કલ હો ના હો Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલ હો ના હો

Name:પારુલ એચ.ખખ્ખર

Email:parulkhakhar@gmail.com

કલ હો ના હો…

-કેવા કેવા વેશ કાઢે છે આ મરવું !

ફ્રાન્સવાળાઓએ કાચીકુમળી વયે બાંધીને બાળ્યું

પરધીવાળાઓએ અંગુઠે વીંધ્યુ

ગ્રીસવાળાઓએ પ્યાલી પાઇ

યહુદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું

તોયે સાલ્લુ હેં..હેં કરતું ઊભું જ છે અમર

આ 'મરવું'

જોઇએ ત્યારે મારુંવા'લું ન મળે,

આડે હાથે મૂકાઇ જાય

ગોતો કેરોસીનનાં બળબળતા ઉજાસમાં

રેલ્વેનાં આટેપાટે

છલકાવો ટીક-ટ્વેન્ટી ઓન ધ રોક્સ

એકવીસ માળ બાવીસ વાર ચડો

ને ઉતરો

પણ ગુમ

'ઠીક ત્યારે જેવી હરિ ઇચ્છા' કહીને મન મનાવી લો

ત્યાં જ હસતું હસતું

તમારી બગલમાં સોપારીની જેમ ઉપસી આવે

'હાઉક ! મને ગોતતા હતા?'

ઉદયન ઠક્કરની કવિતાનાં આ અંશો વાંચતી વખતે મોઢા પર મલકાટ આવી જાય અને અનાયાસ જ 'ક્યા બાત' બોલાઇ જાય.વિચાર આવે કે છે શું આ મૃત્યુ ? પાડા પર આવતા યમદૂતો? દેહમાંથી પરાણે ખેંચીને લઇ જવાતો જીવ? હજારો વીંછીની વેદના? પાપ-પુણ્યનાં લેખાં જોખાં? સ્વર્ગ/નર્ક તરફનું પ્રયાણ ? લોહી પરુંની નદીઓ? રોકકળ અને મરશિયાં ? અવસાદનો ઓથાર ? કે પછી ભગવદગીતામાં ભગવાન એક બહુ જ સરસ શ્લોક કહે છે એ મુજબ માત્ર વસ્ત્ર બદલવાની ક્રિયા?

'વાસાંસિ જીર્ણાની યથા વિહાય

નવાનિ ગૃહણાતિ નરોપરાણિ

તથા શરીરાણિ વિહાય જીર્ણાન્

અન્યાનિ સંયાતિ નવાનિ દેહી.'

અર્થાત્ જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજાં નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરોને ત્યજીને નવા શરીરો પામે છે

વળી આગળ વધીને એમ પણ કહે જેણે જન્મ લીધો છે એનું મરણ નિશ્ચિત છે તો પછી મરણનો શોક શાને?

'જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ,ધ્રુવં જન્મ મૃતસ્ય ચ

તસ્માદ પરિહાર્યર્થે નત્વં શોચિતુમર્હસિ.'

શરીર નાશવંત છે પણ આત્મા અમર, અવિનાશી,ચિરસ્થાયી અને પુરાતન છે.

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક,

ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ

અર્થાત્ જેને શસ્ત્રો છેદી શકતા નથી, જેને અગ્નિ બાળી શકતો નથી, જેને પાણી ઓગાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી તેવો આત્મા ક્યારેય મરતો નથી.

'ન હન્યતે હન્યમાને શરીરે' અર્થાત્ શરીર હણાય છે પણ આત્મા હણાતો નથી/મરતો નથી.

આ બધું જ વાંચેલું સાંભળેલું વિચારેલું એકતરફ રહી જાય છે જ્યારે મૃત્યુ તમારી સાવ લગોલગ આવી હળવેકથી તમારાં સ્વજનને લઇને ચાલતું થાય અને કહેતું જાય 'રાખ તારાં થોથાં તારા દિમાગમાં, જો..હું તો માખણમાંથી વાળ નીકળે એમ જીવને લઇ જાઉં છું.જોઇ લે બરાબર હું તારી એકેય વ્યાખ્યામાં ફીટ નહી બેસું. તું મને બિલ્લોરીકાચ લઇને શોધ્યા કર અને હું એક અણસારો પણ આપ્યા વગર આવું છું.તું મારા આગમનને અનુભવે ન અનુભવે ત્યાં તો હું ચાલ્યું જઉં છું અને હાં હું ક્યારેક ચોરપગલે આવું તો ક્યારેક ઉઘાડેછોગ આવું.તારી હજારો કેદમાંથી આરપાર નીકળી જાઉં અને તું મોઢું વકાસીને જોયા સિવાય કશું ન કરી શકે.પ્રણવ પંડ્યા કહે છે

'બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,

મળતું બિલ્લીપગ મરણની એ જ તો તકલીફ છે'

હા...દોસ્ત, 'જીદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેગી, મૌત મહેબૂબા હૈ અપને સાથ લે કે જાયેગી' કહીને જેને ગળે લગાડવાનું હોય છે એ છે મૃત્યુ.આખો વખત ભાગદોડ કરતાં, ઘડીયે જંપીને ન બેસતાં પગને કેવા ચુપચાપ પથારીમાં ગોઠવી દે છે મૃત્યુ !પાંચમાં પૂછાતા જણને કેવો પાંગળો બનાવી દે છે મૃત્યુ ! હસતાં -રમતાં-સતત બોલબોલ કરતાં માણસને અવાચક્ બનાવી દે છે મૃત્યુ ! આંખમાંથી એકસાથે હજારો દૃશ્યો ચોરી જાય છે મૃત્યુ !અનેક ગમતાં-અણગમતાં શબ્દોથી ત્રસ્ત થયેલ કાનમાં ઢાંકણાં વાસી જાય છે મૃત્યુ !હવડ અને બંધિયાર પીંજરાનો દરવાજો હળવેકથી ખોલીને પંખીને ઉડાડી મૂકે છે મૃત્યુ !એક નવો નક્કોર ચહેરો અને નવો નક્કોર વેશ ભજવવા માટે નાટક પર પરદો પાડી જાય છે મૃત્યુ ! જે તાંતણે જીવને જીવનભર નચાવ્યો એ તાંતણાને તોડી જાય છે મૃત્યુ ! એક કાગળની હોડીને ધસમસતા દરિયામાં વિલિન કરી જાય છે મૃત્યુ ! કાચી માટીનાં કોડિયાંને ફરી માટીમાં એકરૂપ કરી જાય છે મૃત્યુ !તમામ સવાલો-જવાબોને અધ્ધરતાલ છોડી પોતાની મનમાની કરાવી જાય છે મૃત્યુ !સરવાળાં-બાદબાકી-ગુણાકાર-ભાગાકારની પેલેપાર લઇ જઇને હિસાબોની પતાવટ કરી જાય છે મૃત્યુ!ધર્મ-અર્થ-કામ-મોક્ષનાં પુરુષાર્થથી દૂર કોઇ નિવૃતિનાં પ્રદેશમાં લઇ જાય છે મૃત્યુ !જ્યાં સૂર્ય કદી આથમતો નથી ને અમાસ કદી આવતી નથી એવી ઝળહળતી ક્ષિતિજે લઇ જાય છે મૃત્યુ !

મને હરીન્દ્ર દવેનાં શબ્દો યાદ આવે છે...

'મ્હેંકમાં મ્હેંક મળી જાય તો મૃત્યુ ન કહો,

તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો.

મૃત્યુ અનેક રૂપે આપણી સમક્ષ વ્યક્ત થતું રહે અને આપણે એની છટાઓ જોયે રાખવાની બસ...ચુપચાપ.એની અનેક વ્યાખ્યાઓ કેલીડોસ્કોપનાં અવનવા ચિત્રોની જેમ આંખ સમક્ષ નાચતી રહે અને આપણે એને માણતા રહેવાની...ચુપચાપ.

જલન માતરી કહે કે..

'મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે 'જલન'

જીવનની ઠેસની તો હજું કળ વળી નથી'

ની માફક જીવનનાં આઘાતોની કળ વળે ન વળે ત્યાં મૃત્યુ 'હાઉક' કરતું હાજર થઇ જાય છે.

મૃત્યુ એટલે જમણાં કાનમાં બોલાતો ગીતાનો બારમો અને પંદરમો અધ્યાય,

મૃત્યુ એટલે તેજ વગરની આંખોમાં વળતી સફેદ છારી

મૃત્યુ એટલે બોખા મોંમાં ગોળગોળ ફરતી જીભ

મૃત્યુ એટલે ન બોલાયેલાં, ન સંભળાયેલાં શબ્દોની ડીક્શનરી

મૃત્યુ એટલે ગંગા-યમુના પાન

મૃત્યુ એટલે ધીમો થતો ધબકારો

મૃત્યુ એટલે ક્રમશઃ ઠંડુ પડતું શરીર

મૃત્યુ એટલે ખુલ્લા થતા હાથ અને ખેંચાઇ જતા પગ

મૃત્યુ એટલે આંખનાં ખૂણેથી વહેતા જળ

મૃત્યુ એટલે ઊંચા થતાં , સતત હાંફતા ફેફસા

મૃત્યુ એટલે આખરી ત્રણ ડચકાં

મૃત્યુ એટલે જંપી ગયેલો નિશ્ચેતન દેહ

મૃત્યુ એટલે ગાયનાં છાણથી લીંપાયેલ જમીન

મૃત્યુ એટલે દક્ષિણ દિશા તરફ પથારી

મૃત્યુ એટલે ઘીનાં દિવાની મદ્ધમ રોશની

મૃત્યુ એટલે લાકડાની નિસરણી પર કચકચાવીને બંધાતો દેહ

મૃત્યુ એટલે કપાળ પર કંકુનું લાંબુ તિલક

મૃત્યુ એટલે અબીલ ગુલાલનાં છાંટણાં

મૃત્યુ એટલે સફેદ પડી ગયેલ દેહ પર રંગબેરંગી ફૂલોનાં ઢગલાં

મૃત્યુ એટલે દહીં-સાકરનું આચમન

મૃત્યુ એટલે વૈકુંઠરથની શાનદાર સવારી

મૃત્યુ એટલે તુલસીપત્ર-રુપુ-કંઠી-ચાર શ્રીફળ સાથે શરુ થતી આખરી સફર

મૃત્યુ એટલે 'હે રામ'ની ધૂન

મૃત્યુ એટલે આંસૂનાં ઘોડાપૂર

મૃત્યુ એટલે નંદવાતી બંગડીઓ અને ભૂંસાતા સિંદૂર

મૃત્યુ એટલે જમણા કાનમાં અપાતી મરણ પોક

મૃત્યુ એટલે પગલે પગલે જોડાઇ જતાં હાથ

મૃત્યુ એટલે તાળવે ઘીની ધાર

મૃત્યુ એટલે જવતલનાં શણગાર

મૃત્યુ એટલે ધગધગતા અંગાર

મૃત્યુ એટલે બંધ થયેલાં દ્વાર

મૃત્યુ એટલે ભડભડ બળતાં અણસાર

મૃત્યુ એટલે ૫૦ કિલોનાં દેહને નાનકડી માટલીમાં પૂરી દેતો જીન.

હાં...આ છે મૃત્યુ !અને એટલે જ અશોક ચાવડા 'બેદિલ'કહે

'મરણ જતું ન રહે એનું ધ્યાન રાખું છું,

દરેક શ્વાસને હું સાવધાન રાખું છું'

તો વળી યોગેશ જોશી એમ કહે કે

'મોત તે જો ગીત ગાયું હોત તો,

રાત પડતાં વેત ઊંઘી જાત હું.'

અને 'નાઝિર'દેખૈયા બહુ સરસ વાત કરે છે

''નાઝિર' જીવનની છેલ્લી ક્ષણે ધન્ય થઇ ગયો,

આવીને કોણ સ્પર્શ્યુ આ પરવરદિગાર જેમ !'

પરંતુ સાચી વાત તો એ છે કે જીવન હોય કે મરણ એને હા-ના કર્યા વગર સ્વીકારી લેવાનું હોય છે. બહુ બહાદૂર હો તો ગળે લગાડી લેવાનું હોય છે, કાયર હો તો આંખો મીંચીને સમર્પિત થવાનું હોય છે અને જો સાવ ગ્યા ખાતે હો તો શરણે થવાનું હોય છે. ચોઇસ ઇઝ યોર્સ...પણ યાર...આપણે તો ઝિંદાદિલ રહેવાનું.આપણે તો કેટલું જીવ્યા કરતાં કેવું જીવ્યા એનો હિસાબ રાખનારા માણસો. આપણને વળી મૃત્યુનો ભય કેવો? ઝિંદગી ના મિલેગી દોબારા દોસ્તો...એને કચકચાવીને જીવી લો.

'હર ઘડી બદલ રહી હૈ રૂપ ઝિંદગી

છાંવ હૈ કહીં, કહીં હૈ ધૂપ ઝિંદગી

હરપલ યહાં જી ભર જીઓ

જો હૈ સમા કલ હો ન હો'

---પારુલ ખખ્ખર