મારી નજરે
'લફ્જ' - બહુ સામાન્ય અર્થ 'શબ્દ'
આમ તો કોઇ એક શબ્દ કે જે એના પોતાની જગતસુધ્ધામાં જે કાંઇ જરૂરિયાત છે તેને રજૂ કરે છે મારા વિચારોની કલમથી. આ શબ્દ એ એના ખુદના અર્થમાં રજૂઆત પામે છે અને એ જ તો છે 'લફ્જ'.
'લફ્જ'ની તાર્કિકતા રજૂ કરવા કેટલાક આધાર લીધા છે.તેણે ખુદની રજૂઆત કરવા માણસ સાથે સંવાદ પણ આચર્યો છે.
વિશ્વાસ છે તાર્કિક રજૂઆત ઉંડાણથી સમજમાં આવે અને તો જ એને વાંચી-સમજી શકાશે.
સમય સાથે મહત્વ છે મારું ને માણસ સંગ પળેપળ જીવું છું હું.અહીંયાં મારી વાત મારા જ આત્મકથનના સ્વરૂપમાં જણાવવી ગમે છે જયારે મારી યાદો કઈ કેટલાયને સંભારણા સમાન લાગી તો કેટલાયને લાગણીઓની માયાજાળમાં ફસાવ્યા.
ઓળખ પણ કેવી છે મારી! કોઈને ક્યાંક મારા કારણે જ છુટા પડવું પડ્યુને મારી જ કિંમત અંકાઈ ગઈ તો બીજી તરફ મારા માટે ઉંચી બોલીઓ પણ લગાવી દીધી.કોઈ માટે હું એનો જીવ હતો તો કોઈ અન્ય માટે મફતમાં વાપરવા માટેનું હથિયાર હતો.
'જ્યારે જરૂરીયાત પડી બેફામ વાપર્યો છે મને એમણે,
ક્યારેક કેટલાયને મે પણ નિ:શબ્દ કર્યા છે'
રંજ તો આજે પણ રહી જાય છે જયારે યાદોનું વાવાઝોડું આ હૃદય પર હાવી બને છે ને દોષીત એકમાત્ર હું ઠરું છું.
મારો જ એકમાત્ર એ વાંક કે 'મારી જાતને મે બધાંની સામે રજૂ કરી મફતમાં અને કોઇએ એને અમૂલ્ય બનાવી તો કોઇએ રસ્તા પર ભીખ માંગી.
સારુ છે આ મારા કલેજાને ઠંડક મળી એની બધાએ કોઇને કોઇ તો કીંમત ઉપજાવી.'
આ 'સમય' પણ મને ખુબ માન આપે છે.એ જેટલો વહેતો ગયો એટલો એણે મને પણ વહાવ્યો છે.મારા મૂલ્યને એણે સારી પેઠે જાણ્યું છે.ક્યારેક મારી અપભ્રંશતાથી મારા મૂલ્યને એક અનેરી ઉંચાઇ અપાવી છે.હજુયે એના માટે વિચારી રહ્યો છું.ક્યા સુધી એની વણથંભી વણજાર ચાલ્યા જ કરશે! આખરે એના શ્વાસથી મારે પણ આગળ ચાલવું પડે છે.
મે કેટલીય જીંદગીઓ જીવી છે, જાણી છે, અનુભવી છે પણ બસ થાક તો એને જ લાગી જાય છે!
મારે પણ ક્યાંક રોકાવુ છે.કોઇની સાથે એક અજનબી જેવી દોસ્તી કરવી છે પણ આ સમય મને રોકાવા દે જ ક્યા છે!
હવે મારી ઓળખાણ પડી રહી છે એ સારું છે મારા પોતાના માટે કારણ બસ એટલુંજ કે આખરે હું પણ ક્યા સાથ છોડું છું તમારો તમારા અંત સુધી અને એથીય આગળ તમારી ખ્યાતીને હું જ તો પહોંચાડુ છું.આ બધી વાતો તો રહી ગઇ મારી ઓળખાણની !
મને તો જીવવું છે બસ મારી રીતિથી, ક્યાંક તો મને એટલું મહત્વ આપજો જ્યા હું મારા ખુદમાં ચિર નિદ્રાધીન થઇ જાઉ અને કોઇ ઘોંઘાટનો બુંદ પણ મુઝ લગી ના પહોંચે.
વાતો તો ઘણી કરવી છે.મારામાં કાંઇક સારું પણ રહ્યું છે છતાંય એનો ઉપયોગ કરવા કેટલા તૈયાર થાય છે! બસ ઉચાટ એમના મનમાં આવે છે ને ઉપયોગ મારો અદ્વૈતપણે કરી લે છે.આખરે મારી કિમત તો મારા વપરાશ પછી જ થાય છે ને.
વાત પણ કેવી ગજબની છે જ્યા મારી કિમતની વાત આવે ત્યારે કઇ કેટલાય મૂકદ્દરોની ઇન્સાનિયત જોખમમાં પણ મુકાઇ જાય છે કારણ એવું કે એમ પણ હું તો એવો જ છુ ને જ્યા સમય પ્રમાણે ના ઓળખી શકો કે આલેખન ના કરો તો સંકટ તમારા માથે.
હવે જરાક એ મનના ઉમંગ અને ભાવની તો વાત કરીએ જ્યા બધુંજ સ્વીકાર્ય લાગે છે એક ઉંમરના લિહાજમા,વાત જરાક અટપટી છે પણ અકળાઈ દે તેવી છે.જેમાં મારા ખુદ પરનો કાબુ તેઓથી ગુમાવી દેવાય છે. હુ જેનાથી પ્રત્યક્ષ બનું છુ એ પણ એક અજનબી જ તો છે.એની નાનીસરખી હલચલ મને એક રૂપ જ આપી દે છે ને!
બાકી હું પણ ક્યા ઓજસના દિવાતળે મારો સમય વિતાવુ છું? આ તો મારી જ એક ધૂન બની રહી કે મને જાહેર કરી લઉ એટલે જ તો મારો ઉપયોગ અત્યારે તો હું પોતે જ કરી રહ્યો છું.વાત તો થોડીક મનઘડત લાગે છે પણ તાર્કિક રીતે તો સાચી છે એ કદાચ અંતમાં તમને સમજાય.
મારી આ આદત થઇ ગઇ છે સ્વયંને નીચી નજરે દેખવાની, "એટલે જ કદાચ કોઇના પ્રારંભને હું અંતભણી તાણીને લઇ જાઉ છું કારણ માત્રને માત્ર મારું મન એનું નિમિત હોય છે."આમપણ એ તો બહુ ચંચળ છે એવું લોકો કહે છે ને!
ચાલો છોડો વાત મનની, એ પણ વળી મારા પર ક્યા કોઇ અંકુશ રાખી શકે છે? એટલે જ તો અઘટિત રીતે સરી પડું તોય થોડુંના કોઇ રોકી શકે છે મને! એ તો હું જ છુ કે બીજા માંથી વહીને મને ખુદને રોકી લઉ છું.હા પણ એના જોખમરૂપે ક્યારેક સામસામે ગુસ્સો, ઝઘડો તથા અણબોલની સમસ્યા ઊભી થઇ જાય છે એમાય સામસામે તો હું મારી જાતને જ ભિટકાવી દઉ છું ને.
જવા દો વાત,કારણ એટલું કે મારે જ તો એમના મનમાં કે હ્રદયમાં પ્રેમના- મિત્રતાના ભાવ પેદા કરવા પડશે.
મારી મનોસ્થિતિ જ કાંઇક એવી બની ગઇ છે કે મને સમજવો અઘરો બની જાય છતાંય જેઓએ મારામાં અંગતપણે રસ લીધો છે એમણે પળ જાટકતા જ મને ઓળખ્યો છે, એમપણ હું પણ વળી એમનો જ ભાગ છું ને!
મનુ સ્વયંની પ્રગતિ તો કાંઇકઅંશે મારે આધિન પણ રહી છે.વાત વિચારવા લાયક છે એવું ઘણાનું માનવું હોઇ શકે.ઉદાહરણ પણ લઇ જ લઇએ," જ્યા મારો મીઠો પડછાયો એક મુખેથી નીકળી બીજાને કર્ણપ્રિય બને અને એ સાથે જ સંબંધોની માયાજાળ રચાઈ જાય.એક હ્રદયમાં બીજા માટે અમીછાંટણા ફૂટી નીકળે અને જાણે અનેરી મીઠાશ વરસી રહી હોય તેવો અમૃતભાવ પ્રગટ થાય ત્યારે એ દુર્લભ સુખનો સાક્ષી તો હું જ કહેવાઉંને."
મારે સંબંધો સાથે તો આમૂલ્ય સંબંધજાળ છે. મારા ઉપયોગથી જ તો બધાના આંતરમય રહસ્યો તથા આંતરભાવોની રજૂઆત થાય છે જેનો હું પોતે સાક્ષી અનંતને માટે હોઉં છું.
મારી પ્રકૃતિ એ જ મારી પહેચાન એમ માની શકાય.પરિસ્થિતિને અનુરૂપ મારો રૂપ- રંગ-કદ આ બધુંય બદલાતુ રહે છે અને સારું પણ છે કે શરીરના કોઇ એક અજાણ્યા ખૂણે માનસિક રંગ બદલવાની શક્તિ છે. એથી જ માણસ સમય સાથે બદલાયો છે એ સાથે મારું મહત્વ સવિશેષ વધાર્યું છે.
એમ ધારી લો કે એને પરિસ્થિતિને અનુરૂપ (રંગ) બદલાતા ના આવડે તો શુ થાત? એનો પોતાનો અંત શરૂ થઇ ગયો હોત.તે એકબીજાની આંતરમય શારીરિક ભાવનાત્મક લાગણીઓને સમજી ના શકત અને અનુકૂલનને શાસિત પરિસ્થિતિને બદલે એકમાત્ર મારી નાંખવા સુધીનો બદલો લઇ લેત ત્યારે આખરે હું પોતે પણ મારું કર્મ ગુમાવી લેતો.આ બધુંજ કોઇએ રોકી રાખ્યુ છે સદીઓથી, 'એને છેવટે નામ તો ઇશ્વરનું જ આપવું રહ્યું.'
‘સમયને સમય સાથે જોડતી લીપી છું હું,
માણસને માણસ સાથે જોડતી કડી છું હું.’
માનવીના આંતરમય ભાવ માટે તો વાત થઇ પણ એના સ્વભાવ સાથેનો મારો પ્રભાવ ઘનિષ્ઠ માની શકાય.એનો આત્મા હ્રદયથી શું ઝંખે છે એને કોઇના કાન સુધી તો હું જ સફર કરાવું છું.મારી રીશ્તેદારી
કાન સુધી પહોંચાડવાને પુરી નથી થતી પણ હું એના અંદર વલોવાઉ છું.મારા કણે કણ પર મંથન થાય છે અને એના પ્રત્યુત્તરમાં હું સ્વયં અમૃત કે ઝેરના સ્વરુપમાં પ્રત્યુત્તર મેળવનાર વ્યકિતનાં અંતરીમને પામુ છું.
માણસનો સ્વભાવ એના આજુબાજુના વાતાવરણ, લોકો સાથેની આત્મિયતા, ઘનિષ્ઠતા તથા અન્ય ઘણા કારણોને આધીન હોઇ શકે છે.આ બધાની વચ્ચે મારો દબદબો રહે છે તો ક્યાંક કચડાવાનું પણ થાય છે.આ બધા ધોરણો અનુસાર મને પણ અમૂક અમૂક સ્થળોએ તો અનામત મળવી જોઇએ જેથી મારુ આત્મસન્માન જળવાશે છતાંય આ તો એક દિવાસ્વપ્ન જ છે જેમા રાચવું કે સત્યાર્થતા સ્વીકારી લેવી એના પર પ્રશ્નાર્થ અડીખમ છે.
દેશમાં કહેવાતા બૌધ્ધિકોનો જથ્થો વધશે એમ મારો ઉપયોગ પણ બેરાફાટ થશે.પછી ભલેને તેઓ કોઇ એક નિષ્કર્ષ પર આવવા પણ તૈયાર ના થાય.
હું પણ કેવો છું! કોઇ બીજા જ મુદ્દા સાથે મારી વાતને જકડી લઉ છું પણ એટલુ ચોક્કસ કહી શકાય સંબંધોને સાચવનારું પરીબળ જરૂર છું.
મારો વાસ્તવિક જીવનમાં થતો પ્રયોગ સત્યના ઓથા હેઠળ બહું ઓછો હોય છે પણ જૂઠ સાથે તો મારે જુગલબંધી છે.જૂઠનો ઉપયોગ ઘણી વખતે કોઇ અંશે વ્યાજબી પણ હોય છે!વ્યાપારી જો બધુંજ સાચું બોલીને ધંધો ચલાવે તો ઘરવાળા છાશ પણ ના ભાળે.
પશુપાલક દૂધમાં ફેટ વધારવા ઇંજેક્શન વાપરે અને કહી દે તો દૂધ કેટલા લે?
હા એમા ખોટું જરૂર છે પણ એ સાથે એટલા જ આપણે જવાબદાર છીએ એમાં શંકાને નાની સોય જેટલું પણ સ્થાન નથી.
ક્યારેક કહેવાતી વાણી સ્વાતંત્ર્યતાના અવળા ઉપયોગથી બદનામી મારા શિરે ઘડાઇ જાય છે.આવા અધિકારની સાચી પારદર્શિતા પારખનારા બૌધ્ધિકો બહુ જૂજ મળશે.
મારો સચોટ પ્રયોગ થયો હોય તો એ કદાચ અધ્યાત્મના ગ્રંથોનું ક્ષેત્ર ગણી શકાય.જ્યા મને સાચી ઓળખાણના સ્વરુપમાં પ્રસ્તાવિત કરાયો છે પણ સમગ્ર જીવનને આદર્શિતા સમાન વિચારીને.વૈચારિક દ્રષ્ટિએ એ તદ્દન બેહદ કિમતી માની લેવાય પણ અનુભવની દુનિયામાં કદાચ કુવિચારોનો પણ અનેકગણો ફાળો છે જેને અવગણી તો ના જ શકાય કારણ કે એમાંય પ્રયોજન તો મારૂ જ અખંડિત હોય છે.આમ અધ્યાત્મ અને અપરાધિતા તદ્દન વિરૂધ્ધ હોવા છતાંય હું બહું સહજ રીતે તેમા આલોકિત થયેલ હોઉ છું.
માનસિક રીતે થતા અવલોકનોને જ્યારે નિર્ણય ધ્વારા આંકલિત કરાય છે ત્યારે કાંઇક ફર્ક અચૂકપણે રહી જાય છે અને આ મારું વ્યાવહારિક રુપ ઘણી વખતે અજનબી સમાન બની રહે છે.
મને દરેક વખતે નવા વાઘા પહેરાવીને રજૂ કરતા સાહિત્યગુરુઓ તમારો સહર્ષ આભારી બનું એ પણ મારી એક ફરજ છે.
‘લફ્જ હી એસી ચીજ હે
જીસકી વઝહ સે ઇંસાન
યા તો દિલ મે ઉતર જાતા હે યા
દિલ સે ઉતર જાતા હે.’
અલવિદા મિત્રો ત્યારે,
:હવે મને ક્યા અને કેવી રીતે વાપરવો એ તમારી સમજણનો આધાર છે.