Itne Hue Karib Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Itne Hue Karib

Name: Parul H. Khakhar

Email: parul.khakhar@gmail.com

5 )

’ઇતને હુએ કરીબ’

==============

क्यूं ज़ींदगी की राह मे मजबूर हो गये,
इतने हुए करीब के हम दूर हो गये.

દરેક વખતે કંઇ વક્તની બદમાશીઓ જ નડી જાય એવુ નથી હોતું ! ક્યારેક ઇન્સાનની કમજોરીઓ પણ કારણ બની જાય છે જુદાઇનું ! એક ખટકો..એક રંજ..એક ખલિશ..છોડી જતો સંબંધ બસ..નિસ્પૃહ થઇને જોયા કરવાનો. એક હાથ જે કદી થામ્યો હોય ઘડીભરના સાથ માટે, સહવાસ માટે…એ જ હાથમાંથી હાથ સરકાવી લેવો જાણીજોઇને…વેલ…અઘરુ..ઘણું અઘરુ હોય…પણ પ્રેમના પંથે સહેલુ તો ક્યાં કશું હોય જ છે !!!

‘મુહબ્બતનામા’ની કિતાબનું આ એક વણસ્પર્શ્યુ પન્નું….
પ્રેમ એક એવી અદૃશ્ય સાંકળ જે જોડી રાખે બે પાત્રને મજબૂતીથી..અને એ જ પ્રેમ એવો કાચો તાંતણો જે સહેજ જોર લગાડતા તૂટી જાય ! એક રેશમી દોર જે સરકી જાય સહેલાઇથી..અને ક્ષણોની દૂરી સહન ન કરી શકતા બન્ને યુગોની જુદાઇનો ફેંસલો કરી બેસે !!!

બે આંખ મળવાની ઘટના તો ગમે ત્યારે ઘટતી હોય છે એનાં કંઇ મુહર્ત ન હોય..કે ન તો છાપાના રાશિભવિષ્યમા જણાવ્યુ હોય.
જોગર્સ પાર્કમાં જોગીંગ કરતા કરતા કોઇ ગમી જાય ..હાય..હેલ્લો થી શરુ થયેલ ઓળખાણ આમળાનાં જ્યુસથી આગળ વધી કોફીહાઉસ સુધી લંબાઇ જાય.

તો ક્યારેક ઓફીસમાં સાથે કામ કરતા કરતા, વાતો કરતા કરતા…ક્યારે લંચટીફીન ની સાથે સાથે સુખદુખ શેર થવા લાગે સમજ ન પડે.

તો વળી ક્યારેક લાઇબ્રેરીમાંથી એક જ પસંદગીની કિતાબો શોધતા શોધતા જીવન કિતાબમાં નવા પ્રકરણ ઉમેરાતા જાય.
તો ક્યારેક વળી એક જ બસ-સ્ટોપ પર બસની રાહ જોતા જોતા એકબીજાની રાહ જોવા લાગે.

ક્યારેક સુગમ-સંગીતના જલસામાં વારંવાર આંખ અથડાઇ જાય..એક જ ગીત પર વાહવાહી કરતા કરતા મનની સિતાર પર છેડી બેસે કોઇ મનગમતા સૂર.

ક્યારેક નવરાત્રિનાં ડાંડિયા સાથે અથડાઇ જાય નજર-હૈયું ને હોશ . અને નવરાત્રિથી શરુ થયેલ ઉજાગરા નવ્વાણુ રાતો સુધી લંબાઇ જાય.

ક્યારેક સોશિયલ સાઇટ પર કોઇ એક ખાસ આઇડીનું મેસેજબોક્ષ વારંવાર ખુલવા લાગે અને કી-બોર્ડના અક્ષરો સાથે સંવેદનાઓ ટાઇપ થવા લાગે.

નિમિત કંઇ પણ હોય..બંધાઇ જાય એક અણદીઠો સંબંધ !! અને પછી શરુ થાય એકબીજાને જાણવા સમજવાના પ્રયત્નો ! અનેક રીતે મુલાકાતો થતી રહે અને અર્ધબીડેલી કળી જેવો સંબંધ ખુલતો જાય ધીમે..ધીમે…એક એક પાંખડી રંગીન…સુગંધી…
‘તને ક્યુ શાક ભાવે?’ થી શરુ થયેલી પ્રશ્નોતરી અંતરમનનાં ખૂણેખૂણા સુધી પંહોચતી જાય ‘દુધીનું શાક !! યાક્ક્ક…ક્યારેય ન ખાઉ’ કહેનારો બંદો ન જાણે કેમ દુધીનાં શાકનો દિવાનો બની જાય ! પહેલા જ વાર્તાલાપમાં ‘હું કોઇ સાથે ચેટ નથી કરતી’ કહેનારી ક્યારે એક ચટબોક્ષની આદત પાડી બેસે એ ન સમજાય !’ હજુ નથી જમ્યો? ચાલ..હું જોઉ એમ જમી લે…’ કહીને ઓનલાઇન જમણવાર ચાલે ! ઉંઘ નથી આવતી ની ફરિયાદ સાથે શરુ થાય ફિલ્મી હાલરડા ! ચન્દ્રગ્રહણની રાતે બન્ને એક જ આકાશ નીચે..એક જ ચાંદની સાક્ષીએ સહિયારી કવિતા લખતા જાય !!’લૂક..મેં નવી નેઇલપોલિશ લીધી. ‘મેં નવા શૂઝ લીધા’ કહીને ફોટો શેર થતા જાય !’નથી ગમતું…યાર..’ કહેતાજ…નાક પર લાલ ટપકાં વાળો જોકર હાજર થાય અને આનંદ મંગળ ! ‘ઓયે..માથું દુખે છે’ સાંભળતા જ ચા નો કપ વહેતો થાય !

અને હંમેશ કંઇ આવુ,,લીસ્સુ લીસ્સુ જ ન હોય ક્યારેક વાતો છેડી બેસે..’દોસ્તી એટલે શુ?’ ‘પ્રેમ કોને કહેવાય ?’ ‘જીંદગીનું ધ્યેય શું?’ ‘સુખી લગ્નજીવનની વ્યાખ્યા શી?’…આમ જ ચાલે ચર્ચાઓ..દાવા..દલિલો…અને ઉઘડતી જાય અર્ધબેડેલી કળીઓ..અને ઓળખાતા જાય બન્ને !

પાણીપૂરી જેવા ખટમીઠ્ઠાસંબંધોમા બન્ને ઓળખાતા જાય અને અસ્તિત્વ પરના આવરણો ઉતરતા જાય ! અબરખી અંચળા સરકતા જાય ! જેવા છે એવા જ બન્ને સામે આવતા જાય..વિચારોનાં…સિદ્ધાંતો ના…જીવનશૈલીનાં .વાણીનાં..વર્તનનાં…ભેદભાવો નજર સમક્ષ આવી જાય અને હવામાં ઉડતા ઉડતા ધીમે ધીમે ધરતી પર ઉતરાણ થવા લાગે.

ખૂબ જતનથી એક એક તારને સાચવીને વણતા વણતા સંબંધનાં પોતમા ગૂંચો પડવા લાગે..અને ગૂંચો ઉકેલવાના પ્રયત્નોમાં પેલા રેશમી તારનાં તાંતણા છૂટા પડવા લાગે ! બહુ ગમતું પોત કુરુપ થવા લાગે..અને નજરમાંથી ઉતરવા લાગે !કેટલાયે અરમાનો સાથે શરુ થયેલું વણાટકામ બોજ બનતુ જાય અને પેલું રેશમી પોત ઠેકઠેકાણેથી તુટેલા તાર, ગાંઠો, ખજૂરાઓથી પોતાની રેશમીયત ગુમાવતુ જાય ! જેને ફાટે પણ ફીટે નહી એવી બાંધણીની ભાતથી સજાવવાનાં કોડ હોય એ જ પોત કંતાનની રૂક્ષતા ધારણ કરી લે…અને અંતે એ ક્યારે પગલૂછણીયુ બની જાય એ સમજ જ ન પડે !

એક એવો મુકામ…જ્યારે બન્ને એકબીજાને ભરપૂર ઓળખતા હોય. એક એક મૂડને…એક એક નજરને..એક એક સંવાદને વગર બોલ્યે સમજી જતા હોય..જ્યાં કશું અલાયદુ, પોતીકું અંગત નથી ! તારુ અને મારુ હવે આપણું બન્યુ હોય અને ત્યારે જ આ ભરપૂર ઓળખવું અજનબી બનવાનુ કારણ બની જાય છે
परखना मत…परखने मे कोइ अपना नही रहेता….
આ ઓળખાણ થયા પછી સમજાય કે..જે દાખલો ગણતા હતા એનુ તો સમીકરણ જ ખોટું છે ! જવાબ ખોટો જ આવે ને ? બંધબાજીથી શરુ થયેલી રમત અંતે આંખો ખોલી નાંખે ! પરખાઇ જાય આખેઆખો જણ….
पहेली बारिश मे ही ये रंग उतर जाते है….
અરીસાનાં શહેરમાં સામસામા આવી જાય બન્ને બેનકાબ…..!!! જે ચહેરા પર સમરકંદ બુખારા કુરબાન કર્યા હોય એનો અસલી રંગ દેખાવા લાગે ! અને શરુ થાય મન સાથે ઝગડો….આ માણસ સાથે ન રહી શકાય !!!

કહેવાય છે કે સંબંધોમાં પુર્ણવિરામ નથી હોતા..બસ..અલ્પવિરામ મુકીને આગળ વધી જવાનુ હોય છે. પણ ના…..જ્યારે કોઇને શતપ્રતિશત ઓળખી લો અને બ્રહ્મજ્ઞાન થાય કે આ મારા માટે લાયક નથી જેને ઓળખવા માંગતા હતા તે તો કોઇ બીજુ જ હતું..અને જે ઓળખાઇ ગયુ છે એ કોઇ ઔર જ છે !!!!ત્યારે….
બધી જ યાદોને પોટલું વાળીને..માળિયા પર ચડાવીને…એ દરેક ક્ષણો જે સાથે જીવ્યા હોય તેને તિજોરીમાં મુકીને…કસકસાવીને પકડેલો હાથ સરકાવીને…હ્રદય પર પથ્થર મુકીને..અધૂરી વાર્તા પર મુકાઇ જાય એક ફુલસ્ટોપ.

—પારુલ ખખ્ખર