પ્રેમ-6 Dinesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ-6

પ્રેમ-6

દિનેશ દેસાઈ

પ્રેમ એટલે ઊર્ધ્વગતિ, ધિક્કાર એટલે અધોગતિ

00000000000000000000000000000000000000000000000000000000000000

એબાઉટ ધીસ બૂક

સત્ય એ પ્રેમ છે અને પ્રેમ એ સત્ય છે. જીવનનું અંતિમ સત્ય એટલે પ્રેમ. પ્રેમ હંમેશા તપાવે, કસોટી કરાવે અને વિજય પણ અપાવે. કસોટી તો કંચનની જ થાય, લોઢાની નહીં. લોખંડનું ઘરેણું હોય તો સોની એને અગ્નિમાં તપાવીને ચકાસતા નથી. પારખા તો સતનાં અને સોનાનાં જ હોય, અસત અને લોઢાનાં નહીં.

00000000000000000000000000000000000000000000000000000000000000

નિત્સેનું એક વિધાન છેઃ “પ્રેમનું પલ્લું ચઢે અને નફરતનું પલ્લું નમે.” તમે કોઈ સાથે પ્રેમથી વાત કરો તો તમને હંમેશા પ્રેમાળ પ્રતિભાવ જ મળે. જો તમે કોઈ સાથે ધિક્કારથી યા નફરતથી વાત કરો તો એનો પ્રતિભાવ તમને નકારાત્મક જ મળે. પરંતુ પ્રેમ હંમેશા વ્યક્તિને હકારાત્મક બનાવે છે.

કોઈ નફરત કરે તો પણ પ્રેમમાં રત યા ઓતપ્રોત વ્યક્તિનો પ્રતિભાવ હંમેશા પ્રેમભાવસભર જ હોય. આ જ તો પ્રેમની તાકાત છે. પ્રેમ ક્યારેય નકારાત્મક બનતો નથી, બનાવતો નથી. પ્રેમનો જવાબ નફરત, ધૃણા, તિરસ્કાર કદાપિ ન હોઈ શકે. પ્રેમ માત્ર પ્રેમ કરતા જ શીખવે, નફરત કરતા નહીં.

પ્રેમ એટલે જ ઊર્ધ્વગતિ. સ્વસ્તિ પંથે પ્રયાણ એટલે પ્રેમ. જ્યારે ધિક્કાર યા નફરત એટલે હંમેશા અધોગતિ. અધોગતિ હંમેશા પારોઠનાં પગલાં ભરાવે અને ઊર્ધ્વગતિ હંમેશા આપણને ઉચ્ચતમ પથ તરફ લઈ જાય. પ્રેમનો માર્ગ કંટાળો હોઈ શકે. પ્રેમનો પથ મુશ્કેલ જરુર હોઈ શકે પરંતુ અશક્ય તો નથી જ.

સત્ય એ પ્રેમ છે અને પ્રેમ એ સત્ય છે. જીવનનું અંતિમ સત્ય એટલે પ્રેમ. પ્રેમ હંમેશા તપાવે, કસોટી કરાવે અને વિજય પણ અપાવે. કસોટી તો કંચનની જ થાય, લોઢાની નહીં. સોની-સુવર્ણકાર સોનાનું ઘરેણું હાથમાં લઈને જુએ ત્યાં જ તેને સાચા-ખોટાની પરખ આવી જતી હોય છે. આમ છતા તે સોનાના ઘરેણાંને આગમાં તપાવીને ચકાસી જ લે છે. લોખંડનું ઘરેણું હોય તો સોની એને અગ્નિમાં તપાવીને ચકાસતા નથી. પારખા તો સતનાં અને સોનાનાં જ હોય, અસત અને લોઢાનાં નહીં.

લાલજીનો એક સરસ મજાનો પ્રસંગ છે. પ્રસંગ કાલ્પનિક હોઈ શકે પરંતુ એમાં રહેલી ભાવના હૃદયવિદારક છે, હૃદયને છેદી જનારી છે. આપણે સૌ જાણીએ છીએ એમ બાલકૃષ્ણે બલરામ સાથે બાળ-કિશોરવયે ગોકુળ છોડ્યું અને મામા વિદુરજી સાથે મથુરાની વાટ પકડી એ પછી ભગવાન ક્યારેય ગોકુળ પાછા ફર્યા નથી એટલે કે એ પછી આજીવન લાલજી કદાપિ રાધાજીને મળ્યાં જ નથી.

આ પ્રસંગ અનુસાર એક વાર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી સ્વર્ગમાં વિચરણ કરતી વેળા સાવ અચાનક એકબીજાની સામસામે આવી ગયા. ભગવાન વિચલિત થઈ ગયા તો રાધાજી પ્રસન્નચિત્ત થઈ ગયાં. ભગવાન થોડા હિચકિચાહટ પણ અનુભવી રહ્યા તો રાધાજીએ સ્મિત વેર્યું.

રાધાજીએ ખબર-અંતર પુછ્યા કે “કેમ છો, દ્વારકાધીશ..?”

જે રાધાજી ગોકુળ-વૃંદાવનમાં કાન્હા-કાન્હા કરતાં હતાં તે આજે હવે “દ્વારકાધીશ” સંબોધન કરી રહ્યાં હોવાથી ભગવાન ભીતરથી દુઃખી દુઃખી થઈ ગયા. છતા સ્વસ્થ થઈને પ્રત્યુત્તર વાળ્યો કે “હું તો તમારા માટે આજે પણ કાન્હો જ છું, કમસે કમ તમે તો મને દ્વારકાધીશ ન કહો. આવો, બેસો. આસન ગ્રહણ કરો અને તમારા વિશે કંઈક કહો. ખરેખર કહું તો, રાધાજી, જ્યારે જ્યારે તમારી યાદ આવી જાય ત્યારે અશ્રુધાર જ વહી જાય.”

રાધાજીએ કહ્યું કે “ઠીક છે. પરંતુ મારી સાથે આવું કશું જ બન્યું નથી. ના તો તમારી યાદ પણ આવી અને ના તો અમારી આંખમાંથી આંસુ પણ ટપક્યાં. કેમ કે અમે તો તમને વળી ભુલ્યા જ ક્યાં છીએ કે જેથી તમને યાદ કરવા પડે? યાદ તો એમને કરવા પડે કે જેમને આપણે ભુલી ગયા હોઈએ. આ કાજળઘેરી આંખોમાં સદાય તમે વસેલા છો. ક્યાંક આંસુઓની સાથે સાથે તમે પણ વહીને નીકળી ના જાઓ, જતા ના રહો, એ વિચારમાત્રથી જ અમે રડ્યાં પણ નથી.”

રાધાજીની હૃદયવાણી સાંભળીને ભગવાનની હૃદયવીણાનાં તાર ઝણઝણી ઊઠ્યા. રાધાજી હજુ પ્રેમથી મીઠી લડાઈ લડવાના મૂડમાં જ હતાં.

તેઓ આગળ બોલ્યાં કે “પ્રેમથી તમે અલગ થઈ ગયા, છુટા પડી ગયાં, એથી તમે શું ગુમાવ્યું અને શું પામ્યાં, એની વાત કરું? શું તમે સાંભળી શકશો?”

ભગવાનના હકારને જોયા પછી રાધાજીએ કહ્યું કે “તમે ક્યારેય એવું વિચાર્યું કે તમે જીવનની દડમજલ અને સફળતાના રાહમાં પાછળ શું શું છોડી ગયા છો? શું ગુમાવ્યું છે? યમુનાનાં મીઠાં જળથી જિંદગી શરુ કરી અને દ્વારકાના ખારા પાણી સુધી પહોંચી ગયા જ્યાં જીવનનો અંત આવ્યો. આંગળીઓના ઈશારા ઉપર ચાલતી બંસરી તમે છોડી દીધી અને એક આંગળી ઉપર ચાલતા સુદર્શન ચક્રને ધારણ કર્યું. જ્યારે તમે પ્રેમના દોરથી જોડાયેલા હતા ત્યારે એક ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકીને લોકોને વિનાશથી બચાવ્યા હતા, હવે પ્રેમથી અલગ થયા પછી એ જ આંગળીઓ કેવા કેવા કાર્ય કરવા લાગી એ જ આંગળીઓ સુદર્શન ચક્ર ધારણ કરીને વિનાશના કામમાં લાગી ગઈ?”

ભગવાન તો ધ્યાનમગ્ન થઈને રાધાજીને સાંભળી જ રહ્યા હતા.

રાધાજીએ થોડી વાર રોકાઈ જઈને કહ્યું કે “કાન્હા અને દ્વારકાધીશ વચ્ચે શો ફરક યા અંતર છે, એ પણ કહું? જો તમે કાન્હા જ રહ્યા હોત તો તમે તમારા બાળસખા સુદામાના ઘેર સામે ચાલીને ગયા હોત. એનું ઘર વર્ષો પછી તમે સામે ચાલીને શોધી કાઢ્યું હોત. દીન અને હીન સુદામાએ સામે ચાલીને તમારા ઘેર ન આવવું પડ્યું હોત. સુદામા કાન્હાના ઘરે નહીં, રાજા દ્વારકાધીશજીના રાજમહેલમાં આવ્યા હતા. યુદ્ધમાં અને પ્રેમમાં આ જ તો અંતર હોય છે. યુદ્ધમાં બીજાને હરાવીને તમે જીતતા હોવ છો, જ્યારે પ્રેમમાં તમે ખુદ હારીને બીજાને જીતાડતા હોવ છો. હે કાન્હા, પ્રેમમાં રમમાણ રહેલ વ્યક્તિ દુઃખી તો રહી શકે છે, પરંતુ બીજા કોઈને દુઃખ આપી શકતો નથી. તમે શું કર્યું? તમે તમારી આખી સેના કૌરવોને સોંપી દીધી અને સ્વયંને પાંડવોના સારથિ તરીકે આધીન થઈ ગયા. સેના તો તમારી પ્રજા હતી અને રાજા તો પ્રજાના પાલક અને અન્નદાતા કહેવાય. પ્રજાનું રક્ષણ કરવું એ તો તમારી ફરજ હતી. વળી, તમે એ રથના સારથિ બનવાનું પસંદ કર્યું કે જે રથમાં બેસીને અર્જુન તમારી જ સેનાના સૈનિકો એટલે કે તમારા ભરોસે રહેલા સૈનિકોને મારી રહ્યો હતો. તમારી પ્રજાસમાન તમારા સૈનિકો અર્જુનના બાણથી મરી રહ્યા હતા ત્યારે તમારા હૃદયમાં કરુણાનો સંચાર ના થયો? તમે તો કરુણાના સાગર કહેવાઓ છો. હકીકત તો એ છે કે તમારામાં કરુણા એટલા માટે ના પ્રગટી, કેમ કે તમે પ્રેમશૂન્ય થઈ ગયા હતા. તમારી ભીતરથી પ્રેમ ગાયબ થઈ ગયો હતો. તમારામાં પ્રેમ બચ્યો જ નહોતો. તમે આજે પણ પૃથ્વીલોકમાં જઈને જુઓ કે તમારી દ્વારકાધીશની છબી તમને ક્યાંય જોવા નહીં મળે. દરેક ઘર યા મંદિર, દેવસ્થળે મારી સાથેની યાને રાધા-કૃષ્ણવાળી યુગલ છબી-પ્રતિમા જ તમને જોવા મળશે. હું માનું છું કે ભક્તજનો તમારા ગીતાજ્ઞાનની વાતો અવશ્ય કરે છે, એનું મહત્વ પણ છે. પરંતુ પૃથ્વીલોકના વાસીઓ યુદ્ધની છબી ધરાવતા દ્વારકાધીશ ઉપર નહીં, પ્રેમમૂર્તિ કાન્હા ઉપર ભક્તિભાવ અને ભરોસો કરે છે. ગીતામાં મારું તો નામ પણ ક્યાંય નથી છતા જ્યારે ગીતાપાઠનું સમાપન થાય છે ત્યારે ભક્તજનો અંતે તો રાધે-રાધે જ કરતા હોય છે.”

રાધાજીની વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ ઘડીભર વિચારતા થઈ ગયા. રાધાજીની વાત ખરેખર તેમને સ્પર્શી ગઈ. દરેક દૃષ્ટિકોણથી રાધાજીની વાત તર્કબદ્ધ હતી અને વિચારણાયોગ્ય હતી. ગોકુળ-વૃંદાવનથી લઈને કુરુક્ષેત્રના રણક્ષેત્ર અને છેક દ્વારકામાં અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધીની જીવનીમાં પ્રેમ અને યુદ્ધ યાને પ્રેમ અને ધિક્કારની મહત્તા શું તે રાધાજીએ બતલાવી હતી.

મહાન વિચારક નિત્સેએ કહ્યું છે કે “તમારા ભાવિ ઉપર તમારો ભૂતકાળ અને વર્તમાન બહુ મોટો ભાગ ભજવે છે. તમારો પરિવેશ, તમારી સંસ્કૃતિ, તમારો વ્યવહાર અને તમારો અભિપ્રાય તમારું ઘડતર કરે છે, જેવા તમે બનવા માગો છો, એવા તમને બનાવે છે.”

“અગર તુમ કિસી ચીજ કો બડી સિદ્દત સે ચાહો તો પુરી કાઈનાત ભી ઉસે મિલાને મેં લગ જાતી હૈ...” અભિનેતા શાહરુખખાનનો આ ડાયલોગ ભલે ફિલ્મી હોય પણ આ જ તો બ્રહ્માંડનો નિયમ છે કે “જેવું ચાહો તેવું પામો.” વિલપાવર. આત્મબળ અથવા મનોશક્તિ મહત્વનું પરિબળ છે. જેને તમે ભરપુર ચાહતા હો, જેની તમે ખરા દિલથી ખ્વાહિશ રાખતા હો, એ આખરે તો તમને મળે જ છે. હા, સમય જરુર લાગે છે. મહત્વનો મુદ્દો છે, ચાહવું. વિશ કરવી. ઈચ્છાશક્તિનું ફળ મળે જ છે.

તમારી ચોઈસ કેવી છે? બધો આધાર ચોઈસ ઉપર પણ રહેલો છે. નિત્સેએ કહ્યું છે એમ તમારા પરિવેશ, તમારી આસપાસનું વાતાવરણ, તમારા મિત્રો, તમારા સાથીઓ વગેરે કોણ છે, કેવું છે, એના ઉપર તમારા વ્યક્તિત્વનો, તમારા ભવિષ્યનો અને સરવાળે તમારા અસ્તિત્વનો આધાર રહેલો હોય છે. તમારી વ્યક્તિગત તાકાત કેટલી છે તે મહત્વનું નથી. તમારી સાથે કોણ કોણ જોડાયેલું છે, અથવા તમે કોની સાથે સંકળાયેલા અને જોડાયેલા છો, એ મહત્વનું હોય છે.

જિંદગીનું સુખ-દુઃખ પણ તમારા સંબંધ ઉપર આધારીત હોય છે. જો તમારા સાથી તમને દુઃખમાં પણ સાથ આપશે તો તમારા માટે દુઃખના દિવસો પણ સુખના બની જશે. પરંતુ જો તમારા સાથી સુખના દિવસોમાં પરેશાન કરી રહ્યા હશે તો તમારા માટે સુખના દિવસો પણ દુઃખદાયી જ રહેવાના છે. સવાલ તમે કોની સોબતમાં રહો છો, એનો છે. મુદ્દો એ છે કે તમે કોનો સાથ પસંદ કરો છો.

એક સરસ મજાની ટચુકડી કથા છે. જંગલમાં એક સસલો સિંહની બોડ બહાર બેઠો બેઠો કમ્પ્યૂટર પર કંઈક કામ કરી રહ્યો હતો.

આ દૃશ્ય જોઈને એક દિવસ ત્યાંથી પસાર થતા એક શિયાળે સસલાને પૂછ્યું કે “અહીં સિંહની બોડ બહાર બેઠા બેઠા આ તું શું કરી રહ્યો છે?”

સસલાએ જરાય ગભરાયા વિના પ્રત્યુત્તર વાળ્યો કે “શિયાળને કઇ રીતે પાડી દેવો તે અંગે કમ્પ્યુટરમાં પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી રહ્યો છું.”

આ સાંભળીને શિયાળ તો ગુસ્સે ભરાયો અને બોલ્યો કે “તું વળી મને કઈ રીતે મારી શકવાનો હતો, પાગલ થયો છે કે શું?”

સસલાએ તો પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે “જો તમને વિશ્વાસ ના બેસતો હોય તો આવો, મારા દરમાં”

શિયાળે શંકા પણ વ્યક્ત કરી કે “આ તો તારું દર છે કે સિંહની બોડ... કેમ ગપ્પા મારે છે?”

ચતુર સસલાએ હસતા હસતા જવાબ આપ્યો કે “તમારી વાત સાચી છે, શિયાળભાઈ, પરંતુ એક સમયે આ બોડ સિંહની હતી પરંતુ હવે નથી. કેમ કે સિંહને મારી-હરાવીને હવે મેં કબજો કર્યો છે, એટલે એ મારું દર જ કહેવાય, બોડ નહીં.”

શિયાળને નવાઈ તો લાગી, છતા તે કુતૂહલવશ સસલાની સાથે બોડમાં ગયો. થોડી જ વારમાં તો સસલો શિયાળના હાડકાનો ટુકડો મ્હોંમાં પકડીને બોડની બહાર આવી ગયો.

બીજા દિવસે સિંહની બોડની બહાર બેઠેલા સસલા પાસેથી એક વરુ પસાર થયું. તેણે પણ જોયું કે સિંહની બોડની બહાર બેસીને નિર્ભય બનીને સસલો કમ્પ્યૂટર પર કશુંક કામ કરી રહ્યો છે.

વરુએ પણ સસલાને પૂછ્યું કે “અહીં સિંહની બોડની બહાર બેસીને શું કરી રહ્યા છો, સસલાભાઈ...?”

સસલાએ આ વખતે પણ શિયાળને આપ્યો હતો એ જ પ્રત્યુત્તર આપ્યો કે “વરુને કઇ રીતે ખતમ કરી નાખવો એ અંગેનો એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી રહ્યો છું.”

સસલાની હિંમત જોઈને વરુને પણ નવાઈ તો લાગી. છતા પણ વરુએ પુછી જ લીધું કે “સસલો વળી વરુને કઈ રીતે ખતમ કરી શકે? ધોળે દિવસે સપનાં જોવાનાં શરુ કર્યાં લાગે છે.”

સસલાએ યુક્તિ અજમાવતા કહ્યું કે “ જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો આવો મારા દરમાં. એટલે તમને ખાતરી થઈ જશે.”

વરુએ તો ધુવાંપુવાં થઈને આ પડકાર ઊપાડી લીધો. બેઉ બોડમાં ગયા, જેને સસલો પોતાનું દર ગણાવતો હતો. થોડી જ વારમાં સસલો વરુના હાડકાંનો એક ટુકડો મ્હોંમાં લઈને બહાર આવ્યો અને કમ્પ્યૂટર લઈને પાછો બોડની બહાર બેસી ગયો.

ત્રીજા દિવસે સિંહની બોડની બહારના ભાગેથી એક રિંછ પસાર થયું. રિંછે પણ જોયું કે સિંહની બોડની બહાર કોઈ પણ જાતના ડર કે ગભરાટ વિના સસલો બેઠો છે અને કમ્પ્યૂટર લઈને કશુંક કરી રહ્યો છે.

રિંછે પણ કમ્પ્યૂટર પર કામ કરી રહેલા સસલાને પૂછ્યું કે “અહીં બેસીને કમ્પ્યૂટર ઉપર શું કરી રહ્યા છો, સસલાભાઈ?”

સસલાએ અગાઉ જેવો જ ગોખી રાખેલો જવાબ આપ્યો કે “રિંછને કઇ રીતે પતાવી દેવો તે અંગેનો એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી રહ્યો છું.”

આ સાંભળીને રિંછ તો ક્રોધે ભરાયો. રિંછ તાડુકીને બોલી ઊઠ્યો કે “તારા જેવા સસલાની શું હિંમત છે કે મારા જેવા કદાવર રિંછને પતાવી શકે?”

આ વખતે પણ સસલાએ ખુબ જ શાંતિથી રિંછને લલકાર કર્યો કે “જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ચાલો, મારા દરમાં.”

રિંછે તો ગુમાનપૂર્વક સસલાનો પડકાર ઊપાડી લીધો અને તેની સાથે તેના દરમાં પ્રવેશ કર્યો. અંદર જઈને રિંછે જોયું તો બોડમાં એક ડાલામથ્થો સિંહ પોતાના પંજા ચાટતો બેઠો હતો. તેની આસપાસ શિયાળ અને વરુના શરીરની ખાલ અને થોડા હાડકાં પણ પડ્યાં હતાં. રિંછના પણ શિયાળ અને વરુ જેવા જ હાલ થયા અને તેનો પણ સિંહે શિકાર કરી નાખ્યો.

વાતનો સારાંશ એટલો જ કે સસલાએ સાવજ સાથે દોસ્તી કરી એથી તેને બે વાતની રાહત થઈ. એક તો પોતાનો શિકાર થતા બચી ગયો અને સાવજ તરફથી પોતાને જીવતદાન, અભયદાન મળી ગયું. બીજું કે આખા જંગલમાં સસલો એટલે સાવજનો દોસ્ત, એવી છાપ ઉભી થઈ હોવાથી જંગલમાં તેનો વટ, માન-મોભો પણ વધી ગયાં. બીજી તરફ સિંહને પણ સસલાની દોસ્તીનો ફાયદો એ થયો કે તેને ઘરઆંગણે જ શિકાર મળી જવા લાગ્યા.

તમે કોની સાથે છો, તમે કોના સંબંધમાં કે સંપર્કમાં છો, એનું જીવનમાં ખાસ્સુ મહત્વ છે. ચોઈસ તમારા ખુદના હાથમાં હોય છે કે તમે સાવજની સાથે રહેવાનું પસંદ કરો છો કે શિયાળ, વરુ અથવા રિંછની સંગત પસંદ કરો છો. પ્રેમસંબંધમાં પણ આવું જ હોય છે. તમે કયા પાત્રની પસંદગી કરો છો, એના ઉપર તમારી જિંદગીનો મોટા ભાગનો આધાર રહેલો હોય છે.

પ્રેમનો માર્ગ ફૂલોની બિછાત નથી, પ્રેમનો રસ્તો કાંટાળો છે. સહેલાઈથી કોઈ ચીજની પ્રાપ્તિ થઈ જાય તો એમાં કશો આનંદ નથી. મજા તો ત્યારે આવે છે કે જ્યારે તમે કોઈ વસ્તુને પામવા માટે જાનની બાજી લગાવી હોય, એટલે કે ભરપુર સંઘર્ષ કર્યો હોય. જીવનમાં મફત કશું મળતું નથી અને મફતનું મળે તેનું કોઈ મૂલ્ય રહેતું નથી. સાવ સહજ રીતે કશુંક પ્રાપ્ત થઈ જાય તો એની કશી કિંમત સમજાતી નથી. પ્રેમનું પણ આવું જ છે. કસોટીએ ચડીને પાર ઊતરે તે પ્રેમ.

સ્ટોપરઃ-

“પ્રેમ એટલે સમર્પણ અને સ્વીકાર, યુદ્ધ યાને તિરસ્કાર અને ધિક્કાર. પ્રેમ હંમેશા જીવનને ઊર્ધ્વગતિ કરાવે જ્યારે યુદ્ધ યા નફરત હંમેશા અધોગતિ, પતન જ નોંતરે છે.”

00000000000000000000000000000000000000000000000000000000000000