મંજુ : 3 Nivarozin Rajkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

મંજુ : 3

“સાચું કહેજો ….મંજુના કમોત માટે હું જવાબદાર કેટલી ?”

એના સવાલનો જવાબ સાવ ગોખાઈ ગયો હોય તેમ બા તરત બોલ્યા …“
૨૯ વર્ષ પહેલા પણ અડધી રાતે તેં આ જ સવાલ પૂછ્યો હતો યાદ છે ? અને ત્યારે મારો જે જવાબ હતો એ જ આજે પણ છે …….જરાય નહિ …!!!”

તો નિયતિએ પણ બાની વાતમાં સુર પૂરાવ્યો કે“
એ તો એવું ભાગ્ય લખાવીને આવી હશે ……હવે આવું વિચારીને પોતાની જાતને કદી ન કરેલા ગુનાની સજા ક્યાં સુધી આપવી છે તમારે ? અને એ વખતના સંજોગો કેવા હતા એ તમે ભૂલી ગયા ?

“હમમમ” ….
ફક્ત એટલું બોલી બંસરી જાણે ભૂતકાળમાં સરી પડી હોય તેમ આસપાસના વાતાવરણથી એકદમ બેધ્યાન થઇ ગઈ ….આ જોઈ ભાભી અને બા અહીં ઉભા રહેવું કે જતા રહેવું એવી અવઢવમાં પડી ગયા …..પણ તોય પૂછી લીધું …”
પણ એ તો કહે રાતે એવું તો શું થયું કે તને મંજુ યાદ આવી ગઈ ..? ”

ઉજાગરા અને અશાંત મનના કારણે બંસરીની આંખોની કિનારીઓ લાલ થઇ ગઈ હતી …બંસરીએ બાની આંખોમાં જોઇને સામો સવાલ કર્યો …”
એના કમોત માટે હું જવાબદાર નહિ ? ……ઠીક છે ….પણ …… એ પછીનું મારું – તમારું – આપણું વર્તન ? આપણે બીજા કશાય માટે જવાબદાર નહિ ?

બા અને નિયતિ પાસે આ વાતનો કોઈ જવાબ ક્યારેય ન હતો …ત્યારેય નહિ અને અત્યારે નહિ …..!!!!!

બંનેની સામે વેધક નજરે જોઈ બંસરી ઉભી થઇ ગઈ અને પોતાના રૂમમાં જતી રહી ….સાવ થાકેલા મને પલંગ પર પડતું મૂકી ..બંસરીએ યાદ કર્યું કે રાતે ખરેખર તો બહેનપણીઓ વિષે …બાળપણના એ રૂડા દિવસો ….ધીંગામસ્તી અને નિર્દોષ લાગણીઓ વિષે વિચારતી હતી અને આકાશ સામે જોતા …. ધુમાડાના ગોટા જેવા છુટા છવાયા વાદળો અને પવનને હલેસે રચાતા અનેક આકારો ..પંજો …સ્ત્રી ….જેવો આકાર રચાતા જોઈ એને મંજુનું નામ એક ઝાટકા સાથે યાદ આવી ગયું હતું …..

મંજુ ….

એક સ્કુલમાં પણ અલગ ક્લાસ અને ધોરણમાં ભણતી એક સહેલી….બંસરીને ભણવાના વિષયો ઉપરાંત બધી જ ઈત્તર પ્રવૃતિઓમાં ભાગ લેવાનો શોખ પણ ગણિતમાં પાસ થવાના ફાંફાં એટલે બંસરી ૧૧ આર્ટસમાં અને ભણવા ખુબ જ તેજસ્વી અને એ સિવાય વધુ કોઈ બાબતોમાં બિલકુલ બેધ્યાન …બહુ નહી પણ ઠીકઠીક કહેવાય તેવી મળતાવડી અને ઘણી દેખાવડી મંજુ ૧૨ કોમર્સમાં…ભણતા …. …આમ તો એ શરૂઆતમાં બંસરીની બહુ ખાસ અંગતમાં ન ગણાતી …પણ સાથે આવજા કરતી ..દસબાર ઘર દુર રહેતી બીનગુજરાતી પણ વર્ષોથી ગુજરાતમાં વસેલા કુટુંબની દીકરી હતી મંજુ …!!

સવારનાં સાડા છની બસ માટે બસ સ્ટેન્ડે બસ ઉપડવાની વેળાએ મોડી પડી લગભગ દોડતી જ આવતી એક છોકરી ….અને પાંખા …વિખેરાયેલા વાળને બસમાં જ એક નાનકડા દાંતિયાથી સંવારી લેતી …..મંજુ …એ વખતે એ ૧૨માં ધોરણમાં ભણતી …..!! એકવાર ગુસ્સામાં તમતમીને બંસરીએ પૂછી જ લીધું ….”
રોજ આમ દોડતી …પડતી-આખડતી …..વિખાયેલી આવે છે તે આખા ઘરનું કામ કરીને આવે છે કે શું ….? ”
સામે મંજુનો ફક્ત એક ધીમો જવાબ”
હા ”….
બંસરીએ વાતને મજાકમાં લઇ ઉલાળી દીધી …આમ પણ બંસરી એટલે ઉલ્હાસ ..ઉંમંગ અને હાસ્યનો ફુવારો …એની અસરમાંથી કોઈ ભાગ્યે જ બચી શકે …ચારે બાજુ ખુશી ફેલાવતી છોકરી એટલે બંસરી …બકબક કર્યા કરતી એક ચુલબુલી છોકરી …..સામે મોટેભાગે ગંભીર અને ખુલીને વાત કરતા સંકોચાતી મંજુ ….દરેક નાનીસી વાતમાં કુતુહલ અને અપાર શક્યતાઓ એને દેખાતી….એકેક ક્ષણનો સાચો આનંદ એ લેતી હોય તેમ ઝરણાની જેમ ખળખળ વહેતી રહેતી ….

સાથે બસમાં થતી આવજામાં થોડી ખુલીને વાત કરતી તો થઈ પણ એકંદરે ઓછાબોલી મંજુ હંમેશા કહેતી …અંજુ …એની નાની બહેન કરતા એના પપ્પા એને બહુ પ્રેમ કરે છે …. એવું કહેતી વખતે એની આંખોમાં બંસરીને ન સમજાય એવી અનોખી ચમક છલકાઈ આવતી …બંસરીને પણ ક્યારેક રસ્તામાં મળી જતા મંજુના પપ્પા બહુ ભલા માણસ લાગતા …એ હસીને ‘નમસ્તે , કાકા’ કહી દેતી …એના બાકીના ઘરના વિષે ભાગ્યે જ વાત થતી …આ બાજુ બંસરી ઘરના દરેક બનાવની વાત લંબાણપૂર્વક કહી ખુબ આનંદમાં રહેતી ….

સ્કુલે પહોચ્યા પછી બહુ ઝાઝો સંપર્ક ન રહેતો …પતંગિયા જેમ આખી સ્કુલમાં ઉડાઉડ કરતી બંસરી આચાર્ય અને શિક્ષકોમાં પણ લાડકી અને વ્હાલી હતી …અને આમેય બંસરી રીસેસ દરમ્યાન એની સખીઓ સાથે મસ્તી અને હસીમજાક કરતી નાસ્તો કરી લેતી …છૂટવાના સમયે ક્યારેક એક બસમાં જગ્યા મળી જતી …મોટેભાગે ખુબ ભીડમાં સાથે ઉભા રહેવાનું પણ બનતું નહી ….પણ સ્કુલે જતી વખતે થોડી ખુશ લાગતી મંજુ ઘરે પાછા આવતી વખતે હંમેશા જરાક ઉદાસ જણાતી એ ચકોર બંસરીની નજર બહાર ન હતું ….પણ મસ્તીખોર બંસરીને એ વિષે બહુ વિચારવાનો સમય અને જરૂર ક્યાં હતી ?

થોડા દિવસ પછી બસમાં બાજુમાં બેઠેલી મંજુના હાથ પર થોડા દાઝ્યાના નિશાન જોઈ બંસરીએ કુતુહલથી મજાક કરી ..:”
અલી , હજુ રાંધતા ન આવડ્યું ? ”

…એક સીધા સરળ સવાલનો જવાબ આપતા ડબડબી ગયેલી આંખો સાથે મંજુ બોલેલી ….”
આવડે ને ….તું કહે તે બનાવી આપું …પણ એ તો રસોઈ કરવા વખતે બેધ્યાન થઈ ગઈ હતી એટલે આવું થયું ” ….

આવો જવાબ મળ્યો એટલે ખીલખીલાટ હસતા બંસરીએ કહેલું ….”
હું તો રાંધુય નહી ને દાઝુંય નહિ …..ઘરના બાકી કામ કરી શકું ” ….

“તો બાકી કામ હું નહી કરતી હોઉં ?”
કહી સામે એક સવાલ ફેંકી જવાબની આશા રાખ્યા વગર એ વખતે મંજુએ વાતનો વીંટો વાળી દીધો હતો….ચાલુ વાતે અચાનક વાતનું વહેણ બદલી …વાતને અધુરી મૂકી દેતી … શાંત થઇ જતી… આ સહેલી બંસરી માટે ક્યારેક પહેલી બની જતી ….પણ “હશે …આ એનો સ્વભાવ હશે” એમ વિચારી બંસરી એ તરફ વધુ ધ્યાન ન આપતી …..

….નીતનવી વાનગીઓની ચર્ચા કરતી વખતે મોટેભાગે પ્રભાવિત થવાનો વારો બંસરીનો આવતો ….પરાઠા અને પંજાબી વાનગીઓમાં માહિર એવી મંજુ આ બાબતમાં પણ કેવી સારી છે એવું બંસરી અનુભવતી ….અને રસપૂર્વક આજે શું રસોઈ બનાવી એવું પૂછ્યા કરતી …
મંજુ કોઈ વાર“
ગઈકાલે રાતનું વધેલું ડબ્બામાં લાવી છું ..તું ચાખીશ ?”
એવું કહી સવારમાં બંસરી સામે ડબ્બો ધરી દેતી અને બંસરી પણ હોંશેહોંશે એ સ્વાદિષ્ટ વાનગીની પોતાનાં તાજા નાસ્તાના ડબ્બા સાથે બિન્દાસ અદલાબદલી કરી લેતી…પણ“
અમારા ઘરમાં કોઈ સાડી નથી પહેરતું”
કહી વાર તહેવારે સ્કુલમાં સાડી પહેરી જવાનો સ્પષ્ટ ઇનકાર કરતી મંજુ …બંસરીની સાડી આપવાની ઓફરને “એવું પપ્પાને નહિ ગમે” એમ કહી પ્રેમથી …સહજતાથી ઠુકરાવી દેતી …..

સામાન્ય રીતે જુવાન થઈ રહેલી છોકરીઓ કરે તેવી દરેક વાત આ બંને વચ્ચે પણ થતી ……એક નરમ ઓશિકા માટે કે પછી ટ્રાન્ઝીસ્ટર પર વાગતા રેડિયો સ્ટેશન બાબતે ભાઈ સાથે લડી પડતી અને થોડી વાર પછી સાથે મસ્તી કરતા ભાઈબેનની …બંસરીની વાતો મંજુ બહુ કુતુહલ અને મોજથી સાંભળતી ….મહિનાના એ પીડાદાયક દિવસોની વાત હોય …બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પર રવિવારે બપોરે સબટાઈટલ સાથે જોયેલી કોઈ પ્રાદેશિક ફિલ્મની વાત હોય કે ચિત્રહારના ગીતોની વાત હોય ……કોઈ શિક્ષકની મજાક થતી હોય ….કોઈ વિષયમાં વાંધા પડતા હોય ….કે સ્કુલમાં કોઈ છોકરી વિષે ફેલાતી કોઈ અફવા …કે લગ્ન વિશેના ….સારા જીવનસાથી વિશેના એના વિચારો …..દરેક બાબતમાં બંસરી કંઈકને કંઈક બોલ્યા કરતી અને મંજુ એને સાંભળ્યા કરતી …. આમ દિવસો વિતતા ગયા અને બંને એકબીજા સાથે ખુલતી ગઈ …નજીક આવતી ગઈ ……થોડી નખરાળી બંસરી અને કૈક વધુ સાદી મંજુ …સારી સહેલી બની રહ્યા હતા ….

એકાદ વાર સાવ સહજતાથી મંજુએ પૂછેલું”
તને સ્કુલેથી પાછા ઘરે જવું ગમે ? ”
જવાબમાં બંસરીએ કહેલું …“
વાત વિચારવા જેવી તો છે …હું બહુ હોશિયાર તો નથી પણ ધીંગા મસ્તી અને અનેક સ્પર્ધાઓને કારણે મને સ્કુલ ગમે છે પણ છૂટીને તો ઘર જ યાદ આવે ને ….!!! અને તને ? ”

સવાલનો જવાબ ગળી જઈ મંજુએ વાતને આડે પાટે ચડાવી દીધેલી …..

એક દિવસ ઓચિંતું એણે બંસરીને પૂછ્યું ….”
તું રોજ બપોરે જમે તોય રાતે જમે? ”

અને આખા રૂમમાં ટ્યુબલાઈટનાં અજવાળા સાથે બાનો અવાજ પણ પથરાઈ ગયો …,“
બંસરી, રાતનો જમવાનો સમય થવા આવ્યો ને તું તો હજુય સુતી છે ઉઠવું નથી કે શું …!!! ”

સંભારણાનું ટોળું વિખરાયું અને તંદ્રામાંથી નીકળી હોય તેમ બંસરી વર્તમાનમાં પાછી ફરી …..

ક્રમશ :