ડિગ્રી નહીં, કામ જ જીતાડશે Nimish Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડિગ્રી નહીં, કામ જ જીતાડશે

મિત્રો, આજે ડિગ્રી તમે કદાચ આસાનીથી મેળવી લેશો. પણ ત્યાંથીજ તમારી જીંદગીનો જંગ પણ શરૂ થઇ જશે. કારણકે, તમારી સાથે અને એટલીજ સહેલાઇથી જેમણે એ ડિગ્રી મેળવી હશે એ પણ તમારી જેમ કેન્ડીડેટ એટલેકે, ઉમેદવારની લાઇનમાં આવી જશે. કેરિયરનાં ઘણાં ક્ષેત્રો છે. પણ અત્યારના સમયમાં મોટાભાગનું ફોકસ નોકરી પર હોય છે. એટલે આપણે નોકરીનીજ વાત કરીએ.

  • એક વાત યાદ રાખજો. જે ડિગ્રી મેળવવામાં એટલેકે, ભણવામાં સહેલી એજ ડિગ્રી નોકરી મેળવવામાં અઘરી. એથી ઉલ્ટું જે ડિગ્રી મેળવવામાં મહેનત માંગી લે એજ ડિગ્રી નોકરી સહેલાઇથી મેળવી આપે. આપણે બીએ, બીકોમને અહી સહેલાઇથી અથવા ભણવામાં સામાન્ય મહેનતથી મળતી ડિગ્રી કહીશું. હા, જો તમે ડિગ્રી સાથે કોઇને કોઇ આર્થિક ઉપાર્જનને લગતું કામ કર્યું હોય તો તમને નોકરી મળવાના ચાન્સ વધી જાય છે. યાદ રાખજો અહીં આપણે સરકારી નોકરીની વાત નથી કરતા. પ્રાઇવેટ સેક્ટરનીજ વાત કરીએ છીએ. ઉદાહરણ તરીકે તમે બીએ કે બીકોમ થયા છો. કદાચ માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી લીધી. ત્યારપછી છાપામાં જાહેરાત વાંચીને અથવા સોશ્યલ મીડિયા થકી માહિતી મેળવીને કોઇ કંપનીમાં પહોંચી જાવ છો. સ્વાભાવિક રીતેજ તમારા જેવીજ ડિગ્રી ધરાવતા અનેક લોકો હશેજ. કદાચ તમારાથી સારી ડિગ્રી ધરાવતા પણ હોઇ શકે. મારી કંપનીમાં એક એમબીએ વીથ માર્કેટીંગ થયેલો યુવાન ઓફિસબોય એટલેકે, પ્યુન તરીકે 2 વર્ષથી કામ કરે છે. અને કદાચ સારું કામ કરે છે. એટલે પ્રાઇવેટમાં પણ કેટલી હરિફાઇ છે એ વિચારી લેજો. જો તમે ફ્રેશર હશો તો કદાચ ઇન્ટરવ્યુઅર તમારામાં વધુ રસ દાખવશે. એ વખતે તમારી પાસે જો ભણતા ભણતા કોઇ નાની સરખી પાર્ટટાઇમ જોબ કે બીજું કોઇ આર્થિક ઉપાર્જનનું કામ કર્યું હશે તો એ તમારો સ્કોર ઉંચો લઇ જશે. બની શકે તમારી જ ફેકલ્ટીનો કોઇ ગોલ્ડ મેડલિસ્ટ પણ ઇન્ટરવ્યુ આપવા આવ્યો હોય. પણ જો તેની પાસે કામનો અનુભવ નહીં હોય અને તમારી પાસે થોડો પણ અનુભવ હશે તો તમારો સિલેક્ટ થવાનો ચાન્સ વધી જશે. એક વાત ખાસ યાદ રાખજો, કોમ્પ્યુટર ઓપરેટર, પ્યુન, ડિલીવરીમેન, કે આસીસ્ટન્ટ જેવી જોબમાં ઇન્ટરવ્યુઅર ગોલ્ડ મેડલિસ્ટને લેવાનું પસંદ નહીં જ કરે. તે જાણતો હોય કે ગોલ્ડ મેડલિસ્ટને થોડો ઇગો હોય, અને આવા કામો તેના માટે તુચ્છ ગણાય. આથી એ મન લગાવીને કામ કરે એવી શક્યતા બહુ ઓછી હોય. હા, કેન્ડીડેટની આર્થિક સ્થિતી અતિશય નબળી હોય અને તેના માટે કોઇપણ કામ મેળવવાનું અતિ આવશ્યક હોય તો જુદી વાત છે. પણ એ વાત કેન્ડીડેટે કોઇક રીતે ઇન્ટર્વયુઅરના મનમાં ઉતારવી પડે તોજ કામ બને. જો તમે કોઇ કામ કર્યું હોય તો સ્વાભાવિકરીતેજ ઇન્ટરવ્યુઅર તમને શું કામ કર્યું, કેવી રીતે કર્યું, પછી એ કામમાં આગળ કેમ ના વધ્યા, આવા બધા સવાલો પૂછી શકે. એમાં જો તમે કોઇ ચેલેન્જ ઉઠાવી હોય, વિતરીત સંજોગોમાં કોઇ કામ સફળતાપૂર્વક પાર પાડ્યું હોય તો એ તમારા માટે પ્લસ પોઇન્ટ કહેવાય. ઉદાહરણ તરીકે હું જે અખબારમાં કામ કરું છું ત્યાં ડીટીપી ઇન્ચાર્જ વર્ષોથી કામ કરે છે. એ પૂરું 10 મું પાસ નથી. બીજો એક ઓપરેટર હમણાં એસએસસી પાસ થયો. આગળ ભણવાનું તેેણે માંડી વાળ્યું છે. અને તે કામમાં પાવરધો છે. અને બીજા વધુ ભણેલા ડિગ્રીવાળા છે પણ કામમાં એટલા ક્રિએટીવ કે ધગશવાળા નથી તેઓ વર્ષોથી ત્યાંના ત્યાંજ છે. ડીટીપી ઇન્ચાર્જ તો ઓપરેટર હતો ત્યારે એક વખત નોકરી છોડી ચૂક્યો હતો. અને પાછો આવ્યો ત્યારે તેને ડીટીપી ઇન્ચાર્જ બનાવાયો. કારણ ? તેનું કામ બોલતું હતું. આ હું સત્યઘટનાની વાત કરું છું કે જે મારી ઓફિસમાં બનેલી છે. જો તમે કોલેજ લેવલે ઇતર પ્રવૃત્તિમાં જોડાયા હોવ કે તેના આયોજનનો થોડો પણ અનુભવ હોય તો એ પણ પ્રોફેશ્નલ ફિલ્ડમાં સારી બાબત ગણાય. જીહા, ગોલ્ડ મેડલ કરતાં અધર એક્ટિવીટીઝની વેલ્યુ વધુ છે. પછી ભલે એમાં કોઇ કમાણી ન હોય. જેમકે, એનએસએસમાં જોડાયા હોવ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લીધો હોય, કોઇ ઇવેન્ટના અાયોજનની ટીમમાં તમે સામેલ થયા હોવ એમાં મંડપ, લાઇટ અને સાઉન્ડ, સ્ટેજ, એન્કરીંગ જેવા કામો કર્યો હોય તો માનજો એ તમારી પર્સનાલિટીના પ્લસ પોઇન્ટ છે. અરે સોવેનિયર તૈયાર કર્યું હોય, તેનું ડ્રાફ્ટીંગ કર્યું હોય, પત્રવ્યવહારની ભૂમિકા ભજવી હોય, કોઇ ઇવેન્ટની પ્રસિદ્ધિ માટે અખબારી પ્રેસનોટોનું ડ્રાફ્ટીંગ કર્યું હોય, કોઇ વિસ્તારની સમસ્યા વિશે સક્ષમ અધિકારીને પત્ર લખ્યો હોય તો આ બાબતો તમારી ફેવરમાં રહેશે. અને આ બધું નિસંકોચ ઇન્ટરવ્યુઅરને કહેવુંજ. બને તો તમારા રીઝ્યુમમાં તેને સ્થાન આપો. કોલેજની ટ્રીપમાં તમે બસ કે ટેક્સી ભાડે કરી હોય, હોટલ બુકીંગ, લંચ-ડીનરની વ્યવસ્થા સંભાળી હોય, આ બધાનું તમે જો જવાબદારીપૂર્વક લાયઝનીંગ કર્યું હોય અને સોલ્જરી ઉઘરાવી પેમેન્ટની જવાબદારી અદા કરી હોય તો ઉત્તમ. કોલેજની નાટક, કલ્ચરલ ઇવેન્ટમાં કોસ્ચ્યુમ, મેકઅપ, ફોટોગ્રાફી, કોરિયોગ્રાફર આ બધા અથવા કોઇ એક કામ કર્યું હોય તો પણ સારું. મિત્રો, આ બધા કામો તમારામાં કામ કરવાની ધગશ, દુનિયાદારીનો થોડોઘણો અનુભવ તમને છે એવું દર્શાવે છે. ભલે કોઇ કામમાં નિષ્ફળતા મળી હોય. તો એ કહેવામાં પણ સંકોચ ન રાખશો. કારણકે, તમે શા માટે નિષ્ફળ ગયા એ જાણવામાં ઇન્ટરવ્યુઅર કદાચ રસ લે તો પણ એટલું ચોક્કસ કે તમે તેના મનમાં તમે પ્રયત્ન કર્યો એવી છાપ જરૂર ઉભી કરી દેશે. જો એન્કરીંગનો અનુભવ હોય તો તમારી પર્સનાલિટીજ જુદી તરી આવશે. ઇન્ટરવ્યુઅરનો દૃષ્ટિકોણ તમારા પ્રત્યે બદલાઇ જઇ શકે. જો કોલેજમાં કોઇ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં તમે બધાને મદદ કરી હોય બધાનો રિપોર્ટ કોમ્પ્યુટરમાં ટાઇપ કરાવી, પેજ સેટીંગ અને બાઇન્ડીંગ વગેરે તમે માથે લઇને બીજાનું પણ પૂરું કરાવ્યું હોય તો એ પણ એક અનુભવ જ ગણાય. મિત્રો, જે જોબમાં બીએ, બીકોમ અથવા પ્રોફેશ્નલ ડિગ્રીનો અનુભવ ન માંગ્યો હોય એવા કામમાં તો માત્રને માત્ર તમારું કામઢાપણુંજ અગત્યનું બનશે. બની શકે કદાચ તમે કોઇજ કામ નથી કર્યું. તો એવા સંજોગોમાં પણ તમારામાં કોઇ કામની દાનત કેવીક છે એ જાણવાનો ઇન્ટર્વયુઅર જરૂર પ્રયત્ન કરશે. જો તમે ઇન્ટરવ્યુમાં ઉપરોક્ત મામલે ફીટ હોવ તો પછી તમે બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે કે નહીં, તમારી વાક્છટા કેવી છે એ બધું ગૌણ બની જાય છે. ઇન્ટરવ્યુ વખતે કોઇ બ્રાન્ડેડ કપડાં, મોંઘો મોબાઇલ, બાઇક પર આવી સ્ટાઇલથી વાતચીત કરતો હોય, પોતાના પિતા કે કોઇ વગદાર સગાં વિશે વાત કરતો હોય તો અેવાથી બહુ અંજાઇ ન જવું. હું જ્યારે મારા અખબારમાં ઇન્ટરવ્યુ માટે ગયો એ વખતે એક ભાઇ આવી જ રીતે વર્તતા હતા. પોતાના ભાઇ પાસે તેમણે ઇન્ટરવ્યુઅરને ફોન કરાવ્યો. એણે પાછું રીસેપ્શનીસ્ટને તેમનું નામ લઇને બોલાવવા કહ્યું, લેખિત પરીક્ષા તેમના વતી બીજાએ આપી. એ બધું જ તેઓ કરાવી શક્યા. પણ તેઓ સિલેક્ટ ન થયા. કારણ ? અખબારને તો જાતે કામ કરે એવો રિપોર્ટર જોઇતો હતો. વળી તેના અખબારી મૂલ્યો ઉંચા હતા. અને એ ભાઇના પેંતરાજ તેમના રીજેક્શન માટે કારણભૂત બન્યા. અેક વાત કહી દઉં. મારી પાસે જર્નાલિઝમની ડિગ્રી નહોતી. પણ હું જે નાના અખબારમાં કામ કરતો હતો ત્યાંનો 3 વર્ષનો અનુભવ હતો. હું કોઇને ઓળખતો પણ નહોતો. મારે મન તો એ અખબારમાં એક વખત ઇન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવે એ પણ મોટી અને જીંદગીભર યાદગાર બની રહે એવી વાત હતી. પણ હું સિલેક્ટ થઇ ગયો. ઇન્ટરવ્યુઅરે માત્ર મારું કામ જોયું. હા, જો તમે ભણવાની સાથે તમારા મમ્મી-પપ્પા કે ફેમિલી બીઝનેસમાં મદદ કરતા હોવ તો એ વાત પણ પ્રોફેશ્નલ અનુભવ કહેવાય. કારણકે, કોઇપણ કામ કરનાર વ્યક્તિને એ વખતે થતો અનુભવ તેના વિચારો અને કોઇ કામ કેવી રીતે કરાય તેના વિચારોનું ઘડતર થતું હોય છે. એનાથી તમારી એક પ્રકારની બોડી લેંગ્વેજ વિકસે છે. બોલવાની છટા આપોઆપ વિકાસ પામે. અને એજ બાબત તમને આગળ રાખે. તમે એક કહેવત સાંભળી હશે કામા વ્હાલા લાગે, ધામા દવલા લાગે. નોકરીએ રાખનાર દુનિયાની મોટામાં મોટી કંપનીને પણ કામ કરનાર માણસજ ખપે. સાથે ટેલેન્ટ હોય તો ઉત્તમ. પણ ફક્ત ટેલેન્ટ હોય અને કામ કરવાની દાનત ન હોય તો કંપનીને તમારી કોઇ જ જરૂર નથી.
  • નિમીષ ઠાકર (ફીડબેક વોટ્સએપ પર જરૂર શેર કરશો. મો. 982561222)