પરણ્યાની પહેલી રાત Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરણ્યાની પહેલી રાત

“તો કરો કંકુના...” કરતા માધવીબહેન હરખાઈ ઉઠ્યા, તો સામે પક્ષે સુશીલાબહેનની પણ વરસોની ચિંતાનો અંત આવ્યો હતો. માધવીબહેન બોલ્યા, “તો બોલો ક્યારે આવીએ ગોળ ધાણા ખાવા?” સુશીલાબહેન બોલ્યા, “અમને થોડો સમય આપો અમારે આ છેલ્લો પ્રસંગ છે, તો બધા જ હરખ પુરા કરવા છે.” માધવીબહેન બહુ જ ઉતાવળા થયા, “પ્રસંગતો અમારો ય છેલ્લો જ છે, પણ મારે તો બસ જલ્દીથી કામિનીના પગલા ઘરમાં પાડવા છે.” “હા તે કઈ મારે ઉતાવળ નહિ હોય દીકરીને પરણવાની?” બંને ભાવિ વેવાણની ખુશી સમાતી નહોતી. એક અઠવાડિયામાં સગાઈની તારીખ નક્કી કરીશું કહીને માધવીબહેન પરિવાર સાથે વિદાઈ થયા. માધવીબહેનનો વચલો પુત્ર મહેશ ગ્રેજયુએટ થયો પણ કોઈ સારી જોબ મળી નહિ દર દર ભટકીને ઘરમાં બેસી રહે એના કરતા કામે વળગી ગયો. સાડીની દુકાનમાં જવાનું ચાલુ કરી દીધું.

લાડકી દુકાન બહુ જ પ્રખ્યાત હતી. દુર દુરના લોકો પણ અહી ખરીદી કરવા આવતા. મોંઘી સાડી, સેલા, પટોળા, બાંધણી, અને અવનવી સ્ટાઇલના ચાણીયાચોળી અહીથી જ લોકો ખરીદતા હતા. લાડકી દુકાન બધાની લાડકી હતી. માબાપ પોતાની લાડકીના અરમાન આ લાડકીમાંથી જ પુરા કરતા હતા. આ દુકાન ભવ્ય અને બહુ જ મોટી હતી. મહેશનો મોટો ભાઈ સુરેશ સીએ હતો, અને ધીકતી પ્રેકટીસ પણ ચાલુ હતી તેની વહુ સુધા બહુ જ સારા સ્વભાવની હતી માધવીબહેન અને સુધા મા દીકરીની જેમ રહેતા. નાની બહેન પરણીને સાસરે સુખી હતી. માધવીબહેન મહેશની બહુ જ ચિંતા રહેતી હતી.

મહેશ પાછો હતો ય સ્વભાવમાં ઢીલો, બરાબર ભોળનાથ જેવો ભોળો. ફક્ત પોતાના કામ સાથે કામ ખોટી રકઝક નહિ. સારો ને સાલસ સ્વભાવ. ફેશન પણ નહિ કરતો, પેન્ટ અને ઝભ્ભો એ જ એનો પોશાક. હવે આજકાલની ભણેલી ઘણેલી છોકરીઓ જીન્સ પહેરતી હોય તો પેન્ટ ઝાભ્ભાવાળાને કોણ હા પાડે? બિચારો સવારે કામે ચાલ્યો જાય અને રાતે ઘરે આવી જમીને સુઈ જાય. કોઈ ખોટી આદત નહિ કોઈ ખોટી સોબત પણ નહિ. દુકાનમાં પુતળાને સાડી પહેરાવતા એ દીવાસ્વપના જોતો આ સુંદર સાડી હું મારી પત્ની માટે ખરીદીશ. એકવાર તો સાથે કામ કરતો મિત્ર એના મનનો ભાવ કળી ગયો અને બોલ્યો, “ભાઈ, આપણે ભાભી માટે આવી જ સાડી લઈશુ હો?!!!!!” મહેશ છોભીલો પડી ગયો તો બીજો મિત્ર મજાક કરતો બોલ્યો, “અને હા આમ જ સાડી પહેરાવજે ના ના તારું કામ તો સાડી પહેરાવવાનું નહિ પણ...!!!” અને બધા જોરજોરથી હસી પડ્યા.

રંગેચંગે લગ્ન લેવાય ગયા અને માધવીબહેનને હાશ થઇ જાન ઘરે આવી. મહેમાનોથી ઘર ખીચોખીચ ભરાઈ ગયું હતું. કામિની અચકાતી, ખચકાતી અને શરમાતી કારમાંથી ઉતરી અને માધવીબહેનને વરઘોડીયાના ઓવારણા લીધા. પછી મહેશની નાની બહેન સાક્ષીએ કામિનીનો હાથ પકડી મહેશના રૂમમાં લઇ ગઈ અને બોલી ભાભી તમે આરામ કરો કઈ જોઇતુ હોઈ તો જણાવજો. હું હમણા જ કીર્તિ, મનીષા, સ્વાતી, જ્યોતિને મોકલું છું જેથી તમને એકલવાયું ના લાગે. કામિનીએ સુંદર આંખોની પલકો ઝાબકાવીને હા કહ્યું. સાક્ષીએ દરવાજો બહારથી હળવો બંધ કર્યો.

અહી મહેશ બીજા ઓરડામાં એના દોસ્તો અને ભાઈબંધો સાથે બેઠો હતો. ઘરની સ્ત્રીઓ ગીતો ગાતી હતી સુધા અને માધવીબહેન પણ ઈતર કામમાં વ્યસ્ત હતી. જમીકરીને નજીક રહેતા મહેમાનોએ વિદાઈ લીધી અને બીજા બધા પણ આડે પડખે થયા. સ્વાતી, કીર્તિ, મનીષા, જ્યોતિ અને સાક્ષી હજી કામિની સાથે રૂમમાં જ હતા. બધા વાતો કરતા હતા અને વચ્ચે વચ્ચે ખીલખીલાટ હસવાનો પણ અવાજ આવતો હતો. કામિની નીચી નિગાહો કરીને બેસી હતી એના હૈયામાં રઘવાટ હતો જાતજાતના વિચાર આવતા હતા. ઘડીકમાં ઘાઈ અનુભવતી હતી તો ઘડીકમાં સમય હાથમાંથી સરી જતો હોય એમ લાગતું હતું. મનમાં મામી અને ભાભીએ આપેલી શિખામણ યાદ કરતી હતી અને એની બહેનપણીઓએ તો ખાસ કહ્યું હતું કે જરાયે ચિંતા કરતી નહિ પણ મન તો વિચારોના ચકડોળથી નીચે ઉતરતું જ નહોતું. જે રાતની વરસોથી રાહ જોતી હતી એ સામે આવીને ઉભી હતી પરંતુ શાંતિ જ નહોતી મનમાં.

આ બાજુ મહેશ પણ ક્યારનો અકળાતો હતો. ભાઈબંધોની હહાહીહી ને ઠઠ્ઠા મશ્કરી કરી રહયા હતા. પરંતુ મહેશના કાને કંઇ જ પડતુ નહોતુ એ પોતાના વિચારોમાં જ મસ્ત હતો. શું કરવું ? કેમ કરવું? શરૂઆત કેમ કરું? આખરે જો ક્યાય કાચું કપાય ગયું તો? શું કામિની માનશે ખરી? શું એનો સહયોગ મળશે? સગાઇ પછી ઘણીવાર વિચારીને મનથી તૈયાર થવાના પ્રયત્ન તો કરેલો પણ આજે ફરી નર્વસ થઇ ગયો હતો. વિચારોમાં ખોવાયેલો જોઈ એક મિત્ર બોલ્યો, “ભાઈ તું અમારાથી કંટાળી ગયો છે કે કેમ કઈ બોલતો નથી?” મહેશ અને કામિની સગાઈ પછી બહુ જ ઓછા મળેલા અને એકલામાં તો બિલકુલ નહોતા મળ્યા. વારે તહેવારે કામિની મહેશના ઘરે આવતી એ જ. શરમાળ પ્રકૃતિનો હોઈ હાસ્યની આપલે થતી. ક્યારેક કેમ છો નો સંવાદ થતો અને ખપ પુરતી વાતો થઇ હતી એ પણ જયારે બધા ઘરના હાજર હોઈ ત્યારે. આજે એકલા મળવાનું હતું સાથે મળીને સંસાર માંડવાનો હતો. આજની રાતે શું કરે પરિચય કેળવે મનમાં થતો હિચકીચાહ સંભાળે કે પછી..... કઈ કેટલા પ્રશ્નો હતા મનમાં.

માધવીબહેન આવ્યા અને બોલ્યા, “છોકરીઓ તમારી ધીંગા મસ્તી પૂરી થઇ હોય તો કામિનીને એકલી છોડો હવે આખા દિવસની બિચારી થાકેલી છે એને આરામ લેવા દેવાય બેટા કામિની તું સુતી હતી કે નહિ?” કામિની કઈ કહે એ પહેલા જ સાક્ષી બોલી, “મમ્મી તમારા જમાનામાં દુલ્હન સુઈ જતી હશે અમારા અમારા જમાનામાં તો જ્યાં ત્યાંથી ટીપ્સ જ એકઠી કરવાની હોય....!!!!!” અને એ સાથે જ રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું મસાલાવાળા દુધની ટ્રે ટીપોય પર મુકતા માધવીબહેન બોલ્યા, “જોગમાયા હવે ખમ્મા કરો” બધી છોકરીઓ ધીરે ધીરે રૂમની બહાર નીકળી ગઈ. હવે રૂમમાં સાક્ષી અને માધવીબહેન જ હતા. કામિનીના ચહેરા પર ચિંતા અને સાથે શરમના વાદળા છવાયેલા જોઈ તેમની બાજુમાં બેઠા અને પ્રેમથી માથે હાથ ફેરવ્યો પછી ઉભા થયા અને સાક્ષીનો હાથ પકડી બહાર ગયા સાક્ષી બોલી ઉઠી, “મમ્મી મારે ભાભી સાથે બેસવું છે” પણ માધવીબહેન બહાર લઇ જ ગયા.

વરસોથી જે રાતની વાટ જોતી હતી તે જીવનના આંગણે આવી જ ગઇ હતી. કામિની હવે ટટ્ટાર બેસી ગઈ આખો રૂમ ખાલી હતો એટલે સમજી ગઈ હમણાં મહેશ આવશે. ત્યા જ મહેશ આવ્યો એકદમ ધીમા પગલે આંખોમાં અનિશ્ચિતતામાં ભાવ સાથે રૂમમાં પ્રવેશ કર્યો. એને આવેલો જોઈ કામિનીએ શરમથી મો ઝુકાવી લીધું એ સાથે જ માથે ઓઢેલી સાડીથી એનો ચહેરો છુપાઈ ગયો. મહેશને એ દ્રશ્ય એટલું મનોરમ્ય લાગ્યું જાણે પુનમનો ચંદ્ર વાદળમાં ખોવાઇ જાય...!!!! અચાનક જ એને પોતાના આવા ખયાલથી આશ્ચર્ય ઉપજ્યું કારણ કે પોતે ક્યારેય આમ કવિતા કે શાયરીમાં રસ લીધો જ નહતો હતો. જયારે ભાઇબંધો કવિતા શાયરી કરતા ત્યારે ઘણો જ કંટાળો આવતો હતો. હમણાં દિલમાં આમ કેમ અનુભવાયું પછી એને જ એના મનને સમજાવ્યું કે પ્રેમમાં પડવાના લક્ષણ છે. તેણે હળવેકથી દરવાજો બંધ કર્યો. રોજ આ જ કમરામાં આવતો હતો પણ આજે તો કઈ અલગ જ લાગણી અનુભવતી હતી. આખો કમરો બહુ સરસ રીતે સજાવેલો હતો બારી પર સુંદર પડદા લગાવ્યા હતા. હમેશા એકબાજુએ રહેતો પલંગ આજે રૂમની વચોવચ હતો. પલંગની ફરતે લાલ રંગના ગુલાબથી સુંદર ગુંથણીનો પડદો બનાવેલો અને એ લાલ ગુલાબથી ઓરડો મહેકી પણ રહ્યો હતો. પલંગ પર સફેદ રેશમી ચાદર પાથરી હતી. ચાદર પર ગુલાબની પાંખડીઓ વેરી હતી. કામિનીના ગજરામાથી પણ ત્રણ ચાર પાંખડી ખરીને પડી હતી. એની ઉપર લાલ સોનેરી ઘરચોળામાં રૂપસુંદરી બિરાજમાન હતી તે ફક્ત સોનાના ઘરેણાથી જ નહિ પણ શરમના ઘરેણાથી પણ ઓપી રહી હતી. આખા ઓરડામાં રંગબેરંગી અને ચળકતા કાગળથી સુશોભન કરવામાં આવ્યું હતું. છત પર નાના નાના ફુગ્ગો લગાડવામાં આવ્યા હતા.

જેવો મહેશ રૂમમાં પ્રવેશ્યો કે તરત જ કામિનીનો શ્વાસ અધ્ધર થઇ ગયો હતો. શરીરમાં આછી ધ્રુજારી વછૂટી હવે શું થશે એમ વિચારતી હતી મુખ તો ઘૂંઘટમાં છુપાયેલું હતું, એટલે મહેશ એના મનની દ્વિધા સમજી શક્યો નહિ, પણ કામિનીના વિચારોનો ઉત્પાત ફક્ત એના ચહેરા પર જ નહિ એના કોમળ મહેંદી રંગ્યા પગની આંગળીઓ પર પણ જોવા મળતો હતો........ કામિનીના પગની આંગળીઓ શરમને કારણે સંકોચાતી હતી મહેશ એના દિલની હાલત સમજી ગયો પણ મહેશના દિલમાં તો બીજું યુદ્ધ ચાલુ હતું.... કેમ કરીને શરૂઆત કરવી? આખરે એ પલંગની એક બાજુએ બેઠો કામિનીઓ ઉછળતો શ્વાસ મહેશ સાંભળી શકતો હતો. મહેશે ધીરેથી કહ્યું, “કામિની બહુ થાકી ગઈ હોઈશને? આરામ કરવો હોય તો...” કામિની બોલી, “તમે પણ થાકી ગયા હશોને લાવો પગ દબાવી આપું ?” કહીને ઘૂંઘટ હટાવવા મહેંદીવાળા હાથ ઊંચા કર્યા. આખો કમરો એની બંગડીના રણકારથી ગુંજી ઉઠયો. મહેશને એ એક મધુર સંગીત જેવું લાગ્યું પણ તરત જ મહેશે એના હાથે કામિનીનો ઘૂંઘટ ખોલ્યો. મહેશ આટલા રૂપાળા ચહેરાને જોઇને અંજાઈ ગયો. મહેશ એક પલક કામીનીને નીરખી રહયો એ સમજી નહતો શકતો કે કામિની ઘરેણાથી શોભી રહી છે કે ઘરેણા કામિનીથી!!!! કામિનીના ચહેરો શરમથી લાલચોળ થઇ ગયો એની પલકો ઝુકી ગઈ. એના ધનુષ જેવા હોઠે સ્મિત આપ્યું જાણે ધનુષને પણછ ચડાવી હોય. મહેશના દિલમાં સાથે એક ટીસ ઉપડી એક નાદાન ભોળી છોકરીને ક્યાંક છેતરી તો નથી? તે હિંમતભેર બોલ્યો, “કામિની મારે તને એક વાત કરવી છે...” “હા બોલો” શરમાતા જ કામિની ટહુકી. મહેશ બોલ્યો, “મેં તારાથી એક વાત ખોટી કહી છે” કામિનીનો ચહેરો થોડો ઉદાસ થઇ ગયો કે શું વાત હશે? એના હૈયામા શંકાના વમળ સર્જાયા. મહેશ આગળ વધ્યો, “સાંભળીને હું નિર્ણય લેવાનું તારા પર છોડી દઇશ, મને તારો નિર્ણય મંજુર હશે” કામિનીના હોશ ઉડી ગયા હતા મનમા જ પ્રભુનુ રટણ કરવા લાગી પણ સ્વસ્થતા ધારણ કરી બોલી, “બોલોને તમતમારે શું છે?” “તું કદાચ જાણતી હોઇશ મારી રહેણીકરણીથી બધી છોકરીએ મને નાં કરી હતી અને મારી જોબ પણ એટલી સારી નથી..” કામિની ચુપચાપ સાંભળી રહી હતી. “મા એ કીધું હતું કે હું લાડકી સ્ટોરનો મેનેજેર છું” મહેશનો અવાજ એકદમ ઢીલો થઇ ગયો “પણ હું એક સામાન્ય હેલ્પરનું કામ કરું છુ શું તું મારી સાથે છતાએ રહેવા પસંદ કરીશ ? મને માફ કર માએ તારી સામે ખોટી રજૂઆત કરી હતી”. કહીને મહેશ નીચું જોઈ ગયો કામિનીએ મહેશનો પડેલો ચહેરો જોઇને કામિની સમસમી ઉઠી પણ જાતને કાબુમાં રાખીને હળવા અને નમ્ર અવાજે બોલી, “મહેશ તમે ત્યાં કામ શું કરો છો”. મહેશની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઈ કહેતા એની જીભ અચકાઈ ગઈ પણ જ્યાં પોતે જ હિંમત કરીને શરૂઆત કરી હતી ત્યાં હવે પાણીમાં બેસી જવું નકામું જ હતુ એ નીચી નજરે હારેલા સ્વરે બોલ્યો, “સાડીના પોટલા ઊંચકીને લાવવાના, પુતળાને સાડી પહેરાવવી, દુકાનની ઈતર નાની મોટી જરૂરીયાત પૂરી કરવાની અને દુકાનના માલિકના ચશ્માથી લઇને જરુર પડે ત્યારે ગાડી પણ સાફ કરવાની. બધી જ મદદ પૂરી પાડવાની. મારો પગાર ફકત બાર હજાર જ છે આ ઘરની જાહોજલાલી મારા ભાઇ થકી છે”. કામિનીની તેજ નજર મહેશ પર જ હતી તે બોલી, “અચ્છા તો આ કામ કરો છો” કામિની બોલી ઉઠી તમે સમજો છો શું પોતાને?” મહેશની હાલત વધુ કથળી. “મને બધી જ ખબર છે આપણા લગ્ન બધું જાણ્યા પછી જ નક્કી થયા છે!!!” સાંભળીને મહેશ થોથવાયો કામિની આગળ વધી, “મારા પપ્પા તમારા શેઠને મળ્યા હતા તેમને કીધું કે તમે બહુ જ ખંતીલા છો, પ્રમાણિક અને ઈમાનદાર છો કોઈ કામ નાનુ નથી સમજતા, બધાને બહુ જ માન આપો છો, તમને શુ લાગે છે હુ તમારા મોટા ઘરને પરણી છુ મને તમે પસંદ પડયા છો. રહી વાત તમારા કામની. તો મોટા અને જવાબદારીવાળા કામ કરનારા મોટા અફસરો પણ શરુઆતમાં આવા જ કામ કરીને આગળ આવતા હોય છે. સોં ની ગણતરી પણ એકડો ઘુંટવાથી જ તો થાય છે” મહેશ આભો થઇને સાંભળતો રહયો તેને વિશ્વાસ નહોતો બેસતો કામિનીની વાતો પર. કામિની બોલી, “હજી એક સારા ખબર આપુ? મહેશે આંખોથી સમ્મતિ આપી “શેઠ તમને બહુ જ જલ્દી મૅનેજર બનાવવાના છે અને તમારે આખા સ્ટોરની ફકત દેખરેખ કરવાની છે” મહેશના મનનો બોજો હવે રીતસરનો ઉતરી ગયો હતો મનમા ને મનમા ભગવાનનો ધન્યવાદ માન્યો કે પોતાને ફકત રુપાળી જ નહી પણ સમજુ પત્ની મળી છે. મહેશ આગળ બોલ્યો, “તને એ વાતનો રંજ નથી કે તારો પતિ મામુલી નોકરી કરે છે?” કામિનીએ મકકમતાથી જવાબ આપ્યો, “તમારા શેઠે કહયુ તે પ્રમાણે તો હું કહીશ કે તમે મહામુલી નોકરી કરો છો!!!” મહેશના મનમા હજુ દ્વિધા હતી, “તને એ વાતનુ દુખ નથી કે મા તારી સામે તારા ઘરવાળા સામે ખોટુ બોલી?” “દુનિયાની કઈ મા દીકરાને પરણાવવા ઉત્સુક નાં હોઈ? અને મા એ સાચુ જ કીધું છે ને તમે લાડકીમાં કામ કરો છો ને અને ત્યાં બધુ જ સાંભળો પણ છો ને? કામ ભલે નાનું હોય પણ એની પાછળની જવાબદારી તો મોટી છે ને?” “તમારે મને ફસાવવી હોત તો અત્યારે પણ કબુલાત જ ન કરી હોતને” મહેશ કામિનીનું આટલું નિર્મળ હ્રદય જોઇને ખુશ થઇ ગયો. હવે તો એની આવતાની સાથે જ એની બઢતી પણ થવાની હતી. સાચે જ વિચારતો હતો કે કામિની ગૃહલક્ષ્મી છે. પોતાને ખુબ જ હળવો ફૂલ થઇ ગયો હોય એમ લાગ્યું. અને પોતે ખોટી રીતે મનમાંને મનમાં પરેશાન થઇ ગયો હતો. એને મા અને ભાભીની પસંદ પર ગર્વ થયો.

હવે બન્નેના મુખ પર શાંતિ છવાઇ ગઇ. બન્ને વચ્ચે તારામૈત્રક ચાલ્યુ. અને કામિનીના નયનો ઝુકી ગયા તેની આ અદાથી મહેશ બેબાકળો થઇ ગયો, અધીરો થઇ ઉઠયો એટલે કામિનીને પોતાની આગોશમાં લેવા તડપી ઉઠ્યો. સામે કામિનીની સ્થિતી પણ કંઇક એવી જ હતી. બન્નેને એક એક પળ સો વરસ જેટલી લાગતી હતી અને મહેશ ધીરેથી રહીને કામિનીની નજીક સરકયો અને કામિની ડરની મારી પાછળ ખસી. મહેશે હળવેકથી કામિનીનો હાથ પોતાના હાથમાં લીધો અને પછી પપાળ્યો. કામિની હાથ છોડવા નાકામ પ્રયત્ન કરી રહી હતી...... અંતે મહેશે પહેલ કરી બાહો ફેલાવી કામિનીની નજીક આવ્યો. કામિની બોલી ઉઠી, “એક મિનીટ..............” બહેનપણીઓએ આપેલી શિખામણ પ્રમાણે બોલી, “ પહેલા દૂધ તો પી લો..!!” કરીને ગ્લાસ આગળ ધર્યો. મહેશે એક જ ઘુંટડામા ગ્લાસ પુરો કરી દીધો અને કક્ષની લાઇટ બંધ થઇ ગઇ.........................