આસપાસ છું Dhruv Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસપાસ છું

"આસપાસ છું"

ખુલ્લાં વાતાવરણની કૂખે મુક્તમને જન્મ લેતી હવાની નવજાત લહેરખીઓ મંદ-મંદ, મલકાતી, લહેરાતી મારાં બેજાન થયેલાં શરીરે સમયાંતરે અથડાતી અને સ્વીટ-સ્વીટ 'સ્વીટી' જાણે કહી રહી હોય કે સ્મિત, 'હું તારી આસપાસ છું'.

સ્વીટી વિનાનો હું સ્મિત આજે પૂરાં ત્રણ મહિનાનો થયો, એ માત્ર સમયચક્ર મુજબ જ ત્રણ મહિના છતાંય સામાન્યપણે ન ગણી શકાય એટલો છે આ સમય મારાં માટે. ભૂતકાળમાં નામ જેવાં જ ગુણો ધરાવતો હું આજે પોતાનું જ નામ તથાં ગુણો તલવારનાં એક ઘા એ જ શરીરમાંથી ધડધડ વહેતાં રક્તની જેમ વહાવી ચૂક્યો છું, છતાં દ્રષ્ટિએ ભટકી ગયો છું જાણે એકદમ દિશાશૂન્ય.

ભરાવદાર વૃક્ષની એકાદ ડાળખીએથી ખરી ગયેલાં પાંદડાઓ જ્યારે જમીન ઉપર આમથી તેમ હડસેલાં ખાતાં હોય એ દ્રશ્ય જોઇને ડાળખીને થતું પારાવાર દુઃખ એ પોતે મૌન રહીને સહન કરી લે છે, ભરાઇ ગયેલાં અસહ્ય ડૂમાને ઓગાળવાં અપનાવેલાં મૌન ને સબળતાં ગણવી કે નિર્બળતાં? આ જ મૌન હાલ મારું પ્રતિબિંબ છે. મારાં પડછાયાને શોધી રહ્યો છું, તારાં વિનાની મારાં આ એકાંકી જીવનની વ્યાખ્યા ને વારેવારે ઘટાડી રહ્યો છું હવે તો બસ શૂન્ય થઇને ઊભો છું.

અનેકાનેક રત્નોથી મઢેલાં યાદોનાં ઢગલાંઓમાંથી મારાં લાયક અને મારાં કામનું અતિ કિંમતી માત્ર એક જ રત્ન એટલે 'સ્વીટી'.

આમ તો તને હરક્ષણે વિસ્તારપૂર્વક સમજવાની મારી તાલાવેલી રહેતી, તું પોતે જ તારાં સુંદર વિચારોને જન્મ આપતી અને સારાં વિચારોનું આવાગમન ક્ષણે ક્ષણે ઉદભવતું રહેતું. તારી સાથેની હરક્ષણ મારાં 'હું' માંથી વિલિન થઇ જતી, મારી જાતને ઓળખવી ત્યારે અશક્ય બની જતું, તારાં અવિરત ઝળહળતાં જ્ઞાનનાં દિવાઓ મારાં અંતરનાં અંધારાં ઓરડાઓને ચેતનવંતાં બનાવી દેતાં, તને ઘણું સમજ્યાં પછી પણ અધૂરાં સમજવાનાં એ અહેસાસ નો સિલસિલો હજું પણ ચાલું જ છે, પરંતું આજે તું મૌન છે છતાંય તારો જીવંત અહેસાસ એટલે જ તું કહે છે કે, 'સ્મિત, હું તારી આસપાસ છું'. કદાચ કોઇ અખંડ દિવાઓની ઝળહળતી જાગૃતતાં તારાં હોવાપણાંનો અર્થ હશે.

"સ્વીટી એટલે સ્વીટી, કેટલી સુંદર, સુશીલ અને પાછી ભણવામાં પણ હોંશીયાર છે, આવી છોકરી તો મેં પહેલાં ક્યારેય જોઇ જ નથી." પેલાં વિરેનનાં આ શબ્દોમાં મેં પ્રથમ વાર તારું નામ સાંભળેલું, નામ ધરાવનાર વ્યક્તિને તો હજું જોવાની બાકી હતી. ત્યારે તું કદાચ બિમાર હતી, એટલે ત્યારે તો તારાં પ્રત્યેની અલ્પ લાગણીને કારણે તારી તબિયત કરતાં મેં તને જોવાં ઉપર વધું ધ્યાન આપેલું, અને બિલીવ મી એ પ્રથમ અને આખરી વાર તારી આટલી ઓછી ચિંતા કર્યાનો બનાવ બન્યો હશે. હા, તને જોવાનો એ દિવસ સમયનાં ધાર્યાં મુજબ આવી ચડ્યો અને એ પણ અધૂરપને સાથે લઇને, જાણે બસસ્ટેન્ડ પહોંચવામાં મોડાં પડ્યાં હોઇએ અને પહોંચતાં જ જે બસમાં આપણે જવાનું હોય એ બસ આપણી સામે થી નીક્ળી જાય એમ જ તું સામેથી નીકળી ગયેલી અરે બરાબર જોઇ પણ નહોતી તને પણ હા એટલું સૂજેલું મને કે આ છોકરી આટલી પાતળી કેમ છે? હું થોડોઘણો આકર્ષાયેલો બધાંની વાતો સાંભળી-સાંભળીને પણ એ સમયે તો મારાં મનમાં અન્ય વિચારોની કૂખ વાંઝિયાંપણું ભોગવતી હતી.

હસવાનું અને મલકાવાનું તો મારાં હોઠે જરૂરિયાત પ્રમાણે અણનમ રમતું જ હોય, કદાચ એટલે જ મારાં માટે આ ખાસ નામ રખાયું હતું, 'સ્મિત'. સમજણની શરૂઆતમાં તો એમ જ લાગતું કે હું આ નામ માટે જ પેદા થયો છું કોઇ જ તકલીફ નહોતી, બધું જ હતું મારી પાસે, અરે પ્રણયને પણ હું વાંચી-વાંચીને અનુભવતો. ને એ જ અરસામાં સ્વીટી તું આવેલી, સમયનાં બાગમાં પ્રણયનાં સુગંધિત પુષ્પો ખીલતાં રહ્યાં, એ બાદની તારી એ બધી જ કહેલી વાતોનું તો આગળનાં મારાં કેટલાંયે જન્મોને જીવવાં માટેનું ભાથું તૈયાર થઇને પડેલું છે, એ વાતોને યાદ કરું છું ત્યાં જ કાનમાં એકાએક ધ્રુજારી આવી પડે ને પછી હૂંફનાં દરિયાં ઠાલવીને તું કહે છે કે, 'સ્મિત, હું તારી આસપાસ છું'.

હા, આજે પૂરાં ત્રણ મહિનાં થયાં સ્વીટી તારાં ગયાંને, અરેરે....એટલો બધો ખોવાઇ ગયો કે આજે પણ હું ભૂલી ગયો કે આજે આપણાં લગ્નજીવનની પચાસમી વર્ષગાંઠ છે, સહજીવનનાં આ પચાસ વર્ષો ક્યાં જતાં રહ્યાં કાંઇ જ ખબર જ ન પડી, કાયમની માફક આજે પણ આ તારાં સ્મિતને કાંઇ સરપ્રાઇઝ નહીં આપે? લો હવે ફરીથી આંસુઓ અને યાદોની વચ્ચે જ મારાં સ્મૃતિપટ પર તું છવાઇ ગઇ, અને હળવેકથી જાણે કહી રહી હોય કે 'સ્મિત, હું તારી આસપાસ છું.'

ખૈર હું તો હવે તારું સાચું નામ પણ ભૂલી ગયો છું, મેં જ તને 'શ્વેતા' માંથી તારાં હુલામણાં નામ 'સ્વીટી'માં કાયમી પરિવર્તીત કરેલી, કારણ કે તું હતી જ એટલી સ્વીટ એટલે મને તો આ જ નામ યોગ્ય લાગ્યું, સહજીવનનાં પચાસમાં વર્ષે તને ખૂબ ખૂબ વધાઇ, આટલાં વર્ષોમાં તારી સાથે ઘણીયે સુખ-દુઃખની પળો વિતાવી છે, પણ આજનાં ખાસ દિવસે મારે કાંઇ જ યાદ નથી કરવું, બસ માત્ર તને જ યાદ કરવી છે, બસ તને જ માણવી છે, તારું બોલવું વારંવાર સાંભળવું છે, 'સ્મિત હું તારી આસપાસ છું', 'સ્મિત હું તારી આસપાસ છું'

"દાદાજી, દાદાજી જાગો દાદાજી, ડેડી, ડેડી જુઓને દાદાજીને શું થયું છે? ક્યારનોય જગાડું છું પણ જાગતાં જ નથી"...