સાચી દિવાળી Bhagwati I Panchmatiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચી દિવાળી

સાચી દિવાળી

દિવાળી નો દિવસ હતો. ડૉ. નીરવ ને ફરી પાછી ઍ જ ઍકલતા ઘેરી વળી. વાયોલેટ કલરની દીવાલ પર લગાડેલ આદમ કદ ના ફોટા પર તેમની નજર સ્થિર થઈ ગઈ. ફોટા માંથી હસી રહેલા પુત્ર સ્પંદન અને પત્ની નીરા તરફ નજર જતાં જ તેમનાં ચહેરા પર ચંદ્રમા નાં ગ્રહણ જેવી ઝાંખપ છવાઈ ગઈ. તેમને યાદ આવી ગઈ ૧૦ વર્ષ પહેલાં ની દિવાળી ની ઍ દુ:ખદ રાત!

દિવાળી આમ તો ઉજાસ નો તહેવાર છે પરંતુ ડૉ. નીરવ ની જિંદગીમાં તેણે અંધકાર નો ગહન રંગ ભરી દીધો હતો. પોતાનાં લાડલા પુત્ર સ્પંદન નો જન્મ દિવસ હતો. ડૉક્ટર નીરવ,પત્ની નીરા ની ના છતાં, તહેવાર ના લીધે ડોક્ટરો ગેરહાજર હોવા ને કારણે ફરજ પર આવ્યા હતા ને હવે ડ્યૂટી પૂરી કરી ને નીકળવા ની તૈયારી મા જ હતા ત્યાં જ ઍક ઈમરજન્સી કેસ આવી જતાં તેમને રોકાઈ જવું પડ્યું. 5 વર્ષ ના ઍક બાળક ની હાલત ખૂબ ગંભીર હતી. નીરા ના ફોન પર ફોન આવી રહ્યા હતા.પણ ડૉ. નીરવ પાર્ટી પૂરી થતા સુધી ઘેર ના જ પોહચી શક્યા.પણ આ શું? ઘેર પહોંચતા વેંત જ તેમણે જોયું તો આખું ઘર અંધકારમાં ડૂબેલું હતું.

ગુસ્સે ભરાયેલ નીરા સ્પંદન ને લઇ ને પિયર જતી રહી હતી.નિરવે લાખ પ્રયત્નો કર્યાં છતાં નીરા એક ની બે ના થઇ.તેને નીરવ ની આટલી બધી વ્યસ્તતા પસંદ ન હતી.અને બસ ત્યાર થી નીરવ ના જીવન માં અમાસ નો અંધકાર એક માત્ર સાથી બની રહ્યો. નીરવ ની જિંદગી નું એક માત્ર લક્ષ્ય રોગીઓ ની સેવા કરવાનું હતું.તેઓ વધારે સમય હોસ્પિટલ માં જ વિતાવવા લાગ્યા. ખાલી ઘર તેમને ખાવા દોડતું. પત્ની અને પુત્ર સાથે વિતાવેલા સમય ની યાદો તેમને જંપવા દેતી નહીં. માટે જ તેઓ ઘરે બને તેટલો ઓછો સમય વિતાવતા. આ એકલતા ને નિરવે પ્રભુ ની મરજી સમજી ને સ્વીકારી લીધી હતી. ફોટો જોતા જોતા ભૂતકાળ ની યાદો મા સરી પડેલા ડૉ. નીરવ ના મોબાઇલ સ્ક્રીન પર ઍક નંબર ફ્લૅશ થઈ રહ્યો.ઍક ઈમરજન્સી કેસ આવ્યો હતો. ડૉ. અતુલ આઉટ ઓફ ટાઉન હોવાથી તેમના બદલે ડૉ. નીરવ કેસ હૅંડલ કરવા દોડી ગયા. ઍપ્રન પેહરી ને સીધા જ ઑ.ટી. માં પ્રવેશ્યા. ઍક પંદર વર્ષ નો છોકરો લોહી-લુહાણ હાલત માં ઑપ્રેશન ટેબલ પર પડ્યો હતો. તેના મસ્તક ના પાછળ ના ભાગે થી વહેતું રુધિર બંધ કરવાની ઍક નર્સ કોશિષ કરી રહી હતી. બાળક નાં ચેહરા પર નજર પડતાં જ નીરવ નુ હૃદય ઍક ધબકારો ચૂકી ગયું. તરત જ તેમણે કેસ પેપર માં દર્દી નુ નામ વાંચ્યું અને તેમની પર જાણે વજ્રાઘાત થયો!! ઑ.ટી. નાં ડોર ની કાચ ની વિન્ડો માંથી ડૉ. નિરવે નજર કરતાં કલ્પાંત કરતી નીરા નજરે પડી. મુખ પર ઍક પણ ભાવ આવવા દીધા વગર તેમણે ઑપરેશન શરૂ કરી દીધું.

આખરે બે કલાક બાદ ડૉ. નીરવ ઑપ્રેશન પૂરું કરી બહાર નીકળ્યા. નીરા સ્પંદન નાં ક્ષેમ-કુશળ પૂછવા ડૉ. પાસે દોડી આવી. પણ સામે ડૉ. નીરવ ને જોતાં જ તેનાં પગ પથ્થર બની ગયાં. આંખ માંથી વહેતાં અશ્રુઓ બરફ બની ને થીજી ગયાં અને બીજી જ ક્ષણે નીરા બધું ભુલીને નીરવ ને વળગી પડી. "નીરવ, આપણો સ્પંદન......." " તે બિલકુલ ઠીક છે, નીરા. ઈન્ટરનલ ઈંજરી નથી. થોડી વારમા ભાનમાં આવી જશે. પણ આ બધું બન્યું કઈ રીતે?" નીરવ ઍક જ શ્વાસે બધું બોલી ગયો. "નીરવ," ઢીલા અવાજે નીરા ઍ ઉત્તર આપ્યો. "તમે તો જાણો જ છો કે તિથી પ્રમાણે આજ તેનો જન્મ દિવસ છે. ઍટલે તમને મળવાની જીદ પકડી. મારી ના છતાં તેણે ગાડી ડ્રાઇવ કરી અને કાર ડિવાઇડર જોડે અથડાઈ ગઈ." નીરવ કાંઈ બોલે તે પહેલાં જ ડૉ. અતુલ ધસી આવ્યા અને પોતાની બદલે ઇમર્જન્સિ કેસ માટે આવવા બદલ નીરવ નો આભાર માન્યો. નીરા પર નજર પડતાં જ આશ્ચર્ય થી ડૉ. અતુલ બોલી ઉઠ્યાં, "અરે! ભાભી તમે?!અત્યારે અહીં? હોસ્પિટલ માં?!" "ઍ બાળક મારો જ પુત્ર સ્પંદન છે, અતુલભાઈ." અતુલે કહ્યું, "નીરવ, આજે તારે રજા હોવા છતાં તું આવ્યો ન હોત તો........" "નહી, અતુલભાઈ ! ઍવુ ન બોલશો. આજે નીરવ ન આવ્યા હોત તો મારો સ્પંદન..........." નીરા આથી વધુ કઈં બોલી ના શકી. "આજ થી દસ વર્ષ પહેલાં પણ દિવાળી ની તે રાત્રે હું ઘેર આવવા માટે નીકળી જ રહ્યો હતો અને આવી જ રીતે ઘાયલ, આપણા સ્પંદન જેવડાં જ, પાંચ વર્ષ ના ઍક બાળક ની સારવાર માટે મારે રોકાઈ જવું પડ્યું. ઑપ્રેશન થિયેટરમાં હોવાથી હું તારો ઍક પણ કૉલ રિસીવ ન કરી શક્યો. મોડી રાત્રે હું ઘેર પાછો ફર્યો ત્યારે તું સ્પંદન ને લઈને જતી રહી હતી અને તે દિવસ થી મારા જીવન માં ઍક પણ દિવાળી નથી આવી, નીરા."

આ સાંભળીને નીરા પોતાની જાત ને રોકી ન શકી; તેની આંખો અવિરતપણે વરસી રહી હતી. "નીરવ,મને માફ કરી દો. તમારી સેવા-ભાવના ને હું સમજી ન શકી ને છોકરમત કરી બેઠી. પરંતુ તમે તો હિમાલય જેવા જ અટલ રહીને સેવાયજ્ઞ ચાલુ રાખ્યો. મને તમારા આ સેવાયજ્ઞ માં સહભાગી થવા ની તક નહીં આપો?" નીરા ના જોડાયેલા બંને હાથ પકડી લેતાં નિરવે કહ્યું, " નીરા, માણસ માત્ર ભૂલ ને પાત્ર. ગઈ ગુજરી ભૂલી જા. તમારા બંને વગર મારા જીવન માં અંધારું છે. તમે બંને મારી આંખો નો ઉજાશ છો. મારી અંધારી જિંદગી માં રોશની તું જ લાવી શકે છે, નીરા." ત્યાં તો નર્સે સ્પંદનનાં હોશમાં આવવાનાં શુભ સમાચાર આપ્યા. મમ્મી-પપ્પા બંને ને સાથે જોઈને સ્પંદન ખૂબ ખુશ થઈ ગયો. "હૅપી બર્થ-ડે બેટા." બંને સ્પંદન નો હાથ પકડીને ઍક સાથે બોલ્યાં. ધીમા અવાજે સ્પંદન બોલ્યો,"થૅંક્સ. મમ્મી હવે આપણે ઘરે ક્યારે જઇશું?" "બસ થોડી વારમાં જ આપણે નીરા-સદન જવા નીકળીશું." નિરવે કહ્યું. નીરાઍ સ્પંદન સામે જોઈને હકારમાં માથું હલાવ્યું. સ્પંદન બોલી ઉઠ્યો," મમ્મી-પપ્પા, મારા માટે બર્થ-ડે ની આ મોટામાં મોટી ગિફ્ટ છે." ને ત્રણેય ની સ્મિત વેરતિ આંખોમાં દિવાળી ના દીપ પ્રગટી ઉઠ્યા.