નિષ્ટિ - ૧૯ - ઋણસ્વીકાર Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૧૯ - ઋણસ્વીકાર

નિષ્ટિ

૧૯. ઋણ સ્વીકાર

‘બપોરના ચારેક વાગ્યે રાજેશનો ફોન આવ્યો કે એ સાડા ચાર વાગ્યે ઓફિસેથી નીકળવાનો છે. નિશીથ અને ત્રિનાદ રાજેશ ઓફિસેથી નીકળે એ પહેલા જ તેની ઓફિસે પહોચી ગયા. નિશીથને જૂના સહકર્મીઓને મળવાનો મોકો મળી ગયો. બધાએ નિશીથને ખૂબ આદરભાવથી સત્કાર્યો. અહીંથી જોબ છોડ્યા પછી નિશીથ વારંવાર ઓફિસની મુલાકાત લેતો અને દર વખતે એનો આમ જ સત્કાર થતો રહેતો. ત્રિનાદ પહેલી વાર અહીં આવી રહ્યો હતો. એને પણ ખૂબ સારું લાગી રહ્યું હતું. એને સમજાયું કે રાજેશ એ નિશીથ માટે અહીના સમયકાળ દરમ્યાનનો ત્રિનાદ હતો. રાજેશ અને ત્રિનાદને એકબીજા સાથે ભળતાં ખાસ વાર ના લાગી.

ઓફિસેથી નીકળીને ત્રણે જણા કાંકરિયા ગયા. કાંકરિયાની ફરતે થોડું ચાલ્યા પછી ત્રણેય જણા થોડી વાર એક પાળ ઉપર બેઠા. થોડા ગપાટા માર્યા પછી બોટીંગની મજા માણી. ત્યારબાદ ફાઉન્ટેન શોનો આનંદ ઊઠાવ્યો. નગીના વાડીમાંથી બહાર નીકળ્યા પછી પોપકોર્ન અને આઈસ્ક્રીમને ન્યાય આપી ત્યાંથી હોટ એર બલૂનની રાઈડ માણી જે ઉન્માદની પરાકાષ્ઠા સમાન હતી. રંગબેરંગી લાઈટોથી ઝગમગતું અમદાવાદ ખરેખર આહ્લાદક વર્તાઈ રહ્યું હતું અને કાંકરિયા તો આ ઊંચાઈએથી અનુપમ ભાસતું હતું. બલૂનની રાઈડ પછી મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોઈ બીજા દિવસનો પ્રોગ્રામ બનાવી છૂટા પડ્યા. ત્રિનાદે અમદાવાદ વિષે ઘણું સાંભળ્યું હતું પણ આજનો પ્રત્યક્ષ અનુભવ ઉમ્મીદથી બમણો રહ્યો. તેણે નિશીથ પાસેથી બહુ જલ્દી અમદાવાદ ફરી વખત આવી આખું અમદાવાદ ફરવાનું વચન માગી લીધું.

રવિવારે વહેલા ઊઠીને નિશીથના વતનના ગામે નીકળી જવાનું હતું. સવારે વહેલા ઊઠી નાહી ધોઈ બે કારો નિશીથના વતન જવા ઊપડી ગઈ. નિશીથ, ત્રિનાદ અને રાજેશ ઉપરાંત નિશીથના મમ્મી પપ્પા અને કાકા-કાકી પણ જોડાયા હતા. નીશીથનું ગામ અમદાવાદથી સિત્તેરેક કિલોમીટર દૂર હતું એટલે દોઢેક કલાકમાં તેઓ ગંતવ્ય સ્થાને પહોચી ગયા. નીશીથનું નાનકડું ગામ ત્રિનાદને ખૂબ ગમ્યું. બંને ગાડીઓ ગામમાં પહોચ્યા બાદ સીધી પશાકાકાના ઘર આગળ ઊભી રહી. પશાકાકાનું ઘર ખરેખર ખૂબ સુંદર હતું. માટીની લીંપેલી દીવાલો અને છત પર નળિયાં...... ઘરની ચારે તરફ ખૂલ્લી જગ્યામાં ઉછરેલ ઝાડ અને છોડવાઓ અને ઘરની બરાબર પાછળ આવેલ ડુંગરને લીધે મનમોહક દ્રશ્ય ખડું થતું હતું. પશાકાકાનો પુત્ર અનીલ જે નિશીથ કરતાં આઠેક વર્ષ મોટો હતો એ આંગણામાં જ ઊભો હતો તેણે સૌને લાગણીથી આવકાર્યા. ત્યાર પછી પશાકાકા, કાકી. અનિલની પત્ની અને પશાકાકાની લાડકવાયી પૌત્રી આયુષી કે જેને સૌ લાડથી ડિમ્પી કહેતા હતા સૌ આવી પહોચ્યા. ચા નાસ્તો પતાવીને વતનમાં આવવાના પ્રયોજન વિષે ચર્ચા શરુ થઇ. ગામના અને આસપાસના દસેક ગામના ગરીબ લોકોને કપડાં, સ્વેટર અને શાલનું વિતરણ કરવાનો કાર્યક્રમ હતો. લોકોને વિતરણ કરવા માટેનો સામાન અગાઉના દિવસે ઓલરેડી આવી ચૂક્યો હતો. સૌને ગામના છેવાડે આવેલી હાઇસ્કૂલના પ્રાંગણમાં એકઠા થવા માટે જણાવી દીધું હતું. સ્કૂલે જતાં પહેલાં પશાકાકએ નિશીથને જણાવ્યું.

‘બેટા નિશીથ, એક વાત કહું?’

‘કહોને કાકા...;

‘તું આ જે કપડાંની વહેચણી કરી રહ્યો છે... ખૂબ આનંદની વાત છે. .. અમને ગર્વ છે તારા પર. તું એક જેન્ટ્સ અને એક લેડીઝ સ્વેટર સારું જોઇને બાજુ પર કાઢી રાખજે.’

‘ઓ. કે.. કાકા પણ કેમ?’

‘તારા પૂજા કાકા અને મંગુ કાકી માટે.’

‘શું વાત કરો છો કાકા? મને તો આજની તારીખે પણ જયારે એમનો ચહેરો નજર સામે તરવરે છે ત્યારે લાગે છે કે એ હમણાં જ મને ચોકલેટ કે એવું કંઈક ખાવા માટે આપશે. અને તમે સાવ આવી વાત કરો છો? ઈમ્પોસીબલ!!!!!!’

‘હવે એમને પહેલા જેવી જાહોજલાલી નથી. એમનો દીકરો શે’રમાં સામાન્ય પરિસ્થિતિમાં જીવે છે ધંધામાં કંઈક ગરબડ થવાથી.’

‘ઓહ માય ગોડ... ઓહ માય ગોડ...’

‘એ બધી વાતો પછી કરીશું.. ચાલ નિશાળમાં બધું માણસ આવી પહોચ્યું છે.’ બધાએ હાઈસ્કૂલ તરફ ડગ માંડ્યા. લોકો આવી પહોચ્યા હતા. સૌ પ્રથમ શાળા પરિવાર તરફથી નિશીથનું ઔપચારિક સન્માન કરવામાં આવ્યું. પછી નિશીથ અને પરિવારે સ્વેટર અને શાલનું વિતરણ શરુ કર્યું . બધા નિશીથનો આભાર માનતા રહ્યા તો નિશીથે આભારનો અસ્વીકાર કરીને કહ્યું કે આ કોઈ ખેરાત નથી... આ તો મારી માતૃભૂમીનો ઋણસ્વીકાર છે.....ત્યારબાદ વિતરણનું કામ બાકીના લોકોને સોપીને નિશીથ બધાને મળવામાં વ્યસ્ત થઇ ગયો.

સૌ પ્રથમ હિન્દીના શિક્ષક જયરામભાઇ મળ્યા જે કાયમ બધા જોડે હિન્દીમાં જ વાત કરતા...

‘નમસ્કાર સર’

‘નમસ્કાર...... નિશીથ તું તો અચ્છી તરક્કી કર રહા હૈ ના..... બહોત અચ્છા...... આજ કલ ગાંવમેં બહોત કમ આતે હો..... લગતા હૈ શહરમેં બહોત કમાતે હો.....’

‘વાહ વાહ સાબ’

ત્રિનાદ વિચારી રહ્યો કે નીશીથનું ઘડામણ આવા સિદ્ધહસ્ત ગુરુઓ ધ્વારા થયું છે એટલે જ આટલી ગજબ સફળતા મળી રહી છે.

ત્યારબાદ સાયંસ ટીચર મળ્યા... નિશીથે ત્રિનાદ અને રાજેશને જણાવ્યું કે આ ટીચરને કાયમી શરદીની તકલીફ રહેતી હોવાથી અમે એમને સાયંસ ટીચરની જગ્યાએ સાયનસ ટીચર કહીને બોલાવતા.

મેથ્સ ટીચર મળ્યા બાદ નિશીથે કહ્યું.. ‘આ મેથના સર અમારી બહુ મેંથી મારતા. બાય ધ વે મેથ્સ મારો ઓલ ટાઈમ ફેવરીટ સબજેક્ટ હતો.’

સમાજવિદ્યાના શિક્ષક હમેશાં પાઠ્ય પુસ્તકનું થોડુક ભણાવીને સમાજમાં કઈ રીતે રહેવું જોઈએ એનું વ્યવહારિક જ્ઞાન વહેચતા એટલે સમાજવિદ્યાના પીરીયડને સમજ વિદ્યાનો પીરીયડ કહેતા... નિશીથ જેમના હાથ નીચે ભણેલો એમાંના મોટા ભાગના શિક્ષકોને મળવાનું થયું... નિશીથ બધા શિક્ષકોનો લાડકો વિદ્યાર્થી હતો એ સ્પષ્ટ થઇ રહ્યું હતું.

નિશીથ દરેક ધોરણમાં જે જે વર્ગમાં ભણ્યો હતો એ બધાની મુલાકાત લઇ આવ્યો. ભૂતકાળની બધી યાદો એક પછી એક પડળ ખોલીને ઊભરી રહી હતી. નિશીથ દસમા ધોરણના વર્ગમાં તો રીતસર ભાવુક થઇ ગયો. આ એ વર્ગ હતો જ્યાં એણે ગામમાં શાળાકીય જીવનનું છેલ્લું વર્ષ ગુજાર્યું હતું.. એને આ વર્ગમાં બનેલ એક રમૂજભર્યો અને આજીવન યાદગાર પ્રસંગ યાદ આવ્યો જે મિત્રો સમક્ષ શેર કર્યો.

“એક દિવસ ગુજરાતીના શિક્ષક શર્મા સાહેબે પીરિયડના અંતે વિદ્યાર્થીઓને કહ્યું.......

‘તમે બધા શિક્ષકોના કંઈ ને કંઈ ઉપનામ રાખ્યા જ હશે.. આવતા પીરીયડમાં મને જણાવજો..’

પહેલા પીરીયડમાં થયેલી આ વાત રીસેશ સુધીમાં કોઈ રીતે શાળાના પ્રિન્સીપાલ સુધી પહોચી ગઈ. પ્રિન્સીપાલના વઢવાથી શર્મા સાહેબ ખિન્ન થઇ ગયા અને વર્ગમાં પાછા આવી વિદ્યાર્થીઓને બોલવા લાગ્યા. વર્ગમાં ચાર વિદ્યાર્થીઓ...... નિશીથ સહીત... એવા હતા કે જેમના પપ્પા એ જ શાળામાં શિક્ષક હતા અને એ સમય ગાળા દરમ્યાન સહ્રમાં સાહેબને બાકીના શિક્ષકગણ સાથે કોઈ કારણસર ખટરાગ ચાલતો હતો. આ વાત ધ્યાનમાં રાખીને તેમણે ચારેય વિદ્યાર્થીઓને ફરિયાદ માટે જવાબદાર ગણી છેલ્લા પીરિયડ સુધી બેંચ પર ઊભા રહેવાની સજા આપી. તેઓ જેવા વર્ગની બહાર નીકળ્યા એટલે બધા નિશીથ સામે જોવા લાગ્યા. નિશીથે બધાને શાંત રહેવા જણાવ્યું અને ઇશારાથી જ સમજાવી દીધું કે તે બધું હેમખેમ પાર પડી દેશે. પછી એ બધા જ વિદ્યાર્થીઓને ઉદ્દેશીને બોલ્યો.

‘મેં તમને ના પાડી હતી ને કે શર્મા સાહેબે જે કરવા કહ્યું એ યોગ્ય હોય કે અયોગ્ય.. આપણે તાત્કાલિક એમના કહેવા મુજબ બધા શિક્ષકોના ઉપનામ આપવાની વાતનો વિરોધ ના કર્યો એટલે તેમની વાત સાથે સહમત થયા કહેવાઈએ. પછી જો આપણે તરત જ આ વિષે ફરિયાદ કરીએ તો આપણે એમની સાથે દગો કર્યો કહેવાય. જો આપણને એમની વાત અયોગ્ય લાગી હોય તો ફરીથી વર્ગમાં આવે ત્યારે એમની સાથે વાત કરી શકતા હતા... પણ એ પછીના પીરીયડમાં આવેલા ભટ્ટ સાહેબને ફરિયાદ કરી એ મારી દ્રષ્ટીએ તદ્દન અયોગ્ય છે.’ આટલું બોલીએ નિશીથ અટક્યો. થોડી જ ક્ષણોમાં શર્મા સાહેબ પરગટ થયા અને ચારેય વિદ્યાર્થીઓ ને બેંચ પર બેસી જવા જણાવ્યું અને નિશીથની પીઠ થાબડી ચૂપચાપ ચાલ્યા ગયા. એમના ગયા પછી બધા વિદ્યાર્થીઓ નિશીથન ઘેરી વળ્યા અને તેણે કેવી રીતે આ કમાલ કરી એ અંગે પૂછ્યું.

‘મેં જે કંઈ કહ્યું એ આ બનાવ વિષે મારો સ્પષ્ટ અભિપ્રાય હતો .. રહી વાત શર્મા સાહેબની તો મને ખાતરી હતી કે એમના સ્વભાવ મુજબ વર્ગમાંથી બહાર નીકળીને આપણી પ્રતિક્રિયા જાણવા માટે બહાર ઊભા રહીને આપની વાતો સંભાળવાનો પ્રયત્ન કરતા હશે,. પછી જે થયું એ તમારી સામે જ છે.’ બધા નિશીથની સમયસૂચકતા અને પરિસ્થિતિને પહોંચી વાળવાની ક્ષમતા પર ઓવારી ગયા. નિશીથે વાત પૂરી કરી અને જાણે એ હજુ પણ સ્કૂલના દિવસોમાં ખોવાયેલો હતો.”

નિશીથના બાળપણના ઘણા મિત્રો આસપાસ વીંટળાઈ રહ્યા હતા. નિશીથ દરેક મિત્રને ભેટીને આવકારતો રહ્યો. અને જૂની યાદો તાજી કરતો રહ્યો..... એટલામાં કોઈક બોલ્યું.

‘બધા સાવધાન થઇ જાઓ. પ્રકોપ આવી રહ્યો છે.’

ત્રિનાદ અને રાજેશને નવાઈ લાગી તો પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે તેમના એક મિત્ર વિષે વાત થઇ રહી છે. નામ પરથી લાગ્યું કે મિત્ર બહુ ગુસ્સાવાળો હશે...

પ્રકોપ આવી પહોચ્યો... એણે એની આગવી સ્ટાઈલ અને પ્રમાણમાં સ્ત્રૈણ લાગતા અવાજમાં કહ્યું..

‘અરે નિશીથ.... તું આવ્યો છે એ મને તો ખબર જ નહિ... તે પહેલાં ફોન કર્યો હોત તો હું તરત જ આવી જાત.. આવું ચાલે?’

‘અરે પ્રકોપ, આપણે મળ્યા એ જ ઘણું છે’ એમ કહીને નિશીથ એને પણ ભેટી પડ્યો.

પ્રકોપ થોડે દૂર ગયો એટલે ત્રિનાદ અને રાજેશ એના નામના રહસ્ય વિષે જાણવા ઊતાવળા બન્યા.

‘અરે કઈ નહિ... આમ તો એનું નામ પ્રશાંત છે પણ એનું પૂરું નામ પ્રશાંત.... કોદરલાલ... પટેલ.. છે એટલે ટૂંકમાં અમે એને પ્રકોપ કહીએ છીએ.’ બંને જ્ણ આ આગવા નામનું રહસ્ય જાણીને હસવું ના ખાળી શક્યા.

પૂજા કાકા આંગણામાં બેઠા બેઠા શિયાળાની સવારનો અમસ્તો માણવો ગમે એવા તડકાની મજા લઇ રહ્યા હતા. ઘરની અંદરથી મંગુ કાકીએ ટહૂકો કર્યો.

‘સાંભળો છો? જમવાનું તૈયાર થઇ ગયું છે.... હવે સૂરજ માથે ચઢ્યો છે તો ઠંડી ઓછી લાગશે એટલે તમારું સ્વેટર કાઢી આપો તો જમવા બેસતા પહેલાં ધોઈને સૂકવી દઉં એટલે સાંજ ઢળતા પહેલાં સૂકાઈ જાય.’

પૂજા કાકાએ જાળવીને સ્વેટર કાઢ્યું. પછી એકીટશે સ્વેટર સામે તાકી રહ્યા. કદાચ એમની ઉમર વધુ છે કે સ્વેટરમાં પડેલા છિદ્રોની સંખ્યા.... એનો તાગ મેળવવા માંથી રહ્યા હતા....

સ્વેટર કાઢીને એ જેવા ઘરની અંદર પ્રવેશ્યા કે નિશીથ એન્ડ કંપનીની ઘરમાં એન્ટ્રી થઇ. પૂજાકાકાએ અણધાર્યા આવેલા મહેમાનોને આવકાર્યા. મંગુ કાકીએ બધાને પાણી આપ્યું. નિશીથે બંનેને ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા અને એમની તબિયત અંગે જાણ્યું. વાતો ગમે તે થઇ રહી હોય ઊભય પક્ષે એક ન કળી શકાય તેવો અજંપો હતો. નિશીથે અત્યંત સંકોચ સાથે પ્લાસ્ટીકની બેગમાંથી કાઢીને બંને માટે લાવેલ સ્વેટર આપ્યું. જે ઘણી આનાકાની પછી સ્વીકારવામાં આવ્યું. નિશીથે પૂજાકાકા પાસેથી એમના દીકરાનું એડ્રેસ લઇ બનતી મદદ કરવાની ખાતરી આપી. જેવા ઘરની બહાર નીકળવા કદમ માંડ્યા તો મંગુ કાકીએ નિશીથને રોક્યો અને અંદરના રૂમમાં જઈને ફાટલી તૂટલી કપડાંની થેલી લઇ આવ્યાં. થેલી નિશીથના હાથમાં થમાવીને બોલ્યા...

‘આ તારા માટે આણી રાખેલી ટ્રેન ક્યારનીય મૂકી રાખેલી છે.... તને આપવાનું ભૂલી જવાતું હતું.. હવે તો તું બધી રીતે મોટો થઇ ગયો છે પણ મને મનમાં કંઈક ખટકતું હતું... લે લઇ જા...’

નિશીથે થેલીમાંથી ટ્રેન કાઢી ચલાવી જોઈ.... ટ્રેન થોડું ચાલીને અટકી ગઈ..... બિલકુલ પૂજાકાકા અને મંગુ કાકીની જિંદગીની રફતારની જેમ.... હવે એ રફતારને ફરીથી પાટા પર લાવવાની જવાબદારી નિશીથની હતી... અલબત્ત એણે સ્વેચ્છાએ સ્વીકારેલી..... નિશીથ ફરી એક વાર બંને બુજર્ગોના આશીર્વાદ લઇ રમકડાની ટ્રેનને થેલીમાં સમેટીને ભીની આંખે ઘરની બહાર નીકળી ગયો.... આજના દિવસે એ અનુભવી રહ્યો હતો કે જાણે ઝૂંપડું વેચીને એણે મસમોટો મહેલ ખરીદી લીધો હતો...

પશાકાકાના ત્યાં બપોરે મકાઈના રોટલા અને કઢીની જયાફત માણીને આંગણામાં ખાટલા ઢાળીને સૌ બેઠા હતા ત્યાં વાતોના ગપાટા વચ્ચે સમય પસાર કરવા અનીલ એના લગ્નના ફોટાનો આલ્બમ લઈને આવી પહોચ્યો.. સાત આઠ વર્ષ પહેલાના ફોટા જોઈ ભૂતકાળનો એ સમય નજર સમક્ષ આવીને ઊભો. અનિલની દીકરી ડિમ્પી પણ એમાં જોડાઈ... પોતાને છોડીને ઘરના બાકીના તમામ સભ્યોના ફોટા જોઇને એ રિસાઈ ગઈ...

‘બસ આવું જ કરો છો તમે તો....... તમારા બધ્ધાના જ ફોટા છે આમાં... મારો જ નથી...’ એમ બોલી એ જોર જોર થી રડવા લાગી...

નિશીથ એણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં અનીલ બોલ્યો...

‘એના જન્મ પછી એની એકલીનો અલગથી આલ્બમ બનાવ્યો છે પણ એના જન્મ પહેલાંના અમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તેના ફોટા જુએ તો પણ રડવા માંડે છે કે મને જ ક્યાંય નથી લઇ જતા.. તમે એકલા એકલા બધે જઈ આવો છો.. . ભલે પછી એણે એના કરતાં સારી અનેક જગ્યા જોઈ હોય..’

અનિલની હૈયાવરાળ સાંભળ્યા પછી નિશીથે બાજી હાથમાં લીધી.

‘જો બેટા ડિમ્પી... મારી વાત સાંભળ... જા તારા એકલીના ફોટા વાળો આલ્બમ લઇ આવ.’

‘હમણાં જ લાવી કાકા’ કહીને એ ફટાક લઈને આલ્બમ લાવી ...

નિશીથે એક પછી એક ફોટા જોઇને કહ્યું..;અરે વાહ... તારા તો સરસ ફોટા આવ્યાં છે ને કંઈ.... એક વાત પૂછું?

‘પૂછો ને કાકા?’

‘તું મોટી થઈને લગન કરવાની ને?

‘હા સ્તો’

ડિમ્પીનો નિર્દોષ જવાબ સાંભળીને બધા હસી પડ્યા....

‘હા... તો પછી તારા લગન પછી તને પણ તારા જેવી નાની ઢીંગલી આવશે એ તારા અત્યારના ફોટા જોઇને રોજ રોજ તારી જેમ રીસાશે તો તને કેવું લાગશે?’

‘બસ કાકા.. સમજી ગઈ....’ કહી ડિમ્પી બધા આલ્બમ સંકેલીને ત્યાંથી ભાગી ગઈ.....

હવે આજના દિવસનો અનોખો પ્રવાસ સંકેલીને અમદાવાદ તરફ પ્રયાણ કરવાનો વારો નિશીથ એન્ડ કંપનીનો હતો.....

ક્રમશ:.......