માય ચોઇસની મથામણ… Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

માય ચોઇસની મથામણ…

Name: પારુલ એચ.ખખ્ખર

Email: parul.khakhar@gmail.com

‘માય ચોઇસની મથામણ…’

એક સવારે લગભગ આઠનાં સુમારે આંગણાંમાં ઝાંઝરનો અવાજ સંભળાયો, રસોડાની બારીમાંથી ડોકીયું કર્યું તો એક ૧૬-૧૭ વર્ષની નમણી આકૃતિ દેખાઇ. ઘેરદાર ઘાઘરો, રંગીન કમખો અને ભાતિગળ ઓઢણીથી ઢંકાયેલ અર્ધખુલ્લુ મોં ! ચહેરાની નમણાશ જોઇ અણસાર આવ્યો ન આવ્યો ત્યાં જ મંગુબેન પ્રગટ થયા. 'મેડમ આજે વાસણ કરવા નહી આવું આ વહુને મૂકવા રાજકોટ જાઉં છું.' કહીને જવાબની પરવા કર્યા વગર ચાલતાં થયાં પાછળ પાછળ દીકરો વહુ પણ ચાલ્યાં.અરધા પરધા ઘૂંઘટમાંથી ડોકાતી બે માસૂમ આંખો એ ક્યાંય સુધી પાછળ વળીવળીને જોયા કર્યું.

મને યાદ આવી ગયો એ દિવસ જ્યારે મારા કામવાળા મંગુબેન હરખભેર પોતાના દીકરાની સગાઇનો હરખ કરતાં આવ્યાં હતાં. થેલીમાંથી થનાર વહુનો ફોટો બતાવ્યો હતો. ફોટોમાં નમણી, પાતળી, ઘઉંવર્ણી ,નાજુક છોકરી જીન્સ-ટીશર્ટમાં શોભતી હતી.મેં હરખ કર્યા બાદ પૂછ્યું' આ તમારી જેમ ઘરકામ કરશે ?' મંગુબેન કહે 'ના..રે..ના આવી કાચની પૂતળીને કંઇ પારકા કામ ન કરાવું. એ તો મને અને મારા વનરાજને સાચવશે. એય..ને.લીલાલહેર. હું ઘરકામ કરીશ અને એ રસોઇ કરશે. અને હાં મેડમ..આના બન્ને ભાઇ વેરે મારી રાધા અને અંજલીને વરાવી હોં કે !મે કહ્યું કે આ તો સાટા વહેવાર! તો કહે હાં, અમારી વણઝારા કોમમાં આવું જ ચાલે કહીને હરખાતાં હરખાતાં ચાલતા થયાં.

આ ઘટના પછી તરત જ ત્રણેય યુગલોનાં લગ્ન લેવાયા. આ ઘરે વહુ આવી અને દીકરીઓ રાજકોટ સાસરે ગઇ. અહીંયા વહુ દીકરો સેટ થયાં ત્યાં મોટી દીકરી જમાઇ સેટ થયાં પરંતુ નાની અંજલી પહેલેથી જ જરા અલ્લડ, મનમોજી અને માગજની ફરેલી અને સામે જમાઇ પણ અણસમજુ અને લહેરીલાલો હોવાથી ના તો બન્ને એકબીજા સાથે અનુકૂળ થઇ શક્યાં ન તો ઘરનાં લોકો સાથે !દિવસે દિવસે વાંધા વચકાં વધતાં ગયા અને એક દિવસ સાસરિયા વાળાએ નાની દીકરીને સાભાર પરત કરી દીધી.મંગુબેન તો સ્તબ્ધ થઇ ગયાં !આમ તો વિધવા બાઇ પરંતુ મનોબળ જોરદાર ! એણે તો બચકું તૈયાર કરી વહુને કહ્યું 'થા તૈયાર, સાટુ કર્યું છે કંઇ પાંચીકે નથી રમ્યાં. તારો બાપ મારી દીકરીને પાછી મોકલે તો હું એની દીકરીને શાની રાખું?'વહુ તો રડતી-કકળતી રહી, બાપ વતી માફી માંગતી રહી, પતિને વિનંતી કરતી રહી પરંતુ કંઇ જ ન ચાલ્યું. આખરે એ ઘમ્મરિયો ઘાઘરો અને બે લાચાર આંખો મારા ઘર પાસેથી પસાર થઇ ગયાં.

હું વિચારમાં પડી ગઇ મને અચાનક દીપીકા પાદુકોણ અને તેનો 'માય ચોઇસ' વીડિયો યાદ આવી ગયાં.મને થયું એક જ સમાજમાં આટલી અસમાનતા?એક તરફ એક સ્ત્રી સરેજાહેર પોતાની પસંદગીનું લીસ્ટ જાહેર કરે અને અનેક સ્ત્રીઓ એમાં સાથ પૂરાવતી હોય તેમ કહે કે મારું શરીર મારો આત્મા એ મારી મિલ્કત છે એને જેમ રાખું તેમ એ મારી મરજી છે.મારે શું પહેરવું શું ન પહેરવું, મારે કેમ રહેવું કેમ ન રહેવું, મારે કોની સાથે રહેવું કોની સાથે ન રહેવું એ મારી મરજીની વાત છે. મારે ક્યારે, ક્યાં જવું, કોની સાથે જવું,ક્યારે પાછા આવવું એ મારી મરજીની વાત છે.મારા સપનાઓ, મારી અપેક્ષાઓ, મારા લક્ષ્યો, મારી સિદ્ધીઓ, મારા નિર્ણયો માટે હું કોઇને જવાબ દેવા બંધાયેલી નથી.હું પડું, આખડું, જીવું, મરું લોહીઝાણ થાઉ કે ફૂલની પથારીમાં રહું એ મારી પસંદગીનો વિષય છે.કોઇને એમાં દખલઅંદાજી કરવાનો હક હું નથી આપતી.

મારું મન ચકરાવે ચડતું જતું હતું. એક તરફ આ આ નિર્દોષ, લાચાર, બેસહારા છોકરી પોતાના કોઇ જ વાંક ગુના વગર પિયર ધકેલાઇ રહી હતી.અને એક તરફ એક સ્ત્રી પોતાની મરજીની વાત કરી રહી હતે. શું આ છોકરીની કોઇ પસંદ નહી હોય? પોતાના બન્ને ભાઇઓને ઠેકાણે પાડવા પિતાએ પોતાને સાટા પદ્ધતિથી પરણાવી દીધી.પોતાનો નબળો ભાઇ એની નાદાન પત્નીને સાચવી ન શક્યો એ ગુનાની સજા રુપે આજ પોતે આજે બળજબરીથી પતિથી વિખૂટી પડાઇ રહી હતી. પરંતુ અફસોસ...એને એક પણ વખત પોતાની પસંદ જાહેર કરવાનો મોકો આપવામાં આવ્યો ન હતો.સાસુ જાણે કોઇ અદૃશ્ય સાંકળથી ખેંચીને લઇ જઇ રહ્યા હતા , પતિ ચૂપચાપ તમાશાનો હિસ્સો બની રહ્યો હતો અને અને બે માસૂમ પગલાં પરાણે ખેંચાઇ રહ્યાં હતાં. મને વારંવાર એ મજબૂર નજર દેખાઇ રહી હતી. એનાં ઝાંઝરનો ઝનકાર મારા દિલને કોઇ ઉદાસ સૂરાવલીઓ સંભળાવી રહ્યો હતો.

મને એ જ ક્ષણે સીતા દેખાઇ રહ્યાં હતાં. આગલી રાતે તો રાણી થવાનાં સપનાં જોતાજોતા સુતા હતાં અને એક રાતમાં તો આખું ભાગ્યચક્ર પલટાઇ ગયું.કઠોર વનવાસ થયો, માયાવી મૃગજળની લાલસા થઇ, લક્ષ્મણરેખાનો ભંગ થયો, રાવણ દ્વારા હરણ થયું, અશોકવાટિકામાં નર્ક સમાન દિવસો વિતાવ્યા, અયોધ્યા આવ્યા પછી એક સામાન્ય ધોબીના કહેવા પર અગ્નિપરીક્ષા લેવાઇ, અને તો યે અંતે એક ગર્ભવતી સ્ત્રીને જંગલમાં વળાવવામાં આવી.જ્યારે લક્ષ્મણ તેને રથમાં બેસાડીને લઇ જતાં હશે ત્યારે સીતાની આંખ અદ્દલ આ છોકરીની જેમ જ આક્રંદ કરતી હશે ને !એનું મન ચિત્કાર કરીને કહેતું હશે ને કે મારો શું વાંક છે?મેં શું ગુનો કર્યો છે? મને આ સજા શા માટે? કદાચ એ વખતે જનક જેવો બાપ ત્યાં હાજર હોત તો પણ એ કશું ન કરી શકત. આમાં ક્યાં છે પોતાની ચોઇસ? પતિ પસંદ કરવામાં આવતા સ્વયંવરો શું આમ એળે જતાં હશે?રામ જેવા સમર્થ પતિ પણ જો પોતાની સ્ત્રીનો પક્ષ ન લઇ શકે તો એક વણઝારા કોમનો લબરમૂછીયો છોકરો શું કરી શકે ? અહીંયા કોની ચોઇસ ચાલે છે?

સીતા તો ચલો પહેલેથે જ જનકની ડાહી, ડમરી, આજ્ઞાંકિત દીકરી હતી બધું સહન કરી શકવા સક્ષમ હતી પણ દ્રૌપદી? એ તો અગ્નિનું સંતાન.દ્રુપદ રાજાને અગ્નિદેવે આપેલું તેજોમય વરદાન .એની આંખ, એની વાચા, એના વિચારો, એની તમામ લાક્ષણિકતાઓમાં એક તિખારો હતો. એ સ્વયં તણખો હતી. જાણે 'માય ચોઇસ' નું જીવતું જાગતું ઉદાહરણ અને તેમ છતાં કરુણતા જુઓ ! સ્વયંવરમાં અર્જુનને વરમાળા પહેરાવી પરંતુ અંતે તો પાંચ પતિઓની પત્ની બનીને રહી ગઇ.ઇન્દ્રપ્રસ્થની સામ્રાજ્ઞી દ્યુતસભામાં હારેલા, નિર્માલ્ય પતિ દ્વારા હોડમાં મૂકાઇ અને હરાઇ.દાસી બનાવીને ભરીસભામાં નગ્ન કરવામાં આવી. શા માટે? શું વાંક હતો એનો? એણે તો સમગ્ર આર્યવર્તનો શ્રેષ્ઠ પુરુષ પસંદ કર્યો હતો. તો પણ તમામ વસ્ત્રાલંકારો ઉતારી માત્ર વલ્કલ પહેરીને બાર બાર વર્ષ સુધી વનમાં ભટકવું પડ્યું.માત્ર ફળો પર જીવવું પડ્યું.અનેક મુસીબતો વેઠવી પડી શા માટે ? એણે તો પોતાની મરજીથી પતિ પસંદ કર્યો હતો તો પણ આ દશા?

વિચારો તો ખરાં ભારતવર્ષની બબ્બે મહાન રાણીઓ જો પોતાની મરજી મુજબ જીવી ન શકી તો એક વણઝારણ તો કઇ વિસાતમાં? શું હોય છે આ માય ચોઇસ ? સ્ત્રીનાં જીવનમાં ખરેખર માય ચોઇસ જેવું કશું હોય છે ખરું? કોઇપણ નાનકડા ગામની જુદીજુદી ઉંમરની ૧૦૦ સ્ત્રીઓનો સર્વે કરો તો ખબર પડે કે સ્ત્રીઓને માય ચોઇસ જેવું કશું હોતું જ નથી. 'માય ચોઇસ' વીડિયોમાં કામ કરનારી,આ વીડીયોને સ્માર્ટ્ફોન કે લેપટોપ પર જોનારી,આ વીડિયો પર હકારાત્મક કે નકારાત્મક પ્રતિભાવો વ્યક્ત કરતી કે પછી આ વીડિયો પર આર્ટીકલ લખતી સ્ત્રીઓ પાસે જઇને પૂછો કે કોણ પોતાની ચોઇસ મુજબ જીવી શકે છે?

માય ચોઇસ તો માત્ર એવી સ્ત્રીઓ માટે છે જે ઘર પરિવારથી અલગ રહેતી હોય, આર્થિક,માનસિક અને સામાજિક રીતે પોતાના પગભર હોય,જેને સમાજની કોઇ પરવા ન હોય,જે કોઇને જવાબ દેવા બંધાયેલી ન હોય એવી સમાજની કદાચ ૧૦% સ્ત્રીઓ હશે.પણ મુદ્દાની વાત એ છે કે આ બન્ને વાતો અંતિમ છેડાની છે. એક તરફ સાવ છેવાડાનાં પ્રદેશોમાં રહેતી સ્ત્રીઓ કે જે આજે પણ વેચાય, ખરીદાય અને વપરાય છે જ્યારે બીજી તરફ મેટ્રો કલ્ચરની એકલી રહેતી મુંહફાટ સ્ત્રીઓ જે કોઇને જવાબ દેવા બંધાયેલી નથી.પરંતુ આ બન્નેની વચ્ચે એક મોટો વર્ગ છે કે જે ઉચ્ચ/નિમ્ન મધ્યમ વર્ગ કહેવાય છે. આ સ્ત્રીઓ કદાચ કુલ સ્ત્રીઓનો ૬૦% હિસ્સો હશે. આ સ્ત્રીઓ પોતાની લાઇફથી ખુશ છે એને કોઇ ચોઇસ નથી, કોઇ ફરિયાદ નથી. તે ખુશ છે કારણકે તેને ખુશ રહેતા આવડે છે,તેને ખુશી શોધતાં આવડી ગયું છે. એ પોતાના પતિ-બાળકો-વડીલો સાથે એક ખુશહાલ જીવન વ્યતિત કરી રહી છે. એ સીતા અને દ્રૌપદીની કથાઓમાં રડી લે છે પણ રામ કે પાંડવોને દોષી નથી માનતી.એ 'માય ચોઇસ' વીડીયો પણ જોઇ લે છે અને મનોમન મલકી લે છે કે આવું હોય કદી?આમ જો સ્ત્રી ફાટીને ધુમાડે જાય તો તો ઘર કેમ ચાલે? હા..તમે મનગમતાં વસ્ત્રાલંકારો પહેરો, મનગમતા ટેટૂ ચિતરાવો, ચાંદલો કરો કે ન કરો એ તમારી મરજી ખરી પણ જો તમે સમાજનાં પાયાનાં મૂલ્યો પર હુમલો કરો છો તો બાત ગલત હૈ બોસ્સ...

બાકી આપણી જ ભારતભૂમિ પર મરેલ પતિને જીવતો કરવા માટે યમ સાથે ઝગડેલી સ્ત્રી જન્મી છે . આપણીજ ભૂમિ પર રાવણ જેવા અધમ રાક્ષસની સંસ્કારી પત્નિ એવી મંદોદરી પણ જન્મી છે.આપણી ભૂમિ એ જ તારામતિ જેવી પતિપરાયણ સ્ત્રીને જન્મ આપ્યો છે અને આપણે ત્યાં જ એક ભૂલના કારણે પતિના શ્રાપનો ભોગ બનેલી અહલ્યા પણ જન્મી છે જેણે વર્ષો સુધી પથ્થર બનીને તપ કર્યુ છે. જે મહેલમાંથી સીતા વલ્કલ પહેરીને વનમાં જવા નીકળે છે એ જ મહેલનાં કોઇ એકાકી ઓરડે ઉર્મિલા નામની સ્ત્રીએ વર્ષો સુધી પતિ વિયોગ સહ્યો છે. આજ ભૂમિ એ દુષ્યંતની ખોજમાં નગરીનગરી દ્વારેદ્વારે ભટકતી શકુન્તલાને જન્મ આપ્યો છે. ભારતમાતાના ખોળે રમીને ખુમારીનાં અમૃત પી ને ઉછરેલી આ કોઇ સ્ત્રી નબળી ન હતી.આમાંથી કઇ સ્ત્રીનો પતિ નબળો હતો એ કહો ?તેમ છતાં સમય અને સંજોગોના તાપ કોઇને છોડતા નથી. ભલભલા ચમરબંધીને પોતાના ગુલામ બનાવવા સક્ષમ હોય છે.આમાની એકપણ સ્ત્રી હિંમત હાર્યા વગર સમય સાથે લડતી રહી છે.

શું આવા કોઇ વીડિયોથી તમે આખા સમજની ધરોહર બદલી નાંખશો એમ?લખી રાખો કે આવા વીડિયોનાં તૂત વીડિયો સુધી સિમિત છે ત્યાં સુધી સારું છે બાકી જો બાટલીનો જીન બહાર આવી ગયો તો અનેક ઘર બરબાદ થયા વગર નહી રહે.સમાજનું આખું માળખું અસ્તવ્યસ્ત થઇ જશે. આપણાં પૂર્વજોએ મહામહેનતે બનાવેલી લગ્નસંસ્થા, કુટુંબ સંસ્થા, સમાજ વ્યવસ્થા કડડભુસ કરતી તૂટી પડશે.આવા કહેવાતી સ્વતંત્રતાના બણગા ફૂંકતી સ્ત્રીઓ એકલી પડી જશે.અને આ બંડખોર સ્ત્રીઓ ક્યાંયની નહી રહે. ન પતિની, ન પ્રેમીની કે ન બાળકોની. એ કદાચ એવો ગર્વ લઇ જીવી જશે કે હું મારી મરજી મુજબ જીવી છું પણ એ મરજીની બહુ ઊંચી કિંમત ચૂકવી હશે એ કોઇ નહી જાણી શકે.

અંતમાં એટલું જ કહું કે સ્ત્રીને કુદરતે જેવી બનાવી છે એવી જ સહજ તે રહે તે ઇચ્છનીય છે. દયા, લજ્જા, ક્ષમા, પ્રેમ, વાત્સલ્ય જેવા સ્વભાવગત ગુણોનું અવમૂલ્યન કરી 'માય ચોઇસ'નાં ગાજર પાછળ દોડશે તો આખી જીંદગી દોડતી જ રહેશે.અને આફટરઓલ આખો સમાજ આ રીતે ધ્વસ્ત થાય એ તો કેમ પાલવે? સ્ત્રી-પુરુષ બન્ને વડે તો આ જીવન રથ સંતુલિત રહે છે. કોઇ એક પૈડું પોતાની મરજી મુજબ મનફાવતી દિશામાં દોડવા લાગશે તો શું થશે એ વિચારજો.

---પારુલ ખખ્ખર