મોટિવેશનલ સીરીઝ, નિમીષ ઠાકર, મો. 9825612221
કામ કરવાની ના પાડવાથી તમારી વિશ્વસનિયતા વધી શકે. આ વાત કહેનારને પહેલાં તો ગાળો ખાવી પડે. પણ મિત્રો, આ વાત સામાન્ય સંજોગોની નથી. દરેક વખતે કોઇને ના પાડી દેવી પણ બરાબર નથી. પણ ઘણી વખત જો તમારી પાસે પહેલેથીજ ઘણું કામ હોય એ વખતે તમને બીજું કોઇ કામ સોંપવામાં આવે. તો તેને તમે પ્રેમપૂર્વક ના પાડી તેની પાછળના તર્કબદ્ધ કારણો રજૂ કરવાથી સામેની વ્યક્તિમાં તમારા પ્રત્યેની વિશ્વસનિયતામાં વધારો થાય છે.
આ વાતને તમે ઉદાહરણ સાથે વધુ સારી રીતે સમજી શકશો.
મારી જ વાત કરીશ. વર્ષ 2014, મારો એક સમયનો જુનિયર અર્જુન ડાંગર એ વર્ષે દિવ્ય ભાસ્કરની જૂનાગઢ એડીશનનો ડેપ્યુટી એડીટર બન્યો. તે ઘણીવાર મને કહેતો કામ તો ઇશ્વરનો પ્રસાદ છે. નિમીષભાઇ, કામ માંગો તમને કોઇ વધુ ને વધુ કામ સોંપે તો તેને આશીર્વાદ સમજો. કોઇ માણસની કારકિર્દી ખતમ કરી નાંખવી હોય તો તેની પાસેથી કામ લઇ લેવું. એ માણસ આપોઆપ પતી જશે. મને તેની આ વાત સોનેરી લાગતી. તેનાથી જબરદસ્ત મોટિવેશન મળતું. અર્જુન મને વધુને વધુ કામ કરવાનું કહેતો ત્યારે એનો અર્થ એ હતો કે, તમે ડેસ્ક હેડ છો તો એ લેવલનું કામ વધુને વધુ કરો. પણ હું એવું માનવા લાગ્યો કે, વધુ કામ કરવું એટલે વધુ મેટર બનાવવી. હકીકતે ડેસ્ક હેડ કે સીનિયર લેવલના માણસોએ મહત્વની મેટરો જ બનાવવાની હોય. એ સિવાય લાઇઝનીંગ, મેટરો ચેક કરવાની, કઇ મેટર ક્યા પેજ પર જશે, પેજ નો લે આઉટ કેવો બનશે, મેટરમાં કાંઇ ખૂટતું હોય તો એ રિપોર્ટર પાસે ઉમેરાવવું, ઇત્યાદિ કામો કરવાના હોય. એમાં મારે વધારો કરવાનો હતો. મારે જુનિયરો જે મેટર લઇને આવે અને મેટર બનાવી દેવા પૂછે તો તેને પ્રેમપૂર્વક ના પાડી તેને એજ મેટર કેવી રીતે લખવી એ શીખવવાની ભૂમિકા પણ ભજવવાની હતી. જો મેં ના પાડી દીધી હોત તો હું મેટરો લખનારને બદલે ખરા અર્થમાં ડેસ્ક હેડના કામો કરતો હોત. એને બદલે થયું એવું કે, મારી મેટરો પછી પણ હું મોડે સુધી બેઠો બેઠો બીજાએ બનાવવાની હોય એ લેવલની મેટરોજ બનાવતો રહેતો. મોડે સુધી મેટરો આપતા રહેવાથી છાપ એવી પડી કે, નિમીષભાઇને મેટરો આપો એટલે સમયસર ન મળે. એને બદલે ના પાડી દેવાથી મારા લેવલના કામો કરવાનો સમય આરામથી મળી રહેત. ખેર, દરેક ઓર્ગેનાઇઝેશનમાં આવું તો ચાલતું જ રહે છે.
ઘણા લોકોને એવી આદત હોય છે કે, કોઇપણ વ્યક્તિ કામ સોંપે તો ના પાડવી જ નહીં. હા, કરી આપીશજ કહે. પણ લાંબા સમય સુધી એ કામ હાથ પર જ ન લે. હકીકતે બધાને હા પાડવાને લીધે તેઓ પોતાના જરૂરી અને રૂટિન કામો પ્રત્યે પણ બેદરકાર બની જાય. લાંબા સમયે બેદરકારી તેમનો સ્વભાવ બની જતો હોય છે. જેમણે કામ સોંપ્યું હોય તેઓ યાદ કરાવે તો હા કરી આપીશનુંજ રટણ કરે. પેલો સામેથી કહે, રહેવા દો હું કરી નાંખીશ. તો ધરાર ના પાડી ના હુંજ કામ કરીશ એવો દુરાગ્રહ રાખે. આની પાછળ કદાચ તેઓ એવું માનતા હોય કે, સાવ કામ ન કરવાથી તે નારાજ થઇ જશે. વાસ્તવિકતા તેનાથી સાવ ઉલ્ટી જ હોય છે. જો, તેઓ સમયસર કહી, દે સોરી, પણ હું તમારું કામ પુરૂં કરી શકું એમ નથી તો તેનાથી તેની વિશ્વસનિયતા વધી જાય છે. અથવા કામ સોંપાય ત્યારે જ ના પાડી દે કે, માફ કરજો, મારી પાસે અત્યારે આટલું કામ પહેલાંથીજ પેન્ડીંગ છે. એ પૂરા થાય પછી જ હું નવું કામ હાથ પર લઇશ. તો તેના પ્રત્યે લોકોને માન વધી જાય. કદાચ બીજી વખત લોકો એડવાન્સમાં તેની પાસેજ કામ કરાવવાનો આગ્રહ પણ રાખે. પણ જો કામ લેતા પહેલાં ના ન પાડી શકે એને તો કોઇપણ વ્યક્તિ બીજી વખત કામ સોંપવાનું પસંદ નજ કરે.
વર્ષો પહેલાં હું જ્યા કાયમ કપડાં સીવડાવતો એ દરજીને મેં દિવાળી વખતે કપડાં સીવવા આપ્યા. યોગાનુયોગે એ વર્ષે તેની પાસે દિવાળીએ પહેરવાની જોડી સીવડાવવાવાળા ખુબ આવ્યા. પેલા ભાઇ કાયમી ગ્રાહકને ક્યાં ના પાડવી એમ માનીને બધાને હા પાડતાજ રહ્યા. પરિણામ ? મારી પોતાની જોડી બેસતા વર્ષે વ્હેલી સવારે 6 વાગ્યે હું લેવા ગયો ત્યારે પહેરી શક્યો. દિવાળીની આખી રાત કેટલાય ગ્રાહકો ફટાકડા ફોડવાને બદલે તેની દુકાને બેઠા રહ્યા. અસંખ્ય ગ્રાહકો જેમને તેઓ સમજાવી શકતા હતા એમને લાભ પાંચમ અથવા ભાઇબીજના કે પછી કપડાંની જોડી લઇ જવા રીતસરનું કરગરવું પડ્યું. જો, તેમણે પોતાની જોડી સમયસર આપી શકવાની ક્ષમતાને ધ્યાને રાખી હોત તો આવી સ્થિતી ન ઉભી થાત. અલબત્ત, ત્યારપછી તો એ ભાઇ પણ દર દિવાળીએ બધાને સ્પષ્ટ કહેતા થયા કે, ભાઇ હવે માફ કરજો. હવે દિવાળી પછી જોડી સિવાઇને આવશે. આનાથી ગ્રાહકોનો તેમાં ભરોસો જળવાઇ રહ્યો છે. હવે તો હું રેડીમેઇડ કપડાં વધુ પહેરું છું. પણ આજની તારીખે મારે જો ક્યારેક મારી સ્ટાઇલ પ્રમાણે કપડાં સીવડાવવા હોય તો તેની પાસેજ સીવડાવું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે, જો તમારાથી કોઇ કામ થઇ શકે એમ હોય તો જ તે કામ હાથ પર લો. સામી વ્યક્તિને સારું લગાડવા હા પાડશો તો ચોક્કસપણે તેનો વિશ્વાસ ગુમાવી બેસવાનો જ વારો આવશે. એના કરતાં ના પાડી દેવી સારી.
આવો જ કિસ્સો એમ એક મોચીનો છે. વર્ષો પહેલાં મારા પપ્પા અમને એની દુકાને લઇ જતા. તેઓ જાતે જ બુટ, ચંપલ, સેન્ડલ સીવી આપતા. ધીમે ધીમે હું કમાતો થયો અને મારી પસંદગીની ડિઝાઇનના બુટ માટે જતો થયો. એમાં બે વખત એવું થયું કે, તેમણે મને બુટ માટે ત્રણેક વખત મુદ્દતો આપી. ફલાણી તારીખે આવજો, બે દિવસ પછી આવજો. અઠવાડિયા પછી તો થઇ જ જશે. આખરે તેમણે આપેલી છેલ્લી મુદ્દત પછી મને એવા બુટ દેખાડ્યા જે મેં કહેલી ડિઝાઇન તો ઠીક એ કલરના પણ નહોતા. હકીકતે એ બુટ તેમણે બનાવ્યા પણ નહોતા. મેં ખુબ પ્રેશર કર્યું એટલે બીજેથી લાવીને મને આપ્યા. મારો પિત્તો છટક્યો. એ બુટ તો ન જ લીધા. ત્યારપછી જીંદગીમાં ક્યારેય તેની દુકાનેથી બુટ, ચંપલ કે સેન્ડલ નથી લીધા. થોડા વર્ષો પછી બીજેથી હું બુટ, ચંપલ લેતો થયો. અને ત્યાંથી સંતોષજનક ડિઝાઇન મળી રહે છે. મારી પસંદગીની ડિઝાઇન કે કલર ન હોય અને આવવાનો હોય તો જ તે થોડા દિવસ ખમી જવા કહે. બાકી પ્રેમપૂર્વક કહી દે કે, એ ડિઝાઇન એક્સક્લુઝીવ છે. હવે નથી. થોડા વર્ષો પછી ખબર પડી કે, હું જ્યાંથી બુટ-ચંપલ ખરીદુ છું એતો પેલાનો સગો ભાઇ છે. બંને વચ્ચે કેટલો ફરક. એક પ્રત્યે મારો વિશ્વાસ એવો તૂટ્યો કે, બીજી વાર જવાનું નામ નથી લીધું. અને બીજા પ્રત્યે એવો વિશ્વાસ કે, બુટ-ચંપલની ડિઝાઇનમાં હું બાંધછોડ કરું પણ લેવાનો આગ્રહ તો ત્યાંથીજ રાખું. ખુબીની વાત અે છે કે, તેનો ભાવ પણ તેના ભાઇ કરતાં વધુ છે. પણ વિશ્વસનિયતા વધુ છે.
આવું જ કામની યોગ્યતાના મામલે હોય છે. જો તમે કોઈ ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોવ તો તમારે અયોગ્ય કામની ના પાડતાં શીખવું જ પડશે. તમારી પાસે પાવરફુલ, ઉંચો હોદ્દો ધરાવતા કે પછી તમારા બોસ જ કેમ ન હોય. ખોટું કામ કરવાની ના પાડવાથી ખુદ જેનું કામ તમારે લીધે અટકી ગયું હશે અથવા તેને મોટું આર્થિક નુકસાન વેઠવું પડયું હશે તો પણ એ વ્યક્તિને તમારા પ્રત્યે એક આદર તો થશે જ. આ પ્રકારના અનેક અનુભવો મને થઈ ચૂક્યા છે.