Gothvayela Lagn - 2 books and stories free download online pdf in Gujarati

ગોઠવાયેલા લગ્ન ભાગ - ૨

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com


ફરીવાર જ્યારે એને જોઈ ત્યારે એમ લાગ્યું કે દુનિયાની સૌથી સુંદર હુરપરી અહિયાં આવી ગઈ છે. નાની ઉમરે થતો અહેસાસ કંઈક અલગ જ લાગતો હતો અમયને. અમય એક ખુબ મળતાવડો અને હસમુખો છોકરો હતો. સ્કુલમાં અવ્વલ નંબરે માર્ક્સ મેળવીને પાસ થવું, દરેક પ્રતિયોગીતામાં ભાગ લેવો, વિવિધ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું, અને નવા નવા દોસ્ત બનાવવા જાણે એનો શોખ હતો. સ્વભાવે એકદમ ભોળો અને માસુમ અમય તોફાની પણ એટલો જ હતો પરંતુ એના તોફાની સ્વભાવની બધાને ખબર નાં પાડવા દેતો બસ એ તો એની ધૂનમાં જ મસ્ત રહેતો અને વાર્તાઓ વાંચીને સ્વપ્નોની દુનિયામાં રાચનારો અમય નાની ઉમરે ઘણું બધું શીખી ગયો હતો. સ્કુલમાં પણ સૌનો માનીતો હતો અને છોકરાઓ કરતા છોકરીઓ સાથે જ વધારે રહેતો એટલે એવું પણ નહોતું કે અક્ષીને જોઇને એને પહેલીવાર છોકરી જોયાની અનુભૂતિ થઇ હોય. એ પોતે પણ આ બાબતે વિચારતો કે સ્કુલમાં બધી છોકરીઓ છે એની જોડે તો વાત કરું છું, એમની સાથે બેસીને એમના જ ડબ્બામાંથી નાસ્તો કરું છું, એમની સાથે રમતો હોવ છું છતાં પણ એ લોકો તરફ મને આકર્ષણ નહિ થતું પરંતુ અક્ષીને તો મેં માત્ર જોઈ જ છે તો એને જોઇને મારા મનમાં કેમ તરંગો ઉઠતા હશે ? ૧૬ વર્ષની મુગ્ધાવસ્થાના આવા અનેક પ્રશ્નો અમયને કોરી ખાતા અને એના જવાબો એને વાંચેલી વાર્તાઓમાં શોધ્યા કરતો જેમાં છોકરા છોકરીઓના પ્રેમની વાતો આવતી હોય.

આજે તો અક્ષી પોતાના ગામમાં આવી હતી અને પોતાના ઘરના પ્રસંગમાં આવી હતી એટલે અમયને આજે કોઈને કોઈ રીતે તો અક્ષી જોડે વાત કરવી જ હતી એની સાથે અને એની નજીક રહેવું હતું આજનો દિવસ. પરંતુ કઈ રીતે એ ખબર પડતી નહોતી. એટલામાં જ ભાભી અમય પાસે આવ્યા અને બોલ્યા અમયભાઈ તમે જમી લીધું ?

“હા ભાભી હજુ હમણા જમીને જ અહિયાં આવ્યો છું. કેમ શું થયું ? કઈ કામ છે ?”, અમય એકદમ આજ્ઞાકારી વિદ્યાર્થીની જેમ બોલ્યો.

“દિયરજી, કામ છે એટલે તો પૂછું છું. તમે મારી બહેનને આપણા બીજા ઘરે લઇ જાઓ એણે એ ઘર નથી જોયું અને એને થોડો આરામ કરવો છે એને માથું દુઃખે છે એટલે.”, ભાભી ધીમેથી અક્ષી તરફ ઈશારો કરીને અમય સામે બોલ્યા.

નૈનાભાભી જે હજુ ૨ વર્ષ પહેલા જ આ ઘરમાં મોટાભાઈ જોડે પરણીને આવ્યા હતા. દાદાનો દીકરો મોટોભાઈ ખુબ જ નસીબદાર હતો કે જેને પત્ની તરીકે નૈનાભાભી મળ્યા હતા. એકદમ લાડકોડથી એના પિયરમાં ઉછરેલા ભાભી એટલા નસીબદાર હતા કે એમને સાસરીયામાં પણ એવો જ પ્રેમ મળતો હતો. સામાન્ય રીતે ઘરમાં સાસુ-વહુ અથવા તો નણંદ-ભાભી વચ્ચે ક્યારેક ને ક્યારેક કોઈક ખટરાગ રહેતો જ હોય છે પણ ભાભી અને અમયના મોટાબા વચ્ચે કોઈ દિવસ કોઈ નાની એવી બાબતમાં પણ ઝઘડો કે માથાકૂટ થયેલી નહોતી. આખું ઘર એને એવી રીતે સાચવતા જાણે કોઈ મા પોતાના બાળકને સાચવતી હોય. દરેકની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, દરેકને ભાવતી રસોઈ બનાવી દેવી, દરેક કામમાં આગળ પડતું રહેવું અને એકદમ મીઠી અને મધુર બોલીથી સામેવાળી વ્યક્તિને પોતાની બનાવી લેવી જાણે એ ભાભીને વારસામાં મળ્યું હોય એવા સંસ્કારો હતા. ઘરમાં ક્યારેક કોઈ બીમાર પડ્યું હોય ત્યારે ભાભી દિવસ રાત જોયા વગર એમની સેવા-ચાકરી કરતા અને ભગવાન પાસે એમને સારા થઇ જવાની પ્રાર્થના કર્યા કરતા અને જ્યારે ભાભી પોતે બીમાર પડ્યા ત્યારે જાણે આખું ઘર પાંગળું બની ગયું હતું અને ત્યારે ઘરના દરેક સભ્યોને ભાભી પર વધારે માન થઇ આવ્યું હતું કે આ છોકરી આપણા કુટુંબની લક્ષ્મી બનીને આવી છે. કુટુંબમાં સૌથી વધારે ભાભીને કોઈના જોડે બનતું હોય તો એ હતો અમય. એ લાડથી એને દિયરજી કહીને જ બોલાવતા. ઘણીવાર અમયભાઈ પણ કહેતા. ભાભીને કોઈ સગો ભાઈ નાં હોવાથી ભાભી અમયને જ પોતાનો નાનો ભાઈ માનતા અને રાખડી પણ બાંધતા. પરંતુ પેલો સબંધ દિયરનો હોવાથી હમેશા દિયરજી શબ્દ જ મોઢા પર આવતો.

ભાભીએ તો જાણે અમયના મનની વાત જાણી લીધી હોય અને સામેથી જ મદદ કરી હોય એવું લાગવા લાગ્યું. અમય તરત જ તૈયાર થઇ ગયો., “હા ! હા ! ભાભી એમાં કઈ નાં થોડી પાડવાની હોય, એમને કહો બહાર હું ગાડી કાઢું છું ત્યાં આવી જાય હું એમને આપણા બીજા ઘરે લઇ જાઉં છું.” મનમાં ને મનમાં હરખાતો અમય ઘરની બહાર જઈને ગાડી કાઢતો હતો. ટુ વ્હીલમાં અમયના પગ માંડ માંડ પહોચતા હતા પરંતુ પોતે ગાડી સારી રીતે ચલાવી લેતો. ગાડી બહાર કાઢી એટલામાં જ અક્ષી ધીમે ધીમે બહાર આવી. એની નજર હજુ પણ નીચે જ હતી. ધીમેથી ગાડી પર બેસી ગઈ. અમય એ હળવેથી પૂછ્યું, ” ચાલવા દઉં ? તમે સરખી રીતે બેસી ગયા ને ?”

“હમમ” ટુકાક્ષરીમાં જવાબ આવ્યો.

ધીમે રહીને અમયની ગાડી ચાલવા લાગી. રસ્તામાં અમય વિચાર કરતો હતો કે કંઈક વાત શરુ કરે એમ પણ હિંમત જ નહોતી ચાલતી. માંડ માંડ હિંમત એકઠી કરીને હજુ અમય કઈ બોલવા જાય છે ત્યાં જ બાજુની વાડમાંથી એક કુતરું દોડતું દોડતું વચ્ચે આવ્યું અને સીધું જ અમયની ગાડીને અથડાયું. અમયથી ગાડી પર કાબુ નાં રહ્યું અને ગાડી રસ્તા પર પાણી ઢોળાય એમ ઢોળાઈ ગઈ. માંડ માંડ કરીને ગાડી ઉભી કરી અને જોયું તો અક્ષી હજુ જમીન પર જ બેઠી હતી અને કોણી છોલાઈ ગઈ હતી એની પરથી ધૂળ દુર કરી રહી હતી. અમયે તરત જ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને અક્ષીની કોણી પકડીને ત્યાં કાંકરી ઉખેડીને રૂમાલ બાંધી દીધો. અમય સોરી સોરી બોલતો હતો અને ઘા સાફ કર્યે જતો હતો અને અક્ષી અમય તરફ જોઈ રહી હતી અને થોડું દુખ્યું અને અક્ષીના મોઢામાંથી સિસકારો નીકળી ગયો. અમયનું ધ્યાન અક્ષીના ચેહરા તરફ ગયું અને એની આંખમાં આંસુ આવી ગયા હતા. એ રડી રહી હતી. અમય ત્યાંથી ઉભો થયો અને અક્ષીને ફરીવાર ગાડીમાં બેસવા માટે કહ્યું પરંતુ અક્ષી ઉભી જ નાં થઇ. અક્ષી પોતાના પગને પસવારી રહી હતી કદાચ એનો પગ મચકોડાઈ ગયો હતો પણ અમય ને એ વાત ખબર નાં પડી અને એણે અક્ષીને ઉભી કરવા માટે મદદ કરી અને ગાડી પાસે લઇ ગયો અને ગાડી પર બેસાડી અને જેમ તેમ કરીને અક્ષીને લઈને ઘરે પહોચ્યો.

ઘરે પહોચીને તરત જ અમય ત્યાં મુકેલી મેડીકલ કીટ લઇ આવ્યો અને એમાંથી ડેટોલની શીશી કાઢી અને રૂનું પૂમડું લઈને અક્ષીની કોણીએ લગાવા માટે અક્ષીનો હાથ પકડ્યો. અક્ષીએ માત્ર ડોકું હલાવીને નાં પાડી પરંતુ અમય નાં માન્યો અને બોલ્યો કે આ લગાવી દઈશ એટલે જલ્દીથી સારું થઇ જશે. થોડા માલિકીભાવથી બોલેલો અમય આજે જાણે ડોક્ટર હોય એમ વર્તતો હતો. અક્ષીએ માત્ર આંખની પાપણોથી હા પાડી અને અમય કોણીએ લાગેલા ઘા ને રૂ થી સાફ કરવા લાગ્યો. ડેટોલ અડતાની સાથે જ અક્ષીથી ચીસ નીકળી ગઈ અને અમય હળવેથી એ ઘા પર ફૂંક મારવા લાગ્યો જેથી અક્ષીને થોડી ઠંડક મહેસુસ થઇ અને શાંત પડી. રૂ લગાવીને પછી માથે પાટો બાંધી દીધો. અમય ઉભો થવા જતો હતો ત્યાં જ અક્ષીએ હાથ વડે અમયના ગોઠણ તરફ ઈશારો કર્યો ત્યારે અમયને ખબર પડી કે પોતાને પણ વાગ્યું છે. કારણ કે અક્ષીની સંભાળ રાખવામાં પોતે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો હતો. અમયે હીરોગીરી કરતા કહ્યું, “અરે એવા નાના-મોટા ઘા તો લાગ્યા કરે, રોજનું છે મારે તો.” હવે તમે આરામ કરો હું અહિયાં બહાર ટીવી જોઉં છું. સુઈ જાવ. એમ કરીને અમયે એક ચાદર અક્ષીને આપી અને અક્ષી શાંતિથી સુઈ ગઈ.

અમય બહાર બેઠો બેઠો ટીવી જોઈ રહ્યો હતો પરંતુ એનું મગજ અક્ષી વિષે વિચારી રહ્યું હતું. કમાલ છે આ છોકરી ! આટલું બધું બની ગયું પણ હજુ સુધી એક શબ્દ પણ મારી સાથે બોલી નહિ, માત્ર ઇશારાથી જ વાતો કરે છે. લગ્નપ્રસંગમાં તો એની સહેલીઓ સાથે ખુબ મસ્તી મજાક કરતી જોઈ હતી તો અત્યારે એને શું થઇ ગયું છે ? ટીવી જોતા જોતા અમયને પોતાને પણ ક્યારે ઊંઘ આવી ગઈ એની પોતાને ખબર નાં રહી અને થોડી વારમાં જ ભાભી પણ ત્યાં આવ્યા અને જોયું તો અમય સૂતેલો હતો અને એના ગોઠણ પર લોહીના ડાઘાનું નિશાન હતું.

“હાય હાય ! અમયભાઈ આ શું કર્યું ? ક્યા વાગ્યું આ ?”, ભાભી એકદમ બેબાકળા થઈને બોલ્યા.

શશશ.. ધીમે બોલો ભાભી. અક્ષી અંદર સુઈ રહી છે. અમે રસ્તામાં પડ્યા ગાડી પરથી. એમ કરીને અતઃ થી ઇતિ સુધીની બધી જ વાત અમયે ભાભીને કરી. ભાભીએ ભગવાનને દીવો કર્યો અને પ્રાર્થના કરી કે,”ભગવાન તારો આભાર કે મારા દિયરને અને મારી બેનને કઈ થયું નથી.”

બપોર પછીના સમયે જ્યારે તડકો આવતો બંધ થઇ ગયો ત્યારે અક્ષી જાગી અને તૈયાર થઇ ગઈ અને એમને એના ઘરે જવાનો સમય થઇ ગયો હતો. થોડો આરામ કરવાથી અક્ષીને થોડી રાહત થઇ હતી અને પગ મચકોડાયો નહોતો ફક્ત થોડીવાર માટે જ દુખી રહ્યો હતો એ વાત એને સમજાણી. ઘરના બધા સભ્યો અત્યારે અહિયાં સાથે જ હતા અને વિદાય લેવાની તૈયારી કરી રહ્યા હતા. એકબીજાને રામે-રામ કરીને બસ નીકળતા જ હતા અને અમયના ચેહરા પર ફરીવાર એ જુદા થવાનું દુઃખ ઉપસી આવ્યું. પોતાના પાપાની ગાડીમાં બેસતી વખતે અક્ષીએ હળવેથી પાછળ ફરીને અમય સામે જોયું અને એક મધમીઠું ધીમું સ્મિત કર્યું અને અમય એ ક્ષણમાટે બધું જ ભૂલી ગયો. એ ધીમું સ્મિત કરતો ચેહરો અને એ સ્મિતની સાથે જ એના એક ગાલ પર પડેલું ખંજનવાળો ચેહરો અમય પોતાની યાદમાં કંડારી રહ્યો હતો કે જેનાથી હવે દિવસો કાઢવાના હતા.

અમય આ દિવસને પોતાની જિંદગીનો અમુલ્ય સમય ગણી રહ્યો હતો કે જેમાં એને અક્ષી સાથે આટલા નજીક રહેવાનો મોકો મળ્યો હતો. અમયને શરીરનું આકર્ષણ એટલું નહોતું પરંતુ ફક્ત અક્ષીની સાથે રહેવાનું જ ગમતું. એ સતત એમ જ વિચાર્યા કરતો હતો કે ફક્ત અક્ષીની સાથે હસી ખુશીથી વાતો કરે, એની સાથે જ હરે ફરે. એને પ્રેમ, શરીરનું આકર્ષણ એ બાબતમાં હજુ લાંબી ગતાગમ નહોતી પડતી. બસ હવે તો ફરીવાર ક્યારે અક્ષીને મળવાનું થશે એની જ રાહે હતો અમય.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED