Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com
અમયને આવી રીતે ઉદાસ જોઇને નૈનાભાભીને ખરેખર ધ્રાસકો લાગ્યો હતો. એણે હવે નક્કી કર્યું કે અક્ષીનો સબંધ કોઈ બીજા જોડે તો થવા જ નહિ દઉં અને એમણે સીધો જ તેમના ફોઈને ફોન લગાવ્યો અને ફોઈએ ફોન ઉપાડતા જ નૈનાભાભી ફરીવાર વિચારમાં પડી ગયા કે હજુ તો અમયભાઈ પોતાની કેરિયર બનાવવામાં સેટ નથી થયા અને હું એની વાત સીધે સીધી કરી રીતે કઈ શકું એટલે નૈનાભાભીએ એમ કહી ફોન કાપી નાખ્યો કે “ફોઈ ભૂલથી ફોન લાગી ગયો હતો.”
અક્ષીનો સબંધ બીજે નક્કી થવાની અણી પર હતો અને અમયે આ બધા વચ્ચે પ્રેમનું એક કિરણ દેખાયું અને એ કિરણ હતું “અલીશા”. પોતાની કોલેજની આટલી સારી દોસ્ત હતી એની સાથે મારે સારું એવું ટ્યુનીંગ પણ છે, અમે બંને એકબીજાને ઓળખીએ પણ છીએ, હું એના વગર કે એ મારા વગર રહી નથી શકતા શું ખરેખર આ પ્રેમ હશે ? કારણ કે અક્ષીને તો હજુ હું વધારે ઓળખતો પણ નથી. ફક્ત એટલો જ ખ્યાલ છે કે એ શાંત સ્વભાવની અને સુંદર છે અને મારી તરુણાવસ્થાનો પહેલો ક્રશ “અક્ષી” હતી. અને હવે તો એની પણ સગાઇ થઇ જવાની છે એટલે કદાચ એ તરુણાવસ્થાનું આકર્ષણ માત્ર હશે એમ વિચાર્યું. દરેક કોલેજના દોસ્તોની હાજરીમાં અલીશાએ કરેલા પ્રપોઝને એકદમ આછું સ્મિત આપીને સહર્ષ સ્વીકારી લીધું.
“Yes Alisha…. I love you too”
હું અત્યાર સુધી નહોતો જાણતો કે આપણી વચ્ચેની દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ જશે પણ ક્યાંકને ક્યાંક તારી જગ્યા મારા હૃદયમાં આપોઆપ બની જતી હતી અને અલીશાના હાથમાંથી ગુલાબનું ફૂલ લઈને અલીશાને ઉભી કરીને પોતાની બાંહોમાં સમાવી લીધી અને આજુબાજુના દોસ્તોએ હુરિયો બોલાવીને આ કપલને ચીયર કર્યું.
ત્યારબાદ બંને એકબીજાની આંખોમાં આંખ પરોવીને કપલ ડાન્સ શરુ કર્યો અને કોલેજના બીજા ફ્રેન્ડસ પણ પોતપોતાના કપલ જોડે ડાન્સમાં જોડાયા. એ મધુર સંગીત અને લબુક ઝબુક થતી લાઈટો વચ્ચે મદહોશ કરતા થનગનતા યુવાહૈયાઓના થઇ રહેલા રોમેન્ટિક ડાન્સના કારણે આખું વાતાવરણ જાણે યશ ચોપરાની ફિલ્મો જેવી રોમેન્ટિક ફીલિંગ આપી રહ્યું હતું. આવા ઉત્કટ વાતાવરણની વચ્ચે અચાનક જ જાણે આંખોથી એકબીજાને પોતાનામાં ભરી રહેલા અમય અને અલીશા મદહોશ બનીને હવે એકબીજાના હોઠનો આસ્વાદ માણી રહ્યા હતા અને આજુબાજુનું કઈ ભાન જ નાં રહ્યું. અચાનક મ્યુઝીક બંધ થતા અને લાઈટ શરુ થતા બધાનું ધ્યાન આ બંને તરફ ગયું અને ફરી પછી ચીસો પાડી અને અલીશાને એહસાસ થતા જ એ શરમાઈ ગઈ અને અમયની છાતીમાં ચેહરો સંતાડીને હસવા લાગી અને અમય પણ એને ફરતે હાથ વીટાળીને હસવા લાગ્યો.
નૈનાભાભીએ વિચાર કર્યો કે હું અમયભાઈની વાત તો નહિ કરી શકું પણ સગાઇ તો રોકી શકું તો પણ અમયભાઈને થોડો સમય મળી જશે. તરત જ ફરીવાર નૈનાભાભીએ તેના ફોઈને ફોન લગાવ્યો.
ફોઈ ફોન ઉપાડીને હસતા હસતા બોલ્યા, “શું થયું નૈના, ફરીવાર તો ક્યાંક ભૂલથી ફોન નથી લાગી ગયો ને ?”
નૈનાભાભી પણ હસ્યા,”ના ના ફોઈ પણ એક વાત કહેવી હતી પણ તમને ખરાબ તો નહિ લાગે ને ?”
“અરે ના ના બેટા નહિ ખરાબ લાગે, બોલ ને.”
ફોઈ આ જે છોકરાની અક્ષી જોડે સબંધ કરવાની વાત ચાલી રહી છે એ છોકરો સારો નથી એવા ખબર મળ્યા છે. મુંબઈમાં ઘણી બધી છોકરીઓ સાથે એના લફરા છે એના અને ઘણીવાર શરાબ પણ પીવે છે.
“અરરરર… તને કોણે કહ્યું બેટા ?”
ફોઈ મારી એક ફ્રેન્ડ મુંબઈ સાસરીયે રહે છે એમના પતિનો એ ખાસ દોસ્ત છે એમની જોડે મારે આજે જ વાત થઇ અને એણે મને આ વિષે જણાવ્યું.
આવા ગોઠવણ કરેલા લગ્નેતર સબંધો નક્કી કરતી વખતે કોઈ પણ છોકરો/છોકરી પસંદ નાં આવતો હોય અથવા તો સબંધ નાં કરવો હોય ત્યારે માત્ર એટલું જ બોલવામાં આવે છે, “અમને છોકરો/છોકરી ધ્યાનમાં નથી આવ્યો/આવી” આટલાથી વધારે કશી જ માહિતી આપવામાં આવતી નથી કે એના વિષે પૂછપરછ કરવામાં આવતી નથી હોતી કે તમને શું વાંધો છે ? શું કામ નથી ધ્યાનમાં આવ્યું વગેરે.
સ્ત્રીઓના મન મોટેભાગે વ્હેમીલા જ હોય છે જેના કારણે નૈનાભાભીએ આ વાત બરાબર રીતે આ વાત ફોઈના મગજમાં ઘુસાડી દીધી હતી. એકવાર શંકા ગયેલા સબંધમાં હંમેશ માટે ખટાશ ઉમેરાઈ જતી હોય છે પછી ભલે તમે તેમાં ગમે તેટલું ગળપણ ઉમેરો પણ એ સબંધ ફરી પહેલા જેવો મીઠો બની શકતો હોતો નથી.
ફોઈએ આ વાત સીધી જ અક્ષીના પિતાને કરી અને ધીમે ધીમે આખા ઘરમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. આખરે ત્યાં સબંધ નક્કી કરવાનું બંધ રાખવામાં આવ્યું અને અક્ષીના પિતાએ સબંધ નક્કી કરાવવાવાળાને ફોન કર્યો કે અમને છોકરો ધ્યાનમાં નથી આવ્યો. ત્યારે તેમણે એકવાર પાક્કું કહેવા માટે પણ કહ્યું કે તમારો નિર્ણય અંતિમ જ છે ને ? ત્યારે અક્ષીના પિતાએ એમ કહીને જ વાત પૂરી કરી દીધી કે અક્ષીને છોકરો ધ્યાનમાં નથી આવ્યો અને અમે એને જબરદસ્તી નાં કરી શકીએ.
ફોઈએ ત્યારબાદ ફરીવાર નૈનાભાભીને ફોન કર્યો અને જણાવ્યું કે “હવે આ સબંધ નથી થવાનો અને આભાર માન્યો કે દીકરી તારા કારણે આજે મારી અક્ષી આવા ઘરમાં જતા બચી ગઈ.”
નૈનાભાભીને મનથી તો ઘણું દુઃખ થયું કે કોઈના ઘર બંધાતા રોકવા એ પાપ ગણાય પરંતુ એક રીતે ખુશી પણ હતી કે અમયભાઈ માટે આ બધું કરી રહ્યા હતા. “Everything is fare in love and war”ના નિયમ પ્રમાણે તો ભાભીએ જે રસ્તો અપનાવ્યો હતો એ બરાબર જ હતો. હવે ભાભી અમયની રાહ જોવા લાગ્યા હતા કે ક્યારે અમયભાઈ આવે અને એમને આ ગુડ ન્યુઝ આપું.
અલીશા અને અમયે ખુબ બધી મસ્તી કરી. બધાય જમ્યા, અને ડાન્સ કર્યો અને છેલ્લે એકબીજાને ભેટીને છુટા પડ્યા અને અમય ટહેલતો ટહેલતો ઘરે આવ્યો અને સીટી વગાડતો વગાડતો સીધો જ જઈને સોફામાં પીઠના બળ પર પડ્યો અને જોરથી ચીસ પાડીને બોલ્યો, “મમ્મી ! મારા માટે જમવાનું નહિ બનાવતી હું બહાર જમીને આવ્યો છું.
અમયનો અવાજ સાંભળીને ભાભી બહાર આવીને બોલ્યા, “મમ્મી બહાર ગયા છે.” (અમયના ચેહરા પર આનંદ છવાયેલો જોઇને ભાભી આશ્ચર્યમાં પડી ગયા કે હમણાં થોડીવાર પહેલા દેવદાસ થઈને બેસેલા અમયભાઈ ફરી પાછા મુડમાં કઈ રીતે આવી ગયા ? ક્યાંક એમને પણ આ વાતની કોઈના દ્વારા જાણ તો નથી થઇ ગઈ ને ?) “અમયભાઈ કોને મળીને આવ્યા ? આટલા બધા મુડમાં આવી ગયા..
કઈ નહિ ભાભી, કોલેજ ફ્રેન્ડસ બધાય એક રેસ્ટોરેન્ટમાં ગયા હતા અને ત્યાં અમે બધાયે ખુબ ધમાલ મસ્તી કરીને તો મુડ ફ્રેશ થઇ ગયો. અમસ્તું પણ પેલું કહેવાય છે ને કે કોઈ કોઈની માટે રોકાતું નથી કે કોઈના વગર કોઈની જિંદગી અટકી જતી નથી, મારા નસીબના કદાચ અક્ષી નહિ હોય એટલે નહિ થયું તો કંઈ મારે થોડું એની પાછળ ગાંડુ બની જવાય છે. લાઈફ મસ્ટ ગો ઓન ભાભી.
અરે અમયભાઈ તમારી ભાભી જ્યાં સુધી બેઠી છે ત્યાં સુધી કોઈની ત્રેવડ છે કે અક્ષીને તમારાથી કોઈ દુર લઇ જાય. મેં અક્ષીનો સબંધ થતા અટકાવી દીધો છે. એમ કરીને ભાભી એ અતઃ થી ઇતિ સુધીની બધી વાત કરી દીધી.
આ બધું સાંભળીને અમય અવાચક બની ગયો અને વિચારોની ગર્તતામાં ડૂબી ગયો કે મારી સાથે આ શું થઇ રહ્યું છે ? કંઈ સમજાતું નથી. તેને થોડીવાર પહેલા અલીશા સાથે ગાળેલી એ પળો માનસપટ પર નદીના રેલાની માફક આગળ વધવા લાગી અને વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ? ભાભીને અલીશા વિષે કહી દઉં ? અક્ષીની સગાઇ ફરીવાર કરાવી દઉં ? કે પછી થોડીવાર માટે હું બહેકી ગયો હતો એમ બોલીને અલીશાનું દિલ તોડી દઉં ? હું ગાંડો થઇ જઈશ. શું કરું ? શું કરું ?
અમય ચુપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો અને બારણું બંધ કરીને બેડ પર સુઈ ગયો અને વિચારવા લાગ્યો અને વિચાર વિચારમાં ક્યારે ઊંઘી ગયો એની એને ખુદને પણ ખબર નાં પડી. પરંતુ અમયનું આવું વર્તન જોઇને ભાભીને પણ આશ્ચર્ય થયું કે મેં આટલા સારા ગુડ ન્યુઝ આપ્યા એ સાંભળીને ખુશ થવાની બદલે એ આમ કેમ જતા રહ્યા હશે ?
બીજા દિવસથી એ કોલેજને “બેસ્ટ ફ્રેન્ડ કપલ” નહોતું રહ્યું પરંતુ માત્ર “બેસ્ટ કપલ” બની ગયું હતું અને આગળના દિવસે કરેલી ધમાલ-મસ્તી આખી કોલેજને ખબર પડી ગઈ હતી. અમય કોલેજ આવીને અલીશાને કોલેજના પાર્કિંગમાં લઇ ગયો અને અલીશાનો હાથ પકડીને એને પૂછ્યું, “અલીશા એક મિનીટ માટે એવું વિચાર કે શું તું મારા વગર રહી શકે ખરી ? શું કદાચ હું એમ કહી દઉં કે મેં ઉતાવળમાં નિર્ણય કરીને તે કરેલા પ્રપોઝની હા પાડી દીધી હતી પરંતુ મને તારા પ્રત્યે પ્રેમ નથી તો તું શું કરે ?”
આટલું સાંભળીને અલીશાની આંખોમાંથી અમીવર્ષા થવા લાગી અને અમયના હાથ પર એક ચુંબન કરતા બોલી, “તે દિવસ મારી માટે છેલ્લો દિવસ હશે. પણ મને ખબર છે કે તું મારી સાથે કોઈ દિવસ દગો નહિ કરે અને એ પણ ખ્યાલ છે કે તું મને દિલોજાનથી પ્રેમ કરે છે.”
અમય આટલું સાંભળતા જ જાણે પોતાની સામે એક દરવાજો બંધ થતો જોઈ રહ્યો અને હવે ભાભીએ મારી માટે કરેલા એ કામ માટે હું એમની સામે શું મોઢું લઈને જઈશ એ વિચારતો ત્યાંથી જતો રહ્યો અને અલીશા નાં સમજાય એવા હાવભાવ સાથે બસ એની પીઠ તાકતી રહી.