મંજુ : ૮ Nivarozin Rajkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંજુ : ૮

અવિનાશને આમ અચાનક આવી ચડેલો જોઈ બંસરીને કશું સમજાયું નહિ …..પણ અવિનાશનું આવું વર્તન એના માટે સાવ અજાણ્યું હતું ….બેચાર પળોમાં પોતાની સ્તબ્ધતાને વિખેરી નાખી એ એક મહોરું …..સ્વસ્થતાનું મહોરું ચડાવી બહાર આવી ગઈ …..બહાર આવતા જ બા અને ભાઈને અવિનાશ સાથે વાત કરતા જોઈ એને થોડી થોડી ગડ પડી ….ગઈ કાલે રાતે પોતે કહેલા નિર્ણય અને એ સમયની ભાઈ અને બાની ચુપકેદી અને સહમતી હવે સમજાવા માંડી …..તો એણે પણ કશું થયું જ નથી એમ સહજતાથી નિયતિને કામ કરાવવા લાગ્યું …આમ પણ દિવસો કે પછી વર્ષોનો ભાર ગઈ કાલે રાતે એક જ ઝાટકે ઉતરી ગયેલો એણે અનુભવ્યો હતો …. નિયતિ પણ આ નવી ઉભી થયેલી પરિસ્થિતિ માટે મનોમન પોતાને તૈયાર કરતી હતી ….

થોડી વાર પછી બાએ એક સગાના લૌકિક વ્યવહારે જવાનું છે એટલે વહેલી નીકળી કાકીના ઘરે જઈશ ….સાંજે વાતો કરીશું કહી દીધું …..સવારના નાસ્તા પછી ભાઈ પણ ‘આજે રજા લેવાય એવું નથી’ કહી નોકરી પર જવા રવાના થઇ ગયો ……શાંત બેસી ટીવી જોતા અવિનાશની સામે બેસી બંસરી ઘર અને બાળકો વિષે વાતો કરવા લાગી …પૂછપરછ કરવા લાગી …અવિનાશ મોટે ભાગે એકાક્ષરી જવાબમાં વાતને ટાળતો રહ્યો …. કશુંક ઠીક નથી …અવિનાશના મનમાં શું હશે ? …એવું વિચારતી બંસરી મનોમન ફડફડી ઉઠી ….એની બેચેની એના વર્તનમાં સાફ દેખાવા લાગી …. આમતેમ પ્રયત્ન કરી એ ઉઠી રસોડામાં જતી રહી અને અવિનાશ રૂમમાં આરામ કરવા ચાલ્યો ગયો ….ક્યારની એની અવઢવ અને પરેશાની જોયા કરતી નિયતિએ એના ખભા પર હાથ મુક્યો અને આંખોથી બધું ઠીક થઇ જશે એવો સધિયારો આપ્યો ….હકીકતમાં અવિનાશનું આવવું એના માટે પણ એક આશ્ચર્ય જ હતું પણ ગઈ કાલે બાના મોં પર પ્રસરેલી ચિંતા યાદ કરતા એમનો અવિનાશને અહીં તાત્કાલિક બોલાવવાનો નિર્ણય એણે યોગ્ય જ લાગ્યો …બને કે અવિનાશ વાતને સમજે અને સાથ આપે …..

જમ્યા પછી ૧૫ મિનીટ વામકુક્ષી કરી ‘બહુ ગરમી છે પણ ગયા વગર છૂટકો નથી’ એમ કહેતા બા તો નીકળી ગયા પછી અચાનક ‘મારા પપ્પાને ત્યાં અમારા એક સગા આવ્યા છે એમને મળી આવું’ કહેતી નિયતિ અવિનાશ અને બંસરીને એકલા પાડવાના આશયથી બહાર જવા તૈયાર થવા લાગી …. બધાને એક સાથે કેમ કામ આવી પડ્યું એ બંસરીને સમજાયું …પણ ‘નિયતિને રોકું ? કે પછી નહિ ?’ એવા વિચારો કરતી રહી …એકાદ વાર….પિયરે જતી ભાભીને ન પૂછાય તેવો સવાલ …. ‘જવું જરૂરી છે ?’ એવું પૂછી પણ બેઠી ….”અરે , અવિનાશભાઈ આવ્યા છે એમની સાથે તમારે ઢગલો વાતો નથી કરવાની ?” એમ પૂછી નિયતિએ બહાર જવા પગ ઉપાડ્યો …..!!

દરવાજો બંધ કરી રસોડામાં જઈ એણે એક આખી બોટલ પાણી પી લીધું …. ઉંમર ગમે તે હોય ….સામાન્ય રીતે થોડા દિવસના અંતરાય પછી મળતા પતિ પત્ની આવા એકાંતને ઝંખતા હોય છે …. એકબીજા વગરના દિવસો કેવા વીત્યા કે એકબીજાની ગેરહાજરી સાલી કે નહિ એવું વર્ષોવર્ષ પૂછ્યા પછી પણ મન ધરાતું નથી હોતું ….. આવા એકાંતમાં એકબીજાના એકાદ નાજુક સ્પર્શની કલ્પનાથી પણ પેટમાં પતંગિયા ઉડવા જોઈએ એની જગ્યાએ આજે બંસરીનું પેટ ચુંથાવા લાગ્યું ….. આ એકાંત એને એકલતા જેવું લાગવા માંડ્યું ….વાતાવરણ જાણે અકારણ ખુબ ગંભીર અને ભારેખમ થઇ ગયું …..

અણગમતી કલ્પનાઓને દુર હડસેલી અણગમતા સમયનો સામનો કરવા ઊંડો શ્વાસ લઇ એ વિશ્વાસપૂર્વક રૂમમાં પ્રવેશી …..એને આવેલી જોઈ ઉંઘવાનો ડોળ કરતો અવિનાશ જરાક સળવળ્યો ….”સુઈ ગયા ?” એવો સવાલ પૂછતા બંસરી એની પાસે આવીને બેઠી …… બંસરીને લાંબા સમય સુધી અવગણવી અવિનાશને મુશ્કેલ લાગી …એણે બંસરી તરફ એક નિરાશ નજરે જોતા પૂછ્યું ….“
આ બધું શું છે ?”
અવિનાશ આમ એકદમ એક ઝાટકે સીધી વાત કરશે એવું બંસરીએ ધાર્યું ન હતું એટલે થોડી હેબતાઈ ગઈ પણ જાતને સંભાળતા એણે પૂછ્યું”
આ બધું એટલે ? “”
કાલે મને ભાઈનો ફોન આવ્યો હતો કે અહીં તું ઠીક નથી ..વધુ પૂછતા થોડી વાત કરી છે …પોલીસ કેસને એવું બધું …. આ બધું શું છે ? ” અવિનાશે ટૂંકમાં પૂછી લીધું ..‘
ક્યાંથી વાત શરુ કરું ?’ એવી ગડમથલમાં બંસરી ચુપ થઇ ગઈ …એને ચુપ જોઈ અવિનાશ બેઠો થઇ ગયો અને બોલ્યો”
મેં તારા પર કાંઇક વધુ જ ભરોસો કરી લીધો હતો એવું મને લાગે છે ..”
આ સાંભળતા બંસરીના પગ તળેથી જાણે જમીન સરી ગઈ હોય તેવું એને લાગ્યું …..બંસરી અને અવિનાશ ….લગ્નના ૨૪ વર્ષો એકબીજાને માટે ખુલ્લી કિતાબ જેવું જીવ્યા હતા …જીવનની નબળી પળોમાં એકબીજાને સમજવાની અને સંભાળી લેવાની ટેવ એમણે બહુ પહેલાથી વિકસાવેલી હતી ….સમાજમાં એક આદર્શ યુગલ ગણાતા પતિપત્ની આજે અચાનક એક એવી દુવિધા કે સંજોગોના શિકાર થઇ ગયા કે …. વાત ક્યા રસ્તે જઈ રહી છે એ ન સમજાતા આઘાતથી એણે અવિનાશ સામે જોયું ….એની આંખો મજબૂરી અને હતાશાથી છલકાઈ ગઈ ….“
મને ખબર છે, મારે તમને કહેવું જોઈતું હતું..પણ મારાથી ન કહેવાયું”
એક જાતના ડર અને અપરાધભાવથી બોલી રહેલી બંસરીને જોઈ અવિનાશથી રહેવાયું નહી ….એણે પાસે બેઠેલી બંસરીને એકદમ સહજતાથી ચૂમી લીધું ….આટલા બધા અલગઅલગ અનુભવો અને ભાવોથી ..લાગણીની ધક્કામુક્કીથી ઘેરાયેલી બંસરીએ કોઈ પ્રતિભાવ આપ્યા વગર એની સામે એકટક જોયા જ કર્યું ….
“બંસરી, તું ભાગી ભાગીને ક્યાં સુધી ભાગીશ? મારાથી ક્યાં સુધી આટલું બધું છુપાવીશ ….? “
એમ બોલતા અવિનાશને સાંભળતા જ બંસરી એક વિશ્વાસ અને શ્રધ્ધાથી એનો હાથ પકડી પૂછવા લાગી …“
એનો અર્થ એ કે તમે મને સમજશો ? મને સાંભળશો ?”
એની વિહવળતા જોઈ અવિનાશને એનામાં એક બાવરી અને અત્યંત નબળી બંસરી દેખાઈ …

ઓઝપાઈ ગયેલી બંસરીને વિશ્વાસમાં લઇ“
ચાલ, હવે તું બોલ …હું સાંભળું છું ….પણ ધ્યાન રહે …મારી બંસરીના હ્રદયના દરેક ખૂણામાં ચાલતી હલચલથી હું વાકેફ હોવો જોઈએ ….એટલો તો હક છે ને ?”

એમ કહી અવિનાશે ધીરેધીરે એને બોલતી કરી …બંસરીએ વર્ષોથી એના મનમાં ચાલી રહેલી કશ્મકશ અને ઉથલપાથલનું બયાન ક્યારેક સ્વસ્થ તો ક્યારેક છલકાતી આંખે અને સિસકતા સ્વરે અવિનાશ પાસે કરી નાખ્યું જાણે કે વર્ષોથી વેંઢારેલો કોઈ બોજ ઉતારતી હોય તેમ બંસરી એના મનમાં ચળકતી વ્યથા અને લાગણીઓના પડને એક પછી એક ખોલતી ગઈ …. પોલીસ કેસના ડરે ચુપ કરી દેવાયેલી બંસરીના એ વખતના મનોભાવો અને મનોદશા સાંભળીને અવિનાશ શબ્દો શોધતો હોય તેમ શાંત રહી ગયો …હમેંશા ચહેકતી રહેતી …ગમે તેવા બોઝીલ વાતાવરણમાં પ્રાણ અને હળવાશ ફૂંકી દેતી પોતાની પ્રિય પત્નીને અત્યારે આ વાત કરતી વખતે સાવ નિષ્પ્રાણ જોઈ એનું હ્રદય દ્રવી ઉઠ્યું ….મોટેભાગે હકારાત્મકતાથી છલકાતી … આખા ઘરના લોકોના પ્રશ્નોનો ચપટીમાં ઉકેલ લાવતી બંસરી વર્ષો સુધી આવા કપરા માનસિક પરિતાપથી પીડાતી હતી ને પોતે કશું જાણતો જ ન હતો એ વાત વિચારતા અવિનાશ દુઃખી થઇ ગયો …. એની આંખ સજળ થતા જોઈ “તમને પાણી લાવી આપું” એમ કહેતી બંસરી રસોડા તરફ ઝડપથી દોડી ….

દુનિયામાં કેટલાય લોકો હશે એમણે ઘણાના દિલ દુખાવ્યા હોય છે …. ઘણા ન કરવાના પાપો કર્યા હોય છે ….અને છતાં સાવ બેફીકર ..બિન્દાસ જીવતા હોય છે જયારે આ કોમળ હ્રદયની સ્ત્રી એણે ન કરેલા અપરાધની સજા વર્ષોથી ભોગવી રહી છે ….હસતા રહીને પોતાના મનમાં મંજુની યાદ સાથે ઉઠતી ટીસને એણે કેવી આસાન લાગે તેમ પણ બહુ પ્રયત્નપૂર્વક છુપાવી હશે …સામાજિક પ્રશ્નો તરફ જાગૃત અને સ્વતંત્ર પણ સંયમશીલ વિચારધારા ધરાવતી બંસરી આટલો સમય ચુપ કેવી રીતે રહી શકી એ અવિનાશને હજુ સમજાતું ન હતું …ઘરના બધા બધી જ વાતો કહી હળવા થતા હશે ત્યારે બંસરી કેવી રીતે આટલી મોટી પીડા છુપાવી શકી હશે….અવિનાશ વિચાર કરતો ગયો અને એનો બંસરી પ્રત્યેનો પ્રેમ એક માન ….સન્માનમાં ફેરવાતો ગયો …..પોતાની તકલીફો પાંપણો વચ્ચે આવીને સુકાઈ જતા આંસુઓમાં છુપાવી રાખે એ સ્ત્રી તરફ માન તો થાય જ ને ….!!

પાણી લઈને આવતી બંસરી સામે એ એક નવી જ બંસરીને જોતો હોય તેમ જોઈ રહ્યો … એનો હાથ પકડી પોતાની પાસે બેસાડતા અવિનાશ દુભાઈને એકસામટા ઘણા સવાલો કરી બેઠો ….“
તને ખબર છે કાલ રાતથી અત્યાર સુધી હું એ જ વિચારી વિચારી થાકી ગયો છું કે કેમ તેં મને આ બધું ક્યારેય ન કહ્યું …!!.. આ આખી વાતની ખબર સૌથી છેલ્લે મને પડી …એક પતિ માટે આનાથી વિશેષ દુઃખની ….અપમાનની વાત શું હોઈ શકે ? તને ક્યારેય મને આ બધું કહેવાનું મન કેમ ન થયું ? તેં શું વિચારીને આ બધું છુપાવ્યું ? તને કેમ એમ લાગ્યું કે હું તને નહિ સમજુ કે નહિ સાંભળું ? મારી પર વિશ્વાસ ન રાખવાનું કોઈ કારણ ? ”

પતિની આગળ મનની વાત કહી ઘણા અંશે હલકી થયેલી બંસરી બોલી:,“
તમને યાદ છે ને ? અડધી રાતે તમે અને બાળકો ગીત ગાઈને મને જન્મદિવસની વિશ કરતા અને ભેટો આપતા ત્યારે મારા મોં પર જોઈએ તેવી ખુશી ન આવતી એ જોઈ એકાદ વાર તમે પૂછ્યું હતું કે ‘કાંઈ ખૂટે છે ? તને ખાસ વસ્તુની કે ભેટની અપેક્ષા હતી ?’ ત્યારે હું ‘એવું કાંઈ નથી’ એમ કહી વાત ઉડાવી દેતી …પણ મારો અને મંજુનો જન્મ દિવસ એક જ દિવસે છે એટલે રોજ કે વારંવાર તો નહી પણ મારા જન્મ દિવસે મને એ વિશેષ યાદ આવી જતી …એટલે હું ઉદાસ થઇ જતી “
આટલું બોલ્યા પછી ગળું ખંખેરી બંસરીએ ઉમેર્યું ….” તમને ન કહ્યું …લાગ્યું કે તમે મને ‘બહુ લાગણીશીલ ન બન’ કહી હસી નાખશો અને મને ગઈગુજરી ભૂલી જવાનું જ કહેશો ..જોકે એ કાંઈ ખોટું નહી પણ મારા માટે થોડું અશક્ય હતું …..સાચે જ એ સિવાય બીજું કોઈ કારણ ન હતું ….પણ આજે મારી આખી વાત સાંભળીને મને ખાતરી છે કે તમે સમજી શક્યા હશો અને હવે પછીના મારા નિર્ણયોમાં સાથ પણ આપશો …આપશોને ?

ત્યાં જ ભાઈભાભી આવી પહોંચ્યા ..બહાર જોયું તો સાંજ પણ રાતમાં ફેરવાઈ રહી હતી ….વાત વાતમાં સમય ક્યાં પસાર થઇ ગયો એ બંનેને ન સમજાયું પણ અત્યારે તો મૂળ વાત વિખાઈ ગઈ …..સાંજના ચા નાસ્તા વખતે બંસરીને એકદમ સ્વસ્થ જોઈ ઘરમાં બધા ખુશ થઇ ગયા ….અને ભાઈ “મેં સારું કર્યું ને? અવિનાશકુમારને તેડાવી લીધા” એમ બોલી પણ પડ્યા ….એકાદ કલાકમાં બા પણ આવી ગયા …..શું વાત થઇ એ જાણવા બધા ઉત્સુક તો હતા …. જમીને પરવાર્યા પછી બંસરીએ ડરતા ડરતા કેસ પાછો ખોલવાની વાત કરી ……બધા અવિનાશ સામે જોઈ રહ્યા ….

અવિનાશ મંજુનો કેસ ખોલાવવાની ના પાડશે તો પણ હું એની આ વાત માનવાની નથી એવો મનોમન નિર્ધાર કરી ધડકતા હૈયે બંસરીએ અવિનાશ સામે જોયું ……

બધા સામે નિર્ણાયક નજર નાખતા અવિનાશે કહ્યું :