અપડેટ નહીં રહો તો ફેંકાઇ જશો Nimish Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપડેટ નહીં રહો તો ફેંકાઇ જશો

મોટિવેશનલ સીરીઝ, નિમીષ ઠાકર, મો. 9825612221

મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપને અપડેટ કરવાના નોટિફિકેશન્સ અવારનવાર આવતા જ રહેતા હોય છે. અરે તમારા આખા ફોનના સોફ્ટવેરને પણ વર્ષમાં અેકાદ બે વાર તો અપડેટ કરવો જ પડે છે. ટૂંકમાં, એકની એક ઘરેડનો આ જમાનો નથી. રોજેરોજ એકનું એક શાક જો તમે પસંદ ન કરી શકો. કોઇ મિત્ર જ્યારે પણ મળે ત્યારે એકજ ટાઇપની વાત કરતો હોય તો તમે પણ તેને મળવાનું ટાળવા લાગશો. આજ વાતને બીજા દૃષ્ટિકોણથી જોઇએ તો જે એકનીએક વાત તમને સામા તરફથી નથી ગમતી એજ બાબત સામેવાળા માટે પણ લાગુ પડે છે. તમારી એકનીએક વાત સામેવાળી વ્યક્તિને પણ બોર કરી નાંખે. આ વાત માત્ર વાતચીત નહીં, રહેણી કરણી, પહેરવેશ, વિચારો, કામ કરવાની પદ્ધતિ, વગેરે તમામ બાબતોમાં લાગુ પડે છે.

મારીજ વાત કરું, જે વિચારો હું બચપણમાં ધરાવતો હતો એ ટીનેજ વખતે બદલી ગયા હતા. અને ટીનેજમાં જે માન્યતાઓ હતી એ આજે સમૂળગી બદલાઇ ચૂકી છે. આજે હું એ વખતના મારાજ વિચારો પર મનોમન હસતો હોઉં છું. આવું ઘણી બાબતોમાં તમારી સાથે પણ બનતું જ હશે. આને કહેવાય અપડેટ રહેવું. જે વ્યક્તિ જીવનના આખરી શ્વાસ સુધી સતત બદલાતો રહે એનેજ કહેવાય માણસ. ખરાબમાં ખરાબ માણસ પણ જીવનના અંતિમ સમયે અથવા અંતિમ દિવસોમાં સારો બની જવાના અનેક દાખલા મોજુદ છે. આને કહેવાય અપડેટ થવાની પ્રક્રિયા. એ કુદરતી છે. પણ જો અમુક બાબતોને આપણે પકડીને બેસી જઇએ ત્યાં એ બાબતમાં અપડેટ થવાની પ્રક્રિયા બંધ થઇ જાય છે.

2007 માં જૂનાગઢમાં દિવ્ય ભાસ્કરની બ્યુરો ઓફિસજ હતી. એ વખતે જયદીપ મહેતા નામનો છોકરો પ્યુન તરીકે જોડાયો. એ ભણવામાં ખાસ તેજસ્વી નહોતો. એ પ્યુન તરીકે પોતાની એકપણ ફરજ ન ચૂકતો. પણ સાથે જે આસીસ્ટન્ટ કક્ષાનાં કામો હોય એ પણ કરતો. બીજા શબ્દોમાં કહીએ તો ક્લાર્ક લેવલના કામો પણ તે હસતા મોઢે કરી આપતો. આ તેના માટે અપડેટ થવાનીજ પ્રક્રિયા હતી. હું ક્યારેક તેને ફોટો પાડવા જવાનું કહું અથવા કોઇ બનાવ બન્યો હોય ત્યાં મોકલું તો હોંશે હોંશે જઇ આવે અને ફોટા પણ પાડી આવે. પાછા પ્યુન તરીકેના કામો તો કરેજ. કોમ્પ્યુટર પર તમામ પ્રકારના ઓનલાઇન કામો તે કરી આપે. આનાથી બન્યું એવું કે, મેં મારા એડીટોરિયલ ડીપાર્ટમેન્ટમાં તેને ઓપરેટર તરીકે રાખવાનું નક્કી કર્યું. સાથે માર્કેટીંગ ડીપાર્ટમેન્ટની નજરમાં પણ તે આવી ગયો. આખરે તેને પ્રમોશન આપી એડ શેડ્યુલીંગ વિભાગમાં એક્ઝિક્યુટીવ બનાવ્યો. દસેક વર્ષ સુધી તે દિવ્ય ભાસ્કરમાં રહ્યો ત્યાં સુધી તો ઘણો આગળ વધી ગયો હતો. આજે તો તે સોપારીનો સ્વતંત્ર બીઝનેસ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, પોતાને સોંપાયેલા કામ કરતાં એક સ્ટેપ આગળનું કામ કરવામાં તે રસ દાખવતો. બાકી પ્યુન તરીકે તેનું કામ સંતોષકારકજ હતું. જો એજ કરતો રહ્યો હોત તો તે આગળ ન વધ્યો હોત.

વર્ષ 2007માંજ જગદીશ બારડ નામનો છોકરો અમારી જ બ્યુરો ઓફિસમાં કમ્પોઝીટર તરીકે જોડાયો હતો. અમે જે સમાચારો લખીએ એ તેણે કોમ્પ્યુટરમાં ટાઇપ કરવાનાં અને તેની ફાઇલ સેવ કરી રાજકોટ એડીશન ઓફિસને મેઇલથી મોકલી આપવાના. તે અગાઉ ભુજમાં સર્વે ટીમમાં કામ કરી ચૂક્યો હતો. ધીમે ધીમે તેને ટાઇપીંગની ઝડપ આવતી ગઇ. અમારી બ્યુરો ઓફિસ પણ અપગ્રેડ થઇને ક્લસ્ટર બન્યું. અને 2011 માં દિવ્ય ભાસ્કરે જૂનાગઢમાં એડીશન ઉભી કરી. આખું પ્રિન્ટીંગ યુનિટ સ્થપાયું. આ અખબારની એક ખાસિયત એ છેકે, તે સતત અપડેટ થયા કરે. એડીટોરિયલથી માંડીને તમામ વિભાગોની કાર્યપદ્ધતિમાં સતત નવું નવું ઇનોવેશન આવ્યા જ કરે. તમે માત્ર છ મહિનાનું દિવ્ય ભાસ્કર વાંચો અને આજનું વાંચો તેમાં પણ હેડીંગ, ફોટા, મેટર, પેજ લેઆઉટ, વગેરેમાં થોડો ઘણો ફેરફાર તો જોવા મળીજ જાય. હું 2004 માં ભાસ્કરમાં જોડાયો ત્યારે ઘેર બેસીને કાગળમાં લખી ફેક્સથી રાજકોટ સમાચારો ઉતારતો. ફોટા મોકલવા સાયબર કાફેમાં જવું પડતું. પછી એ બધું કામ ઓફિસમાં થવા લાગ્યું. પણ એડીશન આવી એ પછી તો કંપનીએ કમ્પોઝિટરની જગ્યાજ નાબૂદ કરી નાંખી. જે કમ્પોઝિટર હતા એમણે પેજ બનાવતા શીખી જવાનું. અને રીપોર્ટર અથવા સબ એડીટરે પોતાની મેટર જાતે ટાઇપ કરવાની. આ સમગ્ર ડિપાર્ટમેન્ટ માટે અપડેટ થવાની પ્રક્રિયા હતી. જગદીશ બારડે પેજ બનાવવાનું શીખી લીધું. આજે ભાસ્કરમાં એકધારું કામ કરનાર સૌથી સિનીયર પેજ મેકર છે. જગદીશ મૂળ કોડીનારના દેદાની દેવડી ગામનો. દેદાની દેવડી એટલે પૂર્વ સાંસદ દીનુભાઇ સોલંકીનું ગામ. આથી લોકો ગામને દીનુભાઇની દેવડી તરીકે પણ ઓળખે. જગદીશે જૂનાગઢમાં પોતાનું ઘર વસાવવાનું હતું. પેજમેકરને બપોર બાદ ડ્યુટી શરૂ થાય. જગદીશે સવારનો સદુપયોગ કરવા એક શૈક્ષણિક સંસ્થામાં ક્લાર્ક તરીકે જોડાયો. ત્યાં પણ નવું નવું શીખતો ગયો. પ્રાઇવેટ નોકરી હતી એટલે તે બે સ્થળે કામ કરી શક્યો. આજે તેનું પોતાનું ઘર પણ વસાવી લીધું. હવે જોકે, તે સવારે બીજ ક્યાંય નથી જતો. ગામડે ખેતીમાં જોઇતી મદદ જૂનાગઢ બેઠા કરે. પણ એકજ કામ કર્યે રાખવું એ તેની પ્રકૃતિ નહોતી. એક કરતાં વધુ કામો કરવા અને નવું નવું શીખવાની પ્રકૃતિને લીધે તે ટકી ગયો.

સૌથી પ્રેરણાદાયી કિસ્સો સરમણ રામનો છે. વર્ષ 2010 ના અંતિમ દિવસો જતા હતા. અમારી નાની બ્યુઓ ઓફિસ જૂનાગઢ મધ્યે હતી. બપોરે પોણા ચાર વાગ્યાનો સમય હતો. હું ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે મારી સામે ચેર પર એક દુબળો પાતળો અને ગામડેથી આવતો હોય એવો યુવાન બેઠો હતો. મેં તેની સામે ઉપરછલ્લી નજર નાખી મારા કામમાં લાગી ગયો. પરંતુ મારા સહકર્મી અર્જુન ડાંગરે તેની સાથે વાત કરી રહ્યા હતા. મને કહ્યું એટલે મેં તેને એક પ્રેસનોટ કાઢીને આપી. આ દુબળા પાતળા દેખાતા યુવાને એક કાગળમાં પ્રેસનોટ લખી અર્જુનને આપી જતો રહ્યો. પછી મને ખબર પડી કે તે ભાસ્કરમાં ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો. પ્રથમ દૃષ્ટિએ હુ઼ તેનામાં પત્રકારત્વના એવા કોઇ ખાસ લક્ષણો જોઇ શક્યો નહોત. પરંતુ વર્ષ 2011 ના એપ્રિલમાં તેણે ભાસ્કર જોઇન કર્યું. તેની સાથેજ તેની અાવડત અને સંઘર્ષના દિવસો શરૂ થયા હતા. હાલ તે ભાસ્કરમાં જૂનાગઢ એડીશનનો ડેપ્યુટી એડીટર છે. તેના વિશે વાત કરીએ તો પ્રથમ દિવસથીજ તેણે એક સિદ્ધાંત સાથે કામની શરૂઆત કરી. કામને પ્રેમ કરવો. બસ, આ સિદ્ધાંત સાથેજ તે આગળ વધ્યો. ભાસ્કરમાં આવતી તમામ નવી કે ઇનોવેશનને સરળતાથી તે અપનાવી લેતો. તેની એક ખાસિયત એવી રહી કે, તેને સોંપવામાં આવતા કામમાં તે પોતાની જાતને સવાલ કરતો. હું આ કામને કેવી રીતે કરીશ ? આ સવાલમાંથીજ કઠિનમાં કઠિન કામની સમસ્યાનો તેને ઉકેલ મળી જતો. માત્ર તેનું કામ રીપોર્ટીંગનું હોવા છત્તાં ઓફિસના તમામ કામો શીખવાની ભાવનાથી તે કરતો. ફિલ્ડમાં રીપોર્ટીંગ કરવું અને મેટર બનાવવી એ તેની ફરજનો ભાગ હતો. પણ મેટર બનાવ્યા પછી તે બેસી ન રહેતો. પેજ બનતા હોય ત્યાં પેજ મેકર પાસે બેસી જતો. ધીમે ધીમે જૂનાગઢ ભાસ્કર પુલ આઉટના પેજ બનાવવાનું તેના શિરે આવ્યું. બાકીના રીપોર્ટરની આવનજાવન થતી રહી. પણ સરમણ રામ ટકી રહ્યો. વચ્ચે સળંગ 9 મહિના એવા ગયા કે, સિટીમાં તે એકજ રીપોર્ટર. સવારે રીપોર્ટીંગ કરે. બપોરે ઓફિસે આવીને બધી મેટરો ટાઇપ કરે. પછી પેજ બનાવડાવવા બેસે. ઇ પેપરમાંથી બીજા રાજ્યોની એડીશનના સારા પેજ લેઆઉટનો અભ્યાસ કરે. અેવા લે આઉટ તે પેજ મેકર પાસે બનાવડાવે. અને દિવ્ય ભાસ્કરની ઇવેન્ટોના આયોજનમાં લોકોને આમંત્રણ આપવાની, આયોજનને લગતા કામો તો ખરાજ. આ બધા કામોમાં તેણે માસ્ટરી મેળવી. વળી નવા રીપોર્ટરો જોઇન થાય તો તેને કેવી રીતે રીપોર્ટીંગ કરવું, લખાણ કેવી રીતે લખાય, એ બધી ટ્રેનીંગ પણ આપતો. એક વાત રહી ગઇ. સરમણ માત્ર ઓફિસનું કામ કરતો એટલું નહોતું. તેના ભાઇને ડાઇનીંગ હોલ હતો. જરૂર હોય ત્યારે ત્યાં રોટલી વણાવવા, વાસણ માંજવાનું કામ પણ કરતો. એકપણ એવું કામ ન હોય જેના માટે તેનું મોઢું બગડે. બપોરે 3 વાગે એટલે ઓફિસમાં તેની એન્ટ્રી થઇ જ ગઇ હોય. પોતાનું નસીબ તેણે જાતે બનાવ્યું એમ કહું તો સહેજ પણ અતિશયોક્તિ નથી. આપણે વાત અહીં અપડેટની કરીએ છીએ. સરમણે હંમેશાં ભાસ્કરને પોતાની પાસેથી શું અપેક્ષા છે તેના પર કામ કર્યું. કોઇપણ મેટર માટે રીપોર્ટીંગ કરે ત્યારે એ વાત અચૂક મનમાં રાખે કે, આ સમાચારમાં હું એવું શું આપું કે લોકોએ તેને વાંચવા જ પડે ? આજ સવાલે તેને અપડેટ રાખ્યો.

મિત્રો, તમે તમારા પરિવાર, સમાજ કે આસપાસમાં એવા ઘણા વડીલો જોશો તેમની પાસે જઇને તમને બેસવું ગમે. તેની વાતોમાંથી હંમેશાં તમને કાંઇક મળતું રહે. વૃદ્ધ હોવા છત્તાં તેનામાં એવું કાંઇક હોય જેનાથી તમને કંટાળો ન આવે. હું કહીશ કે, એ વડીલ હંમેશાં અપડેટ રહેતા હશે. એ અર્થમાં કે, જીવનના અનુભવોનો તેમની પાસે જે નિચોડ હોય એને તેઓ આજના યુવાનો કેવી રીતે વિચારે છે એના સંદર્ભમાં તમારી પાસે રજૂ કરતા હશે. જ્યારે અમુક વડીલો એવા હશે કે તમને વાત કરવાનું તો ઠીક તેની નજરે ચઢવાનુંય ન ગમે. રખેને ક્યાંક બોલાવી લઇને લાંબું લેક્ચર ફાડશે તો ? એવી ભિતી મનમાં સતાવતી રહે. અવા સંજોગોમાં માનીજ લોકે, તેણે વધતી વયની સાથે પોતાની જાતને અપડેટ નથી રાખી. આજ છે અપડેટ રહેવાનું મહત્વ.