કંકુ પગલાં Bhagwati I Panchmatiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કંકુ પગલાં

કંકુ પગલાં

સ્કુટર ઉભું રહેવાનો અવાજ સાંભળીને સ્મિતાએ દરવાજો ખોલ્યો તો સામે તેમની પુત્રી લીના જ હતી. "આવી ગઈ બેટા?" "હા મમ્મી આજ થોડું મોડું થઇ ગયું." "હા, પૂરી પંદર મિનીટ...સ્મિતાએ હસતા હસતા કહ્યું." "હા, એક કેસ ડિસ્કસ કરવામાં થોડું લેટ થઇ જવાયું." લીના એ પોતાનો કાળો કોટ અને ફાઈલો સ્મિતાને આપી દીધા અને પોતે સ્કુટી ઘરમાં લઈને દરવાજો લોક કરી દીધો. લીના ચેન્જ કરીને ફ્રેશ થઇ ત્યાં તો સ્મિતાએ ફટાફટ ચા બનાવી દીધી. પછી બંને મા-દીકરીએ સાથે બેસીને ચા-નાસ્તો કર્યાં. આ તેમનો રોજનો ક્રમ હતો. ત્યારબાદ બંને પોતપોતાની વર્કિંગ પ્લેસ પર પોતાનો દિવસ કેવો રહ્યો તેની વાતો કરતા. સ્મિતાબેન ટીચર હતા ને લીના વકીલ! "બેટા રાત્રે શું જમવું છે?" "મમ્મી, અહીં મારી પાસે બેસ થોડું કામ છે." "હા બોલને, બેટા કહેતા સ્મિતાએ શાકભાજી અને ચપ્પુ ટીપોય પર મુક્યા અને દીકરીની સામે સોફાની ચેર પર બેસી ગયા. તેમને એમ કે લીનાને કોઈ કેસ બાબત વાત કરવી હશે, પણ લીના તો ઉભી થઈને સીધી જ મમ્મી ના પગ પાસે બેસી ગઈ અને તેમના ખોળામાં માથું ઢાળી દીધું.

તેના લહેરાતા ઘન કેશ કલાપ મા આંગળીઓ ફેરવતા સ્મિતાએ પૂછ્યું, "શું વાત છે, લીના? બોલ તારે શું પૂછવું છે? કંઈ બન્યું છે? કોઈ સાથે ઝગડો, મતભેદ કે પછી કોઈ .......પરેશાન તો........" "અરે મમ્મી, કોની મજાલ છે કે તારી આ દીકરીને હેરાન કરે? "તો પછી" "મમ્મી, મારા પપ્પા ક્યાં છે? તું હમેશા મારી વાત ટાળે છે પણ આજ તો તારે મને જવાબ આપવો જ પડશે. હું નાની હતી ત્યારે તું કહેતી કે તેઓ વિદેશમાં છે. તો પણ આપણી પાસે તેઓ ક્યારેય કેમ નથી આવતા? નથી આવતા તેમના પત્રો કે ફોનકોલ્સ! નથી તારી પાસે તેમનો કોઈ ફોટો! મમ્મી, પ્લીઝ મને હકીકત જણાવ.હું હવે નાની નથી રહી. તું ગમે તે વાત કહી શકે છે! અરે! મારી સગાઇ થયે પણ ત્રણ મહિના થઇ ગયા છે! હવે તો કહે!" સ્મિતાબેન લીનાની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે હવે લીનાને સાચી વાત જણાવી દેવાનો સમય પાકી ગયો. એ તો સારું કે તેનો મંગેતર વિનય અને તેના માતા-પિતાને લીનાએ કન્વીન્સ કરી લીધા! નહિ તો સગાઈમાં જ બાપની ગેરહાજરીને લીધે રુકાવટ ઉભી થઇ હોત!

“મમ્મી,” લીનાએ તેનો ખભો પકડીને હલાવી તેથી સ્મિતા વર્તમાન મા આવી ગઈ! ને લીનાને પોતાની સામે સોફા પર બેસાડતા કહ્યું,"બેટા, હું હવે તને સાચી વાત જણાવી દેવા ઈચ્છું છું. હવે તારી ઉમર મારી વાત સમજી સકે તેટલી થઇ ગઈ છે. તને તારા પિતા વિષે જાણવાનો પૂરો અધિકાર છે. તો સાંભળ. હું પણ તારી જેમ જ ઉંચે ગગનમાં ઉડવા આતુર પંખી જેવી, જીવનના સુંદર સપના જોતી, એકવીસ વર્ષની કોડભરી કન્યા હતી જયારે તારા પપ્પા મતલબ શ્યામ સાથે મારા લગ્ન થયા હતા. મારા મા- બાપ મધ્યમ વર્ગના હતા ને શ્યામ ઉચ્ચ મધ્યમ વર્ગના! મને ને મારા કુટુંબને લાગ્યું હતું કે મારા નસીબ ખુલી ગયા! આંખોમાં અનેક સપના આંજીને હું પરણીને સાસરે આવી. થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું. કહેવત છે ને કે ઢેલ ના પગ ચાર દી રાતાં! તેમ મારા સંસાર મા પણ થોડા દિવસ બધું બરાબર ચાલ્યું. પણ પછી સાસુ-સસરા નો ત્રાસ સરુ થઇ ગયો. વાતે વાતે મારા કામમાં ખોટ કાઢવી, મારા પિયરીયા વાળાને મહેણાં મારવા, મને પિયર કે બીજે ક્યાય બહાર ન જવા દેવી....અને એવું તો ઘણું બધું ..." "પણ, મમ્મી તેં ચુપચાપ એ બધું કેમ સહન કરી લીધું?" "પણ અમારા જમાનામાં ઘરમાં વહુઓને કશું બોલવાનો હક્ક ન હતો. અને બીજું કારણ હતું મારા માતા-પિતાની આબરૂ જવાનો ડર!.....નાના ભાઈ-બહેનનું સગપણ ન થવાનો ડર....અને પછી તો બધું ધીમે-ધીમે કોઠે પડવા લાગ્યું." અને પપ્પા?" લીનાએ પૂછ્યું. "તેઓ તો કદી કઈ બોલી જ ન શકતા. ઘરના સભ્યો જેમ કહે તેમ નીચું માથું રાખીને સાંભળી લેતાને તેમ જ કરતા. તેમને કોઈ પણ નિર્ણય લેવાની છૂટ ન હતી. એવામાં તારા આગમનના એંધાણ વર્તાવા લાગ્યા જાણે કે ડાળને કુંપળ ફૂટયાની વેળા!

અચાનક બધાનું વર્તન બદલાઈ ગયું! મારો થોડો ખ્યાલ પણ રખાવા લાગ્યો! હું વંશનો વારસ જો લાવવાની હતી! આ વાતને બે મહિના થવા આવ્યા હશે. ત્યાં તો એક દિવસ તારા દાદીમાં મને હોસ્પિટલ લઇ ગયા અને મારી સોનોગ્રાફી કરાવી. ને મને ખ્યાલ ના આવે તેમ જાતિ પરીક્ષણ પણ કરાવ્યું! ડોક્ટર સાથે થઇ રહેલી તારા દાદીમાની વાત હું સાંભળી ગઈ. તેથી મને ખ્યાલ આવી ગયો કે મારી કુખમાં બાળકી છે ને તેને રહેંસી નાખવાની તૈયારીઓ ચાલી રહી છે! હું મનમાં સમસમી ગઈ. ઘેર આવીને તારા પપ્પાને વાત કરી પણ સાસુમા પાસે તેમનું કાંઈ ના ચાલ્યું. અબોર્શનનો નિર્ણય લેવાઈ ચુક્યો હતો. હું આખી રાત રડતી રહી, તરફડતી રહી પણ તારા પપ્પાને દયા ના આવી તે ના જ આવી. પાંચ દિવસ પછીની તારીખ ફિક્ષ કરી દેવામાં આવી. મેં મનોમન મારી બાળકીને બચાવવાનો નિર્ણય લઇ લીધો. તે માટે ઘરનાને સમજાવવામાં, કરગરવામાં કંઈ જ બાકી ના રાખ્યું. પણ પરિણામ શૂન્ય!

આખરે પડોશમાં રહેતી ને મારી સહેલી બની ગયેલી મીરાંની મદદથી એક એન.જી.ઓ. દ્વારા પોલીસમાં ફરિયાદ કરી. અને એ દિવસ આવી પહોચ્યો. મને પરાણે તૈયાર કરવામાં આવી. શ્યામ અને તારા દાદા-દાદી સાથે મારે હોસ્પિટલ જવું જ પડ્યું. ત્યાં જઈને થોડીવાર પછી મને એક ઇન્જેક્શન આપીને ઓપરેશન થીયેટરમાં શિફ્ટ કરવામાં આવી. હું કોઈ પાંખો કપાયેલા આહત પંખીની માફક ફફડી રહી હતી, ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે તે મારી દીકરીને બચાવી લે. અને મારી દુવા જાણે કબૂલ થઇ ગઈ હોય તેમ મારી સહેલી એન.જી.ઓ. ના સભ્યો સાથે પોલીસ લઈને આવી પહોચી. મારી જુબાનીના આધારે તારા પપ્પા, દાદા-દાદી, અને ડોક્ટરને તેના સ્ટાફ સહીત રંગે હાથ પકડીને જેલ ભેગા કરવામાં આવ્યા. હું તારા નાનાને ત્યાં ચાલી ગઈ. ત્યાં તારો જનમ થયો. પછી જોબ શોધીને પગભર થઇ. તું થોડી મોટી થઇ એટલે નાનાનાં એ સાંકડા મકાન ને છોડીને આ મકાન માં શિફ્ટ થઇ ગઈ. આખી જિંદગી હું મારા પિતા પર બોજ બનવા માગતી ન હતી એટલે તેમની ના છતા મેં આ નિર્ણય કર્યો.ભૂતકાળને મનમાં જ ઢબુરીને તારો ઉછેર કર્યો. બાકીનું તો બધું તું જાણે જ છે. ભલે મારા પપ્પા પાસે ધનની કમી છે પણ વ્હાલની નહિ! તેનો તો તને પણ અનુભવ છે. તેમની હુંફ જ હમેશા મારું પીઠબળ બની છે." સ્મિતાબેન બધું એકી શ્વાસે બોલી ગયા.

લીના યંત્રવત પૂતળાની જેમ બેસી રહી પણ તેની આંખોમાંથી અશ્રુઓ અવિરતપણે વહી રહ્યા હતા. સ્મિતાબેને તેની પાસે જઈને પુત્રીને વ્હાલથી ગળે લગાડી દેતા કહ્યું, "બેટા, બધું ભૂલી જા. તારું ઉજ્જવળ ભવિષ્ય તારી રાહ જોઈ રહ્યું છે. વિનય અને તેનો પરિવાર ખુબ સંસ્કારી છે. સાસરે જઈને તું જરૂર સુખી થશે." "મમ્મી, તેં કેટલું સહન કર્યું છે ને તે પણ ફક્ત મને બચાવવા માટે?!! મા, તું ખરેખર મહાન છે. તારું આખું જીવન તેં મારા માટે અર્પણ કરી દીધું! હું કેટલી લક્કી છું! મને માં ના રૂપમાં ખરેખર ભગવાન ખુદ મળ્યા છે! પણ મા, હું એ ક્રૂર ઈન્સાનનો ચહેરો જોવા માંગું છું. કોઈ ફોટો હોય તો બતાવને પ્લીજ."

સ્મિતાબેન એક ફોટો કાઢી લાવ્યા. તે જોઇને લીના આશ્ચર્યચકિત થઇ ગઈ! "મમ્મી, આ મારા પિતા છે?" "હા, બેટા. પણ કેમ? તેં ક્યારેય જોયા છે તેમને?" "હા, મમ્મી. આ તો મારા ક્લાયન્ટ છે. દીકરાએ દગાથી સહી કરાવીને ઘરમાંથી કાઢી મુક્યા અને મકાન, દુકાન બધું જ પચાવી પાડ્યું હતું. મેં જ પાછુ અપાવ્યું! મારી ફીસ ચૂકવવાના પણ પૈસા ના હતા! મેં તો વડીલ જાણીને તેમને ફ્રીમાં કેસ લડી આપ્યો! પણ હવે તો તને અને મને આખી જિંદગી તડપાવનાર આ માણસને હું નહિ છોડું. તેની પર કેસ કરીને જેલના સળિયા ગણાવતા ના કરી દઉં તો મારું નામ લીના નહિ! વર્ષો પહેલા ભલે લાંચ આપીને છુટી ગયા પણ હવે કોઈ નહિ બચાવી શકે! તેમની મિલકત પર પહેલો અધિકાર તારો છે. તું હજુ કાયદેસર તેમની પત્ની છો. તને તારો હક્ક તારી આ દીકરી અપાવશે, મમ્મી." "નહિ બેટા. આપણે કોઈ જ બદલો નથી લેવો. મિલકતની આપણે જરૂર નથી. રોટલો પ્રભુએ આપ્યો છે. મેં તો તેમને મનથી માફ કરી દીધા છે. અને સજા તો ભગવાને આપી જ દીધી છે; કુપાત્ર દીકરો આપીને. તું પણ માફ કરી દે તેમને. એક દીકરી ના નિસ્વાર્થ પ્રેમથી પ્રભુએ તેમને દૂર રાખ્યા છે. એ જ તેમની સજા છે,બેટા." "રાઈટ, મમ્મી. પણ તું કઈ માટીની બનેલી છો તે જ મને નથી સમજાતું", કહીને લીના ફરીથી સ્મિતાબેનની કોટે વળગી પડી.

બીજે દિવસે સવારે લીના શ્યામને ઘેર લઇ આવી. સ્મિતાબેન તો આટલાં બધા વર્ષો પછી પુત્રી સાથે ઉભેલા પતિને જોઇને સ્તબ્ધ જ થઇ ગયા! શ્યામના માથા પર અને હાથમાં પાટા બાંધેલા હતા. શ્યામ કંઈ બોલી શકે તેમ ન હતા. લીનાએ કહ્યું, "મમ્મી, કેસ હારી જવાથી તેમના પુત્રે તેમની સાથે ઝગડો અને મારામારી કરી છે. હું તો તેમને ડોક્યુમેન્ટ્સ આપવા ગઈ હતી, પણ તેમની આ હાલત મારાથી જોવાઈ નહીં અને મેં તેમને મારી ઓળખાણ આપી દીધી..." પાટા બાંધેલા બંને હાથ જોડીને ધ્રુજતા અવાજે શ્યામ બોલ્યા," મને માફ કરી દે સ્મિતા. મેં તારી જિંદગી બરબાદ કરી નાખી. સાથે જ મારી પણ. તારા ગયા પછી મા-બાપુજીએ પરાણે બીજા લગ્ન કરાવ્યા. અને હસમુખનો જન્મ થયો. થોડા જ વર્ષમાં મારી બીજી પત્નીનો સ્વર્ગવાસ થઇ ગયો. માતા-પિતા બંને નો સ્નેહ આપીને ઉછેરેલા દીકરાએ આ દિવસ દેખાડ્યા!" હવે સ્મિતાએ મોં ખોલ્યું. "આ એ જ દીકરી છે જેને તમે જન્મ જ લેવા દેવા ન હતા ઈચ્છતા. પોતાના સંતાનને માટે તો માણસ કંઈ પણ કરી છુટે ને તમે તેને ધરતી પર આવતા પહેલા જ મારી નાખવા માંગતા તમારા માતા પિતાનો વિરોધ પણ ના કરી શક્યા?" શ્યામ પાસે આંખો નીચી કરીને સાંભળવા સિવાય બીજો કોઈ જવાબ ન હતો. થોડીવાર કોઈ કશું બોલ્યું નહિ. આખરે શ્યામે કહ્યું,"સ્મિતા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તમને બંને ને લેવા આવ્યો છું. શું તું મને મારી લક્ષ્મી જેવી દીકરી સાથે રહેવાનો થોડો સમય આપી શકીશ? હું જાણું છું કે ચાર મહિના પછી તેના લગ્ન છે." સ્મિતાની આંખો છલકાઈ ગઈ. તેણે લીના સામે જોયું. લીનાએ મૂક સંમતી આપી એટલે સ્મિતાએ હકારમાં માથું હલાવ્યું.

બે દિવસ બાદ સારું મૂહર્ત જોઇને શ્યામ બંને ને લેવા ગયા. કાર શ્યામના ઘર પાસે પહોચતા જ મોટો શામિયાણો બાંધેલો નજરે પડ્યો. મા-દીકરી બંને નવાઈ પામી ગયા. મોટા જમણવારની તડામાર તૈયારીયો ચાલી રહી હતી. સ્ત્રિયો મંગલ ગીતો ગાઈ રહી હતી. શરણાઈના મીઠા સુરો રેલાઈ રહ્યા હતા. ત્રણેય કારમાંથી ઘરના દરવાજા પાસે ઉતર્યા. પણ શ્યામે તેમને ઘરમાં જતા રોક્યા ને કહ્યું, "એક મિનીટ અહીં જ ઉભી રહેજે બેટા" સ્મિતાબેન અને લીના એક બીજા સામે જોવા લાગ્યા. ત્યાં તો શ્યામ હાથમાં કંકુ ઘોળેલી થાળી સાથે આવ્યા અને લીનાને કહ્યું, "બેટા, કુમકુમ પગલા કરીને તારા આ બાપને પ્રાયશ્ચિત કરવાનો મોકો આપ." લીનાએ પગ કંકુની થાળીમાં મુક્યા અને પિતાના નસીબના દ્વાર ખોલતી હોય તેમ કંચન વરણા પગલા પાડતી, હર્ષાશ્રુ વહાવતા પિતાની કોટે વળગી પડી! ત્યાં હાજર રહેલા તમામની આંખો પિતા-પુત્રીના આ મિલનને જોઇને ભીંજાઈ ગઇ!

-ભગવતી પંચમતીયા 'રોશની'