(1) સથવારો
સોસાયટી દરિયા કિનારે હતી. સોસાયટીથી દસેક ફૂટ દૂર સુંદર,નયનરમ્ય,લચીલો,લાવણ્યમય બોલકણો ગાર્ડન હતો.રોજ સવારે પાંચ વાગે મૉરનીંગ વોક માટે પહોંચી જતો.પરસેવાથી નીતરતો મારી રોજિંદી બેઠક પર બેસી સૂર્યોદય જોયા કરતો.મન પ્રસન્નતાથી લહેરી ઊઠતું, ખીલતું ગુલાબી ઝરણાં સમું ઉછળતું, પારેવાનાં મીઠા મધુરા કલશોર થી ઊભરાતું આભલું જોઈ.
રોજની ટેવ પ્રમાણે હું મારી બેઠક પાસે ઊભો રહ્યો.ચોંકી ઊઠ્યો! એક પ્રૌઢ ઉંમરની સ્ત્રી બેઠી હતી,ઉંમર કદાચ પંચાવન-સાંઠ હોઈ શકે. ખિસ્સામાંથી રુમાલ કાઢી મારો પરસેવો લૂછવા લાગ્યો. તે સ્ત્રીએ મારી તરફ જોયું. જગ્યા ટુ સીટરની હતી.
ત્યાં એટલે કે એક અજાણી સ્ત્રીની નજીક બેસવું યોગ્ય ન લાગ્યું.આસપાસ નજર દોડાવી,બેઠકોં ભરેલી હતી.થોડો ગુલાબી ગુસ્સો પણ આવ્યો,જે વહાલો લાગ્યો!આ જગ્યા થોડી મારાં બાપની છે! અવળચંડા મનને મથાર્યું."હું રોજ આવીને અહીં જ બેસું,પણ આજે કલાક વહેલી આવી ગઈ છું .તમને તકલીફ પડી લાગે છે,કેમ ખરું ને? પણ મારી બાજુની સીટ ખાલી છે,બેસી જાવને"
ધણા વર્ષો પછી કોકીલકંઠ સમો વહેતા ઝરણાં જેવો સ્વર સાંભળી રોમાંચ થયો. પણ મને તેમની બાજુમાં બેસવું અજગતું લાગ્યું "અરે,આ ઉંમરે સંકોચ શેનો રાખો છો,બેસી જાવ"
હું તેમને જોતો રહ્યો."હાથ પકડીને બેસાડું કે..ભાયડા થઈને શરમાવ છો !"
પરાણે બેસી તીરછી નજરે જોતો રહ્યો.
" મારી કામવાળી બાઈ રજા પર છે. બીજી બાઈ વહેલી આવે છે એટલે તમારી જગ્યા છીનવાઈ ગઈ."
" ના ના" પરાણે કહ્યું.
"રહેવા દોને તમારો ચહેરો જોઈને અંદાજ આવી ગયો હતો."
થોડી ક્ષણો ચૂપ્પી છવાઈ ગઈ." રોજ બાઈ હાથ પકડીને પાક્કી વીસ મિનિટ ચલાવે.પણ
તે રજા પર છે એટલે ચાલીને આવું નવી બાઈ સાથે,કલાક બેસું,લેવા આવે એટલે નીકળી જાઉં, પણ રાઉન્ડ બંધ કર્યાં પછી અજીબ લાગે છે."
" તમે કહેતા હો તો તમને ચાલવામાં મદદ કરું" શબ્દો સરી પડ્યાં . તે મને ટગરટગર જોવા લાગ્યાં. ધીમેથી ઊભા થઈ બોલ્યાં "મારો હાથ પકડી ચલાવી શકશો!?!.. " જરુર જરુર"હસતાં હસતાં કહ્યું.હળવેથી હાથ પકડી એક પગલું મહામહેનતે ચલાવ્યાં મારા શ્વસોચ્શ્વાસ ફૂલી ગયાં જડ જેવાં શરીરનો ભાર મારા પર આવી રહ્યો હતો. અમે બંને એકબીજાને જોઈ રહ્યાં. હિમ્મત કરી કહ્યું "તમારો ડાબો હાથ મારા ખભે મૂકો."
હસતાં હસતાં તે બોલ્યા" જરુર,સાહેબ."કોઈ પણ જાતના ક્ષોભ વિના મારા ખભે હાથ મૂકી સહજતાથી ચાલવા લાગ્યાં.મને હાશ થઈ.પણ એમની પળભર રુકી ગયેલી વાતોનો દોર પાછો ચાલુ થયો."હવે ચાલવું ઠીક લાગે છે.મને થયું કે સંધ કાશીએ પહોંચશે કે કેમ..આદત પડે નહીં ત્યાં લગી અધરું લાગે છે,આદત પડ્યા પછી છૂટે તો એના વગર ચેન ન પડે કેમ ખરું ને? " એક ક્ષણ અટકીને બોલ્યાં "તમારું નામ શું? મને સૌ સપનાંથી ઓળખે અને તમને? "
"મારું નામ જમનાદાસ. તમારી વાત સોળેઆના સાચી..." લગ્નની ઉંમર થતાં છોકરી પસંદ કરી લગ્ન કરી લેવાનું મારા પર ચારેબાજુથી દબાણ થવા લાગ્યું.હું ના પાડતો રહ્યો.એક દિવસ મારાં ઘરે છોકરી અને તેનાં ઘરવાળાંને બોલાવી પૂછ્યં ખાનગીમાં કે આ છોકરી પસંદ છે..જોઈ લે બાજુની રુમમાં બેઠી છે કહી મને ત્યાં ઘસડી ગયાં હું જોતો રહ્યો અચાનક તે છોકરી મને જોઈ હસી પડી અને હું મલકાઈ ઊઠ્યો..અને વાત છાપરે ચડી બંને ખૂશ છે ખેલ ખલાસ સગાઈ નક્કી થઈ ગઈ. કશું સમજું એ પહેલાં બીજે દિવસે
સંદેશો મોકલાવ્યો કે તળાવની પાછળ માતાજીનાં મંદિરે મળો. બસ પછી તો શરુ થઈ ગયું હથેળીમાં ચાંદ જોવાનું.અને લયનામજનુની કહાની..
લગ્ન માટે ના ના કરતો હું લગ્ન ક્યારે થાય જલદી એનાં સ્વપ્નો જોવા લાગ્યો.છૂપાં છૂપાં મળવું અસહ્ય થવા લાગ્યું .વાજતેગાજતે લગ્ન થયાં. અઢી વર્ષ પાણીની જેમ ક્યાં વીતિ ગયા એ ખબર પણ ના પડી અચાનક એક ગોજારી રાત એને ભરખી ગઈ પ્રસૂતિની પીડામાં.. એ છૂટી ગઈ પણ વિરહનાં અજગરે એવો ભરડામાં ભીંસી લીધો કે માદરે વતન છોડી મુંબઈમાં જોગી બની ઠરી ઠામ થયો.કરમની કઠીનાઈ કહો કે દસ વરસે ગામના સરપંચના દીકરાએ ઓળખી કાઢી સંસારી બનાવી દીધો. અને ધીકતી હોટલમાં અરધોઅરધ ભાગ રાખી મારી ભટકતી જિંદગીમાં સ્થિરતાં સ્થાપીદીધી. પણ પરણેતરની પીડાનાં જખમ રુઝાવી ના શક્યો... હોટલથી ઘર અને ઘરથી હોટલ એ pમારી જિંદગી એ જ મારી કહાની.. !
" હાશ..આજે સારું લાગે છે. શરીર ચેતનવંતુ લાગે છે.."બેસતાં તેમને પોતાની પ્રતિક્રીયા વ્યક્ત કરી.હું હસ્યો.તે પણ હસ્યાં."જમના ભઈ શું બોલવાના પૈસા પડે છે? અસ્સલ મારાં મિસ્ટર જેવાં છો.બહુ તોલી તોલી બોલતાં હતાં તમે હસો ત્યારે એવું લાગે કે જાણે મારો પુત્ર નરેશ હસી રહ્યો છે,અસ્સલ તમારી જેમ .. એક પ્રવાસ દરમ્યાન પ્લેન ક્રેશ થયું અને... બાપદીકરાને ભરખી ગયું. "
"ઓહ.." મારાથી નિશ્વાસ નંખાઈ ગયો.પણ તે એકદમ સ્વસ્થ લાગ્યાં.હું વિચારવા લાગ્યોં કે ખરેખર સ્ત્રીઓ દર્દ ભરી લાગણી સામે પુરુષની જેમ ભાંગીને ભૂક્કો થઈ જતી નથી!
"ચાલો રજા લઉં,કંપની આપવા બદલ આભાર..બાઈ સમયસર આવી ગઈ " ધણું બધું કહેવું હતું,પૂછવું હતું પણ શબ્દોનોં લોંદો થઈ ગયો હતો.તેમને હળવે હળવે જતાં જોઈ રહ્યો જાણે ... મારાં શુષ્ક જીવનમાં સાપોલીયા સમી પ્રવેશતી આંધીને..
આખો દિવસ બર્ફની જેમ આંખ સામે પીગળતો જોઈ રહ્યો.બારી બહાર ઊભો ઊભો કોઈની રાહ જોતા હોઈએ એમ. કદાચ સપનાબહેન અમારી સોસાયટીમાં જ રહેતાં હશે એવા તરંગો પથરાવા લાગ્યાં.ગજબ પ્રકારની માનસિક સ્થિસ્તિ આકાર લઈ રહી હતી. અત્યાર સુધીનું સંયમિત બ્રહ્મચર્ય ડગુમગુ થઈ રહ્યું હતું એક સાત્વિક સ્પર્શથી! કાર કાઢી વરલી સી ફેસ ગયો,જયાં અમારી કલ્બ હતી.પણ ત્યાં ન જતાં સીફેસની પાળીએ બેસી સૂર્યાસ્ત જેવા લાગ્યો. પ્રાકૃત્તિક દશ્ય જોઈ મન શાંત થઈ ગયું હતું. ઘરે આવી સ્વામી વિવેકાનંદની ચોપડી વાંચતાં વાંચતાં નીંદ્રા દેવીનાં શરણે ઢળી પડ્યો.