? રડિયાનો ગોબો જેની ખોપરી ઉપર પડે એના માથાનાં કાછલાં થઇને ઊડી પડે. પણ આજ ઘાણી ઉપર રૂડિયો નથી. બીજા ચોકીદારોની આંખ મળી ગઇ છે.

એકલમલ્લ બોલ્યોઃ “ભાઇ ઠાકોરો, બોલો, કાં તો હું ઘાણીનો ઝાંપો તોડું અને તમે સાંઢ્યો હાંકીને ભાગો, કાં તો તમે ઝાંપો તોડો તો હું સાઢ્યો લઇ જાઉં.”

“એકલમલ્લ, તમે ઝાંપો તોડો, અમે સાંઢ્યો બહાર કાઢશું.”

રજપૂતોએ એકબીજાની સામે આંખોના મિચકારા કરીને જવાબ દીધો.

એકલમલ્લ હાલ્યો. ઝાંપાની નીચે જગ્યા હતી. હેઠળ પેસીને એકલમલ્લે પોતાની પીઠ ભરાવી, ધીરે ધીરે જોર કર્યું. ઝાડના થડનો તોતિંગ ઝાંપો ધરતીમાં ઊંચકાવી નાખીને આઘે ફગાવી દીધો.

રજપૂતો દોડ્યા સાંઢ્યો કાઢવા, પણ સાંઢ્યો નીકળતી નથી. ગલોફાં ફુલાવીને ગાંગરતી ગાંગરતી સાંઢ્યો આડીઅવળી દોડે છે. રજપૂતોનાં માથાંને બટકાં ભરવા ડાચાં ફાડે છે. એકલમલ્લ ઊભો ઊભો રજપૂતોનું પાણી માપે છે.

ત્યાં ચોકીદાર જાગ્યા. હાકલા-પડકારા ગાજી ઊઠ્યા. બાંભણિયાના ગઢમાં બૂમ પડી કે ‘ચોર! સાંઢ્યુંના ચોર!’ નગારાને માથે ધોંસા પડ્યા. અને રજપૂતોએ કાયર થઇને કરગરવા માંડ્યુંઃ “એકલમલ્લભાઇ, હવે અમારી આબરૂ તારા હાથમાં...”

“બસ, દરબારો! શૂરાતન વાપરી લીધું? સાંઢ્યો લેવા આવતાં પહેલાં ઇલમ તો જાણવો’તો!” એમ કહીને એકલમલ્લે ભાથામાંથી તીર તાણ્યું. એક સાંઢ્યના ડેબામાં પરોવી દીધું. લોહીની ધાર થઇ તેમાં પોતાની પછેડી લઇને ભીંજાવી. ભાલા ઉપર લોહિયાળી પછડી ચઢાવી એક સાંઢ્યને સૂંઘાડી અને પછેડી ફરફરાવતો પોતે બહાર ભાગ્યો.

લોહીની ગંધે સાતે વીસ સાંઢ્યોએ દોટ દીધી. મોખરે લોહિયાળા લૂગડાને ભાલા ઉપર ફરકાવતો એકલમલ્લ દોડ્યો જાય છે અને વાંસે એક સો ને ચાલીસ સાંઢ્યો ગાંગરતી આવે છે.

“વાહ એકલમલ્લ! વાહ એકલમલ્લ! વાહ બેલીડા!” એમ ઓઢો ભલકારા દેતો આવે છે.

ત્યાં તો સૂરજ ઊગ્યો. વાંસે જુએ છે તો દેકારા બોલતા આવે છે. ધરતી ધણેણી રહી છે. આભમાં ડમરી ચડી હોય તેમ બાંભણિયાની વહાર વહી આવે છે. એકલમલ્લ બોલ્યોઃ “રજપૂતો! કાં તો તમે સાંઢ્યોને લઇ ભાગી છૂટો, ને કાં આ વારને રોકો.”

રજપૂતો કહેઃ “ભાઇ! તમે વારને રોકો. અમે સાંઢ્યોને લઇ જઇને સરખા ભાગ પાડી રાખશું!”

એકલમલ્લના હાથમાંથી લોહિયાળા લૂગડાનો નેજો લઇ રજપૂતો હાલી નીકળ્યા. પાળેલી ગાયોની પેઠે સાતે વીસ સાંઢ્યો વાંસે દોડી આવે છે. પોતાના લોહીણી ઘ્રાણ એને એવી મીઠી લાગે છે.

“ઓઢા જામ! તમેય ભાગો. શીદ ઊભા છો? મારી પાછળ મોટું કટક આવે છે, તમે બચી છૂટો.” એકલમલ્લ બોલ્યો.

“બેલી, કોના સારુ બચી છૂટું? કોઇનો ચૂડો ભાંગવાનો નથી.”

“અરે, કોઇક બિચારી રાહ જોતી હશે.”

એમ મૉતના ડાચામાં ઊભા ઊભા બેય જુવાનો મીઠી મીઠી મશ્કરીઓ કરી રહ્યા છે. એકલમલ્લે ઘોડા ઉપરથી પલાણ ઉતારી, સામાન આડોઅવળો નાખી, ઘોડાને ખરેરો કરવા માંડ્યો.

“એર, એકલમલ્લભાઇ! આવી રીતે મરવું છે? વાર હમણાં આંબશે, હો!”

“આંબવા દ્યો, મોઢા જામ! તમે આ ઘાસિયા ઉપર બેસો. જો મરવું જ છે, તો મોજ કરતાં કાં ન મરવું?”

બાંભણિયાની ફોજનો ફોજદાર આઘેથી જોઇ રહ્યો છેઃ “વાહ અલ્લા! વાહ તારી કરામત! બેય દુરાશન ધરપત કરીને બેઠા છે - કેમ જાણે આપણે કસુંબો પીવા આવતા હોઇએ!”

“એઇ બાદશાહ!” એકલમલ્લે ઘોડાને ખરેરો કરતાં કરતાં અવાજ દીધોઃ “પાછો વળી જા. એઇ લાખોના પાળનાર, પાછો વળી જા. તારી બેગમ ધ્રુસકે ધ્રુસકે રોશે.”

ખડ! ખડ! ખડ! ફોજ હસી પડી. એકલમલ્લે અસવાર થઇને ઘોડો કુદાવ્યો. તીર કામઠાં ઉપાડ્યાં.

પેલે વેલે બાણ, પૂવે તગારી પાડિયા,

કુદાયા કેકાણ, હોથી ઘોડો ઝલ્લિયે.

(પહેલે જ તીરે પાદશાહના ડંકાવાળાને પાડી દીધો, ડંકો ધૂળમાં રોળાણો.)

તોય બાભણિયાનો સેનાપતિ દરિયલખાન ચાલ્યો આવે છે. એકલમલ્લે ધનુષ્ય ઉપાડ્યું, તીર ચડાવ્યું, કાન સુધી પણછ ખેંચી પડકાર્યુંઃ “બાદશાહ, તારી થાળીમાં લાખોના કોળિયા કહેવાય. તને મારું તો પાપી ઠરું; પણ તારું છત્તર સંભાળજે.”

એકલમલ્લના ધનુષ્યમાંથી સુસવાટ કરતું તીર છૂટ્યું. બાંભણિયાનું છત્ર ઉપાડી લીધું.

બીજે ઘાયે બાણ, પૂવે છત્તર પાડિયો,

કુદાયા કેકાણ, હોથી હલ્લી નીકળ્યો.

(છત્ર પાડ્યું, ઘોડો ઠેકાવ્યો અને એકલમલ્લ ચાલી નીકળ્યો. તાજુબીમાં ગરક થઇને બાંભણિયો થંભી ગયો.)

“વાહ, રજપૂત, વાહ વાહ!” એમ બોલીને દરિયલખાન સેનાપતિ પૂછે છેઃ

માડું તોં મુલાન, તું કિયોરજો રાજિયો,

પૂછે દરિયલખાન, રૂપ સોરંગી ઘાટિયો.

(માનવી, તું એવો બહાદુર કોણ? તું પોતે જ શું કિયોરનો રાજા ઓઢો?)

નૈ માડું મુલાન, નૈ કિયોરજો રાજિયો,

ખુદ સુણ દરિયલખાન, (હું) ચાકર છેલ્લી બાજરો.

(હે સેનાપતિ, હું તો ઓઢા જામની છેલ્લી પંગતનો લડવૈયો છું. મારાથી તો સાતગણા જોરાવર જોદ્ધા આખે માર્ગે ઊભા છે. માટે પાછા વળી જાઓ. નીકર કબ્રસ્તાનું વીસ-પચીસ વીઘાં વધી પડશે.)

બાંભણિયો કે બેલીડા, કરીએ તોજી આસ,

કરોડ ડીજા કોડસું, ચંદર ઊગે માસ.

(બાંભણિયે સાદ દીધો કે હે શૂરવીર, તારી એકની જ આશા કરતો ઊભો છું. હાલ્યો આવ. દર મહિને ચાંદરાતને દિવસે તને એક કરોડ કોરીનો મુસારો ચૂકવીશ.)

“માફ કરજે, બાંભણિયા રાજા! મને દરગુજર કરજે!”

કરોડ ન લીજેં કીનજા ન કીજેં કીનજી આસ,

ઓઢો અસાંજો રાજિયો, આઉં ઓઢે જો દાસ.

(કોઇની કરોડ કોરી લૂંટીશ નહિ. મારી આશા મેલી દેજે. હું ઓઢાનો દાસ છું.)

“યા અલ્લા!” એમ નિસાસો નાખીને બાંભણિયો પાછો વળી ગયો.

ઓઢો અબોલ બનીને ઊભો રહ્યો છે, ઓઢાને વાચા જડતી નથી. એક જ ઘડીની ઓળખાણ થતાં જ મારે માથેથી ઓળગોળ થઇ જનારો આ એકલમલ્લ આગલે ભવે મારે શું થાતો હશે! કેટલા જન્મનું માગણું ચૂકવવા આ માનવી આવ્યો હશે?

“ઓઢા જામ!” એકલમલ્લે સાદ કર્યોઃ “કોનું ધ્યાન ધરી રહ્યો છો? કહેતા હતા ને, કોઇની સાથે માયા લગાડી નથી?”

“બેલી! બેલી! બેલી!” ઓઢો એટલું જ ઉચ્ચારી શક્યો, જીભના લોચા વળી ગયા. ઘોડે ચડીને બેય અસવારો ચાલી નીકળ્યા.

એક તળાવડીની પાળે સાંઢ્યોના બે ભાગ પાડીને રજપૂતો બેઠા છે. જાતવંત સાંઢ્યો જુદી તારવી છે ને ખાંડિયાબાંડિયાનું ટોળું બતાવીને રજપૂતો બોલ્યાઃ “એકલમલ્લભાઇ, લ્યો આ તમારો ભાગ.”

“ઓઢા જામ!” એકલમલ્લ મરકીને બોલ્યોઃ “જોયા તમારા રજપૂત? કેવી ખાનદાની બતાવી રહ્યા છે!”

“ધિક્કાર છે, રજપૂતો! જનેતાો લાજે છે!” એમ કહીને ઓઢાએ બેય ટોળાની વચ્ચોવચ ઘોડો નાખ્યો. સારી અને નરસીના સરખા ભાગ પાડી નાખ્યા. “લ્યો ભાઇ, તમારો ભાગ ઉપાડી લ્યો, એકલમલ્લ!”

“ઓઢા જામ, મને મારો ભાગ પહોંચી ગયો છે. મારી સાંઢ્યો હું તમને ભેટ કરું છું. મારે સાંઢ્યોને શું કરવી છે? મારા બાપુના જીવની સદ્‌ગતિ સારુ જ મેં તો આ મહેનત કરી. અને હવે, ઓઢા જામ, રામરામ! અહીંથી જ હવે નોખા પડશું.”

નહિ વિસારું

ઝાડની ડાળીઓ ઝાલીને બેય જુવાન ઊભા રહ્યા. સામસામા ઊભા રહ્યા. હૈયે ભર્યું છે એટલું હોઠે આવતું નથી. આંખમાં ઝળઝળિયાં આણીને ઓઢો બોલ્યોઃ “બેલીડાા! વીસરી તો નહિ વીસરાશે?”

“ઓઢા જામ! હવે તો કેમ વીસરાશે?”

જો વિસારું વલહા, ઘડી એક જ ઘટમાં,

તો ખાંપણમાંય ખતાં, (મુંને) મરણ સજાયું નવ મળે.

(એક પલક પણ જો મારા હૈયામાંથી હું મારા વા’લાને વિસારું તો તો, હે ઇશ્વર, મને મરણ ટાણે સાથરોય મળશો મા, અંતરિયાળ મારું મૉત થાજો. મારું મડદું ઢાંકવા ખાંપણ પણ મળશો નહિ. ઓઢા જામ, વધુ તો શું કહું?)

જો વિસારું વલહા, રુદિયામાંથી રૂપ,

તો લગે ઓતરજી લૂક, થર બાબીડી થઇ ફરાં.

(હે વા’લીડા, અંતરમાંથી જો તારું વીસરી જાઉં તો મને ઓતરાદી દિશાના ઊના વાયરા વાજો. અને થરપારકર જેવા ઉજ્જડ અને આગઝરતા પ્રદેશમાં બાબીડી (હોલી) પંખિણીનો અવતાર પામીને મારો પ્રાણ પોકાર કરતો કરતો ભટક્યા કરજો.)

“લ્યો ઓઢા જામ, પરણો તે દી એકલમલ્લભાઇને યાદ કરજો. અને કામ પડે તો કનરા ડુંગરના ગાળામાં આવી સાદ કરજો. બાકી તો જીવ્યા-મૂઆના જુહાર છે.”

એટલું બોલીને એકલમલ્લે ઘોડો મરડ્યો. એ આભને ભરતો ભાલો, એ ખંભે પડેલી કમાન, એ તીરનો ભાથો, વંકો અસવાર, વંકો ઘોડો અને અસવારને માથે ચામર ઢોળતો એ ઘોડાના પૂંછનો ઝૂડોઃ બધુંય ઓઢો જામ ઊભો ઊભો જોઇ રહ્યો. પાછો વળી વળીને એકલમલ્લ નજર નાખતો જાય છે. સલામો કરતો જાય છે. જાય છે! ઓ જાય! ખેપટમાં અસવાર ઢંકાઇ જાય છે. માત્ર ભાલો જ ઝબૂકે છે.

એક ઘોડો! ઓઢાનો ઘોડો જંબુમોર અને એકલમલ્લનો ઘોડો એળચીઃ એકબીજાને દેખ્યાં ત્યાં સુધી બેઉ ઘોડા સામસામી હાવળ દેતા ગયા. ઘોડાનેય જાણે પૂર્વજન્મની પ્રીત બંધાણી હતી.

પંખી વિનાના સૂના માળા જેવું હૈયું લઇને ઓઢો પોતાના અસવારોની સાથે ચાલી નીકળ્યો. એને બીજું કાંઇ ભાન નથી. એના અંતરમાં છેલ્લા એ ઉદ્‌ગારોના ભણકારા બોલે છેઃ ‘સ્ત્રી પુરુષને કહે એવા દુહા એકલમલ્લે કાં કહ્યાં? એની તણખાઝરતી આંખડીઓ એ ટાણે અમીભરી કાં દેખાણી? એના અવાજ જેવા સાદમાં કોયલના સૂર કાં ટૌક્યા?’

એણે ઘોડો થંભાવ્યો.

‘ના, ના, હે જીવ, એ તો ખોટા ભણકારા.’

ઘોડો હાંક્યો, પણ મન ચગડોળે ચડ્યું. કોઇક ઝાલી રાખે છે, કોઇ જાણે પાછું વાળે છે. ફરી વાર ઘોડો થંભાવ્યો. સાથીઓને કહ્યુંઃ “ઓ ભાઇઓ!

ઝાઝા ડીજ જુવાર, વીસરદેવ વાઘેલકે,

જિતે અંબી વાર, તિતે ઓઢો છંડિયો,

(જાઓ, જઇને વીસળદેવ વાઘેલાને મારા ઝાઝા કરીને જુહાર દેજો; અને જો પૂછે કે ઓઢો ક્યાં, તો કહેજો, કે જ્યાં બાંભણિયાની સેના આંબી ગઇ ત્યાં ધીંગાણું કરતાં કરતાં ઓઢો કામ આવી ગયો.)

એટલું કહીને ઓઢાએ ઘોડો પાછો વાળ્યો. પોતાને રસ્તાની જાણ નથી. જંબુમોરની ગરદન થાબડીને બોલ્યોઃ “હે દેવમુનિ, તારી કાનસૂરીએ ચોકડું છોડી દઉં છું. તને સૂઝે તે માર્ગે ચાલ્યો જાજે.”

જંબુમોર ઘોડો પોતાના ભાઇબંધ એળચીને સગડે સગડે ડાબા મેલતો ચાલી નીકળ્યો.

ચખાસર સરોવરઃ કિનારે ઝાડવાંની ઘટા ઝળૂંબી રહી છે. પંખી કિલ્લોલ કરે છે.

ચખાસરના ઝુંડમાં જઇને જંબુમોરે હાવળ દીધી. ત્યાં તો હં - હં - હં - હં! કોઇક ઘોડાએ સામી હણેણાટી દીધી.

અવાજ ઓળખાણો. એકલમલ્લના ઘોડા એળચીનો જ એ અવાજ. આઘેથી નીલો નેજો, ભાણો, ભાથો, તરવાર અને બખતર ઝાડને ટેકે પડેલાં દેખ્યાં.

અહાહા! એ જ મારા બેલીડાનો સામાન. બેલી મારો નહાતો હશે. પાળે ચડ્યો, ઝબક્યો. શું જોયું?

ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,

વિછાઇ બેઠી વાર, પાણી મથ્થે પદમણી.

(પાળે ચડીને નજર કરે ત્યાં તો ચખાસરના હિલોળા લેતાં નીર ઉપર વાસુકિનાગનાં બચળાં જેવા પેનીઢક વાળ પાથરીને પદમણી નહાય છે. ચંપકવરણી કાયા ચોટલો ઢંકાઇ ગયો છે.)

ચડી ચખાસર પાર, હોથલ ન્યારી હેકલી,

સીંધ ઉખલા વાર, તરે ને તડકું દિયે.

(એકલી સ્ત્રી! દેવાંગના જેવાં રૂપ! પાણી ઉપર તરે છે. મગર માફક સેલારા મારે છે.)

પદ્મણીએ પાળ માથે પુરુષ પેખ્યો. ઓઢા જામને જોયો. ઉઘાડું અંગ જળની અંદર સંતાડી લીધું. ગરદન જેટલું માથું બહાર રાખીને હાથ હલાવીને અવાજ દીધોઃ

ઓઢો ઓથે ઊભિયો, રેખડિયારા જામ,

નહિ એકલમલ્લ ઉમેરો, હોથલ મુંજો નામ.

(એ ઓઢા જામ, ઝાડની ઓથે ઊભા રહો. હું તમારો એકલમલ્લ નહિ, હું તો હોથલ. હું નારી. મને મારી એબ ઢાંકવા દ્યો.)

મહા પાતક લાગ્યું હોય તેમ ઓઢો અવળો ફરી ગયો. પાળેથી નીચે ઊતરી ગયો. એનું જમણું અંગ ફરકવા માંડ્યું. અંતર ઊછળી ઊછળીને આભે અડી રહ્યું છે. એના કલેજામાં દીવા થઇ ગયા છે. એની રોમરાઇ ઊભી થઇ ગઇ છે.

પદ્મણી પાણીમાંથી બહાર નીકળી. નવલખા મોતીની હાર વીખરાયો હોય એવાં પાણીના ટીપાં માથાના વાળમંથી નીતરવા મંડ્યા. થડકતે હૈયે એણે લૂગડાં પહેર્યા. પછી બોલીઃ “ઓઢા રાણા, આવો.”

વાચા વિનાનો ઓઢો, હાથ ઝાલીને કોઇ દોરી જતું હોય તેમ ચાલ્યો. અબોલ બન્ને કનરા ડુંગરામાં પહોચ્યા. ભોંયરામાં દાખલ થયા. પાષાણના બાજઠ, પાષાણની સજાઇ, પાષાણનાં ઓશીકાંઃ એવું જાણે કોઇ તપિયાનું ધામ જોયું. શિલા ઉપર ઓઢો બેઠો. પદ્મણી ઊંડાણમાં ગઇ.

થોડીવારે પાછી આવી. કેસર-કંકુની આડ કરી, સેંથામાં હિંગળો પૂરી. આંખડીમાં કાજળ આંજી, નેણમાં સોંધો કંડારી, મલપતાં પગલાં ભરતી આવી. પાવાસરની જાણે હંસલી આવી. જાણે કાશ્મીરની મૃગલી આવી. સિંહલદ્ધીપની જાણે હાથણી આવી. હોથલ આવી.

એકલમલ્લની કરડાઇ ન મળે, બાણાવાળીના લોખંડી બાહુ ન મળે, ધરતીને ધ્રુજાવનારા ધબકારા ન મળે. લોઢાના બખતર હેઠળ શું એકલમલ્લે રૂપના આવડા બધા ભંડાર છુપાવેલા હતા!

“ઓઢા, બાપની મરણ-સજાઇ માથે વ્રત લીધેલાં કે સાંઢ્યું વાળ્યા પહેલાં વિવા ન કરું. એ વ્રત તો પૂરાં થયાં. તારી સાથે લેણાદેણી જાગી. સંસારમાં બીજા સહુ ભાઇ-બાપ બની ગયા. પણ તારી આગળ અંતર ન ઊઘડી શક્યું. આખો ભવ બાવાવેશે પૂરો કરત. પણ ચાર, ચાર મહિનાના મેલ ચડેલા તે આજ ના’વા પડી. તેં મને ના’વા ભાળી. બસ, હવે હું બીજે ક્યાં જાઉંઉ?”

ઓઢો ધરતી સામે જોઇ રહ્યો.

“પણ ઓઢા, જોજે હો! મારી સાથે સંસાર માંડવો એ તો ખાંડાની ધાર છે. હું મરતલોકનું માનવી નથી. તારા ઘરમાં હોથલ છે એટલી વાત બહાર પડે તે દી તારે ને મારે આંખ્યુંનીયે ઓળખાણ નહિ રહે, હો!”

ઓઢાની ધીરજ તૂટી -

ચાય તો માર્ય જિવાડ્ય, મરણું ચંગું માશૂક હથ,

જીવ જિવાડણહાર, નેણાં તોજાં નિગામરી,

(હોથલ, હે નિગામરાની પુત્રી, ચાહે તો મને માર, ચાહે તો જિવાડ, તારે હાથે તો મરવું મીઠું.)

પછી તો - રણમેં કિયો માંડવો, વિછાઇ દાડમ ધ્રાખ,

ઓઢો હોથલ પરણીજેં, (તેંજી) સૂરજ પૂરજેં સાખ,

(વનરાવનમાં દાડમડીનાં ઝાડ ઝૂલી રહ્યાં છે. ઝાડવાંને માથે દ્રાક્ષના વેલા પથરાઇને લેલૂંબ મંડપ રચાઇ રહ્યા છે. એવા મંડપનો માંડવો કરીને ઓઢો-હોથલ આજ હથેવાળે પરણે છે. હે સૂરજદેવ, એની સાક્ષી પૂરજે.)

ચોરી આંટા ચાર, ઓઢે હોથલસેં ડિના,

નિગામરી એક નાર, બિયો કિયોરજો રાજિયો.

(તે દિવસે સાંજને ટાણે, ઓઢો હોથલની સાથે ચોરીના ચાર આંટા ફર્યો. એક નિગામરા વંશની પુત્રી, ને બીજો કિયોર કકડાણાનો રાજવીઃ માનવીએ અને દેવીએ સંસાર માંડ્યા. ડુંગરનાં ઘર કર્યાં. પશુંપખીનો પરિવાર પાળ્યો.)

સજણ સંભરિયાં.

એવા રસભર્યા સંસારના દસ-દસ વરસ જાણે દસ દિવસ જેવડાં થઇને વીતી ગયાં છે. હોથલના ખોળામાં બે દીકરા રમે છે. કનરાની કુંજો એ સાવજ જેવા જખરા અને જેસળની ત્રાડોથી હલમલી હાલી છે, ઘટાટોપ ઝાડીમાં હિલોળા મચ્યા છે. એવે એક દિવસ આઘે આઘે ઓતરાદી દિશામાં જ્યાં વાદળ અને ધરતીએ એકબીજાને બથ ભરી છે, ત્યાં મીટ માંડીને ઓઢો જામ શિલા ઉપર બેઠો છે. એનાં અંતરમાં અકળ ઉદાસી ભરી છે. ત્યાં તો મેઘ-ધરતીના આલિંગનમાંથી વરસાદના દોરિયા ફૂટ્યા.

ઉત્તર શેડ્યું કઢિઢ્યું, ડુંગર ડમ્મરિયાં,

હેડો તડફે મચ્છ જીં, સજણ સંભરિયાં.

(ઓતરાદા આભમાં વાદળીઓની શેડ્યો ચડી, ડુંગરા ઉપર મેઘાડંબર ઘઘૂંભ્યો. આણું વળીને મહિયરથી ચાલી આવતી કામિનીઓ જેમ પોતાના સ્વામીનાથ ઉપર વહાલ વરસાવતી હોય તેમ વાદળીઓ લીલુડા ડુંગરાને હૈયે અઢળક નીરે ઢળવા લાગી. અને થોડા પાણીમાં માછલું તરફડે તેમ ઓઢાનું હૈયું તરફડવા મંડ્યું. ઓહોહો! ઓઢાને સ્વજન સાંભર્યાં.

પોતાની જન્મભોમ સાંભરી. બાળપણાના મિત્રો સાંભર્યાં. વડેરો અને નાનેરો ભાઇ સાંભર્યાં. કિયોર કકડાણાનો પથ્થરે અને ઝાડવે ઝાડવનું સોભરી આવ્યાં. ઓઢો ઉદાસ થઇ ગયો. જન્મભોમની દિશામાં જોઇ રહ્યો.)

દીકરાઓ બાપુ પાસે રમવા આવ્યા. જીવતરમાં તે દિવસે પહેલી જ વાર બાપુએ બેટાઓને બોલાવ્યા નહિ. દોડીને દીકરાઓને માતાને જાણ કરીઃ “માડી, બાપુ આજ કેમ બોલતા નથી?”

લપાતી લપાતી હોથલ આવી. હળવેક રહીને એણે પછવાડેથી ઓઢાની આંખો દાબી દીધી.

તોય ઓઢો બોલ્યો નહિ.

“ઓઢા જામ! શું થયું છે? રિસાણા છો? કાંઇ અપરાધ?”

ત્યાં તો કેહૂ...ક! કેહૂ...ક! કેહૂ...ક! મોરલો ટૌક્યો.

જાણે કિયોરની ધરતીમાંથી મોરલો સંદેશા લઇને કનરે ઊતર્યો. ડળક! ડળક! ડળક! ઓઢાની આંખમાંથી આંસુ વહેવા મંડ્યાં.

“મારો પીટ્યો મોરલો વેરી જાગ્યો, લગતો આઘો જા,

એક તો ઓઢો અણોહરો, ઉપર તોંજી ધા.

(ઓ મોરલા, તારી લવારી કરતો તું દૂર જા. આજ એક તો મારો ઓઢો ઉદાસ છે, અને તેમાં પાછો તું ધા પોકારીને એને વધુ અફસોસ કાં કરાવી રહ્યો છે?)

અને મોરલા -

મારીશ તોંકે મોર, સિગણજાં ચડાવે કરે,

અયેં ચિતજા ચોર, ઓઢેકે ઉદાસી કિયો.

(તું ઊડી જા, નીકર તને તીર ચડાવીને વીંધી નાખીશ; હે ચિતડાના ચોર, આજ તેં મારા ઓઢાને ઉદાસ કરી મૂક્યો.)

હેહૂક! હેહૂક! હેહૂક! કરતો મોરલો જાણે કે જવાબ વાળે છેઃ હે હોથલ! -

અસીં ગિરવરજા મોરલા, કાંકર પેટભરાં,

(મારી) રત આવે ન બોલિયાં, (તો તો) હૈડો ફાટ મરાં.

(હે પદમમી, અમે તો ડુંગરના મોરલા, અમે ગરીબ પંખીડાં કાંકરા ચણી ચણીને પેટ ભરીએ. અમારા જીવતરમાં બીજો કશોયે સ્વાદ ન મળે. પણ જો અમારી ઋતુ આવ્યેય અમે ન ટૌકીએ, ચૂપ બેસી રહીએ, અંતરમાં ભરેલાં ગીતોને દાબી રાખીએ, તો તો અમારાં હૈયાં ફાટી જાય. અમારું મૉત થાય. અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય?)

એટલું બોલીને ફરી વાર પાછો કેમ જાણે હોથલને ખીજવતો હોય તેમ મોરલો પોતાની સાંકળ (ડોક)ના ત્રણ-ત્રણ કટકા કરીને હેહૂક! હેહૂક! ટૌકવા લાગ્યો.

હોથલે ખભામાં ધનુષ્ય હતું તેની પણછ ચડાવી. ત્યાં તો ઓઢે હાથ ઝાલી લીધો. “હાં! હાં! હાં! હોથલ!”

ગેલી મ થા ગેલડી, લાંબા ન બાંધ્ય દોર,

ગાળે ગાળે ગળકશે, તું કેતાક ઉડાડીશ મોર?

(હે ઘેલી, ધનુષ્યની પણછ ન બાંધ. ગરની ખીણે ખીણમાં આ અસંખ્ય મોરલા ટૌકી રહેલ છે, એમાં તું કેટલાકને મારી શકીશ?)

કરાયલકે ન મારીએં, જેંજાં રત્તા નેણ,

તડ વીઠાં ટૌકા કરે, નીત સંભારે સે’ણ.

(અરે હોથલ, બિચારા મોરને તે મરાય? એનાં રાતુડાં નેત્ર જો, કેવાં પ્યારાં લાગે છે? અને એ બિચારાં પંખી તો ટૌકતાં એનાં વહાલેશરીને સંભારે છે.)

અરે હોથલ!

રેલમછેલા ડુંગરા, ચાવો લગે ચકોર,

વીસર્યાં સંભારી ડીએ, સે ન મારીજે મોર.

(આવા રેલમછેલ ડુંગરાની અંદર છલકાતાં સુખની વચ્ચે માનવીને પોતાનાં વિસારે પડેલાં વહાલાં યાદ કરાવી આપે એવા પરોપકારી મોરલાને ન મરાય.)

કહેતાં કહેતાં ઓઢાની આંખોમાંથી આંસુની ધાર ચાલી જાય છે.

“અરે ઓઢા જામ! એવડું તે શું દુઃખ પડ્યું? આજે શું સાંભર્યું છે?” એમ પૂછતી પૂછતી હોથલ એને પંપાળે છે. પણ ઓઢાનાં આંસુ થંભતાં નથી. એમ કરતાં કરતાં તો -

છીપર ભીંજાણી છક હુવો, ત્રંબક હુઇ વ્યાં નેણ,

અમથી ઉત્તમ ગોરિયાં, ચડી તોજે ચિત સેણ.

(જે શિલા ઉપર ઓઢો બેઠો હતો તે આખી શિલા આંસુડે ભીંજાઇ ગઇ. રોનારની આંખો ધમેલ ત્રાંબા જેવી રાતી થઇ ગઇ. ત્યાર પછી હોથલ ગરીબડું મોં કરીને બોલીઃ “ઓઢા, શું મારાથી અધિક ગુણવતી કોઇ સુંદરી તારા ચિત્તમાં ચડી? નીકર, તું મને આજે આમ તરછોડત નહિ.”)

એટલું બોલતાં તો હોથલનું ગળું રૂંધાઇ ગયું. એની આંખો છલકાઇ ગઇ. હોથલની ઝડપચી ઝાલીને ઓઢાએ મોં ઊંચું કર્યું અને કહ્યુંઃ હોથલ! -

કનડે મોતી નીપજે, કચ્છમેં થિયેતા મઠ,

હોથલ જેડી મદમમી, કચ્છમેં નેણે ન દઠ.

(હોથલ, એવા અંદેશા આણ્ય મા, ઓઢા ઉપર આવડાં બધાં આળ શોભે? ઓ મારી હોથલ, તારા સરખાં મોતી તો કનડામાં જ નીપજે છે. કચ્છમાં તો ભૂંડા મઠ જ થાય છે. હોથલ જેવી સુંદરી કચ્છમાં મેં નથી ભાળી.)

અને -

ખેરી બૂરી ને બાવરી, ફૂલ કંઢા ને કખ,

(પણ) હોથલ હલો કછડે, જિતેં માડું સવાયા લખ.

(કચ્છમાં તો ખેર, બાવળ અને બોરના ભૂંડાં કાંટાળાં ઝાડ ઊગે છે. ત્યાં કોઇ ફૂલ-મેવાની વનસ્પતિ નથી. તોય, એ હોથલ, મને આજ મારો કચ્છ સાંભરે છે, કેમ કે, ત્યાં લાખેણા જવાંમર્દો નીપજે છે. હાલો, હોથલ, એ ઉજ્જડ રણવગડા જેવી તોય મરદોની ભોમકામાં હાલો.)

મારો કચ્છ! વાહ, મારું વતન! હોથલ, મને કચ્છ વિના હવે જંપ નથી. ઓહોહો! જ્યાં -

ભલ ઘોડા, કાડી ભલા, પેનીઢક પેરવેસ,

રાજા જદુવંસરા, ઓ ડોલરિયો દેસ.

(એવા રૂડા ઘોડા ને એવા વંકા કાઠી જોદ્ધાઓ પાકે છે, જેના અંગ ઉપર પગની પેની સુધી ઢળકતા પોશાક શોભે છે, તે પોતાના દેહને જરાયે ઉઘાડો રાખવામાં એબ સમજે છે, અને જ્યાં જાદવવંશના ધર્મી રાજા રાજ કરે છેઃ એવા મારા ડોલરિયા દેશમાં - મારા કચ્છમાં - એક વાર હાલો, હોથલદે!)

અને વળી -

વંકા કુંવર, વિકટ ભડ, વંકા વાછડીએ વછ,

વંકા કુંવર ત થિયેં, પાણી પીએ જો કચ્ચ.

(રાજાના રણબંકા કુંવરો, બંકા મરદો અને ગાયોના બંકા વાછડા જો કચ્છનું પાણી પીએ તો જ એનામાં મરદાનગી આવે, મારા જખરા-જેસળને પણ જો કચ્છનું નીર પિવડાવીએ, તો એ સાવજ સરખા બને.)

હાલો, હોથલ, હાલો કચ્છમાં; અરે, દેવી!

હરણ અખાડા નહિ છડે, જનમભોમ નરાં,

હાથીકે વિંધ્યાચળાં, વીસરશે મૂવાં.

(કનરાનાં છલકાતાંં સુખની વચ્ચે હું મારી જનમભોમને કેમ કરીને વીસરું? હરણ એના અખાડાને, માનવી એની જનમભોમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વીસરે? એ તો મરીએ ત્યારે જ વીસરાય.)

હોથલ! મને તારા સુંવાળા ખોળામાં માથું મેલીને સૂતાંય આજ નીંદર નથી. મારો સૂકો સળગતો કચ્છ સાંભર્યાં કરે છે.

ગર મોરાં, વન કુંજરાં, આંબા ડાળ સૂવા,

સજણરો કવચન, જનમધર, વીસરશે મૂવા.

(હોથલ, મારી હોથલ, મોરને એનો ડુંગર, કુંજરને એનાં જંગલ, સૂડા-પોપટને એની આંબાડાળ, વહાલાં સ્વજનનો કડવો બોલ અને પોતપોતાની જનમભોમઃ એટલાં તો મરીએ ત્યારે જ વીસરાજે.)

જનમભોમની આટલી ઝંખના! હોથલ સડક થઇ ગઇ. માનવીને માનવીના કરતાંયે જનમભોમનાં ઝાડ-પથરા આટલાં બધાં વહાલાં? હોથલ અજાયબીમાં ગરક બની ગઇ. ઓઢાના મુખમંડળ ઉપર એણે જાણે કોઇ જનેતાની છાયા છવાઇ ગઇ હોય એવું જોયું. માતાના થાનેલા ઉપરથી વિછોડાયેલું બાળક ફરી વાર માની ગોદમાં સૂવા તલસતું હોય એવું દીઠું. એ બોલીઃ “ઓઢા રાણા! કચ્છમાં ખુશીથી હાલો.”

જનમભોમમાં

ઠાકરદ્ધારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારૈે લપાઇને ઓઢા-હોથલે એનાં બે બાળકો સાથે પોતાની વહાલી જન્મભોમને પાદર આવીને વિસામો કર્યો.

“હોથલ! કિયોરનાં ઝાડવાં તો લળી લળીને વારણાં લે છે. વાયરા બથમાં લઇને ભેટી રહ્યાં છે. ધરતીયે સગી જનેતા જેવી ખોળો પાથરે છે. આહાહા! હોથલ, જનમભોમની માયા તો જો!”

“ઓઢા જામ!” હોથલ હસીઃ “હવે માનવીના આવકાર કેવાક મીઠા મળે છે તેટલું ગામમાં જઇને તપાસી આવો. અમે આંહીં બેઠાં છીએ.”

“કાં?”

“ઓઢા, ઠીક કહું છું. માનવીના હૈયામાં મારગ ન હોય તો છાનાંમાનાં પાછા વળી જશું.”

અંધારે ઓઢો એકલો ચાલ્યો; શેરીએ શેરીએ ફૂલ અને મોતીડાંનાં આદરમાનની આશા કરનાર આ લાડકડા કુંવરને શેરીઓના સૂનકાર ખાવા ધાય છે. માણસોનાં મોઢાં નિસ્તેજ થઇ ગયાં છે. ઘરેઘરને ઓટલે ઓઢો બેસવા જાય છે ત્યાં ઘરધણીઓ કૂતરાની જેમ હુડકારે છે.

‘કોઇ એકાંતેય મારું નામ સંભારે છે?’ ઘરેઘરની પછીતે ઓઢાએ કાન માંડ્યા. પોતાના નામનો મીઠો સખુન કોઇના મોંમાંથી સંભળાતો નથી. કિયોરની ભૂમિ ઉપરથી ઓઢાણા ગુણ વીસરાયા છે. વાહ! વાહ સમય! હું થાપ ખાઇ જાત. ડાહી હોથલે ભલો ચેતવ્યોઃ ત્યાં તો -

“બાપ ઓઢાણ્ય! બા...પો ઓઢા..ણ્ય! બે...ટા ઓઢાણ્ય!” એવો અવાજ આવ્યો. એક ભીંત પછવાડે ઓઢો ચમકી ઊભો રહ્યો. ઓરડાની ફળીમાં પોતાના નામને આ કોણ લાડ લડાવી રહ્યું છે? પાછો અવાજ આવ્યો -

“બાપ ઓઢાણ્ય! તારા નામેરી જેવી જ તું હઠીલી કે બાપ! અધરાત સુધી વટકીને કાં ઊભી છો, બાપ લે હવે તો પ્રાસવ્ય!”

ઓઢાના અંતરનો મે’રામણ ઊછળ્યો ઓઢાને સમજ પડીઃ “આ તો મારેો ચારણ. એને મેં દીધેલી ભેંસની પાડીનું એણે ‘ઓઢાણ્ય’ નામ પાડ્યું લાગે છે.’

ત્યાં તો ફળિયામાં ભેંસે પ્રાસવો મેલ્યો અને ચારગે સાદ કર્યોઃ “હાં ચારણ્ય! તાંબડી લાવ્ય, ઓઢાણ્યને ઠપકો લાગ્યો, ઠપકો લાગ્યો. ઝટ તાંબદી લાવ્ય.”

તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગી, અને દોહતો દોહતો ચારણ ‘વાહ ઓઢા! વાહ ઓઢા! વાહ ઓઢા! તારા નામને!’ એમ પોરસ દેતો ગયો.

પછવાડે ઊભેલો પરદેશી પ્રેમને આંસુડે પોતાનાં નેત્રો પલાળી રહ્યો છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વીસર્યું નથી.

મિતર કિજે મંગણાં, અવરાં આરપંપાર,

જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર,

(મિત્ર કરીએ તો ચારણને જ કરીએ; બીજી સહુ આળપંપાળ, ચારણ જીવતાં તો જશ ગાય, પણ મૂઆ પછી કેવાં લાડ લડાવે છે!)

પોતાના માથા ઉપર ફેંટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જોઇને દોડ્યો. “ઓઢા! બાપ ઓઢા! ઓઢા, જીવતો છો?”

“સાહેબધણીની દયાથી!”

બેય જણ બથ લઇને ભેટ્યા. ઓઢે સમાચાર પૂછ્યાઃ “ગઢવી, ભાઇ-ભાભી સહુ ખુશીમાં?”

“મારા બાપ! ભાઇનું તો મોટું ગામતરું થયું. ને આજ કિયોર કકડાણાને માથે નાનેરા ભાઇ બુઢ્‌ઢાએ આદું વાવી દીધાં છે. તું ભાગવા માંડ. તને ભૂંડે મૉત મારશે. ભાઇ, વસ્તી વીફરી બેઠી છે. કિયોરની ધસ્તીમાંથી ઇશ્વર ઊઠી ગયો છે.”

“બસ, ગઢવા?”

“બસ!”

ફરી બેય જણાએ બથ લીધી. ઓઢાએ જુહાર દીધા. અંધારે ચોરની જેમ ઓઢો લપાતો પાદર આવ્યો.

“હોથલ! હાલો, જનમભોમ જાકારો દે છે.”

“કાં?”

“કાં શું? માનવીનાં પારખાં નહોતાં. તેં આજ દુનિયાની લીલા દેખાડી.”

“જનમભોમતી વહાલપ જાણી લીધી?”

“જાણી લીધી - પેટ ભરીને માણી લીધી.”

“હવે ઓરતો નહિ રહી જાય ને?”

“સાત અવતાર સુધી નહિ.”

“હાલો ત્યારે, ક્યાં જાશું?”

“પીરાણોપાટણ, મશિયાઇને આંગણે.”

“જોજે હો, તું મને ત્યાં છતી કરતો નહિ. દીધેલ કૉલ ભૂલતો નહિ.”

છતી કરી

પીરાણા પાટણના સરોવર-કિનારા સૂના પડ્યા છે. પશુડાં પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલ્લોલ ત્યાં અબોલ બની ગયા છે. વીસળદેવ કાકાએ ભત્રીજાઓને સાવધ કર્યાઃ “ભાઇ જેસળ, ભાઇ જખરા, સરોવરની પાળે ચઢશો મા, હો! કાળઝાળ સાવજ રહે છે.”

પંદર-સોળ વરસના બેય બાળકો હૈયામાં ધા ખાઇ ગયા. પદમણીના પુત્રો તે ટાણે તો કાકાબાપુની ચેતવણી પી ગયા, પણ ત્યાર પછી બેપને પલકારેય જંપ નથી. પોતાની મર્દાઇને અપમાન મળ્યાં છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઇ છે કે ‘ક્યારે સાવજ મારીએ!’

સાંજના અંધારામાં સરોવરની પાળે ઝાડની ઘટમાં કોઇ ભેંકાર નરસિંહ અવતાર જેવા એ સાવજના પીળા ડોળા દેવતાના અંગારા જેવા ઝગી રહ્યા છે. આઠ હાથ લાંબો, ડાલામથ્થો, છરા જેવા દાંત કચકચાવતો કેસરી લપાઇને બેઠો છે.

“ઊઠ, ઊઠ, એક કૂતરા!” પંદર વરસના પદમણીપુત્રોએ સાવજને પડકાર્યો.

વનરાજ આળસ મરડીને ઊઠ્યો. કેશવાળી ખંખેરીને ઊઠ્યો, મહા કાળઝાળ જોગંદર જાણે સમાધિનો ભંગ થાય ને ઊઠે તેમ ઊઠ્યો. ઝાડવાં હલમલી ઊઠે તેમ ત્રાડ દીધી, પૂંછડાનો ઝૂંડો ઊંચે ઉપાડીને પોતાની પડછંદ કાયાને સંકેલી છલંગ મારી.

પણ આભની વીજળી જેમ પ્રચંડ જળધરને વીંધી લે, એમ જેસળની કમાનમાંથી છૂટેલા તીરે સાવજને આકાશમાં અધ્ધર ને અધ્ધર પરોવી લીધો. એના મરણની કારમી કિકિયારીએ રાતના આસમાનને જાણે ચીરી નાખ્યું. પછડાટી ખાઇને એ ધરતી માથે પડ્યો. એના પ્રાણ નીકળી ગયા.

પીરાણા પાટણનો દરબારગઢ તે દિવસે પ્રભાતે માનવીની ગિરદીમાં ફાટફાટ થાય છે. ‘શાબાશ! શાબાશ!’ ના જાણે મેહુલા મંડાણા છે. પંદર વરસના બેટાઓની પીઠ થાબડતા શૂરવીરો જાણે ધરાતા નથી.

“ઓઢા જામ! આવા મહાવીરો જેના થાન ધાવ્યા છે તે જનેતાની તો ઓળખાણ આપો! જેસળ-જખરાનું મોસાળ કોણ?”

ઓઢાના મુખમંડળ ઉપરની બધી કાન્તિ પલક વારમાં શોષાઇ ગઇ. સૂરજ ઉપર કાળી વાદળીના ઓછાયા ઊતર્યા. એને હોથલનો કરાર સાંભર્યો. એ કેમ કરી બોલે?

અમુક વાઘેલાના ભાણેજ, ફલાણા ઝાલાઓના ભાણેજ, સોલંકીના ભાણેજ-એમ કંઇ કંઇ બનાવટી નામ આપીને ઓઢાએ વાત ઉડાવી. પણ દાયરામાંથી દરેક વાર જાણકારોના જવાબ મળ્યા કે ‘જૂઠી વાત! એવું કોઇ કુળ નથી. એને કોઇ દીકરી નથી. સાચું કહો, ઓઢા જામ!’

ઓઢાની જીભ ખિલાઇ ગઇ. ડાયરો દાંત કાઢવા લાગ્યો. જેસળ-જખરાની આંખના ખૂણામાંથી અંગાર ઝર્યો. કેડેથી તરવારો તાણીને બેય ભાઇઓએ બાપના મસ્તક ઉપર તોળી.

“બાપુ, કેમ ગોટા વાળી રહ્યા છો? અમારી જનેતાના કુળમાં એવું તો શું કલંક છે કે ભરદાયરા વચ્ચે અમારી હાંસી કરાવી રહ્યા છો? બોલો, નીકર ત્રણેયનું લોહી અહીં છંટાશે.”

“બેટા, રે’વા દિયો, પસ્તાશો.”

“ભલે બ્રહ્માંડ તૂટે. બોલો.”

ઓઢાનું અંતર આવતી કાલના વિજોગની બીકે ચિરાઇ ગયું. હોથલને હાથમાંથી ઊડી જતી એ જોઇ રહ્યો. છાતી કઠણ કરીને એણે ઉચ્ચાર્યુંઃ “દાયરાના ઠાકોરો! દીકરાને માથે તો છે ઇંદ્રાપુરનું મોસાળ. એની જનેતા મરતલોકનું માનવી નથી, પદમણી છે.”

“પદમણી! કોણ?”

“હોથલ!”

“વાહવા! વાહવા! વાહવા! હોથલના પેટમાં પાકેલા પુત્રો! હવે શી તાજુબી! ઓઢાને ઘેર હોથલદે નાર છે. વાહ રે ઓઢાના તકદીર! પદમણીનો કંથ ઓઢો!”

પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે? વાયરા વાત લઇ ગયા. હોથલ છતી થઇ. અરેરે! ઓઢા, વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઇ ગયા.

ચિઠિયું લખિયલ ચાર, હોથલજે હથડે,

ઓઢા વાંચ નિહાર, અસાંજો નેડો એતરો.

(હોથલે આંસુડાં પાડતાં ઓઢાને કાગળ લખ્યો. ચાર જ વેણ લખ્યાંઃ ઓઢા આપણા નેહ-સ્નેહનો આટલેથી જ અંત આવ્યો.)

આવન પંખિ ઉડિયાં, નહિ સગડ નહિ પાર,

હોથલ હાલી ભોંયરે, ઓઢા તોં જુવાર.

ચિઠ્ઠી લખીને હોથલ ચાલી નીકળી. કનરાના ભોંયરામાં જઇ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી, પણ ભજનમાં ચિત્ત શી રીતે ચોંટે?

ભૂંડું લાગે ભોંયરું, ધરતી ખાવા ધાય,

ઓઢા વણનાં એકલાં, કનડે કેમ રેવાય?

(ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે.)

સાયર લેર્યું ને પણંગ થર, થળ વેળુ ને સર વાળ,

દનમાં દાડી સંભરે, ઓઢો એતી વાર.

(સાયરનાં જેટલાં મોજાં, વરસાદનાં જેટલાં બિદું, રણની રેતીના જેટલા કણ અને શિર પર જેટલા વાળ, તેટલી વાર એક્કેક દિવસમાં ઓઢો એને યાદ આવે છે.)

દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર,

ઝાડવે ઝાડવે જીંગોરતા, (હું) કેતાક ઉડાડું મોર?

(ડુંગરા ઉપર મોરલા ટહુકે છે અને મને ઓઢો યાદ આવે છે. મોરલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે ડુંગરે ચડું છું. પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે છે, ત્યાં હું કેટલાકને ઉડાડું?)

બીજી બાજુ -

સામી ધાર દીવા બળે, વીજળી ચમક ભળાં,

ઓઢો આજ અણોહરો, હોથલ નૈ ઘરાં.

(સામા ડુંગરામાં દીવા બળે છે. વીજળી ચમકારા કરે છે અને વર્ષાઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરે છે, કેમ કે હોથલ ઘેર નથી.)

ઓઢો ને હોથલ બેય ચાતકો ઝૂરતાં રહ્યાં. માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગનો સૂરજ કદીયે ઊગ્યો નહિ.

(વાર્તાકાર કહે છે કે ઓઢાનું હૈયું વિયોગે ફાટી પડ્યું; અને એના મૃતદેહને દહન કરતી વખતે અંતરીક્ષમાંથી હોથલ ઉપાડી ગઇ; પુત્રના લગ્ન કાળે હોથલ પોંખવા આવી અને એ વખતે પુત્ર-વધૂએ એનો પાલવ ઝાલીને રોકી રાખ્યાં વગેરે. ‘કનડો ડુંગર’ કાઠિયાવાડમાં બે-ત્રણ જગ્યાએ બતાવવામાં આવે છે. હોથલ કાઠિયાવાડણ હતી એવીયે લોકોકિત છે.

ગીરના ડુંગરામાં એના ચમત્કારો હજીયે થતા હોવાની વાતો બોલાય છે. કોઇ કહે છે કે પાંચાળમાં હોથલિયો ડુંગર અને રંકતળાવડી છે તે જ હોથલનું રહેઠાણ; કોઇ મેંદરડા પાસેનો કનડો ડુંગરો બતાવે છે, જ્યારે કનડો ડુંગર કચ્છ પ્રદેશનીયે ઉત્તરે થરપારકર તરફ હોવાનું મક્કમપણે કહેવાય છે.

આ વાર્તાના દુહા અસલ તો કચ્છી ભાષામાં હશે, પણ અત્યારે એમાં કાઠિયાવાડી વાણી સારી પેઠે ગૂંથાઇ ગઇ છે.;

વરજાંગ ધાધલ

અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ કાઠી અસવારોના પંજામાં લગામો કસકસે છે. પ્રભાતને પહેલે પહોરે પચીસ બરછીદાર કાઠીઓ, પૂળા પૂળા જેવડી મૂછો પર હાથ નાખતા ઘોડીઓને રાંગમાં રમાડે છે.

ગોપીઓમાં કા’ન ખેલતો હોય તેવા દેવા વાળાનો પાણીદાર ઘોડો જાણે કે પોતે એકલો જ અડવો રહેલ હોવાથી અદેખાઇ આવતી હોય તેમ પોતાના ધણીને હાવળ દેવા લાગ્યો કે ‘હાલો! હાલો! હાલો!’

આપો દેવા વાળા આવ્યા. દાઢીના થોભિયા ખભા પર ઢળકતા આવે છે, હાથમાં ભાલો અને ભેટમાં તરવાર છે, લોહીના છાંટોયે કાઢ્યા વિના આરપાર વીંધી નાખે એવાં નેત્રો છે. ‘જે દેવળ વાળા!’ કહીને જેમ દેવો વાળો પેંગડામાં એક પગ પરોવવા જાય છે, તેમ સામેથી ચાલ્યા આવતા ચારણે ઊંચો હાથ કરીને લલકાર લીધો કે “ખમા, ખમા તુંને , બાપ!”

કમર બાંધ્ય ભાલાં ભમર ઊઠિયો બળાક્રમ,

ધરા ચારે દશ્યે જાણ્ય ધસિયા,

દેવક્રણ, માન્ય રે માન્ય હલવણ દળાં,

કણીસર હેમરે જિયણ કસિયાં?

(યુદ્ધને કાજે ભેટ બાંધી, ભમ્મરે ભાલાં ઉપાડી, ઓ કરણ-શા શૂર દેવા વાળા, બોલ રે બોલ, એ સૈન્ય ચલાવનારા, આજ તેં કયા શત્રુને માથે હલ્લો કરવા માટે ઘોડા ઉપર જીન કસકસ્યાં છે?)

જરદ સાપ્યાં નરા, પાખરાં જાગમેં,

સજસ ઉકરસ વધે વ્યોમ છબિયા,

તુંહારા આજ પ્રજમાજ કાંથડ તણા!

હમસકી ઉપરે ધમસ હબિયા.

(આજ તેં તારા જોદ્ધાઓને બખતરો પહેરાવ્યાં છે અને અશ્વોને પાખર સજાવ્યાં છે, તારો સુયશ અને ઉત્કર્ષ ઊછળી ઊછળીને આભમાં અડકે છે; કાઠીઓની ત્રણ પરજોની માઝારૂપ હે કાંથડ વાળાના પુત્ર, આજ કોના ઉપર તારો હુમલો થવાનો છે?)

સાથિયા ભાથિયા થકી દળ સાજિયા,

વાગિયાં ઘોર પંચશબદ વાજાં,

આજ તું હારા કિયા કણી દશ ઉપરાં,

તોર કટકા હુંવા બિયા નાજા?

(આજ તારા સંગાથીઓનું આ સૈન્ય સજ્યું છે. પાંચ સૂરે ઘોર વાજિંત્રો વાગી રહ્યાં છે. આજ કઇ દિશા ઉપર, હે (ભીમોરાના ધણી પછીના) બીજા નાજા વાળા, તારું કટક પડવાનું છે?)

સાયલા, મોરબી, લીંબડી તણે સર,

સિયોરો જગાડછ વેર સૂતો?

(કે) કોટ, સરધારરો ઘાણ રણ કાઢવા,

રાણ વખતાસરે ફરછ રૂઠો?

(તું તે સાયલા, મોરબી, લીંબડી કે સિહોર સાથેના તારા સૂતેલાં વેરને જગાડી રહ્યો છે, અથવા તો શું સરધારના કોટનો નાશ કરવા કે ભાવનગરવાળા ભોપાલ વખતસિંહજી પર રૂઠ્યો ફરી રહ્યો છે?)

એ સનાળીના ચારણ કસિયા નીલાએ પ્રભાતને પહોર આપા દેવાને રાતીચોળ આંખે ઘોડે ચડતો દીઠો. લાગ્યું કે નક્કી કોઇ જોરાવર વેરીના પ્રાણ લેતા દેવો વાળો જાય છે. મનમાં થયું કે હું દેવીપુત્ર સામો મળું અને શું આજ બાપડા કોઇક વીરનરની હત્યા થશે?

તો તો મીરાં લોહીના શુકન લેખાય, દેવાને એક વાર હેઠો ઉતારું. પણ ‘ક્યાં’ કારો તો અપશુકન લેખાય છે. એટલે ચારણે બિરદાવળીનું આ સપાખરું ગીત બાધ્યું.

એ ચારણી વાણી સાંભળતાં સાંભળતાં આપો દેવો વાળો પેંગડા પર એક પગભર થંભી ગયા. ગીતા પૂરું થયે દેવા વાળાએ પગ કાઢીને અતિથિ સામે ડગલાં ભર્યાં. ચારણને હાથ લંબાવી રામ રામ દીધા-લીધા. કસિયોભાઇ પૂછે છેઃ “બાપ! આવડી બધી તૈયારી આજે કાને માથે કરી?”

“કસિયાભાઇ! વરજાંગડો આજ ઢોળવામાં રાત છે. ઘરમાં ભરાણો છે. વરજાંગને ઝાટકો દેવા જાઉં છું.”

“વાહ! વાહ! વાહ! વાહ! કાઠી!” એમ ભલકારા દઇને કસિયા નીલાએ દુહો કહ્યોઃ

ગાજે વ્રેહમંડ ઘોર, ભોંયવડાને લાગો ભડક,

જેતાણે સિંહ જોર, દેવો ઝરડકિયું દિયે.

“હાલો, આપ, હુંય હાર્યે આવું છું.”

“બહુ સારું. પણ હવે તો કસુંબો લઇને પછી ચડીએ.”

ઊભાં ઊબાં એક અંજલિ કસુંબો લઇ કસિયાભાઇને લેવરાવીને પચીસ ઘોડે દેવો વાળો ચડી નીકળ્યા. ઝાકળ એવી વરસવા માંડી છે કે ઝાડવુંય સૂઝતું નથી. ધીરે ધીરે ઘોડાં વાટ કાપતાં જાય છે.

ચારણની હિંમત

“થોડીક વાર તો જંપી જાઓ! થાક નથી લાગતો?” સૂતેલા પુરુષના લાંબા કેશની ગૂંચો ઉકેલતી ઉકેલતી સ્ત્રી બોલી.

“તારી છાતીએ માથું મૂકતાં તો તરવારના ઘા સોત ગળી જાય છે. પછી વળી થાક કેવા? અને આજ તો જંપવુ કેમ ગમે? પલક વારેય આંખ મળતી નથી. આટલે દિવસે આવીનેય ઊંઘવા બેસાય. ગાંડી?” સ્ત્રીના ખોળામાં સૂતો સૂતો બહારવટિયો બોલ્યો.

“માડી રે!” સ્વામીના હૈયા ઉપર હાથ મૂકીને સ્ત્રી ચોંકે છે. “આવડા બધા ધબકારા! એવું ક્યું ઘોર પાતક કરી નાખ્યું છે, કાઠી?”

“કાઠિયાણી, શું કરું? આપણે માથે સમો એવો છે. આજ હું મારા સગા બાપના ઘરમાંયે ચોર બનીને દાખલ થાઉં છું. દેવો વાળો તો સાવજ છે. એને દુશ્મનની ઘ્રાણ્ય આવે છે.”

“આમ ફડકમાંને ફડકમાં ક્યાં સુધી જીવી શકાશે? પરણીને આવી છું તે દીથી જ પથારીમાં એકલી ફફડું છું. રાતે ભેરવને બોલતી સાંભળું છું કે તરત સૂરજને બબ્બે શ્રીફળની માનતા માનું છું. વામાં કમાડ ખખડે ત્યાં તો જાણે ‘તું આવ્યો’ સમજીને ડેલી ઉઘાડવા દોડું છું. સોણાં આવે છે તેમાંય આપણી તાજણના ડાબા સાંભળી સાંભળી ઝબકું છું.”

એટલું બોલતાં તો કાઠિયાણીની કાળી ભમ્મર બે મોટી આંખોમાં પાણી બંધાઇ ગયાં. ગાલે લીલાં ત્રાજવાં હતાં તેની ઉપર આંસુડાં પડ્યાં અને એ ઉપર દીવાનું પ્રતિબિંબ બંધાયું. ગાલ વચ્ચે જાણે હીરાકણીઓ જડાઇ ગઇ.

“કાઠિયાણી!” હાથમાં હાથ લઇને પુરુષે હેત છાંટ્યુંઃ “એમ કોચવાઇ જવાય? પાડાની કાંધ જેવો ઢોળવાનો ગરાસ ધૂળ મેળવવો મને શું ગમતો હશે? તારા ખોળાના વિસામાં મેલીને હું મારી કાયાને કોતરોમાં, ઝાડીઓમાં, વેરાનમાં રગદોળતો ભાટકું છું એની વેદના હું કેને જઇને બતાવું?

પણ શું કરું? ભગવાને બે ભૂજાઓ દીધી છે છતાં જો અન્યાયથી દેવો વાળો ઢોળવું આંચકી લે ને હું એ સાંખી લઉં, તો તો મારા પૂર્વજોની સાત પેઢીઓને ખોટ બેસે. તેમ છતાંય તું થાકી હો તો મારે બા’રવટું નથી કરવું. જે કટકો જમીન દેવ વાળો આપશે તેટલી લઇને હું આવતો રહીશ.”

“ના ના, મારા સાવજ!” ભ્રૂકુટિ ચડાવીને કાઠિયાણીએ પતિને ખાતરી આપીઃ “ના, તું તારે જીવ્ય ત્યાં લગી ઝૂઝજે. મારાથી ઘડીક અબળા બની જવાણું; પણ તું ડગીશ મા. તું બહારવટિયો બન્યો ત્યારથી તો મને સાતગણો વધુ વહાલો લાગછ. હું તો મારી માટીવટને પૂજનારી. તું ચૂટિયું પહેરીશ તે દી તો હું મારા ચૂડલાના કટકા કરી નાખીશ.”

ફાટ્યાતૂટ્યા મલીરના પાલવ વડે કાઠિયાણીએ પોતાની પાંપણો અને ગાલ લૂછી નાખ્યાં. સૌભાગ્યની બે જૂની ચૂડલી સિવાયના શણગાર વિહોણા એના શામળા દેહને રૂંવાડે જાણે કોઇ રાજલોકનું રાણીપદ પ્રકાશી ઊઠ્યું, નવલખા રત્નહાર કરતાં પણ વધુ સોહામણા પોતાના વીર-બાહુને કાઠિયાણીના કંઠે વીંટાળી વરજાંગ બોલ્યોઃ “કાઠિયાણી! તને તો આવાં જ વેણ શોભે.

અને આવી તપસ્યા કરતાં કરતાં મહિને-છ મહિને મેળાપના ચાર પહોર મળે એની મીઠાશ તે ક્યાંય થાવી છે? સાત વરસનો સ્વાદ જાણે સામટો મળે છે. શિલાઓની સાથે કાયાને પછાડી પછાડીને એક તારા સુંવાળા ખોળામાં પોઢવું એના જેવું સુખ બીજું કોણ માણી જાણશે?”

“લ્યો, તમારા માથામાં તેલ ભરું.” અઢાર ઓસડિયાં ઉકાળીને પોતાના હાથે કઢેલું ધૂપેલ તેલ કાઠિયાણી પોતાના કંથની જટામાં ઘસવા લાગી. તે દિવસ લાગ્યો તેવો રૂપાળો તો ધણી કોઇ દિવસ નહોતો લાગ્યો. ચંપાના છોડને જાણે નાગરવેલ વીંટળાઇ વળી. સવાર પડી ગયું, પણ દીવો ઠારવાનું ભાન રહ્યું નથી. મા।થામાં ઠંડક થઇ એટલે ઘડી-ઘડી કાઠીની આંખ મળી ગઇ છે.

ત્યાં તો કમાડ ભભડ્યું. ‘વરજાંગડા! વરજાંગડા! ભાગજે. દેવો વાળો આવે છે’ - એવો સંદેશો બોલ્યો. વરજાંગ કાઠિયાણીને રામ રામ કરીને ભાગ્યો. ફળીમાં ઘોડી પલાણેલી તૈયાર હતી. ચડીને ચોર હાલી નીકળ્યો.

ઘડી પહેલાં ક્યાં હતો? તંબોલવરણા હોઠવાળી કાઠિયાણીના હૈયા ઉપર! અને પલકમાં ક્યાં જઇ પડ્યો? દસ વરસથી વિજોગ વેઠતો ભાગતો વરજાંગ હૈયું હાથ રાખી શક્યો નહિ. ચાતકની જોડલી સરખાં બેય માનવીની વચ્ચે દેવા વાળાની અદાવતરૂપ રાત અંધારી ગઇ છે; વચમાં કાળની નદી વહી જાય છે. કાઠિયાણી ઢોળવે રહે, અને વરજાંગને રહેવું ભેંસાણ રાણપુરમાં! જીવતર અકારું બન્યું.

થોડીક વાર થંભી ગયો. પાછા વળીને દેવા વાળાના પગમાં પડી જવાનું મન થઇ ગયું. તાજો છોડેલો સુંવાળો ખોળો સાંભરી આવ્યો. વરજાંગ જાણે પડ્યો કે પડશે! માટીવટ પીગળવા માંડી. વગડામાં એણે તાજણને થંભાવી દીધી.

ત્યાં તો એણે શું જોયું? કાઠિયાણીનું ઠપકાભર્યું મોં! એ મોંમાંથી જાણે વાચા ફૂટી કે ‘વરજાંગ! મારો વરજાંગ તો મરી ગયો! તને હું નથી ્‌ઓળખતી.’

‘અહાહાહા!’

‘ફટ્ય મનસૂબા! લોહી-માંસના લોચામાં જીવ લોભાણો!’ એટલું બોલીને વરજાંગડે ઘોડી દોડાવી મૂકી. મહાજુદ્ધમાં રમી આવ્યો હોય એવ રેબઝેબ પરસેવો એને આખે અંગે ટપકવા માંડ્યો. તાજણના ડાબામાંથી શાબાશીના સૂર સાંભળ્યા.

ધડ! ધડ! ખડકીનાં કમાડ પર કાઠીઓનાં ભાલાં પડ્યાં અને દેવા વાળાએ ત્રાડ દીધીઃ “બા’રો નીકળ્ય! મલકના ચોલટા, બા’રો નીકળ્ય! બાયડીની સોડ્યમાં બહુ સૂતો!”

“આપા દેવા વાળા!” કાઠિયાણીએ ખડકી ઉઘાડીને લાંબા ઘૂમટામાંથી ઉત્તર દીધોઃ “કાઠી ઘરે નથી અને કીડીને માથે કટક લઇને તું ચડી આવ્ય એમાં તારું વડપણ ન વદે. બાકી તો અણછાજતાં વેણ આપા દેવાના મોઢામાં હોય નહિ. દેવતાઇ નર દેવો વાળો આજ ઊઠીને પોતાની દીકરીને કાં ભોંઠપ દઇ રહ્યો છે?”

“દીકરી, વરજાંગ અહીં રાત હતો?” હેતાળ અવાજે દરબારે પૂછ્યું. એ અવાજમાં પસ્તાવો હતો.

“હા!”

“કોણે ચેતાવ્યો?”

“મેં!” કસિયાભાઇ ચારણે પાછળથી જવાબ દીધો.

“કસિયાભાઇ, તમે? ખુટામણ?”

“આપા દેવા વાળા! કસિયો ભાળે, ને તું વીરા વાળાનો પોતરો ઊઠીને વરજાંગ જેવા ખાનદાન કાઠીને દગાથી માર-એ વાત બ્રહ્માંડેય બને કદી? આપા દેવા, જરા વિચાર કર, વરજાંગડો એકલે હાથે તારાં અનોધા જોર સામે ઝૂઝે છે, હક્કને કારણે માથું હાથમાં લઇને ફરે છે. એના ખડિયામાં ખાંપણ ને મોંમાં તુલસીનાં પાંદડાં તેં લેવરાવ્યાં. તોય કાળ ઊતરતો નથી, આપા!”

દેવો વાળો ધગી ગયા, પણ કસિયાભાઇને જોઇને અબોલ બની ગયા. કાળમાં ને કાળમાં એણે ઘોડાં ઉપાડ્યાં. ભૂખ્યા ને તરસ્યા અંજલિ કસુંબો લીધા વગર ઠેઠ જાતાં ઘોડાં ગોહિલવાડમાં લાખણકાને માથે કાઢ્યાં જઇને -

બાળ્યું લાખણકું બધું, કટકે કાંથડકા,

(તેના) ભાવાણે ભડકા, દીઠા વખતે દેવડા.

(કાંથડના કુંવર દેવાએ લાખણકું ગામ સળગાવ્યું અને એના ભડકા ભાવેણાના ધણી વખતસંગજીએ પોતાની અટારીમાં બેઠાં બેઠાં દેખ્યા. પણ શી જાતની આગ લગાડી?)

“આપા દેવા! આગ લગાડીશ? સૂરજ સાંખશે?” કસિયાભાઇએ પૂછ્યું.

“કસિયાભાઇ, હું દેવો વાળો, સળગાવું નહિ. એલા, ચાર વાંસડા ખોડો. ચારેયના છેડા સળગાવો.”

“પણ આવા દેવા! આના ભડકા આતોભાઇ કેમ ભાળશે?”

“આતાભાઇને કહેવરાવો કે લાખણકું બાળવું હોય તો આટલી જ વાર લાગે; પણ તેં ચીતળને માથે જે આદું વાવ્યાં છે, તેનું વેર હું આ માર્ગે ન વાળું.”

“શાબાશ, મારો દેવડો! તારી ખાનદાનીની જાળ આતાભાઇના ગુમાનને ભસ્મ કરી નાખશે.”

“અને આતાભાઇના કાકા કાંયાજીને આપણી હારે લઇ લ્યો; ભાવનગરના ધણીને કહેવરાવો કે વે’લા વે’લા છોડાવવા આવે.”

વરજાંગની દાઝ ભાવનગર પર ઉતારીને દેવો વાળો જેતપુર આવ્યા. કાંયાભાઇને હાથની હથેળીમાં રાખ્યા.દેવો વાળો કહે છે કે “કાંયાભાઇ આતાભાઇના કાકા, એટલે અમારેયે કાકા. એનાં અપમાન ન હોય.”

આઠ દિવસ રોકીને કાકાને અસવારોની સાથે માનપાનથી પાછા લાખણકે પહોંચાડ્યા.

આશ્રયદાતાને માટે

વરજાંગડો વેરી તણો, સુબાને માથે સાલ,

બરછી કાઢે બાલ, ધાધલ વાળે ઢોળવે.

છ મહીનાની વસમી રાતો રાણપુરમાં વિતાવી વરજાંગ વળી પાછો એક રાતે ઢોળવામાં લપાયો છે. બરાબર ભળકડે પછીતેથી કોઇ વટેમાર્ગુ બોલતું ગયું કે “વરજાંગ! ઘરમાં બેઠો હો તો ઊભો થાજે, ઊભો હો તો હાલી નીકળજે! આજ લુંઘિયેથી રાણિંગ વાળો રાણપુર માથે ત્રાટક્યો છે. આજ તારા અન્નદાતા રાણપુરના ખાં સાહેબ રઝળી પડશે ને તું પાછળથી માથું પટકીશ.”

“હેં, રાણપુર માથે રાણિંગ વાળો!” ફાળ દેતો વરજાંગ બેઠો થયો; તરવાર અને બરછી લઇને તાજણને માથે કૂદ્યો.

“કાઠિયાણી! ન આવું તો વાટ જોઇશ મા. મારો ખાંસાહેબ આજ મૂંઝાતો હશે. હવે ત હું એની આડો ઊભીને મરીશ.”

કાઠિયાણીએ વળામણાં દીધાં. વરજાંગો તાજણને જાપ નાખીને જાણે કે દોટાવી. નાડાવા સૂરજ ચડ્યો ત્યાં ભેંસાણ રાણપુરને સીમાડે આંબ્યો. સાંભળે છે કે દેકારો બોલી રહ્યો છે. એક પડખે રાણપુરનાં ઢોર ભાંભરડાં દેતાં ઊભાં છે. રાણાપુરનો ધણી ખાંસાહેબ એકલે પંડે પછેડી પાથરીને મારગ રોકી તરવાર વીંઝે છે. એની ચોપાસ લુઘિયાના કાઠીઓનું મંડપ બંધાઇ ગયું છે.

“ખબરદાર, કોઇ ખાંસાહેબને મારશો નહિ,” એવી લુંઘિયાના રાણિંગ વાળાની ઘોડીની અવળી જગ્યા ઉપર બરછી ઠઠાડી. પોતાના અન્નદાતા ખાંસાહેબને પોતાની જ ઘોડી પર બેેલાડ્યે બેસાડીને વરજાંગ વહેતો થયો. કોની મગદૂર છે કે વરજાંગની ઘોડીને આંબે? રણપુરના ગઢમાં પહોંચીને પોતાના ધણીને ઉતારી મેલ્યો. ખાંનું રૂંવાડુંય ખાંડું થયું નહોતું.

પારકરની ચડાઇમાં

સાકર ચોખાં ભાતલાં. દાઢાં વચ દળવા,

મન હાલે મળવા, ધાધલ વાળે ઢોળવે.

લુંઘિયાનો દરબાર રાણિંગ વાળો સિંધમાં થરપારકરને માથે ચડવાની તૈયારીઓ કરી રહ્યો છે. પોતાા સગા ભાઇ ઓઘડને પારકરના ઠાકોરે જીવથી મારી નાખ્યો છે. ભાઇના વેરનો હિસાબ ચૂકવવા આજ રાણિંગવાળો કાઠીનું કટક ભેળું કરે છે.

“આપા રાણિંગ,” સાથીઓએ કહ્યુંઃ “તારા આટલા કાઠીને સિંધના જોદ્ધાઓ બૂકડો કરી જાશે, જાણ છ કે?”

“ત્યારે શું કરું?”

“એકે હજારં કહેવાય એવા એક માટીને તો ભેળો લે!”

“કોણ?”

“વરજાંગ. એના હાથ તે દી રાણપરને સીમાડે પારખ્યા છે.”

રાણિંગ વાળાએ વરજાંગને કહેણ મોકલ્યું. ઘોડે ચડીને વરજાંગ લુંઘિયે આવ્યો. લુંઘિયાને ચોરે એણે ઉતારો કર્યો. પોતાના ખડિયામાં જે ખાનપાન લાવ્યો હતો તેના ઉપર ગુજારો કર્યો. જમવા ટાણે કે કસુંબા ટાણે એને કોઇ બોલાવતું નથી. કોઇ એની સાથે વાતચીત પણ કરતું નથી.

પારકર પર વાર ચડી. રાણિંગ વાળાના હેતના કટકા થઇ બેઠેલા કંઇક કાઠીઓ સામસામા ટહુકા કરતા આવે છે. પણ વરજાંગની તાજણ તરીને એકલી ચાલી આવે છે. એને કોઇ બોલાવતુંયે નથી. બધાં અપમાન વરજાંગ ઘૂંટડે ગળી ગયો. એમ કરતાં તો થરપારકરની સીમા દેખાણી.

રાણિંગ વાળાએ ગામનો માલ વાળ્યો અને ગોકીરો ઊપડ્યો. ‘કાઠી! કાઠી! કાઠી!’ એવી કારમી ચીસો ખોરડે ખોરડે પહોંચી વળી, પારકરનો ઠાકોર પોતાના પહાડ જેવા શૂરવીરોને લઇ બહાર નીકળ્યો. સામસામા ઘોડાં ઊભાં થઇ રહ્યાં અને પારકરના ઠાકોરે ત્રાડ દીધી કે “આમાં જે રાણિંગ વાળો હોય તે નોખો તરી નીકળે. પારકરનું પાણી ચખાડું.”

કાઠીઓ થીજી ગયા. ભે ભાગી ગઇ. રાણિંગ વાળાની છાતી બાંગી ગઇ. પારકરના રાક્ષસ જેવડા ગજાદાર રજપૂતના હાથમાં પ્રચંડ તરવાર તોળાઇ રહી છે. હમણાં જાણે પડી કે પડશે! કાઠીઓના હોસકોસ ઊડી ગયા. અસવારોનાં ઊતરી ગયેલાં મોઢાં એકબીજાની સામે જોઇ રહ્યાં છે અને રાણિંગ વાળો થરથર કાંપતો લપાતો જાય છે. બીજી વાર શત્રુએ સાદ દીધોઃ “કોણ છે રાણિંગ વાળો! નીકળ, બહાર નીકળ!”

“આવી જા માટી, હું રાણિંગ વાળો, હું!” એમ બોલતો વરજાંગ ઊછળ્યો. બન્ને વચ્ચે તરવાર-ભાલાની બાટાચૂટ બોલી. ઘોડાને માથે બેય ઊભા થઇ ગયા. બન્નેએ સામસામી બરછીઓ ફેંકી. બેય પટાના સાધેલા નિશાન ચૂકવી ગયા, હેઠે પડ્યા, બાથંબાથા ચાલી. આખરે વરજાંગે વેરીને ઠાર કર્યો.

પારકરથી કાઠીઓનાં ઘોડાં પાછાં વળે છે. રસ્તે રાણિંગ વાળાને ધરતી મારગ આપે એવું ભોંઠામણ થઇ રહ્યું છે. આખા મેલીકારમાંથી પોતાની તાજણને નોખી જ તારવીને અબોલ ચાલ્યા જતા વરજાંગની મૂર્તિ સામે મીટ માંડતો માંડતો રાણિંગ વાળો વિચારે છેઃ

“ધિક્ક છે! કાઠીનો દીકરો થઇને હું પારકર ઠાકોરની ત્રાડ ન ઝીલી શક્યો. મારું નામ છુપાવ્યું. અરે, આ તો મારો વેરી વરજાંગ મારે સાટે ધસ્યો! દાનો દુશ્મન સાચો!

વિચારી વિચારીને રાણિંગ વાળો ઝંખવાય છે. બીજા કાઠીઓને મોઢે પણ મેશ ઢળી છે. ફક્ત વરજાંગને જ પોતાનું પરાક્રમ સાંભરતું નથી. એની ડાબી આંખ જાણે દેવા વાળાને ગોતતી ગોતતી અંગારા કાઢે છે, અને જમણી આંખમાં પોતાની કાઠિયાણીનું મોં તરવરે છે.

રાણપુરનો મારગ તર્યો, વરજાંગો ઊંચા હાથ કર્યાઃ “લ્યો, આપા રાણિંગ, રામ રામ!”

“કાં બાપ! લુંઘિયા લગી નહિ આવ્ય? તને શીખ કરવી બાકી છે.”

એટલું બોલીને વરજાંગે તાજણને મરડી. પૂંછડાનો ઝૂંડો કરતી ઘોડી વેગે ચડી ગઇ. મેલ્ય રાણપર પડતું, અને આવી ઢોળવે! ગામમાં સોપો પડ્યો છે. ગામ બહાર ખીજડાને થડે ઘોડી બાંધીને વરજાંગ છીંડીએ થઇ ઘેર આવ્યો. આખા ગામની અંદર એ એક જ ખોરડાની જાળીઓમાંથી ઝાંખા અજવાળાં ઝરે છે. કાઠિયાણી ઘીના દીવા બાળીને જગદંબાના જાપ કરે છે.

ખડકી ઉપર ત્રણ ટકોરા પડ્યા. સ્ત્રીએ તરડમાંથી ધણીને જોઇ લીધો. ખડકી ઉઘાડ્યા વિના જ બોલીઃ “કાઠી, ભાગવા માંડ્યા. દેવો વાળો ગામમાં છે.”

“અરે, એક ઘડી તો ઉઘાડ!”

“જા, કાઠી, જા! મારી ચૂડલી કડકડે છે.”

નિસાસો મૂકીને વરજાંગ પાછો વળી ગયો. પારકરના શૂરાતનની વધામણી થાવાનું એકનું એક થાનક હતું, ત્યાં પણ એણે કાળા નાગની ચોકી દીઠી.

ઊજળું મૉત

દેવા વાળાની ભીંસ વધી છે. એનો તાપ સહેવાતો નથી. ઢોળવાની સીમના સેઢા ઉપર વરજાંગના ઢોરને ચારવાની મના થઇ છે. એનાં છોકરાં પળી દૂધ પણ પામતાં બંધ થયાં છે. થાકીને વરજાંગે કુટુંબને રાણપર તેડાવી લીધું છે.

પોતે દેવા વાળાનાં ગામડાં ભાંગતો ભાંગતો માંડણકુંડલાના સંધીઓની સાથે ભળ્યો છે. દેવા વાળાને હંફાવવાની વેતરણ કરી રહ્યો છે.

એમ કરતાં તો બાર મહિના વીત્યા. પારકરથી આવ્યા પછી વરજાંગો ઘરનું સુખ જાણ્યું નથી. આજે એને અધીરાઇ આવી ગઇ. કહેણ મોકલી દીધું કે “કાઠિયાણી, કાલે રાતે આવું છું.”

ઘોડી પલાણીને સાંજને પહોરે વરજાંગ નીકળ્યો. સંધીઓ વળાવવા જાય છે, પણ જ્યાં ડેલીથી ચાલ્યા ત્યાં તો ઘોડી ખંચાણી. સુતાર સામો મળ્યો.

“વરજાંગ ભા!” સંધીઓએ વાર્યોઃ “આજ ઠેરી જાવ. અપશુકન થાય છે.”

“શુકન-અપશુકન તો બાયડિયુંને સોંપ્યાં, બા! આપણે તો કેડે સમશેર એ જ સાચું શુકન.”

હઠીલો કાઠી માન્યો નહિ. સંધીઓ પાછા વળ્યા. વરજાંગનું ડાબું ડિલ ફરકવા માંડ્યું. તાજણ હટવા લાગી. પણ આજ વરજાંગથી રોકાવાય નહિ. આજ કાઠિયાણી વાટ જોશે. આખી રાત ઉચાટમાં ને ઉચાટમાં ઉજાગરો કરશે; અને અપશુકનથી બીને હું મોડો જઇશ તો માથામાં મે’ણાં મારશે. ચાલ જીવ! આજ તો હવે આ બાંધ્યા હથિયારને રાણપરને ઓરડે મારી જોગમાયાના જ હાથ છોડશે.

પાદરમાં આવે ત્યાં તો વરજાંગે મીઠી શરણાઇઓ સાંભળી. પચાસ ઘોડેસવારો રંગભીના પોશાકમાં જતા હતા. તેમણે ઓળખ્યો, પૂછ્યુંઃ “કોણ, વરજાંગ ધાધલ? ગળથ ગામના વિસામણ બસિયાનો મારતલ તું પોતે જ?”

“એ હા બા, હું પોતે જ. તમને સહુ પણ ગળથનો જ બસિયા-દાયરો કે?”

“હા, હા, આપા વરજાંગ! તયેં હવે માટી થા.”

“આવો બા, હું માંડણકુંડલાને પાદર ઊભો હોઉં અને બસિયાની જાનનાં પોંખણાં ન થાય તો સંધી ભાઇઓને ધોખો થાય. આવો! આવો!”

“અને અમેય આપા વિસામણની વરસી વાળતા જાયેં.”

લગ્નના સૂર બદલાઇ ગયા. શરણાઇઓ સિંધુડો તાણવા મંડી. ઘોડાં! ઘોડાં! ઘોડાં! થવા મંડ્યું. ઘમસાણ બોલ્યું. આજ જાણે નવી જાન જોડાણી. વરલાડો વીર વરજાંગ ભાલે રમે છે કે ફૂલદડે તેનું એને ભાન રહ્યું નથી. ડાંડિયા-રાસ લે છે કે લડે છે તેનો એને ભેદ રહ્યો નથી.

પચાસ કાઠીઓના પ્રહાર ઝીલતી એની તરવારના ટુકડા થઇને હાથમાંથી ઊડી ગયા. એ એકલવીરની ચોગરદમ મંડળ બંધાઇ ગયું. એ પડ્યો, સંધીઓ દોડ્યા ને બસિયાઓ ભાગ્યા. બધું પલકમાં બન્યું.

રાણપુરમાં સવાર પડ્યું ત્યારે માંડણકુંડલેથી વરજાંગના મૉતના વાવડ આવ્યા.

બીજે જ દિવસે એક હિંગુળોકિયું વેલડું આવીને રાણપુરને પાદર ઊભું રહ્યું.

“આઇ, ઢોળવેથી આપા દેવા વાળાએ તેડાં મોકલ્યાં છે.”

“હા, બાપ! હાલો, હવે મારી પાસે જે બે-ચાર ગાભા રહ્યા છે તે દેવા વાળાને સોંપી દઉં, એટલે અમારો અને એનો હિસાબ ચોખો થાય. હાલો.”

આઇ પોતાનાં છોકરાં લઇને વેલડામાં બેસીને ઢોળવે ગયાં. ડેલીએ દરબાર દેવો વાળો દાયરો ભરીને બેઠાં છે. વેલ્ય આવતાં જ દરબારે હુકમ કર્યોઃ “છોકરાને આંહીં જ ઉતારી લેજો!”

પોતાના દીકરાને વેલ્યમાંથી ઉતારીને બાઇએ કહ્યુંઃ “દરબાર, ખુશીથી તમારાં વેર વસૂલ કરી લેજો.”

“એ હો, દીકરા!”

એટલું કહીને દરબારે છોકરાને પોતાના ખોળામાં બેસાડી લીધો. વરજાંગના હથિયાર મંગાવી એના અંગ ઉપર બંધાવ્યાં, અને માથે હાથ મેલીને ઊભરાતે હૈયે આશીવાર્દ દીધા કે “બહાદર, મારા ભાણેજ! તારા બાપના જેવો જ સાવજ બનજે, અને એના જેવું જ મરી જાણજે.”

આખોયે ગરાસ વરજાંગના પુત્રને સોંપી, બાર દિવસ રોકાઇ, પોતાના વેરીનું કારજ ઉકેલી દેવા વાળા જેતપુર સિધાવ્યા ને તે દિવસથી કસુંબા લેતી વખતે વરજાંગને રંગ દેવાનું નીમ લીધું.

(માંડણકુંડલાના ઝાંપામાં વરજાંગની ખાંભી ઊભી છે.)

ઓળીપો

પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો, બસ, એક જ રઢ લાગી ગઇ છે. બાપોદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે. વટેમાર્ગુ જોતાં જોતાં ચેતવતાં જાય છેઃ “રૂપી, ભેખડ પડશે ને તુંને દાટી દેશે, હો બેટા!”

પણ રૂપી તો મેરની દીકરી. એને તો એનાં ઘરખોરડાં આભલાં જેવાં ઊજળાં કરવાં છે. ઓરડામાં કમાનો વાળવી છે. દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નકશી કરવી છે. ગોખલા કંડારવા છે. ભીંત ઉપર ચિતરામણ આલેખવાં છે. રૂપીને ઠાવકી, ચીકણી, માખણના પિંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? દટાઇ જાય તોયે શું?

માટીના સૂંડલા પોતાને માથે મેલીને, મલપતી મલપતી, રૂપી ચાલી આવે છે. ધોમધખતા તાપમાં એનું રૂપાળું મોં રાતુંચોળ થાથું આવે છે. મોતીની સેર વીખરાણી હોય તેવાં પરસેવાનાં ટીપાં ટપકતાં આવે છે. કૂવાને કાંઠેય મેરાણીઓ મોઢાં મચકોડી વાતો કરે છેઃ “બાઇ, આ તો નવી નવાઇની આવી છે! કૂવામાં પાણી જ રે’વા દેતી નથી. કુણ જાણે અધરાતથી બેડાં તાણવા માંડે છે.”

નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે, ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે, ‘વાલામૂઇ પડે તો ઠીક થાય!’

ભૂખી-તરસી વહુને આખો દિવસ ઓળીપો કરતી નિહાળીને સાસુ-સસરો હેતાળ ઠપકો આપે છે કે, “અરે રૂપી, ખાધાનીયે ખબર ન પડે, બેટા?”

એને માથે ચારેય છેડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉંવરણા ગાલ ઉપર ગોરમટીના છાંટા છંટાઇ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં રોળાણાં છે. શરણાઇ-શી એના હાથની કળાઇઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે. તોય રૂપીનાં રૂપ કાંઇ અછતાં રહે?

રૂપીનો વર નથુ રોટલો ખાવા આવે છે. એકલા બેસીને ખાવાનું એને ભાવતું નથી.

“રૂપી!” નથુ બહાર નીકળીને એને સાદ કરે છેઃ “રૂપી, આવડી બધી કેવાની અધીરાઇ આવી છે, ઘર શણગારવાની? કાંઇ મરી બરી તો જાવાની નથ ના!”

“લે, જો તો, બાઇ! નથુ કેવી વાણી કાઢી રિયો છે! મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાંઉ ખપનો, નથુ?”

“હે ભગવાન! આ મેરની છોકરી તો નવી નવાઇની! કવરાવ્યો મને! ભગવાન કરે ને નિસરણી લસરે જાય!” એટલું કહીને નથુ હસે છે.

“તો તો, પીટ્યા, તારે જ મારી ચાકરી કરવી પડશે. સાજી થાઉં તોયે તારા ખોળામાંથી ઊઠાં જ નહિ ને! ખોટી ખોટી માંદી પડેને સૂતી જ રાં!”

રૂપી અને એનો વર નથુ ખોરડાની પછીતે ઊભાં ઊભાં આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતાં ને પેટ ભરવાની વાતો ભૂલી જતાં હતાં. ઇશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે.

નિસરણીની ટોચે ઊભોને કરો લીંપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું. ગોરમટીનાં છાંટણાંમાં ભીંજાયેલી ્‌જુવાન મેરાણી નથુને મન તો કોઇ નવલખાં રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદ્‌ગાર નીકળી જતો કે ‘ઓહોહો! બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઇ ન મળે.”

એમ કરતાં કરતાં અષાઢ ઊતરીને શ્રાવણ બેઠો. જોતજોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું. નદી અને નહેરાં છલોછલ હાલ્યાં જાય છે. ધરતીનાં ઢોરઢાંખર અને પંખીડાં હરખમાં હિલોળા મારે છે ને રૂપીયે વારતહેવાર રહેવા મંડી છે. સવાર પડે છે ને હાથમાં ચોખા-કંકાવટી લઇ રૂપી બાપોદરનાં દેવસ્થાનો ગોતે છે, પીપળાને અને ગાયોને ચાંદલા કરી કરી ચોખા ચડાવે છે, નાગદેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મન તો આ સૃષ્ટિ શી રળિયામણી હતી! ઓહોહો! શી રળિયામણી હતી!

શીતળા-સાતમ અને ગોકળ-આઠમના તહેવાર ઢૂકડા આવ્યા. સાતમ-આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડીતૂર બને. પરણેલી જુવાનડીઓને પિયરથી તેડાં આવે. રૂપીનેય માવતરથી સંદેશા આવ્યા કે ‘સાતમ કરવા વહેલી પહોંચજે’.

સાસુ-સસરાએ રાજીખુશીથી પોતાની લાડકવાયી વહુને મહિયર મહાલવાની રજા આપી. નવી જોડ લૂગડાં પહેરી, ઘરેણાંગાંઠા ઠાંસી, સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી, સેંથે હિંગળો પૂરી ને આંખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી. માથે લૂગડાની નાની બચકી લીધી.

પરણ્યા પછી આજ પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી, નથુ પાસે રૂપી રજા લેવા ગઇ. નથુથી ન રહેવાયુંઃ “રૂપી! આ બધું પિયરિયામાં મા’લવા રાખી મૂક્યું’તું ને? ‘નથુ! નથુ!’ બોલેને તો ઓછી ઓછી થે જાછ! તંઇ આ શણગાર તો નથુ માટે કોઇ દી નુતા સજ્યા!’

“લે, જો તો બાઇ! આડું કાં બોલતો હઇશ, નથુ! કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કે દી હુતી? અને આજ પે’ર્યું છે એય તારે જ કાજે ને! તું હાલ્ય મારી હારે. મને કાંઇ ત્યાં એકલાં થોડું ગમશે?” એટલું બોલતાં તો રૂપીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

“અરે ગાંડી! એમાં કોચવાઇ ગી? અને મા-બાપની રજા વિના મારાથી અવાય ખરું કે?”

“હું ફુઇને અને મામાને બેયને કે’તી જાઉં છું ને! તું જરૂર આવજે, હો! તારા વન્યા મારી સાતમ નૈ સુધરે હો, નથુડા!”

એટલું કહીને રૂપી સાસરા કને ગઇ. પોતાની તોછડી, મીઠી વાણીમાં મેરની કન્યાએ તુંકારો દઇને કાલું કાલું વેણ કહ્યુંઃ “મામા, નથુને ચોકસ મેલજે, હો! નીકર મારી સાતમ નૈ સુધરે.”

સાસુને પગે પડીને રૂપી બોલીઃ “ફુઇ! નથુને ચોકસ મેલજે, હો નીકર મારી સાતમ નૈ સુધરે.”

“માડી, મેલશું તો ખરા; પણ તારાં માવતરનું સાચેખોટેય તેડું તો જોવે ને!” બુઢ્‌ઢી સાસુએ જવાબ દીધો.

“અરે ફુઇ, એનો ધોખો તું કરીશ નૈ. હું ત્યાં પહોંચ્યા ભેરી દ તેડું મોકલાવીશ ને!”

એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી - કેમ જાણે ફરી કોઇ દિવસ પાછું આવવાનું જ ન હોય એવા આંસુડેભરી આંખે ખોરડા સામે ટાંપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઇ ગયા, છાનોમાનો નથુ પાદર સુધી વળાવવા ગયો. છલંગો મારતી મૃગલી જાણે પાછું વાળીને જોતી, લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઇ. એનો છેલ્લો બોલ એક જ હતોઃ “નથુડા, આવજે હો! નીકર મારી સાતમ નૈ સુધરે.”

આઘે આઘે રૂપીના ઓઢણાનો છેડો પણ ઊડતો અલોપ થયો, ત્યારે એક નિસાસો મેલીને નથુ ગામમાં ગયો, કામકાજમાં એનું ચિત્ત પરોવાઇ ગયું.

“અરર! માડી! દીકરીને પીટ્યાંઓએ કામ કરાવેં કરાવેંને અધમુઇ કરે નાખી, માથેથી મોડિયો ઉતાર્ય પહેલાં તો મૂવાં રાખહ જેવાંએ પાણીની હેલ્યું ખેંચાવવા માંડી.”

“પણ, માડી. તને કહ્યું કુણે?”

“કુણે શું, તારી પાડોશણુંએ. સવારથી સાંજ લગે દીકરીને ઓળીપામાં જ દાટે દીધી, માડી! આમ તો જો! મોં માથે નૂરનો છાંટોય ન મળે. અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો - રોપી ઉતરડાઇ જ ગી.”

“માડી, તને કોઇ ભંભેરે ગું(ગયું) છે, હો! અમારાં પાડોશી ભારી ઝેરીલાં છે. તું કોઇનું માનીશ મા, હો! અને તેં મને તેડું મોકલ્યું, તારેં નથુને કીમ ન તેડાવ્યો? ઇ તો રિસાઇને બેઠો છે. ઝટ દેને ખેપિયો મેલ્ય.”

“ચૂલામાં જાય તારો નથૂડો! મારે એ ભૂતને તેડાવવો જ નથ. અને લાખ વાતેય તને પાછી ઇ ઘરને ઉંબરે ચડવા દેવી નથ. ઘણાય મેર મળી રહેશે; એકની એક દીકરીને આખો જનમારો ઓળીપામાં નથ દાટેં દેવી!”

દડ! દડ! દડ! રૂપીની કાળીકાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યાં. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઊતરતું જ નથી. અદેખી પાડોશણોએ પિયરિયાંના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાંનું સારું બોલનારી એ છોકરીને સહુએ શરમાળ, ગુણિયલ અને આબરૂરખી ગણી હસી કાઢી.

જેમ જેમ એ બોલતી ગઇ, તેમ તેમ સહુને એને માટે વધુ ને વધુ અનુકંપા ઊપજતી ગઇ. અબોલ બનીને એ છાનીમાની ઓરડામાં બેસી ગઇ. રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય?

રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઇઓને વસમાં વેણ સંભળાવ્યાં. બિચારાં બુઢ્‌ઢા માવતર અને નથુ - એ ત્રણેય જણાંને તો ધરતી માર્ગ આપે તો સમાઇ જવા જેવું થઇ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગૂંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું.

તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઊડી ગયા. ધાનનો કોળિયો કોઇને ભાવતો નથી. નથુને મનસૂબા ઊપડે છે.

સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને માબાપે રૂપીનું નાતરું કર્યું રૂપીને રૂંવે રૂંવે આગ ઊપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક. અને શરમમાં દબાઇ ગઇ. એની છાતી ઉપર કોઇ મોટી શિલા જાણે ચંપાઇ ગઇ.

પિંજરમાં પુરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે “મને નથુ પાસે જાવા દિયો. મારે નાતરે નથ જાવું.

એનું કલ્પાંત કોઇએ ન સાંભળ્યું. એ મૂરખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી ધઇ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી. રૂપી કેમ કરીને રોવા ંમંડે? ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે શી રીતે? મેરની દીકરીને ઘૂમટો ન હોય.

ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઊઠી કે “નૈ જાઉં! નૈ જાઉં! મારા કટકા કરી નાખશો તોયે બીજે નહીં જાઉં. મને નથુ પાસે મેલો.”

માવતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જંપી જશે.

રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઇને કંઇક વટેમાર્ગુ નીકળે છે. ક્યો માણસ કયે ગામ જાય છે એટલુંય પૂછ્યા વગર રૂપી સહુને કહે છેઃ “ભાઇ, બાપોદરમાં નથુ મેરને મારો સંદેશો દેજો ને કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડી જાય; ત્યાં ઊભી ઊભી હું એની વાટ્ય જોઇશ!”

વટેમાર્ગુ બે ઘડી ટાંપીને હાલ્યા જાય છે. બોલતાં જાય છે કે ‘ફટક્યું લાગે છે!’

સોમવારે બપોરે રૂપીએ લૂગડાંનો ગાંસડો લીધો. “મા, હું ધોવા જાઉ છ.”

માએ માન્યું, ભલે મન જરી મોકળું કરી આવે.

ફૂલ જેવાં ઊજળાં લૂગડાં ધોઇ, માથાબોળ નાહી, લટો મોકળી મેલી, ધોયેલ લૂગડાં પહેરી, ઘૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને મારગ માથે જોતી રૂપી થંભી છે. ક્યાંય નથુડો આવે છે? ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે? એની તો હાલ્ય જ અછતી નહીં રહે; એ તો હાથી જેવા ધૂળના ગોટા ઊડાડતો ને દુહા ગાતો ગાતો આવશે!

નહીં આવે? અરે, ન આવે કેમ? સંદેશા મોકલ્યા છે ને! કેટલા બધા સંદેશા!

સૂરજ નમવા મંડ્યો, પણ નથુડો ન આવ્યો. સાંજના લાંબા લાંબા ઓછાયા ઊતરવા લાગ્યા, તોય નથુડો ન આવ્યો. પંખી માળામાં પોઢ્યા. ગૌધન ગામમાં પહોંચ્યું, ઘૂનાનાં નીર ઊંઘવા લાગ્યા.

ઝાડ-પાંદડાને જંપવાની વેળા થઇ, તોય નથુડો ન આવ્યો. ઘોર અંધારું થઇ ગયું તોય નથુડો ન જ ્‌આવ્યો. અરેરે, નથુડાનું હૈયું તે કેવું વજ્જર જેવું! એને મારી જરાય દયા ન આવી?

“રૂપી! રૂપી! રૂપી!” એવા સાદ સંભળાણા. રૂપી ચમકીઃ ‘કોના સાદ? નથુના? ના, ના, આ સાદ તો ગામ ભણીથી આવે છે.’ સાદ ઢૂકડા આવ્યા. ‘આ સાદ તો મારી માના. મારી મા મને ગોતવા આવે છે.’

‘નથુ, તેં તો મારી સાતમ બગાડી! અરે ભૂંડા, સંદેશાય ન ગણકાર્યા! પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે જો આવ્ય તો એક વાર ઘૂનો ડખોરી જોજે. હું જીવતી હઇશ તો આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગે નીકરશું’

“રૂપી! રૂપી! રૂપી!” ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ‘ધુબ્બાંગ!’ દેતી રૂપી ઘૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી રાખી. પણ નથુડો તો ન જ આવ્યો.

“રૂપી! રૂપી! રૂપી!” પોકારતી મા ઘૂનાના કાંઠે આવી. રાતનાં નીર બડબડિયાં બોલાવતાં જાણે હાંસી કરતા હતાં કે ‘રૂપીની મા! દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી, હો!’

દસ્તાવેજ

ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઇ જેઠ સુદ બીજે હથેવાળો પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજા સાથે ચાર ફેરા ફેરવી દેશું.’

વાંચતાંની જ વાર જુવાવે નિસાસો મેલ્યો.

શું વેશવાળ તૂટશે?પાંચ-પાંચ વરસનાં ધૂળમાં રમતાં હતાં ત્યારથી પંદર-પંદર વરસ સુધી જેનું ધ્યાન ધરેલું,તે રાજબા શું આજ બીજાને જાશે? નબાપા, નમાયા અને નિરાધાર એ રજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાના ટીપાં વળી ગયાં.

બાપની આખી જાગીર ફના થઇ ગઇ હતી. વારસામાં એનેેક ખોરડું મળ્યું હતું, અને બીજું મળ્યું હતું આ બાળપણનું વેશવાળ, આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છેઃ આશા હતી કે એના નિસ્તેજ અને સૂના ઓરડામાં અલબેલી ગરાસણી આવીને જૂનાં વાસણો માંજશે. રૂપાળી માંડછાંડ કરશે, મહિયરથી પટારો ભરીને કરિયાવર લાવશે, અનેમામો મનેય પહેરામણી કરશે. પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગરાસિયાના મસ્તકમાંથી ગરાસણીના લાડકોડ,

માંડછાંડ, ગારઓળીપા, કરિયાવરના પટારા અને પહેરામણીઃ બધાયે મલોખાંનાં માળખાંની માફક વીંખાઇ ગયાં. પૂર્વજોનું લોહી એની રગેરગમાં દોડવા લાગ્યું. મસ્તકના ભણકારા બોલવા લાગ્યા કે ‘મારી બાયડી બીજે જાય! એ કરતાં મૉત ભલું! મારું! મરું!’ પણ કોને મારે! કાટેલી તરવારને સજાવવાનાય પૈસા નહોતા.

જે વાણિયાને ત્યાં જાગીર મંડાણમાં હતી તેનાં ચરણ ઝાલીને ગરાસિયો કરગરી ઊઠ્યોઃ “કાકા, આજ મારી લાજ રાખો. મારું મોત બગડશે; મારી બાયડી જાશે તે પહેલાં તો મારે ઝેર પીને સૂવું પડશે. કાકા, એક હજાર આપો, મારી જાત વેચીને પણ ભરી દઇશ. આ ભવે નહિ અપાય તો ઓલ્યે ભવ તમારે પેટ જન્મ લઇને ચૂકવીશ.”

પણ વાણિયો પીગળ્યો નહિ. રજપૂત આ વેપારીના હાથ ઝાલીને રગરગ્યો. એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઇ હાથ પકડીને ખેંચી જાતું હતું.

કાકાએ કાગળ લીધો, કંઇક લખ્યુંઃ “લ્યો ભા, કરો આમાં સહી. અમારું તો વળી જે થાય તે ખરું.”

કાગળ વાંચીને રજપૂતનું લોહી થંભી ગયું. એમાં લખ્યું હતું કે ‘એક હજાર પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને મા-બે’ને સમજીશ.’

રજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તખત કર્યા. દસ્તાવેજની નકલ લઇને રૂપિયા એક હજાર સાથે એ ચાલ્યો ગયો.

અને રાજબા એના મહિયરમાં બેઠી બેઠી શું કરે છે? ભરથારનાં સ્વપ્નાં જુએ છે. નજરે નહોતો તોયે જાણે આરસપહાણમાં કોઇ કારીગર પોતાની મનમાની પ્રતિમાં કંડારતો હોય, તેમ એ બેઠી બેઠી પોતાના ગરીબ કંથની ચીંથરેહાલ મૂર્તિને અંતરમાં ચિંતવ્યાં કરે છે. પિયરિયામાં ગોઠતું નથી. પોતાના ઘરની એને હૈયે ભૂખ લાગી છે.

જેઠ સુદ બીજનો આભમાં ઉદય થયો. તે વખતે જમાઇરાજે સાસરે આવીને ભર દાયરા વચ્ચે કોથળી મૂકીને કહ્યુંઃ “લ્યો, મામા! આ રૂપિયા.”

આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઇને આપઘાત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો. ફિટકારો દેતા હતા ગરાસિયા દાયરામાંથી ઊભા થઇ ગયા. સાસરિયાનાં મોં શ્યામ બન્યાં અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી કન્યા કંપતા લાગી કે, ‘નક્કી, મારા માવતરનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે!’

સસરાના ગામનાં ઝાડવાંને છેલ્લા રામ રામ કરી, રજપૂતાણીને વેલડામાં બેસાડી, રજપૂત પોતાને ઘેર લઇ ગયો. ધડકતે હૈયે રજપૂતાણી ઓરડામાં દાખલ થઇ. એ ઘર નહોતું, સ્મશાન હતું. જેને લૂગડે જરીયે રજ નહોતી અડી એવી લાડમાં ઊછરેલી જોબનંવતીને આવીને તરત હાથમાં સાવરણી લીધી.

સાસુ-સસરા કે દેરનણંદ વિનાના સૂનકાર ઘરને વાળ્યું. ફરી ફરી વાળ્યું. ઓરડો આભલા સરખો ચમકી ઊઠ્યો. પચીસ-પચીસ વરસ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરનાં ચંદરવા ભીંતો ઉપર લટકતા હતા, એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી. ઓરડામાં હજારો નાનાં આભલાંનો ઝગમગાટ છવાઇ ગયો.

રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીંઝણો ઢોળતાં ઢોળતાં રજપૂતાણાએ થાળી જમાડી. ધરતીઢાળું મોઢું રાખીને અબોલ રજપૂતે વાળું કરી લીધું. પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઇ બિછાવીને ્‌એરંડીના તેલનો ઝાંખો દીવડો બાળતી બાળતી રજપૂતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી.

સ્વામી આવ્યો; પથારીમાં તરવાર ખેંચીને પોતાન અને રજપૂતાણીની વચ્ચે ધરી દીધી, પીઠ ફેરવીને એ સૂતો. પથારીની બીજે પડખે રજપૂતાણીએ પણ પોતાની કાયા લંબાવી.

ઉઘાડી તરવાર આખી રાત પડી રહી. નાનકડી એક તરવારઃ કરોડો ગાઉનું અંતર!

એવી એવી રાતો એક પછી એક વીતવા લાગી. આખો દિવસ એકબીજાંની આંખોમાં અમી ઝરે છે. અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં સાતતાળીની રમતો રમે છે. અને છતાંયે રાતની પથારીમાં ખુલ્લી તરવાર કાં મુકાય? રજપૂતાણી આ સમસ્યા કેમેય કરીને ઉકેલી ન શકી. એણે સાથે જ પોઢવા આવે છે. કંઇ પરીક્ષા કરતો હશે? કંઇ ન કળાયું. હૈયું વીંધાવા લાગ્યું. અમીનો કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો છે.

એક, બે ને ત્રણ રાતો વીતી. ચોથી રાતે ઠાકોર આવ્યા. સૂતા. રજપૂતાણી ભીંતનને ટેકો દઇને ઊભી રહી. મધરાત થઇ તોયે જાણે આંખનો પલકારો માર્યા વિના મીણની આકૃતિ જેવી એ ઊભી છે.

ઠાકોર બોલ્યાઃ “કેમ ઊભાં છો?”

રજપૂતાણીની આંખમાંથી ડળક ડળક આંસુ નીકળી પડ્યાં.

“કેમ આંસુ પાડો છો? પિયરિયું સાંભરતું હશે!”

“બહુ થયું, ઠાકોર! હવે તો હદ થઇ. પિયરિયાનું વેર શું હજીયે નથી વળી રહ્યું?”

“તમારે કહેવું છે શું?”

“તમે રજપૂત છો, તેમ હું પણ રજપૂતાણીનું દૂધ ધાવી છું. આખું જીવતર તરવારનાં અંતર રાખો ને! નહિ બોલું.”

“ત્યારે આ શું કરો છો?”

“ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માગું છું. તમારા મારગમાં આડી આવતી હોઉં તો ખસીને મારગ દઉં.”

“શેનો ભેદ?”

“આ તરવારનો!”

“રજપૂતાણી, લ્યો આ વાંચો.”

વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની એ નકલ હતી. વાંચતાં વાંચતાં તો રાજબાની આંખો, દીવામાં નવું તેલ પુરાય તેમ ઊજળી બની ગઇ. એનાથી બોલાઇ ગયુંઃ “રંગ છે તારી જનેતાને, ઠાકોર! વાંધો નહીં.”

ચોરે બેસી બેસીને ઠાકોર બે પહોર દી ચડ્યે છાશ પીવા આવ્યા. પોતે પરોવેલા મોતીનો નવરંગી વીંઝણો ઢોળતી ઢોળતી રજપૂતાણી પડખે બેઠી અને બોલીઃ “હવે આમ ક્યાં સુધી બેસી રહેશો?”

“ત્યારે શું હડિયું કાઢું?” રજપૂત તિરસ્કારથી હસ્યો.

“આ લ્યો,” કહીને રજપૂતાણીને પોતાના અંગ ઉપરની સૌભાગ્યની ચૂડલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો.

ઠાકોર એ ઢગલા સામે જોઇને બોલ્યોઃ “આનું શું કરું? કરજ ચુકાવી નાખું? બસ, ધીરજની અવધિ આવી ગઇ? રજપૂતાણી! બાયડીનાં પાલવડાં વેચીને વ્રત છોડાય?”

“ઉતાવળું બોલી નાખો મા, ઠાકોર! જુઓ, આમાંથી બે ઘોડિયું લ્યો, બબ્બે જોડ પોશાક કરાવો, ને બે જોડ હથિયારની.”

“બીજી જોડો કોના માટે?”

“મારે માટે.”

“તમારા માટે?”

“હા, હા, મારે, નાની હતી ત્યારે બહુ પહેર્યાં છે. તરવારો છાનીમાની સમણી છે. હથિયારો અંગે સજીને કાળી રાતે મેં એકલીએ ચોકી કરી છે. આજ સુધી છોકરાની રમતો રમતી હતી. હવે સાચો વેશ સજીશ. તમારો નાનેરો ભાઇ બનીશ.”

રજપૂત રમૂજભેર જોઇ રહ્યો.

અંગે વીરનાં વસ્ત્રો-શસ્ત્રો સજીને બેય ઘોડેસવાર કોઇ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યા છે. વિધાતા પણ પલ વાર વિમાસણમાં પડી જાય કે આને તે મેં નારી બનાવેલ કે નર? આવી રીતે રાજબાની સૂરત બદલી ગઇ છે. આંખમાંથી લાલ ટશર ફૂટી છે.

રાજધાનીના દરવાજામાં બેય ઘોડાં નાચ કરતાં કરતાં દાખલ થયાં હતાં, તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામી મળી.

વિધાતાની આ બે કરામતોને દેખી બાદશાહ ફિદા બની ગયો. પૂછ્યુંઃ “કોણ છો?”

“રજપૂત છીએ.”

“કેમ નીકળ્યા છો?”

“શેર બાજરી સારુ.”

“અહીં રહેશો?”

બેય જણાંએ માથું નમાવ્યું.

“સગા થાઓ છો?”

“હા, નામવર, મામા-ફુઇના.”

બેય રજપૂતોની ચાકરી નોંધાણી.

શિકારની સવારીમાં, બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારમી તરાપ મારી તે વખતે બેહિસ્તના દરવાજાની અને બાદશાહ વચ્ચે એક જ તસુનું અંતર હતું. પચાસ અંગરક્ષકોની તરવારો શરમાતી હતી, ત્યારે વખતસર એ સાવજના ડાચામાં કોનું ભાલું પેસી ગયું?

એ ભાલું રાજબાનું હતું. સાવજ સોંસરવો વીંધાઇ ગયો.

તે દિવસથી બેય રજપૂતોને બાદશાહના શયનગૃહની અટારીનો સોંપાયો. આખી રાત ચોકી દેતાં દેતાં એ રજપૂતોને અકે વરસ વીત્યું; હજી વાણિયાના હજારનો જોગ નહોતો થયો.

અષાઢની મેઘણી મધરાત ગળતી આવે છે. વરસ-વરસનાં વિજોગી વાદળાં આભમાં જાણે અણધર્યાં સામાં મળ્યાં અને એકબીજાને ગળે બાથ ભીડીને પથારીમાં પોઢ્યાં છે. નયનમાંથી પ્રેમનાં આંસુ નીતરતાં હોય તેવાં વરસાદનાં ફોરાં ટપક ટપક ધરતી ઉપર પડે છે. એ મધરાતનાં મૂંગા-મધૂરાં આલિંગન જાણે કે કોઇ જોતું નથી.

માત્ર કોઇ કોઇ નાનકડું ચાંદરડું જ એ મેઘાડંબરના મહેલની ઝીણી ચિરાડમાંથી એની તોફાની આંખ તગતગાવીને નીરખતું મલકી રહ્યું છે. તમરાંના લહેકારની સૂરીલી જમાવટ વાદળાંની ઘેરાતી આંખોમાં મીઠી નીંદર ભરી રહી છે. એકબીજાને બચ્ચી લેવાતાં, પ્રીતની ધગધગતી ગરમી પરજળી ઊઠે તેવી જાણે કે વીજળી વ્રળકે છે.

સામસામાં હૈયા દબાતાં ‘હાશ! હાશ!’ના ઉદ્‌ગારો વછૂટે, તે જાણે કે ધીરા ગડગડાટને રૂપે આખા વિશ્વની અંદર સૌને કાને પડે છે.

તેવે વખતે ઝરૂખાની પરસાળમાં ચોકી દેતા બે રજપૂતોની કેવી ગતિ થઇ રહી હતી? થાંભળીને ટેકો દઇને ઊભેલા ઠાકોરની આંખ જરાક મળી ગઇ. હાથમાં ભાલાં સોતો એ ઊભો ઊભો જ જામી ગયો. ઠકરાણી એકલી ટે’લે છે. એની આંખ આભમાં મંડાઇ ગઇ છે. એને સાંભર્યું કે અષાઢ આવ્યો, બીજો અષાઢ આવ્યો, બાર મહિના વીત્યા. આખા સંસારમાં આજ જાણે કોઇ એકલું નહીં હોય! વિજોગણ હું એકલી! રંગભીનો સામે ઊભો છે તોય જાણે સો જોજન આઘે ઊભો છે.

વાદળાંના ગડગડાટ સાંભળ્યા. વીરાંગના કોઇ દિવસ નહોતી ડરી - સાવજની ત્રાડથીયે નહોતી ડરી - તે આજે ડરી. દોડી સ્વામીને ભેટવા. તસુ એકનું અંતર રહેતાં થંભી. પચાસ ગાઉ આઘેના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણે આંચકો માર્યો.

આખો સંસાર જાણે કે એને ધક્કો મારવા ધસી આવ્યો. એ ઊભી રહી. ઊંઘતા કંથના મોં ઉપર એણે શું જોયું? કદી નહોતું જોયું તેવું રૂપ! વિયોગી, વેદનાભર્યું અને રિબાતું રૂપ!

રજપૂતાણી પાછાં ડગલાં દેવા લાગી. રૂપ જોતી જાય, પાછાં ડગલાં દેતી જાય, અને વાદળાંની મસ્તી સાંભળીને જાણે એના પગ ધરતી સાથે જડતા જાય.

વીરત્વ બધું જાણે એની છાતી ભેદી, બખતર ભેદી નિસાસાને રૂપે બહાર આવ્યું. એક નિસાસો! એક જ! નિસાસો કેટલો તોલદાર હશે! ધરતી ઉપર જાણે ધબ દઇને નિસાસો પડ્યો. આભમાં અજવાળું હોત તો એ દેખાત.

કઠોડા ઉપર કોણ ટેકવી અને હથેળીમાં ડોલર જેવું મોં ઘાલી રજપૂતાણી ઊભી રહી. બપૈયો જાણે સામેથી કંઇક સમસ્યાનો દુહો બોલ્યો. ‘પિયુ! પિયુ! પિયુ!’ના પડછંદા ગાજી ઊઠ્યા. ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દુહો ુઉપાડ્યો. સાતેય આકાશમાં અંતર જાણે ભેદાવા લાગ્યાંઃ

દેશ વીજાં, પિયુ પરદેશાં, પિયું બંધવારે વેશ,

જે દી જાશાં દેશમેં, (તે દી) બાંધવ પિયુ કરેશ.

(મારા દેશમાં આજ વીજળી થાય છે, પણ પ્રિયતમ તો પરદેશમાં છે. અરે, મારી પડખે જ છે. પણ મારા ભાઇને વેશે! જે દિવસ રૂપિયા કમાઇને દેશમાં જઇશું ત્યારે જ એને બાંધવ મટાડીને પતિ બનાવીશ. ત્યાં સુધી તો ભાઇ-બહેનનાં સગપણ સમજવાં.)

સવાર પડ્યું; હૈયામાં વાત સમાતી ન હોય તેમ બેગમે બાદશાહની આંખો ઊઘડતાં જ વાત કરી કે “આ બે રજપૂતોની અંદર કંઇક ભેદ છે.”

“એમ? શું કટકા કરી નાખું.”

“ના ના. કટકા કરવા જેવો નહીં, કટકા સાંધવા જેવો ભેદ છે. જોડીમાં એક પુરુષ છે, બીજી સ્ત્રી છે. વચ્ચે કોઇ ગુપ્ત વિજોગ છે.”

“દીવાની થા મા, દીવાની! જોતી નથી, બેઉની આંખોમાંથી અંગારા ઝરી રહ્યા છે?”

“પરીક્ષા કરો. પછી કોણ દીવાનું છે તે જોશો.”

“તેં શા પરથી જાણ્યું?”

“મધરાતે મારી નીંદર નહોતી. મેં અટારીમાંથી એક ઊંડો નિસાસો સાંભળ્યો. દીવાલો પણ એ નિસાસાના અવાજથી ધબકી રહી હતી. એક દુહો પણ એ બોલી. એવો દુહો ફક્ત ઓરતના હૈયામાંથી જ નીકળી શકે.”

“શી રીતે પારખી શકાય?”

“એ રીત હું બતાવું. બેઉં જણાને આપની પાસે દૂધ પીવા બોલાવો. એમની સામે જ દૂધની તપેલી આગ ઉપર મેલાવો. દૂધ ઊભરાવા દેજો. ેબેમાંથી જે રજપૂત એ દૂધ ઊભરાતું જોઇને આકુળ-વ્યાકુળ બને, તેને ઓરતા સમજ્જો. ઓરતનો જીવ જ એવો છે કે દૂધ ઊભરાતું જોઇને એની ધીરજ નહીં રહે. મરદ એની પરવા પણ નહીં કરે. આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય. ગાફેલ બની ઉઘાડી પડી જશે.”

બાદશાહે બેઉ રજપૂતોને બોલાવ્યા. દૂધ મુકાવ્યું. દૂધમાં ઊભરો આવ્યો.

ગઇ રાતે જેના અંતરના બંધ તૂટી પડ્યા હતા, તે વિજોગણ રજપૂતાણી પોતાના પુરુષ વેશનું ભાન હારી બેઠી. આકુળવ્યાકુળ બનીને બોલી ઊઠીઃ “એ...એ દૂધ ઊભરાય!”

ઠાકોરે એના પડખામાં કોણી મારીને કહ્યુંઃ “તારા બાપનું ક્યાં ઊભરાય છે?”

પણ ભેદ બહાર પડી ગયો. બાદશાહ બંનેને બેગમના ખંડમાં તેડી ગયો. બેગમે મોં મલકાવીને પૂછ્યુંઃ “બોલો, બેટા, તમે બંને કોણ છો? સાચું કહેજો. બીશો નહીં. અભયવચન છે.”

ગરાસણીના ગાલ ઉપર શરમના શેરડા પડી ગયા, એનાં પોપચાં ઢળી પડ્યાં. ઊઠીને એણે અદલ કરી! દીવાલની ઓથ આડે એણે પોતાની કાયા સંતાડી દીધી.

ગદ્‌ગદ્‌ કંઠે ગરાસિયાએ ખાનગી ખોલી. વાણિયાના દસ્તાવેજની વાત કહી. “વાહ રજપૂત! વાહ રજપૂત!” ઉચ્ચારતો બાદશાહ મોંમા આંગળી નાખી ગયો. એણે કહ્યુંઃ “તમે મારાં બેટા-બેટી છો. હું હમણાં જ તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું. તમે બેઉ જણાં મારા બીજા મહેલમાં રહો. આજે મારે ઘેરથી જ ઘરસંસાર શરૂ કરો.”

ત્યાં તો બેગમ દોડી. પોતાની પાસે રજપૂતાણીના મહામોલા પોશાક હતા તે લઇને હાજર કર્યા. ઠકરાણીને કહ્યુંઃ “લે બચ્ચા, આ પહેરી લે.”

બેય જણાંની આંખમાં આંસુ વહેતાં થયાં. અંજલિ જોડીને બેઉ બોલ્યાઃ “અન્નદાતા, અમારાં સાચાં માવતર તમે જ છો; પણ વાણિયાની પાસે જઇને નાણાં ચૂકવીએ, દસ્તાવેજનો કાગળિયો હાથોહાલ લઇ ચીરી નાખીએ, ત્યારે જ અમારાં વ્રત છૂટશે.”

રજપૂત બેલડીને બાદશાહે ગાડાં ભરીને સરપાવ આપ્યો, ગામ તરફ વિદાય કરી.

વાણિયાનું કરજ ચુકાવી, બધી જમીન છોડાવી આ વ્રતધારી બેલડીએ એ દિવસે વિવાહની પહેલી રાત ઊઝવી.

(કિનકેઇડ સાહેબે સિંધની કથા તરીકે આવી એક ઘટનાને પ્રગટ કરી છે. ‘રાજવીર-કથા’ નામની એક પુરાણી ચોપડીમાં આ વાર્તાનો નાયક ઉમરકોટનો સોઢો, પૈસા ધીરનાર વાણિયો જેસલમેરનો અને આશરો આપનાર ઉદેપુરના રાણા-એ રીતનું નિરૂપણ છે. કોઇ એને મારવાડની, તો કોઇ વાળી સોરઠની ઘટના કહે છે. ચોક્કસ થતું નથી.)

સંઘજી કાવેઠિયો

“આવો, આવો, પટેલીઆવ! ક્યું ગામ?”

“અમે સરોડેથી આવીએ છીએ, બાપુ!”

બથમાં ન માય એવા શરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યાઃ “અમારા આતા રાઘવ પટેલે ડાયરાને ચખાડવા સારુ આ શેરડીના સાંઠા મોકલ્યા છે.”

“ઓહો!” આ તો સાબરકાંઠો. ત્યારે તો માતાજીના અમૃતની પ્રસાદી.”

“હા બાપુ,” પટેલ બોલ્યાઃ “પહેલી મહેર તો સાબરમાતીની અને બીજી અમી-નજર તમે જેવા ધણીની, એટલે અમારી બાર-બાર મહિનાની કાળી મહેનત ફળી છે.” મારા આતાએ કહેવરાવ્યું છે કે “બાપુ! મારા આ કાંડા જેવા ધીંગ સાંઠા દોઢ-દોઢ માથોડાં ઉપર ડોકાં કાઢી ગયા છે, અને મણ-મણના તોલદાર સાંઠા ઊભા ને ઊભા ફસડાઇ પડે છે. રોગો પોપટિયો મહાસાગર જાણે હિલોળે ચડ્યો છે, હો બાપુ! માટે પગલાં કરો.’ લ્યો આ મારા આતાની ચિઠ્ઠી!”

“હાં, હાં, પટેલીઆવ, ઝાઝાં વખાણ રહેવા દ્યો, રાજાઓનાં પેટમાં પાપ જાગે. લાવો કાગળિયો.”

સાણંદ ગામના દરબારગઢની કચેરીએ વાઘેલા સામંતોના દાયરા વચ્ચે વીંટળાઇને આજથી ચારસો વરસ ઉપર એક ફાગણ મહિનાનો દિવસે કુંવર કરણસંગજી બિરાજેલા છે. કરોડના પટેલના દૂધમલ દીકરા શેરડીના ત્રણ ભારા લઇને દરબારનું મોં મીઠું કરાવવા આવ્યા છે. સાબરકાંઠાની ધોળી શેરડી દેખીને દાયરાના મોંમાં પાણી વછુટેલ છે. સજેલી છરીઓ કાઢીને તમામ દાયરો દરબાર કાગળ પૂરો કરે તેની વાટ જુએ છે. કાગળ વાંચીને દરબારે શેરડીના ભારા સામે જોયું. જોઇને પૂછ્યુંઃ “ત્રણ ભારા કેમ? આમાં તો પાંચ લખ્યાં છે!”

પટેલ બોલ્યાઃ “બાપુ, ડેલીએ સંઘજી કાકે બે ભારા ઊતરાવી લીધા છે; નાનાભાઇ ત્યાં બેઠા છે એટલે દાયરાને ખાવા સારુ રાખ્યા છે.”

“હા જ તો! સંઘજી કાકાનો દાયરો તો સહુથી પહેલાં હકદાર ગણાય ને, બા!” એમ કહીને એક અમીરે દીવાસળી મૂકી.

“ને,” બીજાએ ટહુકો પૂર્યોઃ “કાકો ભાગ પાડવાની રીત પણ સમજે છે. બાપ! બે ભાઇની વચ્ચે ત્રણ-દુ ભાગે જ શેરડી વે’ચાવી જોવે ને? એમાં કાંઇ અંચી કે અન્યાય હાલે? કાકો ચતુરસુજાણ સાચા! નાની-મોટી બાબતમાં એની હૈયાઉકલત તો હાજરાહજૂર છે!”

આવા મર્મ થતા જાય છે તેમ તેમ દાયરો જોતો જાય છે કે કરણસંગજીના અરીસા જેવા જુવાન ચહેરા ઉપર કાળા પડછાયા પથરાઇ રહ્યા છે. એના આંખો શરેડીના ભારા ઉપર મંડાઇ ગઇ છે. ત્યાં તો ત્રીજે પડખિયો ત્રીજે સૂર સંભળાવ્યોઃ “બાપુ! એક દિવસ એ જ ન્યાયે કાકોં રાજનીયે વે’ચણ કરાવશે. કાકાના કલેજાની વાત આફરડી આફરડી બહાર નીકળી પડી છે.

કાકાના તો ઘટ ઘટમાં રણછોડજી રમી રહ્યા છે, રાજનું અમંગળ કાકા કદી વાંછે નહિ, પણ ત્રણ-દુ ભાગે બરાબર વે’ચણ કરાવશે!”

કરણસંગજીના ચહેરા ઉપર ત્રણ-દુ ભાગની સમસ્યા ચોખ્ખેચોખ્ખી ચીતરાઇ ગઇ. ભારા ઉપરથી એણે નજર સંકેલી લીધી. એણે આજ્ઞા દીધીઃ “કાકાને જરાક બોલાવજો તો!”

ડેલીએ દાયરો જામ્યો છે. અઢાર વરસના કુંવર મેળાજીની ચોગરદમ જીવતો ગઢ કરીને રજપૂતો બેઠા છે. વચ્ચે નેવું વરસને કાંઠે ગયેલ સંઘજી કાવેઠિયો બેઠો છે. માથું, દાઢી, મૂછોના થોભા, નેણ અને પાંપણઃ તમામના ધોળા શેતર જેવા ભરાવ વચ્ચેની એની બે પાણીદાર આંખો હળવી હળવી ઊઘડે છે અને બિડાય છે. દરબાર ભીમસંગજીના વખતથી જ એ કારભારી હતા. મરણટાણે દરબાર કહી ગયેલા કે “સંઘજી, સાણંદનું છત્ર થઇને રહેજે.”

છોલેલી શેરડીનાં માદળિયાં ખૂમચામાં છલોછલ ભરાઇને તૈયાર થઇ રહ્યાં છે અને સંઘજી કાવેઠિયો જે ઘડીએ પહેલું માદળિયું હાથમાં લેવા જાય છે, તે જ ઘડીએ ગઢની મેડીમાંતી આવીને આદમીએ ખબર આપ્યા કે “ભાઇએ તમને જરા ઊભા ઊભા આવી જવાનું કીધું છે.”

હાથમાંથી શેરડીનું માદળિયું નીચે મૂકી દઇને સંઘજી કાવેઠિયો ઊભો થયો. બગલમાં તરવાર દાબી. હાથની આંગળીએ નાના કુંવર મેળાજીને વળગાડ્યા છે. નેવું વરસનો ખળભળી ગયેલો ડોસો મેળાજીના ખભા ઉપર હાથ ટેકવીને પોતાની વળી ગયેલી કાયા સંભાળતો મેડીએ ચડ્યો.

“રામ રામ, બાપા!” સંઘજી કાવેેઠિયાએ રામ રામ કર્યા.

એણે શેરડીના ભારા ભાળ્યા, એને એમ લાગ્યું કે કુંવરે પોતાના નાના ભાઇને આજ ઘણે મહિને હોંશેં હોંશે શેરડી ખાવા બોલાવેલ છે. એનું ધ્યાન ન રહ્યું કે કુંવરે સામા રામ રામ ઝીલ્યા નથી. એ બોલ્યાઃ “બાપ, ભાઇ સારું તો ત્યાંયે શેરડી તૈયાર હતી.”

“કાકા,” કંપતે હોઠે કરણસંગ બોલ્યાઃ “ત્રણ-દુ ભાગની વે’ચણ કરવાની શેરડીના ભારામાં કરવી પડી?”

“સમસ્યા?” ડોકું ધુણાવીને સંઘજીએ માંડ માંડ શબ્દો ગોઠવ્યાઃ “મેં સમસ્યા કરી? બે અને ત્રણ ભારાની શું વે’ચણ કરી? ભાઇ, તમે શું બોલો છો?”

“કાંઇ નહિ, કાકા, જાઓ. મેળાને હવે તમે તમારું ચાલે તો બે ભાગ અપાવી દેજો. પધારો, કાકા!”

દિગ્મૂઢ બુઢ્‌ઢાની આંખમાંથી પાણી વહેતાં થયાં. મેળાજીના ખભા ઉપર લીધેલો ટેકો ઓછો પડ્યો એટલે તરવારની મૂઠ ઝાલીને ધરતીને માથે બીજો ટેલો લીધો. કાયા વધુ ને વધુ કંપવા, વધુ ને વધુ નમવા મંડી.

“હવે રહી રહીને જાકારો દઇશ, મારા અન્નદાતા? આ ધોળિયું આટલે વર્ષે જાતું હવે ભારે પડ્યું, ભાઇ રે’વા દે, બાપ, સાણંદની ઢાંકેલઢૂબેલ આબરૂ સંસારમાં ઉઘાડી પડી જાય છે. રે’વા દે! સમજ કે મારી ભૂલ થઇ.

આખો દાયરો એકસમાટો ગરજી ઊઠ્યો, “હવે કાકા, પછેં એક વાર કહ્યું, બે વાર કહ્યું, તોયે ન સમજીએ? નાહક વહાલામાં વેર કરાવી રહ્યા છો તે! હવે રે’વામાં નહિ તમારું માત્યમ કે નહિ રાજનું માત્યમ!”

સંઘજીની આંખ બદલી. આંસુ થંભી ગયાં. નમેલી કાયા પલકમાં ટટ્ટાર થઇ ગઇ. ચારેય બાજુ બેઠેલ દાયરાનાં મોઢાં વાંચી લીધાં.

અને પછી કરણસંગ ઉપર નજર નોંધીને પૂછ્યુંઃ “બાપ, ડોસાને કૂતરાં પાસે ફાડી ખવરાવ્યો?”

“જાઓ, કાકા!” કુંવર બોલ્યો.

“પીંછડાં વિનાનો મોર શોભશે કે?”

“તમારું ચાલે તો પીંછડાં વીંખી નાખજો; જાઓ!”

“બસ, મને ભૂંડો લગાડવો છે? મારા ધોળામાં ધૂળ નાખવી છે?”

“જાઓ કાકા; આજના જેવી કાલ્ય નહિ ઊગે.”

“લે ત્યારે, હવે જાઉં છું; રામરામ, ભાઇ! આશા હતી કે ચાર-છ મહિને મારા કરણને સાચું સમજાશે, આશા હતી કે ખટપટનાં વાદળાંને ચીરીને મારો કરણ-મારો સૂરજ-બહાર નીકળશે. અને તે દી હું આ ગરીબડા ઓશિયાળા મેળાજીને તારે ખોળે બેસાડીને મારો સાથરો વધારીશ; પણ હવે રામરામ! ભર્યા રાજમાંથી નાના ભાઇને ભાઠાળી એક ટારડી તેં આપી’તી, એનાં ભાઠાં મેં આજ લગી આશાએ આશાએ ધોયાં.

પણ તારાથી એ સહ્યું જાતું નહોતું એ વાત આજે સાચી પડી. મેળાને માથે માથું ડગમગતું હતું, મેળાની થાળીમાં ઝેરની કણીઓ ઝરતી હતી. મેળાને રહેવા આપેલ ઝૂંપડાં પણ તને ખટકતાં હતાં, તે હું સાચું માનતો નહોતો. પણ આજ તેં મને માણસાઇ શિખવાડી. મારે રૂંવે રૂંવે સાણંદની રાબછાશ ભરી છે એની મને આડી હતી. સામધર્મની મને દુહાઇ હતી.

હું એક પછી એક ઘૂંટડા ગળ્યે જાતો હતો; પણ હવે રામરામ! અને-અને આજ જાતો જાતો હું આ તારા પડખિયાઓને કહેતો જાઉં છું કે હવે તો ત્રણ-દુ ભાગે નહિ, પણ અરધોઅરધ સરખે ભાગે તારી ને મેળાજીની વચ્ચે વે’ચણ થાશે.”

કરણસંગથી ન રહેવાયું. એણે પોતાની તરવાર લાંબી કરીને કહ્યુંઃ “આ લેતા જાઓ, કાકા! એક બાંધો છો અને આ બીજીયે ભેળા બાંધતા જાઓ!”

“તું શું બંધાવીશ? દ્ધારકાનો ધણી બંધાવશે.”

શેરડીના થાળ સુકાતા રહ્યા. સાવજ કેશવાળી ખંખેરે તેમ માથું ધુણાવતો ડોસો ‘દ્ધારકેશ! દ્ધારકેશ!’ કહેતો મેળાજીને લઇ વળી નીકળ્યો. ્‌આવરદાનાં સાઠ વરસ એક જ ઝપાટે પાછાં હટી ગયાં હોય એમ સીધો સોટા જેવો કાયાનો દમામ કરીને સંઘજી ચાલ્યો આવે છે. બેસી ગયેલી છાતી આગળ ધસી આવી છે.

ડેલીએ દાયરાના હાથમાં પતીકાં થંભી રહ્યાં છે. રુદ્રાવતાર સંઘજીને દેખતાં તમામ ઊભા થઇ જાય છે. વૃદ્ધ ફક્ત એટલું બોલ્યો કેઃ “દાયરાના ભાઇઓ! તમારામાંથી કોઇ મારી પછવાડે ચાલો તો તમને દ્ધારકાધીશની દુહાઇ છે. આંહીં જ રહેજો. સાણંદના રખવાળાં તમને ભળાવીને જાઉં છું. મેળાજીને મારે ખોળે સલામત સમજ્જો. અમારી લેણાદેણી આજ લેવાઇ ચૂકી છે.”

પોતાના ચાર પુત્રો સામે ફરીને સંઘજી બોલ્યોઃ “દીકરાઓ, આજ આપણને દેશવટો મળ્યો છે. આ ભર્યા ખોરડામાંથી ફ્કત પહેર્યાં લૂગડાં અને બાંધ્યાં હથિયાર ઉપરાંત વાલની વાળી કે લૂગડાંની લીર સરખીયે સાથે લેવાની નથી. મરદો, બાયડિયું ને છોકરાં-તમામ કોરેકોરાં બહાર નીકળી જાઓ.”

‘દ્ધારકેશ! દ્ધારકેશ! દ્ધારકેશ!’ એવા નિસાસા મૂકતો મૂકતો વૃદ્ધ ઊભો રહ્યો. મેળાજીના દરબારગઢનું વેલડું જોડાયું. વેલડામાં મેળાજીનાં અને સંઘજીનાં ઠકરાણાં ચડી બેઠાં. મરદો ઘોડે ચડ્યા, સમશેરો તાણીને સંઘજીનાં પુત્રોએ વેલડાની ચોગરદમ તથા મેળાની ઘોડાની આસપાસ કૂંડાળું બાંધ્યું. સહુથી વાંસે સંઘજીએ ઘોડો હાંક્યો. સાણંદમાં તે દિવસે સમીસાંજરે સોપો પડી ગયો.

ગરજે ગોમતી જી કે ગાજે સાગરં,

રાજે સામળા જી કે બાજે ઝાલરં.

મહાસાગરરૂપી ઇશ્વરી નગારા ઉપર આઠેય પહોર અણથાક્યો ઘાવ ઇ દઇને જળદેવતા ઘેરા નાદ ગજવે છે; સાગરની પુત્રી ગોમતીજી હરદમ ઝાલર બજાવે છે. એવી અખંડ આરતીના અધિકારી શ્રી દ્ધારકાધીશના દેવાલયમાં અધરાતનો ગજર ભાંગ્યો તે ટાણે સંઘજી ડોસો ઊભો ઊભો, હાથમાં માળા ફેરવતો ફેરવતો રણછોડરાયજીના ચતુર્ભુજ સ્વરૂપની સમક્ષ ‘’દ્ધારકેશ! દ્ધારકેશ!’ શબ્દની ધૂન લગાવી રહ્યો છે. મણિરત્ને જડેલા મુગટધારી શ્યામ-સ્વરૂપને માથે ઝળહળાટ વરસાવતી ઘીની અખંડ જ્યોતોનાં પ્રતિબિંબ ઝળકી રહ્યાં છે. સંઘજી પ્રાર્થના કરવા મંડ્યોઃ

‘હે દાદા! તરવાર દે! તારા નામની તરવાર દે. બાપ! મારો સૂરજ આથમશે તે ઘડીએ મારા રુધિરથી પખાળીને એ તરવાર હું તારા હાથમાં સોંપીશ. એના તમામ ડાઘને હું નિખારી નાખીશ. કલંક સોતી એને તારી હજૂરમાં નહિ આણું. દે, એક તરવાર દે, તારો હુકમ દે.’

બુઢ્‌ઢાને એવો ભાસ થયો કે જાણે રણછોડરાયની મૂર્તિ હાથ લંબાવીને એક ખડગ આપે છે. સંઘજી એ લઇ લે છે.

ધોળે દહાડે સાણંદનાં ગામડે ગામડાના ઝાંપા બિડાવા લાગ્યાં. આગની ઝાળો જેમ એક ખોરડેથી બીજે ખોરડે અને એક નેવેથી બીજે નેવે લાગતી જાય તેમ સંઘજી બહારવટિયાની ગસત ગામડે ગામડાને ધબેડતી સાણંદમાં ત્રાસ વર્તાવી રહી છે. કેડા ઉજ્જડ થઇને ભાંગવા લાગ્યા છે, સાંતીડા જોડનારા ખેડૂતોનાં માથાં વાઢી વાઢી સંઘજી કાકો મોખરે લટકાવવા મંડ્યો. ધરતીમાં વેરાનની દશા વર્તાઇ ગઇ. સંઘજી કાકાને નામે છોકરાં છાનાં રહે છે.

સંધ્યાની રૂંઝયું વળી ગઇ છે. ઝાડીમાં બહારવટિયાનો પડાવ થયો છે. શિલા ઉપર બેસીને સંઘજી ડોસાએ ભાલા ઉપર પોતાની કાયા ટેકવી છે. પાસે પડેલી એક લાશમાંથી રુધિર વહે છે, તેનાં ખાબોચિયાં ભરાયાં છે.

એ સંઘજીના નાનેરા ભાઇનું શબ હતું. સાણંદ ભાંગીને પાંચ ગાઉ ઉપરના ખેતરમાં ત્રણ દિવસના ભૂખ્યા બહારવટિયા પછેડીમાં લોટ-પાણી મસળીના ભાઠામાં રોટલા શેકવા બેઠા હતા, ત્યાં સાણંદનું સૈન્ય ઘેરી વળ્યું. તરવારોની તાળીઓ પડી. સંઘજીનો નાનેરો ભાઇ દોટ કાઢીને સેનાની સામે દોડ્યો. સંઘજીના એ જમણા બાહુું બલિદાન ચડી ગયું.

સંઘજીએ દીકરાઓને કહ્યુંઃ “આજ સુધી તો મેળાજીને કેસરિયે લૂગડે આપણે સાથે ને સાથે ફેરવ્યો છે. પણ આજ જેમ કાકો ઝપટમાં ચડી ગયો એમ મેળોજી જોખમાય તો આપણું મોઢું શું રહેશે? માટે બાપાને હું ઠકરાણા સોતો ઇડરમાં ભળાવી આવું. ત્યાં ફુઆ-ઇની છત્રછાયામાં બાપાને મૂક્યા પછી વણઉચાટે આપણે મરી છૂટશું.”

બુઢ્‌ઢો એકલે પંડે મેલાજીને ઉપાડી ઇડર પહોંચ્યો. રાવના હાથમાં મેળાજીનું કાંડું આપ્યું. પાછો વળીને સાણંદનાં પાદર ઉજ્જડ કરવા લાગ્યો.

કંઇક વરસો વીતી ગયાં. ઇડરના રાજમહેલમાં રંગભરી ચોપાટો રમાય છે. ફુઓ-ભત્રીજો ગુલતાન કરે છે.

પણ એક વાતનો મોટો અચંબો ફુઆને થઇ રહ્યો છે. ભત્રીજા મેળાજીને રાવ પૂછે છે કે “કાં, બાપ, ઘડીએ વાંસે તે શી નજર કરી રહ્યાં છો! શું હજીયે બીક લાગે છે, કે સાણંદની ફોજ આવીને તમારું માથું વાઢી લેશે?”

સાંભળીને મેળાજીના મોં પરથી નૂર ઊતરી ગયું.

“જોયા આ ઇડરિયા ડુંગરા! આભે ટલ્લા દઇ રહ્યાં છે. આ ઇશ્વરે દીધેલો કાળભૈરવ કિલ્લોઃ આ પટાધર ઇડરિયાઃ અને આ મો’લાતઃ દાળભાતનો ખાનારો કરણસંગ આવે કે ઊંચેથી ઊતરીને તમારા વડવા આવે, તો ડુંગરાની સાથે ભાલે જડી દઉં; ખબર છે, કુંવર?” એમ કહીને રાવે દાઢીના પલ્લા ઝાટક્યા.

“અને છતાંયે છાતી થર ન રહેતી હોય તો સુખેથી રાણીવાસમાં જઇને ઓઝલ પડદે રો’ ને! ઇડરની રજપૂતાણિયું પોતાના માથાં પડ્યં પહેલાં તમારા ઉપર પારકી તરવાર નહિ પડવા આપે એટલી ધરપત રાખજો, કુંવર!” ફરી વાર મૂછો માથે તાવ દીધો. ફરી બોલ્યોઃ “વાહ રે ભીમસંગના વસ્તાર, વાહ! માથું બહું વહાલું, હો!”

તે દિવસે ચોપાટમાં સ્વાદ ન રહ્યો.

એકલો પડીને મેળોજી વિચારે છેઃ “ફુઆને આશરે આવ્યો એમાં જ શું સાત પેઢીને ગાળો સાંભળવી પડી? એથી તો બાપના ગામનાં ચોથિયું રોટલો અને સાથે મીઠાની એક કાંકરી શાં ભૂંડાં હતાં? અને હા! સાચેસાચ શું મને માથું એટલું વહાલું થઇ પડ્યું છે! જીવતરનો એટલો બધો મોહ, કે પલકે પલકે ફફડીને જીવતે મૉત અનુભવવા પડે છે? ધિક્કાર હજો!’

સાણંદના દરબારગઢની ડેલીએ સાંઢ્ય ઝોકારીને એક રબારી દોડતે પગે કચેરીમાં ગયો. માથાબંધણામાંથી એક કાગળ કાઢીને કરણસંગના હાથમાં દીધો. કાગળ દેતાં દેતાં બોલ્યો, કે “બાપુ, ઇડરના ડુંગરામાં મધરાતે એક બોકાનીકર જુવાનડે આવીને આ કાગળ દીધો છે કે બાપુને પોગાડજો. બાપુ, સાદ તો...” રબારીનું વેણ અરધેથી તૂટી ગયું, કેમ કે ઇડરનું નામ પડતાં જ કુંવર ખસિયાણા પડ્યા.

કુંવર કાગળ વાંચવા મંડ્યા.

મોટાભાઇ,

ફુઆને મને આશ્રિત માનીને આપણી સાત પેઢીના પૂર્વજોને અપમાન દીધાં છે. મારે માથે હવે માથું રહેતું નથી, ડગમગે છે. ફુઆને માથે મારો ઘા ન હોય. આશ્રિતોનો ધર્મ લોપાયઃ અને મારો દેહ પણ હું મારે હાથે ઠાલો ઠાલો પાડી નાખું તેથીયે શું કમાવાનો હતો? દુનિયા દાંત કાઢશે. પણ જીવતર હવે ઝેર સમાન બન્યું છે.

જીવતાં જે ન કરી શક્યો તે મરવાથી કરી શકું એવો ઉછરંગ આવે છે. માટે, ભાઇ, તું આવજે; તું આવજેઃ હુતાશણીની મધરાતેઃ દેવીના ડુંગરાની માથે ફુઆની જોડે હું હોળીના દર્શને જઇશ. એકલો પાછળ રહીશ. તું આવીને મારું માથું કાપી જાજે. ઇડરના દાંતોમાં દઇને માથું વાઢી જાજે. દુનિયામાં સાણંદનો ડંકો વગાડી જાજે. ન આવે એને માથે ચાર હત્યા!

કચેરીમાં બેઠેલા આખા દાયરાએ કાગળ સાંભળ્યો. પડખિયાઓએ તરત જ ચેતવણી આપી કે “તરકટ. બાપુ! તમને મારીને રાજપાટનો ધણી થઇ બેસવાનું તરકટ!

“હા, બા, હા; તરકટ નહિ તો બીજું શું? બાપુની આંખમાં ધૂળ નાખવાની કેવી પાકી કરામત!” બીજાઓએ ઝીલી લીધું.

મૂંગા મૂંગા કરણસંગજીની આંખમાં શ્રાવણ ને ભાદરવો મંડાઇ ગયા. માડીનો જાયો નાનેરો ભાઇ એને સાંભર્યો. યાદ આવ્યો, કે ‘અહોહોહો! હું બાપને દવલો હતો. મને બાપે ભાઠાળી ટારડી ચડવા દીધી’તી. ભૂખલ્યાં ખોરડાં દીધાં, તાં. અને મેંયે બીજું શું કર્યું? બાપનું વેર નાનેરા ભાઇ ઉપર વાળ્યું. દેશવટે કાઢ્યો તોય ભાઇ મારો ચંદણનું જ લાકડું! સળગી સળગીને સુગંધે ફોરે! આજ એને બાપના બેસણાની લાજ-આબરૂ વહાલી થઇ. માથું વહાલું ન લાગ્યું.’

“દાયરાના ભાઇઓ, અવળી જીભ ચગાવશો મા. નક્કી મેળાને મે’ણાનો ઘા થયો છે. હું જાઉં, મારા ભરતને ઉપાડી આવું, એ માગે એટલો ભાગ આપું. મારો ઘોડો સાબદો કરોઃ બીજો ઘોડો મેળા સારુ શણગારો. બસ ફક્ત પાંચ-છ અસવાર મારી હારે ચડજો, વિશેષની જરૂર નથી.”

ફાગણ સુદ પૂનમની અધરાતે હોળીનો આનંદ કરીને લોક વીંખાયાં. રાવની સવારી ચાલી ગઇ. કોઇ જ ન રહ્યું. સહુના પડઘા શમી ગયા. એક જ માનવી-એકલો મેળોજી-ડુંગર ઉપર હુતાશણીના બળતા ભડકાની સામે ઊભો છે, પણ ભાઇ ન આવ્યો, વાટ જોતાં ભડકા ઓલવાયા. અંગાર પર રાખ વળવા માંડી. કાન માંડી માંડીને ચારેય દિશાએ સાંભળ્યું. પણ એ અબોલ અધરાતના હૈયામાંથી ક્યાંય સાણંદિયા તોખારના ડાબલા ગાજ્યા નહિ. મેળોજી ઇડરના દરવાજા બંધ થવાની બીકે ચાલ્યો ગયો.

અંતરમાં ઉકળાટ થાય છે. એવે ટાણે પાણી મગાવીને ચોગાનમાં મેળોજી નાહવા બેઠો. બેઠો બેઠો નહાય છે, ત્યાં ડેલીએ ટકોરા પડ્યા.

મેળોજી સમજી ગયોઃ મોટાભાઇ આવી પહોંચ્યા હતા. જઇને છાનોમાનો છાતીસરસો ભેટી પડ્યો. બેયની આંખોમાંથી ધારાઓ ચાલી જાય છે.

“મેળા” કરણસંગ બોલ્યોઃ “હાલ્ય, હવે સાબદો થા.”

“ક્યાં?”

“સાણંદ. સરોવરની પાળે ઘોડો તૈયાર ઊભો છે. ઊઠ ઝટ, મોઢે માગ એટલું રાજ તારું. ઊઠ, ભાઇ!”

“રાજપાટ ભોગવવાનો સ્વાદ હવે મારે નથી રહ્યો, મોટાભાઇ! હું નામર્દ છું, સાણંદને માથેથી મે’ણું ઉતારવું છે. ખેંચો તરવાર; ખેંચો ભાઇ!”

“બોલ મા, વસમું લાગે છે.”

“ચીથરાં શીદને ફાડો છો, ભાઇ? તમે શું એમ જાણો છો કે તમારી દયા જગાવવા મેં તમને આંહીં બોલાવ્યા? તમે છોડી દેશો એટલે હું જીવતો રહીશ? મેળાને માથે આજ શેની અનુકંપા આવી?

આજ પૂર્વજોની બદબોઇ થઇ એ ટાણે દયા કરવા આવ્યા! તો નહોતું આવવું. અરે ભૂંડા, હું આપઘાત કરીશ તેના કરતાં તારે ખડગે વઢાવું શું ખોટું છે? પણ હું જાણું છું, તેં કુળલાજનાં બિરદ જોયાં નથી. તું તો ભાભીની સોડમાં સૂવાનું જ સમજ્યો છો. તારા હાથમાં તરવાર ન હોય, બલોયા હોય.”

કરણસંગની તરવાર પડી, મેળાનું માથું લીધું. માથા ઉપર રેશમ જેવો લાંબો ચોટલો હતો તે ઝાલીને કરણસંગ ઇડરની બજાર સોંસરવો થઇને ચાલ્યો. ચાલતો ચાલતો પોકારતો ગયો કે “ઇડરના ધણીને કહેજો કે હું કરણસંગ ભાતખાઉ સાણંદિયો; મેળાજીનું માથું વાઢીને જાઉં છું.”

ઇડર ખળભળી ઊઠ્યું, મેળાજીનું ધડ લોહીમાં તરબોળ દીઠું. હાહાકાર મચી ગયો. અજવાળી રાતમાં ઇડરિયા ઘોડા છૂટ્યા. ભાલાળા પટાવતોએ પહાડોની ખીણોના પથ્થર ઢૂંઢ્યા, પણ સાણંદિયો હાથ લાગ્યો નહિ.

વૈશાખ મહિનાના ઊના વાયરા વાય છે. આસમાનમાંથી સૂરજનાં સળગતાં ભાલાં વરસે છે. એવે વખતે વગડાનાં ઝાંઝવાંને નદી-સરોવર સમજીને પોતાનો ડુંગર જેવડો ઘોડો દોડાવતો એક અસવાર આવી પહોંચ્યો. ચહેરાની ચામડી શેકાઇને કાળી પડી છે, આંખે અંધારાં ઊતર્યાં છે. અંગ ઉપર માટીના થર ચડ્યા છે.

પોતે બહુ હાંફે છે અને ઘોડાનાં મોંમાંથી ફીણ વહ્યાં જાય છે. પચીસ વરસની જુવાન પનિહારી કૂવે બેડું સીંચતી હતી, તેનો ફડકે શ્વાસ ગયો. બેબાકળી એ હેલ્ય ચડાવવા મંડી. ત્યાં તો નજીક આવીને ઘોડેસવારે પોતાના હાથની હથેળી હોઠે માંડીને ઇશારો કર્યો કે ‘પાણી પા’. એને ગળે કાંચકી પડી ગઇ હતી. બોલાતું નહોતું.

ઘોડા પરથી અસવાર ભોંય પર પડ્યો. બુઢ્‌ઢી કાયા દેખીને કણબણને દયા આવી. પાણી પાયું. માથે પાણી છાંટ્યું. ચાર બેડાં પાણી તો એનો ઘોડો ચસકાવી ગયો.

બુઢ્‌ઢાને હ્ય્દે રામ આવ્યા, એ બોલ્યોઃ “માવડી, તારો અખંડ ચૂડો.”

“એવા ચૂડા તો સાત વાર ભાંગ્યાં. ભાભા! મારો રોયો સંઘજી જાગ્યો છે ત્યાં સુધી અખંડ ચૂડા ક્યાંથી રહેશે, ભગવાન?”

“કાં બેટા, સંઘજીએ તને શું કર્યું?”

“બાપા, પરથમના ધણીને સંઘજીએ સીમમાં માર્યો. હું બીજે નાતરે ગઇ, બીજાને માર્યો, ત્રીજાને નાતરે ગઇ. ત્રીજાનુંયે માથું વાઢ્યું. ચોથો, પાંચમો-એમ મારા સાત-સાત ઘર ભાંગ્યાં પીટ્યા સંઘજીએ. બે વરસમાં આજ આઠમે ઘરે નાતરે ગઇ છું, દાદા! આવા તે કાંઇ મનુષ્યના અવતાર હોય? એ કાળમખાને પરતાપે અમારા તો કૂતરાના ભવ થઇ ગયા. અમારી સીમું ઉજ્જડ થઇ.”

બુઢ્‌ઢાએ પોતાનું બોકાનું છોડ્યું. દાઢી-મૂછના કાતરા પથરાઇ ગયા. વિકરાળ રૂપ નજરે પડ્યું. કણબણે ઓળખ્યો. કણબણ કંપવા મંડીઃ “એ સંઘજી કાકા, તમારી ગૌ!”

“ડરીશ મા, દીકરી, નહિ મારું. તને પારેવડીને હું ન મારું. તારા સાત ભરથારને ગૂડી નાખનાર હું સંઘજી ગળોગળ પાપમાં બૂડ્યો છું; પણ હજી મારાં પાપ બાકી છે. આ લે!” એમ કહીને સંઘજીએ કણબણના છાલિયામાં પચીસ સોનામહોર મૂકી કહ્યુંઃ “અને બાઇ, હવે તારા ધણીને નહિ મારું. જા, મારું વેણ છે.”

“પણ, બાપુ, તમે એને શી રીતે ઓળખાશો?”

“તારા થેપાડાનું ચોળિયું છે એનું રાતું લૂગડું ફાડી, તારા વરને જમણે ખંભે થીગડું મારજે. એ એંધાણી ભાળીને મારો કોઇ અસવાર આંગળીયે નહિ અડકાડે. જા, દીકરી. પણ ઊભી રહે, સાણંદના કાંઇ વાવડ છે, બાઇ?”

“બાપુ, તમને તો ખબર હશે. મેળાજી બાપુ...”

“શું?”

“મેળાજી બાપુનું માથું વાઢીને ઇડરથી દરબાર ઉપાડી આવ્યા...”

“હેં!”

સંઘજીનો સાદ ફાટી ગયો. ભ્રૂકુટિ ચડી ગઇ. જાણે ચમક્યો હોય, કોેઇ પ્રેત વળગ્યું હોય, તેમ ઘોડે ચડીને ભાગ્યો.

કણબણે હાકલા કર્યાઃ “એ બાપુ ઊભા રો’ -ઊભા રો’; પૂરી વાત સાંભળતા જાઓ!”

પણ બાપુએ તો અર્ધું જ વેણ સાંભળ્યું. પાછું વાળીનેયે ન જોયું. ઘોડો ગયો જંંગલને ગજાવતો.

સૂતેલો પુરુષ બબડેઃ ‘મેળા, ભાઇ મેળા, હાલ્ય સાણંદ. ગાદીએ બેસારું.’

“અરે! અરે! ઠાકોર! ઊંઘો. ઊંઘો. નિરાંતે ઊંઘો.” પડખામાં જાગતી રજપૂતાણી પતિને ગોદમાં લઇને હિંમત આપે છે.

‘મેળાનું માથું! અ હા હા હા! એનો ચોટલો કેવો સુંવાળો રેશમ જેવો! ઓય! આ માથું કોણે વાઢ્યું? મેં! મેં! મેં!’

રજપૂત ઝબકી ઝબકીને અંતરીક્ષમાં જુએ છે. રજપૂતાણી હેબત ખાઇને જોઇ રહે છે. બોલે છેઃ “ધિક્કાર છે, ઠાકોર!”

“રાણીજી!” રાણીના ખોળામાં માથું રાખીને ભરથાર બોલે છેઃ “રાણીજી! મારી આંખ મળતી નથી. સ્વપ્નામાં મેલાનાં જ માથાં જોઉં છું.”

એ હતું પરમારોનું ગામ મૂળી, અને એ હતો મૂળીનો દરબારગઢ. આ સૂતેલું જોડલું તે કરણસંગજી અને એનાં પરમાર રાણી. ભાઇની હત્યાનો ત્રાસ વિસારવા કરણસંગજી હમણાં સસરાને ઘેર રહ્યા છે. રોજની રાત આમ ગુજરે છે.

ત્રીજે પહોરે રાજાની આંખ મળી ગઇ. બેય જંપી ગયાં! એ સમયે દાદરાની નીચે બે આદમી શી વાતો કરે છે?

“મોટા બાપુ! માથું ફોડ્યા વન્યા દાદરો તૂટે તેમ નથી.”

“હાથિયા! બાપ! આપણ બેમાંથી એક દાદરો તોડીને પ્રાણ આપે, અને વાંસે રહે તે લીધેલ વ્રત પૂરાં કરે; બેમાંથી તારી શી હરમત છે?”

“બાપુ, કોને ખબર છે વાંસેથી જીવ હાલ્યો કે ન હાલ્યો! માટે હું તો તમારી મોઢા આગળ જ અસમેરનાં ડગલાં માંડું છું.” એમ કહીને ભત્રીજો ડોસાને ચરણે પડ્યો. ડોસાએ એને માથે હાથ મેલ્યો.

“જે દ્ધારકાધીશ!” બોલીને ભત્રીજાએ નિસરણી ઉપર બિલાડી જેવાં હળવાં પગલાં દીધાં. પોતાને માથે લૂગડાં વીંટ્યા. બરાબર દાદરે પહોંચાય તેમ ઊભો રહ્યો. નીચે ડોસો બોલ્યોઃ “હાથિયા! દ્ધારકાધીશનું નામ!”

‘જે દ્ધારકા...’ કહેતાં જ ધડિંગ દઇને ભત્રીજાએ પોતાનું માથું ઝીક્યું. કટાક કરતો દાદર તૂટી પડ્યો. તેલના કુડલામાં જેમ ડાટો તેમ હાથિયાનું માથું ગરદનમાં બેસી ગયું અને ‘રંગ દીકરા!’ કહેતો ડોસો ઉઘાડી તરવારે મેડીએ દોડ્યો.

પરપુરુષનો સંચાર થતાં વાર ચમકીને રાણી જાગી. ઘૂમટો કાઢીને આઘે ઊભી રહી. નવા આવનારે પાછલા પહોરની નીંદરમાં પડેલા કરણસંગને બાવડું ઝાલીને ઉઠાડ્યોઃ “એ કરણ, બાપ કરણ, બેલીનો મારતલ, ઊઠ. તારી ગોત્રહત્યા ધોવા આવ્યો છું.”

“સંઘજી કાકો!” કરણસંગે રાડ નાખી. “ભલે આવ્યા, ઝીંકો, ઝીંકો ખડગ. મેળો મને બોલાવે છે. મેળો તો ત્યાંયે વે’લો વે’લો પહોંચીને બાપુનો માનીતો થઇ પડ્યો. સંઘજી કાકા! ઝીંકો! ઝીંકો ખડગ!”

રજપૂતાણીનું હૈયું પારેલવી જેવું ફફડે છે. સૂતેલા કુમારો જાગે છે. માતા એને ગોદમાં લઇને સુવાડે છે. થોડા થોડા પાણીમાં જાણ માછલાં તરફડે છે.

સંઘજીએ એ અબોલ રજપૂતાણીનો ચૂડલો જોયો. એણે આંખો બીડી દીધી. એની તરવાર પડી. કરણસંગ તરફડ્યો. બીજો ઘા પડ્યો; નાના કુમારનું ડોકું ને ધડ તરફડ તરફડ થઇ રહ્યાં.

પણ રજપૂતાણી ન બોલી કે ન ચાલી.

“દીકરી!” સંઘજી બોલ્યોઃ “હું જાઉં છું, પણ વે’લી વે’લી સાણંદ જાજે. ઇડરથી મેળાના કુંવરને તેડાવી. લેજે, સરખે ભાગે રાજ વેં’ચજે, નીકર...” અટકીને એણે પલંગમાં પોઢેલા પરમાર રાણીના બીજાં બચ્ચાં સામે આંખ માંડી. પછી એ ચાલ્યો. મેડી ઉપરના ધણેણાટે આખા દરબારગઢને ખળભળાવી મેલ્યો. અંધારામાં દેકારો કરતા ચોકીદારો દોડ્યા. થાપો મારીને સાવજ જાય તેમ સંઘજી સરકી ગયો. સાથે હાથિયાનું માથું વાઢીને લેતો ગયો.

આભના કાળા છેડા ઝાલીને ઊભેલા દસેય દિક્‌પાળ જાણે સંઘજીની આડા ફરવા માંડ્યા. પોતે ક્યાં જાય છે તેનું ભાન સંઘજી ભૂલી ગયો. ઊંચે આંખ માંડે ત્યાં ચાંદરડાંનાં ધેનમાં બેઠું બેઠું કરણસંગનું બાળક જાણે સંઘજી બાપુને ઠપકો દેતું હતું. સંઘજીને લાગ્યું કે મેળો, કરણ, હાથિયો અને કંઇક કંઇક કલૈયા કણબીઓ આભની અટારીએ બેસીને બોલતા હતા કે “સંઘજી કાકા! હાથ ધોઇ નાખો - હવે હાથ ધોઇ નાખો!”

દસેય દિશામાં નજર માંડીને સંઘજી બોલ્યોઃ “કરણ! મેળા! આ મેં શું કર્યું?”

હાથમાં હાથિયાનું માથું હતું. માથાની સામે જોઇને સંઘજી બોલ્યોઃ “હાથિયા! બાપ હાથિયા! આ મેં શું કર્યું?”

હાથિયાના ભાના ગાલ ઉપર ડોસાએ બચ્ચીઓ ભરી. એના હોઠ લોહિયાળા થયા. અંધારી રીતે ડોસો ભયાનક દેખાણો.

સાણંદની સીમમાં ભાલાળા ઘોડેસવારો નીકળે છે. કાનમાં કોકરવાં અને ફૂલિયાં પહેરીને કણબીઓ બેધડક સાંતીડાં હાંકે છે. અસવારો દોડીને ઉઘાડી તરવાર ધબેડવા જાય છે, પણ ત્યાં કણબી એની જમણી ભુજા બતાવીને કહે છેઃ “એ બાપુ, મને નહિ. આમ જુઓ!”

જોતાની વાર જ અસવારો તરવાર મ્યાન કરે છે. અસવારો કણબીના બાવડા ઉપર રાતુંચોળ થીગડું ભાળે છે. કાકાની દુવાઇ છે કે ‘રાતાં થીગડાંવાળાને આંગળીય ચીંધશો મા.’

ગામેગામના ખેડૂતોને આ વાતની જાણ થઇ છે. સહુએ પોતાની જમણી બાંયે રાતાં થીગડાં લગાવ્યાં છે! થીગડાં! થીગડાં! થીગડાં! સીમમાં જ્યાં જુઓ ત્યાં મર્દોનાં કેડિયાની બાંયે રાતાં થીગડાં!

ગોમતીજી ઝાલર વગાડે છે, સાગરદેવની નોબતો ગડગડે છે. વાયરા જાણે શંખ ફૂંકે છે. માનવીઓ જ્યારે પોતાની સ્વાર્થની આરતી ઉતારીને સૂઇ ગયા છે ત્યારે દેવતાઓ આવીને દ્ધારકાધીશને લાડ લડાવી રહ્યા છે.

એવે અધરાતને ટાણે વીસ વરસની અવધિ વીત્યે ફરી પાછો ‘દ્ધારકેશ! દ્ધારકેશ!’- એવો ઘેરો નાદ દ્ધારકાપુરીના દેવળમાં ગુંજી ઊઠ્યો.

એક સો ને દસ વરસની અવસ્થાએ પહોંચેલો સંઘજી બે હાથ જોડીને રણછોડરાયજીની મૂંગી પ્રતિમાં સામે હાજર થયો છે. જાણે એને ઉપરથી ચિઠ્ઠી ઊતરી છે. કોઇ જનેતા પોતાના દયામણા સંતાનની સામે મં મલકાવતી રાવ સાંભળતી હોય તેમ એ શ્યામ પ્રતિમા લોહીભીના સંઘજીના કલ્પાંત સાંભળતી સાંભળતી જાણે હસવા લાગી.

‘દાદા! દાદા! દાદા!’ કહેતો એ એક સો ને દસ વરસનો રજપૂત દેરામાં લાંબો થઇને સૂઇ ગયો. બેય નેત્રોમાં આંસુની ગંગા-જમના વહેતી થઇ. મોં આડી બેય હાથની અંજલિ રાખીને ડોસાએ પ્રાર્થના કરીઃ

‘હે દાદા! મારાં વ્રત પૂરાં કરીને હવે લીધેલ તરવાર પાછી આપવા આવ્યો છું. હત્યા કરતાં પાછું વાળીને જોયું નથી. રખેને ભાળી જાઇશ તો આંખોમાં અનુકંપા આવી જશે કે હાથ થડકી જશે, એટલે આંખો મીંચી મીંચીને માથાં વાઢ્યાં છે.

કરણને મારીને મેં જાણે મારા પેટની દીકરીને રંડાપો દીધો છે, દાદા! મને નહોતી ખબર કે મેળાનો વધ કરણને કેમ કરવો પડ્યો! આજ તારી ફૂંકે મારો દીવડો ઓલવવા આવ્યો છું. કુટુંબકબીલો, વા’લાંવા’લેશરી-સહુને વળાવીને આવ્યો છું. મારી છાતી ઉપર ડુંગરા ખડકાણા છે. લે - ઉપાડી લે. દાદા, ઉપાડી લે! ઉપાડી લે!’

સંઘજી સૂતો, સૂતો તે સૂતો. કોઇ કાળાંતરના ઉજાગરા વેઠ્યા હોય એવું ઘારણ વળી ગયું!

(કરણસંગજીના રાણીએ સાણંદ આવીને મેળાજીના કુંવરને એર્ધોઅર્ધ ભાગનો ગરાસ કાઢી દીધો, ત્યાર પછી જ સંઘજી દ્ધારકામાં આવીને મર્યો છે. ત્યાં એની ખાંભી પણ હોવાનું કહેવાય છે.)

સેનાપતિ

તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતનો પહોર. અંધારાં વરસે છે. કોઇ કોઇ બંદૂકની જામગરી એ અંધારાંની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઇ અજવાળું નથી.

એવે અંધારે વીંટાયેલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્ગ સેનાપતિ ભા’દેવાણી અધરાતે વિચારે ચડ્યા છે. એની આંખ મળતી નથી. આટલા દિવસથી ગોહિલો તળાજું ઘેરીને પડ્યા છે, તોયે ગઢ તૂટતો નથી. ધોળિયા કોઠા ઉપર નૂરુદ્દીનનો લીલો નેજો જેમ જેમ ફડાકા કરે છે, તેમ તેમ ભા’ દેવાણીનું કલેજું તરફડિયાં મારે છે.

સિત્તેર હજાર કોરી રોકડી ગણી આપીને ખંભાતના નવાબ પાસેથી તળાજું દગલબાજ નૂરુદ્દીનને હાથ પડી ગયું છે. ગઢની અંદરથી દારૂગોળાની ઠારમઠોર બોલે છે. ઠાકોર આતોભાઇ પોતે જ ભા’ની જોડે ચડ્યા છે. તોય શત્રુની સામે ભાવનગરની ફોજ ફાવતી નથી.

“બાપુ!” એવો અવાજ દઇને ચાકરે ભા’ને એમના ધ્યાનમાંથી જગાડ્યા.

ઊચું જોઇને ભા’એ પૂછ્યુંઃ “કેમ અટાણે?”

“બાપુ, ઠાકોરે કે’વાર્યું છે કે ભલા થઇને ભા’ બે રાત્યુંની રજા આપે.”

“આવે ટાણે રજા! અને બે રાત્યુંની રજા! ઠાકોર ગાંડા થઇ ગયા કે શું? ભાવનગરથી કોઇ જરૂરી તેડું આવ્યું છે? શું છે તે ઘરણ ટાણે સાપ કાઢ્યો છે?”

“બાપુ,” ચાકરે ધરતીઢાળું જોઇને જવાબ દીધાઃ “ઠાકોરને રણવાસ સાંભર્યો છે. આખી રાત ઊંઘતા નથી.”

“એમ? આતાભાઇને રણસંગ્રામની વચ્ચે રણવાસ સાંભર્યો!” આટલું બોલીને ભા’ ખડખડાટ હસવા માંડ્યા.

“જાવા દ્યો, ભલે આંટો મારી આવે. બીજું કાંઇ કામ હોત તો હું ના પાડત. પણ આ બાબતમાં તો... અમેય એક દી જુવાન હતા.”

પચાસ વરસની અવસ્થાએ પહોંચેલ બુઝુર્ગ ભા’ દેવાણી વહેલે પરોઢિયે ઠાકોર આતાભાઇને વળાવવા ગયા. આતાભાઇની આંખો ખોતરવા માંડી. ભા’ના મોં સામે એનાથી મીટ મંડાણી નહિ. ગાલે શરમના શેરડા પડી ગયા. ભા’ ફક્ત એટલું જ બોલ્યાઃ “જોજો, હો ઠાકોર! બે ઉપર ત્રીજી રાત થાયેં નહિ. આમ જુઓ, નૂરુદ્દીનની જંજાળ્યોના ચંભા છૂટે છે.”

ઘૂમતા પારેવાના જેવી મહારાજાની ઘેરી આંખો તારલાને અજવાળે ચમકવા માંડી. એણે જવાબ ન વાળ્યો. ભા’ને રામરામ કરીને એણે અંધારામાં ઘોડી દોડાવી મેલી.

વણાવાળાં ઠકરાણીની મેડીએ સાવજ જેવા આતાભાઇને ગળે સાંકડો પડી ગઇ છે. રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મોહેલો એ ફણીધર પ્રેમના કરંડિયામાં પુરાઇ ગયો છે. ક્યાં તળાજું! ક્યાં ભા’ દેવાણી! ક્યાં લડાઇ! ક્યાં કૉલ! ક્યાં લાજ-આબરૂ! કાંઇયે આતાભાઇને યાદ ન રહ્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસઃ એમ દિવસ પછી દિવસ ઊગી ઊગીને આથમવા માંડયા.

આંહીં ભા’ દેવાણી આંખો ખેંચી ખેંચીને ભાવનગરને માર્ગે આતાભાઇને ગોતે છે. ધણી વિનાની ફોજ કાયર બનીને બેઠી છે. લડવૈયા ગુલતાનમાં ચડી ગયા છે. આખરે લાજમરજાદ છોડીને એણે આતાભાઇને કાગળ લખ્યો.

રાજમહેલમાં ઠાકોર અને રાણી હીંડોળાખાટે હીંચકે છે. આસમાનમાં આઠમની ચાંદની છોળે છોળે રેલી રહી છે. સુગંધી સુરાની પ્યાલીઓ ભરી ભરીને ‘મારા સમ-જીવના સમ’ દેતી રાણી ઠાકોરને પિવાડે છે. તે વખતે દરવાજે આવીને ખેપિયાએ સાંઢય ઝોકારી. બાનડીએ આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી.

ચિઠ્ઠીમાં એક જ વેણ લખેલુંઃ ‘એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ?”

ઠાકોર રોષે ભરાણાંઃ “આટલી હદે! ભા’ ગમે તેવો તોયે મારો ચાકરઃ એણે મારી રાણીને મે’ણું દીધું.”

પતિના મોંનો રંગબદલો રાણી પારખી ગઇ. એણે પૂછ્યુંઃ “શું છે?”

“વાંચો આ કાગળ.”

રાણીએ વાંચ્યુંઃ ‘એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ?’ વાંચતાં જ રાણીને ભાન આવ્યું.

ઠાકોરનો હાથ ઝાલી કહ્યુંઃ “ઊઠો ઊઠો, ઠાકોર! શું બેઠા છો? ભા’નો કાગળ વાંચ્યા પછીયે બેસવું કેમ ગમે છે? ઊઠો, હથિયાર બાંધો, ઘોડે ચડો અને ઝટ તળાજા ભેગા થાઓ.”

“પણ રાણી, ભા’ આવું લખે?”

“હા, હા, એવું જ લખે. એનો અક્ષરેઅક્ષર સાચો. હું તો અફળ ઝાડવુંઃ મારે પેટ સવાશેર માટી સરજાણી નથી. ઊઠો, ઠાકોર!”

નોમને પ્રભાતે સૂરજદેવે સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો. કાઠોરના આવવાની આશા છોડીને ભા’એ ગઢના દરવાજાને માથે છેવટનો હલ્લો કર્યો છે. નૂરુદ્દીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાળીને હાકલ દીધી કે “હા, હવે દરવાજા ખોલી નાખો. ખબરદાર, ગોહિલનો દીકરો એકેય જીવતો જાય નહિ.”

ખોરાસાની અને મુગલાઇ જોદ્ધાઓ તળાજાના ગઢમાંથી ‘ઇલઇલાહી’ કરતા વછૂટ્યા. સામે પોતાના લશ્કરની મોખરે ભા’રે ‘ખોડિયાર’ના લલકાર કરીને ખડગ ખેંચ્યું. ઝૂઝતો ઝૂઝતોયે ભા’ ભાવનગરના કેડાને માથે મીટ માંડતો જાય છે. કે ક્યાંય આતોભાઇ કળાય! ક્યાંય ઠાકોર દેખાય! માથે તરવારોના મે વરસતા આવે છે;

પણ ગોહિલોનો કુળઉજાળણ ભા’મોખરાની જગ્યા મેલતો નથી. એમાં ‘ઊભો રે’જે, બુઢ્‌ઢા!’ - એવી હાકલ મારતોનૂરુદીન પોતાના પહાડી અશ્વ ઉપર બેઠેલો, કાળભૈરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઊતર્યો. એના હાથમાં સાંગ તોળાઇ રહી છે.

પચીસ ખોરાસાનીઓના કૂંડાળામાં પડી ગયેલા ભા’ની છાતી ઉપર નોંધીને જે ઘડીએ નૂરુદીન સાંગ નાખવા જાય છે તે ઘડીએ આખી ફોજને ચીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોચ્યો અને બરાબર દરવાજામાં નૂરુદ્દીનને તરવારથી પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝીંકી દીધો. કડેડાટ કરતું કોઇ મોટું ઝાડવું પટકાય તેમ નૂરુદ્દીનનું ડિલ ઢળી પડ્યું. અને અણીના મામલામાંથી અચાનક ઊગરી ગયેલા ભા’દેવાણી વાંસે નજર કરે ત્યાં... કોણ ઊભું છે?

તાજણનો અસવાર આતોભાઇઃ ભાલાને માથે દેવચકલી ચક્કર ચક્કર આંટા મારી રહી છે.

“વાહ રે, ભાંગ્યા દળના ભેડવણ! આવી પહોંચ્યો!”

“હા ભા’! આવી પહોંચ્યો છું. હવે પાછા હઠવાનું હોય નહિ. તળાજું લીધ્યે છૂટકો. ઘેર તો દરવાજા દેવાઇ ગયા છે.”

“દરવાજા દેવાઇ ગયા? કોણે દીધા?”

“રજપૂતાણીએ.”

“શાબાશ, દીકરી! મારા રાજાને સાવજ બનાવીને મોકલ્યો. મોરલીધરનું નામ લઇને લડો - ફ્ત્તેહ આપણી છે.”

“ભા’, આજ તો તમે જુઓ, ને હું ઝૂઝું. આજ પારખું લ્યો,” એટલું બોલીને આતોભાઇ ખાંડાના ખેલ માથે મંડાણો.

સૂરજ મહારાજની રૂંઝયો વળી; ધોળિયા કોઠા ઉપર ‘ખોડિયાર’નો નેજો ચડી ગયો.

ભા’ દેવાણીને મંદવાડ છે. દરદ ભેળાતું જાય છે. ભાવનગરના વૈદો-હકીમોની કારી ફાવતી નથી. ઠાકોર આતાભાઇ દરરોજ આવીને પહોર-બે પહોર સુધી ભા’ની પથારી પાસે બેસે છે.

એમ કરતાં આખરનો દિવસ આવી પહોંચ્યો. ભા’ સહુને ભળભળામણ દેવા માંડ્યા.

“ભા,” ચાકરે આવીને સમાચાર દીધાઃ “વણાવાળાં મા મળવા પધાર્યાં છે.”

નબળાઇને લીધે ઢગલો થઇને પડેલા તેમ છતાંયે ભા’ બેઠા થયા. દીકરાઓના હાથનું ટેકણ કરીને આસન વાળ્યું.

“માને પધરાવો. આડો ઢોલિયો ઊભો રાખીને માને બેસાડો.”

વણાવાળાં રાણી આવીને પલંગની પાટી આડાં બેઠાં. ખબર-અંતર પૂછ્યા.

“માતાજી!” ભા’એ બોલવા માંડ્યુંઃ “તમે તો મારી માવડી છો. મારે તમારી માફી માગવાની રહી છે.”

“માફી શેની, ભા’?”

“યાદ નથી, માડી? તળાજું ભાગ્યું તે વખતે ઠાકોરના કાગળમાં મેં તમને એબ આપેલી.”

“ભા, તમે તો મને હતી તેવી કહી બતાવી...” એટલું બોલીને રાણી રહી ગયા.

“માડી! મારી દીકરી!” ભા’નો સાદ ભારે થઇ ગયોઃ “પૃથ્વીરાજને કહેનારા તો તે દી ઘણા હતા. સંયોક્તાને તારા સરખી સમી મત્ય ન સૂઝી. તું જોગમાયા તે દી દીલ્હીના ધણીને પડખે હોત તો આજ રજપૂતકુળનો આવો પ્રલય ન થઇ જાત.”

એટલું બોલીને ભા’એ આરામ લીધો. ફરી કહ્યુંઃ “અને, માડી, જો ભાવનગરના ભલા સારુ મેં લખ્યું હોય તો ઊગી સરજો; ને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંયે પાપનો છાંટો હોય તો આ મરણસજાઇને માથે મારી છેવટની ઘડી બગડી જજો.”

રાણીએ જવાબ વાળ્યોઃ “ભા’! તમે મારા બાપને ઠેકાણે છો. તમારા તે દિવસના અકે વેણ ઠાકોરને અને મને નવો અવતાર દીધો હતો. ભા’, તે દી તમે અમને બેને નહિ, પણ આખા ભાવનગર રાજને ડૂબતું બચાવ્યું. તમતમારે સુખેથી સ્વર્ગાપુરીમાં સિધાવો; તમારી પછવાડે હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીકરાવનો રોટલો મારી થાળીમાં જ સમજ્જો.”

“બસ, માતાજી, હવે રામ રામ છે.”

પોતાનાં ઘરવાળાંને ભા’ ભલામણ દેવા મંડયાઃ “રજપૂતાણી! જોજે હોં, ભાવનગરનું અનાજ આપણાં ઉદરમાં ભર્યું છે. તારાં છોકરાંને ભાવનગરના ભલા સારુ જ જીવવા-મરવાનું ભણતર પહેલું ભણાવજે.”

“તમે આ ભલામણ કોને કરો છો?” વહુએ પૂછ્યું.

“તને, કાં?”

“હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો.” એમ બોલીને રજપૂતાણી બીજા ઓરડામાં ગયાં. તાંસળી ભરીને અફીણ ગટગટાવી ગયાં. પાંચ ઘડી ભા’ની આગળ પ્રાણ છાંડ્યા. અને ભા’એ પણ બે હાથ જોડીને સહુને રામ રામ કરતાં કરતાં દેહનું પીંજરું છોડી દીધું.

બેઉ જણાંની દેરી રૂવાપરીને દરવાજે ઊભી છે.

એક દિવસ કોઇક કારણે દેવાણીના ખોરડા ઉપર આતાભાઇની આંખો રાતી થઇ છે. દુભાઇને દેવાણી કુટુંબ રિસામણે જાય છે. ઉચાળા ભરીને બાયડી, છોકરાં, મરદો નીકળ્યાં છે.

વણાવાળાં રાણીને ખબર પડી. એણે હુકમ કર્યોઃ “મારું વેલડું જોડો.”

રાણીજી હાલી નીકળ્યાં. દેવાણીઓના ઉચાળાને આંબી લીધો. ત્યાં તો વાંસે દોડદોડ થઇ રહી. રાણીએ જવાબ દીધોઃ “મારા દીકરા જાય, ને હું કોની પાસે રહું?”

મનામણાં કરીને આખા દેવાણી-દાયરાને ઠાકોરે પાછો વાળ્યો.

દુધ-ચોખા

(પાંચાળમાં ભીમોરા અને મેવાસાઃ બેઉ લાખા ખાચરના બંધાવેલા કિલ્લાઃ બેઉ એના વંશજો વહેંચાયેલા. ભીમોરે નાજે ખાચર અને મેવાસે શાદૂળ ખાચર તથા ભોજ ખાચર નામે બે ભાઇઓનાં રાજ; ત્રીજું ગોરૈયા નામે ધાધલોનું ગામ; ગોરૈયાનું પાકું પગીપણું મેવાસાવાળા ખાચર ભાઇઓ કરે છે. એ ચોકીદારી બદલ ગોરૈયા મેવાસાને પાળ્યા કરે.

અને જો ગોરૈયા લૂંટાય તો મેવાસાએ નુકસાની ભરી દેવી એવો કરાર છેઃ એવે બીમોરાવાળા નાજા ખાચરે જ પોતાના મેવાસાવાળા પિત્રાઇઓને પાપી ભરોસે ગોરૈયા લૂંટ્યું. મેવાસાવાળા ભોજ ખાચરે ગોરૈયા સાતેના કરારની પવિત્રતાનું પાલન કરવા પોતાના વહાલા પિત્રાઇ નાજા ખાચરની સાથે જ યુદ્ધ માંડીને પોતાને પ્રાણ દીધો. એના અનુસંધાનની આ ઘટના છે.)

સામસામા બે ડુંગરાને રોકીને સગા ભાઇઓ સરખા બે ગઢ ઊભા છેઃ એક મેવાસું ને બીજો ભીમોરા વચ્ચે બે ગાઉના ગાળામાં લીલા રંગના સરોવર-શી લાંપડિયાળ ઊંડી ધરતી પથરાયેલ છે.

આઘે આઘે એક ખૂણામાં વાદળરંગી હીંગોળગઢ ઊભો છે અને બીજી દિશાએ ચોટીલા ડુંગર પર બેટેલી દેવી ચાવંડી છાંયો કરી રહી છે. ઓતરાદી બાજુએ ગૌધનનાં મણ-મણ જેવડાં આઉ પોતાને માથે ઝળુંબતાં જોઇ જોઇને ધરતી માતાની ેેછાતી કેમ જાણે ફુલાયેલી હોય એવી ઠાંગા ડુંગરની લાંબી લાંબી ધારો દેખાય છે.

ઝાલર પર ડંકા પડ્યા તે ટાણે મવાસાના ગઢમાંથી નીકળીને એક કાઠી ગઢના પાછલા ઢોરા ઉપર ઊભો રહ્યો. બગલમાં તરવાર દાબી છે, ખંભે ધાબળો પડ્યો છે. એનાથી બોલાઇ ગયુંઃ “હાય ભોજ! હાય મારો ભોજ!”

ગઢના એક ગોખમાંથી એક બારી ઊઘડી, એમાંથી કોઇ કાઠિયાણીનો અવાજ આવ્યોઃ “આપા શાદૂળ! ગોકીરા ડુંગર શીદ ગજવો છો? જેને બોલાવો છો, એનો મારતલ તો આજ હેમખેમ દીવા બાળે છે, નથી ભાળતા?”

સાંભળીને કાઠીએ સાદ પારખ્યો, “આહા! એ તો મારા ભોજની રંડવાળ્યા. એ તો બોલે જ ને?”

એટલું બબડીને એણે ભીમોરાના ગઢની ઉપર નજર માંડી. આપોઆપ તરવાની મૂઠ ઉપર આંગળીઓનો દાબ દેવાઇ ગયો. ભીમોરાના ગઢમાં બળી રહેલી દીવાની ઝાળો જાણે કે બે ગાઉ દૂરથી પણ કાળજું દઝાડતી હતી.

“હા! હા! ભોજ જેવા પિત્રાઇને મારીને આજ અગિયાર જમણમાં તો નાજભાઇ ભીમોરાને રંગમો’લે દીવા બાળે છે. સગા કાકાનો દીકરો નાજભાઇ! આપા લાખાનો વસ્તાર! એની આબરૂ દેખીને, એની શૂરવીરાઇ બાળીને અમારાં અંતર હસતાં. એણે ભોજને માર્યો.”

કાઠી મનમાં મે મનમાં બબડવા મંડ્યોઃ ‘અને નાજભાઇ! તું ગોરૈયું ભાંગવા હાલ્યો? એલા, અમારી ખુટામણ ઉપર તેં ભરોસો રાખ્યો? તને એટલુંય ન સાંભર્યું કે ધાધલોએ રામભરોસે ગોરૈયું અમારા હાથમાં સોંપેલું!

“નાજભાઇ! તું નાહોરો સાવજ કે’વા! પણ મારો ભોજ ભાળ્યો! ગોરૈયા ભાંગ્યું એમ સાંભળતાંવેંત જ ભોજ કસુંબાની અંજલિ ઢોળીને કોઇ દળ-કટકનીયે વાટ જોયા વગર એકલો ઘોડે ચડીને સગા ભાઇને માથે ચાલી નીકળ્યો! વાહ, ભોજલ! નાજે-સાવજે-ખોટ ખાધી. તેં ભાઇ-ભાઇ વચ્ચે વહેવાર વહાલા ન કર્યાં. શાબાશ, ભાઇ!’

“અને તારા મારતલની હારે હિસાબ ચોખ્ખો કરવા હુંય આ હાલ્યો.”

એટલું બોલીને આપો શાદૂળ મેવાસાને ઢોરેથી ઊતર્યો.

ભીમોરાનું ખાડું સીમમાંથી ચરીને ચાલ્યું આવે છે. એની સાથે કાળો કામળો ઓઢીને શત્રુ ઝાંપામાં પેસી ગયો. ગઢમાં દાખલ થઇ ગયો. નાજા આચરનો ઓરડો હતો તેની સામે સંતાઇને એકાંતની વાટ જોતો બેઠો છે.

વાળું ટાણું થયું. નાજો ખાચર બેઠા છે. હમણાં હમણાં તો એ એકલા બેસીને ખાઇ લે છે. વાળુ લઇને કાઠિયાણી જમાડવા આવ્યાં.

તાંસળીમાં કાઠિયાણીએ ચોખા કાઢીને માંહી દૂધ-સાકર નાખ્યાં, ચોળીને તૈયાર કર્યું, કહ્યુંઃ “હવે આજ સોગ ભાંગો!”

“કાઠિયાણી! તું મને આજ ગળામણ ખવારવા આવી છો? ભોજ જેવા ભાઇને ગૂડીને હું વયો આવું છું. હજી એના બારમાંથી બોરિયું ૧ ફટફટે છે, અને હું મોંમાં દૂધ-ચોખા મેલું?”

કપાળેથી પરસેવો લૂછી નાખીને આપો નાજો બારી સામે ટાંપી રહ્યા, વળી બોલ્યાઃ “બધુંય નજરે તરે છે. ગોરૈયાનો માલ વાળીને બેફિકર હાલ્યા આવીએ છીએ ત્યાં તો પાણીમાંથી અગન ઊપડે એમ ભોજને આવતો ભાળ્યો-એકલ ઘોડે,

મારતે ઘોડે! “ઊભા રો’, ચોર, ઊભા રો’ !” એવા સાદ પાડતો આવે. મેં હાથ ઊંચો કરીને ઇશારે સમજાવ્યું કે ‘પાછો વળી જા!’ પણ ભોજ પાછો વળ્યો નહિ. અમે ઘોડાં ચોંપથી ચલાવ્યાં. સહુએ કહ્યું કે ભોજને આંબવા દેવો નથી. પણ અમે તે કેટલાંક તગડીએ?

“કાઠિયાણી’ ભોજ આંબ્યો. બરછી ઉપાડી. મારી ટીલડી વીંધાવાની વાર નહોતી, ત્યાં તો આપણા બરકંદાજોએ કદાજોએ ભડાકો કરી નાખ્યો. આજ એને વિસારીને તારા દૂધ-ચોખા ખાવા એ સહેલું નથી.”

ભાણું ઠેલીને નાજો ખાચર ઊભો થઇ ગયો. કાઠિયાણીએ ઠામ ભેળાં કરી લીધાં. તે વખતે ધરતીમાંથી પ્રેત ઊઠે એમ દુશ્મન ઓરડામાં આવી ઊભો રહ્યો.

“કોણ, શાદૂળભાઇ? આવ, બાપ, ભલે આવ્યો!”

“કાળકર્મા! આજ તને આ દૂધ-ચોખાએ બચાવ્યો. તારે માથે હું તરવાર શી રીતે ચલાવું? ગોત્રહત્યાના કરનારા! હવે કાલ્ય મેવાસે આવીને અંજળિ કસુંબો પાઇ જાજે.”

વેર નિવારીને કાઠી ભીમોરાને ડુંગરેથી ઊતરી ગયો. નાજો ખાચર પોતાના ભાઇની ખાનદાનીના વિચારમાં ગરક બન્યો. ખબર ન રહી અને પ્રભાતના કાગડા બોલ્યા. ઘોડીએ ચડીને મેવાસાને ચોરે જઇ એણે કસુંબો કાઢ્યો.

સૂરજ-ચંદ્રની સાખે

(રા’દેસળ ત્રીજાના સમયમાં)

રા’ દેસળના જીવને તે દિવસે જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે. રાતમાં ઊઠીને ઊઠીને એક કાગળિયો હાથમાં ઝાલી, વિચારમાં ગરકાવ થઇ જાય છે. કાગળિયો એન કોયડો બન્યો છે.

એ એક લખત હતું. લખી દેનાર એક કણબી અને લખાવનાર એક શાહુકાર. શાહુકારને ખેડુએ લખી દીધેલ કે ‘એક હજાર કોરી મેં તમારી પાસેથી લીધી છે; તે મારે વ્યાજ સોતી ભરી જવી છે-સૂરજ-ચંદ્રની સાખે.’

પણ આજ એ દસ્તાવેજમાંથી નવો જ મામલો ઊભો થયો છે. ખેડુ કહે છે કે મેં કોરી એક હજાર ભરી દીધી છે. વાણિયો કહે છે કે જૂઠી વાત, એણે નથી ભરી. ખેડૂતે કોરી ચૂકવ્યાનો કોઇ સાક્ષી નથી. કોઇ એંધાણી નથી. ન્યાયની દેવડીએ ફેંસલા લખાણા કે ‘કણબી કૂડ કરે છે.’

“જિયેરા! જિયેરા! મારી વા’રે ધાજો, જિયેરા!” મધરાતે દરબારગઢની દેવડીએ કણબીની ચીસ પડી.

“કોણ છો, માડુ? મધરાતે કમાડ કેમ ખખડાવ્યાં?”

કાગળિયાં તપાસીને રા’એ નિસાસો મેલ્યોઃ “ભાઇ, શું કરું? તારી કોરી ભર્યાની નિશાની જ ન મળે!”

“નિશાની મેં કરી છે, અન્નદાતા! નિશાની કરી છે. શાહુકારના કહેવાથી લખત ઉપર મેં મારે સગે હાથે ચોકડી મારી છે.”

“ચોકડી!” ચમકીને રા’પૂછે છેઃ “લખત ઉપર?”

રા’ના હાથમાં દસ્તાવેજ છે, પણ એમાં ચોકડી નથી.

“હા, બાપુ! કાળી રુશનાઇની મોટી એક ચોકડી - ચારેય ખૂણા સુધીની ચોકડી.”

“ગમે તેમ થયું હોય, બાપુ! પણ હું ભુલ્યો નથી. આ જ લખત ઉપર મેં ચોકડી દીધી છે.”

“તું ભૂલ્યો લાગ છ, ભાઇ! આ જો, આ લખત. આમાં ચોકડી કેવી કાળું ટપકુંયે નથી.”

સમસ્યા વસમી થઇ પડી. રા’એ મોંમાં આંગળી નાખી, લમણે હાથ ટેકવ્યો. એના વિશાળ લલાટમાં કરચલીઓ ખેંચાવા લાગી.

“શેઠ!” રા’એ શાહુકારને બોલાવ્યોઃ “શેઠ, કાંઇ કૂડ હોય તો કહી નાખજો, હો! હું આ વાતનો તાગ લેવાનો છું.”

હાથ જોડી ઠાવકે મોંએ વાણિયો બોલ્યોઃ “મારે તો કહેવાનું જ ક્યાં છે? કાગળિયો જ એની જીભે કહેશે.”

“જોજો હો, શેઠ, વાંસેથી ગોટા વાળતા નહિ,” રા’નો સૂર અક્કડ બનતો ગયો.

“બાપુ! હું કાંઇ નથી કહેતોઃ કાગળિયો જ કહેશે.” વાણિયાએ ટટ્ટાર છાતી રાખીને જવાબ વાળ્યો.

“શેઠ, હું રા’દેસળ! નાગફણિયું જડાવીને મારી નાખીશ, હો.”

“તો ધણી છો! બાકી તો કાગળિયો એની મેળે બોલશે.”

કોઇ સાક્ષી નહિ, પુરાવો નહિઃ મૂંઝાતા મૂંઝાતા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે છે. ફરી ફરી નિહાળીને જોયા કરે ચે. સોયની અણી સરખી એની નજર કાગળના કણે કણ સોંસરવી ચાલી જાય છે, પણ ચોકડીની સમસ્યા ક્યાંયે નથી સૂઝતી.

“મૂરખો માડુ! નક્કી કોઇ બીજા કાગળ ઉપર ચોકડી કરી આપી હશે!”

એટલું બોલતાં જ એની નજર લખતને છેડેની એક લીટી ઉપર પડી. લખ્યું હતું કેઃ ‘સૂરજ-ચંદ્રની સાખે.’

રા’વિચારે ચડ્યાઃ ‘આ તે કઇ જાતની સાખ? જીવતાં માણસોની સાક્ષી તો જાણી છે, પણ સૂરજ-ચંદ્રને સાક્ષી રાખવાનો મર્મ શો હશે! શું આ તે જૂના કાળનો વહેમ હશે?

‘ના-ના; આ સાક્ષી લખવામાં કાંઇક ઊંડો ભેદ હોવો જોઇએ. પૂર્વજો નકામી શાહી બગાડે નહિ.’ એટલું વિચારીને રાજાએ સૂરજના બિંબની આડો કાગળિયો ઝાલી રાખ્યો, અને વાંસલી બાજુએ જ્યાં નજર કરે, ત્યાં સામસામા ચારેય ખૂણા સુધી દોરેલી ચોકડી દેખાઇ.

“બોલો શેઠ, આમાં કાંઇ કૂડ હોય તો કહી દેજો, હો!”

“જિયેરા! મારે ક્યાં કાંઇ કહેવાનું છે! નાગફણિયું જડીને જીવ કાઢી લઇશ.”

“શેઠ, સાવધાન, હો! હું રા’ દેસળ! નાગફણિયું જડીને જીવ કાઢી લઇશ.”

“તો તમે ધણી છો, રાજા! બાકી તો કાગળિયો જ કહેશે. મારે શીદ બોલવું પડે?”

“શેઠ!” રા’ પોતાના અંતરની અગ્નિઝાળને દબાવતા દબાવતા પૂછે છેઃ “કણબી કહે છે કે લખત પર એણે ચોકડી મારી દીધી છે.”

“તો તો કાગળિયો જ બોલશે ને, બાપા!”

“પટેલ. તમે ચોકડી મારી એનો કોઇ સાક્ષી?”

“કાળો કાગડોયે નહિ, જિયેરા!”

“આમાં તો લખ્યું છે કે સૂરજ-ચંદ્રની સાખે!”

“હં...હં...હં! જિયેરા!” વાણિયાએ હસીને જવાબ દીધો. “એ તો લખવાનો રિવાજઃ બાપ-દાદાની ટેવ; બાકી સૂરજ-ચંદ્રની સાખવાળાં તો અમારાં કંઇક લખત ડૂબ્યાં છે!”

“પટેલ, તમને સૂરજ-ચંદ્રની સાખ ઉપર આસ્થા ખરી?”

“દેવતા તો સાથ દીધા વિના રહેતા જ નથી, દાદા! પણ એ સાખ ઉકેલવાની આંખો વિનાનાં માનવી શું કરે?”

“ઓરા આવો, શેઠ! રા’એ અવાજ દીધો. ચોગાનમાં જઇને લખતનો કાગળિયો સૂર્ય મહારાજ સામે ધરી રાખ્યો. પાણીની ચોકડીનાં ધાબાં આખેઆખાં પ્રકાશી નીકળ્યાં.

“કહો હવે, શેઠ! તમે કરામત શી કરી’તી? સાચું બોલો તો છોડી દઇશ.”

શરમિંદે વાણિયે પોતાની ચતુરાઇનું પાપ વર્ણવ્યુંઃ “બાપુ, ચોકડીની શાહી લીલી હતી ત્યાં જ એના ઉપર ઝીણી ખાંડ ભભરાવી અને કીડીઓના દર આગળ ચોપડો મેલ્યો. ચોકડીની લીટીએ લીટીએ ચડીને ખાંડ સાથે એકરસ થઇ ગયેલી શાહીને કીડીઓ ચૂસી ગઇ; ચૂસીને કાગળિયો કોરો કરી મૂક્યો. એ રીતે ચોકડી ભૂંસાઇ ગઇ. હવે તો ચાહે મારો, ચાહે જિવાડો.”

“શેઠિયા. તેં આવા ઇલમને આસુરી મારગે વાપર્યો? તારી ચાતુરીને તેં ચોરી-

-દગલબાજી શીખવી? ઇશ્વરે દીધેલ અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો?”

રા’એ એને ત્રણ વરસની કેદ દીધી.

મરશિયાની મોજ

નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઇ મરશિયા ગાય છે! કાંઇ મીઠા મરશિયા ગાય છે! વ્રજની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ!

કોઇને મીઠે ગળે ધોળમંગળ ગાતાં આવડે, કોઇ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરતીને ચકડોળે ચડાવે, કોઇ હાલરડાં ગાઇને નખ્ખેદમાં નખ્ખેદ છોકરાંનેય છાનાં રાખી ઊંઘાડી દે. પણ આ ચારણીને તો રોવાનો ઇલમ હાથ પડી ગયેલો. સાંભળનારને સાચેસાચ મરીને પોતાના નામને એના કંઠમાં ઉતરાવવાનું મન થાય.

“નાગાજણ! નાગાજણ! તું ભાગ્યશાળી છો, હો! તારી અસ્ત્રી જે દી તારા નામના મરશિયા બોલશે, તે દી તો કાંઇ ખામી નહિ રહે. કાચાપોચાની છાતી તે દી ઝીલશે નહિ.”

નાગાજણને વિચાર ઊપડ્યોઃ ‘સાચી વાત. હું મરીશ તે દી મરશિયા સહુ સાંભળશે, ફક્ત હું જ નહિ સાંભળું. એમ તે કાંઇ થાય? એવો હિલોળો માણ્યા વિના તે કાંઇ મરી જવાતું હશે?”

“હું ાજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાંણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઇને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધાઃ “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરુ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.”ા

ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુઃખ જેમ જેમ ઘૂંટાતું ગયું,

ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી,

નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી.

(હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.)

ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,

રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણિ.

(હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.)

સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ,

ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા!

(સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્ધની પણ તું મરતાં એવી જ ગતિ થઇ ગઇ છે. હ્ય્દયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.)

ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ,

નાગાજણનું નામ, દુર્લભ થ્યું દાત્રાણા-ધણી!

શઢ સાબદો કરે, નાગાજણ હંકાર્યું નહિ,

(એનો માલમી ગ્યો મરે, સફરી શણગારેલ રિયું.

(હે નાગાજણ, જીવતરની નૌકાના સઢ ચડાવ્યા, મુસાફરી માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું-નાવિક-ચાલ્યો ગયો અને વહાણ શણગારેલું જ રહી ગયું.)

સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ,

હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો.

(હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારાં સાદનો હોંકારોયે નથી દેતો? હે નાગાજણ, તું કેમ નઠોર થયો?)

મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં,

ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા!

(હે પતિ નાગાજણ, એમ મા સમજ્જે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઇ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.)

ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,

આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા!

(હે વહાલા નાગાજણ! તારું જીવતર તો અમારા જેવા પરદેશી વેપારીના વહાણ તુલ્ય હતું. આજ એ નાવ અર્ધે પંથે આવીને ખરાબે ચડીને ભાંગી ગયું. મારી નૌકાનાં દોરડાં છેદાઇ ગયાં. હવે હું ક્યાં નીકળીશ?)

આંસુડે ઘૂમટો ભીંજાઇ ગયો, અને જેમ ેજમ રાત જામતી ગઇ તેમ તેમ એનો કંઠ વધુ ગળતો ચાલ્યો. નાગાજણની છાતી ગજ ગજ ઉછાળા મારવા મંડી, ધરાઇ રહ્યો. તૃપ્ત થઇ ગયો. ઘર પછવાડેથી આવીને એણે ચારણીનો ઘૂમટો ખેંચ્યો.

“લે, હવે બસ કર; બસ કર; તારી વા’લપનાં પારખાં થઇ ગયાં.”

ચારણી ચોંકી. આ શું! મડું મસાણેથી પાછું આવ્યું?

“ચારણ! જોગમાયાની આણ છે. બોલ, માનવી કે પ્રેત?”

“ના, એ તો મરશિયા માણવાની મોજ.”

“માણી લીધી?”

“પેટ ભરી ભરીને.”

ચારણીએ ભરથાર સામે પીઠ ફેરવી. ઘૂમટો વધુ નીચે ઉતાર્યો. ચારણે ચમકીને પૂછ્યુંઃ “કેમ આમ?”

“ચાલ્યો જા, ગઢવી! તુંને મૂવો વાંછ્યો. તારું નામ દઇને હું તુંને રોઇ. હવે તું મારે મન મડું જ છો. મડાંનાં મોઢાં જોવાય નહિ. જા, જીવીએ ત્યાં લગી રામ રામ જાણજે.”

“આ શું, ચારણી?”

“ચારણીની ઠેકડી!”

લોકવાણી ભાખે છે કે એ અબોલા અને અજોણાં જીવતરભર ટક્યાં હતાં.

તેગે એને દેગે

જમનાજીના કિનારા ઉપર ધેનુઓનાં ધણ ચડાવતાં ઊભેલા કૃષ્ણ બોલ્યા કેઃ “ક્યાં!”

“ક્યાં?”

“સોરઠમાં.”

“કેમ?”

“દ્ધારકાનું રાજ અપાવું.”

રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળી દ્ધારકા નગરીના રાજની આશાએ ગોકુળ-મથુરાના આહીરો અને ભરવાડો ઉચાળા ભરી, ગોવાલણોને લઇ, ગોધાને માથે ઉચાળા નાખી, ધેનુઓનાં ધણ હાંકતાં હાકતાં, મહારાજની વાંસે વાંસે હાલી નીકળ્યા. પણ માર્ગે મરુભોમકા આવી. ઊનાં ઊનાં રેતીનાં રણ વીંધવાં પડ્યાં. કપટબાજ કાનુડાને ગાળો દેવામાં ગોવાળિયોએ બાકી ન રાખી.

ત્યાં તો હાલારમાં મચ્છુકાંઠો દેખાયો. માથે અષાઢીલા મેઘ મંડ્યા. નાની નાની ડુંગરીઓ, લીલુડાં ઓઢણાં ઓઢીને ગોપીઓ વૃન્દાવનમાં રમવા નીકળી હોય તેવી હરિયાળી બની ગઇ. ગોવાળ, ગોવાલણો અને ગૌૈધન આ ભોમકા ભાળીને ગાંડાંતૂર બની નાચી ઊઠ્યાં. સહુએ ભેળાં થઇને ડાંગો ઉગામી કરસનજી મહારાજને સંભળાવ્યું કે “આંહીંથી એક ડગલુંયે નહિ દઇએ. હવે જો કાંઇ બોલ્યો છો ને તો તને ડાંગે ડાંગે પીટશું.”

“અરે મૂરખાઓ, હાલો તો ખરા! હજી સોરઠના હિલોળા તો આગળ આવશે.”

“આંહીંથી ડગલું દે, ઇ તારો દીકરો!”

“ગંડું થાવ મા. રાજપાટ અપાવું.”

“ઇંદ્રાસન અપાવ તોય નથી જોતું.”

દોટ મેલીને કૃષ્ણે આહીરો અને રબારીઓની છાતી ઉપર અક્કેક ધબ્બો લગાવી દીધો, અને વરદાન દીધું કે -

“જાઓ, નાદાનો! આપણા સંગાથની લેણાદેણી પુરી થઇ ગઇ. પણ જ્યાં સુધી મારો તમને ભરોસો રહેશે. ત્યાં સુધી તો જુગે જુગે હું તમારી તેને ને દેગે હાજર રહીશ. તમારી તરવારને લાજવા નહિ દઉં અને ભોજનનો તૂડો પડવા નહિ દઉં. તરવારમાં શૌર્ય પૂરીશ અને ભોજનમાં સૅ પૂરીશ.”

મચ્છુને કાંઠે એવું વરદાન મળ્યાને આજ તો પાંચ હજાર ચોમાસાં વીત્યાં. સોરઠમાં આહીરનો એક પણ દીકરો જે ગામમાં જીવતો હશે તો ગામને ભાંગીને કોઇ પણ શત્રુઓનું ધાડું કોરું-ધાકોર ગયું નથી. આહીર બચ્ચો તરવાર તો તરવાર અને લાકડી તો લાકડી લઇને દોડ્યો છે. આજે એવા હજારોમાંથી એક આહીરના પરાક્રમ કહીએઃ

સંવત ૧૮૪૮માં ભાવનગરના ભોપાળ આતાભાઇની ચિત્તળ ઉપર ચડાઇ ચાલે છે. ગોહિલોનું આખું કુળ ઠાકોરની સખાતે આવી ઊભું છે. હથિયાર બાંધી જાણનારા બીજા વર્ણોએ પણ ગોહિલનાથનું પડખું લીધું છે.

એક મહિનો, બે મહિના, ત્રણ, અને છ મહિનાના સૂરજ ઊગી ઊગીને આથમ્યા, પણ ચિત્તળના ઘેરાનો અંત આવતો નથી. કાઠીઓના કોટની કાંકરીયે ખરતી નથી. ચિત્તળના દરવાજેથી વછૂટતી તોપોના ગોળાનો માર ગોહિલોથી ખમાતો નથી. થાકેલો આતાભાઇ માથું ઢાળીને છાવણીમાં બેઠા છે.

“છે એવો કોઇ બેમાથાળો આ દાયરામાં જે દોટ મેલીને કાઠીઓની તોપોના કાનમાં ખીલા ઠોકી આવે?” એમ બોલતાં બોલતાં આતાભાઇએ આખી મેદની ઉપર આંખ ફેરવી લીધી.

“બાપુ!” વાચાણી અને દેવાણી વીરો હોકારી ઊઠ્યાઃ “મરવાની બીક નથી, પણ તોપોની સામે ચાલીને શું કરીએ? તોપોની પાસે પહોંચીએ તો જ ખીલા જડાય ને!”

“સાચી વાત છે, ભાઇ! નવલખા શૂરવીરોને હું મફતના ફૂંકાવી નાખવા નથી માગતો.”

“ઊભા રે’જો, બાપુ!” એટલે બોલતો દાયરાના આઘા આઘા ખૂણામાંથી એક આદમી ઊભો થયો.

“હું જ એ બીડું ઝડપું છું. જો જીવતો પહોંચીશ તો તોપોને ખોટવી નાખું છું. અને જો વચ્ચેથી જ મર્યો, તો તમારાં નામ ઉપરથી ઘોળ્યો! મારે તો બેય વાતે મજો છે. લાવો બીડું, બાપુ!”

“તારું નામ?”

“જાદવ ડાંગર.”

“જાતે?”

“આયર.”

“ગામ?”

“લંગાળું.”

“તું જઇશ? એકલો?” આતાભાઇએ પ્રીતિની નજર ઠેરવી.

“એકલો? આયર એકલો હોય નહિ, બાપુ! એની તેગે ને દેગે ઇશ્વર આવે છે.”

“ભાઇ, ઓરો આવ, આશિષ આપું.”

જાદવે જઇને આતાભાઇના ચરણોમાં હાથ લીધા. એના પીઠ ઉપર થાપો મારીને ઠાકોરે રજા દીધી.

“જા, બાપુ! તારી ધારણા પૂરી કર. તારા પરિવારની ચિંતા કરીશ મા.”

જાદવે ઘોડીને રાંગમાં લીધી. ભેટમાં ખીલા અને હથોડી બાંધ્યા. કેડે તરવાર અને ખોભળે ભાલો ભેરવ્યો. મોરલીધરનું નામ લઇને સમીસાંજે કાઠીઓની તોપો સામે ઘોડી દોડાવી.

સામે કાઠીઓની ધૂંવાધાર તોપો ફૂટે છે. ધુમાડા ગોટેગોટ વળીને ગૂંગળાવી રહ્યા છે. આંખો કંઇ ભાળતી નથી. તોય જાદવની ઘોડી તો ઝીંક્યે જ જાય છે.

આવ્યો! આવ્યો! આવ્યો! આયર લગોલગ આવ્યો તે ઘડીએ ગોલંદાજોએ ભાળ્યો. ભાળતાં ભે ખાઇ ગયા, ત્યાં તો જાદવ ડાંગરની તરવારનો અક્કેક ઝટકો અક્કેક ગોલંદાજનું માથું લઇ લ્યે છે અને અક્કેક તોપના કાનમાં ખીલો ઠાંસે છે.

પછી બીજો ઝટકો, બીજું માથું, અને બીજી તોપનો ખીલોઃ એમ ત્રીજી, ચોથી અને પાંચમી તોપોના કાન પૂરીને જાદવે ઘોળી વાળી ગૂંગળાતો, દાઝતો, લોહીમાં નીતરતો આહીર આતાભાઇની પાસે પહોંચ્યો. બાપ દીકરાને તેડે એમ ઠાકોરે જાદવને બાથમાં ઉપાડી લીધો.

તે પછી આતાભાઇનો હલ્લો થતાં કાઠીઓ નાઠા.

તગડ ઘોડે રોઝ ત્રાઠા,

કુંપડો કે’ જુઓ કાઠા,

નોખાનોખા જાય નાઠા.

આજ જાદવ ડાંગરના વંશવારસો આતાભાઇની બક્ષેલી ત્રણસો વીઘાં જમીન ખાય છે.

દુશ્મનોની ખાનદાની

“મુંજાસરને પાદર થઇને નીકળીએં અને ભોકાભાઇને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?”

“આપા, રામ ખાચર! કસુંબો રખડી પડશે, હો! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા જેવી નથી. તમે એના સગા મશિયાઇ મામૈયા વાળાની લોથ ઢાળીને હાલ્યા આવો છો.”

“અરે ફિકર નહિ. ભોકાનેય ક્યાં મામૈયા હારે સારાસારી હતી! એ તો ઊલટો રાજી થશે. બોલાવો એને.”

સાતલ્લી નદીના કાંઠા પર પ્રભાતને પહોરે મુંજાસર ગામને સીમાડે પચીસ કાઠીઓનો પડાવ થઇ ગયો છે. એ પચીસ અસવારોનો સરદાર ચોટીલાનો રામો ખાચર છે. ત્રણ દિવસના પંથ કાપતો રામો ખાચર જૂના વેર વાળવા પોતાનો નાનકડો મેલીકાર લઇને માલશીકું ગામ ભાંગવા ચડ્યો હતો. માલશીકાંનો માલ વાળીને રામો ખાચર વળી નીકળ્યા છે.

પચીસ કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલીને સાતલ્લીનાં તેલ જેવાં નીરમાં પોતાના રજેભર્યાં મોઢાં ધુએ છે અને ગળાં ફુલાવીને ઘોરતા નાદે ઊગતા સૂરજની સ્તુતિ લલકારે છે કે

ભલે ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં,

મરણ જીઅણ લગ માણ, રાખો કાશ્યપરાઉત.

(હે ભાનુ, તમે ભલે ઊગ્યા, તમારાં ઓવારણાં લઇએ છીએ; હે કશ્યપ ઋષિના કુંવર, મૃત્યુ સુધી અમારી આબરૂ જાળવજો.)

સામસામા ભડ આફળે, ભાંગે કેતારા ભ્રમ્મ,

તણ વેળા કશ્યપ તણા, સૂરજ રાખો શરમ.

(સામસામા જ્યારે શૂરવીરો યુદ્ધ કરતા હોય, જ્યારે કેટલાયે બહાદુરોની આબરૂ ધૂળમાં મળતી હોય, તે ટાણે, કશ્યપના કુમાર, અમારી ઇજ્જત રાખજો)

કોઇ વળી ચલાળાના આપા દાનાને યાદ કરે છે, કોઇ પાળિયાદના આપા વિસામણને સંભારે છે, કોઇ એકલ પગે ઊભા સૂરજદેવળનાં નામ રટે છે.

ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુંજાસરને કેડે મંડાઇ. અને બીજાં બધાં દેવસ્થાનના જાપ છોડીને સહુ લલકાર કરી ઊઠ્યાઃ “એ ભણેં દૂધની તાંબડિયું ઝબકી! એ ગોરસનાં દોણાં આદાં (આવ્યાં)! એ ભણેં રોટલાની થાળિયું આદી! ભણેં ચોખાનાં હાંડલાં આદાં! સાકરના ખૂમચા આદા!

મુંજાસરનો કાઠી ગલઢેરો ભોકો વાળો રામા ખાચરના સમાચાર સાંભળીને શિરામણ ઉપડાવી મહેમાનોને છાશ્યું પાવા હાલ્યો આવે છે. સાથે પચીસ-ત્રીસ કાઠીઓનો દાયરો લીધો છે. દૂધ-દહીંનાં દોણાં લેવરાવ્યાં છે. સાકર, ચોખા, રોટલા અને માખણના પિંડા લેવરાવ્યા છે. હજી માલશીકું ભાંગ્યાના એને ખબર નથી પડ્યા.

ચાલ્યા આવે છે. એમાં એક માનવી આઘેથી આડો ઊતરતો ભાળ્યો. “એલા! ગઢવી નાજભાઇ દાંતી તો નહિ? હા, હા, એ જ; એલા! બોલાવો - બોલાવો. એ ઊભા રો’, નાજભાઇ, ઊભા રો’!”

પણ એ પુરુષ થંભતો નથી. ફરી વાર સાદ પાડ્યા. “એ નાજભાઇ! રામદુવાઇ છે તમને.” રામદુવાઇ દેવાયાથી નાજભાઇ ચારણ થંભી ગયો. પણ જેમ ભોકો વાળો નજીક આવ્યો, તેમ ચારણે પોતાની પછેડી માથા ઉપર નાખીને ઘૂમટો તાણી લીધો. વાંસો વાળીને ઊભો રહ્યો.

“અરે નાજભાઇ! લાજ કેની કરી?”

“લાજ તો કરી જેઠની!” ચારણ બોલ્યો.

“જેઠ વળી કોણ?”

“ભોકો વાળો!”

“ગઢવી! કેમ અવળું બોલો છો? કાંઇ અપરાધ?”

“ભોકા વાળા, મામૈયા વાળાના લોહીની કસુંબો પીવા જાઓ છો?”

“મામૈયાના લોહીનો?”

“હા, મામૈયાને મારી, માલશીકાંનો માલ વાળીને આપો રામો ચાલ્યો આવે છે.”

“નાજભાઇ,” ભોકા વાળાએ ઘોડો વાળ્યોઃ “મને ખબર નહોતી; હવે તો -

ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,

તે દી મુંજાસરનું પાણી પીઉં.

ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,

તે દી પલંગ પથારી કરું.

“રોટલા પાછા લઇ જાઓ. કૂતરાં-કાગડાને ખવરાવી દિયો,” એમ કહીને ભોકા વાળાએ ઘોડો પાછો લઇ લીધો.

સાતલ્લીને કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ-રોટલા અને સાકર-ચોખાની વાટ જોતાં જોતાં પાંચાળિયા કાઠીઓની ગરદન દુખવા આવી. ત્યાં તો રોટલાને સાટે અસવાર આવીને ઊભો રહ્યો અને રામા ખાચરને સંદેશો આપ્યોઃ “ભોકે વાળે કેવાર્યું છે કે તમારી તૈયારીમાં રે’જો. અમે ચોટીલાને માથે ચડી આવીએ છીએ.”

“ભણેં આપા રામ!” બીજા કાઠીઓ બોલી ઊઠ્યાઃ “અમે નહોતા ભણતા કે કસુંબો ઝેર થઉ જાશે?”

રામો ખાચર કાસદ તરફ ફર્યાઃ “ભાઇ અસવાર! ભોકભાઇને કહેજે કે કાંઇ ફિકર નહિ. આવજે-ખુશીથી આવજે. ચોટીલે નો આવે એને દેવળ વાળાની દુહાઇ છે!”

ચોટીલાની ડેલીએ રકઝક થઇ રહી છે. રામા ખાચરને પેટ દીકરાનો વસ્તાર નથી. બે ભાઇઓ વચ્ચે એકનો એક દીકરો છે. ભત્રીજે આજ માથાં ઝીંકવા માંડ્યાં છે કે “ના, મોટા બાપુ! આજ હું એકલો જ વાર લઇને ચડીશ. આજ તમેયે નહિ. બાપુયે નહિ. હું એકલો. મારે ભોકાકાકાને જોવા છે.”

“બાપ! બાપ! એવી હઠ ન હોય. તારું ગજું નહિ અને ભોકોકાકો રણસંગ્રામમાં જોવા જેવો નથી. બાપ! હઠ કર મા.” પણ કુંવરે ન માન્યું.

બસો તેવતેવડી હેડીના અસવારોને લઇને એ ચોટીલાની બહાર નીકળ્યો.

લાંબાધારની ટોચે મુંજાસરનાં પાંચસો ભાલાં ઝબકારા મારે છે. આપો ભોકો ચોટીલાની સામૈયાની વાટ જોતા બેઠા છે, ત્યાં ઘોડાં આવતાં ભાળ્યાં. આગલા અસવારે જાણે ભાલે આભ ઉપાડી લીધો છે. મૂછનો દોરોય ફૂટ્યો નથી. એવા સરદારને દેખીને આપા ભોકાએ પૂછ્યુંઃ “બા, આ મોવડી કોણ?”

“આપા, એ રામા ખાચરનો ભત્રીજો. પરણીને મીંઢળ હજુ છૂટ્યું નથી, હો! બે ભાઇ વચ્ચે એક જ છે. વીણી લ્યો, એટલે રામા ખાચરના વંશનો દીવડો જ સંચોડો ઓલવાઇ જાય.”

ત્યાં તો ચોટીલાની વાર લગોલગ આવી પહોંચી.

ધાર ઉપરથી ભોકો ઊતર્યો. જાણે ડુંગર માથેથી ધોધ ચાલ્યો આવે છે. પોપટના ઘેરા ઉપર બાજ ઝાપટ કરે એમ સોરઠના પંજાદાર કાઠીઓ ચોટીલાના જુવાનો ઉપર તૂટી પડ્યા.

રામા ખાચરના ભત્રીજાના શબ ઉપર પછેડી ઓઢાડીને ભોકો વાળો વળી નીકળ્યો.

ધીંગાણું પૂરું થયે રામો ખાચર આવી પહોંચ્યો. જુએ ત્યાં તો લોથોના ઢગલા પડેલા. માથે ગરંજા ઊડે છે. પાંચ-પાંચ દસ-દસને ભેળાં ખડકીને સામટા અગ્નિદાહ દીધા.

દાયરો ઝંખવાણો પડી ગયો હતો. રામો ખાચર બોલે છેઃ “એક જણો જઇને મુંજાસર આપા ભોકાને ખબર આપો કે અમેય આવીએ છીએ. એક તારો કાઠી ને અકે મારો કાઠીઃ એમ સામસામા સરખો રણસંગ્રામ રમે. છેવટે તું અને હુંઃ બેમાંથી જે મરે એના દેન બેય દાયરા ભેળા બેસીને દે. સાચા મરદ હોય તે તો એ રીતે રણ ખેલે.”

ભોકા વાળાએ કાગળનો જવાબ વાળ્યોઃ “ભા, તમે ઘડપણના રે’વા દેજો. ફેરવણીમાં ઘસાઇ જાશો. અમે જ સામા હાલીને ફરી વાર આવીએ છીએ.”

“કાઠિયાણી!” રામા ખાચરે આઇને બોલાવ્યાંઃ “કાઠિયાણી, હવે જીવતરના ભરોસા ઓછા છે. આ વખત ભોકાની સાથે મૉતનો મામલો મચવાનો છે. પાછા વળાશે નહિ.”

“તે તમારી શી મરજી છે?”

“બીજી તો કાંઇ નહિ, પણ ગીગીનો વિના પતાવી લેવાની. તમે જાણો છો? મરણ પરણને ઠેલતું આવે છે.”

“બહુ સારું, કાઠી, જેવી તમારી મરજી.” કહીને કાઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડી. માંડછાંડ, ગારગોરમટી અને ભરતગૂંથણના આદર કરી દીધા.

ગીગીનાં બલોયાં ઉતરાવવાં છે. તે દિવસમાં હળવદ શહેરની દોમદોમ સાયબી. હળવદના મણિયારો જેવા ચૂડલા પાંચાળનો બીજો કોઇ કારીગર ઉતારી જાણે નહિ. “હળવદમાં આપણા ગામના શેઠ છે, ત્યાં પરમાણું મોકલી આપો. અસલ હાથીદાંતના બલોયાં ઉતરાવીને મોકલાવી દેશે.”

મોતીચંદ મૂળ તો ચોટીલાનો વાણિયો; પમ હળવદમાં એનો વેપાર ચાલે છે. બે પૈસાનો જીવ થઇ ગયેલો. રામા ખાચરના ખોરડા સાથે અસલથી નાતો જાળવતો આવે છે. પરમાણા પ્રમાણે બલોયાંની જોડ ઉતરાવીને એણે મોકલી. બહેન પહેરવા માંડ્યાં, પણ બલોયાં હાથે ચડ્યાં નહિ. દોરા-વા સાંકડાં પડ્યાં.

બીજે દિવસે માણસો જઇને બે બીજાં બલોયાંની જોડ ઉતરાવીને એણે મોકલી. બહેન પહેરવા માંડ્યાં, પણ બલોયાં હાથે ચડ્યં નહિ. દોરા-વા સાંકડાં પડ્યાં. બીજે દિવસે માણસો જઇને બે બીજાં બલોયાં ઉતરાવી લાવ્યાં, પણ ત્યાં તો વળી દોર-વા મોટાં થયાં.

હળવદથી શેઠે કહેવરાવ્યુંઃ “બેનને જ અહીં તેડી લાવો. ઢાંઢા ઘરમાં ઊભા હશે ત્યાં જ સરખા માપનાં બલોયાં ચડાવી લેવાશે. સાંજ ટાણે પાછાં ચોટીલા ભેળાં થઇ જાશે.”

વેલડું જોડીને કન્યચા હળવદ ચાલી. સાથે પાંચ હથિયારબંધ કાઠીઓ લીધા છે.

મોતીચંદ શેઠને ફળિયે વેલડું છોડીને બાઇ સામી જ બજારે મણિયારાનું હાટડું હતું, ત્યાં બેસીને બલોયાં ઉતરાવવા મંડ્યાં.

હાટડાનીની દીવાલે દીવાલે હાથીદાંતના ચૂડલા લટકે છે. કસુંબલ રંગની ઝાંય આખા ઓરડામાં છવાઇ રહી છે. એની વચ્ચે બેઠી જુવાન કાઠી-કન્યા. એના દેહની ચંપકવરણી કાન્તિ જાણે રંગની છોળોમાં નાહી રહી છે. તૈયાર થયેલાં બલોયાં પહેરીને ઊઠવા જાય છે, ત્યાં તો ઓચિંતી કન્યા ઝબકી ઊઠી. એના ઉપર જાણે કોઇ ઓછાપો પડ્યો. મુખ રાતુંચોલ થઇ ગયુંઃ “ઊઠો ઊઠો!” એનાથી બોલાઇ ગયું.

“શું થયું? બાને શું થયું? કેમ ગભરાઇ ગયાં?” માણસો પૂછપરછ કરવા મંડ્યા. બાઇ બોલીઃ “ઝટ ઊઠો, વેલડું જોડાવો.”

લોકોએ હાટમાંથી બહાર નીકળીને જોયું, સમજ પડી ગઇ. હળવદનો ઝાલો દરબાર ઘોડે ચડીને હાલ્યો જાય છે. ડોક ફેરવીને પાછું વાળીને જોતો જાય છે.

“શેઠ, ઓરા આવજો!” દરબારે મોતીચંદને હાટડે ઘોડા થંભાવીને હસતે મુખે શેઠને એકાંતે બોલાવ્યા.

હાથ જોડીને મોતીચંદ શાએ હડી કાઢી. જઇને કહ્યુંઃ “ફરમાવો, અન્નદાતા!”

“મોતીચંદ શેઠ!” દરબારે કરડી આંખ કરીને ઠંડો દમ દીધોઃ “મે’માન અમારાં છે. ગઢમાં માંડ્યું કરાવવી છે. માટે રોકવાં છે, જાશે તો તમારી પાસેથી લેશું! રેઢાં મેલશો મા!”

એટલું બોલીને દરબારે ઘોડો હાંક્યો.

મોતીચંદ શેઠ બાઘોલા જેવા ઘેર ગયા.

“મોતીચંદ મામા!” કાઠીની દીકરી બોલીઃ “હવે અમને ઝટ ઘર ભેળાં થાવા દો. મને આંહીં અસુખ થાય છે.”

“બોન બા! ભાણી બા! બેટા! હવે કાઠિયાણી બની જાવ. હવે વેલડું બહાર નીકળે નહિ. કાળ ઊભો થયો છે. અને એમ થાય તે દી મારે સોમલની વાટકી જેટલો આ સંસારમાં સવાદ રહે. માટે હવે તો આ ડેલીમાં બેસી રહો. બાપ! આ બાયડી, છોકરાં અને છેલ્લો હું - એટલા જીવતાં બેટેલ છીએ ત્યાં સુધી તમારું રૂંવાડુંય ન ફરકે.”

દરવાનોને એણે આજ્ઞા દીધીઃ “ડેલી બંધ કરો, તાળાં મારી દ્યો.”

ડેલીનાં બારમાં બંધ થયાં, અને એક અસવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો.

“આ તે શું કહેવાય? રામ મઢીએ કાગડા ઊડે એમ ચોટીલું ઉજ્જડ કાં કળાય?”

“આપા ભોકા, રામા ખાચરને ગઢપણ છે ખરું ને, એટલે કાગળ લખ્યા પછી પાછું બે વરસ સંસારનો સવાદ લેવાનું મન થઇ ગયું હશે!”

“હોય નહિ. રામાને હું ઓળખું છું. આજ રામો જીવ ન બગાડે. નક્કી કાંઇક ભેદ છે. નાજભાઇ! ગામમાં ડોકાઇ તો આવો. દાયરો શું કરે છે?”

નાજભાઇ ગઢવી ગામમાં ગયા. ગામને જાણે ચુડેલ ભરખી ગઇ હોય એવી ઝાંખપ ભરી છે.

ડેલીએ આવે ત્યાં ઠાંસોઠાંસ દાયરો બેઠો છે, પણ કોઇના મોં પર નૂરનો છાંટોય નથી રહ્યો.

“આવો, નાજભાઇ!” એમ કહીને કાઠીઓ ઊભા થયા. ચારણને બાથમાં ઘાલીને મળ્યા, બેસાડ્યા, કસુંબો લેવરાવ્યો. પણ કોઇ કશો ભેદ કહેતું નથી. ચારણે કહ્યુંઃ “રામા ખાચર, બાપ, ભોકો વાળો ક્યારુના તમારી વાટ જોઇને બેઠા છે.”

“હા, ગઢવી, આ હવે ઘડી-બે ઘડીમાં જ અમારાં બાકીના જુવાનો આવી પહોંચે એટલે ચડીએ છીએ. હવે ઝાઝી વાર નથી. ભોકાભાઇને વાટ જોવરાવવી પડી એનો અમનેય અફસોસ થાય છે.”

નાજભાઇ ગઢવીને કશું ન સમજાયુંઃ આ ખાચર દાયરો આજ મરવા ટાણે કાં કાળાંમેશ મોઢાં લઇને બેઠો છે?

નાજભાઇ બાઇઓને ઓરડે ગયા, ત્યાંયે ઉદાસીના ઓછાયા.

“આઇ! આજ આ શું થઇ રહ્યું છે?” એણે બાઇને પૂછ્યું.

“બે’ન હળવદ બલોયાં ઉતરાવવા ગયાં છે. એને હળવદ દરબારે માંડ્યું કરવા રાત રોકાવી છે. હવે ઘડિયું જાય છે; કાં દીકરીએ પેટમાં કટાર નાખી હશે ને કાં એને એક ભવમાં બે ભવ થયા હશે. અને વાણિયાના તે શા ભરોસા! દોરીને દઇ દે એવા લાલચુડા.” એમ કહેતાં બાઇ રડી પડ્યાં.

“એમાં ખાચર દાયરો મૂૂંજાઇને બેઠો છે?”

“હા, માડી, એક કોર ભોકાભાઇ ને બીજી કોર હળવદનો રાજ - બેમાંથી પહેલું ક્યાં પહોંચવું?”

ચારમ ચાલી નીકળ્યો. સડેડાટ સીધો ડુંગરની ધારે આવ્યો, આવીને આખી વાત કહી.

સાંભળીને ભોકો વાળો ઊંડા વિચારમાં પડ્યો. પછી એણે ગઢવીને કહ્યુંઃ “નાજભાઇ, વેર કાંઇ જૂનાં થઇ જાય છે?”

નાજભાઇ કહેઃ “ના, આપા!”

“તો પછી ચોટીલાના દાયરાને ખબર દ્યો કે અમે મળવા આવીએ છીએ.”

જઇને ભોકા વાળાએ કહ્યુંઃ “આપા રામા, ઊઠ ભાઇ! ગીગીને ઊનો વાયે ન વાય. ઊઠ, પછી આપણો હિસાબ આપણે સમજી લેશું.”

પાંચસો ઘોડાની હાવળે આભને ચીરી નાખ્યો. હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો.

હળવદમાં સાંજ પડી ગઇ છે. મોતીચંદ વાણિયો પોતાની પાછલી બારીએથી નદીમાં આંટા ખાય છે. ત્યાં તો નદીકાંઠે ભૂરિયાં લટૂરિયાં, રાખમાં રોળેલી પહાડી કાયાઓ, તુલસીના પારાવાળા બેરખા અને સિંદૂર આંજ્યો હોય તેવી રાતીચોળ આંખોવાળા નાગડા બાવાની જમાતના પડાવ થાતા જોયા. સાથે ડંકા, નિશાન, હથિયાર અને ઘોડાં દેખ્યાં. વાણિયાએ પૂછ્યુંઃ “બાવાજી, ક્યાં રહેવું?”

“ચિત્તોડ!”

“કેની કોર જાશો?”

“ચાકરી મિલે વહાં!”

“મારે ઘેર રહેશો?”

“તું બનિયા ક્યા દેગા?”

“બીજે શું મળશે?”

“પંદરા-પંદરા રૂપૈયા.”

“આપણા સોળ-સોળ!”

નાગડાઓ ગામમાં દાખલ થયા. એ જ ટાણે તાતી ઘડીમાં વાણિયાએ નાગડાઓને પગાર ગણી દીધો. ચારસો નાગડાઓની ચોકી વાણિયાના ઘર પર બેસી ગઇ.

દરબારની કચેરીમાં મશાલ થઇ ગઇ. અમીરો વીખરાઇ ગયા, અને દરબારનો માનીતો જમાદાર વેલડું જોડીને કાઠિયાણીને બોલાવવા ચાલ્યો.

એ મોતીચંદ શેઠને ઘેર પહોંચ્યો ત્યારે નાગડાઓને સાચા ભેદની ખબર પડી. નાગડાઓ રંગમાં આવી ગયો. એમણે જમાદારને મારી પાડ્યો.

ઝાલા રાજાએ જમાદારનું ખૂન સાંભળ્યું. અને વાણિયાએ તો પોતાની ડેલીએ નાગડાઓની પલટન બેસાડેલી છે એવા સમાચાર સાંભળ્યાં. નગારે ઘાવ દઇને એણે ફોજ સજ્જ કરી.

પોણા ભાગની ફોજ લઇને રાજા દરવાજે દોડ્યો. જોયું ત્યાં તો દરવાનોની લોથો પડી છે. નદીના વેકરામાં પચીસ પચીસ કાઠી ઊભા છે. રાજાએ ફોજને કાઠીઓના કટક ઉપર હાંકી મૂકી. કાઠીઓ ભાગ્યા. પાછળ દરબારે ફોજનાં ઘોડાં લંબાવ્યાં. હળવદનો સીમાડો વળોટી ગયા. દરબાર જાણે છે કે હું કાઠીઓને તગડ્યે જાઉં છું હમણાં ઘેર લઇશ, હમણાં પોંખી નાખીશ.

ત્યાં તો તળાવડીમાંથી પાંચસેં ભાલાં ઝબક્યાં.

હળવદની સેના દરબારની સાથે રાત રોકીને કાઠીનું કટક ગામમાં આવ્યું. આવીને જોયું ત્યાં તો બાકીનું કામ બાવાઓએ પતાવ્યું હતું.

“આપા ભોકા, આપા રામા, હળવદનો દરબારગઢ રેઢો છે. આડો દેવા એકેય માટી નથી રહ્યો.” કાઠીઓ બોલી ઊઠ્યા.

“ના,” રામા ખાચરે ને ભોકા વાળાએ બેય જણે કહ્યુંઃ “કાઠીનો દી માઠો બેઠો નથી. હળવદનો રાણીવાસ લૂંટાય નહિ - મર લાખુંની રિદ્ધિ ભરી હોય. હાલો, પે’લી તો મોતીચંદ શેઠની ખબર કાઢીએ.”

ઓરડામાં મોતીચંદ શેઠની પથારી છે. ઘાયલ થયેલો મોતીચંદ પડ્યો પડ્યો કણકે છે.

રામા ખાચરે મોતીચંદના પગની રજ લઇને માથે ચડાવી. બોલ્યાઃ “ભાઇ! વામિયાની ખાનદાનીનાં આજ દર્શન થયાં. મોતીચંદ, તું ન હોત તો મારું મૉત બગડત.”

મોતીતીચંદે આભ સામે આંગળી ચીંધીને કહ્યુંઃ “ધણીની મરજી, આપા!”

દીકરીને લઇને બેય મેલીકાર ચાલી નીકળ્યા. સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે ચોટીલાને સીમાડે ભોકા વાળાનું કટક નોખું તરીને ઊભું રહ્યું.

“વેલડું થંભાવો!’’ હવે બે’નને ફેરા ફેરવીને વે’લા પધારજો, અમે વાટ જોઇને બેઠા છીએ.”

“કાં બાપ! કેમ ઊભું રાખ્યું?” બાપુએ પુછ્યું.

“બાપુ! હું ડાકણ છું?”

“કેમ, દીકરી?”

“તમને સહુને કપાવી નાખીને મારે શો સવાદ લેવો છે?”

“શું કરીએં, દીકરી? બોલે બંધાણા છીએ.”

પડદો ઊંચો કરીને બાઇએ સાદ દીધોઃ “ભોકાકાકા!”

“કાં બાપ?” ભોકો વાળો પાસે આવ્યો.

“તો પછી મને શીદ ઉગારી?

“રામા ખાચર!” ભોકો વાળો બોલ્યોઃ “આ લે તરવાર, તારા ભત્રીજાના માથા સાટે ઉતારી લે મારું માથું!”

“આપા ભોકા, એવા સાત ભત્રીજાનાં માથાં તેં વાઢ્યાં હોત, તોય આજ તેં એના હિસાબ ચૂક્વી દીધો છે, ભાઇ!”

બેય શત્રુઓ ભેટ્યા, સાથે કસુંબા પીધા. રામા ખાચરની દીકરીને પરણાવી ભોકો વાળો મુંજાસર ગયો.

ભાગીરથી

(બાદશાહજાદીને પરણ્યા પછી પોતાના આત્માની પવિત્રતા સિદ્ધ કરવા ગંગા-તીરે બેસીને કવિ જગન્નાથે ‘ગંગા-લહરી’ના શ્લોકે શ્લોકે માતા મંદાકિનીને ઘાટના પગથિયાં પર ચડાવ્યાં, અને પોતે માથાબોળ સ્નાન કીધું. એ ઘટના અને એ કાવ્યને અનુસરતો આ ચારણી પ્રસંગ અને દુહાકાવ્ય છે.)

‘અલ્લા...હુ...અક...બ્બ...ર!’

જૂનાગઢની મસીદના હજીરા ઉપરથી મુલ્લાં બે કાનમાં આંગળી નાખીને નમાજની બાંગ દેતા. મહોલ્લે મહોલ્લે એના અવાજના પડઘા ઘૂમવા લાગતા. અલ્લાના બંદાઓ દૂધ જેવા સફેદ ઝભ્ભાઓ ઝુલાવતા ઝુલાવતા મસીદમાં દાખલ થઇ બિલોરી નીરે છલકાતાં હોજમાં પગ-મોં સાફ કરી, કાબાની મહેરાબ સામે ગોઠણભેર ઝૂકવા લાગતા.

બાદશાહની કચેરી વખતે જ્યારે જ્યારે એ બાંગ સંભળાતી ત્યારે કચેરીમાં એક માણસનું મોં મલકતું. એનું નામ હતું નાગાજણ ગઢવી. રા’માંડળિકનું નિકંદન કઢાવનારી બાઇ નાગાબાઇના દીકરાનો એ દીકરો. બાદશાહની કચારીમાં બિરદાઇ કરતો હતો.

બાદશાહે પૂછ્યુંઃ “બંદગીને વખતે દાંત કાઢીને મશ્કરી કોની કરી?”

“મશ્કરી તો કરી આ બાંગ દેનાર મુલ્લાની.” નાગાજણે મોં મલકાવીને ખુલાસો દીધો.

“શા માટે?”

“આનું નામ સાચી બાંગ ન કહેવાય.”

“ત્યારે બાંગ કેવી હોય?”

“ખરાખરીની બાંગ દીધ્યે તો ઘોડા મોંમાંથી ઘાસ મેલી દે.”

“ઐસા?”

“ગાવડિયું પેટનાં વાછરુંને ધકેલી આઘાં કાઢે.”

“ક્યા બાત હૈ!”

“ધાવતાં છોકરાં માતાના થાનેલા મેલી દે! અરે ખાવંદ! વહેતાં પાણી થંભી જાય એવી જોરદાર બાંગ દેનાર પડ્યા છે.”

પાદશાહે દાઢી પંપાળીને પૂછ્યુંઃ “એવો કોઇ છે?”

“હા, નામવર, આ અમારા રાજદેભાઇ!” નાગાજણે મોં મલકાવીને પોતાની સામે બેઠેલા ચારણ રાજદે તરફ આંગળી ચીંધાડી.

રાજદે ચારણ નાગાજણ સામે તાકી રહ્યાઃ “હું?”

“હા જ તો, રાજદેભાઇ, આપણા અન્નદાતાથી કાંઇ એવી રીતે છુપાવાય? અલ્લા ઉપર તમારા ઇમાનનો આજે પરચો દેખાડો,” નાગાજણે ઘા કાઢ્યો.

“અરે! અરે! ભાઇ નાગાજણ! મારું મૉત...”

“રાજદે ગઢવી!” પાદશાહે ફરમાવ્યુંઃ “ત્યારે તો તમારે બાંગ બોલાવવી પડશે. આજે જ તમારો ઇલમ બતાવો.”

“અન્નદાતા, બોલો ના; હું દેવીપુત્ર ચારણ, મારે ખંભે જનોઇઃ અવતાર ધરી મેં બાંગ બોલાવી નથી કદી.”

“માનશો મા, પાદશાહ!” નાગાજણે પોતાની અદાવતના પાસા નાખ્યાઃ “રાજદેભાઇની બાંગ તો ખલકમાં મશહૂર છે.”

પાદશાહે હઠ પકડી. રાજદેના કાલાવાલા માન્યા નહિ.

“નાગાજણ!” રાજદેએ તીરછી નજરે નાગાજણને કહ્યુંઃ “કાળા કામના કરનારા, આજ તેં મારું જીવતર બગડાવ્યું. પણ જોજે હો! હું કૂતરાને મૉતે નહિ મરું.”

સાંજનો પહોર થયો મસ્જિદના ચોગાનમાં મુસ્લિમોની ગિરદી જામી છે. રાજેદભાઇ ધીરે ધીરે ચાલ્યો આવે છે; હજીરા ઉપર રાજેદ ચડ્યો, કાનમાં આંગળી દીધી, અને “અલ્લા...હુ...”નો અવાજ જ્યાં ઊપડ્યો અને ધોરિયાનાં પાણી થંભ્યાં, ઘોડાએ તરણાં મેલ્યાં, ધાવતાં છોકરાંએ માનાં થાન છોડ્યાં. મુસ્લિમોમાંથી અવાજ ઊઠ્યો કેઃ “રાજદે પીર! આજથી તમે રાજદે પીર!”

હજીરા પરથી ચારણ ઊતરવા લાગ્યો. ત્રીજે પગથિયે આવ્યો ત્યાં નીચે ઊભેલા દુશ્મન નાગાજણે ઘા કરી લીધોઃ “રાજદેભાઇ, તમને દફન કરવા કે દેન દેવું?”

સાંભળી રાજદે ત્રણે પગથિયાં પાછો ચડ્યો. હાથ જોડી હજીરા ઉપરથી જ એણે ગળતે સૂરે દુહા ઉપાડ્યાઃ

કાયા લાગો કાટ, શીકલીગર સુધરે નહિ,

નિરમળ હોય નરાટ, ભેટવા તવ ભાગીરથી.

(ઓ માતા ભાગીરથી, હું ક્યાં જાઉં? કાટેલાં લોઢાંને તો સજાવીયે શકાય, પણ આ માનવકાયાને લાગેલા કાટ તો કોઇ સરાણિયો નિવારી શકતો નથી. ઓ મા, એ તો તને ભેટે ત્યારે જ નિર્મળ બનશે. માટે તું આજ આવીને મારી આ ભ્રષ્ટ કાયાને નિખારી નાખજે.)

ગંગાજળ ગટકેહ, નર લટકે પીધો નહિ,

ભવસાગર ભટકેહ, ભૂત હુવા ભાગીરથી.

(હે મૈયા, નીચે નમી નમીને તારા ગંગાજળના ઘૂંટડા જેણે પીધા નથી, તે માનવી ભવસાગરમાં ભૂત સરજાઇને ભટક્યા જ કરે છે. પણ હું આજ તારા પ્રવાહ પાસે કેમ કરીને પહોંચું? મારી ઘડીઓ ગણાય છે.)

ગંગાધારે જાય, પંગોદિક પાણી પીવે,

માનવીઆંરાં માય, ભાગ્ય વડાં ભાગીરથી.

(ઓ માતા, નીરોગી માનવોની તો વાત દૂર રહી, પણ કોઢિયાં કે પાંગળાંય જો તારા ઘાટ પર આવીને તારું નીર ચાખે, તો તેવાં માનવીઓનાં પણ ભાગ્ય ઉઘડી જાય છે, ત્યારે મારા સરીખા નિષ્પાપની આવી ગતિ કાં, જનની?)

ઉઘાડે જઇને ઊંડે, જળમાં આંખ્યું જે,

તેનો વંશ તેડે, વૈકુંઠ મૂકે વણારસી.

(વળી સાંભળ્યું છે, માતા, કે તારા પ્રવાહમાં ડૂબકી મારીને જે માનવી આંખો ઉઘાડે, તેને એકને તો શું પણ તેના આખા વંશને તું વૈકુંઠમાં તેડી જાય છે, દેવી!)

ગાતા ચારણનો રુધિરની ધારાઓમાં ભીંજાયેલો દેહ મિનારા પર ઊભો ઊભો આથમતા તેજમાં ભાગીરથી માતાની કીર્તિના જાપ એક પછી એક ઉચ્ચારતો જાય છે. મેદની આખી આ માનવીના લલકારને સમજ્યે-વગરસમજ્યે ઝીલી રહી છે; પણ એના શરીરે લોહી શેનું વહી રહ્યું છે? એણે ચલાવ્યું -

પાગે જો તળિયું પડે, જાહ્‌નવી દશ જાતે,

(એને) પરિયું પીંગલું કરે, વાસર ઢોળે વણારસી.

(માતા, તારી દિશામાં ચાલતાં ચાલતાં જેના પગની પાનીઓ તળાઇ જાય છે, એવાં માનવીને તો અમરાપુરીની અંદર અપ્સરાઓ પગચંપી કરી, પવન ઢોળવા તૈયાર ઊભી છે પણ તારો તે શો ઇલાજ! તારા ધામ સામે હું શી રીતે ડગલું દઉં? બોલો, માડી હોંકારો આપો.)

મિનારો ઝૂલવા લાગ્યો. પ્રાર્થનાના સૂર ખેંચાવા લાગ્યાઃ

જાતલનાં અઘ જાય, જાતલ ને જુવાતલ તણાં,

પાણી પણગામાં માંય, થે વૈકુંઠ વણારસી.

(માડી, તું કેટલી પ્રબળ પાપહારિણી! કેટલી સમર્થ તું! તારા ધામમાં આવીને જાત્રા કરી જનારાઓનાં તો પાપ જાય, પણ એ જાત્રાળુઓને જોવા જનારા સુધ્ધાંયે, તારા નીરનું અકે ટીપું પામતાં જ વૈકુંઠ પહોંચી જાય છે, મા, મારી ઓધારણ તું નહિ થા, તો હું કોનું શરણ શોધીશ?)

ધરતીના પથરા ખસવા માંડે છે.

હાથે જળ હિલ્લોળ, માથે લઇ મંજન કરે,

પામે વૈકુંઠ પ્રોળ, ભેટંતા ભાગીરથી.

(માતા, તારાં નીરને હાથથી ઉછાળી મસ્તક પર સ્નાન કરતાં જ વૈકુંઠની પોળમાં વાસ મળે છે. મને પણ તારી એક જ અંજલિ આપી દે. મારો મનુષ્ય-અવતાર સુધારી લઉ.)

આવીને અહત્ર તણો, ઘસે કટકો જો ઘાટ,

(તો) ખેંચે હીંડોળાખાટ, વૈકુંઠ પરિયું વણારસી.

(તારા ઘાટ ઉપર આવીને ચંદનનો એક કટકો ઘસનાર શ્રદ્ધાળુને પણ, ઓ જનની, વૈકુંઠની પરીઓ હીંડોળે ઝુલાવે તેવો તારો પ્રતાપ ગાઉં છું. મને ઉગારવા ધાજે! આજે મારું મૉત બગડે છે)

મસીદના ચોગાનની ચિરાયેલી ધરતીમાંથી છેક પાતાળે પાણી ઝબૂકી ઊઠ્યાં. રાજદેની પ્રાર્થનાના સૂર કાંપવા લાગ્યા.

પ્રાણી દેહ પડે, ગંગાજળ નામે ગળે,

ચટ વૈમાન ચડે, વૈકુંઠ જાય વણારસી.

(રે માતા, તારા નીરમાં નાહનારાંની કે એનેય મળનારાંઓની જ માત્ર સદ્‌ગતિ થાય છે એમ નથી; પણ -)

હેકણ કટકો હાડરો, જો ગંગા ત્રઠ જાય,

(તો) માનવિયાં કુળમાંય, ભૂત ન થે ભાગીરથી.

(એ મા, જીવતાંયે છો ન પહોંચાય; મૃત દેહ પણ ભલે તારા કિનારા પર ન જલાવી શકાય; અરે જેના અંગના હાડકાંનો એક ટુકડો પણ તારા કિનારા; પર પહોંચે તે માનવીના કુળમાંયે કોઇ ભૂત ન સરજે; પરંતુ મારા હાડપિંજરની એક કણીયે ક્યાંથી તારી પાસે પહોંચશે? મારી અનુકંપા લાવીને મને આંહીં જ આવી પાવન કરી જા, મૈયા!)

પાતાળમાંથી પાણી આવે છે. ઊંચે ને ઊંચે ચડતું આવે છે. ઊની વરાળો નીસરે છે. રાજદેનો કંઠ ગળવા લાગે છે.

ઉપર ઊતરિયાં, પંખી તે પાવન થિયાં,

માંહીં મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી.

(રે માતા, તારા નીરમાં નાહનાર, તારું એક બિંદુ પણ પામનાર, કે તારા પંથે પળનાર માનવીની તે શી વાત કરું? હાડકાનો એક ટુકડો પહોંચાડીનેય ભૂતયોનિમાંથી ઊગરી જવાય. એટલેથી પણ તારો મહિમા ક્યાં સમેટાઇ જાય છે? તારા ઉપર થઇને તો આ આભમાં ઊડનારાં પંખીઓ પણ, માત્ર તેઓની છાયા તારા પ્રવાહ પર પડવાથી જ પાવન બની જાય એવો તારા પુણ્યનો પ્રતાપ છે. ને તેમાંથી હું જ બાતલ રહી જઇશ!)

ભાગીરથરે ભાગ્ય, ગરવરસે આઇ ગંગા,

નરલોક, સુરલોક, નાગ, તારેવા ત્રણે ભવન.

(માનવલોક, દેવલોક અને નાગલોકઃ આકાશ પૃથ્વી અને પાતાળઃ એ ત્રણે દુનિયાઓને તારવા તું સ્વર્ગના કોઇ પહાડમાંથી રાજા ભગીરથની બોલાવી ચાલી આવી; અને શું મારાં જ મંદ ભાગ્ય, માડી? હું તો તને પડવા નહિ, ચડવા બોલાવું છું.)

પાસે મન ઊભો પિતા, હર સારીખો હોય,

(પણ) મા વણ મરીએ તોય, તું વેગળીએ વણારસી.

(આજે મૃત્યુકાળે ભલે, ને પ્રભુ જેવો પિતા મારી પાસે આવીને ઊભો હોય પણ તું જો આઘેરી બેઠી હો તો તો જાણે કે જનેતાવિહોણા ઝૂરી ઝૂરીને મરવા જેવી મનમાં વેદના રહી જાશે. માટે હે, માતા,આવો! આવો!)

મોડો આયો માય, તેં ભેગો ઇ જ તારિયો,

પડિયો રેશું પાય, ભાટો થઇ ભાગીરથી.

(ઓ માતા, આજ હું મોડો મોડો તારે શરણે આવું છું. તું તો મોડા આવનારાઓને તત્કાળ તારનારી છો, પણ મને કદાપિ તારીશ નહિ તોયે શું? મને ભલે તારા સ્પર્શ સ્વર્ગ ન મળે. હું તો તારે ચરણે એક નિર્જીવ પથ્થર બનીને પણ સુખેથી પડ્યો રહીશ.)

એ કથાને લગતું એક ચારણી કાવ્ય -

એક સમે વાત મેહમદશાહ આગે અડી,

સરા વેગે ગિયે મેજત માથે ચડી,

બળાક્રમ ગેલવે દિયંતા બાંગડી,

બાળ છાંડે ગિયાં માતરી બીંટડી. (૧)

(એક સમયે મહંમદશાહની પાસે વાત આવી. ચારણ વેગથી મિનારા પર ચડી ગયો. બળવાન કર્મો કરનાર રાજદે ગેલવાએ બાંગ દીધી. ત્યાં તો બાળકોએ માતાનાં સ્તનો છોડી દીધાં.)

તરણ અસ ચરન્તા રિયા જક્કે તકે,

ધકાવે વાછરુ ગાઉં મારે ધકે,

સરેરે રાજડે કરવો સાદ કે,

છત્રાળો પાતશા રિયો ભાળ્યે છકે. (૧)

(અશ્વો તરણાં ચરતા ચરતા જ્યાં હતા ત્યાં જ થંભી રહ્યા. ગાયો પોતાનાં વાછરડાંને ધકેલવા લાગી. રાજદે ચારણે જ્યારે સાદ દીધો ત્યારે છત્રપતિ બાદશાહ પણ છક થઇને જોઇ રહ્યો.)

થિરા ગત કરંતા આભ ઝાંખો થિયો,

લાજ કજ વરણરી દાઢ આગે લિયો,

હજીરા ઉપરથી રાજદે હાલિયો,

પંડ ભૂકા કરી શાહ આગે પિયો. (૩)

(આ દૃશ્ય દેખીને (સૂર્યે) પોતાની ગતિ સ્થિર કરી દીધી. આકાશ ઝાંખું પડ્યું. (રાજદેએ) પોતાના (ચારણ) વર્ણની આબરૂને કાજે પ્રથમ કટાર (દાઢ) પેટમાં લીધી. હજીરા પરથી રાજદે ચાલ્યો અને પોતાના દેહના ચૂરા કરી પોતે પાદશાહની સંમુખ પછડાયો.)

ફાટ મસિતાં અને ગંગજળ ફેલિયો,

કમલ છાંડે પછી સ્નાન લાંગે કિયો,

બાલવો નરોવર અણી પર બોલિયો,

ગઢવિયાં રૂપ એ સરગ માજળ ગિયો. (૪)

(મસીદનો મિનારો ફાડીને ગંગાજળ ફેલાયું, પોતાનું મસ્તક-કમળ છેદીને રાજદે લાંગવદરાએ સ્નાન કર્યું અને આ ગીતને રચનાર ચારણ બાલવો નરો કહે છે કે ગઢવી કોમના નૂર સમાન એ રાજદે સ્વર્ગમાં સંચર્યો.)

(ભાગીરથીના દુહાઓઃ રાજદે ચારણે રચેલા તમામ દુહાઓ તો મળતા નથી, અને વાર્તામાં ટાંકેલા પૈકી પણ અમુક તો અન્ય ચારણોના રચેલા હોવાની આશંકા બતાવાય છે. દુહાઓની જૂની-નવી ભાષા પરથી પર આ સંદેહ દૃઢ થાય છે.)

વાલેરા વાળો

જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડેલીએ જૂનાગઢ શહેરનાં એક મોચીએ આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી.

માખણ જેવા કૂણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતાની તમામ કારીગરી પાથરી દીધેલી.

રાજી થઇને વાલેરા વાળા બોલ્યાઃ “એલા, તેં તો ભારે કસબ કર્યો!”

“બાપુ, તમને નસીબદારને તો આ મોજડિયુંમાં કાંઇ નવી નવાઇ ન હોય.”

“બોલ, શું આપું?”

“બાપુ, છોકરાં છાશ વિના ટળવળે છે. મોજ આવી હોય તો એક ગાયની માગણી કરું છું.”

“ગાય શા સારુ? ભેંસ લઇ જા ને!”

“ના, બાપુ, ગાય બસ છે. ભેંસ ટંટાળ અમારાથી વેંઢારાય નહિ.”

“ઠીક, સાંજરે આપણું ધણ સીમમાંથી આવે ત્યારે તને ગમે તે એક ગાય તારવી લેજે.”

સાંજને ટાણે ડેલીની બહાર રસ્તા ઉપર ગાયોની વાટ જોતો જોતો મોચી ઊભો રહ્યો છે. ગોધૂલિને ટાણે ધણ આવ્યું. મોખરે ગોવાળ ખંભે લાકડી નાખીને ડોલતો ડોલતો ચાલ્યો આવે છે, અને પછવાડે ત્રણસો ગાયો એના ખંભા ઉપર વળૂંભતી આવે છે. ગળે ત્રણ ત્રણ ગાંઠો વડે એવાં લાંબા લાંબા તો ગાયોના કાન ફડફડે છેઃ

કંઠનો કામળો તો ઠેઠ ગોઠણ સાથે ઝપાટા ખાતો આવે છે, પેટની ફાંટ જેટલાં આઉ હિલોળા લ્યે છેઃ ગાયો જાણે આઉને માથે બેસતી આવે છે. ભાદર નદીને ભરચક કાંઠે આખો દિવસ લીલાં ખડ ચરીને મલપતી ચાલે ડગલાં ભરતી આવે છે. વાછરુને માથે વળૂંભતી આવે છે. બાદલપરના ડાબરિયા જેવી માથાવટીઃ

માચિયાં શીંગઃ ધોળો, કાબરો અને ગળકડો રંગઃ પગમાં રૂમઝૂમતાં ઝાંઝરઃ ગોવાળ નામ લઇને સાદ કરે છે કે ‘બાપ શણગાર! બાપો જામલ! બાપો બાપુડી! બાપો નીરડી!’ ત્યાં તો દોડીને ગાયો ગોવાળના ખભા ઉપર માથાં નાખતી આવે છે.

એકીટશે ગાયો સામે નીરખી નીરખીને મોચી જોતો હતો. ગોવાળે કહ્યુંઃ “એલા મોચકા, જોઇ શું રિયો છો? માળા ક્યાંક તારી નજરું પડશે. ગાયું સામે ડોળા શું તાણી રિયો છો?”

મોચીએ જવાબ દીધોઃ “શા સારુ ન જોયેં? કાંઇ મફત નથી જોતા. બાપુને મોજડી પે’રાવી છે, તે આમાંથી મનમાનતી એક ગાય લઇ લેવાનું બાપુને અમને કહ્યું છે. એ જો, આ ગાય આપડી.” એમ કહીને મોચીએ એક ગાય ઉપર હાથ મેલ્યો.

ગોવાળાને વહાલાામાં વહાલી એ ગાય હતી. એ બોલ્યોઃ “હવે હાથ ઉપાડી લે હાથ, મોચકા, અને હાલતો થઇ જા - નીકર અવળા હાથની એક અડબોત ખાઇ બેસીશ. ઇ શણગારનું વોડકું તો આ લીલાછમ માથા સાટે છે, ખબર છે? જોજો, મારું બેટું મોચકું શણગારના દૂધ ખાવા આવ્યું છે!”

“બાપુ કહેશે તોય નહિ દે?”

“હવે બાપુને તો બીજો ધંધો જ નથી. બાપુ બચારો ગાયુંની વાતમાં શું સમજતો’તો”

બેય જણા વઢવાડ કરતા કરતા ચાલ્યા આવે છે. દરબાર ડેલીમાં બેઠા હતાં ત્યાં બેય પહોંચ્યા. દરબારે પૂછ્યુંઃ “શું છે?”

ભરવાડ કહેઃ “બાપુ, તમારે ગાય દેતી હોય તો બીજી ગમે તે દેજો. આ શણગારનું વોડકું તો નહિ દેવાય.”

મોચી કહેઃ “બાપુ, લઉં તો ઇ જ લઉં.”

દરબાર કહેઃ “ભાઇ ગોકળી. આપી દે. મેં જીભ કચરી નાખી છે. હવે કાંઇ મારાથી ફરાય?”

ગોવાળ કહેઃ “એ ના ના, બાપુ! નહિ મળે.”

દરબાર ગુસ્સાથી બોલ્યાઃ “આપી દે ભૂત! પંચાત નથી કરવી.”

“એમ? તો આ લ્યો આ તમારી ચાકરી ને આ તમારી લાકડી.” લાકડી ફગાવી દઇને ગોવાળ ઘેર ચાલ્યો. મોચીને ગાય મળી ગઇ.

રાત પડી. ગાયોને દોવે કોણ?

એ તો દરબારી ગાયો. ગોવાળે લાડ લડાવેલી ગાયો. બીજા કોઇને આઉમાં હાથ નાખવા દે નહિ. રાત માંડ માંડ ગઇ અને મોટે ભળકડેથી તો ગાયોનાં આઉ ફાટ ફાટ થવા લાગ્યાં. દરબારે ગોવાળને તેડવા માણસ મોકલ્યો. ગોવાળ કહે છે કે “’નહિ આવીએ, નહિ; ઇ તો લાકડી અને ચાકરી હાર્યે જ ફગાવીને હાલ્યા આવ્યા છૈયે!”

દરબારે મકરાણીને મોકલ્યો. કહ્યું કે “ન માને તો જોરાવરીથી લાવજે.” મકરાણીએ જઇને સીધેસીધો જમૈયો જ ખેંચ્યો.

“એમ જબરાઇએ લઇ જા તો તો આવશું જ ને!” એમ બોલી ગોવાળ ડાહ્યોડમરો બનીને ચાલતો થયો. દરબારની સામે આવીને આડું જોઇને ઊભો રહ્યો.

“ભાઇ, ભલો થઇને ગાયું તો દોઇ લે.”

“ઓલ્યા મોચકાને ગાવડી દીધી છે ઇ પાછી આવે ત્યારે જ આંચળને અડવાનો.”

“અરે ગાંડા, દીધેલા દાન પાછાં લેવાય? અને મારું વેણ જાય?”

“ત્યારે શું અમારું વેણ જાય?”

“તારું વેણ ન જાય એમ ને? એલા કોઇ છે કે દોડો બજારે, એક લીલા લૂગડાનો તાકો લઇ આવો.”

દરબારે ગુસ્સામાં ને ગુસ્સામાં લીલા લૂગડાનો કોરો તાકો શા માટે મંગાવ્યો? ગોવાળને શી સજા કરવાના હશે?

તાકો આવ્યો. દરબાર બોલ્યાઃ “આમાંથી સવા સવા ગજના કટકા ફાડવા મંડો.”

દિગ્મૂઢ બનેલા નોકરો કરવા મંડ્યા.

“બોલાવો ગામના બામણોને.”

બ્રાહ્મણો આવ્યા. માણસો વિચારે છે કે દરબાર આ શું નાટક કરા મંડ્યા!

“આ અક્કેક ગાયને શીંગડે અક્કેક કટકો બાંધી બાંધીને બામણોને દેવા માંડો.”

નોકરોએ માન્યું કે દરબાર હાંસી કરે છે. આંખો ફાડીને દરબાર બોલ્યાઃ “આપવા મંડો જલદી! ત્રણસોમાંથી એક પણ રાખે ઇ હોકા બસિયાના પેટનો.”

ગાયો તો ગોવાળના ખંભા ઉપર વળૂંભતી, એના હાથ પગ ચાટતી, પોતાનાં માથાં એના શરીર સાથે ઘસીનેને ખજવાળતી, ભાંભરતી ભાંભરતી ઘેરો વળીને ઊભી હતી. એક પછી એક ગાયને શીંગડે લીલું વસ્ત્ર બાંધીને દરબાર દાન કરવા મંડ્યા. સ્વસ્તિ! સ્વસ્તિ! કહીને લાલચુડા બ્રાહ્મણો ગાયો લઇને રવાના થવા મંડ્યા; એમ જ્યાં પોતાની પાંચ વહાલી ગાયોને ભરવાડે જતી જોઇ ત્યાં તો એની મમતાના તાર ખેંચાવા લાગ્યા.

“એ બાપુ! તમારા ગૌ!” એવી ધા નાખીને ગોવાળ વાલેરા વાળાના પગમાં પડી ગયો.

“ગાયું દોવા મંડછ કે નહિ!” દરબાર તાડૂક્યા.

“દોઇ લઉં!”

“કોઇ દી રિસાઇશ?”

“કોઇ દી નહિ!”

ગાયોનું દાન એટલેથી જ અટકી ગયું. ગોવાળે ગાયો દોહી લીધી.

આંબુમિયાં અને જાંબુમિયાં નામના બે ચાબુકસવારો રાજકોટના ગોરા લાંગ સાહેબ ઉપર વડોદરા મહારાજ ખુદ ખંડેરાવની ચિઠ્ઠી લઇને હાજર થયા છે. ચિઠ્ઠીમાં મહારાજ લખે છે કે “મોંએ માંગો તેટલા દામ ચૂકવું. મને વાલેરા વાળાનો મારુયો અપાવો.”

મારુયો ઘોડો આપા વાલેરાનો. પેટના દીકરાથી પણ વધુ વહાલો ઘોડો હતો. મારુયો તો આપાના કલેજાનો કટકો હતો. મારુયો સરજીને સરજનહારે ઘોડાં બનાવવાની બધીયે માટી વાપરી નાખી હતી. ફક્ત મારુયાને ફેરવવા બદલ જ વાલેરા વાળાએ ફતેહઅલ્લી નામના ચાબુકસવારને એક હાથી અને પાંચ હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા છે.

અને કોટાના મહારાજાના ઝરૂખા પર ઘોડાં ઠેકાવીને મહારાજના હાથમાંથી રૂમાલ લેવરાવનાર ઉસ્તાદ ચારણ ભૂરા જેહળના હાથમાં મારુયાને સોંપીને દરબારે મારુયાની રજેરજ એબ વિણાવી કાઢી છે. એવા નટવર રૂપ મારુયા ઉપર આજ વડોદરાના ખાવિંદની આંખો ઠરી છે.

સનાળી અને દેરડી સીમાડા કાઢવા માટે લાંગ સાહેબે સનાળીને પાદર તંબૂ તાણ્યા. આંબુમિયાં જાંબુમિયાં મારુયાનાં મૂલ મૂલવવા સનાળીમાં મહેમાન થયા. જેતપુરથી મારુયો લઇને વાલેરા વાળાએ પણ સનાળીમાં ઉતારો કર્યો.

સમીસાંજરે ગામને પાદરે નાટારંભ મંડાયો. કાયાના કટકે કટકા કરીને મારુયાએ પોતાને નાચ દેખાડ્યો. જાણે કોઇ નટવો દોર ઉપર ચડીને અંગના ઇલમો બતાવી રહ્યો છે.

વાલેરા વાળાએ મારુયો પાછો વાળ્યો. રમાડતા રમાડતા દાયરાના થડોથડ લઇને આવ્યા. બરાબર લાંગ સાહેબની ખુરશીની અડોઅડ લીધો. પછી ગરદન થાબડી અસવારે મંત્ર ફૂંક્યાઃ “બેટા! મારુયા! સાહેબને સલામ કરી લે.”

મારુયો બે પગે ઊભો થઇ ગયો. મોયલા બે પગ સાહેબની ખુરશીના બે હાથા પર માંડી દીધા.

“શાબાશ મારુયા! શાબાશ મારુયા!” કહીને લાંગ પોતાને રૂમાલ મારુયાના મોં ઉપર ફેરવવા મંડ્યો. આંબુ-જાંબુ અંજાઇ ગયા.

“વાલેરા વાળા, પાંત્રીસ હજાર રૂપિયા ગણી લ્યો. ખંડેરાવ મહારાજનું વેણ રાખો.” લાંગ સાહેબ, રાણિંગ વાળા અને આખા દાયરાના માણસો કહેવા લાગ્યા કે “બસ, આપા વાલેરા વાળા, હવે દઇ દ્યો. હઠ કરો મા. આથી વધુ તો ઊપજી રહ્યું.”

“એ ભાઇ,” વાલેરા વાળા બોલ્યાઃ “મારુયાને માથે મહારાજ ખંડેરાવ તો નહિ બેસે.”

“ત્યારે કોણ બેસશે?” લાંગે ચાંદૂડિયાં પાડીને પૂછ્યું.

“કોણ બેસશે? કાં હું, કાં આ મારો બાડિયો ચારણ.”

પોતાની પાસે બેઠેલા સનાળીના ચારણ ખોડાભાઇ નીલા સામે આંગળી ચીંધાડીને આપો વાલેરા બોલ્યો.

“હાં! હાં! હાં! આપા વાલેરા.” માણસોએ બોલતા અટકાવ્યા.

“ત્યારે કાંઇ મારુયાના મૂલ હોય? પેટનો દીકરો વેચાય નહિ. ઊલટ આવે તો હેતુ-મિત્રને ચડવા આપી દઇએ.”

“ખોડા ગઢવી! શંકર તમને મારુયો આપે છે.” એમ કહી, જરિયાની સામાનમાં સજાવેલ મારુયો હાજર કર્યો. લવિંગ જેવડી કાનસૂરી રહી ગઇ છે. કપાળમાં માણેકલટ ઝપાટા ખાય છે. ધતૂરાનાં ફૂલ જેવાં નાખોરાં શોભે છે. ધનુષની કમાન જેવી મારુયાની સાંકળ (ડોક) વળી રહી છે, અને ખોડા ગઢવી મારુયાની તારીફનું સપાખરું ગીત રચી લાવેલ છે, એ પોતે બોલવા લાગ્યાઃ

સારા સોનમેં બનાયા સાજ ઝોપૈયા મારુયા સરે, ૧

તણી વેળા ઓપે ઘોડા સારા સપતાસ,

હાકાબાકા હુવા કૈંક જોવા મળ્યા દેસ હાલી,

અડાબીડ મૂળુ તણા પૂરી કે ન આસ. (૧)

પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી પાગા,

આગા જાવે નહિ ભાગા મૃગાણા હીં આજ,

તોકતા ગેણાગા તરી ૨ બાગા હાથ જાય ત્યાં તો,

રિઝા રાગા વ્રવે નાજાહરા અભેરાજ. (૨)

રૂમ્મા ઝુમ્મા ઠમ્મા ઠમ્મા તરી ખેળા ૩ જેમ રમે,

તળપ્પા ૪ ગઢાંકે માથેં જાણ્ય છૂંટા તીર,

ચાસરા ઉરહીં ચોડા કાનસૂરી જરા સોહે,

સમંપે ૫ એરસા ૬ ઘોડા વાલેરા સધીર. (૩)

કાઢાં બીચ કોઇ દોરી કાનસૂરી ભ્રમ્મકોરી,

કોઇ દોઇ બજારાં મેં ચડી જે કતાર,

ગત બેટી મુંગલારી ગોખડામાં જોવે ગોરી,

શીખીઓ લંગોરી ફાળ જે’જાદો સવાર. (૪)

મુખડામાં પ્રેમ દેતી ઠમંકતી પ્રોતી ૧ મોતી,

રંગેરંગ કાઢે ગોતી જોતી સભા રાજ,

હૈયાકી ઉગાડી દોતી ૨ બડા કામ કિયા હિન્દુ,

નાચતા નટવા દિયા કવંદાંકું ૩ નાજ. (૫)

ન્રખો ૪ આંખ મેંડકારી ઘૂંઘટારી જોવે નારી,

નાચે ગતિ કેરબારી ૫ ફૂલધારી નાચ,

ઉર ચોડો ઢાલ કારી નારી વેણે પૂછીએ તો,

રમે ગપી રાઘવારી કાળંધ્રીકો ૬ રાસ. (૬)

દેખો પલ્લે લાંબી શેરી ફલ વેરી નાંખે ડાબા,

હેરી હેરી જોવે તિયા કાંધ ફેરી હાલ,

અનેરી અનેરી વાહ ઘોડાં ગતિ તેરી આજ,

સોનેરી સમાપે તરી બિયા વેરીસાલ. ૭ (૭)

ગજ એક ચોસરાળો મૂઠીઆરો ટૂંકો ગાળો,

ભાળ્યો કેસવાળી લટા જટાતો ભભૂત,

વાજાપે રમંતો ખેળો ત્રંગોડા બાજોઠવાળો, ૮

પસાં ૯ કર કવ્યાં ઢાળો પટારો સપૂત. (૮)

આઠ પો’ર તગડી લે ભરી ભરી ઘડી આગા,

સેસનાગા કાંપે ડાબા લાગાપેં નિસાસ,

રહે ૧૦ બાંધ્યા કાચા ત્રાગા લગામાં મર્જાદા રાખે,

તીર નાખે કબાણિયા વેગે સપતાસ. (૯)

નાખો વેચી, કર્જે કાપે, દીકરાને બાપ નાપે, ૧૧

તાકે કોટે જમીં માપે છૂટ્યા જાણે તીર,

વાજે ધ્રોડે નકે ધ્રાપે છાંયાથી ડરાપે ૧૨ વળી,

આપે પ્રથીનાથ એવા ભાદ્રોડા ૧૩ અમીર. (૧૦)

બાપ ધીમો આજ તું ના દેતો ત્રાપા ભાઇ બાપા,

પનંગજો ચાંપે તીન ભાલાં જમીં પીઠ,

મટે વીમો કર્મહુંકો વેચિયો વેપાર માથે,

તાકવાંને માથે દાને ભલી આણી ત્રીઠ. (૧૧)

પાંત્રીસે હજારે નાણે મારુયા મંગાયા પૂરા,

દિયા વાળે દાન કોડી લિયા નહિ દામ,

ગંગા ઘાટ સુધી તારી કીરતિકા ડંકા વાગા,

જગાં ચાર વાતાં રહી જેતાણાકા જામ. (૧૨)

રાખે લોભ ઉદેપરા, જોધપરા લોભ રાખે,

ચડેવાકું લોભ રાખે દલ્લી પતશાવ,

રાખે લોભ જડેસરા, પ્રેમેસરા લોભ રાખે,

નાથ વાલગાકે હાથે નાખણા અથાવ. (૧૩)

ખોડા નીલા તણી ભીડ કાઢી ઘડીમાં ખેધું,

પાળ્યાં વેણ કિયા પચા લાખરા પવંગ,

નાજાહરા રાખ્યા નામ મૂછાં સરે હાથ નાખી,

રાજા વાલગેશ થાને ઘણા ઘણા રંગ. (૧૪)

ચારણના એક હાથમાં મારુયાની લગામ અને બીજા હાથમાં માળા છે. મુખમાંથી ઘોડાની તારીફની ધારા વહેતી થઇ છે.

ચારણના લલકારને ચરણે ચરણે, મારુયાના નોખા નોખા આકારો - કનૈયા સ્વરૂ, જટાળા જોગીનું રૂપ, મોગલ શાહજાદીના આશક કોઇ શાહજાદાની પ્રતિમા, નટવાનાં નૃત્ય - એવા આકારો ઊઠવા લાગ્યા છે.

એ વખતે એક આયર ત્યાં ઊભો હતો. એણે પોતાની એંસી ભેંસો ખોડાભાઇ ગઢવીને બક્ષિસ કરી. ખોડાભાઇએ એમાંથી બે ભેંસો રાખીને બાકીની દરબારી નોકરોને વહેંચી દીધી. મારુયાના સુવર્ણ-જડિત સામાનમાંથી પણ થોડા બક્ષિસ આપી દીધો. વાલેરા વાળા કહેઃ “અરે, ખોડાભાઇ, આવી કીમતી ચીજ કાં આપી?”

ખોડાભાઇએ જવાબ દીધોઃ “ત્યોર હું શું એટલુંયે ન આપું?”

પાંચાળ તરફની એક વૃદ્ધ ચારણી વાલેરા વાળાનાં વહુની પાસે વરસોવરસ આવતી-જતી. એક વખત એ આવી. રાત રહી. બાઇએ એને કોરી શીખમાં આપી. કોરી સાડલાને છેડે બાંધી ચારણી સૂતી. બાઇની પથારીની પડખે જ એની પથારી હતી. ઉનાળો હોવાથી પથારીઓ ઓસરીમાં પાથરેલી. ચારણીએ કહેલું કે “મા, સવારે હું ભળકડામાં જ ચાલીશ.”

સવાર પડ્યું એટલે ચારણી તો વહેલી વહેલી રસ્તે પડી. જ્યાં દેરડી ગામ સુધી પહોંચી ત્યાં તો વાંસે ઘોડાના ડાબલા ગાજ્યા. પાછું વાળીને જુએ તો જેતપુરના અસવારો! અસવારોએ આવીને પાધરું જ કહ્યું કે “આઇનું કાપડું અને ઝૂમણું લઇને ભાગી જાતી’તી કે રાંડ? કાઢી દે કાપડું ને ઝૂમણું.”

“અરે, ભાઇ! તમે આ શું બોલો છો? મને ખબર પણ નથી. આ એક કોરી માએ દીધેલી તે છેડે બાંધતી આવી છું. બાકી કાપડું કેવું? ઝૂમણું કેવું?”

“એમ? શાવકારની દીકરી થાવા જા’છ?”

“અરે, બાપુ, તમે કહો તો હું વાંસો વાળીને આ સાડલો વીંટી મારી જીમીયે કાઢી બતાવું. મારી પાસે કાંઇ નથી. હું ચારણી ઊઠીને ચોરી કરું?”

“રાંડ એમ નહિ માને. લઇ હાલો જેતપુર.”

ડોસીને જેતપુર તેડી ગયા. ડેલીમાં વાલેરા વાળો ને જગા વાળો બેય ભાઇ બેઠેલા. ચારણી હાથ જોડીને કરગરવા લાગી કે “બાપુ! જોગમાયાના સમ. મને કાંઇ ખબર નથી.”

ઘરમાંથી બાઇએ કહેવરાવ્યું કે “મારા પડખે એ ડોશી જ સૂતેલી. બીજું કોઇ નથી આવ્યું. એ જ ચોર છે. સાચી હોય તો કકડતા તેલમાં હાથ બોળે.”

“ના રે, બાપુ! કળજુગમાં એવું ક્યાં રહ્યું છે કે સાચાના હાથ ન બળે? એ બાપ! મને રાંકને શીદ સંતાપો છો? મારે મારું સાચ એવી રીતે ક્યાં બતાવવું છે?”

દરબારના માણસોએ આગ ઉપર તેલની કડા મૂકી. ધ્રફ! ધ્રફ! ધ્રફ! તેલ કકડ્યુંં. ફૂલ પડવા માંડ્યા. માણસોએ ડોસીને જબરદસ્તીથી ઘસડીને એનાં કાંડાં ઝાલીને તેલમાં જબોળ્યાં કાંડાં કડકડી ઊઠ્યાં. સડ, સડ, સડ ચામડી ફાટી ગઇ.

“બસ, હવે ખમી જાઓ.” ડોસીે કહ્યું.

એમ ને એમ એણે હાથ રાખી મૂક્યા. કાંડાંનું માંસ બધુંય નીકળી પડ્યું. ડોસીના મોં ઉપર કાળી બળતરાનો રંગ છવાઇ ગયો, તોયે તેણે સિસકારો ન કર્યો. લોચો વળી ગયેલા હાથ એણે બહાર કાઢ્યા. એવે હાથે એણે સાડલાને છેડે ગાંઠ વાળેલી તે છોડી. અંદરથી આગલે દિવસે દરબારની રાણીએ દીધેલી તે કોરી નીકળી. કોરી લઇને દરબારોની સામે ઘા કરી દીધો.

પલકમાં જ એક ભેંસ ત્યાં આવીને ઊભી રહી. ભેંસે પોદળો કર્યો. લોકે બૂમ પાડી, કે “અરે, આ પોદળામાં લૂગડું શેનું?” લઇને જુએ છે ત્યાં માનું જ કાપડું અને કાપડાની કસે ઝૂમણું બાંધેલું!

ઓસરીમાંથી ભેંસ કાપડું ચાવી ગયેલી.

“અરર!” લોકોના મોંમાંથી અરેરાટી નીકળી ગઇ. દરબારો દોડીને ચારણીના પગમાં પડ્યા. “આઇ, માફ કરો. અમે તમારે માથે બહુ કરી.”

“ભાઇ! હું મારી જીભે તો તમને કાંઇ નથી કહેતી, કહેવાનીયે નથી. પણ મારી આંતરડી બહુ કકળે છે, બાપા!”

ચારણી તો ચાલી ગઇ, મરી ગઇ હશે. પણ ત્યાર પછી છ જ મહિનામાં બેય ભાઇ નિર્વંશ મરી ગયા. લોકો બોલે છે કે ‘ગરીબની ધા લાગી ગઇ!’

ચોટલાવાળી

વાતને આજ સત્તાવીશ વરસ થઇ ગયાં. સંવત ૧૯૫૫ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલો. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરીઃ

આપા, થોડી મહિના અગાઉ હું નાગનેશ ઉઘરાણીએ ગયેલો. સાંજ પડ્યે ઉઘરાણીના રૂપિયા વીસ મારા ખિસ્સામાં નાખીને મેં પાછા વળવાનું પરિયાણ કર્યું. ચોરે બેઠેલ ચૂંવાળિયા કોળીઓએ રૂપિયા વીસ મારા ખિસ્સામાં પડતાં જોયા.

હું બહાર નીકળ્યો. મેં પગ ઉપાડ્યા. મંડ્યો ઝટ ભાગવા. એમાં વાંસેથી હાકલા પડ્યાઃ “ઊભો રે’! ઊભો રે’!”

ભાઇ, મેં પછવાડે જોયું. ચૂંવાલિયાને દેખ્યા. મારા પ્રાણ ઊડી ગયા. હું ભાગ્યો. મારે મોઢે લોટ ઊડતો આવે, શ્વાસનો ગોટો વલતો આવે, પાઘડીના આંટા ગળામાં પડતા આવે, અને બે હાથ કાછડી ઝાલીને હું ભાગતો આવું છું; વાંસેથી “ઊભો રે’! એસા, ઊભો રે’!” એવા દેકારા થાતા આવે. દેકારા સાંભળતાં જ મારા ગૂડા ભાંગી પડ્યા.

સામે જોઉ ત્યાં નદીને કાંઠે ઢૂકડું એવું વેલડું છૂટેલું. કોઇક આદમી હશે! હું દોડ્યો. પાસે પહોંચું ત્યાં તો બીજું કોઇ નહિ! એક રજપૂતાણીઃ ભરપૂર જુવાનીઃ એકલીઃ કૂંપામાંથી ધૂપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી ઓળે.

ભફ દેતો હું એ જોગમાયાને પગે પડી ગયો. મારા કોઠામાં શ્વાસ સમાતો નહોતો.

“એલા, પણ છે શું?” બાઇએ પૂછ્યું.

“માવડી, મને ચૂંવાળિયા લૂંટે છે, તમનેય હમણે...”

મારો સાદ ફાટી ગયો. બાઇના ડિલ માથે સૂંડલો એક સોનુંઃ વેલડામાં લૂગડાં-લત્તાની પેટી. આજુબાજુ ઉજ્જડ વગડો. કાળા માથાનું માનવી ક્યાંય ન દેખાય. આમાં બાઇની શી વલે થાશે? મારો પ્રાણ ફફડી ઊઠ્યો.

“કોણ? બાપડા ચૂંવાળિયા લૂંટે છે?” મોં મલકાવીને બાઇ પૂછ્યો.

“માતાજી! આ હાલ્યા આવે!” ચૂંવાળિયા દેખાણા. પંદર લાકડિયાળા જુવાન.

આપાઓ! નજરોનજર નીરખ્યું છે. અંબોડો વાળીને રજપૂતાણી ઊભી થઇ. વેલડાના હેઠલા ઝાંતરમાંથી એક કાટેલી તરવાર કાઢી. હાથમાં તરવાર લઇને ઊભી રહી છે. અને ચૂંવાળિયા ઢૂકડા આવ્યા ત્યાં તો એણે ત્રાડ મારીઃ “હાલ્યા આવો, જેની જણનારીએ સવા શેર સૂંઠ્ય ખાધી હોય ઇ હાલ્યા આવો.”

ચૂંવાળિયા થંભી ગયા. સહુ વીલે મોઢે એકએકની સામે જોવા મંડ્યા. લોચા વળતી જીભે એક જણે જવાબ દીધોઃ “પણ અમારે તો આ નદીમાં પાણી પીવું છે. વાણિયો તો અમથો અમથો ભેમાં ભાગે છે.”

“પી લ્યો પાણી!” રાજેશ્વરીની રીતે બાઇએ આજ્ઞા દીધી.

ચૂંવાળિયા પાણી પીને ચાલ્યા ગયા. પાછું વાળીને મીટ માંડવાનીયે કોઇની છાતી ન ચાલી. દેખાતા બંધ થયા એટલે બાઇએ કાટેલી તરવાર પાછી ગાડાના ઝાંતરમાં મેલી દીધી.

“બહેન” મેં કહ્યુંઃ “મારી સાથે રાણપુર હાલો. એક રાત રહીને મારું ઘર પાવન કરો.”

“ના, બાપ; મેંથી અવાય નહિ. હું મારે સાસરે જાઉં છું.”

ખિસ્સામાંથી આઠ રૂપિયા કાઢીને હું બોલ્યોઃ “બહેન, આ ગરીબ ભાઇનું કાપડું!”

“મારે ખપે નહિ!”

એણે ગાડાખેડુને જગાડ્યો. વેલડામાં બેસીને એ ચાલી નીકળી.

કચ્છની એ દીકરી, અડવાળ ગામ પરણાવેલીઃ એટલું જ મને યાદ રહ્યું છે. નામઠામ ભુલાણાં છે. પણ એ ચોટલાવાળીનું મોઢું તો નિરંતર મારી નજરે જ તરે છે.

વોળાવિયા

બોટાદ શહેરના શેઠ ‘ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઇ ગયાનું કહેવાય છે.

હકીકત આમ હતીઃ ભગા દોશી નહાવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે ચાર ચાર ઊંડા વાટા પડે. નાહતાં નાહતાં જેમ ફાંદ્યમાં હાથ ફેરવીને વાટ માંયલો મેલ ધોવા ગયા, તેમ તો ્‌આંગળીમાંથી સોનાનો ફેરવો ખેંચાઇને વાટામાં સલવાઇ રહ્યો. ચોગરદમ જુએ, પણ ફેરવો ક્યાંથી હાથ આવે?

નાહીને ઊભા થયા એટલે ટપ દેતો ફેરવો ફાંદ્યમાંથી સરી પડ્યો. એ વાતે ભગા દોશીને મલકમાં મશહૂર બનાવ્યા. આજ પણ ઓળખાણ દેવાય છે, કે ‘ઓલ્યા ભગા દોશી, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઇ ગયો’તો!’

આ ભગા દોશી સ્વામીનારાયણ પંથના હતા. એક વાર એણે વડતાલની જાત્રા આદરી. બોટાદથી ગાડું જોડાયું. સાથે ચાર વોળાવિયા લીધા. એક નાથો ખાચર. એનો ભાઇ કાળો ખાચર ને બીજા બે કાઠી જુવાનો - ભત્રીજો શાદૂળ ખાચર અને ભાણેજ માલો.

બપોર થયા ત્યાં બાવળા રઝોડાનું પાદર આવ્યું. તળાવ ભરેલું દીઠું. આપો કાળો અને આપો નાથો સ્વામીનારાયણના સેવક હતા, એટલે અમને સ્નાના કરવાનું મન થઇ આવ્યું.

“ભગા દોશી! ગાડા હાલવા દ્યો. ત્યાં હમણે અમે ઊભાં ઊભાં એક ખંખોળિયું ખાઇને તમને આંબી લઇએ છીએ. વાર નહિ લાગે.”

“બહુ સારું” કહીને શેઠે ગાડું વહેતુંં રાખ્યું. અને આંહીં ચારેય કાઠીઓએ ઘોડાને કાંઠે ઉભાડીને સ્નાન કર્યું. કાળા ખાચરે અને નાથા ખાચરે બબ્બે માળાઓ ફેરવી.

આંહીં ગાડાની શી ગતિ થઇ? બરાબર બાવળાની કાંટ્યમાં ભગા શેઠ દાખલ થયાં ત્યાં કોળી ઠાકરડાનું જૂથ ભેટ્યું. સૂરજ મહારાજ ન કળાય એવી ગીચ ઝાડીઃહથિયારબંધ પચીસ કોળીઓઃ અને અડખે પડખે ઉજ્જડ વગડો.

ભગા દોશીને ઘેર ભગવાનની મહેર હતી. માયામાં મણા નહોતી અને વડતાલની પહેલી-છેલ્લી વારની યાત્રાઃ એટલે મંદિરમાં પધારાવવાનું ઘરેણુંગાંઠું પણ સારી પેઠે ભેળું બાંધેલું.

એ બધુંય લૂંટી, ખડિયા ભરી, ઠાકરડાઓનું જૂથ ચાલ્યું ગયું.

ત્યાં તો ચારેય કાઠીઓ દેખાયા. ભગા શેઠે મુનીમને ચેતાવી દીધો કે “ખબરદાર હો, હવે કાંઇ વાત કહેવાની નથી. થાવી હતી તે થઇ ગઇ.”

ભગા દોશીએ તો પોતાના મોં ઉપર કંઇ કળાવા ન દીધું, પણ મુનીમની આંખમાં આંસુ આવી ગયાં.

“એલા, કેમ મોઢું પડી ગયું છે?” વહેમ ખાઇને નાથા ખાચરે પૂછ્યું.

“કાંઇ નહિ, આપા!” ભગા દોશીએ કાઠીને ફોસલાવ્યો.

“અરે કાંઇ નહિ શું, શેઠ? આ તમારા મોઢા ઉપર છાંટોય લોહી નથી રહ્યું. એલા, ગાડાખેડું, તુંય મૂંંગો કાં મરી રિયો છે?”

ગાડાખેડુએ વાત કરી.

“હે કાળમુકા! અટાણ સુધી શીદ જીભના લોચા વાળ્યા? અમારું મૉત કરાવ્યું. ભેગા શેઠ! હવે તો મોંમાંથી ફાટો કે એ દીકરા કેણી કોર ઊતર્યા?”

“આપા, ઉગમણા ઊતરી ગયા છે, પણ હવે એ વાતનો બંધ વાળો. એ જાડા જણ, અને છેટું પણ હવે પડી ગયું છે.”

“અરે, રામ રામ ભજો, શેઠ! બંધ શું વાળે?” એટલું બોલીને કાળા ખાચરે પોતાની અગર નામની ઘોડીની ઉગમણી મરડી. પછવાડે તાજણ ઉપર નાથો ખાચર અને બે કાઠીઓ ઉગમણા ફાફળમાં ઊતરી ગયા. સામે જુએ, ત્યાં દાગીનાના ખડિયા ભરીને કોળી ઠાકરડા ઉપર ચાલ્યા જાય છે.

કાઠીઓએ તરવારો ખેંચી. પચીસ ઠાકરડા ઉપર ત્રણ ખાંડાંની તો રમઝટ બોલવા માંડી. માત્ર નાથા ખાચરનું શરીર ભારે, એટલે ઘોડીના કાઠામાં કમર ભીંસાઇ ગઇ છે; તરવાની મૂઠને રૂપાના વાળાની સાંકળી ગૂંથેલી કોંટી બાંધેલી. ઝોંટ મારે પણ કોંટી તૂટતી નથી, તરવાર નીકળતી નથી. શરીર કાઠામાં ભીંસાણું છે, એટલે કોંટી છોડાય તેમ નથી.

પણ ત્રણ કાઠીઓએ કામ પતાવી દીધું. ખડિયા પછાડીને ઠાકરડા ભાગ્યા. પૂરેપૂરો માલ પાછો લઇને કાઠીઓ પાછા ગાડા ભેળા ગયા. ત્રણ ગાઉ ગયા ત્યારે ખબર પડી કે અગરના તરિંગમાં તો બરછી ખૂંતી ગઇ છે, અને લોહી ઊડતું આવે છે તોય આછો ડાબો પડવા દેતી નથી!

એ જ કાળા ખાચરને એક વાર બુઢાપો આવ્યો. પોતે લોયા ગામમાં રહે છે.

એમાં ધ્રાંગધ્રા તાબે ધોળિયા ગામનું ધાડું લોયાને માથે ત્રાટક્યું. સાથે ભારાડી કોળી આંબલો પણ છે. આંબલો બોલ્યોઃ “ભાઇ, બીજાની તો ભે નથી, પણ ઇ કાળો ખાચર કાળ જેવો લાગે છે. સાવજને પીંજરમાં પૂર્યા વગર ફાવશું નહિ.”

લૂંટારાઓએ સહુથી પ્રથમ કાળા ખાચરના ખોરડા ઉપર જઇને બહારથી સાંકળ ચડાવી દીધી અને પછી મંડ્યા ગામને ધબેડવા. ગામમાં તો કંઇક બાયલા ભર્યા હતા.

“એ મુંસે લઉ જાવ! એ કોઇ બારણો ઉઘાડો! માળો મૉત બગાડો મા! ઉઘાડો! ઉઘાડો! ઉઘાડો!”

એમ બોલતો, લૂંટારાના દેકારા સાંભળી સાંભળીને બારણાની સાથે ંમાથું પછાડતો એંસી વરસનો આપો કાળો અધમુઓ થઇ ગયો. પછી એ ઝાઝું જીવ્યો નહિ.

ખોળામાં ખાંભી

રાંડીરાંડ રજપૂતાણીને સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ.

“બાપુ!” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. “બાપુ, આજ અમારે બેઠાની ડાળ્ય ભાંગે છે; અને, દરબાર, આ મારો અભલો કોક ટાણે પાણીનો કળશિયો લઇને ઊભો રહેશે, હો!”

દરબારને અનુકંપા આવી. ગામને દખણાદે પડખે કંટાળુંમાં અભલાને જમીનનો અકે કટકો આપ્યો. એક ખભે તરવાર અને બીજે ખભે પાણીની ભંભલીઃ એમ જુવાન અભલો હંમેશાં સાંતી હાંકે છે.

એક દિવસ ચૂડા ઉપર ઉપર ધીંગાણાની વાદળી ચડી. પાળિયાદથી સોમલો ખાચર ચડ્યા છે. સામે દરબાર રાયસંગજીની ગિસ્ત મંડાઇ. વેળાવદર, કુંડલા અને ચૂડા વચ્ચે બગતળાની પાટીમાં ધીંગાણું મંડાણું. સાંતીડું હાંકતા હાંકતાં અભલે તરઘાયો સાંભળ્યો. સાંભળતાં જ એણે ગડગડતી દોટ મેલી. મોખરે રાયસંગજીનું કટક દોડે છે, અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગ જાય છે.

ચૂડા અને ધીંગાણાની વચ્ચે માર્ગે નાની વેણ્ય આવે છે. રાયસંગજી વેણ્યને બરોબર વળોટી ગયા તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઊભાં ઊભાં કાઠીનાં ઘોડાં ખોંખારી રહ્યાં છે.

“બાપુ!” અભે બૂમ પાડીઃ “બાપુ, થોડીક વાર વેણ્યમાં ઊભા રહો અને મારું ધીંગાણું જોઇ લ્યો.”

“અભા, બેટા વેણ્ય તો રાશવા વાંસે રહી ગઇ. હવે હું પાછાં ડગલાં શી રીતે દઉં? મારું મૉત બગડે, દીકરા!”

“બહુ સારું, બાપ, તો મારે તમારા ખોળામાં મરવું છે.”

એટલું બોલીને અભો રાયસંગને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા. રજપૂતો થોડા હતા. રાયસંગજી ને અભો બેઉ ઘામાં વેતરાઇ ગયા.

મરતો મરતો અભો ઊઠ્યો. પૂંઠ ઘસતો ભંભલી લઇને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો નહોતો. દરબારના મોંમાં અંજલિ આપીને અભે યાદ દીધુંઃ “બાપુ, આ પાણી; માનું વેણ...”

“અભલા! બેટા! તારી ખાંભી મારા ખોળામાં...” રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા.

બેઉના પ્રાણ છૂટી ગયા.

આજ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે બે જુદી જુદી ખાંભીઓ ઊભી છે. એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની અને પાછળ રાયસંગની. આજ પણ ‘અભલાની ખાંભી દરબારના ખોળામાં’ એમ બોલાય છે.

માણસિયો વાળો

સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થરો વચ્ચે થઇને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા દેહ જેવો દેખાય છે. એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ બાદરની સાથે વિવાહ કરવાનાં વ્રત લીધાં હતાં.

એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરનો માણસિયો વાળો સમળાઓની સાથે ક્રીડા કરી રહ્યો છે.

દયાધર્મના ધુરંધરો પારેવાંને ચણ નાખે, રૂપના આશકો મોરલા પોપટને રમાડે છે, પણ માણસિયા વાળા દરબારનો શોખ હતોઃ પોતે જમીન પછી સમળાઓને રોટલા ખવરાવવાનો.

દરબારગઢની પછવાડે જ ભાદરની ઊંચી ભેખડો છે. ત્યાં ઊભીને માણસિયો રોટલાનાં બટકાં ઉછાળે, ઉપર આભમાં ઘટાટોપ થર વળીને ઊડતી એ પંખિણીઓ અધ્ધરથી એ અધ્ધરથી એ બટકાં ઝીલી લે, પાંખો ફફડાવીને પોતાના પ્રીતમ ઉપર જાણે કે પંખા ઢોળે અને આભમાં ચકરચકર ફરીને કિળેળાટ કરતી સમળીઓ રાસડા લેતી લાગે.

માણિસિયો વાળો નિર્વંશ છે. પિત્રાઇઓની આંખો એના ગરાસ ઉપર ચોંટી છે. જેતપુરમાં જેતાણી અને વીરાણી પાટી વચ્ચે રોજરોજ કાજિયા-તોફાનો ચાલ્યા કરે છે. એવે જ ટાણે ગાયકવાડના રુક્કા લઇને અંગ્રેજોની પાદશાહી કાઠિયાવાડને કાંઠે ઊતરી પડી. એજન્સીના તંબૂની ખીલીઓ ખોડાવા લાગ્યાં. લાંગ સાહેબ સોરઠનો સૂબો થઇને આવ્યો. કાઠિયાવાડને સતાવનાર લૂંટારાઓમાં માણસિયા વાળાનું નામ પણ લાંગની પાસે લેવાણું. લાંગે માણસિયા વાળાને તેડાવ્યો.

પોતાના ત્રણસો મકરાણીઓને શસ્ત્રો સજાવીને માણસિયો વાળો રાજકોટમાં દાખલ થયો.

હમણાં પલટન વીંટળાઇ વળશે, હમણાં માણસિયાને હાથકડી નાખી દેશે, હમણાં એની જાગીર પિત્રાઇઓમાં વહેંચાઇ જશે - એવી અફવાઓ રાજકોટમાં ફેલાઇ ગઇ. સોલ્જરોના ઘોડા માણસિયા વાળાના ઉતારા આગળ ટહેલવા લાગ્યા. કીરચોના ઝણઝણાટ અને સોલ્જરોનાં બખતરની કડીઓના ખણખણાટ સંભળાવા માંડ્યાં.

બીજી બાજું, માણસિયાએ દાયરો ભરીને પોતાને ઉતારે કસુંબાની છોળો માંડી છે. સગાં-વ્હાલાં, ઓળખીતાં-પાળખીતાં, હેતુમિત્ર માણસિયા વાળાને રંગ દેતાં પ્લાલીઓ ગટગટાવે છે. જે ઘડીએ સોલ્જરોના થોકેથોક તળવા મંડ્યા, પલટનના ઘોડાઓના ડાબા સડક ઉપર ગાજવા મંડ્યા, તોપના રેંકડા દેખાવા શરૂ થયા, તે ઘડીએ દાયરો વીંખાવા મંડ્યો. કોઇ કહે, ‘છાશ પી આવું,’ કોઇ કહે, ‘જંગલ જઇ આવું,’ ને કોઇ કહે, ‘નાડાછોડ કરી આવું,’

જોતજોતામાં એકેય ઘરડું-બુઢ્‌ઢું માનવી પણ ન રહ્યું. સહુને જીવતર વહાલું લાગ્યું. આપો માણસિયો હસવા લાગ્યો.

“કાં ભાઇ મકરાણીઓ!” આપા બોલ્યાઃ “તમારે કાંઇ કામેકાજે નથી જાવું? ઊઠો ને, એક આંટો મારી આવો ને!”

“ગાળ મ કાઢ્ય, દરબાર, એવડી બધી ગાળ મ કાઢ્ય. હુકમ દે એટલે આખા રાજકોટને ફૂંકી મારીએ.”

ત્રણસો મકરાણીઓ જંજાળ્યોમાં સીસાં ઠાંસીને બેઠા છે. પાણી પીવા પણ એકેય ઊઠતો નથી.

કલાક, બે કલાક, ત્રણ કલાક! અને સોલ્જરો વીંખાવા મંડ્યા. તોપોના રેંકડા પાછા વાળ્યા. ઘોડાના ડાબા ગાજતા ગાજતા બંધ પડ્યા. અને થોડી વાર થઇ ત્યાં તો રાજકોટના ઠાકોર મેરામણજીની છડી પોકારાણી.

માણસિયો અને મેરામણજીઅ એકબીજાને બથમાં ઘાલીને મળ્યા.

“આપા માણસિયા,” મેરામણજીએ મહેમાનની પીઠ થાબડીને કહ્યુંઃ “સાહેબે રજા આપી છે. જેતપુર પધારો.”

“કાં, મળવા બોલાવ્યો’તો ને સાહેબને મળ્યા વગર કાંઇ જવાય?”

“માણસિયાભાઇ, સાહેબને નવરાશ નથી. હુંં એને મળી આવ્યો છું. હવે સીધેસીધા જેતપુર સિધાવો.”

“ના ના, મેરામણભાઇ! એમ તો નહિ બને. સાહેબને રામ રામ કરીને હાલ્યો જઇશ.”

“કાઠી! હઠ કરો મા; સરકારનાં સેન સમદરનાં પાણી જેવાં છે; એનો પાર ન આવે.”

“અને, મેરામણજીભાઇ! માણસિયાનેય સમદરમાં નાહવાની મોજ આવે છે; ખાડાખાબોચિયામાં ખૂબ નાયા.”

એટલં બોલીને માણસિયા વાળાએ લાંગની છાવણી પાસે થઇને પોતાની સવારી કાઢી.

એક દાણા હલ્લાં કરી લાંક સામાં બકી ઊઠ્યા.

ખેર ગિયાં લાંક મૉત નિશાણીકા ખેલ,

તીનસો મકરાણી ભેળા ચખ્ખાંચોળ મૂછાં તણી,

ઉબાણી વેગસુ આયા ઘરાંકું આઠેલ.

અને

થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,

ફરી જાવે આંક તૂર વિધાતાકા ફાલ,

માણસી જેતાણી મૃત્યુકાળથી ઓઝપી જાવે,

(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે હો જાવે પેમાલ.

એવી રીતે માણસિયો વાળો જેતપુર આવ્યો.

છેવટે પિત્રાઇઓની અદાવત ફાવી. સગાં-વહાલાંઓએ જ એ સિંહને પાંજરે નખાવ્યો. ‘ગાંડો! ગાંડો!’ કરીને પિત્રાઇઓએ માણસિયાને કાળા કોઠામાં કેદ કરાવ્યો. બંદીવાન ખાતો નથી, પીતો નથી, આસમાન સામે આંખો માંડીને બેઠો રહે છે.

ત્યાં તો ‘ક...ર...ર...ર...ર...!’ એવો પ્રીતભર્યો સૂર એણે આભમાં ઊડતી સમળીની ચાંચમાંથી સાંભળ્યો.

“આવા! આવા! આવા!” એવા આપા માણસિયાએ આવકારા દીધા. સમળી પાંખો સંકેલીને નીચે ઊતરી, કોઠા ઉપર આંટા લેવા લાગી. આપાએ પોતાની ભેટમાંથી કટાર ખેંચી, પોતાના પગની પિંડી ઉપર ચીરો માર્યો, તરબૂચની ડગળી જેવું લાલ ચોસલું પોતાના દેહમાંથી વાઢીને આપાએ અધ્ધર ઉલાવ્યું. સમળીએ આનંદનો નાદ કરીને અધ્ધરથી એ ભોજન ઝીલ્યું. બીજી સમળીએ ચીસ પાડી. બીજું ચોસલું માણસિયાએ પોતાની મસ્તાન જાંઘમાંથી વાઢીને ઉછાળ્યું. ત્રીજી આવી, ચોથી આવી; જોતજોતામાં તે સમળીઓના થર બંધાઇ ગયા; આપાને આનંદના હિલોળા છૂટ્યા. હસતો હસતો, પંખિણીઓને પ્યાર કરતો કરતો, આપો પોતાની કાયા વાઢતો ગયો અને આભમાં મિજબાની પીરસતો ગયો.

સાંજ પહેલાં એણે દેહ પાડી નાખ્યો. પિત્રાઇઓનાં મોઢાં શ્યામ બન્યાં.

માણસિયાની નનામી નીકળી છે. આભમાં સમળીઓનાં ટોળાં ઊડે છે. પોતાનો પ્રિયતમ જાણે કે શયનમંદિરમાં પોઢવા પધારે છે એમ સમજીને સમળીઓ નીચે ઊતરી, શબને વળગી પડી, પોઢેલા સ્વામીનાથને પંખા ઢોળવા લાગી. લોકોએ વાંસડા મારી મારીને પંખીને અળગાં કર્યાં.

ચિતાને આગ મેલાણી અને ચારણે મોઢું ઢાંકીને મરશિયા ઉપાડ્યાઃ

ગરવરનાં ગરજાણ. ઊડી આબુ પર ગિયાં,

માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણા ધણી.

(આજ ગિરનારનાં ગીધ પંખીઓ ઊડીને આબુ પહાડ ઉપર ચાલ્યાં ગયાં, કેમ કે પંખીડાંને માંસથી તૃપ્ત કરનાર શૂરવીર તો ઢળી પડ્યો છે.)

પંડ પર જાડી પસતોલ, ખાંભીનાં ભરવાં ખપર,

(તેં) કપાળુંમાં કૉલ, માતાને આલેલ માણશી!

(હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીના ખપ્પર ભરવાન છૂપો કૉલ દેવીને દીધો હતો!)

ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે,

તોરણ, તરવારે, માંડવ વેસો, માણસી!

(તેં તરવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તરવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા!)

નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર,

કાંઉં સણીએ સરદાર, મરણ તાહળું, માણસી!

(હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તરવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનોમાનો શીદ મૂઓ, બાપ?)

ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું,

તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું, માણસી!

(તારે તો તે દિવસે મરવું ઘટતું હતું. જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નરનારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.)

ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર,

ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી!

(તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખોનાં પ્રહારો કરે છે. તારા સરખા શૂરવીરના માંસનું ભક્ષ કરવા એ સુંદરીઓનાં વૃંદ વળ્યાં છે.)

માણસિયાનું મૃત્યુગીત

(ઘણું કરીને મૂળુભાઇ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિત્રાઇઓને ફિટકાર આપે છે.)

કાંસા ફૂટ્યા કે ન ફૂટ્યા બાગા રણંકા હજારાં કોસ,

મીટેં કાળ આગે ભાગા બચે કોણ મૉત,

મીરખાને ખોટ ખાધી સવાઇ કમંધ માર્યા,

ડોલી મારવાડ બાધી ટકાવી દેશોત.

પેલકે પાંકડે ધીંગ દેવીસિંગ માર્યા પોતે,

મહારાજ ખૂટી ગિયા તીન ઘડી માંય,

પાણીઢોળ કીધો આઠે મસલ્લાકો આણીપાણી,

જોધાણે ગળીકા છાંટા કે દિયે ન જાય,

માન ૧ ગેલે ત્રીજી બેર વાટે પ્રાગજીકું માર્યા,

ઓઠે વાળ્યા ઝાલા બાધા એકેથી અનેક,

ઝાલારી ચાકરી કીધી માથે પાણીફેર જોજો

હળોધકી ગાદીકું લગાડી ખોટ હેક.

કાઠિયાવાડમાં હુવો અસો ન બૂરો કામો,

દગાદારે દેખ્યા આગે ખૂનિયારો દેખ,

સત તો બત્રીશ માંહી બેઠી ખોટ જગાં સુધી,

મંડી સાવ સોનાથાળી માંહી લુવા મેખ,

એક દાણુ હલ્લાં કરી લાંક સામા બકી ઊઠ્યા,

ખેર ગિયા લાંક મૉત નિસાણીકા ખેલ,

તીન સો મકરાણીભેળા ચખાંચોળ મૂછાં તાણી,

ઉબાણી તેગસું આયા ઘરાકું અઠેલ.

થાહ સમંદરા આવે, આભ જમીં એક થાવે,

ફરી જાવે આંક તુર વિધાતાકા ફાલ,

જેતાણી માણસી મૃત્યુકાળથી ઓઝપી જાવે,

(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે, હો જાવે પેમાલ.

કોરવાસું ભીમસેન પાછા પાગ દેવે કેમ,

રામદૂત બીવે કેમ રાખસાંકી રીડ.

કાળભદ્ર જાતિવાળા તોછાં નીર પીવે કેમ,

કેદ કીધા જીવે કેમ શાદૂળા કંઠીર.

તોપાંકા મોરચા માથે હલાતા હાકડા તાડે,

ફોજાંકા ફાકડા કરી જાતો ગજાફાડ,

કાળઝાળ આવી પૂગી સાત હીં સમંદ્ર જાગી,

કાઠિયાવાડરા ભાંગ્યા લોઢારા કમાડ.

મૂળરાજ નાજાણી નોહોતા તો તો જાતી માથે,

હેઠું ઘાલી બેઠ બાધા પડ્યા ભોંય હાથ,

જેતાણું ડોલતું રાખે ન જાણ્યું હરામજાદે,

નીગમ્યો હરામજાદે જેતાણાકો નાથ.

૧૦

ગોત્રહત્યા ઊતરે ના હેમાળામાં હાડ ગાળ્યે,

જજ્ઞ ક્રોડ કર્યે ગોત્રહત્યા નહિ જાય.

નશાં રવિમંડળમાં અવિચળ કરી નામો.

માણસિયો ગિયો સુરાંપૂરાં લોક માંય.!!!!