પ્રેમ-7 Dinesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ-7

પ્રેમ-7

દિનેશ દેસાઈ

પ્રેમમાં ફિલિંગ્સ્ ગાયબ અને સંબંધ ડિજિટલ

000000000000000000000000000000000000000000000000000000000000

એબાઉટ ધીસ બૂક

એક સમય એવો પણ હતો કે આપણે જૂના ફોટોગ્રાફસ્ જોઈને યાદો તાજી કરતા. આજે તો હેન્ડસેટમાં સંખ્યાબંધ ફોટોગ્રાફસ્ હોય છે, તો પણ એવી ફિલિંગ્સ્ નથી જ આવતી. ફિલિંગ્સ્ ગાયબ થઈ છે અને સંબંધો ડિજિટલ થઈ ગયા છે.

000000000000000000000000000000000000000000000000000000000000

જાણીતા અંગ્રેજી નવલકથાકાર ચેતન ભગતે લખ્યું છે કે “જે સંબંધમાં રહેવા માટે તમારું દિલ ન માનતું હોય તો શા માટે તમે એ સંબંધમાંથી બહાર નીકળી જતા નથી? ગિવ ઈટ અપ કરતા કોણ રોકે છે તમને?” સાચી વાત છે. સંબંધનો ભાર લાગતો હોય તો એવો ભાર ઊંચકીને ચાલવાનો કોઈ અર્થ નથી.

આમ તો જન્મ સાથે કેટલાક સંબંધ આપોઆપ બંધાઈ જાય છે, તો કેટલાક સંબંધ જિંદગીના જુદા જુદા પડાવ ઉપર જોડાતા જાય અને તૂટતા જાય છે. જિદંગીની સફરમાં કોઈ પણ સંબંધ કાયમી કે ટકાઉ ન પણ હોય. કદાચ દરેક સંબંધને મેડિસિનની માફક એક્સપાઈરી ડેટ હોય છે. સંબંધ શુષ્ક થઈ જાય યા સૂકાઈ જાય નહીં, એનું ધ્યાન રાખવાની પણ જરુર હોય છે.

આજે જાણે કે સંબંધો મોબાઈલ બની ગયા છે. સંબંધો સ્માર્ટ (ફોન) બની ગયા છે. તમે મેસેજીસ કરો યા વોટ્સ-એપ કરો ત્યાં સુધી સંબંધના વાવેલા છોડને પોષણ મળતું રહે છે. તમે મેસેજની કાળજી બંધ કરો અથવા કાળજીથી મેસેજ કરવાના બંધ કરો ત્યારે સંબંધમાં વળાંક આવી જાય છે. માણસ નંબરના આધારે ઓળખાતો થયો છે. માણસ હેન્ડ-સેટમાંથી નંબર ડિલિટ કરીને સંબંધનો છેડો ફાડી નાખે છે.

જ્યારે તમને પ્રતિભાવ યા રિસ્પોન્ડ મળતો બંધ થાય ત્યારે સમજી લેવું રહ્યું કે રસ્તો ડેડ એન્ડ ઉપર આવીને અટકી ગયો છે. રસ્તો જ જ્યાં બંધ થતો હોય છે, ત્યારે હવે આપણે સમજી લેવું જોઈએ કે વળાંક લેવાનો સમય આવી ગયો છે. સંબંધના છોડને લાગણી અને કાળજીનું ખાતર-પોષણ મળવું જોઈએ. નહીં તો કુમળો છોડ કરમાઈ જાય છે.

ખરેખર તો હેતુ વિના બંધાયેલા સંબંધોનો સેતુ વધારે મજબુત હોય છે. જે વ્યક્તિને તમારી કદર ન હોય તેનો સાથ નિભાવવો એ કોઈ વફાદારી નથી પરંતુ મુર્ખામી જ કહેવાય. સંબંધને જતનપૂર્વક ઉછેરવા અને જાળવવા માટે બન્ને વ્યક્તિએ જતન કરવું પડે. બે વ્યક્તિએ સંબંધ નામના છોડને સાચવવાની કાળજી લેવી પડે. કોઈ એક વ્યક્તિના ખભા ઉપર સંબંધ નિભાવવાની જવાબદારીનો ભાર હોય તો એ બાબત બોજરુપ બની જતી હોય છે.

આપણા સંબંધો મનની મિરાતથી નીકળીને મોબાઈલ સુધી પહોંચી ગયા છે. ધારે ત્યારે માણસ સંબંધને સેવ કરે છે અને ધારે ત્યારે ડિલિટ પણ કરી દે છે. એક સમય એવો પણ હતો કે આપણે જૂના ફોટોગ્રાફસ્ જોઈને યાદો તાજી કરતા. આજે તો હેન્ડસેટમાં સંખ્યાબંધ ફોટોગ્રાફસ્ હોય છે, તો પણ એવી ફિલિંગ્સ્ નથી જ આવતી. ફિલિંગ્સ્ ગાયબ થઈ છે અને સંબંધો ડિજિટલ થઈ ગયા છે.

સંબંધમાં ઉષ્મા અને સુષ્મા ઝિરો બેલેન્સ પર આવી જાય ત્યારે માનવ્યની વેલિડિટી પણ ખતમ થઈ જાય છે. સંબંધના મોબાઈલમાં લાગણીનું ઈન્ટરનેટ ડેટા-પેક રિચાર્જ કરાવવા માટે ફરીથી ઉષ્મા અને સુષ્માનો વિનિમય કરવો પડે છે. મનના માંડવે જૂઈની સુગંધ ફેલાતી રહે એ જરુરી છે. સંબંધમાં વિશ્વાસ, નિખાલસતા, આદર-સમાદરની સુવાસ પણ ભળે એ જરુરી છે.

રુમિએ કહ્યું છે કે “પ્રેમ એટલે અપેક્ષાથી મુક્તિ.” જ્યાં અપેક્ષામાં પૂર્ણવિરામ આવે ત્યારથી પ્રેમ નિર્દોષપણે અને નિઃસ્વાર્થપણે તથા નિઃશંકપણે આગળ વધે છે. કોઈ પણ નાની મોટી અપેક્ષાઓ પ્રેમમાર્ગમાં બાધક અને અવરોધક બની જાય છે. આપવાનું નામ પ્રેમ. કંઈ પણ, કશુંક પણ માગવું પડે તો એ સંબંધ પ્રેમ નથી.

જ્યારે કોઈ સંબંધમાં આશા, અપેક્ષા, સ્વાર્થ, તૃષ્ણા, લાલચ, ગરજ, મતલબ વગેરેનાં જાળાં બાઝી ગયાં હોય ત્યાં પ્રેમ પૂર્ણપણે પ્રગટ થઈ શકતો નથી. આવાં તત્વોના વાયરામાં પ્રેમ નામનો દીવો ઓલવાઈ જતો હોય છે.

જીવનમાંથી પછી પ્રેમનો પ્રકાશ ગાયબ થઈ જાય છે. પ્રેમ વિનાની જિંદગી અંધકારરુપ અન બોજરુપ લાગતી હોય છે. જો કે જેને પ્રેમનો પરિચય અને મહિમા જ ન હોય તેના માટે તો પ્રેમની ગેરહાજરી યા અંધકારથી કશો ફરક પડતો નથી. પ્રેમમાં સ્વાર્થ ઓગળે અને પરમાર્થ પાંગરતો જાય.

પ્રેમ એટલે માત્ર બે વિજાતિય વ્યક્તિ વચ્ચેનો સંબંધ એટલું જ નહીં. માની મમતા, બહેનીનું હેત અને દીકરીનું વાત્સલ્ય એટલે પણ પ્રેમ જ. મા પોતાનાં સંતાનને કેટલું ચાહે છે, એનું મીટર હજુ દુનિયામાં બન્યું નથી. નાની હોય કે મોટી બહેન પોતાના ભાઈ માટે એક માતાની કમ નથી હોતી. બહેનનું હેત સાવ જ નિઃસ્વાર્થ અને નૈસર્ગિક હોય છે.

માને જેમ દીકરા પાસે કોઈ અપેક્ષા હોતી નથી એમ બહેનને પણ પોતાના ભાઈને હેતથી ઓળઘોળ કરવા પાછળ કોઈ સ્વાર્થ હોતો નથી. દીકરીનું વાત્સલ્ય પણ તેના પિતા માટે પ્રેમની અણમોલ સોગાત હોય છે. દરેક પિતા માટે પોતાની દીકરી ડ્રીમ-ગર્લ અને વન્ડર-બેબી જ હોય છે. દીકરી એટલે કુદરતે લખેલી કવિતા. આવી કવિતા દરેક બાપ યા પુરુષ માટે નસીબે લખાયેલી હોતી નથી.

એક સરસ મજાની વાત છે. એક રાજાએ પોતાના રાજમાં પ્રજાને એવો હુકમ કર્યો હતો કે નગરના કોઈ પુરુષે કદી ખોંખારો ખાવો નહીં. ખોંખારો ખાવો એ મર્દનું કામ છે અને આપણા નગરમાં મર્દ એકમાત્ર રાજા છે. બીજો કોઈ પણ ખોંખારો ખાશે તો તેણે એક રૂપિયો નગદ દંડ ભરવો પડશે. નગરમાં સૌએ ખોંખારો ખાવાનું બંધ કરી દીધું.

એવામાં એક નગરવાસીએ મર્દાનગી બતાવી અને જાહેર કર્યું કે ખોંખારો ખાવો એ તો માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. હું તો ખોંખારો ખાઈશ જ. એ માણસે દરરોજ રાજમહેલ પાસેથી પસાર થવાનું શરુ કર્યું અને ત્યાંથી પસાર થતી વખતે મોટેથી ખોંખારો ખાય અને નગદ એક રૂપિયો દંડ પણ ચૂકવી દે.

આમને આમ તો લગભગ બે-ત્રણ વરસ ચાલ્યું. રાજાને પણ આશ્ચર્ય થયું હતું. પરંતુ બે-ત્રણ વર્ષ પછી સાવ અચાનક એ માણસ મહેલ પાસેથી પસાર તો થયો પરંતુ ખોંખારો ખાધા વિના જ ચૂપચાપ જતો રહ્યો.

રાજાએ તપાસ કરાવી અને કોઈકે તેને પૂછ્યું પણ ખરું કે ‘ભાઈ, શું થયું? રૂપિયા ખૂટી પડ્યા કે મર્દાનગી ઊતરી ગઈ? આજે તમારો ખોંખારો કેમ શાંત પડી ગયો?’

પેલા માણસે જવાબ આપતા કહ્યું કે ‘આજે મારે ઘેર દીકરીનો જન્મ થયો છે. આપણા સમાજમાં દીકરીના બાપને મર્દાનગી બતાવવાનું શોભતું નથી. દુનિયાના વહેવારોમાં દીકરીના બાપે ખોંખારા ખાવાના નહીં, પરંતુ ખામોશી રાખવાની ને ગમ ખાવાની હોય છે. મારી પાસે રૂપિયાય નથી ખૂટી પડ્યા કે મારી મર્દાનગી પણ નથી ઊતરી ગઈ. પરંતુ આજે દીકરીનો બાપ બન્યો છું અને દીકરીના બાપને ખોંખારા ન શોભે, ખાનદાની શોભે. મારે ઘેર દીકરીએ જન્મ લઈને મારી ખુમારીના માથે ખાનદાનીનો મુગટ મૂક્યો છે.’

આ વાત જાણી ત્યારે રાજાને એ માણસ પ્રત્યે ભારોભાર ગર્વ અને ગૌરવ પણ થયું અને પોતે એકલા જ મર્દાનગી રાખે છે એનું ગુમાન પણ તૂટી ગયું. રાજાને ખુદ અહેસાસ પણ થયો કે પોતે પણ એક રાજકુંવરીના પિતા છે. પોતાને પણ ખુમારી ઉપરાંત ખાનદાનીનું આભૂષણ જ શોભે.

દીકરીના બાપ થવાનું સદભાગ્ય તો ભગવાન શંકર, ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણનેય નથી મળ્યું. કદાચ એટલે જ એમણે ત્રિશૂલ, ધનુષ્ય અને સુદર્શન ચક્ર જેવાં હથિયારો હાથમાં લેવાં પડ્યાં હશે. શસ્ત્ર પણ શક્તિ છે. શક્તિ સ્ત્રીલિંગ છે. દીકરીની શક્તિ ન મળી હોય તેમણે આખરે શસ્ત્રથી ચલાવી લેવું પડે છે.

ભગવાન મહાવીરને દીકરી હતી. એનું નામ પ્રિયદર્શના. ભગવાન મહાવીરે શસ્ત્ર હાથમાં ન લીધું. તેમણે જગતને કરુણાનું શાસ્ત્ર આપ્યું. સંસારને કાં તો શસ્ત્ર જોઈએ કાં તો શાસ્ત્ર જોઈએ. દીકરી હોય ત્યાં શસ્ત્રની ગરજ ટળી જાય છે.

સ્ટોપરઃ-

“પ્રેમ એટલે કોઈ પણ અપેક્ષા વિનાનું સમર્પણ”

  • મોરારિ બાપુ
  • 000000000000000000000000000000000000000000000000000000000000

    સમાપ્ત