મંજુ ૫ Nivarozin Rajkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંજુ ૫

અડધે ગળે પહોચેલું પાણી અંતરસમાં અટવાઈ ગયું અને ગ્લાસ પડતો મૂકી ….ઉધરસ ખાતા ખાતા …લાલધૂમ થઇ રહેલા ચહેરે બંસરીએ અરોરાઅંકલને ત્યાં જવા દોટ મૂકી ….

ત્યાં પહોંચતા એણે અંકલને ચિંતાતુર ચહેરે આગલા રૂમમાં બેઠેલા જોયા …..સામાન્ય સંજોગોમાં ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ વિશ કરતી બંસરી આજે સડસડાટ મંજુને મળવાની ઉતાવળમાં એ અંદરના રૂમમાં ધસી ગઈ …..માથામાં પાટાપીંડી….મોં પર અનેક નિશાનો ….હાથ પર અને કાંડા પાસે પટ્ટીઓ સાથે મંજુ સુતેલી જોઈ એનું હ્રદય બે ધડકારા ચુકી ગયું …..એને આવેલી જોઈ આંટી એનો હાથ પકડી બહાર લઇ આવ્યા . ધ્રુજતા પણ ધીરા અવાજે બંસરીએ સવાલભરી નજરે બંને સામે જોઈ પૂછ્યું ..”
આ શું થયું ? કેવી રીતે થયું ? ”
બંસરી કશુંય નહી જાણતી હોય એવા સંકોચ સાથે અંકલે કહ્યું”
એના મમ્મી જોડે બોલાચાલી થઇ હતી ..એવું લાગે છે ….”

“ઉફ્ફ્ફ્ફ …એમ બોલાચાલીમાં આટલું બધું ? ” પણ બંસરી જૂની વાતો ‘હું કહું કે નહી’એની અવઢવમાં આઘાતથી ઉભી જ રહી .અંદરથી મંજુના કણસવાનો અવાજ આવ્યો એટલે એની પાસે જવા ત્રણેય દોડ્યા ….બંસરીને સામે જોઈ મંજુની આંખોમાંથી આંસુ ફૂટી નીકળ્યા ….કશુંક બોલવા હોઠ ફફડ્યા પણ” હમણાં ન બોલ” એવું કહેતા એની હથેલી અડવા જતા મંજુ ચીસ પાડી ઉઠી …બંસરીએ જોયું તો હથેલીમાં કાળા ચક્કામાં અને ફરફોલા ઉઠી આવ્યા હતા ….એક ઝાટકે હાથ હટાવી એણે અંકલ સામે જોયું તો એમની આંખમાં પીડાની ટશરો ફૂટી આવેલી દેખાઈ …..મોં પર હાથ દબાવી બંસરી હિબકે ચડી ગઈ ….આંટીએ એના માથે હાથ મૂકી સાંત્વના આપવા માંડ્યું ….. મંજુના પપ્પા ૧૦ દિવસ માટે વતન ગયા હતા અને હજુ ૪ દિવસ પછી આવશે એ ખબર પડી .

આખો દિવસ બંસરી મંજુની પાસે જ બેઠી રહી …..થોડી થોડી વારે પીડાથી સિસકારા ભરતી મંજુને જોઈ કૈક અંશે બળવાખોર બંસરી ઉકળી ઉઠતી હતી …લગભગ અઢીથી પોણા ત્રણ વરસ પછી ફરી પાછુ એવું તો શું થયું કે મંજુની આવી હાલત થઇ ગઈ એ બંસરીને સમજાયું નહિ .

પણ પછી અંકલે જે કહ્યું તે સાંભળી બંસરીને મંજુની રીતસર દયા આવી ગઈ ……માથા પરથી લોહી નીકળતી હાલતે એ છોકરી એના ઘરના દરવાજાની બહાર બેભાન પડી હતી ….પોલીસ કેસના ડરે થોડી વાર મસલત કરી કોઈ એક પર આરોપ કે જવાબદારી ન આવે માટે ….આ ઘરનાં કલેશ અને ઝગડાઓ વિષે જાણતા ….બધા પાડોશીઓ મળીને એને દવાખાને લઇ ગયા હતા …અને મંજુના પપ્પા આવે પછી જરૂર પોલીસને જણાવીશું એવું એક પાડોશીના ઓળખીતા ડોક્ટરને સમજાવી શક્યા હતા …. અરોરાઅંકલના ઘરે એક છોકરો આ સમાચાર આપી ગયો હતો …એના બંને હાથ અને માથા પર પર અસંખ્ય ઘા શાના છે એ હજુ સમજાતું ન હતું ……હથેળી પર તો ડામ જેવા જ ઝખ્મો હતા .

એને કેટલું દુખતું હશે એ વિચારે લાગણીશીલ બંસરી થોડી થોડી વારે રડી પડતી હતી . પણ મંજુની હાલત વધુ બોલી શકે એવી હતી જ નહિ કે એ બંને એકબીજા સાથે વાત કરે. રાત પડતા બંસરીને પરાણે એના ઘરે મોકલી આપી અને આરામ કરી કાલે આખો દિવસ અહી જ રહેવા આશ્વાસન આપ્યું …સાવ કમને બંસરી પોતાના ઘરે ગઈ અને સુનમુન બેઠી રહી ….બા એ દિવસોમાં જાત્રા કરવા ગયા હોવાથી ભાભીએ હઠ કરીને થોડું જમાડ્યું .અને એ રાતે એ બંસરીની પાસે જ સુઈ રહી .

અજંપાભરી રાત જેમતેમ પસાર કરી સવાર પડતા જ બંસરી પાછી મંજુ પાસે આવીને બેસી ગઈ …આજે મંજુ જમણી આંખ ખોલી શકી અને ડાબી આંખ કાળા ચક્કામાંથી ઘેરાઈ ગઈ હતી . ૧૮ વર્ષની બંસરી માટે આવા ઝખ્મો અને વેદના જોવા ઘણું આકરું હતું . પણ દર્દ વ્હેચવાનો તો પહેલેથી સંબંધ બંધાઈ ગયો હતો ને …!!! ” ક્યાં શબ્દોમાં હું મંજુને આ બધું પૂછું ? અત્યારે જ પૂછું ? પણ એ ઠીક રહેશે ?” એવા વિચારોમાં બંસરી ફસાઈ ગઈ હતી .

બંસરીના હાથે થોડું વેજીટેબલ સૂપ પીધા પછી મંજુએ રડતા રડતા વાત કરી …… કોલેજના દિવસોમાં ઠાવકી બનેલી મંજુએ મમ્મી સાથે ઓછામાં ઓછું બોલી પોતાના કામથી કામ રાખવાનું શરુ કર્યું હતું …વાંકમાં આવતી ન હોવાથી ઘરમાં એકંદરે શાંતિ જળવાઈ રહી હતી ….. મંજુની મમ્મી એના માબાપનું એક જ સંતાન હતી એટલે અંજુ અને મંજુના ભાગે આવેલી લખલુંટ મિલકતની લાલચે નવી મમ્મી પોતાના ફોઈના દીકરા સાથે ચોકઠું બેસાડવાની વેતરણમાં હતી ….એટલે વ્હાલ અને મદદનું નાટક શરુ થયું હતું ….પણ મંજુને ઉદય પ્રત્યે લાગણી છે એ જાણી એના પપ્પાએ ખાનગીમાં ઉદયને મંજુ સાથે લગ્ન કરી લેવા સમજાવ્યો હતો ….આ વાતની જાણ મમ્મીને થઇ જતા બધી સમસ્યા ઉભી થઇ હતી ……પપ્પાની ગેરહાજરીમાં લગ્ન માટે હા પાડવા દબાણ કરતા …. ..

અસહ્ય જુલમ અને અન્યાયોથી કંટાળેલી મંજુએ જીવનમાં પહેલી વાર બહિષ્કાર કર્યો હતો ….અને એને દલીલ કરતા જોઈ ગુસ્સામાં પાગલ થયેલી મમ્મીએ પપ્પાની ગેરહાજરીમાં આટલી મારઝૂડ કરી હતી ….મંજુના મોં પર કપડું બાંધી એના હાથે સાણસીથી ચીટીયા ભરવામાં આવ્યા હતા ….ઓહ ….ગરમ તવેથાથી બંને હાથ પર ડામ દીધા હતા ….અને માથા પર સાણસીથી અસંખ્ય ઘા કરવામાં આવ્યા હતા … આ ક્રૂર આખા ખેલ દરમ્યાન ત્રણે બાળકો સ્કુલે ગયા હતા .

…. ઉફ્ફ્ફ ….અને આટલું બધું થયું છતાં “છોકરીને પાછી મૂકી જાઓ ..એના પપ્પા આવે એ પહેલા” …એવો એક સંદેશો અરોરાઅંકલ સુધી પહોંચાડી એ સ્ત્રીએ પોતાની ફરજ બજાવી લીધી હતી ……એ સખ્ત નવાઈ અને નફરત થઇ આવે એવું હતું …..પણ કોઈ કાળે મંજુ ત્યાં જવા શારીરિક અને માનસિક રીતે પણ તૈયાર જ ન હતી એટલે અને ..ધીમે રહીને બંસરીએ સ્કુલના દિવસોની વાત અંકલ આંટીને કરી દીધી ..સામાન્ય રીતે મિલનસાર લાગતી એ સ્ત્રી આટલી હદે ખતરનાક હશે …માનસિક રોગી જેવી હશે એ વિશ્વાસ કરવાનું એ બે સહ્રદયી જીવો માટે આકરું હતું ..એક નવું જ પાત્ર ….એક નવું રૂપ એમની નજરે પડી રહ્યું હતું …એટલે અંકલે એ સંદેશાનો કોઈ જવાબ જ ન આપ્યો.

એ પછીના ત્રણ દિવસ કોલેજમાં થતા ગોટાળા અને બીજી બહેનપણીઓના કિસ્સાઓ કહી મંજુને હસાવી ખુશ રાખવાનું …હળવી બનાવ્યે રાખવાનું બીડું બંસરીએ ઉઠાવી લીધું . એ રીતે એના શરીર ઉપરાંત મનના ઘા પર ડ્રેસિંગ કરવાનું કામ પણ ….પપ્પા આવે ત્યાં સુધી બધી જવાબદારી અંકલની હતી પણ મંજુની પીડા અને કેફિયત સાંભળી એ ગુસ્સામાં તો હતા જ પણ હવે મંજુને એ ઘરે પાછા મોકલવી બહુ મોટો ખતરો છે એવું પણ આંટી સાથે ચર્ચા કરતા હતા . મિત્રની કૌટુંબિક બાબતોમાં ચુંચુંપાત કેટલી હદે યોગ્ય રહેશે એ વાતે મુંજાયા પણ કરતા હતા …

અને કાલે સવારે પપ્પા આવે છે એ જાણી મંજુ મિશ્ર ભાવોથી ઘેરાઈ ગઈ …. પાછુ એ ઘરમાં જવાનું થશે એ વિચારે એ ધ્રુજી જતી હતી ……પણ “એ તારા પપ્પા છે …એ તો તારા અને ઉદયના સંબંધ માટે રાજી છે એટલે તું ચિંતા ન કરીશ..અને તારે અહીં જેટલું રહેવું હોય તેટલું રહેવાની છૂટ છે બસ એક વાર તારા પપ્પા આવી જાય ..!!” એવું સાંત્વના અંકલ-આંટી એને આપ્યા કરતા …. બધી વાતનો આખરી ફેસલો મંજુના પપ્પા જ લઇ શકશે અને એ નિર્ણય શું હશે એ વિચારે બધા અનેક તર્કો કરતા હતા ….અને છેલ્લા ચાર દિવસથી ઉદય પણ દેખાતો ન હોવાથી મંજુની ઈચ્છા છતાં એ બંનેની કોઈ વાત કરાવી ન શક્યાનો ખટકો પણ લાગી રહ્યો હતો … પણ ઉદય વિષે જાણી ન જાણે કેમ બંસરીના મનમાં અનેક શંકા કુશંકા સાથે એક અજાણ્યો ગભરાટ છવાયો હતો અને એની રહી સહી આશા ડૂબતી દેખાઈ રહી હતી …!!



ક્રમશ :