Anokho Patra books and stories free download online pdf in Gujarati

અનોખો પત્ર

અનોખો પત્ર

મિત્રતા કરવી એ ક્યારેય ગુનો હોતો નથી પણ કોઈ વિજાતીય મિત્ર બનવું અને લાંબા સમય સુધી તે મિત્રતાનું ટકી રહેવું એ બસ એક મિત્ર માટે કદાચ બહુ કઠીન હોય છે અને એટલે જ સાહિત્યમાં કહેવાયું છે કે,’કોઈ સ્ત્રી-પુરુષ લાંબા સમય સુધી મિત્ર રહી શકતા નથી,’કોઈ એવો સમય આવી જાય છે જયારે તેમની વચ્ચે કોઈ ત્રીજા પાત્રનો પ્રવેશ થાય છે.જો ત્રીજું પાત્ર સમજુ,વિવેકબુદ્ધિ ધરાવનાર અને સત્યાર્થતાને ઓળખી શકનાર હોય તો તે જ મિત્રતા પારિવારિક સંબંધો જેવી ગહન બનતી હોય છે અને આ બધામાં એક નિર્દોષતા હોય છે.આ બધું જ જો અનિશ્ચયતાની ગહનતામાં વહન પામી જાય તો ત્યાં બધું જ ખતમ થઇ જતું હોય છે પછી ભલેને નિર્દોષતા અહમ રીતે પોતાનું પ્રમાણ આપતી હોય.મિત્રતાના એક અહમ પડાવનો કદાચ એક દુખદ અંત પણ આવી શકે છે. જે બહુ સરળતાપૂર્વક દર્શાવતો પ્રેમભર્યો કટાક્ષપૂર્ણ પત્ર હૃદય સોંસરો ઉતરી પણ જાય.

કદાચ બની શકે આ છેલ્લો પત્ર હોય મારો તારા હૃદય ભણી.હા,વાતો તો આપણે કરતા જ રહીશું ને જયારે પણ સમય મળશે.હવે કદાચ વાત વાતમાં થતી મઝાક નહી હોય.એકબીજા માટે મિત્રતા વાળો પ્રેમ તો હજુયે છે અને રહેશે.પેલું જે હેત ઉભરાઈ આવતું હતું ને એ કદાચ હવે નહી ઉભરાય કારણ તો તું જાણે જ છે ને.આમ છતાયે કહી દઉં તો એ તારો જ તો પ્રસંગ હતો ને જ્યાં ઉભરાઈ હું રહ્યો હતો.અંદરને અંદર.મને પણ જાણે શું થયેલું ખબર જ ક્યાં રહી હતી કારણ કે પ્રસંગ તારો હતો તારી જીંદગીના બંધનનો.હું તો નાનો હતો એટલે મારા આશીર્વાદ તો તારે ક્યાં લેવાના હતા? બસ તારે તો ફક્ત પાસે આવીને એક વખત પહેલા જેવું હસી લેવું હતું ને! મારા હેતના ઉભરા કદાચ બેસી જાત પણ આજની જેમ સુકાઈ તો ના ગયા હોત.

હા, હજુયે મને તારી માટે પ્રેમ છે.યાદ છે તને આપેલી સળંગ બે વર્ષથી એકની એક જ પ્રોમિસ એ આ ત્રીજા વર્ષે તને ક્યાં આપી શક્યો? એ તો હું જ બાઘાની જેમ ૫ મિનીટમાં ૧૦૦ વખત તારી વોટસ એપની સ્ટેટસ અને પ્રોફાઈલ જોઈ આવ્યો એય તે મને બ્લોક કર્યો હોવાની જાણ છતાયે.આ બધા શાના વાવાઝોડા હતા એ તો મને આજેય સમજાતું નથી.

“તારી સહિયારી વાતોમાં ક્યાંક આછપ જોવા મળે છે મારા મનની,

બસ તું જ થોડીક બદલાઈ જા ને આછપનો પડછાયો નીકાળવા.”

મારું મન તો ક્યારનું ભ્રમિત બની રહ્યું હતું અટલતાની વિસ્મયતા ભણી પળોથી.બસ હવે સમય તારો જ છે.તને તારા માટે પળ એક પળથી વહાવી શકે છે.હું તો બસ એ માત્ર ને નીરખવાને હાજરી પુરાવી રહ્યો છું.’વાતો તારી હતી ને સમય મારો નીકળતો હતો.હવે હું સમયને નીકળું છું ને વાતો તારી કરું છું.’

બહુ રડ્યો મનમાં.જાહેરમાં તો રડી જ ના શકું ને.હું તો કઠણ માણસ છું એ બધાયે જાણે પછી મારી બનાવેલીં એ છાપનું શું થાત? બહુ ઘવાયો અંદરથી ત્યારે જ તો ફોન જોડ્યો હતો તને.હા, બહુ લાંબા અંતરાય બાદમાં વાત કરી રહ્યો હતો પણ તે તો ફોન ઉપાડીને મારી ઓળખાણના પુરાવા જ માંગ્યા હતા ને,’હા કોણ બોલો છો?’ ‘ઓળખાણ આપતો તો શું આપતો? આપણા વચ્ચે એટલું તો ખાસ કાંઈ હતું જ ક્યાં? હું તો વાત કરવી ઠીક, તને દેખીને ધરબાઈ જતો હતો એ તો તને પણ ક્યાં ખબર નથી?’

આ બધી વ્યથા તો ઠાલવી જ દઉં ને આજે.હવે પછી તો હેત પણ નહી ઉભરાય.હવે આપણો એ મિત્રતાકાળ પુર્ણાહુતી જ તો પામી રહ્યો છે.નવા એંધાણ થશે અને એમાયે આપણે મળીશું તો ખરા જ ને..! આ મનનું પણ કેવું....વાર્યું ના વળે એ હાર્યું વળે.મેં પણ હાર સ્વીકારી જ લીધી.

વાતોની શરૂઆત તો આપણી ફેસબુકમાં જ થઇ હતી.મેં પણ વળી ક્યાં હિંમત કરી લીધી હતી તારો નંબર માંગવાની.હા કોઈ પછતાવો તો નથી જ કારણ કે એ વીતેલો સમય અત્યાર સુધીનો શ્રેષ્ઠ સમય હતો અને બની શકે પૂરી જીંદગીમાં એ બે વર્ષ હૃદયના કોઈ બહુ નાનકડા ખૂણામાં છુપાઈ રહ્યા હશે અને મારા જ હૃદય પાસે આશા રાખું છું કે એ છુપાયેલા જ રહે.એની યાદમાત્ર દિલને રડાવી જાય છે પણ ડીલને નહી.મારું ડીલ તો બહુ કઠોર છે ને.કદાચ એ લાંબા લાંબા કન્વર્ઝેશનના ચેટીંગ બહું મઝાના હતા પણ હવે એક મેસેજ પણ ક્યાં નસીબ હોય છે? એક સમય હતો ઈન્ટરનેટ ચાલુ કરતા જ પહેલો મેસેજ તારો હોતો.આજે દસ દસ મેસેજ હોવા છતાયે તારું નામ ક્યાં નજરે પડે છે?

મેં તો કહ્યું હતું બદલાઇ જઈશ પણ તુ એ સ્વીકારવા તૈયાર નહોતી અને આજે બધું ઉલટું.હું તને એ માટે સહેજ પણ દોષિત નથી માનતો....આ તો બધું સમય જ કરાવે છે ને બાકી આપણે તો ખોળીયાના જીવમાત્ર જ છીએ.આપણા હાથમાં ક્યાં કાંઈ છે?

તને હજુ પણ સામે દેખું તો મોઢેથી લફ્જ નીકળવો મુશ્કેલ બની જાય છે બાકી તું તો દુર થી પણ બુમ મારીને બોલાવતા ક્યાં શરમાય છે? શરમના ઓવારણા તો મને જ લેવા ગમેં છે ને....તારા સવાલનો ઉત્તર જ ક્યાં વાળી શકું છું? અને પછી એ જ સવાલ માટે થઇ ને બહુ લાંબા લાંબા ઉત્તર મેસેજથી જ વાળતો હતો પણ હવે ક્યાં એ બધું થવાનું? હવે તો તારા સવાલ સામે ઉત્તર મનમાં જ રહી જાય છે ને...! મને બહુ ઓરતા આવી જતા તને દેખવાના એટલે જ તો તારા પહેલા હું તારું ટાઈમટેબલ વિચારી લેતો અને એ સાચુયે પડતું ને આજે મારું એક અનુમાન જો સાચું પડે તો..!

ભાગવું છે હવે બહુ દુર સુધી બસ એકલા એકલા જ.પહેલા તો બહુ દોડ્યો છું એ તારા સંગાથે જ.તારો ટેકો એ જ મારો આત્મવિશ્વાસ ને તારા વિચારો એ જ મારો જીવ.હજુ સુધી હું એ ટેકા માટે થઈને જ તો તારી પાછળ પડ્યો હતો ને આખરે તે પણ ટેકાનું રાજકારણ જ રમ્યું ને.હું તો એકલો જ રહી ગયો ને.અંદરથી ભાંગી પણ ગયો.બહુ હોંશે હોંશે કહેતો ફરતો હતો ને હું તો તારા વિચારોની વાતો.હવે જાણે તારો કોઈ ઉલ્લેખ માત્ર કરે છે તોયે ચિડાઈ જતા ક્યાં વાર લાગે છે...! સહમી જાઉં છું પણ આ બધું કોના માટે?

મુલાકાતો તો બહુ મઝાની રહી છે અત્યાર સુધી અને હજુયે એકથી એક યાદ છે અને એ પણ ક્યાં પાંચથી વધારે હતી તો ભૂલાય.એક પણ વધી જાત તો બહુ ખુશી થાત પણ કદાચ એ તારા શેડ્યુલમાં સેટ ના થાત.

કાતર પણ કેવી મઝાની ફેરવી લીધી એ મારી મિત્રતાની પાંખ પર.હવે તો એ પાંખ ઉડસે પણ કેવી રીતે...! ઇયલમાંથી બનેલા આ રંગેબેરંગી પતંગિયાને ફરી પછી ઈયળ બનાવી લીધી ને.હવે આ ઇયળને પણ રેશમ બનાવવાનો શોખ જાગ્યો છે.એણેય કોશેટા બનાવવાનો નિર્ણય કર્યો છે એય એકલા હાથે.તું પણ રેશમના ટુકડામાં જ અંગુઠીઓ રાખે છે ને તો કદાચ તને જ એ કામ આવે.મારામાં એટલો હોંશ જ ક્યાં રહ્યો છે કે તારી અલગ અદા મારાથી ઓળખી શકાય.

બસ લથડતા લથડતા પણ તારી પાછળ દોરવાતો રહું છું.હવે તો ક્યાંક છેડાળી ગાંઠ મળે તો ખોલી નાંખ ને.નથી પામવું તને કે નથી દોડવું એમ જ – અમસ્તા જ.”છે કોઈ એવો રસ્તો તારી પાસે? હોય તો બસ એક વખત બતાવી દે ને પછી નહી કરું તારી સાથે કોઈ જીદ.”

આ પત્રમાં સમાવિષ્ટ દરેક વાત કાલ્પનિક છે.બની શકે કે કોઈની લાગણી આ રીતે પણ વ્યક્ત થતી હોય. આમાં અદ્રેતપણે લાગણીઓની માંગણી થઇ છે.

BY-PRATIK MODI

Mo. No:-7359838735

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED