પ્રેમની પરાકાષ્ઠા એટલે તુઝ મેં મૈં, મુઝ મેં તું Dinesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની પરાકાષ્ઠા એટલે તુઝ મેં મૈં, મુઝ મેં તું

પ્રેમ-3

------------------------------------------------------------

પ્રેમની પરાકાષ્ઠા એટલે તુઝ મેં મૈં, મુઝ મેં તું

દિનેશ દેસાઈ

પ્રેમની આ જ તો બારીકાઈ છે. પ્રેમ હોય ત્યારે સામી વ્યક્તિને એવું પુછવું ના પડે કે “તું મને પ્રેમ કરે છે?” જો જરા પણ સંશય હોય કે સામી વ્યક્તિને તમારા પ્રત્યે પ્રેમ-આદર યા સ્નેહભાવ નથી, તો એવા સંબંધનો બોજ ઊંચકીને ફર્યા કરવાનો કોઈ જ અર્થ નથી.

00000000000000000000000000000000000000000000000000000000000000

મહાન દાર્શનિક-ચિંતક રુમિએ લખ્યું છે કે “હું તારામાં છું અને ‘હું’ એ ‘તું’ જ છે, પરંતુ જ્યાં સુધી ‘તું’ તારું સમગ્ર અસ્તિત્વ યા પોતાપણું મારામાં ઓગાળી નહીં દે, ત્યાં સુધી આ વાત નહીં સમજાય.”

અહમ્ ઓગાળવાની અને પ્રિયજનના અસ્તિત્વમાં ઓગળી જવાની વાત છે. પ્રેમની આ જ તો બારીકાઈ છે. પ્રેમ હોય ત્યારે સામી વ્યક્તિને એવું પુછવું ના પડે કે “તું મને પ્રેમ કરે છે?” જો જરા પણ સંશય હોય કે સામી વ્યક્તિને તમારા પ્રત્યે પ્રેમ-આદર યા સ્નેહભાવ નથી, તો એવા સંબંધનો બોજ ઊંચકીને ફર્યા કરવાનો કોઈ જ અર્થ નથી.

તમે કોઈના પ્રેમમાં પડો છો, તમે કોઈને ચાહવા લાગો છો, ત્યારે સૌથી મોટી અડચણ, મોટો અવરોધ કયો આવે છે, ખબર છે? સૌ જાણે છે કે પ્રેમ છુપાવવાની લાખ કોશિષ પછી પણ છુપાવી શકાતો નથી. તમારી નજીકના લોકોને અણસાર આવતો જાય કે તમે પ્રેમમાં છો, એટલે આપણા જ લોકો કહેવાનું શરુ કરી દેશે કે (1) એ વ્યક્તિ તારે લાયક જ નથી. (2) એ વ્યક્તિ સાથે સંબંધ જોડીને તું મુસીબત સિવાય કશું પામીશ નહીં. (3) તું મુર્ખ છે કે એ વ્યક્તિને પ્રેમ માટે પસંદ કરી? (4) હે, ભગવાન, તને એના કરતા બીજું કોઈ ના મળ્યું પ્રેમ કરવા? (5) તને હજુ સારું પાત્ર મળી શકે એમ છે, એનામાં ક્યાં ફસાય છે? (6) તું જે વ્યક્તિને પસંદ કરે છે, એ તો આવી છે, ને તેવી છે. આ અડધો ડઝન દલીલો તો ઉદાહરણ માત્ર છે.

પ્રેમ કરનારને તેની આજુબાજુની વ્યક્તિઓ જ પ્રેમમાં પડતા રોકી લેવા આકાશ-પાતાળ એક કરી નાખે છે. જે સાચો પ્રેમ કરે છે, એ વ્યક્તિ આવી બધી દલીલોને ગણકારતી નથી અને જેને સાચા પ્રેમની પરખ જ નથી, તે વ્યક્તિ આવી દલીલોમાં આવી જાય છે અને પોતાના પ્રિય પાત્રને ગુમાવવા તૈયાર થઈ જાય છે.

પ્રેમ એટલે વળી પ્રેમ. એમાં વળી સાચો પ્રેમ અને ખોટો પ્રેમ એવું કશું ન હોય. છતા સમજીએ કે “ટ્રુ લવ” યાને “સાચો પ્રેમ” એટલે શું? સાચો પ્રેમ કરનાર પ્રિયજન એક જ જવાબ આપે છે કે “હું જેને ચાહું છું એ વ્યક્તિ ગમે તેવી હોય એથી મને કોઈ ફરક પડતો નથી. બસ, એને ચાહવાનો નિર્ણય મારો છે અને મારા નિર્ણયને હું ખોટો નહીં પાડું.”

આમ થવાનું કારણ એ જ કે સાચો પ્રેમ કરનારનું મગજ બંધ થઈ જાય છે, એની બુદ્ધિ બહેર મારી જાય છે. બુદ્ધિ યા મગજના વિચારવાના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે. માત્ર દિલનો અવાજ જ સંભળાય છે અને દિલમાંથી પોતાના પ્રિયજનનો પોકાર જ સંભળાય છે. આ છે સાચો પ્રેમ.

ખરા પ્રેમની પોતાની આગવી તાકાત હોય છે. પ્રેમની વિશિષ્ટ ઓરા-આભામંડળ હોય છે. બે પ્રિયજન પોતાની આગવી દુનિયામાં મસ્ત રહે છે, ખોવાયેલાં રહે છે. બે પ્રિયજનની અંગત વાતો બાળક જેવી, બાળસહજ હોય છે. બાળક બનીને યા બાળક જેવા થઈને વાત કરવી એ નિર્દોષતાનું પ્રમાણ છે, નિર્દોષપણાંની સાબિતી છે.

બાળક એટલે જ નિર્દોષપણું. તમે બાળસહજ બની જાઓ, પછી તમારામાં કોઈ કુટિલતા આવતી નથી. કોઈ વિરોધ, વેરભાવ, રોષ, નકારાત્મકતા તમારામાં પ્રવેશી શકતાં નથી. તાળી એક હાથે ન પડે. બંને પાત્રમાં સરખું સમર્પણ અને સમાન નિષ્ઠા હોય ત્યારે પ્રેમ પાકટ બને છે. આ પ્રેમીઓ પોતાની આગવી મસ્તીમાં જે સુખનો અનુભવ કરે છે, તેનું તેઓ વર્ણન કરી શકતા નથી, કેવળ અનુભૂતિ જ કરી શકે છે.

ઓશો કહે છે કે પ્રેમ અને સેક્સ બેઉ કેવળ અનુભૂતિનો વિષય છે. એનું વર્ણન તમને સુખ આપી શકે નહીં. પ્રેમ અને સેક્સ કરવા પડે, એમાંથી પસાર થવું પડે. એક ગુજરાતી ઉક્તિ છે કે “માંહી પડે તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જો ને.” પ્રેમ કરનારનો હંમેશા વિરોધ થતો રહ્યો છે. ખરા પ્રેમનો જ વિરોધ થાય છે.

હંમેશા સોનું જ કસોટીની એરણે ચઢાવવામાં અને તપાસવામાં આવે છે. સુવર્ણકારને પણ ખબર હોય છે કે આ સોનું છે, તેમ છતા સોની સોનાની ખરાઈ કરે છે. સોની કદી પિત્તળની ખરાઈ કરતા નથી. કેમ કે સોનીને પિત્તળ છે, એની ખબર પહેલેથી જ હોય છે. સોનાની પણ પહેલાથી જ ખબર હોય છે. આટલો તફાવત સાચ અને બનાવટમાં રહેલો હોય છે.

દરેક પ્રેમ કરનારનું અંતિમ ધ્યેય સેક્સ ન જ હોઈ શકે. પરંતુ સેક્સ કરનારનું તો એ જ મુખ્ય ધ્યેય હોઈ શકે. દરેક પતિ-પત્ની વચ્ચે સેક્સસંબંધ બંધાય છે, પંરતુ બધા જ પતિ-પત્ની વચ્ચે પ્રેમસંબંધ સ્થપાયેલો હોય એવું હંમેશા બનતું નથી. સ્ત્રી-પુરુષ લગ્ન કરે એટલે તેમની વચ્ચે સેક્સ શક્ય બને, પરંતુ લગ્ન કરવાથી આપોઆપ બે જણા વચ્ચે પ્રેમ સ્થપાય એવું દરેક કિસ્સામાં બનતું નથી.

પ્રેમ કરનાર જ્યારે સેક્સમાં જોડાય ત્યારે માત્ર બે શરીર જોડાય છે એવું નથી પરંતુ બે વ્યક્તિને ડિવાઈન લવ, હોલી ફિલિંગ્સનો અનુભવ થાય છે. જાણે કે બે આત્માનું મિલન થયું હોય એ અનુભૂતિમાંથી પસાર થાય છે. પ્રેમમાં માત્ર તન જ નહીં, પરંતુ મન પણ આપોઆપ જોડાઈ જતાં હોય છે. પ્રેમ એટલે માત્ર શરીર જ નહીં, શરીરની સાથે સાથે મનનું પણ મિલન.

પ્રેમ હોય ત્યારે બેઉ વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ પણ આપોઆપ સ્થપાઈ જાય છે. એક વ્યક્તિ શું કહેવા માગે છે એ બીજી વ્યક્તિ તરત સમજી જાય છે, એ પ્રેમ છે. એક વ્યક્તિને શું ગમે છે, એ બીજી વ્યક્તિને કહ્યા કે પુછ્યા વિના ખબર પડી જાય છે, એ પ્રેમ છે. પ્રેમ કરતા હોય તો જ આવું શક્ય બને છે. બાકી તો લગ્ન થયા પછી વર્ષો સુધી પતિ-પત્ની એકબીજાને સમજી શકતાં નથી અને એમ જ તેમની જિંદગી એક દિવસ સમાપ્ત પણ થઈ જતી હોય છે. પ્રેમની ગેરહાજરીનું એ પરિણામ હોય છે. પતિ-પત્ની પ્રેમથી જોડાયા હોતા નથી, પરંતુ સામાજિક વ્યવસ્થાથી જોડાયેલા હોય છે. પ્રેમથી જોડાયેલાં પતિ-પત્ની બહુ ઓછા જોવા મળે.

કજોડું અથવા મિસ-મેચ પેર ફક્ત બાળક પેદા કરી શકે છે, પરંતુ પ્રેમ પ્રગટ કરી શકે નહીં. કેમ કે પ્રેમ તો આપોઆપ અને સ્વયંભૂ પ્રગટ થતો હોય છે. એ માટે કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. કજોડાં વચ્ચે સમજણનો અભાવ હોય છે, એમને કોઈ પીડા કે તકલીફ પણ પડતી નથી. પરંતુ બે પ્રેમી માટે તો પીડા અને તકલીફનો પાર નથી હોતો.

બે પ્રેમી જ્યારે એક થાય છે, ત્યારે માત્ર શરીરથી જ નહીં, મનથી એક થાય છે અને એકમેકને સમર્પિત થાય છે. સમર્પણનો ભાવ જ પ્રેમની પૂર્વશરત હોય છે. સૃષ્ટિના ક્રમ પ્રમાણે બચ્ચા તો પશુ-પક્ષી કે દરેક જીવ પેદા કરે છે. છતા એ જીવોમાં પ્રેમનું તત્વ ગેરહાજર હોય છે. કારણ કે પ્રેમ ફક્ત માણસજાત જ કરી શકે.

મહાન અંગ્રેજી કવિ રિલ્કેએ એક કવિતામાં લખ્યું છે કે “જ્યારે હું સૂરજનો કુમળો તડકો અનુભવું છું, ત્યારે મને તું યાદ આવી જાય છે. એનો સ્પર્શ એટલે વહેલી સવારે જાણે તારું આલિંગન. ફૂલોની સુગંધ જ્યારે મારા સમગ્ર અસ્તિત્વને વશીભૂત કરી મૂકે છે, ત્યારે મને તું યાદ આવી જાય છે. આ સુગંધ બનીને તું જાણે મારામાં સમાઈ જાય છે, કાયમ માટે.”

કવિની કવિતાનો મર્મ એટલો જ કે જ્યાં અને ત્યાં પ્રિયજનની હાજરી અને અનુભૂતિ. અત્ર, તત્ર અને સર્વત્ર પ્રિયજનની ઉપસ્થિતિ અનુભવાય એના જેવો સર્વોચ્ચ કોટિનો પ્રેમ કોઈ ન હોઈ શકે.

પ્રેમમાં સમર્પણ એટલે શું? એ વાત પણ આપણે સમજીએ. પ્રેમમાં “હું અથવા હું પણું”, “સ્વયં” અને “અહમ-મમત્વ”ને ઓગાળી નાખવાનું હોય છે. પ્રેમમાં માત્ર “તું હી તું” એવો ભાવ પ્રગટ થવો જોઈએ. પ્રેમ એટલે “હું કશું નથી.” અને “મારું કશું જ નથી.” એવી ફિલિંગ્સ જોઈએ. પ્રેમમાં તો “દુનિયામાં તારા સિવાય બીજું કશું જ મહત્વનું નથી.” અને “તું જ મારી દુનિયા છું.” એવી ફિલિંગ્સ હોય.

પ્રેમમાં બે વ્યક્તિ મટીને ખરા અર્થમાં “એક” બની જાય છે. પ્રેમમાં એક વ્યક્તિ જ રહે છે, પોતે નહીં, બલ્કે સામેની વ્યક્તિ જ મહત્વની બની જાય છે. સામી વ્યક્તિ જ પોતાના માટે દુનિયાની સૌથી મહત્વની વ્યક્તિ બની જાય. જો આવી ફિલિંગ્સ ન હોય તો ત્યાં પ્રેમ નથી. પ્રેમનો વહેમ માત્ર છે. બેઉ વ્યક્તિને પરસ્પર આવી ફિલિંગ્સ થઈ હોવી જોઈએ.

પ્રેમ એટલે જ ભક્તિ. ભક્તિ એટલે જ પ્રેમની પરાકાષ્ઠા. જેમાં ભક્તજન પ્રભુની ભક્તિમાં લીન થઈને પોતાની જાતને ભુલી જાય છે. દુનિયામાં પોતાનું કશું જ નથી, બધું જ પ્રભુને સમર્પિત છે, એવો ભાવ એટલે ભક્તિ. પ્રેમમાં પણ આ જ પરાકાષ્ઠા છે. પ્રેમનો યા ભક્તિનો માર્ગ હૃદયનો માર્ગ છે. મગજનો કે બુદ્ધિનો માર્ગ નથી. પ્રેમને પરાકાષ્ઠા ઉપર લઈ જવામાં આવે એટલે એ ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે.

પ્રેમમાં એક પાત્ર બીજા પાત્રમાં જ્યારે ખોવાઈ જાય છે ત્યારે બીજા પાત્રને જીવન જીવવાનો ખરો અર્થ અને જીવન જીવવાનું સાચું કારણ મળે છે. આ જ રીતે બીજું પાત્ર પહેલા પાત્રમાં ખોવાઈ જઈને સમર્પિત થઈને તેને જીવન જીવવાનું કારણ આપે છે. પ્રેમમાં તમે યા તમારું અસ્તિત્વ ઓગળી જાય છે અને તમે તમારું ખુદનું અસ્તિત્વ જ ભુલી જાઓ છો. તમને બસ એટલું જ યાદ રહે છે કે સામે પોતાનું પ્રિય પાત્ર છે, પોતે તો ક્યાંય નથી. બે વ્યક્તિ મટીને એક જ અસ્તિત્વ રહી જાય ત્યારે એ પ્રેમની પરાકાષ્ઠા અથવા ભક્તિની સર્વોચ્ચતા કહેવાય.

આપણા ધર્મગ્રંથોમાં આત્મા અને પરમાત્માની વાત કરવામાં આવી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે “નૈનમ્ છિદન્તી શસ્ત્રાણિ...” આત્માને ભેદી કે છેદી શકાતો નથી. આત્માને મારી શકાતો નથી. આત્મા કદીય મરતો નથી. આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે. આત્મા અજર અને અમર છે અને શરીર નાશવંત છે.

શરીરના માધ્યમ થકી બે મન અને બે આત્મા પણ બે મટીને એકમેકમાં એકાકાર થઈ જાય છે. શરીરનું મિલન આત્માના મિલન માટે ઉપકારક બને છે. શરીર માત્ર મીડિયમ-માધ્યમ છે. તેની વાત પણ ધર્મગ્રંથોમાં દીવાની વાટ અને દીપકની જ્યોતના ઉદાહરણથી સમજાવવામાં આવી છે. કોડિયું માટીનું હોય કે સોનાનું બનેલું હોય એમાં રહેલી વાટ સરખો જ પ્રકાશ આપે છે.

બે દીવા એક સાથે મૂકી દેવામાં આવે તો તમે જોઈ શકો છો કે બે દીવડા યા દીવેટ અલગ અલગ જોઈ શકાય છે, પરંતુ બેઉ દીવાની દીપજ્યોત એકમેકમાં વિલીન થઈને હવે એક જ દેખાય છે. હા, પ્રકાશમાં અવશ્ય વધારો થાય છે. જે રીતે બે દીવા એક જ દેખાય છે, પરંતુ માટીના બે કોડિયા જુદા જુદા જોઈ શકાય છે. આ કોડિયા જે રીતે માધ્યમ અથવા મીડિયમ બન્યા છે, એમ બે મન યા બે આત્માને એક કરવા માટે શરીર માધ્યમનું કામ કરે છે.

ભક્તિમાર્ગમાં પ્રેમ અને સમર્પણ પ્રથમ પગથિયું છે. પ્રભુ પ્રત્યે પણ પ્રેમ અને સમર્પણ હોય તો જ ભક્તિ મહોરી ઊઠે છે. પ્રેમ જો ગહન અને વિવેકપૂર્ણ તથા સમજદાર બને તો પ્રેમની પરાકાષ્ઠા જ ભક્તિનું સર્વોચ્ચ શિખર બની રહે છે. પ્રેમ જ તમારા માટે ભગવાન બની જાય છે. તમે જેને પ્રેમ કરો છો એને જ તમે ભગવાનનો દરજ્જો આપો છો.

પ્રેમની આ પરાકાષ્ઠાની સમજ જ્યાં સુધી નહીં કેળવાય ત્યાં સુધી માણસને પ્રેમ પણ પ્રાપ્ત થતો નથી, અને પ્રેમની ગેરહાજરી હોય ત્યારે ભક્તિ પણ સંભવ થતી નથી આમ ભગવાન પણ પ્રાપ્ત થતા નથી. પ્રેમની ગેરહાજરીનું આ પરિણામ છે, કે બધું જ હોવા છતા યા બધું જ કરવા છતા કશું જ પ્રાપ્ત થતું નથી.

મેવાડની રાજરાણી મીરાંબાઈ જ્યારે સઘળાં રાજપાટ મૂકીને, પોતાના પતિ રાણાને મૂકીને જ્યારે ચાલી નીકળી ત્યારે તે કૃષ્ણને જ પોતાના ભગવાન અને પોતાના પ્રિયતમ કહીને નીકળી પડે છે. મીરાંબાઈએ ગાયું કે “મેરે તો ગિરધર ગોપાલ, દુસરો ના કોઈ.” પ્રેમમાં પણ વફાદારીનું આ ઉદાહરણ છે. મીરાંબાઈએ ગુજરાતની વાટ પકડી હતી. તેને ખબર હતી કે ગુજરાતની સુવર્ણ નગરી દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ વસવાટ કરતા હતા.

ભગવાન શ્રીકૃષ્ણ તો પાંચ હજાર વર્ષ પહેલા થઈ ગયા અને મીરાંબાઈ તો હજુ થોડી સદીઓ પહેલાં થઈ ગયાં. કોઈ જાતનો સમયનો પણ મેળ મળતો નથી. ભગવાન શ્રીકૃષ્ણને જોયા હોવાનો કોઈ દાવો કરતું નથી તો બીજી તરફ મીરાંબાઈ પણ એવું પુરવાર કરી શકતાં નથી કે ભગવાન શ્રીકૃષ્ણ આ જગ્યાએ હાજર છે. પરંતુ પ્રેમલક્ષણા ભક્તિની પરાકાષ્ઠા તો જુઓ કે મીરાંબાઈ ભગવાન શ્રીકૃષ્ણની હાજરી સાબિત કરવા કોઈ પ્રયત્ન પણ કરતાં નથી. કારણ કે તેમણે કશું સાબિત કરવાનું નથી. પ્રેમમાં કશું સાબિત કરવાની એવી કોઈ જરુર પણ નથી.

મીરાંબાઈ શ્રદ્ધા અને વિશ્વાસના માર્ગે જ આગળ વધે છે અને ભક્તિના પરમપદને પામે છે. પ્રેમના માર્ગમાં જેને ચાહીએ છીએ એ વ્યક્તિ ઉપર અને ભક્તિના માર્ગમાં ભગવાન ઉપર માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ જ રાખવાનાં હોય છે. કોઈ દાવો, શંકા, સંશય કે દલીલ આપણા માર્ગમાં અડચણ બનતી હોય છે. મીરાંબાઈએ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પ્રેમી-પ્રિયજન બનાવી લીધા. પ્રેમી ખરેખર ઉપસ્થિત હોય કે કલ્પનાની વ્યક્તિ હોય એ મહત્વનું નથી, એમાં ભક્તિની પવિત્રતા ઉમેરાય એ જ મહત્વનું છે.

પ્રેમમાં ભક્તિ હોય પછી શંકા કે અવિશ્વાસ ટકતા નથી. પ્રેમસંબંધમાં જોડાયા પછી એક દૃઢ નિર્ધાર રહેવો જોઈએ કે પ્રેમ જ આપણા જીવનનો પ્રમુખ અને મૂળભૂત આધાર છે. દરેક વ્યક્તિને જીવનમાં પ્રેમનું વરદાન એક જ વાર મળતું હોય છે. જો કે દરેકને આવું વરદાન મળે એવું જરુરી પણ નથી.

પ્રેમ હંમેશા નસીબદારને જ પ્રાપ્ત થઈ શકે. લગ્ન કરનાર દરેક વ્યક્તિને પોતાના જીવનસાથી તરફથી પ્રેમ મળશે જ એવો કોઈ નિયમ પણ નથી. લગ્ન પૂર્વે, લગ્ન દરમિયાન કે લગ્ન પછી વ્યક્તિને પ્રેમનું વરદાન પ્રાપ્ત થાય પણ ખરું અને પ્રેમ ના પણ મળે. એવું પણ બને કે પ્રેમનું વરદાન પામ્યા વિના જ માણસ મૃત્યુ પામે.

પ્રેમની આ જ તો પરાકાષ્ઠા છે કે પ્રેમનો આવિર્ભાવ થયો એટલે બે વ્યક્તિ બે રહેતી નથી. આ યુગ્મ અથવા યુગલ બે મટીને એક થઈ જાય છે. “હું” અથવા “અહમ્” ઓગળી જાય છે. એકનું “હું”પણું યા “અહમ્” બીજી વ્યક્તિમાં અને બીજી વ્યક્તિનું “હું”પણું યા “અહમ્” પહેલી વ્યક્તિમાં ઓગળી જાય છે. બે વ્યક્તિનો આત્મા એકમેકમાં વિલીન થઈ જાય છે. આવી અનુભૂતિ એટલે પ્રેમનો સાક્ષાત્કાર. જો આમ ન બને તો એ પ્રેમ નથી પરંતુ માત્ર એકબીજા પ્રત્યેનું આકર્ષણ છે. આકર્ષણ ગમે તે ઘડીએ ખતમ થઈ શકે છે. પ્રેમ ખતમ થઈ શકતો નથી. પ્રેમ એ જ આત્મા છે અથવા આત્મામાં વિલીન થઈ ગયેલો ભાવ છે. જેમ આત્મા મરતો નથી એમ પ્રેમ પણ મરતો નથી.

સ્ટોપરઃ-

“वो मुझ से रिश्ता तोडकर चली गयी, बस ये कहकर,

मैं तो तुम से मोहब्बत शीखने आई थी, किसी और के लिए.”

– અજ્ઞાત

00000000000000000000000000000000000000000000000000000000000000