નિષ્ટિ - ૧૭ - ધીંગામસ્તી ડે Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૧૭ - ધીંગામસ્તી ડે

નિષ્ટિ

૧૭. ધીંગામસ્તી ડે

‘અનાથાશ્રમની મુલાકાત નો અનુભવ ખરેખર અવર્ણનીય રહ્યો. નિશીથ રજાના દિવસોમાં સેવા પ્રવૃત્તિઓ કરે છે એનો તો સૌને ખ્યાલ હતો જ પણ નજરે જોયા પછી મિષ્ટી, ત્રિનાદ અને યામી ત્રણેયને નિશીથના મિશનમાં જોડાવા માટે અભિપ્રેરણ મળી રહ્યું. મિષ્ટીના દિલમાં પહેલાથી જ નિશીથ માટે અદકેરું સ્થાન હતું જે ધીરે ધીરે હવે પ્રણયમાં પલટાઈ રહ્યું હતું.

આજે મિષ્ટી મનોમન કંઇક નક્કી કરીને ઓફિસે આવી હતી. તે કોઈ પણ રીતે નિશીથને પોતાના મનની વાત કરી દેવા માગતી હતી. તેણે વારંવાર ભગવાનને પ્રાર્થના કરીને જરૂરી હિંમત પણ કેળવી લીધી હતી. આમ તો સાલસ સ્વભાવના નિશીથને કંઇક કહેવા માટે હિંમતની જરૂર ના હોય પણ વાત જયારે પ્રેમની હોય તો અસ્વીકારનો ડર ભલભલાને ડગાવી મૂકે છે. નિશીથની કેબીનમાં પ્રવેશતા અગાઉ મિષ્ટીએ ફરી એક વખત ભગવાનને યાદ કરી લીધા.

‘હે ભગવાન, આ છેલ્લી વાર તને પ્રાર્થના કરું છું... અને આજે પહેલી અને છેલ્લી વાર પ્રયત્ન કરી જોઉં છું. પછી બધું તારા પર છોડી દઈશ. કોઈ ફર્રીયાદ પણ નહિ કરું. ‘ આમ છેલ્લી વાર ભગવાનને યાદ કરી મિષ્ટી નિશીથની કેબીનમાં પવેશી. નિશીથ કામમાં વ્યસ્ત હતો. એ દરમ્યાન મિષ્ટીએ ભારે હિંમત એકઠી કરીને બે હાથ વડે દિલનું ચિહ્ન બનાવ્યું અને નિશીથની નજર પડે એની રાહ જોઈ રહી. હવે લાગી રહ્યું હતું કે નિશીથ કામમાંથી નવરો થઇ રહ્યો છે. મિષ્ટીના દિલના ધબકારા એકદમ વધી ગયા. આખરે નિશીથની નજર પડી પણ એ વખતે નર્વસનેસના લીધે મિષ્ટીએ છેલ્લી ક્ષણે ગભરાટના લીધે વિચાર બદલી લીધો અને એક હાથની આંગળીઓના નખ વડે બીજા હાથની આંગળીઓ ઘસવા લાગી..

‘અરે મિષ્ટી... આ શું કરી રહી છે?’ નિશીથે અશ્ચાર્યસહ પૂછ્યું.

‘કંઈ નહિ બસ એમ જ’ મિષ્ટીનો નિરાશાસહ પ્રત્યુત્તર

‘કંઇક કારણ તો હશે ને? કોઈ એમ જ થોડું આંગળીઓના નખ ઘસ્યા કરે?’

‘સાંભળ્યું છે કે આમ કરવાથી વાળ કાળા, લાંબા અને મજબૂત બને છે એટલે આમ કરું છું.’ મિષ્ટીએ કંઇક ગુસ્સા સાથે કહ્યું

‘હા.. મેં પણ આવું સાંભળ્યું છે ક્યાંક.... સારું રીઝલ્ટ મળે તો જણાવજે મને’

‘ઓ કે...’ મિષ્ટી મનમાં ને મનમાં ધૂંધવાઈ રહી..’

‘અરે મિષ્ટી... એક વાત કહું... તું તો ખરેખર સુનામી કન્યા છે’ નિશીથ હસતાં હસતાં બોલ્યો.

‘એમ?’ મિષ્ટી કંઇક ગુસ્સામાં હતી.. સુનામીની તો ખબર નહિ પણ જ્વાળામુખીની જેમ ફાટવાની તૈયારીમાં હતી... નિશીથને લાગ્યું કે તીર નિશાન પર લાગ્યું એટલે એ બોલ્યો..

‘અરે એમાં ગુસ્સે શું થાય છે, મિષ્ટી?.. સુનામી કન્યા એટલે સારા નામ વાળી કન્યા... એમ કહેવા માંગું છું... તું શું સમજી?? ઓહ... પેલું દરિયામાં ભૂકંપ આવે એને સુનામી કહે છે એ સમજી તું? લે તને મારા પર એટલો પણ ભરોસો નથી કે હું તારા વિષે આટલું ખરાબ તો ના જ વિચારું.. બસ એમ જ ને!!!!! અરે મિષ્ટી, આજે તો તારા માટે એક શેર પેશ કરવાનો હતો પણ જવા દે હવે...’

‘ઓહ રીયલી!!!!!!!’ મિષ્ટીને લાગ્યું કે ગભરાટના કારણે જે કામ પોતે ના કરી શકી એ કામ નિશીથ થકી જ આસાનીથી થઇ રહ્યું છે. ‘લાગે છે મારી પ્રાર્થના ભગવાન સુધી પહોચી ગઈ છે’ એ સ્વગત બોલી.

‘હા તો હમણાં જ સંભળાવું છું’

‘આઈ એમ સો ડીસપરેટ.. બી ક્વિક..’

‘ઓ કે.. લિસન..’ એમ કહીને નિશીથે સિંહ જેવી ત્રાડ નાખી..

મિષ્ટી એકદમ ગભરાઈ ગઈ. ‘આ શું છે નિષ્ટિ?’

‘સિમ્પલ.... શેર.’

‘ઓહ..... તો તું આ શેરની વાત કરતો હતો?’

‘હાસ્તો... તો તું કયો શેર સમજી?’

‘હું તો સમજી કે તું કોઈ શાયરી બોલવાનો હોઈશ’

‘હા, મેં તું એવું સમજે એટલા માટે જ કહ્યું હતું.. ભૂલી ગઈ? આજે ઓફિસમાં ધીંગામસ્તી ડે છે.’

‘ઓહ... યેસ....’

ઓફિસમાં બે મહિનામાં એક વાર ધીંગામસ્તી ડે ઊજવાતો હતો... એ દિવસે કામનું કોઈ ભારણ નહિ. જો ના ચાલે એવું કોઈ કામ હોય તો જ કરવાનું નહિ તો આખો દિવસ ફૂલ મસ્તી.. મજા જ મજા. અને આમ કરવાથી સૌને બાકીના દિવસોમાં કામ કરવાની ગજબ સ્ફૂર્તિ મળી રહેતી.

મિષ્ટીને થયું આજનો દિવસ તો ખરેખર ખૂબ જ યોગ્ય છે ચાન્સ લેવા માટે.. તેણે છેવટે નિશીથને સીધું જ પૂછી નાખ્યું..

‘બાય ધ વે નીષ્ટિ... રોમાંસ વિષે તારું શું માનવું છે?’

‘રૅા માંસ??? મિષ્ટી તું જાણે છે ને? હું શુદ્ધ.. અણી શુદ્ધ.. પરિશુદ્ધ શાકાહારી વ્યક્તિ છું.. મને માંસ કોઈ પણ રીતે પસંદ નથી.. પછી તે રૅા હોય કે પકવેલું... તારી હિંમત જ કેમ થઇ આવું પૂછવાની?’

‘અરે બુદ્ધુ.. હું રૅા નહિ રો બોલી... રોમાંસ... પ્રેમ... પ્રેમ..’

‘અરે સોરી... હું હમેશાં શ્લેષ બનાવતો રહેતો હોઉં છું ને..... એટલે ઉચ્ચારણોને લઈને એટલો પરફેક્ટ નથી રહી શક્યો.. બધું મિક્સ થઇ જાય છે’

‘મે આઈ કમ ઇન સર.....’ જેને ક્યારેય નીશીથનું કામ નહોતું પડતું એવો ઓફીસનો એકાઉન્ટ ક્લાર્ક રાકેશ માત્ર ધીંગામસ્તી ડે વખતે જ નિશીથની કેબીનમાં પ્રગટતો..

‘અરે આવ આવ રાકેશ.. બેસ બેસ..’ નિશીથે રાકેશને ચેર પર બેસવા ઈશારો કર્યો.

’શું ચાલે છે રાકેશ?’

‘બસ મજા છે સર... ચાલે છે...’

મિષ્ટિને લાગ્યું કે નિશીથની ફીરકી લેવાનો સરસ ચાન્સ છે... એ બોલી ઊઠી..

‘નિષ્ટિ.. આ રાકેશ હમેશાં કંઈ ને કંઈ કારણે ટેન્શનમાં રહેતો હોય છે...’

‘એવું કંઈ નથી સર... તમે ય શું મિષ્ટી મેડમ’

‘અરે શું કંઈ નથી? મને ખબર છે ને તારા વિષે બધી.. અને નીષ્ટિ તો આપણા ઘરના જેવો જ માણસ છે.. એનાથી કંઈ છુપાવવાનું નાં હોય... બરાબર ને નિષ્ટિ?’

‘હા.. હા.. બરાબર છે.... બરાબર છે..’ નિશીથને ખ્યાલ આવી ગયો કે મિષ્ટી બદલો લેવાની ફિરાકમાં છે એટલે એણે જે પણ સ્થિતિનો મુકાબલો કરવાનો આવે એના માટેની માનસિક તૈયારી કરી લીધી..

‘રાકેશ... આ નિષ્ટિ જ્યોતિષ વિદ્યા પણ જાણે છે... પૂછી લે જે પૂછવું હોય તે.. તારી જન્મ તારીખ કહે.. તારો હાથ બતાવ... બધું કહી દેશે તને આ નિષ્ઠાનંદ બાબા..’

એટલામાં ત્રિનાદ સહિતના સ્ટાફ મિત્રો પણ આવી પહોચ્યા...

‘રાકેશ.... રા..કેશ.... રા..કે...શ...’ એકદમ કંઇક સૂઝતાં નિશીથ રીતસર ઊછળી પડ્યો..

‘અરે તારે કંઈ બતાવવાની જરૂર નથી રાકેશ.. તારું તો બસ નામ જ કાફી છે...’

‘હે!!!!!!!’ બધા એકસાથે બોલી ઊઠ્યા..

‘હા તો સાંભળો .... આ બાળકનું નામ છે રાકેશ.... રા..કે...શ... એના નામમાં જ એની તકલીફોનો ભેદ છુપાયેલો છે.

‘એ કેવી રીતે?’ બધાનો કુતુહલવશ પ્રશ્ન..

‘શાંતિ રાખો.. શાંતિ રાખો.. હમણાં જ કહું છું’

‘અરે જલ્દી કહો નિષ્ઠાનંદ બાબા.. અમે સૌ બેબાકળા છીએ તમારી વાણી સંભાળવા..’

‘હા તો રાકેશના નામમાં... રા સ્ટેન્ડઝ ફોર રાહુ...

કે સ્ટેન્ડઝ ફોર કેતુ...

અને શ સ્ટેન્ડઝ ફોર શનિ...

એના નામમાં જ રાહુ, કેતુ અને શનિ સમાયેંલા છે એ જ એને નડે છે’

‘વાઉ... જબરું શોધી લાવ્યા તમે તો’ બધા બોલી ઊઠ્યા.. બધાને મન મસ્તી હતી પણ રાકેશ ટેન્શનમાં આવી ગયો..

‘આનો કોઈ ઉપાય નીષ્ટિ સર???’ એ ચિંતિત સવારે પૂછી ઉઠ્યો...

‘છે ને... ઉપાય છે ને.... દરેક સમસ્યાનો ઉપાય તો હોય જ છે... એમ તારી આ સમસ્યાનો પણ ઉપાય છે.’

‘શું ઉપાય છે સર?’

‘બીજું કંઈ નહિ કરવાનું.. બસ માત્ર નામ બદલી નાખ તારું’

‘એ તો કેવી રીતે બને, સર? લોકો વર્ષોથી મને રાકેશના નામે ઓળખે છે... હવે નામ બદલી નાખું તો કેટલી તકલીફ પડે? બીજો કોઈ ઉપાય બતાવો સર..’

નિશીથ હવે હસવું ના ખાળી શક્યો.. જયારે એ અટક્યો ત્યારે બોલ્યો.. ‘અરે એન્જોય રાકેશ... હું તો એમ જ મજાક કરતો હતો... તું તારે કોઈ ચિંતા નાં કરતો... મોજ કર મોજ...’ પછી મિષ્ટી તરફ જોઈ આંખ મીંચકારીને બોલ્યો... ‘કેમ.... મેડમ કેવું રહ્યું?’

મિષ્ટી ધરતી મારગ આપે તો હમણાં ને હમણાં સમાઈ જવા તત્પર બની..

“બેટર લક નેક્સ્ટ ટાઈમ........’ નિશીથે તાજા ઘા પર મીઠું ભભરાવ્યું’

હવે મિષ્ટીએ ત્રિનાદને કેસ સોપ્યો... અલબત્ત ઈશારા થી જ.. ત્રિનાદે કવિશ જોડે મસલત કરી..

‘નિષ્ટિ સર, આજે ધીંગામસ્તી ડે છે તો ચાલો ને પાર્ટીનું કંઇક ગોઠવીએ’ કવિશે પૂછ્યું..

‘હા.. ગોઠવો ગોઠવો... આપણી ક્યાં ના છે?’

‘હા.. પણ તમને સોમરસ પીવામાં રસ ખરો કે નહિ?’

‘આ શું બોલે છે? કંઈ ભાન છે તને?’ નિશીથ થોડો અકળાયો

‘કવિશ, આવું બોલાય સર ને? તને ખબર નથી એ કેટલા સાત્વિક વ્યક્તિ છે?’ ત્રિનાદ નિશીથના બચાવમાં આવ્યો..

નિશીથને થોડી હાશ થઇ.. પણ ત્યાં જ ત્રિનાદે મિષ્ટી સામે જોઈને આંખ મીચકારી અને પછી કહ્યું..

‘ઓફિસમાં બેઠાં બેઠા જો સૌમ્ય રસ પીવા મળતો હોય તો સોમરસમાં કોને રસ પડે?’

ત્રિનાદની સિક્સરથી મિષ્ટી મલકાઈ ઊઠી પણ નિશીથ સમસમી ઊઠ્યો. એ કેબિનમાંથી ઊભો થઇ વોશરૂમમાં જતો રહ્યો. પાણીની છાલક મ્હો પર નાખી એણે ફ્રેશ થવા પ્રયત્ન કર્યો. પછી એણે વિચાર્યું કે આજનો દિવસ મોજ મસ્તી માટે જ છે એટલે એણે ગુસ્સા પર સંયમ રાખવો જોઈએ.

એ દરમ્યાન ત્રિનાદે નોધ્યું કે મિષ્ટીના ચહેરા પરનો મલકાટ કંઈ અમસ્તો જ નહોતો. તેણે એક મિશન પૂર્ણ કરવાનું બીડું ઝડપી લીધું. નિશીથ પાછો કેબીનમાં આવી એના સ્થાને ગોઠવાયો.

‘આવો સર.. બેસો બેસો’ ત્રિનાદે નિશીથ જોડે ગોષ્ઠી ચાલુ કરી. જે નિશીથને મૂડમાં લાવવા માટે પૂરતી હતી.

એટલામાં નીલેશ આવ્યો જે ચાલુ દિવસોમાં ક્યારેય બેઠેલો જોવા ના મળે. અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં.. એટલે બધા એ તેને જબરદસ્તી ખુરશી પર બેસાડવાનો પ્રયત્ન કર્યો. હવે નિશીથ પણ એમાં જોડાયો...

‘બેસ નીલેશ બેસ... તને ક્યારેય ઢીંચણ વાળીને બેઠેલો નથી જોયો એટલે અમને બધાને શક છે કે તારું નામ નીલેશ છે કે knee-less... આજે તો તું બધાને બતાવી જ દે’

નીલેશ પણ પોતાના આગમન સાથે જ થયેલા અણધાર્યા હુમલાથી કિમ કર્તવ્ય મૂઢ થઇ ગયો અને એના માટે ખાલી થયેલ ખુરશીમાં બેસી ગયો. નિશીથની કેબીનમાં ત્રણ જ ખુરશી હતી અને હવે મંદિર નાનું ને ભગતડાં ઝાઝાં જેવું થતું હતું એટલે બધા કોન્ફરન્સ રૂમમાં શિફ્ટ થયા. સિન્હા સાહેબનું ધ્યાન જતાં એ પણ ત્યાં પ્રવેશ્યા.. હવે બધા સસ્ટાફ મેમ્બર્સ સીરીયસ થઇ ગયા. વાતાવરણ હળવું બનાવવા સિન્હા સાહેબે સિનીયર એકાઉન્ટન્ટ હસમુખભાઈને ઉદ્દેશીને કહ્યું..

‘હસમુખલાલ યહાં આઓ.’

‘જી સર... ફરમાઈએ’ રમૂજી સ્વભાવના હસમુખલાલે પણ હિન્દીમાં વળતો જવાબ આપ્યો.

‘કિતને સાલોં સે હો યહા પર?’

‘સાબ મેં તો જો ભી હૂં... અપને બલબૂતે પર હૂં.. સાલોંસે નહિ... સહી બોલું તો મેરે તીન સાલે હૈ ઔર સભી સે પરેશાન હૂં.. સાલોં કે નામ કા મુજે સચ પૂછો તો ફોબિઆ હો ગયા હૈ.. પહલી બાર શહર આયા તો સભી દુકાનો પર સાલે... સાલે લિખા દેખ કર મેં ઇતના ગબરા ગયા થા કી બાત મત પૂછો.. વો તો ભલા હો એક સજ્જન આદમી કા જિસને મુજે બતાયા કી ગબરાઈએ મત... વોહ સાલે નહિ.. સેલ લિખા હૈ... ઇન દુકાનોમે ચીજે ડિસ્કાઉન્ટ સે બીક રહી હૈ.’

હસમુખભાઈએ કરેલી બેટીંગથી બધા આફરીન થઇ ગયા. નિશીથને લાગ્યું કે સિન્હા સાહેબ આજે મૂડમાં લાગે છે. એમની પણ થોડી મજાક કરી લેવામાં આવે તો મજા આવશે. એણે ધીરે રહીને શરુ કર્યું.

‘સિન્હા સાહેબ, તમે આ ઉંમરે પણ એક દમ ફીટ લાગો છો. શું રહસ્ય છે?

‘આ ઉંમરે એટલે શું સમજે છે તું?

‘સોરી સોરી... તમે ઉંમરના પ્રમાણમાં ઘણા ફીટ લાગો છો... હવે બરાબર છે?’

‘ઠીક છે ચાલશે....’

‘તો એનું રહસ્ય જણાવશો જરા?’

‘બસ ખાવામાં કંટ્રોલ અને દરરોજ સવારે નિયમિત રીતે પિસ્તાલીસ મિનિટ સુધી ચાલવાનું.’

‘વાહ ખૂબ સરસ.. એટલે પહેલાંથી જ આવા છો તમે?

‘અરે ના રે... પહેલાં તો હું ખાઉધરો અને જાડિયો હતો પણ એના લીધે મારું શરીર જાણે અનેક રોગોનું ઘર થઇ ગયેલું’

‘ઓ કે એટલે તમારામાં પહેલાં નામ પ્રમાણે ગુણ હતા.. એમ જ ને?....’

‘એટલે? કંઈ સમજાયું નહિ...!!!’

‘તમારું નામ નથી? શત રુગ્ણ???? શત એટલે સો અને રુગ્ણ એટલે બીમારી.... સો બીમારી વાળું.. શત રુગ્ણ...’

‘હહાહાહાહાહાહાહાહાહાહા.........’ સિન્હા સાહેબ હસીને લોટપોટ થઇ ગયા... બધા લોકો કોરસમાં હસી પડ્યા.

આજનો ધીંગામસ્તી ડે અત્યાર સુધીનો જબર દસ્ત દિવસ હતો.. બધાને ખૂબ જ મજા આવી. સૌએ મન ભરીને દિવસને માણ્યો.. અંતે પીઝા કોલ્ડ ડ્રીન્કસ અને આઈસ્ક્રીમની લિજ્જત માણી સૌ છૂટા પડ્યા. આવતી કાલે બધા એક નવી ઊર્જા સાથે ઓફિસમાં કાર્યરત થવાના હતા તો ત્રિનાદ હવે એક મિશન પર હતો.....

ક્રમશ:.......