મંજુ : ૨ Nivarozin Rajkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંજુ : ૨

બંસરીની ચીસ સાંભળી અડધી રાત સુધી ઉકળાટને કારણે જાગેલા અને હવે ઠંડકની નિંદ્રા માણી રહેલા બધા જ સફાળા જાગી ઉઠ્યા …..જોયું તો બંસરી આકાશ સામે જોઈ કશુંક બોલવાનો પ્રયત્ન કરતી હતી …..પણ શબ્દો સાવ લથડીયા ખાઈ જતા હતા એટલે કોઈને કશું સ્પષ્ટ સમજાતું ન હતું ….ઝટ ઉભા થઈ નિયતિભાભીએ બંસરીને બાથ ભરી લીધી …..ધ્રુજતી બંસરીના મોંમાંથી ‘મંજુ’ શબ્દ સાંભળી સમજદાર નિયતિ આખી વાત સમજી ગઈ અને ઇશારાથી….’ શું થયું ? કાંઈ થાય છે ? ડોકટરને બોલાવું? ‘ જેવા અનેક ભાવોથી ઘેરાયેલા મુકેશને શાંત રહેવા જણાવી દીધું …બા તો સ્તબ્ધ બની ફાટી આંખે આ બધું સમજવાની કોશિશમાં જ લાગેલા હતા ….. નિયતિએ થોડી વાર સુધી ચુપચાપ બંસરીને હુંફાળો સધિયારો આપ્યા કર્યો … થોડી ક્ષણો પછી બંસરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી ….. નિયતિએ બાના કાનમાં મંજુ શબ્દ હળવેથી કહી દીધો ..ને બા આખી વાત સમજી ગયા હતા …. એમણે રડતી બંસરીનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો …..!!

લગભગ વીસેક મિનીટ સુધી રડી લીધા પછી બંસરીએ લાલધૂમ આંખે બધા સામે એક નજર ફેરવી અને એક ધારદાર સવાલ પૂછી લીધો ….” શું લાગે છે ? મંજુએ મને …આપણને માફ કર્યા હશે ? ” જવાબમાં એની સામે ચિંતિત નજરે જોતી છએ આંખો ઢળી પડી ….!!!! પણ કોઈને સમજાયું નહી કે લગભગ ૨૯ વર્ષ પછી અચાનક આ વાત બંસરીના મનમાં કેવી રીતે ઉભરાઈ આવી ….!!!!

કોઈ કશું બોલ્યા નહી ….બંસરી પણ ચુપચાપ પડી રહી …સવાર પડવાની રાહ જોવી પડે એવો અજંપો ચારેય મનોમાં છવાઈ ગયો ….બધા વિચારે ચડ્યા હતા …પણ કોઈને સમજાયું નહી કે આજે રાતે મંજુ યાદ આવવાનું કારણ બંસરીને કેવી રીતે પૂછવું ..!!

આજ વિચાર બંસરીના મનમાં પણ ચાલતો હતો …..કે ‘આટલા વર્ષ તો અહીં રહેવા આવતી , જુના મિત્રોને હું મળતી પણ ખરી …તો આજે અચાનક આવું કેમ થયું ?’ ૨૯ વર્ષ પહેલા મનના કોઈ એક ખુણામાં છુપાયેલો અપરાધભાવ આમ બહાર નીકળી આવશે એ ક્યારેય કલ્પ્યું ન હતું . વેરવિખેર વિચારો અને અસ્તવ્યસ્ત ચિત્તને ઠેકાણે પાડવા એ હવે મરણીયા પ્રયાસો કરવા લાગી હતી ..પણ ભૂતકાળ એક એવી ભયાવહ જગ્યા હોય છે …કે એમાં આવા પ્રસંગો જરાક ખુરેદવાથી માનસપટ પર છવાઈ જાય છે . અને સારા પ્રસંગો કે યાદગીરીઓ નહિ પણ એનાથી વિરુદ્ધ પ્રસંગો નહોરિયા ભરાવતા સામે આવ્યા કરે છે . કશુંક આવું જ બંસરી અનુભવવા લાગી ….

માણસના મનની અવસ્થા વાતાવરણ ક્યાં સમજે છે …..મનમાં અંધારું હોય તોય બહાર અજવાળું થઇ જ જાય છે . સવાર પડ્યું ….બધા જ નિત્યક્રમો યંત્રવત થયા ..પણ એક અનકહી વેદના…. ઉપસી આવે એવો ઉચાટ અને ખૂંચી આવે તેવી ખામોશી આખા ઘરને ઘેરી વળી હતી …. બંસરીએ અવિનાશ અને બાળકો સાથે ફોન પર વાત કરી હાલચાલ પૂછ્યા …ઘર બહાર જતી દરેક સ્ત્રી પોતાની સાથે આખું ઘર લઈને ફરતી હોય છે . પોતાના વગર ઘરમાં થોડી અવ્યવસ્થા થાય એ થોડી ગમતી પણ હોય છે . બધા એને યાદ કરતા હતા પણ એની ગેરહાજરી મેહસૂસ કરતા હતા એવું કોઈએ એણે જાણી બૂઝીને ન કહ્યું .. પણ એના ભારેખમ અવાજ પરથી એ બધાએ અંદાજ લગાવ્યો કે વાતોના તડાકા મારવામાં ઉજાગરો થયો હશે …અને આમ પણ વેકેશન માણવા ગયેલી વ્હાલીને રોકી ટોકી પરેશાન નથી કરવી એમ વિચારી કોઈએ વધુ ધ્યાન આપ્યું નહી …એ સમજી ગયેલી બંસરીને એક જાતનો હાશકારો થયો …નહિ તો પોતે ખોટું બોલત કે આખી ઘટના કહી શકત …એ વિચાર મનમાં ઝબકી આવ્યો ….!!!

બંસરી વિચારે ચડી કે ગમે તેવા નજીક કે બિન્દાસ , નિખાલસ સંબંધો હોય આપણે મનના કોઈ એક ખૂણે કોઈ એવી વાત ધરબી જ દેતા હોઈએ છીએ ….કોઈ છાનુંછપનું પાપ હોય એ જરૂરી નથી પણ દરેક વાત કહી નથી શકાતી એ પણ એટલું જ સાચું છે ….કદાચ પ્રસંગ કહી પણ શકીએ પણ એ પ્રસંગે અનુભવેલ લાગણીઓ કહેવા આખો શબ્દકોશ ઓછો પડે છે …. વિચારોથી ડામાડોળ બંસરી ચુપચાપ બેઠી રહી ….એની આજુબાજુ આંટાફેરા કર્યા કરતા …એની પરવાહમાં ચિંતાતુર વ્હાલાઓ ‘હવે શું ?’ એવા સવાલને મોંઢા પર સ્થાપી ચુક્યા હતા .

અંતે પહેલ બાએ કરી …જમ્યા પછી દીકરીના ભૂતકાળના એક પડને જાણે ઠેસ મારી ખેરવવા માંગતા હોય તેમ હિંડોળાની ઠેસ મારી બંસરી પાસે બેઠા …ઠેસના સહજ ઝટકાથી બંસરીએ ચમકીને બા સામે સાવ ખાલીખાલી નજરે જોયું અને ફરી પાછી એક ક્ષણમાં એની આંખો ઉભરાઈ આવી … બાએ વ્હાલથી પૂછ્યું …..” આજે અચાનક કેમ મંજુ યાદ આવી …દીકરા ? રાતે આકાશમાં વિવિધ આકારો જોતજોતા એવું તો શું થયું ? અને એ તો વર્ષો જૂની વાત નથી ? અને તારી જાતને તું હજુ અપરાધી માને છે ? હું તો માની જ નથી શકતી તે તારા જેવી બિન્દાસ અને હસમુખ દીકરી મનમાં આવી એક ભાવના દબાવીને બેઠી હોય ….!! ”

બંસરીએ પણ આવા જ સવાલોની ઘારણા ….અપેક્ષા કરી હતી ….એ કૈંક જવાબ આપે એ પહેલા નિયતિ પણ હાથ લુંછ્તી પરવારીને આવી પહોંચી ….અને એક જાતનું સમજણ અને આશ્વાસનનું વાતાવરણ અનાયાસે સર્જાઈ ગયું …..ત્રણેય સ્ત્રીઓ એકબીજાને સમજવાની કોશિશમાં લાગી ગઈ હોય તેવું દેખાઈ આવ્યું .

બંસરીએ ગળું ખંખેરી પોતે સ્વસ્થ છે એવો દેખાડો કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી લીધો …..એ બા અને નિયતિએ નોંધ્યું ……પણ જાણે બંને સમજદાર સ્ત્રીઓ હવે બંસરીનું મન ઉઘાડવા બેઠી હોય તેમ શબ્દો ખોલવાની ચાવી બંસરીના હાથમાં સોંપીને એની સામે જોઈ રહી …..

પોતાના હાથના આંગળાઓ રમાડતા લાંબો નિશ્વાસ નાખી બંસરીએ પૂછ્યું ….“
સાચું કહેજો ….મંજુના કમોત માટે હું જવાબદાર કેટલી ?”