"પ્રતિક્ષા પત્ર"
સ્વીકૃતિ છે સમયનાં સરવાની, આ દરમિયાન પ્રેમ એ સમય દ્વારાં અપાયેલી મહામૂલી સોગાત છે, એકત્વમાં સમયને સરવામાં વાર નથી લાગતી, જ્યારે દૂરતામાં અને વિરહમાં સમયનાં જવાની આકરી રાહ જોવી પડે છે, મિલનની પૂર્ણતાં અને અપૂર્ણતાં પણ સમયનાં ચોકઠામાં કંડારાયેલી છે, મહામુસીબતે મિલનનાં તેજને પામવાની ક્ષણો મળતી હોય છે, એનાંથી બમણી અંધકારભરી કાળી રાત વિરહની હોય છે, નિરંતર અંધકારભરી રાત.! ક્યારેય દિવસ નથી ઉગતો, એકાએક અસ્ત થયેલાં દિવસે વિરહનો કાળો સૂરજ ઉગી નીકળે છે, અને ત્યારે અંધકારમાં ડૂબેલી બધી જ ક્ષણો તને તારાં અસ્તિત્વને અથવાં મારી કલ્પનાને કહી રહી હોય છે કે હવે અન્ય કોઇનાં નામનો સુર્યોદય થવાનો નથી.
હું શું વિચારી રહ્યો છું? શું કહી રહ્યો છું? શું કહેવું છે? કેમ વિચારું છું? પ્રશ્ન, પ્રશ્ન, પ્રશ્ન, પ્રશ્ન એક જ છે હવે બસ મારાં અસ્તિત્વનો અને જવાબ છે બસ તારાં અસ્તિત્વનો, હવે મારી આ કલમને કાગળ પર મારી વેદનાં, મારાં પ્રસંગો ઠાલવવાં છે, તું જ કહે ક્યારેય કોઇ વાત પૂરી થાય છે ખરી? જે સાચા અર્થમાં કહેવું હોય છે એ કહી શકાય છે ખરું? વર્ણવી શકાય છે ખરું? તો આ તો હું મારાં પ્રેમને આલેખું છું, ના! નથી કહી રહ્યો તને મારી સંપૂર્ણતાં.!
સૂરજ નું કિરણ રોજ સવારે સમુદ્રનાં જળ પર પોતાની લિપિ આંકવાં માટે અથાક પ્રયત્ન કરે છે, અંતે તે થાકે છે પછી રાતનાં અંધકારમાં ટૂંટિયું વાળીને લપાઇ જાય છે, એમ હું પણ શું લખું છું એ જાણ નથી અને અંતે અપૂર્ણતામાં પરિણમું છું, શબ્દોને તારાંમાં રૂપાંતરિત થવામાં વાર નથી લાગતી, તે છતાંયે આ વિશાળ આકાશ મધ્યે આ તારાંઓનો પ્રકાશ ઘણો ઓછો પડે છે.
શબ્દ, શું છે આ શબ્દ? કેમ કહેવાય છે આ શબ્દો? હું તને કેમ કહું છું આ શબ્દરૂપે? અરે! મને સમજવાં તારે શબ્દોની જરૂર ખરી? યુધ્ધ વખતે સ્વયં શ્રી કૃષ્ણે કહેલું કે, " જો માણસ નાં સમજે તો જ શબ્દોનો સહારો લેવો પડે, બાકી તો લાગણીઓ જ માણસને સમજાવી દેતી હોય છે." જરાં લાગણીઓને દિલથી સમજવી પડે છે દિમાગથી તેને ન્યાય આપી શકાય નહિ. બસ હવે તો આવ, તું ગઇ જ નથી મારાંથી દૂર પણ મારી પાસે પણ નથી, તું અદ્રશ્ય છે, બસ હવે તો આવ, આ પવનનાં તીરની ગતિ લઇને આવ, મારો અડધો બળી રહેલો જ્વલિત દિવડો બૂઝાય એ પહેલાં આવ, આપણે મળીશું, રમીશું, લડીશું, બધું જ હશે, સંપૂર્ણ પ્રેમ તરફ ગતિ માંડીશું ત્યારે બસ આપણાં વચ્ચે હશે તો એ માત્ર પ્રેમ જ..!
તું જીવન છે, તારાં વિના જીવન એ જીવન નથી માત્ર મરણ છે, જીવતું જાગતું મરણ, માત્ર તારું સ્મરણ, હું તારાં સ્મરણનાં શરણ આવી પડ્યો છું, તું મૃગજળ છે એ વાસ્તવિક્તા છે, તું વાસ્તવિક છે એ મારો વિશ્વાસ છે, મારાં વિશ્વાસનાં મહેલમાંથી શબ્દોનાં આ બધાં જ સૈનિકો સીધાં તારાં આંગણે આવે છે, એને વધાવજે, જાળવજે, સાવ અધકચરાં અને પાગલ બનીને મારાં આ શબ્દો રણ થી તળાવ અને તળાવ થી રણમાં આવ્યાં કરે છે, તું તારાં અસ્તિત્વને વ્યક્તિત્વનું ઓપ આપ અને બાવરા બનેલાં મારાં શબ્દોને તારાં કર્ણોની કૂંપળમાં ઠાલવ.! હાલ તો આ શબ્દો વેરાન છે, ભૂખ્યાં છે, એકલાં છે, શબ્દો ખરાં પણ સાવ મૌન જેવાં સ્મશાનયાત્રામાં નીકળેલાં ડાઘુઓ જેવા, ક્યારેક આ શબ્દો મને સળગાવતાં ઘખધખતાં લાવા જેવાં હોય છે, તો ક્યારેક કોઇ નવલખાં હાર જેવાં હોય છે.!
તારી જ પ્રતિક્ષા, આ પ્રતિક્ષાની ક્ષણોમાં જીવાતું મારું જીવન, ધીરજ અને અધિરાઇ નામનાં બે પડખામાં વહેંચાયેલું છે, બન્ને તરફ માત્ર તને જ જોઇ રહ્યો છું, મારી અધિરાઇને નર્યાં આનંદમાં ફેરવવાં તારે આવવું પડશે, બસ મારે એ આનંદની બધી જ ક્ષણોને પૂરેપૂરી ઉજવી લેવી છે, માણી લેવી છે, આ બધા શબ્દો ક્યાંથી આવે છે? કોઇ જ ક્રમ નથી, બસ લખ્યાં કરું છું જેવું આવડે એવું, જેવું વિચારું છું એવું, આનંદ છે કે તારાં અનુસંધાને લખી રહ્યો છું, બધું જ કહેવું છે તને અને કાંઇ જ નથી કહેવું, કોઇ નિયમો નથી, સામે બસ તું જ છે, અને બધું કહેવાતું નથી, તારી સ્મૃતિનાં અનાગત આનંદનાં દરિયામાં તરી રહ્યો છું.
તારી સાથે જીવવું છે, મરણ તરફ ગતિ કરતાં આખરી શ્વાસ સુધી માત્ર તારી સાથે જીવવું છે, તારી સાથે માત્ર બે ઘડી નહીં પરંતું અનંત સમય સુધી વાર્તાલાપ કરવો છે, તારી સાથે ફરવું છે, સંગીત સાંભળવું છે, તારાં હાથમાં હાથ નાંખીને ઝાકળભીની સવારે ખુલ્લાં રસ્તાઓ પર સાથે ચાલવું છે, અઢળક, મન ભરીને જીવવું છે તારી સાથે, તારી સાથે બેસીને પુસ્તકો વાંચવાં છે, તારી સાથે બાગમાં સુગંધિત પુષ્પોને જોઇને હરખાવું છે, આપણો પોતાનો પ્રેમનો બગીચો ઉગાડવો છે...આ બધું જ અશક્ય તો નથી જ પણ શું શક્ય પણ છે ખરું?
મને હરપળ ઘાયલ કરતાં આ શબ્દોનો મારાં દિલનાં જખમોને ક્યાં ખ્યાલ રહે છે બસ એ તો શબ્દોનાં અત્યંત ધારદાર તીરથી ઉભરી આવે છે, પણ હવે આવું નહીં ચાલે, જખમોને આવાં શબ્દોને સહન કરવાની ટેવ પાડવી પડશે, ખબર છે રુઝ નથી આવવાની છતાંયે દર્દને સહન કર્યાં વિના હવે છૂટકો નથી.
હું જાણું છું તું પણ પાણી વિનાની માછલીની જેમ મને મેળવવાં તડપી રહી છે, વિરહ તારે પણ સહન કરવો પડે છે, તું કાયમ તારી આસપાસ મને શોધે છે, ક્યારેક થતી અધકચરી વાતો ને તું ભરઉનાળાં માં ઘટાદાર ઝાડથી મેળવાતો મીઠો છાંયડો માને છે, તું તારાં એકાંતને મારી સ્મૃતિમાં વાગોળે છે, છતાંય તારી આજુબાજુની દુનિયાને સાચવે છે, તેમની સંભાળ રાખે છે, હસે છે અથવા હસવાનો ડોળ કરે છે, તું તારું સાચું હાસ્ય ખોઇ બેઠી હોઇશ, એવું જરાય ના કરતી કેમકે તારું હાસ્ય જ તો મારો શ્વાસ છે, હું એનાં જ આભાસથી જીવું છું શ્વસું છું, તારાં નિખાલસ હાસ્યને જ્યારે મહેસૂસ કરું ત્યારે આવેલી એ આનંદની પળોને હું વર્ણવી શકવાં અસમર્થ છું.
પાગલ તું મારી ચિંતા ના કરીશ, હું તારાં પ્રેમ અને સ્નેહ નાં તત્વોનાં બળે આપમેળે ઉગી નીકળેલો છોડ છું, આઝાદ છોડ, આપણો પ્રેમ પણ આઝાદ છે, બંધન નથી! તારી સ્મૃતિ રૂપી સૂરજ રોજ મારાં પર પ્રકાશ પાડે છે, એ એકધારાં પ્રકાશમાં માત્ર તારું નામ ઉપસી આવે છે, ઝળહળે છે, તારી સ્મૃતિ મારાં પર પવનની લહેરખીઓ બનીને આવે છે, કોઇ યોધ્ધાનાં સંપૂર્ણ ગતિવાન તીરની માફક આવે છે તારી સ્મૃતિ, અને એકાએક મારાંમાં રહેલી મારી એકલતાનો નાશ થાય છે, ને હું લહેરાવાં માંડું છું, ત્યારે મને મારાંમાં તારાંપણાંનો અહેસાસ થાય છે, ત્યારે તો હું પણ નથી હોતો, હોય છે તો બસ માત્ર તું જ, આ બધું જ તારી સ્મૃતિમાં થાય છે, મારું બધું જ કાર્ય તારી સ્મૃતિમાં, ઉઠતાં-બેસતાં, વિચારતાં, કામ કરતાં બધે જ તારી સ્મૃતિ અને એટલે જ મારાં જીવનનાં દરેક કાર્યો એ કોઇ વેઠ કે વૈતરાં નથી, પરંતું તારી સ્મૃતિ સાથે જીવાયેલી મારી ઉલ્લાસભરી ક્ષણો છે.!
હવે તો બસ તું આવ, મારાં પ્રેમનાં બગીચાનાં બધાં જ ફૂલોને તારાં સ્પર્શની તાતી જરૂરિયાત છે, તેઓને તારાં હૂંફાળા આલિંગનમાં લઇ લે, આવ એકમેકને માણી લઇએ, દ્વૈત અને અદ્વૈતનાં આનંદને સંપૂર્ણપણે જાણી લઇએ, કશું જ વિચાર્યા વિના, શું ફરક પડે છે કે આપણો હસ્તમેળાપ મંડપની સાક્ષીએ નથી થયો, આ હવા, સૂરજ અને સમગ્ર પ્રકૃત્તિની સાક્ષીએ ચાલ હ્રદયમેળાપ કરી લઇએ!
મારાં હાથમાં તારો હાથ ઝંખું છું, ત્યારે આંખોથી આંસુઓનાં ઢગ છૂટવાં લાગે છે, આમ જુઓ તો આંસુનાં દરિયા ઉમટે ને આમ જુઓ તો આંખો કોરિધાકોર, દિશાશૂન્ય! ક્યારેક અડધી રાતે ઝબકારાંથી જાગી જાઉં છું, તારી તસ્વીર મારી આંખોમાં અનન્ય પ્રકાશ ફેંકી રહી હોય છે, ફરી આંખો મિંચાય છે, ફરી એ જ તસ્વીર અને રોજ મારી રાત સાથે રમત રમતી તારી તસ્વીરનાં અણીદાર ટુકડાઓ, વેદના થી પિડાતાં મારાં શરીર ના ઘા પર ધડાકાભેર અથડાય છે!
ઓફિસનાં ટેબલ પર મૂકેલાં ફોનને ગાંડાની જેમ એક ધારો જોયાં કરું છું, અદ્રશ્યરૂપે તને મારાં માં અંકિત કરવાં, તને શાંતિથી સાંભળવાં, હમણાં તારો ફોન આવશે એવું વિચારતાં કલાકો વિતે છે આખરે તેજ આશાઓ અંધારી નિરાશાઓમાં પરિવર્તિત થાય છે!
આજે મારું આ હ્રદય ઘણું નાનું પડે છે, તારાં પ્રત્યેનો પ્રેમ આ નાનકડાં હ્રદયમાં કેમ કરીને સમાવું? યાદ રાખજે આપણો પ્રેમ સનાતન છે, સત્ય છે, એને હું દિલ અને હ્રદયનાં બિબા માં ઢાળી શક્તો નથી, એ મુક્ત છે, અનંત છે, તું પ્રેમનાં આકાશનું પંખી છે, હું તારી પાંખો છું, તું નિરંતર આકાશમાં ઉડ્યાં કરજે, ઉંચાઇઓને પામજે!
તું મારાં મનગમતાં ગીતનો મનગમતો રાગ છે, જે માત્ર હું જ ગાઇ શકું છું, બંધન નથી, તું માત્ર સંગીત છે, સંગીત કલા છે, કલા પરમ હોય છે, આપણો પ્રેમ પરમ છે, હું પ્રેમ વિના અધૂરો છું, તારાં વિના અધૂરો છું, મારે મન પ્રેમ એટલે તું, તું એટલે જિંદગી! મારી જિંદગીનાં બધાં જ પ્રશ્નોનો એકમાત્ર જવાબ એટલે તું, નર્યું કાલ્પનિક ચિત્ર આપણાં મિલનનું, અધૂરપ જ છે માત્ર પણ મારો પ્રેમ પૂર્ણ સ્વરૂપે સત્ય છે, મારાં વૈચારિક આવરણોનો માતબર પોષાક એટલે તું, આપણાં મિલનની વાસ્તવિક્તા મારે માટે આ સ્મૃતિપટ પર ઉભા રહીને જોવાઇ રહેલી માત્ર તારી પ્રતિક્ષા...!!
-- ધ્રુવ દવે.