સાઉથ ગોવા ના કોઈ અજાણ્યા નિર્જન બીચ પર કલ્યાણી નીકળી પડી – એકલી . નવેમ્બર મહિના ની સવાર, દરિયા ની ઠંડી હવા. ગુલાબી ઠંડી માં, ગુલાબી સાડી માં સજ્જ કલ્યાણી દરિયા કિનારા ની નિર્જનતા ને અનુભવવા લાગી.
દરિયા ના મોજાં તેના પગ ને અને સાડી ને પલાળવા લાગ્યાં . દરિયા નો કિનારો હોય તો પલળવાનું સહજ બની જાય છે. આ રીતે પલળવાની તેને મજા આવવા લાગી . મોજાની સહજતા તેના મન ને પલાળી ગઈ. તેને મન થયું કે ચાલ વહેતા દરિયાની અંદર કૂદી પડું અને થઈ જાઉં તરબતર !
તરબતર ! પાણીમાં તરબતર થવાની ઝંખના થઈ કે કોઈના સાનિધ્યમાં પલળવાની ? તેને કશુંય ન સમજાયું . જે સમજાયું તે માત્ર એટલું જ કે અહીં ની હવા માં રોમાન્સ છે !
રોમાન્સ ! કેટલું અદભૂત નામ અંને કેટલો અદભૂત અનુભવ ! પણ આ એકલતા ? કાશ ! મિતેશ પણ તેની સાથે અહીં આવ્યો હોત !
હોટલના રૂમમાંથી સવારમાં જ્યારે દરિયા પર નજર પડી ત્યારેજ કલ્યાણી એ હોટલ છોડીને દરિયા પાસે દોડી જવાનું નક્કિ કરી લીધું હતું . મિતેશને જગાડીને કહયું, “ ચાલ, દરિયો બોલાવે છે . આપણે નીકળી પડીએ.”
આળસ અને નીંદરના ઘેનમાં જ મીતેશે જવાબ આપ્યો . “બહુ નીંદર આવે છે …. થોડી વાર પછી જઈએ . . આખો દિવસ પડ્યો છે આપણી પાસે ! દરિયાને પણ મળી લઈશું ... “
“ તું તારે આરામ કર , હૂઁ તો આ ચાલી , દરિયાના સાદને સાંજ સુધી રોકી રાખવાની મારી તાકાત પણ નથી અને ઇચ્છા પણ નથી .... “
“ સારું , તું જા. હૂઁ થોડી વાર પછી આવું છું . આપણે ત્યાં જ મળીશું .”
અને તે માથે ચાદર ઓઢીને પોઢી ગયો !
ઓહ ! મિતેશ ક્યારે આવશે ? રોમાંસમાં પણ આળસ ? ભાર બપોરે તે રોમાન્સ કરાય ?
પુરુષો કેમ આટલા આળસુ હોય છે , રોમાન્સ જેવી રોમાંટિક બાબતોમાં ?
“પુરુષો?” તેની અંદરથી જ પ્રશ્ન ઉઠ્યો ! “ કેટલા પુરુષો સાથે રોમાન્સ કર્યો છે ? “
તે ખળભળી ઉઠી !
લગભગ 23 વર્ષના લગ્ન જીવન માં ક્યારેય મિતેશ સિવાય કોઈ પુરુષ જોડે રોમાન્સ ની કલ્પના પણ નથી કરી. તો આ બધા વિચારો કેમ આવે છે ? કદાચ સ્થળ ની અસર હશે . પણ મજા છે અહીં રોમાન્સ ના વિચારોમાં ય !
અને રોમાંટિક વિચારો નો દરિયો ઉમટી પડ્યો એના મન ના કિનારે !
મન સામે એક ચહેરો ઉપસી આવ્યો વિનીત નામનો ! કોલેજમાંના લગભગ 25 વર્ષ પહેલા ના એ દિવસો ના મોજા મનના કિનારે અથડાવા લાગ્યા.
મે મહિના ની કોઈક બપોરે કચ્છના રણની તપતી રેતીમાં, છત્રી નીચેથી વિનિતની આંખોથી આંખો મળી હતી અને ક્ષણ ભરમાં તો શરીરના અણુએ અણુંમાંથી વહીને આખે આખો વૈશાખ સમગ્ર રણમાં વ્યાપી ગયો.! રણ તો જાણે સળગી ઉઠ્યું !
વિનિતે કલ્યાણીનો જમણો હાથ પકડી લીધો.
કલ્યાણી સ્તબ્ધ થઈ ગઈ ! એક પળ માટે આંખ બંધ કરી , શ્વાસ રોકીને ઊભી રહી . વિનિતે તેનો હાથ પોતાના તરફ લીધો અને હથેળીની પાછળના ભાગમાં એક સૌમ્ય ચુંબન કર્યું .
કલ્યાણીના બધાજ બંધનો ખરી પડ્યા. તેણે આંખ ખોલી. વિનીતના ચહેરા પર અદભૂત સ્મિત જોયું . પલકભર આંખો મળી ત્યાં તો વિનીત ત્યાંથી ચાલવા લાગ્યો.....દૂર જતાં વિનિતને તે જોઈ રહી ! મૂર્તિમંત !
વિનીત... કેટલો છલોછલ ! છતાય અકબંધ ! સતત વહેતો ધોધ છતાય કિનારો ન ઓળંગે . એય આ દરિયા જેવો ! ઘૂ ઘૂ કર્યા કરે , સાદ કરે, પોતાની તરફ બોલાવે ને છતાય માઝા ન મૂકે 1
ને કલ્યાણીને ગમે ........ અનરાધાર વરસતો વરસાદ !
કેટલીયે વાર ચાહયું કે વિનીત વરસી પડે સાંબેલાંધાર વરસાદની જેમ ! પણ વિનીત હમેશા કહેતો, “ ફૂલોને ડાળ પર જ રહેવા દો . ત્યાંથી પણ તે પોતાના રંગ અને સુગંધને પીરસતા જ રહે છે . તેને તોડીને નાહક હત્યાનું પાપ મારે નથી જોઈતું .”
ઓહ વિનીત .....!
કયાઁ હશે વિનીત? લગ્ન ના આગલા દિવસે મળવા આવેલો. મિતેશને પણ મળેલો .
બંને ઇતિહાસના વિધ્યાર્થી. વિનીત કરતાં 2 વર્ષ સિનિયર હતો મિતેશ.
વિનીતનો અભ્યાસ પૂર્ણ થયો હતો જ્યારે મિતેશ સંશોધન ક્ષેત્રે જોડાઈ ગયો હતો.
વર્ષો વિતી ગયા ..... કયાઁ હશે વિનીત ? શું કરતો હશે ? ઈતિહાસને છોડી દીધો હશે કે હજુય તેમાં જ વ્યસ્ત હશે ? કઇં જ ખબર નથી . આટલા વર્ષોમાં ક્યારેય તેના કોઈ જ સમાચાર- ખબર નથી . ગજબ છે એય !
કલ્યાણીને ગુસ્સો આવી ગયો વિનીત પર. આવી તે કઇં દોસ્તી હોય ? એકાદ પત્ર, ફોન, ઇ મેઈલ કે એવું કશુંય નહિઁ ! અરે ફેસબુક પર પણ . . . હા , હા . ફેસબુક પર સર્ચ કરું તો જરૂર ત્યાંથી તેના કોઈ સમાચાર મળશે. હોટેલ પર જઈને પહેલું કામ લેપટોપ લઈ ફેસબુક પર સર્ચ કરીશ. આજે તો વિનિતને ખોળીને જ જંપીશ .
તેનું મન અધીરું થઈ ગયું – હોટેલ પર જવાને. કેવું અકળ છે માનવીનું મન ! હમણાં તો હોટેલ છોડીને દરિયાને મળવા દોડી પડી, ને હવે દરિયાને છોડીને ફરી હોટલમાં જવાનું મન !
હોટેલ તરફના રસ્તા પર જવા પગ માંડ્યો કે તેના કાને દૂર દૂરથી કોઈ ધ્વનિ અથડાયો . કોઈ અસ્પષ્ટ અવાજ દૂર દિશામાંથી આવી રહ્યો હતો . પેલા અવાજ પર ધ્યાન પૂર્વક કાન માંડ્યા. તે અવાજની દિશામાં ચાલવા લાગી. હોટેલ પાછળ છૂટી ગઈ !
ધીરે ધીરે અવાજ સ્પષ્ટ થવા લાગ્યો.
એ હતો વેદોના મંત્રોચ્ચાર નો ધ્વનિ ! કોઈ યોગી કે મુનિ અહીં કોઈ ધાર્મિક વિધિ કરતાં હશે એવું લાગ્યું.
તેને કુતૂહલ થયું યોગીઓ કે મુનિઓ તો હિમાલય ના શિખરો પર હોય . અહીં ગોવાના બીચ પર ક્યાંથી હોય ?
વાંસનો બનેલો એક તંબુ તેની નજરે ચડ્યો . તેને ખાતરી થઈ ગઈ કે વેદોના મંત્રો નો અવાજ એ તંબુમાથી માથી જ આવી રહ્યો છે . ઝડપભેર તે તંબુ તરફ ચાલવા લાગી . તંબુમાથી મંત્રો સાથે અગ્નિ ની મંદ-સૌમ્ય જ્વાળા પણ પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરતી હતી .
તેણીએ અંદર નજર નાંખી . વચ્ચોવચ યજ્ઞની વેદી બનેલી છે જેમાંથી પ્રજ્વલલિત જ્વાલાઓ વાતવારણ ને સુગંધિત બનાવી રહી છે. દરવાજા તરફ પીઠ રાખીને કોઈ પુરુષ વેદોના મંત્રોનો શૂધ્ધ ઉચ્ચાર કરે છે અને યજ્ઞની વેદીમાં આહુતિ આપે છે. એક પવિત્ર વાયુ તેના તન-મન ને સ્પર્શી ગયો! ક્ષણ પહેલાનો રોમાન્સ દિવ્ય બની ગયો.
તે અંદર દાખલ થઈ. તેના આગમનના અવાજને પેલા પુરુષે પારખી લીધો. પાછળ જોયા વિના જ તેને હાથના ઈશારાથી બેસી જવાનો સંકેત કર્યો. કલ્યાણી ત્યાં જ બેસી ગઇ. યજ્ઞ વિધિ પુર્ણા થવાની પ્રતિક્ષા કરવા લાગી.
તંબુમાં બેઠેલા પુરુષનું નિરીક્ષણ કરવા માંડ્યુ . ખુલ્લી પીઠ , ખભા પર જનોઈ, ગુલાબી રંગનું સુંદર પીતાંબર, માથા પર થોડા ઘણા બચી ગયેલા વાળ, ગળામાં કયાઁય રુદ્રાક્ષની માળા નહીં ! લગભગ 45 – 50 ની ઉમર હશે આ શ્રીમાનની ! છતાંય શરીરમાં એક તાજગી છે !
તેણે અન્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રયાસ કર્યો. ખાસ કોઇ સામાન નહિ. 2-3 ખુરશીઓ, લેપટોપ, ઇન્ટરનેટ ડોંગલ , એકાદ બેગ, બેગની બાજુ માં કોઈ સ્ત્રીના કપડાની એકાદ જોડ, થોડો અન્ય સામાન. થોડા પુસ્તકો, બાકી ખાસ કશું જ નહીં.
તેને આશ્ચર્ય થયું. આ માણસ કોઈ યોગી કે મુનિ તો નથી જ લાગતો. અહીં કોઈ સ્ત્રીના કપડાં ? જરૂર આ વ્યક્તિ ઢોંગી હશે અને દેશ-વિદેશથી ગોવા ફરવા આવતી સ્ત્રીઓને પોતાની મોહજાળમાં ફસાવતો હશે . ..
આધુનિક લેપટોપ વગેરની યોગીને શી જરૂર? આ . . . આ . . . માણસ નક્કી ફ્રોડ જ છે. મારે નથી ફસાવું આ માણસના ચક્રવ્યૂહમાં !
ત્યાંથી ભાગી છૂટવા તે ઊભી થવા ગઈ ત્યાં જ .... યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અને પેલા પુરુષનો અવાજ સંભળાયો , “કલ્યાણી, તમારું સ્વાગત છે અહીં .”
પોતાનું નામ તેના મોઢે સાંભળી કલ્યાણી વધુ ચોંકી ! આ માણસ પાક્કો ફ્રોડ છે . મને ફસાવવા મારી પૂરી માહિતી છે તેની પાસે. મારે અહીંથી ભાગી જ જવું જોઈએ કોઈ સલામત સ્થળે ! ઝડપથી પગ બહારની દિશા તરફ વાળવા લાગી. ફરી પેલા પુરુષનો અવાજ, “ કલ્યાણી, તમે અહીં પૂર્ણરુપે સુરક્ષિત છો. “
એક ક્ષણ માટે તે સ્તબ્ધ બની ગઈ. મન મક્કમ કરી તેણે પાછળ વળી પેલા પુરુષ પર નજર કરી. તેનો ચહેરો દેખાવા લાગ્યો. દાઢીધારી પુરુષ!
પહેલી નજરમાં મનની કલ્પના પ્રમાણે ભયાનક લાગવાને બદલે સૌમ્ય લાગ્યો. ચહેરા પર દિવ્ય સ્મિત ! કોઈ લુચ્ચાઈ કે ભયાનકતા નહીં !
બંનેની આંખો મળી.
“ ઘણા લાંબા સમયે મળી છો કલ્યાણી ! અને જવાની ઉતાવળમાં? “
તેને લાગ્યું આ અવાજ જાણીતો છે. ક્યાંક સાંભળેલો છે. મન પોતાની અંદર સાચવેલા બધા ખૂણાઓને ફંફોસવા લાગ્યું. .. થોડો ભય પણ ઓછો થયો. ઝડપથી સ્વસ્થ થવા લાગી.
“ કલ્યાણી, હૂઁ વિનીત.”
વિનીત નું નામ સાંભળતા જ સ્તબ્ધતામાથી સ્વસ્થતામાં સરી પડી. તમામ ભય દરિયાના મોજા સાથે તણાઇ ગયા. . . . .
== == == ==
કલ્યાણી ની પાછળ પાછળ જ આવેલ મિતેશ પણ વિનિતના તંબુ પાસે પહોંચી ગયો. તેણે દૂરથી જ જોઈ લીધું કે કલ્યાણી તંબુ માં પ્રવેશી ચૂકી છે. તે અધીરાઇ થી તંબુ તરફ ચાલવા લાગ્યો. તંબુની લગોલગ પહોચી ગયો અને તંબુમાં જવા લાગ્યો ત્યાંજ તેને એક સ્ત્રીએ અટકાવી દીધો. મીતેશે વિરોધ કર્યો, “ મેડમ, હમણાં જ અંદર દાખલ થયેલ સ્ત્રી એ મારી પત્ની કલ્યાણી છે !”
“ હું જાણું છું કે તે કલ્યાણી છે, તે તમારી પત્ની છે કે કેમ તે મને નથી ખબર. પણ મારા પતિ વિનિતની ખુબજ જૂની મિત્ર છે એ હૂઁ જાણું છું. આપ કોણ છો ?” જસ્મિનના શબ્દોમાં સહજતા હતી. કોઈ જ અધીરાઇ નહીં. સહજ અને કોમલ શબ્દોએ મિતેશને પ્રભાવિત કરી દીધો.
“ હૂઁ મિતેશ, કલ્યાણી નો પતિ. અને આપ ?’
“ઓહ ! મિતેશ ઠાકુર ? હૂઁ જસ્મિન. વિનીતની પત્ની.”
“ ઠીક છે ‘જસ્મિન વિનીત દેવ’. હવે તો હૂઁ અંદર જઈ શકું ને ? “
“ ના મિતેશ. હમણાં નહીં. “
“ તમે જાણો છો અંદર રહેલા સ્ત્રી અને પુરુષ કોણ છે? “
“ હા હૂઁ જાણું છું એ કોલેજ સમયનાં બેસ્ટ મિત્રો છે. “
“ એ બંને ભુતપૂર્વ પ્રેમીઓ છે. અને વર્ષો બાદ આમ એકાંતમાં મળ્યા છે છતાય તમે......”
“ મિસ્ટર મિતેશ. હું પણ એમ જ કહું છું કે, જૂના પ્રેમીઓને વર્ષો બાદ આમ એકાંત મળ્યું છે, તો ઘડી બે ઘડી તેમને એ એકાંત માણી તો લેવા દો. ક્વચિત જ મળતી આ ક્ષણોને જીવી તો લેવા દો. કોણ જાણે કેટલીયે લાગણીઓના દરિયા ઉમટ્યા હશે. “
“ જસ્મિન ! મને ભય છે કે ....... “
“ આપણે તેમના મિલનની અદબ રાખીએ, મિતેશ.”
“ તમે જાણો છો કે અંદર તમારા પતિ પણ છે છતાય અદબ રાખવાની . . . . ?”
“ અદબ અભય બનાવે, ભયભીત નહીં. “
“ તમે . . . “
“ કમ ઓન મિતેશ. તમે ભયભીત છો કે એ લોકો એકાંતનો ગેરલાભ ઉઠાવશે , એમ જ ને ?”
“ હા . એમ જ ! આ લોકોનો કોઈ ભરોસો નહિ. “
“ બસ . આપણે અહીં જ કુંઠિત થઈ ગયા છીએ ! તમને હોય કે ન હોય પણ મને મારા પતિ વિનીત અને તમારી પત્ની કલ્યાણી પર પૂરો ભરોસો છે. હૂઁ જરા પણ ભયભીત કે વિચલિત નથી“
“ જસ્મિન, તમે ભૂલ કરી રહ્યા છો .”
“ ભૂલ તો તમે કરી રહ્યા છો મિતેશ. એક સ્ત્રીને હમેશા પોતના પતિ પર પુર્ણ ભરોસો હોય છે પણ તમે લોકો પોતાની પત્ની પર, એક સ્ત્રી પર ક્યારેય વિશ્વાસ નથી કરી શકતા !”
“ પણ , અહીં .. તો . . . .. “
“ છોડો એ બધુ. જો વિશ્વાસ ન હોય તો ચાલો, અહિ આ ખૂણેથી અંદર કહેવાતી વાતો અને બનતી ઘટનાઓને સાંભળીએ, જોઈએ અને અનુભવીએ. એક અદભૂત પ્રસંગના મૂક સાક્ષી બની જઈએ. કોને ખબર જીવનમાં ફરી આવો અવસર આવશે કે કેમ !“
આટલું કહી મિતેશને લઈ જસ્મિન એવા સ્થાને આવી ઊભી કે જ્યાંથી અંદરની તમામ ઘટના પર નજર રાખી શકાય પણ અંદરથી કોઈ તેઓને જોઈ ના શકે.
મીતેશ અને જાસ્મિને અંદર નજર કરી !
== == == ==
કલ્યાણી અને વિનીત સામસામે ઊભા હતા. બિલકુલ પાસે જ મંદ પડેલી યજ્ઞની જ્વાળાઓ હજુ પણ વાતવારણ ને સુગંધિત સ્પર્શ આપી રહી હતી. અહીં કલ્યાણીના મનની જ્વાળાઓ ભડભડ બળતી હતી તો વિનીત શાંત, પ્રસન્ન મુદ્રામાં સ્થિર ઊભો હતો.
તેણે કલ્યાણીનો હાથ પકડ્યો. ખૂબ જ સૌમ્યતાથી કલ્યાણીને યજ્ઞ વેદીની બાજુમાં બેસાડી.
“વિનીત, કયાઁ હતો તું આટલા વર્ષો સુધી ? મારે તને કેટકેટલુય કહેવું છે “
“ બોલ કલ્યાણી. મન ની અંદર વહેતા ઊછળતા સવાલોના મોજાને આજ કિનારા સુધી લાવી દે. મન પર કોઈ બોજ આજે ન રહે. બોલ . “
“વિનીત ! મે તને ગુમાવ્યો છે . તારા વિના . . . . “
“પ્રેમ એ પામવા કે ગુમાવવાની રમત નથી. પ્રેમ તો વરસવાની મૌસમ છે. “
“પણ તું ક્યારેય વરસ્યો નથી, વિનીત”
“ પ્રેમમાં તો ભાવ વરસે, શરીર નહીં ! તારા પ્રત્યેનો ભાવ તો આટલાં વર્ષોથી વરસ્યા જ કર્યો છે. આજે પણ એ અકબંધ છે. “
“પણ છતાંય મને લાગે છે કે મેં કશુંક ગુમાવ્યું છે. .”
“ તેં કશુંય નથી ગુમાવ્યું કલ્યાણી. હૂઁ મિતેશને જાણું છું ....”
“તું કેમ કહી શકે કે મેં તારી બદલે મિતેશ સાથે જીવન જોડ્યુ છે છતાં ય કાઇ નથી ગુમાવ્યું ?”
“સાવ સહજ છે. તુલના કરી જો- મારી અને મિતેશની .”
“તુલના? એક માણસની તુલના બીજા જોડે કેમ થઈ શકે?”
“ જો કલ્યાણી, આપણે પામવાની ને ગુમાવવાની રમત રમવી હોય તો તુલનાનો ખેલ ખેલવોજ રહ્યો . “
“ નથી રમવી મારે એ રમત.”
“તો પછી સ્વીકારી લે કે કશુંય ગુમાવ્યું નથી “
“ પણ એ રંજ તો . . . . “
“કલ્યાણી. માણસ કોને પ્રેમ કરે છે? માણસને જ ને ? ”
“ હા, વિનીત. હા. માણસ, માણસને જ પ્રેમ કરે છે. “
“તો પછી આ રંજને જિંદગીભર સાથે લઈ જીવવાનો શો અર્થ ? “
“ આમ તો તારા વિના પણ જીવવાનો શો અર્થ ?”
“કેમ? આટ આટલાં વર્ષો મારા વિના જ જીવી જવાયા કે નહીં ? “
“ પણ .. એ જિંદગી તારી સાથે જીવાઈ હોત તો કાઇક અલગ જ હોત .... “
” કલ્યાણી ! મને લાગે છે કે આપણે એ રમત રમવી જ પડશે . . . તુલનાની . “
વિનિતે કલ્યાણી ની આંખો માં આંખો પરોવી.
એક ઝરણું નજરના સેતુ થી કલ્યાણી ની આંખમાં થઈ સમગ્ર અસ્તિત્વમાં પ્રસરી ગયું. કલ્યાણી મૌન બની એકધારી તાકી રહી વિનીત ને !
“ આપણે કોઈપણ વ્યક્તિ ને તેના શરીર , મન, વ્યક્તિત્વ, સમાજમાં તેનું સ્થાન અને આપણી પ્ર્ત્યેનો તેનો વ્યવહાર , એવા જ કોઈ તત્વો વડે મૂલવીએ છીએ અને તેને આધારે નક્કી કરીએ છીએ કે પેલી વ્યક્તિ આપણ ને ગમે છે કે નહીં . “
કલ્યાણી હજુય મૌન ! મંત્રમુગ્ધ બની વિનિતની વાતો માં ઓતપ્રોત !
“ આ બધી બાબતોમાં હૂઁ અને મિતેશ લગભગ સમાન છીએ . . હા. મિતેશ કદાચ વધુ સારું વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ છે. કેમ ખરું ને ? “
“ હા . કોઈ શક નથી તે બાબતે .“ કલ્યાણી એ મૌન તોડ્યું .
“ તો પછી જિંદગી સાથે કેવી ફરિયાદ ?”
“ બધું જ તારા કરતાં પણ મિતેશ પાસે વિશેષ છે . મારા પ્રત્યેનો તેનો વ્યવહાર પણ તારા મારી પ્રત્યેના વ્યવહારથી ચડિયાતો છે. છતાંય તે મિતેશ છે , વિનીત નથી. બસ આટલોજ રંજ છે. “
“ અર્થાત , બધુ જ બરાબર છે પણ આ શરીરની અપેક્ષાએ અન્ય શરીર છે બસ એટલુંજ ને? “ વિનીતે ધારદાર સવાલ કર્યો !
તે કશુંય ના બોલી શકી.
“પ્રિયે “, આજ પહેલીવાર વિનીતે કલ્યાણી માટે આ શબ્દો વાપર્યા. સમગ્ર દરિયો ઉમટીને કલ્યાણીના નાનકડા હ્રદયમાં આવીને શાંત થઈ ગયો. “પ્રેમ એ શરીરને નહીં, વ્યક્તિત્વને અપનાવવાની પ્રક્રિયા છે .”
“વિનીત. કાશ ! પ્રેમ થવાના કારણોને સમજી શકાતા હોત ! “
“કલ્યાણી, પ્રેમના કારણો તો પુરૂષોને ગમતા હોય છે. સ્ત્રીઓને તો ગમે છે માત્ર પ્રેમ કરવું. બસ પ્રેમ કરતાં રહેવું. તું પણ એક સ્ત્રી છે. પ્રેમના કારણોમાં તું ક્યાં અટવાય છે? બસ પ્રેમ કર્યા કર . “
“ મને તારી કે મિતેશની આવી વાતો નથી સમજાતી. “
“ જેને ચાહતા હોઈએ તેને સમજવાની વ્યર્થ કોશિશ શા માટે કરવી ? બસ, તેને ચાહતા રહો. . . . સમજણની બધી સીમાઓ આપોઆપ વિસ્તરી જશે. “
“ ઓહ વિનીત......”
“ આપણે પ્રેમ કોને કરીએ છીએ ? વ્યક્તિને કે વ્યક્તિત્વને ?”
“ તું ગોવા ના કામુક બીચ ની રેતી પર પણ વૈદિક મંત્રો દ્વારા યજ્ઞ કરી શકે છે ને રણ ની તપતી રેતીમાં પણ રોમાંટિક થઈ શકે છે . . . “
“એ મારૂ વ્યક્તિત્વ છે . અને એવું જ અદભૂત વ્યક્તિત્વ મિતેશનું પણ છે. હિમાલયની અજાણી પર્વતમાળા પર ચડીને હાથમાં ગિટાર લઈને ગીત ગાતો મિતેશ ! કેમ ખરું ને ? “
“ હા . ..”
કલ્યાણી કાઇ સમજે એ પહેલા જ વિનીતે કલ્યાણી નો જમણો હાથ પકડી હથેળીની પાછળ એક સૌમ્ય, પેલું ચિર પરિચિત ચુંબન કરી દીધું. કલ્યાણીએ આંખો બંધ કરી દીધી .
વિનીત તેને ત્યાં જ છોડી તંબુ બહાર નીકળી ગયો.
મિતેશ અને વિનીતની આંખો મળી . ક્ષણમાં તો કેટલીય મૌન આપલે થઈ હશે એની કોઈને ખબર જ ના રહી. બંને ના હોઠો પર સ્મિત રમતું હતું
વિનીત અને જસ્મિન એકબીજાનો હાથ પકડી નીકળી પડ્યા સાગરમાં ડૂબકી લગાવવા.
તંબુની અંદર વિનીતના સૌમ્ય ચુંબનને અનુભવતી બંધ આંખોમાં આજે એને ક્યાય વિનીત ના દેખાયો. દેખાયો તો માત્ર મિતેશ !
કલ્યાણીએ આંખો ખોલી તો સામે વિનીતને બદલે મિતેશને જોયો તેણે !
ચહેરા પર છલકતા પ્રેમ સાગરને લઈને ઊભો હતો મિતેશ !
કલ્યાણીને થયું , મિતેશનું અહી હોવું કોઈ ભ્રમ તો નથી ને ? પણ ત્યાં જ મિતેશે તેને જકડી લીધી એના બહુપાશમાં .
તંબુની બહાર સાગરમાં તરબોળ થતાં રહ્યા વિનીત અને જાસ્મિન ! તંબુની અંદર રસબોળ કલ્યાણી અને મિતેશ.
અને તમે ? એ સૌને એકલા છોડી તમે પણ થઈ જાઓને તરબોળ, યાર !