ગોઠવાયેલા લગ્ન ભાગ - ૮ Ravi Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોઠવાયેલા લગ્ન ભાગ - ૮

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com


“હવે જીવવાનો કોઈ મતલબ નથી. મારું સર્વસ્વ લુટાઈ ગયું. આ વાત સમાજમાં અને કુટુંબમાં ખબર પડશે તો મારા માં-બાપની બદનામી થશે એ હું સહન નહિ કરી શકું. એ કરતા તો હું મારો જીવ આપીને જ આ બધામાંથી મુક્ત થઇ જાઉં.” આવા અનેક નબળા વિચારો કરીને અક્ષીએ દાતરડું ઉઠાવ્યું અને હજુ તો ઉગામવા જતી હતી ત્યાં જ એની મા એ ચીસ પાડી. અક્ષીની મા વાડીએથી આવીને અગાશી પર ગાંસડી અને બીજા સાધનો મુકવા આવી હતી અને એને જોઈ જતા જ ચીસ પાડી ઉઠી હતી.
ચીસ સાંભળતા જ અક્ષીના હાથમાંથી દાતરડું પડી ગયું અને “મા” કહીને જોરથી પોક મુકીને રડવા લાગી. અક્ષીની હાલત જોતા અને સાથળો પરના કપડા પર લોહીના ડાઘા જોતા જ સમજી ગઈ કે પોતાની દીકરી સાથે નાં બનવાનું બની ગયું છે. બેબાકળી બનીને પૂછવા લાગી “કોણ હતો એ નરાધમ ? કોણે કર્યું આવું કાળું કામ ?” આંખમાંથી આંસુડાની ધાર વહેતી જતી હતી અને ભગવાનને કોસવા લાગી હતી. “શું કામ આવા જુલ્મો કરે છે અમારી જેવા ગરીબ લોકો પર ? આના કરતા તો મારી કુખે પત્થર દીધો હોત ને તો પણ હું ૪ દિવસ રડીને ભૂલી જાત પરંતુ આ તે જે મારી રૂપરૂપના અંબાર જેવી દીકરી સાથે કર્યું છે એ યાદ કરી કરીને આખી જિંદગી કાઢવી પડશે એ સહન કેમ કરીશ હું ? શું તને થોડી પણ દયા નાં આવી ?”

“વિ…. વિ… વિશાલ” અક્ષી માંડ માંડ રડતા રડતા આટલું બોલી શકી.

અક્ષીની માં એ એને છાતીએ વળગાડી દીધી અને હૈયાફાટ રુદન કરવા લાગી. મનમાં ને મનમાં એ કાળમુખા વિશાલને કોસવા લાગી. એટલી જ વારમાં અક્ષીના પિતા પણ અગાશી પર આવી ગયા. આ બધું જોઇને અને એની પત્નીએ કરેલા ઇશારાથી એ સમજી ગયા અને ગુસ્સાથી એકદમ લાલચોળ થઇ ગયા. ખૂણામાં પડેલું ધારિયું ઉઠાવ્યું અને ચાલવા જતા હતા ત્યાં જ અક્ષીની માં એ એમને રોક્યા. રોકાઈ જાવ અને શાંત થાવ. ભગવાનને ખાતર તમે ધારિયું નીચે મૂકી દો. “જો તમે એવું કઈ પણ કરશો તો ગામ આખામાં લોકોને ખબર પડી જશે અને આપણી બદનામી થશે અને પછી આપણી દીકરી જોડે કોઈ લગ્ન નહિ કરે. શું તમે એવું ઈચ્છો છો ?” આ વાતને અહિયાં જ દબાવી દો અને હસતા મુખે બને એટલી જલ્દી અક્ષી માટે સારું ઘર શોધીને જલ્દીથી પરણાવી દયો. આ બદલા લેવાની લહાયમાં જો તમને કઈ થઇ જશે તો અમારું કોણ ? આપણે ભૂલી જઈશું કે આપણા નસીબમાં આવો કાળો દિવસ આવ્યો હતો એમ.

બીજી તરફ ટુરમાંથી આવ્યા પછીનો અમય તો જાણે સાવ બદલાઈ જ ગયો હતો. એ હવે આ બધા પ્રેમના ચક્કર ભૂલીને બસ પોતાના કામમાં વ્યસ્ત બની ગયો હતો. કોલેજ પૂરી થવાને હવે ૬ મહિના જ બાકી હતા તેમ છતાં પણ અમય હવે શહેર છોડીને બહાર જવા માંગતો હતો. ગમે તેમ કરીને પિતાને મનાવી લીધા હતા. અમયને બીજા શહેરમાં પોતાના કામનાં જોરે ખુબ સારી જોબ મળી ગઈ હતી અને આ બધું ભૂલવા માટે પણ અમયને હવે બીજા શહેરમાં જવું જ વધારે યોગ્ય લાગ્યું હતું. ભાભીને આ બધી વાત પર થોડી શંકા તો ગઈ જ હતી પરંતુ પોતાનું ભણતર અધૂરું મુકીને જવાની વાત આવતા જ તેણે હવે અમયને પૂછી લેવાનું નક્કી કર્યું.

“આ શું કરી રહ્યા છો અમયભાઈ ? ભણતર અધૂરું મુકીને તમારે બહાર શું કામ જવું છે ? અને જ્યારથી તમે ટુરમાંથી પાછા આવ્યા છો ત્યારથી તમે સાવ બદલાઈ જ ગયા છો. તમે સતત કઈક ટેન્શનમાં જ હોય એવું કેમ લાગે છે ? તમે મને નહિ કહો તો બીજા કોની સામે બોલશો અમયભાઈ ?” અમયના ખભા પર હાથ મુકીને ભાભીએ પ્રેમથી પૂછ્યું.

ઘણા દિવસોથી મનમાં ને મનમાં કચવાતો અમય હવે પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેઠો અને ભાભીને વળગીને રડવા લાગ્યો. ઘણું બધું રડી લીધા પછી અમયે અલીશાની વિષેની બધી વાતો ભાભીને કરી.

બધું સાંભળીને ભાભી થોડીવાર માટે ચિંતામાં પડી ગયા પરંતુ પોતાના નાનાભાઈ જેવા દિયરને બીજું કહે પણ શું ? એટલે એમણે કઈ વાંધો નહિ જે થાય એ સારા માટે જ થતું હોય છે અમયભાઈ. એમ કહીને વાતને પૂર્ણવિરામ આપી દીધો અને નોકરી માટે જવાની મંજુરી આપી દીધી.

અમય બીજા શહેરમાં નોકરી માટે ચાલ્યો ગયો અને થોડા જ સમયમાં સેટ થઇ ગયો. જ્યારે અહિયાં તો તોફાન મસ્તી કરતી ઢીંગલી જેવી અક્ષી આજે જાણે એક નિર્જીવ પુતળું બની ચુકી હતી. એ ઘટના પછી તો જાણે સાવ સહેમી ગઈ હતી અને ચુપ થઇ ગઈ હતી. કોઈની સાથે વાત નહોતી કરતી. ઘરનું કામ કરીને તરત જ એક ખૂણામાં કલાકો સુધી બેસી રહેતી અને રડ્યા કરતી. ઘરની બહાર નીકળવાનું સાવ બંધ કરી દીધું હતું. હવે તો જાણે એ માત્ર જીવવા ખાતર જ જીવતી હોય એવું લાગતું હતું. ગામના લોકોને આ વાતની નવાઈ તો લાગી હતી અને કઈક અજુગતું બન્યું હોવાની ગંધ તો આવી જ ગઈ હતી પરંતુ કોઈ સાબિતી ન હોવાથી કોઈ કશું બોલતું નહોતું પણ આજ નહિ તો કાલે આવા કામો બહાર તો પડતા જ હોય છે એ કડવું સત્ય છે પછી ભલે તેમાં કોઈ ભલો માણસ બદનામ કેમ નાં થાય અને અક્ષીની માં થી આ હાલત જોવાતી નહોતી, એ તો બસ સગા વ્હાલામાં બસ એક જ વાત કરતી હતી કે “કોઈ સારો છોકરો ધ્યાનમાં હોય તો ચિંધજો.”

અચાનક એક દિવસ વિશાલની મા અક્ષીના ઘેર આવી પહોચી અને અક્ષીની પાસે બેઠી. “કેમ એલી ? હમણાથી ડોકાતી નથી ? કઈ થયું છે ?” અક્ષીનું ધ્યાન જતા જ એના મગજમાં એ ભયાનક ચહેરો સામે તરવરી ઉઠ્યો અને ચીસ પાડીને રડવા લાગી. “મને છોડી દે, ભગવાનને ખાતર મને જવા દે, મેં તારું શું બગાડ્યું છે ?” બોલવા લાગી. આ સાંભળીને અક્ષીની માં અચાનક ધસી આવી અને રૂમમાં વિશાલની માં ને જોઈ અને જાણે કોઈ અગન સળગી ઉઠી હોય એમ તાડૂકી ઉઠી. “તારા દીકરાના કારણે મારી ફૂલ જેવી દીકરીની જિંદગી બરબાદ થઇ ગઈ. તે આવા સંસ્કાર આપ્યા છે તારા દીકરાને ?” ગુસ્સાથી લાલચોળ આંખો જોઇને વિશાલની માં હેબતાઈ ગઈ. અક્ષીની માં પાસે આવીને પૂછ્યું કે શું થયું બેન ? તું કેમ મારા દીકરા વિષે આમ બોલે છે ? શું કર્યું એણે ? અક્ષીની માં થી રહેવાયું નહિ અને વિશાલે કરેલા કાળા કરતુત એની માં સામે છતાં કરી દીધા. આખી વાત સાંભળીને વિશાલની માં સીધી જ અક્ષી પાસે દોડી ગઈ અને અક્ષીને ગળે વળગાડીને રડવા લાગી. પોતાના દીકરાને કોઈ માં કોઈ દિવસ ખરાબ નાં બોલી શકે પરંતુ આજે એ માં પોતાના દીકરાને કોસી રહી હતી. શ્રાપ દઈ રહી હતી.

અક્ષીની માં સામે બે હાથ જોડીને વિશાલની માં બોલી, “બેન તારી દીકરીની જિંદગી બરબાદ કરનાર એ નરાધમને હું મારા ઘરમાં નહિ રાખી શકું. મને માફ કરજે બેન કે મારી કુખેથી જન્મેલા માણસે તારી દીકરીની આબરૂ ઉછાળી.” “હું તને વચન આપું છું કે મારો દીકરાએ એણે કરેલી આ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જ પડશે.” એમ કરીને ત્યાંથી જતી રહી.

“નરાધમ, પાપી, નાલાયક આવું કામ કરતા પહેલા તું મરી કેમ નાં ગયો ? તને બે ઘડી માટે પણ એ છોડી પર દયા નાં આવી ? એણે તારું શું બગાડ્યું હતું તે એની જિંદગી બરબાદ કરી તે ? આ દિવસ જોવા માટે મેં તને મોટો કર્યો હતો ? તને નરકમાં પણ જગ્યા નહિ મળે મહણીયા !” ચીસો પાડતી વિશાલની માં ઘરે લાકડીથી વિશાલને મારતી મારતી આવા શ્રાપો પોતાના દીકરાને આપી રહી હતી.
આંખોમાં અંગારા અને મુખ પર શ્રાપ. આજે એક માં નહિ પરંતુ એક સ્ત્રી બોલી રહી હતી. એક નિર્દોષ બાળા પર થયેલા અન્યાયની સામે લડી રહી હતી. શું હમેશા એકલું સ્ત્રીઓએ જ ભોગવવાનું હોય છે ? તારા જેવા દીકરા કરતા તો હું વાંઝણી રહી હોત તો સારું હતું. તારા જેવા કપાતરને જન્મ આપીને મેં મારી કુખ લજવી છે. આજે વિશાલને પોતાની માં પણ જાણે દુશ્મન લાગી રહી હતી. એના આવા કઠોર શબ્દો સાંભળીને વિશાલના કાળજે આજે ઘા પડી રહ્યા હતા. ખુબ બધું બોલી લીધા પછી અને માર મારી લીધા પછી એ માં એ એના દીકરાને એટલું જ કહ્યું કે, “કાં તો મારા ઘરમાં અક્ષી મારી વહુ બનીને રહેશે અને કાં તો તું મારા ઘરમાં નહિ રહે.” જે નિર્ણય કરવો હોય એ જલ્દીથી કરી લે. તે કરેલા આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મારી પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. બંને માં -દીકરા વચ્ચે ઘણી બધી દલીલો અને ઉગ્ર બોલાચાલી પછી અંતે વિશાલની માં એ વિશાલને લાકડી મારી મારીને ઘરની બહાર કાઢી મુક્યો અને બહાર શેરીમાં પણ ખુબ બધું ચિલ્લાઈ રહી હતી અને કોસતી હતી. એટલામાં જ આજુબાજુના ઘરના લોકો ત્યાં ભેગા થઇ ગયા. વિશાલની મા બોલી રહી હતી એ ઉપરથી તો લોકો હવે થોડી થોડી વાત સમજી ગયા હતા અને એ સાંભળેલી વાતથી એ હાજર રહેલા ૨૦ કાને બીજા ૫૦ નાં કાને એ વાતમાં ૧૦૦ પ્રકારના મસાલા ઉમેરીને નાખી અને એ ૫૦ કાને બીજા ૧૦૦ કાન પર આ વાત નાખી અને ધીમે ધીમે કરતા આખા ગામમાં વાયુવેગે આ વાત પ્રસરી ગઈ હતી.

આવું બન્યા પહેલા જેટલા લોકો અક્ષી માટે સબંધની વાત લઈને આવતા હતા એ બધા જ હવે બંધ થઇ ગયા હતા. સામેથી કોઈને સબંધ માટે વાત કરતા તો લોકો ચોખ્ખી નાં પાડી દેતા હતા અને પાછળથી અક્ષીને જ કસુરવાર ઠહેરાવતા હતા. કારણ કે આવા કોઈ પણ બનાવો માટે હમેશા છોકરીઓના ચરિત્ર પર જ કલંક લાગતા હોય છે અને સહન પણ સ્ત્રીઓએ જ કરવું પડતું હોય છે. અક્ષીના પિતા માટે તો હવે સમાજમાં મોઢું દેખાડવા જેવું નહોતું રહ્યું. પોતાના જ કુટુંબના લોકોના બોલાયેલા એ કડવા ઝેર જેવા શબ્દો અમૃત સમજીને ગળે ઉતારવા પડી રહ્યા હતા. પરંતુ અક્ષી માટે તો જાણે આ બધું હવે અજાણ્યું જ હતું. એને આ બધી વાતોથી જાણે કોઈ ફર્ક જ નહોતો પડી રહ્યો એ તો બસ ખૂણામાં ચુપચાપ બેસી રહેતી.

નૈનાભાભી સુધી આ વાત પહોચી અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાથમાંથી ફોન નીચે પડી ગયો હતો અને ત્યાં જ બેસીને રડવા લાગ્યા. પોતાની જાત પર જ ગુસ્સો કરવા લાગ્યા કે કદાચ તે દિવસે જો અક્ષીનું વેવિશાળ થઇ જવા દીધું હોત તો આજે એના લગ્ન થઇ ગયા હોત અને આ દિવસ જોવાનો વારો નાં આવેત. પરંતુ અમયભાઈની મદદ કરવાની કિંમત આટલી મોટી ચુક્વવાની હતી એ ક્યા ખબર હતી ? અક્ષીની માએ જણાવેલી એ વાત કે આ ખબર પડ્યા પછી હવે કોઈ એની સાથે લગ્ન કરવા પણ તૈયાર નથી એ સાંભળ્યા પછી તો નૈનાભાભીનું મગજ ચકરાવે ચડી ગયું હતું.

તરત જ અમયને ફોન લગાવ્યો અને બનેલી બધી જ ઘટના અમયને કહી. આ બધું સાંભળીને તો જાણે અમય અવાચક બની ગયો. ઘણીબધી વાર સુધી શોકમાં જ અમય ફોન પર કશું બોલી નાં શક્યો. ભાભીએ ફરીવાર હેલો કર્યું ત્યારે એની તંદ્રા તૂટી.

“હ.. હ.. હવે શું થશે ભાભી ?” આટલું માંડ બોલી શક્યો.

એકદમ દ્રઢ અવાજે નૈનાભાભી બોલ્યા કે હવે જે થવાનું હતું એ થઇ ગયું પરંતુ શું તમે મારી બેન સાથે લગ્ન કરશો ?

લગ્ન ? અક્ષી સાથે ? આ બધું બન્યા પછી ? અમય હવે વિચારમાં ખોવાયો. આટલું બધું બની ગયા પછી અને હવે તો મારી જિંદગી બદલાઈ ગયા પછી ફરીવાર આ બધું શક્ય નથી. હું લગ્ન નહિ કરી શકું.

“નાં” ભાભી તમારી આ વાત હું નહિ માની શકું. હું મારી જિંદગી સાથે આવું રિસ્ક નાં લઇ શકું. હું એક બળાત્કાર થયેલી છોકરીને પરણી નાં શકું. તમે મને સાવ એવી છોકરી સાથે પરણાવશો ? થોડો ગુસ્સે થતા અમય બોલ્યો.

ભાભી ચુપચાપ આ સાંભળતા રહ્યા અને તરત જ ઘરે પાછા આવી જવા માટે હુકમ કર્યો.