બાળપણની સરખામણીએ આજ pratik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળપણની સરખામણીએ આજ

બાળપણ: એક સ્મરણકથા

“કહેવાય છે દુનિયા માં પાપ વધી જાય ત્યારે ભગવાન ખુદ આ દુનિયામાં માનવ સ્વરૂપ ધારણ કરી ને અવતરે છે.હવે આ વાતને નક્કી ભગવાન કરે કે આપણે, ‘ફર્ક તો દુનિયા ને જરૂર થી પડવાનો છે.’ પણ એનો સમય નિશ્ચિત કરે કોણ ? છેવટે આપણી પાસે ધાર્મિક ગ્રંથો હોય છે એનો આધાર સર્વોત્તમ માની લઈએ છીએ.બધા પાસે સમય કે જ્ઞાન નથી કે તેઓ બધું વાંચી શકે કે એને સમજી શકે.આ માટે સમાજ ને સર્વશ્રેષ્ઠ કહી શકાય એવા ગુરુજનો નો આધાર પણ મળ્યો છે અને તેઓએ જેમને આ બધું જ્ઞાન પીરસ્યું છે એ વિકાસ પામતા બાળમાનસને.”

હવે સમાજ જીવન માં બાળકો ને જ પહેલા કેમ પસંદ કરવામાં આવ્યા એ માટે ચોક્કસ માનવીય પૃથ્થકરણનું અનુમાન લગાવી શકાય.હવે વાત વિજ્ઞાન સાથે આગળ વધારવી નથી. આપણે માત્ર યાદ એટલું કરવું છે કે કેવી બાળપણની ખુશીઓને આપણે આજના સમયમાં પણ વાગોળી લેતા હોઈએ છીએ.ક્યાંક આપણી નાદાનિયત પર તો ક્યાંક કોઈ જ અપેક્ષા વિનાની એ બાળપણની જિંદગી પર હસવાનું મન થઇ આવે.તો ફરી એને માણવા મળે તેવી અભિલાષા પણ જાગી ઉઠે

આપણે નાના હોઈએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આપણને આપણા જન્મને લઈને થાય છે.કોઈને પૂછીએ એટલે બહુ પ્રેમથી કહે ભગવાનનું વિમાન આપણને આ દુનિયા માં લઇ આવ્યું.આ બધા સવાલ-જવાબ પહેલા જ બાળક એકમાત્ર ઓળખતું હોય તો એની માતાને એના જન્મની સાથે.તેના માટે તો ભગવાન પણ એ જ હોય છે ને દુનિયા પણ તે. હરહંમેશને માટે માતા માટે ય એનું બાળક કોઈ પણ ઉંમરે બાળક જ હોય છે.

જન્મથી લઇને જિંદગીના અંત સુધી માણસ કંઈક ને કંઈક શીખે છે એમ છતાયે જો તે સૌથી વધારે શીખતો હોય તો તે એના બાળપણ માં જ. એ જન્મે છેને ત્યારે તે કોરા કાગળ જેવો જ હોય છે.’એને કશી ખબર નથી હોતી આ દુનિયાના રિવાજો-કુરિવાજોની.’ એને જન્મથી જ શીખવાડવામાં આવે છે એટલું તો તેઓ બાળપણ માં શીખી જ લે છે.આપણી ભાષા-બોલી,શિષ્ટાચાર,લાગણીઓના આટાપાટા,આત્મીયતા તથા કઈ કેટલુંયે!

જન્મથી લઈને નજર મેળવતા શીખવું, પડખા ફેરવવા, બેસતા બેસતા રડી પડવું , ગાય ગાય ચાલવું અને છેવટે એક-દોઢ વર્ષમાં લથડતા લથડતા પડતા પડતા ચાલતા શીખવું.આ બધાને આપણે યાદ તો નથી રાખી શકતા પણ એની યાદો વડીલો દ્વારા સાંભળીને પોતાના પર જ આનંદ થઇ આવે છે.પોતાના દ્વારા કરાયેલા પરાક્રમો આજે પણ કોઈને હોંશે હોંશે કહેવાનો એક અનેરો આનંદ હોય છે.એ વાતોમાં આજે પણ કોઈ દંભ દેખાતો હોતો નથી,હોય છે તો એકમાત્ર એ સચવાયેલી લાગણીઓનું વાવાઝોડું.

બાળપણ માણસને ત્યારે જ યાદ આવે જયારે તે કોઈના કે પોતાના વહાલસોયાને રમાડતો હોય.તેને ક્યાંક ખૂણે સંગ્રહ પામેલી પોતાની એ પળો અતીતના અહોભાવમાં લઇ જાય છે.’એ જ ઉઘાડા પગે ભરઉનાળે રખડવાની મઝા. ના કોઈ રોગની ચિંતા કે ના તો પગ દાઝવાની.એ બાળપણ પણ કેવું જ્યાં ૫ રૂપિયાની ગાડી ચલાવવાની મઝા આજની વૈભવી કારમાં પણ નહી. ત્યાં ના તો સમયની ચિંતા હતી કે ના તો સંબધોની.વડીલોએ આપેલી રૂપિયાની નોટોની મિલકત હતી ને લખોટીઓની ભરેલી બોટલ હતી.સાંજે રમત રમતમાં લડાઈ થતી ને સવારે શાળાએ સાથે એમની જ જોડ હતી.’

સમય તો ક્યાં બદલાયો છે? બદલાયા છીએ તો ખુદ આપણે. ઓફિસની બેગ કે લેપટોપની બેગ ઘરે એમ જ મુકીને બહાર મેદાનમાં ભાગી જવાની ઈચ્છા જ ક્યાં થાય છે આજે? ગ્લોબલાઇઝેશનના સમયમાં આજે આપણા ફેસબુકના ફ્રેન્ડલીસ્ટમાં હજારોની સંખ્યામાં મિત્રો હશે પણ કોઈ એકને પણ તમે તમારી અંગત લાગણી પ્રગટ નહી કરી શકો પછી ભલેને તમે અમુક મિત્રો સાથે દિવસનાં ૧૨-૧૨ કલાક કામ જ કેમ ના કરતા હોવ? એકમાત્ર તમે સૌથી વધારે સરળ હશો તો એ તમારા નાનપણના મિત્ર સાથે,’પછી ભલેને તમે એને વર્ષો પછી જ મળતા હોવ છો.’ તમે જાણતા હોવ છો એને કે એ તમારી લાગણીઓને સમજી શકશે અને કદાચ નહી પણ સમજે તો એને ઠેસ તો નહી જ પહોંચાડે.આ જ વાત તમને જિંદગીના ગમે તેટલા કઠીન પડાવ પર હોવ પણ એક બાળમિત્ર મળ્યેને દિલાશો બહુ સારો મળે છે.

સમય સાથે બદલાવ આવે છે અને આવવો જ જોઈએ.ક્યાંક પરિસ્થિતિને પ્રમાણે કેટલાક અનુકુલન સાધી શકતા નથી તો પણ એમણેય ઘસડાવું તો પડે જ છે.સમય અનુસાર બાળરમતોમાં પણ બદલાવ આવતો રહે છે.પકડા-પકડીની રમત યાદ હોય કે સંતાકુકડી(સ્થળ પ્રમાણે નામ અલગ હોઈ શકે). બીજી બધીયે ઘણી રમતો. અત્યારે તો મોબાઇલમાં ગેમ રમવા માટે એન્ડ્રોઇડનું ઊંચામાં ઊંચું વર્ઝન અને વધારે મેમરી વાળા મોબાઇલને જ પ્રાથમિકતા અપાય છે.આ બધી રમતો માનસિક શ્રમ વધુ અને મઝા બહુ ઓછા પ્રમાણમાં આપે છે.તેમ છતાયે પરિસ્થિતિને અનુસાર એને રોકી ના શકાય.આજકાલ એટલા ખુલ્લા મેદાનો પણ ક્યાં રહ્યા છે કે બાળકો જૂની રમતોને ન્યાય આપી શકે?

અત્યારના સમયમાં આપણને કોઈના દ્વારા આપવામાં આવેલ કે પોતાની જાતે નક્કી કરેલ પડકારો પ્રાપ્ત કરવામાં થોડી પણ મુશ્કેલી પડે ત્યારે નાસીપાસ થઇ જઈએ છીએ.આ બધી ચિંતાઓ તો બસ એ સમયે જ નહોતી.મન શાંત રહેતું ને કઈ પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળે તો પણ રાત્રે ઊંઘ બહુ જલ્દી આવી જતી.વિચારોના ગોખલામાં ખોખલાપણું નહોતું.એ સમયે કોઈપણ રમત હોય એને જીતવાનો ઉત્સાહ હતો ને હાર મળે તો હસતા મોઢે સ્વીકાર કરવાનો મોકો રહેતો.બસ આજે તો એકમાત્ર અભિનય જ કરી શકીએ આ બધાનો!

માસુમિયત અને નિખાલસતા બહુ જવલ્લે જ દેખવા મળે આજે.નિર્દોષતા એ બાળકને ભગવાનનો દરજ્જો અપાવવા બહુ જ સક્ષમ છે.નાના હોઈએ ત્યારે કોઈપણ સારા કે આડા અવળા કામ કરીએ પણ આપણી ભાવના કર્મદોષવિહીન હોય છે.મગજમાં પેદા થતા ગુસ્સા જેવા ભાવો બહુ લાંબા સમય સુધી ગઠિત રહી શકતા નથી.

માર પડવી એ ઘણી વખતે બહુ સામાન્ય બાબત બની જાય છે.અમુક બાળકોને તો પોતે જે કામ કરી રહ્યા છીએ એના પરથી જ અંદાજ હોય જ છે કે ઘરમાં કોની અને ક્યારે પડશે અને તેઓ તૈયારી સાથે જ ઘરમાં એન્ટ્રી મારે.ઘણાને ઘર કરતા શાળામાં માર ખાવામાં વધુ અનુકુળતા આવે છે.કારણો પણ બહુ જોરદાર બની રહે જેમ કે કોઈ સહાધ્યાયીને મારવો કે પછી લેશન ના કરવાના પહેલેથી જ સમ લીધેલા હોય. ઘણી વખતે મમ્મીના હાથે માર ખાનારા સાણસી/વેલણ/સાવરણીથી ટેવાયેલા જ હોય છે અને એના માટે પડવાની શરૂઆત સાથે જ યોગ્ય પોઝીશન લેવાની પણ અનેક પાસે કુનેહ હોય છે.આ બધુંય આપણી અણગમતી પણ ગમતી પરીસ્થીતીમાંનું જ એક ડગ હોય છે.

જીદ કરવી એ માણસને પોઝીટીવ અને નેગેટીવ એમ બંને છેડે ધકેલવા સક્ષમ છે.ફક્ત આપણો દ્રષ્ટિકોણ કેવા પ્રકારનો છે એ બાબત વધુ અગ્રતા માંગે છે.એક બાળક તરીકે ઘણી વખતે જીદ્દી સ્વભાવ તેને માર ખવરાવી દે છે કાં તો તેના પરીવારને મુશ્કેલીમાં મૂકી શકે છે.હંમેશાં નાના હોઈએ ત્યારે આપણી પાસે કોઈપણ વસ્તુના સારા-નરસાનો ભેદ પારખવો મુશ્કેલ હોય છે અને તે માટે આપણે પ્રયત્નશીલ પણ નથી હોતા.આપણને રસ હોય છે તો જે તે પસંદ આવેલી વસ્તુને મેળવવામાં.આ માટે જ આપણે જીદ્દી વૃતિ રાખીએ છીએ પણ આગળ જતા તે આપણા કાયમી સ્વભાવનો ભાગ બને છે અને સારું-સાચું દિશાસૂચન પામીએ તો જિંદગી સફળ બની જાય છે.

બાળપણની એ ઘણી ઘણી વસ્તુઓ આપને મિસ કરતા હોઈએ છીએ જે શાળામાં પહેરવાનો ગણવેશ હોય કે પછીએ ગળામાં નાછૂટકે પહેરવું પડતું મંગળસુત્ર જેવું આઈડી કાર્ડ હોય.એ જ કાળા બુટ ફાટી જાય ત્યારે થીગડું મરાવીને પહેરવાની નાનામ નહોતી અને આજે એક થોડા ફાટેલા દોરાવાળા બુટ પહેરવામાં પણ સંકોચ આવે.સ્કુલ હોય કે કોઈનો લગ્ન પ્રસંગ ,’બુટમાં મોજા તો બ્લુ કલરના જ રહેતા.’ કંપાસ નવું હોય કે જુનું પણ સાધન ગોઠવવાનું પ્લાસ્ટિક ટકાટક રહેતું.પેન્સિલના છોલને દૂધ સાથે મિક્ષ કરીને રબર બનાવવાની અસલી માનેલી નકલી વાતો હોય કે પછી અણી મોટી બનાવવા વાળંદને ત્યાથી વપરાયેલી પતરીઓનું(બ્લેડ) કલેક્શન હોય.શાળાજીવન દરમ્યાન મુખ્યત્વે આપણું ધ્યાન બીજા કરતા ચોપડાના સારા કવર હોવા જોઈએ-બ્રાન્ડેડ હોવા જોઈએ,સ્કૂલબેગમાં ખાના વધારે હોય,કંપાસમાં સાધનો નવા હોવા જોઈએ,ક્રિકેટરોના સ્કોરકાર્ડ મોંઢે હોય કે પછી કાર્ટુનની નવી સીરીઝની વાત હોય.આપણો નંબર આ બધાની ગંભીર ચર્ચામાં અવ્વલ રહે તેનું ધ્યાન રાખતા પણ કોઈ સાથે હરીફાઈમાં ઉતર્યા વિના.

છેવટે વધતી ઉમરે સમજદારી પણ વધે છે ને જવાબદારી પણ.ફરી એ જ બાળપણ બીજી પેઢીમાં દેખીને ફક્ત હરખાવાનું જ હોય છે. હા કેટલાક હોય છે જે બાળક સાથે મળીને ફરીથી પોતાનું બાળપણ જીવી લેતા હોય છે.બસ ગમે તે માણસ હોય તેને કોઈ દી તો એ વિસરી જ આવે છે અને ભૂલવું પણ ક્યાં હોય છે કોઈ ને.એને તો બસ વાગોળે જ રાખવું હોય છે સમયના સંગાથે સઘળી પળોમાં.