હોળી-ધૂળેટી Rekha Vinod Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોળી-ધૂળેટી

ભારતમાં અલગ અલગ રાજ્યોમાં હોળીની ઉજવણી - રેખા પટેલ (વિનોદિની) યુએસએ

સેંકડો વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં લોકપર્વોનું, તહેવારોનું આગવું મહત્વ રહેલું છે. દરેક તહેવારોને હજારો વર્ષો પહેલે થી પ્રકૃતિ અને કૃષિજીવન સાથે જોડાએલા રાખી, સાથે તેની મહત્તાને વધારી દેવા દેવદેવીઓ સાથે જોડવામાં આવ્યા છે. પરિણામે આનંદ-પ્રમોદ યા મનોરંજનની સાથે ભક્તિનો પણ સંગમ થઈ શકે.

આવા તહેવારો પુરાણા સમાજથી લઈને આજના આધુનિક સમાજ સુધી રોજિંદા કામોની ઘટમાળમાંથી બહાર નીકળી જીવનમાં તાજગી ઉલ્લાસ ભરનારા બની રહ્યા છે. આપણી સંસ્કૃતિમાં વિવિધ ધર્મના વ્રતો, તહેવારો અને ઉત્સવોનું આગવું મહત્ત્વ રહેલું છે. આ આપણી સંસ્કૃતિનો આધ્યાત્મિક વારસો છે. આ બધા તહેવારોમાં હોળી ધૂળેટી, નવરાત્રી, દિવાળી, વસંતપંચમી મુખ્ય દિવસો રહ્યા છે.

આજે ટી.વી સિરિયલોથી માંડીને સોશિયલ મીડિયા વગેરેમાં આવા તહેવારોને લઈને ઉજવણી ભર્યા કાર્યક્રમો દર્શાવાય છે. ધૂળેટી એ માત્ર રંગનો જ નહીં, પરંતુ પ્રેમનો પર્વ પણ ગણાય છે. પશ્ચિમના દેશોમાં પ્રેમને વ્યક્ત કરવા જેમ વેલેન્ટાઈન છે તેજ રીતે આપણી પરંપરા મુજબ અબીલ ગુલાલમાં પ્રેમની મેળવણી કરી સર્વેને પ્રેમના રંગે રંગી દેવાની પ્રથા સદીયો પુરાણી છે.

સ્ત્રી પુરુષ વચ્ચેની મર્યાદાઓ ને અહી છૂટછાટ અપાય છે. સામાન્ય રીતે જેન્ડર ભેદના કારણે એકબીજાથી દુર રહેનારાઓ પણ આ દિવસે રંગોનું બહાનું લઈને એકબીજાને નિર્દોષતા પૂર્વક રંગી નાખતા હોય છે એકબીજાની નજદીકી માણી લેતા હોય છે. રાધા કૃષ્ણના પ્રેમને આગળ ઘરી પ્રેમનો ઉત્સવ પણ ઉજવી નાખે છે.

હોળી-ધૂળેટીનો તહેવાર ફક્ત ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ પૂરતો મર્યાદિત નથી. પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં લોકો તહેવાર મસ્તીથી ઉજવે છે. તથા વિદેશોમાં પણ હોળી પોતાનું આગવું સ્વરૂપ લઈને ઉજવાતી હોય છે. દેશમાં વિવિધ શહેરોમાં વિવિધ પદ્ધતિએ હોળી પરંપરા મનાવવામાં આવે છે. પરંપરાગત હોળીની સાથે આજકાલ પાર્ટીઓ અપાય છે જેમાં ડાન્સ આલ્કોહોલ અને જુગાર પણ સામેલ થઇ ગયા છે.

આ બધાને એક તરફ રાખી આજે આપણે દેશના અલગઅલગ રાજ્યોમાં થતી હોળીની ઉજવણી વિષે જાણીએ તો ..... સહુ પ્રથમ ગુજરાતમાં નાના મોટા શહેરોમાં અને ગામડાઓમાં હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના દિવસે છાણાં, લાકડાં, પૂળા વગેરેમાંથી હોળી તૈયાર સંઘ્યા સમયે તેની પૂજા પ્રગટાવવામાં આવે છે. બીજા દિવસે હોલિકા દહન પછીની ખુશીમાં ધુળેટીનું પર્વ મનાવવામાં આવે છે. લોકો એકબીજાને અબીલ ગુલાલ અને કેસૂડાનું પાણી કે રંગોના પાણી થી રંગવામાં આવે છે. મંદિરોમાં ભગવાને ગુલાલથી ધૂળેટી રમાડાય છે.

હોળી આવે અને આદિવાસી સમાજને કેમ ભૂલી જવાય. આ સમાજમાં હોળીનું આગવું મહત્વ રહેલું છે, એકમાત્ર હોળીનો તહેવાર જ હિન્‍દુ પંચાગ તિથિ પ્રમાણે ઉજવે છે. આ પ્રજા પ્રકૃતિ પ્રેમી છે. હોળી તેમનો સૌથી મોટો તહેવાર છે. હોળીને હોળીમાતા તરીકે પુજે છે.

આદિવાસી સમાજ મોટાભાગે ખેત-મજુરી કરી અને ખેતી ઉપર નભતો સમાજ છે. આ દિવસોમાં પાક ઘરમાં આવી જાય છે આથી તેમના મનમાં પણ ઉત્સાહ અનેરો હોય છે. હોળી ઉપર બીજા વિસ્તારોમાં શહેરોમાં મજુરી કરવા ગયેલા બધા વતન પાછા આવી જાય છે. પૈસા પણ હાથમાં આવ્યા હોય આથી નવા કપડાં, ઘરેણાંની ખરીદી કરી હોળીનો ઉત્‍સવ મનાવી શકે છે. આદિવાસી સમાજમાં હોળી ઉપર મેળાઓ ભરાય છે.

ગુજરાતની જુદી જુદી આદિવાસી જાતિઓમાં હોળીનો તહેવાર પોતાની પરંપરા અનુસાર ધામધુમથી ઉજવાય છે. જુદાજુદા વેશ ધારણ કરી, મુખોટા પહેરીને તો કેટલાંક ઘુઘરા કને માથે પીંછા ખોસીને કે શરીર ઉપર ચિતરામણ કરી ખાસ વેશ ધારણ કરીને નાચતા કુદતા તહેવાર મનાવે છે. મોડી રાત સુધી હોળીના ફાગ એટલે કે દુહાઓ રાસડા ગઈ વન્ય વિસ્તારને આનંદની ચિચિયારીઓ થી ભરી દેતા હોય છે. આ વખતે સ્ત્રી-પુરૂષો એકમેકની કમરમાં હાથ ઝાલી કુંડાળામાં ફરતાં-ફરતાં ગીતા ગાય અને મસ્તીમાં નૃત્ય પણ કરતા હોય છે.

છોટા ઉદેપુરનાં આદિવાસીઓ માટે હોળી પર્વ સૌથી મોટો પર્વ ગણાય છે. છોટાઉદેપુર જિલ્લાનાં આદિવાસીઓ વિવિધ મેળાઓ યોજી 15 દિવસ સુધી તહેવારની ઉજવણી કરે છે.

એમાંય કવાંટ ગેરનો મેળો વિશ્વ વિખ્યાત છે. ગેરનાં મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઢોલ નગારા સાથે નૃત્ય કરતાં હોય છે. આ મેલો જોવા લાયક ગણાય છે. આ ઉત્સવ દરમિયાન આદિવાસી લોકો તેમનાં કૂળ દેવી - દેવતાની ખાસ ઉપાસના કરે છે. મનોરંજન સાથે ભક્તિમય માહોલ સર્જાય છે.

રાજસ્થામાં શત્રુને મિત્ર બનાવી લેવાનો તહેવાર ગણાય છે. આખા વર્ષમાં કોઈની સાથે દુશ્મની થઈ હોય તો તેને પણ પ્રેમથી ભેટી મિત્ર બનાવી લેવાય છે. અહી એક અઠવાડિયા સુધી તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાય છે . રાજસ્થાનમાં આવેલા પુષ્કર તીર્થમાં હોળીમાં કપડાફાડ હોળી પણ રમાય છે. જેમાં જમીનથી ઉપર ઉંચે હવામાં પોતે પહેરેલું કપડું ફાડીને ફેકવાનું હોય છે. ફેંકેલુ કપડુ દોરડા પર લટકી જાય તો બધા તાળીઓથી વધાવી લે છે, અને જો નીચે પડે તો બીજાઓ તેની હાર માટે હુરિયો બોલાવી ચિડાવાય છે.

રાજસ્થાનમાં કેટલીક જગ્યાઓમાં તલવારબાજી અને લઠ્ઠમારનાં કરતબ પણ કરવામાં આવે છે. રાજસ્તાની શૈલી અને ઢાળમાં ગીતો ગવાય છે નૃત્ય કરાય છે. ખુબજ સુંદર વાતાવરણ યોજાય છે.

ઉત્તરપ્રદેશમાં ખાસતો વૃંદાવન-ગોકુલ, મથુરામાં તહેવારનું ખૂબ મહત્વ રહેલુ છે. શુદ્ધ પ્રેમનાં પ્રતિક રૂપે ભગવાન શ્રીકૃષ્ણ પણ અહી હોળી ખેલ્યા હતા. આથી વ્રજભૂમિ એટલે ગોકુળ-મથુરા-વૃન્દાવન-નંદગામ અને બરસાનામાં શ્રી ક્રષ્ણ અને રાધાજીની લીલાઓને પ્રેરણામાં લઇ હોળી ધુળેટીને આનંદભેર ઉજવાય છે.

હોળીના બીજા દિવસે એટલે ધૂળેટી ફૂલડોલોત્સવ હોય છે. નંદગામનાં યુવકો કાન બને , અને બરસાનાની યુવતીઓ નાં શ્રી રાધાના પરિવેશમાં હોલી ખેલે છે. અહીની સ્ત્રીઓની લઠ્ઠમાર હોલી જગતવિખ્યાત છે. બરસાનાની સ્ત્રી નંદગામના પુરુષો પર લાઠીઓ વડે પ્રહાર કરે છે ત્યારે ત્યાંની જમીન ઉપર આળોટવાથી દરેક પ્રકારનું દર્દ જતું રહે છે એવી માન્યતા પ્રવર્તે છે. અહી હોળી-ધૂળેટીનો તહેવાર પ્રેમમિલનનો ગણાય છે. સાથે સાથે રાધે-રાધેની ગુંજ વચ્ચે આકાશમાંથી વરસતાં પુષ્પોનો નજારો અદભુત નજારો ઉભો કરે છે. આ ઉત્સવ સાત દિવસો સુધી ચાલે છે.

પંજાબમાં હોળી પ્રગટાવાતી નથી. અહી હોળીના દિવસે બધા એકબીજાને ઘરે મળવા જાય છે. ભેટી ગુલાલથી હોળીની વધાઈ આપે છે.

બિહારીમાં હોળી પ્રગટાવ્યા બાદ હોળીકાનું મૃત્યુ થયું હોવાથી સહુ ભોજન કરતા નથી, પરંતુ તે પહેલાં ભોજન કરી લે છે. સવારે ભગવાનને માલપુવા, શાક, પુરી અને ભાંગનો પ્રસાદ ચઢાવાય છે. હોલિકા દહનપહેલા જમવાનું પતાવી દેવામાં આવે છે. ફગુવાના નામથી પણ ઓળખવામાં આવે છે. હોલિકાદહન થાય છે, ત્યારે લોકો અગ્નિની ચારે તરફ ફરીને નૃત્ય કરે છે.

બંગાળમાં સાંજે હોળી પ્રગટાવી તેની પરંપરાગત રીતે પૂજા રી શ્રીફળ હોમી સૌ એકબીજાને વધાઈ આપે છે. ધૂળેટીના દિવસે નાના-મોટા સૌ એકબીજાને અબીલથી રંગોથી રંગે છે. ડોલ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો વાસંતી રંગોનાં કપડાં પહેરે છે અને ફૂલોથી શૃંગાર કરે છે. સવારથી જ નૃત્ય અને સંગીતનો કાર્યક્રમ ચાલે છે.

બનારસમાં એકાદશી તિથિના દિવસથી જ એટલેકે પાંચ દિવસ પહેલાથી હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અબીલ-ગુલાલ હવામાં લહેરાવા લાગે છે. અહીંની પરંપરા અનુસાર નાટકીય રીતે હોળી ઉજવાય છે જેમાં એક વરઘોડો કાઢવામાં આવે છે. જે કન્યાને ત્યાં મંડપમાં પહોંચે છે, પરંપરાગત રીતે તેનું સ્વાગત કરવામાં આવે છે. શણગાર સજેલી કન્યા મંડપમાં આવે છે. મંડપમાં વર અને કન્યા વચ્ચે વિવાદ થાય છે અને છેવટે જાન કન્યા વગર જ પાછી ફરે છે. આ પરંપરામાં ભાગ લેનાર ખૂબ મજા માણે છે. સંગીતના તાલે નાચે છે અને ગુલાલ ઉડાડીને આનંદ વ્યક્ત કરે છે. આમ, બનારસમાં સૌથી અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે.

કાનપુરમાં આ તહેવાર સાત દિવસ સુધી મનાવાય છે. આ દરમિયાન શહેરનાં બધાં જ મોટાં બજારો બંધ રહે છે અને લોકો પોતાના ગામ કે વતનમાં તહેવાર મનાવવા ચાલ્યા જાય છે. એવી માન્યતા છે કે અનસૂયા નક્ષત્ર દેખાય નહીં ત્યાં સુધી વેપાર માટે મુહૂર્ત ઠીક હોતાં નથી, તેથી દુકાનો બંધ રાખવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં હોળીથી લઈને રંગપંચમી સુધી હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં રંગપંચમીએ સૂકા ગુલાલથી હોળી રમવામાં આવે છે અને પૂરણપોળીનું ભોજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રના પડોશી પ્રદેશ માછીમારો નાચગાનમાં મસ્ત બની ઉત્સવ કરે છે. લગ્ન નક્કી કરવા માટે કે કોઈ સારા કાર્ય માટે આ સમય ઉત્તમ માનવામાં આવે છે.

હરિયાણાની ધુલેંડી, જે અબીલ-ગુલાલથી સૂકી હોળી રમવામાં આવે છે. ભાભીઓને આખું વર્ષ સતાવનારા દિયરોને આ દિવસે રંગોથી દંડ આપવાની છુટ્ટી હોય છે. સાંજે દિયર પોતાની ભાભી માટે ભેટ લાવે છે અને ભાભી તેને આશીર્વાદ આપે છે.

તમિલનાડુમાં હોળીનો દિવસ કામદેવને સર્મિપત હોય છે. પ્રવર્તતી કથા મુજબ દેવીના સતી થયા પછી વ્યથિત ભગવાન શંકર વ્યથિત ધ્યાન મુદ્રામાં બેસી ગયા. તેમની તંદ્રાને તોડવા કામદેવે પોતાનાં કામબાણો ભગવાન શંકર પર છોડયાં. તપસ્યામાં વિઘ્ન નાખવા બદલ શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. કામદેવની પત્ની રતિએ વિલાપ કરતા શિવજીને પોતાના પતિ કામદેવને જીવિત કરવા આજીજી કરી. આ પછી શિવજીએ કામદેવને પુનર્જીવિત કર્યા. આ દિવસ હોળીનો હતો. આજે પણ રતિના વિલાપને લોકસંગીત તરીકે ગાવામાં આવે છે અને ચંદનનાં લાકડાંને અગ્નિદાહ આપવામાં આવે છે. જેથી કામદેવને ભસ્મ થવામાં પીડા ન થાય. બીજા દિવસે કામદેવના જીવિત થવાની ખુશીમાં એકબીજાને રંગોથી રંગીને ઉત્સવ મનાવવામાં આવે છે.

મણિપુરમાં હોળી છ દિવસ સુધી ચાલે છે, જેને યોસાંગ કહે છે. હોળી દરમિયાન લોકો કૃષ્ણમંદિરમાં પીળા અને સફેદ રંગનાં પારંપરિક પરિધાન પહેરીને જાય છે તથા પારંપરિક સંગીત પર નૃત્ય કરે છે. આ દરમિયાન થાબલ ચોંગા નામનું વાદ્ય વગાડવામાં આવે છે.

ઉત્તરાખંડના નૈનિતાલ અને અલ્મોડા જિલ્લામાં હોળીના પર્વનાં કેટલાય દિવસો પહેલાથી લોકોના ગીત સંગીતમાં હોળીની મસ્તી અને રંગ ભળવા લાગે છે. અહી એકજ જગ્યાએ બેસીને સંગીત દ્વારા હોળી મનાવવાની પ્રથા છે.. સાંજના સમયે ઉતરાખંડના કુમાઉમા ઘરે ઘરે થતી સંગીત હોળીને બૈઠિકા કહે છે.જેમાં હાર્મોનિયમ,તબલા ઉપરાંત પરંપરાગત સંગીતનો લય પ્રભાવિત કરે છેજેમાં સુફી રચનાઓ સંગીત સાંભળવા મળે છે. પુરુષોની જેમ મહિલાઓની પણ મહેફિલ ભરાતી હોય છે.

આમ દેશભરના વિવિધ રાજ્યોમાં હોળીની ઉજવણી જરા અલગ હોય છે છતાં બધામાં સામ્યતા ઉલ્લાસ અને રંગોની રહેલી છે. વિચારો અને માન્યતાઓના વર્ગીકરણ મુજબ રીવાજો અલગ હોય છે છતાંય તહેવારનું માન અને મર્યાદા સચવાઈ રહે છે.

કેટલીક જગ્યાએ હોળીમાની સાક્ષીએ લગ્નના ચાર ફેરા લે છે અને અલગ મહત્વ ધરાવે છે. મળતી માહિતી મુજબ ટુક સમયમાં પરણનાર યુવક યુવતી પરિવારજનોની સાક્ષીમાં સાંજે હોળી પ્રગટેલી હોય ત્યાં પરિવારજનોની સાક્ષીમાં કન્યાના ગળામાં ખજૂર, પતાસા અંજીર વગેરેનો હાયડો પહેરાવી અને ધાર્મિકવિધિ મુજબ સમાજના ચાર ફેરા ફરે છે. ત્યાર બાદ તિથી પ્રમાણે લગ્ન કરતા હોય છે.

તેવીજ રીતે કેટલીક માન્યતાઓમાં હોળી એટલે અઠવાડિયા પહેલાથી હોળાષ્ટક બેસે એટલે અશુભ સમય ગણાય તેમાં સારા કાર્યો કરવાની મનાઈ પળાય છે. આ માટે કેટલીક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે. એકજ તહેવારને જુદીજુદી માન્યતાઓ પ્રમાણે શુભ અને અશુભ માનવામાં આવે છે.

અહી વિદેશોમાં પણ મંદિરોમાં અને પાર્કમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. હોળી ઉત્સાહ, ઉલ્લાસ અને ખુશીઓનો તહેવાર છે. હોળીના બીજા દિવસે ધૂળેટીને મનાવવાની રીત સહુની અલગ હોય છે. ક્યાંક રંગોને છોડી હોળી કાદવથી કે પછી હાનીકારક રંગો થી રમાય છે તેને ધૂળેટી નાં જ કહી શકાય.

આજે જ્યારે પાણીની સમસ્યા બધે એકસરખી પ્રવર્તી રહી છે, ત્યાં હવે માત્ર ગુલાલ અને ફૂલોથી ધૂળેટી ઉજવાય તો કશુજ ખોટું નથી. રંગોની અને પ્રેમનો તહેવાર સહુને ખુશહાલી અર્પે.

રેખા પટેલ(ડેલાવર, યુએસએ)

કેટલીક માહિતીઓ ગુગલમાંથી