ફોર ધ ટાઇમ પાસ Bhagwati I Panchmatiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફોર ધ ટાઇમ પાસ

ફોર ધ ટાઇમ પાસ

નીલો ઉદધિ સામે જ હિલોળા લઈ રહ્યો હતો. ઉપર નિરભ્ર નીલું આભ હતું અને વચ્ચે બેઠો હતો ઍકલો અટૂલો વિચારોમાં અટવાયેલો નીરવ. તેના મનમાં વિચારોનું જબરદસ્ત તોફાન હિલોળા લઈ રહ્યું હતું. ઍ તોફાન ખડું કરનાર હતી નીલિમા. હા, નીલિમા જે થોડીવાર પહેલાં જ તેને અધવચ્ચે વિચારોનાં દરિયામાં ડૂબતો છોડીને ચાલી ગઈ હતી. કેવાં કેવાં સપનાં સેવ્યાં હતાં નિરવે!! એ બધાં સ્વપ્નને એક જ ઝાટકે ચૂર કરી ગઈ હતી નીલિમા!!

નીરવને એ એક-એક વાત યાદ હતી. નીલિમાની મુખમુદ્રા, એનાં એક-એક શબ્દો, ને એક-એક હાવ-ભાવ.....એ બધું જ તેને અક્ષરસઃ યાદ હતું ને એ સમય જાણે ફરી એક વાર તેની નજર સામેથી પસાર થઇ રહ્યો હોય તેમ તેને લાગ્યું. તેને યાદ આવ્યો એ દિવસ, એ ક્ષણ જ્યારથી એના જીવનમાં એક તોફાન આવ્યું હતું. હા, એને તોફાન જ કહી શકાય.

નીરવ ટી.વાય.બી.એ. નો વિદ્યાર્થી હતો. બી.એ. નાં ત્રીજા વર્ષનો એ પહેલો દિવસ હતો.નીલિમાના પિતાજીની એ શહેર માં બદલી થઇ હોવાથી તે તૃતીય વર્ષની નવી જ વિધ્યાર્થીની હતી. પ્રાર્થના-ખંડમાં પ્રોફેસર વર્મા ઍ તેની ઓળખાણ કરાવતાં કહ્યું હતું. આ છે મિસ નીલિમા રોય. લાસ્ટ ઈયર સેકન્ડ બી. ઍ. માં ટોપ કર્યું હતું અને આશા છે કે તે આપણી કોલેજ નું નામ પણ જરૂર ઉજ્જવળ કરશે. બાય ધ વે શી ઈઝ ફ્રોમ જામનગર.

નીરવ ત્યારથી જ તેનાં વિચારોમાં ખોવાઈ ગયો હતો. ક્લાસ શરુ થયો. તેમના વર્ગનાં 'દાદા' ગણાતાં મોન્ટુએ કાગળનું એક રોકેટ બનાવી ને નીલિમા તરફ ફેંક્યું. મોન્ટુની આગળની બેંચ પર નીરવ બેઠેલો હતો અને મોન્ટુ ની આ હરકત જોઈ રહ્યો હતો. તેને પોતાની તરફ જોઈ રહેલો જાણીને નીલિમાએ નીરવ ને ક્લાસ વચ્ચે જ ખખડાવી નાખ્યો : “મિસ્ટર આપ આપના મનમાં સમજો છો શું ? આ કોલેજ છે કંઈ તમારું ઘર નથી! હું નવી છું એનો મતલબ તમે ગમે તેમ બીહેવ કરશો ને હું ચલાવી લઈશ? પ્રિન્સીપાલ ને કહી ને તમને રેસ્ટીકેટ કરાવી દઈશ સમજ્યાને? તમેય યાદ રાખશો કે દિલ્હીની કમાનમાં કોઈ મળી હતી.....વગેરે વગેરે અને આવું તો કંઈ કેટલુંયે નીલિમાએ નીરવને સંભળાવી દીધું. નીરવ કશું જ ન બોલી શક્યો.

આખરે પ્રોફેસર પીરીયડ લેવા આવી પહોચ્યા તેથી વાત આગળ વધતી અટકી ગઈ. લેકચર પૂરું થયા બાદ નીલિમાના ક્લાસની ગર્લ્સે નીલિમા ને અસલી વાત જાણ કરી કે એ શરારત નીરવની નહીં પણ મોન્ટુની છે. ત્યારે નીલિમાને થયું કે બહુ ખોટું થઇ ગયું પણ હવે શું કરવું? એ વિચારતી રહી.

થોડા દિવસો વીતી ગયા, એક દિવસ અચાનક બંને લાઈબ્રેરીમાં ભેગા થઇ ગયા. ત્યારે નીલિમાએ તે દિવસની વાત યાદ દેવડાવતા કહ્યું, “આઈ એમ સોરી નીરવ. મને ખ્યાલ જ ન હતો કે આ શરારત મોન્ટુ ની છે. મેં આપનું આખા ક્લાસ વચ્ચે અપમાન કરી નાખ્યું.” હવે નિરવે મોં ખોલ્યું, “નહીં નીલિમાજી, તમારો ગુસ્સો યોગ્ય હતો. કોઈ પોતાની મશ્કરી કરી જાય તે કઈ છોકરી સાંખી લે? પરંતુ હા હવે મારા પર શંકા કરતા નહીં. હું મોન્ટુની પંક્તિ નો માણસ નથી. અને એ દિવસ બાદ બંને ઘણીવાર લાયબ્રેરીમાં મળવા લાગ્યા. તો ક્યારેક કોલેજ ની કેન્ટીન કે કોલેજના ગાર્ડનમાં બેસી ને નાસ્તો કરતા. કોઈ વિષય કે પુસ્તક ની ચર્ચા કરતા. વિચારો ની આપ-લે કરતા અને ની:સંકોચ થઇ ને પોતાના મંતવ્યો વ્યક્ત કરતા. બંનેની બુદ્ધી ક્ષમતા લગભગ સરખી જ હતી. નીલિમા જામનગરની કોલેજમાં ટોપર હતી તો નીરવ રાજકોટની કોલેજ નો! ધીમે-ધીમે નીરવ નીલિમા તરફ તણાવા લાગ્યો. તે કોલેજ અને શહેર બંનેમાં નવી હતી તેથી બસોના રૂટ અંગે માહિતી તથા બીજી જરૂરી જાણકારી આપવામાં નીરવ હમેશા મદદ કરતો. જોગાનુજોગ બંને નો કોલેજ જવા માટેની બસનો રૂટ પણ એક જ હતો. નીરવનો સ્ટોપ નીલિમાના સ્ટોપ કરતા પહેલા આવતો. તેથી નીરવ કોલેજ જતી વખતે પહેલાથી જ નીલિમા માટે રોજ સીટ રાખતો. બંને રોજ સાથે જ કોલેજ જવા લાગ્યા.

પછી તો નીરવ ના કહેવા થી નીલિમા તેની સાથે ક્લબમાં, પિક્ચરમાં તથા પાર્ટીઓમાં જવા લાગી. સૌથી ઓછાબોલા છોકરા તરીકે કોલેજમાં પ્રખ્યાત નીરવને નીલિમા સાથે આટલો બધો હળી-મળીને રહેતો જોઇને સૌને આશ્ચર્ય થતું. ને દુનિયાની રીત તો આપણે સૌ જાણીએ જ છીએ! કશુંક અજુગતું જુવે કે તરત જ સાચી ખોટી અટકળો કરવા લાગી જાય! એવામાં વળી એક દિવસ બંને પોતાની વાતોમાં મશગુલ ચાલ્યા આવતા હતા ને તેમની સાથે જ કોલેજના ડીન પણ કોલેજ માં પ્રવેશ્યા પણ નીરવ કે નીલિમા બંનેમાંથી કોઈને તેનો ખ્યાલ જ ના આવ્યો! એ તો સારું કે ડીન નું પણ ધ્યાન ના હતું. નહીતર ગુડ મોર્નિંગ વિશ ના કરવા બદલ જરૂર લેકચર જરૂર સાંભળવું પડ્યું હોત! પણ બંનેને સાથે ચાલ્યા જતા જોઇને મોન્ટુ ટીખળ કાર્ય વગર ના રહી શક્યો.

તે બોલ્યો : “વેલ કમ મિસ્ટર એન્ડ મીસીસ.....” પણ......કોલેજ ના પહેલા દિવસ નો નીલિમા નો ગુસ્સો અને રોકેટવાળી વાત યાદ આવી જતાં તેણે વાત બદલાવી નાખી અને એક-એક શબ્દ પર ભાર આપીને તેને છુટ્ટો પાડતાં બોલ્યો: “આવો મી-સ-ટ-ર નીરવ એન્ડ મિસ નીલિમા.....” પણ બંનેમાંથી કોઈનેય ઉત્તર આપવાની જરૂર ના જણાઈ. ત્રણ તાસ પછી પડેલી રીસેસમાં બહેનપણીઓ જોડે વાતોમાં ગૂંથાયેલી નીલિમાને “ચલ તો મારી જોડે, થોડી વાત કરવી છે.” તેમ કહીને નીરવ પોતાની સાથે ઘસડી ગયો. પવનથી ઉડીને નીલિમા ના ચહેરાને ઢાંકતી તેની કાજલ કાળી લટોને નીલિમાએ એક જ ઝાટકે દૂર કરી ને નીરવ ને કહ્યું, “તારે વાત જ કરવી હતી તો કોલેજમાં પણ થઇ શકતી હતી. અહીં છેક સાગર-કિનારે લઇ આવવાની શી જરૂર હતી? ઉત્તરમાં નિરવે તેને બેસવાનો ઈશારો કર્યો. બંને જણાએ એક-એક ખડક પર બેઠક લીધી. નિરવે વાતની શરૂઆત કરતા કહ્યું, “આ સામે ઘૂઘવતો અફાટ સાગર તું જુએ છે નીલિમા?” નીલિમાએ હકારમાં માથું હલાવ્યું. આવો જ એક અફાટ સાગર મારા હૃદયમાં ઉછળી રહ્યો છે....” નિરવે પ્રેમ થી નીલિમા સામે જોઇને કહ્યું, “જ્યારથી તને પહેલીવાર જોઈ છે ત્યાર થી મને પ્રેમ થઇ ગયો છે નીલિમા.... લવ એટ ફર્સ્ટ સાઇટ... યુ નો ......” થોડું થોભીને તે ફરી બોલ્યો : “હું આવી પ્રેમની વાતોમાં માનતો નહતો પણ તને જોઇને મારા બધા સમીકરણો બદલાઈ ગયાં.” થોડીવારના મૌન બાદ હતી તેટલી હિંમત એકઠી કરીને તેણે નીલિમા નો હાથ પોતાના હાથમાં લેતા પૂછી જ નાખ્યું, “ તું મારી સાથે લગ્ન કરશે ને નીલિમા?”

અને આ સાંભળતાવેંત જ નીલિમા નીરવના હાથમાંથી ઝાટકાભેર પોતાનો હાથ છોડાવીને ખડક પરથી ઉભી થઇ ગઈ ને એક મુક્ત અટ્ટહાસ્ય કરતા કહ્યું, “ લગ્ન? ને વળી તારી સાથે?” ફરી પાછું તેણે એક હાસ્ય વેર્યું, જાણે નીરવ ની મૂર્ખતા પર ના હસતી હોય?!! તે દિવસે મેં તારા અપમાન બદલ માફી માંગી એટલે તેં આટલું વિચારવાની હિંમત કરી ખરું ને? મેં તારા જેવા કેટલાય નીરવ જોઈ નાખ્યા છે મિસ્ટર નિરવકુમાર જોશી! સ્વપ્ન ની દુનિયા માંથી બહાર આવો ને દુનિયાની નક્કર વાસ્તવિકતા જુઓ!!” “તો પછી” નિરવે કહ્યું, “તને મારા પ્રત્યે પ્રેમ ન હતો તો તું મારી જોડે પિક્ચરમાં, ક્લબમાં, પાર્ટીઓમાં શા માટે આવતી હતી?

“ફોર ધ ટાઈમ પાસ” નીલિમાએ બિન્ધાસ્ત પણે ફરી નીરવની મૂર્ખતા પર હસતાં કહી નાખ્યું. આજના જમાનામાં કોઈના પર પણ વિશ્વાસ મુકીને તારા જેવા કેટલાય પોતાની જાતને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાનો લાભ જોઇને જ વાત કરે છે સમજ્યો? તું હતો તેથી મારે કદી બસ માં ઉભા-ઉભા મુસાફરી નથી કરવી પડી! અને ચા-નાસ્તો, આઈસ્ક્રીમ કે ટીકીટ ના પૈસા તેં કદી ચુકવવા દીધા છે ખરા? એ તારી સાથે ના સંબંધોનો લાભ નહીં તો બીજું શું? અને તને એમાંથી શું લાભ મળ્યો? કદીક વિચારજે..... અને .... રહી લગ્નની વાત. તો એ તો તું કદી વિચારજે જ નહીં. ક્યાં હું ને ક્યાં તું? મને તો સમજાતું નથી કે તને આવો ક્ષુલ્લક વિચાર આવ્યો કઈ રીતે? મારી સામે તારી હેસિયત જ શું છે? આખરે તો તું એક ક્લાર્કનો જ દીકરો ને? તને તારા માતા-પિતા એ હેસિયત એટલે શું એ પણ નથી શીખવાડ્યું? મારી સાથે હવે ફરી કદી વાત પણ કરવાની કોશિશ ન કરીશ.”

“ગૂડ બાય ફોર એવર.....” કહી ને તે ઝડપથી જતી રહી. નીરવ તેને જતી જોઈ રહ્યો. નીલિમાએ તેનાં હૃદયનાં જાણે સો-સો ટુકડા કરી નાખ્યા હોય તેવું તે અનુભવવા લાગ્યો. પોતાના નિર્વ્યાજ સ્નેહ નો બદલો નીલિમા આવો આપશે તેની તો તેને સ્વપ્નમાં પણ કલ્પના ન હતી! તેણે જોરથી પોતાના બંને હાથ પોતાનાં મસ્તક પર દબાવી દીધા. મનમાં વેદના ની એક ટીશ ઉઠી. તેણે પોતાની જાત પર તિરસ્કાર થવા લાગ્યો. તે ક્યાંય સુધી શૂન્યમનસ્કપણે હતો તેમજ બેસી રહ્યો, દરિયાનાં મોજાં ગણતો રહ્યો.... ઊછળતા મોજાંમાંથી તેને રહી રહીને નીરલ્લજપણે બોલાયેલા નીલિમાનાં શબ્દોનાં પડઘા સંભળાય રહ્યાં હતાં: “ફોર ધ ટાઈમ પાસ, ફોર ધ ટાઈમ પાસ.......”

- ભગવતી પંચમતીયા 'રોશની'