વસંતમાં પાનખર Bhagwati I Panchmatiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંતમાં પાનખર

સવાર થઈ ગઈ હતી. જીવન રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યું હતું. રસ્તા પર વાહનો નો ઘોંઘાટ શરૂ થઈ ગયો હતો. ઑફિસ જતાં લોકો રાબેતા મુજબ જ ઉતાવળ મા હતાં. વર્ષા પણ તેમાં ની ઍક હતી. મધ્યમ વર્ગ ની ફૅમિલી ને બિલૉંગ કરતી હતી. નોકરી કરતી ફૅશન પરસ્ત યુવતિઓ જેવી અલ્લડ ન હતી. બહુ શાંત અને સમજુ હતી. પોતાનું કામ દિલ દઇને કરતી. કુદરતે રૂપ તો છુટ્ટે હાથે આપ્યું હતું. સપ્રમાણ શરીર,ગોરો રંગ, ભરાવદાર ચહેરો ને ભાવવાહી આંખો! જાણે નવરાશ માં ઘડી હોય તેવી પ્રભુ ની સુંદર રચના! અને સૌથી સુંદર હતું તેનું દિલ!! જેમાં હંમેશાં કરુણાનો ધોધ વહેતો. હંમેશાં સહુને મદદ કરવા તત્પર રહેતી વર્ષા પણ માનવ-મહેરમાણને વીંધતી ઝડપથી ઑફીસ જવાં અગ્રેસર થઈ. તેણે પોતાના ડેસ્ક પર જઈને હજુ કોમ્પ્યુટર ઓન કર્યું જ હતું કે તેમનાં બૉસ મિસ્ટર વસંતે પ્રવેશ કર્યો. હા-હા-હી-હી કરતાં કર્મચારીઓ ગંભીર બનીને ઉભાં થઈ ગયાં.

મિસ્ટર વસંત ના પ્રવેશ થી હંમેશા વાતાવરણ ભારજલ્લું થઈ જતું. સહુ કોઈ બૉસ ના આવા ગંભીર સ્વભાવ થી થોડા-ઘણા નારાજ હતા. પણ ઍક વર્ષા જ આખી ઑફીસ માં ઍવી હતી જેને કોઈ ફરક ન હતો પડતો. ઍ તો બસ પોતાનું કામ કર્યે જતી હતી. તે પોતાના કલિગ્સ ને પણ બૉસ વિષે ઘસાતું બોલતાં રોક્તી.

મિસ્ટર. વસંત ૩૬-૩૭ વર્ષ ની ઍજ નાં ઍક દેખાવડા વ્યક્તિ હતા. સદા કામ માં ડૂબેલા રહેતા અને ખપ પૂરતું જ બોલતાં .કામ માં ક્યારેય લાપરવાહી તેમને પસંદ ન હતી. દરેક ઍમ્પલોઈ નું કામ પર્ફેક્ટ હોય તેવો આગ્રહ રાખતા. વર્ષા ને કામ માટે ઘણી વાર તેમની ઑફીસ માં જવું પડતું. ઍ જ્યારે પણ ઑફીસ માં જતી ત્યારે ત્યારે તેને થતું કે મિસ્ટર વસંત મનોમન કોઈ વાતે ખૂબ દુ:ખી છે. ટેબલ પર મૂકેલી ઍક તસવીર સામે તાકી રહેતા વર્ષા ઍ તેમને ઘણી વાર જોયાં હતાં પણ તસવીર ની સાઇડ મિસ્ટર વસંત તરફ હોવા થી વર્ષા તેને જોઈ શકી ન હતી.

સમય સમય નું કામ કરી રહ્યો હતો. રોજ ની જેમ વર્ષા પોતાનાં કામ માં ખૂંપેલી હતી. ત્યાં જ તેના ઘેર થી ઍક ફોન આવ્યો. તેનાં મમ્મી ને અચાનક અપેંડિક્સ નો દુખાવો ઉપડી આવ્યો હતો. ડૉ. ઍ તાત્કાલીક ઑપરેશન કરવા નું કહ્યું હતું. ૧૫ થી ૨૦ હજાર રૂપિયા ની તાતી જરૂર ઉભી થઈ હતી. વર્ષા ને શું કરવું તે ના સમજાયું. આખરે તેણે ડરતા ડરતા બૉસ ને વાત કરી. મિસ્ટર વસંતે સૌના આશ્ચર્ય વચ્ચે વર્ષા ની લોન પણ સેન્ક્શન કરી દીધી અને વગર કહ્યે ચાલુ પગારે ઍક સપ્તાહ ની રજા પણ મંજૂર કરી દીધી. ને દિલાસો આપતાં કહ્યું , " મિસ વર્ષા, મૂંઝાશો નહીં. કોઈ પણ હેલ્પ ની જરૂર હોય તો ઑફીસ ફોન કરી દેશો." આ બનાવ પછી વર્ષા નાં મન માં મિસ્ટર વસંત માટે સોફ્ટ કોર્નર બની ગઈ. તેમાં ઍક દિવસ ઑફીસ થી વર્ષા થોડી મોડી નીકળી. તેની બસ જતી રહી હતી. બીજી બસ મળતી ન હતી અને વરસાદ કહે મારું કામ!! ધીમે ધીમે અંધારું ઘાટું થવા લાગ્યું હતું. રસ્તાઓ પણ સુના થવા લાગ્યા હતા. તેવામાં જ ઍક કાર આવી ને વર્ષા પાસે ઊભી રહી ગઈ. વર્ષા નવાઈ પામી ગઈ. જોયું તો બૉસ!! તેમણે વર્ષા ને કાર માં બેસવા કહ્યું. ને પરિસ્થિતિ નો વિચાર કરી ને વર્ષા કાર માં બેસી ગઈ. મિસ્ટર વસંતે તેની મમ્મી ની હેલ્થ વિષે પૃચ્છા કરી, ત્યાર પછી સાવ ચુપકીદી છવાઈ ગઈ.

ઘણાં સમય થી મન માં ઘોળાતી વાત પૂછવા ની ઈચ્છા ને વર્ષા દબાવી ના શકી. હિમ્મત કરી ને તેણે આખરે પૂછી જ નાખ્યું. " સર, આપ હમેશાં ઉદાસ શા માટે રહો છો? ઑફીસમાં ક્યારેય તમને કોઈ ઍ હસતાં જોયા નથી. તમે કોઈની બર્થડે પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટી અટેંડ નથી કરતાં..... આવું શા માટે સર? આપ ની આ ઘેરી ઉદાસી નુ કારણ શું છે? આપ નાં માતા-પિતા કે આપનાં પત્ની આપ ને આમ ઉદાસ જોઈ ને દુ:ખી નથી થતાં? કે પછી દુ:ખ નું કારણ જ ઍ લોકો છે?" "બિલકુલ નહીં, મિસ વર્ષા. મારા દુ:ખ અને ઉદાસી નું કારણ હું પોતે જ છું,મારી ભૂલ છે." મિસ્ટર વસંત બોલી ઉઠ્યા." "ભૂલ ? કેવી ભૂલ સર? અને તે પણ આપના થી? ઈમ્પોસિબલ. તમે તો બધી બાબતે કેટલા પર્ફેક્ટ છો સર. તમે કોઈ ભૂલ કરી શકો ઍ વાત માનવામાં આવે તેમ નથી." વર્ષા બોલી ઉઠી. "તો અહીં તમે ભૂલ કરી રહ્યાં છો, મિસ વર્ષા. મેં ઍક ઍવી અક્ષમ્ય ભૂલ કરી છે જે મને ખુશ થવાની પરવાનગી નથી આપતી." થોડું અટકી ને વસંત ફરી બોલ્યાં. "અપરાધ ભાવ નો બોજ મારા મન પર તેનો કાયમી કબ્જો જમાવી ચૂક્યો છે." વર્ષા તેમને નવાઈ થી જોઈ રહી કારણ કે તેણે બૉસ ને ઍક સાથે આટલું બોલતાં ક્યારેય સાંભળ્યા ન હતાં. કાર ની વિન્ડો પર અથડાઈ ને સરી જતાં બુંદો ને જોઈ ને મિસ્ટર વસંત વધુ ઉદાસ થઈ ગયાં. અને તેમની વેદના ને વાચા આપતાં હોય તેમ વાદળો વધુ જોર થી વરસવા લાગ્યાં. તેથી મિસ્ટર વસંત ને કાર ની સ્પીડ થોડી વધુ ધીમી કરવી પડી. "પણ સર, ઍવુ તે શું બન્યું કે....." વર્ષા ઍ વાક્ય અધ્યાહાર જ છોડી દીધું. "મારી પત્ની ઋતા નું મારા લીધે થયેલું મૃત્યુ." વર્ષા આ સાંભળી ને ચોંકી ગઈ. " સર??" "હા ,મિસ વર્ષા. મારી ઍક ભૂલ ને કારણે મારી પત્ની ઋતા નો ભોગ લેવાઈ ગયો. આજ થી પાંચ વર્ષ પહેલાં મારા અને ઋતા નાં લગ્ન વિધિ પૂર્વક થયાં હતાં. ઍક વર્ષ તો આરામ થી પસાર થઈ ગયું પણ પછી મારા બાળક માટે ની મારી ઈચ્છા વધુ જોર પકડવા લાગી ને પછી શરૂ થઈ ગયાં હોસ્પિટલ નાં ચક્કર. આખરે ભગવાને અમારી અરજી સાંભળી પણ ઍક રોડ ઍક્સિડેન્ટ ના કારણે મોં સુધી આવેલો અમારો કૉળીયો ઝૂંટવાઈ ગયો !!" આટલું બોલતાં બોલતાં જાણે ઍ સમય ને તેઓ ફરી થી જીવી રહ્યા હોય તેમ મિસ્ટર વસંતનાં ચહેરા પર વેદના ની વણઝાર દોડી રહી !! બહાર વરસાદ વધતો જતો હતો. વાતાવરણ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું હતું. મિસ્ટર વસંતે વાત નો દોર ફરી સાધતા કહ્યું; "આટલું ઓછું હોય તેમ કુદરતે અમારી સાથે વધુ ઍક ક્રુર મજાક કરી. આ અકસ્માત માં ઋતા ઍવી ઘવાઈ કે તે ફરી સંતાન ને જન્મ આપી શકવાની હાલત મા ન રહી. તેમ કરવા જતાં તેનાં પોતાનાં જીવ પર જોખમ ઊભૂં થઈ જાય તેમ હતું. હું સંતાન જરૂર ઈચ્છતો હતો પણ ઋતા નાં જીવ નાં જોખમે તો નહીં જ. તેમાં ઍક દિવસ મારા ફ્રેંડ ના ઘેર તેનાં બાબા ની બર્થડે પાર્ટી હતી. અમારે પણ ત્યાં જવાનું હતું. તેના માટે ગિફ્ટ ખરીદતી વખતે મારા થી બોલી જવાયું કે આપણું બાળક હોત તો અત્યારે ૬ મહિનાનું થઈ ગયું હોત. અને આપણે તેને સાથે લઈ ને અત્યારે પાર્ટી માં જતાં હોત. રમકડાં ની આખી શોપ હું તેનાં માટે ખરીદી લાવત. તેનાં બર્થડે પર ઍવી પાર્ટી આપત કે જગ જોતું રહી જાત!! પણ અફસોસ કે ઍ ખુશી આપણે ક્યારેય નહીં મળે. આપણાં નસીબ માં તો ભગવાને બસ બીજાં નાં બાળકો ને જ વિશ કરવાનું લખ્યું છે." અજાણ પણે બોલાયેલા મારા આ શબ્દો સાંભળી ને ઋતા મનોમન ભાંગી પડી ને પોતાની જાત ને દોષ દેવા લાગી તેનું મને બહુ મોડે થી ભાન થયું ને ત્યારે મને પસ્તવા નો સમય પણ ના મળ્યો. પાર્ટી માં પણ અમારા બાળક ને લગતી વાતો થતી રહી અને ઋતા મનોમન દુ:ખી થતી રહી. હું પણ મારા જીવન માં અણધારી બની ગયેલી આ ઘટના ને કેમે કરી ને ભૂલી શકતો ન હતો. પાર્ટી માં યારો દોસ્તો ની સોબત માં મારી કેપેસીટી બહાર હું ૩-૪ પેગ ગટગટાવી ગયો. તે રાત્રે ઋતા ઍ ઍક ખોટો નિર્ણય લઈ લીધો. અને નશા માં હોવાથી તેના ઍ નિર્ણય માં હું અજાણે જ સામેલ થઈ ગયો. આ વાતને લગભગ ૨ મહીના થવા આવ્યા હશે. હું તો આ વાત સંપૂર્ણપણે ભૂલી ચૂક્યો હતો. પણ ઋતાનાં લેડી ડૉ. નો ફોન આવતાં જ હું ક્લીનીક દોડી ગયો. જઇને જોયું તો ઋતા ને ગ્લૂકોસ ની બોટલ ચડી રહી હતી. તેને મળીને હું સીધો જ ડૉક્ટર ની ઑફીસ માં દોડી ગયો. ડૉક્ટર ની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ !! લથડતા પગે હું ઋતા પાસે આવ્યો. તેનો નિસ્તેજ ચહેરો જોઈ ને મારું હૃદય ભાંગીને ભુક્કો થઈ ગયું. "મારે બાળક જોઈઍ છે, ઋતા પણ તારા ભોગે તો નહીં જ. તેં આવો આકરો નિર્ણય શા માટે લઈ લીધો? અને તે પણ મને જાણ થવા દીધા વગર ?? જવાબમાં તે ફિક્કું હસી. દિવસે દિવસે તેની તબિયત બગડવા લાગી. અબૉર્ષન પણ કરી શકાય તેમ ન હતું. હું લાચાર બનીને તેને મૃત્યુ તરફ ધકેલાતિ જોઈ રહ્યો. તેના ઈલાજ માં કાઇ જ બાકી ના રહેવા દીધું. પણ મારી ઍક પણ કોશિષ કામયાબ ના નીવડી. અને આવી જ ઍક મેઘલી સાંજે તેના જીવન નો સુર્યાસ્ત થઈ ગયો. તેનો છેલ્લા પાંચ મહિનાનો તરફડાટ હું કદી નહીં ભૂલી શકું. હવે તમે જ કહો મિસ વર્ષા, શું મને ખુશ રહેવાનો જરા પણ હક્ક છે? મારી ભૂલ નું પ્રાયશ્ચિત કરવા માટે જ હું જીવું છું અને ઍ જ મારી સજા પણ છે. આ વાત સાંભળીને વર્ષા ની આંખોમાં થી પણ અશ્રુઓ છલકી ઉઠ્યાં. ટિશ્યુ વડે પોતાનો ચેહરો લૂછીને તે બોલી, "પણ સર, આપે કશું જ ઈરાદાપૂર્વક નથી કર્યું તો જાતને દોષ આપવો મારી દ્રષ્ટી ઍ યોગ્ય નથી. તમે તમારાં બીજાં લગ્ન વિષે કૅમ ના વિચાર્યું??" "ઍ હું કઈ રીતે કરી શકું? ઋતાની ચિતા ની આગને લગ્નની પવિત્ર વેદી નો અગ્નિ કઈ રીતે બનાવી શકું? ઋતાની રાખ પર મારા શમણાં નો મહેલ કેમ કરીને સજાવું ? બોલો મિસ વર્ષા?" વર્ષા હતપ્રભ બની ને મિસ્ટર વસંત નાં ચહેરા પર ઉમટી રહેલાં વ્યથાનાં વાદળોને જોઈ રહી ને ધીરે રહીને બોલી : " સર, આપની રણ જેવી વેરાન જિંદગીને લીલીછમ્મ બનાવવાનો ઍક મોકો આપશો? વર્ષાની બુંદો રણમાં પણ ફૂલ ખીલવી શકે છે." " રણમાં જરૂર ફૂલો ખીલી શકે છે. ગ્રીષ્મ ની કાળઝાળ ગરમીથી મુરઝાયેલાં ફૂલો પણ ખીલી શકે છે, મિસ વર્ષા પણ......... અહીઁ તો ભર વસન્તે પાનખર કાયમી કબ્જો જમાવી ચૂકી છે!! વસંત નાં કરમાયાં ક્યારેય ફરી ખીલી નથી શકતાં ચાહે કોઈ લાખ કોશિષ કરી લે!! આપની લાગણી માટે આપનો હું હમેશા દિલ થી આભારી રહીશ. ઋતા સાથે વિતાવેલ સમય ની યાદો મારા શેષ જીવન માટે પર્યાપ્ત છે. હું જિંદગીભર આ ભુલ નું પ્રાયશ્ચિત કરવા ઈચ્છું છું અને મારી સાથે બીજા કોઈ ને દુ:ખી કરવા નથી માંગતો. કારણકે હું ઋતાને ક્યારેય નહીં ભૂલી શકું. મારી ખુશી ખાતર પોતાનાં જીવની પણ પરવા ન કરનાર ઍ નારીની કુરબાની ને હું ભૂલું તો મને જગત નિયન્તા ક્યારેય માફ ન કરે. મને આશા છે કે આપ મારી વાત બરાબર સમજી ગયા હશો, મિસ વર્ષા" " જી સર, દિલથી ઉચ્ચારાયેલો આપનો ઍક ઍક શબ્દ હમેશા મારા મનમાં ગુંજતો રહેશે. આપની પત્ની પ્રત્યેની લાગણી અને પ્રાયશ્ચિત કરવાના આ જજ્બા ને દિલથી સલામ!!" "અને બીજી ઍક વાત મિસ વર્ષા, આપણી વચ્ચે થયેલી આ વાત......" " આ બાબત આપ બેફીકર રહેજો સર, તે આપણી વચ્ચે જ રહેશે." આજ આપ જેવા સજ્જન માણસને મળીને મારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની ગઈ. આપ જેવા માણસોને કારણે જ હજુ ધરતી પર માનવતા ટકી રહી છે. આપની આ વિચારધારા હમેશા મારા માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે." બહાર વરસાદનો ગોરંભો વરસીને શાંત થઈ ચૂક્યો હતો. વાદળોમાંથી ચંદ્રમાની રૂપેરી કોર ડોકાઈ રહી હતી. વર્ષાનું ઘર આવી જતાં તેને ગલી પાસે ઉતારીને મિસ્ટર વસંત ની કાર વરસાદનાં પાણીથી ભરાયેલ રસ્તા પર થી ધીમે ધીમે જવા લાગી. વર્ષા અહોભાવ થી તેમને જતાં જોઈ, મનોમન વંદન કરી રહી.

- ભગવતી પંચમતીયા 'રોશની'