Sukh Na Name Kasturi Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sukh Na Name Kasturi

Name: Parul H. Khakhar

Email: parul.khakhar@gmail.com

3)

‘સુખ નામે કસ્તુરી’

==============

દિવાળી એટલે મહાલક્ષ્મીની ઉપાસનાનો તહેવાર.આમ તો ૩૬૫ દિવસ લક્ષ્મીની જ ઉપાસના કરતા હોઇએ એ અલગ વાત છે. દિવાળીને દિવસે આપણે ‘શ્રી સૂક્તં’ સ્તોત્ર બોલીને કેટલું બધું માંગીએ છીએ! પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, પશુ, આરોગ્ય, આયુષ્ય,પદ, પ્રતિષ્ઠા, વિદ્યા વગેરે વગેરે. અને આ માંગવા પાછળનો હેતું શું? સુખી થવાનો જ ને? તો ચાલો આજે સમજીએ સુખ શું છે?

થોડા સમય પહેલા ‘ ધ લંચબોક્સ’ નામની એક સંવેદનશીલ ફિલ્મ આવી હતી, આ ફિલ્મની નાયિકા સીધી, સાદી, સરળ, મધ્યમવર્ગીય ગૃહિણી હતી. એક દિવસ દીકરીને હોમવર્ક કરાવતી વખતે એની બૂકમાંથી જાણ્યું કે આ પૃથ્વી પર ભૂતાન એક એવો દેશ છે કે જ્યાં વિકાસનો માપદંડ ‘હેપીનેસ’ છે ! એને થયું વાહ આ તો સરસ કહેવાય ! આમ તો એ પોતાની નાનકડી દુનિયામાં સુખી જ હતી પરંતુ સંજોગોવશાત એનો પતિ કોઇ બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી બેઠો,અને આ બાજુ મુંબઇની ડબ્બાસર્વીસની એક હસીન ભૂલને કારણે નાયિકા પણ એક અનદેખા, અન્જાના આધેડ પુરુષના પ્રેમમાં પડી ગઇ.અંતે સમયની ચોપાટ પર કિસ્મતનાં એવા દાવ મંડાયા કે નાયિકા ના તો પતિ સાથે રહી શકી કે ના તો પ્રેમી સાથે જઇ શકી! અને ત્યારે તેણે પોતાના ઘરેણા વેચીને દીકરીને સાથે લઇને સુખ નામનાં પદાર્થની શોધમાં ભૂતાન જવાનો નિર્ણય કરી લીધો. ફિલ્મ અહીંયા પૂરી થાય છે.

પરંતુ મગજમાં વિચારોના વમળ શરું થાય ..કે શું આવો કોઇ પ્રદેશ હોઇ શકે ખરો? સુખનાં ભૌગોલિક સરનામા હોય ખરાં! અને જો હોય તો તો એને સ્વર્ગ જ કહેવાય ને? અને પછી તો ‘ગૂગલ સર્ચ’ કર્યુ , તો રીઝલ્ટ મળ્યું કે ભૂતાનમાં સગવડો અને સુવિધાનાં ૩૨ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, એનાં પરથી માથાદીઠ આવકની જેમ માથાદીઠ ‘હેપીનેસ’ નક્કી થાય છે. પણ તમે જ કહો મિત્રો.ભૌતિક સુવિધા અને સગવડો ને સુખ કહેવાય ? અને જો કહેવાતું હોય…તો..તો.. આલિશાન બંગ્લોઝ , લેટેસ્ટ ઇન્ટીરીયર ,ડીઝાઇનર વોર્ડરોબ, છલોછલ ભરેલી તિજોરી, લક્ઝરી કાર, પ્લેટીનમનાં દાગીના, મોંઘ ગેજેટ્સ એ સુખની ગેરંટી આપતા સાધનો ગણાયને ! તો પછી આ બધું ધરાવતા લોકો શા માટે ડીપ્રેશનથી પીડાય છે? શા માટે ભૂખની-ઊંઘની ગોળી લે છે? શા માટે વ્યસનને રવાડે ચડી જાય છે? શા માટે બાપૂઓ , ભૂવાઓ, પંડિતોના પગથિયાઘસી નાંખે છે? શા માટે આત્મહત્યા કરે છે? છે કોઇ જવાબ ?? મારા મતે ભૌતિક સગવડો એ સુખ નથી. તો પછી આ સુખ કઇ ચિડિયાનું નામ છે કોઇ કહેશો? ‘સુખ એટલે શું ?’ એવો એક સાદ પાડ્યો અને જવાબ રુપે અનેક પડઘા આવ્યા.જુઓ..આ રહ્યા..
*સુખ એટલે તમારી પાસે રહેલા ફુલોનો ગજરો બનાવવાની કળા.
* સુખ એટલે જે ગમતું હોય એ મળી જાય અને જે મળ્યું હોય એ ગમી જાય એવી ઘટના.
*સુખ એટલે મૃત્યુનું સનાતનપણુ ભૂલાવી દેતી ક્ષણ.
*સુખ એટલે એ વસ્તુ કે જે માનવને જીવતેજીવ નથી મળતી છતા તેની પાછળ દોડ્યા કરવાની ટેવ.
*સુખ એટલે દાંતમાં ભરાયેલ વરીયાળીનું ફોતરું ૧૫-૨૦ મીનીટની જહેમત પછી કાઢી શકવાની ક્ષણ.
*સુખને સમજવાની જીજ્ઞાસા થવી એ જ સુખ.
*સુખ નામની કોઇ ચીજ આ જગતમાં નથી અને એની તમને ખબર નથી એ સુખ.
*સુખ એટલે ખાવું, પીવું, નાચવું અને પ્રત્યેક પળને ઉજવી લેવી.
*સુખ એટલે મનગમતો એક સંબંધ.
*’સુ’ એટલે સારું અને ‘ખ’ એટલે આકાશ.અર્થાત…જે મળ્યો છે , જેટલો મળ્યો છે એ આકાશનો ટુકડો સારો લાગવો એટલે સુખ !

કેટલી બધી વ્યાખ્યાઓ થઇ ગઇ નહી?

એક નાનકડો મિત્ર કહે, ‘આન્ટી…સુખ એટલે મમ્મીએ બનાવેલ દુધીનો હલવો, સુખ એટલે સમયસર મળી જતી ટ્રેઇન, સુખ એટલે મિત્રો સાથેની હસીમજાકો, સુખ એટલે સુંદર છોકરીએ આપેલું સ્મિત, સુખ એટલે પહેલો પગાર. ઇનશોર્ટ…સુખ એટલે જમી પરવારી, નિરાંતે બેસી સુખ અને દુઃખ વચ્ચે ભેદ કરવાની, બૌદ્ધિક ચર્ચાઓ કરવાની અને શાંતિથી સુઇ શકવાની જાહોજલાલી.’
અરે વાહ…કેટલી મોટી વાત કહી નાંખી?

અને આમ જુઓ તો આવી કેટલી બધી સુખની ક્ષણો મળતી જ હોય છે બધાને. જેમ કે ઉનાળાને બળતી બપોરે મળતું ઠંડું પાણી, ખોવાયેલા મોંઘા મોબાઇલનું પરત મળી આવવું, શિયાળાની બોઝિલ ઉદાસ રાતે વિખુટા પડેલા મિત્રનો ફોન આવવો એ સુખ જ કહેવાય ને? અને એવી જ રીતે…ભુખ લાગે ત્યારે ભોજન મળે, વરસાદ આવે ત્યારે છાપરું મળે,ઠંડી લાગે ત્યારે તાપણું મળે, ચપ્પલ તુટે ત્યારે મોચી મળે, ઊંઘ આવે ત્યારે પથારી મળે એ પણ સુખ જ ને!

કવિ મિત્ર અશોક ચાવડાએ સુખની વ્યાખ્યા કંઇક આ રીતે કરી બતાવી ‘ સુખ એટલે ‘શૂ’ અર્થાત પગરખાં. જેમ પગરખાં પગમાં જ રખાય તેમ સુખને પગમાં રાખવું કારણકે માથા પર ચડી જાય તો માણસ અહંકારી અને ઉદ્દંડ બને, પણ પગમાં રહે તો વિનમ્ર રહે. જેમ બીજાનાં પગરખાં આપણને ડંખે એમ જ બીજાનું સુખ આપણે જોઇ શકતા નથી. અને છેલ્લે આપણા પગરખાં અપણા પગમાં જ શોભે એ રીતે આપણં સુખ એ આપણું ! બીજાનાં પેંગડામાં પગ નાખવાથી પગને અને જાતને નુકશાન થવાના પૂરેપૂરા ચાન્સ.’

ચાલો…હવે જરા અલગ અર્થમાં વિચારીએ કે સુખ એટલે આનંદની એક એવી સરવાણી કે જે ક્યારેક કોઇ બાહ્ય ધક્કાથી તો ક્યારેક અકારણ જ ફૂટી નિકળતી હોય છે. આ સ્પંદન એટલું બધું ચંચળ હોય છે કે મહેસૂસ કરો ન કરો ત્યાં છટકી જાય !સુખ આમ તો શરીર દ્વારા મનને થતી સંવેદના છે જે પાંચ જ્ઞાનેન્દ્રિયો ( આંખ, કાન, નાક, જીભ, ત્વચા)ને મળતો વિષયોનો ખોરાક છે.ક્યારેક નાનકડી વાતમાંથી મળી જાય તો ક્યારેક અનેક મથામણો પછી પણ છટકી જાય.પણ મારે તો એથી પણ આગળ કહેવું છે કે માત્ર જ્ઞાનેન્દ્રિયોના વિષયો સાથેનાં સંપર્કને જ સુખ કહી શકાય નહી. સાચું સુખ તો ભીતરનું સુખ કે જે કાળને પણ હંફાવી દે તેવું પાવરફુલ અને પોલાદી હોય છે. ક્યારેક સાવ કોરા કાગળ પર કમળનું ચિત્ર દોરતા હોઇએ અને મનમાં સુગંધની એકાદ લ્હેરખી વહેવા લાગે ત્યારે સમજવું કે આપણે સુખની લગોલગ છીએ.અંદરનું સુખ એ જ સાચું સુખ બાકી તો સુખ એવું પંખી કે જે સંતોષની પાંખો લઇને ઉડે , ઘડીભર મનનાં આંગણામાં મજાથી ટહુકે અને પછી એની મસ્તીમં ખલેલ પડતા જ ઉડી જાય દૂર..દૂર..

મને રમેશ પરેખની એક સુખ વિશેની કવિતા યાદ આવી ગઇ જુઓ…તેનો અંશ
” મૂળે ખુશાલિયાને ગોતવું હતું સુખ !
એ અડબાઉંને એમ કે ચોપડીયુંમાં લખ્યું હોય ઇ સાચું હોય.
સુખનાં ઝાડવા ફિલમમાં ઉગે, સુખનાં ફુવારા કવિતાયુંમાં ઉડે
એને તો એમ…
કે સોમવાર અને રવિવારની જેમ સુખ ય હોય !
ટપુભાઇ અને તરવેણીબેનની જેમ સુખ ય આપણી ઘરે આવે!
આ અક્કલનાં ઇસ્કોતરાને કહેવુંય શું ?
પણ,,આપણે તો જાણીયે ચંદુભાઇ…..
કે સસલાને શિંગડા હોય , તો માણસને સુખ હોય. ”
કેવી અદભૂત વાત કરી કવિશ્રીએ!

મિત્રો, સુખ કંઇ આંગળી ચીંધીને બતાવી શકાય તેવી વસ્તુ નથી, જો નાની નાની બાબતોમાંથી શોધી શકો તો હાથવેંતમાં છે નહી તો કસ્તુરીમૃગ જેમ પોતાની નાભિમાં રહેલી સુગંધને પારખી નથી શકતું અને સુગંધની શોધમાં ઉમ્રભર દોડ્યા કરે છતાં ન મળે એમ માણસ પણ દોડ્યા જ કરે ! ટૂંકમાં સુખ એક એવું તાળું કે જેની હજારો ચાવીઓ છે, દરેક પોતાની સમજણ મુજબ એ ચાવી અજમાવીને સુખનો ખજાનો પામી શકે છે.

—પારુલ ખખ્ખર