“મંજુ …ઓ મંજુપુતર …!!!! “
થોડો નબળો પડી ગયેલો પહાડી પંજાબી અવાજ અને બોલાયેલું નામ સાંભળી હચમચી ગયેલી બંસરી સફાળી ઉભી થઇ ગઈ …એક સાવ અજાણ્યા અને અકલ્પ્ય સંજોગો ઉભા થઇ ગયેલા જોઈ અવિનાશ પણ હબકી ગયો …..ઉભી થઇ ગયેલી ….ધ્રુજી રહેલી બંસરીના ખભા પર હાથ ફેલાવી એને સહારો આપવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો ….આ બાજુ ફરેલા અને આ બંનેનાં વર્તનમાં કશું ન સમજેલા ભસીનકાકાએ ” નક્કી વળગીને બેઠી હશે એના ગોળના ગાડાને…. એને એ સિવાય બીજુ સૂઝેય જ ક્યાં છે …..!!! ” એમ સ્વગત બોલતા ધીમે પગે પોતે રસોડામાં જઈ ફ્રીજ ખોલી પાણીની બોટલ અને એક ગ્લાસ લઈને અવિનાશના હાથમાં આપ્યો …એણે હળવેથી બંસરીને બેસાડી પાણી પાયું ……
બંસરીની આંખોમાં જમીન પર પડેલી …..ચાદર નીચે ઢંકાયેલી મંજુ છવાઈ ગઈ હતી અને આ “મંજુ” નામનો સાદ એણે જોયેલી વાસ્તવિકતાને ચીરી ગયો હતો …એણે જે જોયું હતું એ ભ્રમ હતો ? આટલા વર્ષ જે સહ્યું હતું એ ભ્રમ હતો ? મંજુ એક ભ્રમ હતો ….આખરે આ બધું એક ભ્રમ છે કે શું ?
ચકરાવે ચડેલી બંસરીની માનસિક હાલતથી બિલકુલ અજાણ ભસીનકાકા પાસેના મુડા પર બેસતા ….”હવે કેમ લાગે છે ?’ પૂછી બેઠા …જેના જવાબમાં બંસરીએ એમની સામે જોઈ એક શ્વાસે બોલી નાખ્યું ….”કાકા , હું બંસરી ….!!! પણ મંજુ કયાં છે ?
બંસરીનું નામ સાંભળતા જ એક જાતની અસ્વસ્થતા અને કંપન કાકાના શરીરમાં દેખાઈ ગયા …..ચતુર અવિનાશ અને વિમાસણમાં પડેલી બંસરીના ધ્યાન બહાર ન જ ગયું …..એક બોઝીલ અવાજે …કાકા બોલ્યા ….ઓહ , બંસરી છે !!! ” એની સામે ખાસિયાણા પડી જઈને ધીમે રહીને જાત જાળવતા ” તું બહુ બદલાઈ ગઈ છે એટલે ઓળખાણ ન પડી હો …!! ફિક્કું હસી બોલેલા કાકાના અવાજમાં ઉભી થયેલી પીડા પણ બંસરીના ઘાયલ મન સુધી પહોંચી ગઈ …..” ક્યાં છે પુતર તું ? ઘણા વરસે …નહિ ? આમ અચાનક ? ” જીવનમાં ઘણા ઝટકાઓ ઝીલી ચુકેલા અનુભવી કાકાએ ત્વરિત સ્વસ્થતા ધારણ કરતા સાવ બોદા અવાજે કરી પૂછ્યું ….!!!
“મંજુ ક્યાં છે ?” એવો સવાલ બંસરીએ ઘાંઘા થઇને ફરી વાર પૂછ્યો ….
એના જવાબમાં એ વૃદ્ધે માથું નીચું કરી કયાંય સુધી ધુણાવ્યા કર્યું ….. ૨૯ વર્ષ પહેલાની યાદોએ એ તૂટીને પણ અડીખમ ઉભા રહેવા મથ્યા કરતા માણસની હિંમત તોડી નાખી …… વતનમાં અરોરાપ્રાનો આવેલો ફોન …. પ્લેનમાં આવવાની હેસીયતનો અભાવ અને ગાડીમાં મહા મુસીબતે મળેલી ટીકીટ …..દીકરી અને પત્ની વચ્ચેના અણબનાવોને ડામી શકવા અસમર્થ એક લાચાર બાપ ….દીકરીની ચિંતામાં..અસહ્ય ઉચાટભર્યા મને શનિવારે સીધો અરોરાપ્રાના ઘરે ગયેલો …..ઘણું સમજાવી…. પટાવી હવેથી આવું નહી જ થવા દઉં એવી હિંમત આપી મંજુને પરાણે પોતાના ઘરે લઇ ગયેલો અને ગુમાવી બેઠેલો બાપ અત્યારે બંસરી સાથે આંખ મેળવવા જતા અપરાધભાવથી નવેસરથી બેવડો વળી ગયો ….થોડી વાર પછી કળ વળતા ઉભા થઇ
“મારી સાથે આવો” …..
એમ કહેતા ભસીનકાકા ઉભી થયેલી નવી સ્થિતિમાં ચુપચાપ થઈ ગયેલા અવિનાશ અને વિહવળ બની ગયેલી બંસરીને બીજા રૂમમાં દોરી ગયા ….’ક્યાં જઈ રહ્યા છીએ ? ત્યાં શું હશે’ એ દ્વિધા સમેત બંને કાકા પાછળ દોરાઈ ગયા…..
કાકાએ હળવેથી એક બંધ દરવાજાને ધક્કો માર્યો અને થોડાક અંધકારભર્યા રૂમમાં પલંગ પર એક વૃદ્ધ સ્ત્રી સીધી સુતેલી દેખાઈ ….ઓહ , મંજુના મમ્મી ….!!!!!!! એસીવાળા ઠંડાગાર રૂમમાં આરામથી સુતેલી એ સ્ત્રી સામે મંજુએ એક જાતની ધૃણા અને નફરતથી જોયું …..એમનો હાથ બાજુમાં બેઠા બેઠા ઢળી પડેલી એ બાવીસેક વર્ષની યુવતીના માથા પર હતો …. “હરપ્રીત” અવાજ સાંભળીને પ્રવેશેલા કાકા સાથે કોણ આવ્યું છે એ જોવા આછા અંધારામાં હરપ્રીતે રીતસર આંખો ખેંચી ….એ જોઈ કાકાએ હાથ લંબાવી લાઈટની સ્વીચ દબાવી ….ઝળહળ થઇ ઉઠેલી રોશની અને માથેથી ઉઠી ગયેલો હાથ આ બંને વાતનો અહેસાસ થતા ….યુવતી એકદમ ઉઠી ગઈ ….સામે ઉભેલા બે અજાણ્યા જણને જોઈ વિખરાયેલા કપડા અને વાળ ઠીક કરવા લાગી …અવિનાશે વિવેક કરતા “નમસ્તે.. આંટી ” એમ કહ્યું …..બંસરી તો કશુંય સમજી શકે એવી હાલતમાં જ ન હતી …”આ કોણ ?” એવું એમની આંખોમાં વંચાતા કાકા બોલ્યા …..
“હરપ્રીત , આ બંસરી છે ….!! આટલું સાંભળતા જ એમની આંખોમાં અસંખ્ય ભાવોનું ઘોડાપુર આવી ગયું પણ એક વિષાદભાવ છોડીને ઓસરી પણ ગયું ….પણ બે એક ઘડી પછી બંને ખૂણેથી દદડી રહેલી…. કાન અને વાળ પલાળી રહેલી ….વહેતી ….ઝરમરી રહેલી આંખોના આંસુ લૂછવાની કોઈ હલચલ ન જોઈ બંસરી અને અવિનાશ બધું સમજી ગયા …અને હરપ્રીતકૌરની પરવશતા જોઈ બંસરીનાં કોમળ હ્રદયમાં મંજુ સાથે જાણે ન્યાય થયો હોય તેવો ભાવ ઉભરી આવ્યો …… અને એક ન થવો જોઈએ સંતોષ વ્યાપી ગયો ….એની નજર પલંગની બરાબર વચ્ચે દીવાલ પર લાગેલી એક મોટી તસ્વીર પર પડી જેમાં નાનકડા મંજુ અને અંજુ એક નવવધુને વળગીને ઉભા હતા …. એ તસવીરથી હટાવી એણે નજર હરપ્રીતકૌર પર ઠેરવી …..લકવાગ્રસ્ત હરપ્રીત એક પણ શબ્દ બોલી શકવાને લાયક ક્યાં હતી કે એ એની સાથે લીખાજોખા કરે ….!!!! કુદરતે એના અપરાધી હાથ ….અને ક્રૂર હ્રદયને હમેશ માટે અબોલ અને પરવશ કરી દીધા હતા …..જાણે કે સ્વર્ગ અને નર્ક બંને અહીં જ ભોગવવાના હોય તેમ …… ……”
અને આ છે અમારી… ખાસ તો હરપ્રીતની ખુબ જ લાડલી મંજુ” ….. એ યુવતીની ઓળખાણ આપતા કાકા બોલ્યા …..ચહેરે મોહરે એકદમ પંજાબી લાગતી ”..રૂપાળી …થોડી ઉંચી પણ નાજુક મંજુએ બે હાથ જોડી બંનેને નમસ્તે કર્યું …”મંજુપુતર, આ આપણી મંજુની બહેનપણી છે” એ સાંભળી હુંફાળું સ્મિત આપી એ થોડી વાર ઉભી રહી અને પછી કાકા સામે જોઈ ધીમે રહી રૂમ બહાર નીકળી ગઈ …… આ છોકરી મંજુની સચ્ચાઈ સમજાતા બંસરીએ ખુશ થવું કે દુઃખી થવું એ અવઢવમાં અવિનાશ સામે તાક્યા કર્યું …
અંતે કોઈ કશું બોલી ન શક્યું ….બંસરીએ વાતાવરણનો બોજ ન સહી શકાતો હોય તેમ બહાર જવા પગ ઉપાડ્યા …એની પાછળ પાછળ બંને પુરુષો ઘસડાઈ આવ્યા…..
બહાર નીકળી આટલા બધા બનાવો એક સામટા બનતા જોઈ…. સમજી બંસરી સાવ થાકી ગઈ હોય તેમ સોફા પર બેસી પડી …આ ‘એ મંજુ નથી’ એ સમજતા એક અદમ્ય દુઃખ એને ઘેરી વળ્યું …..!! અંદર મંજુના મમ્મીની હાલત ….એના હ્રદયમાં દયાભાવ જાગવા માંડ્યો ….
ભસીનકાકા અને અવિનાશ પણ પાસે આવી બેઠા ….ભસીનકાકાએ ધીમા અવાજે બોલવાનું શરુ કર્યું ….
“બેટી , આટલા વર્ષ તું મારી વિષે શું વિચારતી રહી એ પૂછવાનો બધો જ હક હું ગુમાવી ચુક્યો છું …. છતાં તારા મનમાં ૨૯ વર્ષો દરમ્યાન ઘણા સવાલો અને ફરિયાદો મારી તરફ ઉઠ્યા જ હશે એનો ખુલાસો આજે મને કરી જ લેવા દે …. એ રીતે પણ આજે હું હળવો ..હલકો થવા માંગુ છું “
બંસરી અને અવિનાશે વધુ ઘટસ્ફોટના ડરે કાન માંડ્યા …
” એ સવારે મને લાગ્યું કે અરોરાપ્રાના ઘરેથી મારે મંજુને ઘરે લઇ જ જવી જોઈએ ….હદ બહાર નીકળી ગયેલી સમસ્યાનું કોઈ કાયમી સમાધાન કરવું જ જોઈએ …. અને એના માટે મેં ઘણું બધું વિચાર્યું છે અને હવે એ આ દોઝખમાં વધુ નહી રહે તેવી મારી સમજાવટ પછી એ મારી સાથે આવી પણ ખરી …તને તો ખબર જ હશે એ મને કેટલો પ્રેમ કરતી હતી ….!!એને ઘરમાં લઇ જઈ કડક અવાજે હરપ્રીતને મેં અમારા નિર્ણયોં વચ્ચે ન આવવા તાકીદ કરી દીધી ……ઘરના પુરુષ તરીકે હવે મને આ બે અલગ અલગ દિશાઓની ખેંચતાણ અને અશાંતિ જરાય કબુલ ન હતી ….ઘરના બીજા બાળકો અને સામાજિક પ્રતિષ્ઠાની જુઠી શાનને ખાતર બહાર હસતું મોં રાખી મેં અડધી જીંદગી મંજુ સાથે અન્યાય કર્યા કર્યો હતો પણ હવે ઘરની વાત સાવ બહાર પડી ગઈ હતી એટલે હવે સુકાન મારે જ સંભાળવાનું હતું …વધુ સમય બગાડી મારે વધુ સમસ્યાઓ ઉભી કરવી ના હતી ….એટલે …..મંજુ તરફની ફરિયાદોથી ઉભરાતી હરપ્રીત સાથે ઝાઝી જીભાજોડી કર્યા વગર થોડી વાર પછી .. …હું ઉદયના મામા ..મારા દોસ્ત હતા એમના ઘરે આ સંબંધ વિષે વાત આગળ ચલાવવા નીકળી ગયો…..ઉદય સાથે વાત થયેલી પણ ઘરના સાથે સીધી વાત કરવાના સંકોચ થયો હતો …..અડધા એક કલાકમાં પાછા ફરતા ઘરની આજુબાજુ લોકો જમા થયેલા જોયા ….તારા આવ્યા પહેલા હરપ્રીતે “આ એણે નથી કર્યું” એવું હજારવાર કહ્યા કર્યું …..મારી પાસે એના વિરુદ્ધ કોઈ પુરાવા ન હતા ……જુવાન થઇ ગયેલી મંજુ પણ છેલ્લે બહુ ગુસ્સામાં હતી ….એ ઉપરાંત મારી એક દીકરીને ગુમાવ્યા પછી બાકીના બાળકોને હરપ્રીત વગર પાછા નમાયા કરવાની હિંમત પણ ન હતી એટલે શંકાનો લાભ આપી મેં ચુપ રહેવાનું ઠીક સમજ્યું અને તને પણ વિનવી હતી …..”
બંસરી અને અવિનાશ ધ્યાનપૂર્વક વાત સાંભળી રહ્યા હતા ….