પાંચ વર્ષનું સ્વપ્ન
-સાગર ઠાકર
-મો. ૯૮૯૮૯૪ર૦૦૪ (લેખક પોરબંદરમાં એબીપી ન્યુઝ ચેનલમાં કોરસપોન્ડન્ટ છે)
-(આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. જોકે, પાત્રોનાં નામો બદલી નાંખ્યા છે)
હીર બાલ્કનીમાં આવીને ઉભી રહી. રસ્તેથી પસાર થતા વાહનોનાં ઘોંઘાટ વચ્ચે બેફિકરાઈથી જતા રાહદારીઓનાં ચહેરા તે નિરખી રહી હતી. અચાનક એક ચહેરા તરફ તેનું ધ્યાન ખેંચાયું. સપ્રમાણ બાંધો, જીન્સ અને ટીશર્ટમાં ચાલ્યા જતા એ યુવાનની નજર પણ હીર સાથે ટકરાઈ. ચારેય આંખો એકબીજા તરફ મંડાયેલી જ રહી. જ્યાં સુધી પેલો યુવાન પસાર ન થયો ત્યાં સુધી. કેટલાય હેન્ડસમ યુવાનોને તેણે અગાઉ જોયા હતા. કેટલાય હેન્ડસમ યુવાનોને તેણે અગાઉ જોયા હતા. પરંતુ આજે હીરે જુદીજ લાગણી અનુભવી. યુવાનની પીઠ દેખાતી બંધ ન થઈ ત્યાં સુધી તે તાકતી રહી અને પછી પોતાના રુમમાં જઈ અરીસા સામે ઉભી રહી. તેનાં ચહેરા પર સ્મિત રેલાયું. પછી મનોમન શરમાઈને બંને હથેળી વચ્ચે મોઢું છુપાવી દીધુંં. કંઈક યાદ આવતાં હીરે ઘડીયાળ તરફ જોયું. કાંટો બરાબર ૬ વાગીને ૧૦ મીનીટનો સમય બતાવતો હતો. તેણે મનોમન ગણતરી માંડી. ૧૦ મીનીટ, હા પેલા સાથે નજરો ટકરાઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં પૂરી ૧૦ મીનીટ ખર્ચાઈ હતી. આ ૧૦ મીનીટમાં તેણે જીંદગીમાં પ્રથમજ વખત કંઈક જુદાંજ સ્પંદનો અનુભવ્યાં.
આ તરફ હર્ષની હાલત પણ કાંઈ જુદી નહોતી. કોલેજમાં ઘણી છોકરીઓ તેની ફ્રેન્ડશીપ ઝંખતી. પણ હજુ સુધી તેણે કોઈને ભાવ નહોતો આપ્યો. જીંદગીમાં આ પ્રથમ એવો ચહેરો હતો જેણે તેને પહેલીજ નજરે વિહ્વળ બનાવી દીધો હતો. બીજા, ત્રીજા અને ચોથા દિવસે એજ સિલસિલો ચાલુ રહ્યો. પાંચમા દિવસે નજરો મળી એ સાથેજ પરસ્પર બંનેનાં હોઠો પર સ્મિત રેલાયું. હીર હસી અને પછી શરમાઈને રુમમાં જતી રહી. તેણે મોઢે હથેળી દાબી દીધી. પછી બબડી, માય ગોડ. તે ફરી બાલ્કનીમાં આવી. હર્ષે એક વખત પાછું વળીને જોયું. પછી નજર ફેરવી લીધી.
આની કુંડળી કાઢવી પડશે. તે મનોમન બબડ્યો. બીજાદિવસે રવિવાર હતો. પરંતુ હર્ષ ઓફિસનાંજ ટાઈમે તૈયાર થઈને ઘરની બહાર નિકળ્યો.
સવારી કઈ બાજુ ?, મમ્મીએ પૂછ્યું.
કંઈ નહીં આ તો જરા આંટો મારી આવું, કહી તે નિકળી પડ્યો.
હર્ષનો સ્વભાવ સારી રીતે જાણતા મમ્મીને જરા નવાઈ લાગી. દિકરો કામ સિવાય ક્યાંય ભટકવા નથી જતો. અને અમસ્તું કહીને પાછો બનીઠનીને નિકળે એટલે નક્કી કાંઈક તો નવીન છે. આમેય હર્ષ અનેક છોકરીઓને રીજેક્ટ કરી ચૂક્યો હતો. એટલે તેના મમ્મી પણ ઝટ ઠેકાણું પડે એમ ઈચ્છતા હતા. તે પણ મનોમન રાજી થયા ખરા. પણ દિકરા સાથે એ રીતે વાત કરવામાં વડીલસહજ મર્યાદા આડે આવતી હતી.
હીર જ્યાં રહેતી હતી એ સનરાઈઝ બંગલા પાસેથી હર્ષની ઓફિસનો રસ્તો પસાર નહોતો થતો. છત્તાં પોતાનાં ઘરથી હીરનું ઘર બહુ દૂર નહોતું. પરંતુ જે દિવસે એ હીરનીજ સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર પાર્થને ઘેરથી પાછો ફરતો હતો. હીરને જોયા પછી તેણે સનરાઈઝ બંગલાવાળા રસ્તાનેજ પોતાનો કાયમી રુટ બનાવી દીધેલો. આજે તે પાર્થને ત્યાં પહોંચ્યો. રસ્તામાં હીરનો સનરાઈઝ બંગલો આવ્યો. પણ હીર ન દેખાઈ. આજે પહેલી વખત તેણે નેઈમ પ્લેટ વાંચી. ભૂપતરાય રમણલાલ ઠક્કર. આ હીરનાં પપ્પાનું નામ હોવું જોઈએ. તેણે અનુમાન કર્યું.
પાર્થને ઘેર જઈ વાતવાતમાં તેણે પૂછીયે લીધું. આ સનરાઈઝ વાળાને શેનો બીઝનેસ છે ? પાર્થની આંખો ઝીણી થઈ. તારે શું કામ છે ? ક્યાંક ? પછી હસતાં હસતાં તેણે વાક્ય અધૂરુંજ છોડી દીધું.
કાંઈ નહીં આતો એમજ. બંગલો આલીશાન છેને એટલે ખુબ પૈસાવાળા હોવા જોઈએ. હર્ષ લોચા વાળવા લાગ્યો. પછી તે મલકાઈને પાર્થ સામું જોઈ નીચું જોઈ ગયો.
લાલો લાભ વિના લોટે નહીં. ભાઈ મને મળવા નથી આવ્યા. હીરની ઝલક જોવા મળે એટલે મારું આંગણું પાવન કર્યું એમજ ને ? પાર્થે જાણે કે તેના પર બાઉન્સર જ ફેંક્યો. હર્ષ ચોંક્યો. સામેની વ્યક્તિ પોતાનાં વિચારો વાંચી લે ત્યારે સામાન્ય રીતે જીત સિવાઈ જતી હોય છે. જોકે, બંને એકબીજાને અંગત વાતો શેર કરતતા. આથી હર્ષને કોઈ ચિંતા નહોતી.
જો યાર, તને મારી ખબર છે. મેં ક્યારેય કોઈ છોકરી સાથે ન તો ફ્લર્ટ કર્યું છે ન તો કોઈ પાછળ સમય બગાડ્યો છે. પણ આની વાત... કહી તેણે વાક્ય અધૂરુંજ છોડી દીધું. પાર્થ મિત્રનાં મનની સ્થિતી સમજી ગયો.
નામ તો તું હમણાં બોલી ગયો. હવે તે શું કરે છે અને તેના ઘરમાં કોણ-કોણ છે એ કહી દે. હર્ષ હવે હીર વિશે વધુ જાણવા અધીરો બન્યો હતો.
જો એ ખુબજ સીધી છોકરી છે. બીએ વીથ ઈંગ્લીશ ભણી છે. અને ફ્લાવર ગાર્ડન સ્કુલમાં ટીચર છે. બાપો કરોડ પતિ છે. તેને કાંઈ જરુર નથી. પણ ફક્ત ટાઈમ પાસ માટે નોકરી કરે છે. પણ દોસ્ત ત્યાં રહેવા દે. એના ઘરનું વાતાવરણ ખુબજ કડક છે. ભૂપતકાકાને ઓઈલ મીલ છે. કરોડોપતિ છે. જમ જેવા ૩ ભાઈઓ છે. એને ખબર પડશે તોય તારા ટાંટિયા ભાંગી નાંખશે. હીર પાછળ ફરનારા કંઈકની અત્યાર સુધીમાં સર્વીસ થઈ ચૂકી છે.
ભલે. પાર્થે ટૂંકો જવાબ આપી દીધો. પરંતુ તેના મોઢા પર હવે સ્મિત રમતું હતું. મનોમન બબડ્યો. ફ્લાવર ગાર્ડન સ્કુલ ? તેના મોટાભાઈની દિકરી ઈશા એજ સ્કુલમાં ભણતી હતી. બીજાજ દિવસથી ઈશાને વ્હેલી સવારે સ્કુલે મૂકવા જવાની જવાબદારી પોતે સંભાળશે એમ ભાભીને કહી દીધું. ભાભીએ મજાકમાં કહ્યુંયે ખરું. મારાં તો નસીબ ઉઘડી ગયાં. દિયરજી અચાનક ભાભી પર આવડી મોટી મહેરબાનીનું કોઈ કારણ મળી ગયું છે કે શું ? જવાબમાં હર્ષ ફક્ત મલક્યો. ઝોણે જોકે જવાબ તો જુદોજ આપ્યો.
વ્હેલા ઉઠવાની પ્રેકટીસ કરવી છેને એટલે ભાભી.
ઓહો. સવારે ૮ વાગ્યા સુધી ઘોરતા દિયરજીને અચાનક શું ધૂન ચઢી ? હર્ષની ભાભી દિશાએ ઉલટતપાસ શરુ કરી. એટલામાં મોટાભાઈ આવી ચઢ્યા અને દિશા મારું બ્રશ ક્યાં ? કહેતાં દિયર-ભાભી વચ્ચેના સંવાદમાં ઈન્ટરવલ પડ્યો. હર્ષ મનોમન મોટાભાઈનો આભાર માનતો હાથમાં સ્કુલબેગ ઉંચકી ઈશાને સ્કુલે મૂકવા ગયો. યોગાનુયોગે ફ્લાવર ગાર્ડન સ્કુલે જવાનો રસ્તો હીરનાં ઘર પાસેથીજ પસાર થતો હતો. હર્ષ ત્યાંથી નિકળ્યો એજ વખતે સનરાઈઝ બંગલામાંથી બાઈક પર એક યુવાન સાથે નિકળતી હીરને તેણે જોઈ. હીરની નજર પણ હર્ષ પર પડી. સાથે ઈશાને જોતાં તે ચમકી. પોતે ઈશાની ક્લાસ ટીચર હતી.
આજ હીરનો ભાઈ હોવો જોઈએ. તે મનોમન બબડ્યો. તે સનરાઈઝ બંગલા પાસે પહોંચે એ પહેલાંજ બાઈક ઉપડી ચૂકી હતી. હીરે આંખનાં ખૂણેથી હર્ષ તરફ દૃષ્ટિ ફેંકી. મધૂરું સ્માઈલ આપ્યું.
માય ગોડ. હર્ષનાં હૃદયને તેની આ અદા ઘાયલ કરી ગઈ. ત્યારપછી તો આ રોજનો ક્રમ થઈ પડ્યો. હર્ષ માટે સવારે ઈશાને મૂકવા જતી વખતે હીર સામે જોવું. અને ઓફિસેથી ઘેર આવતી વખતે હીરની સામે જોવું એનું જાણે કે બંનેને વ્યસન થઈ પડ્યું. ઈશાને માધ્યમ બનાવીને બંને વચ્ચે સાંકેતિક સંદેશાઓની આપલે પણ શરુ થઈ ગઈ. ક્યારેક તેની બેગમાં તો ક્યારેક નોટબુકમાં હીર સંદેશો મોકલતી. તે ઈશાને સ્કુલે લેવા આવેલા હર્ષને જોઈને કહેતી. આજનું લેશન નોટ્સમાં લખ્યું છે. અંકલ પાસે કરાવી લેજે. અને હર્ષ એ રીતે હીરની ચીઠ્ઠી સિફતપૂર્વક દિશાભાભી દફ્તર ખોલે એ પહેલાંજ કાઢી લેતો. બંને એકબીજાનાં નામ, શોખ, મિત્રો, ગમા-અણગમા, પરિવારનાં સભ્યો વિશે વાકેફ થઈ ચૂક્યા હતા. પ્રેમનાં અંકુરો તો બંનેએ એકબીજાને પ્રથમ નજરે જોયાં ત્યારેજ થઈ ગયો હતો. પરંતુ હીર પર તેનાં પપ્પા અને ભાઈઓનો કડક ચોકી પહેરો મોટી અડચણ હતો. હર્ષને સ્વપ્ન તો ઠીક દિવસે પણ હીરનો ચહેરો નજર સામેથી હટતો નહોતો.
બીજી તરફ ભૂપતરાય હીરનાં હાથ પીળા કરી દેવા ઉતાવળા થયા હતા. હીર આ છોકરો મને નથી ગમતો કહી એક પછી એક છોકરાંઓને રીજેક્ટ કર્યે જતી હતી. પોતાનો પ્રેમ છાપરે ચઢીને ન પોકારે તે માટે બંનેએ એકબીજાને ફોન, એસએમએસ તો ઠીક એકબીજાનાં મોબાઈલ નંબરો જાણવાનું સુદ્ધાં ટાળ્યું હતું. બંનેને બચપણથી મળેલા સંયમનાં સંસ્કારો આજ અજબ કામ આવી રહ્યા હતા. અત્યાર સુધી એકપણ વખત એકબીજાને મળી પણ નહોતા શક્યા. સાંકેતિક સંદેશાઓની આપલે, લગ્ન માટે બંનેને પોતપોતાનાં પરિવારજનોનાં દબાણ અને વિરહની વસમી વેદના વચ્ચે પાંચ વર્ષ, હા પૂરાં પાંચ વર્ષ પસાર થઈ ગયાં. હર્ષ-હીરનાં પ્રેમની જાણકારી સુદ્ધાં એકમાત્ર પાર્થનેજ હતી.
હવે બહુ થયું. તારામાં ત્રેવડ હોય તો હીરને ભગાડી જા. કાં બંને છૂટા પડી જાવ. એક દિવસ તો પાર્થનીયે ધીરજ ખૂટી ગયેલી. પણ હર્ષે તેની વાત કાને ધરી નહોતી. અને એક દિવસ મોકો મળીજ ગયો જાણે કે, પ્રેમનાં દેવતાએ બંનેની ધીરજનો અંત લાવવાનું નક્કી કર્યું હોય એમ હીરનો સ્પષ્ટ સંદેશો મળ્યો.
આવતા શુક્રવારે મમ્મી-પપ્પા મામાને ત્યાં રાજકોટ જાય છે. ત્રણેય ભાભીઓ પિયેરમાં છે. એટલે ભાઈઓ પણ તેનાં સાસરે હશે. હું એકલીજ છું. છત્તાં ઘેર મળવું શક્ય નથી. બહાર ક્યાંક મળીએ. જવાબમાં હર્ષે લખ્યું મોતીબાગમાં સવારે ૧૧ વાગ્યે.
શુક્રવારે બંને પ્રેમી હૈયાં જીંદગીમાં પહેલીજ વખત મળ્યાં. બંને એકબીજાને વળગી પડ્યાં. જાણેકે, પાંચ વર્ષની તરફ એકસાથે ન બુઝાવવાની હોય ? પાંચ વર્ષનો વિરહ મીનીટોમાં ઓગળી ગયો. હર્ષ ઓફિસમાં અને હીર તેની સ્કુલમાં લીવ રીપોર્ટ મૂકીનેજ આવી હતી. હવે શું ? હીરનાં પરિવારનો સામનો કરવાની બેમાંથી એકેયની હિંમત નહોતી. બંનેએ એકબીજાનાં વિચારો વાંચી લીધા. અને મક્કમતાથી એક નિર્ણય કરી જ લીધો.
ચાલ. હીરે કહ્યું. તે હર્ષની બાઈક પર બેસી ગઈ. બંને પ્રેમ લગ્નો કરાવવા માટે જાણીતા વકીલ પાસે ગયા. અને મેરેજનું રજીસ્ટ્રેશન કરાવી લીધું. સાક્ષીઓની વ્યવસ્થા પણ વકીલેજ કરી. ઉભાઉભ લગ્નનું સર્ટીફિકેટ મેળવ્યું. અને એજ દિવસે આબુ જવા ઉપડી ગયાં. છાપામાં લગ્નગ્રંથિથી જોડાયાં છીએ એવી જાહેરાત પણ વકીલ મારફતજ છપાવી દીધી. આબુ પહોંચી બંનેએ એકબીજાનાં પરિવારને જાણ કરી દીધી. હર્ષનાં ઘરમાંતો કોઈને વાંધો નહોતો. પણ ભૂપતરાયે હીરને ઘરમાં પગ મૂકવાનીયે મનાઈ ફરમાવી દીધી. જોકે, પિતાની નારાજગીયે બહુ લાંબી ન ચાલી. એકાદ મહિનામાં તે પુત્રીને મળવા આવીજ પહોંચ્યા. હર્ષનાં મધ્યમવર્ગનાં પણ સંસ્કારી પરિવારને જોઈ તેને પણ સંતોષ થયો. દિકરી સુખી રહે એટલે ઘણું એમ તેમણે મન મનાવી લીધું. જોકે, હર્ષનો પરિવાર મધ્યમવર્ગનો ખરો. પણ ખાધેપીધે સુખી હતો. હીર-હર્ષનું દાંપત્ય શરુ થયું. હર્ષનાં કપડાંને ઈસ્ત્રી કરવી, ઘરમાં કચરાં-પોતાં, વાસણ માંજવા જેવા કામો રાજકુંવરીની જેમ ઉછરેલી હીર માટે નોકરોને કરવા જેવાં કામ હતા. જેઠાણી દિશા સમજદાર હતી. તે ઘણાં કામો આટોપી લેતી. પણ તેને મદદ તો હીરે કરવીજ પડતી. પરંતુ પછી એ બધું હીરને બોરીંગ લાગવા માંંડ્યું. આથી પ્રેમનો નશો ઉતરી ગયો. હર્ષને કહ્યું તો તેણે પણ ભાભીને મદદ કરવા કહ્યું. અત્યાર સુધી નોકરી પણ કરતી હીરને સારા સંસ્કારો નહોતા મળ્યા એવું નહોતું. પણ પપ્પાને ઘેર ત્રણ ભાભી અને નોકરો હોવાથી ઘરનાં કામો કરવાનો વારો તેને નહોતો આવ્યો. ધીમે ધીમે આ બાબતનાં સંવાદોએ બોલાચાલી અને પછી ઉગ્રરુપ પકડ્યું. એક દિવસ હીરની દલીલોથી કંટાળેલા હર્ષે તેને એક તમાચો ઝીંકી દીધો. આથી હીરે મેં તને આવો નહોતો ધાર્યો. કહી પિતાને ઘેર ચાલી ગઈ. બંને પક્ષે હું પહેલાં માફી શા માટે માંગું ? નો અહમ્ આડો આવ્યો. અંતે છ મહિનાનું લગ્નજીવન છૂટાછેડામાં પરિણમ્યું. હજી છ મહિના પહેલાં વિરહની વેદના બાદ એકાએક થયેલું મિલન ફક્ત પાંચ વર્ષ સુધી જોયેલાં સ્વપ્નોને સાકાર થતા જોવા માટેજ ઘડિયાં લગ્નમાં પરિણમ્યું હતું એ વાત બંનેને સમજાઈ ગઈ. કોર્ટે બંનેને સમાધાનની તક આપી. પણ અંતે બંનેનાં છૂટાછેડા થઈનેજ રહ્યા. એક વર્ષ પછી હીર એક એનઆરઆઈ વિધુરને પરણી અમેરિકા જતી રહી. અને હર્ષ હજુ ઘવાયેલા પંખીની માફક તરફડી રહ્યો છે.