Jathar books and stories free download online pdf in Gujarati

જઠર (love story)

જઠર

નયને સાંજે ઘરમાં પ્રવેશતા વેંત જ જોરથી પાણી માટે બુમ મારી.થોડી વાર થઇ છતાંય ના પાણી આવ્યું કે ના તો કોઈ જવાબ.નયને સોફા ઉપર પગ ફેલાવતા ફરી એકવાર બુમ મારી.ઘરમાં શાંતિ છવાયેલી હતી અને ત્યાં જ નયનના કાન ખૂણેથી આવતા અવાજ બાજુ મંડાયા.કોઈના ડુસકા ભરવાનો અવાજ આવી રહ્યો હતો.નયનને અચાનક આમ રડવાના આવતા અવાજથી ફાળ પડી.તેણે ઘરમાં રસોડામાં જઈને નજર ફેરવી તો આરોહીને રડતી દેખી.

તેણે બહુ જલદીથી આરોહીને સંભાળી લીધી અને પોતાના ખભા સરસી લગાવી દીધી.નયને વ્હાલ ઉપજાવતા કહ્યું,”અરે આરોહી થયું છે શું? આટલું રડે છે કેમ?”

જવાબમાં આરોહીએ બસ રડવાની તીવ્રતા વધારી દીધી.તે ડુસકા ભરવા લાગી.નયને તેને ઉભી કરી અને સોફા પાસે લઇ આવ્યો.નયન આરોહી માટે પાણીનો ગ્લાસ લઇ આવ્યો.આરોહી થોડીક સ્વસ્થ થઇ.

નયને ધ્યાન ભટકાવવા તેની સાથે ગમ્મત ચાલુ કરી અને થોડીક જ મીનીટોમાં આરોહીને મૂડમાં લાવી દીધી.આરોહી પણ હવે થોડીક મજબુત બનવા લાગી હતી.એકલતામાં વિચારેલી હકીકતની એ કાલ્પનિક ઘટનાઓની અસર તેના દિમાગમાંથી ઓછીં થવા લાગી હતી.

એ સાંજે નયને આરોહીને બહાર જમવા લઇ જવાનું નક્કી કર્યું અને આરોહીને પોતાને ગમતો ડ્રેસ પહેરવાનું કહ્યું.આરોહીને તૈયાર થતા થોડીક વાર લાગી રહી હતી અને આ બાજુ નયન સોફામાં બેસીને આરોહી માટે વિચારી રહ્યો હતો.’કેમ રડતી હશે એ. એવું તો કોણ બોલ્યું હશે એને ‘ આમ કઈ કેટલુંયે ભમી રહ્યું હતું એના મોટેભાગે શાંત રહેતા દિમાગમાં.

આરોહી તૈયાર થઈને આવી ગઈ.તેણે પણ નયનને કઈ અજુગતું ના લાગે એ માટે મનને મનાવ્યું હતું એનો મનપસંદ ડ્રેસ પહેરવા કે પછી એની સાથે હોટેલમાં જમવા જવા માટે.તે અંદરથી ભાંગી પડી હતી એટલે જ એની જાતને નયનની સામે પણ રડતાં રોકી શકી નહોતી.તે નયનની સામે ટેબલ પર નયન સાથે આંખમાં આંખ નહોતી પરોવી શકતી.નયનનો પ્રયત્ન ચાલુ જ હતો કે તેની સાથે આરોહી નજર મેળવે તો પછી તે કંઈક વાતની શરૂઆત કરી શકે.

આરોહી દ્રીધામાં હતી.તેને ખબર હતી કે તે આંખો મેળવી લેશે તો પછી કઈ જ છુપાવી શકશે નહી.નયનની એક અનોખી તાકાત હતી આંખમાં આંખ મેળવીને વાત કરવાની.તે સામેવાળી વ્યક્તિને વિશ્વાસમાં લઇ શકતો અને એટલે જ તે કંપનીમાં માર્કેટિંગ મેનેજરની પોસ્ટ પર બહુ જલ્દીથી પહોંચી ગયો હતો.

કાંઇક વાતની શરૂઆત થાય એ પહેલા જ તો ઓર્ડર આવી ગયો.નયનની જમતી વખતે વાત ના કરવાની ટેવ આરોહીને હજુ એક મોકો આપી રહી હતી એક ખોટી કહાની બનાવવા.આરોહી બહુ જલદીથી જમીને ટેબલ પરથી ઉભી થઇ ગઈ.

નયન આરોહીને સમજી શકતો નહોતો કે તે કરી શું રહી છે.તે હજુ સુધી બસ વિચારી જ રહ્યો હતો.આરોહી રડતી કેમ હતી...! તે પણ બહુ જલદીથી ઉભો થઇ ગયો અડધું જમવાનું રાખીને.

બીલ ચૂકવીને બન્ને બહાર બેસી રહ્યા.બસ એમ જ શાંતિથી આકાશભણી નજર રાખીને...! આજે તો બંનેને આકાશ પણ ખાલી લાગી રહ્યું હતું.એ શાંતિમાં નયનની વાતોની શરૂઆત થવાની તૈયારી હતી ને આરોહીનો ગભરાહટ વધી રહ્યો હતો.

‘આરોહી તું મને એટલું તો કહી શકે ને તું રડતી કેમ હતી’ , નયને આકાશભણી નજર રાખતા જ પૂછ્યું.

‘નયન પ્લીઝ, મને મોમ-ડેડની યાદ આવી હતી એટલે જ. નો મોર રીઝન યાર.’, આરોહીએ કમને હસીને કહ્યું.

‘ઓહ નો આરોહી, તારા મોઢેથી જૂઠું બોલવું સારું નથી લાગતું.’ નયને ઉત્તર વાળ્યો.

આરોહી,’આઈ એમ શ્યોર યાર.બીજું કોઈ કારણ નથી.’

‘હવે આપણે ઘરે જઈશું’ આરોહીએ વાત બદલતા કહ્યું.નયને કંઈપણ બોલ્યા વિના ઉભા થઈને ગાડીનો સેલ મારી દીધો.બન્ને ઘરે પહોંચ્યા અને પથારી ભેગા થઇ ગયા.મોડે સુધી રાત વીતી ગઈ પણ બંનેમાંથી કોઈને પણ ઊંઘ નહોતી આવી રહી.બસ ખાલી આંખો મીંચીને પડ્યા રહેવાનો ઢોંગ ચાલી રહ્યો હતો.બંનેના વિચારોની ટ્રેન બસ અલગ અલગ પાટાઓ પર ખતરનાક ગતિથી આગળ વધી રહી હતી.નયનની ગાડી ભૂતકાળમાં ધસી રહી હતી તો વળી આરોહીની ભવિષ્યમાં.એક જ સ્ટેશનેથી ઉપડેલી ટ્રેનો એકબીજાની વિરુદ્ધમાં ધમધમી રહી હતી.

નયન ભૂતકાળમાં સંપૂર્ણ રીતે ઘુસી ગયો હતો.તેણે અને આરોહીએ તો દુનિયા સામે જંગ લડ્યો હતો.તેઓના પ્રેમને સ્વીકૃતિ આપવા તૈયાર કોણ હતું?..તે મનોમન સવાલ જવાબની રમત તેની અંદર રહેલા એક બીજા માણસ સાથે રમી રહ્યો હતો.બંનેના પરિવારના વિરુદ્ધ જઈને તેમણે કોર્ટ-મેરેજ કર્યા હતા.તેઓના સંબંધની ગાંઠો કદાચ એટલી મજબુત હતી કે તેમના પરિવારજનોથી પણ નહોતી તૂટી શકી.આખરે બધાએ નમતું જોખ્યું હતું.આરોહીના ઘરવાળા તો હજુ સુધી વાત નહોતા ક્રરતા પણ નયનના પરિવારજનો આવી જતા કોઈ દિવસ.લગ્નના પાંચ વર્ષ થયા હોવા છતાયે આરોહીએ આ રીતે તો ક્યારેય મમ્મી-પપ્પાને યાદ કરીને રડ્યું નહોતું.નયન સમજતો હતો.આજે કારણ કંઈક જુદું જ હતું પણ આરોહી સાચું કહેતા અટવાઈ રહી હતી.તે બસ આ બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં આરોહી પણ ભવિષ્યમાં સડસડાટ જઈ રહી હતી.

આરોહી વાત છુપાવવા માંગતી હતી એટલે જ આજે તેણે બપોરે મમ્મીને ફોન કર્યો હતો. દીકરીનો અવાજ પાંચ વર્ષ પછી સાંભળીને મમ્મી તો ખુશીથી પાગલ થઇ ગઈ હતી.આરોહી પણ અંદરથી મજબૂત બની રહી હતી પણ તે નયનને દુખ પહોંચાડવા નહોતી માંગતી.તેને પોતાના વારેઘડીયે પેટમાં દુખવાની બીમારીનુ સાચું કારણ મળ્યું હતું.પેટમાં દુખાવાની ફરિયાદને નયને પણ કઈ એટલું ધ્યાને લીધું નહોતું.તે ગેસટ્રબલ સમજીને સોડા પીવરાવતો અને આરોહીને મટી પણ જતું હતું.

નયનની જાણ બહાર જ આરોહીએ શહેરના સ્પેશીયાલીસ્ટ ડોક્ટરને બતાવ્યું હતું.છેલ્લા ત્રણ મહિનાથી એની દવા ચાલી રહી હતી પણ રીઝલ્ટ નહોતું મળી રહ્યું.આખરે એક રીપોર્ટમાં તેના રોગનું મૂળ મળી આવ્યું હતું.ડોકટરના મોંઢેથી વાત સાંભળતા જ આરોહીના પગતળેથી જમીન સરકી ગઈ.તેને પેટમાં ગાંઠ થઇ ગઈ હતી.તેનું જઠર બરાબર કામ નહોતું કરી રહ્યું.મોટી દ્રિધા એ હતી કે આનું ઓપરેશન શક્ય નહોતું.તેમાં ફક્ત આખું જઠર કાઢીને બીજી કોઈ વ્યક્તિનું જઠર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તે શક્યતા હતી અને તે પણ સફળ જાય કે નહી તેની કોઈ ગેરેંટી હતી નહી.

આરોહી બસ આ વિચારમાં જ ખોવાયેલી હતી.તેને ખુદને મરવાનો ડર નહોતો પણ તેના ગયા પછી નયનનું શું થશે એ વિચારમાત્રથી તે ગભરાઈ રહી હતી.નયન તો વિચારો કરતા ક્યારે સુઈ ગયો એનું એને ભાન જ ના રહ્યું પણ આરોહી હજુ જાગી રહી હતી.તે કંઈક એવું કરવાનું વિચારી રહી હતી જ્યાં નયનને તેના મરવાનો કોઈ વસવસો ના રહે.તેણે બહુ ઊંડું વિચાર્યું આખી રાત.

સવારે ઉઠતાવેંત જ નયનની એક નાનીસરખી ભૂલમાં તેણે મોટો ઝઘડો કરી લીધો.તેણે આ વીતેલા પાંચ વર્ષમાં આવી રીતે ક્યારેય ઝઘડો નહોતો કર્યો.તેણે નયનને ના કહેવાનું કેટલુયે કહી દીધું.આ બધુંયે કરતા આરોહી અંદરથી દુખી થઇ રહી હતીં.તેણે નયનને બહુ ઉશ્કેર્યો અને આખરે નયનથી તેના પર હાથ ઉપડી ગયો.આરોહીને જે કરવું હતું તે કામ થઇ ગયું.છેલ્લા પાંચ વર્ષમાં ના બનેલી ઘટનાઓ આ સવારના પહોરમાં બની રહી હતી.છેવટે આરોહીએ બેગ ભરી લીધી.જે ઘરેથી બધા સંબંધો પૂર્ણ કરીને તે નીકળી હતી ત્યાં પહોંચી.ત્યાં એના માવતરનું ઘર હતું આખરે ના તો કોણ પાડવાનું હતું.

આ બાજુ નયન બપોર સુધી ઝઘડાના વિચારોમાં જ ખોવાયેલો હતો.તેને ભાન જ ના રહ્યું કે આરોહી તેને છોડી ગઈ છે.આરોહીએ કહેલા શબ્દો તેના કાનમાં વારેવારે સંભાળાઈ રહ્યા હતા.આ શબ્દો તેનામાં કડવાહટ ભરી રહ્યા હતા.તે વધુને વધુ કઠોર બની રહ્યો હતો.સમય વીતતો ગયો અને નયન એકલો પડવા લાગ્યો.અંદરને અંદર ખોવાવા લાગ્યો.પરિવાર મદદે આવ્યો.તે જુના ઘરે રહેવા લાગ્યો.જે સંબંધ પરિવારને ગમ્યો જ નહોતો એમના માટે તો આ ક્ષણ આનંદની હતી.નયનને વધારે કડવો બનાવ્યો.તેને આરોહીથી દુર થવાની જીદ કરતા શીખવાડવામાં આવ્યું.

આરોહી બહુ દુખી હતી.તે જાણતી હતી નયન નહી આવે અને એટલે જ તેને થોડીક શાંતિ પણ હતી.આરોહીના ઘરે તો આખરે વાતની જાણ થઇ જ ગઈ.તેની દવાઓ ચાલુ હતી અને દુખ વધી રહ્યું હતું.આરોહી કણસતી હતી અને બીજી બાજુ નયનનો અંદરનો માણસ નયનને ફરીને ફરી આરોહીની યાદ અપાવી રહ્યો હતો.નયનની મન પરની પકડ ઢીલી થઇ રહી હતી.તે આરોહી માટે પાગલ બની રહ્યો હતો.

તેણે આરોહીની માહિતી મેળવવાનું નક્કી કર્યું અને નયનને બીમારીની જાણ થઈ.તે ડઘાઈ ગયો.તેની આરોહીએ આટલું બધું છુપાવ્યું.તેને બધું સમજતા વાર ના લાગી.તેણે આરોહીના ઘરે તપાસ કરી પણ ત્યાં કોઈ ના મળ્યું.તે કદાચ ફાઈનલ સ્ટેજમાં હોસ્પીટલના બિછાને પડી હતી.નયને મળવા બહુ પ્રયત્ન કર્યા પણ ના મળી શક્યો.આઈસીયુમાં રહેલી આરોહીને ફક્ત તે કાચમાંથી દેખી શકતો હતો.તે ડોક્ટરને મળ્યો.બધી જાણકારી મેળવી.નિરાશ થયો પણ હવે શું..!

ફરીથી તે તેના અને આરોહીના બનાવેલા ઘરે પહોંચ્યો.ઘરને ફંફોસ્યું અને બેડ નીચેથી આરોહીનીં ડાયરી મળી આવી.તેણે એક જ શ્વાસે વાંચવાની શરૂઆત કરી.તે ત્યાં જ રડી પડ્યો.તે બુમો પાડી રહ્યો હતો,’આરોહી,બસ એક મારા માટે થઈને જ તે ખોટો ઝઘડો કર્યો.મારા માટે જ મને છોડી દીધો.’તે સીધો હોસ્પિટલ પહોંચ્યો.

‘મિ. બાદલ, યુ હેવ વન ગુડ ન્યુઝ. સર વી હેવ વન પર્સન.હી ઈઝ રેડી ટુ ડોનેટ હીઝ બોડી નાઉ’,ડોકટરે ખુશીથી કહ્યું.

બહુ ઝડપથી ટ્રાન્સપ્લાન્ટ થઇ ગયું.આરોહીનું ઓપરેશન સફળ રહ્યું.આરોહીને લાગી રહ્યું હતું કે તેની જીંદગી હવે ચાલશે.તે નયનની સાથે એના સુખદુઃખમાં સાથ આપી શકશે ત્યારે એણે નયનને ફોન જોડ્યો.ફોન બંદ આવી રહ્યો હતો.આરોહીને નયનના ગુસ્સાનો ખ્યાલ હતો એટલે એણે જાતે જ નયનને મળવા જવાનો નિર્ણય કર્યો.તે તેના ઘરે પહોંચી પણ ત્યાં લોક હતું.તે સીધી નયનના ઘરે પહોચી.ઘરની બહાર નીરવ શાંતિ હતી.તેણે દરવાજો ખોલ્યો અને બસ સામેની દીવાલ બાજુ દેખતી જ દરવાજામાં પડી ગઈ.

હવે વારો આરોહીનો હતો અને એણે ટેબલ પર પડેલી પેલી ડાયરી જોઈ.તેણે તે ખોલી.એમાં કંઈક લખેલું હતું.વાંચવાની શરૂઆત કરી અને ચોંધાર આંસુ એ રડી પડી.

“અરે ગાંડી,બસ તે આટલી એક વાત માટે તારા નયનને દુર કરી લીધો.તે કદાચ પેલી હોટેલમાં જ મારી સાથે આંખ મિલાવીને વાત કરી લીધી હોત તો.આપણે એકબીજાને સાથ આપવાની ખોટી કસમ તો ખાધી નહોતી એમ છતાયે તે કસમ તોડી ને.પણ હું નહી તોડું.તને જીવાડીશ.તારામાં જીવીશ.તને દરેક વખતે યાદ આવીશ બસ જમતી વખતે વાતો ના કરતી.મને તારા પેટમાં મારું કામ કરવા દેજે.”

Email- modhpratik1@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED