મંજુ : ૧૧ Nivarozin Rajkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મંજુ : ૧૧

એવામાં મંજુએ આવીને બધા સામે નાસ્તો અને શરબત મુક્યા …કાકા એની સામે પ્રેમથી જોઈ રહ્યા ….એનો હાથ પકડી બાજુના મુડા પર બેસાડી એ બોલ્યા … ”
બંસરી . તું માન કે ન માન આ છોકરી અમારા પ્રાયશ્ચિત માટેનો એક રસ્તો છે ….ગઈ કાલે જ આનું પરિણામ આવ્યું છે અને એ પહેલા નંબર સાથે બી.કોમ થઇ ગઈ છે ….મારી બંને મંજુ બહુ હોશિયાર નીકળી ”
આ સાંભળી મીઠ્ઠું મલકાતા બધી જ વાત જાણતી મંજુ બંસરી સામે જોઈ બોલી …”
આંટીજી ,એવું નથી પાપાજી તો મારા ઉદ્ધારક છે …બાકી મારા જેવી એક અનાથને આટલો પ્રેમ કોણ આપે ? અને બીજીને તો એમની મંજુ વગર ..મારા વગર જરાય ન ચાલે ..બીજી તો છેલ્લા ૧૩ વર્ષથી જ એ આ અવસ્થામાં છે બાકી તો મને બેહિસાબ પ્રેમ કર્યો છે …આજે હું જે પણ છું પાપાજી-બીજીના લીધે છું …!! ”
એક સંતોષભર્યું હાસ્ય કાકાના ચહેરા પર આવી ગયું …..હવે એકદમ સ્વસ્થ થઇ ચુકેલી બંસરીએ શરબતનો ગ્લાસ મોઢે માંડતા નોંધ્યું કે ભસીનકાકા એમની ઉંમરના પ્રમાણમાં થોડા વધુ ઘરડા લાગતા હતા ….
ખાલી થયેલા ગ્લાસ લઇ ઉભી થઈ અંદર જતા મંજુ બોલી ….
“અંકલજી, આંટીજી ….વાતો સાથે આ નાસ્તાને પણ ન્યાય આપજો અને કેવો બન્યો છે એ પ્રમાણપત્ર પણ …. “

“બહુ ઘરરખ્ખુ છોકરી છે …..આખું ઘર ..મને અને એની બીજીને એ જ સંભાળે છે” …..એને અંદર જતા જોઈ રહેલા કાકાએ બંસરી સામે નજર માંડી વાતનું અનુસંધાન સાધ્યું….

“પણ બેટી , એ પછી મારા અને હરપ્રીતના સંબંધમાં જરાય સહજતા ન રહી …..પ્રેમ , લાગણી , સંભાળ જેવું કશું નહી ….ઘર બહાર નીકળતા આખા ગામની આંખો મને જાણે નામર્દ કહેતી હોય તેમ ચીરી નાખતી ….. ….વખત જતા….. હંમેશા શાંત રહેલી અંજુ પરણીને પહેલા પંજાબ અને હવે અમેરિકા સેટલ થઇ ગઈ …અહીં આવવાનું તો એ નામ પણ નથી લેતી …ખબર નહી ..મનમાં શું લઈને બેઠી હશે …..!!! હા , ક્યારેક ફોનમાં વાત કરી લે …..બંને ભાઈઓ મનજીત અને પરમજીતના લગ્ન પણ થયા………….સાથે રહ્યા પણ હરપ્રીતના કડપ અને કડક સ્વભાવને કારણે બંને વહુઓનો મેળ પડે એવું ક્યાં હતું ? ગામમાં જ જુદા રહેવા ચાલ્યા ગયા ..કોઈક વાર મળવા આવે …વખત જતા આ ધક્કા અને મારી ઉદાસીને સમજી જતા હરપ્રીતના રવૈયામાં એકદમ બદલાવ તો ન આવ્યો પણ એની કડકાઈ ઓછી થતી મેં અનુભવી…અને અમે આ મંજુને પંજાબના એક ગામમાંથી લઇ આવ્યા ….ત્યારે એ ત્રણેક વર્ષની હશે ….આના આવ્યા પછી અચાનક હરપ્રીતના સ્વભાવમાં એક અદભુત બદલાવ મેં અનુભવ્યો ..પોતાના બાળકોને દુર થતા જોઈ ..પોતાના પાપોનું જાણે પ્રાયશ્ચિત કરતી હોય તેમ એણે એના મનમાં છુપાવી રાખેલું હેત….પ્રેમ આ છોકરી પર રેડવા માંડ્યું ….એનું નામ પણ બદલીને “મંજુ” પાડી દીધું ……પણ ૧૩વર્ષ પહેલા આમ સાવ પથારીવશ થઇ ગઈ છે … હવે અમે બાપદીકરી એકબીજાના સહારે છીએ…… તો આ છે અમારી ૨૯ વર્ષની કહાની “

ભૂતકાળનો એક આખો ખંડ જાણે બંસરીની સામે મૂકી દીધો હોય અને હવે એ બોજ ઉતારી દીધો હોય તેમ ભસીનકાકાએ પોતાના મોં પર ઘ્રુજતી હથેળી ફેરવી લીધી ….થોડીક વાર આખા રૂમમાં એજ ચુપ્પી છવાઈ ગઈ ….કોણ શું બોલે એ સમજાયું નહિ અંતે કાકાએ પૂછ્યું :”
પણ તમે અચાનક અહીં આવ્યા …કોઈ ખાસ વાત ? ”
ઉતાવળા અવાજે અવિનાશે બોલવા માંડ્યું “ના ના , કાકા ,એવું ખાસ તો કાંઈ નહી પણ એકલી વેકેશન માણવા આવેલી બંસરી એની જૂની બહેનપણીઓ અને એના પરિવારની ખબરઅંતર લેવા માંગતી હતી ….. મને પણ આ વિચાર બહુ જ ગમી ગયો …..આજે મારે એક મિત્રની ૨૫મી લગ્નતિથિ માટે આવવાનું થયું તો સવારે તમારા વિષે મોટાભાઈએ તપાસ કરાવી અને જુઓ, અમે તમને મળવા આવી ગયા ….. તમને મળીને મને જ આટલો આનંદ થાય છે તો બંસરીને કેટલું સારું લાગતું હશે …!!! હેં ને બંસરી ? ”
અવિનાશનું આ અર્ધસત્ય સાંભળી બંસરીને અચાનક આવો જીવનસાથી મળ્યા બદલ ખુબ ગર્વ થવા માંડ્યો ..એની રગરગમાં અવિનાશ પ્રત્યે અહોભાવ અને ધન્યતાનો અનુભવ વહેવા લાગ્યો ….
ભસીનકાકા પણ આ બંનેને જોઈ ખુબ હળવાશ અને આનંદમાં આવી ગયા હતા …પરાણે લસ્સીના બે ગ્લાસ પીવડાવતા અવિનાશ અને પરિવાર ..બાળકોના સમાચાર પૂછી લીધા …એ બંનેને વાતો કરતા મૂકી બંસરી હળવેથી અંદરના રૂમમાં સરી ગઈ અને હરપ્રીતકૌરના ગોરા …..રડીરડીને રતુંબડા અને આંસુઓથી લદબદ થઇ ગયેલા ચહેરાને જોઈ બંસરી પોતાના બંને હથેલી હરપ્રીતના ચહેરા પર ફેરવી લીધી …..પછી પાસે બેસી એમના હાથને પોતાના હાથમાં લઇ ચુપચાપ બેસી રહી… જાણે બે સ્ત્રીઓ એકબીજાના અંતર સાથે વાત કરતી હતી ….. “હું તમને યાદ કરતી હતી …..હવે પણ કરીશ” એવું દ્વિઅર્થી વાક્ય બોલી એમના માથા પર હાથ ફેરવી બંસરી સજળ આંખે બહાર આવી ગઈ ……!!!

પોતાની દીકરીની વયની … મીઠ્ઠાબોલી મંજુનો બનાવેલો નાસ્તો જરાક ચાખી …..ઢગલાબંધ વખાણ કરી….એના માથા પર પ્રેમાળ હાથ મૂકી …”આ તારા પરિણામની ખુશીમાં” એમ બોલી બંસરીએ એના પર્સમાંથી થોડી નોટ કાઢી મંજુની હથેળી ખોલી મૂકી દીધી અને એની મુઠ્ઠી બંધ કરતી વખતે એની આંખમાં કોઈક વિશેષ ઝબકારો અવિનાશે અનુભવ્યો ….”મારા આ બે વડીલોનું વિશેષ ધ્યાન રાખજે” એવું બોલી સાવ હળવીફૂલ થઇ ગયેલી બંસરી બહાર નીકળતી વખતે ભસીનકાકાના હૈયે વળગી …”ફરી પાછી આવજે” એમ કહેતા કાકાને આટલા વર્ષ કોસવા બદલ મનોમન માફી માંગી અવિનાશ સાથે કારમાં બેઠી ….હાથ લંબાવી એ બાપ દીકરીને ‘આવજો’ કહી દીધું ….!!!

કાર શરુ કરી વળાંક પર બાજુમાં બેઠેલી બંસરીના ખુશખુશાલ ચહેરાને જોઈ મજાકમાં પૂછ્યું …..”તારી જાણમાં કોઈ સારો વકીલ હોય તો બોલ …ત્યાં જઈએ ” ગીયર પર રહેલા એના હાથ પર હાથ મૂકી બંસરીએ જવાબ દીધો ” મારે તો વકીલ પણ ઘરમાં છે અને મનોચિકિત્સક પણ ઘરમાં જ છે ….મારે ક્યાં ક્યાંય જવાની જરૂર જ છે ? ” બંને ખડખડાટ હસી પડ્યા …….બંસરીની સાથે સાથે અવિનાશ પણ હળવો થઇ ગયો હોય તેમ ગીત ગણગણવા માંડ્યો .

ઘરમાં પ્રવેશતા જ બંનેના મોં પરની ખુશીએ આખી વાત જાહેર કરી દીધી.. …ભાઈએ પૂછી લીધું ” તો ? …બાકી ખબર તો પાકી આપી હતીને મેં ? અરે, તમારી સાથે તે દિવસે વાત કર્યા પછી ચાર દિવસથી આ જ ચિંતામાં હતો …..બે દિવસથી હું ઓફિસે ક્યાં ગયો જ છું ? આ જ ધંધે લાગ્યો હતો… બંસરીને આમ પીડાતી મારાથી જોઈ શકાતું ન હતું ” ટૂંકમાં આખી વાત સાંભળી બા પણ આનંદમાં આવી ગયા …તો નિયતિએ ભેટી લીધું .. !! અવિનાશે હાશ કરીને સોફા પર પડતું મુક્યું …..
એક ફોન કરી લઉં એમ કહેતી બંસરી અંદરના રૂમમાં ગઈ અને ઉદયને ફોન જોડ્યો….આજનો આખો ઘટનાક્રમ કહી છેલ્લે ઉમેર્યું ….”તો આગળની વાત કાલે સાંજે કરીશું ….!!!”

બીજે દિવસે અવિનાશ અને બંસરી મંજુ અને બંસરી ભણ્યા હતા એ કોલેજ ગયા ….બદલાઈ ગયેલા માહોલમાં પોતાનો પરિચય આપી બંસરીએ આ વર્ષથી બી કોમમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ જાહેર કર્યું …….બંસરી અને ઉદય તરફથી ….. ” મંજુ ભસીન એવોર્ડ ” આચાર્યે ખુબ આશ્ચર્યથી કહ્યું “તો તો આ વર્ષે મંજુ ભસીનને જ આ “મંજુ ભસીન” એવોર્ડ જશે ” બંસરીએ સૂચક સ્મિત આપી વાતને આટોપી લીધી ….!!

ઘરે બધાએ બંસરીનો વર્ષો જુના એક અપરાધભાવથી છુટકારો થયો એ એક ઉત્સવથી ઓછું ન ગણાય એટલે ભાઈના અને પોતાના બાળકોને કાલે અહીં આવી જવા ફોન કરી દીધા……!!!

એ રાતે અવિનાશની છાતી પર માથું મુકતા બંસરી બોલી…. ” તમે મને સમજો છો એ મને બહુ ગમે છે “

સમાપ્ત :

— નીવારાજ
મિત્ર
ો , મંજુ વિષે તમારા અભિપ્રાય અને પ્રતિભાવની રાહમાં છું . આપશો ને ?