મેરે ઘર આના જિંદગી Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મેરે ઘર આના જિંદગી

Name:Parul Khakhar

Email:parul.khakhar@gmail.com

પ્રિય જિંદગી,

આમ તો પુત્રવધૂને 'ગૃહલક્ષ્મી' કહેવાનો રીવાજ છે પણ હું તો તને જિંદગી જ કહીશ.ગૃહલક્ષ્મી એટલે જેના શુભ પગલાંથી ઘરમાં લક્ષ્મીની છોળો ઉડે.'શ્રીસૂક્તમ' સ્તોત્રમાં કહ્યુ છે કે ધન,ધાન્ય,પશુ,સંપતિ,સંતાન,બુદ્ધિ, વાણી,સંસ્કાર આ બધું જ લક્ષ્મી કહેવાય છે.તો આવી લક્ષ્મી લઈને તુ મારે ત્યાં આવવાની છે, હું સ્વીકારુ છું કે મારે આ તમામ લક્ષ્મી જોઇએ છે પણ હું તો તને જિંદગી જ કહીશ કારણકે ઉપરોક્ત તમામ વસ્તુઓ હશે પણ તેને બે હાથે વધાવવા વાળું જીવનતત્વ નહી હોય તો એ બધું જ વ્યર્થ છે.તું મારા ઘરે જીવનતત્વ સહિત આવ અને મારુ ઘર જીવંત થાય એ જ ઈશ્વર પાસે પ્રાર્થના.

એક વાત કહું? છવ્વીશ વર્ષ પહેલા જ્યારે મારા દીકરાનો જન્મ થયો અને એણે પહેલો શ્વાસ લીધો ત્યારે મેં પણ જાણે પહેલો શ્વાસ લીધો હતો, એક મા તરીકેની એક નવી જિંદગીની શરુઆત એ દિવસથી થઈ હતી.હવે તું નજીકના ભવિષ્યમાં મારે ત્યાં રુમઝુમ કરતી આવીશ અને એક સાસુ તરીકેની મારી નવી જિંદગી શરુ થશે. તારો પણ એક વહુ તરીકે નવો જન્મ થશે, આપણે ઉજવીશુ ને આ નવા જન્મો ને? તને આ ઘર વિશે, ઘરની વ્યક્તિઓ વિશે જાણવાની ઉત્કંઠા હશે ખરું ને? તે આ ગીત સાંભળ્યું છે? એવું જ છે આપણું ઘર...

'મેરે ઘર આના... આના જિંદગી

ઓ...જિંદગી મેરે ઘર આના.

મેરે ઘર કા સીધા સા ઇતના પતા હૈ,

મેરે ઘર કે આગે મહોબ્બત લિખા હૈ,

ના દસ્તક જરુરી

ના આવાઝ દેના

મૈ સાંસો કી ખુશ્બુ સે પહેચાન લુંગી

મૈ ધડકન કી આહટ સે પહેચાન લુંગી.'

કેવું સુંદર ગીત છે નહી?આ ઘરમાં અમે ચાર વ્યક્તિઓ છીએ, તુ આવીશ અને મારુ ઘર પચરંગી બનશે.પાંચ આંગળીઓ વડે મુઠ્ઠી બને છે, અને એ જ તો તાકાત અને એકતાનું પ્રતિક છે.તું આવ તને આવકારવા આ ઘર તત્પર છે.

મને ખબર છે તને બહુ અલંકારિક ભાષા કે કાવ્યમય વર્ણન સમજતા નહી આવડે, તું ઇન્ગ્લીશ મીડિયમની સ્ટુડન્ટ છે. પણ બેટા, તું પ્રતિક તો સમજી શકે ને? આપણે સ્ત્રીઓ બાંધણીનું પ્રતિક છીએ. બાંધણી વિશે એવું કહેવાય છે કે 'ફાટે પણ ફીટે નહી.'બાંધણીના વસ્ત્રો એવી રીતે બનાવવામાં આવે છે કે કાપડ જર્જરિત થાય, ફાટી જાય પણ બાંધણીની ભાત છેક સુધી એવી ને એવી જ રહે છે. આપણે સૌ કાપડ જેવા, સમય જતા જર્જરિત થઇએ, ફાટી પણ જઇએ પરંતુ આપણા સંસ્કાર, આપણા મુલ્યો, આપણી કેળવણી બાંધણીની ભાત જેવી અમિટ હોવી જોઇએ. આપણી ગેરહાજરીમાં પણ આપણા ગુણોની પ્રસંશા થતી રહે.

તેં ચંદનવૃક્ષોને વિંટળાયેલા સર્પો જોયા છે? ચંદનની સુગંધથી ભલભલા ઝેરી સર્પો પણ અભિભૂત થતા હોય તો આપણે તો મનુષ્યો છીએ.આપણી સુગંધથી લોકો કેમ ન આકર્ષાય? ચંદન જ્યારે ઓરસિયા પર ઘસાય છે ત્યારે તેની ખુશ્બુ અને શિતળતા અલૌકિક હોય છે. આપણે સ્ત્રીઓ પણ ઘર, પતિ, બાળકો, કુટુંબ,સમાજ,દેશ અને રાષ્ટ્ર માટે ચંદન સ્વરુપ છીએ. આપણે ઘસાઇને સુગંધ પ્રસરાવી શકીએ.આપણુ વ્યક્તિત્વ એવું બનાવીએ કે આપણા પહોંચ્યા પહેલા જ જે તે જગ્યા એ આપણી સુગંધ પહોંચી જાય. બહુ અઘરું નથી લાગતુ ને આ વાંચવુ ? ચલ, થોડી સહેલી વાતો કરીએ બસ !

મારો દીકરો થોડો મોટો થયો પછી મેં તારા ડેડી પાસે એક દીકરી માંગી ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો હતો કે તને આવો રાજકુમાર જેવો દીકરો આપ્યો છે એનો એવો સરસ ઉછેર કર, એવા સંસ્કારોનું સીંચન કર કે ભવિષ્યમાં ઉત્તમ મનુષ્ય બને ત્યાર પછી હું તને એક સુંદર મજાની બાર્બી ડોલ જેવી ઢીંગલી લાવી આપીશ. તું માનીશ? હું વર્ષોથી આ સપનું જોયે રાખતી અને જે દીવસે તને વહુ તરીકે પસંદ કરી ત્યારે જાણે એ સપનું સાકાર થઈ ગયું.

અને હાં સાંભળ, અત્યાર સુધી તું તારા પપ્પાના મહેલની લાડલી પરી હતી, તારો પડ્યો બોલ ઝિલાતો હતો અને તુ જાણે હવામાં ઉડતી હતી. પણ હવે તને સપનાનો રાજકુમાર મળી ગયો છે તેની સાથે નવા રસ્તે પ્રયાણ કરવાનું છે તો હવે વાસ્તવિકતાની ધરતી પર ચાલી શકીશ ને? અમે બધા જ તારા રસ્તા પર ફુલો પાથરીશું , તારા રસ્તા પરથી કાંટા વીણી લઇશુ અને આ નવી મંઝિલ પર તારુ સ્વાગત કરીશું.અત્યાર સુધી તું માત્ર દીકરી જ હતી હવે અનેક નવા વિશેષણો તને લગી જશે. એ વિશેષણોને પ્રેમથી ગળે લગાડી શકીશ ને? હવે તું કોઇની ભાભી તો કોઇની કાકી બનીશ,કોઇની દેરાણી તો કોઇની જેઠાણી બનીશ, કોઇની મામી તો કોઇની ભાભુ બનીશ. મને પાક્કી ખાતરી છે કે આ બધા જ સંબંધોને તુ પ્રેમથી સાચવી શકીશ.

તને ખબર છે? સ્ત્રી શતરુપા કહેવાય છે. શતરુપા એટલે સો સ્વરુપ ધરાવતી સ્ત્રી.આપણે એક જ જિંદગીમાં કેટલા બધા અલગ અલગ સ્વરુપે જીવવાનું હોય ! દરેક રોલ એકબીજાથી સાવ અલગ અને તો પણ દરેક પાત્રને ૧૦૦% ન્યાય આપી આપણું પરફોર્મન્સ પરફેક્ટ બનાવવાનું હોય છે.આપણી જાતને બધા જ મોરચે જીતી બતાવવાની હોય છે અને એક સંપુર્ણ સ્ત્રી સાબિત થવાનું હોય છે.આ બધું વાંચીને ગભરાઇ ન જઇશ હોં કે? આ તો તને આવનારી સીચ્યુએશનની જાણકારી આપવાનો પ્રયત્ન માત્ર છે, સો ફિકર નોટ બચ્ચા...આઇ એમ ઓલ્વેઝ વીથ યુ.

આજે કહેવા જ બેઠી છું તો ચાલ, એક બીજી પણ અગત્યની વાત કહી જ દઉ. આપણા છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવનાર વ્યક્તિ એટલે આપણો પતિ. બીજા તમામ સંબંધો સમય જતા સાથ છોડે છે પણ જીવનસાથી મરતે દમ તક આપણી સાથે રહે છે. આમ જુઓ તો પતિ પત્નીનો સંબંધ એટલે નાડાછડીના સુતર અને વરમાળાના રેશમ જેવો સાવ નાજુક છતા નક્કર એવો કે ભલભલા સંજોગો સામે ઝિંક ઝીલી શકે.કહેવાય છે કે સંબંધો ત્રણ બાબતોના આધારે ટકી શકતા હોય છે. પ્રેમ, આદર અને વિશ્વાસ.બે પાત્રો વચ્ચે પ્રેમ ક્યારેક લગ્ન પહેલા થતો હોય તો ક્યારેક લગ્ન પછી થતો હોય પણ એનો પાયો મજબૂત હોવો જરુરી છે.એવી જ રીતે એકબીજા પરનો વિશ્વાસ ક્યારેય ન ડગવો જોઇએ. અને સૌથી અગત્યની વાત કે ગમે એટલો પ્રેમ કે વિશ્વાસ હોય પણ આદર ન હોય તો એ સંબંધમાં તિરાડ પડે છે. કોઇપણ ઇમારતનાં બધા જ પાયા પર પુરતુ ધ્યાન આપવામાં આવતુ હોય છે તેમ લગ્નજીવનના આ ત્રણેત્રણ પાયાને બરોબર મજબૂત રાખીએ તો આજીવન ટકી રહે છે. તુ સમજે છે ને ડીયર ?

આ પત્ર તને સલાહ, શીખામણ કે બોધપાઠ આપી બૉર કરવા નથી લખ્યો પણ તારી આવનારી જિંદગીની રુપરેખા બતાવું છું. તમે સ્ટુડન્ટ લોકો એક્ક્ષામ્સ નજીક આવે એટલે પ્રોફેસર્સ પાસે આઇ.એમ.પી. માંગતા હોવ છો ને? તો આ પત્રને આઇ.એમ.પી. જ સમજી લે. આવનારી જિંદગી તને અનેક પ્રશ્નો પૂછશે તારે આમાંથી જ જવાબો પાકા કરવાના છે અને પાસ થવાનું છે.મને ખાતરી છે કે તું સ્કોલર સ્ટુડન્ટ છે હાઇએસ્ટ સ્કોર સાથે પાસ થવાની છે. મારી વ્હાલી સ્કોલરને આગોતરા અભિનંદન.ડીયર , હું પણ જાણું છું કે વોટ્સએપ પર આવતા સુવાક્યોથી જિંદગી નથી ચાલતી. જિંદગી તો કોર્સ બહારના પ્રશ્નો પણ પછી લેતી હોય છે અને એમાં પાસ થવુ એ જ તો સાચી કાબેલિયત છે.વોટસએપના મેસેજ ફોરવર્ડ કરી દેવા માટે હોય છે પણ આવા સાચુકલી વાતો કહેતા બે ચાર પત્રો જણસ જેવા હોય છે એને સાચવી રાખીશ ને? મારી ગેરહાજરીમાં પણ તને મારી હૂંફ આપતા રહેશે.

તું ચાંદની સ્વરુપે મારા ઘરમાં આવીશ અને ચારેબાજુ અજવાળું અજવાળું થઈ જશે.મારા ઘરનો ખૂણેખૂણો તારા આગમનથી ઉજ્જ્વળ બનશે.બગીચો તારા સ્પર્શથી જીવંત થશે,રસોડુ તારી બંગડીઓના રણકારે ગાજતું થશે,ડ્રોઇંગરૂમ અવનવા ગીતોથી ગુંજતો થશે,હીંચકો તારા પગની ઠેસથી નાચતો થશે, ઠીબમાંથી દાણા-પાણી આરોગતા મારા પંખિડાઓ તારી સાથે ગાતા થશે.તું જાણે છે? બારી સામે એક હર્યોભર્યો ગુલમ્હોર હતો, જે હવે નથી રહ્યો તે ખાલી જગ્યામાં ક્યારેક ક્યારેક અડધી રાતે ચાંદો ડોકિયા કરી જાય છે. હવે તું આવીશ અને એ ખાલી જગ્યા પર તારી છબી લટકાવી દઇશ અને પછી તો બારેમાસ અને આઠે પ્રહર અજવાળું જ રહેશે.

મારી વ્હાલી ઢીંગલી, આ તારી સાસુ તને ખાતરી આપે છે કે તને ક્યારેય દુખી નહી થવા દે.હું ખાતરી આપું છું કે મેં જે ચુંદડી ઓઢાડી છે તે તારા પર જવાબદારીનો બોજો નહી બની જાય, હાથમાં બંગડી અને પગમાં ઝાંઝર પહેરાવ્યા છે તે બેડી નહી બની જાય,ગળાની ચેઇન ક્યારેય ગાળિયો નહી બની જાય, નાકની ચુંક બંધન નહી બની જાય. આ બધા તો માત્ર ઘરેણા છે.જે તારા શણગાર માટે લાવી છું તને બાંધવા માટે નથી. આ ઘર તારા માટે સોનાનું પીંજર ક્યારેય નહી બને,આ ઘરમાં તને તારું પોતાનું આકાશ મળશે કે જ્યાં તારુ સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલી શકે.જ્યાં તારી પોતાની પાંખો વડે તું પોતે નક્કી કરેલી દિશામાં ઉડી શકે.તારા સોનેરી સ્વપ્નો સાકાર થાય એ માટે અમે બધા પ્રયત્નશીલ રહેશું.મને એક મુલાકાતમાં સવાલ પુછાયો હતો કે 'એક સ્ત્રી તરીકે તમે કેટલા સ્વતંત્ર છો?' મેં જવાબ આપ્યો હતો કે મારી દીવાલો હું ખુદ નક્કી કરી શકું એટલી હું સ્વતંત્ર છું. તને સમજાય છે ને મારી આ વાત ?

ચાલ, હવે ઘણું લખાઇ ગયું. આ બધું તું વાંચીશ અને સમજીશ ત્યાં તો અમે વાજતે ગાજતે તારા આંગણે જાન લઇને આવી જઇશુ.તું સત્કારીશ ને તારી આ બીજી મમ્મીને? જો કે મને ખબર છે કે તું ઉમળકાથી વધાવી લઇશ કારણ કે મારી પસંદગી બહુ ઊંચી છે યુ નો ? લવ યુ બચ્ચા...ખુશ રહે.

---તારી બીજી મમ્મી પારુલ ખખ્ખર