નિષ્ટિ - ૧૮ - બાળપણની યાદો Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૧૮ - બાળપણની યાદો

નિષ્ટિ

૧૮. બાળપણની યાદો

‘આ વખતના વીક એન્ડમાં નિશીથે પોતાના વતનના ગામે જવાનું નક્કી કર્યું હતું... મિષ્ટીની પણ નિશીથના ગામડે જવાની ઈચ્છા હતી પણ નિશીથે બીજી વાર જશે ત્યારે ચોક્કસ લઇ જશે એમ કહીને ટાળ્યું. તેણે ત્રિનાદને સાથે લઇ લીધો કેમ કે એ પૂરી સફર દરમ્યાન વતનમાં માણેલી સ્વપ્નવત જિંદગીની યાદોને વાગોળવા માગતો હતો.

શુક્રવારે રાત્રે જમ્યા પછી સફરની શરૂઆત થઇ ગઈ. કાર નેશનલ હાઈવે પર પૂરપાટ વેગે આગળ ધપી રહી હતી અને નિશીથનું મન વર્ષો પહેલાંની બાળપણની યાદોમાં ખોવાઈ ગયું હતું...

સૌ પ્રથમ એને બાલમંદિરના ખંડમાં બેઠેલો માંડ પાંચેક વર્ષનો ક્યુટ નિશીથ દેખાયો. ઘરથી અને મમ્મીથી દૂર... ભલે ને બે ત્રણ કલાક માટે,,,,, રહેવાનો એ પહેલો અનુભવ... રોજ ખાલી હાથે તેડાગર બહેન જોડે બાલમંદિરમાં પહોચી જવાનું. શિક્ષિકા બહેન જે કંઈ પણ ગવડાવે એ કાલી ઘેલી ભાષામાં બોલવાનું... અને પછી બાલમંદિરમાં આવવા માટેનું મુખ્ય આકર્ષણ... જે મળે તે નાસ્તો ખાઈને ઘેર પાછા આવી જવાનું. નાસ્તામાં મોટાભાગે તો મમરા જ હોય પણ કોઈની પુણ્યતિથિ કે શ્રાદ્ધ પર્વમાં જે ચેન્જ મળી રહેતો એ તો એ વખતે સુખની ચરમ સીમા સમાન હતો.

શનિવારનો દિવસ હતો. સવારની સ્કૂલ હતી. નિશીથ પહેલા ધોરણમાં ભણતો હતો. પ્રાથમિક શાળા ગામથી એકાદ કિલોમીટર દૂર હતી. નિશીથ ગામને પાદરે પહોચ્યો ત્યાં સુધી તો એના બધા દોસ્તો નીકળી ગયા હતા. નિશીથ માટે હવે ઘરે પાછા જવા સિવાય કોઈ રસ્તો નહોતો. એ પાદરના વડલા નીચેના ઓટલે બેસીને રડવા લાગ્યો. એક ઓળખીતા ભાઈ એને હાથ પકડીને ઘેર મૂકી આવ્યા. નિશીથની સામે એ દિવસ જાણે હમણાંનો જ બનાવ હોય એમ ભાસી રહ્યું હતું. ગામથી એક કિલોમીટર દૂર એકલા જઈ શકવા અસમર્થ નિશીથ આજે ગામથી સેંકડો કિલોમીટર દૂર પોતાનું સામર્થ્ય પૂરવાર કરી રહ્યો હતો.

નિશીથને વતનમાં વિતાવેલા બાળપણની યાદો એક પછી એક તાજી થઇ રહી હતી. દિવાળીના સમયમાં મુઠ્ઠીભર રૂપિયામાં મળતા ફટાકડા જાણે છાબડીમાં છલકાઈ ઊઠતા. જેનાં મા-બાપ એ ફટાકડા ખરીદી શકતાં એમનાં બાળકો તારા મંડળ, કોઠી, ભોંય ચકરડી, ટેટા,રોકેટ, સૂતળી બોમ્બ જેવાં ફટાકડાંનો આનંદ માણતાં અને જેમના માટે ફટાકડાં ખરીદવાનો બંદોબસ્ત ના થઇ શકતો એવા બાળકોના ચહેરા પણ બીજાના ફૂટતા ફટાકડાં જોઇને મલકાઈ ઊઠતા. બેસતા વર્ષના દિવસે એકબીજાને ઘેર જઈ નવા વર્ષનાં વધામણાંની આપ લે કરવાની અને એ પણ દિવસમાં જેટલી વાર મળે એટલી વખત. ઉતરાયણના દિવસે શહેરની સરખામણીમાં ખૂબ ઓછા પતંગો ચગતા અને લૂંટાતા પણ આનંદ તો લખલૂંટ લૂંટાતો. શિવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં ગામમાં તો ભવ્યાતિભવ્ય ઉજવણી થતી જ પણ ગામથી થોડે દૂર વગડામાં આવેલા મંદિરમાં મેળો ભરાતો એમાં જવાનું પણ અનેરું આકર્ષણ હતું. શ્રાવણ મહિના દરમ્યાન જે ભક્તિમય વાતાવરણ થઇ જાતું એની હવે શહેરમાં આછેરી ઝલક પણ જોવા નથી મળતી. અને નવરાત્રીની રઢીયાળી રાતોમાં ગામના ચોગાનમાં ગરબાની રમઝટ જામતી કે રાત જાણે ત્યાં જ થંભી જાતી. ખેલૈયાઓ હાલના સમયની સરખામણીએ ભલે કદાચ દેશી લાગે પણ એમના દિલનો થનગનાટ જાણે ચહેરા પર ઉમંગના આવેગે વર્તાઈ આવતો. નિશીથને નાચવા ગાવાનો કે મસ્તી કરવાનો બિલકુલ શોખ નહિ હોવાથી એ તહેવારોની ઉજવણીમાં મહદ અંશે સામેલ નહોતો થતો પણ બીજા લોકોના ચહેરા પરની ખુશી એને પણ ઝંકૃત કરી દેતી. . નિશીથને લાગ્યું કે એ જમાનામાં વિવિધ ઉત્સવો ઉજવવા માટે જે ઉત્સાહ હતો એનું સ્થાન હવે ઉન્માદે લઇ લીધું છે.

ઊનાળુ વેકેશનનો સમય તો હમેશાં માટે યાદગાર રહે એવો રહેતો. સવારે અને સાંજે ગામના છેવાડે વહેતી નદીમાં કલાકો સુધી નાહ્યા કરવાનું. નદીની વચ્ચોવચ ઊભેલા ખડક પરથી પાણીમાં ધૂબાકા મારવાના. એક બીજા પર પાણીની છોળો ઊડાડવાની.. ઊંડા પાણીમાં ડૂબકી મારવાની... કદીક દોસ્તો ભેંસ નવડાવવા માટે નદીએ લઇ આવે તો એ નદીમાં રમવા માટે નો બોનસ સમય બની જતો. બસ મજા કરવાની. બપોરના સમયે પત્તાં કે સોગઠાં બાજી રમીને સમય પસાર કરવાનો. રાત્રીના સમયે મોડે સુધી ગપ્પાં મારતા રહેવાનું અને ખાટલા પણ ખુલ્લી પરસાળમાં ઢાળ્યા હોય એટલે ઊંઘ ના આવે ત્યાં સુધી પ્રદુષણ રહિત સ્વચ્છ નભમંડળના ટમટમતા તારા જોયા કરવાના. અને આ બધામાં આસપાસમાં આવેલા ખેતરોમાં જવાની મજા તો અલગ જ. ઋતુ પ્રમાણે મકાઈ ડોડા, પોંખ, કેરી, ગોરસ આંબલી, બોર, જામફળ વગેરેની જ્યાફ્ત ઉડાવવા મળતી એની આગળ તો ફાઈવ સ્ટાર હોટલના છપ્પન ભોગ પણ ફીકા લાગે...વાહ ... શું દિવસો હતા એ!!!!!!!!!!

પ્રાથમિક શાળાના અભ્યાસ દરમ્યાનથી જ નિશીથને અભ્યાસમાં ઊંડો રસ હતો. એ વર્ગખંડમાં શિક્ષક ભણાવતા હોય એ વખતે એટલો એકાગ્ર થઈને સંભાળતો કે એને બધું સરળતાથી યાદ રહી જતું. ભણવામાં એકદમ હોશિયાર નિશીથ વાણી વર્તનમાં ખૂબ શરમાળ હતો. મોટાભાગે ઘરમાં એકલો જ રબરનો દડો સ્પીન કરવાની પ્રેક્ટીસ કર્યા કરતો. શાળાના મેદાનમાં મિત્રો જોડે ક્રિકેટ રમવાની નિશીથને બહુ જ મજા આવતી.

નિશીથને અચાનક મંગુ કાકી અને પૂજા કાકાની યાદ આવી ગઈ. શહેરમાં વસતા ઘણાખરા લોકોની સરખામણીએ તો આર્થિક દ્રષ્ટિએ સાવ સામાન્ય કહી શકાય પણ ગામમાં સૌથી શ્રીમંત ગણાતું ઘર હતું એમનું. પૂજાકાકા ગામના સૌથી રુઆબદાર અને આબરૂદાર વ્યક્તિ હતા. એક કરિયાણાની દુકાન અને બે ચાર વીઘાં જમીનમાં ખેતી કરતા પૂજાકાકા ગામના બિન વિવાદાસ્પદ અને બિન હરીફ સરપંચ હતા. તેમના ત્રણેય દીકરા મુંબઈ રહેતા અને ખૂબ સારું કમાતા. નિશીથના ફળિયામાં જ એમનું ઘર હોવાને લીધે નિશીથની એમના ઘરે હમેશાં અવાર જવર રહેતી. સુંદર, શાંત અને ભણવામાં પણ હોશિયાર નિશીથ માટે એ દંપતીને ખૂબ વ્હાલ હતું. તેઓ નિશીથને અવાર નવાર મુંબઈથી આવેલાં રમકડાં કે પછી હલવો આપતાં. નિશીથ ખૂબ નાનો હતો ત્યારે એક વખત મંગુકાકીએ કહેલું કે તેઓ હવે જ્યારે મુંબઈ જશે ત્યારે નિશીથ માટે બેટરીથી ચાલતી ટ્રેન લઇ આવશે. ત્યાર પછી નિશીથ વર્ષો સુધી ટ્રેનની રાહ જોતો રહ્યો પણ કોઈ કારણસર તેઓ ટ્રેન આપી શક્યાં નહોતાં જેના લીધે નિશીથને આજે પણ કંઈક ખૂટી રહ્યું હોય એવો અહેસાસ થઇ રહ્યો હતો. નાનપણની કોઈક નાની અમથી મનેષા સંતોષી ના હોય તો મોટા થયા પછી ભલે તમે એ જ વસ્તુના ઢગલે ઢગલા ખડકી દેવા સમર્થ બનો પણ ક્યાંક ને ક્યાંક નાનપણમાં જે તે વસ્તુ ના મળી શક્યાનો વસવસો હૃદયના ખૂણે ખાંચરે કાયમી વસવાટ કરી બેસે છે. રમકડાની ટ્રેનના ખ્યાલોમાં ખોવાયેલા નિશીથને ટ્રેનની વ્હીસલ વ્યથિત કરી ગઈ અને એ સફાળો જાગી ગયો. ત્રિનાદે હાઈવે પરની હોટલે ચા પીવા માટે કાર ઊભી રાખી હતી અને બાજુમાં ઊભેલી લક્ઝરી બસનો ડ્રાઈવર હોટલે ઊતરેલા પેસેન્જર્સને બોલાવવા હોર્ન વગાડી રહ્યો હતો. હોટલે ચા પાણી પતાવ્યા પછી ફરી પાછી કાર હાઈવે પર સડસડાટ દોડવા લાગી અને નિશીથ વળી પાછો બાળપણની સફરમાં ખોવાઈ ગયો.

પ્રાથમિક શાળાના અભ્યાસ દરમ્યાન જ નિશીથ પોતાની બૌધિક ક્ષમતા પૂરવાર કરવા લાગ્યો હતો. શિક્ષક્ગણમાં પણ નિશીથ માટે માન રહેતું જે છેક દસમા ધોરણના અભ્યાસ પર્યંત સ્થાપિત રહ્યું. ગામની શેરીઓમાં લખોટી, ગીલ્લી દંડા, આઈસ પાઈસ, થપ્પો, લંગડી, આંધળો પાટો કે પછી સાયકલ કે મોટર સાયકલનું ટાયર ફેરવવાનું વગેરે વગેરે રમતો એની આંખો સામે તરવરી રહી. જો કે આ રમતો મોટાભાગે નિશીથ સાક્ષીભાવે જોયા કરતો. ભાગ્યે જ એને આ બધી રમતો રમવાનું ગમતું. તેને એક એવા દોસ્તની પણ યાદ આવી ગઈ જે હાલતાં ચાલતાં દીવાલે કે વીજળીના થાંભલે ભટકાઈ જતો. હવે ખ્યાલ આવ્યો કે એને આંખના નંબર હશે. બાકી તો એ વખતે તો એ રમૂજનું સાધન બનીને રહેતો હતો.

નિશીથને બીજા એક એવા દોસ્તની યાદ આવી જેનો તકિયા કલામ હતો ‘લગભગ તો......’ એને કંઈ પણ પૂછવામાં આવે તો એ જવાબની શરૂઆત ‘લગભગ તો......’થી જ કરે. એવાજ એક પ્રસંગનું દ્રશ્ય નિશીથ સમક્ષ ખડું થઇ ગયું..

‘તારું નામ શું છે?’ કોઈએ એને પૂછેલું

‘લગભગ તો...... અનીલ’

‘તું શું કરે છે?’

‘લગભગ તો...... સ્કૂલે જાઉં છું.’

‘કયા ધોરણમાં ભણે છે?

‘લગભગ તો...... આઠમામાં’

પછી તો બધા એણે લગભગના નામથી જ ઓળખવા લાગ્યા હતા.

બીજું એક દર્દનાક દ્રશ્ય નિશીથ સામે તરી આવ્યું. સ્કૂલમાંથી આવ્યા બાદ નિશીથ બજારમાં ગયો અને તેના દોસ્ત જોડે એક દુકાનના ઓટલે બેઠેલો. એ એના દોસ્ત જોડે વાતો કરતો હતો ત્યાં એણે જોયું કે સામેની બાજુએ આવેલી કરિયાણાની દુકાનવાળા મણિકાકાએ ગોળના પેકિંગમાં વપરાયેલ કંતાનનો ટુકડો રસ્તા પર ફેક્યો. નિશીથ એ ના જોઈ શક્યો એણે ઓટલા પરથી ઊભા થઈને એ ટુકડો ઊઠાવીને કચરો નાખવા માટે રાખવામાં આવેલા ડ્રમમાં નાખવાનું વિચાર્યું ત્યાં તો એક ડાઘિયા કુતરાએ એ ટુકડા પર તરાપ મારી. એ કુતરો ટુકડા પર ક્યાંક ક્યાંક ચોંટેલા ગોળની લિજ્જત માણવા માગતો હતો. નિશીથ પાછો વાળીને ઓટલા પર બેસી ગયો. હજુ કુતરો કંતાનના ટુકડા પર ચોંટેલા ગોળને ચાટવા મોઢું માંડે એ પહેલાં તો એક છોકરાએ ત્વરાથી એ ટુકડો છીનવી લીધો. થોડીવાર સુધી બંને વચ્ચે દ્વંધ યુદ્ધ ચાલ્યું. અંતે કુતરું પૂંછડી દબાવીને ભાગી ગયું. પોતે તો કુતરાના મોઢામાંથી કોળીયો છીનવી લીધો છે પણ પોતાના હાથમાંથી બીજું કોઈ નાં છીનવી જાય એ વિચારે તે ઝડપભેર ટુકડા પર ચોંટેલો ગોળ ચાટવા લાગ્યો. નિશીથની દ્રષ્ટીએ એ ગરીબીની પરાકાષ્ટા હતી તો પેલો છોકરો અત્યારે ગોળની મિજબાની માણીને અમિરીનો આનંદ લઇ રહ્યો હતો. જો કે એ મહેફિલમાં એ એકલો પણ નહોતો. એના ગંદા કપડાં પરના મેલનો લુફ્ત ઊઠાવી રહેલી માખીઓ પણ એની મહેફિલમાં સામેલ થઇ ગઈ હતી. નિશીથ વિચારી રહ્યો કે ગામની એક પણ વ્યક્તિ અપર મિડલ ક્લાસમાં આવે એટલી સમૃદ્ધ નથી પણ જો ગામમાં જેટલા કુટુંબો વસે છે એમાં સૌથી અમીર અને સૌથી ગરીબ વચ્ચે તુલના કરવામાં આવે તો એ ખાઈ પણ ખૂબ જ મોટી હતી. નિશીથ દુકાન પરથી એક બિસ્કીટનું પડીકું લઇ પેલા છોકરાને આપી દેશ દુનિયાની ગરીબી વિષે વિચારતો વિચારતો ઘર ભણી જવા રવાના થયો.

નિશીથ આઠમા ધોરણમાં હતો ત્યારની એક વાત યાદ આવી ગઈ. ચિત્રના પીરીયડમાં શિક્ષકે ગાય-બકરીનું ચિત્ર દોરવાનું લેસનમાં આપ્યું હતું. નિશીથે મસ્ત મજાનું ઘર દોર્યુ.. એની પાછળ ડુંગર.. બે ડુંગરની વચ્ચે આથમતા પહોરનો સૂરજ.... નીલું નીલું આકાશ.. આકાશમાં ઉડતાં પંખીઓ.... ઘરની આસપાસ લીલાંછમ ઝાડવાં... આગળ વરંડો.... વરંડામાં તરેહ તરેહના ફૂલ છોડ અને એક ખૂણામાં ખૂંટીએ બાંધેલ એક ગાય અને બકરી....

બીજા દિવસે જયારે શિક્ષકે ચિત્ર જોવા માગ્યું તો તેઓ નિશીથે દોરેલ ચિત્ર જોઇને દંગ રહી ગયા. પછી તેમણે ધીમે રહીને નિશીથને પૂછ્યું.

‘અરે નિશીથ... તે ચિત્ર તો બહુ સુંદર મજાનું દોર્યું છે પણ મેં તો ગાય- બકરીનું ચિત્ર દોરવાનું કહેલું.. અને આમાં બીજું ઘણું બધું છે પણ ગાય અને બકરી જ ગાયબ છે.’

નિશીથ ઠાવકાઈથી હસ્યો અને પછી બોલ્યો.... ‘સાહેબ, ચિત્રનું શીર્ષક જરા ધ્યાનથી જુઓ... પછી મને કહો.. મેં.. તો બરાબર જ દોર્યું છે.’

શિક્ષક શીર્ષક જોઇને અચંબામાં પડી ગયા. ‘અરે આ શું કર્યું તે???? ગાય-બકરીનું ‘ગાયબ કરી’ કરી દીધું તે તો.... જબરું લઇ આયો ભઈલા...’

‘અને સાહેબ, એની પાછળ તમે લેસનમાં આપેલું ચિત્ર પણ છે’

શિક્ષકે જોયું તો અગાઉના ચિત્ર જેવું આબેહૂબ ચિત્ર હતું અને એમાં લેસનમાં આપ્યા મુજબ ગાય અને બકરી પણ ઉપસ્થિત હતાં. આખા ક્લાસમાં હસાહસ થઇ હતી. નિશીથ માટે એ બાળપણના યાદગાર દિવસોમાંનો એક હતો.

આમ કરતાં કરતા નિશીથ દસમા ધોરણમાં આવ્યો. એને ખબર હતી કે આ તેના માટે વતનની શાળામાં વીતાવવાનું છેલ્લું વર્ષ છે કેમ કે ગામની સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહની શાખા નહોતી. નિશીથને દસમા ધોરણના અંત ભાગમાં યોજાયેલ દીક્ષાંત સમારોહ પણ યાદ આવી ગયો કે જેમાં શાળાના આચાર્યએ નિશીથ બોર્ડમાં પ્રથમ દસ ક્રમાંકમાં ઉત્તીર્ણ થઇ શકવા સક્ષમ છે એમ જણાવી એનો ઉત્સાહ વધી દીધેલો. અંતે દસમા ધોરણનું રીઝલ્ટ પણ આવી ગયું. નિશીથ બોર્ડમાં તો નંબર નહોતો લાવી શક્યો પણ ટકાવારી પણ એના ધાર્યા કરતાં ખૂબ જ ઓછી રહી. નિશીથને એ વાતનો અંદેશો તો હતો જ કે એ વખતના માસ કોપી કેસ માટે બદનામ પરીક્ષા કેન્દ્રમાં ઐચ્છિક રીઝલ્ટ લાવવું ખૂબ મુશ્કેલ હતું. એ પછી નજીકના શહેરમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમીશન લઇ નિશીથે ઉચ્ચતર માધ્યમિક સ્તરનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો.

ત્રિનાદે કાર ઊભી રાખી એટલે નિશીથની વિચારધારામાં વિક્ષેપ પડ્યો. અમદાવાદ એક્ષ્પ્રેસ હાઈવેનું ટોલટેકસ નાકું આવેલું એટલે કાર ઊભી રહી હતી. હવે આજનો દિવસ તો અમદાવાદ માં જ પસાર કરવાનો હતો. નિશીથના ઘરે પહોચ્યા પછી બંને જણાએ થોડો આરામ કર્યો અને નાહી ધોઈને તૈયાર થયા. નિશીથે રાજેશને ફોન કરીને સાંજના અને રવિવારના દિવસનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. પછી નિશીથ અમદાવાદ આવે ત્યારે જ ખાવા મળતી દાળ ઢોકળી ઊર્ફે રસ મોહિનીનો રસાસ્વાદ માણ્યો. ત્રિનાદ પણ નિશીથની મમ્મીના હાથની દાળ ઢોકળી પર રીતસર ઓવારી ગયો ને આંગળાં ચાટતો રહી ગયો. રાતના ઉજાગરાની કસર પૂરી કરવા જમ્યા પછી બંને એ મસ્ત મજાની ઊંઘ ખેચી કાઢી....

ક્રમશ:.......