રિયા નિખિલ મર્ચન્ટ( લવસ્ટોરી) pratik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિયા નિખિલ મર્ચન્ટ( લવસ્ટોરી)

વફા સે બેવફાઈ તક ક્યા બોલે હમ,

જબ જીના હી હે ખુદ કે સમંદર મેં.

'હેલ્લો નિખિલ મર્ચન્ટ..!’ પ્રાચીએ પાછળથી હળવો થપ્પો આપતા વહાલ ઉપજાવ્યુ.

નિખિલે કોઇ જવાબ ના વાળ્યો એટલે પ્રાચી વધુ ગિન્નાઇ.’અરે નિખિલ કાંઇ જવાબ ના આપે તો ઠીક પણ થોડુંક સ્માઇલ તો આપી શકે ને..! તું તો આ દશ દિવસમાં સાવ ભૂલી ગયો કે તારે કોઇ પત્ની પણ છે.સ્ટેશન પર રિસીવ કરવા તો આવવું હતુ.’

આટલું લેક્ચર સાંભળવા છતાંયે નિખિલ ક્યાંક અંતરિમનાં ઉંડાણમાં ખોવાઇ રહ્યો.તેને જાણે કાંઇ સંભળાતુ જ નહોતું.છેલ્લા થોડાક વર્ષોમાં એના મનમાં એક નવી જ દુનિયા રચાઇ ગઇ હતી અને તે એમા જ રહેવા લાગ્યો હતો.ભલે તે આ દુનિયામાં એક આલિશાન મકાનમાં રહેતો હતો પણ એની બનાવેલી દુનિયામાં એણે બનાવેલું ઘર વિખેરાઇ ગયુ હતું.તે આવારી ઝુંપડી જેવુ પણ રહ્યું નહોતુ.આખરે ઝુંપડીમાં રહેવા વાળાને પણ સાથ આપનાર કોઇ તો હોય છે.અને નિખિલ..! એ તો બાપડો ત્યા એકલો જ વિચરતો હતો કે પછી વિહરતો જતો હતો.તે વધુ ને વધુ ઉંડો ખાડો ખોદી રહ્યો હતો એની બનાવેલી દુનિયામાં.

આ બધું જ પ્રાચી સુપેરે જાણતી હતી.તેના પણ નિખિલે બનાવેલી દુનિયાને વિખેરવાના પ્રયત્ન મોટેપાયે ચાલુ હતા અને કદાચ એટલે જ એણે નિખિલને ઘરે મુકીને દશ દિવસ જેટલો સમય ભૂખ્યા-તરસ્યા રાત-દિવસ એક કરીને ગજબની શોધ ચલાવી હતી.તે કોઇ એવી હથોડી શોધી રહી હતી જેના એક જ ઠપકારાથી નિખિલની બનાવેલી દુનિયા વિખેરાઇ જાય અને તે ફરીથી એ જ હાજરજવાબી મઝાકીયો નિખિલ બની જાય પણ આ તેનું નસીબ પાંગળુ સાબિત થતુ જઇ રહ્યુ હતું.

પ્રાચી બેડરુમમાં જઇને રડી પડી.ભગવાનનો પણ શુ વાંક નિકાળે..!તેને તો ભગવાને બધું જ આપી દીધું હતું.તેના કોલેજમાં ક્યાં કઈ ઓછા ફેન હતા.તેણે તો મા-બાપની આજ્ઞા સાથે મનનું જ માન્યું હતું ને.

નિખિલની વાત એના 10 વર્ષ જૂના અતિતમાં લઇ જઇએ તો બહુ આકર્ષક તો નહી પણ સમજદારીમાં હોંશ પિછાવી જાણનારો હતો.ભણવામાં બહુ હોંશિયાર તો નહી પણ હોંશ રાખનારો જરૂર હતો.

શાળાના દિવસો પૂરા કર્યા ને વેકેશનનો સમય ચાલી રહ્યો હતો.ફરવાનું બહું ગમે નહી છતાંયે બધા મિત્રોનો ફોર્સ અને પ્રેમ હતો કે નિખિલે કમને કાશ્મીર ટ્રેકીંગમાં જવું પડ્યું.નિખિલ ટ્રેકીંગ ગયો તો ખરા પણ ત્યાં બહુ મન નહોતુ લાગી રહ્યુ.તેને ઘરથી દુર આવી પહેલીવાર બેચેનીનો અહેસાસ થયો.તેણે પાંચેક દિવસ માંડ નિકાળ્યા ને ત્યાંથી ભાગ્યો સીધો ઘર તરફ.પોતે એકલો જ હતો પણ હિંમતવાળો.એકલા સફર કરવાનુ નક્કી કરી લીધું હોઇ મિત્રોને હેરાન કર્યા વિના દિલ્હીથી પાછા કેમ્પમાં મોકલી દીધા.

સફરની શરૂઆત થઇ ગઇ પણ તેના માટે કંટાળાજનક બની રહી હતી.કલાક જેટલો સમય વિત્યો હશે ત્યાં આગળના સ્ટેશનેથી એક છોકરીનો ડબ્બામાં પ્રવેશ થયો.તે એકલી જ હતી.તેની યાત્રા તો માંડ ત્રણેક કલાકની જ હતી.નિખિલના મઝાકીયા સ્વભાવથી બંનને ઓળખાણ બનાવતા વાર ના લાગી.છોકરીએ ઓળખાણમાં પોતાનુ નામ રીયા આપ્યુ સાથે નિખિલે પણ પરિચયમાં કાચું ના કાપ્યું.બંનેની ઉમરમાં 3 વર્ષનો ફરક હતો આમ છતાયે તેમની વાતોમાં કે વિચારોમાં કોઇ ફેર નહોતો.કોણ જાણે કેમ પણ એટલી ટૂંકી મુલાકાતમાં બંનેએ એક આકર્ષણ અનુભવ્યું.વાતો ખુબ જોરેથી થતી રહીને એમાં રિયાને ખબર જ ના રહી કે ટ્રેન એનું સ્ટેશન ક્યારનુંયે છોડી ચૂકી છે.

તે પોતે પણ સારી યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએશનનાં છેલ્લા વર્ષમાં હતી.હોસ્ટેલમાં રહીને ભણતી હોવાથી માણસને સમજવાની શક્તી અદમ્ય હતી.તેણે નિખિલને જાણ્યો-સમજ્યો અને તે ઉંમરની બાધા જાણતી હોવા છતાંયે આકર્ષણ પામી ગઇ.આગલા સ્ટેશન પર રિયા ઉતરી.તે એકલી હતી.ત્રણ કલાક પછી ઉતરેલી રિયાને પોતાના સાથમાં કાંઇક છૂટી રહ્યુ હોય તેવુ લાગી રહ્યું હતું.આ બાજુ ટીનએજને છોડીને જવાનીનાં ઉંબરે પગ મૂકી રહેલા નિખિલની હાલત પણ કાંઇક છૂટી રહ્યુ છે એવી હતી.તે પોતાની જાતને ના રોકી શક્યો અને લાંબી સફરને છોડી તે સ્ટેશન પર ઉતરી ગયો બસ ફક્ત ત્રણ કલાક જુના આકર્ષણ માટે કે પછી મિત્રતા માટે.

રિયા પણ નિખિલને સ્ટેશને ઉતરેલો દેખીને મનમાં ખુશી અને બહાર અચંબાના ભાવ સાથે બાંકડા પરથી ઉભી થઇ ગઇ.તેને કાંઇ સમજ ના પડી કે થઇ શું રહ્યું છે અને પળ બેપળ માટે બાઘાની જેમ ઉભી રહી પછી એણે નિખિલ ભણી દોટ મૂકી ને એને બહુ મજબૂતીથી બાહુપાસમાં જકડી લીધો.નિખિલ પણ જાણે ઉભરાઇ રહ્યો હતો ને પકડ મજબૂત બનાવી.થોડો સમય પ્લેટફોર્મ પર આમ જ ઉભા રહી ગયેલા આ પંખીઓને કંઇ કેટલાયે લોકોએ નિહાળ્યા હશે પણ એમને ક્યાં કોઇ દુનિયાની પડી હતી.તેઓની તો એક સહીયારી દુનિયા આ થોડા કલાકોમાં ઉભી થઇ ગઇ હતી.

થોડાક સ્વસ્થ બન્યા પછી બંને બાંકડા પર બેસી રહ્યા કલાકો સુધી.થોડી મિનિટો સુધી બંને પક્ષે ગર્ભિત શાંતી રહી.કેટલીયે ટ્રેનો પસાર થઇ ગઇ પણ તેમની શાંતીમાં ખલેલ ના પહોંચાડી શકી.બંનેએ એ સ્થળ પર જ અઠવાડીયુ રહી જવાનુ નક્કી કરી લીધું.ઘરેથી પણ કોઇ ચિંતા જેવુ હતુ નહી.નિખિલ પોતે ટ્રેકીંગમાં હશે એવુ ઘરવાળા વિચારતા હશે અને રિયા તો હોસ્ટેલમાં રહેતી હતી એટલે ચિંતા જેવું હતું નહી.શહેર પણ અજાણ્યુ એટલે કોઇ સંબંધીના ભાળમાં આવવાની શક્યતા નહોતી.

તેઓનો પ્રેમ બહુ નિખાલશ હતો.એમા વાતો હતી,ભાવ હતા,મિલન હતુ પણ હવશ નહોતી કે નહોતી વાશના.તેઓની દુનિયા બહુ મજબુત બની રહી હતી.તેઓએ હર એક સપનાને ભેગા કરી આલીશાન ઇમારત ઉભી કરી લીધી.તેમા સાથે મળીને રંગો ભર્યા અને પોતાનો એક પરિવાર ઉભો કર્યો પણ તેઓએ એક ભૂલ કરી અને વિચાર્યુ જ નહી કે આ સપનાની દુનિયાને વાસ્તવિકતા સાથે ક્યાંય દૂર દૂર સુધી નાતો નથી.અઠવાડીયામાં ખૂબ જ વાતો થઇ અને એક સંબંધજાળ રચાઇ કે જેના હર એક પહેલુએ ગાંઠ વધુ ગંઠાતી જતી હતી.આ પ્રેમ શરીરને એકમેકમાં પરોવવા નહોતો થયો પણ કોઇ એવા ખૂણામાં ગાંઠે ભરાયો હતો કે એના ધાગા ખૂદ એમને જ નહોતા મળી રહ્યા.

છૂટા પડવાનો સમય આવ્યોને તેઓ બંને અંદરથી રડી પડ્યા અને વિધીની વક્રતા જુઓ કે એમને છાના રાખનારું કોઇ નહોતું.મોબાઇલ નંબરની આપ-લે થઇ અને છૂટા પડ્યા ને સાથે વર્ષમાં એકવાર આજ સ્થળ પર મળવાના વાયદા થયા.

સમયની ટ્રેને પટરીઓ છોડવા માંડીને ગતિ તેજ બનાવી.નિખિલે સારું રિઝલ્ટ મેળવ્યું ને વેકેશને પૂર્ણાહૂતિ જાહેર કરી.નિખિલના ઉચ્ચ અભ્યાસની તૈયારીઓ ચાલી ને સારી કોલેજમાં અમદાવાદમાં જ એડમિશન લઇ લીધુ.નિખિલના પ્રથમ વર્ષની શરૂઆત સાથે જ રિયાનુ ગ્રેજ્યુએશન પુરુ થયું.રિયાને નોકરી માટે બીજે સ્થળે જવાનું થયું ને સમય વિતતો ચાલ્યો.

શરૂઆતમાં તો બંનેના સંબંધની જાણ કોઇને ના થઇ પણ અજાણતા ક્યાર સુધી છૂપી રહી શકે..!નિખિલની મમ્મીને આ બાબતે અંદાજ આવવા લાગ્યો અને છેવટે બધી જ જાણ થઇ ગઇ.તેમણે સીધી રિયા સાથે જ વાત કરી અને આ બધું જ રોકી લેવાનુ કહ્યું.તેઓને નિખિલના કરિયરની ચિંતા હતી અને આ વાત રિયાને સમજાવી.રિયાએ પણ નિખિલ માટે સારું વિચારી વાત કરવાનું બંદ કરવા નિશ્ચય કર્યો અને નિખિલની જાણ બહાર જ તેનો નંબર બદલી લીધો.

નિખિલને થોડીક ચિંતા થઇ પણ કોઇ ફેમિલી રિઝન માનીને ચાલવા દીધું.સાથે કોલેજનું ગ્રુપ હતુ એટલે એકલાપણું લાગતું નહી પણ કોઇવાર લાગણીનું પૂર આવી જતુ તો સંભાળવું મુશ્કેલ બનતુ.મિત્રો પણ ‘ચાર દિન કી ચાંદની’ જેવી વાત સમજાવીને ફોસલાવી દેતા.હવે તો ખુદ નિખિલ પણ મિત્રોની વાતો માનવા લાગ્યો અને કોલેજ પણ પૂરી કરી લીધી.

આટલા લાંબા ગાળામાં અંશત: બંને બધું ભૂલી ચુક્યા જેવું જ હતુ.નિખિલ એ નોકરીની શરૂઆત કરી લીધી એના એકાદ વર્ષ પછી બધુ સારૂં હતુ.પોતાની આવક પણ સારી હતી.ઉંમર થવા સાથે પોતાના જ કોલેજ ગ્રુપની એક મિત્રની મિત્ર સાથે બધુ ગોઠવાઈ ગયુ.બંને વચ્ચે સારુ જામતું હતું.લગ્નનો સમય આવ્યો અને નિખિલે પોતાના અંગત મિત્રોનું લિસ્ટ બનાવવું શરૂ કર્યુ.બધાને પત્રિકાઓ અપાઈ ગઇ અને તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો.લગ્ન પતી ગયા પછી રિસેપ્શન ગોઠવાયું.

અબ અંજામ ભી કિસ કિસ ચીજ કે ભૂગતે,

જો ગુન્હા કિયે હી નહી સજા ઉન્હી કી મિલે.

નિખિલ બધાને એકપછી એક મળી રહ્યો હતો અને પોતાના બોસને મળ્યો.તે પળ-બેપળ માટે હેબતાઇ ગયો અને સામેપક્ષે પણ એવુ જ થયું.તે બોસ માટે નહી પણ તેની બાજુમાં ઊભેલી પત્નીને.તે રિયા હતી.બંને બહુ ઉંડાણમાં ચાલી ગયા.નિખિલ થોડીક સ્વસ્થતા સાથે વોશરૂમ જતો રહ્યો.પેલા લાગણીઓના પૂર ઘણી વખતે આવીને થંભી જતા હતા તે આજે ઘોડાપૂરમાં તબદીલ થઇ ગયા.તેના હાર્ટબીટ અસહજ બની ગયા.નિખિલની પત્ની પ્રાચી પણ નિખિલ પાસે આવી અને અચાનક આ રીતે આવતો રહ્યો એટલે બધુ બરાબર છે એવુ પૂછી લીધુ.નિખિલે પરસેવો લૂછીને સ્વસ્થ હોવાનો દેખાવ કર્યો.

अक्सर देखा हे इश्क मे पूरानी यादें धोखा दे जाती हे।

खुशी के पल रूलाते हे ओर गम के पल हसाते हे।

રિયાએ પણ વધુ તકલીફ ના પડે એટલે માથુ દુખવાનું બહાનુ કાઢી રિશેપ્શનમાંથી નીકળી જવાનુ મુનાસિબ માન્યુ પણ જતા જતા એક કામ કરતી ગઇ.પોતાનુ કાર્ડ નિખિલના હાથમાં આપતી ગઇ.

નિખિલ માટે હવે સવાલ અટપટો ઉભો થયો.હવે કરવું શુ? એક તરફ પોતાના લાગણીઓના પૂર પોતાના જૂના પ્રેમ તરફી ઉભરાઈ રહ્યા હતા તો બીજી બાજુએ પત્નીનાં પૂર પતિ તરફી ઉભરાઈ રહ્યા હતા.આ લાગણીઓની નદીમાં પોતે વચ્ચે ડેમ બનીને ઉભો હતો.આ બધી ગડમથલમાં પ્રાચી હારી અને રિયા જીતી ગઇ.

સામાન્ય દિવસમાં નિખિલ એ કાર્ડ સાથે રિયાને મળવા પહોંચ્યો.રિયા ઘરે જ હતી અને એકલી હતી.તેણે નિખિલને આવકાર્યો.દરવાજામાં જ બંનેની નજર એકબીજામાં ખોવાઈ રહી અને એકબીજાને કસીને જકડી લીધા એ જ સ્ટેશનનાં પ્લેટફોર્મ પરના પ્રથમ આલિંગનની જેમ.ત્યારે દેખવાવાળા ઘણા હતાને કોઇ ભય નહોતો આજે દેખવાવાળું કોઇ નથીને ગભરાહટ ખુબ હતો.આજે ભીડનો અવાજ નહોતો ને હ્રદયમાં કોલાહલ ખુબ હતો.

જૂની યાદો તાજી કરી ને બંને ક્યાંક હસ્યા તો ક્યાંક રડ્યા.દિવસ આમ જ વિત્યો અને હવે તેમની વચ્ચે સમાજનાં બંધનો હતા.બીજી બે જીંદગીઓ જોડાઇ હતી છતાંયે પ્રેમ જપીને બેસવા દે તેમ હતુ નહી.અંગત મુલાકાતો કરવાનું વચન આપ્યું અને નિખિલ જતો રહ્યો.મુલાકાતો વધી અને આ બાજુએ પ્રાચી પ્રત્યેનો મોહ, ભાવ અને અંગતતા ઓછા થવા લાગ્યા.પ્રાચી પણ નોકરી કરતી હતી એટલે તેના ધ્યાનમાં આ બધુ ઓછું આવી રહ્યું હતુ.

બે-ત્રણ વર્ષ વિત્યા અને એ સાથે મુલાકાતોનો દોર વધ્યો હતો ત્યાં જ રિયાના પતિને આ મુલાકાતોની જાણ થવા લાગી.વાત પૂરી ધ્યાનમાં આવતા રિયાના પતિએ પહેલાં તો પોતાના પાવરથી નિખિલને નોકરીમાંથી નીકાળ્યો અને પછી ખુદ કંપનીની બીજી ઓફીસમા શિફ્ટ થઇ ગયો.રિયા શહેર છોડી ચૂકી હતી અને નિખિલ નોકરી.હવે પહેલાની જેમ બંનેમાંથી કોઇપણ એકબીજાને ભૂલી શકે તેમ હતું નહી.

નિખિલ અંદરને અંદર ખવાઈ રહ્યો હતો ને આ તરફ રિયા.પ્રાચીને થોડોક અંદાજ આવવા લાગ્યો અને તેણે પૂરી જાણકારી મેળવી લીધી.તેણે મનોમન નિશ્ચય કરી લીધો કે પોતાની જીંદગી બગડશે તો ચાલશે પણ નિખિલનો રિયા સાથે મેળાપ કરાવીને જ જંપશે.તેણે પ્રયત્નો આચર્યા રિયાને શોધવાના પણ તે પાછી પડી રહી હતી.

આ તરફ એકલા રહેલા નિખિલના હ્રદયમાં પેલા છૂપાયેલા ધાગા કણસી રહ્યા હતા.નિખિલે પોતે જ બનાવેલી દુનિયામાં પેલી આલિશાન ઇમારત શોધવાના પ્રયત્નો આદર્યા હતા પણ એક ઝૂંપડી જેવુયે હાથ નહોતુ લાગી રહ્યુ.

અલ્ફાજ તો અબ તેરે હી હે મુઝ મેં,

હે અલવિદા તુજે જાને અંજાને મે.

ધાગા ખેંચાતા રહ્યા અને નિખિલ કણસતો રહ્યો.પ્રાચી પણ હવે પાછી પડી રહી હતી અને છેવટે નિખિલ બરાબર ગૂંચવાયો.તેની દુનિયા ગૂંચવાયી અને પ્રાચીને અન્યાય કર્યા વિના તેના જ ખોળામાં માથું હંમેશને માટે મૂકી દીધું.પ્રાચી ખૂબ રડી.એ બંનેને મેળાપ ના કરી શકવાનો તેને રંજ રહી ગયો હતો.

શ્રદ્ધાંજલી આપવા પ્રાચીએ અખબારમાં આપ્યું.અખબારમાં નિખિલના બાજુમાં જ અડીને એક બીજી શ્રદ્ધાંજલી હતી અને એ નામ હતુ રિયા નિખિલ મર્ચન્ટ. એ અખબાર હાથમાં લેતાં જ પ્રાચી પડી ગઇ અને ખાલી ખોળીયું બની ગઇ.આખરે પ્રાચીએ પણ પ્રેમ કર્યો હતો કોઇને કોલેજમાં અને તે નામ હતું નિખીલ મર્ચન્ટ.