Antim Ashabindu books and stories free download online pdf in Gujarati

અંતિમ આશાબિંદુ

અંતિમ આશાબિંદુ

બસ સ્ટેશન પર ખાસ્સી ચહેલ-પહેલ હતી. માણસોની અવર-જવર ચાલુ જ હતી. કોઈક ક્યાંક જઈ રહ્યું હતું તો કોઈક ક્યાંક થી આવી રહ્યું હતું. આલોક વ્યગ્રતાથી બસ-સ્ટેન્ડના પ્લેટફોર્મ પર આંટા મારી રહ્યો હતો. ઘડીક બેંચ પર બેસતા તો ઘડીક ઉભા થઈને અકારણ આમ-તેમ જોતાં તે વિચારતો હતો કે હજુ બસ કેમ ના આવી? છેલ્લા દોઢ કલાકથી તે બસની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો ને બસ હજુ સુધી કેમ ન દેખાય તે સવાલ તેને મૂંઝવી રહ્યો હતો, મગજને કોરી ખાતો હતો. કશુંક અમંગલ તો નહીં બન્યું હોયને .....એ વિચારે તે બેચેન બની ગયો. ક્યાંક બસને અકસ્માત તો.....ને તેણે એ વિચારને મગજ માંથી કાઢી નાખવા મસ્તક ધુણાવ્યું અને જાણે વિચારવાની પ્રક્રિયા પર પૂર્ણવિરામ મૂકી દેવા માંગતો હોય તેમ જોરથી આંખો બંધ કરી દીધી.આવું વિચારવા બદલ તેને પોતાની જાત પ્રત્યે નફરતની લાગણી થઇ આવી. ટહેલતો-ટહેલતો તે એક બેંચ પર બેસી ગયો.

જતી વખતે ઈશાનીએ કહેલી વાતોના પડઘા હજુ પણ તેના મનમાં ઉઠતા હતા. જતી વખતે તેણે આપેલી એક-એક સલાહ હજુ તેના માનસ પટ પર તાજી જ હતી. બેગ ભરતા-ભરતા ઈશાનીએ કહેલું: "રાત્રે સુતી વખતે બધા બારી-બારણા અંદરથી બરાબર લોક કરી દેજો ને હા રાત્રે ગેસનો સીલીન્ડર ઓફ કરવાનું ભૂલતા નહિ. પોતાને ચા બનાવવો હોય તો ખાંડ, ચાની પત્તી, ચાનો મસાલો વગેરે બધું ક્યાં મુક્યું હતું તે તેણે બતાવ્યું હતું. વળી કહ્યું હતું કે રાત્રે દૂધ ગરમ કરીને ઢાંકી દેજો જેથી સવારે દૂધવાળો મોડો આવે તો તમારે ચા પીધા વિના ઓફીસ ન જવું પડે." ત્યારબાદ તેણે આખરી સુચન કર્યું હતું: "તમારી તબિયતનો ખ્યાલ રાખજો." અને ત્યારે પોતે હસી પડ્યો હતો અને બોલ્યો હતો: "ઈશાની, તું તો જાણે બહુ લાંબા સમય માટે જતી હોય તેમ સૂચનાઓ આપી રહી છે. હું કાઈ બાળક થોડો જ છું કે તારે મને એક-એક વાત ડીટેલમાં સમજાવવી પડે!!" ત્યારે ઈશાનીએ પ્રત્યુત્તરમાં કહ્યું હતું; "યાદ છેને ત્રણ-ચાર દિવસ પહેલા તમારા પેલા વાતોડીયા કાકીના બોલાવવાથી હું તેમને ત્યાં માત્ર બે કલાક માટે ગઈ હતી તો યે તમે દૂધ બિલ્લીને પીવડાવી દીધું હતું ને નીલ માટે તરત બીજું દૂધ લેવા દોડવું પડ્યું હતું.....યાદ છેને.....?" અને પોતે પોતાના બંને કાન પકડતા કહ્યું હતું..."મેડમ બિલકુલ યાદ છે"..."તો પછી તમે જ કહો શું હું ખોટે-ખોટી સલાહ આપી રહી હતી.....?" "અરે નહિ ઈશી, એ તો મને તારી સલાહ આપવાની દાદીમાઓ જેવી સ્ટાઈલને કારણે હસવું આવી ગયું હતું... પણ, ખેર છોડ, જવા દે એ વાત. હું મારો બરાબર ખ્યાલ રાખીશ. પરંતુ, તું પણ નીલ અને તારો બરાબર ખ્યાલ રાખજે. હજુ સાવ નાનો છે આપણો નીલ.....! આલોકે પલંગ પર શાંતિથી નીન્દ્રાદેવીને ખોળે ઝૂલી રહેલા પુત્ર સામે જોતાં કહ્યું. પણ ઈશાની એ તો કહે તું પાછી ક્યારે આવીશ?" "આઠ તારીખે તો આવી જ જઈશ પણ... મામા બહુ કહે તો વધુ રોકાવું પણ પડે." "ઈશાની તું ને નીલ બંને ચાલ્યા જાવ પછી ઘર એકદમ સૂનું થઇ જશે. તું આઠ તારીખે આવી જ જજે. હું તને બસ સ્ટેશને લેવા આવીશ. મીસ યુ બોથ....." " ઓકે, ઓકે." "ઈશાનીએ હસીને માથું હલાવતા કહ્યું "ઓલ્સો વી બોથ મીસ યુ, આલોક....."

આલોકને અત્યારે પોતાના બોસ પર સખત ગુસ્સો આવી રહ્યો હતો. કદી રજાની હા જ નથી પાડતાને!! શું તેમને કોઈ સગાં-વહાલાં નહિ હોય? તેમને કદી ક્યાંય જવું પડતું નહિ હોય? ઓફીસનો પ્યુન રમેશ બોસને ખડૂસ કહે છે તે અત્યારે આલોકને સાવ સાચું લાગી રહ્યું હતું.તે ઉપરાંત ઈશાનીનો ફોન પણ સતત અન રીચેબલ આવી રહ્યો હતો. જો પોતાને રજા મળી હોત તો પોતે પણ જરૂર ઈશાની સાથે તેના મામાની દીકરી ના લગ્ન અટેન્ડ કરવા જઈ શક્યો હોત.

અરે! કમ-સે-કમ અત્યારે તેને ઈશાની અને નીલની રાહ તો જોવી ન પડી હોત....,!! પોતાના આ વિચાર પર તેને મનોમન હસવું આવી ગયું ને તેણે પોતાનાં ડાબા હાથ પર પહેરેલ ઈશાની ની ફેવરીટ મરુન કલર ના બેલ્ટવાળી રિસ્ટ વોચ માં જોયું તો ખાસ્સો પોણો કલાક સરકી ગયેલો જણાયો.તેણે ઉભા થઈને ઇન્ક્વાયરી ઓફીસ તરફ જવા માંડ્યું. ત્યાં જઈને ઇન્ક્વાયરી ઓફિસર ને બસ ન આવવા અંગે પૂછતા તેને જે જવાબ મળ્યો તે સાંભળીને આલોકનું માથું ચકરાવા લાગ્યું. તેણે બંને હાથે ઇન્ક્વાયરી ઓફીસ ની બારીના સળિયા પકડી લીધા. તેને આખીય દુનિયા ચક્કર-ચક્કર ફરતી લાગી. ઈશાની અને નીલ ને લઈને આવી રહેલી બસનો અકસ્માત થઇ ગયો હતો.....તે જોરથી ચિલ્લાઈ ઉઠ્યો....અને ત્યારબાદ શું થયું તેનું તેને ભાન ન રહ્યું.....તેની આંખ ખુલી ત્યારે તે હોસ્પિટલ ના બેડ પર હતો. તેના માથા પર પટ્ટી બાંધેલી હતી ને માથાના પાછળ ના ભાગમાં ખુબ વેદના થઇ રહી હતી. પોતે અહીં કેવી રીતે આવી ગયો તે વિષે આલોક વિચારવા લાગ્યો. ધીમે-ધીમે તેને બધું જ યાદ આવવા લાગ્યું. પોતે ઈશાની અને નીલની રાહ જોઈ રહ્યો હતો. ઈશાની નો ફોન સત્તત અન રીચેબલ આવી રહ્યો હતો. ઘણી વાર રાહ જોયા બાદ તે કંટાળીને ઇન્ક્વાયરી ઓફિસરને પૂછવા ગયો હતો અને ઓફિસરે બસ ના અકસ્માતની વાત કહી હતી.અને પોતાને બધું ચક્કર-ચક્કર ફરતું હોય તેમ લાગ્યું હતું....અને.....અને પરિણામે અત્યારે પોતે હોસ્પિટલ માં હતો. તે ધીમેથી ઉઠ્યો અને ફરજ પરના ડોક્ટર ને પૂછતા જણાયું કે ઇન્ક્વાયરી ઓફિસરે તેના સ્ટાફ દ્વારા તેને હોસ્પિટલ માં ભરતી કરાવ્યો હતો. વળી ડોકટરે ઉમેર્યું કે બસ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરો તે જ હોસ્પિટલમાં હતા. પડી જવાથી આલોક મૂર્છિત થઇ ગયો હતો પણ સદભાગ્યે તેને બહુ વાગ્યું ન હતું. તેની મૂર્છા માટે તેને લાગેલો આઘાત જવાબદાર હતો. માટે જયારે તેણે ડોક્ટર પાસે ઘાયલોને જોવાની ઈચ્છા પ્રદર્શિત કરી ત્યારે ડોકટરે તરત સંમતી આપી દીધી અને હમદર્દીથી આગળ થતાં કહ્યું: આવો મિસ્ટર? ડોકટરે પ્રશ્નાર્થ સ્વરે વાક્ય અધૂરું જ છોડી દીધું. "આલોક" આલોકે તેમને અનુસરતા પોતાનું નામ જણાવ્યું. આલોકની આંખો ઘાયલોમાં ઇશાનીને શોધી રહી હતી. પણ તેની નજર બધા ઘાયલો સાથે ટકરાઈને નિરાશ બનીને પાછી ફરી. આલોકના ચહેરા પર નજર માંડતા ડોકટરે હળવેકથી કહ્યું, " મિસ્ટર આલોક, માફ કરજો પણ આપણે મૃતદેહો પણ જોઈ લેવા જોઈએ. આ સાંભળીને આલોકના હૃદય માં કશુંક ખૂંચ્યું અને તેની વેદના તેના ચહેરા પર પથરાઈ ગઈ!

રહેમદિલ ડોકટરથી આ ન જોવાયું. તેમણે કહ્યું, "આમ કહેવા માટે હું દિલગીર છુ પણ એવુંયે બની શકે કે તમારા પત્ની આ બસમાં આવ્યા જ ન હોય..... અથવા તો ચુકી ગયા હોય.....!" "નહીં ડોક્ટર, મેં જ તેને કહ્યું હતું કે આઠ તારીખે આવી જજે અને મારી વાત માન્ય વગર તે રહે જ નહીં.... અને તેનો ફોન પણ આવ્યો હતો કે તે આ બસમાં જ.... "રડમસ અવાજે આલોકે કહ્યું. તેના પગ લથડી રહ્યા હતા.ડોક્ટર તેની ઈજા અને મનોસ્થિતિ જોઇને વ્યસ્ત હોવા છતાં આલોક સાથે શબઘર જઈ રહ્યા હતા. ડોક્ટરને તો આવા કેસ ઘણી વાર હેન્ડલ કરવા પડતા હોય છે ને ત્યારે તેમણે બધી માયા-મમતા બાજુ પર મુકીને તેમની ડોક્ટર તરીકેની ફરજ બજાવવી પડતી હોય છે. પણ ના જાણે કેમ તેમને આલોક પ્રત્યે સહાનુભૂતિ જાગી રહી હતી! તેઓ પણ ઈચ્છતા હતા કે આલોકને તેની પત્ની મળી જાય! ભલેને મગજ ડોક્ટરની ફરજ નિભાવવા કહેતું હોય પણ મન તો આખરે તેમનું માણસનું જ ને!

૩-૪ વોર્ડ વટાવીને બંને શબઘર પહોચ્યા. આલોકે ચારેકોર દ્રષ્ટિ ફેરવી. ત્યાં અઠાવીસ જેટલા શબ પડ્યાં હતાં.આલોકની હાલત કફોડી બની ગઈ હતી! મન અને મગજ વચ્ચે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું! મન કોઈ પણ શબ પર દ્રષ્ટિપાત કરવાની ના પડી રહ્યું હતું.....જયારે મગજ તેને તેમ કરવા જબરદસ્તી પ્રેરી રહ્યું હતું! તેની સમગ્ર ચેતના હણાઈ ચુકી હતી! ક-મને તેણે શબ સામે જોવાનું શરુ કર્યું. મન ચાહતું હતું કે આંખોને અણગમતું દ્રશ્ય જોવા ન મળે પણ.... બનવાકાળને કોણ રોકી શક્યું છે? ઈશાનીના શબ પર દ્રષ્ટિ પડતા જ આલોકના મુખમાંથી એક કારમી ચીસ નીકળી ગઈ... નહીં...ઈશી...અને તે ઈશાનીના શબને વળગીને નાનાં બાળકની જેમ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો ને અસ્ફુટ સ્વરે ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો....."તેં મારી પત્નીને શા માટે છીનવી લીધી, પ્રભુ? મારી હરી-ભરી જીંદગીમાં આગ શા માટે લગાડી દીધી? અમે તારું શું બગાડ્યું છે કે મને આમ અધવચ્ચે છોડીને ઈશાની.....તેનાં બાકીનાં શબ્દો તેના રુદનમાં જ અટવાય ગયા....

ડોકટરે તેને થોડીવાર રડવા દીધો જેથી તેના મનનો ઉભરો શમી જાય....પછી તેને શાંત પડતા પૂછ્યું, "મિસ્ટર આલોક, બસમાં તમારા પત્ની એકલા જ સફર કરી રહ્યા હતા કે બીજું પણ કોઈ સાથે હતું? ડોકટરના આ સવાલે જાણે તેના મગજમાં વીજ સમો ઝબકાર થયો! "નહીં ડોક્ટર,મારો દોઢ વર્ષનો પુત્ર નીલ પણ સાથે હતો." ડોકટરે તેને પોતાની સાથે આવવા કહ્યું. ક-મને આલોકે ઈશાનીનો હાથ છોડીને ડોક્ટર સાથે જવા પ્રયાણ કર્યું. બંને ઝડપથી જવા લાગ્યા. ચિત્કાર કરતા દર્દીઓ અને રડતા સગાં-વહાલાઓને વીંધીને તેઓ એક વોર્ડમાં ગયા. વોર્ડમાં પ્રવેશતા જ પારણામાં સુતેલાને રડી રહેલા નીલને જોતા જ આલોકે દોટ મુકીને તેને તેડી લીધો. નીલ પણ પિતાની ગોદમાં આવતાં જ શાંત થઈ ગયો ને કાલી-ઘેલી ભાષામાં પાપા પાપા બોલતો તેનાં ચહેરા પર હાથ વડે રમત કરવા લાગ્યો. સદભાગ્યે નીલને જરા પણ વાગ્યું ન હતું. આલોકને તેનાં ચહેરામાં, તેની આખોમાં ઈશાનીની છબી દેખાવા લાગી. આલોકની આંખો ફરી ભરાઈ આવી. "તારી મમ્મી તો આપણને છોડીને ચાલી ગઈ બેટા, તું તો મને છોડીને નહીં જાયને....? કહેતાં-કહેતાં પોતાનાં વ્હાલસૉયા પુત્રને તેણે છાતીસરસો ચાંપી દીધો.

ડોક્ટરે નીલને ત્યાં હાજર રહેલી નર્સને આપીને આલોકને પોતાની સાથે આવવા કહ્યું. નીલ નર્સના હાથમાં જતાં જ ફરી રડવા લાગ્યો. આલોકે હોસ્પિટલની બધી જ ફોરમાલિટી પૂર્ણ કરીને એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી. પરિસ્થિતિ કારમો પહાડ બનીને તેનાં પર તૂટી પડી હતી.....અને તે અવાચક બનીને ઇશાનીને ઘેર લઇ જવાની વિધિ યંત્રવત કરી રહ્યો હતો. આ તરફ નીલ સતત રડી રહ્યો હતો. આખરે બધી વિધિ પૂર્ણ થઇ અને એમ્બ્યુલન્સ ઈશાની ના મૃતદેહને લઈને જવા અગ્રેસર થઇ. રડી રહેલા નીલને આલોકે તેડતા જ તેણે રડવાનું બંધ કરી દીધું. પરંતુ, આલોકની આંખો અવિરતપણે વરસી રહી હતી.

અપરિચિત વાતાવરણ અને અજાણ્યા લોકો પાસેથી પિતાની પરિચિત ગોદમાં આવતાં જ નીલ લહેરમાં આવી ગયો. માં ના મોતની વાત માત્રથીયે અજાણ, અણસમજુ નીલ પિતાની રંગીન નેકટાઈ સાથે રમવા લાગ્યો. અને પોતાની જિંદગીના આ "અંતિમ આશાબિંદુ" તરફ જોતો-જોતો આલોક આંખોમાં આંસુ સાથે હોસ્પીટલમાંથી બહાર નીકળી ગયો. ડોક્ટર તેને સહાનુભૂતિથી જતો જોઈ રહ્યા..........

ભગવતી પંચમતીયા - 'રોશની'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED