પછતાવો Dhruv Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પછતાવો

પછતાવો

સવારનાં આઠ વાગ્યાં, અલાર્મ તો છ વાગ્યાંનું મૂક્યું હતું પણ સહેજેય જાગતાં આઠ તો વાગી જ જાય, આખરે બે માણસ એકલાં એમને બીજું કામ શું? વિદ્યાધર બેડની બાજુંનાં એક નાનકડાં ટેબલ પરથી પોતાનાં જાડા કાચવાળાં ચશ્માં ઉઠાવી અને આળસ સાથે પરાણે પરાણે ઉઠવાં લાગ્યો, ઘરની બાલ્કનીમાં બહાર ગયાં વિનાં અંદરથી જ બરાબર સામે નવાં ઉગેલાં સૂરજને જોવાં લાગ્યો અને બે હાથ જોડી દર્શન કરવાં લાગ્યો, ત્યાં જ રસોડામાંથી તેની ધર્મપત્ની ભગવતીનો સાદ પડ્યો, " જલ્દી બ્રશ કરી લો, ગરમાગરમ ચા તૈયાર કરી આપું છું." છાપું આવી ગયું હતું, " કદાચ વહેલી સવારે ઝાકળ પડી હશે, બહાર જો કેટલું સુંદર વાતાવરણ છે." વિદ્યાધર ત્યાં જ ઉભા રહીને બોલ્યો. એક હાથમાં ચા અને બીજા હાથની બગલમાં છાપા સાથે તે સીધો જ બાલ્કનીમાં આવી ગયો, ટેબલ ખુરશી તો ત્યાં કાયમ ગોઠવાયેલાં જ હોય, વિદ્યાધર હાલ નિવૃત્ત હતો, તે એક ગર્વમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એક મોટો ઓફિસર હતો, બે વર્ષ પહેલાં જ નિવૃત્ત થયો છે, હાલ પેન્શન આવે છે, મુંબઇનાં ઘાટકોપર વિસ્તારમાં આવેલાં એવેન્યુ એપાર્ટમેન્ટનાં ચોથા માળે શાનદાર 2 BHK ફ્લેટ અને એ પણ રસ્તા તરફની બાલ્કની ધરાવતો..વિદ્યાધર બાલ્કનીમાં આવ્યો ખુરશીને પોતાની તરફ ખેંચી અને બેઠો, વહેલાં પડેલી ઝાકળ ની અસર માણી આનંદિત થતાં થતાં ગરમાગરમ ચા ની ચુશ્કીઓ લેવાં માંડ્યો, ભગવતી રસોડામાં જ હતી.

ચુશ્કીઓમાં ડૂબેલાં વિદ્યાધરનાં કાને ઝીણો ઝીણો કોઇ અવાજ સંભળાવાં લાગ્યો, તેણે વધુ ધ્યાન ન આપ્યું, ફરી પાછો થોડીવારમાં એવો જ અવાજ સંભળાવા લાગ્યો આ વખતે અવાજની માત્રા વધુ હતી, વિદ્યાધરે થોડી ઝડપ રાખી અને ચા ફટાફટ પી લીધી અને ઉભા થઇ બાલ્કનીમાંથી બહાર રસ્તાં તરફ ડોકાચિયું કાઢ્યું, સામેની બાજું રસ્તાં પર નાનકડી માનવ મેદની જામી હતી, વિદ્યાધર ચશ્માં ઉંચા કરી ઉત્કંઠા થી જોવા લાગ્યો, થર્ડ ફ્લોરવાળાં મણિલાલ અને ધનસુખભાઇ પણ ત્યાં હતાં, વિદ્યાધરથી ન રહેવાયું, હજું છાપાનું એક પણ પાનું વાંચ્યું નહોતું, તે એમેનેમ ટેબલ પર પડ્યું રહ્યું, વિદ્યાધર ઝડપભેર ઘરમાં આવ્યો ચંપલ પહેરી બહાર જવાં લાગ્યો, ભગવતી જોઇ ગઇ અને બોલી, " ક્યાં જાઓ છો સવાર સવારમાં? વોક કરવાં?",

" વોક બોક આપણને ના ફાવે, આઇ એમ ફીટ." વિદ્યાધરે ટિખળ કરી.

" અને હવે તો નવ વાગવાં આવ્યાં આટલાં મોડાં વોક કરાય જ નહીં ગાંડી." તે ફરી બોલ્યો.

" તો ક્યાં જાઓ છો?" ભગવતી નો બીજો સવાલ આવ્યો.

" આ નીચે બધા ભેગાં થયાં છે, શું થયું છે એની જરાં પંચાત કરતો આવું, જો કોઇ સમસ્યા હશે તો આખરે મારાં સિવાય એનું સોલ્યુશન કોણ કાઢશે?" વિદ્યાધર ખડખડાટ હસી ને બહાર આવ્યો, તે લીફ્ટ મારફતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયો, રસ્તો ઓળંગીને સીધો જ સામે ઉભેલાં માણસો વચ્ચેથી જગ્યાં કરી અંદર ઘૂસી ગયો, મણિલાલ અને ધનસુખભાઇ વિદ્યાધર ને જોઇને તુરંત જ એની પાસે આવી ગયાં, તેઓ ત્રણેય ખાસ મિત્રો હતાં, ત્રણેય નવરાં એટલે કે નિવૃત્ત હતાં.

વિદ્યાધર હવે બનાવસ્થળની એકદમ નજીક આવી પહોંચ્યો, નીચે નજર પડતાં જ તે અવાક રહી ગયો, ત્યાં એક અતિ ગંદા ક્ચરાંનાં ડબ્બા પાસે શ્વેત, ચળકતાં કપડામાં નવજાત બાળક ચીર નિંદ્રામાં પોઢી રહ્યું હતું, નાળ પણ ત્યાં જ બાજુંમાં પડી હતી, સફાઇ કર્મચારીઓ અને અન્ય રહીશો તે બાળક પાસે આવવાં મથતાં કૂતરાંઓ અને કાગડાઓને વારેવારે ભગાડી રહ્યાં હતાં.

" અરે આ શું?" ઉંડો નિઃસાસો નાંખતાં વિદ્યાધર બોલી ઉઠ્યો.

" આ પાપ છે, દુનિયાની નજરમાં આને પાપ કહેવાય, સાલી માનવતાં જ નથી રહી." મણિલાલ બોલ્યાં.

" હાસ્તો વળી અરે આણે કોઇનું શું બગાડ્યું હશે?" ધનસુખભાઇએ સૂર પૂરાવ્યો.

વિદ્યાધર બોલ્યો, " અરે પણ કોઇ એમ્બ્યુલન્સ કે પોલિસને તો બોલાવો, ક્યાં સુધી આ શબ અહિંયાં પડ્યું રહેશે?"

ભિડમાંથી કોઇ બોલ્યું, " હા, મેં ફોન કરેલો પણ હજું સુધી તેઓ કોઇ આવ્યાં નથી તેઓ કહે છે કે આજે જાહેર રજા છે."

વિદ્યાધર માથું ધુણાવી બોલ્યો, " સારું ચાલો આપણે જ કાંઇ કરીએ."

" ના ભાઇ આને હાથ ન લગાવાય આ કોઇનું પાપ છે." આમ બોલતાં જ મણિલાલ દૂર ભાગ્યાં.

વિદ્યાધરે છણકો કર્યો, " અલ્યાં પાપ વાળાં, ભલે આણે માણસ રૂપે જનમ લીધો, પણ અત્યારે તો એ માત્ર એક શબ જ છે." વાક્ય પૂરું કરતાં જ વિદ્યાધરે પ્રેમથી બાળક ઉઠાવ્યું, સાથે રહેલાં કપડાંથી થોડું સાફ કર્યું, બધી ક્રિયાકર્મની બધી ગોઠવણી કરવાં લાગ્યાં, મણિલાલ અને ધનસુખભાઇ તથાં અન્ય થોડાં રહિશો પણ જોડાયાં, વિદ્યાધરે બાળકનું વિધિસર ક્રિયાકર્મ કર્યું.

ખરાંબપોરે બધાં સ્મશાનમાંથી પાછાં આવ્યાં, વિદ્યાધર વિલું મોં લઇ ઘરમાં પ્રવેશ્યો, ભગવતીને પણ આ વાતની જાણ થઇ ચૂકી હતી.

એણે પૂછ્યું, " સાંભળો છો? એ બાળક કોનું હતું?"

"હું કોઇ ભગવાન નથી કે મને ખબર હોય." વિદ્યાધરે ટિખળ કરી.

ભગવતી નિઃસાસા સાથે બોલી ઉઠી, " સાલું, ભગવાનનો ન્યાય તો જુઓ જેની પાસે જે હોય એની કિંમત ક્યારેય હોતી નથી, એ બાળક કોઇને વધારાંનું લાગ્યું હશે, અને આપણે સહજીવનનાં ત્રીસ વર્ષો વિતી ગયાં છતાંયે....." આટલું બોલતાં જ તે આંસુઓ સારતાં અંદરનાં રૂમમાં જતી રહી." વિદ્યાધર મૌન રહી બધું સાંભળતો રહ્યો.

વિદ્યાધર રંગીન મિજાજી પુરુષ હતો, કબૂલ કરતો હતો કે ભગવતી સિવાય પણ તેનાં સંબંધો અન્ય સ્ત્રીઓ સાથે હતાં, આ વિષે ની જાણ ભગવતીને પણ હતી એટલે જ ભગવતી ઘણી વખત કહેતી, " આમાં તમારાં પૌરુષત્વનો કોઇ જ વાંક નથી, બસ મારાં નસીબનો વાંક છે, તમે એકદમ સ્વસ્થ છો."

વિદ્યાધર હજું ડ્રોઇંગ રૂમમાં જ બેઠો હતો, તેનાં મનમાં કોઇ અલગ જ તોફાન ચાલી રહ્યું હતું, કદાચ એ કોઇ ગંભીર વિચારોનાં દરિયામાં ગરકાવ થઇ રહ્યો હતો, નવ વાગી ગયાં, વિદ્યાધર સવારે એક વખત જ ચા પિતો પણ અત્યારે એણે રસોડાં તરફ બૂમ લગાવી, " એક કપ ગરમાગરમ ચા લાવ આજે ચા પિવાની ઇચ્છા થઇ છે." થોડી વાર પછી ભગવતી ચા ટેબલ પર મૂકી ને જતી રહી.

કાળાં ડિબાંગ અંધારામાં ચંદ્ર શોભી રહ્યો હતો, આકાશમાં અમુક અંતરે જડાયેલાં તારલાંઓ એકબીજાં સામે જોઇને મલકાતાં હતાં, વિદ્યાધર આ બધું જ બાલ્કનીનાં કાચમાંથી બહારની તરફ જોઇ રહ્યો હતો, ત્યાં જ થોડીવારમાં તેને ઉંઘ આવી ગઇ અને સૂઇ ગયો, કદાચ હજું એનાં મગજમાં કોઇ વિચારોનાં અવિરત ધોધ ચાલું જ હતાં. અડધી રાત થવાં આવી, ખુરશીમાં બેઠાં બેઠાં સૂતેલાં વિદ્યાધરનાં શરીરે અચાનક પરસેવો છૂટવાં લાગ્યો, તે બેચેની સાથે ઝબકીને જાગી ઉઠ્યો, ઘડીભર તો બેબાકળો થઇ ગયો, આંખો સફાળી ખૂલી ગઇ, આખું શરીર બળવાં લાગ્યું, કશુંક તિક્ષ્ણ અતિ ગતિ થી એનાં મનની આરપાર થવાં લાગ્યું, અને અચાનક જ એ જ પળે નામ બોલાઇ ગયું, " લક્ષ્મી ", વિદ્યાધરની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવાં લાગી.

લક્ષ્મી છેલ્લાં ઘણાં વર્ષોથી વિદ્યાધરનાં ઘરે રસોઇ તથાં અન્ય ઘરનાં કામ કરતી હતી, લક્ષ્મી પરણેલી નહોતી, વિદ્યાધર અને લક્ષ્મીનાં સંબંધો આમ તો નિરાળાં હતાં, છતાંયે દુનિયાની નજરોમાં તો એ ધૂળ ઝોંકનારાં જ...

આજે એકાએક લક્ષ્મી યાદ આવી ગઇ, વિદ્યાધરને હવે ધીમે ધીમે બધું યાદ આવવાં લાગ્યું, આજે જ્યાં ભગવતી સૂતી હતી એ જ જગ્યા ક્યારેક લક્ષ્મીને પણ મળતી, લક્ષ્મી વિદ્યાધરને સાચા અર્થમાં પ્રેમ કરતી હતી, હવે વિદ્યાધરનાં શરીર પર પરસેવાનું પ્રમાણ વધવાં લાગ્યું, શરીર ગરમ થવાં લાગ્યું, થોડાં સમય પહેલાં જ લક્ષ્મી અન્ય જગ્યાએ ચાલી ગઇ હતી, એનું કારણ પણ વિદ્યાધર જ હતો.

વિદ્યાધર હજું ઉંડાણમાં વિચારવાં લાગ્યો, એક દિવસ લક્ષ્મી આવેલી, ભગવતી ત્યારે મંદિરે ભજનમાં ગયેલી, લક્ષ્મીની આંખોમાં ગજબનું તેજ હતું, તે વિદ્યાધર સામે જોઇ બોલી, " કેમ છો સાહેબ?"

" કેમ આજે અચાનક તું તો ક્યાંક બહાર જતી રહી હતી." વિદ્યાધર બોલ્યો.

જરાય વિલંબ કર્યાં વિના લક્ષ્મી બોલી, " સાહેબ, નાનું મોં મોટી વાત પણ હું તમારાં બાળકની મા બનવાની છું." આટલું બોલતાં જ તે શરમાઇને નીચે જોવા લાગી.

વિદ્યાધરથી ન રહેવાયું તે ગાળો ભાંડવાં લાગ્યો, " હરામી, નાલાયક સ્ત્રી, આ શું બોલે છે તું? કોઇનાં પાપને તું મારાં ગળાનો ઘંટ બનાવવાં માંગે છે? ન જાણે ક્યાંય કોઇ કિચ્ચડમાં આળોટીને આવી હોઇશ, ચલ જા અહીંથી, પૈસા ભાળ્યાં નથી ને લૂંટવાં આવી જાઓ છો." વિદ્યાધર ગુસ્સામાં હતો, લક્ષ્મી રડવા લાગી, ઘણી હિંમત ભેગી કરી બોલવાં લાગી, " સાહેબ આ તમે સારું નથી કર્યું, પણ હું તમારાં જેવી નથી, મેં તમને સાચો પ્રેમ કર્યો છે, અને મારાંમાં માણસાઇ છે, હું તમારાં પર દાગ નહિં લાગવાં દઉં, પરંતું આવી ભૂલ ક્યારેય ન કરતાં, આ બાળકને હું તમારાં આંગણે મૂકીને જતી રહીશ યાદ રાખજો."

સવારનાં ચાર વાગી ગયાં, વિદ્યાધર હજું ઉંડાણમાં વિચારવાં મથતો હતો પણ તે દિવસ પછી લક્ષ્મી ક્યારેય પાછી ફરી નહોતી, આજે અચાનક એ યાદ કેમ આવી? કદાચ પેલું બાળક....!!

ભગવતી આજે પાંચ વાગ્યે જાગી ગઇ, તેણે ગરમાગરમ ચા બનાવીને લાવી ને કહ્યું, " કેમ આજે સૂતાં નથી?"

વિદ્યાધર બોલ્યો, " અરે ના સૂઇ જ ગયો હતો, ખુલ્લી આંખે, હું પેલાં નવજાત બાળક વિશે વિચારતો હતો."

" તમને ખબર છે? પેલાં બાળકનું મુખ મોતી જેવું ચમકતું હતું, જાણે કોઇ સમૃધ્ધ પરિવારનો ચિરાગ હોય, એકદમ દેવ જેવું લાગતું હતું, એવું હંસા બહેન કહેતાં હતાં." ભગવતી બોલી.

વિદ્યાધરનો નિઃસાસો માત્ર તે પોતે જ જાણતો હતો, ઘણું વિચાર્યાં બાદ એ બાળક તેને પોતાનું અને લક્ષ્મી જ લાગ્યું, હવે તે પોતાનો ચિરાગ પોતાને હાથે જ બૂઝાવી ચૂક્યો હતો...

બરાબર નવ વાગ્યાં, બહાર બાલ્કનીમાં જોયું આજે સામેનાં રસ્તે કોઇ નહોતું, અને વિદ્યાધર ગાઢ પછતાવા સાથે આંસુઓની અનંતધારાં વહાવવાં લાગ્યો....