e kaun Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

e kaun

સૂમસામ હાઇવે પર તેની કાર ક્યાંક પહોંચવાની એને ઉતાવળ હોય એ રીતે સડસડાટ જઈ રહી હતી. તે ડ્રાઇવિંગ સીટ પર બેઠી હતી . બાજુમાં કે પાછળની સીટ પર કોઈ જ ન હતું .

સવારના છ: વાગ્યાની આસપાસનું પ્રભાત, ખાલીખમ હાઇવે પર એકલ દોકલ ભટકાઈ જતાં વાહનો, અષાઢી આકાશ, લહેરાતો મીઠો-ભીનો-માદક પવન ! તેણે કારનું એસી બંધ કરી દીધું . આગળ ની બારી ના બન્ને કાચ ખોલી નાંખ્યા .

પેલો માદક પવન તેના વાળ ને રમાડવા લાગ્યો. તેના ગલ પર પવન નું કામણ થયું. સમગ્ર શરીરમાં અનામ પ્રવાહ વહેવા લાગ્યો.

તેણે બારી બહાર નજર કરી. આકાશમાં દૂર દૂર કાળા વાદળો અને સંતાકૂકડી રમતો સૂરજ ગમવા લાગ્યો. અચાનક તેની નજર કારના speedo meter પર પડી. કાંટો કારની ગતિ 110 ની બતાવતો હતો . કારની ગતિ ને ચકાસવા તેણે બારી બહાર ફરી નજર કરી. તેને કારની ગતિ ઘણી વધારે લાગી.

આટલી ઝડપે મારે કયાઁ પહોંચવું છે? શેની ઉતાવળ છે મને ? શા માટે હૂઁ આટલી ગતિ થી ડ્રાઇવ કરું છું? બહારનું આકાશ તેને લલચાવી રહ્યું હતું – ક્ષણભર રોકાઈ જવા માટે !

તેણે ગાડીની ગતિ ધીમી કરી નાંખી. મનમાં નક્કી કરી લીધું કે આ સુંદર સવારને માણવા ગાડી ધીમી જ ચલાવીશ. હવે ગાડી 40 – 45 ની ગતિએ આગળ સરકી રહી હતી. કુદરતને ઘડી બે ઘડી માણવાનો કેવો ઉત્તમ અવસર ! જાણે કશુંક મનગમતું મળી ગયાનો અહેસાસ !

તેણે દૂર સુધી વિસ્તરેલા ક્ષિતિજ ને નજરથી માપવાની અને નજરથી જ ત્યાં પહોંચવાની ચેષ્ટા કરી. બંનેમાં તેને નિષ્ફળતા મળી. પોતાની નિષ્ફળતા પર હસવું આવી ગયું તેને . આ નિષ્ફળતા પણ તેને ગમી. તેને પહેલીવાર નિષ્ફળતાના આનંદની સંવેદના સ્પર્શી ગઇ.

આકાશ વાદળોથી હજુ પણ શ્યામ હતું. આજે આકાશ કદાચ કોઈ સંકેત આપી રહ્યું હતું. મારે વરસવું છે અનરાધાર સમય ને ભૂલીને ભીંજવી દેવું છે ધરતીનું સર્વસ્વ .

“હે વરસાદ, તું વરસને એવો !” મનોમન તેનાથી વરસાદને અરજી થઈ ગઈ.

તેના મનમાં વિચારો આવવા લાગ્યા – આમ અચાનક કઈ થોડો વરસી પડે આ વરસાદ? બસ, સ્વિચ ઓન કરો અને વહેવા લાગે અને ઓફ કરો એટ્લે સ્ટોપ. કોઈ વિશાળ બંગલામાં વહેતા કૃત્રિમ ઝરણાં જેવુ વરસાદને કઈ નહીં હો !

એ તો વરસે એની મરજી થી અને અટકે તોય એની મરજી થી.

તો?

વરસાદની મરજી ક્યારે થાય ? દૂર કોઈ મોર ટહૂક્યો. કદાચ કોઈ ખૂબ તરસ્યું થાય અને પેલા મોરની જેમ તેને પ્રેમ ભર્યા સ્વરે પોકારે તો, તો.....

તો તેને દયા આવે અને તેની પ્યાસ બૂઝાવવા તે વરસી પડે .

કદાચ !

તેના મુખમાંથી કાવ્ય પંક્તિ બનીને અનાયાસ વરસી પડ્યા આ શબ્દો –

કોઇની અનરાધાર તરસ વરસે

વાદળ ત્યાં વરસવાને તરસે

પોતાની જ પંક્તિ પર તે ખુશ થઈ ગઈ. તેણે પોતાની જાતને શાબાશી આપી. કવિ સંમેલનમા વ્યક્ત થતાં કવિની અદામાં ફરી એક વાર એ જ પંક્તિઓને દોહરાવવા માંડી. તેનામાં તાજું જ જન્મેલું કવિત્વ તેને સ્પર્શી ગયું.

આકાશમાં કાળા વાદળો તો હજુય દૂર દૂર ક્ષિતિજમાં હતા. પણ તેની અસર તેના મન અને હ્રદય પર અહીં પણ છવાઈ હતી. તેને વાદળ પર કવિતા કરવાનું મન થવા લાગ્યું . વરસાદ પર કશુક કહેવાનું , એકલા એકલા બોલવાનું, ખુલીને નાચી ઉઠવાનું મન થયું.

વરસાદને જોઇને કોણ જાણે કેમ આપણે સૌ કવિ બની જતાં હોઈએ છીએ ! તરત જ આપણને ભાન થવા લાગે છે કે આપણામાં પણ એક “ કાલિદાસ” વસે છે. ને પછી શબ્દોને ગોઠવી કવિતા કરવાનો ઉન્માદ જાગે છે.... પણ . . . . .

આપણને વાસ્તવિકતા સમજાય ત્યાં તો વાદળો વિખરાઈ જાય છે . કવિતા કરવાનું પણ ભુલાઈ જાય છે , અને આપણે પાછા કેવા “સામાન્ય માણસ” બની જઈએ છીએ ! પણ પેલી વ્યક્તિ “સામાન્ય માણસ” બનવાના મૂડમાં જરાય નહોતી.

તેણે કારની મ્યુઝિક સિસ્ટમ ઓન કરી. જગજીતસિંહ ના અવાજમાં નિદદા ફાજલી ના શબ્દો વહેવા લાગ્યા

બરસાતકા બદલ તો દિવાના હૈ ક્યા જાને

કિસ રાહસે બચના હૈ કિસ છતકો ભીગોના હૈ

ધરતીની પ્યાસ વધુ કે વાદળની દિવાનગી ? શા માટે આટલી તીવ્રતા હશે વાદળોના વરસવામાં ? ભીંજાવા માટે ધરતી પ્યાસી છે કે વરસવા માટે વાદળ પ્યાસું છે ?

બધા જ ધરતી ની પ્યાસને સમજે છે પણ છ્લકવા ચાહતા વાદળની વેદનાને કેમ કોઈ નથી સમજતું ? તેના હ્રદયમાં કેટકેટલો વરસાદ ભર્યો હશે -- ઠસોઠસ ! અને તેનો ભાર વેંઢારવો અસહ્ય બન્યો હશે ત્યારે તો તે વરસવાને આતુર બનતો હશે ને ? કેટલો લાચાર હશે તે ? ધરતી ની પ્યાસ ભલે જગત આખું સમજે..... પણ મારે તો સમજવી છે, જાણવી છે, માણવી છે --- વાદળની વેદના ને ! બનવું છે વાદળના હમદર્દ.

માણસ પણ કેટકેટલું પોતાના હ્રદયમાં ભરીને બેસે છે ! અને એમ કાઇ થોડો વરસવા લાગે છે ગમે ત્યારે ગમે તેની સામે ? હ્રદયની વેદના અસહ્ય બને.. ભાર વધી જાય અને ત્યારે જો કોઈ સુપાત્ર મળી જાય તો જ માનવીનું મન, હ્રદય વરસે છે છલકાતી લાગણીઓથી !

વાદળોનું પણ દોસ્ત કઈક આવુ જ . ગમે ત્યાં ને ગમે ત્યારે ન વરસે હો !

પણ આજ વરસાદને વરસવાનું મન થયું હતું. વાદળ લાચાર બની ગયું હતું. બસ તૂટી જ પડવું હતું એને .

દૂર દૂર થી વાદળો તેના ગર્ભમાં છુપાવેલા વરસાદને લઈને વધુ ને વધુ નજીક આવવા લાગ્યા. જાણે કે તે પેલી વ્યક્તિને જ મળવા આવતા ના હોય !

તેનણે કારને રોકી દીધી. એંજિન બંધ કરી કારનો દરવાજો ખોલી ખુલ્લા રસ્તાની વિશાળતામાં ઓતપ્રોત થઈ ગઈ. દૂરની ભીની સુગંધને શ્વાસમાં ભરી લીધી. તેની અંદર કશુક પાંગર્યું .

હજુ પણ રસ્તા પરની જિંદગી જાગી નહોતી. એકલ દોકલ આવન જાવન સિવાય બધુજ ખાલીખમ્મ .

તે દૂરથી આવનારા વાદળોની પ્રતિક્ષા કરવા લાગી. આજે પલળવું જ છે.—પૂરે પૂરું. આ અવસરને નથી ગુમાવવો આજે . લગભગ 3 વર્ષ બાદ આજે આવી છે આ ક્ષણ ! આજે ચૂક્યા તો કોને ખબર ફરી ક્યારે આવા વાદળો બંધાય ?

ત્રણ વર્ષ ! ઓહ .. આ ત્રણ વર્ષમાં ક્યારેય પેલા વાદળ કે વરસાદને ભુલાવી શકાયું છે?

“ના, ના. “ તેણે પોતાની જાતને જ જવાબ આપ્યો.

એ ક્ષણનો વરસાદ આજે ય કોરા રહી જવાના રંજથી ભીંજવે છે. એક એક કોરી ક્ષણોએ વરસાદ પ્રત્યેની લાગણીને સુકાવા નથી દીધી. ઊલટાની તેણે લાગણીઓને વધુ તીવ્ર, તીક્ષ્ણ બનાવી છે.

****

તે દિવસે લગભગ આવા જ કોઈ રસ્તા પર આમ જ એ સડસડાટ કાર હંકારી રહી હતી. વરસાદ મૌજથી વરસતો હતો. ઠંડી હવામાં વરસતા બિંદુઓ કોઈ વક્ર આકાર રચી રહ્યા હતા. કારની અંદર તેના શરીર પર ટાઇટ સૂટ , બુટ અને ટાઈ તેના પદની ગરિમા કહેતા હતા તો બહાર વરસતો વરસાદ તેને સાવ સાદા માનવ બની જવા લલચાવતો હતો, આમંત્રી રહ્યો હતો. શરીર પરના વસ્ત્રો, તેનો હોદો તેને રોકી રહ્યા હતા.

હ્રદયબાળક બની દોડી રહ્યું હતું ભીના ભીના રસ્તા પર. તાજા વરસેલાં પાણીમાં છબછબિયાં કરતું હતું . અને હોદ્દાની ગરીમા રોકતી હતી.

બંને વચ્ચે જબરદસ્ત ઘર્ષણ શરૂ થયું.

“ચાલ, બાળક બનીને બિન્દાસ્ત નીકળી પડું કારની બહાર ..... મન ભરીને વરસાદ સાથે નાચવા લાગુ .....”

મન મોર કળા કરવા લાગ્યો.

“તું એક ઉદ્યોગપતિ છે. બે કલાક બાદ અગત્યની બિઝનેસ મિટિંગ છે. મિટિંગમાં આમ ભીના સૂટ-બૂટ માં જઈશ ? અને મિટિંગમાં લેટ પડીશ તો? મોટો સોદો હાથમાથી નીકળી જશે તો ?”

“ બિઝનેસની તો ખબર નથી પણ ... આ .. વરસાદ તો જરૂર નીકળી જશે હાથમાંથી... “

“વરસાદ તો આમ જ વરસ્યા કરે છે હમેશા. કાલે ફરી વરસશે. . . . ત્યારે માણી લેજે ને એને ! પણ આ મિટિંગ ફરી .... “

મનનો આ સંઘર્ષ આગળચાલે એ પહેલા જ તેનું ધ્યાન રસ્તા પરની હલચલ પર પડ્યું. નજીકના કોઈ ગામની હોય એવી ચાર કન્યાઓ વરસતા વરસાદમાં અલ્લડ બનીને ભીંજાઇ રહી હતી ..

તેણે અચાનક જ કારને બ્રેક મારી. કાર ઊભી રહી ગઈ !

તેની નજર પેલી કન્યાઓને વરસાદી નૃત્ય કરતાં જોઈ રહી. તેને પણ મન થયું દોડી જઇ તેઓની સાથે નાચવાનું . પણ, ફરી એ જ -- મન અને હ્રદય ની કશ્મ-કશ !

આમ જ કેટલીય ક્ષણો વિતી ગઈ. તે એકધારી નજરે જોતી રહી પેલી નિષ્ફિકર, અલ્લડ ગામડાની કન્યાઓને .

આજ પહેલી વાર તેને તેના સ્ટેટસ કે ઉજળા વસ્ત્રો પર મિથ્યાભિમાન ન થયું . ઊલટું ગુસ્સો આવ્યો.

છતાય સમાજના મોભા, કિમતી વસ્ત્રો વગેરેની સામે અલ્લડ , નિર્દોષ અને બિન્દાસ્ત હ્રદય હારી ગયું.!

તે બસ કારમાં બેસીને નિહાળી રહી કન્યાઓ અને વરસાદની રમતોને.

કેવી સદનસીબ છે એ કન્યાઓ ! વરસાદમાં ન્હાતી, રમતી, મસ્તી કરતી , પરમ આનંદ પામતી, જીવનની ક્ષણોને માણતી એ કન્યાઓ ! કોઈ પણ શૃંગાર વિના જ જોનારના મનમાં શૃંગાર રસ જન્માવતી તેની અદાઓ ! તેની મુગ્ધતા ! વરસાદ સાથેનો તેનો રોમાન્સ !

વરસાદ પણ જાણે તેનો પ્રેમી હોય તેમ - ખાસ તેને જ મળવા , પલાળવા આવ્યો હોય એમ કેવો આલિંગન આપે છે? જરૂર તેઓ એકબીજાના પ્રેમમાં હશે.

કન્યાઓની માદક અદાઓ તેને આકર્ષવા લાગી . તેને મન થયું કે દોડીને જોડાઈ જાઉં તેઓની જોડે. તેણે મનમાં નિશ્ચય કરી લીધો કે આજ હ્રદયને હારવા તો નથી જ દેવું. ... ચાલ નીકળી પડું.

તેણે બુટ, મોજા, કોટ, ટાઈ વગેરે કાઢી નાંખ્યા. કારનું એંજિન બંધ કરી દરવાજો ખોલી બહાર આવી ગઈ.

ઉઘાડા પગે તે ચાલવા લાગી પેલી કન્યાઓ તરફ. વરસાદની આછેરી છલક તેના શરીરને સ્પર્શવા લાગી . તેને આ સ્પર્શ ગમવા લાગ્યો. તેનું માન અધીર હતું પેલી કન્યાઓની જોડે પહોંચવા . તેણે ઉઘાડા પગે દોટ મૂકી.

પગને અનાવૃત થઈ દોડવાની આદત જ કયાઁ હતી ? બાળપણમાં ઉઘાડા પગે નીકળી પડવું કેવું સહજ હતું ? આજે અનાવૃત પગને સંભાળવામાં તકલીફ પડવા લાગી. તેને અહેસાસ થવા લાગ્યો કે સમય જતા બાળપણની સાથે સહજતા પણ ક્યાંય અલોપ થઈ જાય છે ! કેટકેટલી સાહજીક આદતો સમયના પડળમાં વિસરાઈ જાય છે !

પગમાં પીડા થવા લાગી. પીડા તરફ ધ્યાન જતાં જ વરસાદના સ્પર્શનો આનંદ ભુલાઈ ગયો. છતાય તે ચાલતી રહી કન્યાઓને મળવા માટે. પહોંચી ગઈ તેઓની પાસે.

પણ આ શું ? કયાઁ ગઈ કન્યાઓ? એ તો નૃત્ય બંધ કરીને ચાલવા લાગી હતી. તેઓનું નૃત્ય હવે તેઓની ચાલમાં ધબકતું હતું. !

પેલો વરસાદ, પેલું નૃત્ય, પેલી મસ્તી, બધુ જ શાંત થઈ ગયું. વરસાદ પણ બંધ થઈ ગયો. આકાશમાં વાદળોએ જગ્યા બદલી નાંખી હતી. તેઓ હાથતાળી આપી આગળ નીકળી ગયા હતા. માથા પરનું આભ સાવ કોરું થઈ ગયું હતું . જાણે ક્ષણભરમાં તો દ્રશ્ય બદલાઈ ગયું ! બચી ગયું હતું તો માત્ર પેલી કન્યાઓની ચાલમાંનું કામણ !

કન્યાઓની નજર પેલી વ્યક્તિ પર પડી. ક્ષણભરમાં તો તે સભાન થઈ ગઈ. તેઓને એમ હતું કે તેને કોઈ નથી જોઈ રહ્યું આમ વરસાદમાં નાચતા ! પણ ચોરી પકડાઈ ગઈ હોય તેમ સભાન થઈ ગઈ.

પણ, એ તો ક્ષણ ભર જ. ફરી પેલી અલ્લહડતા તેઓના ચહેરાઑ પર આવી ગઈ. ખડખડાટ હસી પડી એ બધી જ. તેના હાસ્યમાં પણ તેના પ્રેમી જેવા વરસાદની ભીનાશ મહેકતી હતી. શરીર પરના કપડાં હજુ પણ ભીના જ હતા. ગાલો પર ભીની લટો કામુક નૃત્ય કરતી હતી. તેઓની આંખમાંથી અજબ ચમક અને આનંદ ઝરણ બનીને વહેવા લાગ્યા. પેલી વ્યક્તિ કન્યાઓનાં નૈસર્ગિક સૌંદર્યમાં તણાવા લાગી......

“તમારે વરસતા વરસાદમાં ન્હાવું હતું?” એક કન્યાએ પૂછી જ લીધું. તે સફાળી જાગૃત થઈ ગઈ.

“ હા.. હા.. મારે તમારી સાથે જ વરસાદમાં ન્હાવું હતું . નૃત્ય કરવું હતું. મસ્તી કરવી હતી. પરમ આનંદ માણવો હતો. પણ ..”

“પણ તમે મોડા પડ્યા. એ છે જ એવો. “

“કોણ ?”

“ આ વરસાદ. બીજું કોણ?”

પેલી વ્યક્તિએ ઊંડો શ્વાસ લીધો. તેને સમજાઈ ગયું હતું કે તેણે પોતાના વરસાદને ખોઈ દિધો છે.

“ મે કહ્યું ને , આ વરસાદ છે જ એવો ! એનો કોઈ ભરોસો નહીં. ક્યારે આવે ને ક્યારે ચાલ્યો જાય. ક્યારેક તો ખૂબ પ્રતિક્ષા કરાવે અને આવે જ નહીં. “ એક કન્યા વરસાદ સામે પોતાના દિલની ફરિયાદ કહેવા લાગી. તો બીજી કન્યએ તેને વચ્ચે જ અટકાવી ,

“અને જો આવે તો નક્કી નહીં કે કેટલો આવશે . ક્યારેક તો શરમાળ કન્યાની માફક જરાક વરસે ને ખૂબ તરસાવે પણ ખરો.”

“ ને ક્યારેક તો ધોધમાર વરસે ... “ ત્રીજી કન્યાએ પોતાના મનની લાગણી વ્યક્ત કરી.

“અનહદ વરસે અને અચાનક અડધા તરસ્યા રાખીને પાછો નફ્ફટ બની ચાલ્યો પણ જાય. “ ચોથી કન્યાના મુખ પર શરમ ની સંધ્યા ખીલી ઉઠી.

“ આ જુઓને , તમારી સાથે એણે હમણાં એવું જ કર્યું ને ?”

“ હાસ્તો ! “ પેલી વ્યક્તિ હવે કન્યાઓ જોડે ભળવા લાગી. તેના પદ અને કપડાનો અહમ ક્યાય ઓગળી ગયો.

“વરસાદ અને પ્રેમમાં જો વિચારવા રહીએ તો કોરા રહી જવાય. પલળવું હોય તો કૂદી પડવાનું ,

તુરંત જ . “

“જો સમય વીતવા લાગે તો વાદળો વીખરાવા લાગે અને પછી ફરી ક્યારે બંધાય અને ક્યારે વરસે એ કહી ના શકાય.”

“માટે અમારી જેમ ભીંજાઇ જવું, જ્યાં અને જ્યારે તક મળે !”

વાદળ, વરસાદ અને પ્રેમ વિષેના મુગ્ઘ કન્યાઓનાં શબ્દો, તારણ અને જ્ઞાન પેલી વ્યક્તિને પલાળી ગયા.

રમતિયાળ સ્મિત આપી પેલી કન્યાઓ તો ચાલવા લાગી. તે પણ હાથથી છૂટી ગયેલ વરસાદ પર અફસોસ કરતી પહોંચી ગઈ બિઝનેસ મિટિંગમાં. ફાયદાનો બહુ મોટો સોદો પણ કરી નાંખ્યો. પણ, વરસાદની ગુમાવેલી ક્ષણોની ખોટ ને દિલમાં ભરી લીધી. ... ત્યારથી આજ સુધી એવો વરસાદ ક્યારેય નથી વરસ્યો !

***

આજ ફરી એવો વરસાદ ત્રણ વર્ષની લાંબી પ્રતિક્ષા કરાવીને વરસવા આવી રહ્યો છે. તેણે મનથી જ તેના વધામણાં કર્યા. વરસાદ પણ જાણે ત્રણ વરસ પહેલા આપેલ વચનને પાળી બતાવતો હોય એમ તેવો જ વરસવા લાગ્યો.

તે ભીંજાવા લાગી, નાચવા લાગી, તેના હ્રદયમાથી સંગીત વહેવા લાગ્યું. તેણે પોતાનું સમગ્ર અસ્તિત્વ વરસાદમાં ઓગાળી દીધું.

ફરી કોઈ કન્યા કોણ જાણે ક્યાંથી આવી ચડી અને નૃત્ય કરવા લાગી . કોઈ કોરું ના રહ્યું. આકાશ પણ શરમાળ કન્યાના ગાલની લાલીની જેમ લાલ થઈ ગયું. એક અદભૂત આનંદ વહેવા લાગ્યો... ચારે તરફ !

કોણ હતી તે વ્યક્તિ?, આવું કયાઁ બન્યું હતું? પેલી કન્યાઓ કોણ હતી? પછી, પછી શું થયું?

કોણે પૂછ્યા આવા સવાલો? તમે?

શું દોસ્ત ! આવા સવાલોમાં સમય વેડફી નાંખ્યો? શું ફર્ક પડે એના જવાબો જાણવાથી ?

અરે .... જાવ ! કોઈ વરસાદ બંધ થઈ જાય તે પહેલા... પલળી લો !

પેલી વ્યક્તિના નસીબમાં ત્રણ વર્ષે એવો વરસાદ આવ્યો. બધાના નસીબમાં કાઇ વાદળો ફરી બંધાય એવું થોડું બને? અને બંધાય તો પણ કેટલા વર્ષો બાદ એની ય ક્યાં કોઈને ખબર છે? મને તો નથી જ ખબર !