Prem Atle Bhakti, Mukti Ane Samarpan Dinesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

Prem Atle Bhakti, Mukti Ane Samarpan

00000000000000000000000000000000000000000000000000000000000000

હેડિંગ છેઃ- પ્રેમ એટલે ભક્તિ, મુક્તિ અને સમર્પણ

~ દિનેશ દેસાઈ

00000000000000000000000000000000000000000000000000000000000000

પેટા હેડિંગ

માના પ્રેમનું દૃષ્ટાન્ત જુઓ કે દુનિયાની કોઈ પણ મા પોતાનો દીકરો ગમે તેવો હશે તો પણ દીકરાનો જ પક્ષ લેશે. ભલે એક તરફ આખી દુનિયા વિરુદ્ધ પડી હોય, પરંતુ મા તો દીકરાના પક્ષમાં જ રહેશે. પ્રેમમાં બીજું કશું પડી જતું નથી, ફક્ત પ્રેમમાં મસ્તક પડી જાય, નમી જાય છે.

00000000000000000000000000000000000000000000000000000000000000

ઓશોએ કહ્યું છે કે “પ્રેમ એટલે ભક્તિ, મુક્તિ અને સમર્પણ.” ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ ગીતામાં એમ કહ્યું છે કે “ભક્તિ માનવીને જન્મજન્માંતરના ફેરામાંથી મુક્તિ અપાવે છે.”

દરેક ધર્મગ્રંથમાં પ્રેમને ભક્તિના માધ્યમ તરીકે વર્ણવ્યો છે. પ્રેમ એ જ ભક્તિ. કોઈ વ્યક્તિને ચાહવાની વાતમાં ભક્તિની હદ સુધીની ચાહના એટલે પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ. ક્લાઈમેક્સ ઓફ લવ ઈઝ ડિવોશન. પ્રેમમાં ભક્તિ અને ભક્તિમાં સમર્પણ પણ આવી જાય. સમર્પણ વિના પ્રેમ શક્ય જ નથી. એ જ પ્રમાણે સમર્પણ વિના ભક્તિ પણ શક્ય નથી. આમ ભક્તિ અને સમર્પણ ન હોય તો મુક્તિ પણ શક્ય નથી.

ભક્તિ થકી મુક્તિનો માર્ગ પામી શકાય છે. આમ ભક્તિ અને મુક્તિ એક જ સિક્કાની બે બાજુ પણ કહી શકાય. ભક્તિ અને મુક્તિ વચ્ચે સમર્પણ રહેલું છે. ભક્તિ પૂર્વે પણ સમર્પણ જરુરી છે અને મુક્તિ માટે પણ સમર્પણની હાજરી જરુરી છે. મુક્તિ ત્યારે જ મળે છે, જ્યારે ભક્તિ કરી હોય.

ભક્તિની રીત અને વિધિ પણ સમજીએ. આ રીત અથવા વિધિ બે પ્રકારની છે. એક તો મસ્તિષ્કપ્રધાન એટલે કે વિજ્ઞાનોન્મુખ. જે લોકો મગજથી વિચારીને કામ કરે છે. બીજો પ્રકાર એટલે હૃદયપ્રધાન. જે લોકો હૃદયથી વિચારીને દિલની વાતનો અમલ કરે છે. બેઉમાં આભ-જમીન જેટલું અંતર છે. એ ક્યારેય મળતા નથી. ક્યાંક સમાનાન્તર ચાલતા લાગે, પણ મિલન સંભવ જ નથી. ભક્તિ હૃદયપ્રધાન અથવા ભાવુક મનવાળા જ કરી શકે. મગજથી વિચારનાર ભક્તિ કરી શકતા નથી.

“પ્રેમ એક પૂજા” એમ કહેવાય છે. ભક્તિ પણ પૂજા છે. ભક્તિ અથવા પ્રેમ હંમેશા કોઈ અન્ય માટે કરવામાં આવે છે, સ્વયં માટે નહીં. આવી ભક્તિ અંધ હોય છે, એટલે કે તેને દૃષ્ટિ હોતી નથી. પ્રેમ અથવા ભક્તિ આંખો બંધ કરીને કરવાની હોય છે. ભક્તિ કદીય દૃષ્ટિથી જોઈ-વિચારીને કરી શકાતી નથી. બસ, દિલના અવાજને સાંભળીને દિલની વાતનો અમલ કરવામાં આવે છે. પ્રેમમાં અને વળી ભક્તિમાં સામેની વ્યક્તિ જ તમારા કરતા વધુ મહત્વની હોય છે. તમે જેને ચાહતા હો એનું મહત્વ તમારી નજરોમાં ઉચ્ચતમ હોય અને આ આખો વિષય શ્રદ્ધાનો છે.

હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયમાં “પ્રેમલક્ષણા ભક્તિ”નો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ભક્ત અથવા પ્રિયજન કોઈ પણ રીતે પોતાની પ્રિય વ્યક્તિ અથવા પોતાના ઈષ્ટદેવ-ભગવાન પ્રત્યે પૂર્ણરુપે સમર્પિત થઈ જાય છે. વિશ્વાસ અને શ્રદ્ધા આ માર્ગમાં મુખ્ય ચાલકબળ છે.

વિશ્વાસ એટલે આંખો બંધ રાખીને કરવામાં આવેલું સમર્પણ. ગુજરાતીમાં એક શબ્દ છે, “આંધળો વિશ્વાસ.” શ્રદ્ધા એટલે? શ્રદ્ધા એટલે કોઈ જ વાદ-વિવાદ કે ચર્ચા-વિચારણામાં ઉતર્યા સિવાય અંધકારમાં જ છલાંગ લગાવવી. શ્રદ્ધા અને વિશ્વાસમાં સમર્પણનો ભાવ આવી જ જાય છે.

આમ તો પ્રેમમાર્ગ કે ભક્તિમાર્ગ જ કઠિન છે, અઘરો છે. એમાંય વળી મસ્તિષ્કપ્રધાન અથવા વિજ્ઞાનોન્મુખ અથવા બૌદ્ધિક વર્ગની વ્યક્તિ માટે આમ કરવું અઘરું અને અશક્ય જ છે. પ્રેમલક્ષણા ભક્તિ મનથી પાગલ હોય એ જ કરી શકે, દિમાગથી વિચારનાર વ્યક્તિ ના કરી શકે. દિમાગથી વિચારનાર નહીં, પરંતુ દિલથી વિચારનાર વ્યક્તિ જ પ્રેમ-ભક્તિ કરી શકે.

ભક્તિમાર્ગ ઉપર ચાલવાનું શરુ કરતા પહેલા પ્રેમને સમજવો જરુરી છે. તમારા હૃદયમાં પ્રેમ, લાગણી, અનુકંપા, દયા-કરુણા નહીં હોય તો તમે ભક્તિ કરી જ નહીં શકો. ભક્તિ કરવા અથવા ભક્તિને સમજવા માટે પણ તમારે પ્રેમને પહેલા સમજવો પડે. પ્રેમ સમજાય તો જ ભક્તિ સમજી શકાશે.

શું તમે કદી કોઈને પ્રેમ કર્યો છે? અંગ્રેજીમાં “ફાલિંગ ઈન લવ” એવું કહે છે. “શું તમે કદી કોઈના પ્રેમમાં પડ્યા છો?” ખરેખર તો પ્રેમમાં પડી જવાનું નથી હોતું પરંતુ ઉપર ઉઠવાનું હોય છે. પ્રેમમાં તો અધોગતિ નહીં, ઉર્ધ્વગતિ થતી હોય છે. પ્રેમમાં પડવાનું હોતું નથી, પરંતુ પ્રેમ આપણને સંભાળી લેતો હોય છે. આપણી પ્રિય વ્યક્તિ આપણને દુનિયાની કોઈ પણ વિષમમાં વિષમ પરિસ્થિતિમાં સંભાળી લે, સાચવી લેતી હોય છે, એનું નામ પ્રેમ છે.

માના પ્રેમનું દૃષ્ટાન્ત જુઓ કે દુનિયાની કોઈ પણ મા પોતાનો દીકરો ગમે તેવો હશે તો પણ દીકરાનો જ પક્ષ લેશે. ભલે એક તરફ આખી દુનિયા વિરુદ્ધ પડી હોય, પરંતુ મા તો દીકરાના પક્ષમાં જ રહેશે. પ્રેમમાં બીજું કશું પડી જતું નથી, ફક્ત પ્રેમમાં મસ્તક પડી જાય, નમી જાય છે.

પ્રેમ એટલે શરણાગતિનો ભાવ. પોતાની પ્રિય વ્યક્તિ સમક્ષ શરણાગતિ. કોઈ વ્યક્તિના પ્રેમમાં પ્રિયજન ગમતાનો ગુલાલ કરે છે. પ્રિયજનને જે ગમે એવું કરવા પ્રેમ કરનાર વ્યક્તિ હરહંમેશ તૈયાર રહે છે. આવી વ્યક્તિને દુનિયા પાગલ કહે છે, પરંતુ આવું પાગલપન બંને પક્ષે હોય છે. જો બંને પક્ષે ન હોય તો એવો પ્રેમ અધુરો અને એકતરફી જ ગણાય.

એક વ્યક્તિ પોતાની ગમતી વ્યક્તિ માટે બધું જ કરવા તૈયાર થઈ જાય પરંતુ સામેની વ્યક્તિમાં આવો સમર્પણભાવ ન પણ હોય. આવો સંબંધ પ્રેમ નથી, પરંતુ ક્ષણિક આકર્ષણ અથવા આવેશમય યા ટેમ્પરરી સંબંધ છે. આવો સંબંધ ગરજ અને મતલબના બે પાસાઓ ઉપર લટકતો રહે છે. આવો તકલાદી અને તકવાદી સંબંધ ગમે ત્યારે ભંગાણના આરે આવીને થંભી જાય છે.

પ્રેમમાં માણસ પાગલ થાય છે ત્યારે એનો અર્થ એ જ કે એની બુદ્ધિ હવે કામ નહીં કરે, એ વ્યક્તિ પોતાના મગજનું યા બુદ્ધિનું નહીં સાંભળે, પરંતુ ફક્ત દિલનો અવાજ સાંભળશે. પ્રેમમાં પડી ગયેલો માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે, એમાં તેનો સમર્પણભાવ છે, એમાં જૂનુન છે, પાગલપન છે. એવી વ્યક્તિ પછી બુદ્ધિ કે દિમાગ યા મગજનું કહેલું સાંભળતો નથી, માત્ર દિલના, અંતરાત્માના અવાજને જ સાંભળે છે.

હૃદયમાં પોતાની પ્રિય વ્યક્તિને સ્થાન આપ્યું હોય એટલે પ્રિય વ્યક્તિનો અવાજ, પોતાના પ્રિયજનનો પોકાર જ સાંભળવા મળે. એક અર્થમાં સમર્પણ-શરણાગતિ અને બીજા દૃષ્ટિકોણથી વશીકરણ પણ કહી શકો. પ્રેમમાં રત રહેલ વ્યક્તિ દુનિયામાં કેવળ એક જ વ્યક્તિનું કહેલું માને છે. એ વ્યક્તિ એટલે પોતાને પ્રેમ કરનાર પોતાની પ્રિય વ્યક્તિ.

આ પરિસ્થિતિ પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ છે. પ્રેમનો ક્લાઈમેક્સ એટલે સમર્પણભાવ. આ સ્થિતિએ પહોંચેલા પ્રેમીજન સમક્ષ તમે કોઈ તર્ક કે દલીલ કરો તો પણ એ કોઈ વાતને માનશે નહીં. એ માત્ર પ્રેમનું અને પ્રેમી વ્યક્તિનું કહેલું જ માનશે અને સાંભળશે તથા કરશે.

છેલ્લા થોડા વખતથી દેશ અને દુનિયામાં ટોલરન્સ અને ઈન્ટોલરન્સ શબ્દોએ ચર્ચા જગાવી છે. ચર્ચાએ માઝા મૂકી છે. સહનશીલતા અને અસહિષ્ણુતા. પ્રેમસંબંધમાં પ્રિયજનોને પણ સહન કરવાનો અનુભવ થયો હોય છે, જ્યારે બીજા પક્ષે પ્રેમસંબંધનું મૂલ્ય નહીં સમજીને અથવા પ્રિયજનની ગમે તેવી ભુલ હોય તો પણ સ્વીકાર નહીં કરીને ઈન્ટોલરન્સ (અસહિષ્ણુતા) પણ બતાવી હોય, એવું બને. તમે પ્રિયજનનાં વાંધા-વચકાં અને નખરાં ક્યાં સુધી સહન કરો? સહનશીલતાની પણ હદ આવી જાય ને. કારણ કે તમે ભગવાન નથી, માણસ છો.

સોશિયલ મીડિયાની દુનિયામાં ખુબ જાણીતો કલામ છે કે “ઝુકતા વો હી હૈ, જિસ મેં જાન હૈ, અકડ તો મુર્દોં કી પહચાન હૈ.” પ્રેમ કરો તો તમારે ઝુકવું પણ પડે. પરંતુ તમારા ઝુકવા છતા અને તમે મનાવો તેમ છતા તમારું પ્રિય પાત્ર કોઈ વાતે માને જ નહીં અને તમારી માફીનો સ્વીકાર પણ ના કરે તો? તો એવી પરિસ્થિતિને ઈમોશનલ અત્યાચાર જ કહેવાય.

હિન્દી સિનેમાના એક અસરકારક ગીતના શબ્દો છે કે “વો અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકિન, ઉસે ઈક ખુબસૂરત મોડ દે કર છોડ દેના અચ્છા.” બ્રેક-અપ કરી દો. બીજું શું?

પ્રેમસંબંધમાં ઈમોશનલ અત્યાચારનો અનુભવ તમે કર્યો છે? જો “હા” તો તમે દુનિયાના બધા પ્રેમીઓ જેવા સમદુઃખીયા છો, અને જો “ના” તો તમે કદાચ પ્રેમનો ખરો અનુભવ જ નથી કર્યો. પ્રેમમાં કેટલી વાર માફી માગવાની? અને કેટલી વાર માફી આપવાની? એનો કોઈ કાયદો કે સંવિધાન-બંધારણ નથી. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણનો શિશુપાલવધનો પ્રસંગ માફી અંગે માર્ગદર્શન અવશ્ય આપે છે. 100 ભુલ તો ભગવાન પણ માફ કરી દેતા હોય છે. એ જ રીતે આપણે પણ 100 વખત માફી માગીએ અને રાહ જોઈએ. પરંતુ સામેની વ્યક્તિ કોઈ રીતે માને જ નહીં, તો એવી જિદ્દી વ્યક્તિનું શું કરવું? ભગવાન પણ 100 વખત ભૂલ માફ કરે, પછી નહીં.

ભગવાન શ્રીકૃષ્ણ અને શિશુપાલવધનો પ્રસંગ ભગવાનની સહિષ્ણુતા અને સહનશીલતાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાન્ત છે. ભગવાન ધૈર્યવાન અને ક્ષમાશીલ, સંયમશીલ છે. શિશુપાલ તો ભગવાનનો પૈતૃક સ્વજન, ભાઈ છે. છતા તેના 100 અપરાધ માફ કર્યા પછી તેને દંડ આપવા ભગવાન સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી ઊડાવી દઈને તેનો શિરચ્છેદ કરી નાખે છે. સમગ્ર કથા આ પ્રમાણે છે.

ચંદ્રવંશી કુળના એટલે કે સોમવંશી રાજા દમઘોષનો રાજકુમાર એટલે પુત્ર શિશુપાલ. પિતાનું નામ રાજા દમઘોષ અને માતાનું નામ રાણી શ્રુતશ્રવા. રાણી શ્રુતશ્રવા ભગવાનના પિતા વસુદેવનાં બહેન થાય. એટલે કે રાણી શ્રુતશ્રુવા ભગવાન શ્રીકૃષ્ણના ફોઈ.

શિશુપાલનો જન્મ ચેદી વંશમાં થયો. ભલે રાજવી કુળ-પરિવારમાં તેનો જન્મ થયો હોય, પરંતુ રાક્ષસ યોનિના હિરણકશિપુનો તેનામાં અંશ રહી ગયો હતો. આથી જન્મ સમયે જ બાળકને ત્રણ આંખો અને ચાર હાથ હતા. નવજાત શિશુનો દેખાવ જ રાક્ષસી અને બિહામણો હતો. વળી જન્મતાની સાથે જ નવજાત શિશુએ ગધેડા જેવો અવાજ કર્યો.

આથી મહારાજા સહિત સમગ્ર રાજવી પરિવારે તો નવજાત શિશુને અપશુકનિયાળ માનીને તેને તત્કાળ મારી નાખવા, ફેંકી દેવાનું નક્કી કરી દીધું. પરંતુ એવામાં જ આકાશવાણી થઈ કે “જેમના ખોળામાં આ બાળકને મૂકશો ત્યારે એ વ્યક્તિના દિવ્ય પ્રભાવના કારણે બાળકના વધારાના અંગો ખરી પડશે અને જેના ખોળામાં બેસાડશો એ જ વ્યક્તિ સમય જતા આ બાળકના મોતનું કારણ બનશે અર્થાત તે જ વ્યક્તિ આ બાળકને સમય જતા મારી નાખશે.”

બાળકના જન્મ પછીના સમયમાં અચાનક જ એક વાર ભગવાન શ્રીકૃષ્ણ રાજવી દમઘોષના ત્યાં જઈ પહોંચે છે. આ વખતે ફોઈબા પોતાના પુત્રને ભગવાનના ખોળામાં બેસાડે છે. આથી બાળકના વધારાના બે હાથ અને એક આંખ તરત જ ખરી પડ્યા. હવે બાળક સામાન્ય દેખાવવાળો થઈ ગયો. ત્યારે જ ફોઈબા પોતાના ભાણા ભગવાન શ્રીકૃષ્ણ પાસે વચન-વરદાન માગે છે કે “તું આ બાળકને કોઈ પણ કાળે મારીશ નહીં.”

ભગવાને કહ્યું કે “સારુ, હું નહીં મારું એવું વચન અવશ્ય આપું છું. પરંતુ હું તેના 100 ગુના માફ કરીશ. એ પછી જો 100થી વધુ ગુના એ કરશે તો હું તેને મારી નાખીશ, મૃત્યુદંડ આપીશ, 100 અપરાધ પુરા થયા પછી હું કોઈ ક્ષમા નહીં આપું. આ મારું વચન છે.”

આમ તો ભગવાન શ્રીકૃષ્ણને 16,000 રાણીઓ છે પણ ભગવાનની પટરાણી, મહારાણી એક માત્ર રાણી રુકમણિજી છે. રુકમણિજીની શિશુપાલ સાથે જોડાયેલી એક ઉપકથાની પણ વાત કરીએ. રુકમણિજી એટલે વિદર્ભના રાજા ભીષ્મકની રાજકુમારી-પુત્રી. રાજા ભીષ્મકના રાજકુમારનું નામ રુકિમ.

વિદર્ભનાં રાજકુમારી રુકમણિજી સાથે શિશુપાલનો વિવાહ કરવાનું નક્કી થયું હતું પરંતુ રુકમણિજીની ઈચ્છા ન હતી આથી રુકમણિએ ભગવાન શ્રીકૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો કે “તમે મારું હરણ કરી જાઓ.” ભગવાન શ્રીકૃષ્ણ રુકમણિજીનું હરણ કરી લાવ્યા અને તેમની સાથે વિવાહ કર્યો.

જ્યારે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો, ત્યારે શિશુપાલ પણ આવ્યો હતો. એ વખતે યજ્ઞમાં અગ્રપૂજા યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ પાસે કરાવી. યજ્ઞના આરંભની પૂજા ભગવાન પાસે કરાવવામાં આવી એથી શિશુપાલ નારાજ થયો અને ભગવાનને જેમ-તેમ બોલવા લાગ્યો. આ વખતે હાજર ભીષ્મપિતામહને પણ શિશુપાલે અપમાનજનક ઉચ્ચારણો કર્યા અને અપશબ્દો બોલ્યા.

ભગવાનને શિશુપાલે 99 વખત અપમાનિત કર્યા ત્યાં સુધી ભગવાને રાહ જોઈ અને ધીરજ તથા સંયમ રાખ્યો અને ભગવાન તેને માફ પણ કર્યો. પરંતુ શિશુપાલે 100મી વાર પણ અપશબ્દો બોલીને અપમાન કર્યું. છેવટે 100 વખત શિશુપાલને માફ કર્યા બાદ ભગવાને સુદર્શન ચક્રથી શિશુપાલનું માથું ધડથી અલગ કરી દીધું અને શિશુપાલનો વધ કર્યો.

શિશુપાલના પરિવારની પણ વાત કરીએ. શિશુપાલને ચાર પુત્ર અને એક પુત્રી. શિશુપાલના ચાર પુત્રોમાં ધૃષ્ટકેતુ, સુકેતુ અને અન્ય બે પુત્રનો સમાવેશ થાય છે. પુત્રીનું નામ રેણુંમતી. પાંચ પાંડવમાં સૌથી નાના ભાઈ નકુલ સાથે પાછળથી રેણુંમતીનો વિવાહ કરાવવામાં આવે છે.

મૂળ વાત ટોલરન્સ-ઈન્ટોલરન્સની છે. સહનશીલતા વિરુદ્ધ અસહિષ્ણુતા. પ્રેમ હો યા કોઈ પણ સંબંધ, ક્યારેક તો તમારી ધીરજનો અંત આવે છે અને તમારે પણ ભગવાન શ્રીકૃષ્ણની માફક તમારી સહનશીલતાની પરીક્ષા આપવા તૈયાર થવું જ પડે છે.

લીવ-ઈન કપલ્સ એક સૂરમાં કહેતા હોય છે કે લગ્ન પછીની લવસ્ટોરીઝ એન્ડ રિલેશનશીપ રિસ્કી, ટફ એન્ડ કોમ્પ્લિકેટેડ હોય છે, જ્યારે લગ્ન પહેલાંની લવસ્ટોરીઝ એન્ડ રિલેશનશીપ એ બધું જ રિયલી રોમેન્ટિક, સ્ટેબલ અને જસ્ટ ડિફરન્ટ પણ હોય છે. કેમ કે લગ્ન પહેલાંની સ્થિતિમાં કોઈ રિસ્ક હોતું નથી કે રિસ્પોન્સિબિલિટી હોતી નથી.

ક્યારેક પત્નીનો પગાર તેના પતિ કરતા વધુ હોય, પત્નીનું પબ્લિક સ્ટેટસ તેના પતિ કરતા ઊંચું હોય અને પત્નીનું ફ્રેન્ડસર્કલ પણ સ્વાભાવિક રીતે વિશાળ હોય ત્યારે પણ પતિ ઈન્ફિરિયાલિટી કોમ્પ્લેક્ષ ફીલ કરે છે. ક્યારેક આવા પાર્ટનર પેરાનોઈડ જેલસી (પોતાની આસપાસના લોકો પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તેવા વહેમ અને અવિશ્વાસની અપવૃત્તિ)નો પણ જાણે-અજાણે શિકાર બની જતા હોય છે. સંબંધવિચ્છેદ માટે આવી જેલસી અથવા પોતાના પાર્ટનર પ્રત્યે વધારે પડતી પઝેશીવનેસ પણ કારણભૂત બનતી હોય છે.

રિલેશનશીપમાં એક વાત સ્યોર હોય છે કે સ્ત્રી હંમેશા પોતાની ઈમોશન્સની કદર કરનાર સાથે જ જોડાતી હોય છે. જ્યારે પુરુષ હંમેશા એટ્રેક્શનના કારણસર જ રિલેશનશીપમાં જોડાય છે. બેઉની મંઝિલ અલગ અલગ હોય પણ રસ્તો એક હોય છે. આ રસ્તો કેટલો જલદી સમાપ્ત થઈ જાય છે કે રસ્તો લાઈફ ટાઈમ લંબાતો રહે છે, એ વ્યક્તિ વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે.

લવ-અફેર યા એકસ્ટ્રા મેરિટલ અફેર જેવી રિલેશનશીપમાં તો એકમેકના આદર અને સન્માનની હાજરી હોય છે. પરંતુ ઓફિસ પુરતા સર્જાતા સંબંધમાં “ગિવ એન્ડ ટેક” અને ગરજ-મતલબ સાથે કોઈ “થ્રિલ વિથ રોમાન્સ” પણ હોય છે. કોર્પોરેટ વર્લ્ડમાં આ પ્રકારના સંબંધને “ઓફિસ-સ્પાઉસ” કહે છે.

ઓફિસ-અવર્સમાં સર્જાતી રિલેશનશીપમાં જોડાયેલી પેરને “ઓફિસ-સ્પાઉસ” કપલ કહે છે. વર્કિંગ પર્સન મેલ હોય કે ફિમેલ, દિવસના મોટા ભાગના કલાકો ઓફિસ અથવા વર્ક-પ્લેસ ઉપર વીતી જતા હોય છે. કલાકો સુધી સાથે રહેવાના કારણે વિજાતીય વ્યક્તિ સાથે ફિલિંગ્સ એન્ડ ફિલ વિથ ડિફરન્સનો માહોલ રચાય છે. બે વ્યક્તિની વાતચીતમાં એકમેકની જિંદગીની વાતો પણ શેરિંગ-સબ્જેક્ટ બને છે અને એકમેકનો ખભો મળે, સપોર્ટ મળે અને વાત આગળ વધતી જાય છે. કોર્પોરેટ કલ્ચર માટે “ઓફિસ-સ્પાઉસ” કપલ્સ કોઈ નવી વાત નથી.

મેરેજ લાઈફ જ્યારે સ્ટેસફૂલ બને, લાઈફ પાર્ટનરને જ્યારે પોતાનામાંથી ઈન્ટરેસ્ટ ઓછો થયાનું ફીલ થાય, લાઈફ પાર્ટનર ખુદ જ્યારે પોતાને ઈગ્નોર કરતો હોય અથવા વધુ ટાઈમ ના આપતો હોય તો આ જ સંજોગો એકસ્ટ્રા મેરિટલ રિલેશનશીપ રચાય તે માટેનું પ્લેટફોર્મ બનાવે છે. એ જ પ્રમાણે વ્યક્તિને પોતાના લાઈફ પાર્ટનર કરતા અન્ય વ્યક્તિ પાસેથી લવ, કેર, રિસ્પેક્ટ, થ્રિલ, રોમાન્સ અને ફૂલ ઓફ જોય મળે ત્યારે નવા સંબંધનાં સમીકરણ રચાય છે. જો કે સંબંધમાં ભંગાણ એક લોહીઝાણ ઘટના હોય છે. તૂટ્યા પછી સંબંધને કોઈ એડહેસિવ કે ફેવિકોલ વડે સાંધી કે જોડી શકાતો નથી.

સ્ટોપરઃ-

“तुम्हें तो दिल में रखा था,

जरा सा दिल ही रख लेते.”

– અજ્ઞાત

00000000000000000000000000000000000000000000000000000000000000