Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com
ઘરમાં લગ્નની તૈયારીઓ જોરદાર રીતે ચાલી રહી હતી અને અચાનક આવી રીતે અમયના મૃત્યુના સમાચાર મળ્યા. આ આઘાતજનક સમાચાર સાંભળતા જ અક્ષી જ્યાં ઉભી હતી ત્યાં જ બેભાન થઇને પડી ગઈ. થોડીવાર પહેલા હસતો રમતો પરિવાર ઘડીકમાં શોકના દરિયામાં ડૂબી ગયો. અક્ષીની માં એ તો ઘરમાં રોકળ શરુ કરી મૂકી હતી. “હે ભગવાન ! આ તે શું ધાર્યું છે ? મારી દીકરીનું સુખ તારાથી જોવાતું નથી ? તારા અસ્તિત્વ વિષે હવે મને શંકા જાય છે.” કરતી પોક મુકીને રડતી હતી. બીજી તરફ અમયના ઘરમાં આ સમાચાર મળ્યા હતા ને ત્યાં પણ આવી જ કાંઇક હાલત હતી. થોડી જ વારમાં અમયની લાશ ઘર આંગણે પહોચી ગઈ હતી અને એ ચગદાઈ ગયેલી લાશ જોઇને નૈનાભાભી તો જાણે સાવ પથ્થર બની ગયા હતા. ગળામાંથી જાણે રડવાનું બહાર જ નહોતું આવતું. ગળે ડૂમો બાજી ગયો હતો અને સાવ પાગલ જેવા બની ગયા હતા. એમના નાના ભાઈ જેવો દિયર આવી મરેલી હાલતમાં પડ્યો હતો જેના માટે કેટલા સપનાઓ જોયા હતા. એક સખત ઊંડો આઘાત લાગ્યો હતો જે તેમની છાતીમાં ધરબાઈ ગયો હતો અને એના વજનથી છાતી જાણે હમણા ફાટી જશે એટલી હદનું દુઃખ આજે નૈનાભાભીના હૃદયમાં ભરાયું હતું અને અંતે અમયના મોટાભાઈએ તેના ખભા પર હાથ મુકતા જ એ રોકી રખાયેલા રુદનનો બંધ તુટ્યો અને જાણે આખું ઘર એ વહેણમાં તણાઈ ગયું.
લગ્નને માત્ર અઠવાડિયાની જ વાર હતી અને બધી તૈયારીઓ થઇ ગઈ હતી જે અમયના મૃત્યુના સમાચારના કારણે બધું અસ્તવ્યસ્ત બની ગયું હતું. વિશાલ તો પોતાનું આ કામ પાર પાડીને ઘરે પાછો આવી ગયો હતો. વિશાલની માં ને એ સમજતા વાર નાં લાગી કે આ બધું કામ એના આ કપટી દીકરાએ જ કર્યું હશે. પરંતુ હવે તો થવાનું હતું તે થઇ ગયું અને બીજું બોલે પણ શું ? વિશાલે આવીને તરત જ તેની માં ને ધમકાવી કે પોતાનું માંગુ લઈને હવે અક્ષીના ઘરે જાય અને નક્કી કરીને જ પાછી આવે. વિશાલની મા વિશાલનું આ સ્વરૂપ જોઇને ડરી ગઈ અને ચુપચાપ ચુંદડી અને શ્રીફળ લઈને અક્ષીના ઘરે પહોચી ગઈ. થોડી વાર અક્ષીની માં પાસે બેસીને અમયનો ખરખરો કર્યો અને ત્યારબાદ હળવેથી બોલી કે તારી દીકરીનું વેવિશાળ જેની સાથે થવાનું હતું એ તો હવે આ દુનિયામાં છે નહિ અને બીજા કોઈ તારી દીકરીનો હાથ ઝાલવા તૈયાર નથી તો મારી વાત માની જા. મારા દીકરા વિશાલ જોડે લગ્ન કરી દે, એને એના પાપનું પ્રાયશ્ચિત કરવા દે. જુનું બધું ભૂલી જા અને તારી દીકરીનું ઘર બંધાય છે એ બાંધી દે, તારી દીકરીને નવી જિંદગી મળશે.
અક્ષીની માં એ થોડી વાર વિચાર કર્યો કે એની વાત તો સાચી છે અને બધું ગોઠવાઈ ગયેલું જ છે માત્ર વરરાજો બદલાશે પણ મારી દીકરી તો પરણી જશે. બીજું તો કોઈ હવે એને નહિ પરણે અને અહિયાં હું એને કેટલા સમય સાચવીશ ? એ કરતા સારું છે કે એને વળાવી જ દઉં. ઘરમાં બધાય જોડે વાત કરી અને બધાએ સમંતિ દર્શાવી. અક્ષી તો અમયના મૃત્યુના સમાચાર પછી તો જાણે મૂર્તિ જ બની ગઈ હતી. કશું જ બોલતી નહોતી કે કશું સાંભળતી નહોતી. જેમ કહે તેમ બસ કર્યે રાખતી હતી. એ જાણે અહિયાં માત્ર શરીરથી જ હતી. અક્ષીની માં એ એકવાર નૈનાને પૂછવાનું પણ યોગ્ય સમજ્યું એટલે ફોન કરીને કહ્યું અને નૈનાભાભીએ રડતા રડતા એટલું જ કહ્યું કે તમારી દીકરી છે એટલે એના ભવિષ્ય વિષે શું કરવું એ તમારે જોવાનું છે. હું એમાં કશું બોલી નાં શકું એમ કરીને ફોન કાપી નાખ્યો હતો. પરિવારના દરેક વડીલોની મંજુરીથી આખરે વિશાલ અને અક્ષીના લગ્ન કરવાનું નક્કી થયું હતું જેની જાણ અક્ષીને હજુ હતી જ નહિ. એ તો બસ માત્ર શરીરથી જ જીવતી હતી.
વાજતે ગાજતે વિશાલની જાન જોડાઈ અને માત્ર એક ચામડીના એ પુતળાને પરણવા માટે અક્ષીના ઘર આંગણે આવી પહોચ્યો. ખુબ બધા સાજ શણગાર કરેલી અક્ષી સાવ નિસ્તેજ લાગી રહી હતી. એકદમ મુરજાયેલો ચહેરો અને જરૂરીયાત પુરતી પલકારા કરતી આંખો અને ચાવી ચડાવેલા રમકડાની જેમ વર્તન કરતી અક્ષીને કોઈ જ્યાં દોરે ત્યાં દોરાઈ જતી હતી. લગ્નમંડપમાં માત્ર આજે ખાલી વિશાલ જ પરણી રહ્યો હતો. આ એવા લગ્ન હતા જેમાં માત્ર વરરાજો જ હતો જે એક શરીરથી જીવી રહેલા નિર્જીવ પુતળા સાથે પરણી રહ્યો હતો. આખરે લગ્નવિધિ પૂરી થઇ અને જાન વિદાય વખતે પણ અક્ષીની આંખમાંથી એક આંસુ પણ બહાર નહોતું આવ્યું. એનો એ જ સપાટ ચહેરો આજે ગામ આખામાં ચર્ચાનો વિષય બન્યો હતો અને એ પણ અક્ષીને જ ગુનેગાર ઠહેરાવી રહ્યો હતો. ઘરના લોકોએ એમ સમજીને જતું કર્યું કે ચાલો ભલે વિદાય વખતે રડી નથી પરંતુ લાકડે માકડું ફીટ તો થઇ ગયું.
વિશાલના ઘરે બંનેનું સ્વાગત થયું અને લગ્નની બાકીની વિધિ પતાવીને અક્ષીને વિશાલના રૂમમાં લઇ જવામાં આવી. અક્ષી એ રૂમમાં પ્રવેશતા જ જાણે અચાનક ભાનમાં આવી અને તે દિવસે ઘટેલી એ ઘટના એના માનસપટ પર છવાઈ ગઈ. “નહિ ! નહિ ! હું અહિયાં નહિ જાઉં. મને અહિયાંથી કોઈ લઇ જાઓ” બોલતા જ અક્ષી રડવા લાગી. ગુલાબના ફૂલથી શણગારેલો એ પહેલી રાતનો ઓરડો અક્ષીને કોઈ ચિતા સમાન લાગી રહ્યો હતો જેના પર ભૂતકાળમાં પોતાની આબરૂના અંતિમ સંસ્કાર થયા હતા. અને આજે ફરીવાર એ જ ઘટનાનું પુનરાવર્તન થવાનું હતું અને આજે તો તે કશું બોલી શકે તેમ પણ નહોતી એવું એને હવે ભાન આવી ગયું હતું. અક્ષીનું મન ચકળવકળ થવા લાગ્યું કે પોતે હોશ-હવાસમાં નહોતી અને એના ઘરવાળાઓએ એને પરણાવી દીધી અને એ પણ આ રાક્ષસ જોડે.
આખરે તે માંડ માંડ રૂમમાં પ્રવેશી અને ખુલ્લી બારી પાસે જઈને ઉભી રહી અને આકાશના તારાઓ જોઈ રહી હતી અને ભગવાનને ફરિયાદ કરીને કોસી રહી હતી કે શું આવી છે તારી દુનિયા જ્યાં માણસ જ બીજા માણસની જિંદગી બરબાદ કરવા માટે તરફડે છે. એટલામાં જ બારી પાસેથી અવાજ આવ્યો. એ અવાજ વિશાલનો હતો એ સમજતા અક્ષીને વાર નાં લાગી. ઘરની પાછળ વિશાલ કોઈક જોડે ફોન પર વાત કરી રહ્યો હતો. “જો સાંભળ ! તે કરેલા કામના પૈસા તને જલ્દી મળી જશે અને આમ પણ મારા સસરાએ ઘણું બધું દહેજ આપ્યું છે. પણ આજે મને હેરાન નહિ કરતો આજે હું દારુ પીવા પણ નહિ આવું કારણ કે આજે તો મારે એ ફૂલ ફટકડીના શરીરના કણકણના ઘુંટડા ભરીને પીવાની છે. એકવાર એ ફૂલનો બધો જ રસ ચૂસી લઉં પછી જેવી રીતે અમયનું કાસળ કાઢ્યું એમ અક્ષીને પણ રસ્તામાંથી કાઢતા વાર નહિ લાગે. જેમ તે મારા કહેવાથી અમયના ખૂનને એક્સીડેંટ બનાવી દીધું એવી જ રીતે અક્ષીના મૃત્યુને પણ રસોડામાં થયેલી આકસ્મિક ઘટના બનાવી દઈશું. આપણને દહેજમાં ઘણો માલ મળ્યો છે એટલે ચિંતા કરવા જેવું નથી. આજે મારા તરફથી જેટલો દારુ પીવો હોય એટલો પીવો હું પૈસા આપી દઈશ.”
વિશાલે કરેલી ફોન પરની એ બધી જ વાત અક્ષી બારીએ ઉભી ઉભી સાંભળી ગઈ અને એની આંખો ફાટી ગઈ. ગુસ્સાથી લાલચોળ એ આંખો અને વાત જાણ્યા પછીનું એનું મગજ હવે પોતાની જાત પરનો કાબુ ખોઈ બેઠું હતું અને તેની જિંદગી બરબાદ કરનાર અને પોતાના પ્રેમથી અલગ કરનાર એ માણસ તરફ હવે બદલો લેવાનું વિચારી રહ્યું હતું. અક્ષીમાં જાણે એક શક્તિનો સંચાર થયો હોય એમ લાગતું હતું જેના કારણે તે ઝડપથી પોતાના રૂમની પાસેના જ રસોડામાં જઈને એક મોટી ચાકુ લઇ આવી હતી અને પોતાના ઓશિકાની નીચે સંતાડી દીધી હતી.
થોડી વારે વિશાલ રૂમમાં આવ્યો. ધીમેથી બારણું બંધ કર્યું અને ખંધુ સ્મિત કરતો અક્ષીની બાજુમાં જ પલંગ પર બેઠો. વિશાલ બાજુમાં આવતા જ અક્ષી સહેજ સંકોચાઈ. વિશાલ તરત જ ટોનમાં બોલ્યો, “આજે તો આપણી સુહાગરાત છે શરમાવાનું મૂકી દે, ચલ આજે તો તારામાં હું પુરેપુરો ખોવાઈ જઈશ.” વિશાલના મગજમાં એણે કરેલી ભૂલના એક પણ વિચારો નહોતા. વિશાલ ધીમે ધીમે અક્ષીના પગ પર હાથ ફેરવવા લાગ્યો અને હળવેથી એનો હાથ જાણે સાપની માફક આગળ વધવા લાગ્યો. પોતાનો શર્ટ ઉતારીને ધીમે ધીમે હવે તે અક્ષીના શરીર પર રહેલા એક એક કપડાને દુર કરી રહ્યો હતો અને હવે તે પુરેપુરો વાસનામાં ખોવાઈ ગયો હતો કે તરત જ અક્ષીએ મોકો જોઇને ઓશિકા નીચે પડેલું ચાકુ લઈને વિશાલના ખુલ્લા શરીરમાં પેટમાં ખોસી દીધું અને ચાકુથી એક આંટી ફેરવી દીધી જેના કારણે અંદરની નસો તૂટી જાય. તરત જ જોરથી વિશાલની છાતી પર પાટું માર્યું અને વિશાલ નીચે ગબડી પડ્યો. અણધાર્યા થયેલા હુમલાના કારણે હજુ તો વિશાલ કઈ સમજીને પ્રતિકાર કરે એ પહેલા જ અક્ષી જાણે ચંડી બનીને વિશાલની માથે બેસી ગઈ અને બદલાની ભાવના અને દાઝ ઉતારવાનું એ જુનુનના કારણે બીજા ૫-૬ ઘા ચાકુથી કર્યા અને વિશાલને લોહી લુહાણ કરી નાખ્યો અને એકસાથે આટલા ઘા વાગવાથી વિશાલ ત્યાં જ મરી ગયો અને આખરે એના મોત પછી એનો ગુસ્સો શાંત થયો અને તે પછી ઘણીવાર સુધી ત્યાં બેસીને અમયને યાદ કરીને રડતી રહી. થોડીવાર પછી ત્યાં રૂમમાં જ પડેલી લગ્નનો ચાંદલો લખવાની બુકમાંથી એક પાનું ફાડીને એમાં લખવા લાગી.
“વિશાલના કારણે મારી જિંદગી બરબાદ થઇ ગઈ. એની એ વાસનાના કારણે એને મારા અમયને પણ મારાથી છીનવી લીધો અને સાથે હજુ મને મારવાના પણ સપના સેવી રહ્યો હતો. એક સ્ત્રીની આબરૂ પર ઘા કરવાનો અંજામ શું હોય છે એ સાબિત કરવા અને મારા અમયના ખૂનનો બદલો લેવા માટે મેં આજે એને મોતને ઘાટ ઉતારી દીધો છે. હવે આ દુનિયામાં મારું કોઈ નથી રહ્યું. મારી આબરૂ વિશાલ લઇ ગયો અને મારો પ્રેમ અમય લઇ ગયો. હવે આમ શરીર બનીને જીવવું એના કરતા હું મરવાનું વધારે પસંદ કરીશ જેથી હું મારા અમયને જલ્દીથી મળી શકું. હું મારા અમય વગર ખુશ નહિ રહી શકું અને એટલે જ હું આત્મહત્યા કરું છું.
મારી એક અંતિમ ઈચ્છા છે કે મારા અંતિમ સંસ્કાર પછી મારા અસ્થી અમયના અસ્થીની સાથે જ વિધિ કરીને પધરાવજો જેથી કરીને હું એની સાથે જ આ દુનિયામાંથી વિદાઈ લઇ શકું. એની સાથે જીવી તો નાં શકી પરંતુ એની સાથે મૃત્યુ પછી પણ હું એક થઇ જવા માંગુ છું. નૈનાભાભીને આ વાત પહોચાડી દેજો એટલે એ સમજી જશે. મા અને પિતા હું તમારા ખોળે દીકરી બનીને જન્મી એ મારું સદભાગ્ય હતું પરંતુ મારા કારણે તમારે બદનામ થવું પડ્યું એ બદલ હું મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું.”
એ જ તમારી અભાગી દીકરી
અક્ષી.
આટલું લખીને અક્ષી પોતાની જ સાડી ઉપર પંખા સાથે બાંધીને લટકી ગઈ અને એ સુહાગરાત બંનેની અંતિમરાત બની ગઈ. વિશાલે કરેલી ભૂલનું પરિણામ તેણે ભોગવ્યું અને તેના જેવા નરાધમના કારણે અક્ષી જેવી માસુમ છોકરીની જિંદગી પણ બગડી અને સાથે અમયે પણ જીવ ગુમાવ્યો.
ઘર પરિવારએ દીકરીનો અંતિમ સંસ્કાર કર્યો અને નૈનાભાભીને એ ચીઠ્ઠી આપી જે વાંચીને નૈનાભાભીએ નક્કી કર્યું કે અક્ષીની અસ્થી અમયના અસ્થી સાથે જ વહાવવામાં આવશે. બંનેના અસ્થીકળશને સાથે ભેગા કરવામાં આવ્યા, ચુંદડી અને છેડાછેડી બાંધી અને ભાભીએ પંડિતને મૃત્યુના શ્લોકને બદલે લગ્નના શ્લોક બોલાવીને બંને અસ્થીકળશના લગ્ન કરાવ્યા અને બંનેની અસ્થીને એક જ કળશમાં ભેગી કરીને દરિયામાં વહાવી દીધી.
લગ્નની ઈચ્છા રાખનાર બંને પ્રેમીઓ જીવતાજીવત તો એક નાં થઇ શક્યા પરંતુ મર્યા પછી આખરે અસ્થીકળશ વડે પણ લગ્ન ગોઠવીને પરણ્યા અને ઉપર રહેલી નિરંતર દુનિયામાં હમેશ માટે એક થઇ ગયા…
અમય અને અક્ષી બંને જાણે આકાશમાંથી નૈનાભાભીનો આભાર માની રહ્યા હોય અને બંને સાથે ખુશ હોય એવું ચિત્ર નૈનાભાભી સામે ખડું થઇ ગયું અને આંખના ખૂણામાં આવેલા આંસુને લુછીને હસીને વિદાય કર્યા.
સમાપ્તિ.