aa nagar te nagar Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

aa nagar te nagar

જાનકી સાવ એકલી પડી ગઈ. વિસ્તાર હજુ હમણાં જ તો ગયો હતો. છેલ્લા કેટલાય દિવસો વિસ્તારની સાથે મન ભરીને માણ્યા હતા. સમયની એક એક ક્ષણને છલોછલ જીવી હતી. અને હવે વિસ્તારના જવાથી તો સાવ અચાનક જ નિઃશબ્દતા વ્યાપી ગઇ હતી. મન ભરીને મેળાના કોલાહલને માણ્યા પછી અચાનક જ મેળાથી વિખૂટા પડી જવાયું હોય તેવું લાગ્યું.

આ એકાંત તેના માટે અસહ્ય બની ગયું.

તે આમ તેમ આંટા મારવા લાગી. બારી પાસે આવી ને ઊભી. દૂર દૂર ધરતીને આભ મળેછે ત્યાં અનિમેષ નયને જોવા લાગી. તેને, તે ક્ષિતિજમાં કોઈ આકાર- કોઈ ઘટનાને ઉપસાવીને ખોવાઈ જવું હતું. પણ, તે જ ઘટના , તે જ આકાર ક્ષણ વારમાં તો તેને છેતરીને સૂરજની પાર નીકળી જતાં હતા. વાસ્તવિક એકાંત તેને મહાત કરી ગયું.

બારી છોડીને પલંગ પર આવી. તેનું ધ્યાન ટેબલ પર ગયું. ટેબલ પર કેમેરો હતો. કેમેરો ઉપાડી તેણે તેના લેન્સ પર આંખ ગોઠવી . તરત જ તેની સામે દ્રશ્ય ખડું થયું. આ કેમેરો તેને વિસ્તાર તરફથી મળેલી પહેલી ભેટ , અને તે પણ પહેલી મૂલકાતમાં જ.

પહેલી મૂલકાત ! ઓહ કેવી હતી એ ! પણ કશુય યાદ આવે તે પહેલા જ તે દ્રશ્ય પણ બીજા દ્રશ્યોની જેમ હાથતાળી આપી ગયું. .

ફરી એકાંત !

આ એકાંતનો સમય તેને ક્ષણ ક્ષણના બનેલા પહાડ જેવો લાગ્યો, જેની આ પાર પોતે છે. એકલી, સાવ એકલી અને સામે પાર છે વિસ્તાર !

વિસ્તાર તો હશે ભીડ વચ્ચે, કોલાહલ વચ્ચે, માણસો વચ્ચે ! અને હું ?

એક ક્ષણ તો તેને એકાંતના પહાડને ચીરીને ભાગી જવાનું- દોડી જવાનું મન થયું. બીજી જ ક્ષણે મનના ઊંડાણમાથી સવાલ થયો, “ ક્યાં દોડી જઈશ?”

“ આ નગરમાં.”

એક ખડખડાટ હાસ્ય તેના કાન પર પડઘાયું.,”તું આ નગરમાં જઈશ? આ નગર સાથે ક્યાં કોઈ પરિચય છે તારે? નગરમાં કોઇની સાથે પણ ક્યાં પરિચય છે? તો પછી તું ક્યાં જઈશ? યાદ છે તને, કે આ નગરમાં પહેલીવાર આવી હતી ત્યારે શું થયું હતું?

કેવું વિચિત્ર લાગ્યું હતું આ નગર? યાદ કર... યાદ કર. “

અને એ ખડખડાટ હાસ્યનો પડઘો પણ હાથતાળી આપી દૂર-સુદૂર છટકી જતો, ભાગી જતો જોયો. તેણે પડછાયાના પડઘાનો પીછો છોડી દીધો.

ખોવાઈ ગઈ એ વિસ્તાર સાથેના નગરપ્રવેશની ઘટનાઓની યાદમાં !

હજુ થોડા દિવસ પહેલા જ વિસ્તાર સાથે લગ્ન કરીને તે આ નગરમાં આવી હતી. વિસ્તાર આ નગરમાં વર્ષોથી રહેતો હતો. તે જયારે આ નગરની વાતો કરતો ત્યારે તેની વાતો અટપટી લાગતી. કઈંક ન સમજાય તેવી વિચિત્ર વાતો હતી તેની. તેનું વ્યક્તિત્વ પણ અજાયબ હતું. એ જ વ્યક્તિત્વથી તો તે અંજાઈને આ નગર સુધી આવી પહોંચી હતી.

નગર પ્રવેશથી જ આશ્ચર્યો સર્જાયા હતા !

બસમાંથી ઉતરી તેણે બસ સ્ટેશન પર નજર નાંખી. તેને હતું કે બસ સ્ટેશન એટલે ચારે બાજુ અસ્ત-વ્યસ્ત ખડકાયેલી બસોનો ભંડાર, કોઈક ખાલી-કોઈક ભરેલી બસો, કલાકોથી પોતાના ગામ માટેની બસની પ્રતિક્ષામાં સ્થિર-શો લાગતો કીડિયારની જેમ ઉભરતો માનવ સમૂહ, ખાખી કપડામાં સજ્જ ડ્રાઇવર-કંડક્ટર અને થોડા પોલીસો, માણસથી વધુ સંખ્યામાં સાથે લવાતા બિસ્તરા પોટલાં.

જાણે આખા ઘરને ખાલી કરીને વણઝારાની જેમ ભટકતા લોકો.

એકાદ બસ આવે એટલે તેમાંથી તૂટેલા કાચના પ્યાલામાંથી સારી પડતાં પાણીની જેમ ઠલવાતાં માણસો! ફૂગ્ગામાં જોરથી ભરાતી હવાની જેમ બસમાં ઠૂંસાતા લોકો !

ના ! એમાનું કશું જ અહી જાનકીની નજરે ના ચડ્યું. તેને આશ્ચર્ય –કુતૂહલ થયું. તેના મનમાં અનેક કૌતુકો ખડા થતાં હતા. તેણે બસ સ્ટેશન ધ્યાનથી જોવા માંડ્યુ.

અહીં ક્યાય બસોના ખડકલા નથી. સમય થતાં જ એક બસ આવે. તેમાં થોડા લોકો ભરાય અને તરત જ બસ ઉપડી જાય. સ્ટેશન સાવ ખાલી થઈ જાય. બસની પ્રતિક્ષામાં કંટાળેલ માનવોનો સમુદાય પણ નહીં.

અહી બહુ જ થોડા માણસો આવે છે. તેઓ પાસે ન તો કોઈ સામાન છે ન કોઈ મિલકત કે જે સાથે લઈને ફરર્વુ પડે.

ખાખી કપડામાના ડ્રાઇવર કંડકટરને બદલે નિર્દોષ હાસ્ય સાથે એક વ્યક્તિ આવે અને બસ લઈ જાય. સ્નેહીને વળાવવા આવતા લોકોને અંદર પ્રવેશવાની મનાઈ. તેઓ બહારથીજ સ્નેહીની બસ પસાર થાય એટલે હાથ હલાવી વિદાય આપી દે.

જાનકીને હતું કે વિસ્તાર આટલા વર્ષોથી અહી રહે છે તો જરૂર અનેક મિત્રો પણ હશે જે તેને તેડવા સ્ટેશન પર આવશે. પણ, ન તો કોઈ મિત્રો તેડવા આવ્યા ન કોઈએ તેના આગમનની નોંધ પણ લીધી. તેનાથી પૂછી જવાયું, “ વિસ્તાર, અહીં લોકોના દિલમાં લાગણી જેવુ છે ખરું? “

હસી પડ્યો વિસ્તાર,’ આ નગરીના લોકોને વ્યર્થ લાગણીવેડામાં રસ નથી. તેઓને કામ, કામ અને માત્ર કામમાં જ રસ છે. સમયને તે વ્યર્થ નષ્ટ કરતાં નથી. બધા જ પોતાની ધૂનમાં મગ્ન છે. દરેકને પોતાનો ઉદ્દેશ્ય છે. તે સિવાય તેને કોઈ જ પરવા નથી. કોઈ લાગણી નથી. છતાં માનવતાને ક્યારેય ચુકતા નથી. કદાચ તેને લાગણીનો મોહ નથી. એટલે જ તેઓ સુખી છે. તંદુરસ્ત છે.”

બંને આગળ વધ્યા. ઘર તરફ જતાં રસ્તામાં રાજમાર્ગો આવ્યા.ખૂબ પહોળા, વહી જતી નદી જેવા રાજમાર્ગો થોડા થોડા અંતરે વળાંક લેતા કે એકબીજાને કાટખૂણે મળતા. તેની બંને બાજુએ ઉગેલા મોટા મોટા વૃક્ષો જોઈને જાનકીને લાગ્યું કે તેની પાછળ કદાચ ગાઢ જંગલ છુપાયેલ હશે.

ના. ત્યાં ગાઢ જંગલને બદલે નગરીમાં દાખલ થવાની દિશાએ બંન્ને બાજુ ઉધ્યાન હતા. તેને તીવ્ર ઈચ્છા થઈ આવી ઉધ્યાનમાં જઈને ગુલાબ તોડી સૂંઘી લેવાની. તે ઘર તરફ વળી.

આ નગરીની બહારથી આવનાર જાનકી પહેલી સ્ત્રી હતી. અહીની સ્ત્રીઓ બહાર, બીજા નગરમાં જતી પણ અહીં બહારની કોઈ જ સ્ત્રી ક્યારેય આવી ન હતી. નગર બહારની સ્ત્રી સાથે લગ્ન કરનાર વિસ્તાર પણ પહેલો પુરુષ હતો. છતાં જાણે કશું જ ના બન્યું હોય તેમ કોઈએ જાનકીના આગમનને નોંધ્યું પણ નહીં.

વિસ્તાર તો નિરપેક્ષ ભાવથી જીવ્યે જતો હતો. પણ જાનકી આ આશ્ચર્યોને સમજવા મથતી હતી.

પછી તો વિસ્તાર સાથેની જિંદગી વીતવા લાગી. વિસ્તારની રજાઓ પૂરી થઈ. આજથી જ તે ફરીથી કામે લાગી ગયો. અને એટલે જ જાનકી એક ખાલીપણાને અનુભવવા લાગી.

આગમન સાથે અનુભવેલી અનેક વિચિત્રતાઓ બાદ તે નગરીમાં ગઈ જ ન હતી. આથી જ એકાંતની આ ક્ષણોમાં તે બધી જ વાતો એક સાથે તેના મન પર ખડકાઇ ગઈ. એક અસહ્ય બોજ તેની ચારે તરફ ફેલાઈ ગયો. તે વિચલિત થવા લાગી. તેનું મન તેને ઉતેજીત કરવા લાગ્યુ.

“ હજુ તેં આ નગરી પૂરી જોઈ પણ ક્યાં છે? વિસ્તારને આવવાની હજુ ઘણી ઘણી વાર છે ત્યાં સુધી એકાંતમાં ઉલઝાવાને બદલે નીકળી પડ આ નગરને જોવા. તેના ખૂણે ખૂણામાંથી તને આમંત્રણ છે. જા.... જા ....”

મનના આદેશને તે યંત્રવત અનુસરી. ઘર બહાર નીકળી પડી. પેલા ઉધ્યાનોના અજબ આકર્ષણથી

ખેંચાઈને જાનકી ત્યાં જ પહોંચી.

ઉધ્યાનમાં પ્રવેશતા જ તે ચોંકી ગઈ. તેમાં માત્ર બાળકો જ દાખલ થઈ શકે છે. તે દરવાજા પર જ અટકી ગઈ. તે કુતૂહલતાપૂર્વક બાળકોને જોવા લાગી.

બાળકો માટે અહી સ્વર્ગ છે. દૂર દૂર સુધી ખીલેલા , સુગંધ અને રૂપ નીતરતા રંગબેરંગી ફૂલો જ ફૂલો અને તેની વચ્ચે જગતના નિર્માતાના ફૂલો જેવા હસતાં, કુદતા, રમતા બાળકો જ બાળકો.

અહીં બાળકો વચ્ચે કોઈ જ ભેદ નથી. ગરીબ કે અમીર સૌ સાથે જ રમે છે. જ્ઞાતિ, જાંતી, ધર્મ, ભાષા, પ્રદેશ જેવા કોઈ બંધનો તેને નડતાં નથી. દુનિયાના બધા જ બંધનોથી અજ્ઞાત , નિશ્ચિંત અને પોતાની મસ્તીમાં મસ્ત , વ્યસ્ત છે તે બધા. કુદરતનો આ બાગ જ તેમની ભાષા છે.

અહી કોઈ જ નિયમ કે બંધન નથી કે આ રમત જ રમો કે પેલી રમત ના રમો. રમતા રમતા પડી જવાની , લાગી જવાની કોઈ જ બીકથી પણ તેઓ અજાણ છે. કદાચ એટલે જ રમતનો સાચો આનંદ માણી શકાતો હશે.

એજોઈ જાનકીના હ્રદયના બાગનું દ્વાર પણ ખૂલી ગયું. પોતે એક બાગ છે અને શરીરની અંદર જ નસેનસમાં અનેક રંગબેરંગી-સુગંધી ફૂલો ઊગી નીકળ્યા. તેમાં બાળકો દોડાદોડ કરે છે, હસે છે, રમે છે.... અને તે શરમાઇ ગઈ.

જાનકીને પોતાનામાં કશુક ઊગી રહ્યાનો અહેસાસ –આભાસ થયો. તેના સ્વપ્નામાં ખોવાઈ જવા માંગતી જાનકીનો હાથ કોઈએ પકડી લીધો.

તે એક બાળક હતું. તેણે જાનકીને કહ્યું, “ માફ કરજો . આપ નવા લાગો છો. આ બાગમાં ભૂલથી આવી ગયા લાગો છો. અહીં માત્ર બાળકો જ આવી શકે છે, મોટાઓ નહીં. માટે આપ અહીંથી ચાલ્યા જાઓ.”

સ્વપ્નામાં આછેરી ભીંજાયેલ તે કોરી જ બહાર આવી. જાનકીને થયું કે હું શું મોટી થઈ ગઈ છું?

કાશ ! હું હજુ પણ બાળક જ હોત. તેને બાળક બની અણુએ અણુમાં વ્યાપી જવાનું મન થયું. પણ હવે તે ક્યાં શક્ય હતું?

તેણે પેલા બાળકને પૂછ્યું,” તો મોટેરાઓ માટે ક્યાં સ્થાન છે? “

બાળકે ઈશારો કરી માર્ગની સામે તરફ જવા સૂચવ્યું. તે યંત્રવત તેણે અનુસરી .

માર્ગ પસાર કરી સામે પાર આવી તો ખરી પણ આટલો એક રસ્તો પસાર કરતાં તો જાણે તેને ખૂબ ખૂબ શ્રમ પડ્યો. બાળપણ જાણે પાછળ રહી ગયું હોય, કશુક છૂટી ગયું હોય તેમ સાવ ખાલી થઈ ગઈ.

તે ફરી વિચારવા લાગી. ત્યાં મોટેરાઓને કેમ જવા નહિઁ દેવતા હોય? શું એ કાયદો પણ મોટેરાઓએ ઘડ્યો હશે? કે આ બાળકોએ? શા માટે આવો નિયમ-કાયદો હશે? અને એ કાયદાનો અમલ? આટલો કડક તો ક્યાય નહીં જ થતો હોય.

મોટાઓને આદત હોય છે બાળકોને કારણ વગર સૂચનાઓ આપવાની. લાગણીના નામે ખોટા બંધનો ઊભા કરવાની. એ જ એમની મોટાઈ હશે? કદાચ એટલે જ તો ક્યાં પૂરેપૂરા વિકસી શકે છે આપણાં બાળકો?

જાનકીને પોતાનું ઘર યાદ આવ્યું. એક વખત રમતા રમતા તે પીપળાના ઝાડ પર ચડી ગઈ હતી. એ વાતની પિતાજીને ખબર પડી ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા હતા. પછી જાતજાતની વાતો કહી માં ને સૂચનાઓ આપી દીધી. બસ, ત્યાર પછી તો રમવાનું-કુદવાનું તો બિલકુલ બંધ જ થઈ ગયું હતું. ત્યારથી આજ સુધી ક્યારેય ઝાડ પર ચડી ન હતી.

તેને મનમાં કશુક ખૂંચવા લાગ્યું. દોડીને ઝાડ પર ચડી જવાની અદમ્ય ઈચ્છા થઈ ગઈ. પણ, માત્ર ઇચ્છાથી શું વળે? હવે તો એટલી તાકાત પણ ક્યાં હશે તેના આ શરીરમાં? અને અજાણ્યું આ નગર!

વિકસ્તી જતી ઇચ્છાને તેણે એક ઝાટકે કાપી નાંખી.

પરંતુ પેલા વિચારો તો સતત, અવિરત તેનાં મનને ઢંઢોળતા હતા......

મોટેરાઓ શા માટે બાળકો પર બંધનો રાખતા હશે? બાળકોનો કેમ યોગ્ય વિકાસ નહિઁ થતો હોય? આ નગરમાં આવું તે કોને સૂઝયું હશે? કેટલા સમયથી આમ ચાલતું હશે?.....

ફરી પાછળ છૂટી ગયેલા બાગ પર નજર ફેરવવા તે લલચાઈ. તમામ દિશાઓમાં અજીબ સુવાસ ફેલાયેલ હતી. ધરતી પર ઊગેલું ઘાસ હવાની લહેરોથી ચંચલ બની યૌવનને આવાહન આપવા લાગ્યું. જાનકીના હદયની અંદરથી અચાનક જ અવાજ આવ્યો.....

‘ સુજલામ સુફલામ....’

‘ સુજલામ સુફલામ ? અરે હું આ શું બોલી ગઈ? ખરેખર આ ધરતી સુજલામ સુફલામ જ છે. કદાચ વન્દે માતરમ ની આખી કલ્પના આ નગરને જોઈને જ આવી હશે !

જાનકી આ ધરતીને, આ નગરને વધુને વધુ માણવા -સમજવા અધીરી બની.

તે હવે પેલા બાગને છોડી , માર્ગને પસાર કરી આ બાજુ આવી પહોંચી. આ તરફ પણ બાગ હતો. પણ એ તો મુનીઓની જેમ સ્થિર હતો. ફૂલો હસવાનું ભૂલી ગયા હતા. અરે, કેટલાક તો ખીલવાનું જ ભૂલી ગયા હતા. પેલા સામે પારના બાગનું સંગીત જાણે હવામાં શોષાઈ ગયું હોય તેમ લાગ્યું.

હવા?

અરે ! અહીં હવા પણ ક્યાં છે? જાનકીને વાતાવરણમાનો આ બોજ અસહ્ય લાગ્યો. ચારે તરફ એક અજબ શાંતિ ફાટી નીકળી હતી.આ બાગ છોડીને નાસી જવા જાનકીએ પોતાની જાતને સંકોરી પગ ઉપાડ્યા ત્યાં જ અચાનક એક વ્યકિત તેની સામે પ્રગટી.

તેણે આંખના ઈશારે પોતાની પાછળ આવવા કહ્યું.

જાનકી બોલી ઉઠી.” હું ક્યાં છું? તમે કોણ છો? મને ક્યાં....”

ત્યાં જ વાતાવરણની શાંતિ ભંગ કર્યા બદલ પેલી આંખોમાં રોષ, અણગમો અને ઠપકાના ત્રિવિધ પ્રભાવી ભાવો એકસાથે ઉપસી આવ્યા.

કશો જ પ્રતીભાવ આપ્યા વિના જાનકી તેને અનુસરી. બે મોટા વળાંકો લઈને પશ્ચિમ તરફ ઢળતા સૂરજને જોઈ શકાય તેવી ખુલ્લી જગ્યામાં તેઓ આવી ગયા. ઢળતી સાંજની લાલીમાને જોઈને જાનકીને ક્ષણભર રોકાઈ જવાનું મન થયુ. પણ પેલી વ્યક્તિ સતત ચાલી રહી હતી. નાછૂટકે જાનકી પણ ચાલતી રહી.

એક મોટા મકાન પાસે આવીને તે અટકી. જાનકી તરફ નજર કરીને તે વ્યક્તિ મકાનમાં પ્રવેશી. જાનકી પણ તેની પાછળ જ પ્રવેશી.

તે એક મોટું પુસ્તકાલય હતું. ત્યાં સૌ – બાળકો, મોટાઓ- પુસ્તકોમાં માથું નાંખી ગંભીર મુખ મુદ્રા લઈ ખોવાઈ ગયા હતા.

તેણે પુસ્તકો પર નજર ફેરવી.

ટાગોર, પ્રેમચંદ, કાલિદાસ, સેક્સપિયર સૉક્રેટિસ, પ્લુટો, દાંતે, પાઉલો કોએલો, ચેતન ભગત , અમીષ ત્રિપાઠી, સ્ટીફન કોવે,,…. અ ધ ધ ધ .... તે આશ્ચર્ય પામી. આખું વિશ્વ જાણે આ સિમેન્ટની ચાર દીવાલો વચ્ચે કેદ થઈ ગયું.

એક પછી એક પુસ્તકો જોતાં જોતાં એક પુસ્તકનું નામ વાંચી તે અટકી ગઈ.

એક બાળકના હાથમાં જાનકીએ પોતે લખેલું પુસ્તક “ આ નગર-તે નગર” જોયું.

વિશ્વના આટલા બધા મહાન લેખકો વચ્ચે પોતાને મળેલું સ્થાન જોઈ તે અચરજ પામી. તેને આનંદ થયો. થોડો ગર્વ પણ !

જાનકી પેલા બાળક તરફ આગળ વધી. તેણે પેલા બાળકને પોતાના પુસ્તક વિષે પૂછ્યું. સવાલ સાંભળી બાળક ઊભું થઈ ગયુ અને પુસ્તકાલયની બહાર આવી ગયું. જાનકી પણ તેની પાછળ બહાર આવી.

અચાનક તે ખડખડાટ હસ્યૂ. , “ શું તમે જાનકીના નામથી અજાણ છો?” તેના હાસ્યમાં કટાક્ષ ભળી ગયો. જાનકીને પોતાના વિષે વધુ જાણવું હતું એટલે કટાક્ષને પી ગઈ અને બાળકના મોઢે વાત સાંભળવા ઉત્સુકતા બતાવી.

“ એ છે આ જગતની મહાન લેખિકા ! તેના આ પુસ્તકમાં શ્રેષ્ઠ સાહિત્ય ભરેલું છે. તે મહાન છે... બધા કરતાં મહાન !”

જાનકીને પોતાની પ્રસંશા ગમી. તે કઈ સમજે તે પહેલા તો અચાનક તે બાળકે તે પુસ્તક્ને ફાડવા માંડ્યુ. જાનકીને રીસ ચડી.

‘આ તે કેવું સન્માન? કે પછી અપમાન?’ લગભગ ત્રાડ પાડી ઉઠી તે.”તું આ શું કરે છે....? “

તેણે ફરી ખડખડાટ હાસ્ય કર્યું અને જમીન ખોદી નાંખી. પેલા પુસ્તકનાં ફાડેલા ટુકડાઓને તેણે જમીનમાં નાંખી દીધા.

જાનકીના ગુસ્સા કે પ્રશ્નોની પરવા કર્યા વિના જ તેણે પોતાનું કામ પૂરું કર્યું. પછી વિજેતાની શાન સાથે કહયું,’ અત્યાર સુધી અહીં એક જ જાનકી હતી પણ હવે આ ટુકડાઓમાં તે વ્યાપી ગઈ છે. થોડા જ સમયમાં આ જમીનના અણુએ અણુમાંથી તે ઊગી નીકળશે. એકમાંથી અસંખ્ય થશે. પછી... પછી હું સૌથી સમૃદ્ધ બની જઈશ. હા હા હા .....”

અટ્ટહાસ્ય સાથે તેણે દોટ મૂકી. પોતાની પ્રતિસ્થાના વિશ્વથી અંજયેલી જાનકી પણ પાછળ દોડી.

હજુ માંડ બે-ત્રણ ડગ ભર્યા ત્યાં તો તે અથડાઈ પડી- વિસ્તારને !

“ આ શું જાનકી ઊંઘમાં ચાલવા લાગી?”

“ હે ? હા... હા ... ઑ..હ .. . ! વિસ્તાર ...”

“તમે સાહિત્યકારો કલ્પનાને ક્યારેક તો છોડો”

“ આ મજાક નથી વિસ્તાર... “ તેણે અનુભવેલી તમામ વાત વિસ્તારને કહી સંભળાવી.

“વિસ્તાર! એ બાળકને પકડીને મારી પ્રતિષ્ઠાને મારી મુઠ્ઠીમાં બંધ કરી દેવાનું મન થાય છે પણ... પણ...”

“ જાનકી , માણસ હમેશા પ્રતિષ્ઠાની પાછળ દોડે છે. પણ એ મૃગજળ ક્યાં ક્યારેય કોઈના હાથમાં આવ્યું છે? જ્યાં સુધી માણસ નહીં બદલાય ત્યાં સુધી કશું જ નહીં થાય, જાનકી! પછી ભલે ને હોય – આ નગર , તે નગર. “