Lohi Naa Alinghan Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Lohi Naa Alinghan

લોહીનાં આલીંગન

ઝવેરચંદ મેઘાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

•પત્ર : ૧૯૧૬

૧. પધારો !

•સ્વાનુભવ : ૧૯ર૯-’૩૦

૧. જોખમમાં જીવવાની મોજ

•નવલિકાઓ

૧. બદમાશ

૨. જલ્લાદનું હૃદય

૩. દેવનો પૂજારી

•નવલકથાઓ

૧. પ્રભુ પધાર્યા

૨. હુલ્લડ

૩. પ્રેમ-મંત્ર

૪. રા ગંગાજળિયો

૫. ઝેરનો કટોરો

૫. ન્યાય

૬. ગુજરાતનો જય

૭. બે જ માગણીઓ

•લોકકથાઓ ઉપર આધારિત વાર્તાઓ - લેખ

૧. કાંધલજી મેર

૨. વલીમામદ આરબ

૩. દીકરાનો મારનાર

૪. એક અબળાને કારણે

૫. પ્રેમમાર્ગના પ્રવાસી (અગ્રંથસ્થ લેખ)

•પ્રવાસાનુભવ

૧. માણસાઈના દીવા

૨. ‘કોણ ચોર ! કોણ શાહુકાર !’ની લીલાભૂમિ

•ટાંચણપોથીનાં પાનાં (સંકલિત)

૧. પાનખાનાન નવાબ - ગગુભાઈ લીલા

૨. ગીગાભગત - સૂરા બારોટ

૩. જૂઠીબાઈ ખોજણ - વાલજી ઠક્કર

૪. રાણા આલા મલેક

૫. સંધી પસાયતો

૬. માદાર ગુલમહમદ

•બહારવટિયા - સંશોધન

૧. જોગીદાસ ખુમાણ : મુંજાવર મુરાદશા

૨. જેસાજી-વેજાજી : હુરમ બહેન

૩. ભીમો જત : ગેબનશા પીર

૪. જોધો-મૂળુ માણેક : ‘નહીં હટેગા’

•કુરબાનીની કથાઓ

૧. સાચો બ્રાહ્મણ

૨. પ્રભુની ભેટ

૩. ન્યાયાધીશ

૪. પૂજારિણી

૧. પત્ર : ૧૯૧૬

પધારો !

(‘લિ. હું આવું છું’)

પધારો !

પધારો ! પ્રભાનાથ ! પધારો ! અમારી માતાઓ અને બહેનો આજે તો આંસુડે ઓવારણાં લે છે, આદિત્યદેવ ! પૂજામાં પુષ્પ નથી મળ્યાં, નાથ ! અમારી ભસ્મીભૂત વાડીમાં કરુણાનાં એક-બે કિરણો ઉતારજો, પ્રભુ ! કે પછી પ્રભાતે-પ્રભાતે પુષ્પનાં જ સ્વાગત દેવાય, દિનેશ !

સ્વર્ગમાંથી સંદેશો લાવ્યા છો દેવ ? શાંતિનો છેલ્લો શબ્દ ક્યારે ઊતરશે દયાલુ? હવે કાંઈ ધર્મની ગ્લાનિ અધૂરી છે પિતા ? પૃથ્વીનાં ફૂલ સમાં સંતાનોનું યુદ્ધની વિકરાલ અગ્નિમાં બલિદાન દેવાય ને ચોધાર આંસુ રેડતા માતા પત્નીઓનાં હૈયાં ચિરાઈ જાય એ દુખ જગતને ક્યાં સુધી જોવાં બાકી છે પ્રભાવી ?

હૃદયનિવાસી પરમાત્મા ! જાગૃત થા ! બિચારાં બંધુજનો હવે તો ત્હારી ગિલા કરે છે. તેજસ્વી ! સત્વર પ્રકટ થા ! ત્હારા અપૂર્વ તેજનું દર્શન કરાવ ! વૈરીનાં વૈરને વિદારી દે ! લાગણીનાં બંધનો ભેદી નાખ ! અમારાં અંતઃકરણની ગાદી પર ઊભો થા ! ત્હારા મહાન બાહુને એક વાર ઊંચો કરી દે કે દુનિયાને સંતાપતી દુષ્ટતા સત્વર સ્તબ્ધ બની જાય !

વહાલાં દીન બંધુડાં ! આશ્વાસન લ્યો ! આપણો આશાનાથ આવે છે ! શરમાશો નહીં ! શ્રીમાનોના સુવર્ણમય ગાલીચા કરતાં આપણી ફાટેલ ગોદડી એ દિવ્ય મહેમાનને અધિક વહાલી છે, પ્યારાંઓ ! વિશુદ્ધ હૃદયનું પુષ્પ લેજો ! પ્રીતિનું એક અશ્રુ-બિન્દુ એ ફૂલ પર મેલજો, ને આપણા હૃદયરાજને ખોળે એનું સમર્પણ કરજો વહાલાંઓ ! તમારી ભેટ પ્રથમ સ્વીકાર પામશે, પ્રિયજનો !

સુખિયાં બંધુજનો ! કાંઈ તૈયારી કીધી છે ? અતિથિ અચાનક આવી ક્યાં ઊભો રહેશે ? હૃદયમાં સ્થાન રાખ્યું છે ? આતિથ્ય શાનું કરશો ? ભોળાઓ ! હીરામોતીની ભેટને તો સ્વામી તિરસ્કારે છે હો ! કોહિનૂર પ્રતિ પણ એને આસક્તિ નથી. એ યોગી તો માત્ર આત્મભોગની ભિક્ષા માગે છે, દાનવીરો !

ઇસ્લામી બિરાદરો ! પેગમ્બર આવે છે, ખુદાનો પેગાર સાથે લાવે છે કે મ્હારાં બચ્ચાંને કાફર કહેશો નહીં ! ગુસ્સાનું ખંજર ઉગામશો નહીં. નિર્દોષને ગળે છૂરી ચલાવશો નહીં, અગર મ્હારું દિલ દુખાશે, બચ્ચાંઓ ! હાથ સાથે હાથ મિલાવજો ! જિગરથી ચાંપજો! આંસુમાં આંસુ મિલાવજો. આલમ આખી મ્હારી છે ! રહેમત મને પ્યારી છે; પશુનો પણ હું પિતા છું, પાલક છું પરવરદેગાર છું. પ્યારાંઓ ! આમીન !

ર. સ્વાનુભવ : ૧૯ર૯-’૩૦

જોખમની વચ્ચે જીવવાની મોજ

(‘છેલ્લું પ્રયાણ’)

જ્ઞાનપ્રચારક મંડળીવાળું વ્યાખ્યાન આપવા મુંબઈ જતો હતો. વઢવાણથી એક સ્નેહીનાં પુત્રી અને એમનું ધાવણું બાળક સાથે થયાં. હું ઘરનો જ સથવારો સાંપડ્યો. સ્નેહીનાં પત્ની નચિંત બન્યાં. કહે, તાર કર્યો છે, જમાઈ સ્ટેશને આવશે.

વળતી સવારે ગ્રાંટરોડ ઊતર્યાં, સામે કોઈ આવેલું નહોતું. વિક્ટોરિયા કરી. આઠ જ આનામાં વિક્ટોરિયાવાળો મુસ્લિમ છેક ભીંડીબજાર આવવા તત્પર બન્યો ! ગાડી ચાલી. માર્ગ મોટે ભાગે સૂમસામ પણ કારણ પૂછવા-જાણવાનું ઓસાણ જ ન ચડ્યું. મહમદઅલી રોડ પર આવ્યાં તો પણ પરિસ્થિતિની વિચિત્રતા વિચારમાં ન આવી. વિક્ટોરિયા જુમામસ્જિદ નજીકના બે માળવાળા મકાન પર જઈ ઠેરી. પ્રવેશદ્વાર બંધ છે, આજુબાજુ બધા માળા બિડાયેલા છે, માર્ગ પર સૂનકાર છે, અવરજવર નામ નથી, છે ફક્ત સામે ઉઘાડી પડેલી ભોંય ઉપર લજ્જતથી ચૂપચાપ બેઠેલ કાળાં કપડાંવાળા સોએક શખ્સોનું ટોળું.

‘કોઈ બોલતું કાં નથી ? અરે ખોલો !’

જવાબ નથી જડતો. ગાડી ઊભી છે. સ્નેહીનાં પુત્રી ખોળામાં બાળક સાથે હજુ વિક્ટોરિયાની અંદર છે.

મારી નજર મકાનની બારીઓ પર પડી. બધી બંધ હતી. નજર અગાસીએ પહોંચી ત્યારે દેખાયા ધોતિયાં ને ખમીસભેર ખુલ્લે માથે ઊભેલા મૂંગા હિન્દુ મહોલ્લાવાસીઓ; એમાં આ બહેનના પતિને જોયા. કહ્યું, ‘અરે

ઉઘાડો તો ખરા...બહેનને લાવ્યો છું.’

જવાબ નથી દેતું કોઈ. મને સમજ પડતી નથી પરિસ્થિતિની. થોડી વાર રહીને એ ભાઈ નીચે આવે છે, બારણું ખોલે છે, પત્નીને ને બાળકને સામાન સહિત ચૂપચાપ અંદર લઈ લ્યે છે, કશું કહેવા થોભતા નથી. હું ગાડીવાળાને ભાડું ચૂકવી મારું બિસ્તર ખભે ભરાવી ચાલતો થાઉં છું. પેલા સોએક શખ્સો તાકતા ચૂપચાપ જ્યાં બેઠા છે ત્યાંથી જ મારો માર્ગ છે. એમાંનો એક ફક્ત એટલું જ પૂછે છે, ‘કેમ બાબુ, ઉપડાવવું છે બિસ્તર?’

‘ના,’ કહીને હું મહમદઅલી રોડ પર ચડું છું.

એ જ ક્ષણે એક ભાડૂતી મોટરગાડી ત્યાં નીકળે છે. થોડેક જઈને ઊભી રહે છે. ડોકું કાઢીને ડ્રાઇવર મને તદ્દન ધીરા અવાજે પૂછે છે, ‘ક્યાં જવું છે ?’

‘ધોબીગલીમાં.’

‘બેસી જાવ.’

‘કેમ ?’

‘ખબર નથી ? અહીં તો હુલ્લડ ચાલે છે. આ તો હુલ્લડનો અડ્ડો છે. આ બેઠા છે તેને જોતા નથી ? હમણાં તમારું કામ કાઢી નાખશે.’

પેલું ટોળું સળવળતું હતું. એ સળવળાટ તુરત શમી ગયો. અજાણ્યો ડ્રાઇવર મને એકદમ ગાડીની અંદર લઈ ધોબીગલીમાં ઉતારી ગયો. ત્યાં પણ વેરાન દશા હતી. નીચેના દરવાજા બંધ. ઉપર જોયું. ઊભા હતા મારા પિતરાઈ ભાઈ, મુંબઈના લોકસેવક ડૉક્ટર મેઘાણી, અને ચાર ખેતાણી ભાઈઓ.

મોટરવાળાને પૂછ્યું, ‘કેવા છો ?’

‘મુસલમાન.’

એ તો ગયો. માળો ઉઘાડી મિત્રોએ મને ઉપર લીધો. ઉપર જઈ જોઉં છું તો ચારેક જે ઘર હતાં તેમાં સ્ત્રીવર્ગ અને બાળકો હાજર નથી ! ‘એ બધાંને વગેસગે કરી આવીને અમે મરદો જ અંદર રહી રાંધીને ખાઈએ છીએ. ઘરમાં જે છે તેના પર ગુજારો ચાલે છે. આ ગલીમાં હિંદુ ધોબીઓ રહે છે. તેઓ મક્કમપણે અહીંથી હુલ્લડખોરોને વેગળા રાખી રહેલ છે અને અમારી સલામતીના ચોકીદાર બન્યા છે. તમે કેમ આવ્યા ?’

‘લોકસાહિત્યનું ભાષણ દેવા.’

‘અરે આજ તે કાંઈ ભાષણ હોતું હશે ? તમને ખબર નથી આપ્યા ?’

‘ના.’

‘પણ બંધ રાખ્યું જ હશે.’

‘મારે મંત્રીને ગ્રાંટરોડ પાસે પારસી કૉલોનીમાં પૂછી આવવું જોઈએ.’

‘શી રીતે જવાશે ?’

‘જવાશે મારા ગજવામાં આ છે,’ કહીને મેં મારી પરવાનાવાળી રીવોલ્વર કાઢીને દેખાડી.

ખોપરીમાં એક ખુમારી ભરી હતી. જતાં ને વળતાં, પગે ચાલતાં જે ગલીઓ વટાવતા હતા ત્યાં ત્યાં મારો હાથ છાતીના ડાબા પડખા પર કબજામાં અંદરની જેબ પર જતો હતો. કેટલો રોમાંચર સ્પર્શ ! ગિરનાં પરિભ્રમણોમાં સાથે ઘૂમેલી નાનકડી રિવૉલ્વરનો એ સ્પર્શ દેહમાં નખશિખ નવલું સ્પંદન જગાવતો હતો; આજે સમજું છે કે હુલ્લડખોર ટોળાંની વચ્ચે રિવૉલ્વર એના માલિકનો જાન બચાવી તો ભાગ્યે જ શકી હોત; છતાં એને

હાથમાં લઈને ઘોડો ચાંપતાં ચાંપતાં છ ગોળીબાર કરી દીધા પછી

પટકાવાની એક મોજ પડી હોત, અથવા કદાચ દગલબાજ છુરીના સપાટાએ આ હથિયાર બહાર કાઢવાનો યે સમય ન આપ્યો હોત, તે દિવસે દિલમાં રંચ માત્ર ફફડાટ ન હતો. મુકાબલાનો મોકો મળતાં, કતલખાનાના બકરા પેઠે નહીં જ મરવું પડે એવો એક મિજાજ મનનાં છિદ્રોને ભરી રહ્યો હતો. ‘લિવ ડેન્જરસલી : જોખમના ભય વચ્ચે જ દમ ઘૂંટો, દોસ્તો !’ એ સુભાષચંદ્રનું સૂત્ર લાખો કલેજાંને સર કરી ચૂક્યું છે એમાં આશ્ચર્ય નથી. તે દિવસની સહચરી રિવૉલ્વર આજે છાતી-સરસી નથી રહી છતાં એની યાદ પણ થીજેલા લોહીમાં થોડો અગ્નિરસ સીંચે છે. રાતે વ્યાખ્યાન બરાબર પતાવી કાઠિયાવાડ મેઈલમાં મુંબઈ છોડ્યું. તે પછી હુલ્લડ વધુ સળગી ઊઠ્યું.

૩. નવલિકાઓ

બદમાશ

(‘મેઘાણીની નવલિકાઓ’ ભાગ-ર)

આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને રામલાલે બારીમાંથી જ અંદર ફગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાં ઊઠી પેટી તથા બાબો સંભાળ્યા ત્યાં તો ટ્રેઇન સ્ટેશન-યાર્ડને વટાવી ગઈ.

ખાલી પડેલા પ્લૅટફૉર્મ પર જે કોઈ આ દૃશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી, “સા’બલોકના પોરિયા થઈ ગયા બધા ! ‘પંક્ચ્યુઅલ’ ટાઇમ પર જ આવનારા !”

“ને પછી બૈરું કોને ભળાવે છે તેનો ય વિચાર ન કરે !”

આ વાકયે રામલાલને ચમકાવ્યો. ડબામાં કોણ હતું ? પોતે કોને ભલામણ કરી હતી ? યાદદાસ્તને નિચોવી.

એના નાકને દેશી બીડીના ગોટેગોટ ધુમાડાની દુર્ગંધ યાદ આવી; એના કાન પર આઠ-દસ ઘોઘરા અવાજોમાંથી ગલીચ વાક્યોના ટુકડા અફળાયા. એની આંખોને સ્પષ્ટ કોઈ ચહેરો પકડ્યો નહોતો; માત્ર જે અસ્પષ્ટ આકારો આંખો સામે ઘૂમતા હતા તેમાં કાળી ટોપી, કાળી દાઢી, કાળી લુંગી વગેરેની કાળાશ જ વધુ જોર કરી મન પર એક કાળી ચિંતાનું વાદળું રચતી હતી. ફાટકમાંથી બહાર નીકળતાં એક જાણીતા ગૃહસ્થે રામલાલને પૂછ્યું, “સંગાથ કોણ હતો, રામલાલભાઈ ?”

“સંગાથ તો કોઈ ન મળ્યો.”

“ત્યારે તમે કોને કહેતા’તા કે ભાઈ, આ બચ્ચાંનું ધ્યાન રાખજો ?”

“મેં કહ્યું ખરું... પણ કોને કહ્યું તેનું તો મને ય ભાન નથી.”

“આટલી ઉતાવળ નહોતી કરવી; કાલે મોકલવાં’તાં.”

“હવે મને પસ્તાવો થાય છે.”

“કોણ જાણે, આપણાં લોકો આગગાડીને દેખીને ભુરાંટાં જ થાય છે, ભુરાંટાં.”

‘ભુરાંટાં’ શબ્દ રામલાલની છાતી સોંસરો ગયો. એ કાઠિયાવાડી ગલોફામાંથી છૂટેલ શબ્દમાં રામલાલના આ આચરણનું આબેહૂબ ચિત્ર હતું. લાલ લૂગડું દેખીને ગોધો વકરે, ઊંટને ભાળીને ભેંસ વીફરે, મિલ-માલિકને જોતાં મજૂર-નેતા ચમકે, તેમ જ રામલાલ રેલગાડીના ગાર્ડ-ડબાનું લાલ ફાનસ ચલાયમાન થયું જોઈ પાગલ બની ગયો - એટલો બધો પાગલ બની ગયો કે કીકાને અને કીકાની બાને જીવતાં, વહાલસોયાં સ્વજનો લેખે વીસરી જઈ સામાનમાં નિષ્પ્રાણ પોટકાં સમજી લીધાં. અરે રામ ! માણસ પોટકાને પણ કોઈક જાણીતા અથવા ભરોસાપાત્ર સથવારા જોગ જ રવાના કરે. એક વાર દેશમાં કાચી આફૂસનો કરંડિયો મોકલવો હતો ત્યારે પોતાના એક સંબંધીની જોડે મોકલવાનો ય વિશ્વાસ નહોતો કર્યો રામલાલે કેમ કે એ સંબંધી રસ્તામાંથી કચુંબર કરવાય એકાદ કાચી કેરી કાઢી લેશે એવો એને અંદેશો થયેલો. તો પછી આજ આ પોતે શું કરી બેઠો ?

બીજો એક માણસ રામલાલને કાનમાં વાત કહી ગયો. વાત કહેતાં કહેતાં કહેનારની આંખો ચારેય બાજુ જોતી હતી : રખેને કોઈક આ સ્ટેશનની દીવાલોના અથવા લાદીના પથ્થરો ઊંચા કરીને છુરી હુલાવવા નીકળી પડવાનો હોય !

તેણે વાત કહી તે આ હતી :

“શેઠ, એ ડબામાં તો અમદાવાદ શહેરના બદમાશોનો સરદાર અલારખો બેઠો’તો, ને બીજા આઠ-દસ એના ભંગેડીગંજેડી ગળાકાટુ સાથીઓ હતા. હું ત્યાં જ ઊભેલો હતો. ભેગી એક રાંડ હતી. તમામ મળીને રાંડની ઠઠ્ઠા કરતા’તા. એ રાંડને બધા ધકાવી ધકાવી અલારખાને માથે નાખતા’તા. બધી ચેષ્ટાઓ મેં નજરોનજર ભાળી. ત્રીસ પાસીન્જરોનો ડબો છતાં એમાં દસ ઉપર અગિયારમું પાસીન્જર નહોતું બેઠું. મોઢાં જોઈજોઈને જ તમામ લોકો આગલા ડબાઓમાં જઈ ભરાયાં. શેઠ, તમે બાલબચ્ચાંને વાઘવરુની વચ્ચે દેખી-પેખીને ક્યાં ફેંક્યાં ?”

રામલાલ તો થીજી જ ગયો. પેલાએ ફરી એક વાર ચોમેર નજર ખેંચી ખેંચી ચહેરા આડે હાથનો પડદો કર્યો ને કહેવાનું હતું તે પૂરું કર્યું, “શેઠ, આઠે-પંદરે દા’ડે અલારખીઓ આંહીંના ફેરા મારે છે. એના ફેરા શરૂ થયા પછી રેલગાડીના ડબાઓમાંથી પાંચ વાર તો ખૂનની લાશો હાથ આવી, ને આ શહેરમાં સાતેક લૂંટો થઈ. આ કાળાં કામોનો કરનાર કોણ તે તો સહુ કોઈ જાણે છે. પોલીસ શું નથી જાણતી ? ચોક્કસ જાણે છે -પણ પોલીસને અલારખાએ ગળા લગી ધરવી નાખ્યા છે : હવે શું કહો છો, મારા સાહેબ ! એ તો ‘કેના બાપની ગુજરાત’ જેવું છે ! સરકારના રાજમાં ‘ઢેઢ મારે ધક્કે : દેવ ગિયા ડુંગરે ને પીર ગિયા મક્કે’વાળી વાત થઈ છે. વરણાવરણી ભ્રષ્ટ થઈ ગઈઃ ગાંધીએ ભૂંડું કરી નાખ્યું. આમાં શું રાખ સવરાજ મળવાનું હતું ? સારા પ્રતાપ માનો અંગરેજી રાજના...”

આવું તો બહુ બહુ તત્ત્વદર્શન ઠાલવી લઈ હૃદયનો ઊભરો હળવો કરવાની એ આસામીને તલપાપડ હતી; પરંતુ જોયું કે રામલાલનું તો ધ્યાન જ બીજે કોઈ સ્થળે ગુમ થયું છે ત્યારે પછી એ ત્યાંથી ખસ્યો; ખસીને દૂર જઈ એક બીજા માણસ સાથે કશીક વાત કરવા લાગ્યો. બેઉ વચ્ચે ઠઠ્ઠા ચાલતી હતી. બેઉ રામલાલની સામે હાથની એવી ચેષ્ટા કરતા હતા કે જે ચેષ્ટાનો, દૂરથી જોનારાંને, ‘મીઠા વિનાનો લાગે છે’ એવો કંઈક અર્થ બંધ બેસે.

રામલાલને તાર-ઑફિસ જવું હતું. તાર-ઑફિસ પોતાની સામે જ હતી. આંધળો ય વાંચી શકે એવા અક્ષરો ‘તાર-ઑફિસ’ વીજળીના તેજે સળગી રહ્યા હતા. છતાં રામલાલ એટલો ગુમસાન હતો કે એણે બાજુએથી જતા માણસને પૂછવું પડ્યું.

તારનું ફારમ મેળવીને એ સંદેશો બેસારવા લાગ્યો. ગાડી અત્યારે ક્યાં હશે તેની પૂછપરછ કરી સંભવિત સ્ટેશનના માસ્તર પર તાર લખ્યો. ઓછામાં ઓછી શબ્દ-સંખ્યા બનાવી નવ આનામાં પતી જાય છે એવું જણાતાં પોતાની અક્કલમંદી પર આફરીન અનુભવ્યું. તાર બારી પર મૂકી એક રૂપિયો સેરવ્યો.

“બીજા બે રૂપિયા,” તાર-માસ્તરે જરાક ડોકું ઊંચું કરી પાછું કંઈક લખતાં લખતાં ટૂંકી માગણી કરી.

“શાના ?” રામલાલ સહેજ તપ્યો, “અજાણ્યા જાણીને શું...”

“ઍક્સેસ ચાર્જ.” તાર-માસ્તરે જવાબ આપ્યો.

“શાનો ?”

“લેઇટ ફી, પ્લસ સન્ડે.”

રામલાલને જાણે કોઈએ ગાઢી નિદ્રામાંથી ઢંઢોળ્યો. ત્રણ રૂપિયા ? ત્રણ રૂપિયાની રકમ એણે ખાનગી તારમાં અવતાર ધરીને ખરચી નહોતી. ...ખરેખર ત્રણ રૂપિયા ખરચવા જેવું સંકટ ઊભું થયું છે ? પત્ની અક્કલ ચલાવી ડબો બદલી નહીં નાખે ? આટલાં વર્ષોના મારા સહવાસ પછી પણ એનામાં અક્કલ નહીં વધી હોય ?... કોણ જાણે ! બૈરું છેઃ સ્ત્રીની બુદ્ધિ પાનીએ જ હોય છે; ભૂલ ખાઈ બેસશે...પણ કંઈ વિપત્તિ પડતાં સાંકળ નહીં ખેંચી લ્યે ?... એ બેઠી હશે ત્યાંથી સાંકળ તો નજીક જ હશે ને ? ...પણ સાંકળ ચાલુ હાલતમાં તો હશે ને ? ...અરે રામ ! આ ચોમાસામાં સાંકળ કદાચ જામ થઈ ગઈ હશે તો ? ...અમસ્થા ય આ રેલ્વેવાળાઓ સંકટ-સાંકળને ક્યાં ચાલુ સ્થિતિમાં રાખે છે? ...પણ તો પછી ચીસ નહીં પાડી શકે ? ...શું કીકો ચીસ નહીં પાડે ? ...પેલા ડાકુ અલારખાનો પંજો એના મોંને દબાવી રાખશે તો ?...

વિચાર-પરંપરામાં તાર-માસ્તરે પેલો રૂપિયો તથા તારનું તપાકડું બહાર હડસેલીને ભંગ પાડ્યો, “શેઠજી, વિચાર કરી સવારે જ આવજો, સોમવાર થઈ જશે !”

રામલાલને પોતાની જાત પ્રત્યે તે જ પલે ઊંડો તિરસ્કાર ઊપજ્યો. એની કલ્પનાએ સ્ત્રીને જંગલના અંધકારમાં અસહાયતાની ચીસો પણ ન પાડી શકે તેવી સ્થિતિ વચ્ચે ચૂંથાતી દીઠી; એનું નાનું બાળક તો જાણે ફડકીને ક્યારનું ફાટી પડ્યું હશે !

‘ઓ મારા પ્રભુ ! ચૌદ લોકના નાથ ! ગરુડગામી !’ એવી પ્રાર્થના એના નિઃશ્વાસમાંથી ઉચ્ચારણ પામી. એણે તારનું કાગળિયું પાછું બારીમાં સેરવી પાંચ રૂપિયાની નોટ નાખી.

“રિપ્લાય પ્રીપેઇડ ?” તાર-માસ્તરે પોતાની પરિભાષામાં જ ટૂંકો પ્રશ્ન કર્યો.

“હેં જી ?...એં-ના-હા જી, હા જી, રિપ્લાય મંગાવી આપો,” રામલાલ માંડ માંડ બોલી શક્યો.

જાણે કે રામલાલના હૃદયમાં એક ગળણી ગોઠવાયેલી હતી. એ ગળણી હતી. વ્યવહારુ ડહાપણની. પોતાના હરેક વિચારને પોતે એ ગળણીએ ગાળ્યા પછી જ અમલમાં મૂકતો.

તાર-માસ્તરે આઠ આના પોતાના ગજવામાં સેરવીને થોડાક પૈસા પાછા ફેંક્યા. તે પછી ઘણી ઘણી વિધિ-ક્રિયાઓ બાદ તાર જ્યારે યંત્ર પર ખટખટવા લાગ્યો ત્યારે રામલાલને હિંમત આવી. એ પ્રત્યેક ખખડાટમાંથી એની કલ્પનાના કાન પર પોલીસનાં કદમો સંભળાયાં, હાથકડીના ઝંકાર ગુંજ્યા, અલારખિયા બદમાશને કાંડે એ કડીને ભીડતી ચાવીના કિચુડાટ ઊઠ્યા.

જવાબનું પતાકડું કવરમાં બીડીને જ્યારે તારવાળાએ રામલાલને આપ્યું ત્યારે એને એક પલ કેવી શાતા વળી ગઈ ! ફોડીને વાંચે ત્યાં આટલું જ લખેલું : ગાડી પાંચ મિનિટ પહેલાં જ છૂટી ગઈ છે.

વધુ પૈસા ખરચવાની હિંમત હારી જઈ રામલાલે ઈશ્વરનો જ આધાર લીધો. એ છેક પુરાતન યુગનો માણસ હોત તો કુલદેવતાને કશીક માનતા માની લેત; ને છેક અર્વાચીન જમાનાનો હોત તો પૂરેપૂરો પુરુષાર્થ અજમાવત. પણ વચલી દશામાં લટકતો હોવાથી ઘેર પહોંચ્યો ને પલંગમાં પડ્યો ત્યારે એની ચોગમ ભયના આકારો ભમવા લાગ્યા.

નીંદ નહોતી, મગજ થાકી લોથ થઈ ગયું હતું, જ્ઞાનતંતુઓ ઉગ્ર બન્યા હતા; સ્મૃતિ ને સ્વપ્નની મિલાવટમાંથી નીપજેલ એક ભયકથાએ એને પસીને રેબઝેબ કર્યો હતો. ભાસ થયો કે પોતે જેને ‘મારાં બાલબચ્ચાંને સંભાળજો...’ કહ્યું હતું તે માણસનો પોતાને અગાઉ એક વાર ક્યાંક ભેટો થયો હતો.

ક્યાં થયો હશે ?

હા, હા, યાદ આવ્યું.

...રેલગાડીની જ એક મુસાફરીમાં... ઓચિંતાનો એક રાતે એ અમારા નાના ખાનામાં આવી ચડેલો. એનું મોં ભયાનક હતું, છતાં એણે મારી સામે હાથ જોડેલા કે “ભાઈસાબ, થોડી વાર છિપાવા આપો. એકરાર કરું છું કે મારી પાસે અફીણના ચાર ગોટા છે ને મારી પાછળ પોલીસ છે.”...

...આ કાલાવાલાના જવાબમાં પોતે કહ્યું હતું કે “નહીં નહીં, બદમાશ ! યહાં નહીં !... નિકલ જાઓ યહાં સે !”...

...એ મારી પત્ની રુક્ષ્મિણી સામે ફરીને કરગર્યો હતો કે “તું મેરી

અમ્મા ! મુઝે છિપને દે.” પત્નીએ કહેલું કે “છોને બેઠો !” મેં પત્નીને ઝાડી નાખી ‘પોલીસ-પોલીસ’ની બૂમ પાડેલી. પોલીસે આવીને એને પકડ્યો હતો. મને અદાલતમાં શાબાશી મળી હતી ને એ બદમાશને ત્રણ વર્ષની ટીપ મળી ત્યારે મારી સામે જોઈ એણે શપથ લીધા હતા કે “રામલાલ, છૂટ્યા પછી તને તો જોઈ લઈશ !”...

...એ જ એ માણસ : એણે મારી પત્નીને પૂછપરછ કરી વેર વાળ્યું - ખૂન પીધું - હાય ! ઓય !...

રામલાલ પોતાના ઓયકારાથી જ જાગી ઊઠ્યો.

પ્રભાત આખરે પડવાનું તો હતું જ તે પડ્યું. દસેક વાગ્યે રામલાલને સાળાનો તાર મળ્યો કે બધાં ઘણાં જ સુખરૂપ પહોંચી ગયાં છે. ત્રીજે દિવસે પત્નીનો લાંબો કાગળ આવ્યો. રામલાલને અચંબો થયો. રુક્ષ્મિણીએ કોઈ વાર આટલી ઝડપે પહોંચવાનો કાગળ નહોતો લખ્યો.

આ કાગળ એક ઓછું ભણેલી, અણઘડ સ્ત્રીની ભાષામાં હતો. શરૂઆત ‘વહાલા’ અથવા ‘મારા વહાલા’ અથવા ‘મારા પ્રાણપ્રિય વહાલા સ્વામીનાથ’ જેવા કોઈ સંબોધન વડે ન થતાં સીધેસીધી વેપારી શૈલીએ, મુદ્દાની વાત વડે જ, થઈ હતી; એથી કરીને એ પત્ર ઍન્જિનથી શોભતી જૂની આગગાડીને બદલે વગર ઍન્જિનની વીજળીક ટ્રેઇન જેવો બાંડો ને બેડોળ લાગતો હતો. આ રહ્યો એ કાગળ - એમાં ફક્ત વિરામચિહ્નો અમારાં કરેલાં છે :

તમને તે કાંઈ વિચાર થયો ? મેં કેટલું કહ્યું કે મને ભલા થઈને પાણીનો એક કુંજો અપાવો - પિત્તળનો નહીં ને માટીનો અપાવો. પણ તમે તો એકના બે ન થયા; કહ્યું કે ટેશને ટેશને પાણી મળે છે તો લોટાથી કેમ ન ચાલે ? ઠીક લ્યો : તમારો બોલ રિયો. રસ્તે પાણીની વપત પડી. છોકરાં નાનાં, રાડ્યો પાડે. ભેળા હતા તેમણે ખાવાનું ચોખામું હિન્દુનું અપાવ્યું. છોકરાં ‘પાણી’ ‘પાણી’ કરે, ને ટેશને ટેશને એ ભાઈ દોડીદોડી પાણી આણી આપે; મને તો કાંઈ પૂછે કરે નહીં, પણ જોડેનાને કયા કરે, “ઈસ કા ધણીએ અમકું બોલ્યા, ઇસકું ધ્યાન રખજો !”

નૈ નૈ ને પચાસ વાર એણે આ-નું આ વચન ગોખ્યું હતું, “ઇસ કા ધણીને અમકું ક્યા હે કે ઇસકા ધ્યાન રખજો !”

બોલતો જાય ને શું રાજી થાય !

હવે માંડીને વાત કરું છુંઃ ગાડી ઊપડ્યા પછી તરત જ એણે પેલી બાઈને પોતાના - મૂવું શરમ આવે છે - ખોળામાંથી ઉતારી મૂકી કહ્યું કે થોડી છેટી બેશ. ભેળા હતા તેમને તમામને કહ્યું કે “ખિલખિલ હસવું બંધ કરો ને બીડીના ધુમાડા ઓ બાજુ મત કાઢો; કેમકે ઈસ કા ધણી અમકું બોલ ગિયા કે ઇસકું ધ્યાન રખજો.”

પછી બધા ધીરે ધીરે વાતો કરતા હતા. પછી તો ઘણાખરા ઊંઘી ગયા; પણ એ ભાઈ કે’ કે “અમ નૈ ઊંઘું; ઇસ કા ધની અમકુ કહે ગિયા કે...” વગેરે.

એ બેઠો જ રહ્યો. મને તો કાંઈ ફાળ ને ફડકો - કાંઈ ફાળ ને ફડકો ! કોણ જાણે શા કારણે જાગતો હશે. મને કહે કે અમ્મા, તમ સૂઈ જાવ. પણ હું શે સુખે સૂઉં ? ખોટેખોટું સૂતી. બબલી રુવે... રુવે... બૌની બૌ રુવે. એ ભાઈ ઊઠ્યો; મને કહે કે “અમા, કપડા દે.” મેં ધાર્યું કે લૂંટવા આવ્યો છે. મેં હાથ જોડીને રોતે રોતે કહ્યું, “ભાઈ, વીરા, આ બધુંય લઈ જાઉ ફક્ત મારા શરીરને અડકીશ મા, ને મારાં ત્રણ છોકરાંને ઝાલીશ મા.” હું તો ઉતારવા માંડી ડોકના દાગીના. એ તો ઊભો ઊભો દાંત કાઢે. ઘોડિયાનું ખોયું પોટકીમાં ખોસેલું, તે એણે પોતાની જાણે જ ખેંચી લીધું. પોતાની કને દોરી હતી. ડબાનાં પાટિયાં જોડે ઘોડિયું બાંધ્યું. બબલીને અંદર સુવાડી. છેટે બેઠો બેઠો હીંચોળ્યા કરે, ને એની પઠાણી બોલીમાં કોણ જાણે શાંયે હાલાં ગાય ! મને થયું કે ‘જોતો ખરી મોઈ !

તાલ છે ને ! એક તો હસવું ને બીજી હાણ્ય. આ દાઢી-મૂછોનો ધણી, સાત હાથનો ઊંચો ખવીસ, કોણ જાણે ક્યાંથી બાયડીના જેવો કંઠ કાઢીને ગાય છે !’ ગાતો ગાતો એ તો મંડ્યો રોવાઃ આંસુડાં તો ચોધાર ચાલ્યાં જાય. ખૂબ રોઈને વચમાં વચમાં બોલતો જાય કે “બીબી ! બચ્ચા કિધર ! તું કિધર ! હમ કિધર.”

બબલી યે રાંડ કેવી ! હું રોજ મારી-પીટીને ઉંઘાડું ને આંઈ તો આને હીંચોળ્યે ઘોંટી ગઈ. અરેરે ! તમે કોઈ દાડો મારી બબલીને હીંચોળી છે ? કોઈ દાડો હાલાંનો એક સગડો ય કાઢ્યો છે ! તમે તો જ્યારે હું વીનવું ત્યારે બસ એમ જ કહીને ઊભા રહો કે “એ મારું કામ નહીં; હું મરદ છું.” જોજો મરદ જોયા ન હોય તો !

ઠીક, મૂકો એ વાત. એમ કરતાં તો રાતના ત્રણક વાગ્યા હશે. એક જંકશન આવ્યું. અમારા ડબાની સામોસામ બગલથેલીઓ ને બિસ્તરાનો એક ઢગલો લઈ વીસેક ખાખી દરેસવાળા આવી ઊભા. પ્રથમ તો એ ભાઈ બેઠા હતા તે ખાના ઉપર ગયા... પણ જઈને તરત પાછા ફર્યા. મારા ખાના ઉપર આવીને કહે કે “બાઈ, આ ખાનું તમારે ખાલી કરવું પડશે.”

મેં કહ્યું, “હા માટે ?”

એ કહે, “ખબર નથી ? લોકસેવકની સવારી જાય છે.”

હું સમજી ન શકી. મેં પૂછ્યું, “તમે સરકારવાળા છો ?”

એ લોકો હસ્યા. કહે કે “હા હા, આજની નહીં પણ આવતી કાલની સરકારવાળા ! ચાલો ઊતરો; તમને બાજુના ડબામાં બેસારી દઈએ.”

મેં દીન બનીને કહ્યું, “ભાઈ, મારાં નાનાં છોકરાં ઊંઘી ગયાં છે. મારી કને ઝાઝો સામાન છે.”

એ કહે, “શરમ છે, બાઈ ! લોકસેવકને ચરણે બીજી સ્ત્રીઓ દરદાગીના ને હીરામોતીના હાર ઠલવે છે ત્યારે તમે ખાનું ખાલી નથી કરી શકતાં ? એટલું ય નથી થતું કે લોકસેવકને ત્રીજા વર્ગમાં જ બેસવાનું વ્રત છે ? અરેરે, તમને પેલી ‘શ્રેષ્ઠ ભિક્ષા’વાળી કથા ય નથી યાદ ?”

હું તો કશું સમજી નહીં. મારાથી બોલાય ગયું કે “મૂવા તમારા લોકસેવક ! જીવ શીંદ ખાવ છો ?”

મારા મોંમાંથી કવેણ તો નીકળી ગયું; પણ સાંભળીને પેલા કહે કે ક્યાં જઈશ ! ટૂંકમાં, મારા માથે માછલાં ધોવા મંડ્યા, ને મારાં પોટલાં ઊંચકી બાજુમાં કાઢવા ઉપર ચડ્યા. હું “એ ભાઈશાબ...” એટલું કહું ત્યાં તો સામેના ખાનામાંથી પેલો ઊઠ્યો, ઉપર ચડેલા પીળા દરેસવાળાની બોચી ઝાલી આંખો ફાડી એટલું જ બોલ્યો કે, “ઇસ્કા ધનીએ અમકું કહ્યા હે કે ઇસ કા ધ્યાન રખના - માલૂમ ?”

બધાની આંખો જ ફાટી રહી; ને પેલો બોચીએથી ઝાલેલો ટટળી રિયો. પછી કોની મગદૂર કે મારા ખાનામાં ચડે ! મને ઊતરવાનું કે’તો હતો ને ‘લોકસેવક’ ‘લોકસેવક’ કરતો’તો તે જ તરત કહેવા મંડી પડ્યો કે “ભાઈઓ, ચાલો બીજે ડબે. કોમી એકતાને તોડવી ન જોઈએ. ગમે ત્યાં સાંકડમોકડે ભરાઈ જઈશું. પઠાણો તો આપણા સાચા ભાઈઓ છે.”

ને પછી કોઈકની જય બોલાવી, ‘અલા હું અકબર’ના અવાજ કર્યા ને રવાના થઈ ગયા.

એકલો પડીને ય પેલો તો જાણે કે પોતાના મનને કહેતો હતો કે “અમકું બોલા - ઇસકું ધ્યાન રખના ! એં ? અમકું બોલા ? અમકું ? શાબાશ ! અમકું બોલા કે ધ્યાન રખજોઃ શાબાશ !”

લવતો લવતો એ પોતાને જ હાથે પોતાની છાતી થાબડતો હતો; ઘડીક પોતાની છાતી થાબડે, ને ઘડીક પોતાની પીઠ થાબડે : ગાંડો જ થઈ ગયો હતો એ તો !

સવારે હું ઊતરી ત્યારે એણે બચલાને, જેન્તીડાને તેમ જ ટપુડાને ઝાલી-ઝાલીને બચીઓ ભરીઃ માથા ઉપર હાથ મૂકી કહ્યું કે “સલામ માલેકુમ.”

મેં કહ્યું, “ભાઈ, તમે મારી બહુ પત રાખી. મુંબઈ આવો તો અમારે ઘેર આવજો. અમારું ઘર અમુક-અમુક ગલીમાં છે, ને જેન્તીડાના બાપનું નામ ‘ર’ અક્ષર ઉપર આવે છે. મારા ભાઈને મેં કહ્યું, “ભાઈ, આમને તમારા બનેવીનું પૂરું નામ તો આપો.’ મારા ભાઈએ કહ્યું, ‘રામલાલ ચુનીલાલ મેશરી.’ કહેતાં જ એના કાન ચમક્યા, ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા. પછી એ હસી પડ્યો.

મારા ભાઈએ એને આપણું સરનામું લખીને ચબરખી આપવા માંડી. પણ એણે હસીને ના પાડી; આકાશ સામે આંગળી ચીંધાડી.લખિતંગ રુખમણી.

પત્ર વાંચીને રામલાલે વળતી જ ટપાલે એક કાગળ લખી પત્નીને તેમ જ ભાઈને પુછાવ્યું કે ‘પેલી મારા સરનામાની ચબરખી તમે એને આપી નથી. એની તો ખાત્રી છે ને ? જો એ ન આપી હોય તો એના ટુકડા કરી નાખજો; ને આપી હોય તો, ધર્મના સોગંદ દઉં છું, મને સત્ય જણાવશો કે જેથી હું મારા ઘર ઉપર પોલીસનો બંદોબસ્ત કરાવું.’

જવાબમાં સાળાએ બનેવીને એ ચબરખી બીડી મોકલી. ભૂલભૂલમાં એ લખેલી ચબરખી સાળાની નોટબુકમાં જ રહી ગયેલી. આમ છતાં, રામલાલ ભોળવાઈ ગાફલ બની જાય તેવો આદમી નહોતો; એણે પોલીસને આ બધી વાતની બાતમી આપી દીધી.

પોલીસ અધિકારીઓએ પણ ‘મામલો ગંભીર છે’ એવી ચેતવણી આપી રામલાલના મકાન ઉપર રામલાલને ખરચે રાતનો ચોકીદાર ગોઠવી દીધો.

રુક્ષ્મિણી પિયરથી પાછી આવી ત્યારે રામલાલે એને મોટો ઠપકો આપ્યો, “તને કોણે ડાહી કરી હતી કે એ બદમાશને આપણા ઘરનું સરનામું આપજે...”

રુક્ષ્મિણીની આંસુભરી કીકીઓ અલારખાભાઈની કલ્પિત આકૃતિને જાણે આંસુમાં નવરાવી રહી હતી.

જલ્લાદનું હૃદય

(‘પલકારા’)

શહેરની એ ભેદી ગલી હતી.

કોઈ એને ડોકામરડી કહેતા : કોઈ ગળાકાટુ કહેતા. એનું પેટ અકળ હતું. ધોળે દિવસે પણ અજાણ્યા લોકો ત્યાં જતાં ડર ખાતાં. નાનાં છોકરાં ‘ભૂતખાનું’ શબ્દ સાંભળીને જે ધ્રાસકો અનુભવે છે તે જ ત્રાસ આ ગલીનું નામ લેતાં લોકોમાં ફેલાઈ જતો.

ગલીના એક ઊંડા ઘરના ભંડકિયાની અંદર લાંબી દાઢીવાળા સાત બુઢ્‌ઢાઓ કૂંડાળે ચૂપચાપ બેઠા હતા. તેઓની ઝીણી આંખોમાં ભયાનક ટાઢાશ ભરી હતી. બુઢાપાએ ચહેરા પર કરચલીઓના ઊંડા ચાસ પાડ્યા હતા. પ્રત્યેક મોં ઉપર કોઈક કરપીણ નિશ્ચય છપાયો હતો. સાતે મૂંગા બેઠા હતા.

બારણા પર ટકોરા પડ્યા. સાત માંહેના સૌથી વૃદ્ધ આદમીએ પહેરેગીરને ઇશારો કર્યો. ઝીણા છિદ્રમાંથી બહાર નજર કરીને પહેરેગીર પાછો આવ્યો. ધરતીના પેટાળમાંથી ઊઠતો હોય એવા અવાજે તેણે કહ્યું, “જલ્લાદજી.”

‘આવવા દે !’ વૃદ્ધે વગર બોલ્યે આંગળીની ઇશારત કરી.

દાખલ થનાર આદમીની ઉમ્મર પાંત્રીસેક વર્ષની હતી; કદ ઢીંચકું હતું; આંખો બંદૂકની નાળના મોં જેવી હતી; ચહેરો હજારો મનસૂબાની ઘોર જેવો, ભોંયરા જેવો, ફાંસીખાના જેવો હતો.

ભારે પગલે એ વડા વૃદ્ધની સામે આવી ઊભો રહ્યો.

વૃદ્ધે પૂછ્યું, “જલ્લાદજી ! આપણા જાતભાઈની શબ-યાત્રા દેખી ?”

આવનારે માથું હલાવ્યું.

“મૈયતમાં પણ શત્રુઓએ રમખાણ મચાવ્યાં, કૈંકને ઘાયલ કર્યા, એ જોયું ?”

જલ્લાદજીએ ફરીથી માથું હલાવ્યું. હજુ પણ એના હાથની અદબ ભીડેલી હતી. થીજી ગયેલા પ્રવાહ જેવો એ ઊભો હતો.

ખુરસી પર બેઠેલા વૃદ્ધે પોતાનો હાથ જલ્લાદજી તરફ લંબાવ્યો. એનાં આંગળાં વચ્ચે એક કાગળની ચબરખી હતી.

જલ્લાદની અદબ છૂટી. હાથ લંબાવીને એણે ચબરખી લીધી. ઓરડામાં આવ્યા પછીની એના શરીરની આ પહેલી જ ક્રિયા હતી, અને એના જમણા હાથની આટલી જરૂર પૂરતી ક્રિયા સિવાય બીજાં અંગોમાં મૃતવત્‌ નિશ્ચલતા હતી.

ચબરખીમાં લખેલું નામ વાંચતાં જ એની ભવાં ઊંચાં ચડ્યાં, “આ શું ?” એણે ઉશ્કેરાટભર્યા અવાજે બોલવા માંડ્યું. “આ તો મારો મિત્ર ! આની ગરદન ઉપર મારી કુહાડી કેમ પડી શકે ? આ તમે શું કહો છો ?”

“કોમનો નિર્ણયઃ જાનને બદલે જાન; હત્યા કરનારને હણવો,” પ્રમુખ વૃદ્ધના ગળામાંથી ઠંડાગાર શબ્દો આવ્યા.

“પણ...પણ...” જલ્લાદની ખામોશી પીગળતી હતી, “આ તો મારો બચપણનો ભેરુબંધ. આ તાઈ અને હું ભેળા રમતા, ને મને મારા બાપુ મારતા ત્યારે તાઈની આંખોમાં આંસુ ચાલતાં. આમ તો જુઓ...’ એણે કુરતાની બાંય ઊંચે ચડાવી કાંડા પર બતાવ્યું. “જુઓ, નાના હતા ત્યારે તાઈએ મારેલ છુરીનો આ ડાઘ. અમારા ભાઈબંધીનું એ એંધાણ છે. ને મારા જમણા હાથ ઉપર જ છે. એ જ હાથ તાઈની ડોક ઉપર કુહાડી ઉપાડશે ?”

બુઢ્ઢાની ડોક હલી. એના ચુપચાપ મલકાટે એની કરચલીઓને વધુ

બિહામણી બનાવી. જલ્લાદજીની આંખો બીજી બેઠક પર ચાલી. બીજો વૃદ્ધ પણ ઠંડોગાર અને અનિમેષ બેઠો રહ્યો. ત્રીજા સામે, ચોથા સામે... જલ્લાદજી આખા ચક્ર સામે ફરી વળ્યા. સાતે બુઢ્ઢાઓ ગીધ પંખી જેવા અબોલ, અચલ બેઠા રહ્યા.

કૂંડાળાની વચ્ચે ઊભેલો મનુષ્ય એ ચૌદેય આંખોના ધગધગતા સોયા વડે સોંસરો વીંધાઈ ગયો. વિધાતાનું અફર વિધાન એ સાતે ચહેરામાં લખાયું હતું. પ્રત્યેક મોંના અચલ હોઠ ઉપર મૂંગો એક જ અવાજ રમતો હતો : જાનને સાટે જાન ! હત્યાનો બદલો હત્યા! આપણા એક બાંધવની મૈયત નીકળી, તો સામાવાળાની પણ એક લાશની પાયદસ્ત નીકળ્યે છૂટકો. બીજી કોઈ વાત નહીં.

“પણ મહેરબાનો ! મુરબ્બીઓ ! મારા હાથે આ કૃત્ય નહીં થઈ શકે.”

“જલ્લાદજી !” પ્રમુખ વૃદ્ધે યંત્ર જેવા એકસૂરીલા બોલ સંભળાવ્યા. “જેના નામની ચિઠ્ઠી નીકળી તે ગમે તે હો, દોસ્ત હો વા દીકરો, તમારે એને ખતમ કરવો પડશે. મિત્રતા મોટી કે પ્રભુ અને પિતૃદેવોની સામે લીધેલા કસમ મોટા ? તમે કોણ છો ? પ્રભુના આજ્ઞાવશ જલ્લાદ છો, નેકપાક પરશુધર છો.”

પાંત્રીસ વર્ષના પુરુષને કાને “પ્રભુ” અને ‘પિતૃદેવો’ના બોલ પડ્યા. લીધેલા ‘કસમ’ એણે યાદ કર્યા. માથું નીચે ઢળ્યું. એ ત્યાંથી બહાર નીકળી ગયો.

ડોકામરડી ગલીના એ ભંડકિયા ઓરડામાં સાત નિશાચરો ઘુવડ-શા મનસૂબા ઘડતા બેઠા રહ્યા.

(ર)

દરવાજાને ઓટે બેઠો એક આદમી એની લાંબી નળીવાળી ચુંગી પી રહ્યો હતો. મીઠી તમાકુના ધીરા ધુમાડા એના નાકમાંથી નીકળી અવનવા આકાર ધરતા ઊંચે ચઢતા હતા. એની આંખો આ ધૂમ્રપાનની સુખ-લહેરમાં ઘેરાતી હતી. ઓટા પર બેઠો એ ગલીના ઊંડાણમાં છેક બીજે છેડે ચાલતો શોરબકોર સાંભળતો હતો અને પોતાની સામે ઊભેલા સાથીને કહેતો હતો કે “કોમ આખી કેટલી બધી ઊતરી ગઈ ? આપણે પરદેશમાંથી આવીને મવાલી બની ગયા. આપણે આપણા દેશની ઇજ્જત અહીં પારકે પાદર આવીને ધૂળ મેળવી, મુર્દાની પણ આપણે અદબ મેલી. સ્મશાનયાત્રાનો પંથ તો પ્યારનો, પસ્તાવાનો, તોબાહ કરી લેવાનો. ત્યાં પણ આપણાં લોક ગરદનો કાપે છે પરસ્પરની.”

“હા-હા-હા-હા !” સાથી પોતાની આંખ બગાડતો હસ્યો, “ને હવે સામાવાળાનો જલ્લાદ બસ આપણા હરકોઈને ઘેર આવી પહોંચશે.”

‘જલ્લાદ’ શબ્દ સાંભળતાં તો ચુંગી પીતા ગૃહસ્થે ઘૂંટ લેવાનું બંધ કર્યું. ચુંગીની નળી એના હોઠ વચ્ચે થંભી ગઈ.

જેના શ્રવણ માત્રથી જ જીવતાં શરીરનાં લોહી શોષાઈ જાય એવો એ શબ્દ હતો ‘જલ્લાદ’. એ કોઈ અકળ અને અગમ પાત્ર હતું. એને કોઈ ન ઓળખતું. એનું કાર્ય હરકોઈની ગરદન પર મૂંગાં મૂંગાં કુહાડી ઝીંકવાનું હતું. કોમની ગુપ્ત અદાલત જેના નામની ચિઠ્ઠી ઉપાડે તે મનુષ્યનું લોહી જલ્લાદની કુઠાર-ધારા છાનીમાની પીવા જતી. ઘરોઘર ઉપર અને પલેપલ એનો ઓળો પડતો. દ્વારે દ્વારે એના ભણકારા બોલતા. વધુમાં એ પુરુષ પવિત્ર અને પ્રભુપ્રેરિત ગણાતો. માટે તો એ જલ્લાદ-જી કહેવાતો.

ચુંગી પીતા આદમીને અંગેઅંગે થરથરાટી છૂટી ગઈ; એ ઊભરરરરરરરો થયો. સાથીને એણે કહ્યું, “અંદર આવો !”

બારણાં બંધ કરીને બેઉ જણા મકાનમાં પેસી ગયા. ગભરાયેલા

ઘરધણીએ દાઢીવાળા સંગાથીને પૂછ્યું, “જલ્લાદનો ભોગ કોણ બનશે આ વખતે ?”

“લાવ, દાણા જોઈ દઉં. હા-હા-હા-હા !” ફરી વાર એ હસ્યો. ધીરે ધીરે એનું હસવું ભયાનક બનતું ગયું.

એ નજૂમી હતો. એણે કિસ્મતના બોલ વાંચ્યાં. દાણા ઉપરના આડા-અવળા લીટામાં એની આંગળીઓએ આપોઆપ એક નામ લખ્યું. એની આંખો ઘરધણીના મોં પર ઠેરાઈ ગઈ. એણે ધીમે અવાજે કહ્યું, “ભૈયા ! જલ્લાદજીના કુહાડા હેઠળ તકદીર તારી ગરદન...”

મારી ગરદન !” ઘરધણી ફફડ્યો. “શા અપરાધે ? હું નહીં - ના ના, હું નહીં - ભાગી જા અહીંથી : ચાલ્યો જા ! તું મારો જાન લેવરાવવા માગે છે ? - ભાગી જા !”

નજૂમીને ધકાવી નાખી ઘરધણીએ જ્યારે અંદરથી દ્વાર બંધ કર્યું ત્યારે બહાર ઊભો ઊભો નજૂમી ખડખડ હસતો હતો. દ્વાર ભભડાવતો કહેતો હતો, “તકદીરના આંકડાને અપમાન દેનારો પસ્તાશે, હાં કે તાઈ !”

(૩)

તાઈ બેઠો રહ્યો. રાત પડી. તાઈનો થથરાટ શમી ગયો. તકદીરના આંક ચાહે તે હો પણ તાઈએ વિચાર્યું કે જલ્લાદજીની કુહાડીને માટે સહુએ તૈયારી કરી જ નાખવી ઘટે. એ તૈયારી કરવા તાઈએ મેજ પર મોટો કાગળ પાથર્યો. એમાં પોતે લખવા મંડ્યો લખાણ પોતાના વસિયતનામાનું.

ઠંઢા સુગંધી દીવા બળતા હતા. ધૂપદાનીનાં ધૂપ-ગૂંચળાં ઓરડાની અંદર ખુશબોનું ચિત્રાંકન કરતાં હતાં. એક બાજુએ માંડેલી પ્રભુ-પ્રતિમા નયનોમાંથી નીરવ અમૃતધારા રેલાવતી હતી, અને બાજુના બીજા ખંડમાંથી એક બાળગીતના સૂરો ચાલ્યા આવતા હતા. કોઈ કોમલ શરણાઈ-કંઠનું એ સંગીત હતું. વસિયતનામું લખતો લખતો ઘર-માલિક વારેવારે એ કાલાઘેલા ગીત તરફ કાન માંડતો હતો અને આંખોમાં સુખ-લહેર અનુભવતો હતો.

“હા...શ !” એવા ઉદ્‌ગાર સાથે એણે કલમ નીચે મૂકી. લખાઈ રહેલ વસિયતનામા ઉપર એની આંખો ફરવા માંડી. એકલો એકલો એ બબડતો હતો, “શી ફિકર છે ? મારો ભાઈબંધ મારી તોયાને જીવ સાટે પણ જાળવશે. મારે તોયા સિવાય જગમાં બીજો કોઈ સ્નેહ-તાંતણો નથી; તોયાની મા જ્યાં સાંચરી છે ત્યાં જ મોર તો જવાનું છે ને !...”

ટક...ટક...ટકઃ બારણા પર ટકોરા પડ્યા.

પહેલી ક્ષણે તો એને ફાળ પડી. પણ પછી એણે વિચાર્યુંઃ ના, ના, હોય નહીં. એ આવશે ત્યારે આગલે બારણેથી નહીં આવે. ને ટકોરા પણ નહીં મારે. આ તો કોઈ સ્વજનના જ હાથ ઠોકે છે.

એણે દ્વાર ઉઘાડ્યું. આવનારને જોતાં જ એ હર્ષ-ગદ્‌ગદિત બની બાઝી પડ્યો. “ઓહોહો ! ભાઈ ! તમે છો ? તમે ક્યાંથી ? ખબરપતર વિનાના ઓચિંતા ઝબક્યા ? ઓહોહો ! કેટલોા આનંદ ! ઠીક આવ્યા. આવો, આવો, અંદર આવો.”

સ્મશાનેથી શબ ઊઠીને આવ્યું હોય એવો એ આવનારનો થીજેલો ચહેરો હતો. પોતાનું સ્નેહભર્યું સ્વાગત દેખીને એની મુખમુદ્રા વધુ શ્યામ બની. જવાબ આપ્યા વગર એ ઘર-માલિકની બાથમાં ઘસડાતો ઘરમાં ગયો.

“જોયું ? સાંભળ્યું ?” ઘર-માલિકે મહેમાનને ખંડની વચ્ચે ઊભો રાખી કહ્યુંઃ “સાંભળ્યું એ ગીત ?”

હીરદોરમાંથી સરતાં મોતી જેવા ગીતના શબ્દો સંભળાતા હતાઃ

દાદાના વડલામાં કોયલ માળા બાંધે;

માળા તો બાંધે ને કોયલ ઈંડાં મેલે;

ઈંડાં તો મેલે ને કોયલ ચારો લાવે;

વડની પોલમાંથી એક ભોરિંગ આવે.

“સાંભળ્યું ? કેવું મીઠું મીઠું ગાય છે તારી તોયા ! બહુ ડાહી દીકરીઃ મા વિનાની એટલે જ આવી ડાહી છે, હાં કે ! હમણાં મારે એને ખબર નથી આપવી કે તમે આવ્યા છો. આવો, અહીં આવો, કંઈક બતાવું.”

પરોણાને ખેંચીને તાઈ ટેબલ સુધી લઈ ગયો; વસિયતનામું બતાવ્યુંઃ “જુઓ, મેં તો આજે ને આજે જ બધું પતાવી લીધું છે. મને તો હવે આ દેહનો ભરોસો નથી. તમારી ને અમારી કોમો ખૂબ લોહી પીશે; ને હું આગેવાન ગણાયો છું એટલે મારો વારો પહેલો આવશે. માટે ભાઈ, મેં તો બધું ઠેકાણે પાડી દીધું. લ્યો, હવે વાંચો જોઉં...”

પરોણાની આંખો આડા પડદા પડી ગયા હતા. એ ઉકેલી શકતો નહોતો. ઓચિંતાની એની નજર એક નામ પર પડીઃ એ તો એનું પોતાનું જ નામ ! આ શું લખ્યું હતું ? ‘મારી બધી સ્થાવર-જંગમ ઇસ્કામત મારા મિત્ર ...ને મળે.’ અને...અને બીજું શું લખ્યું હતું ? - ‘મારી દીકરી તોયા ઉમ્મરલાયક થાય ત્યારે એને મારા મિત્રની વેરે જ પરણાવવાની છે.’

વાંચીને અતિથિએ મિત્રની સામે જોયું.

મિત્રે ખુશખુશાલ સ્વરે કહ્યું, “કેમ, ભાઈ ! બરાબર છે ને ? બીજું હું શું કરું ? મારી જીવથી ય વહાલી એક તોયા. એને તમારા વિના બીજું કોણ સુખી કરે ? એને સુખી કરશો એટલું મને મોંએથી કહો, પછી બસ -છોને જલ્લાદની કુહાડી અત્યારે ને અત્યારે મારી ગરદન પર પડતી ! એક વાર, બસ, તમારે મોંએથી કહો કે તોયાને તમે દુખી નહીં થવા દો.”

જવાબની રાહ જોતો ભાઈબંધ પરોણાના સૂનકાર ચહેરા પર તાકી રહ્યો. પછી સ્નેહના તુંકાર કરીને બોલ્યો, “તું જવાબ કેમ નથી આપતો ? તારું ધ્યાન તોયાના ગીતમાં ગૂંચવાયું છે, ખરું ? ઓહો ! કેવી ડાહી દીકરી છે ! ચાલ, ચાલ તને બતાવુંઃ કેવી સૂતી સૂતી એ ગાય છે ! ચૂપ - ધીમે ધીમે, હો ! - સાંભળી જશે તો અટકી જશે; બહુ શરમાળ છે.”

હળવે પગલે લપાતો તાઈ મહેમાનને હાથ ઝાલીને વચલા બારણા સુધી લઈ ગયો; દીકરીનો પલંગ દેખાય તે રીતે મિત્રને ઊભો રાખ્યો.

ચાંદની રાતમાં ભીંજાવેલ હોય તેવી ચાદરથી ઓછાડેલ પલંગે દસ વર્ષની પુત્રી સૂતી છે. મશરૂના બાલોશિયા ઉપર એનું નાનું માથું ઢળેલું છે. એને શરીરે પણ રેશમનો પાયજામો ને પિરોજી બદન લહેરાય છે. પાસે આયા બેઠી છે. પડી પડી તોયા ગાણું ગાય છે. આયા વાજું બજાવે છે. તોયાની આંખોમાંથી નીંદરભરી રે ગુલાલે ભરી; આજ મારી આંખડી નીંદરભરી.

નીંદરભરી રે ગુલાલે ભરી;

આજ મારી આંખડી નીંદરભરી.

એવી કવિતાના ભાવ ટપકે છે.

“મારી દીકરીનો આવો મીઠો કંઠ તું ગુમાવતો નહીં, હો !” તોયાના પિતાએ મહેમાનને હસતાં હસતાં કહ્યું. “એને સંગીતની તાલીમ આપજે; તને એ બહુ સુખી કરશે.”

હાથ ઝાલીને એણે પાછો પરોણાને ખુરશી તરફ લીધો; પણ દોસ્તનું મૌન તૂટતું નહોતું. ખભા હડબડાવીને તાઈએ મિત્રને પૂછ્યું, “આમ જો ! શું થયું છે તને ? મારા મોતની વાતથી વિચારમાં પડી ગયો છે ? કહે જોઉં; મારી તોયાના કસમ !”

જવાબમાં પરોણાએ તાઈની આંખો સામે આંખો નોંધી. પછી ધીરે ધીરે ધીરે પોતાના ડાબા હાથની બાંયમાંથી કશુંક ખેંચી બહાર કાઢ્યું. એ એક કાળી, ધારદાર, જાડી કુહાડી હતી.

તાઈને સમજવા માટે આટલું જ ચિહ્‌ન બસ હતું. એને શરીરે સ્વેદ વળી ગયા; એનાથી એટલું જ બોલાયું, “તું પોતે જ જલ્લાદજી ! નજૂમી સાચો પડ્યો !”

કુહાડી જાણે એ દીવાનાં કિરણોમાં પ્રતિબિંબોને શબ્દો બનાવી કહી રી હતે કે ‘હવે મોડું થાય છે; જલદી કરો.’ બન્ને સામસામા ચુચાપ ઊભા : હજુ જાણે આ સામે ઊભેલું સત્ય ભ્રાંતિ જેવું ભાસતું હતું. સાંકડી નાળ્યમાંથી પવનનાં લહેરિયાં આવે તેવો તોયાનો કંઠ-સ્વર આ બેઉ જણની વચ્ચે લહેરાતથો હતો.

“ભાઈ !” તાઈએ દયામણું મોં કરીને કહ્યું, “થોડી ઘડી થોભી શકશે ?”

જલ્લાદે ડોકું ધુણાવ્યું.

તાઈ હળવે પગલે ચાલ્યો. બાજુ પર બિરાજતી દેવ-પ્રતિમાની સામે જઈ ઊભો; દસ-બાર ધૂપસળીઓ સળગાવીને પ્રતિમાની આગળ રોપણ કર્યું. પછી પાછે પગલે થોડે છેટે જઈ હાથ જોડ્યા. પ્રતિમાની સામે તાકી રહ્યો. કશાક ધર્મબોલ એના હોઠમાંથી ફફડી ચૂક્યા. પછી એણે પ્રતિમાને કહ્યું, “હે દેવ ! અમ ઇન્સાનોના મૃત્યુ-ભય ઉપર ધીર ગંભીર હાસ્ય કરતા ઓ ખાવિંદ ! થોડી વારની નબળાઈને દરગુજર કરજે. તારું શરણું ! તારું શરણું ! તારું અંતિમ શરણું !”

અદબ ભીડીને ધીરે પગલે એ પરોણાની પાસે જઈ ઊભો; મીઠે કંઠે કહ્યું, “હવે હું તૈયાર છું, બંધુ !”

કુહાડી પરોણાના હાથમાં સહેજ ટટ્ટાર થઈ.

“બે જ પલ !” કહેતો તાઈ ફરીથી ચાલ્યો; તોયાના ખંડના ઉઘાડા રહી ગયેલા બારણા પર ગયો. રખે જાણે કોઈક બાળકની સુંવાળી

આંગળીઓ ચગદાઈ જવાની હોયને, એવી ધીમાશથી બારણું બીડ્યું, સાંકળ ચડાવી.

તોયાના બાલગીતના સ્વરો પેલી બાજુથી જાણે જીદ કરતા, અંદર આવવા કરગરતા, બારણાની ઝીણી ચીરાડો વાટે સંભળાવા લાગ્યા. એકસામટી અનેક નાની દીકરીઓ જાણે દબાયેલા સ્વરે કહેતી હતી કે ‘ઉઘાડો, બાપુ, ઉઘાડો !’

તાઈ પાછો આવ્યો; હસતો હસતો ખુલાસો કરવા લાગ્યો, “તોયા દીકરી અત્યારથી જ ગભરાઈ ઊઠે; નાહક એની નીંદ બગડે. ને ભાઈ, કુહાડીનો ઝટકો ત્યાં સંભળાયા વિના રહે ? હા-હા-હા.” એ હસ્યો પણ અતિ હળવું.

“હવે મને એક વાર કહે, બંધુ ! તોયાને તું સ્વીકારશે ?”

મિત્રે મૂંગી હા પાડી.

“એને સુખી રાખવા માટે તું પ્રાણ સુધ્ધાં પ્યારા નહીં કરે ને ?”

“તોયાને હું પ્રાણ સાટે પણ સુખી કરીશ.”

“બસ ત્યારે.” મિત્રનો હાથ ઝાલીને તાઈએ બોસો ભર્યો. ગરદન ઝુકાવી.

જલ્લાદની કુહાડીનો ઝટકો તોયાના ગીત-સ્વરોમાં ઝિલાઈ ગયો, ને મિત્રનું મસ્તક સુંવાળા ગાલીચા પર કશા પછડાટ વગર સરી પડ્યું. ગાતી તોયાનાં પોપચાં જ્યારે ઘેરાવા લાગ્યાં ત્યારે ચાદરની સોડ ખેંચતાં ખેંચતાં એણે લાંબે અવાજે કહ્યું, “બા-પુ-જી ! હવે ક્યારે આવો છો ?”

(૪)

હણેલા મિત્રની માલમિલકત તેમ જ ધંધોરોજગાર પોતાને હસ્તક લઈ આ ભેદી પુરુષ પોતાનો ધંધો ચલાવ્યે જાય છે. પોતાની રિદ્ધિસિદ્ધિ વચ્ચે મિત્ર-પુત્રી તોયાનું લાલનપાલન, તોયાની રક્ષા કરે છે. પિતાનો કોણે વધ કર્યો એની તોયાને ગંધ પણ નથી. એને તો પિતાની ઊણપ સ્વપ્નમાં ય ન સાંભરે તેટલું નવી વહાલપનું સુખ સાંપડી ગયું છે.

તોયા મોટી થઈ. આંબાવાડિયાના રખેવાળે એ કિશોરીની મંજરીઓનો મહેક-મહેક થતી જોઈ લીધી. તોયાને નિશાળે બેસારી. એમ કરતાં યૌવનની આંબા-સાખે સુનેરી રંગો ડોકાવા લાગ્યા.

રખેવાળની ફિકર વધતી ચાલી. એને ચાળીસ વર્ષો ચડી ગયાં. જે જલ્લાદપદ એના તકદીરને સદાને માટે જડાઈ ગયું હતું તેણે એના કુમળા ભાવોનો સંહાર વાળી દીધો. કોમની ગુપ્ત મજલિસમાં નેકપાક અને ઈમાની નરનું પરમ સ્થાન પામેલો એ પુરુષ એક બાજુથી કોમ કોમ વચ્ચેનાં વેરને બુઝાવવા કાકલૂદીઓ સંભળાવતો હતો, ને બીજી બાજુ બાંયમાં ચડાવેલી કુહાડીને કાળી કાળી અધરાતોએ સદોષ કે નિર્દોષ શત્રુપક્ષી ગરદન પર પટકતો હતો. એવા બેવડ જીવનપ્રવાહે એના ચહેરામાં મૂંઝાતી ક્રૂરતા આલેખી લીધી, હોઠ પરનું હાસ્ય શોષી લીધું. મોંની આસપાસ ઊંડાં કોતરો ખોદી નાખ્યાં.

કિશોરી તોયા તરુણતાને હીંચોળે હીંચતી હીંચતી આ પાલનહારને નીરખતી હતી. બાપુના વસિયતનામામાં આની જ પત્ની બનવાની પિતૃઆજ્ઞા છે એ વાત તોયાએ જાણી હતી. કોમમાં કડક રૂઢિ-બંધનોને અળગાં મૂકીને આ રક્ષક તોયાને ભણાવતો હતો. કોમના જુવાનો પણ એને આંગણે ઝબૂકતા હતા.

તોયાના અંતરમાં લાગણીની ભીનાશ ભરી હતી, પરંતુ એ ભીનાશ શાની હતી? સ્નેહની ? કે ઉપકાર-બુદ્ધિની ?

“તોયા !” એક દિવસની સંધ્યાએ પાલનહારે આવીને એની

હડપચી હળવે હાથે ઊંચી કરી. “કાલે તારી અઢારમી વર્ષગાંઠ, ખરું ?” તોયાના મોં પર લજ્જાનો રંગ-ઘૂમટો ખેંચાયો. “તારા અઢારમા વર્ષનું સવાર બાપુએ વસિયતનામાની અંદર

નોંધ્યું છે, ખરું, તોયા ?” તોયાએ ખિસકોલીની પેઠે માથું ઝુકાવ્યું. “તોયા, અઢારમી વર્ષગાંઠ માટે આ બે ચૂડીઓ લાવ્યો છું.” તોયા ઊંચું ન નિહાળી શકી. “પહેરશે તું ?” “શા માટે નહીં પહેરું ?” “તારી રાજીખુશીથી ?” “બાપુની આજ્ઞાના પાલન સિવાય હું બીજું કશું જ નથી

વિચારતી.” ચોટલાને છેડે ગૂંથેલા ફૂલની પાંદડીઓ તોડતી એ ઊભી રહી. “પરંતુ મારી ને તારી ઉમ્મર વચ્ચેનો ભેદ તેં વિચારી જોયો છે ?” “વિચારીને શું કરવું છે ? બાપુને ગમેલું તે કરવામાં જ મને સુખ છે.” “તારા બાપુની આજ્ઞા છે છતાં તને મોકળી કરવા તૈયાર છું - જો

તારી ઇચ્છા બીજે ક્યાંય ઢળી હોય તો.” “બાપુની આજ્ઞાની બહાર મારું સુખ ન હોઈ શકે.” હણેલા મિત્રની યાદ ઉપર જલ્લાદ આઠ વર્ષથી તર્પણ કરતો હતો;

‘મારી તોયાને સાચવજે ને સ્વીકારજે’ એ સંદેશા ઉપર એણે પોતાની જુવાની ઢોળાઈ જવા દીધી હતી. મન તોયાને જતી કરવા તૈયાર નહોતું, પણ ઇચ્છા વિરુદ્ધ તોયાને પોતાની કરવી નહોતી. ભાવતું બન્યું : તોયાને તેણે વળતે પ્રભાતે પોતાની કરી.

(પ)

“આટલી રાતે મને એકલી મૂકશો ?”

“શું કરું ? કોમના હિત માટે જવું પડે છે.”

“મને ઘરમાં એકલાં ગમતું નથી.”

“હું તને સારી સોબત મળે તેવી ગોઠવણ કરી દઉં.”

“પાછા ક્યારે આવશો ?”

“મામલો બહુ ભયાનક બનતો જાય છે; છતાં જેમ બને તેમ વેળાસર.”

ટાણે-કટાણે, અધરાતે, પરોઢે - જ્યારે કોમનું તેડું આવે ત્યારે પુરુષ ચાલ્યો જાય છે. સ્ત્રીની જુવાની પતિનું જીવન સમજી શકતી નથી. એને શી ગમ પડે કે મિત્રનું લોહી છાંટ્યા પછી દિવસ ને રાત અંતરમાં આગના ભડકા અનુભવતો પુરુષ કોમ કોમ વચ્ચેના આ શોણિતપાતને અટકાવવાના શાંતિ-પ્રયત્નો કરી રહ્યો છે ? એને શો ખ્યાલ કે જુવાનીના ઝૂલા ઝુલાવવાનો હક્ક પોતાના મિત્રની હત્યાનું પ્રાયશ્ચિત કર્યા વગર આ પુરુષ ભોગવી શકે તેમ નથી ? એક જ લગની; એક જ ધૂન; એક જ તાલાવેલી; સ્ત્રીને રસ માણવાની, પુરુષને રક્તપાત પર શાંતિ છાંટવાની.

બેઉ વચ્ચે ઘણું અંતર પડી ગયું. માઝમ રાતના જલસાઓમાંથી વહ્યા આવતાં નૃત્યુ-ગીતના સ્વરહિલ્લોળાઓએ, ચાંદની રાતોમાં પોતે સજેલા નિરર્થક શણગારોએ, વેણી-ફૂલની અને ધૂપ-દીપની ફોરમોએ એ

સ્ત્રીને ગાંડી કરીને આખરે એના મકાનમાં પહેરો ભરતા કોમી સ્વયંસેવક જુવાનના ભુજપાશમાં ધકેલી દીધી.

અરધી રાત - અહીં એક જુવાનની ભુજાઓ વચ્ચે. અરધી રાત - ત્યાં વૈરના ભડકાથી વીંટાયેલો. વિરોધીઓના ગુપ્ત મસલતખાનામાં એ એકલો આવી ઊભો રહ્યો.

એની ઝીણી આંખોએ શત્રુ પ્રતિનિધિઓને એક પછી એક માપ્યા. માપતી માપતી એની નજર એક માણસ પર થોભી; પછી એણે દુશ્મનોને સંભળાવ્યું, “દોસ્તો ! મારા લોહીભાઈઓ ! તમારે શું જોઈએ છે ?”

શત્રુઓએ એકબીજાની સામે જોયું; ગમ નહોતી કે શું જોઈએ છે.

“લોહી જોઈએ છે ? તો લાવો, ધરો ખોબા. તમે ધરાઓ તેટલું મારા કલેવરમાંથી કાઢી આપું.”

લોકો ચૂપ રહ્યા. એણે કહ્યું, “હું બાંધવતાનો પંજો મિલાવવા

આવ્યો છું.

એણે પંજો લાંબો કર્યો.

કોઈ બોલી ઊઠ્યું, “ત્યારે શું અત્યાર સુધીની કતલ નામોશીમાં

જશે ? નામર્દાઈમાં ખપશે ?”

“કોણ છે એ ?” કહીને જલ્લાદે મીટ ઠેરવી. એ જ મોં જેના ઉપર એની પહેલી નજર થોભી ગઈ હતી.

“તમે કોણ છો ? આ કોણ છે ? આપણો જણ તો નથી લાગતો.

સુલેહની વાત વચ્ચે ઝેરી જબાન ચલાવનાર આ કોણ છે ?”

“મારા પૈસા લાવો.” અજાણ્યા શખ્સે કહ્યું.

“તમારા પૈસા ?” જલ્લ્દે વાત સમજી લીધી. “આ મારા ભોળા ભાંડુઓના હત્યાકાંડ માટે ધીરેલા ? એ માટે જ આ વેર જીવતાં રાખવા માગો છો કે ? તમારા પૈસા આપવા હું હમણાં બહાર આવું છું. હવે મને ગમ પડી કે કોની ગરદનમાં મારા સેંકડો લોહીભાઈઓની રૂંઢમાલા રોપાઈ છે !”

એની બાંયમાંથી કુહાડો ડોકાયો - ને સહુની આંખો ખેંચાઈ ગઈ.

“જલ્લાદજી !”

“હા. એક જ માથું બાકી રહ્યું છે. હવે બીજા કોઈ બીશો નહીં.”

જલ્લાદ શાંતિ સ્થાપીને ઘેર આવતો હતો. બન્ને કોમને લડાવી મારનાર વિદેશી સ્વાર્થસાધુની ગરદન પર એની કુહાડી ઝીંકાઈ ચૂકી હતી. હવે કુહાડીને બાંયમાંથી હેઠે ઉતારીને એનું સ્થાન મારી તોયાને આપીશ એવી આશાઓ એનાં પગલાં ઘર ભણી ઝડપ લેતાં હતાં. સાથે ગુપ્ત મંડળનો બુઢ્ઢો પ્રમુખ હતો.

દરવાજામાં દાખલ થતાં જ પાછલા બાગના ફુવારા પર એ બેઉએ દૃષ્ટોદૃષ્ટ દીઠુંઃ યુવાન સ્વયંસેવક અને તોયા સ્નેહાલિંગનમાં લથબથ પડ્યાં હતાં.

“કુહાડાની તરસ હજુ બાકી છે, ભાઈ !” બુઢ્ઢાએ જલ્લાદને આટલું કહેતે કહેતે દાંત કચડ્યા; એના ચહેરાએ તોયાના સ્વામીને કરપીણ સૂચનો કર્યાં. એ ત્યાં જ ઊભો રહ્યો.

જલ્લાદે ચોગાનમાં પ્રવેશ કર્યો. ઘરની અંદર જઈને થીજેલી આંખે પ્રેમિકોને ચુપચાપ નિહાળ્યાં. ઉશ્કેરાટ ન બતાવ્યો. કાળ જેવો અક્ષુબ્ધ ઊભો. પછી એણે જુવાનને એટલું જ કહ્યું, “આગળ થા.”

ઘરમાં દેવપ્રતિમા સામે જુવાનને ઊભો રાખ્યો, ફરી કહ્યું, “શિર ઝુકાવ.”

જુવાનનું શિર નમ્યું : સાથોસાથ ઘરધણીની બાંયમાંથી કુહાડો નીકળ્યો.

“સબૂર ! ઓ જરી વાર સબૂર કરો; એક વાત સાંભળી લ્યો,” તોયા ચીસ પાડતી વચ્ચે આવી ઊભી.

સ્વામીનો હાથ અડધે ઊપડેલો અટક્યો; એણે તોયાને નિહાળી. એની આંખોમાં અમીની છાંટ ઝલકી. “બોલો, શું છે ?”

“તમે મારા બાપુને આપેલો કોલ યાદ કરો : તમે મને હરકોઈ પ્રકારે સુખી કરવાનું કબૂલ્યું છે.”

“તને આ જુવાનની જોડે સુખ થશે ?” સ્વામીનો કુહાડો તોળાઈ રહ્યો હતો.

તોયાએ ડોકું ધુણાવ્યું. કુહાડી સાથે એનો જમણોહાથ નીચે ઢળ્યો.

યુવાનને હજુ આ સ્વપ્ન લાગતું હતું. એ ઊઠ્યો.

તોયાનો હાથ ઝાલીને સ્વામીએ યુવાનના હાથમાં સોંપ્યો. “આને સુખમાં રાખજે. ને યાદ રાખજે - આ રજ પણ દુખી થશે તો ધરતીના પટ પર તું જ્યાં હશે ત્યાં દેવતા તારી ખબર લેશે,” કહીને એણે પીઠ વાળી; દેવમૂર્તિની સામે ઊભો રહ્યો. એની આંખોનાં પોપચાં ન્મયાં; કુહાડો પાછો એની બાંયમાં પુરાયો.

હમેશાંનું ટટાર રહેવા ટેવાયેલું એનું માથું જાણે ધડથી છેદાઈ લબડી રહ્યું હોય એવી રીતે ઢળી પડ્યું. કેટલીય વાર સુધી એ ત્યાં ને ત્યાં ઠેરી રહ્યો. દેવપ્રતિમાનાં અનિમેષ નેત્રો એના ઉપર વરસતાં હતા.

એ ફર્યો ત્યારે જુવાન યુગલ ત્યાંથી ચાલ્યું ગયું હતું. ઝીણી આંખે એણે ઘરના પ્રત્યેક રજકણ પર નીરખ્યા કર્યું. કણેકણની પછવાડે એ તોયાને શોધતો હતો. ઘરનું મૌન અને પોતાનું મૌન : બે મૌન જાણે સવાલ-જવાબ કરતાં હતાં. એના મોં ઉપર હજાર કુહાડાના ઘાવોએ જાણે ખાડા પાડી દીધા.

આંધળાની માફક એ દીવાલનો, કમાડોનો ને થાંભલાનો ટેકો લેતો લેતો ઘરની બહાર નીકળ્યો.

“હેં-હેં-હેં-હેં !” ઘુવડના અંધારવીંટ્યા અવાજ જવું એક હાસ્ય એને કાને અથડાયું. એણે ઊંચે જોયું. કોમનો દાઢીવાળો આગેવાન એક બાજુ ઊભો ઊભો કહેતો હતો, “શાબાશ ! મેં જોયાં એ બેઉને જીવતાં જતાં. શાબાશ નામર્દાઈ ! કોમની તવારીખમાં કદી ન બનેલો કિસ્સો ! દેવના નામે, પિતૃઓને નામે, ધર્મ-કુહાડો ધર્યો હતો તેને બરાબર શોભાવ્યો ! શાબાશ કોમના કલંક !”

“હેં-હેં-હેં-હેં” ફરીવાર મધરાતનો ઘુવડ-નાદ કરીને બુઢ્ઢો આગેવાન ચાલ્યો ગયો.

(૬)

વળતા દિવસનાં પ્રથમ સૂર્ય-કિરણોએ એ લત્તાની દીવાલો પર, ભોંય પર, કાગળોનાં પતાકડાં પર, જ્યાં ને ત્યાં જાહેરાતો વાંચી : ‘નાપાક ઓરતના ટુકડા કરવાને બદલે એના જાર સાથે જીવતી જવા દેનાર ભાઈ ...કોમના દ્રોહી નીવડ્યા છે; કોમને એણે એબ લગાડી છે. એનો બહિષ્કાર કરો.’

બહિષ્કાર એટલે જીવતાં કબરમાં ચણાવું. રક્તપિત્તિયાને લોકો ત્યજે છે છતાં લોકોની દયા એને નથી ત્યજી જતી, પણ બહિષ્કાર પામેલો માનવી તો લોક-તિરસ્કારના વાઘ-દીપડાને મોંએ ફેંકાઈ જાય છે એના માંસના લોચા ચૂંથાય છે છતાં દેખી શકાતા નથી; એથી લોકો બહિષ્કારનું દૃશ્ય દેખી તમાશાના પ્રેક્ષકોની પેઠે રંજિત બને છે.

જલ્લાદજીની દુકાન સ્મશાન બની. આંટ તૂટી ગઈ. ઉંબર ઉપર તિરસ્કારના થૂથૂકાર ગંધાઈ ઊઠ્યા. એણે રોજગાર સંકેલ્યો. માલ હરરાજીમાં મૂક્યો. કોઈ ખરીદનાર ન ડોકાયું. એના ઘરની દેવ-પ્રતિમાને એક ગોરો કલાપ્રેમી પોતાના ઘરના ફર્નિચર તરીકે લઈ ગયો.

ખોપરી ફાટી જાય તેવા તપતા મધ્યાહ્‌ને એક બુઢ્ઢા જેવો લાગતો આદમી ખેતરમાંથી ચાનાં પાંદડાં વીણતો હતો. ચહેરાની ચોપાસ વધેલી વાળની ઝાડીમાંથી એની બે નિસ્તેજ આંખોએ ઊંચે જોયું. મજૂરણ ડોશીએ એના હાથમાં કાગળની ચબરખી મૂકી.

બહિષ્કારનાં બે વર્ષોએ એનાં મન-શરીર ઉપર બીજાં ચાળીસ વર્ષોના પોપડા ચડાવી દીધા હતા. સલામત ભીંતોવાળા ઉજ્જડ ઘરનું તાળાબંધ કમાડ જો ધૂળના ઢગમાં અરધું દટાયું હોય તો તે વટેમાર્ગુને થથરાવે છે. મૂંગો બનેલો એ બહિષ્કૃત માનવી આવા પ્રકારનું ખંડિયેર હતો.

“હેં !” એણે ચબરખી લેતાંલેતાં અવાજ કર્યો, જાણે ખંડિયેર પર હોલો બોલ્યો.

પસીનો લૂછ્યો, વાળ ખસેડ્યા, આંખો પર ચડેલી રજને ફાટેલી બાંય વડે લૂછી. જાણે કે ધરતીકંપના ઢગમાં દટાયેલો થોડો થોડો જીવતો માનવી બહાર આવ્યો. ચબરખી એણે વાંચ્યા જ કરી; ફેરવી-ફેરવીને વાંચી. આજ પહેલી જ વાર એની આંખો ભીની બની. એ ઊઠ્યો. એની વળેલી કમ્મર એકાએક અક્કડ બની. એ ભવ્ય દેખાયો. ખેતરમાંથી ચાલી નીકળ્યો.

“ગાંડો ક્યાં હાલ્યો ?” લોકોને ગમ્મત થતી હતી.

શહેરને છેવાડે કોઈ કોમી ભાઈ ન કળી જાય તેવે ઠેકાણે એક જૂના માલની હાટડીએ એ ચડ્યો. દુકાનદારે કહ્યું, “હવે ભલો થઈને તારા કુહાડા લઈ જા આંહીંથી; કોઈ મફતેય રાખતું નથી.”

“કુહાડા પાછા લેવા જ આવ્યો છું.”

“તું તો ભૈ, ઘણોય ફદિયાં લેવાની આશાએ આવ્યો હોઈશ; પણ શું કરું, મારા બાપા ! કોઈ થૂંકતું ય નથી તારા કુહાડા સામે. લાકડાં ફાડવાના કામના તો નથી રહ્યા. હા, માણસને કાંધ મારવાં હોય તો કામ આવે એવો છે; પણ ઈ તો હવે તને કોઈક ગળાકાપુ ભેટી જાય ત્યારે વેચાણનો જોગ થાય !”

જૂની છત્રીને સળિયા ભરાવતો હાટડીવાળો આવું બબડતો રહ્યો. કુહાડાવાળાએ બેઉ કુહાડા બગલથેલીમાં નાખી ચાલતી પકડી.

પાસે ખરચી નહોતી. દિવસરાત એણે પગભર મજલ ખેંચી. ઊંટની ઝડપે પંથ કાપ્યો. ચોથે દિવસે દોઢસો કોસ પર પડેલું શહેર દેખાયુંઃ મિનારા, કાંગરા ને ઘુમ્મટો; મિલોનાં ભૂંગળાં, જહાજોના કૂવાથંભ અને અજગર-આકારે ખાડીઓ ઉપર સૂતેલા લાંબા કાબરા પુલો.

એક સફેદ, ચકતી ને સુંદર દેખાતી વિરાટ નગરીના હૃદયભાગમાંથી કોઈ એક આહ ઊઠતી હતી. એ આહનો રંગ લાલપીળો હતો. એ અગ્નિ-શિખા આકાશે ચડીને અક્ષરો રચતી હતી, ‘ફસાણી છું; વેશ્યાઘરે વેચાણી છું. પગે પડીને, મોંમાં જોડો લઈને વીનવું છુંઃ ગાયને ખાટકીવાડેથી છોડાવી જાવ.

ના, ના, એ કોઈ આકાશી અગ્નિ-શિખા નહોતી; બુઢ્ઢાના હાથમાં ચોળાઈ રહેલ ચબરખીમાંના જ એ અક્ષરો હતાઃ ગાયને ખાટકીવાડેથી છોડાવી જાવ.

પગરખાં સંધાવવા માટે એક ખૂણામાં એ મોચીની દુકાને ઊભો રહ્યો; મોચીએ પૂછ્યું, “ગોરી-ગલી કેણી મેર ?”

મોચીએ ઊંચે જોયું, મોં મલકાવ્યું ! વ્યંગ કરીને એણે ફરીથી ઘરાકને નિહાળ્યો; “ભેળું ખાંપણ બાંધીને જજે, ભૈયા ! એ જો આ...મ રિયો ગોરી-ગલીનો રસ્તો.” સોયાની અણી વતી એણે સ્થાન સૂચવ્યું.

(૭)

સાંજે એ મશહૂર ગોરી-ગલી તરફ ચાલ્યો. ઝાકમઝોળ દિવાળી જામી પડી હતીઃ બારીએ બારીએથી ડોકાતા ચહેરા જાણે કોઈ તોરણમાં પરોવાઈને ટિંગાતા હતાઃ વીજળીનો પ્રકાશ એ મોઢાંની અકાળે ચિમળાયેલી પાંદડીઓને હસતો હતો. છુરીવાળા રખેવાળો નીચે ચોકી કરતા હતા. સુંદરતા અને હિંસા થડોથડ આવી ગયાં હતાં !

પ્રકાંડ અટવીમાં તોયાને શોધવા નીકળવું હાસ્યજનક હતું. આંટા મારવાથી વહેમ નોતરવા જેવું થાય. પણ કુહાડાવાળો અર્ધ-ગાંડો ને અર્ધ-ગરીબ ભિખારી તરીકે ખપી ગયો. એણે ટીકી-ટીકીને ચહેરા નિહાળ્યા. એમ આઠ દિવસ સુધી કુહાડાવાળાએ ભટક્યા કર્યું. આઠમી સાંજે તોયાને દીઠી. મકાનની અંદર એ દાખલ થયો ત્યારે દરવાજા પરનાં માણસોનું લક્ષ ખેંચાયું નહીં.

“તોયા ! મારી તોયા !” એણે અવાજ દીધો.

સંગીતભર્યા વાતાવરણમાં જાણે સીડી માંડીને સ્વર ઊંચા ઝરૂખા પર ચડ્યો. તોયાએ સ્વરને પારખ્યો.

તે જ ટાણે તોયાની મુલાકાતચ એક મહેમાન આવ્યો છે. એના પંજામાંથી છટકી તોયા નાઠી; પોતાના નામનો સાદ આવતો હતો તે દિશામાં દોડી.

“તોયા !” ભિખારીએ જૂના પ્રેમસૂરનો દિલ-સિતાર છેડ્યો.

થોડી વાર તો તોયા થંભી રહી : આ દશાનો મર્મ સમજાયો નહીં. આખરે ઓળખીને પગમાં પડી ગઈ. એનું કલેજું ધ્રુસકાં લેવા લાગ્યુું. એનું માથું પતિના ઘૂંટણ વચ્ચે હતું.

“એહેઈ ગધ્ધા ! કોણ છો તું ?” પછવાડેથી અવાજ આવ્યો.

મદ્યની ગંધથી નીતરતો આદમી મુક્કી ઉગામીને ધસ્યો આવે છે.

“છોડ, એઈ નાદાન ! છોડ; મારો વારો છે ! મારી ખરીદેલ રંડી છે એ.”

કિસ્મતના અટ્ટહાસ જેવું આ દૃશ્ય દેખીને કંગાલ પોતે પણ હસ્યો. એનું હસવું એવું ભયાનક હતું કે ઇશ્કીને થોડા કદમ દૂર જ અટકવું પડ્યું. બીજે બારણેથી એક પડછંદ દેહવાળી બાઈ દાખલ થઈ.

ઇશ્કીએ બરાડો પાડ્યો, “એ બાઈજી ! લાવ અમારા પૈસા પાછા-”

“શું છે ? કોણ છો ?” કુટ્ટણીએ ડોળા ફાડી કંગાળને પૂછ્યું.

“ખાસ કોઈ નહીં; આનો સ્વામી છું.”

“એં-હેં-હેં-હેં !” બાઈએ હાથનો લટકો કર્યો. “સ્વામી ન જોયા

હોય તો ! ક્યાં ગયો એ પીટ્યો જેણે પોતાની વહુ કહીને આને આંહીં વેચી છે ?”

એ જ વખતે એક જુવાન આદમી ત્યાંથી સરી જઈને પછવાડે કમાડ પાછળ છુપાયો. કુહાડીવાળાની આંખોએ એને તપાસી લીધો.

“ચાલો, તોયા.” પુરુષે પત્નીને હાથ ઝાલી ખડી કરી.

“એં-હેં-હેં ! વાર લાગે વાર ! એમ લઈ તે ક્યાં જાશે ?” કહીને કુટ્ટણી આડે ફરી. “વેચાતી લીધી છે. કાંઈ દાન નથી કરી ગયો પેલો નમૂછિયો.”

બીજી બૂમ પેલા ઇશ્કીની ઊઠી. “ને મારા પૈસા શું હું મૂકી દઈશ ?”

કંગાલની બાંયમાંથી કુહાડી નીચે સરી; હાથો મૂઠીમાં પકડીને એણે સહુને બતાવ્યું. કહ્યું, “હું કોણ છું માલૂમ છે ? હું જલ્લાદજી છું.”

“એં-હેં-હેં-હેં ! કુહાડી તો હાલીમવાલી ય રાખે છે. જો જલ્લાદજી ભાળ્યો ન હોય તો ! પૈસા કાઢી નાખ પૈસા !”

“હું પૈસા ચૂકવવા કાલે આવી પહોંચીશ. મારી વાટ જોજો, હાં કે ! બદલામાં આ મૂકતો જાઉં છું,” કહીને જલ્લાદે સામા ઓરડાના કમાડ પર કુહાડી ઝીંકીઃ કુહાડીનું નિસ્તેજ પાનું પૂરેપૂરું કમાડમાં પેસી ગયું.

અનોધું જોર અને મક્કમ તાકાત દેખી બધાં પાછાં હટ્યાં. બધાંના હોશ કંપી ઊઠ્યા.

“ને મારી પાસે હજી બીજી ય છે - જો જોઈતી હોય તો !” એવી ત્રાડ દઈ એણે તોયાને બહાર દોરી. એ નીકળી ગયો.

“હા...ય ! માડી રે !” કુટ્ટણી હેબત ખાઈ ગઈ હતી. એણે નોકરને કહ્યું, “કમાડમાંથી કુહાડી ખેંચી લે, ભાઈ ! મારાથી એ કુહાડી જોવાતી નથી.”

“બાઈજી ! કુહાડી ડખડખી ગઈ છે તો ય નીકળતી નથી,” નોકરે કમાડ પરથી સાદ દીધો.

કુટ્ટણીએ કમાડની બીજી બાજુ જઈને જોયું કે કુહાડીનું પાનું ક્યાં અટકી ગયું છે.

એ અટકેલું હતું એક આદમીની ગરદનની અંદર. આદમી કમાડની જોડે જડાઈ ગયો છેઃ કશુંક બોલવા મથે છે. એ હતો તોયાનો પ્રેમી યુવાન જેણે તોયાને કુટ્ટણખાને વેચી હતી.

જંગલમાં જલ્લાદ ધીરે પગલે પંથ કાપતો હતો. પછવાડે તોયા ચાલતી હતી. બન્ને વચ્ચે મૌન હતું : પંથ લાંબો હતો. ક્યારે બોલશે ! બોલશે ખરો ?

દેવનો પૂજારી

(‘વિલોપન’)

ગાંજાની ચલમો ખંખેરાઈ ગઈ અને એ નાની ઓરડીમાંથી મિજલસ વીખરાઈ ત્યારે સવાર પડી ગયું હતું પણ સૂરજનો પ્રકાશ ઓરડીમાં ભરાઈ બેઠેલાં ચામાચીડિયાં જેવા એ ધૂમ્ર-ગૂંચળાંને બહાર કાઢી શકતો નહોતો. ચડેલો સૂર્ય એકાદ કિરણ લઈને જાણે કે ઓરડીમાં ફોગટનો ઘોંચપરોણો કરતો હતો.

બાજુની ઓરડીઓમાંથી કાંદા-લસણ અને માંસમચ્છીનાં વઘારવાસ ઘોળાવા લાગ્યાં. પચાસેક ઓરડીઓની ચાલીમાં કઠેડો ઝાલીને ઊભેલો એક ચાલીસે વર્ષનો પાતળો આદમી નીચેના સાંકડા ચોગાનમાં મરઘીઓનાં લોહિયાળ પીંછડાં અને મૂએલા ઉંદરોને જોઈ જોઈ મોં ફેરવતો હતો. પણ ગાંજાના ધુમાડાની ગંધ એને મોંની દિશા બદલવાનું કહેતી હતી. ઓરડીઓમાં મારપીટ અને ગાળાગાળીઓ ચાલતી હતી.

તેણે મહેફિલના છેલ્લામાં છેલ્લા રસિયાને નીકળતો જોયો અને એ તમામના કૌતુકનો વિષય બનતો પોતે જ્યારે ઓરડીમાં દાખલ થતો હતો ત્યારે બહાર ચાલ્યા જતા માણસો બોલતા જતા હતા કે “ક્યા અપની મહેફલમેં બેઠા થા યે ? બમન તો પૂરા લગતા હૈ, મહેફલમેં બેઠનેવાલી સૂરત યે ક્યા હો સકતી ?”

“માર-મારકે હડ્ડી તોડ ડાલની ચાહીએ. દસ સાલ હુએ તો ભી મકાનકી મરામત નહીં કરતા હૈ.”

“ઠીક હૈ, યાર ! પડેં હંય અપન તો. ઐસે હી જિન્દગી ખત્મ હો જાયગી. બાકી તો હિંદુ વો હિંદુ, ઔર મુસલમીન વો મુસલમીન; ક્યા કભી ફરક પડ સકતા હૈ !”

“કમી નહીં, કભી નહીં.”

વહી જતા વાર્તાલાપને પકડીને આ નવીન તરેહનો આદમી એ નાની ઓરડીમાં ગયો. અંદર હવે પાતળા પડેલા ધુમાડાની આછી મચ્છરદાની વચ્ચે એક માણસ બેઠો હતો. એની બેઠક એક મેલી ફાટેલી સાદડી પર હતી. સાદડી પર અને સાદડીની આસપાસ આખી રાતની ચલમોએ ઠલવાઈ-ઠલવાઈને રાખની ઢગલીઓ પાડી હતી. સુગંધિત રંગોળીઓ પૂરેલા દેવ-આંગણામાંથી આવેલા આ માણસે બહુ બહુ સૂગ અનુભવી.

માણસને શરીરે ફાટેલી સુરવાલ હતી. પહોળું જીર્ણ બદન હતું. બંને પર ચલમના તિખારાની દાઝ્‌યો પડી હતી. જાણે કે ખાંસી ખાવામાં પણ એ તાલબદ્ધ બનવા પ્રયત્ન કરતો હતો. એના હાથમાં એક તંબૂર હતો. નજીકના ખૂણામાં એક કાટેલી થૂંકદાની ગંધાતી હતી. બીજે ખૂણે એક છોકરો પાણીથી ગાંજો ભીંજાવીને હથેળી વચ્ચે નિચોવતો હતો.

“શું છે, ભાઈ ?” બેઠેલા બુઢ્ઢાએ બેપરવા નજર કરીને પૂછ્યું. ઝીણી આંખો કરીને એણે આવનારના દીદાર તપાસ્યા. તાજા સ્નાન કરેલા લાગતા શરીર પર આખી પહોળી પાટલિયાળી, સહેજ રતાશ પકડી ગયેલી ધોતી હતી, કોટ હતો, ગળા ફરતો દુપટ્ટો હતો, કપાળમાં ચંદનના ચીપિયાકાર વચ્ચે કંકુનો મોટો ચાંદલો હતો, લાંબા વાળ હતા.

“શું છે ? અહીં કેમ આવેલ છો ?” બુઢ્ઢા માણસના એ સવાલમાં સૂરો બધા તાજ્જુબીના હતા. જાણે કવલી ગાય કસાઈવાડે ભૂલી પડી હોય એવો એ પ્રશ્નનો ભાવ હતો.

“સાંભળવા આવ્યો છું,” નવા આવનારે હાથ જોડીને કહ્યું.

“ક્યાંથી આવો છો ?”

“મુંબઈથી.”

“વાહ ભઈ, વાહ !” બુઢ્ઢાએ મજાકનો અવાજ કાઢ્યો.

“ખાસ આપનું ગળું સાંભળવા માટે.”

“મશ્કરી કરે છે, બમન !” ત્રાડ નાખીને બુઢ્ઢાએ મોંએ ચડી તેટલી ગાળોનો ત્યાં ઢગલો ઠાલવી દીધો. ઓરડીના શણગારમાં જે ન્યૂનતા હતી તે આ ગાળોના છંટકાવથી પુરાઈ ગઈ.

“હું નથી જાણતો એમ ? હું શું બચ્ચું છું ? મારા દુશ્મનો...” કહીને એ બુઢ્ઢા ગવૈયાએ નામો લીધાં. દરેક નામની આગળ અને પાછળ એણે કોઈ એક ઊંડે ખજાને સંઘરેલી નવી નવી ગાળોની મોતનમાલાઓ પહેરાવી. દરમ્યાન છોકરાએ જમાવીને આણી આપેલી ચલમનો પોતાના હાથમાં સ્પર્શ થયો એટલે બુઢ્ઢો ચૂપ બન્યો.

“હું આપની એક જ ચીજ સાંભળવા માગું છું,” બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું.

એક જ ચીજની વાત થતાં વૃદ્ધે ચલમને થંભાવી. “કૌનસી ?”

માણસે એક રાગનું નામ આપ્યું.

“હાં, તબ તો બરાબર. હાં, અબ સમજ મેં આયા.” એટલું કહેતાં કહેતાં બુઢ્ઢાના મોં પરની કરચલી જાણે કે સંકેલાઈ ગઈ. મધરાતે સાફ થઈ જઈને ગળતા કંઠની પેઠે એનો ચહેરો સ્વચ્છ બન્યો. એણે આ માણસની સામે મીઠાં નેત્રો માંડ્યાં. ગર્વની છાંટ છાંટીને એણે પૂછ્યું, “તને કોણે પત્તો બતાવ્યો કે એ રાગ મારી પાસે છે ?”

“ભટકતાં ભટકતાં પત્તો મળ્યો.”

“દુનિયા મને જાણે છે ?”

“નથી જાણતી. હું જાણ કરીશ.”

“તું ? કેવી રીતે ?”

“આપની ચીજની સરગમ બાંધીને.”

“સરગમ ! મારી ચીજની ! તું બમન બાંધીશ ? અબે ગધ્ધા ! ઉલ્લુ ! તેરા દિમાગ ખટ્ટા નહીં કર દુંગા તબ તો ?”

એવી ગાળોનું એક વધારે ઝૂમખું ખંખેરીને બુઢ્ઢાએ ચલમ મોંએ ચડાવી. બે-ચાર ફૂંકે આખી ચલમને એ હાડપિંજર ખલાસ કરી ગયું. બુતાન વગરના એના કુરતામાંથી એની છાતીની એકેએક પાંસળી ધુમાડાને પીતી દેખાતી હતી. જરાક લોહી કમતી હોત તો ધુમાડાની ધાર સુધ્ધાં આરપાર દેખી શકાત.

એણે તંબૂરને પોતાના ખોળામાં બાપ બેટાને સુવરાવે તેવી અદાથી સુવરાવ્યો. એની આંગળીનાં ટેરવાંને તંબૂર પાળેલા પ્યારા પ્રાણીની પેઠે જવાબ આપવા લાગ્યો. તંબૂરનો નાદ જાણે નાનો થાળ થઈ રહ્યો. બુઢ્ઢાનો કંઠ કોઈ અશ્વની માફક એ થાળમાં રમતો થયો.

“ઇસકી સરગમ તૂ બાંધનેવાલા આયા, ગધ્ધા ! ચલ આ, બાંધ, બાંધ તો દેખું!”

વચ્ચે વચ્ચે એટલા શબ્દોનું વિવેચન ઉમેરીને બુઢ્ઢાએ કંઠ રમતો મૂક્યો. એણે જ્યારે ખતમ કર્યું ત્યારે એને ભાન નહોતું કે એને ઉજાગરા કેટલા છે, ભૂખ છે કે નહીં, શરીરમાં લોહી કેટલા રતલ બાકી છે.

“ચલ, બતા તેરી સરગમ !” એણે ગુસ્સામાં પૂછ્યું.

જવાબમાં બ્રાહ્મણ ઊઠ્યો. આ ગંધાતા ગવૈયાના ખોળા સુધી ઝૂકીને એણે હિંદુ શૈલીએ નમનની તાઝીમ કરી પૂછ્યું, “આપની દિલરુબા લઉં ?”

“લે લે, બતા, બતા તો સઈ, ગમાર !” પરદામાં છુપાવેલ સુંદરી સમી દિલરુબા કાઢીને દેતે દેતે પણ બુઢ્ઢાએ બે-ત્રણ અપશબ્દો સંભળાવ્યા.

દિલરુબા પર બ્રાહ્મણના પાતળા હાથની કામઠી ફરી. સામે કાગળ પડ્યો હતો તેમાં જોતાં જોતાં બ્રાહ્મણે બજાવવા માંડ્યું.

શિકાર પર તરાપ મારવાની રાહ જોતા દીપડા જેવો બુઢ્ઢો ગવૈયો પોતાના ગળાની એક પછી એક સૂરાવળ દિલરુબાના દિલમાં ઊઠતી જોતો હતો. પણ હજુ વાર હતી. હજુ એના મનમાં ઉમેદ હતી કે એના કંઠની જે મીંડ આકાશની વિદ્યુત જેટલા વળાંક લેતી હતી એ બ્રાહ્મણને કાગળિયે કેમ ઝલાશે ? અકબરશાહના જમાનાથી બાપ ફક્ત તેના જ બેટાને જે આપતો આવ્યો છે, બીજે કોઈ સ્થાને જેની હયાતી નથી, કંઠની બહાર જેને કોઈ મુકામ નથી, જેનાં હિસાબ ને ગણતરી છેલ્લાં પાંચ સો વર્ષોની સંગીતકળાએ પોતાના સીમાડાની બહાર સમજી લીધેલ છે, તેને આ નાચીઝ બમન કયા બંધને બાંધશે ?

પણ એ બંધનો સાચાં બન્યાં. બુઢ્ઢાના ગળાની ગુપ્તમાં ગુપ્ત એ મેનાને બ્રાહ્મણે પોતાની સ્વર-ગણતીના પાંજરામાં પૂરી બતાવી. બુઢ્ઢો ઝાંખો પડ્યો. એણે મૂંઝાયેલા અવાજે પૂછ્યું, “હવે તું આનું શું કરીશ ? તેં મારો છેલ્લો ઇલમ લઈ લીધો. હવે મારે દુનિયામાં જીવવાનું શું બહાનું રહ્યું ?”

ગવૈયાના દયામણા અવાજમાં ઇતિહાસ હતો; એના જીવનનો ઇતિહાસ હતો. હિંદી સંગીત માંહેલી એ એક જ વિશિષ્ટતા એની પાસે હતી. ગળામાં બીજું દૈવત નહોતું રહ્યું. સેંકડો સાધારણ ગવૈયાઓમાં પણ એની ગણના નહોતી. જિંદગીએ એને ઉકરડામાં ધકેલી દીધો હતો. જીવવાનું એક જ બહાનું આ એક જ સ્વર-રચના હતી. વિધુર, સંતાનવિહીન, કંગાલ, એ વૃદ્ધ મુસલમાન ખુદાને વીસરી જઈ એ એક જ ગાનની પરસ્તી કરતોકરતો જીવન પર દાવો કરતો હતો. બુઢ્ઢો છેવટે કરગરી પડ્યો, “ભાઈ, મેરા ગાના મુઝકો પીછે દે દે !”

બ્રાહ્મણે સહેજ મોં મલકાવ્યું. લખેલા કાગળના ટુકડા કર્યા.

“યાદ રખના !” બુઢ્ઢાએ એ ઊઠતા બ્રાહ્મણને ચેતવણી આપી.

“દિલમાંથી પણ ટુકડો ફાડી નાખજે. જો એનો ઇલમ તારી પાસે હોવાની વાત હું જાણીશ તો તને જહન્નમની આગમાં નાખવા હું ખુદાને અરજ ગુજારીશ.”

“દિલમાંથી તો કેમ ભૂંસાશે ?” બ્રાહ્મણે જવાબ આપ્યો.

જવાબ સાંભળીને ગવૈયો ઊભો થઈ ગયો. બ્રાહ્મણની ગરદન ઝાલી એને હડબડાવ્યો. “તું કોણ છે ? તું શયતાનના બચ્ચા ! આ મેલો ઇલમ તું ક્યાંથી શીખી આવ્યો? અમારી વિદ્યા અમારી રોટી તું શું ઝૂંટવી જઈશ ?”

હોહોકાર મચ્યો. આખો લત્તો સળવળી ઊઠ્યો : કોઈક મેલા ઇલમનો હિંદુ આવીને આપણી વિદ્યા પણ ચોરી જાય છે ! મારપીટમાં નહાતો-નીતરતો બ્રાહ્મણ ત્યાંથી માંડ માંડ બચીને બહાર નીકળી ગયો. એનું નામ ગોસ્વામી યદુનંદન : સ્વરલિપિનો નિષ્ણાત સંગીતકાર.

વર્ષો વહી રહ્યાં છે.

ગોસ્વામી યદુનંદનની ચલગત ઠેકાણે નથી. કોઈ કોઈ રાત એ મંદિરમાં હોતા નથી. કોઈ કોઈ વાર દેવની આરતી કરવા પણ ન જતાં એ તંબૂર લઈને બેસી જાય છે. સારાં આબરૂદાર ઘરોની સૂતેલી સૃષ્ટિને હચમચાવી નાખનારા એના સ્વરો પ્રભાત સુધી ચાલુ રહે છે. એક ઝોકું પણ ગોસ્વામી ખાતા નથી.

મુસલમીન ગવૈયાઓની શ્વાસ-બદલો એના શરીરમાં પેસી ગઈ છે. એના નામ પર ગીલા ચાલે છે : એક ગોપાલવંશી આ ગંદવાડની દુનિયામાં ઊતરી જઈ પોતાની રસવૃત્તિ અને સંસ્કાર ગુમાવી બેઠો છે; ગોમાંસના ભક્ષકોની વચ્ચે પડ્યો-પાથર્યો રહેનાર એ હિંદુ, રંગોળી-પૂર્યાં હિંદુ આંગણાંમાં પગ મૂકવા જતો લગભગ બંધ થઈ ગયો છે. ધાર્મિક જનોને ખટકી રહી છે ફક્ત બે જ વાતો : આ ઊખડેલ માણસની પ્રાતઃપૂજા અને તિલક-ચાંદલો. વાત તો એટલી હદ સુધી પહોંચી ગઈ કે આ બગડેલ ગોસ્વામી હવે તો મુસલમાન ઉસ્તાદોને ગાંજાની ચલમો ભરીને આપે છે; કોને ખબર છે એ ફૂંકતો પણ નહીં હોય ?

વાત આટલે સુધી સાચી હતી કે રાતે છૂપા ચાલ્યા જનાર યદુનંદન ઉસ્તાદોની ચલમો ભરવા લાગ્યા હતા. ને મંદિરે આવતા ત્યારે સ્વાભાવિક એનાં કપડાં સારો દિન કે સારી રાત ખાધેલ ધુમાડાની એક હલકી વાસ આપ્યા કરતાં. દસેક વર્ષ વીત્યાં પછી પણ હજુ એને પોતાનું ગળું આ ગંધથી સાફ કરવાને માટે ઊબકા કરવા પડતા. ને હજુ એના ઉપર ગાળોઅપશબ્દોની તરપીટ અટકી નહોતી. છતાં યદુનંદન શા માટે પોતાનો સંગીત-શોખ દક્ષિણનાં દેવ-મંદિરો અને ગુજરાત તેમ જ રાજપૂતાનાની હવેલીઓ તરફ નહોતા વાળતા ?

વાત વધી પડી. દેવાલયની નજીકમાં યદુનંદનની બેઠકમાં મુસ્લિમ ગવૈયા આવતા થયા. ભાવિકોનાં દિલ દુભાવા લાગ્યાં. તેમણે મકાનધણીની ધાર્મિક લાગણીને કંપાયમાન કરીને યદુનંદન પાસે ઘર ખાલી કરાવ્યું. એનો દેવ-પૂજાનો અધિકાર પણ છીનવાઈ ગયો. પછી થોડા જ દિવસે મકાનમાલિકે પોતાના દીકરાના લગ્નમાં તાયફાનો નાચ ગોઠવ્યો ત્યારે આવી કોઈ બૂમ ઊઠી નહોતી કેમ કે તાયકાના નાચમાં સુગંધો બહેકતી હતી. દેવદાસીઓ તો દેવને પણ ગમે છે એવું દેવભક્તોનું કહેવું થયું.

ઓચિંતાની એક દિવસ સંગીતની દુનિયા પર પાંચસો નવીન ‘ચીજો’ની વૃષ્ટિ થઈ. પાંચસો ગાન-રચનાઓ ગોસ્વામી યદુનંદને સરગમ બાંધીને રજૂ કરી. બુલંદ સંગીતાચાર્યો એને તપાસવા બેઠા. ચકાસણીમાં માલૂમ પડ્યું કે આ પાંચ સો સ્વર-રચનાઓની પ્રાપ્તિ સંગીતના જગતમાં નવી છે.

“નવી નથી, જૂની છે, આપણે કોમી ગણીને ફેંકી દીધેલી ચિરંતન છે,” ગોસ્વામી યદુનંદને જવાબ આપ્યો, “ને મને એ પ્રાપ્ત કરાવનારા આ ગંજેડીઓ છે, તમે દૂર રાખેલા ગો-ભક્ષકો છે.”

યદુનંદને બાંધેલાં સ્વરગાન ઘરઘરનાં વાદ્યો પર રમતાં થયાં. નાનાં બાળકો ને સ્ત્રીઓ એ ગાન-રચનાઓની મસ્તી અનુભવી રહ્યાં, ને ‘કોમી ચુકાદાનો બહિષ્કાર’ એવા કોઈ અકળ અગમ આંદોલનને જ્યારે પ્રજામાં છાપાં જોર કરીને બેસાડવા મથતાં હતાં ત્યારે પેલી મુસલમાની ગાનરચનાઓ કોઈ પણ છાપાનાં પ્રચાર વગર લોકપ્રાણમાં રમવા લાગી.

પછી યદુનંદનનો દેહ પડ્યો ત્યારે એ સમાજ બહાર હતા. એનું શબ પણ સમાજને માટે અસ્પૃશ્ય હતું. એની અંતક્રિયા કરવાની ઉચ્ચ બ્રાહ્મણોએ આનાકાની બતાવી. અફવા હતી કે ગોસ્વામી આ ગવૈયાઓ જોડેના આહાર-વિહારથી યે સાવ મુક્ત નહોતા.

આખરે પંદર-વીસ મેલ-ગંધારા ગવૈયાઓ આવ્યા. એમણે શબને સ્નાન કરાવ્યું. ઘરમાં ચંદન પડ્યું હતું તે ઘસ્યું. યદુનંદનના લલાટ પર રોજિંદા તિલકે પાતળી રેખાઓ પાડી હતી તે તેમે ચંદનથી પૂરી અને વચ્ચે કંકુનો ચાંદલો કર્યો.

જ્યારે ગવૈયાઓએ શબને પોતાની જ કાંધ પર ચડાવીને સ્મશાનયાત્રા કાઢી ત્યારે નગરની ઊભી બજારે, ઘરોની ખોલીઓમાં, ઠેકાણે ઠેકાણે જે સંગીત બજી રહ્યાં હતાં તેમાં ગવૈયાઓ પોતાના કંઠોની કૃતિઓ નિહાળીને કહેતા હતા, ‘આપણને અમરત્વ આપ્યું ગોસ્વામી યદુનંદને.’

“કમનસીબ એક આ રહ્યો.” એમ કહેતા એક ડોસાએ એ સમૂહમાં પોતાનો દેહ હડસેલ્યો. “મેં એને મારું ગાન નહોતું લેવા આપ્યું. મેં એને મતલબી કોઈ હિંદુ માન્યો હતો. મેં એને મારપીટ કરાવી હતી.”

“તબ તો, બુઢ્ઢા ! ચલ તૂ ભી આ જા, ઊઠા લે મૈયત !”

ને એ ડોસાએ ગોસ્વામીની નનામીને પોતાનો ખભો ટેકવ્યો.

૪. નવલકથાઓ

હુલ્લડ

(‘પ્રભુ પધાર્યાં’)

ગામેગામના ફુંગી-ચાંઉ ખળભળી હાલ્યા હતા. ફયાજીનાં મંદિરો ફરતાં પાંચ-પાંચ દસ-દસ મઠોનાં ઝૂમખાં આવેલાં હતાં. પ્રત્યેક મઠમાં ફુંગીઓની મોટી સંખ્યા રહેતી. પીતવસ્ત્રધારી, મુંડન કરાવેલા, કરાલકાળ ફુંગીઓ.

દેવમૂર્તિઓ પર બ્રહ્મદેશીઓ સોનારૂપાનાં જે પતરાં ચોડતાં એની માલિકી ફુંગીઓની હતી. એ સાધુઓ રેલવે-વાહનોના વ્યવહાર કરી શકતા, પૈસાટકા રાખી શકતા, મનગમતી વસ્તુઓ ખરીદી શકતા. શાસ્ત્રાભ્યાસની માથાકૂટમાં ઝાઝા ઊતરતા નહીં. ઇન્દ્રિય-સુખો પ્રત્યે ઝાઝી સૂગ રાખતા નહીં. શ્રદ્ધાળુ પ્રજા એમને ગમતી. જ્ઞાન-વિદ્યામાં અનુરક્ત ફુંગીઓ પણ પ્રમાણમાં ઘણા થોડા હતા.

બરમી છાપાં તેમણે વાંચ્યાં હતાં. સુરતના કોઈ હિંદી મુસ્લિમે પ્રક્ટ કરાવેલી સાત વર્ષ પૂર્વેની એક ચોપડી તેમની પાસે પહોંચી ગઈ હતી; એ ચોપડીમાં ફુંગીઓના આચારવિચારો પર કાતિલ રોશની છંટાયેલી હતી, પણ તેની સાથે ઇસ્લામનું પ્રતિપાદન હતું. હિંદમાં ‘રંગીલા રસૂલ’ લખનારની જે વલે થઈ હતી તે કરતાં ઘણી વધુ ભયંકર ખાનાખરાબી આ લેખકે-પ્રકાશકે અહીં પોતાની કોમને માથે નોતરી. ફુંગીઓના પ્રકોપની પ્યાલી છલકાઈ હતી.

યાંગંઉ (રંગૂન) નગરમાં ફુંગીઓનું રોષ-સરઘસ નીકળ્યું અને નગરવાસીઓમાં હાલકલોલ મચી ગઈ. જીવતી મશાલો જેવા સાધુઓએ નેવે નેવે આગ લગાડી. ધર્મની નિંદા, પ્રભુ બુદ્ધના પંથની બદબોઈ; બાળક બ્રહ્મી પ્રજા એ બદબોઈની બરદાસ્ત કરી ન શકી.

ફુંગી-સરઘસનો રસ્તો રૂંધતી સરકારી પોલીસમાંથી એક ગોરા સાર્જન્ટનું ખૂન થયું. દેશવ્યાપી કોમી સંહારને મંજૂર રાખતી લીલી ઝંડી રોપાઈ. લાંબા કાળથી એકત્ર થયેલા દારૂખાનામાં દીવાસળી ચંપાઈ.

“જ્યાં દેખો ત્યાં મુસ્લિમોને અને ઝેરબાદીઓને કાપી નાખો !” કોઈક અનામી હાકલ પડી. “ન જોજો ઓરતો, બાળકો કે બુઢ્ઢાઓ.” અને હજારો તાતી ધા ઝેરબાદીઓ તેમ જ બ્રહ્મીઓની બગલમાંથી ઊછળી પડી. નગરે, ગામે, ગામડે; મોલમીનથી માંડલે ગલી મચ્છી કાટનારી ધાએ માણસોને રેંસ્યાં. “બિનમુસ્લિમને અડકશો નહીં.” એ હતો બ્રહ્મીઓનો આદેશ. “બિનબરમીઓને છેડશો નહીં.” એ હતી ઝેરબાદીઓની સૂચના. હિંદુઓ આમ બેઉ પક્ષેથી સલામત હતા. શોણિતની સરિતાઓ વચ્ચે થઈને તેઓ ચાલ્યા જઈ શકે. પણ કોણ હિંદુ ! કોણ કાકા ઝનૂને ચડેલી પ્રજા બે વચ્ચે ક્યાં ભેદ સમજે ? હિંદુઓ પણ ઘરમાં લપાઈ બેઠા હતા. બ્રહ્મી પડોશીઓ તેમને રક્ષી રહ્યા હતા.

રતુભાઈ યાંગંઉમાં હતો. એણે મિલ બદલાવી હતી. રહેમાન રાઇસ મિલમાં એને નોકરી જડી હતી. એનાથી બેસી ન રહેવાયું, એની જૂની મિલના એક મુસ્લિમની દશાનો ઉચાટ લાગ્યો. પોતે હિંદુ લેખે સલામત હતો. એણે જેટી પર જઈને પોતાની મિલની લોંચની શોધ કરી. લોંચ મૂકીને માણસો નાસી ગયા હતા. ભાડૂતી સંપાનો ઊભી ઊભી પાણીમાં જળકમળ જેવી ઝૂલતી હતી.

“આવે છે અલ્યા ખનાન-ટો ?” એણે એક સંપાનવાળાને સાદ કર્યો.

“હા બાબુ ! લાબા,” સંપાનવાળો બરમો હોંશે હોંશે હાજર થયો. સંપાન રતુભાઈને લઈને ઇરાવદીમાં ઊપડી.

બેએક માઈલની જળવાટ હતી. સંપાનમાં બે જ જણ હતા : રતુભાઈ ને સંપાની બરમો. રતુભાઈ કોટ-પાટલૂન અને હૅટમાં હતા, સંપાની લુંગીભેર હતો. હલેસાં ચલાવતા એના ખુલ્લા હાથની ભુજાઓ પર માંસના ગઠ્ઠા રમતા હતા. છાતી ગજ એક પહોળી એન ગેંડાના ચામડા જેવી નક્કર હતી. માથે ઘાંઉબાંઉ હતું.

રતુભાઈ અને એ સામસામા હતા. સાગર-શી વિશાળ ઇરાવદીનાં મધવહેણમાં નરી નિર્જનતા વચ્ચે રતુભાઈ જોતો હતો અને સંપાની સંપાનના ભંડકમાંથી કશુંક શોધતો હતો. પલમાં તો સંપાનીના પંજામાં ધા ઊપડતી દેખાઈ.

“કેમ રે ?” રતુભાઈએ તો કશા ઓસાણ વગર વિનોદ કરતાં કરતાં પૂછ્યું, “અહીં તો કોઈ મુસલમાન કે ઝેરબાદી નજરે પડતો નથી, કોઈ સંપાન પણ નજીક નથી, ને તું ડરે છે કેમ ?”

“મીં કાકા (તું મોપલો મુસલમાન છો), મીં ખોતોકલા (તું બંગાળી મુસ્લિમ છો),” સંપાનીએ જરાક વાર રહીને પૂર્ણ શાંતિથી જવાબ વાળ્યો તે વખતે તેની આંખોમં રતુભાઈએ રાતા ટશિયા ફૂટતા જોયા. ઇરાવદીનાં ડહોળાં પાણીમાં સરી જતી સંપાન પર ઉચ્ચારાતા આ શબ્દો અને આ લોખંડની ભોગળ શા ખલાસી-પંજામાં ભિડાયેલી ધા, બેઉએ રતુભાઈની ને મોતની વચ્ચેનું અંતર તસુભર જ કરી દીધું હતું. બરમાની ધા દેખા દીધા પછી કેટલા વેગે માણસને કાપે છે તેની એમને ખબર હતી.

“તું ભૂલ કેર છે, નાવિક !” રતુભાઈએ ખામોશથી જવાબ વાળ્યો, “હું હિંદુ છું.”

“નહીં, તું કાકા છો. તારો લેબાસ હિંદુનો નથી,” ધા ટટ્ટાર થતી હતી.

“નાવિક, આ લેબાસ તો અમારામાં સૌ કોઈ પહેરે છે.”

રતુભાઈની દલીલો હેઠળ છાતીના ઝડપી થડકાર છુપાયા હતા.

“બતાવ તારી ચોટલી.”

“ભાઈ, બધા હિંદુ ચોટલી રાખતા નથી.”

“તો બતાવ જનોઈ.”

“ગાંડા, જનોઈ પણ અમુક હિંદુ જ પહેરે છે.”

“તો ખોલ તારું પાટલૂન.”

“કેમ ?” રતુભાઈ ન સમજ્યા.

“દેહ દેખાડ, જોવા દે સુન્નત છે કે નહીં.” ટાઢોબોળ બરમો નિશ્ચય કરી ચૂક્યો હતો.

“નાવિક, મારે સુન્નત નથી. મારી એબ જોવાનો આગ્રહ છોડી દે. તું કિનારે જ મને આ સંપાનમાં મૂકી રાખીને ખનાન-ટોની કોઈ પણ મિલમાં જઈ ખાતરી કર. મારું નામ દેજે ને પૂછજે કે રતુબાબુ હિંદુ છે કે મુસ્લિમ. પછી તને ખાતરી ન થાય તો મને આંહીં પાછો આવીને મારી નાખજે. તને કોઈ નહીં રોકે. મારું નામ સૌ જાણે છે. ચોથી મિલમાં હું મૅનેજર છું. તું તારે પહેલી મિલમાં જઈને પૂછી આવ; મને કાપી નાખીશ તો પછી જો તને સત્યની ખબર પડશે, તું જ્યારે મારા મુડદાની એબ જોશે, ત્યારે તને કેટલો પસ્તાવો થશે તેનો તું વિચાર કર. પછી વાત તારા હાથમાં નહીં રહે.”

બરમો સહેજ વિચારમાં થંભ્યો. વળી એણે કહ્યું, “તો તને શરીર ખુલ્લું કરતાં શું થાય છે ?”

“નાવિક,” રતુભાઈને લાગ્યું કે પોતાનો હાથ કંઈક ઉપર આવ્યો છે એમનામાં વધુ સમજાવટ કરવાના હોશ પ્રગટ્યા, “અમે હિંદુ, અમારી એબ ઉઘાડી કરવામાં મહાપાપ સમજીએ. અમે એવી જનેતાઓના બેટાઓ છીએ કે જેમણે પોતાની એબ દેખાડવા કરતાં જીવતી સળગી જવું પસંદ કર્યું છે. અમે તારા કૃપાળુ પ્રભુ ગૌતમના દેશના છીએ કે જેમણે જગતના એક જીવડાને પણ ન હણવાનો સુબોધ દીધો છે. અમે ગુજરાતીઓ છીએ. કીડીને ય ચગદતાં પાપ ગણીએ છીએ. એબ જોવી ને એબ દેખાડવી, બેઉ અમારે મન મહાપાપ છે.”

“તું બહુ મીઠું મીઠું બરમી બોલી શકે છે !” એ શબ્દો સાથે નાવિકની ધા પરની પકડ ઢીલી પડી. એણે કહ્યું, “આજે સવારથી આ સંપાનમાં મેં પાંચ કાકાને કાપી નાખી ઇરાવદીમાં ફેંકી દીધા છે, પણ તું છઠ્ઠો મારા માથાનો મળ્યો !”

“ભાઈ, હું તો હિંદુ છું. પણ ધાર કે હું મુસ્લિમ હોત, તો યે મને મારીને તું શું લાભ ખાટત ?”

“ઢમ્મા.” નાવિકને એક જ શબ્દ સૂઝ્‌યો. ધર્મ ! “હા, બૌઢ્ઢાનો ઢમ્મા ! ગોઢમાનો ઢમ્મા !”

“નહીં રે નહીં. એ ધર્મ ગૌતમ બુદ્ધનો ન હોય. કોઈકે ક્યાંક ભૂલ ખાધી છે ને ભૂલ ખવરાવી છે. ખેર ! હવે તો તું મને આ પહેલી મિલમાં જ ઉતારી દે.”

“નહીં રે, હવે તો તને હું તારી મિલમાં જ મૂકી જઈશ. હવે તું ડર ના.”

“તો કહે નાવિક, કલીકમા મલૌ બાને ? (હવે લબાડી નહીં કર ને ?)”

“હવે કલીકમા કરું નહીં કદી, બાબુ ! મારું દિલ ખાતરી પામ્યું છે કે તું કાકા કે ખોતોકલા નથી, તું બાબુ છે; તારો વાળ પણ વાંકો નહીં કરું. ફ્યા સુ.”

‘ફ્યા સુ’ (પ્રભુના સોગંદ) કહ્યા પછી બરમો દગો દેતો નથી, સર્વ વાતોનું પૂર્ણવિરામ ‘ફ્યા સુ.’

“બસ, તો પછી મને પહેલી જ મિલમાં ઉતારી દે.”

“પણ શા માટે ?”

“તું નથી જાણતો કે ચોથી મિલ કોની છે ?”

“બાબુ ! એ તો ખોતોકલાની ! તું ત્યાં કામ કરે છે ?”

“હા, ભાઈ. હિંદુ માલિક કરતાં વધુ ઉદાર માલિક છે, પણ તને હું ત્યાં નહીં લઈ જાઉં.”

“કેમ ?”

“ત્યાંનો કોઈ મુસ્લિમ તને કાંઈ કરે તો મારે જાન જ દેવો પડે. તેં મને જીવતદાન દીધું છે, પણ બીજા તને ન દે તો ? પહેલી જ મિલે ઉતાર.”

પોતાની આગલી મિલના ઘાટ પર ઊતરીને રતુભાઈએ કહ્યું, “હવે તું નાસ્તો કરવા ચાલ અંદર.”

“ના, બાબુ.” બરમો ઝંખવાયો.

“ચાલ, તને કોઈ ન છેડે. હું ભેગો છું. મારું દિલ છે કે તું કાંઈક ખાતો જા. અહીં કોઈ મુસલમીન નથી.”

“કલીકમા મલૌ બાને ?” (લબાડી કરતો નહીં હો કે !) આ વખતે નાવિકનો વારો હતો.

“ફ્યા સુ,” રતુભાઈએ શપથ ખાધા.

ઘાટ સાથે સંપાન બાંધીને નાવિકને લઈ રતુભાઈ પોતાની જૂની જૌહરીમલ-શામજી મિલમાં આવ્યા. એને ખવરાવ્યું, વધુ નાણાં આપી

વળાવ્યો, તે વખતે પાછલી બાજુ કાળા કિકિયારા સંભળાતા હતાઃ “કાકાને કાપો !” “ફુંગીઓને કાપો !”

“આપણો અલી ક્યાં છે ?” રતુભાઈએ જૂની મિલવાળા મિત્રોને પહેલો જ પ્રશ્ન આ કર્યો.

“શિવશંકર એને ઘેર લઈ ગયા છે.”

“અલીની બરમી સ્ત્રી ?”

“સાથે જ ગઈ છે.”

રતુભાઈને ફાળ પડી.

પ્રેમ-મંત્ર

(‘પ્રભુ પધાર્યાં’)

રતુભાઈએ શિવશંકરના ઘર તરફ ઝડપ કરી. કિકિયાટા અને ખૂનરેજીની વચ્ચે થઈને એ ચાલ્યો. છાતી થડક થડક થતી હતી પણ મારો સાવજનો રાખીને એ ચાલ્યો. શિવશંકરનું ઘર નજીક આવતું ગયું તેમ તેમ એને ફાળ પડતી ગઈ. કિકિયાટા એ દિશામાંથી જ આવતા હતા. ટોળાં એ જ લત્તામાં ઘૂમાઘૂમ કરતાં હતાં. જ્યાં જુઓ ત્યાં ધા ઊછળતી હતી. અપ્સરા-ભુવન જેવો બ્રહ્મદેશ નવી સરજાવેલ નરક-શો ભાસતો હતો.

ઘર સામે પહોંચતાં જ રતુભાઈના મોતિયા મરી ગયા. જબરદસ્ત ટોળું ધા ઉછાળતું એ જ બારણે ખડું હતું. બહાર ઊભો ઊભો શિવશંકર ટોળાના અગ્રણી ઝનૂને ટપકતા ફુંગીને હાથ જોડી અંદર પેસતાં વારતો હતો.

“હટી જા,” ફુંગી ધા હિલોળીને ફરમાવતો હતો. “તારા ઘરમાં જ ગયો છે એ કાકા.”

“ફ્યાને ખાતર અટકો. મારી લાજ લો નહીં.”

“તોડો, કાપો, આગ લગાવો એના ઘરને. એ આંહીં જ છુપાયાં છે,” ટોળું પોતાના ફુંગી પાસે ત્વરિત પગલું માગતું હતું.

રતુભાઈ નજીક જતો હતો. પણ ફુંગીનું મોં જોઈ શકતો ન હતો. ગિરદી ફુંગીને વીંટળાઈ વળીને ઊભી રહી.

રતુભાઈના કાનને આંખો ફૂટી. એણે અવાજમાં ઓળખાણ ઉકેલી. પણ બોલનાર ફુંગીનું સ્મરણ થયું નહીં.

કાકલૂદી કરતા શિવશંકરને ધકેલી દઈને ફુંગી ઉપર ચડવા ગયો, શિવશંકર ગડથોલું ખાઈ ગયો. એક ક્ષણ - અને ધસારો કરતું ટોળું એને ચગદી નાખત, પણ કાંઈ બને તે પૂર્વે મેડી પરથી એક યુવાન સ્ત્રી સડસડાટ ઊતરતી નહીં પણ કોઈ પક્ષી ઊતરે તેમ સરકતી આવીને નીચે ઊભી રહી ને આડા હાથ ધરીને બોલી, “તિખાંબા ફ્યા ! તિખાંબા!” (શાંત થાઓ, પ્રભુ ! દયા કરો !)

પરિચિત સ્વર કાને પડતાં જ ફુંગીનો ધસારો તૂટી પડ્યો. “કોણ ?...”

“હાઉ કો-માંઉ !” (હા એ જ, ઓ માંઉ !)

‘માંઉ’ એ શબ્દે રતુભાઈને સ્મરણ-દ્વારે પણ જાણે ઘંટડી રણકાવી.

ફુંગી જોઈ રહ્યો. ગુજરાતી સાડીનું અંગઓઢણું, છૂટી વેણી, કંકુનો ચાંદલોઃ મોં બરમી, વાણી ઇરાવદીના અંતસ્તલમાંથી ઊઠતી હોય તેવી, અવાજ બ્રહ્મ-દેશના પ્યારા પુનિત ઢાંઉ (મયૂર) શો મીઠો, નાક ચીબું, છાતી સપાટ; આ કોણ ?

એની ધા નીચી ઢળી.

“એમને પ્રથમ ઊભા કરો, કો-માંઉ ! એ મારા પતિ છે.” સ્ત્રીએ ચગદાતા પડેલા શિવશંકર તરફ આંગળી ચીંધાડી.

રતુભાઈ શિવશંકરની નજીક પહોંચી ગયો હતો. એની મદદથી ઊભા થતા શિવશંકરે હર્ષાવેશમાં કહ્યું, “રતુભાઈ, તમે ! પહોંચ્યા !”

રતુભાઈ નામ સાંભળીને સ્ત્રીએ પોતાની સાડી સંકોડી. પતિએ વાતો કરી હતી. વખતસર આવ્યો છે !

“હવે તમે એકલા આંહીં આવો, ફ્યા !” સ્ત્રીએ ફુંગીને કહ્યું, “પછી જેને શોધો છો તેને લઈ જજો.”

ફુંગી વેશધારી માંઉને રતુભાઈએ નિહાળ્યો. યાદ આવ્યું : આ તો

પીમનાવાળી સોનાંકાકીનો પુત્ર, ‘ઢો ભમા’ તખીન પક્ષનો અનુયાયી આંહીં ક્યાંથી ! ફુંગી ક્યારે બન્યો! એને આ સ્ત્રી ક્યાંથી ઓળખે ?

ટોળું ખસી ગયું. ફુંગી, શિવશંકર અને રતુભાઈ મેડી ઉપર ચડ્યા.

“ધોખો તો નહીં આપે ને ?” એક અનુયાયીએ બીક બતાવી.

“મગદૂર નથી કોઈની !” બીજાએ કહ્યું, “આ ઉઝીં તો સયા સાન થારાવાડીવાળાના સગા છે. એની માફક આણે પણ પીઠ પર અભય છૂંદણું મંતરાવ્યું છે. એના પર કોઈની ધાનો ઘા ફૂટે જ નહીં !”

“ધાનો ઘા ન ફૂટે, પણ વાંસની અણી કોઈ ઘોંચી દે તો !”

બરમી લોકો માનતા કે ફુંગી લોકો અમુક છૂંદણાં મંતરીને ત્રોફી આપે તો તે માણસને બીજું હથિયાર ન વાગે, ફક્ત વાંસની અણી વાગે; વાંસ કોઈ મંત્રના કે વશીકરણના કાબૂમાં આવતો નથી.

“અરે ઘેલા થાઓ ના, ઘેલા !” ત્રીજાએ કહ્યું. “આપણને સૌને ઠોં ખવરાવનાર પોતે શું કમ હશે !”

ઠોં એટલે ચૂનાની મંતરેલી ગોળી. આ હુલ્લડ વખતે ફુંગીઓ ટોળામાંના સૌને ઠોં ખવડાવતા હતા; એમ મનાતું હતું કે ઠોં ખાય તેને ધા લાગે નહીં.

“કો-માંઉ !” ગુજરાતણવેશી બરમીએ ઘરમાં આવી સીનો ટટ્ટાર કરીને કહ્યું, “હવે તો યાદ આવે છે ને ?”

“તું અહીં ?” ફુંગીનો સ્વર મૃદુતાભેર ધ્રૂજ્યો.

“હા, અહીં છું. તમારા વિચારો તમે તે રાત્રીએ ઠાલવ્યા તે પછી હું મારે ન્યારે માર્ગે વળી ગઈ છું. હું તમારી સ્ત્રી ન બની શકી, તો હું એક બાબુની સ્ત્રી બની છું. તમે છોડી...”

“પણ અહીં શી રીતે ?”

“મજૂરણ બની હતી ચાવલ-મિલમાં. એ તો પત્યું. પણ હવે ?”

“એ કાકા ને, એ ખોતોકલાને બહાર નિકાલો.”

“રહો, કો-માંઉ !” એમ કહી સ્ત્રી ઘરમાં જઈ, પાછી આવી. એના હાથમાં ધા હતી. “ચાલો નીચે. અહીં તો સાંકડ છે. આપણે બંને એક વાર ધાએ ખેલીએ. મારું મુડદું તમારાં ચરણોમાં પડે તે પછી લઈ જજો તમારાં અપરાધીઓને !”

પોતાની સામે એક સ્ત્રીને ધા ઉઠાવતી દેખી જુવાન ફુંગી થડક્યો. એણે પૂછ્યું, “કોણ છે એ ?”

“છે મારા જ જેવાંઃ નર છે કલા અને નારી છે બ્રહ્મી. ને કો-માંઉ ! એમનો ઇષ્ટદેવ છે પ્રેમ. બ્રહ્મી નારીઓએ પ્રેમના કરતાં કોઈ બીજી વાતને ઊંચું આસન આપ્યું નથી. કુળને કે કુળપરંપરાને, વર્ગને કે દરજ્જાને, માબાપની મરજી કે દબાણને, હીરાહેમ કે સંપત્તિને, મો’લાતોને, કોઈને બરમી નારીએ પોતાનું જીવન નથી આપ્યું. આ નારીએ એ જ કર્યું છે. વટલવા એ વરી નથી મુસ્લિમને. એ પરદાબીબી બની નથી. એ આઝાદ રહી છે. એણે પરધર્મ સ્વીકારી નિજધર્મને ત્યાગ્યો નથી. એણે બ્રહ્મદેશની સર્વોપરી પરંપરાના ઇષ્ટદેવ પ્રેમને ઉપાસ્યો છે. એ જો અપરાધ હોય તો ભલે કટકા કરો - પણ પહેલાં કાં મારા ને કાં તમારા ટુકડા પડે તે પછી.”

ફુંગીના બેઉ હાથ પછવાડે ભિડાયા. ત્યાં પાછળ ધા ઝૂલતી રહી. એણે કહ્યું, “તું ભણેલી-ગણેલી થઈને દેશનો પ્રાણપ્રશ્ન સમજી જ નહીં !”

“પહેલાં એ ફુંગીઓને સમજાવો, ઉઝીં ! કહો એમને કે દેશને સમજે, દેહને એકલાને જ ઉપાસતા અટકે. ઢમા ! ધા ન હોય તમારા હાથમાં; તમારા કરમાં તો શાંતિ-અહિંસાનું કમલ શોભે.”

“આજે તો જાઉં છું.”

“ને હું ચરણોમાં વંદું છું, ફ્યા ! એક વારના આપણા સ્નેહનું પઢાઉ વૃક્ષ આજની આપણી કરુણાધારે સિંચાઈને નવપલ્લવિત રહેશે. ઊભા રહો.”

અંદર જઈને ઘોડિયામાંથી એ પોતાના નાના બાળકને લઈ આવી સાધુનાં ચરણોમાં નમાવ્યું. આશીર્વાદના ધર્મબોલ ફુંગીની જીભ પર ન ચડી શક્યા પણ એના કરડા મોં પર પહેલી જ વાર કુમાશની ટશરો ફૂટી.

“ને જરા વધુ થોભો,” કહીને એ અંદરથી બે જણાંને બોલાવી લાવી. ચટગામના મુસ્લિમ અલીને અને એની બરમી ઓરતને. “આની યે વંદના સ્વીકારો, ધર્મપાલ ! ને નિહાળો, એનાં મોં પર છે કોઈ કોમ કે પંથ ?”

“જાણું છું,” ફુંગી બોલ્યો, “આ કલા-કાકા આજે દીનતાની મૂર્તિ છે, પણ એ આંહીં રક્તબીજ મૂકતો જશે ઝેરબાદી બાળરૂપે. એ આજે અમૃત હશે, કાલે એની ઓલાદ વિષબિંદુ બની આપણા જીવતરમાં રેડાશે.

સ્ત્રીઓનું સ્હેન-સ્વાતંત્ર્ય તમને આજે પ્રિય છે. મને દેશનું દેહ-સ્વાતંત્ર્ય સર્વોપરી લાગે છે.”

“આપણા વચ્ચેનો એ ભતભેદઃ એ પર જ આપણે છૂટાં પડ્યાં.”

“આજે પણ એ ભેદ પર આપણે વિદાય લઈએ. હું તો એ પાપને ઉચ્છેદવા જ જીવીશ ને મરીશ.”

“કબૂલ છે. પણ જલ્લાદગીરી કરીને ઉચ્છેદી શકશો ? પાંચને કાપશો, પચીસને, પાંચસોને... કેટલાને ?”

“વાતો નકામી છે. પણ આજે હું હાર્યો છું, રજા લઉં છું,” કહીને ફુંગી હેઠે ઊતરી ગયો, ટોળાને દૂરદૂર દોરી ચાલ્યો ગયો. ગડગડતા જતા વાદળા જેવું લોકવૃંદ ‘ઢો ભમા’ની ગર્જનાને ક્યાંય સુધી પાછળ મૂકતું ગયું.

તે પછી શિવશંકરની સ્ત્રીએ મુખવાસનો દાબડો લાવી, ઘૂંટણભર થઈ, નમીને રતુભાઈની સામે ધર્યો. રતુભાઈની મીટ હજુ નાનકડા બાળક પર ઠરી હતી. એ શિવશંકરને કહેતો હતો, “આને ગુજરાતી બનાવવો છે કે બરમો ?”

“બરમો.”

“ના, એ બાબુ જ બનશે,” સ્ત્રી મીઠે કંઠે બોલી.

“પણ એને કોઈ ગુજરાતી દીકરી નહીં દે !”

“પચીસ વર્ષ પછી પણ ?” સ્ત્રી હસી.

“પચીસ વર્ષે ય અમે નહીં પલટીએ, દુનિયા ભલે પલટી ગઈ હોય.”

“ગુજરાત જવું જ છે ક્યા ભાઈને ?” શિવશંકરે જાણે સોગંદ લીધા.

“આ ઢો ભમાવાળાની સરકાર થશે અને કાયદો કરીને કાઢશે તો ?”

“તો ય નહીં જઈએ.” શિવનો નિશ્ચય હતો.

“લાંબી ચિંતા કરતાં નથી અમે બ્રહ્મીઓ,” શિવની પત્ની બોલી.

“બાળક જેવાં !” રતુભાઈએ મર્મ કર્યો.

“બહુ મધુર દશા,” સ્ત્રી બોલી, “થપાટ મારી કોઈ રડાવે તો ય પાછા પળ પછી એને ખોળે બેસીને ખેલીએ.”

“પણ તમારી ધા તો સાથે ને સાથે જ ના !”

“એ જ અમારું બાળકપણું. ધા ન હોત તો અમારો પ્રેમ અને અમારી લાલાઈ પણ ક્યાંથી હોત ?”

“ચાલો. હવે આજ તો જમાડશો ને ?”

“હા જ તો. હમણાં રોટલી કરી નાખું છું.”

“રોટલી ૫ણ વણો છો ? ત્યારે તો પેલું બાળકપણું ગુમાવ્યું ! હાંડીમાં પાણી ને ચોખા નાખી, ચૂલે ચડાવી, બહાર લટારે નીકળી પડવાનું. ફૂલો ને આભૂષણો લીધા કરવાનું.”

“પણ રોટલીની બધી જ ક્રિયાઓ બાળકની જ ક્રીડા જેવી છે. હું કાંઈ એમને ગુજરાતી ખાણું ખવરાવવા ખાતર નથી કરતી, હું તો બાળક જેવી થઈને રોટલીએ રમું છું.”

“શિવા,” રતુભાઈએ ગુજરાતીમાં કહ્યું, “સંસાર પાકે પાયે ચણાયો છે !”

“મને એ વિચારો જ નથી આવતા. મૂળાને પાંદડે મોજ કરું છું હું તો.”શિવશંકરે પત્ની સામે જોયું. “ત્યારે તો તું ખરો બરમો બન્યો. ક્યાંઈક ધંધો મૂકી દેતો નહીં.”

“શા માટે નહીં ? આ રળવા માંડે એટલી વાટ જોઉં છું !”

“કાંઈ ધંધો માંડેલ છે ?”

“હા, એની માનું હાટડું સંભાળશે. પછી તો મારે નિરાંતે ઊંઘવું છે, બેઠાબેઠા લાંબામાં લાંબી સલૈ (ચિરૂટ) ચૂસ્યા કરવી છે. હિંદમાં તો હેરાન થઈ ગયા. રળીરળીને એકલા તૂટી મરીએ. સ્ત્રી આપણે પૈસે શણગારો કર્યા કરે ને છોકરાં જણ્યાં કરે. મોતની ઘડી સુધી કોઈ દી હાશ કરીને બેસવા ન પામીએ. હું તો ભાઈસા’બ, એ હિસાબે ન્યાલ થયો છું.”

“એ તો ઠીક, પણ આ બેઉને તો હવે ઠેકાણે પહોંચતાં કરો !” રતુભાઈએ હેબતાઈ ગયેલા અલી અને એની બરમી સ્ત્રી વિશે કહ્યું.

“નહીં,” શિવની સ્ત્રીએ કહ્યું, “એ આંહીં જ વધુમાં વધુ સલામત છે. અમે બેઉ બરમી સ્ત્રીઓ છીએ. આસપાસ કોઈ સલામતીનું ઠેકાણું નથી, ને આંહીંથી ફુંગી પાછા ફરેલ છે એ વાત જાણ્યા પછી કોઈ નજીક નહીં આવે. તેમ છતાં મરવાનું હશે તો સહુ ભેળાં હશું.”

“પણ અલીને એકલાને...”

“ના હું એકલો તો ડગલું પણ નથી દેવાનો. મારે હવે એકલા જીવીને શું કરવું છે ?” અલી બોલી ઊઠ્યો.

શિવની પત્નીએ રાંધ્યું ને સૌ જમી ઊઠ્યાં. રતુભાઈએ શિવને ગુજરાતીમાં પૂછ્યું, “એલા, આ માંઉ અને તારી પત્ની વચ્ચે કાંઈક ઇતિહાસ લાગે છે !”

“હા, એ પણ એણે મને કહેલું, કોઈ વાતે એણે મને અંધારામાં રાખ્યો નથી. રંગૂનમાં બેઉ ભણતાં હતાં. માંઉ કૉલેજમાં હતો ને આ હાઈસ્કૂલમાં સાતમી ભણતી હતી. માંઉ વળી ઉગ્ર ઉદ્દામ વિચાર તરફ; માંઉ કહે કે તારે નૃત્ય કરવું નહીં. આ કહે કે નૃત્ય તો મારા રક્તમાં છે. ફો-સેઈનું નૃત્યમંડળ આંહીં આવ્યું, તો તેના તિન્જામ પ્વેમાં જવાની માંઉએ એને ના પાડી. એના માથા ઉપર થઈને એ તિન્જામ પ્વેમાં આવી હતી. હું પણ ત્યાં ગયો હતો. અમારો મેળાપ ત્યાં થયેલો. તે પછી જ એ આપણી મિલમાં થોડા દિવસ મજૂરી કરી ગઈ. અને અમે ચાવલ સૂકવતાં સૂકવતાં વધુ નિકટ આવ્યાં.”

“એ ભણેલી છે એથી કોકડું ગૂંચવાતુું નથી ને ?”

“ના, ઊલટું સરલ બને છે.”

“નૃત્યમાં જાય છે ?”

“હવે નથી જતી.”

“કેમ ?”

“મેં એની નૃત્ય કરવાની સ્વતંત્રતા કબૂલ રાખી એટલે.”

“એ જ ખરો ઉકેલ છે. બંધન ન મૂકો તો આપોઆપ સંતૃપ્ત રહે છે કેટલીક સ્ત્રીઓ.”

રાત ત્યાં વિતાવી, વળતા દિવસે હુલ્લડ શાંત પડ્યા પછી જ આ નાનકડો કુટુંબ-મેળો વીખરાયો.

ઝેરનો કટોરો

(‘રા’ ગંગાજળિયો’)

પાટનગર પાટણમાં કંઈ કંઈ બનાવો બની ચૂક્યા હતા, બનતા હતા, બનવાના પણ હતા. હરીફ મુસ્લિમ રાજવંશીઓની આસપાસની જાદવાસ્થળીએ દિલ્હીની શહેનશાહતને નધણિયાતી કરી મૂકી હતી. ગુજરાતના સૂબા ઝફરખાને ચાતુરી વાપરી દિલ્હીના ધણી બનવા બખેડાઓ કરનારાઓમાંથી એકેયની મદદે ન જવાનું નક્કી કર્યું હતું. ગુજરાત દિલ્હીનું બચ્ચું મટી ગયું, સૂબો સુલતાન બન્યો, નામ ધારણ કર્યું મુઝફ્‌ફરખાન. સોમનાથને ચોથી વાર ભાંગનાર પંજો એ મુઝફ્‌ફરખાનનો. એની તરવાર બેઉ બાજુ ચાલી રહી હતી. એક સપાટો એણે ગુજરાતની આસપાસનાં રાજપૂત રાજ્યો પર ચલાવ્યો હતો, ને બીજો સપાટો ચલાવ્યો હતો સુલતાનિયતના પ્રતિસ્પર્ધી મુસ્લિમ સૂબાઓ પર.

એ પણ જઈફ બન્યો છે. પલગ પર સૂતો છે. અંધારી રાત છે. ઓરડાના દ્વારમાંથી એક હાથનો પડછાયો એના પલંગ પાસેની દીવાલ પર પડે છે. પડછાયામાં આલેખાયેલા એ પંજામાં એક કટોરો છે.

બુઢ્ઢો સુલતાન પડખું ફેરવે છે. સામે ખડો છે પોતાનો પૌત્ર; ગુજરી ગયેલ દીકરા મહમ્મદનો પુત્ર અહમદખાન. દીવાલ પરની છાયા જૂઠી નહોતી. પૌત્રના હાથમાં એક કટોરો હતો.

“પી જાવ, દાદા,” દવા પાતો હોય તેવા મિજાજથી પૌત્રે કહ્યું.

“શું લાવેલ છો, ભાઈ ?”

“ઝહર.”

“શા માટે ? મને - તારા દાદાને - ઝહર ? તારા જ હાથે ?”

“આલિમોની મંજૂરી મેળવીને પછી જ લાવેલ છું, દાદા ! પાક મુસ્લિમ ધર્મના જાણકારોની સલાહ વગર હું આવું કામ નથી કરતો.”

“આલિમોએ શું કહ્યું ?”

“કહ્યું કે એક શખ્સ બીજા શખ્સના બાપને બેગુનાહ મારી નાખે તો તેનું વેર લેવું એ ધર્મમાં મંજૂર છે. આ કાગળ જુઓ દાદા; લખાવીને લાવ્યો છું.”

પૌત્રે કાગળ બતાવ્યો. જઈફ ઝફરખાને હસીને કહ્યું “તારા બાપને -મારા બેટાને - મેં નથી માર્યો. મને એણે કેદી કરીને રાખ્યો હતો છતાં મેં એને ચાહ્યો હતો. એને ઝેર દેનારાઓને મારી શિખવણી નહોતી.” “દાદાજી, એને મરાવીને આપે ફરી સુલતાનિયત ભોગવી છે.” “એ સુલતાનિયત એક પણ દિવસ આંસુથી ભીંજાયા વિના રહી નથી. પ્રત્યેક દિન તને તાલીમ આપવામાં ને મોટો કરવામાં ગયો છે.” “હવે હું મોટો થઈ ચૂક્યો છું, દાદા.” “બસ, તો હું પણ રવાના થવા તૈયાર છું. તેં ઝહર ન આણ્યું હોત તો પણ હું દરવેશ જ બનત.” “એ જોખમ હું કેમ ખેડી શકું, મારા દાદા ?” “ફિકર નહીં. લાવ કટોરો.” ઝેરનો પ્યાલો પોતાના હાથમાં લઈને એણે પૌત્રને કહ્યું, “બેસ બેટા, થોડી ભલામણો કરી લઉં ?” “બોલો, બાબાજાન.”

“પહેલી વાત એ કે જે લોકોએ તને આ કામ કરવા ચડાવ્યો છે તેમની દોસ્તી ન રાખતો. તેમને ય બીજી દુનિયાના દરવાજા દેખાડજે.

દગલબાજનું લોહી હલાલ છે.”

સુલતાનનો સૂર કશો જ ફરક બતાવતો નહોતો. મોતનો કટોરો પોતાના કલેજાની ને હોઠની નજીક છે તેનો બુઢ્ઢાને રંજ નહોતો.

“ને બીજું બેટા, દારૂથી દૂર રહેજે. એ છંદથી પાદશાહે ચેતતા રહેવું. શરાબના પ્યાલામાં દુખનો તોફાની દરિયો છુપાયો છે.

“ત્રીજી સલાહ, રાજમાં બખેડો કરાવનાર શેખ મલિકને ને શેર મલિકને જિંદગીના તખ્તા પરથી સાફ કરજે.

“ચોથું, દીનો દરવેશોની ફિકર રાખજે. રાજા પોતાની રૈયતને લીધે જ તાજદાર થાય છે. રૈયત મૂળ છે, સુલતાન વૃક્ષ છે. પ્રજાને રંજાડી તારું મૂળ ન ઉચ્છેદતો.

“ને છેલ્લું, પોતાના જ સુખને ચાહતો બેસી રહીશ ના.

“બધું તારું જ હતું, તારું જ બધું તને સુપુર્દ થાય છે. ઉતાવળની જરૂર નહોતી. બાકી તો આ દુનિયાની અંદર આવે છે તે મરે જ છે. કાયમ તો રહે છે માત્ર એક ખુદા.

“લે બેટા, આખરી સલામ.”

શરબત પીતા હોય તેટલી જ લિજ્જતથી સુલતાન ઝેર ગટગટાવી ગયા. ઝેર પીતે પીતે પણ એણે સુલતાનિયતના પાયા પૂર્યા. ઝેર દેનાર પૌત્રની જિંદગી એણે સુધારી.

ન્યાય

(‘રા’ ગંગાજળિયો’)

શરાબથી સો ગાઉ દૂર રહેનારા નવા સુલતાન અહમદશાહે રાજપૂત રાજાઓના સંગઠનને પીંછડે પીંછડે ઉચ્છેદી નાખ્યુું. હરીફ કાકાની એકેએક ચાલને શિકસ્ત આપી. સિપાહીઓને અરધ રોકડ દરમાયો ને અરધ ખર્ચ માટે જમીનો આપવાનું ડહાપણ કર્યું; પરિણામે, લડાઈમાં ચાલનારા યોદ્ધાઓને ખપી જવાનો ડર નહોતો કેમ કે પાછળ કબીલાનો પેટગુજારો કરનારી જમીન મોજૂદ હતી. રોકડ પગારને પણ ઢીલ વગર ચૂકવી આપવાની સુલતાનની આજ્ઞા હતી. સંતુષ્ઠ લશ્કરને જોરે પગલે પગલે જીત કરનાર અહમદશાહે વચગાળાના એક એક વર્ષની મુદ્દત સુધી ચડાઈઓ બંધ રાખી હતી. સેનાને આરામના ગાળા મળી રહેતા.

અમદાવાદ નામના આલેશાન શહેરનો પાયો નખાઈ ચૂક્યો હતો. બે જ વર્ષમાં પૂરા બંધાઈ રહેલ એ કોટ ઉપર આજે બીજા પંદર વર્ષો વરસી ચૂક્યાં હતાં. પાટનગર પાટણથી સાબરમતી તીર પર ફેરવાઈ ગયું હતું. સાબરમતીના તીર પર બેઠો બેઠો સુલતાન માળવા અને ચાંપાનેર, ઈડર અને નાંદોદની ખંડાણીઓ ઉઘરાવતો હતો. મંદિરો તૂટતં હતાં. મસ્જિદો ખડી થતી હતી. હિંદુઓની ઈશ્વરોપાસના લોપતો પોતે એક દિવસ પણ પ્રભાતની નમાજ ચૂકતો નહોતો. ઠેરઠેર મિનારા ખડા કરતો ને કોટ-કિલ્લા સમરાવતો હતો. ઠેરઠેર એનાં થાણાં સ્થપાયાં હતાં. ઇન્સાફ પણ એ કરડો તોળતો.

ખુદ જમાઈએ એક વાર જુવાનીના તોરમાં, સુલતાનની સગાઈના જોરમાં, એક નિર્દોષ માણસનું ખ્ન કર્યું. “ખડો કરો એને કાજીની અદાલતમાં,” કાજીએ સુલતાનને સારું લગાડવા ન્યાય પતાવ્યો.

“મરનારનો વારસ માલથી રાજી થાય તો પણ મને એ કબૂલ નથી,” કહીને સુલતાને પૂરો બદલો લેવા આજ્ઞા કરી. “મારી મહેરબાની ભોગવનાર ફરીથી આવી હિંમત ન કરે એટલા માટે એને ભરબજારમાં શૂળી પર ચડાવો.”

ઇન્સાફની ધાક બેસી ગઈ. અમીરથી સિપાહી સુધી એક પણ માણસ તે પછી નિર્દોષનો જાન લેવા હિંમત કરી શક્યો નહોતો.

મહેલને ઝરૂખે બેઠો બેઠો એક દિવસ સુલતાન સાબરમતીના પૂરમાં નજર ફેરવે છે; કાળી વસ્તુ પાણીમાં ડબકાં ખાઈ રહી છે. “બહાર કાઢો એ ચીજને.”

માટીની કોઠી હતી.

“કોઠી ખોલો.” અંદરથી મુડદું નીકળે છે.

“શહેરના તમામ કુંભારોને તેડાવો, કોની ઘડેલી છે એ કોઠી ?”

“મારી બનાવેલી છે, જહાંપના,” એક કુંભારે એકરાર કર્યો.

“કોને વેચેલી ?”

“ફલાણા ગામના અમુક શખ્સને.”

તેડાવ્યો એને. પાપ પ્રકટ થયું. માલિકે એક વાણિયાને મારીને કોઠીમાં ઘાલી પાણીમાં વહેતી મૂકેલી.

“જાનને બદલે જાન,” સુલતાને હુકમ દીધો. હુકમનો તત્કાળ અમલ થયો.

સુલતાની લશ્કર ઘાસ ઉઘરાવવા નીકળ્યું તેના ઉપર ઈડરનો રાવ પૂંજો તૂટી પડ્યો. લશ્કરને વિખેરી નાખી સુલતાનના હાથીઓ લઈ ચાલ્યો. વીખરાયેલા સૈન્યે ફરી જૂથ બાંધી રાવ પૂંજાને પીછો લીધો. નાસતો રાવ એક પહાડ અને ખીણ વચ્ચેના સાંકડા રસ્તા પર પહોંચ્યો. આગળ હાથીઓ હતા. પાછળ લશ્કર હતું. રાવ સાંપટમાં આવ્યો. મહાવતોએ હાથીઓને પાછા ફેરવ્યા. રાવના ચમકેલા ઘોડાનો પગ વછૂટ્યો. ઘોડો ને અસવાર એ પાતળ-ખીણમાં જઈ પડ્યા.

વળતા દિવસે એક કઠિયારો દરબારમાં હાજર થાય છે. એની પાસે એક ઇન્સાનનું માથું છે.

“કોઈ ઓળખી શકે આ માથાને ?”

“હા સુલતાન,” એક લશ્કરીએ કહ્યું. “આ માથું મારા રાવજી પૂંજા રાજાનું છે, મેં એની ચાકરી કરી છે.”

“કાફરને માન દઈ બોલાવે છે, શયતાન ? હિંદુને “મારા રાવજી” કહેવાની ગુસ્તાખી કરે છે ?” દરબારમાં હાજર લોકો ગુસ્સાથી ઊકળી ઊઠે છે.

“ચૂપ રહો સરદારો ! ખામોશ મુસ્લિમો !” સુલતાન તેમને વારે છે. “એ આદમીએ પોતાનું લૂણ હલાલ કર્યું છે.”

બે જ માગણીઓ

(‘ગુજરાતનો જય’ ખંડ-ર)

હજની મોસમ હતી. મુસ્લિમ જાત્રાળુઓનાં ટોળેટોળાં ખંભાતમાં આવતાં હતાં ને તેમને લઈ દેશ-વિદેશનાં સંખ્યાબંધ વહાણો મક્કામદીનાની ખેપે જતાં હતાં. વિધર્મીઓ તરફની વસ્તુપાલની નીતિ મહારાજ જયસિંહદેવના જેટલી જ ઉદાર હતી એટલે તુરકો આરબો વગેરે વિદેશીઓને ખંભાત માના પેટ જેવું સલામતીભર્યું લાગતું.

ગુપ્તચરે સમાચાર દીધા કે દિલ્હીની એક બુઢ્ઢી ખંભાત આવી છે અને હજ પઢવા જાય છે. લઈ જનાર વહાણનાં નામનિશાન પણ નક્કીપણે મળ્યાં છે.

“દિલ્હીની ડોશી ! એ તરફનાં હાજીઓને તો સિંધનાં બારાં નજીક પડે.” વસ્તુપાલે વહેમ બતાવ્યો, “કોણ છે ? વધુ તપાસ કરો.”

ખાતરી થઈ કે બુઢ્ઢી દિલ્હીપતિ મોજુદ્દીનની મા છે અને વહાણ અરબસ્તાનના આરબ સોદાગરનું છે. આંહીંથી એણે કીમતી માલ ભર્યો છે. ઠેઠ દિલ્હી જઈને એ મોજુદ્દીનની માને હજ પઢવા લઈ જવા તેડી આવ્યો છે.

“ક્યારે ઊપડે છે ?”

“કાલ બપોરે.”

ગુપ્તચર ગયા પછી મંત્રીએ લાંબા સમય સુધી મૌન ધારી વિચાર દોડાવ્યો. પોતાની માને આટલે દૂરને બંદરેથી હજ પર મોકલવામાં દિલ્હીપતિનું કોઈ કાવતરું હશે તો ? એ પકડવું જ રહે છે, ને પાપ નહીં હોય તો આ નિમિત્તે દિલ્હીપતિ સાથે સીધી પિછાન સાધી શકાશે. વચ્ચે વચ્ચે એ મલકાતો હતો. ઉગ્ર પણ બનતો હતો ને કોઈકના ઠપકાથી ઝંખવાણો પડતો હોય તેવો પણ ચહેરો કરતો હતો. એના હોઠ બબડતા હતાઃ “નીચતા !... કોણ કહેશે !... અનુપમા તો નહીં જાણે... પ્રજા તો વખાણશે... પણ ભવિષ્યના ઇતિહાસમાં ?... ભલે જે કહેવાય તે. આજે અણમોલી તક છે અને મારો ઇરાદો મેલો નથી...”

એણે પોતાના છૂપા વિશ્વાસુ ચાંચિયા સરદારને તેડાવ્યો. વહાણની એંધાણીઓ અને નામઠામ આપીને ભલામણો આપી.

એ હજનું વહાણ ત્રીજે દિવસે પ્રભાતે ખંભાત પાછું આવ્યું. ખંભાતનાં પાણી વટાવ્યા પહેલાં જ લુંટાયું હતું. આરબ સોદાગરે આવીને પોક મૂકી. વસ્તુપાલે વિસ્મય બતાવ્યું. સોદાગર બાવરો બન્યો હતો. એને ઊંડી ચિંતા હતી.

“કેમ, જનાબ ?” વસ્તુપાલે કહ્યું. “તમે લક્ષાધિપતિ થઈને કાણ માંડી રહ્યા છો? નુકસાનીની કોડીએ કોડી ભરપાઈ કરી દેવા અને બંધાયા છીએ.”

“જનાબ !” સોદાગરે કહ્યું, “મને વહાણ લુટાણું તેનો ડર નથી. પણ મારે દિલ્હીના મોજુદ્દીનનો ખોફ વહોરવો પડશે.”

“કાં, ભા ? એવડું બધું શું છે ?”

“મારા વહાણમાં નામવર મોજુદ્દીનનાં ખુદ અમ્મા છે !”

“મોજુદ્દીનનાં માતુશ્રી ! આંહીં ! શું બોલો છો જનાબ ?”

“જી હા, અમ્માને હું મક્કે હજ પઢવા તેડી જાઉં છું.”

“અને આમ છૂપી રીતે ? દિલ્લીના ધણીની જનેતા ખંભાત આવે તેની અમારી જવાબદારીનો તો વિચાર કરવો’તો ! ચાલો, ક્યાં છે અમ્મા ?”

વસ્તુપાલે જઈને દિલ્હીપતિની વૃદ્ધ માતાના ચરણોમાં માથું ઝુકાવ્યું અને મીઠો ઠપકો સંભળાવ્યો, “અમ્મા, અમારું ગુજરાતનું નાક કપાયું છે.

તમે જેમ સુરત્રાણની મા તેમ અમારી પણ મા છો. અમારે આંગણેથી તમે ચોરીછૂપીથી ચાલ્યાં જતાં’તાં ! અમારી બેઇજ્જતી થઈ. મને ખબર હોત તો હું ખાસ વહાણ અને વોળાવું ન આપત ?”

મંત્રી શું કહે છે તે સોદાગર ડોશીને સમજાવતો હતો, પણ ડોશી શબ્દોની પરવા કર્યા વગર મંત્રીના મીઠા હાવભાવ તરફ તાકી રહ્યાં હતાં. એણે જવાબ વાળ્યો, “અમને તો હતું કે તમે મને પકડી લેશો.”

“અમારું કમભાગ્ય છે કે સુરત્રાણ અમને એવા હલકા ગણે છે.” મંત્રીનો અતંરજામી તો છૂપોછૂપો કહી રહ્યો હતો કે કેવાક ખાનદાન છો તે જાણું છું !

“મારે તો, અમ્મા !” મંત્રીએ કહ્યું, “તમારો રતીયે રતી અસબાબ પાછો ન પકડાય ત્યાં સુધી અન્ન-પાણીની આખડી છે.”

“અરે અરે, બેટા !” ડોશી દંગ થઈને બોલી, “એટલું બધું !”

“અમ્મા ! હું તમારો પુત્ર છું. તમે ગુજરાતનાં મહેમાન છો, મહેમાન અમારે મન પવિત્ર છે.”

‘અરે પવિત્રતાનું પૂંછડું !’ મંત્રીનો અંતરાત્મા હસતો હતો. એક પ્રહરમાં તો લૂંટનો રજેરજ માલ અકબંધ અમ્મા આગળ હાજર થયો. અમ્મા તો મંત્રીના બંદોબસ્ત પર આફરીન થઈને આનંદમાં આંસુ ટપકાવવા લાગી કારણ કે લુટાયેલા અસબાબમાં હજ પઢવા માટેની પાક અને પુનિત વસ્તુઓ હતી.

“લૂંટારાઓને કારાવાસ આપો,” મંત્રીએ આજ્ઞા કરી. ફરી ફરી એ અમ્માને ચરણે પડ્યો; બેઅદબીની ક્ષમા માગી. “અને હવે ?” એણે અમ્માને કહ્યું, “અમારી બેઅદબીનું અમારે પ્રાયશ્ચિત કરવું પડશે, ને તે ખાતર આપને પંદર દિવસ રોકવાં પડશે.”

અમ્માને મંત્રી વાજતે-ગાજતે પોતાને ઘેર લઈ આવ્યા. મંત્રી-કુટુંબે અમ્માની સેવા માંડી. ધોળકેથી પણ રાજકુટુંબ અને તેજપાલનો પરિવાર વંદને આવ્યો. સૌ કીમતી ભેટસોગાદ લાવ્યાં; અને સોખુને મંત્રીએ ફરમાવ્યું, “અમ્માની પગચંપી તારે કરવાની, સોખુ.”

“કેવી, સદીકના જેવી ને !” દુષ્ટ આરબ સદીકને વસ્તુપાલે મલ્લો આગળ ચંપી કરાવી ભીંસી મરાવ્યો હતો તે વાતનો સોખુએ વિનોદ કર્યો.

“ચુપ ચુપ, મૂરખી !”

“અમને શી ખબર પડે કે તમારે કોની ચંપી કેવી કરાવવાની હશે !”

એવા વિનોદ વચ્ચે સુરત્રાણની માતા હિંદુ કુટુંબની સેવા-શુશ્રૂષા પામવા લાગ્યાં. મંત્રીને બે બેગમો છે એવું જાણીને અમ્મા અસંતોષ પામ્યાં. એમણે સલાહ આપી, “નહીં બેટા, બેથી તે તારો દરજ્જો સચવાય કંઈ ? ચાર તો ઓછામાં ઓછી જોઈએ.”

ભલી ભોળી બુઢ્ઢી બે-પાંચ દિવસમાં તો ઘરની વડીલ જેવી બની ગઈ. સોખુને કહે, “તારે એક ફરજંદ થાય તેની તો હું મક્કાથી દુવા માગતી આવીશ.”

“ના રે, માજી !” સોખુએ કહ્યું, “હું પોતે જ હજી બચ્ચું મટી નથી ત્યાં ફરજંદ તે શી રીતે સાચવીશ ?”

આઠમે દિવસે અમ્માના જહાજને હજ પર ઊપડવા તૈયાર કરવાનો હુકમ મળ્યો. વસ્તુપાલ જેની તૈયારી માટે વિલંબ કરતો હતો તે ચીજ આવી પહોંચી.

“અમ્મા !” એણે યાચના કરી, “ગુર્જરદેશનો સ્વામી આપની સાથે પવિત્ર કાબાની હજૂરમાં આ ગરીબડી ભેટ મોકલે છે તે સાથે લેતાં જશો ?”

સુરત્રાણા-માતા તો ચકિત બનીને જોઈ રહી. એ હતું એક આરસનું તોરણ. એની કોતરણી અપૂર્વ હતી. હિંદુ શિલ્પનો એ ઊંચો નમૂનો હતો.

“ને એક કોલ આપો પછી જ જવા દઉં; વળતાં પણ આંહીં થઈને જ દિલ્લી જવાનું.” વસ્તુપાલે માગ્યું.

મોજુદ્દીન-માતા કૉલ દઈને હજે ચાલ્યાં. સારું યે સ્તંભતીર્થ સાગરતીરે વળાવવા ચાલ્યું. તોરણને વાજતે-ગાજતે લઈ જઈ જહાજમાં પધરાવ્યું. એ તોરણ ચોડવામાં નિષ્ણાત એવા ગુર્જર શિલ્પીઓને પણ મંત્રીએ મક્કા સાથે મોકલ્યા.

હજ કરીને ખંભાત થઈ દિલ્હી પાછાં પહોંચેલાં અમ્માએ બેટા મોજુદ્દીન આગળ ગુર્જરદેશના દીવાનનાં ગુણગાન આદર્યાં. ‘તું ખુશી ખાતે પહોંચી’તીને, અમ્મા ?’ એમ પૂછે તો અમ્મા વસ્તુપાલે કરેલી સરભરાની જ વાત કરે. સુરત્રાણની બેગમોને જોઈ જોઈ અમ્મા સોખુ-લલિતાની વાત કાઢે. તોરણનું રટણ કરતાં અમ્મા થાકે જ નહીં. પેટીઓ ઉઘાડી-ઉઘાડીને ખંભાતથી આપેલી સોગાદોનાં પ્રદર્શન પાથર્યાં અમ્માએ.

કંટાળેલા સુરત્રાણે પૂછ્યું, “અમ્મા ! હું પૂછું છું તેનો જવાબ તું વાળતી નથી અને આ હિંદુ દીવાનના જાપ શા માટે જપે છે ?”

“અરે, બેટા ! તું મળે તો તું પણ આફરીન પુકારે.”

“તો એને તેડી કેમ ન લાવી ?”

“તું મળત ખરો ?”

“બેશક. મારી જનેતાનું દિલ જેણે જીત્યું અને જેણે આપણા મજહબને માન દઈ છેક મક્કે તોરણ મોકલાવ્યું તેને હું ન મળત ?”

“તો ખરું કહું ? હું તેડી લાવી છું. કસમ ખા કે એનો વાળ પણ તું વાંકો નહીં કરે.”

દિલ્હીથી થોડે દૂર ઊતરેલા વસ્તુપાલને તેડવા મોજુદ્દીને અમીરો મોકલ્યા અને દરબારમાં એને નજરે દીઠો.

ચાંચિયાઓ પાસે હજે જતા જહાજની લૂંટ કરાવી જાણનાર વસ્તુપાલ જ્યારે સાંસ્કારિક મુલાકાતે જતો ત્યારે પુરબહારમાં ખીલતો. એના દેહનો રૂપાળો બાંધો મોજુદ્દીનને ગમ્યો. એ તાકીને જોઈ રહ્યો. આબુની ઘાટીમાંથી મ્લેચ્છોનાં માથાં વાઢી ગાડેગાડાં ભરી જનાર વણિક ભાઈઓ વિશે સુરત્રાણને વસ્તુપાલને દેખ્યા પછી વિસ્મય થયું. એ રહ્યો તેટલા દિવસ આકર્ષણ વધતું રહ્યું. મોહે મૈત્રીનું સ્વરૂપ મેળવ્યું. મોજુદ્દીનના મન પર વસ્તુપાલે પોતાના વ્યક્તિત્વની નહીં પણ સમગ્ર ગુર્જર દેશના સંસ્કારની છાપ પાડી.

“કંઈક માગો.” મોજુદ્દીને મોજ દર્શાવી.

“માગું છું બે વાતો.”

“માગો; જુઓ કે મુસ્લિમ રાજા દોસ્તીના દાવાને માન આપી જાણે છે.”

“એક તો માગું છું ગુર્જર દેશ સાથેની કાયમી માનભરી મૈત્રી.”

“મૈત્રી !” મોજુદ્દીનનું મોં મરકવા લાગ્યું. “ભલા આદમી ! અમે આંહીં દોસ્તીઓ બાંધવા આવ્યા છીએ ! ઇસ્લામની તલવાર ધરીને અમે જે પ્રયોજને દુનિયાભરમાં ઘૂમ્યા છીએ તે જ પ્રયોજન હિંદમાં ઊતરવાનું છે. તારી ગુજરાતની દોસ્તી મારો કયો વારસો પાળવાનો છે !”

“ભવિષ્યની વાત હું કરતો નથી, નામવર !” વસ્તુપાલે હસીને જવાબ વાળ્યો. “ભાવિ તો દિલ્લીના ને ગુજરાતના બેઉના વારસદારોની સુબુદ્ધિ પર છોડી દઈએ. અત્યારે તો મારી ને આપની જ નાનકડી જિંદગી પૂરતી વાત છે.”

“બીજું કાંઈ માગવા જેવું ન લાગ્યું તને !” મોજુદ્દીનનું મોં મરકતું રહ્યું, “તને ગુજરાતની શી પડી છે ? તું તારું ને તારા કુટુંબનું કર ને !” એમ કહેતા આ પરદેશી રાજાનાં નેત્રોમાં અણમોલાં અને અસંખ્ય, ધીકતાં અને તરતાં દરિયાબારાંવાળી ગુજરાત રમતી હતી.

“મારે ખાતર આંહીં સુધી આવવાની જરૂર ન પડત. એટલું જ બોલો નામવર કે આપના જીવતા સુધી ગુજરાત સાથે દોસ્તી નભાવશો.”

“તું બડો પાજી છે, દીવાન !” મોજુદ્દીને વસ્તુપાલની પીઠ થાબડી. “હું ખુદાની રહમ માગું છું કે તારા જેવો બીજો ગુજરાતી મને ફરી ન ભેટે !”

વસ્તુપાલે મૌન સેવ્યું. એને ખબર હતી કે પોતાની પરંપરા સાચવે તેવા એક પણ પુરુષને પોતે હજુ ગુજરાતમાં ઘડી શક્યો નથી, પોતાની જ મહત્તાનું મહાલય રચવામાં જીવનનાં શ્રેષ્ઠ વર્ષો જતાં રહ્યાં છે. મોજુદ્દીને કહ્યું, “ખેર, મારી જિંદગી પૂરતો કૉલ આપું છું. અલ્લાહ મોટો છે. એ મને કોલ પાળવાની બુદ્ધિશક્તિ આપો !”

“બસ, નામવર ! મારી જિંદગીનું સાર્થક થયું.”

“એ તો ઠીક, પણ હવે તમે પોતાને માટે કાંઈક માગો.”

“એ પણ માગું છું - મમ્માણી ખાણમાંથી પાંચ આરસના ટુકડા.”

મોજુદ્દીન હસી પડ્યો. “પાંચ ટુકડા ! માગી-માગીને પથ્થર માગો છો ?”

“આપો છો ને ?”

“બેશક, પણ -”

“બસ બસ, નામવર, આપે આપ્યું તેટલું તો કદાચ ભવિષ્યમાં કોઈ નહીં આપે.” મંત્રીની આંખમાં આગાહીઓ ભરી હતી.

“આવી માગણીનો શો ભેદ છે ? સમજાવો તો ખરા !”

“દિલ્લીપતિ, આપ મુસ્લિમ છો. પાંચ આરસ આપીને અવધિ કરી છે. એ પાંચે ટુકડા મેં અમારાં પાંચ મંદિરોમાં પધરાવવાની પાંચ પ્રભુપ્રતિમાઓ કોતરવા માટે માગેલ છે. એ પાંચ મૂર્તિઓના પથ્થરો બક્ષનાર સુરત્રાણ અમારી મૂર્તિઓને કેમ ભાંગશે !”

હુક્કાની નળી સુરત્રાણના હાથમાં રહી ગઈ. એણે આછું સ્મિત કર્યું ને કહ્યું, “પાજી દિવાન, તને માગતાં આવડે છે.”

“ને આપને આપતાં આવડે છે, નામવર.”

“પણ હવે તો કાંઈક તમારા માટે માગો - તમારાં બેટા-બેટી માટે.”

“આ બે વાતોમાં તમામ આવી ગયું, નામવર ! મારાં ભાઈ, ભત્રીજા અને બેટા-બેટીઓને તો ગુર્જર ધરા અને ગુર્જરો સાગર જે જોઈએ તે આપે છે. કોઈ પણ કમીના નથી. આજે તો હું અને આપ બેઉ નિહાલ થયા. ભાવિમાં તો કોણ જાણે શું હશે ! હવે મારે આપની એક થાપણ પાછી સોંપવાની છે.”

“એ વળી શું છે ?”

“એક જીવતું માનવી છે. આપે ગુજરાત પર જાસૂસી કરવા દેવગિરિ દ્વારા મોકલેલી એક ઓરત,” મંત્રીએ ચંદ્રપ્રભાવાળી વાત કાઢી.

“એ હજુ જીવતી છે ?”

“હા - અને અમારી જનેતા અને બહેન જેવી રખાવટ સાથે. અમારા અગ્નિજાયા પરમારોની ખિદમત નીચે આબુ ઉપર.”

“એનું આંહીં શું કામ છે ? અમારા પ્રત્યે બેવફા બનીને તમને ચેતવનાર એ જ હતી ને ?”

“નામવર મને ક્ષમા કરે, પણ એ આપને બિલકુલ બેઈમાન નથી બની.”

“તો તમે એને સાચવી શા માટે ? એ તો તમારી શત્રુ છે.”

“છતાં એ અમારી નજરે નારી છે, જનેતા છે, અબળા છે.”

“એણે તો ગુજરાત પર કિન્નો લેવા અમારો રાહ અને અમારો મજહબ સ્વીકાર્યો હતો.”

“એ તો હજુ ય એ આગમાં સળગે છે.” વસ્તુપાલે અનુપમા મારફત જાણી લીધું હતું કે ચંદ્રપ્રભાનો ગુજરાતને રોળી નાખવાનો નિશ્ચય અફર હતો.

“છતાં તમે પાછી સોંપો છો ?”

“એ ફરી વાર ગુજરાતણ બનવાની કટ્ટર ના કહે છે. એ ભલે જ્યાં પોતાનું સ્થાન માને ત્યાં જતી.”

“તમારી ગુર્જરોની પણ ગજબ દિલેરી છે, દીવાન ! ઓરતો તરફના તમારા ખ્યાલો અમને ખૂબ વિચિત્ર લાગે છે. દેશદ્રોહીને અમે કુત્તાને મોતે મારીએ. અમે એમની જાત-ભાત જોઈ શકતા નથી.”

“ખરું છે, નામવર ! પણ એ તો અમને માના ધાવણ સાથે મળેલ છે. ફરમાવો તે રીતે એને આંહીં પહોંચતી કરું.”

“નહીં દીવાન, એ અમારે ન ખપે. એક નાચીજ ઓરતની એટલી ખેવના કરવા બેસીએ તો સલ્તનતો સ્થપાય નહીં. તમે અક્કેક ઓરત પર સલ્તનતો ડૂલ કરવા બેસો છો એ અમારા લાભની વાત છે,” કહીને મોજુદ્દીન હસ્યો ને એણે લહેરથી હુક્કાના સુગંધી ધુમાડાને હવામાં ગૂંચળાં લેવરાવ્યાં. “જાઓ નિર્ભય રહો, એ ઓરતના જે કંઈ હાલહવાલ તમે કરો તેથી અમને કશી જ નિસબત નથી. પ્યારા દોસ્ત ! તમારા રાણાને અને

પાટણના જઈફ સર્વાધિકારીને દોસ્તના સલામ આલેકુમ દેજો.” મૈત્રીનો રુક્કો અને પ્રભુબિમ્બ માટે પાંચ આરસ-ટુકડાના દાનનો લેખ મેળવીને વસ્તુપાલ ચંદ્રાવતી આવ્યો.

પ. લોકકથાઓ ઉપર આધારિત વાર્તાઓ

કાંધલજી મેર

(‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-ર)

ચારસો વરસ જૂની વાત છે. તે વખતે ઢાંક અને ઘૂમલી નગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી. રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરના એક મેર અમીર હતા. કાંઈક કારણથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુખાયેલું તેથી પોતે જૂનાગઢના રા’ના દરબારમાં જઈને રિસામણે રહ્યા હતા.

રા’ના ઘરમાં જેઠવા રાણાની કન્યા હતી. રાણીને કુંવર અવતર્યો. રા’એ હઠ લીધી કે જેઠવાની પાસેથી કુંવરપછેડામાં ઢાંક શહેર લેવું. જેઠવો વિચારમાં પડ્યો. પુરાતન રાજધાની ઢાંક કેમ અપાય ? જેને ભીંતડે ભીંતડે નાગાજણ બાપુએ શાલિવાહનની સતી રાણીના હાથની સોનાની ગાર કરાવેલી એ દેવતાઈ નગરી ઢાંક દેવાય ? જ્યાં પૂર્વજદેવે ભાટને માથાનું દાન દીધું, જ્યાં મસ્તક વિનાનું ધડ લડ્યું, મૂંગીપુરનો ધણી શાલિવાહન જ્યાંથી ભોંઠો પડીને ભાગ્યો, એ અમરભૂમિ કેમ અપાય ? પાંચસો વરસની બંધાયેલી માયા-મમતા તોડવાનો વિચાર કરતાં જેઠવાની નસો તૂટવા લાગી. બીજી બાજુ જમાઈના રિસામણાનો ડર લાગ્યો, દીકરીના દુખની ચિંતા જાગી, રા’ના હુમલાની ફાળ પેઠી.

આખરે જેઠવાને બારી સૂઝી. એને લાગ્યું કે કાંધલજી મારી આબરૂ રાખશે; રિસાયો છે તો ય ઢાંકની બેઆબરૂ એ નહીં સાંખે. માતાની લાજ જાય ત્યારે દીકરો રિસાઈને બેઠો નહીં રહે. એણે રા’ને કહેવરાવ્યું,

“અમારા કાંધલજીભાઈ ત્યાં છે. આબાબતમાં એ જે કરે તે અમારે કબૂલ

રહેશે.”

રા’ને તો એટલું જ જોઈતું હતું. કાંધલજી તો આપણો આશ્રિત છે, એ બીજું બોલે નહીં, એવો વિચાર કરીને કચેરીમાં કાંધલજીભાઈને રાણાનો કાગળ વંચાવ્યો. વાંચીને ગર્વથી, પ્રેમથી, ભક્તિથી, કાંધલજીની છાતી એક વેંત પહોળી થઈ, એના અંગરખાની કસો કડડ તૂટવા લાગી. અંતર્યામી બોલી ઊઠ્યો, ‘વાહ, મારા ધણી ! તેં તો મને ગિરનારને આંગણે ઊજળો કરી બતાવ્યો.’

“કાંધલજીભાઈ !” રા’એ હસીને પૂછ્યું, “જોયાં તમારા જેઠવાનાં જોર ?”

ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી બોલ્યા, “બાપ ! મારો ધણી તો ગાંડિયો છે. ઢાંક તો અમારી મા કહેવાય. એને જવાબ દેતાં ન આવડ્યું. દીકરીનાં માગાં હોય, પણ માનાં માગાં ક્યાંય દેખ્યાં છે ?” એટલું બોલતાં તો એની આંખમાં અંગારા મેલાઈ ગયા.

રા’નું રુંવાડે-રુંવાડું ખેંચાઈને ઊભું થઈ ગયું. એણે કહ્યું, “કાંધલજી, જૂનાગઢના રોટલા બહુ દી ખાધા. હવે ભાગવા માંડ્ય. ત્રણ દિવસની મહેતલ આપું છું. ચોથે દિવસે તું જ્યાં હોઈશ ત્યાંથી ઝાલીને તારા પ્રાણ લઈશ.”

કાંધલજી ઊભો થયો. ભેટમાં તરવાર હતી તે ખેંચી કાઢીને એની પીંછીથી ત્યાં ને ત્યાં ભોંય ઉપર ત્રણ લીટા કર્યા. અક્કેક લીટો કરતો ગયો અને રા’ની સામે જોઈ બોલતો ગયો, “આ એક દિવસ, આ બે દિવસ અને આ ત્રીજો દિવસ. જૂનાગઢના રા’ ! તારી મહેતલના ત્રણ દિવસ પૂરા થઈ ગયા. લે હવે, આવ પડમા, કર ઘા. મેરને મારતાં કેવુંક આવડે છે તે જોઈ લે.”

“હાં ! હાં ! હાં ! કાંધલજી !” બોલતી આખી કચેરી ઊભી થઈ ગઈ.

રા’એ કહ્યું, “તુંને એમ મારું તો તો જગત કહેશે કે આશ્રિતને ઘરમાં ઘાલીને માર્યો, માટે ભાગવા માંડ્ય.”

ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યો. સાથે પોતાનો જુવાન ભાણેજ એરડો હતો. ઘોડીઓ વણથળી ગામને પાદર નીકળી.

તે દિવસે ગામમાં નવસેં નાઘોરી વરો પરણવા આવેલા. અત્યારે વરરાજા અને જાનૈયાઓ ગામ બહાર દિશા-દાતણ કરવા નીકળેલા છે. ઢોલ ધ્રબૂકે છે ને કેટલાક જાનૈયાઓ પટ્ટાબાજી ખેેલે છે. ગામને ગોંદરે રમાતી આ વીર-રમતો નીરખવા સેંકડો વટેમાર્ગુ થંભી ગયા છે. એવે ટાણે આ ચાર-પાંચ ઘોડેસવારો કાં ઝપાટાભેર ભાગ્યા જાય છે ? ઘોડીઓનાં મોઢાંમાં ફીણ છૂટ્યાં છે તો ય અસવાર એના ડેબામાં કાં એડી મારતાં આવે છે ? પાંચેય આદમીના હાથમાં ઉઘાડાં ખડગ કેમ છે ?

દોડી જઈને નવસો નાઘોરી વરરાજાની આડા ફર્યા. ઘોડીની લગામો ઝાલી રાખી. ચમકીને કાંધલજી બોલ્યા, “તમે મને ઓળખો છો ?”

નાઘોરી કહે, “ઓળખીએ છીએ. તમે અમારા મહેમાન એ જ મોટામાં મોટી ઓળખાણ. ગામને પાદરથી આજ તમ જેવો મહેમાન કસુંબો લીધા વિના ન જઈ શકે.”

કાંધલજીએ કહ્યું, “ભાઈ ! તમે તમારી મેળે જ હમણાં ના પાડશો. મારી વાંસે જૂનાગઢની વહાર ચડી છે.”

“ત્યારે તો, ભાઈ, હવે રામરામ કરો ! હવે તો જઈ રહ્યા ! જાવા દઈએ તો નાઘોરીની જનેતામાં કંઈક ફેર પડ્યો જાણજો !”

“અરે બાપુ ! તમારે ઘેર આજ વિવા છે. ગજબ થાય.”

“વિવા છે માટે જ ફૂલદડે રમશું. કંકુના થાપા તો વાણિયાબ્રાહ્મણના વિવાહમાં યે હોય છે. આપણને તો લોહીના થાપા જ શોભે.”

નાઘોરીઓએ આખી વાત જાણી લીધી. કાંધલજીને કોઠાની અંદર પૂરી દીધા. અને નવસેં મીઢળબંધા નાઘોરીઓ ગામને પાદર તરવાર ખેંચીને ખડા થઈ ગયા. જૂનાગઢની ફોજ આવી પહોંચી. સંગ્રામ મચ્યો. સાંજ પડી ત્યાં નવસો મીઢળબંધા વરરાજાઓ લોહીની કંકુવરણી પથારી કરીને મીઠી નીંદરમાં પડ્યા. કોઈ કદી યે ન જગાડે એવી એ નીંદર, એવી નીંદર તો નાઘોરણોની સુંવાળી છાતી ઉપરે ન આવત.

કોઠા ઉપર બેઠાં બેઠાં કાંધલજીએ કસુંબલ ઘરચોળાવાળી જોબનવંતી નાઘોરણોને હીબકાં ભરતી ભાળી, મોડિયાનાં મોતી વીંખતી તરુણીઓનાં વેણ સાંભળ્યાંઃ “આપણા ધણીઓનો કાળ હજી આંહીં બેસી રહ્યો છે !” સાંભળીને કાંધલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું. તરવારની ગાળાચી કરી, પોતાનું માથું ઉતારીને નીચે મૂક્યું. બે ભુજામાં બે તરવારો લીધી અને ધડ ધીંગાણામાં ઊતર્યું. લશ્કરને એક ગાઉ સુધી તગડ્યું. સીમાડા માથે કોઈએ ગાળીનો ત્રાગડો નાખી ધડને પાડ્યું, માથું દરબારગઢમાં રહ્યું.

અત્યારે કાંધલજીનું માથું વણથળીના દરબારગઢમાં પૂજાય છે, અને ધડની ખાંભી સીમાડે પૂજાય છે. રા’એ કાંધલજીના માથામાં ઉબેણ નદીને કાંઠે જમીન આપી હતી, તે જમીન અત્યારે નાઘીરીનો વંશજ મુુંજાવર ભોગવે છે.

કાંધલજીના વંશજોએ દર વિવાહે એક કોરી (પાવલું) કર કર નાઘોરીના વંશજોને બાંધી આપેલો છે, ને પોરની સાલ (૧૯ર૩) સુધી એક ફકીર કાંધલજીના વંશજો ઓડદરિયા મેરો પાસેથી પાવલું પાવલું કર ઉઘરાવી ગયો છે.

એ ધીંગાણા પછી નાઘોરીઓ અને મેરો ‘લોહીભાઈઓ’ કહેવાય છે.

વલીમામદ આરબ

(‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-૧)

લગભગ સં. ૧૯૧પની વાત છે.

“જમાદાર સા’બ, ચલો રોટી ખાવા.”

“નહીં, હમ ખાયા.”

“ચલો ચલો, જે બટકું ભાવે તે, મારા ગળાથ (સોગંદ).”

“નહીં નહીં, હમ અબી ખાયા.”

ત્રણ ગામના ત્રિભેટે આછે પાણીએ ઝૂલતી એક વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને જૂનો વડલો ઊભો હતો. ઉનાળાને બપોરે એ હરિયાળા દેવઝાડની છાંયડીમાં વાવને ઓટે બે જણા બેઠા હતા : એક આરબ ને બીજો વાણિયો. ભાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરાં ખાવા સોગંદ દઈ-દઈને બોલાવે છે તેનું કારણ છે. શેઠ લાઠી ગામે દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા, વેવાઈની સાથે તકરાર થવાથી ઘરેણાંનો ડબો લઈને પાછા વળેલા છે તેથી હથિયારબંધ સંગાથી જરૂરનો હતો; વાણિયે સોગંદ આપી-આપીને આખરે ચાઊસને બે ઢેબરાં ખવરાવ્યે જ છૂટકો કર્યો.

રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબને એક ખંભે હમાચો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી. કમ્મરના જમૈયા સરખા કરીને કસી-કસીને ભેટ બાંધી. દંતિયે દાઢી ઓળીને આરબ નીચે ઊતર્યો. વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો.

આરબે સવાલ કર્યો, “કાં શેઠ, ક્યાં જાવું ?”

“ખોપાળા.”

“મારો પણ એ જ મારગ છે. ચાલો.”

ચાઊસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જાતો હતો. બેય જણા ચાલતા થયા. તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું, “સેઠ, કાંઈ જોખમ તો પાસે નથી ને ?”

“ના રે બાપુ ! અમે તે જોખમ રાખીએ ! પંડેપડ જ છું.”

આરબે ફરી કહ્યું, “સેઠ, છુપાવશો નહીં. હોય તો મારા હાથમાં સોંપી દેજો, નીકર જાન ગુમાવશો.”

“તમારે ગળે હાથ, જમાદાર, કાંઈ નથી.”

શેઠના ખડિયામાં ડાબલો હતો. બે-ત્રણ હજારનું ઘરેણું હતું. બન્ને આગળ ચાલ્યા. આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ પોતાના બાર જુવાનોને લઈને આડો બાંધી ઊભેલો છે. જોતાં જ શેઠના રામ રમી ગયા; એનો સાદ ફાટી ગયો. “મારી નાખ્યા, ચાઊસ ! હવે શું કરશું ?”

“કેમ ? આપણી પાસે સું છે તે લુટસે ?”

“ચાઊસ, મારી પાસે પાંચ હજારના દાગીના છે.”

“હ-ઠ્ઠ બનિયા ! ખોટું બોલ્યો હતો કે ! લાવ હવે. ડબો કાઢીને

જલદી મને આપી દે, નહીં તો આ કોળીઓ તારો જાન લેશે.”

વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો તે સામે આવનારાંઓએ નજરોનજર જોયું.

“સેઠ !” ચાઊસે વાણિયાને કહ્યું, “હવે તું તારે ઘોડી હાંકી મૂક. જા, તારી જિંદગી બચાવ; મને એકને મરવા દે.”

વાણિયે ઘોડી હાંકી મૂકી. એને કોળીઓએ ન રોક્યો. એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી, “એલા ચાઊસ, હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે ?”

ચાઊસ કહે, “હમ ઉસકા અનાજ ખાયા.”

“અરે, અનાજ હમણાં નીકળી જશે. ઝટ ડબરો છોડ !”

“નહીં, ઉસકા અનાજ ખાયા.”

“અરે ચાઊસ, ઘેર છોકરાં વાટ્ય જોઈ રે’શે.”

“નહીં, ઉસકા અનાજ ખાયા.”

ચાઊસે બીજું એક વેણ પણ ન કહ્યું. એને તો બસ એક જ ધૂન હતી કે ‘ઉસકા અનાજ ખાયા.”

નજીક જવાની કોઈની હિંમત ન ચાલી, કારણ કે ચાઊસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી.

હમાચામાં દાગીનાનો ડાબરો છે, હાથમાં બંદૂક છે, અને આરબ ઝપાટાભેર રસ્તો કાપતો જાય છે. આઘે આઘે કોળીઓ ચાલ્યા આવે છે; જરા નજીક આવીને કામઠાં ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે; આરબ એ ખૂંતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી, ભાંગી, ફેંકી દેતો જાય છે, બંદૂકની કાળી નાળ બતાવી ડરાવતો જાય છે, પણ બંદૂકનો બાર કરતો નથી કારણ કે બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કાંઈ સાધન નથી. ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે.

આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા. ગીગાનો જુવાન ભાણેજ બોલી ઊઠ્યો, “અરે શરમ છે ! બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે ? ભૂંડા લાગશો ! બાયડિયુંને મોઢાં શું બતાવશો ?”

કોળીઓ આરબ પર ધસ્યા. આરબે ગોળી છોડી. ગીગાના ભાણેજની ખોપરી વીંધી, લોહીમાં નાહી-ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. પણ આરબ પરવારી બેઠો, અને કોળીઓ એના પર તૂટી પડ્યા. આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો. સાતને એણે એકલાએ જમૈયાથી સુવાડ્યા. ત્યાં તો ગામ નજીક આવી ગયું. ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા.

લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલાં માંડે છે. આંખો પર લોહીના થર બાઝી ગયા છે. શરીરમાંથી લોહી ટકપી રહ્યું છે. રસ્તો દેખાતો નથી. ચાલતો ચાલતો એ નદીને કાંઠે ઊતર્યો અને એક વીરડા ઉપર લોહિયાળું મોઢું ધોવા બેઠો.

નદીને સામે કાંઠે આંકડિયા ગામ હતું. આઈ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વીકોભાઈ બેઠેલા. એની નજર પડી કે કોઈ લોહીલુહાણ જખ્મી આદમી પાણી પીવા બેઠો છે. વીકોભાઈ એની પાસે આવ્યો. એનું શરીર સાફ કર્યું. ઘેર લઈ ગયા. પડદે રાખ્યો. હોશિયાર વાળંદને બોલાવી જખ્મોપર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ કરવા લાગ્યા.

વળતે જ દિવસે ગીગો ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો. કહેવરાવ્યું, “મારો ચોર સોંપી દિયો; નહીં તો ગામની ચારે પાસ કાંટાના ગળિયા મૂકી ગામ સળગાવી દઈશ.”

વીકાભાઈ કહે, “ગીગા, શરણે આવેલાનેન સોંપાય. હું ચારણ છું.”

ગીગો કહે, “મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય. સોંપી દ્યો નીકર તમારી આબરૂ નહીં રહે.”

વીકાભાઈના સાઠ રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી, “તો ગીગલા, થઈ જા માટી ! અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ જઈશ ?”

ગામ આખું ગરજી ઊઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો.

દિવસ ગયા. સૂતાં કે બેસતાં આરબ પોતાનો હમાચો છોડતો નથી. આરામ થયે એણે વીકાભાઈની રજા માગી.

વીકાભાઈએ પૂછ્યું, “ચાઊસ, રસ્તામાં વાપરવાની કાંઈ ખરચી છે કે ?”

ઓછાબોલો ચાઊસ એટલું જ બોલ્યો કે “નહીં.”

વીકાભાઈ ખરચી બંધાવી. આરબે આજીજી કરી કે “વીકાભાઈ, ખોપાળા સુધી મને મૂકવા આવો.”

વીકાભાઈ સમજ્યા કે આરબ ગીગાથી ડરી જઈને આવી માગણી કરે છે. બન્ને ખોપાળે પહોંચ્યા. આબરના મનમાં મૂંઝવણ ઊપડી હતી. વાણિયાનું નામ યાદ નહોતું આવતું અને પારકી થાપણ સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલાં એને નીંદર આવે તેમ નહોતું.

ત્યાં તો ખોપાળાની બજારમાં એણે એ દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું, “સેઠ, આ તમારા દાગીના જલદી ગણી લ્યો.”

વીકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો. “અરે ચાઊસ ! આટલી બધી મૂડી બગલમાં હતી તો યે કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી ?”

આરબે ઉત્તર દીધો, “એ તો પારકી થાપણ.”

વીકાભાઈ બોલ્યા, “રંગ છે તારી જનેતાને, ચાઊસ !”

આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વીકાભાઈનું નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે.

વડોદરાના દરબારમાં આરબ નોકરી કરે છે. એક વખત મહારાજાના એક મિત્ર પોતાની સ્ત્રીને પરગામ તેડવા ગયાતેની સાથે આરબને મોકલવામાં આવ્યો.

શેઠ-શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યાં આવે છે. બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે.

શેઠાણીએ આરબને કહ્યું, “ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો ને !”

ચોપાસ સૂનકારભરી સીમ જોઈને ચાઊસે જવાબ દીધો, “અમ્મા, રથ છોડીને તો હું નહીં જાઉં !”

“અરે, ચાઊસ, ગાંડા છો ? એટલી વારમાં આંહીં કોણ આવી ચડે છે ?”

અચકાતે હૈયે ઝાડને થડે બંદૂક ટેકવી આરબ વાવમાં ઊતર્યો. બહાર આવીને જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી. હેબતાઈ ગયેલ ગાડાખેડુએ કહ્યું, “ઓ જાય ઊંટ ઉપર ચડેલા બે, બંદૂક અને અને શેઠાણીને લઈને.”

વાવના પથ્થર પર આબર માથું પટકવા ને ચીસો પાડવા લાગ્યો. બંદૂક વિના એનો ઇલાજ નથી રહ્યો. એવામાં ઘોડી ઉપર એક રજપૂત નીકળ્યો. રજપૂતે આરબને આક્રંદ કરતો જોઈ, વાત સાંભળી, ઘોડી ઉપરથી ઊતરીને કહ્યું, “આ લે, ચાઊસ, તાકાત હોય તો ઉપાડ આ બંદૂક, ચડી જા ઘોડી માથે; પછી વિધાતા કરે તે ખરું.”

વીજળીના ઝબકારાને વેગે આરબ ઘોડી પર છલાંગ મારી, હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોતજોતામાં ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજ્યા.

ઊંટ પર એક મોખરે બેઠો છે, બીજો એક પછવાડેના કાઠામાં બેઠો છે; અને વચ્ચે બેેસાડેલાં છે શેઠાણીને. આરબ મૂંઝાણો. પાછલાને ગોળી મારતાં શેઠાણી પણ વીંધાઈ જાય તેવું હતું.

પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરેના સવારને કહ્યું, “ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વયા આવનાર ઘોડેસવારને હું પૂરો કરું.”

જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સનનન કરતી આરબની અણચૂક ગોળી છૂટી; મોખરાને હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ ઉપર. ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પછવાડેનો ઠાર થયો. શેઠાણીને અને પચાસ હજારના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો.

બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને જ એ હાલે-ચાલે છે.

ફરી એક વાર એના શૈર્યનું પારખું થયું. શિકાર ખેલતા મહારાજાને એણે એક દિવસ સિંહના પંજામાંથી ઊગારી લીધા. ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે.

પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વરસોવરસ મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢ્ઢો આરબ હતો. ગાયકવાડના ડેરાતંબુ લીંબડી મુકામે તણાયા છે.

બુઢ્ઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે : એનો જીવનદાતા વીકોભાઈ. પણ એ નામ ભૂલી ગયો છે; ગામનું નામ પણ યાદ નથી. ‘ઈકડી,’ ‘ઈકડી’ કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય તો એ જીવનદાતાનું થોડુંક કરજ ચુકાવું.

એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબૂમાં ભરાયેલી છે, જરિયાની ચાકળા પર આરબનું આસન છે, પણ આરબ ઊઠીને બહાર ગયેલ. તેવામાં વીકાભાઈ તંબૂમાં આવી પહોંચ્યા અને પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું. ત્યાં તો આરબ અંદર આવ્યો. આઘેથી જોતાં જ વીકાભાઈને ઓળખ્યા.

“આ મારા જીવનદાતા ! મારા બાપ !” કરતો દોડીને આરબ વીકાભાઈનાં ચરણોમાં ઢળી પડ્યો.

દીકરાનો મારનાર

(‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-પ)

અંબા મોરિયા જી, કે કેસું કોરિયા, ચિત્ત ચકોરિયાં જી, કે ફાગણ ફોરિયા. ફોરિયા ફાગણ, પવન ફરફર, મહુ અંબા મોરિયા, ધણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝટે પવ્વન જોરિયા, ગુલ્લાલ ઝોળી રંગ હોળી રમત ગોપ રમાવણા, આખંત રાધા નેહ બાધા વ્રજ્જ માધા આવણા !

દેવળિયા ગામના ઝાંપામાં પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો; કોરેમોરે ગામ આખાના જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું એટલે લીલા, પીળા ને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણાં દીપતાં હતાં. આજ તો ઘેરૈયા માઝા છાંડી ગયા છે; ગાંડાતૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું; અને એમાં ય ગામડાની ધૂળેટી; કાળો કોપ !

“એલા ભાઈઓ ! કો’ક ઊજળે લૂગડે મે’માન વયો આવે !” એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. સહુ ઘરૈયાની મીટ મહેમાન પર મંડાઈ.

“એલા મે’માનને કોઈ છાંટશો મા !” બીજાએ મર્મમાં કહ્યું.

“અરે, મે’માનને રોળ્યા વગર રહેવાય ! મે’માન ક્યાંથી હાથ આવે ?”

“સાચું ! સાચું !... મે’માનને રોળો !... ગોઠ્ય માગો !... રોળો !” રીડિયા ઊઠ્યા, ઘેરૈયાઓએ મુસાફર સામે દોટ દીધી.

ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેડિયું, પગને કાંઠે ત્રણ ત્રણ ડોરણાંવાળી પકતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ, અને બગલમાં દબાવેલી એક ફાટેલ-તૂટેલ મ્યાનવાળી તરવાર : કેડે કોઈક કાળાંતરની જૂની કટારી : એવો દાઢીમૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મૉરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો, કેસૂડાંનાં ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી ોહય એવા શણગાર જોતો છતાં જેને હુતાશણીનો જરા ય હુલ્લાસ નથી એવો એ આદમી ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઊઠ્યો, “મને રોળશો મા ! તમારે પગે લાગું !”

ઘેરૈયાઓને વધુ ચાનક ચડી. સહુ બોકાસાં પાડવા લાગ્યાંઃ ‘હાં ખબરદાર ! મે’માનને વહરા ચીતરી મેલો !’ ‘લાવો મશ ને ગારો.’

જોતજોતાંમાં તો ધૂળ ઊડવા મંડી. ઘેરૈયાઓએ ઝપટ કરી. મહેમાન તો ‘જાળવી જાવ !’ ‘જાળવી જાવ !’ કરતો પાછો હઠવા લાગ્યો. પણ જુવાનો આંબું આંબું થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને છેટું રાખવા મહેમાને પોતાની તરવાર મ્યાન સોતી આડી વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય; પોતે બબ્બે કદમ પાછો હઠતો જાય ને ‘રે’વા દ્યો !’ ‘રે’વા દ્યો !’ કરતો જાય. ધૂળની ડમરી ઊડે છે એટલે કાંઈ જોઈ શકતો નથી. રીડિયામણ, ચસકા, કાલાવાલા, તરવારનાં ઝાવાં અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું.

“અરે, ઝબક થયો !... કુંવર પડ્યા ! કુંવરને વાગ્યું !... કુંવર જોખમાણા !”

“મહેમાને કુંવરને તરવાર મારી !... પકડજો !... ઝાલજો ! ઝાલજો !”

મુસાફર ચોંક્યો, ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે હડી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની હામ નહોતી. પોતાના હાથમાં તરવાર છે એની શી દશા છે તે નીરખવાનું પણ ભાન નથી. ગાંડો માણસ, કોઈ ખૂની, જાણે દોડ્યો જાય છે.

ઝાંપામાં કૅર થઈ ગયો. મંદોદખાન દરબારના નવ વરસના કુંવરને ગળાની ભૂંગળી ઉપર તરવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું છે અને ઘડી-બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું.

થયું શું ? ઘેરૈયાથી બચવા માટે, એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે, મહેમાન મ્યાન સોતી તરવાર વીંઝતો હતો. તેનું મ્યાન દૈવગતિએ એ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું; અને તરવારની પીંછી અકસ્માત્‌ કુંવરના ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર કુમળી વયનો, અને વળી નસીબદારનું બચ્ચું; બગીચાનું ફૂલ. તરત પ્રાણી નીકળી ગયા.

માણસો ડેલીએ દોડ્યા. કાવા-કસુંબામાં દાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદરખાન જાતના હતા મોલેસલામ. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું; એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણાં-બજાવણાં કરનારાઓ તમામ મોટી આશાએ આજ ઊજળા પરબ ઉપર ડેલીએ સમાતા નથી. ત્યા રંગમાં ભંગ પડ્યો; રાડ ગઈ કે કુંવરને માર્યો.

“કોણે ?”

“કો’ક મુસાફરે.”

“ખોટી વાત. આજ કોનો દી ફર્યો છે ?”

“અરે, બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે - ઉઘાડી તરવારે !”

“લાવો મારી ઘોડી !”

રૂપિયા બે હજારની રોઝડી ઘોડીઃ હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવીઃ ભાગતા હરણાની સાથે ભેટા કરનારી.

મંદોદરખાને એને ફક્ત ચોકડાભર રાંગમાં લીધી; સાથળ હેઠે તરવાર દબાવી અને રોઝડીને ડચકારી; જાણે તીર છૂટ્યું. ઝમ ! ઝમ ! ઝમ ! આંખના ત્રણ પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે આદમી ભાગતો ભાળ્યો. હાથમાં ઉઘાડી તરવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની. મંદોદખાને ઘોડીને ચાંપી.

મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભળાણા; થંભી ગયો. પાછો ફરીને જોતાંની વાર જ જાણી લીધું કે કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો કેટલેક જશે ? આમેય મરવું તો છે જ, માટે હવે ચીંથરાં શીદ ફાડવાં ?

ઊભો રહ્યો. કાળને અટકાવાય એવું નથી. ખુલાસો કરવાનો વખત નથી. સામા ઊભા રહીને મુસાફરે પોતાની તરવાર પોતાને જ ગળે માંડી.

અસવાર એ સમસ્યાને સમજી ગયો; જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તરવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એણે રોઝડીને થંભાવી. આઘેથી પૂછ્યું, “કોણ છો ?”

“ચારણ.”

“શા માટે આવ્યો’તો ?”

“કાળનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી... છોકરું છાશ-રાબ વગર રોવે છે... નો’તો આવતો. પણ ચારણ્યે ધકેલ્યો...” અવાજ તૂટક તૂટક નીકળે છે.

“કુંવરને તેં માર્યો ?”

“ઈશ્વર જાણે !” ચારણે આભ સામો હાથ કર્યો. “હું તો એટલું જ જાણું કે મારે ડેલીએ આવવું હતું. ચીંથરાં પહેર્યાં હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લૂગડાંની એક કોર જોડ્ય હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોળવા આવ્યા. મેં એમાંથી ઊગરવા મ્યાનમાં બીડેલી તરવાર વીંઝી. મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી.”

ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તરવારો તો કોઈના હાથમાં સાંબેલાં. દ્યો ! દ્યો ! દ્યો ! દેકારો બોલતો આવે છે.

ચારણે ફાળ ખાધી. મંદોદરખાને રોઝડીને માથેથી રાંગ છાંડી, તરવાર ફગાવી દીધી અને પછી સાદ કર્યો, “ગઢવા, આ લે મારી ઘોડી. ભાગવા માંડ.”

“શું બોલો છો !”

“ગઢવા, વાત કરવાની વેળા નથી. ગામ હલક્યું છે, અને તેં તો કુંવરને મારી નાખ્યો છે. આવ્યા ભેળા તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા જાણજે...”

“પણ ભાઈ... તમે ?”

“ઓળખાણ અટાણે નહીં. ભાગી નીકળ નીકર છોકરાં રઝળી પડશે.”

“પણ બાપ, તારું નામ...”

“અરે નામ ખુદાનું !” કહીને મંદોદરખાન દોડ્યો. ચારણને બાવડે ઝાલીને રોઝડી પર બેસાર્યો ચોકડું હાથમાં આપીને વાંસેથી રોઝડીને ડચકારી. પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોતજોતામં તો અલોપ થઈ.

મંદોદરખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોઝડી

નથી, કાખમાં તરવાર નથી. ગામલોકોએ દોડીને પૂછ્યું, “કાં, બાપુ ?”

“માળો લોંઠકો આદમી ! તરવાર ને ઘોડી બેઉ લઈ ગયો !”

“અરે રાખો રે રાખો, બાપુ !” વસ્તીએ ખિજાઈને કહ્યું. “ફણીધરને માથેથી મણિ લઈ જાય તો જ મંદોદરખાનની રાંગમાંથી રોઝડી લેવાય. ઠાલા મૂરખ બનાવો છો અમને ? સાત ખોટનો દીકરો - એના મારાને ભગવ્યો ?”

“લ્યો, હવે જાતી કરો.” દરબારે શાંતિથી જવાબ વાળ્યો.

“જાતી શું કરે ! પાતાળમાંથી ગોતી કાઢશું.”

“ભાઈ !” મંદોદરખાન બોલ્યા, “દીવાના થાય ? એણે મારા દીકરાને જાણી-બૂજીને માર્યો’તો ? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો ? કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો. દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી ! આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો, પણ એટલા સારું હું આજ ઊજળે દિવસે મારા સીમાડા માથે હત્યા વહોરું? હાલો, બેટાની મૈયત કાઢીએ.”

હસતે મુખે બાપે દીકરાને દફનાવ્યો.

એક અબળાને કારણે

(‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-ર)

સિંધમાં સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી જેવી કન્યા છે. કામદેવના ભૂવા સરખા ગાંડાતૂર સૂમરાએ હેબતખાનની કન્યાનું માગું મોકલાવ્યું.

હેબતખાને ના પાડી; “રાજાના હીરામોતીના હારની બેડીઓ પહેરાવવા કરતાં તો મારી સૂમરીને મારા જેવા કોઈ ગરીબની ઘરવાળી બનાવીશ.”

સૂમરાએ હુકમ કર્યો, “નાસવા માંડ, છ મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ.”

હેબતખાન કબીલા-રસાલા સાથે ભાગવા મંડ્યો. ભૂજમાં આવીને એણે રાવનું શરણું માગ્યું. રાવે પોરસમાં આવી જઈ આશરો તો દીધો, પણ રાવના અમીર-ઉમરાવોએ ને કામદારે સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું, “સૂમરાનાં ભાલાં આવીને હમણાં ભૂજને રોળી નાખશે.”

કામદારે હેબતખાનને કહ્યું, “ચાલ્યો જા.” રાવની આંખો ભોંયમાં ખૂંતી ગઈ. “યા અલ્લાહ !” કહીને હેબતખાન બાળબચ્ચાં લઈ ચાલતો થયો.

જતો જામનગરમાં આશરો માગવા ગયા. જામનગરે સંભળાવ્યું, “ભૂજે ન સંઘર્યો તો મારું શું ગજું ?” નગરનાં બારણાં બંધ જોઈને જતો ધ્રોળ ગયાં. ધ્રોળથી જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો.

માર્ગે મૂળી ગામનો ટીંબો આવ્યો. પાદરમાં રમતા-ખેલતા જુવાન સોઢાઓએ જતોનાં બાળકોને રોતાં સાંભળ્યાં, લીંબુની ફાડ જેવી આંખોમાંથી બોર બોર જેવડાં પાણી પાડતી જતાણીઓને જોઈ. મૂળીને પાદરથી એક વટેમાર્ગુ પણ પોરો ખાધા વગર જાય નહીં, અને આ રોતાંકકળતાં દોઢ હજાર મુસાફરો સીધાં કાં ચાલ્યાં જાય ? સોઢાઓએ પૂછ્યું, “ભાઈ, ક્યાં જાવું ?”

“જાવું દરિયામાં. ધરતીને અમારો ભાર આકરો થઈ પડ્યો છે.”

“આમ આડું કેમ બોલો છો, ભા ?”

“આડું નથી બોલતા, ભાઈ ! સાચું જ કહીએ છીએ. પરશુરામે એકેય રજપૂત ક્યાં રહેવા દીધો ?”

“પણ, ભાઈ, બોલો તો ખરા, શી આફત છે ?”

હેબતખાને વાત કહી. પરમારોમાં વાત પ્રસરી ગઈ. મૂળીને ટીંબે મોટા લખધીરજીથી ચોથી પેઢીએ લખધીર બીજાનું પાટ તપતું હતું. એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું, “માડી, જતોને આશરો આપું ?”

પરમાર માતા બોલ્યાં, “દીકરા, પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા આવે નહીં.”

માની મોટી મોટી આંખોમાંથી આંસુડાં ચાલ્યાં ગયાં.

“માડી ! તમારે અક્કેક આંસુએ મારો અક્કેક અવતાર ઓળઘોળ કરું,” કહી માને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઊપડતે પગે ચાલ્યો, ડાયરો લઈને જતોની આડો ફર્યો, “જવયા નહીં, મૂળીના કૂબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું; અને રક્ષણ નહીં કરી શકાય તો મરશું તો ખરા !”

હેબતખાન બોલ્યો, “હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો, પરમારો! હું તો આટલી જ શાંતિથી મરવા માગું છું કે આખરે અમને સંઘરનારા રજપૂત મળ્યા ખરા.”

પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા. જતના ઉચાળાને વીંટીને રાત-દિવસ પરમારોનો પહેરો બેસી ગયો. સૂમરાની ફોજના પડઘા બોલ્યા.

મૂળીની ભોં થાળી જેવી સપાટ છે. થોડે માણસે એ ભોંમાં બચાવ થઈ શકે નહીં તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગર ઉપર આશરો લીધો. સૂમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓડા લગાવી બેઠી પણ ઉપર જવાનો લાગ આવતો નથી. એ વિકટ કેડીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે, કાં તો તે નીચેનાં ઊંડાં કોતરોમાં ઊડી પડે છે. છ મહિના વીત્યા. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કાંઈક આકરાં વેણ કહ્યાં હશે તે ન સંખાવાથી વેલોા ભાગીને સૂમરા બાદશાહની છાવણીમાં આવ્યો. “શું કામ મરો છો ? તમને એક દિવસમાં જિતાડું.”

બાદશાહ કહે, “શાબાશ ! હું તને ગામ-ગરાસ આપીશ.”

વેલાએ ઇલાજ બતાવ્યો. ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છૂપી જગ્યાએ પરમારોનો એક કૂવો હતો. હજામે સૂમરાઓને હાથે બે ગાયો કપાવી એ એકના એક જળાશયમાં નખાવી.

સાંજે આવીને પરમારોના પખાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો. પરમારોએ મોત સામે ઊભેલું દીઠું અને જતોને જણાવી દીધું, “ભાઈઓ, સવારે ઊઠીને અમે તો ઝાડીમાંથી નીકળીને કેસરિયાં કરશું; પણ તમે મુસલમાન છો, તમને એ પાણી પીવામાં વાંધો નથી; તમે સુખેથી જિવાય ત્યાં લગી જીવજો. અમારા છેલ્લા રામરામ છે !”

હેબતખાને જવાબ વાળ્યો, “શું એકલા પરમારો જ મરી જાણે છે ? જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ ક્ષાત્રવટ ભરી છે કે નહીં ?”

રાત પડી. જતાણીઓમાં કાળો કકળાટ થઈ રહ્યો, ‘અરેરે !

દૂધિયા દાંતવાળા પરમારોને કાલે જારનાં ડૂંડાંની જેમ વાઢી નાખશે, અને માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણીઓ પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણી દીકરી સૂમરી ! હાય ડાકણી ! તું કેટલાને ભરખી લઈશ !’

સૂમરીએ એક ખૂણામાં બેઠાંબેઠાં આ મે’ણાં સાંભળ્યાં. અધરાત ભાંગી તે વખતે સૂમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી. આકાશમાં ટમટમ ઝબૂકતાં ચાંદરડાં સામે જોઈ રહી. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો, “રે ખુદા ! માોર શો ગુનો ? મને આવડું બધું રૂપ કાં દીધું ?”

સૂર્ય મહારાજે જ્યાં ઉદયાચળને માથે કોર કાઢી ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. જતો પણ સાથે જ નીકળ્યા. સૂમરા સાથેના એ સંગ્રામમાં હેબતખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાભીએ સૂમરીને સંભળાવ્યું, “ચુડેલ! સગા ભાઈને ય આજ ભરખ્યો ?”

સૂમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકાવાનું હતું તે ભોંકાઈ ગયું. રાતે સોપો પડી ગયો તે વખતે છાનીમાની બહાર નીકળી, એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સાંઢ્ય ઉપર ચડી, અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો. ખબર પડતાં જ પાછળ સૂમરાઓ ચડ્યા. બગબગું થયું તે ટાણે સૂમરી વણોદ ગામને પાદર પહોંચી. પાછું વાળીને જુએ ત્યાં તો સૂમરાના ઘોડા આડા ફરી વળેલ જોયા.

‘હે અમ્મા, મારગ દેજે !’ એટલું કહીને સૂમરીએ સાંઢ્ય ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી અને રોતા બાળકને મા પોતાને થાનેલે વળગાડીને ઉપર પાલવ ઢાંકે તેમ ધરતીએ સૂમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું. સૂમરી સમાઈ ગઈ ત્યાં એની ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં ‘સૂમરી બીબીનું તળાવ’ છે, ને કબર છે, એ કબરની માનતા ચાલે છે.

અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા હોય તેમ લોહીની શેડો છૂટતી હતી. ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આઘે લખધીરનો કાકો ઓસાજી પણ ઘાયલ થઈ સૂતો હતો. બેયનાં અંગમાંથી ખળળ ખળળ લોહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા મંડ્યો, પૂછવા મંડ્યો, “ભાઈ ઈસા ! મરતી વખતે શું ચાળો ઊપડ્યો ? માટી શીદ ફેંદી રહ્યો છો ?”

ઈસો જવાબ આપે છે, “હે ભાઈ, આ ચાળો નથી. મારું મુસલમાનનું લોહી તારા લોહીમાં ભેળાઈને તારું મોત ન બગાડે માટે આડી પાળ બાંધું છું !”

“એ ઈસા ! મ બોલ ! મોત બગડતું નથી, સુધરે છે. છેલ્લી પથારીએ સૂતાં સૂતાં આભડછેટ ન હોય. ન અટકાવ. આપણાં લોહીને ભેળાવા દે.”

ઈસા સુણ, આસો કહે, મરતો પાળ મ બાંધ,

જત પરમારા એક જો, રાંધ્યો ફરી મ રાંધ.

ઈસાજીએ પોતાના લોહીને વહેવા દીધું. બેયનાં લોહી ભેળાં રેલ્યાં ત્યારથી જત અને પરમાર પરણે છે. એ લોહીનાં આલિંગન અમર રહી ગયાં છે.

ત્યાં તો વણોદથી વળી આવેલા સવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયું હતું તે ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વહાલું ગણ્યું તે જોઈને જતો પ્રસન્ન થયા, પણ પરમારોને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી-હત્યા જેટલી જ વસમી લાગી. પરમારો હતાશ ગઈ ગયા. સૂમરાએ પરમારોની કતલ કરી નાખી હતી. એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું, “મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહીં આપ તો હાલજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ.”

લખધીરજીએ અમદાવાદના બાદશાહ મહમ્મદ બેગડાની સહાય માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંયધરી દીધી અને પરમારો ખર્ચ ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું.

હાલોજી પરમાર મહમ્મદશાહની સાથે અમદાવાદ જઈ રહ્યો. બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો, જોરજુલમથી નહીં - ઇસ્લામનું નૂર તાવીને. બાદશાહે ચાર મરજાદી બ્રહ્મણોને હાલોજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરા ય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઇસ્લામનાં રહસ્યો સમજાવવા મૌલવીએ રાખ્યા, પણ હાલોજીનું મન પલળ્યું નહીં. સૂમરાની ખંડણી પૂરી થયે હાલોજી ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો.

પાંચમે જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો. ભરકચેરીમાં હાંફતી છાતીએ બોલી ઊઠ્યો, “બાદશાહ સલામત મને મુસલમાન બનાવો, જલદી મને મુસલમાન બનાવો.”

બાદશાહ તાજુબ બની ગયા.

હાલાજીએ હકીકત કહી, “હું મારે ઘેર ગયો, આપે આંહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યો તેની વાત મેં મારાં ભાઈ-ભાભીને કહી સંભળાવી. મને તરસ લાગવાથી હું પાણિયારે જવા ઊઠ્યો ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું, ‘પાણીને ગોળે અડશો મા.’

“મેં કહ્યું, ‘ભાભી, હાંસી કરો છો કે શું ?’ ભાભી બોલ્યાં, ‘ના.’

તો ય હું હાંસી સમજ્યો, ચૂલા પાસે જવા ચાલ્યો, પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું, ‘તમે મુસલમાનની ભેળા રહી આવ્યા છો. હવે તમે ચોખ્ખા ન ગણાઓ.’ જહાંપનાહા, જો હિંદુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું ? મને મુસલમાન જ બનાવો.”

હાલોજી મુસલમાન બન્યો; બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો. બાદશાહે પોતે બીજાં ચાર ગામ હાલાજીને આપ્યાં; એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મોગલ શેખ, સિપાઈ, લોદી અને બલમલા રાઠોડ એમ ચાર અમીરો આપ્યા; એક મસાલ આપી.

એક દિવસ હાલોજી પરમાર ધંધૂકા ગયા છે. તે જ દિવસે કાઠીઓએ ધંધૂકાની ગાયો વાળી. ગામમાં વસ્તીનાં કલ્પાંત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઊઠ્યું. મનમાંથી અંતર્યામી દેવ બોલ્યા, “હાલાજી, તારી કાયા ભલે વટાવી, આજ તું બેઠાં ગાયો વાળી જશે ? હે અગ્નિપુત્ર ! બાપદાદાના બિરદ સંભાર !”

એકલપંડ હાલોજી ગાયોની વહારે ચડ્યા. ધંધૂકાની દક્ષિણે એક ગાઉ ઉપર કાઠીઓની સાથે ભેટો ગયો અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા. આજ સરવરશા પીરની જગ્યામાં એમની પાંચેક હાથ લાંબી કબર મોજૂદ છે.

હાલાજીનાં રાણી દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયાં. ગાયોને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા રાણીની અરજથી બાદશાહે ગૌચરમાં આપી દીધી.

પ્રેમમાર્ગના પ્રવાસી

(‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના ૧૯રપના અંકોમાંથી સંપાદિત)

સોરઠનાં પ્રેમભક્તોએ જ્યારે જ્યારે આત્માના ઊંચા આદેશો સાંભળ્યા ત્યારે ત્યારે રૂઢીનાં બંધનો હિંમત કરીને તોડ્યાં. તેઓ સુધારકો નહોતા, પ્રેમમાર્ગનાં પ્રવાસીઓ હતાં. એ માર્ગે જે મળે તે, જીવન કે મૃત્યુ, તેને તેઓ આલિંગન દેતાં.

જાતિ જાતિ વચ્ચેનાં ઝનૂનો નહોતાં. ધર્મભેદનાં ઝનૂનો ઉચ્ચ માનવ-ધર્મનો આદેશ ઊતરતાં શમી જતાં ! સોરઠનો અણનોંધ્યો ઇતિહાસ એ ધાર્મિક દિલાવરીની મહાન ઘટનાઓને સંઘરી રહ્યો છે. તે ઘટનાઓ જ સોરઠી જીવનનાં જીવતાં-જાગતાં મહાકાવ્યો જેવી છે.

પાંચસો વર્ષ પૂર્વેની એક ગમગીન પ્રભાતે નાગબાઈ ચારણીએ ગિરનારના શૃંગો ઉપર ઇસ્લામની તરવારોને નોતરાં દીધાં. જેના સ્પર્શમાત્રથી રોગીઓનાં રક્તપીત્ત મટતાં ને દર્દીની જ્વાળાઓ શમતી એવા સોરઠધણી રા’માંડળિક તે દિવસે પોતાના અંતરમાંથી પ્રભુને પદભ્રષ્ટ કરી બેઠો હતો. એ હાર્યો. સંધ્યાનાં અંધારાં-અજવાળાં એના સીમાડા ઉપર લોહીલોહાણ લડાઈ કરતાં હતાં તે વેળાએ જુનાણાને છેલ્લા રામરામ કરીને નાસતાં નાસતાં દાતારના ડુંગર પાસે એણે શું જોયું ? શિખર ઉપર એક ફકીર ઊભો હતો. ફકીરે અવાજ દીધો, “અય માંડળિક ! અય ગંગાજળિયા ! હિંદવટ રોળાઈ જાય છે. મારી છાતી ફાટે છે. હજુ માની જા. ચારણીના શાપનું પ્રાયશ્ચિત કરી લે. મહાપાપમાંથી બચી જા.” હિંદવટની ખુમારીભરી લાલઘૂમ આંખો કાઢીને ગરવાનો ધણી પૂછે છે, “તું ! તું રોટલા ઉઘરાવનારો ફકીર મને પ્રાયશ્ચિત્ત બતાવે છે ? અય સાંઈ ! તને - તરકને -જોઈને મારાં નેત્રો અભડાય છે !” સંધ્યાના સૂર્ય જેવી સુરખીથી રંગેલા પોતાના લબો વચ્ચેથી એ ફકીર પાનની ચાવેલી પટી કાઢે છે ને હાથ લંબાવીને કહે છે, “આ લે. આ જરીક ચાખી લે - રસાતળ જાતી હિંદુવટને જો ઉગારવી હોય તો.” રાજાનું મોઢું ખડખડાટ હસી પડ્યું, “મુસલ્લો કે ? માંડળિકની મશ્કરી કરે છે ?” “હ-હ મુસલ્લા !” દાતારના મ્હોંમાંથી આહ! આહ ! કરતી ઊંડી વેદનાની ચીસો નીકળી ગઈ. એણે પોતાની કમ્મરમાંથી જમૈયો કાઢ્યો. જમૈયાની કાતિલ ધાર ઉપર સંધ્યાની પ્રભા નાચી ઊઠી. “ઓ માંડળિક ! કમતિયા ! જો! હું નથી હિંદુ કે નથી મુસ્લિમ. હું ઇન્સાન છું. તને ઇન્સાન થવા બોલાવું છું જોઈ લે,” કબહી પોતાની મસ્ત કાયા ઉપર જમૈયાનો જનોઈવઢ ચીરો કર્યો. એ ચીરાનો ઝરડકો આકાશમાં ગાજ્યો. ચીરાયેલા દેહમાં હાથ નાખીને સોનાના તાંતણા ખેંચ્યા. “જોઈ લે આ સતજુગની જનોઈ.” રૂપાનું ઉપવીત કાઢ્યું. “દેખ, આ દ્વાપરની.” ત્રીજી વાર તાંબાના તાર, “લે આ ત્રેતાની.” નો ચોથી સૂતરની કાઢીને કહ્યું, “આ તારા કળજુગનો તાંતણોઃ તપાસી લે હું કોણ છું.” ગુમાવેલી ઘણડીને જાણે દિશાઓથી ગુફાઓમાં ગોતતી હોય તેવી એ રાજાની આંખો દિગ્મૂઢ બનીને ડુંગર પરની આ કાળમૂર્તિને જોતી રહી. હિંદુવટને લોહીનાં સ્નાન કરતી ભાળી. રા’ ભાગ્યો. અને રક્તભીના ફકીરે પુકાર્યુ, “અમ્મા ! મારગ દે તારી ગોદમાં સૂવું છે.” માતા પોતાના થાનેલા પરથી જેમ પાલવ ખસેડે તેમ પહાડ ફાટ્યો ને જમિયલશા ફકીર ધરતીમાં સમાયો... હિંદુ-મુસ્લિમ અભેદભાવનું આવું પરમ ભાવવાહી સ્વરૂપ આજ પણ સોરઠી પ્રજાની આંખોમાં તરવરી રહ્યું છે.

દાતારના ડુંગરની છાયામાં આજ પણ કોમી ભેદભાવ વિનાનું રક્તપીત્તિઆંનું તબીબીખાનું છે. અને એ છાયાને પ્રતાપે જ પોતાની બીમારી ધોવાતી હોય તેવો વિશ્વાસ ધરતાં એ આઝારો ગાયા કરે છે :

તારો ભરોસો મને ભારી

એવો ગરવો દાતા ગિરનારી રે, તારો ભરોસો...

લીલીયું ને પીળીયું તારીયું ધજાયું ફરકે વ્હાલા,

ધોળી ધજા ઉપર જાઉં વારી,

એવો ગરવો દાતા ગિરનારી રે, તારો ભરોસો...

સોરઠના તખ્ત પર ઇસ્લામ આવ્યો ખરો પણ આવીને એણે હિંદુવટને બ્હેન કરી લીધી. એટલે જ આજ પર્યંત એ ગિરનાર, એ સોમનાથ અને ચારણ-બ્રાહ્મણો પર કે ધર્માલયોની તસુ યે તસુ જમભીન પર નીતરતાં નવાબની નજરનાં અમી અખૂટ જ રહ્યાં છે. એવું બીજે ક્યાંય જળવાયું સાંભળ્યું નથી. હિંદુ-મુસલમાન એકદિલીના એવાં ઊંડાં મૂળ સોરઠની ધરતીમાં બાઝી ગયાં છે.

સોરઠનાં પીર-પીરાણાંની આખી સંસ્થા જ એ રામ-રહેમાનના હસ્તમેળાપના અમર સિક્કા જેવી સજીવન પડી છે. સોરઠનાં ભક્તોએ એ અભેદી નૂરના યશની મીઠી મીઠી અનેક કલામો ગાઈ છેઃ

ભગવાં રે વસ્તર મારે અંગડે બિરાજે મારે ફરવું કાપડીયુંના વેશમાં દાસીને તેડી રે જાજો તમારા દેશમાં. લીલૂડો અંચળો મારે અંગડે બિરાજે મારે ફરવું ફકીરુંના વેશમાં દાસીને તેડીને રે જાજો તમારા દેશમાં.

કહાનદાસ મહેડુ નામના ચુસ્ત ચારણ જૂઠા આરોપ બદલ અંગ્રેજોનો કેદી બન્યા હતા, ત્યારે પોતાની વહારે ધાવા માટે કોની સ્તુતિ કરી ? કરીઆવ પીરની, ને એ બંદીખાનામાં દરીઆવ પીરે આવી એની બેડીઓ તોડ્યાની દંતકથા સોરઠના ચારણોમાં નાના બાળકને પણ ગળથૂથીમાં પિવાડવામાં આવે છે. આપણે આ નિર્દોષ ચારણના ધર્મચુસ્ત પ્રાણમાં વહેતી બે મહાન ધર્મોની અણસમજુ છતાં રક્તગત સમદૃષ્ટિ જોઈ લેવાની છે કારણ કે આખી સોરઠી જનતાના મુખરૂપ ચારણનો એ અવાજ છે.

તારાઓનાં આછાં તેજ અને તરુવરોની ઘેરી છાયાઓ ઝીલતી અઢિયાળી ઘેલો નદીને કિનારે એક નિર્જન અરણ્યમાં શતકો જૂનું શિવાલય છે. લોકો એને ઘેલો સોમનાથ કહે છે. જસદણ તાબાના મોઢુકા ગામથી અમારાં ઘોડાં જ્યારે એની જાત્રાએ ચાલે ત્યારે જાણે કે સોમનાથના ભૈરવોનું સૈન્ય મૂંગું મૂંગું વ્યૂહરચના કરી રહ્યું હોય તેમ પાંચાળના નાના-મોટા નિસ્તબ્ધ ડુંગરાઓ તમોને ઘેરતં આવે છે. ચોમાસામાં તો એ ગાંડીતૂર ગેલો (ઘેલો) નદી સાક્ષાત્‌ શક્તિરૂપ ધારણ કરીને સોમૈયાની સામે તાંડવ માંડે છે, વાદળાંઓ ડમરુ બજાવે છે અને ભોળો મહાદેવ એ ઘોર નૃત્ય નીરખતો નીરખતો નીરવ બેઠો રહે છે.

પ્રભાતપાટણથી પચાસ પોણોસો ગાઉ દૂર પડેલા આ અજાણ્યા દેવનું નામ ‘સોમનાથ’ શા માટે ? હિંદુ-મુસ્લિમ ઐક્યની સોરઠી ભાવનાનો એક ઇતિહાસ એ ‘સોમનાથ’ શબ્દની અંદર ભરેલો છે. લોકવાયકા આવી છે : કોઈ શાહજાદીને પ્રભાસપતિ સોમૈયાની રઢ લાગેલી. મહેલને ઝરૂખે ચડી સવાર-સાંજ પ્રભાસ પ્રત્યે વંદનાઓ દેવાનું એ મુસ્લિમ રાજકુમારીને વ્રત હતું. ‘અરે, હંમેશ ઊઠીને આવી તકલીફ હોય ? ચાલો સોમનાથને આંહી આણીએ,’ કહીને પાદશાહ ચડ્યો. શાહજાદીને સાથે લીધી. સોમૈયો તો ભક્તાધીન; શિવલિંગ ઊઠીને રથમાં બેઠું. પંથ કાપતી કાપતી એની સવારી પાંચાળના હૃદયમાં આવી પહોંચી. કલકલ નાદ કરતી એ મસ્તીખોર ઘેલો નદી, મોરલાના ગહેકાટથી ગાજતી એ તરુઘટા અને લીલૂડા ડુંગરાઓની ચોકીવાળું એ રમ્ય એકાંત ભાળીને ભોળોનાથ ઊતરી પડ્યા. જામી ગયા. નહીં ઊઠું ! પાદશાહના અને શાહજાદીના કાલાવાલા એળે ગયા. રોષે ચડેલો મુસલમાન એ શિવલિંગ ઉપર તરવાર ઝીંકીને અને બાજુમાં મસ્જિદ ચણાવીને ચાલ્યો ગયો. શાહજાદીએ તો સોમૈયાનું જ શરણ સ્વીકારીને બરાબર સામેના ડુંગર પર આરાધના માંડી. આજ પણ એ કમર-સમાણા શિવલિંગને માથે તરવારનો - ઝખ્મનો - ચીરો બતાવાય છે. મંદિરની અડોઅડ મસ્જિદના આકારવાળી દીવાલ પણ છે અને સામેના જ ડુંગર પર શંકરની તસ્બી ફેરવતી ફેરવતી રાજકુમારી ખતમ થઈ ગઈ તેની દેરી પરથી જોતાં સોમનાથનું ગર્ભદ્વાર બરાબર સામે અને સ્પષ્ટ નજરે પડે છે.

આ કથાને ઇતિહાસની સાક્ષી નથી, બુદ્ધિનો આધાર નથી, પણ સૃષ્ટિ ચમત્કારોથી ભરેલી છે. ઇતિહાસ તો અણલખ્યો જ બહુ દટાયો છે. ને સ્થળ-કાળની સાંકડી સીમાઓમાં બંદીવાન બનેલી મિથ્યાભિમાની માનવબુદ્ધિના તે શા ભરોસા ! છતાં યે માની લઈએ કે આ એક કલ્પના છે; એટલે કે આવી જલદ કલ્પનાઓ કરનારાં માનવીઓ હતાં; એટલે કે હિંદુ-મુસ્લિમ ભાવનાઓનું મિલન તેઓના મગજમાં ઘૂમતું હતું.

પોરબંદર પંથકમાં ગામડે ગામડે પીપળાનાં ઝાડ તળે દેવસ્થાનાં જોયાં. બીજી મૂર્તિ નહીંઃ પત્થરમાંથી કંડારેલા ત્રણત્રણ ઘોડાઃ સુંદર આકૃતિઓ (બરડાના મીણ સરખા મુલાયમ પથ્થર ઉપર ગામડિયો શિલ્પી મનમાની મૂર્તિ. આલેખી શકે છે.) ગામ બહારથી ચાલ્યો આવતો ઘોડેસ્વાર, રાય હોય કે રંક, એ દસવસ્થાનની સમીપે ઊતરી પડે અને પગપાળો ચાલે. એ થાનક કોનું ? વાછરા ડાડાનું. એના ભૂવા રબારી. એના ભક્તો હિંદુ. ગાયોના એ પરમ રક્ષણહાર. એની માનતા માન્યે હડકાયાં કૂતરાંનો કરડ હાનિ ન કરે. ડાડા ઉપર લોકોને અનહદ આસ્થા. એ કોણ હતા ? એ હતા એક ક્ષત્રિય : વાછરા (વત્સરાજ) સોળંકી એનું નામ, ચોરીમાં પરણતાં પરણતાં રજપૂતે ધા સાંભળીઃ

પોપટ પારેવાં તણી, રાણા રમતું મેલ્ય,

ધણ આવ્યું ધણસેર, વેગડ નાવી વાછરા.

(હે વાછરા ! જેને દૂધે દીવા બળે એવી વેગળ ગાયને દુશ્મનો વાળી જાય છે. વહારે ચડ્ય, મારા બાપ !)

ચોથો ફેરો અધૂરો રાખી વરલાડો ચડ્યો. વેગડની વહાર કરતો કામ આવ્યો. એ ત્યાગને નહીં, એ વીરત્વને લોકોએ દેવપદ દીધું, પણ ખૂબી તો એ છે કે વાછરો કેવળ હિંદુનો જ પૂજનીય નથી. હિંદુઓએ એને કર્ણનો અવતાર માન્યો તેમ મુસલમાનોએ પણ એને

વાયુ ઉડાણું, વાછરા મક્કેમદીના પોતરો અલીસેનજો, ભડ હુસેનજો વીયા.

કહી પોતાનાં યે પીર તરીકે સ્થાપ્યો છે. આ દુહો એની સાહેદી દે છે. આમ સૌરાષ્ટ્રનું હિંદુ-મુસ્લિમ તત્ત્વ ઠેરઠેર બંધુતા બાંધીને ઊભું છે.

આસાજી ચારણ કેવો ધર્મઝનૂની ! મુસલમાનનું મ્હોં ન જોવાનાં કરડાં વ્રત. ચિતોડના રાણાએ કેટકેટલા સરપાવ કર્યા, કેટલી ચાકરી, દેવાધિદેવને ય ન મળે તેવાં પૂજન-અર્ચન પણ ચારણ તો રાણાની તારીફનો એક દુહો પણ ન કહેતાં ચાલી નીકળ્યો. રાણો સીમાડા સુધી વળાવવા જાય.

“રાણાજી, બસ હવે પાછા વળો.”

“કવિરાજ, શ્રીમુખના એક દુહાની આશા હતી.”

“ના, રાણા તું હિંદવો શાળગ્રામ સાચો પણ દ્વારિકાધીશને સ્તવ્યા પહેલાં માનવીને ન સ્તવવાના શપથ છે.”

દુભાયેલા રાણાએ શાપ ઉચ્ચાર્યો, ‘અભિમાની ચારણ ! જેનું મુખ નથી જોતા તેને જ ગાવો પડશે; દ્વારિકાધીશ તો દૂર રહી જશે !’

“તો જેવી હરિની ઇચ્છા, રાણાજી !” કહીને ચારણ પંથે પળ્યો.

સોરઠના બાલાગામની સીમમાં લુટાયો. ગાડાને બળદ પણ ન રહ્યા. રાત અંધારીઃ અનુચરો ગામમાં બળદની મદદ જાચવા નીકળ્યા. મશ્કરીખોરોએ ‘દાદવા દરબારની ડેલી’ ચીંધાડી. દાદવો એક કંગાલ મુસલમાનઃ કટકો જમીન ખેડી ગુજારો કરેઃ બે જ બળદઃ દુખીયા વટેમાર્ગુની વહારે ગયો. કવિએ સાંભળ્યું કે એક મુસલમાનને રૂદે પ્રભુ વસ્યા. દ્વારિકાધીશને એણે દાદવાને રૂપે દેખ્યા. અંતર ફાટવા લાગ્યું. લાખલાખ રૂપિયાનાં મોતી જવા દુહાઓની માળા રચી મુસલમાનને પહેરાવી અને જાતિભેદને કેવા જોડા માર્યા !

ચોખાં જેનાં ચિત્ત, (એનાં) વરણ કાંઉ વચારીએ,

પ્રલહાદેય પવિત્ર, દાણવ હુ તો દાદવા.

(હે દાદવા ! જેનાં અંતર ચોખ્ખાં છે. તેની જાતભાત શા માટે જોવી ? પ્રહ્‌લાદ પણ જાતનો તો દાનવ હતો છતાં કેવો પવિત્ર હતો !)

વરણ ન કવરણ હોય, (મર) કવરણ ઘર ઉઝર્યો કરણ,

કોયલ કસર ન હોય, (મર) દસરે પાળી દાદવા

(ઓ દાદવા ! તું મુસલમાનને ઘેર અવતર્યો એમાં શું થયું ? કર્ણ દાસીને ત્યાં નહોતો ઊછર્યો ? કોયલના બચ્ચાં બેસૂર એવા કાગડાના માળામાં પોષાય છે પણ એનો સૂર બગડે છે ?)

ધર્મઝનૂનનાં વિષ નીતરી જાય, નાનકડો માનવી મહાન બની જાય, તેવો આ ભૂમિનો પ્રતાપ હતો. એવી ઘટનાઓને સંઘરી લેનાર અને પોતાના આદર્શને સિંહાસને સ્થાપનાર સોરઠી પ્રજા પણ હિંદુત્વનું સાચું દિલાવરપણું સમજતી હતી.

હિંદના બીજા પ્રાંતોના લોકસાહિત્યની માફક આંહીનું લોકસાહિત્ય પણ કાઠિયાવાડણોનાં અપહરણોની કથાઓ નોંધી ગયું છે. અપ્સરા શી આયરાણી જાહલને સીંધના સૂમરા રાજાએ ઝાલી, જોબનવંતી જીવણાબાઈ ચારણીને સરધારના શેખની મેડીએ ચડવું પડ્યું અને પાંચાળમાંથી આણું વાળીને ચાલી આવતી કોડભરી કાઠિયાણીને સમી સાંજે ભીમડાદનો ખોખરો શેખ રાત રોકવા આડો ફર્યો. લોકગીતોમાં પણ એક એવી ઘટના ગવાય છે કે :

સોનલ રમતી રે ગઢડાને ગોખે જો, ગઢડાને ગોખે જો;

રમતાં ઝલાણી સોનલ ગરાસણી

પરંતુ એ બધા તો ધર્મઝનૂનના નહીં પણ જાતિ સહજ કામાંધતાના કિસ્સાઓ. એ પયગંબરનું પ્રબોધેલું પશુબળ નહીં. ઉપરાંત, એ તો સોરઠી વીરાંગનાઓની મરદાનગીની સાહેદીઓ છેઃ જાહલે ચાતુરી વાપરી, છ મહિનાની અવધિ માગી, જીભના માનેલ માડીજાયા નવઘણને નવ લાખ ઘોડે નોતરી રંગીલા સૂમરાને લોહીને રંગે રમાડ્યોઃ સિંહણ રૂપધારિણી જીવણાં-આઈએ તો થાપી નાખીને સરધારના શેખનાં આંતરડાં ખેંચી કાઢ્યાં તેનો દોહો છે :

બાઈ થારો બોકડો, થાનક દેતો ઠેક

સરધારાંરો શેખ, ઝોંપે લીધો જીવણી

ને પરપુરુષનો અંગસ્પર્શ પણ અસહ્ય માનનારી એ ચારણી ચંડી પોતે પણ સરધારના ગઢની રાંગમાં સમાણી. સમાતાં સમાતાં ચૂંદડીનો જે છેડો બહાર રહી ગયો હતો તે આજ પૂજાય છે. ભીમડાદને સીમાડે ઇશ્ક કરવા આવનારા એ છેલબટાઉ ખોખરાની મસ્ત છાતીમાં આણાત કાઠીઆણીની તાતી કટાર કેટલી ઊંડી બેઠી હતી ! તે દિવસનો આથમતો સૂરજદેવ પોતાની એ વ્હાલી દીકરીના શૌર્યનો સાક્ષી બનીને આભને આથમણે કાંઠે થંભ્યો હતો.

અને ગઢડાને ગોખે રમતાં રમતાં ઝલાયેલી ગરાસણીને છોડાવવા, આડો આવ્યો રે સોનલ દાદાનો દેશ જો, દાદાનો દેશ જો; સોનલે જાણ્યું જે દાદો છોડશે. દાદે દીધાં રે ધોળુડાં ધણ જો, ધોળુડા ધણ જો; તો ય ન છૂટી સોનલ ગરાસણી.

પછી આડો આવ્યો રે સોનલ વીરાનો દેશ જો, વીરાનો દેશ જો; સોનલે જાણ્યું જે વીરો છોડશે. વીરે દીધાં રે ધવળાં વછેરાં જો, ધવળાં વછેરાં જો; તો ય ન છૂટી સોનલ ગરાસણી.

પણ જ્યારે એના દાદાએ દીધેલાં ‘ધોળુડાં ધણ’, કાકાએ દીધેલાં ‘કાળુડાં ખાડું’, વીરાએ દીધેલા ‘ધવળાં વછેરાં’ ફોગટ ગયાં ત્યારે પછી

આડો આવ્યો રે સોનલ સ્વામીનો દેશ જો, સ્વામીનો દેશ જો; સોનલે જાણ્યું જે સ્વામી છોડશે.

સ્વામીએ શું દીધું ?

સ્વામીએ દીધી રે માથા કેરી મોળ્યું જો, માથા કેરી મોળ્યું જો ધમકે છૂટી સોનલ ગરાસણી

(સ્વામીએ દુશ્મનોની સામે સમશેર ચલાવીને પોતાનું માથું વાઢી દીધું, ત્યારે સોનલ તરકોના હાથમાંથી કેવી તાબડતોબ છૂટી !)

આવી જાતના મરદાનગીના કરારો ઉપર જ સોરઠી હિંદુમુસ્લિમોની સમભાવનાના અણલખ્યા દસ્તાવેજો થયેલા હતા. ઉદાર ધર્મસહિષ્ણુતા એકલી જ કાંઈ નહોતી ચાલી શકી. આ બે સોરઠી કોમોનાં બળનાં છાબડાં જો આજ સુધી બરાબર તોળાઈ રહ્યાં હોય, આખી મુસ્લિમ સલ્તનતોની સલ્તનતો આવી-આવીને ચાલી ગઈ ત્યાં સુધીમાં આંહી એ છાબડાં જો ઊંચાં-નીચાં ન થયાં હોય, આંહીં મંદિરો પર મસ્જિદો ચણાયાના કે મસ્જિદોના મિનારાઓ જમીનદોસ્ત થયાના કિસ્સાઓ જો અલ્પ બન્યા હોય, તો તે બધું ઉદાર જાતિભાવનાની સાથોસાથ આ મરદાનગીની શરતને પણ આભારી સમજવું. બંને જાતિ વચ્ચેના એ અણલખ્યા કરારથી જ ગાયો કાપવાના ધર્મઝનૂન ગામડાંઓમાંથી ગેરહાજર રહ્યાં છે. રાણપુરના મુસલમાન ખેડૂતો પૈકી એક બિચારાની લીલીછમ વાડીને એક ગાય રોજ ભેળી જતી હતી. પાણીની કારમી તંગીનું એ વરસ હતું. ખેડુને મરવા-જીવવાનો સવાલ હતો. રોજ હળેલી ગાયને એક દિવસ વેદનામાં ને વેદનામાં ખેડુએ પરોણો માર્યો ને ગાયના પ્રાણ ગયા. મુસલમાન ખેડૂતોમાં તે દિવસ કાળો કળેળાટ બોલી ગયો. અજાણ્યે હત્યા કરી બેસનાર એ બાપડા ખેડુએ આકરો દંડ ભરી દીધો.

એવા ‘ગાયમાતાજી’ કહેતા ગામડિયા મુસલમાનોને જોયા છે ? ૐકાર અને અલહિલાલની સાચી એકતા આંહી પડી છે એવી ભાવના સીંચનાર ‘વાછરા ડાડા’ જેવા દેવસ્થાનાં ને પીરાણાં ક્યાંથી ઉદ્‌ભવ્યાં ? શી રીતે આવી સંસ્કૃતિ રચાણી ? એ ઇતિહાસ રસભર્યો જ હશે. ખોદતાં એ બધું જડી આવશે અને પ્રભુની કૃપા હશે તો આપણે દટાયેલા પાયાઓ ઉપર અસલની સંસ્કૃતિ ફરી એક વાર કાં ન ચણી કાઢીએ ?

એ સંસ્કૃતિનાં ઝરણાં હજુ ધરતીના પડતળે વહી રહ્યાં છે. ભક્તિમાં રંગાયેલા ઘણાય મુસ્લિમ ભજનિકો પોતાની મંડળી જમાવીજમાવીને અખંડ રાત્રીભર રાધા કૃષ્ણનાં, રામ-સીતાનાં અને હિંદુત્વની ભાવનાથી ભરપૂર ભજનોની રમઝટ મચાવે છે. એવી જ જમાવટ ગામડાંની ઇસ્લામી સ્ત્રીઓની અંદર પણ માલૂમ પડે છે. એનાં જોગરણ ભલે ઈદ કે રોજાનાં હોય, છતાં એના રાસડા તો એ-ના એ જ; આપણાં જ દેવ-પુરુષો અને દેવ-નારીઓનાં નામ એનાં ગાણાંમાં ગવાઈ રહ્યાં છે. મરજી પડે ત્યારે એ-ના એ જ રાસડામાં કોઈ ઇસ્લામી સિદ્ધોનાં નામ પણ લલકારાય છે.

૬. પ્રવાસાનુભવ

‘કોણ ચોર ! કોણ શાહુકાર !’ની લીલાભૂમિ

(‘માણસાઈના દીવા’)

રાસ છોડ્યું. અમિયાદ વટાવ્યું. કણભા આવ્યું. ભાગોળ પાસેના ખેતર તરફ આંગળી ચીંધાડીને (રવિશંકર) મહારાજે કહ્યું, “આ એ ખેતર કે જ્યાં અધરાતના અંધારામાં ગોકળ પાટણવાડિયાએ પોતે ચોરેલા ઘીના ડબા કાઢી મને આપેલા.”

પાટણવાડિયાએ ચોરીઓ ન કરવી, જેનું ચોરાય તેણે પોલીસમાં ફરિયાદ ન કરવી, ચોરી અને ચોર મહારાજે જ પકડી આપવાં, એવો કરાર લોકો સાથે કરીને આંહીં કામ કરવા બેઠા એ કાળની વાત છે. કણભાના લવાણાના ઘીના બે ડબા ચોરાયા; મહારાજે મૂંગું તપ માંડ્યું; ખાવું ન ભાવ્યું; ત્રણ દિવસ નિર્જળી લાંઘણો ખેંચી; ગામનો મુસ્લિમ ખેડુ દાજી ગામલોકોને કહે, ‘કોઈએ ખાવા જવું નહીં.’ રાતે સૌ સૂતાં પછી ચોર ગોકળ અંધકારમાં છાનોમાનો મહારાજના પગનો અંગૂઠો હલાવી પોતાની પાછળ પાછળ ખેતરોમાં લઈ ગયો, એક ઠેકાણે જઈ ડબો વગાડ્યો. મહારાજ એ ભર્યા બે ડબા ઊંચકી રાતે લવાણા પાસે લઈ ગયા; એક ઘીનો, પણ બીજો તેલનો નીકળી પડ્યો !

વળતે દિવસે પણ લાંઘણ ચાલુ; સાંજે ગોકળે મહારાજને ઘેર બોલાવી ચોરી કબૂલ કરી; ફોજદારને રુશવતના રૂપિયા ચાળીસ આપવા માટે એક ડબો વેચ્યાનું કબૂલ્યું; પોતાની ભેંસના ઘીમાંથી નુકસાની ચૂકવવાનું સ્વીકાર્યું; અને પછી મહારાજને ઉપવાસ ભંગાવવા માટે અધશેર ખજૂર જોઈતો હતો તે આપનાર આ જ લવાણાએ એની કિંમતના બે આના માગવાની નફટાઈ કરી !

એવા એ લાક્ષણિક પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેને નિહાળવા હતા, “થતાં સું થઈ ગયું, પણ તમે આટલે સુધી જશો એવું ન’તું જાણ્યું, મહારાજ !” કહીને ચોરી કબૂલનાર ગોકળને, પચાસ-સાઠ રૂપિયાનો પોતાનો માલ પાછો મળ્યા પછી ખજૂરના બે આના મોંએ ચડી સૌની વચ્ચે માગતાં ન ખચકાનારા લવાણાને અને એને ફિટકાર દેનાર ખેડુ દાજીને. પહેલા બે તો પ્રભુને ઘેર ગયો છે. જ્યાં મહારાજે ઉપવાસો કરેલા તે જ મંદિરે થોભિયાવાળા બુઢ્ઢા દાજીને હાથમાં હુક્કા સહિત હરખભેર આવીને મહારાજના પગોમાં હાથ નાખતો ઓછો ઓછો થઈ જતો જોયો.

ગામ જુએ, માણસોને ભાળે, સ્થળો દેખે, ત્યારે મહારાજને આપોઆપ નવા પ્રસંગો યાદ આવે. પ્રસંગોનું લક્ષ્ય એક જ કે આ લોકોની અંદરનાં પ્રકૃતિપડોમાં કયું મંગળ તત્ત્વ પડ્યું છે અને કયા તત્ત્વને કારણે પોતે આ લોકોના પ્રેમમાં પડી ગયા છે. દાખલા તરીકે :

“અહીં એક જીવા જેસંગ નામે પાટણવાડિયો હતો. એણે ને આ દાજીએ એક પરદેશ વસતા બ્રાહ્મણનો જૂના વખતનો આંબો પચાવી પાડેલો. બ્રાહ્મણ માગે પણ આપે નહીં, માલિકી ઠોકી બેસારેલી ! પછી વાત મારી કને આવી. મેં આવીને પૂછ્યું, ‘હેં જીવા, હેં દાજી, સાચું શું છે ?’ થોડી વારે જીવો દાજીને કહે, ‘અલ્યા દાજી ! આપણે તો સત્યાગ્રહમાં ભળેલા કહેવાઈએ; આપણાથી કંઈ જૂઠું બોલાય ? હેં ?’ દાજી કહે કે ‘નહીં જ તો ! મહારાજ, જૂઠું તો સત્યાગ્રહીથી નહીં બોલાય. એ આંબો અમારો નહીં; એ એવા એ બામણનો છે !’ પાછો સોંપી દીધો. નહીં કોઈ પાપપુણ્યની લાંબી પીંજણ, નહીં પ્રાયશ્ચિત્તનાં દંભી પ્રદર્શનઃ અંતરમાં ઊગ્યું તે સાચું.”

૭. ટાંચણપોથીનાં પાનાં

ખાનખાનાન નવાબ : ગગુભાઈ લીલા

(‘પરકમ્મા’)

ખાનખાનાન નવાબ અકબરશાહને રાજદરબારે શોભતા હતા. દાનેશ્વરી હતા, પણ દાન દેતાદેતા શરમાતા. કવિ પ્રશ્ન મોકલે છે.

સીખે કહાં, નવાબ જી, એસી દેતે દેન ?

જ્યું જ્યું કર ઊંચે કરો, ત્યું ત્યું નીચે નેન.

(હે નવાબ ખાનખાનાન ! આવું દાન દેવાનું ક્યાંથી શીખ્યા કે જેમજેમ હાથ ઊંચો કરો છો તેમતેમ નેણાં નીચાં ઢળે છે ?)

ખાનખાનાન કવિ હતા; જવાબ મોકલે છે.

દેને વાલા ઓર હે, ભેજત સો દિનરેન,

લોક ભરમ હમ પે ધરે તાતે નીચે નેન.

(હે કવિ, દેવાવાળો તો કોઈક બીજો (અલ્લાહ) છે. દિવસરાત મોકલે છે તો એ. પણ લોકો એનો ભ્રમ મારા પર આરોપે છે (કે હું આ દઉં છું) તેથી લજ્જા પામીને મારાં નેણાં નીચં ઢળે છે.)

અકબર-દરબારના રત્ન ગણાતા એક નેકપાક શાહિર-સેનાપતિ ખાનખાનાન પર મહારાણા પ્રતાપસિંહના પુત્ર રાણા અમરસિંહે મુગલસામ્રાજ્યનાં પીડનોથી તોબાહ પુકારતા બે દુહા મોકલ્યા તે પણ આજે ટાંચણમાંથી જડી આવે છે ને સ્વ. ગંગુભાઈનું સ્મરણ તાજું કરાવે છે.

કમધજ હાડા કુરમ્મા, મહલાં મોહ કરન્તા;

કહજ્યો ખાનખાનને, મેં બનચર હુવા ફિરન્ત

(રાઠોડો, હાડાઓ ને કચ્છવાહા ક્ષત્રિ રાજવીઓ તો અકબર-

સામ્રાજ્યને શરણે થઈ જઈને મહેલોમાં મોજ કરે છે, હું એક જ વનનું વનચર બનીને ભટકું છું.)

ચહવાણાં દલ્લી ગઈ, રાઠોડાં કનવજ્જ;

કહજ્યો ખાનખાનને, એ દન દીધે અજ્જ.

(ચહુવાણોની દિલ્હી ગઈ, રાઠોડોનું કનોજ ગયું, એ જ દિવસ મારા મેવાડનો પણ આજે દીસે છે.)

જવાબમાં ખાનખાનાન ભાવિના વાણીથી ભરેલો દુહો મોકલે છે.

ધર રહસી, રહસી ધરમ્મ, ખપ જાસી ખુરસાણ !

અમર ! વિશંભર ઉપરે રાખ નહચ્ચો રાણ !

(ધરા રહેશે, ધર્મ રહેશે, ખોરાસાનીઓ (પરદેશી પીડકો) ખપી જશે. હે અમરસિંહ ! વિશ્વંભર પર વિશ્વાસ રાખજે.)

‘ધર રહસી, રહસી ધરમ...’ એ શબ્દો મારા ચારણમિત્ર ગગુભાઈ લીલાના કંઠેથી જ્યારે પ્રથમ વાર ઊઠ્યા ત્યારનું તેમનું મોં નજરે નરવરે છે. એ મોં પર, આ દુહો બોલતાં બોલતાં, ખાનખાનાનનું આત્મસંવેદન ઝલક મારતું હતું. મોં પર પસીનાનાં ટીપાં બાઝતાં. સુંદર ગુલાબી ઝીણી કિનારવાળા દુપટ્ટાનો છેડો લઈને પોતે મોં લૂછતા, હાથના પંજાનો ઝટકો મારીને કહેતા, ‘ખપ જાસી ખુરસાણ !’ ‘ધર રહસી’ બોલતે ધરણીના પરમ સ્થૈર્યનું મહાસ્વરૂપ હાથની સ્થંભમુદ્રાએ ખડું કરતા, અને આકાશ સામે આંગળી ચિંધાડીને, માનવતા તૂટતા મહાસામર્થ્યને ટેકવી લેતા હોય તેમ બોલતા, ‘અમર ! વિશંભર ઉપરે રાખ નહચ્ચો રાણ !’ - આશા અને આસ્થાના શા એ બોલ હતા ! થોડાક જ બોલ, પણ ચારણના બોલ, વલોવાઈ જતા એક મુસ્લિમના હૈયાબોલઃ ‘ધર રહસી, રહસી ધરમ...’

ગીગાભગત - સૂરાબારોટ

(‘પરકમ્મા’)

ગરમલી ગામમાં, દીવાળી ટાણું હતું. ભેખ્યું ભેખડોમાં આપા પોતે ગાઉ (ગાયો) ચારવા જાય. ત્યાં કણબીની એક છોકરી ઢોર ચારવા આવ. એના માથામાં ઊંદરી : માથું ગદગદી ગયેલ. આપાએ એના માથા પરથી પૂંચલી ઊંચી કરી. ત્રણ વખત માથું ચાટ્યું, છોડીને નવનિરાંત થઈ ગઈ.

ચલાળાની જગ્યાના આપા દાના નામના કાઠી સંતનું સ્મરણ કરાવતું ઉપલું ટાંચણ મારી પોથીમાં એક દૂબળા, પાતળા, બેઠી દડીના, આંખે લગભગ અખમ (નહીં દેખતા) અને દાંત વગરના મોંમાંથી વાતોમાં અખૂટ વહેન ચાલુ રાખતા બુઢ્ઢા સૂરા બારોટની આકૃતિને ખડી કરે છે. હડાળાના રૂપાળા દરબારગઢના બેઠકખાનામાં કયે ઠેકાણે સૂરા બારોટ બેઠા હતા, ગળામાં કેવા રંગના પારાની માળા હતી (કાળા રંગની) અને અવાજ કેવો હતો, તે બધું અઢાર વર્ષો ગયાં છતાં યાદ છે. સોરઠી સંતોના સંશોધનના શ્રીગણેશ એમણેકરાવ્યા. પ્રમોદ્યો. (દીક્ષા દીધી.)

એવાં એવાં સંતચરિત્રો સૂરા બારોટે હડાળા ગામે કથ્યાં; અને એમણે અધૂરા મૂકેલ ત્રાગડા ફરી પાછા મહિનાઓ ગયે વડીઆમાં રાવત જેબલીઆએ ઉપાડી દીધા. વડીઆના સ્વ. દરબારશ્રી બાવાવાળાના સસરા, વૃદ્ધ અને સુરદાસ કાઠી, રાવતભાઈએ મને પાસે બેસારી, પ્રેમથી સંતોની વાતો કરી.

ગીગો ભગત - જાતે ગધૈ મા ધજડીની, નામ લાખુઃ રાણપુર પરણાવેલી. જાડીમોટી. ઘણી છેલબટાવ. કાઢી મૂકી. ચલાળે મોસાળ તેડી આવ્યા. ધણીએ બીજું ઘર કર્યું. મોસાળિયાં કહે કે લાખુને બીજે દઈએ. લાખુએ ના પાડી. એક વાર ચલાળામાં લાખુ પાડોશણના છોકરાને રમાડે. રમાડતાં-રમાડતાં મન થયું (સંતતિનું.)

અવેડા પાસે થઈને ભગત (દાનો) નીકળ્યા. કહેઃ

‘ભણેં લાખુ, વાસના મારવી નહીં, વાસના નડે. ફલાણા બાવાનું બુંદ લૈ લે.’

લાખુને એક બાવા જોડે સંબંધ થયો. આશા રહી.

‘રાંડ ઘરઘાવતાં ઘરઘી નહીં, ને આપાના (દાના ભગતના) ખૂંટડાઓમાં જઈને રહી,’ એવી બદનામી થઈ.

વિચાર્યું, કૂવામાં પડું.

ભગત રાતે નીકળ્યા, કૂવાકાંઠે લાખુને જોઈ.

‘લાખુ, કૂવામાં પડીને હાથપગ ભાંગતી નહીં. તારા પેટમાં છે બળભદર. ઈ કોઈનો માર્યો મરે નૈ.’

જન્મ્યો. નામ પાડ્યું ગીગલો. ગીગલો છ મહિનાનો થયો. પોતે મંડ્યા તેડવા રમાડવા. સાત વર્ષની ઉંમર. ગીગલો મંડ્યો વાછરૂ ચારવા. ઈથી મોટો થયો એટલે મંડ્યો ગાઉ ચારવા. બાવીશ વર્ષનો થયો.

પાંચાળના સોનગઢથી લાખો ભગત આવેલ. દાનો ભગત બેઠા છે. ટેલવા ગાયોનું વાસીદું કરે છે.

ગીગો છાણનો સૂંડો માથે લઈ નીકળે છે. છાણ આછું છે. મોં માથે રેગાડા ઊતરે છે.

લાખો ભગતઃ ‘દાના, ગીગલાનો સૂંડલો ઉતરાવ.’

દાના ભગતઃ ‘તમે ઉતરાવો.’

‘ગીગલા, આંઈ આવ.’

‘બાપુ, હાથ ધોઈને આવું.’

‘ના, ના, ઇં ને ઇં આવ્ય.’

એમ ને એમ આવ્યો. માથે હાથ મૂક્યો. ‘ગીગલા તારે બાવોજી પરસન. તું અમ બેયથી મોટો. ને લાખુ કીસેં (કયાં) ગઈ ?’ - બોલાવી. વૃદ્ધ લાખું આવી. ભગતે રાબ કરાવી. પોતાની ભેળું ગીગાને અને લાખુને ખવરાવ્યું.

માનવતાનો આથી ઊંચો આદર્શ આપને નહીં જડે. ‘વાસનાને મારવી નૈ, વાસના નડે, ફલાણા બાવાનું બુંદ લૈ લે,’ એ તો આધુનિકોને યે અદ્યતન લાગે તેવી ઉદારતા છે. ‘કૂવે પડીને હાથપગ ભાંગીશ નૈ, તારા પેટમાં બળભદ્ર છે’ એવી હામ દેનાર સંત દાનો પાપ-પુણ્યના રૂઢિગત ખ્યાલો લઈને બેઠેલા જનસમાજની વચ્ચે જીવતા હતા ને એ જનતાને આધારે નિર્વહતા હતા, ને છતાં તેમણે થડકાટ ન અનુભવ્યો, તિરસ્કૃત માતાને માનભેર જિવાડી, એના પુત્રને સંતપદે સ્થાપ્યો, ને એ મુસ્લિમ મા-બેટાની સાથે સંતો એક થાળીમાં જમ્યા. આજે ગીરનાં પહાડો વચ્ચેનું ધર્મસ્થાન સતાધાર એ ગીગા ભગતનું કર્મક્ષેત્ર હતું. ધેનુઓની અને પિત્તિયાં કોઢિયાં માનવીઓની સેવા, સતાધારની આ બે સંત-ધૂણીઓ હતી. ભયંકર રોગ રક્તપિત્ત, એની નિર્બંધ સારવાર કરનારાં સોરઠમાં ત્રણ સંત-સ્થાનકો હતાં; ગધૈ ગીગા ભગતનું સતાધાર, રબારી સંત દેવીદાસનું પરબ-વાવડી, અને મુસ્લિમ સંત જમિયલશાહનો ગિરનારી દાતાર-ડુંગરો. હિંદમાં બીજા કોઈ સંતે આ કાળ-રોગની સેવા કરી જાણી નથી.

જૂઠીબાઈ ખોજણ - વાલજી ઠક્કર

(‘પરકમ્મા’)

અકાળા ગયેલો ૧૯ર૭માં. વાલજી ઠક્કરનું વ્યક્તિત્વ પ્રત્યક્ષ થાય છે. ધંધે ગામડાનો વેપારી. ન્યાતે ખોજો. પચાસેક વર્ષનો મોભાદાર અડીખમ આ માણસ એમેચ્યોર શિલ્પી હતો. કોઈ નિરાળી પ્રતિભા નહીં પણ સામાન્યતાનો પ્રતિનિધિ હતો. વાતડાહ્યાપણું સૌરાષ્ટ્રનો એક સંસ્કાર છે. એ સંસ્કાર આપણામાં મજબૂત ન હોત તો પુત્રવધૂઓને ઘરઆંગણે બેઠો વડીલ કડવો ઝેર લાગત, બાળકોને ડરકામણો દેખાત. વાલજીભાઈ જેવા કુટુંબે કુટુંબે હતા. ચોરે ને દાયરે, નદીઓની વેકૂરીમાં કે દુકાનોને ઓટે તેઓ બેસતા; નિવૃત્ત વૃદ્ધોને, પેન્શનરોને, આજારોને, બેકારોને, જુવાન દીકરા ફાટી પડ્યા હોય તેવા હતાશા પિતાઓને સર્વને આવરદા જીવવા જેવી કરી આપનાર આ વાતડાહ્યા વાલજી ઠક્કરો હતા. આવા શિલ્પીઓને હું ફરી વાર કેમ ન મળ્યો, તેમને વધુ પિછાન્યા વગર કેમ આ દુનિયામાંથી જવા દીધા એ વિચારે પસ્તાઉં છું, ને ગુમાવ્યું તેનો શોચ કરું છું. વાલજીભાઈએ (કહેલા) જૂઠીબાઈનો કિસ્સો ટપકાવ્યો છે.

દેરડી જાનબાઈની. ત્યાં સવાભગત ખોજા. બકાલાની વાડી. સાધુસંતને ખવરાવે. સદાવ્રત આપે.

ઘરમાં બાઈ માનબાઈ. એને સવાભગત નામ લઈને બોલાવે.

જે રળે તે શેઠને ત્યાં જમા કરાવે. આષાઢી બીજે બધું ખલ્લાસ થાય. ઊલટું પાંચપંદરનું નામું વધે.

એક દી સાધુ વાડીએ આવ્યા, કહે ‘કુછ દે.’

‘ઘેર ચાલો.’

‘નહીં ઈધર દે.’ ‘દાળ અને લોટ દઉં ?’ ‘ઔર ક્યા ?’ છાણાંનો આડ કરી બાટી પકાવી. ‘ભગત, દો બેગૂન દે !’ ‘અરે મહારાજ ! હજી તો પરમને દી રોપ કર્યા છે !’ ‘અરે જૂઠ ? મેંને દેખા.’ ‘ક્યાં દેખ્યાં ? બતાવો.’ લઈને ગયા વાડીમાં. રીંગણાં વળગેલ દીઠાં. પગમાં પડી ગયા. ‘ભગત, માગ !’ ‘કોઈ વાંસે સદાવ્રત દેનાર નથી.’ ‘જા. બેટા આવેગા. મગર ફક્કડ રખનાં.’ ભગત, માનબાઈ ને સાધુઓ, પંચે જણાં ભેળાં જમ્યાં. પસ્તાવો થયો. અરે નરસી મહેતે નિર્વંશ માગ્યો’તો ને મેં દીકરો

માગ્યો ! બાવાને ઘેર લઈ જઈને વેણ પાછું વળાવું.

ઘેર જતાં રસ્તામાંથી જ સાધુ અલોપ.

નવ મહિને દીકરો.

છઠ્ઠીમાંથી માગાં આવતાં થયાં. નીંગાળે સગપણ કર્યું. કન્યાનું નામ જૂઠીબાઈ. દીકરાને લગનમાં માયરામાંથી વીંછીએ ફટકાવ્યો. માણસોએ જઈને કહ્યું, ‘ભગત, શામજીને વીંછી કરડ્યો.’

‘બાપુ, મને ઉતારતાં નથી આવડતું.’

‘પણ ટાઢોબોળ પડી ગયો છે.’ ‘તે હું કાંઈ ઊનો થોડો કરી દેવાનો હતો !’ મુસલમાન જ્યાં મરે ત્યાં જ દફનાવવો જોઈએ પણ ભગત કહે,

‘દેરડી લઈ જાઉં.’

ગાડામાં સુવાડ્યો.

ત્યાં અંદરથી કન્યા જૂઠીબાઈ પીઠી સોતી કૂદીને ગાડામાં ચડી બેઠી.

આડો હાથ દીધો; ‘બેટા ! નહીં.’

લાજ ઉઘાડીને બોલી, ‘બાપુ, તમે મને સાટે લીધી છે. હું તમારો દીકરો.’

દેરડી લઈ જઈને શામજીને દફનાવ્યો વાડીએ.

જૂઠીબાઈએ વાડી કરવા માંડી. ગરમર રૂ. ત્રણસોની ઊતરી. પણ આષાઢી બીજે કાંઈ બચત નહીં. જૂઠીબાઈ પણ સાધુસંતોને ખવરાવી દ્યૈ.

બધા એને ભગતની દીકરી જ જાણે.

ભગત જૂઠીબાઈ માટે વર ગોતવા મંડ્યા. એમાં ખાંભેથી જૂઠીબાઈને જોવા મહેમાન આવ્યા.

બાઈ ઉઘાડે માથે બહાર આવી. પૂછ્યું, ‘શું કામે આવ્યા છો ?’

‘તને જોવા.’

‘બાપુ, હું ભગતની દીકરી નથી, હું તો ભગતની દીકરા-વહુ છું !’

મહેમાનો ચાલ્યા ગયા. પછી કોઈ આવ્યું નહીં.

જુઠીબાઈ પાંસઠ વર્ષનાં થઈને મર્યાં.

રાણા આલા મલેક

(‘પરકમ્મા’)

ચક્ષુ સમીપ ખડો થાય છે એક કદાવર આદમીઃ વાને નાગર જેવો ઊજળો, ભરાવદાર કાળી મૂછદાઢી, અંબાઈ લીલા રંગની સુરવાળ અને પહેરણ. મુખમુદ્રા પર કુમાશ છતાં ધંધો કરડાઈનો, વ્યવસાય જોતાં ગળું ત્રાડો પાડતું હોવું જોઈએ; છતાં મારી યાદદાસ્તમાં એક મુલાયમ જોતાં ગળું ત્રાડો પાડતું હોવું જોઈએ; છતાં મારી યાદદાસ્તમાં એક મુલાયમ કંઠ સંઘરાયો છે.

૧૯ર૬ની સાલ હશે. બહારવટિયાનું સંશોધન ચાલતું હોવું જોઈએ. એક દિવસ જામનગર રાજ્યના મહાલ લાલપુરથી પતું આવ્યુંઃ

અમારી પાસે બહારવટાની વાઘેરોની, રાયદે બૂચડની ઘણી ઘણી પાયાદાર વાતો છે. કહો તો મોકલી આપું. હું પોતે એજન્સી પોલીસની ઘણાં વર્ષ નોકરી કરી આવ્યો છું. ઘણા બહારવટિયાનાં ધીંગાણાંમાં કામ કર્યું છે. હાલમાં એજન્સીનું પેન્શન લઈ આંહીં રાજ્યમાં ફોજદાર છું.

લિ. તાબેદાર જત રાણા આલા મલેક.

સૂમ(કંજૂસ)ને સોનાના ચરુની ખબર મળે ને દોટ કાઢે તે ઝડપે હું ટ્રેન પકડી લાલપુર પહોંચ્યો. કડકડતા શિયાળાની સવારે, ગર્જનાભેર વહેતી નદીની ભેખડ પર આવેલા એ પોલીસ-થાણામાં એ કદાવર આદમીને મળ્યો. પહેલી વાત એ કરી કે “તમે મારા ‘તાબેદાર રાણા આલા’ નહીં પણ કકા થાઓ.” “શે સગપણે ?” “એજન્સી પોલીસને સંબંધે. મારા પિતા ને તમે એજન્સી પોલીસની સ્થાપના પછી પહેલી ભરતીના સંબંધભાઈઓ.”

“અરે ! કાલીદાસભાઈના ડીકરા !” બેવડા આનંદે રાણાભાઈની જબાન વહેતી થઈ. ટાંચણની એને જરૂર નહોતી. એમને મન બહારવટિયાનો ઇતિહાસ એક જીવતું જગત હતું, એ જગતનું પોતે એક પાત્ર હતા. અટક્યા કે યાદદાસ્તને તાજી કર્યા વગર રાણાભાઈએ કડકડાટ વાતો કહેવા માંડી ને મેં ટપકાવવા માંડી. જાણે ચોપડી વાંચતાંવાંચતાં લખાવે જતા હતા ! નિરક્ષરતાની દુનિયામાંથી ખડો થયેલો એ જત જુવાન એજન્સીની નોકરીમાં સોળ શેરની બંદૂક ખભે લઈ કોન્સ્ટેબલની છેલ્લી પાયરીથી પ્રારંભ કરી છેવટે ફોજદાર સુધી પહોંચેલ તે કલમના બળથી નહીં, જવાંમર્દીના જોરથી. લખતાં તો એને શીખવું પડ્યું હતું. વાક્યરચના આવડતી નહીં પણ વાચા એના કંઠમાં હતી. સવાર અને સાંજની બે બેઠકોમાં એમણે મારાં પાનાં ને પાનાં ભરાવી આપ્યાં.

એ પાનાંમાંથી આગલાં ઘણાં મારી પોથીમાંથી ખરી ગયાં છે. બાકી વીસેક વળગી રહ્યાં છે. ગયેલાં પાનામાંથી મેં ઘણોખરો સંભાર તો બહારવટિયાનાં વૃત્તાંતોના ત્રણે ભાગમાં ભરી લીધેલ છે, છતાં કેટલીક લાક્ષણિક વાતો ગુમાવી છે એવું લાગ્યા કરે છે. આ જતો, સંધીઓ અને વાઘેરોનાં કથાનકો તો ઠીક, પણ એમની પ્રણાલિકાઓ, પરંપરાઓ અને આચારવિચારો, જેને હું વધુ મહત્ત્વ આપું છું, જેની પાર્શ્વભૂ પૂર્યા વગર નરી વાર્તાઓના બુટ્ટા નિસ્તેજ લાગે ને જેની પ્રાપ્તિ રાણાભાઈ જેવા માણસો જ આપણને કરાવી શકે.

સંધી પસાયતો

(‘પરકમ્મા’)

યાદ આવે છે. વિકટર મહાલના વહીવટદાર ભાઈ અબ્દલ્લા ગાગનાણીનો મહેમાન બનેલો. કૉલેજ કાળના એ સહાધ્યાયી. ક્રિકેટ-ટેનિસના અવલ દરજ્જાના ખેલાડી તરીકે મારા જેવા બિનખેલાડીના સન્માનિત એ ૧૯ર૭માં વહીવટદાર દરજ્જે હતા. મને ડુંગર રાજુલા વગેરે ગામોમાં ફેરવીને વાતો કહેનારાઓનો સુયોગ કરાવ્યો હતો. તે વખતે હું હતો બહારવટિયા જોગીદાસ ખુમાણની કાળી શોધમાં. એ શિરોમણિ બહારવટિયાની લીલાભૂમિમાં હું ભટકતો હતો. એને નામે બોલાતી અકેક ઘટનાને ચકાસતો ચકાસતો નવાનવા સાહેદોને શોધતો હતો. એમાં ડુંગર ગામનો આ દરબારી સંધી પસાયતો ભેટી ગયો. ડુંગરથી વિક્ટર ત્રણેક ગાઉને માર્ગે, અમે ઘોડાગાડીમાં અને એ પડખે પડખે પગપાળો વાતો કરતો આવે. છેક વિક્ટર સુધીનો મારો પંથ એ પસાયતાએ જોગીદાસ ખુમાણનાં ઘોડાની રજ-ડમ્મરે જાણે ધૂંધળો કરી આપ્યો. હમણાં જ જાણે જોગીદાસ આંહીંથી નીકળ્યા હતાઃ એનાં ઘોડાંના ડાબલા જાણે કે એ રસ્તા પર તાજા પડેલા હતાઃ મારે ને બહારવટિયાને જાણે કે ઘડીઅબે ઘડીનું જ છેટું પડ્યું હતું !

સિલસિલાબંધ કરીને મૂકી આપેલી એ જોગીદાસ-કથા જ્યારે તમે વાંચતા હશો વાચકો ! ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટિયાનાં વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ, સહુ એવો સંતોષ ને દાવો ધરાવતા હશો કે આ તો છે પ્રચલિત સાહિત્ય, આ તો છે સર્વકોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટલે કેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી વાણા-તાણા કરવા પડ્યા છે. ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકાીર બુજરગ નાગર સ્વ. ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સૂરા બારોટે, જેઠસૂર બારોટે, ગઢવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, આ ડુંગરના સંધી પસાયતાએ નામો જેવાં નથી સાંભરતં એવા બીજાં પણ કેટલાં-કેટલાંએ, અક્કેક અસ્થિ આપ્યું, આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું; અને તેના પર ઊર્મિની અંજલી છાંટી પ્રાણ જગાડ્યો.

આ સંધી પસાયતાનું જ સ્મરણ કરું છું. એ મુસલમાન હતો પણ જોગીદાસ બહારવટિયો એની નજરમાં નહોતો હિંદુ કે નહોતો મુસ્લિમ. એના ચિત્તતંત્રમાં રમતી હતી બહાદુરી, માણસની માણસાઈ. એ હતો તો દરબારી દાણાનો જમનારો, પણ એનું મગજ કોઈ રાજ્યના દફતર જેવું, સત્યને દબાવી રાખી પક્ષહિતોને જ મજબૂત બનાવે તેવા દસ્તાવેજથી ભરેલું નહોતું. ફિફાદની ઝાડીમાં પીર ધંતરશાના મોરલાને મારી ખાઈ જનાર સંધી સિબંદીઓના કુકર્મનો કિસ્સો એ સંધી પસાયતાનો જ કહેલો છે.

સરતચૂકથી અણવપરાયો ટાંચણમાં જ પડ્યો રહ્યો છે તે કિસ્સો પણ એણે કહેલોઃ

ડુંગર ગામમાં ભાવનગર રાજના આરબ જમાદારનું થાણું. જોગીદાસના પડાવ મીતીઆળા ડુંગરામાં. એક વાર આરબ જમાદારને બહારવટિયાએ મિતીઆળે મહેમાન રોકી ખૂબ ખાતર બરદાસ કરી. પછી કહ્યું કે નાગેશરી માથે ચડવું છે, અમારા ભાઈ હરસૂર ખુમાણને મારનાર ઓઘડ વરુને માથે વેર વાળવા.

કે ‘ભલે, હાલો.’

બહારવટિયાઓ આરબ જમાદારની મદદ લઈને વેર વાળવા ચડ્યા. ઝાંપોદર ગામ આવ્યું ત્યાં આડો નાર ઓળાંડ્યો. રાવ નામે પંજાબ તરફનો કોઈ મુસલમાન નજૂમી (જોષ જોવા વાળો) સાથે હતો તેણે ઘોડો થંભાવ્યો.

‘જે મોઢા આગળ હાલે ઈ લોહીઆળો થાશે.’

આરબ બોલ્યા, ‘અમે ક્યાં ખીચડું ખાવા આવ્યા છીએ ? અમે મોઢા આગળ હાલીએ.’ પહેલી ઘોડી આરબે હાંકી.

ધાંતરવડી નદીને કાંઠે જ્યારે સૌ ચડ્યા ત્યારે જોગીદાસ અને ભાણ ખુમાણે નાગેશરીનો કેડો પડતો મેલીને રાજુલાને માથે ઘોડી ઠરડી કરી.

આરબે પૂછ્યું, ‘કાં ?’

‘રાજુલા માથે પડવું છે.’

‘અરે ન્હોય એવી વાત.’

આરબ જમાદાર પોતાના જ ધણી ભાવનગર દરબારનું ગામ રાજુલા ભાંગવાની વાતથી ચોંકી ઊઠ્યા. ત્યારે ભાણ-જોગીદાસે પેટમાં રાખેલી વાત પ્રકટ કરી, ‘અમે

તમારી ખાતર બરદાસ્ત કરીએ છીએ તે તો રાજુલા માટે.’

આરબે કહ્યું, ‘ભાગ્યની વાત ! હવે કાંઈ સરાય નહીં.’

રાજુલે ચાગલ જમાદારનું થાણું, પણ ચાગલો બહાર નીકળી ગયો

હતો. મશાલ વખતે જોગીદાસે રાજુલું ઘેર્યું. પણ ગામમાં ગરાય નહીં. ચારે દરવાજા ઉપર માણસ. બંદૂકોની નાળ્યું છૂટે છે.

ભેરાઈ દરવાજે ઉપર સામેડો સપાઈ પાંત્રીસ માણસેઃ ડુંગરના રસ્તા સાથે મામદ જમાદારનું થાણુંઃ વડલીને ઝાંપે પણ પાકો બંદોબસ્ત.

આરબ જમાદારે કહ્યું, ‘તો રાજલીઆના ગાળામાંથી ગરીએ.’

પોતે છ જણા ચાલ્યા. એ ઠેકાણે ચોકીદાર મસૂત સીદી હોકો પીતો બેઠો છે, પગરખાંના ખખડાટ સાંભળીને મસૂત ઊભો થયો.

‘મસૂત ! તું ખસી જા,’ બહારવટિયાએ હાક મારી.

મસૂતે જવાબ વાળ્યો, ‘ખસ્યાં ખસ્યાં ! એમ શું ભાવનગરનાં નગારાં ઊંધાં વળી ગ્યાં છે !’

‘ના, ભાવનગરનાં આબાદ, પણ તારાં અવળાં !’

પણ મસૂત ન ભાગ્યો, એને બંદૂક લાગી. પડતે પડતે એણે હાકલો કર્યો, ‘રાજુલા! હુશીઆર !’

આરબો ગામમાં પેઠા. બજારે ચાલ્યા. ચોરા માથે ભાયોથી ધાંખડો આઠ માણસે ઊઠ્યો. પણ આરબોએ બે ચંભા કર્યા, આઠેને ઉપાડી લીધા. ગામમાં ચાહકા થવા લાગ્યા.

એ જ ટાણે એક લગન હતાં. મામદ જમાદારનો ભાઈ પિયારો જમાદાર માંડવામાં વરરાજા વેશે તૈયાર બેઠો હતો ત્યાંથી દોડ્યો. ચોકમાં આવ્યો ત્યાં આરબોએ દીઠો, ‘અરેર! આ તો પિયારો આવે છે ! માથે મોડ છે. એને પકડી લ્યો.’

ચારે આરબોએ ઢાલો આડી રાખીને દોટ દીધી. પિયારાને બથમાં લઈને ઉપાડ્યો, હાદા સોનીના હાટમાં પૂરી દીધો.

ત્યાં પિયારાથી નાનેરો ફકીરમામદ દોડ્યો આવે. એણે ભાઈને ભાળ્યો નહીં એટલે ઘા કર્યો આરબ જમાદારને માથે. બરાબર હાથની કળાઈને માથે તરવાર પડી. કોણીનું હાડકું ખાઈ ગઈ. આરબે ફકીરાનું માથું ઉડાવી દીધું.

ત્યાં સામેથી એક બંદૂકની ગોળી આવી ઠરતી. ચોંટી બરાબર આરબ જમાદારના પાટમાં. પગ ડોળી નાખ્યો.

સવારનો પહોર થઈ ગયો. જોગીદાસ ને ભાણ બેઉ રાજુલા માથે પડ્યા. આવીને બેય જણા કહે, ‘આરબ જમાદાર, આવી જા અમારા ઘોડા માથે. મિતીઆળા ભેળો કરું.’

કે ‘ના.’

ડોળીએ નાખીને પાવા પોપટને ઘેર પહોંચાડ્યો, પણ રાજે ઘરેઘરની જડતી લીધી. આરબનો ખાટલો ઉપાડીને ભૂંકણધારની ઝાડીમાં લઈ ગયા, ડોળા તળાવને માથે.

આરબ કહે, ‘હવે હું દરબારને મોઢું ન દેખાડું.’ (નીમકહરામી કરી ખરીને !)

પછી નાંદોદ દરબારને લખ્યું. નાંદોદને ને ભાવનગરને વેર. નાંદોદે કહેવરાવ્યું, ‘જમાદાર, ખુશીથી આવો.’

નાંદોદ જવા ઊપડ્યા. વળાને પાદર આવ્યા. ત્યાં ભાવનગરના ફટાયા હરભમજીના મહેમાન બન્યા. એની પાસેથી જાણ્યું કે ધરમપુરની ચઢાઈ લઈ છોડો કુમાર ભાવનગરના વળાને માથે મારમાર કરતો આવતો હતો. વળાની રક્ષા કરવા પછેગામના ત્રણસે દેવાણી આવી બેઠા હતા.

આરબ જમાદારે પોતાના સિબંદીઓને કહ્યું, ‘આપણાથી ઝાંપેથી જવાય ? ભાવનગરનું તો નીમક ખાધું છે.’

હરજીમજી કહે, ‘તમે તો મહેમાન છો.’

‘મહેમાન તો તમારા ને ! ખબર સાંભળેથી ન જવાય. અટાણથી જ મોરચો કરી લઈએ.’ ઘેલો નદીને કાંઠે આરબોએ મોરચો બાંધી લીધો.

પ્રાગડે દેરા દીધા. (પ્રભાત પડ્યું.) નગારું થયું. સામે કાંઠે શત્રુઓની સેના તોપ માંડીને તૈયાર હતી. આરબોની બંદૂકે ગોલન્દાજને ઉડાડી મૂક્યો. પછી જમાદારે હાક દીધી, ‘ભેળી દિયો.’

હાથોહાથની લડાઈ ચાલી. દેવાણીઓ ભાણ્યા, પણ આરબો ન ખસ્યા. શત્રુને તગડી મૂક્યો.

મહારાજને શિહોર ખબર પડી કે મારા દેવાણીને ભાગવું પડ્યું ને આ મને છોડી જનારા આરબે રંગ રાખ્યો. રાજુલાની વાતને વિસારી દઈ મહારાજે આરબ જમાદારને લઈ આવવા મીરાં-દાદાને મોકલ્યા.

મધ્યયુગી માનવ-સિદ્ધાંતો કેવી વિચિત્રતા બતાવે છે ! આરબ જમાદાર એક રાજ્યનો પગાર ખાય છે પણ બીજાનો રોટલો ખાતો તેનું નૈતિક બંધન એને એ જ રાજ્યના અન્ય ગામની લૂંટમાં બહારવટિયાનો સંગાથ કરવા ખેંચી જાય છે, પછી પાછો એ જ માનવી એક ગામને ઝાંપે સ્વાગત પામે છે તેટલા જ કારણે ત્યાં તે ગામને ખાતર ખપી જવા તત્પર બને છે; એની ખાનદાની નિહાળીને એ જ રાજા એ આરબની આગલી ખૂટલાઈને ભૂલી જાય છે અને આરબને પાછો તેડાવે છે. મૈત્રી, અદાવત, આશરાધર્મ, ખૂટલાઈ અને ખાનદાની, બધાં અરસપરસ અટવાઈ જઈને માનવીની આંખો સામે અંધકારભરી રાત્રિ ઉતારે છે. ભૂલું પડેલું માનવ-હૃદય એ અટવીની અંદર જ્યાંથી શક્ય હોય ત્યાંથી ઝડપે મારગ કરતું આગળ ચાલે છે. સર્વકાલીન અને સનાતન માનવધર્મની એને ગતાગમ નથી. એ વિચારવા તોળવાની એને વેળા નથી.

જમાદાર ગુલમહમદ : ગુલાબનો ગોટો...

(‘પરકમ્મા’ અને ‘કલમકિતાબ’ (૧ર-૦૩-૧૯૩૬)માંથી સંપાદિત)

એકલ સવારીએ તલાળા જવું થયું કાદુના બહારવટાની કહાણીઓ ઢૂંઢવા. ત્યાં એક જીવતો સાહેદ હતો. એના વાવડ એક દિવસ ગગુભાઈએ આપેલા. ગગુભાઈના બોલ ભણકારા દ્યૈ છે, ‘પણ ઝવેરભાઈ ! શું કહું તમને ! એનું મોં ! ગુલાબના ફૂલ જેવું છે હો ! ને ભાઈ, તમે જલદી ત્યાં પહોંચી જાવ ! તમે જાણો છો કે આપણે મળુંમળું કરતા રહ્યા ત્યાં કેટલા કેટલા મળવા જેવો નરો હાલ્યા ગયા ! મારા વગર પણ તમે એકલા પોગો, ઝવેરભાઈ !’

જમાદાર ગુલમહમદ. તલાળા ગામે તેડવા આવતા એ અસવારની સૂરત મેં છેટેથી દીઠી. રાંગમાં પાણીદાર ઘોડી રમતી હતી. એ ચહેરાને જોયો, ગુલાબના ગોટા જેવો! સાઠ વર્ષની અવસ્થા ખેડતો આદમી પોતાના ચહેરા ઉપર તાજાં ગુલો રમાડી શકે એ પ્રસન્ન થવા જેવી વાત હતી. ખાખી પોશાકમાં એમની શ્વેત દાઢીથી મઢેલી સિપાહીગીરી શોભતી હતી. ને હું અજાયબ થતો એમની પાછળ સાસણને ઘાટે ગીરમાર્ગે મારી ઘોડીને હાંક્યે જતો હતો. કાદરબક્ષ બહારવટિયાની જોડે દસ-અગિયાર વર્ષની ઉંમરે દિવસ-રાત ગીરના ડુંગરા ખેડતો હતો એ જ આ ગુલમહમદ ! બીજાની જોડાજોડ જેને ફાંસીની સજા થઈ હતી એ જ આ બાળક !

સાંજ આથમતી હતી. ગાઢા જંગલોને વાઢી ખેડ માટે ખુલ્લી કરવામાં આવેલી ધરતી ઉપર અમે ઘોડાંને વેગમાં લીધે જતા હતા. અઢારભાર વનસ્પતિમાંથી ગળાઈ-ગળાઈને લીલોતરીની ગંધ નાકમાં ચૂતી હતી. છ ગાઉનો પલ્લો ખેંચવાનો હતો ને જિજ્ઞાસા દબવી દબાતી નહોતી. ગુલાબના ગોટા-શા ચહેરાવાળા એ જૈફ આદમીને ગુફતેગુના કૂંડાળામાં પેસાડવા હું પ્રયત્ન કરતો હતોઃ ‘આપની ઉંમર ત્યારે કેવડી ?’ ‘ફાંસીની સજામાંથી જંગલખાતાના અધિકારીની પાયરી પર આપ કઈ રીતે મુકાયા ?’

ગુલમહમદભાઈ એટલો જ જવાબ દેતાઃ ‘મુકામે જઈને તમામ કહીશ.’

સાસણ સરકારી થાણામાં પોતાના મકાનમાં બેસી તસબીના પારા પડતા મૂકતાં મૂકતાં એમણે મને વાતો કહી. અમારી બેઠક એકધારી ત્રણ દિવસ લગી પહોંચી. વચ્ચે એ પાંચે નમાજ પઢતા જાય, તસબી ફેરવતા રહે ને રિંદબલોચ નોકરોને મકરાણી જબાનમાં કામકાજની સૂચના કરતા જાય.

વાતોમાંથી એમનું સાચ તરી આવતું હતું. કાદુને વિશે અલકમલકથી જે વાતો મેં ઢૂંઢી હતી તે એક પછી એક હું એમની નજર તળે કસાવતો ગયો. આખું બહારવટું એમણે નજરે જોયેલું. કાદુના ભાઈ અલાદાદના ખભા પર બાળક ગુલમહમદની સવારી થતી. નાનું બચ્ચું થાકી જાય, ઘોડાં બહારવટિયાને પોસાય નહીં; બાળક બહારવટામાં ગયેલો એટલે વેઠવો જ પડેલો.

જમાદાર ગુલમહમદ કાદુના બહારવટામાં શામિલ હતા. કિશોર ગુલમહમદ ભયાનક બહારવટાનો લગભગ એક જ શેષ સાક્ષી હતો. છોંતેર વર્ષના એ જૈફ મકરાણીના કંઠમાંથી કાદુના બહારવટાના અનેક કિસ્સાઓ મળ્યા ને અનેક પોકળ ભવ્યતાઓ ઇન્કાર પામી. કોઈક મધ્યુયુગી મસ્તકકથાનું મુખ્યપાત્ર બને તેવી આ પુરુષની આપવીતી હતીઃ ‘મને તો મોતની સજા થયેલી. પ્રભાસપાટણની નજીક મને જાહેર ફાંસી આપવાની હતી.’

એ જૈફ પ્રભુભક્ત ફાગણ મહિનાની અજવાળી બીજના પ્રભાતે જૂનાગઢના મુસલમાનવાડાના પોતાના મકાનની ખડકીએ બાળકની જેમ ખડખડાટ હસતા હતા. મોંમાં પાનબીડું હતું. માથા પર ઊનનો રૂમાલ લપેટ્યો હતો. ગળે બટનદાર મફલર હતું ને મોં પર તાજા પઢેલા કુરાનના પાઠની ઝલક હતી.

રજેરજ સાંભરણ ગુલમહમદભાઈએ મારી સામે ધરી દીધી. કાદુ જોડે સંકળાયેલા અનેક રોમાંચકારી કિસ્સાઓના કેટલાકનો એમણે સાફ દિલે ઇન્કાર કર્યો. મામુનાં કાળાં કૃત્યુ ઉપર અસત્યનાં પુષ્પો ઓઢાડવાની ગુલમહમદને જરીકે ખેવના નહોતી. કેટલીક ભવ્ય ઘટનાઓની પછવાડે રતી જેટલું જ તથ્ય હતું તે કબૂલ કરી દીધું; કલ્પના-ભાગને નમ્રતાપૂર્વક જતો કર્યો.

કાદરબક્ષ વિશેની અનેક પ્રચલિત અદ્‌ભુતતાઓનું એમણે નીરસન કર્યું. મેં તારવેલું એ બહારવટિયાનું વૃત્તાંત એટલે જ સત્યના સીમાડા પર ઊભેલું હું લેખી શકું છું. લોકવાણી સંઘરવા નીકળનાર શોધક આવા ભય વચ્ચે હંમેશાં ઊભેલો છે; એક જ જીભેથી ઝીલેલા બોલને એણે જગત પાસે ન ધરી દેવો ઘટે. શક્ય તમામ પાઠો એકઠા કર્યા પછી જ સાચો પાઠ પકડવો રહે.

એમણે જ કહેલી વાતઃ ‘ફાંસીની સજા પામેલા જોડે હું બાર વર્ષનું બચ્ચું પણ જૂનાગઢની જેલમાં આખરી દિનની રાહ જોતો હતો. બચપણથી હું ધર્મના પાઠો શીખ્યો હતો. મોતની વાટ જોતો હું કુરાન પઢતો હતો ને સાથીઓને સંભળાવતો હતો. નવાબસાહેબે જેલની મુલાકાતે આવ્યા. એમણે મને જોયો, પૂછપરછ કરી, માફી આપી. કામગીરી આપી. શાદી પણ કરાવી આપી. રફતે રફતે જંગલખાતાની નોકરીમાં આ પાયરીએ ચડાવ્યો. આજે મારે ઘેર જુવાન બેટાઓ છે, કુટુંબનો લીલો બગીચો છે.’

પછીનાં ઓગણીસ વર્ષોની જન્મટીપ દરમિયાન જુવાન ગુલમહમદે સોરઠના જે પંચાશી માણસોને ફાંસીને લાકડે જતા જોયા હતા, કુરાન સંભળાવી કે રામરામ કહી પ્રભુખોળે વળાવ્યા હતા તેમની રંગભરી વાતો જમાદાર-સાહેબે ફાગર સુદ બીજને પ્રભાતે કહેવા માંડી હતી. ઉમેદ હતી કે સંજોગ મેળવીને જમાદાર-સાહેબની યાદદાસ્તના પોપડા ઉખેડવા હું પાછો પહોંચી જઈશ. પગની આરપાર ગોળી પેસી ગયેલી તેનો છ મહિનાનો ખાટલો વેઠતે વેઠતે અરેરાટી પર ઉચ્ચાર્યા વગર કારમી પીડા ભોગવી લેનાર આ લોખંડી મનના વૃદ્ધ ઓચિંતા ચાલી નીકળશે તેવી દહેશત મને નહોતી.

જમાદાર ગુલમહમદના મૃત્યુને નમ્ર અદબ આપું છું.

કિશોરાવસ્થાનો બહારવટિયો, જુવાની આખી જેલમાં, પ્રૌઢપણે દુનિયાનું જીવન માંડી પિતા બન્યો. સાત રૂપિયાની નવાબી નોકરીથી શરૂ કરી આખરે જંગલના અધિકારી બન્યા. જૂનાગઢને ઘેર તો ગીરની વનરાઈ, સાવજોનું રહેઠાણ, પહાડોના પથારા; તમામનો ભોમિયો અને ગીરનું પ્રત્યેક પશુ અને તરણું પિછાનવાવાળો હતો ગુલમહમદ.

ગયા જમાનાનું સોરઠનું ઐતિહાસિક નાણું ખૂટી ગયું છે. પરંપરાગત વાતો સાચવનારા ય જાણે છે ને જીવનમાં ઇતિહાસ જીવનારાઓ સિધાવી રહેલ છે.

ગુલમહમદ જમાદારની જીવનખોટ મારી પોતાની છે.

૮. બહારવટિયા-સંશોધન

જોગીદાસ ખુમાણ : મુંજાવર મુરાદશા

(‘સોરઠી બહારવટિયા’ ભાગ-ર)

ફિફાદ ગામને પાદર ઘાટી ઝાડીની અંદર ત્રણ-ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનંતરશા પીરની દરગાહ છે. સવાર-સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે, વિચારો ગેબમાં રમવા માંડે.

સાંજ નમે છે. બુઢ્ઢો મુંજાવર મુરાદશા એક નળિયાની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે. ગામમાંથી હિંદુઓના ઠાકરની આતી સંભળાય છે. પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે.

ઓચિંતો ઝાડીમાં એક બંદૂકનો ભડાકો થયો, ધુમાડા નીકળ્યા, અને કીયો ! કીયો! એવી કારમી કિકિયારી પાડતો એક રૂપાળો મોરલો ઊડ્યો. ઊડવાની તાકાત નહોતી તેથી અરધોપરધો હવાની ઉપર જ તરતો તરતો મોરલો નીચે ઊતર્યો અને દરગાહ પર ધૂપ દેતા બુઢ્ઢા મુરાદશાહના પહોળા ખોળામાં પોતાના કલેવરનો ઢગલો કરીને ઢળી પડ્યો.

ધોળી દાઢી ને માથે સેંથો પાડી ઓળેલા ધોળા લાંબા વાળવાળો, સફેદ ઘાટાં ભવાં અને સફેદ પાંપણોથી શોભતો, ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફનીવાળો સાંઈ મૌલા ચમકી ઊઠે છે. મોરલાના મસ્ત શરીરમાંથી ધખધખતા લોહી વડે એની લીલી કફની લાલચોળ બનવા લાગે છે. પ્યારા મોરલાના બદનને ગોદ સાથે ચાંપી લઈ, એની મખમલશી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી એ પંપાળે છે, અને છેલ્લા દમ ખેંચતા એ દેવપંખીને બેબાકળો બની પૂછે છે, “અરે ! અરે બચ્ચા મોતિયા ! તીજે ક્યા હુવા ! ઓ મેરા પ્યારા ! કોન શયતાન કા બચ્ચાને તીજે ઝખમી કિયા ! મોતિયા ! મોતિયા ! મોતિયા !”

ત્યાં તો ઝાડીમાં ખખડાટ થયો; “મેલી દે, એય સાંઈ !” એવી ત્રાડ પડી ને હાથમાં સળગતી જામગરીવાળી લાંબી બંદૂક હીંડોળતો એક મદોન્મત્ત સંધી પોતાની ખૂની આંખો ખેંચીને શ્વાસભર્યો આવ્યો. એણે ફરી વાર હાકલ દીધી “મેલી દે મોરલાને !”

“અરે કમબખ્ત ! તીને યે મોરલા પર ગોલી ચલાયા ! ધનંતરશા પીર કા સવારી કરને કા યે દુલદુલ પર ગોલી ચલાયા ! તીને ઇસ જગામેં શિકાર કિયા, હેવાન ?”

“હવે મેલ મેલ, હેવાનના દીકરા ! ઝટ મોરલો મેલી દે, નીકર માર ખાઈશ.”

“અરે જાલિમ ! યે પીર કા મોરલા !”

“હવે પીરનો મોરલો કેવો, ઉલ્લુ ? ઝાડીનો વગડાઉ મોરલો હતો ને આજ રોજાં ખોલવાં છે તે શાક કરવા સારુ શિકાર કર્યો, એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે ? મેલી દે !”

સંધીએ મોરલાને મુંજાવરના ખોળાની બહાર ખેંચ્યો. મોરલાની છેલ્લી તગતગતી આંખો મુંજાવરના મોં સામે જોઈ રહી. પોચે હાથે જખમી પક્ષીને ઝાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી, પણ શિકારીએ મોરલાની ગરદન પકડીને ખેંચી લીધો. પ્રાણ વિનાનું દેહપિંજર લઈને ચાલી નીકળ્યો.

“ધનંતરશા ! પીર ધનંતરશા ! ઓલિયા ધનંતરશા !” એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુઝુર્ગ મુંજાવર પીરની દરગાહ સામે ઘૂંટણિયે પડીને બેસી ગયો. ઝાડવાંની ચાળણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી. લોબાનનો ધૂપ ગોટેગોટ ધુમાડા ચડાવીને પીરના થાનકની ચોપાસ ઝાડવાંને પાંદડે પાંદડે છવાઈ ગયો. દરગાહનો ઓટો મુંજાવરના અવાજથી થરથરી ઊઠ્યો. સફેદ સોડ નીચે પીર સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઊઠ્યું. આંસુડે નીતરતી આંખો મીંચીને મુંજાવરે ત્રાડ દીધી, “ઓ પીર ! આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે, તારા દુલદુલ મોતિયાનું શાક કરીને ખાનાર નાપાક ઇન્સાન ઉપર મારી કકળતી આંતરડીની કદુવા પોકારું છું, ઓ બાપ, કે મોરલો એના પેટમાં હોય ત્યાં જ જો ખુમાણોનાં ભાલાં એ માંસ ખાનારના પેટમાં પરોવાઈ ન જાય, તો હું ફકીર નહિ, તું પીર નહિ, ને આસમાનમાં અલ્લાહ નહિ!”

ઉચ્ચારીને મુંજાવરે ઓટાના પથ્થર ઉપર પંજા પછાડ્યા. પછાડવાની સાથે જ એનાં જર્જરિત આંગળાંના જીવતા નખ નીકળી પડ્યા. દસે ટેરવાંમાંથી લાલચોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ ! દડ ! દડ ! દડ ! પડવા લાગી. પચાસ સિપાહીઓ, ઝાડવાંના ઝુંડમાં થંભી જઈને આ કદુવા સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાનાં અંધારાં-અજવાળાંમાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીન બની ગઈ. અંધારાં ઘેરાવા લાગ્યાં તો પણ મુરાદશા દરગાહની સામે સૂમસામ બનીને ઘૂંટણભર બેઠો રહ્યો. થોડી વારે અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દેવ-સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતાં કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવામાં આવે છે તે ધનંતરશા પીરની જ સવારી.

“હવે એવા ફકીરડા તો કૈંક રખડે છે. એવાને તો રોવા-કૂટવાની ટેવ પડી. એવાની કદુવાયું તે ક્યાંય લાગતી હશે ?”

“હા, હા, ઝટ મોરલાને વનારી નાખો. ઝટ શાક રાંધીને રોજાં છોડીએ, પેટમાં લા લાગી ગઈ છે. ને હજુ તો પંથ બહુ લાંબો પડ્યો છે.”

એવી વાતો કરતાં કરતાં આખા દિવસના ભૂખ્યા-તરસ્યા

બંદૂકદારોએ પાપની રસોઈ પકાવી. સહુએ પેટ ભરી-ભરીને રોજા ખોલ્યા. ફક્ત એકે જ મોરલાનું માંસ ન ચાખ્યું.

એ પચાસ હતા ભાવનગર રાજના પગારદાર સિપાહીઓ. એનો આગેવાન હતો ઇસ્માઈલ. ખુમાણ કાઠીઓ પાસેથી કુંડલા પરગણાનાં ચોરાસી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઇસ્માઈલ જમાદારને એના પાંચસો બરકંદાજ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે બહારવટે ઝૂઝતા હતા. કરડો, કદાવર અને નિમકહલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઇસ્માઈલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી પચાસ ઘોડે ભાવનગર ગામે ચડત પગાર વસૂલ લેવા જાય છે, રમજાન મહિનો ચાલે છે, સહુ રોજા રહ્યા છે. રાત ફિફાદ ગામમાં ગાળવા ઊતરી પડે છે તે વખતે ધનંતરશા પીરની ઝાડીમાં આ બનાવ બને છે, અને ઇસ્માઈલ પોતે પણ પોતાના તકદીરનો ભુલાવ્યો એ પીરની ઝાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાંઈના શાપની એને પરવા નથી.

રાત ફીફાદમાં રહી પરોઢિયે જમાદાર ઇસ્માઈલ ઘોડે ચાલી નીકળ્યો. મુંજાવરે ખુમાણોનાં ભાલાં ભોંકાવાનો શાપ દીધો પણ ઇસ્માઈલને તો જરાયે ઓસાણ નથી કે આસપાસ ક્યાંયે બહારવટિયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીકઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો જમાદાર ઘોડો હાંક્યે જાય છે. ઘેટી-આદપરના ઠાંસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢી. અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઊગતો હોય એવું દેખાડતાં, કિરણો જેવાં લાગતાં સોએક ભાલાં ઝળેળાટ કરી ઊઠ્યાં. એ ઝળેળાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને સંધીઓએ જવાબ દીધો, “ઇસ્માઈલ જમાદાર ! કાઠીઓ આવે છે.”

“અરે હોય નહીં.”

“હોય નહીં શું ! આ કટક વરતાણું.”

“ફકર નહીં. આપણે ખંભે એકાવન બંદૂક પડિયું છે, ને ઈ બચારાં આડહથિયારા છે. હમણાં વીંધી લઈએ. જામગરિયું ચેતાવો ઝટ !”

પલકમાં તો ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા, ઝીણાં રાતાં વગડાઉ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગરીઓ ઝબૂકી ઊઠી. ‘હાં ફૂંકી દ્યો !’ એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકો એ અલમસ્ત ભુજાઓમાં ઊપડી ને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ, તીણી આંખો પોતપોતાના વડિયાની સામે નિશાન લઈ રહી. સામેથી કાઠીઓનાં ઘોડાં વેરણછેરણ થઈ ગયાં. કોઈ ઘોડીઓના પેટાળે ઊતરી ગયા, કોઈએ ઘોડીઓની ગરદન આડાં માથાં સંતાડ્યાં, કોઈએ ઢાલો ઢાંકીને તરવારો ખેંચી લીધી, પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગરી દાબે છે, ત્યાં તો સરૂરૂરૂ થઈને કાનનો દારૂ સળગી ગયો. એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો !

પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈને સરત નહોતી રહી, એકાવનેય બંદૂકો હાથમાં ઠઠી રહી, અને સામેથી ચકોર કાઠીઓએ ઘોડીઓ ચાંપી. ચકર ! ચકર ! સહુના હાથમાં ભાલાં ફરવા લાગ્યાં. અગ્નિઝરતાં કોઈ કૂંડાળાં સળગતાં હોય એવો દેખાવ થઈ રહ્યો. ને મોખરે સંધીઓએ દાણો દાણો થઈ, વેરાઈ જઈ, ભાગવા માંડ્યું.

કાઠીઓએ જોયું કે હમણાં સંધીઓ હાથમાંથી ચાલ્યા જશે. પલકારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂઝી. એણે હાકલ કરી, “એલા, જોજો હો, જો સંધીડા ઓલા બૂટના કૂવામાં પેસી જાશે તો આપણને મારી પાડશે હો ! પછી આપણી કારી નહીં ફાવે.”

ભાગતા સંધીઓ સાંભળે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયું. સંધીઓના કાન ચમક્યા. પાણી વગરના ભાડિયા કૂવામાં દાખલ થઈ જવાથી બચાવ થઈ જશે, એવી ભ્રમણામાં આંધળાભીંત બનીને એ એકાવનેય જણાએ સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાડ્યમાં ઘોડાં કુદાવ્યાં, ફરી વાર બંદૂકો તોળી જામગરી ચાંપી, પણ કાન પી ગયેલી બંદૂકો ન જ વછૂટી. કાઠીઓએ ખાડાને કાંઠે ઊભા રહીને ભાલાં, બરછી તેમ જ તરવારોના ઘા કરી સંધીઓનો કચ્ચરઘાણ વાળી નાખ્યો.

એક હાથ એ પચાસ લાશો વચ્ચેથી ઊંચો થયો. એક સંધી અણીશુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઊભો થયો.

“અરે આ શું કૌતુક ! આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો ?”

“જીવતો છું એટલું જ નહીં, જોગા ખુમાણ ! પણ આ ડિલને માથે નજર તો કર! તારો ઘા ક્યાંય ફૂટ્યો ભાળછ ?”

બહારવટિયો થંભીને જોઈ રહ્યો.

“જોગીદાસ ખુમાણ ! આ પચાસને માર્યા તેના તને ઝાઝા રંગ ! પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુંજાવરની કદુવા હતી. ને આંહીં જો ! મેં મોરલો નો’તો ખાધો, મને એક પણ જખમ નથી ફૂટ્યો !”

“ક્યાં છે મુરાદશા ?”

“આ ફિફાદની ઝાડીમાં : ધનંતરશા પીરને થાનકે. અભેમાન કર્યા વિના એના પગુમાં પડી જા - જો બહારવટે જશ લેવો હોય તો !”

જેને મુખડે પરનારીસિદ્ધ કોઈ જોગંદરની જ્યોત પથરાઈ ગઈ છે, જેની આંખમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે, જેની ભ્રૃકૂટિમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ્ય ખેંચાયેલું દીસે છે, એવો સૂરજમુખો બહારવટિયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો. એણે ઘોડી મરડી. સહુ અસવારો એની પાછળ ચાલ્યા. ફિફાદની ઝાડીમાં પીરને ઓટે આંગળાંમાંથી નખ કાઢી નાખીને ગમગીન બનેલા બુઢ્‌ઢા મુંજાવર

મુરાદશાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા. એનાં પાળેલાં કબૂતરો, ખિસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતાં હતાં. એક ડાઘો કૂતરો એના પગ ચાટતો હતો. બન્ને હાથ બહારવટિયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુવા દીધી કે “જોગીદાસ! બચ્ચા ! પીર ધનંતરશા તારાં રખવાળાં કરશે.”

જેસાજી-વેજાજી : હુરમ બહેન

(‘સોરઠી બહારવટિયા’ - ભાગ-ર)

ગીરમાં રાવલ નદીના કિનારા પર જૂનાગઢની દિશામાંથી ઘોડાં જેવાં બે મોટાં રોઝડાં વારંવાર આવીને ઊભાં રહેતાં અને પોતાની પીઠ પર બખ્તર સોતા અસવારોને લઈને ભેખડો ટપી સામે કાંજે જતાં.

ઉપરકોટની અંદર પડીને એમણે પાદશાહની સૂવાની મેડીમાં ખાતર દીધું. મોંમાં તરવાર ઝાલીને ખિસકોલાંની જેમ બેય ભાઈ ચડી ગયા. મીંદડીની માફક સુંવાળા પગલાં મેલીને અંદર ચાલ્યા. બે પલંગ દીઠા. એક પર પાદશાહ, બીજા ઉપર હુરમ. પતંગિયા જેવો ચંચળ અને પટાનો સાધેલ નાનેરો ભાઈ વેજોજી તરવાર કાઢી ઠેકવા ગયો ત્યાં જેસાએ પીઠ ફેરવી. વેજાએ પૂછ્યુંઃ “કેમ પારોઠ દીધી, ભાઈ ?”

“પાદશાહની બીકથી નહીં, બાપ ! ધરમની બીકથી.”

“શું છે ?”

“હુરમ બોનનાં લૂગડાં ખસી ગયાં છે.”

“કોઈ વાંધો નહિ. આપણે માજણ્યા ભાઈ જેવા. શક્તિ સાક્ષી છે. લ્યો હું ઢાંકી આવું.”

વેજોજી ગયો. પોતાની પાસે પાંભરી હતી તે હુરમને માથે ઓઢાડી દીધી.

“હવે ભાઈ ! હવે કરું આ પાદશાહના કટકા ! આવો રંગ આપણી તરવારુંને કે દી ચડશે ?” વેજો કાળનું સ્વરૂપ ધરી આંખોના ડોળા ઘુમાવે છે.

જેસાજીએ મોં મલકાવીને માકાર સૂચવતો હાથ ઊંચો કર્યો.

“કાં ?”

“આ જેને પાંભરી ઓઢાડી એનો વિચાર કરું છું. મોંયેથી એને માની જણી બોન કહી દીધી. અને આપણે કોણ, વેજા ? આપણે તો ગંગાજળ ! પાંચાળીની એબ ઢાંકનાર જદુનંદનના બાળક !”

સંચળ થયો ને ઓછી નીંદરવાળી પઠાણજાદીની આંખોનાં પોપચાં સરોવર માયણાં પોયણાં જેવાં ઊઘડ્યાં. “ઓ ખુદા !’ એવી ચીસ એના ગળામાં જ રૂંધાઈ ગઈ. વેજાજીએ ડોળા ફાડી નાક પર આંગળી મૂકી. હુરમ પાદશાહના પલંગ આડે ઊભી રહી.

“હટી જા, બોન ! તું બોન છો, બીશ મા ! તારો સતીધરમ રજપૂતના હાથમાં હેમખેમ જાણજે. પણ આ અસુરને તો આજ નહિ છોડીએ.”

“હું તમારી બોન ! કાપડું માગું છું. મારો ખાવંદ -મારો પાદશાહ -કાપડમાં આપો.”

“પત્યું, વેજા ! જેવાં આપણાં તકદીર ! વળો પાછા. હવે તો પાદશાહ ભલે બોનને કાપડમાં રહ્યો.”

બેય જણા ઊતરી ગયા. દાંતમાં લીધેલી તરવારો ઝબૂકતી ગઈ.

ભીમો જત : ગેબનશા પીર

(‘સોરઠી બહારવટિયા’ - ભાગ-૧)

બબિયારાના ડુંગર ઉપર ગેબનશા પીરનં એક નિર્જન પુરાતન થાનક હતું. ભીમો બા’રવટિયો ગામ ભાંગીને જ્યારે જ્યારે બારરિયે આવતો ત્યારે પીરની કબર પર કિનખાબની નવી સોડ્ય અને નવી લીલી ધજા ચડાવતો. હવે ભીમે બબિયારા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે. પીરના થાનક ઉપર ગુલમહોરનાં ઝાડવાં લાલ ચૂંદડીને ઓઢીને ઊભાં હોય તેવાં ફૂલડે ભાંગી પડે છે. સવાર-સાંજ નળિયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તરવારને પણ ધૂપ દે છે, તસબી ફેરવે છે અને પછી ચોમેરથી જાસૂસો આવે તેની બાતમી સાંભળે છે. એક દૂત દોડીને બબિયારે ચડ્યો આવે છે. મોં શ્યામ થઈ ગયેલું છે.

“કેમ મોઢે મશ ઢળી છે, સુલતાન ?”

“ભીમાબાપુ, કરમાણીઓએ નાથી ડોશીને માથે હાથ કરી લીધો.”

“ઠીક; જતાણીએ ક્યાં ઘા ઝીલ્યા ?”

“બરાબર કપાળ ઉપર.”

“બસ ત્યારે, પરોઠના ખાધા હોત તો મને પસ્તાવો થાત.”

“ડોશી બહુ રૂડાં લાગ્યાં, બાપુ ! ત્રણ મકરાણીને સુવાર્યા અને બચ્ચાંને લઈ માલણકા ચાલ્યાં ગયાં.”

“ભીમા મલેક !” સંગાથીઓ મૂછે વળ દઈને તાડૂક્યા, “ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા ગયો. આપણે ઉપલેટા-ધોરાજીને આગ લગાડવી જોશે ને ?”

“ના ભા, આગ મેલે ઈ તો નરાતાર હલકાઈનાં કામાં. ભીમાને એ ધંધો ભજે નહીં. ફરી વાર બોલશો મા. મને જાનમામદ, તું જઈને ઉપલેટે રાજવાળાને ખબર કર કે આજથી ત્રીજે દી હું પડું છું. સાબદાઈમાં રહે.”

“પણ બાપુ, ચેતી જાશે, હોં !”

“ચેતવવા સાટુ તો તને મોકલું છું. ચેતવ્યા વગર આપણો ઘા હોય, ભા ?”

પચાસ અસવારે ભીમો ઉપલેટા માથે પડ્યો.

એક ફળિયામાં પગ મેલતાં જ તુળસીનો ક્યારો અને કવલી ગાય દીઠાં. “એલા, પાછા વળો ! ખબરદાર એક નળિયાને પણ હાથ લગાડશો મા !”

“બાપુ પટારા ભર્યા છે.”

બહારવટિયા બીજે ઘરે દાખલ થયા. ભીમે ત્રાડ દીધી, “કેવો છો, એલા !”

“વાણિયો છું.”

“વાણિયો ઊંચ વરણ લેખાય. એનું રસોડું અભડાય. ઊભા રે’જો,” એમ કહીને ભીમો વાણિયા તરફ ફર્યો. “શેઠ, પટારામાં ઘરેણાં હોય તેટલાં આંહીં આણીને મેલી દિયો, એટલે અમારે તમારું ઘર અભડાવવું જ ન પડે.”

રસોડામાં ચૂલે બાઈઓ રાંધતી હતી, એની ડોકમાંથી દાગીના કાઢીને વાણિયે હાજર કર્યા. ભીમે પૂછ્યું, “ક્યાંથી લાવ્યો ?”

“બાપુ ! મારી ઘરવાળીના અને દીકરાની વહુનાં અંગ માથેથી ઉતરાવ્યાં.”

“ઈ મારે ન ખપે, ભા. બાયુંનાં પહેલાં પાલવડાં કાંઈ ભીમો ઉતરાવે ?”

પાનેલી ગામના લખમણ સોનીના દીકરાની જાન ઢાંક ગામે જાતી હતી. ભેળાં ત્રણ ગાડાં હતાં. ભાદર, માલણ અને ઓઝત નદીની ઊંડી ઊંડી ભેખડોના પથ્થર પર ખડખડ અવાજે રડતાં ગાડાંની અંદર જાનૈયા ઝોકે જાતા હતા અને સરવા સાદવાળી સોનારણ જાનડીઓ કાઠિયાવાડીઓના જેવા મીઠા સૂર કાઢી,

મોર જાજે ઉગમણે દેશ,

મોર જાજે આથમણે દેશ,

વળતો જાજે રે વેવાયુંને માંડવડે હો રાજ !

એવાં લાંબા ઢાળનાં ગીતોને સૂરે સીમાડા છલોછલ ભરતી, ગાડું ચડીને પછડાય તેની સાથે ઊંચી ઊલળીને પાછી પટકાતી પટકાતી ગાતી જાય છે. વચ્ચે વચ્ચે પરજિયા ચારણોના નેસડા આવે છે, અને પદમણીશી ભેંસો ચારતા ચારણો ડાંગોના ટેકા લઈ ઊભા ઊભા ટૌકા કરે છે, “એલા, આ ટાણે જાનું ક્યાં લઈ હાલ્યા ? ભીમડોકાકો ભાળ્યો છે ? ડિલની ચામડી સોતા ઉતારી લેશે.”

“એ...ભીમો જાનુંને લૂંટે નહીં.” ગાડાખેડુઓ ગાડાં ધણધણાવ્યે જાય છે. પાછળ અને મોઢા આગળ, ગામડાં છેટાં રહી ગયાં. વગડો ખાવા ધાય એવી નિર્જનતા પથરાઈ ગઈ. જાનનાં ગાડાં ઉઘાડી સીમમાંથી નીકળી વાવનાં ઝાડની ઘટામાં દાખલ થયાં કે તરત પાંચ બોકાનીદાર પડછંદ હથિયારધારીઓએ છલંગ મારીને વોળાવિયાની ગરદન પકડી. એના જ ફેટા ઉતારીને એને જકડી લઈ વાવનાં પગથિયાં ઉપર બેસાર્યા અને પડકારો કર્યો, “ઊભાં રાખો ગાડાં !”

ગાડાં ઊભાં રહ્યાં. માણસો ફફડી ઊઠ્યાં.

“નાખી દ્યો ઝટ ઘરેણાં નીકર હમણાં વીંધી નાખીએ છીએ,” કહીને બંદૂકો લાંબી કરી.

વરરાજાના અંગ ઉપર એના બાપે માગી-માગીને ઘરેણાં ઠાંસ્યાં હતાં. ફાગણ મહિનાનો ખાખરો કેસૂડે ફાટી પડતો હોય એવાં લૂમઝૂમ ઘરેણાં વરરાજાએ પહેર્યાં હતાં. એ તમામ ઉતારીને વરનો બાપ થરથરતો સામે આવ્યો, કાંપતે અવાજે બોલ્યો “ભાઈ, આ બીજો બા’રવટિયો વળી કોણ જાગ્યો ?”

“ઓળખતો નથી ? ભીમડોકાકો !”

“હેં ! ભીમાબાપુના માણસો છો તમે ! ભીમોબાપુ જાનુંને તો લૂંટતો નથી !”

“કોણ છે ઈ ?” કરતો સામી ભેખડમાંથી સાવજની ડણક જેવો અવાજ ગાજ્યો. “આંહીં લાવો જે હોય એને.”

સોની જઈને પગમાં પડી ગયો. “એ બાપુ ! આ પારકાં ઘરેણાં; માગી-માગીને આબરુ રાખવા લીધાં છે.”

“તો ભા, તારું હોય એટલું નોખું કાઢી લે. બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો વધુ હક પહોંચે છે.”

“ભીમાબાપુ ! મારી ઉમેદ ભાંગો મા. વેવાઈને માંડવે મારી આબરુ રાખવા દ્યો; વળતાં હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ.”

“આપી દ્યો એનાં ઘરેણાં પાછાં. અને, ભાઈ, તું પાછો વળીશ ત્યારે દીકરીને પે’રામણી દેવી છે. કે’દી વળશો ?”

“પરમ દી બપોરે.”

જાન ક્ષેમકુશળ ચાલી ગઈ. ત્રીજે દિવસે પરણાવીને પાછા વળ્યા તે વખતે એ જ ભેખડે ભીમો વાટ જોતો હતો. “આ લે આ દીકરીને માટે એક કાંઠલી.”

કાંઠલી લેતી વખતે સોનીનો હાથ અચકાયો. “કેમ હાથ ચોર્યો ?” “બાપુ, આ કાંઠલી ચોરીની હશે તો હું માર્યો જઈશ.” “સાચી વાત. આંહીં તો ચોરીની જ ચીજ છે, ભા. શાહુકારી

વળી બા’રવટિયાને કેવી ? આપો એને રૂપિયા રોકડા,” બોલીને ભીમો હસ્યો.

“બાપુ, દીકરી ઉંમરલાયક થઈ છે, કન્યાદાન દેવું છે.”

“તે મા’રાજ, તમે ઠેઠ પાનેલીથી પંથ કરીને અહીં આવ્યા એ શું ? પાનેલીમાં પટલિયા ને શેઠિયામાંથી કોઈએ શું એટલી ખેરાત ન કરી ?”

“પાનેલીના પટેલની પાસે હું ગયો’તો, બાપુ. એણે જ મને કહ્યું કે તારા ભીમાકાકાની પાસે જા ! એ બ્રાહ્મણ-બાવાને બહુ આપે છે !”

“એ...મ ! એવડું બધું કહી નાખ્યું ?” એટલું બોલીને ભીમે કહ્યું, “અબુમિયાં! કાગળ લાવ. એટલું જ લખો કે પાનેલીના પટેલ, તમારી સલાહ પ્રમાણે આ બ્રાહ્મણને રૂ. હજાર અમે દીધા છે. બાકીના એક હજાર આ ચિઠ્ઠી દેખત ચૂકવી દેજો નીકર અમે આજથી ત્રીજે દી પાનેલી ભાંગશું.”

“લ્યો મા’રાજ, પટેલને દેજો, ને રૂપિયા ન આપે તો મને ખબર કરજો.”

“સારું, બાપુ !” કહીને બ્રાહ્મણ આશીર્વાદ દઈ ઊપડ્યો.

“ઊભા રો’, મા’રાજ. કન્યાદાનની તિથિ કઈ છે ?”

“બાપુ, માગશર સુદ પાંચમ.”

ભીમો એક દિવસ ભાદરની ખોપમાં થાકીને લોથપોથ પડ્યો છે. તે ટાણે એણે આઘે આઘે જાનોનાં ગાડાંની ઘૂઘરમાળ સાંભળી અને એને કાને વિવાહના ગીતના સૂર પહોંચ્યા. ચમકીને ભીમે પૂછ્યું, “એલા, આજ કઈ તથ, ભા ?”

“માગશર સુદ પાંચમ.”

“હેં, શું બોલો છો ?”

“કાં ભા ?”

“પાનેલીના બ્રાહ્મણની દીકરીને આજ કન્યાદાન દેવું છે.”

સાંજની રૂંઝ્‌યોકૂંઝ્‌યો વળી ગઈ હતી તે ટાણે ભીમે ઘોડાં હાંક્યાં.

રાતે બારને ટકોરે પાનેલીના દીધેલા દરવાજા માથે જઈને સાંકળ ખખડાવી.

“કોણ છો ?” અંદરથી અવાજ આવ્યો.

“બા’રવટિયો ભીમો આ ગામ ભાંગવાનો છે એટલે બંદોબસ્ત કરવા આવ્યા છીએ.” ભીમાનું નામ પડતાં જ દરવાજા ઊઘડ્યા એટલે ત્રણ બોકાનીદાર અસવારો દાખલ થયા. નામ પૂછીને બ્રાહ્મણને ઘેર પહોંચ્યા. ઘોડેથી ઊતરી, અસવારોના હાથમાં ઘોડી સોંપી, બહારવટિયો એકલો ભાલો ઝળકાવતો માંડવા નીચે ગયો. માણસોએ આ વિકરાળ આદમીને ભાળતાં જ તેઓનાં કલેજાં ફફડી ઊઠ્યાં. બ્રાહ્મણ દોડતો આવ્યો. “કોણ, બાપુ ?...” “હા મહારાજ, દીકરીને કન્યાદાન દેવા,” એમ બોલીને ભીમે નાક પર આંગળી મેલી બ્રાહ્મણને ચૂપ રાખ્યો.

જોધો માણેક-મૂળુ માણેક : ‘નહીં હટેગા !’

(‘સોરઠી બહારવટિયા’ - ભાગ-ર)

થાણાદેવાળી ગામની દરબાર-કચારીમાં લખમણ વાળા દરબારની હાજરીમાં અભરામ નામના મકરાણીએ નીચે પ્રમાણે વાત વારેવારે કહી સંભળાવેલીઃ

આભપરા ડુંગર ઉપર, સોન-કંસારીના દેરાંની ઓથ લઈ પોણોસો વાઘેરો સાથે મૂળુ માણેક પડ્યો હતો. એની સામે નગર-વડોદરાની મળી નવસો માણસની ફોજે નીચલે ગાળેથી મોરચા માંડ્યા. ફોજની પાસે નવી નવી ઢબનાં હથિયાર છે, દારૂગોળો છેઃ ને વાઘેરો તો જેવાં જડ્યાં તેવાં હથિયારે ટક્કર લઈ રહ્યા છે.

રોંઢા સુધી ટપાટપી બોલી, પણ ગિસ્તને વાઘેરો પાછી ન વાળી શક્યા. ધીરે ધીરે ગિસ્ત પગલાં દબાવતી ઓરી આવવા લાગી. બહારવટિયાઓની પાસે દારૂગોળો ખૂટી ગયો, મૂળુ મરણિયો થયો. એણે આજ્ઞા દીધી કે “બાલબચ્ચાંને ડુંગરાની પાછલી બાજુએ ઉતારી નાખો. અને છેલ્લી વારના ‘જે રણછોડ’ કરી જુદા પડી જાઓ !”

પોણોસો વાઘેરો તરવારો દાંતમાં ભીંસીને છેલ્લા અક્કેક બબ્બે ભડાકા જેટલા દારૂવાળી બંદૂકો સાથે હેઠા ઊતર્યા. ઉપરથી આવતા પોણોસોનો ધસારો ફોજને પંદરસો જેટલો લાગ્યો.

ગિસ્ત ભાગી. પોણોસો મરણિયાના હલ્લા નિહાળતાં જ ગિસ્તના આત્મામાંથી રામ ગયા. આડીઅવળી ગાળે ગાળે અટવાતી ફોજ ઊપડી અને મૂળુએ હાકલ કરી કે “ભજો મા ! પે ભજો મા ! નિમક લજાવો મા; જુવાન્યો, ભજો મા !” પણ ગિસ્ત તો ભાગી તે ભાગી જ.

“ખબરદાર !” મૂળુએ માણસોને કહ્યું, “ભજાને માથે ઘા ન કરજો !”

ભાગતા શત્રુની ઉપર ઘા ન કરવાનું વાઘેર બહારવટિયાનું બિરદ હતું તે પ્રમાણે વાઘેરોએ બંદૂકો વછોડવી બંધ કરી. બંદૂકના ધુમાડા વીખરાયા અને ઉઘાડા અજવાળામાં વાઘેરોએ એક આદમીને ઊભેલો દીઠોઃ મસ્જિદમાં નમાજ પઢતો હોય એવો અચળ ઊભો છે. મોતનો ડર નથી.

બૂંગણ ઉપર દારૂગોળા ને હથિયારોનો પથારો પડ્યો છે. ખાવાનાં ભાતાં પડ્યાં છે; અને એ બધાંની વચ્ચે ઊભો છે એ જુવાન આદમી; હાથમાં જમૈયો ચક ! ચક ! ચક ! થઈ રહ્યો છે. ઝીણી પાતળી દાઢી છે. અસલ મુસલમાન છેઃ આરબ છેઃ ભેટમાં ત્રણ-ચાર જમૈયા ધરબ્યા છે.

ધસારો કરતો બહારવટિયો ઊભો રહી ગયો. પાછળ ધસી આવતાં માણસોને પોતે પંજો આડો ધરી અટકાવ્યા અને હુકમ કર્યો, “એને કેડી દઈ દ્યો, ભા. ઈ બહાદુર છે, નવસોમાંથી એકલો ઊભો રહ્યો છે, એને માથે ઘા ન હોય. કેડી દઈ દ્યો.”

માણસોએ મારગ તારવી દીધો. શત્રુને ચાલ્યા જવાની દિશા દીધી.

પણ શત્રુ ખસતો નથી. ઊભો જ છે. હાથમાં ઉગામેલો ચક ! ચક ! જમૈયો; ઠરેલી આંખો; ભરેલું બદન; ગુલાબના ગોટા જેવું મોંઃ ભાગી ગયેલી ગિસ્તના દારૂગોળા ને સરંજામની વચ્ચે બૂંગણ ઉપર એકલો ઊભો છે.

બહારવટિયો નીરખી-નીરખીને જોઈ રહ્યો. બોલ્યો, “શાબાશ બેલી ! છાતીવાળો જુવાન ! ચાલ્યો જા, દોસ્તઃ તુંને ન મરાય ! તું શૂરો : ચાલ્યો જા !”

તો ય ઊભો છે. બહારવટિયાને દારૂગોળો હાથ કરવાની ઉતાવળ છે. આકળો બહારવટિયો પડકારો કરે છે કે “હટી જા, ઝટ હટી જા !”

જુવાનના હોઠમાંથી અવાજ નીકળ્યો, “નહીં હટેગા ! હમ નિમક ખાયા ! હમ નહીં હટેગા !”

“અરે બાપ ! હટી જા. તું આંહીં જાને નથી આવ્યો. અમારે દારૂગોળો હાથ કરવો છે.”

“યે મેઘનજી ઔર દારૂગોળા હમારા સર સાટે હૈ; સર પડેગા પીછે ઈસ સરંજામ પર તુમારા હાથ પડેગા. હમ નહીં હટેગા. હમને નિમક ખાયા.”

બહારવટિયાએ આ વિલાયતી જુવાનના ગલાબી બદન પર સાચો રંગ પારખ્યો. સાથીઓ તરફ વળીને કહ્યું કે “આવા વીરને એકલાને આપણે સામટા જણ ભેળા થઈને મારી પાડીએ ઈ શોભે ? બોલો ભાઈઓ !”

માણસો બોલતા નહોતા, જમૈયાવાળા જુવાનને જોઈ રહ્યા હતા, જુવાન અબોલ હતો, પણ એના દેખાવની ખુમારી જાણે હાકલ કરીને બોલતી હતી કે “નહીં હટેગા, નિમક ખાયા.”

મૂળુએ આજ્ઞા કરી, “આવો બેલી ! આપણે સહુ બાજુએ બેસી જાયીં. આપણામાંથી એક-એક જણ ઊઠો, ને આ જુવાનીન હારે જુદ્ધ માંડો. બાકી તો ઈ પડે ત્યાર પહેલાં એના સરંજામને અડવું અગરાજ છે.”

બધા જણ બાજુએ બેઠા. એક જુવાન ઊઠીને આરબ સાથે બાખડ્યો. નિમકની રમત રમતો આરબ આખરે પડ્યો. મૂળુએ મરતા શત્રુની પીઠ થાબડી. “શાબાશ તારી જણનારીને, જુવાન !”

આરબની લાશ ઉપર બહારવટિયાએ કિનખાબની સોડ્ય ઓઢાડી, લોબાનનો સુગંધી ધૂપ દીધો અને મુસલમાનની રીતે એની મૈયત કાઢીને બહારવટિયાએ જુવાનને દફનાવ્યો.

“બાપુ ! હું ઈ નવસો જણાની ગિસ્તમાં હતો. ભાગવાનું વેળુ ન રહેવાથી હું ઝાડીની ઓથે સંતાઈ ગયો’તો. સંતાઈને મેં આ આખો ય કિસ્સો નજરોનજર દીઠો’તો. જેવું જોયું છે તેવું જ કહું છું.”

૯. કુરબાનીની કથાઓ

સાચો બ્રાહ્મણ

સરસ્વતી નદીના કિનારા ઉપર સાંજ પડતી હતી. ગૌતમ ઋષિનો આશ્રમ હતો. જંગલમાં છાણાં-લાકડાં લેવા ને ફળફૂલ વીણવા ગયેલ બટુકો પાછા આવી પહોંચ્યા. તપોવનની ગાયો ચરીને આવી. કિલકિલાટ કરતા બ્રહ્મચારીઓ નહાઈ-ધોઈને ઋષિજીની આસપાસ આસન પાથરી બેસી ગયા. વચમાં હોમાગ્નિ પ્રગટાવેલો છે. અનંત આકાશમાં પણ એ સાંજને ટાણે કોઈ શાંત મહર્ષિની આસપાસ નાના સુકુમાર તારાઓની મંડળી, શિષ્ય-મંડળીની માફક, ચુપચાપ કેમ જાણે હવન કરવા બેસી ગઈ છે.

ઘી હોમાતું ગયું તેમ જ્વાલાઓ તપોવનની ઉપર ઝબૂકી ઊઠી. અરણ્યમાં આઘે આઘે - કેટલે ય આઘે - એ જ્યોતિનાં દર્શન કરીને વટેમાર્ગુઓ ચાલતાં હતા. એવે સમયે આશ્રમને બારણે આવીને એક બાળક લપાતો લપાતો ઊભો રહ્યો. નાના હાથની ગુલાબી હથેળીઓની અંદર અર્ધ્ય લીધેલું છે. પાસે આવીને એ બટુકે ઋષિજીને ચરણે હાથમાંનાં ફળફૂલ ધરી દીધાં. બહુ જ ભક્તિભર્યા પ્રણામ કર્યા. ઋષિએ એ નવા અતિથિની સામે સ્નેહમય નજર કરી. કોકિલકંઠે બાળક બોલ્યો, “ગુરુદેવ, મારું નામ સત્યકામ, મારું ગામ કુરુક્ષેત્ર. મારી માએ મને બ્રહ્મવિદ્યા શીખવા મોકલ્યો છે.”

હસીને બ્રહ્મર્ષિ બોલ્યા, “કલ્યાણ થાઓ, હે સૌમ્ય ! તારું ગૌત્ર ક્યું, બેટા ? તને ખબર નહીં હોય કે બ્રહ્મવિદ્યા તો માત્ર બ્રાહ્મણના બાળકને જ શીખવાય.”

ધીરે સ્વરે બાળકે કહ્યું, “મારા ગૌત્રની તો મને ખબર નથી.

મહારાજ ! હું મારી પાસે જઈને પૂછી આવું ? તરત પાછો આવીશ.”

આતુર બાળક ગુરુને નમન કરી ચાલી નીકળ્યો; અંધારામાં એકલો જ ચાલ્યો; જંગલ વીંધીને ગયો. વનનાં પશુઓની ત્રાડો એને થરથરાવી ન શકી. આશ્રમમાં જઈને ભણવાની એને બડી આતુરતા હતી.

નદીને કિનારે ગામને છેડે પોતાનું ઝૂંપડું હતું ત્યાં બાળક પહોંચ્યો. ઝાંખો દીવો બળે છે, જબાલા બારણામાં ઊભી ઊભી દીકરાની વાટ જુએ છે. પુત્રને છાતી સાથે ચાંપીને માએ પૂછ્યું, “ઋષિએ શું કહ્યું, બેટા ?”

સત્યકામ કહે, “માડી ! ઋષિજી તો પૂછે છે કે તારું ગોત્ર કહ્યું ? બ્રહ્મવિદ્યા તો બ્રાહ્મણને જ ભણાવાય. બોલ, માડી ! આપણું ગોત્ર ક્યું ?”

માતાનું મોં શરમથી નીચું ઢળ્યું. કોમળ કંઠે એ દુખી નારી બોલી, “બેટા ! મારા પ્રાણ ! આ તારી મા એક વખત જુવાન હતી, ગરીબીની પીડામાં પડી હતી. તારે કોઈ બાપ જ નહીં. દેવતાઓની મેં બહુ પ્રાર્થના કરી. દેવતાઓએ દયા કરીને તને મારે પેટે જન્મ આપ્યો. તારે ગોત્ર ક્યાંથી હોય, વહાલા ? તારે બાપ જ નહોતો.”

તપોવનની અંદર બીજા દિવસનું સુંદર સવાર પડ્યું છે. એ વૃદ્ધ વડલાને છાંયડે વૃદ્ધ ઋષિજી બેઠા છે. એમને વીંટળાઈને પીળાં વસ્ત્રોવાળા બટુકો બેસી ગયા છે. તાજું સ્નાન કરેલું તેનાં જલબિન્દુઓ એ બટુકોની જટામાંથી ઝરી રહેલ છે. તપોવનના પુણ્યની નિર્મળ કીર્તિ એ કુમારોનાં મોં પરથી કિરણો કાઢી રહી છે. વડલા ઉપર પંખીઓ ગાય છે, ચોપાસનાં ફૂલો પર ભમરાઓ ગાય છે, સરસ્વતીનો પ્રવાહ ગાય છે, ને આશ્રમના કુમારો બધા એક સાથે શાંત સામવેદની ગાથાઓ ગાય છે. એ ચતુરંગી ગાન કેવું ? એકલી બેઠી બેઠી કુદરત ચોતારું કોઈ વાજિંત્ર બજાવી રહી હોય તેવું.

તપોવનના અનેક બુટકો જ્યારે કુદરતના વાજિંત્રની સાથે સૂર મેળવી સંગીત કરી રહ્યા છે ત્યારે સરસ્વતીને તીરે ચાલ્યો આવતો સત્યકામ શાં શાં રુદન કરી રહ્યો છે ? ‘રે, હું ગોત્રહીન ! મારે કોઈ બાપ નહીં. જગતમાં હું કેવળ એક આકાશમાંથી ખરી પડેલો તારો ! હું માત્ર સત્યકામ ! અર્થહીન એક શબ્દ ! આ મારા જેવા જ અનેક કુમારો અહીં ગાન કરી રહ્યા છે. ઋષિ એને ખોળામાં બેસાડે છે, છાતીએ દાબે છે. ચુંબન કરે છે. બટુકોની આ મંડળીમાં પગ મૂકવાનું મારે માટે બંધ છે. હું ગોત્રહીન !’

શરમાતો શરમાતો એ બાળક આઘે ઊભો રહ્યો. ઋષિજીની નજર પડી.

“અહીં આવ, બેટા ! તારું ગોત્ર કયું, હે સુંદર બાળક ?

બાળકે મસ્તક ઊંચું કર્યું. એની કાળી કાળી મોટી આંખોની પાંપણો આંસુથી ભીંજાઈ. એ બોલ્યો, “મહારાજ ! માએ રડીને કહ્યું કે મારે કોઈ પિતા નહોતો. માએ દેવતાની બહુ ભક્તિ કરેલી એટલે દેવતાએ એ ગરીબ માને પેટે મને જન્મ દીધો. મારે કોઈ ગોત્ર જ નથી.”

બટુકોની મંડળીમાં હસાહસ ચાલ. મધપૂડા ઉપર પથ્થરનો ઘા થાય ને જેમ માખીઓ બણબણી ઊઠે તેમ વિદ્યાર્થીઓમાં હોલાહલ ફેલાયો : ‘અરર ! બાપ જ નહીં !’ ‘ધિક્કાર છે ! ગોત્ર જ ન મળે !’ ‘શું મોઢું લઈ અહીં આવ્યો !’ ‘ગુરુજી એની સાથે કાં વાતો કરે ?’

સત્યકામની આંખોમાંથી અશ્રુની ધાર ચાલી. મશ્કરી સાંભળીને એના માથામાં એક જ અવાજ ગાજી રહ્યો, ‘હું પિતાહીન ! હું ગોત્રહીન !’

ઋષિના કાન મંડાયા છે પેલા બટુકોના ટીખળ તરફ, આંખો ચોંટી છે આ નબાપા બાળકના સુંદર ચહેરા તરફ. બ્રહ્મર્ષિનું હૃદય વિચારે છે કે ‘ધન્ય છે તને, હે સત્યવાદી બાળક !’

આસન ઉપરથી આચાર્ય ઊભા થયા. બાહુ પસારીને એમણે રડતા બાળકને આલિંગન કર્યું. વેદીની પાસે એને ખેંચી લીધો ને કહ્યું, “તું ગોત્રહીન નહીં, પિતાહીન નહીં, તું અબ્રાહ્મણ નહીં, હે બેટા ! તું જ શુદ્ધ બ્રાહ્મણ, તારા ગોત્રનું નામ સત્યગોત્ર. એ નામ કદાપિ ભૂલીશ નહીં, હો તાત !”

તપોવનમાં એક બ્રહ્મચારી વધ્યો.

આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં.

કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યાં.

કોઈ કહેશે, ‘બાબા ! એકાદ મંત્ર સંભળાવીને મારું દરદ નિવારો ને !’

સ્ત્રીઓ વીનવશે, ‘મહારાજ ! પાયે પડું, એક દીકોર અવતરે એવું વરદાન દો!’

વૈષ્ણવજન આજીજી કરશે, ‘ભક્તરાજ ! પ્રભુનાં સાક્ષાત્‌ દર્શન કરાવો !’

કોઈ નાસ્તિક આવીને ધમકાવશે કે ‘ઓ ભક્તશિરોમણિ, દુનિયાને ઠગો નહીં. પ્રભુ-પ્રભુ કૂટી મરો છો તો પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત કરો કે પ્રભુ છે !’

સહુની સામે જોઈને ભક્તરાજ મધુર હાસ્ય કરતા ને માત્ર આટલું જ કહેતા, ‘રામ ! રામ !’

મોડી રાત થાય ને માણસોનાં ટોળાં વીખરાય ત્યારે ભક્તરાજ એ નિર્જન ઝૂંપડીમાં એકલા બેસી ઈશ્વરનું આરાધન કરતા. એની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી. ગદ્‌ગદ્‌ સ્વરે એ પ્રભુને કહેતા કે ‘હે રામ ! મેં તો જાણ્યું કે તેં દયા કરી મને કંગાલ યવનને ઘેર જન્મ આપ્યો કે જેથી મારી આગળ કોઈ નહીં આવે, મને કોઈ નહીં બોલાવે, સંસાર ધિક્કાર દઈને મને એકલો છોડશે; ને સહુનો તરછોડેલો હું તારી પાસે આવીને શાંત કીર્તન કર્યા કરીશ, તું ને હું બેઉ છાનામાના મળશું. પણ રે હરિ ! આ કપટબાજી શા માટે આદરી? મને શા અપરાધે છેતર્યો ? હે નિષ્ઠુર માયાવી ! તું જ આ ટોળેટોળાંને છાનોમાનો મારી ઝૂંપડી દેખાડી રહ્યો છે. મને સતાવવા મારે આંગણે માણસોને બોલાવીને તું ક્યાં ભાગી જાય છે, હે ધુતારા ?’ આમ રુદન કરતાં કરતાં આખી રાત વીતી જતી.

નગરીના બ્રાહ્મણોની અંદર મોટો કોલાહલ ઊઠ્યો. એક બોલ્યો, “ત્રાહિ ! ત્રાહિ! મુસલમાન ધુતારાના મોંમાં હરિનું પવિત્ર નામ ! એ ખલના પગની રજ લઈને લોકો ભ્રષ્ટ થાય છે ! અરેરે ! હડહડતો કળિયુગ આવી પહોંચ્યો. પૃથ્વી હવે પાપનો ભાર ક્યાં સુધી ખમી રહેશે ?”

બીજો બ્રાહ્મણ બોલ્યો, “ધરતી માતાને ઉગારવી હોય તો ઇલાજ કરો, જલદી ઇલાજ કરો; નહીં તો ધરતી રસાતાળ જશે.”

ઇલાજ આદર્યા. એક હલકી સ્ત્રીને બોલાવી, એના હાથમાં રૂપિયાની ઢગલી કરીને કહ્યું, “એ ભગતડાનો ભરબજારે ભવાડો કરજે.”

સ્ત્રી બોલી, “આજે જ પતાવી દઉં.”

પોતાની શાળ ઉપર પાણકોરું વણીને ભક્તરાજ એ વેચવા બજારમાં નીકળ્યો. ચારે બાજુથી બ્રાહ્મણો આવીને ગોઠવાઈ ગયા હતા. અચાનક પેલી બાઈ દોડી આવી. ચોધારાં આંસુ પાડતી પાડતી એ કબીરને વળગી પડી, ડૂસકાં ખાતીખાતી બોલવા લાગી, “રોયા ભગતડા ! મને અબળાને આવી રીતે રખડાવવી હતી કે ! શું જોઈને તે દિવસ વચન આપી ગયો હતો ? વિના વાંકે મને રખડતી મૂકીને પાછો સાધુનો વેશ સજ્યો ! હાય રે ! મારા પેટમાં ઓરવા એક મૂઠી અનાજ પણ ન મળે, મારાં અંગ ઢાંકવા એક ફાટેલ લૂગડું યે નથી કહ્યું, ત્યારે આવા ધુતારાની જગતમાં પૂજા થાય છે !”

ભક્તરાજ લગારે ચમક્યા નહીં, જરા યે લજ્જા પામ્યા નહીં. એનું પવિત્ર મુખારવિંદ મલકાતું રહ્યું.

બ્રાહ્મણોએ કકળાટ કરી મૂક્યો, “ધિક્કાર છે. ધુતારા ! ધર્મને નામે આવાં ધતિંગ! ઘરની બાયડી ભડભડતે પેટે ભીખ માગી રહી છે, અને તું લોકોને પ્રભુને નામે ઠગીને અમનચમન ઉડાવી રહ્યો છે ! ફિટકાર છે તને, ફિટકાર છે તારા અંધ સેવકોને !”

મલકાતે મુખે કબીરજી બોલ્યા, “હે નારી ! સાચોસાચ મારો અપરાધ થયો છે. મારે આંગણે અન્નજળ હોય ત્યાં સુધી હું તને ભૂખી નહીં રહેવા દઉં; મને માફ કર, ચાલો ઘેર !”

લોકોના ધિક્કાર સાંભળતાં સાંભળતાં સાધુવર એ સ્ત્રીનો હાથ પકડીને ચાલ્યા. બજારમાં કોઈ હસે છે, કોઈ ગાળો દે છે, કાંકરા ફેંકે છે; ભક્તરાજ હસતા જ રહ્યા. એની આંખોમાં કોઈ નવીન નૂર ઝળકતું હતું. શેરીએ શેરીએ સ્ત્રી-પુરુષો ટોળે વળ્યાં. પગલે પગલે શબ્દો સંભળાયા કે “જોયો સાધુડો ? જગતને ખૂબ છેતર્યું !”

ઝૂંપડીએ જઈને કબીરજીએ બાઈને મીઠે શબ્દે આદર કરી બેસાડી. એની આગળ જમવાનું ધરીને સાધુવર હાથ જોડી બોલ્યા, “બહેન ! ગભરાઈશ નહીં. શરમાઈશ નહીં. મારા વહાલા હરિએ જ આજ તને આ ગરીબને ઘેર ભેટ કરી મોકલી છે.” સાધુવર એમ કહીને એ નારીને નમ્યા.

એ અધમ નારીનું હૃદય પલકવારમાં પલટી ગયું. જૂઠાં આંસુ ચાલ્યાં ગયાં, સાચાં આંસુની ધારા છૂટી. એ બોલી, “મને ક્ષમા કરો ! પૈસાના લોભમાં પડીને મેં મહાપાપ કરી નાખ્યું, મહારાજ ! હું આપઘાત કરી મરીશ.”

“ના રે ના, બહેન ! મારે તો આજ લીલાલહેર થઈ. હરિએ મારો ઠપકો બરાબર સાંભળ્યો. લોકો હવે મને સુખે બેસવા દેશે. આપણે બંને આંહીં હરિનાં કીર્તનો ગાશું. તું ગભરાતી નહીં.”

ભક્તરાજે જોતજોતામાં તો એ અધમ જીવાત્માને ઊંચે લઈ લીધો. દેશભરમાં વાત વિસ્તરી કે કબીરિયો તો એક પાખંડી દુરાચારી છે. કબીરજી એ વાતો સાંભળીને માથું નીચે નમાવે છે ને બોલે છે, “વાહ પ્રભુ ! હું સહુથી નીચે, બરાબર તારાં ચરણ આગળ.”

રાજાજીના માણસોએ એક દિવસ આવીને કહ્યું કે “ભક્તરાજ ! પધારો, તમને રાજાજી યાદ કરે છે.”

ભક્ત માથું ધુણાવીને બોલ્યા કે “નહીં રે બાબા ! રાજદરબારમાં મારું સ્થાન ન હોય.”

“રાજાજીનું અપમાન કરશો તો અમારી નોકરી જશે, મહારાજ !”

“બહુ સારું ! ચાલો.”

પેલી બહેનને સાથે લઈને કબીર રાજસભામાં આવ્યા. સભામાં કોઈ હસે છે, કોઈ આંખના ઇશારા કરે છે, કોઈ માથું નીચે ઢાળે છે.

રાજા વિચારે છે કે અરેરે ! આ જોગટો બેશરમ બનીને બાયડીને કાં સાથે ફેરવે? રાજાની આજ્ઞાથી પહેરેગીરે ભક્તને સભાની બહાર હાંકી મૂક્યા.

હસીને ભક્ત ચાલ્યા ગયા. રસ્તામાં એ સંત ઉપર લોકોએ બહુ વીતકો વિતાડ્યાં. પેલી બાઈ રડી, ભક્તને ચરણે નમીને બોલી, “હે સાધુ ! મને દૂર કરો. હું પાપણી છું. તમારે માથે મેં દુખના દાભ ઉગાડ્યા.”

સાધુ હસીને કહે, “ના રે, માતા ! તું તો મારા રામની દીધેલી ભેટ છે. તને હું કેમ છોડું ?”

ન્યાયાધીશ

પૂના નગરની અંદર વીર રઘુનાથરાવ રાજ કરે છે.

સિંહાસન ઉપરથી એક દિવસ રઘુનાથે રાજસભાને હાકલ કરી, “શૂરવીરો ! સજ્જ થાઓ. મૈસૂરના માલેક હૈદરઅલીના ગર્વનો ધ્વંસ કરવો છે. ધરતી પર પાપનો ભાર બહુ વધી ગયો છે.”

જોતજોતામાં તો એંશી હજાર યોદ્ધાઓએ બખ્તરો સજ્યાં. ગામેગામથી, નગરેનગરથી, જંગલોમાંથી અને પહાડો પરથી પુરુષો ચાલ્યા આવે છે, જાણે શ્રાવણ માસના અખંડ ઝરાઓ વહી આવતા હોય ! આકાશમાં વિજય-પતાકા ઊડે છે, શંખ ફૂંકાય છે અને નગરની રમણીઓ વિદાયના વીર-ગાન ગાય છે. પૂના નગરી ગર્વથી ધણધણી ઊઠી છે. ગગનમાં ધૂળની આંધી પડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું. રાતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મોખરે ચાલ્યો. એંશી હજારની સેના યુદ્ધે ચડી.

આ માતેલી સેના કાં થંભી ગઈ ? મહાસાગરમાં મોજાં જાણે જળદેવતાની છડી અડકતાં ઊભા થઈ રહ્યાં ! નગરીના દરવાજાની અંદર આવતાં જ રાજાજી કાં નીચે ઊતર્યા? અત્યંત વિનયભર્યે મોઢે એ કોને નમન કરે છે ?

એંશી હજારની મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઊભો છે. ન્યાયાધીશ રામશાસ્ત્રી. એ બાહુ ઊંચા કરીને રામશાસ્ત્રી કહે છે, “રાજા, અપરાધનો ઇન્સાફ પામ્યા સિવાય શહેર બહાર જાય છે ?”

વિજ્યના નાદ બંધ પડ્યા. સમરાંગણની શરણાઈઓ શાંત બની. એંશી હજારની સેના ઊંચે શ્વાસે ઊભી થઈ રહી.

રઘુનાથ બોલ્યો, “હે ન્યાયપિતા ! યવનનો સંહાર કરવા નીકળ્યો છું, આશાભેર અવનિનો ભાર ઉતારવા ચાલ્યો છું, એવે મંગળ સમયે આપ કાં આડા હાથ દઈને ઊભા?”

રામશાસ્ત્રીના મોં ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ છવાયો. એ બોલ્યા, “રઘુપતિ ! તું રાજા, તારે એંશી હજારની સેના, પણ ન્યાયાસન આગળ તો તારે ય મસ્તક નમાવવું પડશે.”

રાજા માથું નમાવીને જવાબ વાળે છે, “સાચું, પ્રભુ ! અપરાધી હોઉં તો દંડ આપો.”

ન્યાયમૂર્તિ બોલ્યા, “તારા ભત્રીજાનું ખૂન કર્યાનો તારા પર આરોપ છે, રઘુપતિ! એ અપરાધની તપાસ ન થાય ત્યાં સુધી તું રાજ્યનો બંદીવાન છે. નગર છોડીને તારાથી નીકળાશે નહીં.”

હસીને રાજાએ જવાબ વાળ્યો, “મહારાજ ! આજ સામ્રાજ્ય સ્થાપવા જાઉં છું તે વેળા એક ક્ષુદ્ર આરોપ મૂકીને મશ્કરી કરો છો ?”

“મશ્કરી ! સામ્રાજ્ય સ્થાપનારની મશ્કરી હું ન કરું, વિધાતા કરી રહ્યો છે. ઘોર અપરાધ તારે માથે તોળાઈ રહ્યો છે, પ્રજા હાહાકાર કરે છે. પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતાં તારા આત્માનું સામ્રાજ્ય નથી લુટાઈ જતું, ને એ વિચારીને આગળ કદમ ધરજે, પેશ્વા રઘુનાથરાવ !”

રોષ કરીને રઘુનાથ બોલ્યા, “મહારાજ ! રાજના ચાકર છો એ વાત ભૂલશો મા! જાઓ, આજે રણે ચડતી વેળા ન્યાય વિષેનું ભાષણ સાંભળવાની મને ફુરસદ નથી. જવાબ દેવા હમણાં નહીં આવું. આજ ધરતીનો ભાર ઉતારવા જાઉં છું.”

રાજાએ અશ્વ ચલાવ્યો. એંશી હજારની સેના ઊપડી. શાસ્ત્રીએ કહ્યું, “સિધાવો, રાજા, સિધાવો ! યુદ્ધ કરો, અવનિના ભાર ઉતારો. એક દિવસે આત્માનો ભાર, પરાભવનો ભાર, અને એ સામ્રાજ્યનો ભાર તમને ચગદી નાખશે. હું પણ હવે ન્યાયાસન પર નહીં બેસું. ઇન્સાફની

અદાલતમાં ભલે હવે રાજ-સ્વચ્છંદની રમતો રમાતી.”

શંખભેરીના નાદ ગાજ્યા. ડંકા વાગ્યા. ધજાઓ ગગને ચડી. રાજા ધરતીનો ભાર ઉતારવા ગયા.

ન્યાયાધીશે ન્યાયદંડનો બોજો નીચે ધર્યો. ન્યાયપતિની નિશાનીઓ અંગ પરથી ઉતારી. મહારાષ્ટ્રનો શ્રેષ્ઠ ન્યાયશાસ્ત્રી, રાજાનો પણ રાજાધિરાજ, ઉઘાડે પગે નગર બહાર નીકળીને પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડીમાં બેસી ગયો.

પૂજારિણી

અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી, “હે દેવ ! શ્રીચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.”

“એ કણી લઈને જગતમાં શાં શાં ધતિંગ ફેલાવવા માગો છો, ભૂપતિ ?” બુદ્ધે હસીને પૂછ્યું.

“પ્રભુ ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.”

રાજબગીચાની અંદર ખૂણામાં નખની એ કણી દાટીને ઉપર બિમ્બીસારે સુંદર સ્તૂપ ચણાવ્યો. દેશ-દેશના કારીગરોએ આવીને સ્તૂપ ઉપર બારીક નકશી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઊઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને નાચી ઊઠશે એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી.

રોજા સાંજ પડે ત્યારે મહારાણી અને રાજબાળાઓ સ્નાન કરે, શુદ્ધ વસ્ત્રો પહેરે, છાબડીમાં ફૂલો વીણે અને સોનાની થાળીમાં પૂજાની સામગ્રી ભરીને સ્તૂપ પાસે પધારે. સ્તૂપની આસપાસ ફૂલોની માળા રાત્રિભર મહેકી રહે; અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાલા પરોઢ સુધી ઝળહળી રહે.

સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા, નવાં પુષ્પો અને નવી જ્યોતિકાઓ.

વર્ષો વીત્યાં. બિમ્બીસાર રાજા મરણ પામ્યા. યુવરાજ અજાતશત્રુ સિંહાસને બેઠા. બ્રાહ્મણધર્મના એ ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેવડાવી ને પિતાનો ધર્મ ઉખેડી નાખ્યો. યજ્ઞની જ્વાલાઓની અંદર એણે બૌદ્ધ ધર્મના શાસ્ત્રો સમર્પી દીધાં. રાજનગરીમાં એણે સાદ પડાવ્યો કે “ખબરદાર ! પૂજાનાં ત્રણ પાત્રો છેઃ વેદ, બ્રાહ્મણ અને રાજા. ચોથા કશાની યે પૂજા કરનારનો હું પ્રાણ લઈશ.”

નરનારીઓ કમ્પી ઊઠ્યાં; બુદ્ધ ના નામનો ઉચ્ચાર બંધ થયો; યજ્ઞની વેદીમાંથી ઠેરઠેર જ્વાલાઓ છૂટી ને ખાઉંખાઉં કરતી આકાશમાં ચડવા લાગી.

સાદ પડ્યો તે દિવસની સાંજ આવી. રાજમહેલની એક દાસી નહાઈ-ધોઈને તૈયાર થતી હતીઃ ફૂલો અને દીવાઓ સજ્જ કરતી હતી; એના હોઠ ઉપર બુદ્ધદેવના નામોચ્ચાર રમતા હતા.

એવી તે એ નારી કોણ છે ? કાં એને ભય નથી ? એણે શું રાજઆજ્ઞા નથી જાણી ?

શ્રીમતી નામની એ દાસી હતી. રોજ સાંજે રાજરમણીઓ સ્તૂપની પૂજા કરવા જાય ત્યારે આ અભણ ને અજ્ઞાન દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી હાથમાં ઉપાડી પૂજનારીઓની સાથે જતી; જઈને આઘે એક ખૂણામાં ઊભી રહેતી; કાંઈ આવડે તો નહીં, પણ આંખો મીંચીને ઊભી ઊભી રોજ એ કાંઈક બબડ્યા કરતી. એની કાલીઘેલી વાતો જાણે કોઈ અંતરિક્ષમાં સાંભળતું હોય, મીઠા મીઠા ઉત્તર દેતું હોય, તેમ આ દાસી છાનીમાની હસ્યા કરતી.

રાજ-આજ્ઞા એણે સાંભળી હતી.

ધૂપદીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઊભી રહી.

“બા ! પૂજાનો સમય થયો.”

મહારાણીનું શરીર થરથરી ઊઠ્યું. ભયભીત બનીને એ બોલ્યાં, “નાદાન ! નથી જાણતી ? સ્તૂપ ઉપર ધૂપદીપ કરનારાંને કાં તો શૂળી મળશે, કાં તો કાળું પાણી મળશે. ભાગી જા ગોલી ! પૂજાનું નામ હવે લેતી ના !”

શ્રીમતી રાજરાણી અમિતાને ઓરડે પહોંચી. રત્નજડિત આરસી ધરીને રાણીજી અંબોડો વાળતાં હતાં ને સેંથામાં છટાથી હીંગળો પૂરતાં હતાં.

શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીજી ઝબક્યાં; હાથ હલી જવાથી એમનો સેંથો વાંકોચૂંકો થઈ ગયો.

“રાણીજી ! પૂજાનો સમય થયો.”

રાણી બોલ્યાં, “સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું ? જલદી જા અહીંથી. કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે. મૂરખી ! પૂજાના દિવસો તો ગયા.”

આથમતા સૂર્યની સામે ઝરૂખો ઉઘાડીને રાજકુમારી શુકલા એકલાં પડ્યાં પડ્યાં કવિતાનું પુસ્તક વાંચવામાં મગ્ન હતાં. ઝાંઝરનો ઝણકાર સાંભળી બારણા સામે જુએ - ત્યાં તો પૂજાનો થાળ લઈને ઊભેલી શ્રીમતી !

“કુંવરીબા ! ચાલો પૂજા કરવા.”

“જા એકલી તું મરવા !”

નગરને બારણે બારણે શ્રીમતી રખડી; એણે પોકાર કર્યો, “હે નગરનારીઓ ! પ્રભુની પૂજાનો સમય થયો, ચાલો, કોઈ નહીં આવો ? રાજાજીની આટલી બધી બીક ? પ્રાણ આટલા બધા વહાલા ?”

કોઈએ બારણાં ભીડી દીધાં, કોઈએ ગાળો દીધી. કોઈ સાથે ચાલ્યું નહીં. શ્રીમતી એ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી. દિશાઓમાંથી ઊંચે ઊંચે ઊભું જાણે કોઈ કહેતું હતું, “સામય જાય છે, પુત્રી શ્રીમતી ! પૂજાનો સમય જાય છે.” શ્રીમતીનું મોં પ્રકાશી ઊઠ્યું; એ ચાલી.

દિવસની છેલ્લી પ્રભા અંધારામાં મળી ગઈ. માર્ગ આખો નિર્જન અને ભયાનક બન્યો. લોકોનો કોલાહલ ધીરે ધીરે બંધ પડ્યો. રાજાજીના દેવાલયમાંથી આરતીનાં ડંકા સંભળાયા. રાત પડી. શરદનાં અંધકારમાં અનંત તારાઓ ઝબૂકી ઊઠ્યા. દ્વારપાળે રાજમહેલનાં બારણાં બંધ કરી બૂમ પાડી, “કચેરી બરખાસ્ત !”

એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એકાએક કેમ ચમકી ઊઠ્યા ? એમણે શું જોયું ? ચોર ? ખૂની ? કે કોઈ ભૂતપ્રેત ?

ના, ના ! એમણે જોયું કે રાજબગીચાને એક ખૂણે ગાઢ અંધકારની અંદર, બુદ્ધદેવના સ્તૂપની ચોપાસ કોઈક દીપમાળા પ્રગટાવી રહ્યું છે.

ખુલ્લી તરવાર લઈને નગરરક્ષકો દોડતા આવ્યા. સ્તૂપ પાસે જઈ જુએ છે તો એક સ્ત્રી સ્તૂપની સામે ઘૂંટણ પર બેઠી છે; એની બિડાયેલી આંખો અને કાંઈક બડબડી રહેલા હોઠ ઉપર એક હાસ્ય ફરકી રહેલું છે. અંતરિક્ષમાં તને એ કોણ મિત્ર મળ્યો હતો, ઓ તરુણી ?

નગરપાલે આવીને એ ધ્યાનમગ્ન શરીરને ઢંઢોળ્યું; સવાલ કર્યો કે “મૃત્યુને માથે લઈ અહીં આરતી કરનારી ઓ ફીટેલી ! કોણ છે તું ?”

“હું શ્રીમતી : બુદ્ધ ભગવાનની દાસી.”

ઉઘાડી તરવાર શ્રીમતીની ગરદન પર પડી. સ્તૂપનો એ પવિત્ર પાષાણ તે દિવસે લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર બન્યો.

શરદઋતુની એ નિર્મળ રાત્રીએ, રાજબાગના ખૂણાની અંદર, એકાકી ઊભેલા એ સ્તૂપને ચરણે, આરતીની દીપકમાલાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો; પણ પેલી મરનારીના અંતરની જ્યોત તો જુગજુગાન્તર સુધી યે નહીં બુઝાય.