Rang Chhe Barot books and stories free download online pdf in Gujarati

Rang Chhe Barot

રંગ છે બારોટ

ઝવેરચંદ મેઘાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.વિક્રમ અને ખાપરો

૨.વિક્રમ અને પ્રભાત ચાવડો

૩.બાપુ ભાલાળો

૪.ચાર સાર

૫.પરકાયા પ્રવેશ

૬.દરિયાપારની દીકરી

૭.કાઠીકુળ

૮.જનમના જોગી

૯.નાગ ને બામણ

૧૦.ભેરિયો ને ભૂજિયો

૧૧.ચંદણ-મેણાંગરી

૧૨.ખાનિયો

૧. વિક્રમ અને ખાપરો

ઉજેણી નગરી ને રાજા વી વિક્રમનાં રાજ : ખાતો ખાય ને ભરતો ભરે.

એક વાર તો ઉજેણમાં ખાતર પડવા મંડ્યાં. રાજા વિક્રમ પોતે રાત જાગે ને માણેકચોકમાં પે’રો ભરે.

એમાં મધરાતને સુમારે ખાપરો નીકળ્યો ખાતર પાડવા.

રાજા વિક્રમે પૂછ્યું : “એલા ખાપરા ! મીટે જાછ કે કમીટે ?”

ખાપરો કહે : “મોટા રાજા, મારી કમીટ હોય નહિ. આજ તો આપની તિજોરી તોડવી’તી.”

“ખુશીથી જા ને, ખાપરા ! જા, તિજોરી તોડીને બે કોથળી ઘેરે મૂકીને આવ્ય.” ખાપરો કહે : “ના રે ના, મોટા રાજા ! હું તો મારા કસબની જ કોથળી લઉં છું, એ જ મને જરે છે.”

વિક્રમ ને ખાપરો બેય આમ વાતું કરે છે, ત્યાં તો ચાર સાહેલિયું નકળી : ઝાંઝર રમઝમ ! રમઝમ ! થયાં.

“એલા ખાપરા ! આ વળી કોણ ?”

“બાપા, આ તો નવતેરી નગરી છે, કોણ જાણે કોણ હશે ?” ઓરી આવી એમ તો ચારેયને ઓળખીઃ “અરે, આ એક તો રાણી ભાણવંતીજી, બીજી બધસાગરા પરધાનની કુંવરી, ત્રીજી ભામણી, ને ચોથી રાંડ ગાંગલી. લોંડિયું અટાણે ક્યાં જાણી હશે ? તીર ભેળી વીંધી નાખું !”

“હાં... હાં... હાં... મોટા રાજા ! જોજો હો કાંઈ છેડ કરતા ! ભેળી ગાંગલી છે ઈ ભૂલશો મા ! કાગરો કરી મૂકશે.” ગાંગલી પણ કેવી ?-

અઢીક હાથનું કાઠું,

પાકલ જાંબુડા રોખો વાન,

માંજરિયું આંખ્યું.

ઓડ્યથી ઊંચા બાબરકાં,

ચાર ચાર તસુ પગની નળિયું,

ચોથિયા વા પગ,

પીંજારાના ઘરનો જાણે ગોળીટો.

ખંભે સાડલો.

આભામંડળનાં ચાદરડાં હેઠે રમાડે એવી !

આગળ ગાંગલી ને વાંસે ત્રણ જણિયું. મંડી ચાલવા. ચાલી શે’ર બહાર.

વિક્રમ ને ખાપરો વાંસે વાંસે ચાલ્યા - વોંકળીની ભેખડનો ઓથ લઈને.

શે’ર બહાર જઈને ગાંગલીએ વડલા હેઠળ પડ કર્યું. આસમાનની અંદર અડદના દાણા છાંટ્યા એટલે ઘરરર ! ઘરરર ! અવાજ થયો, ને હેઠો ઊતર્યો ઇંદર મા’રાજનો મોનિયો તબલચી.

“હાં મોનિયા ! થવા દે ટીંગર નાટારંભ !” ટીંગર નાટારંભ કેને કે’વાય ? - કે’

ખંભે દૂધના પિયાલા.

માથે બાર ગાગરનું બેડું.

એટલાં વાનાં લઈને -

દસે આંગળીએ ચક્કર ફરવાં,

જીભે મોતી પરોવતાં જાવાં,

કટારની ધાર માથે પગલાં માંડવાં.

એવી તરેહનો નાટારંભ દેખીને ભામમતીને મોજ આવી -

“આ લે મોનિયા, આ મારો નવસરો હાર ! મને મોજ આવી છે. જો મોજ મારું તો મગરમચ્છ સરજું !” પછી ગાંગલી બોલીઃ “અરે બાઈયું ! આજથી ત્રીજી રાતે અજાબેટના રાજાની કુંવરીનો સ્વયંવર છે. આપણે ત્યાં જોવા જાયેં.”

ભાણમતીએ કહ્યું : “મારાથી તો નહિ અવાય. ત્રીજી રાતે તો રાજા વિક્રમનો મારે મો’લે વારો છે.”

ગાંગલી કહે : “અરે, નહિ અવાય શું ? રાજા વિક્રમ ઊંઘી જાય એટલે છાતી માથે મારા મંત્રેલ અડદના દાણા મેલી દેજો. એવું ઘારણ વાળું કે બારે વરસે ઘેર આવીને બેઠો કરું.”

“અજાબેટ જાશું કેમ કરીને ?”

“આ સધવડલો ઉડાડીને.” વિક્રમ તો આ વાતું સાંભળીને થરથરી ઊઠ્યો. પણ ખાપરાએ કહ્યું : “મોટા રાજા ! બીઓ મા. વળો ઝટ પાછા. આપણે કાંક મારગ કાઢશું.”

વળતે દી ખાપરો તો ગણગારા સુતારને ઘેર ગયો છે. ગણગારા સુતારે ખાટલી ઢાળી દીધી છે. કાકાને ખાટલી ન ઢાળી દ્યૈ તો સાતમે પાતાળથી ઉપાડી જાય !

“ગણગારા સુતાર ! સધવડલાના થડમાં એક એવી ડગળી પાડી દે કે છૉડિયુંય હેઠળ ન પડે, ને માલીકોર બે માણસ, બેયનાં હથિયાર - પડિયાર ને હોકો સામી જાય.” ગણધરા સુતારે બરાબર કહ્યા પ્રમાણે જ સધવડલાના થડમાં કોરણી કરી દીધી છે. છૉડિયુંય હેઠે ન પડવા દીધું. અધ્ધર ને અધ્ધર કોરણી કરી.

ત્રીજા દિ’ની રાતે રાણી ભાણમતીને ઓરડે રાજા વિક્રમ ગયા અને એ તો ખોટેખોટું કરીને સૂઈ ગયા. રાણી ભાણમતીએ છાતી માથે જેવા અડદના દાણા મૂક્યા અને ગાંગલીએ શીખવેલો આ મોહની-મંત્ર બોલીઃ

હથેળીમેં હનમંત

ભાળ્યે ભેરવ.

ચલનેકી ચાલ બાંધું

બોલનેકી જીભ બાંધું

મોં બાંધું

બાંધું નગર સારા.

ગામધણીકું થળ બેસારું

મોહની નામ હમારા.

મો’લ બેઠાં રાજા તેડાવું

કામરુ દેશ, કમસા દેવી,

ત્યાં વસે અસમાલ જોગી

અસમાલ જોગીએ વાડી વાવી

રાજા મો’યો, પરજા મો’ઈ,

મો’યા નગર સારા

વાછા ચૂકે ઊભો સૂકો

પડે ધૂપકી કંડમાં

જાય ખડી મસાણમાં

ચલો મંત્રો ફટકત ચૂવા.

- તેવી તો છાતીમાં ચાર નાગફણિયું ધબેડી હોય એમ વિક્રમની કાયા ખાટ સાથે ચોંટી ગઈ. રાજાને મેલીને ભાણમતી ચાલી નીકળી.

રાજાએ આગિયા વેતાળને તેડાવ્યો, પણ એ કહે કે, “મારી સત્તા ઈ ગાંગલીના મંત્રેલ અડદને ઊખેડવાની ન મળે. ચાર જગની જોગણી કાળકાની જ સત્તાની વાત છે એ તો !”

વિક્રમે માતા કાળકાને તેડાવ્યાં, પછી જ પોતે ખાટ્યેથી ઊઠી શક્યો.

વિક્રમ અને ખાપરો ઝટપટ પહોંચ્યા સધવડલે, અને ગણગારા સુતારે કોરેલ પોલાણમાં હથિયાર - પડિયાર ને હોકો લઈ બેસી ગયા. પછી ડગળી જેવી હતી તેવી બંધ કરી વાળી.

પછી ચારે જણિયું આવી ને સધવડલાને માથે ચડી ગઈ.

ગાંગલીએ કહ્યું કે : “બાઈયું, તમારી સાડીયું વલડા હારે બાંધી દેજો હો ! વડલો મહાસાગરને માથે ઊડશે.”

“હો ગાંગલી માસી !” એમ કહીને ત્રણે જણિયુંએ પોતપોતાના સાડલા સધવડલા હારે કસકસાવીને બાંધી લીધા, એટલે ગાંગલી ઝાડને ઉડાડવાનો મંત્ર બોલી :

લીલી ઘોડી, લીલાં પલાણ,

જઈ કરે માવલ વીરકું સલામ

મેરા વેરી મેરા ભ્રખ

ઊઠ પો’ર, ઊઠ ઘડી,

લીધા વિના પાછી ફરે

ચોસઠ જોગણી બાળીને ભસમ કરે.

ઉડાડ્યો ઘરર ! ઘરર ! ઘરર ! ઘડી - બે - ઘડીમાં તો અજાબેટ આવી પહોંચ્યાં. વડલો હેઠે ઊતર્યો. ચારે જણિયું ચાલી રાજદરબારમાં.

ગાંગલી કહે કે, “બાઈયું, લગનના એવા સોળા ગાવા છે કે મલકના રાજાઓનાં ડાચાં ફાટી રે’ !” વાંસેથી વિક્રમ અને ખાપરો બહાર નીકળ્યા. જઈને એક કુંભારણને ઘેર ઉતારો કર્યો.

રાજાને ઘેર સ્વયંવર થાય છે, હજારું મશાલોના તોરા મંડ્યા વછૂટવા, હજારું હાથણી જેવી સાહેલિયું સોળા લલકારે છે. મલકમલકના રાજા આવીને બેઠા છે.

હાથણીને લાવ્યા. માથે અંબાડી છે હેમની, ને માવ’ત બેઠો બેઠો પડકારા કરે છે કે, “ખબરદાર, હે ગણેશરૂપ !

રાજ જોજે, પાટ જોજે,

ગામ જોજે, ગરાસ જોજે,

જાત જોજે, ભાત જોજે,

નામ જોજે, ઠામ જોજે.”

હાથણી તો સૂંઢમાં કળશ લઈને મંડી ફરવા. એક પછી એક તમામ રાજાઓને જોઈ વળી. પણ એકેયને માથે દિલ ઠર્યું નહિ.

પછી તો હાથણી ઉકરડા માથે મંડાણી. ત્યાં કોણ ઊભું છે ? રાજા વિક્રમ અને ખાપરો. હાથણીએ તો રાજા વિક્રમને માથે કળશ ઢોળ્યો, ને એને પોતાની સૂંઢે કરીને અંબાડીએ ચડાવી લઈને હાથણી પાછી હાલી. વાંસે ખાપરો પૂંછડે વળગી ગયો, નીકર તો એને કોણ રાજમોલમાં પેસવા દે ?

વિક્રમે તો વેશપલટો કરેલો. કોણ ઓળખી શકે ? બામણ કહે : “તમારું નામ કહો !”

ત્યાં તો ખાપરે બામણના હાથને મચરક દીધી. બામણ નામ સમજી ગયો.

ત્રોડા, ટૂંપિયા, મોહનમાળા ને મંદીલ વિક્રમને પે’રાવીને માતળોકી ઇંદ્ર બનાવીને પરણવા મોકલ્યો. વિક્રમ રાજા પોંખણે આવ્યા.

કોણ પોંખવા જાય ? બીડદાર ફર્યો. જેને પોંખવા જાવું હોય ઈ બીડું જમે !

બીડું તો ભાણમતીએ ઝીલ્યું. ભાણમતીએ વિક્રમને પોંખ્યા. મોતીનો થાળ લઈને પોંખવા ગઈ.

ચાર મંગળ વરતીને વિક્રમે મેડીએ ઉતારો કર્યો.

મેડીમાં તો જગાજ્યોત લાગી છે.

બિલોરી કાચનાં નળિયાં,

અગરચંદણનાં આડસર,

પરવાળિયુંના વળા -

ધમકાર થઈ રહ્યો છે.

રાજકુંવરી તો -

મોથ વાણી, એલચી વાણી,

ખળખળતે પાણીએ ના’ઈ

ઘટ પરમાણે આરીસો માંડી,

વાળે વાળે મોતાવળ ઠાંસી,

થાળ લઈ મેડીએ ચડી છે.

હાલે તો કંકુ-કેસરનાં પગલાં પડે,

બોલે તો બત્રીસ પાંખડીનાં ફૂલ ઝરે,

પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે.

હામકામલોચના

ત્રાઠી મૃગલીનાં જેવાં નેણ

ભૂખી સિંહણના જેવો કેડ્યનો લાંક,

ઊગતો આંબો,

રાણ્યનો કોળાંબો,

બા’રવટિયાની બરછી,

હોળીની જાળ,

પૂનમનો ચંદ્રમા,

જૂની વાડ્યનો ભડકો

ને ભાદરવાનો તડકો.

એવાં રૂપ લઈને, થાળ પીરસીને ત્રણસે ને સાઠ પગથિયાં ચડી.

મારુ ચલી મોલ પર, દીપક જગાડ્યે,

હાલિયો, લંકા લગાડ્યે.

મારુ ચલી મોલ પર, છૂટા મેલ્યા કેશ,

જાણે છત્રપત ચાલિયો, કો’ક નમાવા દેશ.

મારુ ચલી મોલ પર, છોડ્યે કળરી લાજ,

અરિયારાં ગઢ ઉપરે, ધધકાર્યો ગજરાજ.

મારુ ઠેઠ પલંગ ચડી, કચવા મેલ્યા દૂર,

ચકવા રે મન અર્ણંદ ભયો, જાણે ઊગ્યો સૂર.

ઉપર આવી ત્યાં તો “ઓરાં આવો !” એવા ત્રણ આવકાર મળે છે. વિક્રમ થાળ જમે છે. માનસરોવરનો હંસ મોતી ચરે એમ ત્રણ નમાલા લીધા છે.

ને પછી તો -

થંભ થડકે મેડી હસે, ખેલણ લગ્ગી ખાટ,

સો સજણાં ભલે આવિયાં, જેની જોતાં વાટ.

વાટ બુવારાં ને ગણ ચળાં, દીઓળે દીવા લેશ,

જે દેશથી આવશે મુંજો નાવલો, એ દેશનાં ઘાંઘળ લેશ.

ઊંચો નાળિયર ઓરડો, મદરો સીસો હાથ,

લડથડતી પ્યાલી લિયે, ને ચોમાસારી રાત.

રાજા વિક્રમને તો રંગનાં ચટકાં લાગ્યાં છે, પણ ખાપરે કહી મેલ્યું હતું કે, “જોજો હો ! છાળી કાંટ્યે વળગી રે’ નહિ ! નીકર ઉજેણી પોગતાં છ મહિના લાગશે ને વાંસે આદુ વવાઈ જશે !”

એમ વિચારીને વિક્રમ તૈયાર થયો. શહેર બા’ર નીકળીને ખાપરા પાસે આવ્યો. ખાપરે વિક્રમનું ટીલું ભૂંસી નાખ્યું. મીંઢળ છોડી નાખ્યો. ચડી બેઠા સધવડલાની પોલમાં, ને પછી ચારે બાઈયું આવી. ગાંગલી વડલાને ઉડાડવાનો મંત્ર બોલી. વડલો ઊડીને ઉજેણી ભેળો થઈ ગયો. બાઈયું ઊતરીને ચાલી એટલે વિક્રમે ને ખાપરે પણ ખેંતાળી મૂક્યાં મો’લ ભણી.

રાત બાકી હતી. ખાપરે રાજાને સુવરાવી, ઓલી અડદની ઢગલિયું એની છાતી ઉપર બરોબર હતી તેવી પાછી ગોઠવી - કરીને પછી એ ચાલ્યો ગયો.

ભાણમતી પાછી આવી. રાજાને તો સૂતા જોયા. પણ રાતે પોંખ્યા તે ઘડીથી જ વહેમ તો પડી ગયેલ. ઘડીક હાથ જુએ, ઘડીક કપાળ જુએ, પણ રાતના મામલાની કાંઈ નિશાની જડે નહિ. પછી વિક્રમનો અંબોડો જોતાંજોતાં ભાણમતીની નજરે એક કંકુવાળો ચોખો પડ્યો ! હાં ! એ જ આ તો ! રાતે મેં ટિલાવેલ તે વખતનો જ આ કંકુવાળો ચોખો!

જેની ઘડીએ વિક્રમ ઊંઘ લઈને બેઠો થયો તેની જ ઘડીએ ભાણમતીએ ગાંગલીને તેડાવી. ગાંગલીએ મંતર ભણીને વિક્રમને પોપટ કરી મેલ્યો.

પોપટ બની ગયેલ વિક્રમને વાચા ઊઘડી : “અરે, મારો એક ગુનોય ન માફ કર્યો!”

પણ પછી તો ભાણમતીએ પોપટનો જીવ તાળવે ચડાવી દીધો.

ખાપરો તો રોજ રાજાની વાટ જુએઃ અરે, આ બા’ર કાં નીકળે ? ન નીકળ્યે શિકારે, ન કરી કચારી ! નક્કી માળવો રંડાવ્યો લાગે છે લોંડી ગાંગલીએ !

દિન ગણંતાં માસ ગયા, વરસે આંતરિયાં ! ખાપરો તો અજાબેટ ગયો. જઈને રાજાને કહ્યુંઃ “મારી માતાજીને તેડવા આવ્યો છું.” પોતે બાઈ પાસે ગયો. બાઈએ કહ્યુંઃ “અરે ખાપરા ! તારો રાજા તો મને પરણેલીને ય ભૂલી ગયો !”

ખાપરાની આંખમાં તો દડ દડ દડ -

આંસુ વે’ અપાર, નેણે અરજણ નરપતિ,

વીર ન કરી વાર, આયો કરણ ઊંડારથી.

રોઈ શક તો રો’, મોકળિયું મેલી કરી,

કિસે બંધાવું પાળ, સાયર ફાટ્યો સાંખડા !

ડુંગર ઉપર દવ જલે, ખનખન ઝરે ઈંગાર,

જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.

અને ભાઈ ! દિલનાં દુઃખ તો જે ચતુર નર હોય

એને જ હોય છે ના ! મૂખરને શું ?

ચતુરનકી લાતાં ભલી, ક્યા ભૂરખકી બાત

ચતુરનકી લાતે સખ ઊપજે મૂરખની વાતે ઘર જાત.

ચતુર નરકું બોત દુઃખ, મૂરખકું સખ રાજ;

વિધિ ઘટ જાણે નહિ જેને પેટ ભરવાનું કાજ.

“અરે ખાપરા ! પણ એવું છે શું ?” ખાપરે માંડીને વાત કરી છે.

બાઈએ તો પે’રામણીમાં બાપુ પાસેથી ગલાબગોડિયો માગ્યો છે. ગલાબગોડિયાને ભેળો લઈને બાઈ ચાલી નીકળી છે. જ્યાં દરિયાને કાંઠે આવે ત્યાં તો વહાણ વયાં ગયાં છે.

હવે શું થાય ?

ગલાબગોડિયે તો દરિયાનાં પાણી માથે પોતાની પછેડી પાથરી અને કહ્યુંઃ

“હાં, બેસી જાવ પછેડી માથે, છેડો બરાબર ઝાલજો હો ! આ તો નરાકાર ખેલ છે.” પછેડી પાણી માથે વહેતી થઈ. આવ્યાં સામે કાંઠે. એક જાળનું ઝાડવું હતું તેને ગલાબગોડિયે લાત મારી એટલે જાળ ઘોડાગાડી બની ગઈ. બેસીને સૌ ઉજેણ આવ્યાં. બારોબાર ખાપરાને તકિયે ગયાં.

બારણા આડી તેર મણની ગદા પડી’તી તે બથમાં લઈને ખાપરે આઘી નાખી દીધી. અંદર તો હીરા - મોતીની જાણે અખંડ જ્યોતું બળે છે.

“અરે ખાપરા ! આ શું ?” કે’ “ભાઈ, મારી રમત્ય ભોંમાં જ છે.”

બાઈને ભોંયરામાં રાખીને બીજે દી ખાપરો રાજમો’લે ગયો છે. ત્યાં અષાડ ને ભાદરવો નામનાં બે નગારાં પડ્યાં છે. તેને માથે ખાપરે ડાંડી નાખી.

કચેરી મેળી થઈ એટલે ગલાબગોડિયે રમત માંડી. પોતે જુવાન હતો તે ગલઢો બની ગયો. ફૂલવાડી બનાવી, આંબા વાવી દીધા ને કેરિયું પણ આણી દીધી.

એમાં તો ગાંગલી દોટમદોટ આવી : “એલા ખાપરિયા ! તને કોણે આ હકમ દીધો છે ?”

ખાપરો કે’ કે “માસીબા ! ઈ તો તમારું નામ કાઢવા બધી વાત થઈ રહી છે. ખમો માસીબા, ઉતાવળાં થાવ મા !”

“અરે તારો ગોડિયો શું કરતો’તો ! આ લે, આ કૂંડાળી કાઢું છું ને એમાં મારો ફેરવો મૂકું છું. શક્તિ હોય તો લઈ લ્યે ગલાબગોડિયો !” ગલાબગોડિયે તો અઘોર ગાયત્રીનો મંતર જપ્યો -

અમી

અમીમેં કળશ,

કળશ મેં ઉંકાર

ઉંકારમાં નરાકાર

નરાકારમાં નરીજન

નરીજનમેં પાંચ તતવ.

એવા મંતર ભણીને પછી એણે ગાંગલીએ મંતરેલ કૂંડાળામાંથી લડથડી લડથડીને ફેરવો લઈ લીધો છે, ને પોતે ગાંગલીને આસમાનમાં ઉપાડી, ત્યાંથી ઊંધે માથે કરી, બજારમાં પ્રાછટી, કટકે કટકા કરી નાખ્યા.

પછી તો રાજા વિક્રમને પોપટને ખોળિયેથી પાછો માનવી બનાવ્યો અને ભાણમતીને માથું મૂંડાવી, ચૂનો ચોપડી, અવળે ગધેડે બેસાડી, તગડી મૂકી.

ર. વિક્રમ અને પ્રભાત ચાવડો

ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વિક્રમ એક વાર દેશાટને નીકળ્યો છે. એણે તો-

જળ ઊંડા થળ છીછરાં, કામન લંબે કેશ,

નર પટાધર નીપજે, આયો મરધર દેશ.

જ્યાં પાણી કૂવે અતઘણાં ઊંડા હોય છે, થળ છીછરાં હોય છે, નારીઓનાં માથાંના વાળ પેની લગી ઝપાટા ખાતા હોય છે, અને પુરુષો મર્દ પાકે છે, એવા મારવાડના મલક માથે ઘોડો હાંક્યો છે. મારવાડ અને માળવાનો સીમાડો આવ્યો ત્યાં એક કૂવો છે. કૂવા ઉપર કોસ ચાલે છે. ત્યાં પોતાનો તરસ્યો ઘોડો ઘેરવા જેવો જાય છે તેવો જ કૂવાનો માલિક બરડી ઊઠે છે કે :

“એલા એ હે...હે...! થારા ઘોડારે ગૂડ દે. આંઈ તો ઢોલરે ઢમકે પાણી પાણી હૈ.” (તારા ઘોડાને મારી નાખ. આંહીં તો પાણી એટલું ઊંડું છે કે કોસ થાળામાં ઠલવાય ત્યારે કાંઠે ઊભેલો માણસ ઢોલ વગાડીને ખબર આપે તો જ કોસિયાને ખબર પડે ને એ બળદ પાછા વાળે.)

કૂવાકાંઠે જઈને વિક્રમ જુએ છે તો આભામંડળમાં ચાંદરડું તગે એમ કૂવામાં પાણી તગે છે.

શું આવું દુઃખ આ મલકનાં માનવીને ! અરે વાત છે કાંઈ !

એમ કહીને વિક્રમે ઉજેણનો ખજાનો ખચ્ચર માથે ભરીને મંગાવ્યો. કૂવો એ ખજાને ખજાને બૂરાવ્યો, માથે શગ ચડાવી.

કૂવાવાળાએ કહ્યું કે “હે રાજા ! મેં તને બિવરાવ્યો કારણ કે આગળ તો નાકાતૂટ મલક છે. તારું સત છૂટી જાશે, માટે તું પાછો વળ.” પાછા તો વીર વિક્રમથી કેમ વળાય? એ તો આગળ ને આગળ મંડ્યો ઘોડો હાંકવા.

મેવાડ-ઉદેપુર જોયાં -

અદીઆપર સોયામણું, માણસ ઘણમૂલાં;

પદમણીયું પાણી ભરે, રંગ હો પીચોળાં.

ઉદેપુરના પીચોળાં તળાવને કાંઠે પદમણી જેવી નાર પાણી ભરે છે. વાહ પીચોળા તળાવ ! અને નારિયું પણ કેવી ? -

કોણ દેવળરી પૂતળી, કોણે તને ઘડી સોનાર ?

કિયા રાજાની કુંવરી ? કોણ પુરુષ ધરનાર ?

એવી રૂપાળી દેવળની પૂતળી જેવી નમણી નારી કોની હોય ? તો કહે કે -

જેની તરવારે ત્રણ ફૂમકાં, જેની કેડ્યે કટારાં નવધાર.

અસૂરો રેવત ખેલવે, સોઈ પુરુષ ધરનાર.

ત્રણ ફૂમકિયાળી તલવારનો બાંધનારો, કેડે નવધારી કટારી સજનારો અને મોડી રાતે ઘોડેસવારી બની ઘૂમનાર, એવા બહાદુરની જ નારી આવી રૂપાળી હોય ને !

પછી વચ્ચે ગુજરાતની ધરા આવી -

બંટી ચીણો ને બાજરો, જવ કોદર અન્ન જાત,

નાર કઢંગી નીપજે, ઈ ધરા ગુજરાત.

પછી વિક્રમ રાજા હાલર દેશમાં ઊતર્યો. કેવો છે હાલાર દેશ ? -

જૂની જાજરો ઢેબરો, માથે કળથીરો વઘાર,

ઊભો ઊભો ધાર દ્યે, હૂડે દેશ હાલાર.

પછી નવેનગર ગયો -

નગરહિંદી નારિયું, ગોખે કાઢે ગાત્ર,

દેવાળુંરાં મન ડગે, (તો) માનવીયાં કુણ માત્ર.

એવી દેવતાઓનાં ય મન મોહાવે એવી નગરની નારીઓ દીઠી.

ત્યાંથી આગળ ચાલતાં નીલી નાઘેર નજરે પડી -

વાજા ઠાકર અને અંબવન, ઘર ઘર પદમણરા ઘેર -

રેંટ ખટૂકે વાડિયાં, ભોંય નીલી નાઘેર.

વાજા શાખાના રજપૂતો જ્યાં રાજ કરે છે, આંબાનાં મોટાં મોટાં વન છે, ઘેર ઘેર જ્યાં ઘેરાબંધ પદમણી સ્ત્રીઓ છે, જ્યાં વાડીએ વાડીએ પાણીના રેંટ ખટૂક ખટૂક અવાજ કરતા ફરે છે, એવી લીલીછમ નાઘેરને નીરખીને વીર વિક્રમ મિયાણી પાટણમાં પહોંચ્યો. ત્યાં પ્રભાત ચાવડો રાજ કરે છે.

“ખમા ! ઝાઝી ખમા ! ઉજેણીના રાજા વિક્રમ મારે આંગણે ક્યાંથી ?” ઝાઝાં આદરમાન દીધાં.

પણ પ્રભાત ચાવડાનું શરીર સુકાઈને સાંઠીકડું બનેલું.

“અરે વીરા પ્રભાત ચાવડા ! આમ કેમ ? રૂદનનો ધ્રાંગોય ન મળે ! એવું તે શું દરદ છે ?” કે’, “ભાઈ ! એ તો હાંઠી જ એવી.”

“અરે વાત છે કાંઈ ? નક્કી કાંઈક ભેદ છે, કહો ને કહો.” પ્રભાત ચાવડે પેટની વાત કીદી નહિ. પછી એક દી એનો ભેદ લેવા વિક્રમ પ્રભાત ચાવડાની પાછળ પાછળ ચાલ્યો. અધરાત વીતી ગઈ હતી. ઘોર અંધારું હતું. હાલતાં હાલતાં આથમણે ડુંગરે પહોંચ્યા. એક ભોંયરું હતું. એમાં પ્રભાત ચાવડો ઊતર્ય. વિક્રમ પણ વાંસોવાંસ.

ભોંયરામાં એક ભઠ્ઠી જલે. માથે તેલની કડા. તેલ તો ધ્રફધ્રફે છે. પછી તો વિક્રમે જે જોયું તે ભેંકાર હતું. “હર ! હર ! હર !” કરતો પ્રભાત ચાવડો તેલની કડામાં બેસી ગયો. તળાઈ ગયો. ચાર અપ્સરા આવી. ચારે યે પ્રભાતની તળેલ કાયાનો ભ્રખ કર્યો, પછી હાડ ભેગાં કરીને માથે અંજળી છાંટી. સજીવન થઈને પ્રભાત પાછો વળ્યો.

આ હા હા હા ! આવાં દુઃખ ! આનું દુઃખ હું ન ભાંગું તો પરદુઃખભંજણો કે’વાઉં શા માટે ! ને આ કાયા શા ખપની છે ?

આથમણે ડુંગરે પ્રભાતને જવાનો બીજો વારો આવ્યો. તે દી વિક્રમ વહેલેરો પહોંચ્યો. ફળફળતા તેલમાં “હર ! હર ! હર !” કરતો પોતે બેસી ગયો. એની તળેલ કાયાનો ભ્રખ કરીને ચાર અપ્સરાઓએ હાડ ભેગાં કર્યં, માથે અંજળી છાંટી, પણ સજીવન થયા ભેળો તો ઓળખાણો. આ પ્રભાત નહિ ! આ તો કોઈક બીજો !

“તું કોણ છો ?”

“હું વિક્રમ.”

“શા માટે આ કર્યું ?”

“પ્રભાતને બચાવવા માટે.”

“માગ ! માગ !”

“માગું પ્રભાત ચાવડાની મુક્તિ.” તે દીથી અપ્સરાઓએ પ્રભાત ચાવડાને છુટકારો કર્યો. અને પ્રભાતે વિક્રમને સાત કોટડી દ્રવ્ય દીધું. દીકરી પરણાવી. વીર વિક્રમ તો આગળ ચાલ્યા.

મહા એક ગેંદલ શહેર. એમાં વીર વિક્રમે આવીને કાળકાના મંદિરની વાંસે માળણને ઘેર ઘોડો બાંધ્યો. કહે કે “બેન, હું તારો ભાઈ મે’માન છું.”

અસલના વખતમાં માળણનું ઘર એટલે અજાણ્યાંનો ઉતારો. માળણે તો આદરમાન દીધાં.

બેનનેઘેર ભાઈ આવે.

સાસુને ઘેર જમાઈ આવે.

“ભલે આવ્યા મારા વીર !” વગર ઓળખ્યે ય માળણે ખમા કહીને ઘોડો ફળીમાં બાંધ્યો. રાંધીકરીને વીરને જમાડ્યો.

સાંજ પડી ને માળણ રોવા મંડી. છાતી ફાટે એવું રોણું.

વિક્રમ પૂછે છે કે, “બેન બેન, તારે શું દુઃખ છે ?” કે’, “ભાઈ ! આ કાળકાના મંદિરમાં આ નગરની રાજકુંવરીને રાખી છે. કુંવરી ડાકણ છે.”

“કુંવરી ડાકણ !” વિક્રમ તો સડક થઈ ગયો; “તે એ કુંવરી શું કરે છે ?”

“રોજ રાતે અકેક માણસને ભરખી જાય છે. રાજાએ ઘર દીઠ વસ્તીના અકેક માણસનો રોજનો વારો ઠરાવ્યો છે. આજ રાતે મારા એકના એક દીકરાનો વારો છે.” એમ કહીને ફરી વાર માળણે રોવા માંડ્યું, પણ એ તો કાળા કોપનું રુદન હતું.

વિક્રમ કહે કે “તું રો મા બેન ! તારા દીકરાને બદલે કોઈ બીજું જઈ શકે કે નહિ?”

“જઈ તો શકે મારા વીર, પણ એકને માટે મરવા બીજું કોણ જાય ? માણસ કાંઈ વેચાતાં મળે છે, બાપ ?”

“પણ બેન, હું તારા દીકરા સાટે જઈશ.”

“એવું બોલ મા ભાઈ ! બાપુ, તમે તો અસૂર થયું ને રાત રહ્યા. મારે ઘેર તો તમે મે’માન. તમને હું મારા છોકરા સાટે મરવા મોકલું તો તો હું જ ડાકણ ઠરું ને ! ના ભાઈ, તમથી ન જવાય.”

“એમ ગાંડી થા મા બેન, ને મને વાત કર. કુંવરી ડાકણ કઈ રીતે માણસને ભરખે છે ?”

“કઈ રીતે શું ? માણસ ત્યાં જઈને સૂવે ને સવારે મડું પડ્યું હોય લીલું કાંછ જેવું. કુંવરી તો ઊંઘતી જ હોય. રાતમાં તો જે બનતું હોય તે ખરું. મડાને સવારે ભંગિયો જઈને ઢરડીબાર કાઢે.”

“એ...મ ! ત્યારે તો... હાં સમજાણું...” એવું બોલતાં વિક્રમે લમણે આંગળી ટેકવી.

“બેન,” વિક્રમે માળણને કહ્યુંઃ “જો, મને અધમણેક સુગંધી ફૂલ આણી દઈશ ?”

“હં અં ને ભાઈ ! મારે તો ફૂલની વાડી લચી પડી છે.” માળણે તો જઈને ચંપા, ચમેલી, ડોલર ને મોગરાનાં મહેક મહેક કરતાં ફૂલ ઉતારી આણ્યાં છે. વિક્રમે એની છાબડી ભરી છે.

“હવે બેન, મને એક કૂંડું ભરીને દૂધ લાવી દે.” દૂધનું કૂંડું અને ફૂલનું ડાલું લઈને વિક્રમ તો અધરાતે માળણના દીકરા ભેગો કાળકાને દેરે હાલ્યો. જઈને છોકરાને બહાર બેસવા કહ્યું. દૂધનું કૂંડું ને ફૂલનું ડાલું લઈને પોતે દેરામાં ગયો.

વખંભર દેરું ! દીએય માણસ ફાટી પડે. ઉજ્જડ દેરામાં કાળકાની ભેંકાર મૂર્તિ છે. એ ખૂણામાં દીવો બળે છે. ને એક પથારીમાં એક જણ સૂતું છે.

પીળું પચકેલ શરીર, હાથપગ જાણે સાંઠીકડાં. પેટ જુઓ તો ગાગર જેવડું. ન બોલે કે ન ચાલે.

હં...નક્કી, છે તો મેં ધાર્યું’ તું એ જ.

એમ વિચારીને વિક્રમે તો દેરાની ભોં માથે અધમણ ફૂલની પથારી પાથરી, અઘેરુંક દૂધનું કૂંડું મૂક્યું, ને પછી પોતે તરવાર તાણીને આઘેરો ઊભો રહ્યો. અધરાત થઈ, એ વખતે ઊંઘતી રાજકુંવરીના મોંમાં કંઈક સળવળાટ હાલ્યો અને એમાંથી કાંઈક બહાર નીકળ્યું.

અરરર ! સાપનું ભોડું ! લબરક લબરક જીભના લબકારા કરે. ને આમ જુએ, તેમ જુએ, ચારેકોર જુએ.

નીકળ્યો, એ નીકળ્યો, અરધો નીકળ્યો, આખોય બહાર નીકળ્યો અને ફૂલના ઢગલા માથે વહેતો થયો. સાપને ફૂલ સાથે પ્રીત ખરી ને !

ઓ બાપ ! આ તો સિંદૂરિયો નાગ. કરડ્યા ભેગો જ માણસને ઢાળી દ્યૈ.

થોડી વાર તો વિક્રમ જેવા વીરની પણ છાતી થરથરી ગઈ. ભાગવાનું મન થયું. હાય, જાણે રાડ ફાટી જશે. પણ વિક્રમે છાતી કબજે કરી.

ફૂં ! ફૂં ! ફૂં ! સિંદોરિયા નાગે ફૂંફાડા માર્યા. દેરું જાણે ધગી ઊઠ્યું. એના રોજના ભરખને ગોતે છે, પણ કોઈ દેખાતું નથી. હમણાં જાણે નગરીમાં દોટ દેશે ને કૈંકને ટચકાવશે.

ત્યાં તો નાગને દૂધની વાસ્ય આવી. મંડાણો કૂંડા માથે. આવ્યો, આવ્યો, લગોલગ આવ્યો, અને વિક્રમે તલવાર ઠણકાવી.

ચૂક્યો કે શું ? ચૂકે તો તો જીવ્યામૂઆના જુવાર છે ! પણ ન ચૂક્યો. નાગનું ભોડું જઈ પડ્યું છોટીઆવા છેટે. થોડીક વાર તરફડીને થંભ્યું ત્યારે ભોડું લઈને વિક્રમે પોતાની ઢાલમાં મૂકી દીધું. પાછો પથારી માથે મીટ માંડીને બેઠો.

જેમ વખત ગયો તેમ રાજકુંવરીની કાયા હળવી થઈ ગઈ. પછી તો આળસ મરડીને બેઠી થઈ. ચારે કોર નજર ફેરવવા લાગી. દીવો બળે છે, ફૂલનો ઢગ પડ્યો છે. મીઠી સુવાસ મહેકે છે ...કાયામાં ટાઢું હિમ લાગ્યું છે.

વળી થોડી વધારે ચેતના આવી. વળી પાછી નજર માંડે છે. એક માનવી ઊભેલ જુએ છે. કેડે કટાર, હાથમાં તલવાર, વંકો મરોડ, આંખોમાં જાણે દીવડા બળે; મુખડે અમૃત ઝરે.

“બોશો નહિ, બાઈ !” વિક્રમે એને ધીરજ દીધીઃ “જુઓ, આ પડ્યો તમારો કાળ.” આંગળી ચિંધાડી નાગના ખોળિયા માથે. બાઈથી તો જોવાયું નહિ તે પાછી આંખ મીંચી ગઈ.

વળી પાછી આંખ ઉઘાડી, અને મોઢે હાથની અંજળી માંડી ઇસારત કરી.

“તરસ્યાં છો ?” એમ કહેતાંક વિક્રમે દૂધની ટોયલી લઈને બાઈને મોઢે દૂધ ટોવા માંડ્યું. બાઈ પીવા લાગી. જેમ પેટમાં કઢેલું દૂધ પડ્યું, તેમ તેમ તો કુંવરીની કાયામાં કાંટો આવ્યો. રાજનું બીજ છે ખરું ના, એટલે નરમાણ નીકળવા લાગી. ને ધીરે ધીરે અવાજે બાઈ બોલવા લાગીઃ “કોણ છો ?” “પરદેશી છું.” “મને જીવતદાન દીધું !” “ના. જીવતદાન દેનારો તો પ્રભુ છે.” સામસામા ટૌકા ચાલ્યા. છ મહિનાનો મંદવાડ બે પહોરમાં મટવા આવ્યો. પરોઢ થયું ત્યાં ઝાંપડો મડદાને ઢરડવા આવ્યો. ડોકાણો, પણ પાછો વળ્યો. રાજમાં જઈને જાહેર કર્યું કે ત્યાં તો કાળા એકલી નહિ પણ કાળકાને કાળકો બે બેઠાં બેઠાં વાતું કરે છે !

આખું શહેર કૌતક જોવા હલક્યું. મનખો ક્યાંય માય નહિ. રાજા આવ્યા. વિક્રમે કહ્યું કે, “ફટ છે તમને. કુંવરીના પેટમાં સિંદૂરિયો નાગ હતો ને ડાકણ ડાકણ કૂટી મારી! વસ્તીના કેલૈયા કુંવર જેવા સો સો જણના ભોગ લેવરાવ્યા !”

વિક્રમને તો રાજમાં રોક્યા છે. કુંવરીની કાયા જોતજોતામાં કંચન સરીખી થઈ ગઈ છે. રૂપનાં તો જાણે સરોવર હેલે ચડ્યાં છે. જોબન દેહમાં માતું નથી. ને કુંવરીએ તો પ્રતિજ્ઞા લીધી છે કે, “પરણું તો એને બીજા મારે ભાઈ-બાપ છે.”

પરણેલી રાજકુંવરીને લઈ વિક્રમ એક દિન ચાલી નીકળ્યા. એમાં રસ્તે એક ડોશી રેંટિયો કાંતતી કાંતતી રૂવે. વિક્રમે પૂછ્યું, “ડોશીમા, રૂવો છો શીદ ?”

“બાપ, મારો દીકરો...”

“શું તમારો દીકરો ?”

“એને મારી નાખ્યો.”

“કોણે ?”

“તેં જ તો.”

“મેં !” વિક્રમ તો ચમકી ઊઠ્યો.

“હા, મારા દીકરા સિંદૂરિયા નાગને.”

“આ લે, આ તારા દીકરાનું ભોડું.” એમ કહીને વિક્રમે તે દિવસે પોતાની ઢાલમાં સાચવી મૂકેલ નાગનું મોઢું બહાર કાઢ્યું.

“ખમા તુંને મારા વીર !” કહીને ડોશીએ ભોડા ઉપર અમી છાંટીને દીકરાને સજીવન કર્યો ને વિક્રમને કહ્યું, “હું પદમ નાગણી છું. હું તને મારી નાનેરી બેન પરણાવીશ.” નાગપદમણીને પરણીને વિક્રમ નાગલોકમાં રહે છે. એક દિવસ નાગલોકમાં વૈકુંઠની કંકોતરિયું ફરી, કે દશેરાની કચારીમાં સૌ આવજો. નાગકુળ વિક્રમને પણ ભેળો તેડી ગયું.

વૈકુંઠની કચારીમાં બીડું ફર્યું કે ભાઈ, છે કોઈ એવો, કે જે આ એક દોથો ફૂલ તેત્રીશે ક્રોડ દેવતાઉંને વેંચી આપે ?

એ બીડું વિક્રમે ઝડપ્યું.

બાવન વીર અને ચોસઠ જોગણીને હોકારીને વિક્રમે કહ્યું : “ખબરદાર ! પ્રથમીને માથે ફૂલની કળી નામ ન રહે એમ બધાં ફૂલ ભેગાં કરી લાવો.”

લાવ્યા. વિક્રમ તો દોથો દોથો ફૂલ દેવતાઓને દેવા મંડ્યો. કોને ખબર પડે કે ક્યાંથી દ્યૈ છે ? અંતરીક્ષમાંથી બાવન વીર અને ચોસઠ જોગણીઉં દઈ રહેલ છે.

સવા ગજ ફૂલનો પગર પાડી દીધો દેવ-કચારીમાં.

“અરે સાત સાત રંગ છે તને. માગ માગ !” કે, “માગું તો બીજું શું ? હરિદરશનકી પ્યાસી અખિયાં...”

ને દેવતાઓએ વિક્રમને ચતરભજ સ્વરૂપમાં દર્શન કરાવ્યાં.

૩. બાપુ ભાલાળો

ગુંજવા ગામનો રાજા સૂરો ધાધલ : ને ઢાંક બંગાળાનો રાજા ચીચી ઝાંઝરો.

બે વચ્ચે સીમાડાની તકરાર.

ગુંજા ગામના સૂરા ધાધલને બાપુ ને બુઢો બે દીકરાઃ પરમલ દીકરોઃ ડાહ્યો શા કારભારીઃ ચાંદિયો ને ખેતિયો બે રજપૂત.

સીમાડાની તકરારમાં સૂરો ધાધલ માર્યા ગયા. ડાહ્યા શા કામદારે બાઈને અને ત્રણેય બાળકને એના મોસાળમાં મોકલી દીધાં. ગુંજવા ગામ હાથમાંથી છૂટી ગયું.

મોસાળમાં બાપુ ને બુઢો ઊઝરી જુવાન થયા. ગામનો પટેલ ગોધલ્યા ચારવા સીમમાં જાય ત્યાં એણે બે ય ભાણેજને ગલોલીએ રમતા દેખ્યા. લીંબુ ઉલાળીને ગલોલીઓ આંટે છે બેય જણા.

પટેલે વિચાર્યું કે ભાણેજ છે અટારાઃ ઊંધાંનાં આંધણઃ વતાવ્યા જાય એમ નથી. બાકી આ રમત્ય કો’ક દી ગામને ભારે પડી જશે !

થોડા દિવસ થયા ત્યાં તો ભાણેજોએ મેલ્ય લીંબુ પડ્યાં, ને સોપારીએ વાત આવી. સોપારી અધ્ધર ઉલાળીને આંટવા મંડ્યા.

પછી તો બાપુએ બુઢાને કહ્યુંઃ “હવે તો માથા ઉપરથી મોતી ઉડાડીએ. ત્યારે કહેવાય કે મોતીમાર સાચા.”

બુઢો કહે, “બરાબર છે વાત.” ઉઘાડા માથા ઉપર મોતી માંડી મંડ્યો ગલોલીએ ઉડાડવા. પટેલથી આ ન જોવાણું.

પણ ભાણેજ તો છે ઊંધાંનાં આંધણ. રીસનાં જાળાંઃ વતાવ્યા જાય એમ નથી. એની મેળે ધોડશે ઈ થાકશે.

બાપુ કહે, “ભાઈબુઢા ! એક કારખત બાકી રહી ગઈ છે.”

કે’, શી ભાઈ ?

કે’, બાયડિયુંનાં બેડાં ફોડવાં બાકી છે.

કે’, શી રીતથી ?

કે’, પાણિયારીને માથે ભર્યું બેડું એક જણ સીસાની ગોળી મારીને ફોડે. બીજો એક મીણની ગોળી છોડીને સાંધે. પાણીનું ટીપુંય બહાર પડવું ન જોવે.

મંડ્યા એ તો ફોડવા ને સાંધવા. ગામમાં તો ગોકીરો હાલ્યો. ઓલી કહે મારું બેડું બદલાણું ને ઓલી કહે મારું.

પછી બાપુએ ને બુઢે બન્નેએ હથિયાર બદલ્યાં કે’, ભાઈ, તમે ફોડો ને હું સાંધું.

એક ડોશીઃ માથે ગટકુડુંઃ બુઢાપાથી ધ્રૂજતી ધ્રૂજતી હાલી જાય છે.

બુઢાએ ગલોલીનો ફેર કર્યો. કાંઈક બળમાં થઈ ગયો. ગટકુડું ફૂટી ગયું. ડોશી ગોથું ખાઈને જઈ પડ્યાં.

ઊઠીને બોલ્યાંઃ “મારા રોયા નબાપા !

ગોતીએં ગોતીએં રે એવા બાપદાદાનાં રે વેર રે

બારડિયુંનાં બેડાં ય રે વીરા, નવ ફોડીએ.

બેય ભાઈ સામસામા જોઈ રહ્યાઃ એલા, આ તો આપણને નબાપા કહ્યા !

હાલો મા પાસે. પૂછીએં કે શી વાત છે.

કે’જે રે માડી રે અમને, હોય એવી વાત રે,

મોસાળે મામિયું રે મેણાં અમને બોલિયું.

નૈ રે નૈ રે એવું કાકા ને રે કટંબ રે.

અધ્ધરથી પડિયેલ રે ધરતીએ ઝીલિયા.

હૈયામાં સમસમીને દીકરાને મા કહે છે :

આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે !

જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો.

હે ભાઈ, જે દી તમે મોટા થઈને મૂછ્યે વળ ઘાલશો તે દી હું તમને વાત કહીશ; આજથી કહીને શું કરું ?

હે મા ! ગરાશિયાના દીકરા તો નાના હોય જ નહિ. જોવું છે ?

લાવ્ય રે લાવ્ય રે મારો નવધારો રે કટાર રે,

આંતરડાં કાઢીને રે નાખું તારી ડોકમાં.

માટે જેવી હોય તેવી વાત કહે.

માએ તો બાપના મસ્તકની ને ગુંજવાનું રાજ રોળાઈ ગયાની વાત કરી છે.

દીકરાએ હઠ લીધી છેઃ બાપનું રાજપાટ પાછું લઈએ તો જ બાપના બેટા સાચા. લ્યો માડી, રામ રામ !

મામો આવ્યો મનાવવા, કહે છે કે ભાણેજ -

આલું આલું રે તુંને પચી પચાહ જોને ગામ રે

ગુંજવાની ગાદી ય રે ભાલાવાળાને દોયલી.

ત્યારે ભાણેજ બાપુ ભાલાળો શું કે’ છે !ઃ

તારાં ગામડિયાં તારે ય અતિ ઘણેરાં હોય રે

ગુંજવાની ગાદી ય રે ભાલાળાને સર સમી.

હે મામા, ગુંજવાની ગાદી તો મારે માથા સાટે છે. તું પચી પચા કહે છે પણ પાંચસો પાદર કહે તો ય શું ? આંહીં હવે રેંવું નથી લાખ વાતે ય અમારે.

(ર)

માતા મીણલદે ને બેન પરમલ રથમાં બેઠાં. દીકરા બેય ઘોડા ઉપર.

મા પૂછે છે : અરે ભાઈ, જાવું ક્યાં ?

હે માડી, જાવું ક્યાં શું, જૂનવટ ઉપર હીંડવું. છે કોઈ આપણા જૂના હેતુમિતરું?

છે, જૂનાગઢમાં ચાંદિયો ને ખેતિયો બે રજપૂત.

રજપૂત ને ?

હા.

ઓહો, ત્યારે શું ? ત્યારે તો એ કોણીનાં હાડ. બીજા કોઈ ?

ગોંડળમાં ડાયો શા.

હા, ડાહી જાત. સાચું કહ્યું.

ગોંડળ જઈને બાપુ ભાલાળો તો ડાયા શા શેઠની અરધી ગાદી દાબીને બેઠો.

ડાહ્યો શા તો અડીખમ માણસ, હેબત પામી ગયા કે મારી જોડે અરધી ગાદી દાબીને બેસનારો આ કોણ બે - માથાળો ?

હોય હોય રે એવા સૂરા ધાધલનો રે વંશ રે,

અરધી ને ગાદી ય રે ધાધલ દાબતા.

મારી જોડે અરધ ગાદી દાબીને બેસનાર તો એક ગુંજવાનો ધણી સૂરો ધાધલ જ હતા. આ તમે કોણ નવા જાગ્યા, ભાઈ ?

બાપુ ભાલાળો બોલે છે :

જેનો પત્યા રે એવો સૂરો ધાધલ જોને હોય રે,

તેના વંશના અમે બાપુ અને બુઢિયો

ડાયા શાની તો છાતી ફાટવા માંડે છે.

ધન્ય ઘડી રે એવાં ધન્ય અમારાં ભાગ્ય રે,

જૂનો ને ધણી ય રે ભાલાળો રે જાગિયો.

અને ભાઈ બાપુ ભાલાળા ! ગુંજવા ગામ તો હવે હું લીધેલું નજરે ભાળું છું.

બાપુ ભાલાળાએ માને કહ્યુંઃ “હે મા, ગુંજવામાં કોઈ દેવસ્થાનું છે ?”

હા, આપણી કુળદેવી છે. ઈ દેરાસરને માથે જઈ મારે મરવું છે. મૂવાં મુક્તિ ને જીવ્યાં જુક્તિ.

ગુંજવા ગામે પહોંચ્યા. પણ કેવું ગામ !

ત્રાંબા-પીતળને બેડે પાણીઃ સોનું ઘાસી રહ્યું છેઃ પીળાં ધમરક જેવાં ભાળેઃ પોલાં ઠીઠં તો ભાળે જ નહિઃ એવાં હાંડાં જેવાં ગામડાં જોયાં પોતાના બાપના રાજનાં.

પણ અત્યારે તો ઈ ઝાડવાં ખારાં ઝેર છે બાપુ ભાલાળાને.

માતાજીનું થાનક ભોંયરામાં છે. માથે લાખો મણની શલ્યા પડેલ છે.

ડાયો શા કહે, બાપુ ભાલાળા, તારો બાપ હતો બત્રીસલક્ષણો પુરુષ. ટચલી આંગળી વાઢીને લોહીનું ટીપું છાંટતાં, એટલે શલ્ય આઘી જઈ પડતી.

એમ ? તો તો જેનો બાપ બત્રીસલક્ષણો એના દીકરા ય બત્રીલક્ષણા.

બાપુ ભાલાળે ટચલી આંગળીનું લોહી છાંટીને હજી કટાર મ્યાન નથી કર્યો, ત્યાં દેવળમાંથી અવાજ ઊઠ્યોઃ

ખમા ખમા રે મારા બાપુ બુઢા ને રે આજ રે

વારણિયાં ને લઈ આવું રે માડીજાયા વીરના.

દેવળને પડખે માતાજીની દેવાંગના ઘોડી, ચૂંદડી અને ભમરિયો ભાલો દેખ્યાં.

માતાજીએ અવાજ દીધોઃ બાપુ ભાલાળા, ઈ ઘોડી રે’વા દે. ભોંયરાની રે’નારી છે, બાહ્યલો પવન નહિ ખમી શકે. વછેરી લઈ જાવ. આજથી છ મહિને રાંગું વાળજે.

મૂરત જોયું રે એવું સાતમ ને સોમવાર રે,

આઠમને લગને રે ચડણ કેસર કાળવી.

કાળવી કેશર વછેરીને માથે, છ મહિને મૂરત જોવરાવીને બાપુ ભાલાળાએ શણગાર નાખ્યા.

બાપુ ભાલાળો લળી લાગે દેવળને રે પાય રે,

બાનાની લજાયું રે માડી ! મારી રાખજો.

હે માતાજી ! તમારું બિરુદ-બાનું લઈને જાઉં છું, મારી લાજ રાખજો !

બાપુ ભાલાળા, લેજો દેવળ કેરાં રે નામ રે,

નામડિયાં લઈને ય રે નવ ખૂંટા નાખજો.

માતા કહે છે કે હે વીર બાપુ ભાલાળા ! ગુંજવા ગામને માથે ચડો ત્યારે દેવસ્થાનનું સ્મરણ કરજો. અને અમારું નામ લઈને નવ ખૂંટા ધરતી માથે ખોડજો.

બાપુ ભાલાળા વીર ! નાખો સોનેરી સામાન રે,

જરકશી ને જામાની રે કેશરને રે ઝૂલડી.

અને વીરા બાપુ ભાલાળા ! કેશર વછેરીને માથે સોનેરી પલાણ તથા જરકશી જામાની ઝલ્ય નાખજો.

(૩)

કેશરને પલાને બાપુ ભાલાળો જાય છે જૂનેગઢ, ચાંદિયા ને ખેતિયાનો મેળાપ કરવા. દરવાજે દરવાણીને કહ્યું કે હાલ્યા જાવ પાધરા દરબારમાં, ત્યાં એક કોર સાડા સાતસો રાજપૂતની કચારી કરીને ચાંદિયો - ખેતિયો બેઠા હશે, ને બીજી કોર મુંગલા પઠાણની કચારી કરીને નવાબ બેઠા હશે.

બાપુ ભાલાળો તો જઈને અરધી ગાદી દાબીને બેઠો; ઓળખાણ પડી. બધી વાત વિગત જાતી. તરઘાયો થયો. સાડા સાતસો રજપૂત ચાલી નીકળે છે.

વાગ્યાં વાગ્યાં રે એવાં જાંગીનાં રે જોને ઢોલ રે

ઢોલડિયાં ધડુક્યે રે પારાધીડા જો ચડે,

પે’લે નગારે ચડે સાડા સાતસો રજપૂત રે

બીજે ને નગારે રે ચડી વીરા ચાલજો.

કે’છે ચાંદિયો મારી મેડીએ નગારું રે, થાય રે,

બખતરિયા પાખરિયા રે ચડી વીરા ચાલજો.

અવળકંધા સાડા સાતસો રજપૂતઃ માર્ગે ઢીંચણ સમી લાદ પડ્યે જાય છે.

તોપું ચાલી રે એવી એક સો ને જો આઠ રે

સોનાને અછોડે રે તોપું જોને નાંગળી.

જૂનાના નવાબે ભગરા નેજાવાળી તોપો આપી.

પહોંચ્યા ગુંજવાના કોટ માથે. ચાંદિયે - ખેતિયે પૂછ્યું કે દુશ્મનને કેવી રીતે બહાર કાઢશું ?

કે’, ભાઈ, ડાયા માણસનું કામ છે કે એક બાજુ મેલવી. દુશ્મનને મોં બાંધીને મારવો નહિ. ઉગમણે દરવાજે મારગ મેલવો. ભલે વયા જાય.

કાણિયો અને બીબી બે દરવાન. એણે ચીચી ઝાંઝરાને કહેવરાવ્યું :

ચીચીડા રે ઝાંઝરા તું તો સૂતો હોય તો જાગ રે

ફોજું ને આવી રે તારી જોને પરજમાં.

તોપું માંડી રે એવી તળાવની રે પાળ રે

ગરજણ ને ગરડે રે ગઢ કેરે કાંગરે.

અરે દરવાન, તું આ શું બોલ છે ? તેં શું ભાંગ પીધી છે ? મફરનો નશો કર્યો છે ?

પીધી પીધી રે તેં તો લીલડી લીલાગર ભાંગ્ય રે,

મફર ને માવો ય રે પીને પોળી આવિયો !

હાં, મોકલો વેલિયા હજામને, ગઢ માથે ચડીને જોઈ આવે. જઈને ઊંચે જુએ તો આભનું તારામંડળ, ને નીચે જુએ તો ભાલાંનું તારામંડળ. ઘોડાં હાવળ્યું દઈ ગઢને થપાટું ઝીંકી રહ્યાં છે. ચકલ્યાં માળા ય ન મૂકે એવી કાળી રાતે ચીચી ઝાંઝરે લબાચા ભર્ય. કાળજે તેલ રેડાણાં.

બીબી બોલી :

કાળી વાદળીમાં જેવી ઝબૂકે છે રે વીજ રે,

દળડામાં ઝબૂકે રે કેસર જોને કાળવી.

કાળી કાળી વાદળીમાં જેવી વીજળી ઝબકારા કરે એવી રીતે બાપુ ભાલાળાની ઘોડી કેસર કાળવી પણ દળકટકમાં દીપતી ઠેકી રહી છે. અને વળીઃ

વરસે વરસે રે જોવા ઝીણા રે ઝરમર મેઘ રે,

એવી જ ને વરસે ય ભાલાળાની ગોળિયું.

અમલનો છક્યો રાજા એવી કરડી કાઢે રે આંખ રે,

મૂછરડી મરડે ને રે અણી ભાલાં ઊછળે.

એમ કસુંબો પીધેલ મદોન્મત્ત બાપુ ભાલાળો કરડી આંખો કાઢે છે. મૂછો કરડે છે, ને ભાલાં ઝીંકી રહ્યો છે.

ગુંજવાનું રાજ જીતી કરીને પછી તમામ પરગણાંમાં બાપુ ભાલાળે સાંઢણી ફેરવી, કે સહુ વસ્તીનું લોક ખાતું ખાય ને ભરતું ભરે. વેઠ વેરો કશું નહિ.

(૪)

એક દિવસ ગઢવીએ બાપુ ભાલાળાને યાદ દીધુંઃ

બાપુ ભાલાળા તારી પરમલને પરણાવ્ય રે,

કુંવરી કન્યાને રે રાજા લાંછન લાગશે.

અરે, બેન પરમલ શું એવડી મોટી થઈ ગઈ ? આવાં અઢળક રૂપ બેનનાં ? સાચું સાચું, કુંવારી કન્યાને કો’ક દી કાળી ટીલી બેસી જાય. દસોંદી, જાવ ઝટ, વેશવાળ કરી આવો બેન પરમલનું.

દસોંદીઓએ તો દેશપરદેશ જોયાઃ

જોઈ જોઈ રે ઝાલાની રે ઝાલાવાડ્ય રે,

પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.

જોઈ જોઈ રે એવી કાઠીની કાઠિયાવાડ્ય રે,

પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.

જોઈ જોઈ રે એવી માલાની મારવાડ્ય રે,

પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.

ત્રણ દસોંદી તો પાછા આવ્યા. પરમલ જેવી બેનની જોડ્ય ક્યાંય ન જડી.

ચોથો દસોંદી ઢાકા બંગાળમાં ચીચી ઝાંઝરાને ઘેરે ગયો. જઈને પરમલનાં ફાટતે મોંએ વખાણ કર્યાં.

પણ રાણીએ રાજાને ચેતવ્યા કે એ તો દુશ્મનની દીકરી.

રાજાએ કહ્યું : “તમારા ઉપર શોક્ય આવે એ તમને શે ગમે ?”

રાણીએ કહ્યુંઃ “હે રાજા, ચાર મંગળમાં ચારમાંથી એક વાનું મળે તો હેત માનજો, નીકર ભાલાની અણીએ હેત સમજી લેજો.”

“શું શું ચાર વાનાં ?”

“પે’લે મંગળ માગજો ગુંજવા ગામ. બીજે ચાંદિયો ચાકર. ત્રીજે કેસર કાળવી ઘોડી. અને ચોથે ભમર ભાલો.” દસોંદી તો ચીચી ઝાંઝરા વેરે વેવિશાળ કરીને આવ્યા. કચેરીએ આવીને કહ્યુંઃ

જોયું જોયું રે એવું ઢાંકા બંગાળા રે શે’ર રે,

પરમલને સરીખો રે ઇચ્છાવર ત્યાં મળ્યો.

છોટકડું સરીખું રે જોયું ઢાંકા બંગાળા શે’ર રે,

સરખા ને સમાણી રે રમે રંગ તાળીએ.

સાંભળીને બાપુ ભાલાળો તો ગાદી ઉપર સવા ગજ ઊછળ્યો. હેં ? મારા કટ્ટર વેરીની જોડે બેન પરમલનું વેશવાળ ? કટકા કરી નાખું.

ગઢવી કહે, શું મારું કરેલું સગપણ તૂટે ? થઈ પડી તાણાતાણ. ગઢવી કહે કે બેસતી ગાદીએ લોહી છાંટું, વંશ કાઢી નાખું. આવી ડરામણીથી બાપુ ભાલાળો ડરી ગયો. સગપણ અનામત રાકવું પડ્યું.

ઓરડે પરમલને જાણ થઈ. એણે ધાપોકાર કર્યાઃ

જાજો જાજો રે પીટ્યા દસોંદીનો રે વંશ રે,

ચોરીમાં રંડાપો રે પીટ્યે વે’લો મોકલ્યો.

જાજો જાજો રે એની રજક ને રે રોટલી રે,

ચૂંદડીએ ખેલારે પીટ્યે વે’લા મોકલ્યા.

(પ)

બાપુ ભાલાળે મનમાં મનસૂબો કર્યો કે ભલે આવે પરણવા, ઘડિયાં લગ્ન લ્યો. આવે એટલે બોકડો માતાજીને ચડાવી દ્યો. બેનને તો બે ભેળો ત્રીજો ભાઈ માનશું.

લગન લઈને ચારણ ઢાકે બંગાળે ગયો. ચીચી ઝાંઝરો તો ઉમંગમાં આવી ગયો.

ચારણિયાને દેજો દેજો ઝાઝાં ય માન રે ને

ચારણિયાને દેજો ચલાણે રે ચૂરમાં.

પરણવા આવ્યો. કન્યાદાન દેવાનો સમય થયો. પહેલું મંગળ વરતાણુંઃ

પે’લું મંગળ એવું હસતું ફરતું વરતાય રે,

દાનડિયાં આલે રે બેની બુઢો જોને બંધવો.

આલું આલું રે બેનાં પચી પચા રે જોને ગામ રે,

પાંચસે ને ઘોડાં ય રે બાઈ વાંસે મોકલું.

મોટા ભાઈ બુઢો ધાધલ ગામડાં ને ઘોડાં આપવાની વાત કરે છે. પરમલ કહે છે કે ભાઈ !

તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં હોય રે,

એક જ ને માગું ય રે બાપુ કેરું બેસણું.

મારે તો બાપુનું બેસણું ગુંજવા ગામ જોવે છે. ભાઈ કહે છે કે અરે ઘેલી !

ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે,

ગુંજવાની ગાદી ય રે ભાલાળાને શર સમી.

બેન ! ગુંજવાની ગાદી તો મારે માથા સાટે છે. આ વેરાગીને હું ગુંજવા એમ ને એમ આપી દઉં ?

“વેરાગી” કહેતાં તો ચીચી ઝાંઝરો વરમાળા ત્રોડીને ઊઠ્યો. ત્યાં તો બાપુ ભાલાળાએ તરવાર ખેંચી. એટલે ફરીને બેસી ગયો.

બીજે મંગળ -

બીજું મંગળ એવું હરતું ફરતું વરતાય રે,

દાનડિયાં આલે રે ભાલાળો રે બંધવો.

બાપુ ભાલાળો કન્યાદાન દેવા ઊઠ્યો.

આલું આલું રે બેની પચી પચા જોને ગામ રે

સોળસેં તો સાંઢ્યું અરે બાઈ વાંસે મોકલું.

પરમલ કહે છે :

તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં રે હોય રે,

એક જ ને માગુંય રે ચાકર જોને ચાંદિયો.

અરે ગાંડી રે ગાંડી બેન !

ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે,

ચાંદિયો ને હોય જ રે ભાલાળાની ચોવટે.

ચાંદિયો તો મારે પૂછવા સલાહ લેવા ઠેકાણું. એ હું કેમ આપું ?

(૬)

વળાવવા ટાણું થયું. પરમલ કહે છેઃ

બાપુ ભાલાળા વીરા બેની વોળાવવાને હાલ્ય રે,

દાદાના વેરૂંમાં રે બેની હાલ્યાં રે સાસરે.

બેન તો બાપના વેરીને દેશ સાસરે જાય છે ભાઈ ! ભાલાળો કહે છેઃ

મારી ચોવટે એવો ચાકર ચાંદિયો હોય રે

તેને રે પૂછીને બેની જાજો સાસરે.

પરમલ ચાંદિયાને કહે છેઃ

ચાંદિયા રે બાંધવા વીરા બેની વોળાવવાને હાલ્ય રે

દાદાનાં વેરૂંમાં રે ધીડી હાલ્યાં સાસરે.

ચાંદિયો ભલામણ કરે છેઃ

લખજે રે બેની, કાગળિયાની રે કોર રે,

કાગળિયો વાંચીને રે બેની અમે આવશું.

પરમલ કહે છેઃ ભાઈ ચાંદિયા, સાસરિયામાં મને મેણાંટોણાં ને ટુંકારા કરશે તો?

નો’તી દીધી રે માતા મીલણદેએ રે ગાળ રે,

ટુંકારો નવ બોલેલ રે ભાલાળો રે બંધવો.

ચાંદિયો કહે છેઃ

કાગળિયો રે વાંચીને બેની લાગે વડેરી રે વાર રે

જાતે ને ધાધલ રે બેની ફેર જ જાણજે.

હે બેન, તું મૂંઝાઈશ મા. તારો કાગળ વાંચીને અમે ત્યાં આવતાં વાર લગાડીએ, તો અમારી ધાધલ જાતમાં ફેર પડ્યો જાણજે.

પરમલનો જીવ નથી માનતો. એને સાસરે જવું નથી. એથી તો મરવું ભલુંઃ

પાવું’તું રે પાવું’તું વીરા, ગળથૂતીમાં રે ઝેર રે

ઉઝેરી નો’તાં કરવાં રે ધેડીને આવડાં.

હે ભાઈ ! આથી તો મને જન્મટાણે ગળથૂથી પાઈ તેમાં ઝેર ભેળવીને પાવું હતું. મને ઉઝેરીને આવડી મોટી શા સારુ કરી ?

ચાંદિયો હિંમત આપે છે : અરે બેન, જોજે તો ખરી !

મારાં લશ્કર એવાં મારગડે નહિ માય રે,

આડે ને આડે રે બેની અમે આવશું.

પરમલ કહે છે : હે ભાઈ હું મેણાં સાંખી નહિ શકું. દુશ્મનની દીકરીને સહુ મે’ણાં દેશે.

બાપુ ભાલાળા વીરા ! મેણું માથાનો ધાય રે,

અવળાં ને રૂંવાડાં રે વીરા ! મારાં થરહરે.

(૭)

ચીચી ઝાંઝરાએ તો દુશ્મનની દીકરીને અણમાનેતી કરીને રાખી. એક દિવસ માનેતીઓએ પરમલને ગોઠ્ય કરવા બોલાવી. ત્યાં પરમલે શું જોયું ?

માનેતીને ઉતારે રે એવી ડમરુ ઝાંઝરની રે જોડ્ય રે,

પરમલને ઉતારે રે પગ કેરા ચવીંટિયા.

માનેતીને ઉતારે રે એવાં સાચાં મશરૂનાં ચીર રે,

પરમલને ઉતારે રે ધૂંસા કેરી ધાબળી.

આવો ભેદ પડ્યો છે. પરમલને તો ન મળે લૂગડાંનું ઠેકાણું, એમાં માનેતીએ વખાણ કરવા માંડ્યાં :

આપડો રે ઠાકોરિયો એવો ત્રણ ભુવનનો રાય રે,

તેના રે સરીખી રે કળમ રે કોઈ નહિ.

દાઝે બળીઝળી રહેલી પરમલ આ ન સાંખી શકી. બોલી :

બાપુ ભાલાળો મારો માડીજાયો રે ભાઈ રે,

તેના તે ડાબા પગની રે મોજડી આપડો ઠાકરો.

આપણો ઠાકોર તો મારા ભાઈ બાપુ ભાલાળાના ડાબા પગની મોજડી જેવો નમાલો !

હેં !!! તેલમાં માખ બૂડે એમ છયે જણીઓ ઝંખવાઈ ગઈ.

પછી સાતે જણિયું લૂગડાં ઉતારીને તળાવમાં નાહવા પડે છે. મગરમચ્છ જેવી મસ્તાન બનીને તરે છે, ડબકીડોર રમે છે. સામસાથી પાટુડીઓ નાખે છે. જાણી જાણીને પરમલ ઉપર પાટુડીના ઘા કરે છે.

માનેતીની પાટુડી એવી પાણીમાં રે પટકાય રે

પરમલની પાટુડી રે નાનોસૂનો સીધવો.

બાપડી પરમલ શું પાટુ મારી શકતી’તી ! પણ પછી તો પરમલને ઝાળ લાગી ગઈ. બસેક ભારનું કડલું પગમાં પહેર્યું હતું તે માનેતીની કેડ્યમાં ઠબકાર્યું. રથમાં બેસીને પોતાને ઉતારે વહી આવી. દીવો પેટાવનારી બાનડીને પરમલે કહ્યુંઃ

દીવડીઆળી રે તું તો દીવડિયા અંજવાળ્ય રે,

રૂઠ્યો ને ત્રૂઠ્યો રે રાજા મોલ જ આવશે.

રાયકાને સાબદો કર્યો, અરે ભાઈ રતના રબારી ! મનવેગી ને પવનવેગી સાંઢ્ય પલાણ, મારા વીર બાપુ ભાલાળાને સંદેશો પહોંચાડ.

મનવેગી ને પવનવેગી સાંઢણી પલાણીને રતના રબારીએ બાપુ ભાલાળાને દેશ પહોંચીને ગઢના દરવાનને જગાડ્યોઃ

બાપુના ને પોળીડા તું રે તો સૂતો હોય તો જાગ રે

અસૂરાં કાગળિયાં રે પરમલ બાઈનાં.

કૂંચિયું રહી રે એવી ધાધલને દરબાર રે

વેણાં ને વાયે રે રતના, પોળ્યું ઉઘડે રે.

એ રતના રબારી ! પોળ્યના દરવાજા તો વાણલાં વાય ત્યારે ઊઘડે. કૂંચીઉં મારી આગળ નથી.

“એવી વાત છે ! આ લે ત્યારે !” એમ કહીને રતન રાયકાએ સાંઢ્યને પાછી હટાવીને ગઢની રાંગ ઠેકાવી. જઈને બાપુ ભાલાળાને બેનનો કાગળ દીધો.

(૮)

બાપુ ભાલાળો ઢાકા બંગાળા માથે ચડ્યોઃ

વાગ્યાં રે એવાં જાંગીના ઢોલ રે

ઢોલડિયા ધડુકે રે પારાધીડા જો ચડે.

પે’લે નગારે ચડે રે સાડા સાતસો રજપૂત રે

બીજે તે નગારે ચડી વીરા ! ચાલજો.

ચડતાં પહેલાં બાપુ ભાલાળો માતાજીને પગે લાગે છેઃ

બાપુ ભાલાળો લાગે દેવળને રે પાય રે

બા’નાંની લજાયું રે માડી ! મારી રાખજો.

હે માતાજી ! તમારું બિરદ મેં ધર્યું છે. તેની લાજ સચવાય એમ સહાયે રહેજો.

જેમ બાપુ ભાલાળાનાં ઘોડાની પડઘી વાગી તેમ પરમલે પોતાની શોક્યને કહ્યુંઃ

જગાડ્યે રે તારા ત્રણ ભુવનના રે રાયને રે

સૂંડલે ને સૂપલડે રે ઘરાણાં આવિયાં.

એ બાઈયું ! જગાડો તમારા બહાદરને ! જો મારો વીર અઢળક ઘરાણાં લઈને આવ્યો છે.

બાપુ ભાલાળાએ તો ચીચીડાને પકડી કેદ કરેલ છે. ત્યારે બેન પરમલ શું બોલે છે :

બાપુ ભાલાળા વીર ! પહલીએ કાપડાં લીધેલ રે

બંધીવાનને વીરા છોડી મેલજો.

અરે બેન ! તું તે કાંઈ ઘેલી થઈ ગઈ ! હવે છોડું ?

ઘેલી એની રે આવાં ઘેલડિયાં શાં રે બોલે રે

ચીચીડો ને માનેલ રે માતા કેરો બોકડો.

આ ચીચીડાને તો મેં માતાના બોકડા લેખે ભોગ દેવાની માતાની માનતા રાખી છે.

(૯)

ચીચીડાને પકડીને બાપુ ભાલાળો પાછો આવ્યો, પણ પછી એને મદ ચડી ગયો પોતાના ભુજબળનો, એટલે એક દિવસ એની ભોજાઈએ એને મેણું મારેલ છેઃ

બાપુ ભાલાળા વીરા ! નૈ રજવાડાની રીત રે

રાજવિયુંની રીત્યું રે સોઢા-ઘેર નીપજે.

હે વીરા બાપુ ભાલાળા ! રાજવીની રીત આવી નો’ય. આવાં અભેમાન ન શોભે.

હેં ભાભી ! ત્યારે રાજવીની રીત મારે ક્યાં જઈ શીખવી ?

તો કહે કે “મારા પિયરવાળા સોઢા રજપૂતને ઘેર જઈને શીખો.”

બાપુ ભાલાળા વીરા ! ભાલાડાના ઝૂઝનાર રે

માટીડા મળ્યે અરે ભાંગે તારાં ભાલડાં.

હે દેર ભાલાળા ! જે દી માટીએ માટી મળે તે દી પગે આંટિયું વળે. માટે તારા ભાલાનો મદ મેલી દે.

બિવરાવ્યાં બિવરાવ્યાં તેં તો નાનાંસૂનાં રે રજપૂત રે,

તેથી ને બિવરાવ્યાં રે ચોરે ચારણ ભાટને.

તારા સોઢાસુમરા પિયરિયાની આ બીક તું બીજા રેંજીપેંજી રજપૂતને બતાવ. મને નહિ હો ભાભી !

કરડાં કરડાં દિસે રે એવાં સોઢા ને સુમરાનાં રાજ

રાજવિયુંની રીત્યું રે સોઢા-ઘેર નીપજે.

હા હા, દેર ભાલાળા ! મારા પિયરમાં સોમસર તળાવ છે. ત્યાં મારા પિયરની સોળયેં સાંઢ્યું સોનામોરુંની ભરેલી રેઢી ચરે છે. જબરો હો તો જા, જઈને વાળી આવ.

ભલે ત્યારે ભાભી ! જા તારે પિયર, ને કહેજે તારા સોઢાઓને કે-

કે’જે ભાભી રે તારા મૈયરમાં જઈને વાત રે

રાજવિયુંની રીતે રે ઠાકોરો રે હાલજો.

મારી બેટીને મારે દેવું છે કન્યાદાન રે

સોળસેં સાંઢ્યું રે બાઈ વાંસે આલવી.

બાપુ ભાલાળે તો સેન મોકલ્યું સોઢાના મુલક માથે, એમાં વાંસેથી ઢાંક બંગાળેથી ચીચી ઝાંઝરો સેના લઈને ચડ્યો ને ગુંજવા ગામની ગાયો વાળી. બાપુની તો આંખો દુઃખે એટલે એ સૂઈ રહ્યો.

માતાજી સપનામાં આવ્યાં.

બાપુ ભાલાળા ! ઊઠ્ય, ચડ્ય, નીકર મારું નાક કપાશે. બાપુ ભાલાળે અભિમાન ને અભિમાનમાં ના પાડી.

દુઃખે દુઃખે રે મારી ડાબી કોરની આંખ રે

ઘોડાં રે ઘરે રે મારે નોયે રાવળાં.

હે માતાજી ! મારી આંખ ઊઠી છે, ને ઘોડાં ને રાવળ રાજપૂતો ઘેરે નથી.

ત્યારે માતાજીએ શરાપ દીધોઃ

દુઃખજો રે દુઃખજો તારી ભવોભવ આંખ રે

ઘોડાં ને હજો રે ઘેરે તારે રાવળાં !

એ...મ ! ત્યારે શું માતાજી જ મને રાખી દે છે ! આ લ્યો આ તમારો ભમ્મરિયો ભાલો ને આ તમારી કેસર ઘોડી.

એમ કહી બાપુ ભાલાળો માતાજીનો આપેલ ભમ્મર ભાલો અને કેસર ઘોડી, એ બેય વાનાં મૂકી દઈને લડ્યો, ને મરાણો.

૪. ચાર સાર

રાજાને અને મનસાગરા પ્રધાનને હતી તો આંતરે ગાંઠ્યુું. એકબીજા વિના જીવડો જંપી ન શકે. એમાં એક દિ’ રાજા બદલી બેઠો. રાજા, વાજાં ને વાંદરાં, એનું કાંઈ ઠેકાણું નહિ. કોણ જાણે શો વહેમ આવ્યો ને રાજાએ મનસાગરા પ્રધાનનું મોઢું જોવું બંધ કર્યું. અરે રાજા ! મારા ડાહ્યા રાજા !

જે સું બાંધલ જીવ, તે સું મન તારવીએં નહિ,

મન સુકાય શરીર, તોય બીજાં ન થાયેં બાંદરા !

જેની જોડે જીવ બાંધ્યો હોય તેને ન તરછોડીએ. અરે આવો અણબનાવ જે દિ’ હંસાની ને સાયરની વચ્ચે થયો હતો, તે દિ’ -

હંસલાં ઊંડું ઊંડું હુવાં, પાંખું પસાર્યે,

જાણ્યું પાદર ચારો નૈ, કોક નવાં નિહાળ્યે.

સાયર સુકાણાં, હંસલાં ચારા વિનાનાં થઈ રહ્યાં, ને કોઈક નવાં નવાણ નિહાળવા ઊડું ઊડું થયાં.

ત્યારે સાયર દુભાઈને બોલ્યું કે -

હંસલા ! પ્રીતિ કાગની, કષટ પડ્યે ઊડી જાય;

સાચી પ્રીત શેવાળની, જળ સૂકે કરમાય.

હે હંસા ! મને સરોવરને કષ્ટ પડ્યે ઊડી જાય તે તો કાગડાનાં કામ. સાચી પ્રીતિ શેવાળની, કે મારાં જળ સૂકે એટલે પોતે પણ કરમાઈ જાય.

ત્યારે ડાહ્યા માણસોએ કહ્યું કે એ હંસા !

હંસા ! સાયર માનવીએ, કરીએં હાથાંજોડ્ય;

જેથી રૂડાં લાગીએં, તેથી તણી મ ત્રોડ !

હે હંસા ! તું સાયરને મનાવી લે. એની પાસે હાથ જોડ. જેનાથી આપણે સારાં લાગીએ ને શોભીએ, એનાથી દોસ્તી ન તોડાય.

હંસા ! સાયર સેવીએં જેની જળ બરોબર પાળ,

ઓછો રાજા ન સેવીએં, જેનો ઉચાળો અંતરિયાળ.

પણ હંસલો તો ગયો તે ગયો. જતાં જતાં કહેતો ગયો કે મારે ઘણાંય સરોવર પડ્યાં છે, કાંઈ આ એક માથે ભૂંગળું નથી ભાંગ્યું, ત્યારે સાયરે કહ્યું કે હા ભાઈ !

હંસાને સાયર ઘણાં, પોહપ ઘણાં ભમરેશ;

સુમાણસને સુમાણસ ઘણાં, મરને જાય વિદેશ.

પુષ્પને ભમરા પણ ઘણા મળી રહેશે. સારા માણસને સારા માણસ સાંપડી રહેશે. ભલે તું વિદેશ જાતો.

આમ પ્રધાન પણ રાત-દી સબૂરી સાચવીને બેઠો છે. એને તો આશા છે કે કોઈક દી રાજાનું મન ઠેકાણે આવશે. એમાં ભગવાનને કરવું છે અને ઈશ્વરને વાત રાખવી છે તે એક દિવસ પ્રધાનને કાને આવા બોલ પડ્યાઃ “લ્યો રે કોઈ ચાર સાર ! એક એક સારના રૂપિયા એક એક હજાર !”

“સમજે તો લાખના

ને ન સમજે તો રાખના !”

અરે, આ ચાર સાર કોણ વેચે છે ? ઊઠીને મારગને માથે ડોકું કાઢ્યું ત્યાં તો એક ફકીર બોલતો હતો -

“લ્યો રે ભાઈ ! ચાર સારઃ એક એકના રૂપિયા એક હજારઃ સમજે તો લાખના ને ન સમજે તો રાખના !”

સાંભળીને માણસો મશ્કરી કરતાં કરતાં ચાલ્યાં જાય છે. કોઈ વળી કહેતાં જાય છેઃ “ગેલસાગરો છે, ગેલસાગરો !” ત્યાં તો મેડી માથેથી મનસાગરા પ્રધાનેસાદ કર્યોઃ “એ સાંઈ ! આંહીં આવજો આંહીં.”

મેડી માથે તેડાવીને રૂપિયા ચાર હજાર મેલી દઈને કહ્યું કે “લાવો, ચાર સારનો ખરડો.”

ફકીરે ચાર સાર લખેલી કાગળની ચપતરી આપી, તે મનસાગરા પ્રધાને વાંચી -

ક્રોધે વમાસણ સો સાર, તેના રૂપિયા હજાર;

જાગ્યા સો નર ચાર, તેના રૂપિયા હજાર;

વેરીને આદરભાવ સો સાર, તેના રૂપિયા હજાર;

અસ્ત્રી વાંક માર સાર, તેના રૂપિયા હજાર;

સમજે તો લાખના

ને ન સમજે તો રાખના.

“ઠીક, જુઓ સાંઈ ! આ લ્યો આ ખરડો, અને રાજાને મો’લે જાવ. રાજાને હાથોહાથ દેશો મા; પણ એના બારસાખે રાતને ટાણે ચોડીને ચાલ્યા આવજો.” એ સમાના બાવા-ફકીર ઇમાનદાર, એટલે ઠેઠ રાજાના મો’લમાં પણ જાય - આવે. કોઈ એને અટકાવે નહિ. ચાર સારવાળો ફકીર જઈને ચાર સારની ચબરખી રાજાના મહેલને બારસાખે ચોંટાડીને ચાલ્યો આવ્યો.

(ર)

હવે ભગવાનને વાત રાખવી છે તે એ જ રાતે ગામમાં ભવાયા રમે. ચોકમાંથી ભૂંગળાં વાગવા માંડ્યાં અને ઝાંઝ-પખાજની ઝડી બોલી. રાજા પોતે ભવાયા જોવા ગયા છે. અને રાજાની બેન જુવન હતી તેને પણ ભવાયા જોવાનું મન થયું એટલે એ મરદનો વેશ પહેરીને પહોંચી ભવાયા જોવા. ભોળી પોતાની બાનડીઓ, એને પણ મરદનાં લૂગડાં પહેરાવેલાં. કુંડાળાની એક કોર રાજા ઢોલિયો ઢાળીને બેઠા છે અને બીજી કોર રાજાની બેન મરદવેશે અને હથિયાર-પડિયાર બાંધીને બેઠી છે. કોઈ એને ઓળખી શકે એમ નથી. જાણે કોઈક પરગામનો ગરાસિયો આવ્યો છે.

રમતમાં તો વેશ પછી વેશ આવવા લાગ્યા. ગણેશનો, ડાગળાનો, બ્રાહ્મણનો અને ઝાંઝ-પખાજ માથે ઝપટ કરતા, થાપીઓ દેતા નાયક ગાવા લાગ્યા કે -

વાવડી ખોદે રે ભ્રમ્યો રામરામજી રે

નાવણ કરે રે ભ્રમ્યો રામરામજી રે

ભોજન કરે રે ભ્રમ્યો રામરામજી રે

પછી વળી -

ભલા મોરે રામા, ભલા મોરે રામા

આજ મોરે રામા, ભલા મોરે રામા !

એમ ગાતા ને નાચતા નાચતા માથે છત્રી ઝુલાવતા પુરબિયા બે કોર રે બાયડીઓને લઈ પડ ગજવતા આવ્યા. પછી તો કેરબાનો વેશ આવ્યો, પણ શું એના નાટારંભ !

સવર પદ ઘૂઘરકે બાજત બજાય સિંધુ,

વીંછિયા અણવટકી ફોજ અસવારી હે;

ઘૂઘર રવ ઝાંઝરકે પાખર બિછાય ઘોડે,

ભૂજન પર બાજનકી ઢાલ બડી ભારી હે;

સીસન પર ચીરનકે નેજા જરીન સોહે,

ધજા પતાકા અરૂ કંચન જ્યું ધારી હે.

એવા કેરબાના વેશ માથે રાજાને મોજ આવી, ને એણે રૂપિયા એકસોની મોજ આપી. ભવાયાના નાયકોએ ભલકાર દીધો કે “હેઈ ખરાં !”

“અરે છડિયું ! આ તો ભાઈ આપણી રમત લઈ ગિયા !” એમ પોતાની બાંદીઓને કહેતેક રાજાની બહેને બેવડો ચડાવો કરીને રૂપિયા બસો જાહેર કર્યા. એની વાહવા બોલાણી, એટલે તો રાજાને રૂંવે રૂંવે અંગારા મેલાઈ ગયા. રાજાની બેન પણ પોતાને ભાઈ ઓળખી જશે એવી બીકે ઝટ ઝટ ઊઠીને રાજમોલે ચાલી ગઈ અને મોડી રાતે એ જ મરદવેશે મા ભેળી સૂઈ ગઈ. ઊંઘ બહુ આવતી હતી. એટલે લૂગડાં બદલાવવાની વેળા રહી નહિ.

રાજા પણ રીસમાં ને રીસમાં ઘેર આવ્યા. મોલમાં ઝમાળ જેવા દીવા બળી રહ્યા છે, એને અજવાળે એણે જોયું તો માની હારે કોઈક મરદ સૂતેલો ! શરીરનાં છાસઠ હજાર રૂંવાડાં સડડડ કરતાં બેઠાં થઈ ગયાં. તરવાર ખેંચીઃ હમણાં જ બેયના કટકા કરી નાખું ! જેવો બારણામાં પગ મૂકવા જાય છે એવો તેમનો હાથ બારસાખે ચોડેલ કાગળ માથે પડ્યો. એમાં એણે વાંચ્યું -

ક્રોધે વમાસણ સો સારઃ તેના રૂપિયા હજાર !

ક્રોધ આવે ત્યારે વિમાસણ કરવી, વિચાર કરવો, સબૂરી રાખવી, એવા મર્મવાળો એક હજાર રૂપિયાનો સાર !

આ શું ? આ ચિઠ્ઠી આંહીં કોણે ચોડી ? કાંઈક ઊંડો ભેદ લાગે છે !

ગમ ખાઈને બે પગથિયાં હેઠો ઊતરી બેસી ગયો. ફરી વાર એની નજર એ ચિઠ્ઠી ઉપર પડી. વાંચ્યું -

જાગ્યા સો નર સાર : તેના રૂપિયા હજાર !

આ તો ભેદ વધે છે. મને જ કોઈક ચેતવતું લાગે છે; ઓહો ! ત્યારે તો હમણાં આપણે સૂવું નહિ. જાગતા રહેવું : મારી જાતને માટે જ કાંઈક સાર હશે. એમ વિચારીને રાજા બેઠો.

રાતના ત્રીજા પહોરે ઝાડને માળે બેઠેલાં બે પંખીડાં વાતો કરે :

કે’, “હે હંસપંખી ! આ રાજાનું આયખું કેટલું ?”

કે’, “હે હંસપંખણી, ત્રણ દીનું.”

“અરરર ! ત્રણ જ દીનું ! પણ રાજા તો કાંઈ માંદા નથી. રૂંવાડે ય કોઈ રોગ નથી.”

કે’, “હે હંસી ! ત્રીજા દીની રાતે આ રાજાને સરપડંશ થશે.”

“સરપડંશ શા માટે ?”

“આ રાજાના ઘોડાના ડાબલા હેઠળ એક સરપનું બચ્ચું બાંડું થયેલું છે, તે વેર લેવા આવશે.”

એટલી વાત કરીને પંખી ઊડી ગયાં. રાજા તો સાંભળીને પરસેવે રેબઝેબ થઈ ગયો. વળી એણે બારસાખે જઈને વાંચ્યુંઃ “વેરીને આદરભાવ સો સાર...”

સવાર પડ્યું એટલે રાજાને પહેલો સાર ફળ્યો. મરદવેશે મા ભેળી સૂતેલી તે તો પોતાની બહેન જ નીકળી ! ક્રોધમાં ને ક્રોધમાં બેયના કટકા કર્ય હોત તો પાછળથી કેટલું પસ્તાવું પડત ! ત્યારે તો હવે બીજો સાર પણ સાચો પડશે. નક્કી સરપ કરડવા આવશે. પણ હવે કરવું શું ?

ફરી વાર નજર બારસાખ સામે ચોડેલ ચિઠ્ઠી ઉપર પડીઃ આગળ લખ્યું હતું -

વેરીને આદરભાવ સો સાર !

હાં-હાં ! સરપ આપણો વેરી છે. વેર લેવા આવનાર છે. એને જો આદરમાન દઉં, તો નક્કી એમાં કંઈક સાર હશે. હવે સરપ જેવા વેરીને આદરભાવ શેનો દેવો !

ત્રીજો દી થયો અને રાજાએ ફૂલવાડીમાંથી ઢગલાબંધ ફૂલ મંગાવીને પોતાના રંગમોલમાં પથરાવ્યાં, પલંગ ઉપર ફૂલના ઉલેચ બંધાવ્યા, અને સાંજ પડી એટલે પલંગને ચારે પાયે અક્કેક કઢેલ દૂધનું કૂંડું મેલાવ્યું. પછી પોતે પલંગમાં ચડીને બેઠો. દેહ તો થરથર ધ્રૂજે છે. પણ ઓલ્યા ચાર સાર ઉપર આસ્થા રાખી છે, એટલે મનને મજબૂત રાખીને બેઠો છે.

અધરાત થઈ એટલે નાગ આવ્યો. ફૂં ! ફૂં ! ફૂં ! ફેણમાંથી વરાળ નીકળે છે. રંગમોલ આખો ધગી ઊઠ્યો છે. રાજાની રાડ ફાટતી માંડ રહી ગઈ. પણ જેવો એ વાસંગી નાગ ઓરડામાં આવ્યો તેવો તો ફૂલના થર ઉપર ફડાકવા લાગ્યો, અને પલંગને પહેલે પાયે ચડવા ગયો ત્યાં દૂધના કૂંડામાં જ મોઢુું આવી ગયુંઃ ચસ ! ચસ ! ચસ ! પોતે દૂધ પી ગયો અને પછી વિમાસ્યુંઃ “હવે આ પાયે ન ચડાયઃ મેં આનાં લૂણપાણી લીધાં.”

પટ દઈને એ પાયેથી નાગ પાછો ફર્યો, કારણ કે જાતવંત દેવલોકી નાગ છે ખરો ને ! -

તવીએં પ્રથમ તંબોળ, અભે નાગ અડદિયા,

ત્રીજા નાગ તલિયા, ગણીએ ચાર ગડબડિયા,

પાંચમો ધામણ પણા, ખટમો ઐયર જાણ;

સાતમો શીતળ શામ, આઠમો નાગ કંજુ,

નવમો નાગ ફૂલનાગ, કુંડળ સબ કાશ્યપરા,

અલસ્રજ કવન ઓચરે, રૂપ નવકળ નાગરા.

એમ આ તંબોળિયો નાગ નહિ, અડદિયો નહિ, તલિયો નહિ, ગડગડિયો નહિ, ધામ, ઐયર કે શીતળો નહિ, કંજુ પણ નહિ, આ તો બધાય કરતાં ઊંચા નવમા કુળનો ફૂલનાગ હતો.

પાછો વળીને ફૂલના સુંવાળા ફગરમાં આળોટતો, ગેલ કરતો, ફૂલનાગ તો પલંગને બીજે પાયે પહોંચ્યો, ત્યાં ચડવા જાય તો ત્યાં ય મોઢું દૂધના કૂંડામાં પડ્યું.

ત્યાં યે ફરી દૂધ પીધું. એમ ત્રીજે પાયે, અને છેલ્લે ચોથે પાયે. પછી તો નાગે વિચાર્યું કે હવે પાયેથી તો પલંગે ન ચડાય. એનું લૂણ પાણી પીધું. માટે બીજી કોઈ જુક્તિ કરવી જોઈએ.

અરે શા ભાર છે એના ! આજ જીવતો મેલું નહિ ! એમ વિચારતો ચડ્યો એ તો અધ્ધર, અને છાપરેથી ડિલ પલંગ ઉપર પડતું મૂક્યું, એટલે એ પડ્યો ફૂલના ઉલેચમાં. આવો આદરભાવ કરનારને કેમ ડસાય ? નાગ હતો ઈમાની. કારણ કે એ તો નવકુળ માયલો નાગ હતો. જાતવંત હતો. વાસંગીના વંશનો દેવાંગી નાગ હતો.

નાગ પ્રસન્ન થઈ ગયો. દેવ-રૂપ ધારણ કરીને રાજાની સામે જોઈને કહે કે :

“હે રાજા ! માગ માગ ! મારો કોલ છે કે તું માગીશ તે આપીશ.” રાજાએ માગ્યું કે “હે વાસંગીદેવ ! હું જીવ માતરની બોલી સમજું એવું વરદાન દ્યો, અને ત્રણ કાળનું ભાળું એવી શ્વાનની આંખો આપો.”

“અરે રાજા ! એથી તને શું ફાયદો છે ?” વાસંગીદેવને રાજાની માગણીમાં ડહાપણ ન લાગ્યું.

કે’, “મહારાજ ! આપો તો ઈ જ આપો. હું જીવ માતરની બોલી સમજું અને ત્રણ કાળનું ભાળું !”

“જા ત્યારે, સમજીશ અને ભાળીશ, પણ એક શરતે.” કે’, “શું મહારાજ ?”

કે’, “હે રાજા ! તારી અસ્ત્રી આગળ કોઈ દી એ માયલી વાત કરીશ નહિ. કરીશ તે દી તારો કાળ સમજજે.” એમ કહીને નાગ તો ચાલ્યા ગયા. અને તે ઘડીથી જ રાજાની આંખો અને કાન બ્રહ્માંડમાં રમવા લાગ્યાં. કીડીમકોડા, પશુ-પંખી, તમામની બોલી સમજે અને ગેબમાં ભાળે.

હવે ભગવાનને વાત રાખવી છે તે એક દિવસ જૂની રાણીનો ભાઈ મરી ગયો; એવો ભલો અને પુણ્યશાળી માણસ હતો કે એનો જીવ બહાર નીકળીને દેહને બચીઓ ભરવા લાગ્યો. નોખા પડવું ન ગમે.

નાગનું વરદાન હતું કે રાજા ત્રણે કાળનું ભાળે, એ પ્રમાણે આ કૌતુક ભાળીને રાજાને રોવું આવી ગયું.

પછી એક દી નવી રાણીનો ભાઈ મરી ગયો. એનો જીવ બહાર નીકળીને દેહને ગાલે ખાસડાં મારે ! એ પણ રાજાએ જોયુું અને રાજા તો હસવા લાગ્યો.

પોતાનો ભાઈ મરે અને રાજા હસે ! એનું કાંઈ કારણ ? નવી રાણીએ હઠ લીધી કે “હે રાજા ! હસવાનું કારણ કહો.”

કે’, “કહેવાય નહિ.”

“ના, બસ કહો ને કહો ! નીકર પેટ કટાર નાખીશ !” રાજા પડ્યો વિમાસણમાં. કહે તો કાળ આવે, ને ન કહે તો રાણી મરવા તૈયાર થાય !

કહેવું જ પડશે, અને આંહીં ને આંહીં કાળ આવશે તો જીવ અવગત્ય જશે, માટે ચાલ, કાશીએ જઈને કહું, એટલે મોત આવે તો યે જીવ ગત્યે તો જાય.

રાજા રાણીને કહે કે ચાલ, કાશીએ જઈને કહીશ. બેઉ હાલી નીકળ્યાં. જાતં જાતાં બારસાખને માથે ફરી ચાર સાર વાંચ્યાઃ

ક્રોધ વમાસણ સો વાર.....

જાગ્યા સો નર સાર.....

વેરીને આદરભાવ સો સાર.....

અસ્ત્રી વાંક માર સો વાર.....

સમજે તો લાખના,

ન સમજે તો રાખના !

જાતાં, જાતાં, મારગને કાંઠે કૂવો આવ્યો. અને એને કાંઠે બકરો ને બકરી ચરે. બરાબર રાજારાણીને નીકળવું અને બકરીને બોલવું -

“અરે હે રોયા બકરા ! હું છું ભારેવગી. અને મને થયું છે આ કૂવામાં ઊંડે પાણી આગળ વેલો ઊગ્યો છે તે ખાવાનું મન. માટે માંહીં ઊતરીને મને એ વેલો લાવી દે તો જ હા, નીકર ના.”

ત્યારે બકરો બોલ્યોઃ “રાંડ બકરી ! હું કાંઈ આ રાજા જેવો મૂરખ નથી કે તારા સારુ થઈને કૂવામાં જીવ ખોવા ઊતરું. એવાં લાડ કરીશ તે, તો હું તો તને ઢીંકે ઢીંકે લાંબી કરી નાખીશ. ઓળખ છ મને ? હું કાંઈ આ રાજા જેવો ગાલાવેલો નથી કે બાયડીનાં ગેલસાગરાં લાડ પણ પૂરાં કરું.’

બકરી તો ચૂપ થઈ ગઈ.

રાજાને તો નાગદેવતાનું વરદાન છે કે જીવ માત્રની બોલી સમજેઃ એણે આ બકરા-બકરીની વાત સાંભળી અને એ તો સડક દઈને ઊભો રહી ગયો. એક તો એને બકરાનું મેણું લાગ્યું, અને બીજો એને ઓલ્યા ચાર સાર માયલો ચોથો સાર સાંભર્યોઃ “અસ્ત્રી વાંક માર સો સાર.”

તુરત એણે નવી રાણીને કહ્યુંઃ “ઊભી રે. પાછાં વળવું છે કે મારા હાથની ધોલ ખાવી છે ? હઠ કરવી છે ? આંહીં ને આંહીં ધમારી નાખીશ, લોંડી !”

રાણીના તો મોતિયા જ ત્યાં મરી ગયા, અને એણે રાજાને કરગરીને કહ્યુંઃ

“હવે કોઈ દી હઠ નહિ કરું, વળો પાછા.

પાછા આવીને રાજાએ ચારે સાર સાચા પડેલા જોયા. એણે તપાસ કરાવી કે આ ચાર સાર મારે બારસાખે ચોડનાર કોણ ?

ખબર પડી કે એ તો મનસાગરો પ્રધાન હતો. રાજાએ મનસાગરાને તેડાવીને એની માફી માગી અને પછી એવા શાણા મિતરુંની સાથે રીસ કરવી ભૂલી ગયા.

ખાધું પીધું ને રાજ કીધું.

પ. પરકાયાપ્રવેશ

વળી એક વખત ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વીર વિક્રમ એકલ ઘોડે અસવાર બનીને ગામતરે નીકળ્યો છે. કારણ કે પારકાનાં દુઃખ ભાંગ્યા વિના એને રાતે નીંદર આવતી નથી.

ન સૂવે રાજા ન સૂવે મોર,

ન સૂવે રેન ભમન્તા ચોર,

કબુ ન સોવે કંકણહારી,

ન સૂવે પ્રેમવળુંધી નારી.

સાચો રાજા ન સૂવે, મોર ન સૂવે, રાતમાં ભમતા ચોર ન સૂવે, કંકણહાર નામની પંખણી ન સૂવે, અને પ્રેમમાં તલસતી અસ્ત્રી ન સૂવે. એટલાં જણ નિરાંતે નીંદર કેમ કરી શકે ?

હાલતાં હાલતાં એક નગરી આવી છે. દરવાજે જુએ તો બંદૂક, તરવાર, ભાલાં, ઢાલ, હથિયાર-પડિયાર ટાંગેલ છે, પણ કોઈ કરતાં કોઈ માણસ નથી. નગરીની માલીકોર જાય તો બજારે હાટડાં ભર્યં છે, પણ કોઈ માણસ નથી. આખી નગરી અભરે ભરી પણ માણસ વિનાની. માણેકચોકમાં જઈને ઘોડો અટક્યો. ઘોડે હણેણાટી મારી. મોટો મહેલ ઊભેલો, તેના ગોખમાંથી કોઈકે ડોકું કાઢ્યું. વીર વિક્રમ જુએ તો એક બાઈ નજરે પડી. ઓહોહો ! રૂપરૂપનો ભંડાર. આ તો કોઈક પદમણી જાતની નારી !

પદમણી નારીને પાશેરનો આહાર,

અધશેર આહાર રાણી હસતની,

ચત્રણી નારીને શેરનો આહાર,

સોળ વાળે એનું નામ શંખણી.

પદમણી નારીને પલની નીંદરા,

અધ પોર નારી હસતની

ચત્રણી રાણીને ચારે પોર નીંદરા,

સોર વાળે રાણી શંખણી.

પદમણી રાણી એને પાનીઢક વેણ્ય,

અધકડ્ય વેણ્ય રાણી હસતની;

ચત્રણી રાણીને ચાબખ-ચોટો,

ઓડ્યથી ઊંચાં એનું નામ શંખણી.

વિક્રમ રાજાએ તો પહેલેથી જ નજરે પારખી લીધું, કે આ નથી શંખણી, નથી ચિત્રિણી, નથી હસ્તિની, પણ પદમણી નાર લાગે છે. અને છતાં, અરે જીવ ! આ પદમણી શું આ નગરીને ભરખી જનારી ડાકણ હશે ?

બાઈએ મીઠા સાદે બોલી કરીઃ

“અરે હે પુરુષ ! આ નજીવા નગરીમાં તમે શું કામ આવ્યાં ?”

“હે અસ્ત્રી ! શું તું જ આ નગરીને ભરખી જનારી ડાકણ છો ?” કે’, “મોટા રાજા ! હું નહિ. હું તો દુઃખણી બંદીવાન છું, ને આ તો ઢુંઢા રાક્ષસનો આવાસ છે. જીવ વા’લો હોય તો પાછો વળી જા.”

કે’, “હે અસ્ત્રી ! જીવ તો મને વા’લો છે, પણ પારકાનું દુઃખ ભાંગવું મને વહુ વહાલું છે. આવી નજીવા નગરી વચ્ચે તને કોણ લઈ આવ્યું છે ? તું કોણ છો ? તારાથી આંહીં શે રહેવાય છે ? બોલ, બોલ, હું વીર વિક્રમ છું.”

“વીર વિક્રમ ! અરે પ્રભુ ! તમે ઝટ પાછા વળો. આમ જુઓ ! સાંભળો, તમારા કાળના પડઘા પડે છે. સાંભળતા નથી ?” વિક્રમને કાને ધણેણાટી સંભળાણીઃ ધરતી હલબલતી હતી. અને પછી તો અવાજ આવ્યોઃ થડક ઉથડક ધમ ! થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ !

“આ શેનો અવાજ છે ?”

“હે રાજા ! ઢુંઢો રાક્ષસ શિકાર કરીને પાછો આવે છે. હમણાં આવી પહોંચશે. તમે એને નહિ પૂગો. કોઈ હથિયારે એ મરશે નહિ. એને મોત નથી. આંહીં અંદર આવતા રહો. હવે તમે ભાગી નહિ શકો.” વિક્રમ અંદર આવ્યો. ઘોડાને એકલો છોડી મૂક્યો. ઘોડો નગરી બહાર ચાલ્યો ગયો. બાઈએ વિક્રમને માથે હાથ ફેરવીને દેવીઓનું આરાધન કર્યું-

ચોરાસણી ચારણ્યું

નવ કોટિ મારવાડણ્યું

બરડાના બેટન્યું

પાટણના પાદરની

રોઝડાના રે’વાસની

કળકળિયા કૂવાની

તાંતણિયા ધરાની

કાંછ પંચાળની

અંજારની આંબલીની

ગરનારના ગોખની

ચુંવાળના ચોકની

થાનકના પડથારાની

કડછના અખાડાની

હે માવડી જોગણિયું ! આ પુરુષનું જતન કરજો !

એટલું કહીને રાજા વિક્રમને બાઈએ પટારામાં પૂર્યો, અને આડસરે મધનો કૂંપો બાંધ્યો. એમાંથી અક્કેક ટીપું મધનું બરાબર પટારાની તરડમાં પડે, અને માંહીં પુરાયેલ વિક્રમ એ મધનાં ટીપાં માથે પોતાનો ગુજારો કરે !

ઢુંઢો આવ્યો. પાંચ-દસ મડાં આ ખંભે અને પાંચ-દસ મડાં ઓલ્યે ખંભેઃ નાખોરાં તો થડક ઉથડક ધમ ! થડક ઉથડક ધમ ! એમ બોલી રહ્યાં છે અને ઢુંઢો બોલતો આવે છે -

માણસ ગંધાય ! માણસ ખાઉં !

માણસ ગંધાય ! માણસ ખાઉં !

બાઈ કહે છે કે “આંહીં તો મારા સિવાય કોઈ માણસ નથી. મને ખાવ તો છે!”

“તને તે કાંઈ ખવાય ? તારા વિના મારી ચાકરી કોણ કરે ?” એમ બોલીને હાંફવા મંડ્યો : થડક ઉથડક ધમ ! થડક ઉથડક ધમ ! થડક ઉથડક ધમ !

બાઈએ તો ઢુંઢાને ખવરાવ્યું છે. થાકેલ ઢુંઢો લાંબો થઈને સૂતો છે. અને બાઈએ લોઢાની મોઘરી લઈને ઢુંઢાના પગ ચાંપવા માંડેલ છે, ઢુંઢો ઘારણમાં પડ્યો.

બેત્રણ દી થયા અને પાછો ઢુંઢો શિકારે ઊપડ્યો. એટલે બાઈએ વીર વિક્રમને પટારામાંથી બહાર કાઢીને કહ્યુંઃ

“હે પુરુષ ! હવે તમે આ નજીવી નગરીમાંથી બહાર નીકળી જાવ. નીકર મને તમારી હત્યા લાગશે.” બાઈનો અક્કેલ બોલ કોયલના ટહુકા જેવો હતો. આવી સુકોમળ પદમણી રાણી, આવું બિલોરી શરીર, આ પેનીઢક ચોટલો, આ કંકુવરણી કાયા, અરેરે ! એક રાક્ષસને પંજે પડી રહે ! નહિ નહિ જીતવા ! એમ તો નહિ બને.

“હે અસ્ત્રી ! તને છોડાવ્યા વગર તો હવે નહિ જાઉં.”

“મને તમે છોડાવી નહિ શકો.”

“કારણ ?”

“કારણ કે આ ઢુંઢાનું મોત નથી. કોઈ માણસ કે દેવનો માર્યો, કોઈ હથિયારે કે પડિયારે, આગમાં કે પાણીમાં એ મરનાર નથી. કૈંક પરાક્રમી નર આંહીં આવીને એના ભોગ બન્યા છે.” પણ વિક્રમ કાંઈ એકલો શૂરવીર થોડો હતો ? એ તો ચૌદ વિદ્યાનો જાણકાર હતો -

પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની,

ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની;

પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે

સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી,

નવમી તોરંગ વદ્યા, દસમી પારખુ,

અગિયારમી રાગ વદ્યા, વેશ્યા વદ્યા બારમી,

તેરમી હરિસમરણ વદ્યા, તસગર વદ્યા ચૌદમી.

ચૌદે વિદ્યાના સાધેલ વીર વિક્રમે વિચાર કરીને બાઈને કહ્યુંઃ “આજનો દી મને રહેવા દે, અને તું ઢુંઢાને ખવરાવી-પિવરાવી પગ દાબતી વખતે હું જે કહું તે પૂછી લે. તને રોતાં તો આવડે છે ના ?”

“હા જ તો.”

“ત્યારે થોડી અસ્ત્રીવિદ્યા ધુતારાવિદ્યા અજમાવી લે. એને પૂછ કે તમે મરશો તો મારું કોણ બેલી ? એમ ફુલાવીફુલાવીને ભૂલમાં નાખીને એનું મોત જાણી લે.”

કે’, “ભલે.”

બપોર થયું ત્યાં તો ફરી પાછી ધરતી ધણેણી, અને ઢુંઢાની હાંફણ સંભળાણી : થડક ઉથડક ધમ ! થડક ઉથડક ધમ !

પાંચ-દસ મડાં આ ખંભે ને પાંચ-દસ મડાં ઓલ્યે ખંભે. મડાં ખડકીને મોલમાં જાતો વળી બોલ્યોઃ

“માણસ ગંધાય, માણસ ખાઉં, માણસ ગંધાય, માણસ ખાઉં.” પટારામાં બેઠેલા વિક્રમને પણ આ ભયંકર બોલ સાંભળીને પરસેવો વળી ગયો. બાઈએ હસીને કહ્યુંઃ

“આંહીં તો કોઈ માણસ નથી. હું છું તે મને ખાવ !”

“અરે, તને તે કાંઈ ખવાય ? તું તો મારી ચાકરી કરછ.” ખવરાવી-પિવરાવીને પાછી બાઈ તો લોઢાની મોઘરી લઈને ઢુંઢાના પગ દાબતી બેઠી, અને ડળક ડળક આંસુ પાડી રોવા લાગી. ઢુંઢો કહે, “અરે પણ, તું રોવછ શીદ ?”

કે’, “ન રોઉં તો શું કરું ?”

કે’, “કાં ?”

“તમે હવે ગલઢા થયા. તમારો દેહ પડ્યે મારું કોણ ?” એમ કહેતી કહેતી ધ્રૂસકે ને ધ્રૂસકે રોવા લાગી.

“મારું મોત ? અરે, મને કોઈ મારી શકે નહિ. એક જ વાતે મરું તેમ છું. મારી તો લોઢાની કાયા છે.”

“તો ય નામ એનો નાશ તો હોય જ ના !”

“સાંભળ, હું વાવમાં સ્નાન કરું, પછી જાપ કરતો હોઉં, તે એક જ ટાણે મારી કાયા મીણની થઈ જાય. એમાં પણ એક બાપનો ને એક માનો કોઈ આવે, મારું માથું ને ધડ નોખું કરે, અને માથા ને ધડની વચ્ચે બે ધૂળની ઢગલી કરી શંકર-પારવતીની આણ આપે, તો જ ધડ ને માથું નોખાં રહે. નીકર તો મારે રૂંવાડે રૂંવાડે રાક્ષસ પેદા થાય. ખબર છે તને ?” ભોળા રાક્ષસે તૉરમાં ને તૉરમાં કહી નાખ્યું.

“હાઉં, તયેં તો હવે મને જરીકે ચિંતા નથી.” બેત્રણ દા’ડે ઢુંઢો પાછી શિકારે ગયો, બાઈએ વિક્રમને બહાર કાઢીને બધી વાત કરી.

પાછો ઢુંઢો આવ્યો. સ્નાન કરીને જાપ કરવા બેઠો. એ જ વખતે વિક્રમે બહાર નીકળી છલંગ દઈને ઢુંઢાને તરવાર ઠણકાવી, અને ઢુંઢાના માથા અને ધડ વચ્ચે બે ધૂળની ઢગલીઓ કરી શંકર-પારવતીની આણ દીધી.

ઢુંઢાનાં ધડ-માથું તરફડી તરફડીને ટાઢાં થઈ ગયાં. વિક્રમ એ રાજકુમારીને લઈ નજીવા નગરીમાંથી બહાર નીકળ્યો. એને એનાં માવતરને રાજપાટ જઈ મૂકી આવ્યો. અને વીર વિક્રમ આગળ ચાલ્યો.

(ર)

હાલતાં હાલતાં હાલતાં એક ઠેકાણે એક રાક્ષસ સાંતીડું હાંકે. સાંતીએ હાથી જોડેલા. લોઢાનું હળ ને લોઢાનાં ચવડાં. જમીનનાં ગદાલાં ને ગદાડાં ઉખેળી રહ્યો છે રાક્ષસ.

વિક્રમ કહે કે “ઓય માળો ! તું લોંઠકો તો ખરો, પણ મહાપાપિયો લાગ છ.”

કે’, “અરે રાજા, હું તો બહુ દુઃખિયારો છું.”

કે’, “કાં ?”

કે’, “આંહીંથી સવા ગાઉ માથે એક રાક્ષસ છે ઢુંઢો. એણે મારી રાક્ષસણી રાખી છે.”

કે’, “ભાઈ, તારું દુઃખ ભાંગું તો જ હું વિક્રમ ખરો.”

વિક્રમ તો સવા ગાઉ માથે પહોંચ્યો. જુએ તો નવ તાડ નીચો, નવ તાડ ઊંચો ઢુંઢો સૂતો સૂતો હડૂડૂડૂ નાખોરાં બોલાવે.

સૂતા ઉપર તો ઘા ન કરાય, એને જગાડી પડકારીને મારું.

જગાડ્યો. હો હો કરતો ઢુંઢો ઊભો થયો. ઝાડે ઝાડેથી પંખીડાં ઊડ્યાં. એણે વિક્રમને કહ્યું કે “કરી લે પેલો ઘા.”

કે’, “લે તયેં, પેલા એ પરમેશ્વરના.” એમ કહી વિક્રમે ત્રણ તીર માર્યં. પણ ઢુંઢાને તો તીર ખડનાં ડાભોળિયાં જેવાં લાગ્યાં ! એણે કહ્યુંઃ “કાં, કરી રહ્યો જોર ? ઠીક, આંગણે મારવાનો અધરમ હું નહિ કરું, જા. ભાગવા માંડ, સાડાત્રણ દી’નું આંગણું આપું છું.”

વિક્રમ તો ભાગ્યા ઉજેણી ભણી. ઉજેણીને સીમાડે આવે ત્યાં એક ઠૂંઠિયો ભરવાડ ગાયો ચારે. એણે સાદ કર્યોઃ “એ મોટા રાજા, શું કાંકરી અફીણ સારુ મોં સંઘરછ !” (એટલે કે અફીણનો કસુંબો કાઢી મને પિવરાવવો પડે તેથી મોં સંતાડીને શું ચાલ્યો જાછ?)

કે’, “ભાઈ, મારી વાંસે ઢુંઢો આવે છે. માટે ભાગું છું.”

કે’, “અરે રામ ! લે હવે ભાગ મા, ભાગ મા, ઢુંઢો બિચારો શું કરતો’તો ?”

એમ કહેતેક એણે વાંભ દીધી. કામળો લાકડીએ ચડાવીને ગાયોને બોલાવી. ગાયોનું ધણ હીંહોરા નાખું આવ્યું અને વિક્રમની ફરતો સાતથરો કિલ્લો કરીને ઊભી રહી ગઈ ગાયો.

“લે મોટા રાજા ! હવે તું બીશ મા. બેઠો રે’ ગાયુંના ગઢમાં.” એમ કહીને ઉજેણના ભરવાડે ધતૂરી ચલમ સળગાવીને દમ માર્યો.

ધણણણ !.....

મંજારી પીવે તો બાઘહુંકો માર દેવે,

ગદ્ધા જો પીવે તો મારે ગજરાજકું.

એવો કૅફ આવ્યો. પછી એક ગા’ મેળીને આકડાના પાંદનાં બે ખુંદણાં શેડકઢું દૂધ પી લીધું. એક હાથે ધાબળો વીંટી, ને બીજે હાથે ફરશી લઈને ગાયુંના ગઢની બહાર ઊભો રહ્યો.

ત્યાં તો થડક ઉથડક ધમ ! થડક ઉથડક ધમ ! કરતો ઢુંઢો આવી પહોંચ્યો. અને ભરવાડે ફરબીથી તોળીને બરાબર ખંભાની મારી, તે સવા મણનું ડગળું કાઢી નાખ્યું.

કે’, “એ ભાઈસાબ ! હવે ઘ કરીશ મા. તારા રાજાના સીમાડામાં તારો દીકરો હોય ઈ જ હવે ગરે !” એમ માફી માગીને ઢુંઢો પાછો વળી ગયો.

એક ભરવાડનાં આવાં જબરાં જોર અને જિગર જોઈને વિક્રમને મોજ આવી. છાતી ફાટવા લાગીઃ “વાહ ગોકળી ! વાહ ! દૂધ પીધાંય પ્રમાણ ! અરે ગોકળી ! માગ માગ ! બાણું લખ માળવો માગ અને જો ન આપું તો હું વિક્રમ નહિ.”

કે’, “મોટા રાજા ! મારે તો તારો પ્રતાપ છે. બસેં ગાયું છે, ત્રણસેં ટાટાં છે, ચાર સાવજ ધરાય એવી ભરવાડ્ય છે, બે દીકરા છે, બીજું શું જોઈએ ! ફક્ત અમારા નેસની સરત રાખજે. અમે તો તારી વસ્તી કહેવાયેં.”

ભરવાડની મનમોટપ દેખી વિક્રમ રાજા વધુ શરમાઈ ગયા. એણે પૂછ્યુંઃ

“હેં ગોકળી, તું આ એક હાથે ઠૂંઠો છો એનું શું કારણ ?” કે’, “મોટા રાજા ! ઈ તો હું અને આપણો ઉજેણીનો બોળિયો ધોબી બેય કાંડાવછુટામણી રમતા’તા એમાં બોળિયો લોંઠકો. એથી એણે મારો હાથ ખેડવી નાખ્યો.”

બોળિયો ધોબી જેવા બળવાન માણસની વિક્રમને તે દી’ પહેલી વાર ખબર પડી. પરાક્રમી લોકો વિક્રમને વહાલાં લાગતાં. એને ને બોળિયાને દોસ્તી થઈ. શિકારે, તો બોળિયા સાથે; ગામતરે, તો બોળિયા વગર ચાલે નહિ, બોળિયાની ને રાજા વીર વિક્રમની આંતરે ગાંઠ્યું બંધાઈ ગઈ. ખોળિયા નોખાં, શ્વાસ એક.

એક વાર કાળી ચતરદશીની રાતે વિક્રમ બાવા બાળનાથની સાથે મંત્ર સાધવા નીકળ્યા છે. સફરા નદીનો કાંઠો છે, ગંધરપીઉં મસાણ છે. ચાલતાં ચાલતં, મસાણને નાકે કોઈક ધાબળો ઓઢીને સૂતેલું નજરે પડ્યું.

પૂછ્યું કે “અરે કોણ છો ?”

“એ તો બાપા હું, બોળિયો ધોબી.”

“અરે બોળિયા ! તું આંહીં શા કામે ?”

“આજ કાળી ચતરદશી છે, એટલે હું ઉજેણીની રક્ષા કરવા ભૂતડાં-પલીતડાં પાછાં વાળું છું, હે રાજા !”

“ઠીક, હવે તું પાછો જા.” બાવાજીએ બોળિયાને કહ્યું. બોળિયો કહે કે

“ના, ના, આ ડાકણ્યું રાસડા લ્યે છે, જમડા ઝાંઝ વગાડે છે, માથા વગરના ખવીસ ઊભા છે, એમાં શું હું મારા રાજાને રેઢા મૂકું ? ના, પાછો નહીં જ જાઉં.” કોઈ વાતે બોળિયો પાછો વળતો નથી. પણ બાવા બાળનાથે વિક્રમને એકલાને જ મંતર આપવા કહ્યું છે. આજ બાવોજી રાજા વિક્રમને એવો મંતર આપવાના છે કે જે બીજા કોઈને અપાય નહિ.

બાવાજીની મઢીએ પહોંચ્યા એટલે બાવાજીએ વિક્રમને ખડકીમાં લઈ જઈને પછી ધરતી ઉપર સાત લીટી કરીને બીજાને પ્રવેશ કરવાની આણ આપી. પણ બોળિયાને કહ્યું કે “બોળિયા, તું બેસજે. તને ય હું આજ મંતર આપવાનો છું.”

પછી તો -

બાવે ઓશીસો ઓતરમાં કિયો

બાવે મંતર વિક્રમને દિયો.

વિક્રમને બાવાજીએ અઘોર ગાયત્રીનો આવો મંત્ર આપ્યો :

અમી -

અમીમેં કળશ

કળશમેં ઉંકાર

ઉંકારમેં નરાકાર

નરાકારમેં નરીજન

નરીજનમેં પાંચ તતવ

પાંચ તતવમેં જ્યોત

જ્યોતમેં પ્રેમજ્યોત

પ્રેમજ્યોતમેં ઉપની

માતા અઘોર ગાયત્રી

અવર જરંતી

ભેદ મહા ભેદન્તી

સતિયાંકું તારન્તી

કુડિયાંકું સંહારન્તી

ઇંદ્રકા શરાપ ઉતારન્તી

માતા મોડવંતી

મડાં સાંબડાં ભ્રખન્તી

આવન્તી જાવન્તી

સોમવંશી

અઢાર ભાર વનસપતિ

ધરમ કારણ નરોહરી

તબ નજિયા ધરમ થાપંતી

ચલો મંત્રો ! ફટકત સોહા.

આ અઘોર ગાયત્રીના મંત્રથી વિક્રમને પરકાયા-પ્રવેશની શક્તિ મળી. પારકાનું કોઈનું પણ શરીર માંઈ જીવ વગરનું પડ્યું હોય તો આ મંત્ર જાણવાવાળો પોતાનું ખોળિયું મેલીને એ શરીરમાં પ્રવેશ કરી શકે.

“પણ હે વિક્રમ ! તું બોળિયાને આ વાત કરીશ મા.” પછી બોલાવ્યો મઢીમાં બોળિયાને. “લે બોળિયા, તને વીંછીનો મંતર આપું છું -

કાળી ગા કવલી ગા

ડુંગર ચડી પોદળો કર્યો

ત્યાં વિંયાણી વીંછણ રાણી

વીંછણ રાણીના અઢાર પૂતર

છો કાળા, છો કાબરા,

છો હળદરવરણા માંકડા

ઊતર તો ઉતારું

હોકારું લીલકટ ચોર

આવેગા મોર

ખાવેગા તોર

ચલો મંતરુ ઈસવર વાચા

વાચા ચૂકે ઊભો સૂકે.”

રાજા અને બોળિયો બેય મંતર શીખીને ઉજેણમાં ગયા છે, પણ વળતે જ દી’એ બોળિયા રાજા પાસે આવીને રોવા માંડ્યો છે.

કે’, “પણ છે શું એવડું દુઃખ ?”

કે’, “મોટા રાજા ! મારી બાયડીએ અન્નજળ મૂક્યાં છે.”

કે’, “શા માટે ?”

“આ એમ કે બાવાજીએ તમને કાંઈક રિદ્ધિસિદ્ધિનો મંતર શીખવી દીધો મારાથી છાનો, અને મને વીંછીનો મંતર આપી તગડી મેલ્યો. હે મોટા રાજા ! તમારે હવે રિદ્ધિસિદ્ધિની શી ખોટ છે ? મને એ મંતર આપો ને આપો.” બોળિયાને માથે વિક્રમને હેત ઘણું, એટલે સાચી વાત કહી નાખીઃ “જો બોળિયા ! મને તો બીજો કોઈ નહિ પણ પરકાયાપ્રવેશનો મંતર આપ્યો છે. લે, હું તને એ આપું.”

વિક્રમનો દી’ માઠો બેઠો તે એણે બોળિયાને આ મંત્ર શીખવ્યો.

વળતી રાતે બોળિયો રાજા વિક્રમને મૃગયા રમવા જવા માટે તેડવા આવ્યો. વિક્રમ કહેઃ

“એલા બોળિયા, હજી તો અરધી રાત છે.”

“ના બાપુ ! કસાઈવાડાનો કૂકડો તો કારૂનો બોલે છે.” નીકળ્યા મૃગયા રમવા. સવાર પડ્યું ત્યાં તો ઉજેણથી ખૂબ આઘા નીકળી ગયા. પ્રભાતે મૃગલાં દીઠાં. એક કસ્તુરિયા કાળિયારને હડફેટમાં રાખીને ઘોડાં દબાવ્યાં. ઉજેણથી ઘણે છેટે નીકળ્યા પછી કસ્તુરિયાને તીર મારીને પાડ્યો. બેય જણા જોઈ રહ્યા છે. વિક્રમ કહે છે : “વાહ ! કેવું રૂડું ખોળિયું છે ! મૃગલીઓમાં મોજ કરતો હશે આ કસ્તુરિયો !” બોળિયો કહેઃ

“તયેં હેં મા’રાજ, બાવા બાળનાથે આપેલ મંતરનું પારખું તો લઈએં. પરકાયા પ્રવેશ થાય છે કે નહિ તે તો જુઓ.” બોળિયાના પેટના પાપની વિક્રમને શી ખબર !

વિક્રમે મંત્ર ભણીને પોતાનું ખોળિયું છોડી દીધું અને પોતે કસ્તુરિયાના ખાલી દેહમાં દાખલ થયા. મૃગલો ચારે પગે ઠેકીને ઊભો થયો, ને કસ્તુરિયાને વેશે રાજા વિક્રમ બોળિયા સામે જોઈ રહ્યા. બોળિયે કહ્યુંઃ

“તયેં બાપુ ! હવે ભેળાભેળા મૃગલિયુંમાં ઘડીક સેલ કરી આવોને ! હું આંહીં જ ઊભો ઊભો આપનું ખોળિયું સાચવું છું.” રાજા વિક્રમ તો કસ્તુરિયાને વેશે છલંગો મારતા મૃગલીઓનાં ટોળાંમાં પહોંચી ગયા. ટોળાં આઘાં આઘાં નીકળી ગયાં.

આંહીં બોળિયાએ પોતાનું ખોળિયું ખાલી કરીને વિક્રમના પડેલા ખોળિયામાં પ્રવેશ કર્યો, કારણ કે મંતર તો એને પણ મહારાજ વિક્રમે આપી દીધો હતો.

પોતે વિક્રમનું ખોળિયું પહેરી લઈને ઊભો થયો, મૂછે હાથ નાખીને બોલ્યો :

“હવે જો બાણું લખ માળવો ને બત્રીશ ઠકરાણાં ન કેળવું તો હું બોળિયો શેનો!” ત્યાં તો કસ્તુરિયો મૃગ પાછો આવ્યો. એક તો મૃગની કાયા અને માંહીં વીર વિક્રમનો જીવ, એટલે રૂપનું તો પૂછવું જ શું ! ઊભી શીંગડીએ, કાબરે વાને, મસ્ત કસ્તુરિયો ડોલતો ડોલતો હાલ્યો આવે છે મૃગલિયુંમાં રમણ કરીને.

નજીક આવતાં તો બોળિયે તીર ફેંક્યું, બરાબર શીંગડામાં વાગ્યું. ત્રણ ફરંગટી ખાઈને કસ્તુરિયો ભૂ...સ દેતો પડ્યો. બોળિયે માન્યું કે તીર ટીલડીમાં જ વાગ્યું છે ! કસ્તુરિયાને માથે પાંભરી ઓઢાડીને પોતે વિક્રમને ખોળિયે ઉજેણ ચાલતો થયો.

રાજમોલમાં ગયો, એટલે બાનડિયું મહારાજને મર્દન કરવા માટે કંકુ કેસરના વાટકા મૂકી ગઈ.

એ મર્દન કરવાની ચીજોને બોળિયો તો ચાટી ગયો.

બાનડિયું જ્યાં નાવણ કરવાની સાચી હીરની પાંભડી લઈને પાછી આવી ત્યાં તો વાટકા કોરા પડેલા ! વિક્રમવેશી બોળિયે ધમકી દીધી : “રાંડું ! ખાવાના પદારથ મર્દન કરવામાં વાપરવા છે ? ચીરી નાખીશ. અને આ હીરવાણી પાંભડી શું તમારે પલાળવી છે !”

વાટકા ચાટી ગયો ! પાંભરી પહેરી નહિ !

બાનડિયું તો સડક થઈ ગઈ. આ શું કૌતક ! આજ મહારાજ આમ કાં કરે ?

પછી બત્રીશ ખાનાળો થાળ લઈને બાનડિયું મહારાજને જમાડવા આવી. એમાં હાથ ધોવાનું એક પાણીનું પાળું હતું.

મહારાજ જમી રહે પછી પચાસ માણસ ખાય એટલી ભોજનની સામગ્રી એ બતરીશ ખાનાંમાં ભરી હતી. બોળિયે તો કર્યું બધું ભેળું, ચોળ્યું અને ચડાવી ગયો એકલો. હાથ ધોવાનું પાણી હતું તે પી ગયો.

અરેરે ! આ મહારાજને આજ શું થઈ ગયું છે ! વાત તો રાજમોલમાં ફેલાઈ ગઈ. રાણી ભાણમતીજી આવ્યાં છે. એણે પણ નોખી જ જાતની ચેષ્ટાઓ નિહાળી છે. મનમાં સમજી ગઈ. પણ કેને કહે ?

હસું તો દંત પારખે, રોઉં તો કાજળ જાય.

એવી રાણીની ગતિ થઈ છે. આ ખોળિયું વિક્રમનું ખરું પણ જીવ નક્કી કોઈક બીજાનો ! પણ હવે હમણાં બોલવા વેળા નથી.

બોળિયાને તો ચડાવી દીધો ગોગ પીંગળાની મેડીએ. ઊડતું પંખીડું ય રાજગઢમાં આવવા ન પામે એવો બંદોબસ્ત મૂક્યો. અને રાણી ભાણમતી પોતે બ્રાહ્મણીને તેડાવી રામાયણ વંચાવતાં બેઠાં.

રહેતે રહેતે વાવડ આવવા મંડ્યા કે વનરાઈમાં એક ખાંડિયો મૃગ કસ્તુરિયો એકલો ને એકલો દોટું મારી રહ્યો છે. કોઈ મૃગલાંનાં ટોળાં ભેળો હાલતો નથી. એકલો હાલે છે અને બેય આંખે આંસુડાં જાય છે હાલ્યાં.

તેડાવ્યા પારાધીને : “એ ખાંડિયા મૃગને પકડવા પાંસલા નાખો. સવા લાખ આપીશ.”

પારધીઓ મંડ્યા પાંસલા નાખવા. એક વાર તો કસ્તુરિયાનો એક પગ પાંસલામાં આવી પણ ગયો. અને હૈયું ફાટવા લાગ્યું.

મેલ્યાં મંદર ને માળિયાં,

મેલી સ્રોવન-ખાટ;

મેલ્યું ઊજેણીનું બેસણું,

હૈયા ! હજી મ ફાટ્ય,

હયડા ભીતર દવ જલે,

(તેના) ધુંવા પ્રકાશ ન હોય;

કાં તો જાણે જીવતો,

અવર ન જાણે કોય.

વિક્રમ આઈ વાર,

હલ જે ઉજેણી હુવો,

ગિયો પૂછતલ પરઠાર,

(અમારાં) સખદઃખ ગંદ્રપશિયાઉત.

પાસલામાં પડ્યો પડ્યો વિક્રમ હૈયાને કહે છે : હે હૈયા ! મંદિર ને માળિયા મૂક્યાં, સોનાની ખાટ મૂકી, ઉજેણની ગાદી ગઈ, પણ હજી તું ફાટીશ મા !

હે હૈયા ! આપણી અંદર દાવાનળ બળે છે. તેનો ધુમાડો પ્રગટ દેખાતો નથી. એક પોતાના પ્રાણ વગર; કોઈ બીજું જોઈ શકે નહિ એ અગ્નિને.

અરે ! ઉજેણ ઉપર શત્રુઓનાં દળકટક ચડી આવે છે. ઉજેણી નગરી હલબલી ઊઠી છે. પણ પ્રજાનાં સુખદુઃખ પૂછનારો પરમારદેવ, ગંધર્વસિંહનો બેટડો વિક્રમ તો ચાલ્યો ગયો છે.

ખેર જીતવા ! મારું તોય મારી ભોમકામાં ! સદ્‌ગતિ તો થશે ! માતા સાથે જઈને મરીશ.

બરાબર મધરાતે એણે પાસલામાંથી ઊઠીને ગડગડતી દોટ દીધી. પહોંચ્યો મા કાળકાના મંદિરમાં. મૂર્તિને માથાં મારવા મંડ્યો. માતા પૂછે છેઃ

“અરે, તું અટાણે કોણ ?”

કે’, “હું વિક્રમ.”

કે’, “કાં બાપ ?”

કે’, “આ જોતાં નથી ? વાંસે પાસલા ભમે છે. એક દી પણ મારો જાતો નથી. દશા વાંકી થઈ તે મારું ખોળિયું બોળિયો પહેરીને વયો ગયો છે ! સૂરજ ઊગ્યે સવા મણ ઘીનો દીવો લ્યો છો શીદને ! મૂકી દ્યો, જો મારી આ દશા ન મટાડી શકતાં હો તો.”

કે’, “ઠીક બાપ, જા, સાડા ત્રણ દી’એ તારું ખોળિયું પાછું મળશે. હમણાં તો તું તારો જીવ આમાં નાખ્ય.”

એમ કહીને જોગમાયાએ એક પોપટનું મરેલું બચ્ચું બતાવ્યું.

વિક્રમે પોતાનો જીવ પોપટના બચ્ચામાં નાખ્યો ને સવારે ઊડવા ધાર્યું, ત્યાં તો પરોઢિયે વગડાનો એક કઠિયારો કુવાડો ને બંધિયો લઈને લાકડાં કાપવા આવ્યો. પોપટ એના હાથમાં પડ્યો.

ઠીક થયું ! પાંચ-છો છોકરાં છે, ભૂખ્યાં મરે છે, શેકીને ખવડાવીશ. હમણાં તો ઇંધણાં કાપી લેવા દે. એમ ધારીને કઠિયારે પોપટને સૂંડલા હેઠળ ઢાંકી મૂક્યો છે.

પ્રભાત પડ્યું, પોપટ જેવા દેવપંખીનું ખોળિયું ખરું ના, એટલે વિક્રમની વાચા ખૂલી ગઈ. માંડી એણે તો રામગ્રી લલકારવા :

કોણ રે સપના કામની, દત્યું ફળીઅલ રામા !

પંડવ્યુંની પ્રતમા પાળવા, હરિ આવેલ સામા.

સાંભળીને કઠિયારાનાં છોકરાં જાગ્યાં, કઠિયારે પોપટને શેકી ખાવાની તૈયારી કરી, એટલે પોપટની વાચા ઉઘડીઃ “એલા કઠિયારા, હું તો તારો સવો બારોટ છું. હું તો હીંગળાજ માની જાત્રાએ ગયો’તો, ત્યાં મારી કાયા પડી ગઈ. મને ખાવા કરતાં હાલ્યને વેચવા, મોઢે માગ્ય એટલા પૈસા મળશે તને.”

“પોપટ લ્યો...ઓ પોપટ !” કઠિયારો એવા ટૌકા કરતો નીકળ્યો. બધસાગરા પ્રધાનની શેરી આવી. બધસાગરાની કુંવરી કહે કે “બાપુ, મને પોપટ લઈ દ્યો.” કે’, “એલા, કેટલાં દામ લઈશ ?”

કે’, “પોપટ બોલે એટલું લઉં.”

પોપટને વાચા થઈ : “બધસાગરા ! અમારી કિંમત્યું ન કરાવ. જે દઈ શકાય તે દઈ દે.”

પોપટને તો રાખી લઈ, હેમનો વાળો કઢાવી, માંહીં મોતી પરોવી, પોપટને શણગાર્યો. પોપટે બધસાગરા પ્રધાનની કુંવરીને કહ્યુંઃ “બાઈ, તું ભાણમતી રાણીને ઘેરે રામાયણ સાંભળવા જાછ, ને મને ય તેડતી જા ને !”

બાઈ તો પોપટને લઈ ગઈ. પોપટ રાણી ભાણમતી સાથે વાતો કરવા મંડ્યો. રાણીએ કેટલાક પ્રશ્નો પૂછ્યા, તેના પોપટે જવાબ આપ્યા. રાણીને ખાતરી થઈ કે આ પોતે જ રાજા વિક્રમ છે, એમાં કાંઈ ફેર નથી. પણ કોઈને કહ્યા વગર પોપટને પોતાને ઘેર સાચવ્યો.

પણ હવે થાય શું ? બોળિયો વિક્રમનું ખોળિયું પહેરીને બેઠો છે ત્યાં સુધી કોઈ ઇલાજ ન સૂઝે. બોળિયો તો ગોગ પીંગળાને મહોલે ભોગવિલાસમાં ગરકાવ છે. શીંગલા ઘેટા રમાડે છે.

ભગવાનનું કરવું છે તે એક દિવસ બોળિયાનો માનીતો ચાર શીંગાળો ભેડર ઘેટો મરી ગયો. ઘેટો બોળિયાને બહુ વહાલો હતો. એટલે એને મન થયું કે ઘડીક આને જીવતો કરું.

પોતે વિક્રમનું ખોળિયું પડતું મેલીને ભેડર ઘેટાની કાયામાં પ્રવેશ કર્યો. આ ઘેટો રમતો રમતો રાણી ભાણમતીને આંગણે આવ્યો. પોતે મૂએલ ઘેટાને કેવો રમાડી શકે છે તેનો તૉર છે ખરો ના ! એ તૉરમાં ને તૉરમાં એણે પોપટના બોલ સાંભળ્યાઃ

કે’, “જાને ભેડર ! ઘડીક માજનિયા થઈને વાડીયુંમાં લીલાં બકાલાં ચરી આવને! મોજ આવશે !”

બોળિયાને બરાબર તાન ચડ્યું. ઊપડ્યો ભેડર ઘેટો ઢીંકું મારતો.

આંહીં વિક્રમનું ખોળિયું ખાલી પડ્યું કે તુરત પોપટની કાયા પડતી મૂકીને વિક્રમ પોતાનું ખોળિયું પહેરી લીધું. સાચો વિક્રમ આળસ મરડીને બેઠો થયો, એનાં અસલ રૂપને લક્ષણો લહેરી ઊઠ્યાં. અને રાણી ભાણમતીએ નાગરે ઘાવ દેવરાવ્યા. ધણણણ ! નોબત ગુંજવા લાગી. જે દી’થી વિક્રમ મહારાજ અલોપ થયેલા તે દી’થી રાજમોલ સૂના પડેલા, તેને બદલે કચારી હકડાઠઠ ભરાઈ ગઈ. આભકપાળો રાજા વિક્રમ સિંહાસને બેઠો છે ! ઉજેણ ગાજી ઊઠી.

ભેડર ઘેટો વાડિયુંમાં મહાલીને પાછો આવ્યો, પણ વિક્રમનું ખોળિયું ન મળે ! સમજી ગયો. શરમથી એણે ઊંધું ઘાલ્યું.

તે દી’થી ગાડરની જાત નીચે જોઈને ઊભી રહે છે !

વિક્રમે કહ્યું, “હે ભૂંડા ! તેં તો તારી કરી, પણ હું તારા જેવો નથી. હવે તું તારે મારી પાસે રહે. હું તને સાચવીશ અને ઠેકાણે પાડીશ.”

એક દિવસ એક શાહુકારનો જુવાન દીકરો મરી ગયો. છાતીફાડ રોકકળ થઈ પડી. વિક્રમ રાજાને ખબર પડી. એણે કહેવરાવ્યું કે “ભાઈ, મડું બાળશો મા.” પોતે ભેડર ઘેટાને લઈને મસાણે પહોંચ્યા અને કહ્યું, “બોળિયા, આ શાહુકારમાં તારો જીવ નાખ.” બોળિયે બહુ ના પાડી, પણ વિક્રમે એને મનાવ્યો. શરમનો તો બોળિયાને પાર નહોતો. પોતાની જાતને ફિટકાર દેતો એનો જીવ ઘેટામાં બેઠો હતો ઊંચે જોવાની હામ નહોતી. વિક્રમની છેલ્લી વારની દિલાવરી દેખીને ડબ ડબ આંસુ પડી ગયાં. પછી પોતે ઘેટાનું ખોળિયું મેલી દઈ શેઠિયાની કાયામાં વાસો લીધો.

શેઠિયાને એનો દીકરો પાછો મળ્યો, અને બોળિયાને માનવદેહ સાંપડ્યો. જીવ પણ સુધરી ગયો હતો એટલે શેઠિયાનો પૂતર સારી ચાલે જ ચાલતો રહ્યો. રાજા વીર વિક્રમે આ નવે અવતારે પણ બોળિયાની ભાઈબંધી છોડી નહિ.

૬. દરિયાપીરની દીકરી

રતનાગર સાગરને કાંઠે સિંગળદીપના રાજાની રાણી મીણલદેનો મો’લ છે. આઠે પહોર એ રાજગઢની રાંગે રતનાગરનાં પાણી આટકી રહ્યાં છે. સાંજનો સમો છે. અટારીએ ઊભાં ઊભાં રાણી મીણલદે સુગંધી પદારથનાં મર્દન અને નાવણ કરીને પોતાના માથાના મોવાળા સૂકવી રહ્યાં છે -

મારૂ નાહી ગંગાજળ, ઊભી વેણ્ય સુકાય,

ચંદર કેરે રૂખડે, (જાણે) નાગ ઝપેટા ખાય.

અને આ રાણી મીણલદેનું રૂપ, નીચે પોળમાં એક થાનકમાંથી એક જતિ મહારાજ તાકીને જોઈ રહેલ છે -

લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં,

આછે સાંયે નિપાવિયાં કો કો કામણિયાં.

ઓહોહો ! લાંબી વેણ્યવાળી, આવી લજ્જાળુ અને હાથને પોંચે આવી પાતળી સ્ત્રી તો ભલા ભગવાને મલકમાં કોઈક કોઈક જ નિપજાવી છે.

મોહીને પાણી પાણી થઈ જતો જતિ આમ ઊંચી અટારીએ રાણીને જોઈ રહેલ છે, તે જ વખતે રાજગઢની એક દાસી બજારેથી પાછી હાલી આવે છે અને એના હાથમાં એક તેલનું કચોળું છે.

જતીએ પૂછ્યું કે “હેં બાઈ ! આ શું લઈ આવ્યાં ?”

કે’, “એ તો મારાં રાણી મીણલબાની માથામાં નાખવાનું તેલ છે.”

કે’, “કેમ આટલું જ ?”

“આઠે દા’ડે બસ તાજેતાજું આટલું જ વેચાતું લઈ આવું છું.”

કે’, “કેમ આઠે દા’ડે ?”

“આજ રાજાજીને મારાં રાણીને મોલે સૂવા આવવાનો વારો છે. રાજાને સાત રાણી છે. રોજ અક્કેકને મોલે રાત ગાળે છે.”

“તે આ તેલ કેટલાકનું લાવ છો ?”

“પચાસનું.”

“જોઉં તેલ ?” તેલ જોઈને પછી જતિએ ડોકું ધુણાવ્યુંઃ “અરે બાઈ, આ તેલના કરતાંય ચડિયાતાં તેલ તો આંહીં હું રાખું છું. તારાં રાણીને માથે એવી તો ટાઢક વળે, એવી તો સોડમ આવે, કે તને રાજી થઈને મોજ આપે; ને પછી બીજે તેલ લેવા જવાનું મન જ ન રહે. કહે તો હું આ તેલ બદલી આપું.”

જતિના બોલ લોભામણા હતા. જતિના વેશમાં અને દેખાવમાં ભલભલાને પાડી દ્યે એવી છટા હતી. રાણી મીણલદેની દાસી તો વિચાર કરતી રહી ત્યાં જતિએ એના હાથનું કચોળું અંદર લઈ જઈ એ તેલને માથે કાંઈક મંત્ર બોલીને એણે કચોળું પાછું લાવીને દાસીને દીધું.

ચોટલો કોરો કરીને રાણી મીણલદે અરીસા સામે બેઠાં છે. એમાં દાસીએ તેલનું કચોળું લાવીને પાસે મૂક્યું. કહ્યું કે “બા, આજ તો આ તેલ કાંઈક જુદી જ ભાતનું છે. માથામાં નાખી તો જુઓ. કાંઈ ફોરે છ ! કાંઈ ફોરે છ, માડી !”

રાણીને પણ, કચોળું ઓરડામાં આવ્યા ભેળી કોઈ નોખી જ ભાતની લહેરો આવવા લાગી.

મોટા કોડથી મીણલદે માથામાં તેલ નાખવા બેઠાં. પણ તેલમાં નજર નાખ્યા ભેળું તો એણે કૌતક દીઠું. કચોળામાં તેલ ચક્કર ચક્કર ઘૂમરીઓ ખાય છે ! અરે જીવ ! આ શો ગજબ ! કોઈ દી નહિ ને આ તેલ ઘૂમરિયું ક્યાં ખાય ?

રાણી મીણલદે ચતુર હતાં. ચેતી ગયાં. નક્કી આ તેલમાં કાંઈક કામણ છે ! તેલનું ટીપુંય માથાને અડાડ્યા વગર પોતે ઊઠી ગયાં અને બાનડીને બોલાવીને કહ્યું, “આ લે બાઈ, આ તેલ તો તું જ આજ નાખ તારા માથામાં, ને મારા માટે જે તેલ લાવતી તે જ તેલ લઈ આવ, બેટા ! મને તો ઈ જૂનું તેલ જ ફાવે છે.”

ઘડીક તો બાનડી ગુલતાનમાં આવી ગઈ. પચાસ રૂપૈયાનું તેલ માથે નાખવા મળ્યું! આજ તો ઘરનો ધણી પીટ્યો મોહી જ પડશે !

વળી ઘડી પછી વિચાર ઊપડ્યોઃ ના રે જીતવા ! જતિનું તેલ છે. કાંઈક કરામત કરી હશે. નીકર રાણી આવા અણમૂલ તેલનું કચોળું કયે હેતે મને આપી દ્યે ?

બહાર નીકળી, ગઢના ચોગાનમાં એક મોટી છીપર પડી હતી તેને માથે આખું કચોળું ઢોળી નાખીને દાસી મીણલદેને માટે રોજ જે લાવતી તે તેલ લેતી આવી.

મીણલદેએ પૂછ્યુંઃ “ઓલ્યું તેલ ક્યાં નાખ્યું ?”

“મારા માથામાં જ તો માડી !” બાનડીનું માથું સૂંઘીને રાણીએ ડારો દીધોઃ “ખોટું બોલ છ ? સાચું કહી દે, ક્યાં નાખ્યું ?”

દાસીએ બીને કબૂલ કરી દીધું કે તેલ તો છીપર માથે રેડ્યું છે.

“ત્યારે હવે સાચું કહી દે, ઈ તેલ તું ક્યાંથી લાવી હતી ?” ઘડીક તો બાનડીએ ગળચવાં ગળ્યાં. રાણીએ ઝરડકી દીધી કે “ચીથરાં ફાડ્ય મા, સાચું કહીશ તો વાળ પણ વાંકો નહિ કરું, ને ખોટું બોલીશ તો રાજગઢમાં જ ગળકી પીચી દઈને ભોંમાં ભંડારીશ.”

પછી જ્યારે બાનડીએ જતિવાળી વાત કહી ત્યારે તો રાણી મીણલદેના દેહને માથે છાસઠ હજાર રૂંવાડાં સમ ! સમ ! સમ ! બેઠાં થઈ ગયાં. “અરે રાંડ ! મારું મોત કરાવત ને ! ઠીક, પણ હવે તો આ તેલનો પૂરો તાલ જોવો છે. માટે છોડી ! જા, રાતે ઈ છીપર પાસે જ જઈને ચોકી રાખ, કે રાતમાં શી લીલા થાય છે.”

રાતે બાનડી રાજગઢના ચોકની એ છીપરની થોડેક છેટે જઈને પહેરો દેતી બેઠી છે. અંધારું ઘોર છે. અધરાતે તમરાંના લહેકાર બંધાઈ ગયા છે. માણસ કોઈ જાગતું નથી. દરવાણી દરવાજે ટલ્લા મારી રહ્યો છે. એવે ટાણે જમીનમાં ખૂંતેલી છીપર, કોઈ જીવતું માનવી હલબલે એમ હલબલવા લાગી. અને થરથરતી બાનડી જોઈ રહી કે -

ગણણણ શિલા વે ચલી, મંત્રે કીધેલ માગ,

આવી કમાડે આટકી, વ્રતીઆ સૂતો જાગ.

ગણણણ..... અવાજે અધ્ધર હવામાં ઘોરતી ઘોરતી છીપર ઊપડી. બાનડી એ છીપરની પાછળ પાછળ દોટ કાઢતી ચાલી. છીપર રાજગઢને દરવાજે આવી. દરવાજા રાણી મીણલદેના હુકમથી ઉઘાડા હતા. છીપર દરવાજા બહાર નીકળી. બાનડી વાંસે ચાલી. બાનડી વિના છીપરને કોઈ જોઈ શકતું નહોતું.

ગણણણ ! ગણણણ ! ગણણણ ! છીપર આવી જતિને થાનકે, અને “આવી કમાડે આટકી.” થાનકના કમાડ માથે ધડીંગ ધડીંગ ધડીંગ એવા ધડાકા કરવા લાગી.

“કોણ, મીણલદે કે !” બંધ કમાડની અંદરથી જતિનો મીઠો સાદ આવ્યો.

“ધીરાં રો’, રાણી ! ધીરાં ! હાં ધીરાં ! આ ઉઘાડું છું કમાડ.” સાંભળીને બાનડી તો અંધારે છુપાઈને ઊભી ઊભી થીજી ગઈ. હાય હાય ! જતિએ તો તેલમાં કામણ કર્યાં હતાં. રાણી મીણલદેને પોતાની પાસે તેડાવવાં હતાં !

પણ મંત્રેલી શિલાએ ધીરજ માની નહિ. ઉપરાઉપરી ધડાકા કરવા લાગી. બારણાં તોડ્યાં અને ગણણણ થાનકમાં દાખલ થઈ.

જતિ તો શણગાર સજીને, ફૂલેલ તેલ અને અત્તર લગાવીને, ફૂલભરી પથારીમાં વાટ જોતો બેઠો હતો. તેણે જોયુંઃ “હાય હાય ! આ તો મીણલદે નહિ, કાળી ભેકુંડ શિલા!” શિલા આવી જતિની પથારી માથે. જતિ કૂદકો મારીને ભાગ્યો. શિલા વાંસે આવી, જતિ પટારા માથે આવ્યો. શિલા પટારો ઉપર પહોંચી; થાનકમાં દોટાદોટ થઈ, જતિ આગળ ને શિલા વાંસે ! ઘમસાણ બોલી રહ્યું છે. શિલા બાપડી શું કરે ? શિલાનો અપરાધ નહોતો. તેલમાં જતિએ એવો મંત્ર મૂક્યો હતો કે એનું એક ટીપું પણ જેને માથે પડે તે જતિની છાતીને માથે આવ્યા વિના રહી શકે નહિ, જતિના હૈયા પર ચડ્યા વગર જંપે નહિ.

આખા ઘરમાં બઘડાટી બોલી રહી છે. જતિ દોડાદોડ કરે છે, ને શિલા જતિની પાછળ હડિયાપાટી કાઢે છે. જતિની તુંબલી તોડવાને વાર નથી. જતિની છાતીને છૂંદી નાખવાનો શિલાને વિકાર થયો છે. આ વિકારને જતિ કેમ કરીને ટાઢો કરે ?

પણ ભગવાનને વાત રાખવી છે ના, તે જતિના હાથમાં એ દોડધામમાં અડદના દાણા આવી ગયા. અડદના દાણા લઈ જતિએ નવો મંત્ર ભણ્યો, અડદ છીપરને માતે છાંટીને જતિએ કહ્યુંઃ

જા જા શલ્યા જા પરી, જ્યાં હોય થારો વાસ,

એમ વરતીઓ આખવે, (મારી) એકે ન પૂરી આશ.

અરે હે શિલા ! પાછી તારો વાસ હોય ત્યાં ચાલી જા. વ્રતીઆએ કહ્યું કે અરે અભાગણી ! મારી એકેય આશ તેં પૂરી નહિ. જા, હવે પાછી ચાલી જા.

મંત્રેલ દાણા પોતાને માથે પડતાં જ છીપર જતિનો પીછો લેતી બંધ પડી, અને પટ દેતી પાછી વળી, બહાર નીકળી ને પાછી રાજગઢમાં ગઈ. અને દાસી પાછી રાજગઢમાં આવીને જુએ તો છીપર પોતાને અસલ ઠેકાણે જ પાછી જેમ હતી તેમ ગોઠવાઈ ગઈ છે !

બાનડી પાછી રાજગઢમાં આવી. પણ ઊંઘ તો શેની આવે ? મટકુંય માર્યા વગર રાત પૂરી કરી, અને પ્રભાતને પહોરે રાણી મીણલદેને રાતવાળી રજેરજ વાત કરતી કરતી પગમાં આળોટી પડીઃ “અરેરે માડી ! તમારે માથે ઈ તેલ પડ્યું હોત તો તો નખ્ખોદ નીકળી જાતને !”

રાણી મીણલદેએ કહ્યું કે “છોડી ! તું હવે કલ્પાંત કર મા -

હર કહ્યા ને વિધિએ રખ્યા, છઠી રેનરા અંક,

રજ ઘટે ને કાંઈ તલ વધે, રે’ રે’ જીવ નશંક.

“હે દાસી ! હરિએ લખવેલ વિધાતા-લેખ નથી રજ ઘટતા કે નથી તલ વધતા. આ મુંડકી માથે માંડેલાં પ્રારબ્ધ મિથ્યા થાતાં નથી. પણ હવે એક કામ કરો. ઈ જતિને તો હવે કટકેય છોડવો નથી. જીવતો રે’શે તો કૈંકનાં નખોદ વાળી નાખશે. માટે એને પટાવીને આંહીં બોલાવી લાવ.” બાનડીએ પ્રભાતે આવીને મલકાતે મોંયે જતિને કહ્યું કે “બાપજી! આજ તો તમને મારી બાઈ યાદ કરે છે.”

“હેં ! મને મીણલદે યાદ કરે છે ! તયેં તો નક્કી એના માથામાં મારા મંતરેલ તેલનું એકાદું ટીપું પહોંચ્યું લાગે છે ! વાહવા ! મારા કામણના ઘા ખાલી જાય નહિ.” “ઊભી રે’ બાનડી ! આ હું આવ્યો,” કહીને જતિએ તો ફૂલેલ તેલ અને અત્તર લગાવ્યાં, માથું ઓળ્યું, મહેકતા શણગાર સજ્યા, અને છટાળી ચાલ્યે રાજગઢની મેડીએ ચડ્યો.

જેવો જતિ ઓરડામાં બારણાંમાં પેસે તેવા તો આઠ ધોકા એને માથે ત્રાટક્યા. રાણી મીણલદેએ બારણાંની બેય કોરે ચાર ચાર છોકરીઓને ધોકા લઈને ઊભી રાખેલી, અને જતિને ધમરોળી નાખવો હતો. પણ જતિનાં ભાગ્ય જબરાં તે ધોકા સામસામા અફળાણા, જતિ પડી ગયો પણ એને વાગ્યું નહિ. ફરી ધોકા ઊપડ્યા ત્યાં તો જતિએ હાથ જોડીને ધા નાખી કે “એ રાણી, હે માતાજી, મને જીવતો રાખો તો એક વાત કરું.”

કે’, “બોલ, શી વાત છે ?”

કે’, “તું મારી મા ને હું તારો દીકરો. પણ તું જીવતો રાખ તો તને એવા મંતર કરી દઉં કે તારો રાજા સાતેયમાંથી એકલી એક તારી જ મેડીએ રોજ આવતો થાય.”

સાંભળીને રાણીને લોભ લાગ્યો. ગમે તેમ તોય સ્ત્રી છે ને ! અંજવાળી તોય રાત છે ને ! લાલચ બૂરી વાત છે. રાણી કબૂલ થઈ. જતિએ કહ્યું કે “અડદનો થોડો લોટ લાવો.”

અડદના લોટનું જતિએ એક પૂતળું બનાવી દઈને મંતરી આપ્યું. કહ્યું કે

“આ લ્યો, રાજા જ્યારે આઠે દિવસે ફરી વાર આ મોલે આવે ને ઊંઘતા હોય ત્યારે આ પૂતળું એને માથે સાત વાર ફેરવજો.” રાજી થઈને રાણીએ પૂતળું પેટીમાં મૂક્યું.

આઠે દિવસે રાજા ફરી વાર આવ્યા ને ઊંઘી ગયા, રાણી મીણલદે પૂતળું લઈને રાજાને ઢોલીએ લાવી તો ખરી, પણ શાણી છે ખરી ના, એટલે એણે વિચાર કર્યો કે “અરે જીવ ! બીજી છ પણ મારા જેવી જ છે, એનેય મારા જેવા કોડ હશે. એના તકદીરમાંથી રાજાને ખેડવી નાખીને હું એકલી શું સંસારમાં સુખ ભોગવીશ ? ના, જીતવા ! ના. સૌ ભાગે પડતું ભોગવે એમાં જ સુખ છે. મારે આઠ દા’ડે એક રાત આવે છે તે જ ઘણું બધું છે.”

વિચાર કરીને પૂતળાવાળી પેટી સંતાડી દીધી. પણ રાણીને ફાળ પડીઃ અરે, ઓલ્યા તેલના જેવું જો આકરું કામણ આ જતિએ આ પૂતળામાં પણ કર્યું હોય, અને કાંઈક અણધાર્યો ઉલ્કાપાત કદીક થઈ બેસે તો ? આ પૂતળું તો મહા આફતનું પડીકું બન્યું ! હવે એને ઠેકાણે કેમ પાડવું ?

સૂઝકો કાંઈ પડતો નથી. એવામાં એ નગરીના સોદાગરો રાણીને મળવા આવ્યા. કહ્યું કે “માતાજી, અમે જાયેં છીએ જાવાની સફરે. જાવેથી કાંઈ લાવવું કરવું હોય તો પૂછવા આવેલ છીએ.”

જે કાંઈ મંગાવવું કરવું હતું તેની રાણીએ શેઠિયાને નોંધ કરાવી. અને પછી એને ઓચિંતું ઓલ્યું અડદનું પૂતળું યાદ આવ્યું. પૂતળાને કોઈ પણ ઉપાયે કાઢ્યે જ છૂટકો હતો. આ નગરીની ધરતીથી પણ છેટે એને પહોંચાડવું હતું. ઠીક છે કે આ સોદાગરો મળી ગયા. “ભાઈઓ ! આ એક મારા પૂજાપાની પેટી છે. ને એ પેટી રતનાગર સાગરમાં પધરાવવાનું મારે વ્રત છે. માટે તમે આ લેતા જાવ, અને ઠેઠ મોટે દરિયે પહોંચીને તમે એને પાણીમાં પધરાવી દેજો.”

સોદાગરોએ તો વહાણ હંકાર્યું છે. બરાબર મધદરિયે પહોંચતાં એમણે રાણીના પૂજાપાની પેટી દરિયામાં પધરાવવા બહાર કાઢી છે. તે વખતે એક આળવીતરા જુવાનિયાનું મન રહ્યું નહિ, એટલે એણે કહ્યું કે “એલા, પેટી ઉઘાડીને જોઈએ તો ખરા, કે માલીપા પૂજાપો કેવોક છે !”

પેટી ઉઘાડ્યા ભેગું તો અંદરથી એક નાનું ગુલાબી છોકરું કૂદકો મારીને ઊંડા પાણીમાં ખાબકી પડ્યું અને સોદાગરો હેબત ખાઈને જોઈ રહ્યા કે છોકરું દરિયામાં ઊંડાં પાણીને કાપતું કાપતું કાપતું અંદર ને અંદર ઊતરી ગયું. સોદાગરો તો પેટી પણ પાણીમાં પધરાવી દઈને ઝટ ઝટ વહાણ હંકારી ગયા. કોઈએ કોઈને પૂછગાછ પણ કરી નહિ. વાતને જ દરિયામાં દફનાવી દીધી.

આંહીં પૂતળું તો જીવતું છોકરું બનીને ઝપાટાબંધ ઊંડાં પાણી કાપતું ગયું અને રત્નાકરને તળિયે જઈને મોટા દેવતાઈ મહોલને બારણે ખડું થયું. અંદર ગયું. રૂપરૂપના અવતાર એવા એક નર ત્યાં હીંડોળા ખાટે હીંચકી રહ્યા છે. એની સામે હાથ જોડીને પૂતળું બોલ્યુંઃ “હે મહારાજ ! હે દરિયાપીર ! મારી બાઈ, સિંગળદીપની રાણી મીણલદે તમને બોલાવે છે.”

દેવતા તો મંતરને આધીન છે ! જળનાં જાંબુડિયાં ને નીલાં વસ્તર પહેરી, કાને રત્નનાં કુંડળ લટકાવી, મોતી અને પરવાળાંની માળા કંઠમાં ઝુલાવતા ઝુલાવતા, દરિયાદેવ સિંગળદીપ ભણી ચાલી નીકળ્યા. પોતાને ખંભે ઓલ્યું પૂતળું બેઠું છે.

રૂપાળો સંધ્યાકાળ છે. ઓરડાની ઓસરીમાં રાણી મીણલદે બેઠેલાં છે. એમાં સામેથી કોઈક અજાણ્યો માનવી રાણીવાસમાં હાલ્યો આવતો દેખાય છે. ન મળે ફાળ, ન મળે ફડકો, કેમ જાણે પોતાનું જ ઘર હોય એમ હાલ્યો આવે છે. અંગને માથે દરિયાઈ જળનાં આસમાની વસ્ત્રો ઝળેળ ઝળેળ થાય છે. મોવાળામાંથી મોતી જેવાં ટીપાં ટપકે છે.

આ કોણ ? આ પરપુરુષ નિર્લજ્જ બનીને કાં આંહીં ચાલ્યો આવે છે ? રજા વિના એક પંખી પણ આંહીં પ્રવેશ ન કરી શકે, તો પછી આ પુરુષને કોણે આવવા દીધો હશે? આવું આવું વિચારતી રાણી તો ઊઠીને જવા લાગી. ત્યાં તો પરોણલો રાણીની સામે આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો એ તો મરક મરક હસી રહ્યો છે.

રાણી બોલી, “અરે તમે કોણ છો ? આંહીં કેમ આવ્યા છો ?”

પરદેશી બોલ્યો, “હું દરિયાનો દેવ છું. તમારો બોલાવ્યો આવું છું, હે રાણી મીણલદે !”

રાણી ચમકીને પૂછે છે, “મેં બોલાવ્યા ?”

તુરત જ એ દેવતાના ખંભા માથે બેઠેલું પૂતળું નીચે ઉતર્યું ને બોલ્યું, “હે રાણીજી! જાવે જાનારા સોદાગરોની સાથે તમે જ મને મોકલેલો એ ભૂલી ગયાં ?”

રાણીની છાતી ધડકવા લાગી. એની વાચા ઊઘડી નહિ. દરિયાપીર બોલ્યા, “હે રાણી ! હું દેવતા. હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો યે પામરમાં પામર ! કારણ કે હું મંત્રાધીન. હું પાછો વળી શકું નહિ. તું મને પાછો વાળી શકીશ નહિ.”

દિવ્ય તેજ અને મંત્રોના પ્રભાવની સામે રાણીથી થઈ શકાયું નહિ. દેવતા ત્યાં રાત રહ્યા. પરંતુ એક રાત બસ નહોતી, પછી તો રોજ રાતે દેવ-માનવના વિલાસ ચાલે, ને પ્રભાતે દેવ દરિયે પધારે.

સાતમો દિવસ આવ્યો. આજે રાણીને સાંભર્યું કે હાય હાય ! સાંજરે તો રાજાજી પધારશે, દેવતા પણ આવશે. હું શું કરીશ ?

સાંજ પડી. રાજાજી પધાર્યા. થોડી વાર થઈ. રાજા જુએ છે તો કોઈ અજાણ્યા પુરુષને અંતઃપુરમાં આવતો જોયો. ચકિત થઈને રાજા પૂછે છે કે “અરે રાણીજી, આ કોણ આવે છે ?”

“હું નથી ઓળખતી !”

“રાણી ! નથી ઓળખતાં ? આટલે નિર્ભય પગલે પુરુષ ચાલ્યો આવે છે. એની મુખમુદ્રા બતાવી આપે છે કે આ અંતઃપુરનો અજાણ્યો તો નથી. જુઓ, જુઓ, એ હસે છે. ચોગરદમ કેવો જુએ છે ?” કે’, “હું નથી ઓળખતી.”

દેવ આવી પહોંચ્યા. એનું મોં રાણીજીની સામે મલકે છે.

રાજા પૂછે છે, “તું કોણ છો ?”

દેવ પૂછે છે, “તું કોણ છો ?”

રાજ કહે, “હું આ ભુવનનો અધિકારી છું.”

દેવ બોલ્યા, “રાજા, એ અધિકાર તમે ખોયો છે.”

રાજાએ તલવાર ખેંચી. પ્રહાર કરવા જાય ત્યાં તો જળદેવે ઝટકો માર્યો, તલવાર પડી ગઈ. જોતજોતામાં તો કોઈ માયાવી પાશમાં રાજાના બાહુ બંધાઈ ગયા. દેવે રાણીની તરફ ડગલાં માંડ્યાં.

થર થર કંપતી રાણી પલંગને ઓલ્યે પડખે જઈને ઊભી રહી. કોપાયમાન કંઠે બોલીઃ “હે દરિયાપીર ! તમને તેત્રીશ કોટિ દેવતાની દુહાઈ છે. ત્યાં જ થંભી જજો...”

તેત્રીસ કોટિ દેવતાની આણ દેવાતાં જ દરિયાપીર થંભી ગયા.

વિકરાળ ચહેરે રાણી બોલી, “નિર્દય દેવતા ! તમે સાગરના સ્વામી ! મારી આંખોની સામે, મારા પતિદેવની તમે આ દુર્દશા કરી રહ્યા છો ? ધિક્કાર છે દેવ !”

દરિયાપીરે નીચું જોયું. લજવાતા લજવાતા બોલ્યા, “હે મીણલદે ! પંદર દી પૂરા થયા હોત તો તારે પેટે ચક્રવર્તી અવતાર લેત. પણ આજે સાત જ દિવસ થયા. દીકરી જન્મશે. એનું નામ પાડજો ઉમા. હું આજે આ ભુવન છોડી જાઉં છું.”

રાજા સમજ્યા કે આ તો દરિયાપીર છે. રાજાએ પગે લાગીને કહ્યું, “હે દેવ ! તમે આ સ્થાનને તમારું કર્યું છે તે મેં આજે જાણ્યું. આ ભુવન ઉપરનો મારો અધિકાર હું ઉઠાવી લઉં છું. તમે સુખેથી નિવાસ કરો.”

દરિયાપીર બોલ્યા, “ના રાજા, મને આણ મળી ગઈ. હવે તો જાતાં જાતાં બે જ વાતો કહેવાની છે. એક તો, રાણીની ઉપર મારે કારણે કદી યે ત્રાસ ગુજારીશ મા. નહિ તો હું નિકંદન કાઢીશ. બીજું, દીકરી ઉમાના વિવાહ કરો ત્યારે મને કંકોતરી લખવાનું વિસરશો મા.”

એટલું કહીને દરિયાપીર અંતર્ધાન થયા.

(ર)

નવમે માસે તો મીણલદેના ખોળામાં એક દીકરી રમે છે. દરિયાપીરની દીધેલ એ દીકરીનું નામ પાડેલ છે ઉમા. દેવતાનું સંતાન ! એનાં રૂપ શે વર્ણવ્યાં જાય !

રાજાનો એક માનીતો ચારણ હતો. એને ઘેર પણ એક દીકરી આવી. એનું નામ પાડવામાં આવ્યું જુમા. ઉમા અને જુમાની જોડી જગતમાં બીજે ક્યાંય ન જડે.

ઉમા પંદર વરસની થઈ. એક રાજકુંવર જોડે એનું વેવિશાળ થયું. રાજકુંવર અંચળો ખીશી પોતે જ માયરે પરણવા આવનાર હતો.

ઉમાનાં લગનની કંકોતરી દેશદેશાવરે ગઈ છે. ઢોલગનારાં ગગડે છે, શરણાઈઓના સેંસાટ થાય છે. આખો સિંગળદીપ આનંદ ઓછવમાં ગરકાવ છે, નગરીના કસબી કારીગરો કુંવરી ઉમાદેનાં વસ્ત્રાભૂષણોની સજાવટ કરી રહેલ છે, - એમાં એકાએક-

“હ ડૂ ડૂ ડૂ ! હ ડૂ ડૂ ડૂ ! હ ડૂ ડૂ ડૂ !” એવા ગેબી નાદ ઊઠ્યા. માણસોએ દોડતા આવીને ખબર દીધા કે દરિયો આજ મોસમ વિના પણ ઉછાળા મારતો મારતો હડૂડી રહ્યો છે. નાવિકોનાં સફરી જહાજો ડૂબતાં માંડ માંડ બચીને કાંઠે પહોંચ્યાં છે. નથી વાવડો, નથી વરસાદ, પણ અત્યારે આ રત્નાકરે તાંડવ શેનાં માંડ્યાં છે ! અરે રોજરોજ ચડવા લાગેલાં પાણી આ નગરીને દરવાજે કાં ટલ્લા દેવા લાગ્યાં !

એકાએક રાણી મીણલદેને યાદ આવ્યું અને એણે હાક દીધી “અરે કોઈ કંકોતરી મોકલો, દરિયાપીરને કંકોતરી મોકલો ! કોલ દીધા છે દેવતાને.”

કોઈને સમજ પડી નહિ, પણ રાણીને પડી ગઈ, કે આ તો મારી ઉમાદેનું માવતર આજ અંતરના તલસાટ વરતાવી રહ્યું છે, બાપનું હૈયું ફાટી રહ્યું છે, આ હડૂડાટ અમથા નથી, આ તો ઉમાદેના સાચા પિતાના કાળજાના વલવલાટ ગરજે છે. દરિયાનો દેવ માથાં આટકી રહ્યો છે. આજ જેનું પેટ પરણે છે તે જ એકલા કંકોતરીમાંથી રહ્યા ! એટલે જ બાપનો પ્રાણ પછાડા મારી રહ્યો છે. રાણી મીણલદેએ જુમાના બાપ ચારણને તેડાવ્યા અને કંકોતરી દઈ કહ્યું કે “જાવ બાપ ! દરિયાપીરને કંકોતરી પહોંચાડી આવો.”

ચારણ તો આભો બન્યો. “અરે મારી મા ! આ શું ચાળો ઊપડ્યો ! દરિયાપીરને કંકોતરી !”

“હા ગઢવી ! દરિયાપીરને. મારે એવી માનતા છે.”

“પણ હું ક્યાં ગોતું દરિયાપીરને ? એની ડેલિયું અને એના ડાયરા ક્યે ઠેકાણે આવ્યા તે તો ખબર નથી.”

કે’, “ગઢવા ! તમે ચારણ છો. ગોતી કાઢજો. વધુ વાર કરો મા. નહિતર રતનાગર શહેરને બોળી દેશે.”

એક તો હસવું ને બીજું હાણ્ય ! ચારણ કંકોતરી લઈને દરિયાને કાંઠે કાંઠે ચાલતો થયો ! હ ડૂ ડૂ ડૂ હ ડૂ ડૂ ડૂ ! રત્નાકરનાં આભે ટલ્લા દેતાં પાણી જેમ જેમ ચારણ ચાલ્યો આવે છે, તેમ તેમ મોળાં પડવા માંડ્યાં.

પણ ચારણ કંકોતરી આપે કોના હાથમાં ? આ દરિયાપીર પણ ખરો દુશ્મન જાગ્યો ! એમ કરતાં કરતાં ચારણ આઘે આઘે નીકળી ગયો ત્યારે દરિયાકાંઠે એક સરોવર દીઠું. સરોવરમાં કોઈક સુંદરીઓ સ્થાન કરી રહી છે, ને કાંઠે એનાં હીર ને ચીર પડ્યાં છે. ચોગરદમ ભમરાના ગુંજારવ થઈ રહ્યા છે. મરતલોકનં કોઈ ફૂલમાં ન હોય એવી સુગંધ સરોવાર દીમથી આવી રહી છે.

પવિત્ર વરણ છે ના ! એટલે સરોવર ઢાળો વાંસો કરીને ચારણ ઊભો રહ્યો. અરે મહામાયા ! આ શું કૌતુક ! આંહીં તો કોઈ દી સરોવર નહોતું. ને આ ક્યાંથી ? નક્કી આંહીં કોઈ દેવતાઈ ભોમકા લાગે છે.

ચારણે તો હાથની કંકોતરી દરિયા દીમની લાંબી કરીને કર્યો લલકાર, કે

“લેજો દરિયાપીર, આ કંકોતરી.” કહ્યા ભેળો તો દરિયાનાં પાણીમાંથી એક હાથ કોણી સુધી ઊંચે આવ્યો. એનો પંજો કાંઈક લેવું હોય તેમ ઉઘાડો હતો. ચારણે કર્યો કંકોતરીનો ઘા, કંકોતરી ઓલ્યા દરિયામાંથી નીકળેલા હાથે ઝીલી લીધી ! અને રત્નાગરનાં જળ સમથળ થઈ ગયાં. પાણીમાંથી સાદ આવ્યો :

“ગઢવા ! કહેજો કે કંકોતરી પોગી, પણ હું તો તેત્રીશ ક્રોડ દેવતાની દુહાઈનો બાંધેલ છું. દીકરી ઉમાનાં લગનમાં પગ દઈ શકીશ નહિ. મન મારીને જળમાં બેઠો રહીશ. પણ ઊભા રો’ ગઢવા ! દીકરીને મારે પે’રામણી દેવી જોયેં. શું દઉં ! હાં, હાં, ગઢવા ! જો, ઓલ્યા સરોવરમાં અપ્સરાઉં સ્નાન કરે છે. ને કાંઠે એનાં વસ્ત્રાભૂષણો પડ્યાં છે. તેમાંથી તમને ઠીક લાગે તે એક ઉપાડી લ્યો. જાવ, ઝપટ કરો.” ઓય મારા બાપ ! આ ડીંડવાણું તો જો, ડીંડવાણું ! કોકની દીકરીનાં લગન, એમાં દરિયાને ઘેર ઓછવ ! ને આ દરિયાપીર પર પારકે પાદર માવજીભાઈ કાંધાળા ! કોકનાં ઘરાણાં ચોરીને પે’રામણી દેવી! એમા ંવચ્ચે કાંધ મારવો છે ગઢવાને. પારકી બલા ગઢવાને વોરવી ! સૌને એક ગઢવો ઠીક હાથમાં આવ્યો છે. ગઢવા ! જાવ કંકોતરી લઈને ! ગઢવા ! ગોતી કાઢો દરિયાપીરને ! ગઢવા ! લૂંટી આવો કોકનાં ઘરાણાં !

બબડતો બબડતો ચારણ સરોવરની પાળે પહોંચ્યો. મારે વાલે કરી છે ને કાંઈ ! નાતી બાયડીઉંનાં લૂગડાં ચૂંથવાનાં ? કાંઈ કામો ! કાંઈ રૂડો કામો ગઢવાને ભળાવ્યો છે! રતનાગરને તળિયે નંગના ભારા ને ભારા પડ્યા છે. એમાંથી દોથોક દેતાં શું ભાલાં વાગતાં’તાં ? જાત છે ને દેવદેવલાંની ! આફતનાં પડીકાં છે બાપ ! ત્રૂઠ્યા ય વસમા ને ન રૂઠ્યા ય વસમા !

એમ બબડતે બબડતે એણે તો ઝપટ કરી બાઈયુંનાં લૂગડાં-ઘરાણાંને માથે. પણ ગોતવાની જરૂર ન રહી. આભામંડળનું કોઈ એક નખતર હોય ને જાણે, એવો એક રતન-હાર ઝળેળતો હતો. એકે તો હજારાં ! એકે તો દાળદરના ભુક્કા ! એ એક હાર ઉપાડીને ગઢવાએ દરિયાપીર દીમની હડી મૂકી. દેવ કાંઠે આવીને ઊભા છે.

સરોવરમાં કિલકિલાટ કરતી અપ્સરાઓએ ગઢવાને ભાગતો દીઠો. દેખતાંની વાર તો રંગમાં ભંગ પડ્યો. જેનો હાર ઊપડ્યો તે અપ્સરાએ ગઢવાની પાછળ દોટ દીધી. પણ એ આંબે તે પૂર્વે ગઢવાએ પાણીની બહાર ઊભેલ દરિયાપીરના પગ પકડી લીધા.

આધી ઊભી થઈ રહીને અપ્સરાએ દરિયાપીરને ઠપકો દીધો : “અરે મોટા દેવતા! માથે રહીને આવી લૂંટ કરાવો છો ? તમારે ઘેર રત્નોનો તોટો પડ્યો તે અમ ગરીબ અબળાઓનાં આભૂષણો ઉપડાવો છો ?”

અપ્સરાઓ તો દેવતાઓની રોનકનાં ઠેકાણાંઃ જેમ જમીનને માથે ગણિકા બજારનું સુખડું ગણાય, તેમ અમરાપુરીમાં અપ્સરાઓ ગણાય. સામે નવસ્તરી ઊભી ઊભી કરગરી રહેલી અપ્સરાને દેવ હસીને કહેવા લાગ્યાઃ

“દેવાંગના ! તમને ખબર નથી. આજ તો મરતલોકમાં પેટની દીકરીના વિવા છે. મારે એને પે’રામણી તો મોકલવી જોવે ના ! મારો ભંડાર ભર્યો છે, પણ એ તો બધાં અણઘડ્યાં મોતી છે. અટાણે હું ઘડાવવા ક્યારે બેસું, ને મોકલું ક્યારે ? અને આજ દીકરીના વિવાટાણે ચોરીલૂંટ ન કરાવું તો કરાવું ક્યારે ? તમને તો પાછાં અમરાપુરીમાં પહોંચ્યા ભેળા કોક દેવતા હાર દેવા દોડ્યા આવશે, સમજ્યા ને અપ્સરા ?” એમ કહેતા કહેતા જળદેવ બસ હસવા જ મંડી પડ્યા. એટલે ભોંઠી પડેલી અપ્સરાને કાળજે ચીરો પડી ગયો. એણે કકળતી આંતરડીએ કહ્યું : “મારો હાર ઉપાડી તો જાવ છો. પણ એ હાર કોઈ સુવાગણ નાર પેરી રહી. પેરશે દુવાગણ.”

હરખના કેફમાં દરિયાપીરને અપ્સરાના આ શરાપનું કાંઈ ભાન રહ્યું નહિ. અપ્સરાઓ પાછી વાર ગઈ, ને ત્યાં ચારણે હાર લઈને સિંગળદીપ શહેરની વાટ લીધી.

(૩)

રાજકુંવર અચળો ખીચી હથેવાળે ઉમાને પરણવા આવ્યો છે. ચૉરીએ ચડી ઊતર્યાં છે. ચારે મંગળ વરતી રહ્યાં છે. અધરાતનો ગજર ભાંગ્યો છે. ઉમાએ પગથી માથા લગી શણગાર સજ્યા છે. અને ગળામાં નાખ્યો છે ઓલ્યો, અપ્સરાવાળો, દરિયાપીરે દેવરાવેલો રતન-હાર. દેવની દીકરી, એમાં પછી રૂપની કમીના શી હોય ? ભોજનનો થાળ હથેળીમાં ઉપાડીને કટ, કટ, કટ, ઉમાદેવડી મેડીએ ચડ્યાં છે.

મેડીને માથે કુંવર અચળો ખીચી એક પગ ધરતી માથે રાખીને ધીરે ધીરે હીંડોળાખાટે હીંચકી રહ્યો છે -

થાંભા થડકે, ઘર હસે, ખેલણ લાગી ખાટ,

સાજન આયા હે સખિ ! જેની જોતાં વાટ.

અને બેયની મીટડીયું મળી છે -

નેણ પદારથ, નેણ રસ, નેણે નેણ મળન્ત,

અણજાણ્યાંસું પ્રીતડી; નેણે નેણ કરન્ત.

બેય એકમેકથી અજાણ્યાં, પણ નેણે નેણ મળ્યાં છે, અને પ્રીત પ્રકટાવી દીધી છે.

પછી તો -

મોં મન લાગી તોં મના, તોં મન લાગી મું;

લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી લૂણ વળુંભ.

મારું મન તારા મનસું લાગ્યું, તારું મન મારા મનસું. એ તો જાણે કે લૂણ ને પાણી પરસ્પર મળી ગયાં. બેમાંથી એકેયની વાચા ઊઘડતી નથી. મનથી મન ગોઠડિયું કરે ત્યાં જીભ બાપડી ઊપડે શેણે ?

છેવટે ઉમાએ વાચા ખોલી : “પધારો રાજ ! થાળ તૈયાર છે.”

રાજકુંવર અચળો મરક મરક મુખડે જોઈ રહ્યો. કાંઈ જવાબ દીધો નહિ. ઉમાએ ફરી કહ્યું :

“રાજ ! ભોજન ઠરે છે.” ત્યારે પછી અચળાએ કહ્યું : “ઠકરાણાંજી ! ચૌદે વિદ્યાનાં જાણણહારાં, ને એક રાજરીત કેમ ભુલી ગયાં ?”

કે’, “હે ઠાકોર ! ભૂલી હોઉં તો બતાવોને !”

ગોખે તે બેઠી રાણી રાજવણ બોેલે,

મને મારગડો દેખાડો રાજ બંદલા !

હું તો મારગડાની ભૂલી રાજ બંદલા !

કે’, “હે ઉમાદે !” -

ખાતે ખીચી બોલિયો, સાંભળ સાંખલી નાર !

મારા પગની મોજડી, ઉમાદે ઉતાર !

“હે સાંખલાની રાજકુમારી ! મારા પગની મોજડી તમે ઉતારો.” ઉમાએ માન્યું કે ઠાકોર હાંસી કરે છે. એને પૂછ્યું : “હે ઠાકોર, મોજડી ઉતારું ? શા માટે ઉતારું ?”

કે’, “એવી રીત છે.”

કે’, “હેં ? એવી રીત છે ? ક્યાંની રીત છે ?” કહેતાં તો ઉમાદેનું મોં ગ્રહણે ગ્રહાયા ચાંદા જેવું બન્યું.

“રીત છે અમારા કુળની, કે પરણ્યાની પ્રથમ રાતે ઠકરાણાં ઠાકોરના પગની મોજડી ઉતારે.”

કે’, “સાચું કહો છો રાજ ?”

કે’, “સાચું જ કહું છું. હસવાની વાત નથી.”

ત્યારે પછી -

મરકી ઉમા બોલિયાં, ગોરી ભીને ગાત્ર;

તારા પગની મોજડી, (કાં) દાસી ઉતારે કાં પાત્ર.

“હે ઠાકોર ! તમારા પગની મોજડી તો કાં દાસી ઉતારે ને કાં પાતર (ગુણિકા) ઉતારે, પરણેતર તો નહિ ઉતારે. લ્યો, મારી વડારણને બોલાવું. અમારા કુળની તો આવી રીત છે.”

કે’, “ઠકરાણાં ! આ તો રિવાજ છે. તમારે તો જરાક મારી મોજડીને અડી જ લેવાનું છે.”

કે’, “મેં કહ્યું ને ? આ કામ અમારા કુળમાં વડારણનું છે. મારું નહિ.”

કે’, “રાણી, મમત કરો મા; માઠું થશે.”

કે’, “મર જે થાવી હોય તે થાવ. પગરખાંને હું હાથ નહિ અડાડું.”

“ઠીક ત્યારે.” એવું કહીને અચળો હીંડોળાખાટેથી ઊઠી ગયો. થાળ થાળને ઠેકાણે રહ્યો. સોહાગની રાત બગડી ગઈ. સિંગળદીપની હવા પણ કડવી ઝેર બની ગઈ. અચળાએ પોતાની બરાતના રસાલાને હુકમ દીધો કે “સાબદા થાવ, અટાણે જ ઊપડી જાવું છે.” સૈયર જુમાને, રાજાને, રાણીને, સૌને જાણ થઈ કે બાજી બગડી ગઈ છે. બધાંએ ઉમાને ઠપકો આપ્યોઃ “બહુ ભૂલ કરી. હજી માની જા - તું ઊજળી તો પણ રાત છો, તું અસ્તરી છો. જીવતર લાંબું હોય ટૂંકું હોય કોને ખબર છે ? ઊગ્યો એને આથમતાં વાર લાગશે.” પણ કોઈનું કહ્યું ઉમાદેએ માન્યું નહિ. ત્યાં અચળો વિદાય થઈ ગયો, અને આંહીં ઉમાએ જોબનને કબજામાં લીધું. વસ્ત્રાભૂષણો કાઢીને અળગાં કર્યં અને જ્ઞાનવૈરાગ્યને માર્ગે ચડી. ચારણની દીકરી જુમાને પોતાની પાસે રાખી. જુમા બીન બજાવે, ગીતો-ભજનો ગાય, વાર્તાઓ કરે, ને જોગણવેશી ઉમા બેઠી બેઠી સાંભળ્યા કરે.

લાગવા માંડ્યું કે જોબન કબજે થઈ ગયું છે, વિકાર ઓગળી ગયા લાગ્યા. જુમાને પોતે એક દીએ જુદી પડવા દેતી નથી; જુમા પણ સહિયરને સારુ કુમારી અવસ્થા ખેંચી રહી છે. એમ કરતાં કરતાં -

દિન ગણન્તાં માસ ગયા

(અને) વરસે આંતરિયાં.

એવા એક દી, જુમા ઉમાની રજા લઈને પોતાના બાપને ગામ ગઈ છે. ઉમા એકલી પડી છે. વૈશાખી પૂનમની રાત છે. પોતે બેઠી બેઠી માળા ફેરવે છે, પણ આજ એકલી પડી છે. જુમાનાં ગીતો ને ભજનની આડશ ચાલી ગઈ છે. બહારના વાયરા ફૂલની સોડમ લાવે છે અને ચોક-ચૌટામાં ગાતી નારીઓના ગીતના બોલ લાવે છે -

કોઈ મુને કૃષ્ણ બતાવો રે મધુવનમાં;

વ્યાકુળ થઈ છું મરા મનમાં રે શ્રી ગોકુળમાં.

હાર જ તૂટ્યો, ચીર જ ફાટ્યાં,

નીર વહે છે લોચનમાં - કોઈ મને.

માળાના પારા ધીમા પડ્યા, અને મોડી રાતનો કોઈ બપૈયો “પિયુ-ઉઃ પિયુ-ઉઃ પિયુ-ઉઃ” પોકારવા મંડ્યો.

આમાં કાંઈ સારાવાટ નહોતી.

બાપૈયા થાને મારશું, તું લે ના પિયુરો નામ;

આધી રેનરો પુકાર મા ! તું છોડ હમારા ગામ.

અરે દાસીયું ! આ બાપૈયાને ઉડાડો. પથરા માર્યે ઝાડ માથેથી બાપૈયો ઊડી ગયો. પણ મનડાના મધુવનના બાપૈયા એમ થોડા ઊડી શકે છે !

માંય અનુપમ લીંબડા, તાડ રિયા હલબલ્લ;

નેણે અમર નાગરી, વનસેં હુઈ વિકલ્લ.

ચંપો ડોલર કેવડો, રોગી દાડમ ધ્રાખ;

થોકે થોકે લડ રહી આંબા કેરી શાખ.

આંબા હિલોળે આવિયા, સાખ રસ ન સમાય;

કે’જો ઓધા કાનને, જેઠ વસમ્મો જાય.

અંતરના બંધ માંડ્યા તૂટવા : અરે કોઈ જુમાને તેડવા મેલો. હૈયું થર રહેતું નથી. આ તો બધા ઉપલા વૈરાગ્ય. માયલું મન તો મુવું કોરું ને કોરું પડ્યું છે !

ઉમા કાગાળ લખી મોકલે, જુમા ઓરેરી આવ !

થારો ગુણ મેં જાણશાં, મારો રૂઠો નાવ મનાવ !

હે જુમા ! વહેલી મારી પાસે આવ ને મારા રિસાયેલા નાહોલિયાને મનાવ. હું તારો ગુણ નહિ ભૂલું.

જુમા દોડતી આવી. કહ્યું, “બસ ? દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું ?”

કે’, “બેન, હવે તો નથી રે’વાતું.”

કે’, “બધાં માન મેલીને સાસરે જાવા તૈયાર છો ?”

કે’, “હા.”

(૪)

લાટેલાટ દાયજો અને અરધી વસ્તી પોતાની સાથે લઈને ઉમા અચળા ખીચીને ગામ પહોંચી છે. જુમા ભેળી છે. અચળો તો સિંગળદીપથી પાછો વળ્યો તે ટાણે રસ્તામાંથી જ મેવાડની રાજકુંવરીને પરણીને ઘેર આવ્યો છે. મગરૂબ ઉમાને એ રાણી તરીકે રાખે નહિ, અને ઉમા મોજડી ઉતારે નહિ ! ઉમાને ઠેકાણે કઈ રીતે પાડવી ? કોઈ નથી જાણતું કે ઉમાના તગદીરને કયું તાળું લાગી ગયું છે. અપ્સરાનો શરાપેલ હાર ઉમાનો વેરી છે. હારને નાખી દીધેલ કારી ફાવે તેમ નથી. એ હાર કોઈક અસ્ત્રીની ડોકમાં તો પડ્યે જ છૂટકો.

ઠીક મનવા ! સબૂરી ધરીને જુમાએ અચળા ખીચીના પાટણ જેવું જ, નદીને સામે કાંઠે, બીજું પાટણ વસાવ્યું છે. જેવી અચળાની તેવી જ ઉમાના પાટણની રોજ કચેરી ભરાય છે. અચળાના પાટણનાં લોક આંહીં આવતાંજતાં થયાં છે. ઉમાનાં રૂપ અને શીલ વખાણમાં છે.

પણ અચળાની આંખે મેવાડી રાણીએ અંધાર-પાટા બાંધી દીધા છે. અચળાનું રાજપાટ ચકલીના માળા ચૂંથાય એમ ચૂંથાઈ રહ્યું છે. મેવાડી રાણીએ ખેદાનમેદાન વાળ્યું છે. રાજકાજમાં અચળાનું ચિત્ત ચોંટવા દેતી નથી. મેવાડી રાણીને તો રટણ છે એકલા સાજશણગારનું. રાજની તમામ રિદ્ધસિદ્ધ એની ટાપટીપમાં જ ખરચાઈ રહી છે. ઉમા આવી છે, સામે કાંઠે રહે છે, પણ મેવાડી રાણી અચળાને આવવા દેતી નથી. એ તો રાણીવાસનો જ કેદી બન્યો છે.

ફિકર નહિ. હે જીવ ! સબૂરી રાખો. શરાપેલ હારનો રસ્તો નીફકળવાનો લાગે છે.

ધીમે ધીમે ધીમે, ઉમાના રતનહારની વાતો સામે કાંઠે પહોંચી. દેવાંગનાનો હાર મેવાડી રાણીનું દિલ ડોલાવવા લાગ્યો. એ હાર પહેર્યે તો માનવી દેવરૂપ બને છે ! અરે જીવ ! ક્યાંક એ હાર પહેરેલ મારી શોક્ય ઉમાને આ ઠાકોર જોઈ જશે તો ? તો સત્યાનાશ વળશે.

વાતો આવી હતી કે મંતરેલો હાર છે. નક્કી અચળાને ચળાવી દેશે એની પે’રનારી !

વાતો જુમાએ જ વહેતી કરી હતી ! વાતનું પરિણામ આવ્યું. મેવાડી રાણીએ કહેવરાવ્યું : “એ હાર આપો તો મોંમાગ્યાં ધન દઉં, જર દઉં, જમીન દઉં.”

“ના, એ કાંઈ ન જોવે. હાર લ્યો, પણ એક રાત ઠાકોરને અમારાં બા પાસે મોકલો.”

કે’, “ખુશીથી.”

મેવાડી રાણીએ અચળાને સમજાવ્યો, કે બચાડી છ મહિનાથી બેઠી છે. એક રાત જઈ આવોને ! જગતમાં વગોણું થાય છે. આપણે જાવું ખરું, પણ એની સામે ન જોવું. વચન આપો. અચળાએ વચન આપ્યું.

આંહીં મેવાડી રાણીને ઉમાનો રતનહાર મળ્યો એટલે અચળાને સામે કાંઠે રાત રહેવા મોકલ્યો. પણ આખી રાત અચળો ઉમાદેના રંગમોલમાં પડખું ફેરવીને જ સૂઈ રહ્યો. રાતનો એક પહોર, બીજો પહોર, ત્રીજો - અને ઉમાદે ફડકી ઊઠી. અરે એક વાર જો સામે જુએને, તો તો હું એની નજરનું ઝેર નિચોવી દઉં. પણ આ તો પથરા જેવો પડ્યો છે! અબઘડી સવાર પડશે.

બોલાવો રે બોલાવો કોઈ જુમાને. જુમા આવી. ઉમાએ પોતાનું હીણભાગ્ય નજરે દેખાડ્યું. પલંગમાં પડ્યો છે આખી રાતનો મોઢું ફેરવીને !

જુમા પોતાનું બીન લઈને બેઠી. તાર ચડાવ્યા, બીનને માથે આંગળીયું ફરી. બીન હોંકારા દેવા મંડ્યું, અને જુમા દુહા ગાવા લાગી.

હાર દિયો ચાંદો કિયો.

... ... ... ...

... ... ... ...

... ... ... ...

અરે તકદીર, અમે અમારો હાર દઈ દીધો. અમે સાટું કર્યું. અમારો તો હાર પણ ગયો, અમે સાટવેલ વસ્તુ પણ મળી નહિ. અમારાં દુર્ભાગ્યની શી વાત કરીએ ?

બીન જેવું નાજુક સાજ, એવું જ કાબેલ બાજંદું, અને એમાં આવા સમસ્યાના બોલઃ સાંભળીને જાગતો પડેલો અચળો સળવળી ઊઠ્યો. આ હા હા ! આ લોક નિર્ધન બની ગયાં લાગે છે. ખરચી માટે હેમનો હાર કોઈક વેપારીને હાટડે ઘરાણે મૂક્યો લાગે છે! મન પીગળ્યું. દયા આવી. પોતે ઊઠીને પૂછ્યું :

કરણે હાટે મૂકિયો, ભોજન લિયાં અપાર;

ઈ હારને છોડાવવા, વેગે કરશું વાર.

કહો, ક્યા વેપારીના હાટડે અન્ન લેવા એ હાર મૂક્યો છે ! એ હારને છોડાવવા હું તમને હમણાં નાણાંની મદદ કરું.

ત્યારે બીન માટે ગાતી ગાતી જુમા જવાબ વાળે છે :

કણરે હાટે ન મૂકિયો, ભોજન લિયાં ન ભાર;

(પણ) જેની નાર કુભારજા, ઈ માગ્યો દ્યે ભરથાર.

હે ઠાકોર ! અમે કાંઈ અન્નદાણાને કાજે એ હાર કોઈ વેપારીને હાટડે નથી મૂક્યા. પણ આ તો એક એવી કુભારજાને દીધો છે, કે જેણે હાર પહેરવાને સાટે પોતાનો ભરથાર અમને માગ્યો આપેલ છે.

સમસ્યા કાળજે તીર જેમ ખૂતી. અચળો પલંગમાંથી બેઠો થઈ ગયો. પૂછ્યું,

“શું કહો છો ? ચોખવટ કરો. કઈ નાર કુભારજા ? માગ્યો ભરથાર કોણે દીધો છે ?” જુમાએ હારની અને મેવાડી રાણીની આખી વાત કરી છે, અચળો તો સાંભળીને રૂંવે રૂંવે વીંધાઈ ગયો છે. એણે પાટણ જઈને તપાસ કરી છે. જુમાનો અક્ષરે અક્ષર સાચો પડ્યો છે.

“આ હા હા ! હારની બદલીમાં મેવાડી રાણી, તમે તમારો પિયુ માગ્યો દીધો છે ! ત્યારે તો હવે ભરમ ભાંગી ગયો. તમારે હાર પહેરવાના વધુ કોડ હતા ! ભલે, તો હવે જાવ. ને એ હાર જ પહેરો -

મેવાડી જા મેવાડમાં ! ઊંટે ભરીને ભાર;

અચળો ઉમાને રિયો તારે રહીયો હાર.

મેવાડી રાણીને મહિયર વળાવી. અને અચળો ખીચી ઉમાને લઈને રહ્યો.

ઉમાએ જુમાના પગ પૂજ્યા.

૭. કાઠીકુળ

ગરુડની મા અને નાગની મા, બેય શોક્યું. બેય કશ્યપની રાણીયું. બેય વચ્ચે વાદ થયો : સૂરજના ઘોડા કેવા ? સપતાસ કે કાળચરા (શ્વેત કે કાળા ?)

નાગની મા કહે કે કાળા, ને ગરુડની મા કહે કે ધોળા.

બેમાંથી જે હારે તે જીતેલીને ઘેરે દાસી બને એવો કરાર થયો.

નાગની માતાએ પોતાના નવે દીકરાને મોકલ્યા તે સૂરજના ઘોડાને પેટાળે વીંટળાઈ ગયા. સૂરજના ઘોડા કાળા દેખાણા.

ગરુડની મા હારી, એટલે નાગની માને ઘેરે દાસીપણું કરે.

ઘણે દીએ ગરુડ ગાગરડીમાંથી સેવાઈને બહાર નીકળ્યા. જોવે તો માને માથે ટાલ! હેં મા ? શા કારણે આ ટાલ ! મા પાસેથી આખી વાત જાણી નક્કી કર્યું.

“નવે ય નાગને ન આરોગી જાઉં તો હું ગરુડ નહિ.”

માંડ્યો પકડવા ને ગળવા. આઠ ગળ્યા ને એક નાગર ભાગ્યો. મેરુ પર્વતની તળેટીમાં નાગ તમરનો નેસ. ત્યાં પાડો થઈને ખાડુ ભેગો ચરવા મંડ્યો નાગલિયું ભેંસ્યું.

ત્યાં ગરુડનો તાપ ન ઝીલી શક્યો. આળોટીને ચારણ થયો. નાગ તમરે ભેંસું ચારવા રાખ્યો, પોતાની દીકરી દીધી. પૂછ્યું : “એલા તારું નામ ?” કહે કે “નાગ પિંગલ.”

નાગપાંચમ આવી એટલે બાઈ ચાલી પૂજવા. હસીને પુરુષ કહે કે “તારા તો ઘરમાં જ દેવસ્તાનું છે. જોજે બીતી નૈ હો ?”

એમ કહીને પુરુષે અજાજૂડ નાગનું રૂપ લીધું. બાઈથી રાડ પડાઈ ગઈ, “વોય ! નાગ !”

ખોરડા માથે ગરુડ બેઠેલો, તેણે સાંભળ્યું. નાગ રૂપ ધારીને ઝડપ્યો, નહોરમાં ઉપાડ્યો, ને દરિયા-કાંઠે મગરમચ્છ બેઠેલ તેને માથે બેસીને એનો ભક્ષ કરવા બેઠો.

મગર બૂડ્યો, તો એનેય ચાંચમાં લઈને ઉપાડ્યો.

મેરુ પર્વતની દખણાદી કોરે સુવરણ જેવી ભોમ, જાંબુડાનું ઝાડવું, ચોરાશી જોજન ડાળ લાંબી, અશવ પરમાણે (ઘોડા જેવડાં) ફૂલ, ગજ પરમાણે ફળ, તેના રસમાંથી જાંબુવતી નદી જમનાજી નીસરી તે જાંબુડાનો રસ આ પછમ ધરામાં આવ્યો. તેથી આ જાંબુદીપ કહેવાણો.

ગરુડ આ જાંબુડાની ડાળ માથે બેઠો. ડાળ ફેંસાણી, એને પણ નોરમાં લઈને ઊડ્યો, ને મેરુનું સાતમું ટૂંક હળવટ એને માથે જઈ બેઠો. ટૂંક ફેંસાણું, એનેય નોરમાં લીધું.

ગરુડને એંકાર આવ્યો કે આ મેરુુ જેવાય ખરેડવા મંડ્યા ! હવે મારો ભાર ધરતી ન ઝીલે ! હવે તો આકાશમાં જ પહોંચું.

આકાશમાં સૂરજનો રથ ચાલ્યો જાય, એમાંથી ગરુડને અરુણે ભાળ્યો.

“ક્યાં જાછ એલા ગરુડ ? એલા આગળ કાંઈક બેસ એવું નથી. આવ મારા ઠૂંઠા ઉપર બેસ.”

“અરે તો તો તને સાતમે પાતાળ ખોસી દઈશ !” ગરુડ તો ઊડ્યો. એના નોરમાં પડ્યાં પડ્યાં નાગે નવ ખંડ જોયા. બહુ સ્તુતિ કરીઃ હે ગરુડજી, તારા નામની કિતાબ કરું, જો મને મૂકી દે તો હું શાસ્તર બનાવું.

ગરુડે મગરમચ્છનાં હાડમાં, ડાળ, હળવટ અને મેરુનું ટૂંક લઈને દરિયામાં પડતું મૂક્યું. એને માથે લંકાનો ગઢ થયો.

અને પછી આ નાગે આખી પૃથ્વી દીઠી તે પરથી નાગપિંગલ રચ્યું, ને એના દીકરા હમીરે હમીરપિંગલ રચ્યું. આમ ચારણ નાગમાંથી ઉત્પન્ન થયો. એના વંશવારસે કાઠીકુળની ઉત્પત્તિ વર્ણવીઃ સૂરજનો કરણઃ કરણનો વરકેતઃ વરકેતનો રજકેતઃ રજકેતનો ધીરકેતઃ ધીરકેતનો બ્રહ્મકેતઃ બ્રહ્મકેતનો વીજકેતઃ વીજકેતનો કાણદેવઃ કાણદેવનો દેગઃ દેગનો દેગમઃ દેગમનો આણોઃ આણાનો માણોઃ માણાનો એભલ પહેલોઃ એભલનો રવિચળ.

માણો પંજાબમાંથી કાશીએ આવ્યાઃ

દીધી માણે દાત, કાશી લઈ અરપણ કરી,

એ વાતું અખિયાત, પછેં ગોકળ પધારિયા.

(માણાએ કાશી જીતી લઈને દાન (દાત)માં અર્પણ કરી, એ વાત વિખ્યાત છે. પછી કાઠી ગોકુળ આવ્યા.)

કાશીમાં સોરંભનો ઘાટ બંધાવ્યો. ગોકળમાં ધનેસર તુંવર રાજ કરે તેને હરાવ્યોઃ

ધનેસર તુંવર ધ્રુજાવિયો, ગોકળ જેડે ગામ.

તુંવરોનો બહુ તાપ લાગ્યો એટલે માંડવગઢ (માળવે) આવ્યા. ઘરમાં સોમાવંતી ચવાણ (ચહુઆણ) વીરપાળ ચવાણની દીકરી. એ બાઈને ગંગાજીનો બોલ. તેને લીધે માળવામાં સોમલ નદી નીકળી. કાઠીમાં મા અને બાપ બેઉનું બરદાવું રહ્યું. (‘સોમલિયા’ અને ‘માણા’)

ધન્ય દિવાળી ધન્ય ઘડી, ધન્ય વીરપાળ ચવાણ;

ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,

પછી માણાએ દિલ્હીમાં ચોરી કરાવીઃ

માણે ચાર મોકલ્યા, ચોરી કરવા ચોર;

ઢેલી શે’ર ઢંઢોળતાં, બેઠા કરે બકોર.

સંવત ખટ સતાશીએ, આસો માસ ઉદાર;

માંડવગઢ ને માળવો, ધન્ય વાળારી વાર !

દસ પેઢી પછી અણહુલપાટણ આવ્યા. તેની સાખ પૂરતું બિરદ ચારણના દુહામાં છેઃ

જો જેતપરા જાત, ગુજરગઢ છાંડે કરે,

ચાંપા ! ચેરો થાત, અણહલવાડે એભાઉત !

(હે જેતપરના રાજવી ! તું જો ગુજરગઢ છોડીને ચાલ્‌ જાત, તો હે ચાંપરાજ વાળા ! એભલના પુત્ર ! તારી નિંદા થાત.)

પછી સૂરવાળો વઢવાણમાં થયા પછી વાળા વલ્લભીપુર આવ્યા. સૂરનો એભલ બીજો, જેણે મે વાળ્યા, કોઢ ટાળ્યો, ક્રોડ કન્યા પરણાવી.

એભલના ત્રણ : આણો એભલનો, એણે માથું આલ્યું, ચાંપરાજ એભલનો, એણે ધીંગાણું કર્યું; શેળાઈત એભલનો, એને શાપ થયો. વાત એવી છે -

ગામ આવડ તાંતાણાનો મામડિયો ચારણ. એને સાત દીકરી. પણ સાત બેન વચ્ચે ભાઈ ન મળે. સાતે બેનોએ ડીલનો મેલ ઉતારીને પૂતળું કર્યું અંજળી છાંટી સજીવન કર્યું. મેરખિયો નામ પાડ્યું.

બેનોએ કહ્યું, “માડી મેરખિયા ! જા વળે, શેસાઈત-વાળાના ખાડુમાં રાતડીઓ દૈત પાડો થઈને રે’ છે, એંધાણી લેખે એના નાકમાં સવા શેર સોનાનું નાકર છે. એને લઈ આવ.”

મેરખિયો પાડાને લાવ્યો આવડ તાંતાણાને સીમાડે. કેરડાના ઝાડવા ઉપર મેરખિયાને ઓરખો બેસાર્યો ને પછી સાતે બેન્યુંએ પાડાને વરોધ્યો. વધ કરીને મંડી રોક (રક્ત) પીવા.

વળામાં ખબર પડી. વાર ચડી.

મેરખિયે સાતે બેન્યુંને કહ્યું, “આઈ, ખે ઊડતી સે, અહવાર આવતા સે.” (ધૂળ ઊડે છે. સવારો આવે છે.)

સાતે બાઈઓએ પાડાના ચામડાનો ભેળિયો (કાળું ઓઢણું) કર્યો, હાડાંના માળીંગા (પાણા) કર્ય, ને લોહીની ખાલ કરી. મંડી ભેળીઓ રંગવા.

પણ આવેલા અસવારોમાંથી એક આયરને પાડાનું નાકર હાથ આવી ગયું. શેળાઈતે હુકમ દીધો :

“એલા આ તો કામણગારાં છે. બાળી દ્યો જીવતાં !”

સાતે બેનોએ જીવતી બાળીને વાર પાછી વાળી, ત્યાં તો વળાને પાદર તળાવમાં સાતે બોન્યું ના’ય છે ! મેરખિયો કાંઠે બેઠો બેઠો ધ્યાન રાખે છે.

શેળાઈતે માગ્યું, “માતાજી, તમને મેં બાળ્યાં, મને શરાપો.”

આઈઓએ કહ્યું, “બાપ, તોળું (તારું) વટલાણ થાશે. વળા મુકાશે.”

વળે એભલવાળાનો પાળિયો ઝાડ હેઠળ આથમણે મોઢે છે.

વળા છૂટી ગયું. ચાંપરાજ ને શેળાઈત ચીતળમાં વસ્યા, ને અણાનો વસ્તાર તળાજે રહ્યો. એ ન વટલ્યો.

અણાનો ગોલણવાળો. ગોલણ અને નેત્રામની પ્રેમકથાના દુહા છેઃ

અમે ગોલણનાં ગરાક, ગોલણ ગનકારે નઇં;

દલ ઊભું દરબાર, વાળા ! વિનતિયું કરે,

(હું ગોલણની ગ્રાહક (અભિલાષુ) છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા ! વિનવણાં કરે છે.)

સૂઘરીઉં સગા ! ફોડે માળા કરતિયું,

એણી ગૂંથણ ગોલણિયા ! તું પાસે તળાજા-ધણી !

કળેળ્ય મા તું કાગ, ગાંજે જે ગોલણ તણે;

હૈયા હજી મ ફાટ્ય, નિસાસે નેત્રમ તણે.

(હે કાગડા ! તું ગોલણને ગામે (ગાંજે) ન વિલાપ કર. ને હે હૈયા ! નેત્રમને નિઃશ્વાસે તું ન ફાટતું.)

પણ દુઃખે ને પીડા કરે, કસટાયેં કાળા !

ગોલણ, તમાણાં ગોતરૂ, વારૈયો વાળા !

નૈ સગો, નૈ સાગવો, નૈ માડીજાયો ભા;

વાલો હોય તો વારીએં, જેના ઘટમાં સાલે ઘા.

ચીતળથી જેતપુરનું પાટ સ્થાપ્યું ચાંપરાજે ને શેળાઈતે. ઉજ્જડ ટીંબો વાસ્યો. જૂનેગઢ તે વખતે ચૂડાસમાનું રાજ.

શેળાઈત નવઘણની સાથે સિંધની ચડાઈમાં હતો -

નવ લાખે નવઘણ ચડ્યો, વડી જાહલરી વાર;

શેળાતને સૂરજ સાયદે, પૂગ્યું સિંધમાં પાળ.

રણમાં નવ લાખને પાણી ન મળે. શેળાઈત કહે છે કે હું સૂરજનો પોતરો છું, મારા છાયામાં કૂઈ ગાળો. કૂઈ ગાળી. મીઠું પાણી નીકળ્યું. આજ રણને કાંઠે શેળાઈત કૂઈ છે.

જેતપુર છૂટ્યું ને રસધાર આવ્યા -

જાડેજાને જે રિયા, શેળાઈતે સજડે;

બેઠો રસધારને બેસણે, (તેદી) ઘા માન્યો ઘણે.

શેળાઈતનો ધાન. એણે રસધાર મૂકીને ઢાંક વસાવ્યું. ધાનને તેર દીકરાઃ ઉગો ધાનનોઃ વણાર ધાનનોઃ વાઘડો ધાનનોઃ એના વાઘોચી આયર.

પીઠવો ધાનનો, એના ચાકબોરિયા થયા.

અણોતરો ધારનો, એના ઢેઢવાજસુર (પાળિયાદ).

જોગરો ધાનનો એના કોળી વાળા થયા.

કાનો ધાનનો, બાળવાન ધાનનો, એના નરા ચારણ થયા.

વેળાવળ ધાનનો; એની ત્રણ પરજું થઈ : ખાચર, ખુમાણ ને વાળા.

વળોચજી ધાનનો તે જામની સામે લડ્યો. એના દુહાઃ

તેવાળે તોરણ કર્યું, ઝડપે માથાં જામ,

પાછું ઈ પાવરધણી, કાઠી ન જોયું કામ.

આરાંતણી ઓરણી, કાઢાં લોહદંતાળ,

વાળો વાવણહાર, વળોચહરો વોચાઉત.

નર સ્ત્રોવર નરખેં કરે, જોયા છ ઘણેઘણાં;

નીર નીંગોળ તણાં, વોચાઉત વાને બિઆં.

(માણસોએ બીજાં સરોવરો તો ઘણાં જોયાં હશે પણ વળોચના દીકરાએ ભરેલા સરોવર (નીંગાળ)નાં પાણી તો રંગે બીજાં (બિઆં) જ હતાં.)

ઉગાએ રા’ખેરડિયા અને મેઘાણંદ ચાવડાને મદ્રાસના રાજા પાસેથી છોડાવ્યા.

વળોચે દિલ્લીનો ફેરો (લૂંટ) કર્યો. સાંકડામાં આવી ગયા. એમાં એક મુસલમાન હજામનો ડેલો આવ્યો, એણે આડા હાથ દઈને બચાવ્યા. એનું નામ કુંવરો હજામ. એણે કહ્યું કે મેં તો તમને આડા હાથ દીધા, પણ બાદશાહ મને તોપે બાંધશે. એટલે વળોચે એને પોતાની સાથે લીધો, એના દીકરાનું બિરદામણું આ દુહામાં છેઃ

નખ લેતલ મોં નાક, સર માથે ફેરછ સજસ;

હાકેમને માથે હાથ, કોઈ તાહરા કુંવરાંઉંત.

વાળા વળોચે કુંવરા હજામની દાઢી પડાવી, ભેળો ખવરાવી હિન્દુ બનાવ્યો, ને વરદાન દીધું કે “જીવતાં હિન્દુ, મુવાં મુસલમાન.” એ રીતે એના વંશજો મરે ત્યારે પગના એક અંગૂઠાને અગ્નિનો દાગ દઈને પછી દાટે છે.

વેળાવળજી વાળાનો મેલીકાર (સૈન્ય) કાળાવડ ગામને પાદર હતો, ત્યાં વીહળા પટગરની દીકરી, રૂપદે નામે, હાથમાં પાડરુ દોરીને તળાવમાં ભેંસુ દોવા જાય.

પૂછ્યું : “આ કોણ ?”

“ઈ કાઠી.”

“કાઠી કોણ ?”

“કાઠી છ જાતના : પટગર, માંઝરિયા, જાતવડા, નાટા વગેરે છ કુળ : વેરાટને શહેર જે દી કોરવોએ ગાયું તગડાવિયુંઃ કોણ તગડે ? રજપૂતે તો ન તગડી, પછી કાઠનો ઘોડો ને કાઠનો અસવાર કરી તગડાવીયું. એના છ વળીના કાઠી. કૃષ્ણે કહ્યું, “વાહ કાઠીડા! શાબાશ છે, કાઠીડા !”

વેળાવળજી કહે કે “ત્યારે લ્યોને નાખીએં એની દીકરીનું માગું.” પટગરોએ જવાબ દીધો : “બહુ સારું, બા ! અમે બે પગથિયાં ચડ્યાં.”

એ રીતે વાળા ઠાકર આળસીને કાઠી થયા, મામડિયા ચારણની દીકરિયુંનો શરાપ ઊતર્યો.

કાઠીઓને સંધના જામની ભૂંસ બહુ લાગી એટલે ઢાંક મૂકીને ઓલ્યે કાંઠે પાવરમાં ઊતર્ય.

સંધના અબડા જામને ખબર પડી એટલે એણે ફોજ લઈને પાવર ઘેર્યું. માગું મોકલ્યું કે તમારા દીકરાની વહુ આલો. ડાયરો મૂંઝાણો.

વળતે દી અડમલિયા હજામ વાળા વળોચનું વતું કરે. બોકડો છીંક્યો એટલે હજામે માટી લાપોટ ને કહ્યું, “એલા માઉગર ! બારોટ નોંઘણની અને વાળા વળોચની ગઈ એમ તારી યે ભેળી કીં ગઈ ! માંગરના !”

વળોચજીએ પૂછ્યું : “એમ કેમ બોલછ ?”

“તયેં પછી મૂંઝાઈને શું બેઠા છો ? જવાબ દ્યોને અબડાને, કે બાઈને આશા છે, માટે બાળક અવતરે પછી લઈ જા. ત્યાં પ્રભુ રાજા સરજાડશે.” આમ હજામની મત્ય ચાલી, તેથી ‘હજામત્ય’ શબ્દ થયો !

અબડો પાવર માથે થાણું મૂકીને ગયો.

આંહીં જોધપુરના રાઠોડે લાખામાચી ગામ વાસ્યું. ત્યાંથી રાઠોડ પાવર આવીને મળ્યા. દીકરિયું દીધી ને લીધી. ત્યાં તો પાંચ પરમાર રાજપૂત પણ આવ્યા.

રાઠોડની તેર સાખું છે :

પ્રથમ સૂર સંધવ, બીઓ બંગણહાર નરેસર,

એડા રાય રાઠોડ, ચેતકરા, દાનેસરા,

જળખેઠીઆ, કમધજ, ધનડૂબડિયા, પરધરા,

વાજા, વાઢેળ, કહાં પીઠ કોટેચા,

જમના ત્રટે જોજડાં, ખેડે હાથ સવતનરા,

એટલી સાખ ઉપાવતાં તેર સાખ રાઠોડ તવાં.

એમાં ધાધલ મુખ્ય શાખા. એ બધા વટલાઈને કાઠી બન્યા.

ચાર કુળ પરમારનાં વટલાણાં તેની કાઠી શાખા - જેબલિયા, બાયલ, વીંછિયા ને માલા.

ચોહાણ વટલાણા તેની પાંચ કળી : ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર ને ભીંસરિયા.

એનો દુહો છેઃ

ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર, ભીંસરિયા,

માલેં બધા મૂળવા, સગળાય સોનાંગરા.

આ રીતના વળાટમાંથી કાઠી એવું કુળ થયુંઃ બથમાં આવે એવું એકલઠું.

દેવકરણિયો ધાધલ અને સાણિયો વીંછિયો વાળા વળોચ ભેગા હતા.

પછી સૌએ નક્કી કર્યુંઃ બાંધો પરિયાણ, અબડા જામને ટીપી નાખીએ.

વાઢાળાઓને તેડાવ્યા. તરવારું માંડી સજાવા.

અબડા જામનું થાણું બેઠું હતું તેને વહેમ આવ્યો. “એલા શેની તૈયારી કરો છો?”

“ઈ તો અમારો કાઠીનો રિવાજ છે કે વિવા કરીને પછી સામસામા વઢવાડ્ય કરીએં.” વિવા કર પાંણે વઢે, છાણે સોમલિયા.

(સોમવંતીના કુળના લોકો વિવા કરીને પછી છાણે અને પથ્થરે લડાઈ કરે.)

“અમે પે’લાં પાણે ને પછેં છાણે આવીએં. પછેં લાકડીએ ને પાકડીએ, પછેં ઝાટકે ફાટકે થાય.” એક કાઠીને લૂગડાં પહેરાવીને વર કર્યો. એમ લગનનો ડોળ કરીને અબડા જામનાં માણસોને મારી નાખ્યાં. પછી ત્યાંથી થાન કબજે કર્યું.

થાન કંડોળા, થદ પટણ, નવસો વાવ કૂવા;

રાણા પહેલા રાજિયા થાન બાબરિયા હુવા.

થાનમાં સાંઢ ને સીંઢ બાબરિયા હતા તેને ધબેડીને રાજ લીધું.

અબડે જામે ફેરફાર કરીને થાન ઘેર્યું તે ટાણે સૂરજ વાળા વેળાવળજીને સોણામાં આવ્યા. સોણામાં સૂરજે લીલીયું સોપારીયું દીધી, ફૂલ દીધાં, સવા પો’ર દી ચડ્યે આ વાવમાંથી સવામણ હેમની સાંગ અને ઝાળે ઝાળે રોઝો ઘોડો નીકળશે એવું વરદાન દીધું.

સંવત તેર બોંતેર, આપ સૂરજગઢ આયા,

પાવર પડતું મેલ્ય, પડ પંચાળ રચાયા,

જાડેજા લાગે જોર, પીવા ન દીએ પાણી,

સૂરજ આલી સાંગ, હેમ હાથોહાથ આણી.

ઘર પંચાળ કાઠી ધણી, કોણ બીઓ સમવડ કરે,

જાડેજ કઢ્યો જદુરાણપત્ય, ઈ વાળે વેળાવળે.

એ રીતે વિજય કર્યો. વેળાવળજીને ત્રણ દીકરા : વાળોજી વેળાવળનો, ખુમાણ વેળાવળનો, લાલુ વેળાવળનો. વાળોજીનો વસ્તાર વાળા કહેવાણા; ખુમાણનો નાગપાળ થયો.

નાગપાળ ખુમાણનો, માણસુર ખુમાણનો, ખાચર નાગપાળનો ને ખીમાણંદ ખાચરનો, ને ખીમાણંદથી ખાચર શાખ પડી. માણસુરથી ખુમાણ શાખ પડી. લાલુને જેતપરમાં થોડે થોડે ગરાસ ઘેરો થયો.

ખીમાણંદથી ખાચરનો વસ્તાર આ રીતે ઊતર્યોઃ

વાજસૂર ખીમાણંદનો, નાગસૂર વાજસૂરનો, નાગાજણ નાગસૂરનો, કાળો નાગાજણનો.

આ કાળા ખાચર થાનથી ગુગળીઆણે રહેવા ગયા. કાળાને બે દીકરા. સામત કાળાનો ને ઠેબો કાળાનો. ઠેબાને બે દીકરા, લખો ઠેબાનો, ને દાનો ઠેબાનો.

ગુગલીઆણાને ચૉરે સાતસો ચાખડિયું ઊતરે (એટલે સાતસો આગેવાનો બેસતા) ને બાઈયું ચોટીલે હટાણે જાય. ચોટીલામાં તે સમે જગશિયા પરમારની ગાદી. પરમારને કોઈએ કહ્યું કે ગુગલિયાની કાઠિયાણી બાઈયું ગાર રૂપાળી કરે છે. એટલે હટાણે આવેલી બાઈયુંને પરમારે ગઢમાં ગાર કરવા રાત રોકી. કાઠિયાણીનાં છોકરાં ઘેરે રેઢાં ને ભૂખ્યાં રહ્યાં. તેને મરદો સાચવતા બેસી રહ્યા. વળતે દી બાઈયું ઘેરે આવી ત્યારે વાત કરી. કાઠી દાયરો ચોટીલા માથે જુક્તિથી મહેમાનદાવે આવ્યા, ને પછી તરવારો ખેંચી પરમારોને વાઢ્યા. ચોટીસા સર કર્યું.

સંવત સોળ દસ સાત, વાર ભોમે પરમાનાં,

આસો માસ ઉદાર, જકે બીજ ઊજળ જાનાં;

ધંધ કર્યો ખગધાર, પાંચ મતો પરમાનો,

ચોટીલપંથ સૌ સાથ, યું કર ગોઠે આનો;

પ્રજરૂપ ભૂપ કાંઠાપતિ, વીખમ વેર વિચારીઓ !

તણ દી નાગ સામત તણે, જહદ જગશિયો મારિયો.

(સંવત સોળસો સત્તરમાં આસો માસની ઊજળી બીજ ને મંગળવારે, તલવારની ધારે ઘમસાણ મચાવ્યું. ચોટીલાપતિને ગોઠ (મહેફિલ) કરવા તેડાવ્યો. પછી પરજ (શાખાઓ)ના સ્વામી કાઠીરાજે વિષમ વેર વિચાર્યું અને સામત ખાચરના દીકરા નાગે મર્દ જગશિયા પરમારને માર્યો.)

આ બનાવને લગતી એક કહેવત છેઃ “લખા વાંદર ઘેર્ય” : એટલે કે જગશિયા પરમારને કાઠીરાજ સામત ખાચરે ગોઠમાં બોલાવ્યા, પછી અગાઉથી સંકેત કર્યા મુજબ સામત ખાચરે પોતાના ભત્રીજા લખા ઠેબાણીને સનસમાં કહ્યું કે “લખા, બાપ, વાંદર ઘેર્ય,” (વાંદર નામની આપણી ઘોડીને પાણી પાઈ આવ.) લખો બહાર ગયો, પણ હિંમત ન કરી શક્યો. એટલે પેશાબ કરી આવીને પાછો દાયરામાં આવી બેસી ગયો. બીજી વાર કહ્યું, ને લખો ઊઠ્યો નહિ, ત્યારે સામતના દીકરા નાગે કહ્યું, “બાપુ, વાંદરને લખો ઘેરે તો જ થાય, કે બીજો કોઈ ઘેરે તો ચાલે ?” જવાબમાં સામત ખાચરે કહ્યું, “બાપ, ગા વાળે ઈ અરજણ.” એટેલ નાગે ઊઠી, તલવાર ખેંચી જગશિયાને ઝાટકે દીધો.

તે સમયથી વ્યંગમાં કાઠીઓ લખાના વસ્તારને ‘લખા મુતરણીના’ કહે છે.

પાંચાળમાં આટકોટ પાસે મૂળ ગોરીમૂઢ નામે ગામ. ત્યાં ચાર ગોરી ભાઈઓનું રાજઃ કાળુ પીર, પઠાણ પીર, બાળો પીર ને ફાજલ પીર. ચારે ભાઈએ વાઘેલાઓ (સોલંકીઓ) સામે લાખા ફુલાણીને મદદ કરી, એ લડાઈમાં ચારેનાં માથાં પડ્યાં ને ધડ લડ્યાં. પછી જ્યાં જસા કુંભારે પોતાના નામથી ગામ જસદણ બાંધ્યું. જસાને મારીને એ ગામ જસા ખુમાણે લીધું. જસો ખુમાણ ગુગળીઆણેથી નોખો પડેલ.

એક વાર જસા ખુમાણને ઘેર કારજ હતું. ત્યાં અળાઉનો કાઠી લૂણવીર ખાચર આવેલો, તે જસાના દીકરા સુરગની વહુને સવેલી ઉપાડીને ભાગ્યો. વાંસે વાર ચડી. ખંભાળા ને વાંકિયા વચાળે વાર પૂગી, ત્યાં લૂણવીરને હરાવ્યો. વેર થયાં, પછી લખાણીઓએ જસદણ લીધું.

ખુમાણો રાણીગામ ને દેપલે ગયા ને થાનવાળા બાબરીઆઓને ત્યાંથી પણ ઠેલી ઠેલી દરિયાને કાંઠે કાઢ્યા.

૮. જનમના જોગી

(૧)

ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં,

ધારાનગરીનાં રાજ જી;

તેડાવો જોશી ને જોવરાવો ટીપણાં,

જોવરાવો બાળુડાના જોશ જી;

કિયા રે નખતરમાં રાજા જલમિયા ?

ચાંદા પૂનમ રાત જી.

ઉજેણી નગરીનાં બેસણાં છે ને ધારાનગરીમાં રાજ છે. રાણીને બાળ જન્મ્યું છે. અરે ભાઈ, ઝટ જોશી તેડાવો, ટીપણાં જોવરાવો, કે મારા બાળકનાં કરમમાં કેવાક આંક માંડ્યા છે વિધાતાએ ?

પોથી તો વાંચીને પંડિત બોલિયા,

ભાગ્યમાં માંડ્યા છે ભેખ જી;

જલમના જોગી છે બાળા ભરથરી,

લેખનવાળા જુગનાથજી;

નામ તો કે’જો બે રાજા ભરથરી.

ટીપણું વાંચીને વિદ્વાન જોશી શું બોલ્યા છે ? બોલ્યા કે હે માઈ ! તમારા કુંવરને તો ભાગ્યમાં ભેખ માંડેલ છે, ભેખના લેખ લખનારા જગના નાથ હરિ પોતે છે, ને હે મૈયા! બાળનાં નામ ભરથરી પાડજો.

સાંભળીને રાણી તો ઝંખવાઈ ગયાં. ઓશિયાળું મોં કરીને એણે જોશીને કહ્યું :

સોને તો મઢાવું મા’રાજ ! ટીપણાં,

રૂપલે જનોયુંના ત્રાગ જી;

ફરીને સંભળાવો મા’રાજ ટીપણાં

આલું ઉજેણીનાં રાજ જી.

ફરીને વાંચો રે મા’રાજ ! ટીપણાં.

કે હે જોશી મહારાજ ! વાંચવામાં તમારી કાંઈક ભૂલ થઈ લાગે છે. ટીપણું ફરીને વાંચો - મારા બાળના ભાગ્યલેખ ઊજળા ઉકેલો. કોઈ ભૂલ થઈ ગઈ હોય તો કાઢી નાખો - સારું વાંચશો તો હું તમારું ટીપણું સોને મઢાવી દઈશ અને તમારી જનોઈના ત્રાગડા રૂપે શણગારીશ.

ડોકું ધુણાવીને જોશી જવાબ આપે છે, કે હે માઈ ! વાંચવામાં ભૂલ નથી થઈ -

કાગદ હોય તો મૈયા ! વાંચીએં,

કરમ વાંચ્યા નવ જાય જી;

કૂવા જો હોય તો માડી અમે તાગીએં,

સમદર તાગ્યા નવ જાય જી.

માંડ્યા તે છઠ્ઠીના મૈયા ! નૈ મટે.

હે મૈયા ! કાગળ હોય તો તો વાંચી શકાય, પણ ભાગ્ય વંચાતાં નથી. કૂવો હોય તો તળીએ અડીને પાણીનો તાગ લેવાય, પણ સમુદ્રનાં તળિયાં તપાસાતાં નથી. એમ હે રાણી ! માનવીના ભાગ્યલેખ ઉલેચાતા નથી.

સાંભળીને ઉજેણનાં રાણીને પગથી માથા સુધી ઝાળ લાગી છે. કાયાનાં છાસઠ હજાર રૂંવાડાં ઊભા થઈ ગયાં છે, પોતે કોપ કરીને બોલ્યાં છે :

બાળુંગી જોશીડા ! તેર ટીપણા,

તોડુંગી જનોયુંના ત્રાગ જી;

સવારે ચડાવું મા’રાજ ! શૂળીએ,

અવળા જોયા તેં તો જોશ જી.

મારો તો બાળક જલમ્યો રાજમાં.

અરે મોટા જોશીડા ! તારું ટીપણું બાળી નાખીશ, તારી જનોઈ તોડી નાખીશ, સવારે તને શૂળીએ ચડાવીશ; કારણ કે તેં મારા બાળકના અવળા લેખ વાંચ્યા. મારો બાળક, રાજમાં જન્મેલો, તે શું જન્મનો જોગી ? તેના લલાટમાં શું ભેખના લેખ હોય જૂઠડા!

તે વખતે, સાંગામાચીને માથે સૂતું સૂતું સાડાત્રણ દિવસનું બાળક માનવીની વાચા કરીને બોલ્યું : “મા ! માડી ! બ્રાહ્મણને દોષ શા સારુ દ્યો છો ?

સાડા ત્રણ વાસાનાં બાળક બોલિયાં,

મત દિયો ભ્રમ્યાને માઈ ! દોષ જી.

દોષ તો લગ ગિયા માઈ મેરા કરમકા,

ભાગ્યમાં માંડ્યા મારે ભેખ જી,

ભણ્યો રે ભૂલે પણ માંડ્યા નૈ મટે.

“હે મા ! દોષ જોશીનો નથી, વાંક મારા કરમનો છે. ભણ્યો કદીક ભૂલે, પણ ભાગ્યમાં માંડેલ વિધાતાના લેખ નહિ મટે. મારા લલાટમાં ભેખ જ છે મા !” સાંભળીને જનેતા ચૂપ બન્યાં. દીવા ઝાંખા પડ્યા. જોશી ટીપણું સંકેલીને ચાલી નીકળ્યા.

(ર)

બાળક ભરથરી બાર વરસના થયા.

બાર તો વ્રષના રે રાજા ભરથરી,

ભણવા મેલ્યા છે નિશાળ જી.

ભણ્યા તો ગણ્યા રે વેદ શારદા,

પરણાવો પીંગલાવતી નાર જી,

કોડે રે પરણાવું રાણી પીંગલા.

નિશાળે બેઠા, ચાર વેદ, શાસ્ત્રો અને શારદાના તમામ ભંડાર ભણી ઊતર્યા. હવે તો પરણાવીએ કુંવરને. લાડેકોડે મારા બાળને પીંગળાવતી કુંવરી પરણાવું.

નાળેર તો આવ્યાં રે સીંગળદીપનાં,

નાળેર મોતીડે વધાવો જી !

ઘડિયાં લગન તો લખાવજો,

માતા મંગળ મોડીએ ગાય જી,

કોડેથી પરણાવો રાણી પીંગલા.

સિંહલદ્વીપના રાજાની કન્યા પીંગળાનાં નાળિયેર આવ્યાં. ઘડિયાં લગન લખાયાં. માથા ઉપર મંગળ મૉડિયો મૂકીને મા ગાણાં ગાય છે. ભરથરીની જોડેરી જાન જૂતે છે.

બાવન તો જાદવ રાજાની જાનમાં,

નવ તો ભેળા છે નાથ જી;

ચોરાશી સદ્ધન રાજાની જાનમાં,

ભેળા ગુરુ ગોરખનાથ જી,

રાજા તો ચાલ્યા છે પ્રણવા પીંગલા.

જાનમાં કોણ કોણ સોંડ્યા છે ? બાવન તો જાદવવંશી રાજાઓ છે. નવ નાથ જોગીઓ છે, ચોરાશી સિદ્ધો છે. ભળા ગુરુ ગોરખનાથ પણ છે. રાજા ભરથરી પરણવા ચાલ્યા છે.

પે’લાં તો ચૉરીનાં મંગળ વરતિયાં,

દાદે દીધેલાં દાન જી;

સાત રે કોઠા આલ્યા હેમના;

આલ્યા મોતીના ભંડાર જી,

ખાવ રે પીવો રે ધન વાવરો.

લગનની ચૉરીમાં વર-કન્યાએ પહેલો મંગળ ફેરો ફરી લીધો. તે ટાણે દાદાએ વરને દાન દીધાંઃ સાત કોટડા સોનાના આપ્યા, મોતીના ભંડાર આપ્યા, ને કહ્યુંઃ હે ભરથરી! ખાવ પીવો, ને ધન વાપરો, આનંદ કરો.

બીજાં તે ચૉરીનાં મંગળ વરતિયાં,

કાકે દીધાં છે દાન જી,

હજાર હસ્તી દીધા દાનમાં,

ઘોડાં નૈ સખ ને પાર જી,

ખાવ રે પીવો ને ધન વાપરો.

બીજે મંગળે કાકાએ દાનમાં હજાર હાથી ને અપાર ઘોડા દીધાઃ હે બેટા ! ખાવપીવો ને ખરચો. ખજાના અખૂટ છે.

ત્રીજાં રે ચૉરીનાં મંગળ વરતિયાં,

મામે દીધાં છે દાન જી,

દાનમાં દીધાં છે બાણું લાખ માળવો,

આલી ઘેલુડી ગુજરાત જી,

ખાવ ને પીવો રે ધન વાપરો.

ત્રીજે મંગળે મામાએ બાણું લાખ માળવદેશ દીધો ઘેલુડી ગુજરાત દીધી. ને આશિષ આપી કે સદા આનંદ કરો, દાન કરો.

ત્રણ મંગળ વરતાણાં ત્યાં સુધી તો લીલાલેર હતી. પણ ચોથાં મંગળ વરતાણાં ત્યારે ગુરુ ગોરખનાથ દાન દેવા ઊઠ્યા. એણે શું દીધું ?

ચારેને ચૉરીનાં મંગળ વરતિયાં

ગુરુ ગોરખ આલે દાન જી,

ચપટી ભભૂતિ, બેટા, દાનમાં

પરણીને કીઓ પીંગલા માય જી.

સંગમાં ચાલો રે રાજા ભરથરી !

ગુરુ ગોરખનાથે ચપટી એક ભભૂતિ આપીને કાનમાં કહ્યું, “હે બેટા ! તારા ભાગ્યમાં રાજવૈભવ નથી, પણ ભગવો ભેખ છે. માટે પરણીને પીંગળાને માતા કહી દ્યો, ને ચાલો અમારી સંગમાં.

(૩)

ગુરુ ગોરખના આ દાનની વાત કોઈએ ન જાણી, એક ફક્ત ભરથરીને જ રૂદે ગોરખનાથના કાળબોલ રમી રહ્યા. પરણીને રંગમોલમાં આવ્યાં.

પરણ્યાં હરણ્યાં ને મોલે આવિયાં

મોલમાં લીધા છે વીશરામ જી,

સૂતાં રે સપનાં રાણી, મુંને આવિયાં,

દવ મેરા હુવા છ ઉદાસ જી,

બાવો મેં બન જાઉં રાજા ભરથરી.

આવ્યા, મો’લમાં મોઢ્યા, ઊંઘ આવી ગઈ, ઝબકીને જાગ્યા. હે સ્વામી ! શું થયું? હે રાણીજી ! મને માઠું સપનું આવ્યું છે. મારું દિલ ઉદાસ થઈ ગયું છે. મને ભેખ લેવાનું મન થાય છે.

ત્યારે રાણી પીંગલા કહે છે -

તમેરા સપના સવાલાખના,

બીજી આળપંપાળ જી;

સપનું પડજો રે સૂકે લાકડે !

સેજું નખાવું દો ચાર જી,

ફેરવી ઢળાવું રાજા ઢોલિયો.

હે સ્વામી ! સપનું તમારું સૂકે લાકડે પડજો. લ્યો, હું ફેરવીને ઢોલિયો ઢળાવું. સપનું નહિ આવે. ઢોલિયો ફેરવીને સૂતા, તો પણ -

ફેર તો સપના રે એસા આવિયા,

સપનામાં ગુરુ ગોરખનાથ જી,

કાનમેં કુંડળ, ગલેમેં મેખલી,

દલ મેરા હુવા છે ઉદાસ જી,

બાવો મેં બન જાઉં રાજા ભરથરી.

ફરીને સ્વપ્ન આવ્યું છે. સ્વપ્નામાં ગુરુ ગોરખનાથ ઊભા છે, કાનમાં કુંડળ છે, ગળામાં મેખલી છે. ને કહે છે કે બચ્ચા ! હાલો હવે, મોડું થાય છે. તારા ભાગ્યમાં ભેખ છે, હે જનમના જોગી !

પછી તો રાજા ભરથરીએ -

ભગવાં કરિયાં રે સુંદર ધોતિયાં

અંગડે ભભૂતિ લગાવી જી,

આલેક જગાવ્યો રાણીના મોલમાં,

ચપટી ભખ્યા દેનાં મોરી માય જી.

બાવો રે બની ગયા રાજા ભરથરી.

સુંદર શ્વેત ધોતિયાં ભગવા રંગે રંગાવ્યાં, શરીરે ભભૂત લગાવી, રાણીના મહેલમાં જઈ ‘અહા...લેક’ એવો શબ્દ સુણાવ્યો. “હે મૈયા ! બસ, ચપટી ભિક્ષા દઈ દ્યો. એટલે હું ચાલી નીકળું.”

આ ભગવો ભેખ જોઈને રાણી પીંગલા સડક થઈ ગયાં અને પોતાના સ્વામીના મોંમાંથી “મૈયા !” બોલ સાંભળતાં એના કલેજાના કટકા થઈ ગયા. એણે કહ્યું -

ઘેલા રે રાજા, ઘેલાં શીદ બોલો !

પરણીને મત કીઓ મુંને માય જી !

બાળા રે પણમાં થાશો કોઢિયા,

મુખથી મ કીઓ પીંગલા માય જી;

ભેખ રે ઉતારો રાજા ભરથરી !

“હે ઘેલા રાજા ! આવું ઘેલું કેમ બોલો છો ? મને પરણીને હવે તમે મા કહી ઊભા રહો છો ? આ પાપે તમે બાળપણમાં કોઢિયા બનશો. માટે હે રાજા ભરથરી ! ભેખ ઉતારો.”

“હે માઈ ! એક વાર પહેર્યાં તે ભેખ હવે ઊતરે નહિ. મને ભિક્ષા આપો મૈયા! મારે મોડું થાય છે.” નિરાશ થઈને પીંગલા કરગરે છે કે, તો પછી હે સ્વામી !

તમે રે જોગી ને બનું હું જોગણી,

ચાલું તમારી સાથ જી,

ધૂંણી પાણીની સેવા મેં કરું,

હારે લેતા રે જાવ મુંને ભરથરી !

જોગી ભરથરી મોં મલકાવીને જવાબ વાળે છે -

તમે રે આવો તો મૈયા ! ગુરુ લાજે,

લાજે ભેખ ભગવાન જી,

દુનિયા જાણે કે બાવો ઘરબારી,

તમ આવ્યે ભેખ લજાય જી,

ભિક્ષા રે દ્યોને મૈયા પીંગલા !

હે માતા ! તમે સાથે આવો તો ગુરુ લાજે, ભેખ લાજે, ભગવાન લાજે; જગત માને કે આ બાવો તો ઘરસંસારી છે. માટે એ વાતો કરો મા ને મને ભિક્ષા આપો. કારણ કે તમારા હાથની ચપટી મળ્યા વગર ગુરુ મને જમાતમાં લેશે નહિ.

રાણી પીંગલાના હાથ હેઠા પડે છે. “કાંઈ નહિ હે સ્વામી ! ભલે એકલાં જાવ, પણ મારું આટલું તો માનો -

ઘડીક હલુંબો રાજા ! શે’રમાં,

ભોજન કરીએં તૈયાર જી,

રસોઈ જમતા જાવ રાજા ભરથરી !

નહિ લાગે વાર લગાર જી,

જમીને જાજો રે રાજા ભરથરી !

શહેરમાં ઘડી વાર થંભો. હું હમણાં જ રસોઈ તૈયાર કરીને તમને જમાડી દઉં. જેને તમે સદાને માટે છોડી જાવ છો તેનું આટલું વેણ રાખો !

પણ આવું આવું સાંભળીને જનમના જોગી તો હસે છે. એનું મન ગળતું નથી. એની લ્હે તો વૈરાગ્યથી લાગી ગઈ છે. આ બધી આળપંપાળ છે, હે માઈ !

તમારા ભોજનકું માઈ ! ઢીલ ઘણી,

જાય મારે જોગીની જમાત જી,

ગુરુ તો મિલ્યા છે ગોરખનાથ જી,

ભિક્ષા રે દ્યોને મૈયા પીંગલા !

મારાથી રોકાવાશે નહિ. મારી જમાત જાય છે. મને ગોરખનાથ ગુરુએ જ્ઞાન બતાવ્યું છે કે સંસારમાં ઠેરાય નહિ.

મરો રે મરો તમારા ગુરુ. હે રાજા ! આનું નામ શું સંસારનો ત્યાગ ?

તમે મરજો ! તમેરા ગુરુ મરજો !

અવળાં જ્ઞાન બતાયાં જી,

જીવતાં રંડાપો રાજા ! દઈ ચાલ્યા,

કે પર માણું મેં રાજ જી !

ધારાના ધણી રે જોગી બન ચાલ્યા !

તમારા ગુરુએ અવળું જ્ઞાન બતાવ્યું છે. તમે તમારી પરણેલીને જીવતાં રંડાપો દઈને ચાલ્યા ! તમે મરજો ! ને તમારા ગુરુ પણ મરજો !

દો દો ગાળ્યું રાણી મેરા જીવને દેજો;

મત દેનાં ગુરુજીને ગાળ જી,

ગુરુને વચને રે મૈયા જોગી બન્યા,

લાગ્યો ધૂણી સર મેરો ધ્યાન જી.

ભિક્ષા રે દેજો મૈયા પીંગલા !

હે રાણી ! તમારે દેવી હોય તો મને ગાળ દેજો. મારા ગુરુજીને ગાળ દેશો નહિ. ગુરુજીને વચને તો હું જોગી બની ચાલ્યો છું. મારું ધ્યાન તો ધૂણી સાથે લાગ્યું છે. માતા! મને ભિક્ષા દ્યો.

મઢી રે બનાવું રંગમોલમાં,

સેવા કરું સામીનાથ જી !

ઇશવર કરી તમને પૂજશું,

લેશું રામનાં નામ જી !

ભેખ રે ઉતારો રાજા ભરથરી !

હે સ્વામી ! તમારે જોગી રહેવું હોય તો હું તમને અહીં મહેલમાં જ મઢી બનાવી દઉં તેમાં રહો. હું તમને પ્રભુ ગણીને પૂજીશ. આપણે બેય સંસાર ત્યાગી દેશું ને રામનાં નામ લેશું.

તુમેરી મઢીમેં માઈ, આગ ધરી દે !

ચપટી ભખ્યા દેના મોરી માયજી;

ગુરુ ચેલા છેટા પડી જાવે.

હે માતા ! તારી એ મઢીમાં આગ લગાવી દે. મને તો ફક્ત ચપટી લોટની ભિક્ષા દઈ દે. મારે ને મારા ગુરુને છેટું પડી જાય છે.

સોનું જાણી મેં તો સંગ કર્યો,

કરમે નીવડ્યાં કથીર જી;

પંડ રે વટલાવીને રાજ ખોયાં,

હારે સુકાણું શરીર જી;

ભેખ રે ઉતારો રાજા ભરથરી !

હે રાજા ! તમારો તો મેં સાચું સોનું સમજીને સંગ કર્યો, પણ મારે નસીબે તમે કથીર નીવડ્યા. મેં તો તમારા સ્પર્શથી મારી કાયાને ભ્રષ્ટ કરી, મારું શરીર સૂકવી નાખ્યું. અને તમે આવા જન્મના જોગી છો એવું જાણતી હોત તો હું -

જલમના જોગી તમને જાણતી,

રે’તી બાળકુંવારી જી,

કોરી ગાગર બેડાં પૂજતી,

કરતી મહાદેવનાં વ્રત જી !

કુંવારી કન્યાને રાજા, ઘર ઘણાં.

તો હું બાળકુંવારી જ રહેત ના ! મેં તો કોરી ગાગર પૂજીને તમને વર મેળવવા મહાદેવનાં વ્રત કર્યાં. હું કુંવારી હોત તો મને ઘણાં ઘર મળી રહેત. પણ હવે હું પરણેલી નાર ક્યાં જાઉં !

એવાં તપેલાં વેણ બોલતી, મેણાં મારતી પીંગલાને જનમના જોગી કહે છે -

કિયા રે વાસ્તે તપલી પીંગલા !

શીદ તમે ઝૂરો મોરી માય જી,

દૂઝે બાણું લાખ માળવો,

દૂઝે ઘેલુડી ગુજરાત જી,

ખાવો, પીવો ને ધન વાપરો,

સંઘર્યં નહિ આવે સાથ જી,

જેવાં રે દેશો તેવાં પામશો.

હે પીંગલા, શા માટે તપી ઊઠો છો ! શીદને ઝૂરો છો ? ખાવ, પીઓ ને ધન વાપરો. સંઘરેલું સાથે નહિ આવે. જેવું દેશો એવું આવતે જન્મ પામશો.

ત્યારે પીંગલા વધુ તપે છે -

બાળી દે બાણું લખ માળવો,

ઘેલુડીમાં મેલો ને આગ જી;

નૈ રે છોરું ને નૈ વાછરું

નૈ મારે બાળકનો બોલાસ જી,

કોને રે આધારે અમે ઊગરીએં !

હે રાજા ! તારા માળવાને ને ગુજરાતને આગ લગાડી દે. હું શું ધનદોલતની ભૂખી છું ? મારે નથી બાળક, નથી ઘરમાં નાનાં બાળનો બોલાસ. આ મહેલ ને વૈભવ ખાવા ધાશે. હું કોને આધારે જીવું ?

ત્યારે જોગી છેલ્લો બોધ આપે છે -

કોનાં રે છોરું ને કોનાં વાછરું !

કોનાં માય ને બાપ જી !

અંત સમે જાવું એકલા,

સાથે પુણ્ય ને પાપ જી !

ધરમ ને પુન્ય દો સંગ ચલે.

હે માતા ! બાળક કોનાં ! કોનાં મા ને બાપ ! મરણની વેળાએ તો એકલા જ જવાનું છે. સાથે આવશે ફક્ત બે : પુણ્ય અને પાપ. બીજું કોઈ સાથે નહિ આવે.

માતાજી વળુંભે ભગને પાઘડે,

બાની ઘોડલાની વાઘ જી;

રાણી તો પીંગલા પલ્લા પાથરે;

હાલ્યા ઉજેણીના રાજા જી,

લખ્યા રે ભાખ્યા મૈયા નહિ સટે.

માએ ઘોડાનં પાઘડાં પકડ્યાં. દાસીએ ઘોડાની લગામ ઝાલી. પીંગલા રાણીએ ખોળા પાથર્ય. હે રાજ ! રોકાઓ, કોઈ રીતે રોકાઓ. પણ ઉજેણીના રાજા તો ચાલી નીકળ્યા ભાગ્યમાં માંડેલું હતું તે મટ્યું નહિ.

૧૦. નાગ અને બામણ

બામણને ઘેરે શ્રાદ્ધ હશે, એટલે ખીર કરવા સારુ એક ગામડેથી તાંબડી એક દૂધ ભરીને બામણ આવતો હતો. રસ્તે વાવ આવી. તરસ્યો બામણ વાવને પહેલે પગથિયે તાંબડી મેલીને વાવમાં પાણી પીવા ગયો. પાછો આવે ત્યાં તો એક અજાજડ નાગ તાંબડીમાંથી દૂધ પીએ છે !

બામણને જોતાં જ નાગે ફેણ માંડી. આંખોના ડોળા તો લસ લસ થાય. વરાળો નીકળે છે આંખમાંથી.

“હવે તો ભાઈ !” બામણે કહ્યું : “બાકીનું બધુંય તું તારે પી જા. મારે તારું એઠું દૂધ થોડું કામ લાગવાનું હતું ?” પૂરેપૂરું પીને નાગ તાંબડી માથેથી ઊતરે છે. ત્યાં તો ખણણણ કરતો કાંઈક તાંબડીમાં રણકો સંભળાયો. માંહીં જુઓ તો એક સાચી સોનામહોર!

ઓય ધાડેના! લાગે તો છે કાંઈક માયાવાળો જાતવંત નાગ. દૂધ પીધું ને સોનામહોર દીધી ! ત્યારે હવે તો તાલ જોવા દે.

એમ વિચારીને બામણ વળતે દીએ વળી પાછો તાંબડી દૂધે ભરીને પહોંચ્યો વાવે. તાંબડી મૂકી વાવને પગથિયે. ઝાડને થડ રાફડામાંથી એ-નો એ નાગ આવ્યો. દૂધ પી કરીને વળી બીજી સોનામહોર ટપકાવી ચાલ્યો ગયો.

આ વેપાર કાંઈ ખોટો નથી. હવે તો બીજી બધી જ તથ્યા પડતી મૂકીને આ જ કરવા જેવું છે. દરરોજ ઊઠીને રૂપિયા પંદરનો તડાકો !

ભેંસનું તાજું શેડકઢું દૂધ રોજ તાંબડી ભરીને બામણ તો નાગને પાવા મંડ્યો ને રોજ મહોર કમાતો થયો.

એક દિવસ બામણને ગામતરું આવ્યું. દીકરાને સમજાવ્યું કે ફલાણી ફલાણી વડલાવાળી વાવે જઈને દૂધની તાંબડી ધરવાની છે, નાગ આવે એને પીવા દેવાનું છે, અને તાબંડીમાં નાગ જે સોનામહોર નાખે એ લઈ આવવાની છે. વાત કોઈને કહેવાની નથી, દીકરા !

છોકરે વળતે દિવસ જઈને બાપ મેલતો તે પ્રમાણે દૂધ મેલ્યું. નાગ આવ્યો, દૂધ પી કરી, સોનામહોર નાખી પાછો રાફડામાં ચાલ્યો ગયો.

“વોય ધાડેના !” છોકરે વિચાર કર્યો; “આણે તો અઢળક માયા રાફડામાં રાખી લાગે છે. તો પછી આ નત્યના આંટા શા સારુ !”

વળતે દિવસે જેવો નાગ તાંબડી ઉપર મંડાણો, તેવી તો દીકરે ડાંગ ઉપાડી. એક જ ઘા - અને ફોદેફોદા વેરણી નાખે એવો ફટકો નાખ્યો નાગને માથે.

પણ ડાંગનો ઘા તાંબડીના કાંઠા માથે લાગ્યો. નાગ સરકી ગયો હતો.

બાણમાંથી તીર છૂટે એમ નાગે ડિલ સંકેલીને ઝપટ કરી. ચોટી પડ્યો છોકરાને, ટચકાવ્યો, એક જ ટચકે તો રામ રમી ગયા બામણના છોકરાના.

ગામતરેથી ઘેર આવેલા બામણે છોકરાની સાંજ સુધી વાટ જોઈ. મનમાં ધા તો ખાઈ ગયો કે કાંઈક વકરમ કરવા ગયો હશે ને ત્યાં કાળું મોઢું કર્યું હશે. વાવે જઈને જુએ તો લીલુંકાંચ મડદું પડેલું. તાંબડીમાં હજી દૂધ બાકી હતું. ડાંગ પડી હતી. તાંબડીનો કાંઠો ઘોબાળો હતો. પત્યું જીતવા ! વિચારીને એણે દીકરાને દેન દીધું. ને વળતે દા’ડે પાછો તાંબડીમાં દૂધ લઈને હાજર થયો.

જુએ તો નાગ રાફડામાંથી ડોકાણો પણ ઢૂકડો ન આવે.

બામણે કહ્યું કે “એ તો જેવાં મારાં કરમ ! તને કાંઈ દોષ દેતો નથી. પણ હવે દૂધ તો પી લે.”

નાગે માનવીની વાચા કરી કે “ભાઈ ! હવે તો આ દૂધમાં શો સ્વાદ છે !

તને સાલે દીકરો ને મને સાલે ઘા;

ઈ દૂધમાં હવે લા ને કાંઈ સા.

તને તારા દીકરાનું મોત સાલે છે. મને મારે માથે પડેલો લાકડીનો ઘા સાલે છે. એટલે હવે તું દૂધ પા ને હું ઈ દૂધ પીઉં તેમાં કંઈ સ્વાદ રહ્યો નથી, હવે તો મહારાજ ! હું કહું તેમ કરીશ ?”

કે’, “મારે મારી બધી જ માયા તને આપી દેવી છે. તું થોડાં ફૂલ અને એક કરંડિયો લઈ આવીશ ? અને મને એ ફૂલમાં મૂકીને કરંડિયો ઉપાડી હું જ્યાં કહું ત્યાં પહોંચાડી જઈશ ?”

કે’, “ભલે.”

વળતે દિવસે બ્રાહ્મણ કરંડિયો ને ફૂલ લાવ્યો. એ કરંડિયામાં બેસી જઈને નાગ બોલ્યો : “હવે મહારાજ ! મને ઉપાડ. બીશ નહિ. હું તને કાંઈ નહિ કરું. મને આંહીંથી લઈ ચાલ.”

કે’, “ક્યાં ?”

કે’, “હેમાળામાં. મારે હેમાળે ગળવું છે, મને પહોંચાડીને આ રાફડામાંથી માયા ખોદી જજે. તારાં પરિયાંનાં પરિયાં ખાશે તોયે ખૂટશે નહિ.”

(ર)

હેમાળે પહોંચીને બામણે માથેથી કરંડિયો ઉતારી હેઠો મૂક્યો. એટલે નાગે બહાર નીકળીને કહ્યુંઃ “હવે મહારાજ, છેલ્લી વારનું મારું કહ્યું કર. મને પૂંછડેથી ઝાલીને સાત વાર ઘૂમાડ્ય અને પછી મને આ હેમાળામાં ફગાવી દે.”

સાંભળીને બામણ ધ્રૂજી ઊઠ્યો. પણ નાગે કહ્યુંઃ “ભાઈ, તું બીશ મા. મારી કાયાનો મકોડે મકોડો છૂટો પડી જશે તો જ હું હેમાળે ગળી શકીશ. તને હું કાંઈ નહિ કરું. બી મા.”

એક બે ત્રણ ચાર વાર બામણે નાગને તો હવામાં વીંઝ્‌યો છે. તે ટાણે નાગે ખડ! ખડ ! દંત કાઢ્યા છે.

કે’, “ભાઈ દાંત કેમ આવ્યા ?”

કે’, “કાંઈ નહિ.”

કે’, “ના, કહે ને કહે.”

કે’, “ભાઈ, કહેવરાવવું રે’વા દે, ને હવે મારી કાયાનો મકોડે મકોડો નોખો થઈ ગયો છે. હવે મને ઝટ ઘા કરી હેમાળામાં ફગાવી દે.”

“ના, પણ કહે, દાંત કેમ કાઢ્યા ?”

“ત્યારે મહારાજ ! મેં દાંત કેમ કાઢ્યા એનું કારણ તને હું નહિ પણ દલ્લીનો બાદશા કહેશે. તું મને ફગાવી દઈને ત્યાં જાજે.”

નાગને હેમાળાની ઊંડી બરફ-ખાઈમાં નાખી દઈને બામણ તો સીધો પહોંચ્યો દલ્લી શે’ર. બાદશાહની દેવડીએ જઈ ઊભો રહ્યો. ચાકર એને બાદશા પાસે લઈ ગયા. એને જોતાં જ બાદશા બોલ્યાઃ “આવો મહારાજ ! હેમાળે નાગની પાસેથી આવો છો ને ? નાગ કેમ હસ્યો એ જાણવું છે ને ?”

સાંભળીને બામણ તો આભો બની ગયો. બાદશા કહે, “મહારાજ, રાંધોચીંધો, જમો, થાક ઉતારો, પછી વાત.”

ચાર દિવસ વહ્યા ગયા તો પણ બાદશા કંઈ બોલતો નથી, બામણ કહે કે

“જહાંપનાહ ! નાગ હસ્યો તેનો ભેદ કહો. હવે હું નહિ રોકાઉં.”

કે’, “મહારાજ હું નહિ કહું, પણ એ ભેદ પેરંભનો પાદશા કહેશે. એની પાસે જાવ.”

ઊપડ્યો એ એ તો પેરંભ. પેરંભના પાદશાહે પણ જોતાં વાર કહ્યું કે “આવો મહારાજ ! દલ્લીના બાદશાએ મોકલ્યા છે ને ? નાગ હેમાળે કેમ હસ્યો એ જાણવું છે ને?”

કે’, “હા, જહાંપનાહ.”

“ઠીક, નાવ, ધુવો, રાંધોચીંધો, વિશ્રામ લ્યો, પછી કહેશું.” બામણ તો ચાર-છ દિવસ રોકાણો, પછી પેરંભના પાદશાહ કહે કે “મહારાજ ! એ વાત તમને રૂમશામનો પાદશા કહેશે, હું નહિ કહું.”

ઊપડ્યો બામણ રૂમશામના બાદશાહ પાસે. એણે બામણને ફોડ પાડ્યો કે

“મહારાજ ! એક હું, બીજો પેરંભનો પાદશાહ અને ત્રીજો દલ્લીનો પાદશાહ, એમ અમે ત્રણે હતા એક કૂતરીના કાનના ગીંગોડા. કૂતરી મરી ગઈ, એના મડદાને ગરજ્યુંએ ચૂંથી નાખ્યું, એમાંથી એનો કાન એક સમળીએ ઉપાડ્યો, ઉપાડીને એ ઊડી, ગઈ હેમાળાને માથે. એની ચાંચમાંથી કાન પડ્યો, ને ગયો બરાબર હેમાળામાં. અમે ત્રણે ગીંગોડા ત્યાં હેમાળે ગળ્યા, એટલે એ પુણ્યને પ્રતાપે અમે આ જન્મે પાદશાહત પામ્યા. હવે તમે ઘૂમરડ્યો ત્યારે નાગ એમ હસ્યો, કે આ બામણની મૂર્ખાઈ તો જો મૂર્ખાઈ ! હું મારી માયા મેલીને આંહીં હેમાળે ગળવા આવ્યો, કે જેથી મને આવતે ભવ હું જે વાંચ્યું તે બધુંય મળે, ત્યારે મને આંહીં લાવનાર આ બામણ પોતે તો હેમાળે આવ્યા પછી હજી પાછો એ મારી મૂઠીક માયાને મોહે પાછો જાય છે - હેમાળે આવીને પાછો જાય છે ! - મૂર્ખાઈ તો જો મૂર્ખાઈ ! માનવીની એવી મૂર્ખાઈને માથે નાગે દાંત કાઢ્યા હતા, મહારાજ!” બામણ તો આ વાત સાંભળીને બારોબાર ઊપડ્યો હેમાળે. પોતડીનો કછોટો ભીડ્યો અને ખાબકી પડ્યો હેમાળામાં. મરીને સરજ્યો ગરજનના પાદશાહને ઘેર.

શાહજાદો જન્મ્યો ત્યારે હુરમે એને જોયો. અરરર ! આ કાળો કીંટોડા જેવો મારી કૂખે જન્મ્યો ! મારે તો શોભે ગોરો ગોરો શાહજાદો. અરે કઈ છે કે ?

બાનડી હાજર થઈ.

કે’, “બાનડી ! કોઈક ગોરો છોકરો તાજો જન્મેલો હોય તેને ગોતીને આ બદલાવી નાખીશ ?”

બાનડી તો દોડી શહેરમાં. એક પીંજારાને ત્યાં તાજો જન્મેલો ગોરો ગોરો છોકરો જડી આવ્યો. એને મોંમાગી સંપત્તિ આપીને છોકરા બદલાવ્યા. કાળો હુરમનો જણેલો તે પીંજારાને દઈ દીધો ને ગોરો પીંજારણનો જણેલ તે લાવીને હુરમની ગોદમાં મૂકી દીધો.

ગોરો શાહજાદો તો મોટો થયો એટલે આખો દી તાંત હલાવવાની અને રૂનાં પૂંભડાં ગોતવાની જ ચેષ્ટા કર્ય કરે, એને તરવાર-ભાલાં આપે તો લ્યે નહિ, એને પીંજારાનું જ કામ કરવું ગમે.

અને પીંજારાને ઘેર ઊછરેલો કાળો છોકરો જેમ દસેક વરસનો થયો તેમ તો શેરીના છોકરાને ભેગા કરે, પાણકાધૂળના ગઢકિલ્લા બાંધે, લડાઈ લડાઈ રમે, તમામ ગોઠિયા ઉપર સત્તા ભોગવે.

આવી રમત એક વાર રમાય છે. પીંજારાનો કાળિયો છોકરો પાણાની ઊંચી બેઠક બનાવીને રસ્તામાં રાજરીતથી રૂવાબદાર બેઠો છે, ગોઠિયા એનો હુકમ બજાવી રહ્યા છે, એવે ટાણે પાદશાહની ગાડી એ માર્ગેથી નીકળી.

પણ પીંજારાનો છોકરો રસ્તામાંથી ઊઠ્યો નહિ. ગાડીના મોઢા આગળ દોડતો પાસવાન આવીને ડોળા ફાડીને કહે કે “ઊઠ, પાદશાહ સલામતની ગાડીને રસ્તો દે.”

છોકરો સવાયા રૂવાબથી બોલ્યો કે “આંહીં તો હું પાદશાહ છું. જા, તારા પાદશાહને કહે કે ગાડી આઘેથી હંકારી જાય.”

ગાડી ઢૂકડી આવી. પાદશાહની ગાડીને થંભવું પડ્યું. પાદશાહે જાણ્યું કે પીંજારાનો છોકરો રસ્તામાંથી ઊઠવાની ના પાડે છે અને રાજાના રૂવાબથી બેઠો છે, એનું તો રૂંવાડુંય ફરકતું નથી.

પાદશાહે પીંજારાના કાળા છોકરાને નજરે નિહાળ્યો. પછી હુકમ દીધો, “આપણી ગાડીને તારવીને હાંકી લ્યો.”

મહેલમાં આવીને એણે પ્રધાનને કહ્યુંઃ “એ છોકરાને આંહીં મારી આગળ લઈ આવો.”

પ્રધાને માણસ મોકલ્યો. છોકરો કહે કે “તારા પ્રધાનને મોકલ.”

પ્રધાનને પ્રથમ તો કાળ ચડ્યો, પણ પછી વિચારીને એણે કહ્યુંઃ “ચાલો, હું પોતે જ આવું છું.”

આવ્યા. પીંજારાનો કાળો છોકરો પાણકા સાથે રાજરૂવાબથી બેઠો છે, ન ઊઠ્યો, ન અદબ કરી, ઠરડી નજરે જોતો રહ્યો.

કે’, “છોકરા ! તને પાદશાહ સલામત યાદ કરે છે.”

કે’, “મારે શી પડી છે તારા પાદશા સલામતની ? એને આવવું હોય તો આંહીં આવે.”

બહુ કરગર્યો પછી છોકરો માન્યો, કે “હાથી લાવો, એની અંબાડીએ હું બેસું, તું પ્રધાન મને ચમર ઢોળતો ઊભો રહે, ને હાથી નગરની બજાર વચ્ચેથી હંકાર, તો આવું, નીકર નહિ.”

“ઠીક ભાઈ ! એમ તો એમ.” પ્રધાન પોતે ચમર વીંઝતા, પીંજારાના કાળા છોકરાને હાથીની અંબાડીએ બેસારી પાદશાહ પાસે લઈ આવ્યા છે, જનાનખાનામાં હુરમને એની જાણ થઈ છે, એણે ઝરુખેથી કાળા કીટોડા જેવા છોકરાને નીરખ્યો છે, હુરમની છાતી છલકવા લાગી છે, હુરમની રૂપાળી બે આંખોમાંથી દડદડ પાણી દડ્યાં છે.

એણે પાદશાહને અંદર તેડાવીને હાથ જોડી અરજ ગુજારી કે “એક ગુનો માફ કરશો ?”

કે’, “હા, કહો.”

કે’, “ત્યારે આ પીંજારાનો છોકરો પોતે જ આપણો શેહજાદો છે. જનમટાણે મેં એને પીંજારાના છોકરા સાથે બદલાવી લીધો હતો. કેમકે મને કાળા છોકરાથી ભોંઠામણ આવ્યું હતું. મારી ભૂલ થઈ.”

બોલાવો પીંજારાને. વાત સાચી નીકળી. પાદશાહે પોતાનો હતો તેને પાછો સંભાળ્યો, ને પીંજારાનો હતો તેને પણ બે ગામ આપ્યાં.

આમ બામણ હેમાળેથી એક વાર પાછો વળ્યો હતો તેને કારણે એને નવે જન્મ દસ વરસ મોડાં રાજપાટ મળ્યાં.

૧૧. ભેરિયો ને ભૂજિયો

જેસલમીરના રાજકુંવરને ગારુડીવિદ્યાનો નાદ લાગ્યો છે, રાજકાજમાં ધ્યાન નથી. મોરલી વગાડવામાં જ મશગૂલ રહે છે. એની મોરલીએ મણિધર ફણીધર ડોલે છે. ગારડી વિદ્યાના મંતર જંતર હાથ કરવા રાજકુંવર ભેરિયો દેશદેશમાં ભમે છે. જુવાન થયો, ભૂચર, ખેચર અને અગોચર વિદ્યાને એણે સાધી લીધી. પગની ઘૂંટી સુધી ઢળકતી એક ભગવી રેશમી કફની પહેરી, ઝૂલતાં જુલ્યાં માથે ભગવો ટૂંકો ફટકો બાંધી, હાથમાં હીરાજડિત મોરલી લઈ અને સોને મઢેલ ચાખડીએ ચડીને ભેરિયો એક દિવસ ભર્યાં ભર્યાં રાજપાટને છોડી માબાપથી છાનોમાનો મહેલ બહાર નીકળી ગયો.

મોરલીના સૂરને માથે જંગલોનાં પશુપંખીને ડોલાવતો ભેરિયો ગારડી પંથ કાપ્યે જાય છે. એમાં એક વાર પોતે એક ઠેકાણે ઊભો રહ્યો. ભૂચર વિદ્યાનો સાધેલ ખરો ને; એટલે ભૂતળમાં કોઈક વાતો કરતું લાગ્યું. હેઠે બેસીને એણે કાન માંડ્યા. પૃથ્વીના પેટાળમાં કોક બે જણા વાતો કરે છે. શું વાતો કરે છે ?

એક જણ બીજાને કહે છે કે, “હે સિદ્ધ ! સિંધુના કાંઠાની લાખી ગુણિકા નવસો ને નવ્વાણું જાતના નાગને સાધીને બેઠી છે. બેઠી બેઠી કોઈક એ નવસો નવ્વાણું નાગના નાથનારની વાટ જુએ છે. છે તો ગુણિકાનું દૂધ, અને રૂપજોબન દેહમાં માતાં નથી, પણ વિદ્યાની સાધનામાં એવી ચડી ગઈ છે, કે એનાનાગને નાથનારો આવે તો જ વરે, નીકર બાળેવેશ બેઠી આયુષ્ય કાઢશે એવાં તો એણે વ્રત લીધાં છે.”

ત્યારે બીજા સિદ્ધે જવાબ દીધો કે “યોગીરાજ ! જેસલમીરનો રાજકુંવર ભેરિયો ગારડી બન્યો છે, ગારડી વિદ્યાને માટે તો તેણે રાજપાટ અને માબાપ છોડી દીધાં છે; રૂપ તો બેય એકબીજાને ઝંખવે તેવાં છે. બેયનું જોડું જામી પડે...પણ.”

એ “એ પણ” શબ્દને સાંભળવાની ધીરજ ભેરિયો ન રાખી શક્યો. એણે સાંભળ્યું પણ અધૂરું સાંભળ્યું. એની સોનાની ચાખડીઓ સિંધુનાં નીર ઢાળી વહેતી થઈ. રસ્તામાં એણે ચાર ચેલા કર્ય. ચારેને પોતે કહી રાખ્યું કે “દેખો ચેલા ! મારી ગારડી-સાધનામાં કોઈ વાર પણ જો મને સાપડંશથી મોત મળે, તો મારા શબને તમે બાળશો નહિ, દાટશો નહિ, પણ તળીને ભક્ષ કરી જજો.”

ચેલાઓએ કબૂલ કર્યું, પણ કારણ કાંઈ પૂછ્યું નહિ, જુવાન ગુરુએ કારણ કહ્યું નહિ. થોડે દિવસે સિંધુનો કાંઠો આવ્યો.

આ કાંઠે ભેરિયાનો પડાવ, ને સામે કાંઠે લાખી ગુણિકાના ડેરા-તંબૂ. સામે કાંઠે ઊડવા માટે ભેરિયે ખેચર વિદ્યા અજમાવી. પણ ઊંચે ઊડીને પાછો પડે. ઊડે ને પાછો પડે. કારણ શું ? કારણ કે સામેથી લાખીની ખેચર વિદ્યા એને અટકાવે છે. ઊડવા ન દીધો. થાકીને ભેરિયો ભોંયે સૂતો. પડખે રત્નજડિત મોરલી પડી છે, સોનાની ચાખડી પડી છે. ભગવા રંગની રેશમી કફનીએ દેહ ઢંકાણો છે. મોં ઉપર કમ્મરબંધ ઢાંક્યો છે. મોવાળા ભોંય માથે પથરાઈ ગયા છે. ભેરિયો ઊંઘે છે.

અધરાત થઈને લાખી ઊડીને આવી. ઊંઘતા ભેરિયાના મોં માથેથી પાંભરી ખસેડીને રૂપ નીરખી રહી. વાય રૂપ ! વારી રૂપ ! સાચો બત્રીશલક્ષણો. જેની વાટ હતી તે જ આવી પહોંચ્યો ને શું ?

પગનો અંગૂઠો હલાવ્યો : “ઊઠ રે જુવાન ! ઊઠ. તારી જ વાટ જોતી’તી. નાથી દે મારા નવસો ને નવાણુંને; પછી આપણે ચાર મંગળ વરતીએ.”

ઊડીને સામે કાંઠે ગયાં. નવસો ને નવાણું કરંડિયા ગોઠવીને લાખીએ રાખ્યા હતા. ઢીંચણભર થઈને ભોરિયો મોરલી મંડ્યો ખેંચવા. એક એક કરંડિયો ઊઘડે છે, એક કરતાં એક અદકા અજાજૂડ નાગ ઊઠે છે, પૂંછડી માથે ટટ્ટાર થઈ જઈને સૂપડા સૂપડા જેવડી પહોળી ફેણ માંડે છે, ફૂં ! ફૂં ! ફૂંફાડે છે, આંહીં મોરલીના સૂર માથે ને નાગની વરાળ નાખતી આંખો સામે ભેરિયો એકધ્યાન છે, અરે !

મોર કો ધ્યાન લગ્ય ઘનઘોર સે,

દોર સે ધ્યાન લગી નટકી;

દીપક ધ્યાન પતંગ લગ્યો,

પનિહારી કો ધ્યાન લગ્યો મટકી.

એવી આ તો ધ્યાનની, અચૂક નજરની જ રમત છે. નજર ચૂક્યો કે મુઓ પડ્યો! નજર ચૂક્યો કે ગિયો ગતાગોળમાં; એક પછી એકને પકડી પકડીને ભેરિયો નાથતો ગયો. નવસે અઠાણુંને નાથ્યા, પણ છેલ્લો એક ભૂજિયો નાગ છટકીને ભાગ્યો.

ભૂજિયો ભાગ્યો ને ભૂજિયાની પાછળ ભેરિયો. ભૂજિયો ધરતી માથે દોટ કાઢે છે, ભેરિયો એની લગોલગ થાય છે, જેવો ઝાલવા જાય તેવો તો ભૂજિયો ભોંયમાં ઊતરી જઈ અંદર દોડે છે, એટલે ભેરિયો ભૂચર વિદ્યાને બળે ભોંયમાં ઊતરી એનો પીછો લે છે. ભૂજિયો આકાશે ઊઠે છે, તો ભેરિયો ખેચર વિદ્યા વાપરીને એનો આકાશમાં પીછો લે છે. ભૂજિયો અલોપ થઈ દોડે છે તો ભેરિયો અગોચર વિદ્યા વાપરીને એને ગોતી કાઢી પાછળ પડે છે.

થાતાં થાતાં થાતાં તો ભૂજિયો મારવાડના એક રાજાના રાજમાં પેસી જાય છે અને આશરો લ્યે છે. ભેરિયો ત્યાં જઈ રાજાને કહે છે કે મારો ચોર આંહીં ગર્યો છે, એને બહાર કાઢો.

રાજા કહે કે “એમ તો ન બને. મારો શરણાગત છે.”

ભેરિયો કરે કે “પણ મારો એ ચોર છે.”

રાજા કહે કે “તારો ચોર હોય તો મારા સીમાડા બહાર તને ફાવે તે કરજે.”

ભેરિયો વાટ જોઈને સીમાડે ચોકી કરતો બેઠો. પણ ભૂજિયો છાનોમાનો નીકળી ગયો. પહોંચ્યો કચ્છ-ભૂજમાં. પોતાનું ત્યાં થાનક, એટલે પોતે જોરમાં આવી ગયો. ભેરિયો ત્યાં પહોંચ્યો. ભૂજિયાને થાનકે જઈ હીરાજડી મોરલીના મંત્રેલા નાદ મંડ્યો ગજવવા. ભાર નહોતો ભૂજિયાનો કે થાનકમાં ગરી રહી શકે. મોરલીને માથે આવવું પડ્યું. ફેણ માંડીને બેઠો. મંડ્યો ડોલવા. મોરલીને સૂરે સૂરે એની આંખો ઘેનમાં ઘેરાવા લાગી, હમણાં ઝાલ્યો કે ઝાલશે, ઝાલ્યો કે ઝાલશે.

એમાં ભેરિયા મદ આવ્યો. લાખુ ગુણિકા સાંભરી, લાખુનાં રૂપ નજરે ચડ્યાં. હાં હવે તો ઝપટ કરું એટલી વાર છે. ઘડી બે ઘડીમાં નાથી લઉં. લાખુની પાસે જઈને વધામણી આપું. પછી તો હું ને લાખુ -

બસ ભેરિયો એક જ પલ - અરે એક વિપલ નજરચૂક થયો. ભૂજિયો એના હાથ ઉપર ટચકાવ્યો. ભૂસ ! દેતી મોરલી જઈ પડી, સાફો ઊડી પડ્યો, ને ભેરિયો ચાર ગડથોલાં ખાઈને પડ્યો. ઘડીક થઈ ત્યાંતો એની ગુલાબી કાયા લીધી કાંચ બની ગઈ.

ચાર ચેલા આવી પહોંચ્યા. ગુરુનું શબ જોયું. ગુરુનો બોલ સંભાર્યો : “ચેલાઓ! ભૂલ કરશો નહિ હો; મારા શબને તળીને ખાઈ જાજો.”

ગુરુનું શબ કડકડતા તેલની કડાઈમાં નાખ્યું. ત્યાં ભૂજિયો ચેત્યોઃ

“હાય હાય ! એક ભેરિયાએ નાગકુળની આ દશા કરી, તો આ ચાર પેદા થશે, ચાર નવા ભેરિયા ઊભા થશે, તો પૃથ્વીને માથે નાગનું બીંટ નહિ રહેવા દ્યે.” લીધું બામણનું રૂપ. આવ્યો બરાબર ચેલા કડાઈમાંથી ગુરુના શબને કાઢી ખાવાની તૈયારી કરે છે તે જ ટાણે. કહ્યુંઃ “અરે હે ભાઈઓ ! હું બામણ છું. આ શો ઉત્પાત કરો છો ! ગુરુના શબને ખવાય ? ગુરુ ને ચેલા બધા જ નરકના ભાગી થશો. ગુરુ તો ગાંડો કે આવું અઘોર કર્મ કરવાનું કહેતો ગયો ! પણ તમે જીવતા માનવીઓ શું મતિ હારી બેઠા છો ?ન ખાવ! ન ખાવ !”

ચેલા ભરમાણાઃ ગુરુના શબથી ભરેલી કડાઈને દરિયામાં તરતી મૂકી દીધી. કડાઈ તરતી તરતી ચાલી જાય છે. અંદરથી કપૂરના ધૂપના ગોટેગોટા ઊડે છે. થોડે વખતે તો ગુરુની કાયા કપૂર થઈને આખીય ઊડી ગઈ.

૧ર. ચંદણ-મેણાંગરી

કુંણ નર ધરતીમેં સતિયો જાગિયો રે

હરનું સિંગાસણ ડોલા ખાય ?

આબુનાં પાડાંમાં ચંદણ નીપજે રે

વસિયો લોયાણાગઢની માંય

અ,....જી....જી.

અમરાપરીમાં હરિનાં સિંહાસન ડોલવા લાગ્યાં છે. હરિ પૂછે છે કે અરે હે ભાઈ! એવો તે કોણ સતિયો નર ધરતીમાં જાગ્યો છે કે આ મારાં હરિનાં સિંહાસન ટલ્લા દઈ રહ્યાં છે ?

ત્યારે જવાબ મળે છે કે હે ભગવાન ! આબુના પહાડોમાં એક ચંદણ રાજા નીપજ્યો છે, ત્યાં એ લોયાણાગઢનું રાજ કરે છે. એના સતને બળે તમારું સિંહાસન હલબલી હાલ્યું છે.

ત્યારે હરિએ પોતાના કૂડકાવડિયાને (નારદને) હુકમ દીધો છે કે કૂડકાવડિયા ! જાઓ મરતલોકમાં, રાજા ચંદણનાં સત છોડાવો. એને માથે નખાય તેટલાં દુઃખ નાખો. પણ ખબરદાર ! એને કોઈને મારશો મા. નીકર મારા ઓળંભા નડશે તમુને.

ખંભે ખડિયો ને હાથે ડાંગડી રે

આયો મૃતલોકની માંય;

કિયા રાજાની કહિજે સીમડી રે

કિયા રાજાની મહિજે ભોમ !

ભગવાનનો કૂડકાવડિયો તો ખંભે ખડિયો અને હાથમાં ડાંગ લઈ, બામણને વેશે મરતલોકમાં આવ્યો છે, ને વગડામાં પૂછપરછ કરે છે, કે હે ભાઈઓ, આ સીમ ને આ ભોમ ક્યા રાજાની કહેવાય છે ?

રાજા ચંદણવાળી સીમડી રે

માતા મેણાંગરવાળી ભોમ !

હે બામણ ! આ તો રાજા ચંદણના લોયાણાગઢ રાજની સીમ છે. ને માતા મેણાંગરની ભોમકા છે.

અરે હે ભાઈ ગોવાળીયા ! -

પૂછું પૂછું રે વીરા ગોવાળીડા રે

મારે કિયો મારગ લોયાણાગઢ જાય ?

ગોવાળ જવાબ વાળે છે -

ડાબો મારગ જાય દુવારકે રે

જિમણો લોયાણાગઢ જાય.

કૂડકાવડિયો તો ડાબો મારગ દ્વારકાનો મેલી દઈ જમણે લોયાણાગઢને માર્ગે ચાલ્યો. લોયાણાગઢને પાદર એણે તો એક વાવ જોઈ છે. ને પૂછ્યું છે -

કીણે ખોદાઈ જગમેં વાવડી રે

કીણે બંધાઈ હરિ પાળ ?

પનિહારીઓ કહે છે :

ચંદણ ખોદાયો કૂવા-વાવડી રે

માતા મેણાંગર બંધાવી મોતીડે પાળ.

હે ભાઈ ! આ વાવકૂવા તો રાજા ચંદણે ગળાવ્યા છે ને મોતીની પાળ માતા મેણાંગરે બંધાવી છે.

કૂડકાવડિયો તો વાવના પગથિયા માથે જઈને આડો ઊભો રહ્યો. એણે તો પનિહારીઓનો મારગ રોક્યો છે, માંહીં પાણી ભરતી હતી તે માંહીં ઊભી થઈ રહી અને બહારથી પાણી આવનારી બહાર થંભી ગઈ. કોઈ કરતાં કોઈ એને અડીને હાલતી નથી. એમ કરતાં તો તો ઝાઝી વેળ થઈ ગઈ. ને પનિહારીઓની કેવી દશા થઈ ! તો કહે છે કે -

રાતે ધરવાયો પરભાતે પોઢાડિયો રે

મારે ઊંડળીએ ધાવેલ નાનાં બાળ;

શશરો કેવીજે અંગરો આકરો રે

મારો પિયુજી બોલે મુંને ગાળ

આ....જી....એ....એ.

અમારે ઘેર તો ખોળામાં ધાવણાં બાળ છે, એ બાળને રાતે ધવરાવ્યાં છે ને પ્રભાતે પોઢાડી કરી પાણીડાં આવી છે. આંહીં વાવડીએ તો ઝાઝી વેળ થઈ ગઈ છે. ઘેરે જાશું ત્યારે સસરા મેણાં બોલશે અને પિયુજી ગાળ કાઢશે. છતાં કોઈ બામણને વળોટીને જાતી નથી, માંયલી માંય ને બાહ્યલી બહાર !

કૂડકાવડિયો વિચારે છે કે અહો ! જેના રાજની પનિહારીઓ પણ સતધરમ છોડતી નથી એ રાજા ચંદણ પોતે કેવોક હશે ? એણે તો વાવનો ઓડો છોડી દીધો અને એ આગળ નગરમાં હાલ્યો. નગરમાં મોખરે જ એણે શું દીઠું છે ? મોટી મોટી મેડીઓ; ને ઉંબરમાં -

સાવ રે સોનારો પેર્યો વાડલો રે

હિયડે હિલોળે નવસાર હાર;

કિયા રાજાની કહીજે મેડિયું રે

કિયા રાજાનાં દુવાર ?

મોલમોલાતની રહેનારીઓ ડોકમાં સોનાના ટુંપિયા પહેરીને ઊભી છે. છાતીને માથે હાર હિલોળા લ્યે છે. અરે હે બાઈયું !આ તે કિયા રાજના દરબાર છે ?

બાઈઓ જવાબ વાળે છે -

પ્રાછેરા ઊભા રેવજો બામણા રે

આ તો ઓળગાણાંવાળો કહીજે દુવાર.

મોલમેલાતની રહેનારીઓ ડોકમાં સોનાના ટુંપિયા પહેરીને ઊભી છે. છાતીને માથે હાર હિલોળા લ્યે છે. અરે હે બાઈયું ! આ તે કિયા રાજના દરબાર છે ?

બાઈઓ જવાબ વાળે છે -

પ્રાછેરા ઊભા રેવજો બામણા રે

આ તો ઓળગાણાંવાળો કહીજે દુવાર.

હે મહારાજ ! તમેતો ઓતમ જાતનું ખોળિયું છો. જરા છેટેરા ઊભા રહેજો. આ રાજદ્વાર નથી, પણ આ તો આ લોયાણાગઢ નગરીનાં ઝાડ કાઢનારા ને મેલાં ઉપાડનાર અમ ઝાંપડાંઓની મેડિયું છે.

ઓહો ! રાજા ચંદણનાં ઝાંપડાં આવી સાયબી ભોગવે છે, ત્યારે રાજાની પોતાની સાયબી તો કેવીય હશે ! હે ઓળગાણાં ! રાજા ચંદણ ક્યાં રહે છે ? કેવા છે ? એને અમે કેમકરીને ઓળખશું ?

ઓળગાણાં કહે છેઃ “હે મહારાજ ! નગરની વચ્ચોવચ્ચ જુનો ધોળી ધજા ફરકે. ત્યાંમાણસોની પંગત જમવા બેઠી હશે. ને ત્યાં ઊભા હશે રાજા ચંદણઃ અણવાણે પગે, ઉઘાડે મો, એક પોતડી પેરીને. અને પોતે હાથે પંગતને ભોજન પીરસતાહશે.”

કૂડવાડિયે તો ધોળી ધજા હેઠળ જઈને રાજા ચંદણને જોયા છેઃ અણવાણે પગે, ઉઘાડે માથે, એક ફક્ત પોતડી પહેરેલ, ને હાથમાં અન્ન લઈને અભ્યાગતોની પંગતને પીરસી રહ્યા છે.

“ઓહો ! હે ભ્રમ્મા !” રાજા ચંદણે તો કૂડકાવડિયાને આદરમાન આપીને કહ્યું છેઃ “રસોઈ કરો ને જમો. ધન્ય ઘડી ! ધન્ય ભાગ્ય ! ભ્રમ્મા મારે આંગણે આવ્યા.” ત્યારે કૂડકાડવિયો કહે છે કે “અરે હે રાજા ચંદણ ! એમ તો હું રસોઈ ન કરું. હું માગું તે તું મને દે.”

ત્યારે રાજા ચંદણ કહે છે -

સોનું દૈયાં રે તને સોળવું રે ભ્રમ્મા !

દૈયાં લોયાણાગઢરો રાજ;

એતરું લૈને ઘેર જા દાનમેં રે ભ્રમ્મા !

રસોઈ કર મારે દુવાર.

અરે બ્રાહ્મણ ! તને સોળવલું સોનું દઉં, રાજ દઉં, પણ મારે ઘેર રસોઈ કર.

ના રે ના રાજા ચંદણ !

સોનું ન સોંયે મારે સોળવું રે રાજા !

ન સોેંયે લોયણગઢના રાજ;

હું માગું તે ન દે દાનમેં રે રાજા !

રસોઈ ન કરું તારે દુવાર.

અરે હે ભ્રમ્મા !

હાથીડા દિરાવું તુંને હીંડતા રે,

દિયું ઘોડલીઆંરી હાર;

એતરો જે લૈને જા તું દાનમેં રે,

રસોઈ કર મારે દુવાર.

ના, ના. હે રાજા ચંદણ ! હું તો માગું છું તમને ચારેને - તને, રાણી મેણાંગરને, અને તારા બે કુંવરિયા સાયર અને નીરને.

કે’, હે બ્રાહ્મણ ! મારી જાત તો મારી છે. કુંવર સાયર ને નીર મારા છે, એ ત્રણ તો તને દઈ ચૂક્યો, પણ રાણી મેણાંગર તો પારકી જણી છે. એને પૂછ્યા વગર હું તુંને એનું દાન શી રીતે દઈ શકું ?

કે’, તો પૂછી આવ.

રાજા ચંદણ તો રાણીવાસમાં ચાલ્યા. રાણીવાસમાં -

કડાં ખટૂકે કાચનાં,

દોરી તાણે દાસ;

ધન્ય ઢોલા ! થારો જીવણો,

માલવણથી ઘરબાર.

કિચૂડ ! કિચૂડ ! કિચૂડ ! હીંડોળાખાટનાં કાચનાં કડાં ખટૂકી રહ્યાં છે. દાસીઓ દોરી તાણે છે. રાણી મેણાંગરી હીંચકે છે.

રાજા ચંદણ જઈને ઊભા તો રહ્યા, પણ રોજ સોળ કળાના, તે આજ એક કળાના થઈ ગયા છે.

અરે હે સ્વામીનાથ ! આમ કેમ એક કળાના થઈ ગયા છો આજ ? મારો કાંઈ વાંક ગુનો ?

કે’, “રાણી મેણાંગરી ! એવું ન બોલો. તમારો કાંઈ વાંક કે ગુનો ! વાંક આપણાં પ્રાલબધનો. એક ભ્રમ્મો આવ્યો છે. આપણને ચારેને દાનમાં માગે છે. તે મારી જાત ને મારા બે પુતર, એ ત્રણ તો મારા પોતાના, એ તો દઈ ચૂક્યો છું, પણ તમે તો પારકી જણી; તમને મારાથી કેમ દેવાય ? તમારી મનની જાણવા આવ્યો છું.”

કે’, “હે નાથ ! મને પારકી જણી ગણી ? એ તો જ્યાં તમે ત્યાં જ હું. હાલો.”

ચારે જણાં જઈને ઊભાં રહ્યાં ત્યારે કૂડકાવડીયે કહ્યુંઃ “ચારે જણાં પોત પે’રીને આ રાજમાંથી નીકળી જાવ.”

કે’, “ભલે ભ્રમ્મા ! એમાં શું ?”

રાણી મેણાંગર તો બલુ ઘાંચાને ઘેર ગયાં છે, ને કહ્યું છે, કે ભાઈ બલુ ઘાંચા ! લે આ મૂંદરા ! ને એક મોટો સૂંડલો વાળી દે.

સૂંડલો વળાવી, તેમાં નાના કુંવર સાયર ને નીરને બેસારી, રાજા ચંદણે સૂંડલો માથે ઉપાડ્યો છે, ચાલી નીકળે છે એક પોતિયાભર. આગળ ચંદણ ને વાંસે મેણાંગરી. લોકો જોઈ રહ્યાં. ઓહો !

કેડ્યે કટારાં વાંકડાં રે ચંદણ !

હાલતો ગેમરની હાલ્ય,

એક દિ’યાંરો ઝોલો વાગિયો રે રાજા !

આવી બેઠો આથર માંય.

આ રાજા ચંદણ, જે કમ્મરે વાંકડા કટાર બાંધતો, જે હાથીની મલપતી ચાલ્ય ચાલતો, તેને એક દિવસનો અંચકો વાગ્યો, અને એ ધરતીની ધૂળમાં આવી બેઠો.

શેર શેર સોનું પે’રતી મેણાંગરી,

જોખાતી મોતિયાભાર,

એક દિ’યારો ઝોલો વાગિયો રે રાણી,

ઘરઘરરી પણિયાર.

શેર શેર સોનું પે’રતી મેણાંગરી,

જોખાતી ફૂલાં રે ભાર;

એક દિ’યારો ઝોલો વાગિયો રે રાણી,

ઘરઘરરી પણિયાર.

ને આ રાણી, જે શેર શેર સોનાના દાગીના અંગ માથે પહેરતી, જે મોતીએ અને ફૂલે જોખાતી એવી તો સુકોમળ હતી, તે આજ એક દિવસનો આંચકો લાગતાં તો ઘરઘરની પાણી ભરનારી બની ગઈ.

ચારે જણાં હાલ્યાં, પણ કૂડકાવડિયો થયો મોઢા આગળ. એણે સૂરજને કહ્યું કે “હે સૂર્યનારાયણ ! ભોંયને માથે ચણા ભુંજાઈ જાય એવો આકરો તું આ ચારેને માથે તપ.”

સૂરજ તો બાળોબાળ તપવા માંડ્યો. અણવાડે પગે, ઉઘાડે માથે, પોતભર બેય ચાલ્યાં જાય છે. એમાં માર્ગે કૂડકાવડિયો પાણીની પરબ માંડીને વેશપલટો કરી બેઠો છે. “અરે હે રાજા ચંદણ ! તરસ્યા હશો. પાણી પીતા જાવ.”

“ના ભાઈ ! મારી સીમડી ન વટાવી લઉં ત્યાં સુધી પાણી મૂંથી ન પિવાય.” રાજા ચંદણ તો ગયા, પણ કૂડકાવડીએ કળશો પાણી એને પગલે ઢોળી દીધું. પછી ચાલતી ચાલતી રાણી મેણાંગરી પરબ પાસે થઈને નીકળી. એને કૂડકાવડીએ કહ્યું કે “રાણી મેણાંગરી ! પાણી પીતાં જાવ.”

કે’, “અમારી સીમ વળોટ્યા પહેલાં પિવાય નહિ પાણી, ભાઈ !”

“પણ આંહીં જુઓ, રાજા ચંદણે તો પીધું.” એમ કહીને પોતે ઢોળેલું પાણી દેખાડ્યું.

કે’, “ભાઈ ! રાજા ચંદણની વાંસે તો હું છું, તે એ પીએ. પણ મારી વાંસે કોઈ નથી. મૂંથી ન પિવાય.” પરબનો સંકેલો કરીને કૂડકાવડિયો તો રાજારાણીની આગળ દોટ કાઢીને પહોંચ્યો છે ગંગાજમના પાસે, ને કહ્યું કે “હે ગંગાજમના ! આ ચાર જીવને તું ત્રણ તુંગે કરી નાખ.”

ગંગાજમના તો હરિને હુકમે કૂડકાવડિયાને વચને વશ હતી. એને કાંઠે રાજારાણી ને કુંવરિયા આવી પહોંચ્યાં. ચંદન કહે કે “હે રાણી ! પાણી ઊંડાં છે. પ્રથમ હું જઈને આ સૂંડો સામે પાર કરી આવું, પછી તમને લઈ જાઉં.”

કે’, “ભલે.”

(ર)

સૂંડો સામે ઘાટ પહોંચાડીને રાજા ચંદણ પાછા વળે છે, પણ જેવા મધવહેનમાં પહોંચે છે કે તુરત પાણીનો ખળકો આવે છે ને એેને તાણી જાય છે. સૂંડો સામે કાંઠે, ને રાજા જાય છે તણાતા. તણાતે તણાતે તણાતે નીચવાશ એક ત્રંબાવટી નગરી આવે છે, એ નગરીનું મસાણ નદીકાંઠે આવે છે, ને મસાણમાં ડાઘુડા એક ચેહને બાળતા ઊભા છે. આ ચેહ નગરી ત્રંબાવટીના રાજાની છે.

અરે કોઈક તણાતું આવે છે ! દેખીને ડાઘુ નદીમાં પડ્યા. રાજા ચંદણનું શરીર બહાર કાઢ્યું. ચંદણ બેભાન છે. દવાદારૂ કરીને એને તો ભાનમાં આણ્યા છે. કોઈક દુઃખિયો લાગે છે ! રાજાએ ઓળખાણ આપી નહિ.

હવે નગરી ત્રંબાવટીનો નિયમ છે કે રાજા મરે ત્યારે તાબાના તમામ રાજાઓને તેડાવે, એમાંથી જેને ગાંડી હાથણી વરમાળે તેને નવો રાજા બનાવે.

ખંડિયા રાજાઓ ભેગા થઈને બેઠા છે. હાં, હવે હાથણીને ગાંડી કરો, તેલ-સિંદૂરની બંદકા દ્યો, ધૂપ-શ્રીફળ ચડાવો ને સૂંઢમાં વરમાળ આપો. હાથણી વરમાળે તે રાજા.

તેલ-સિંદૂરની બંદકાવાળી હાથણી ગાંડી થઈને સૂંઢમાં વરમાળ લઈ રાજાઓની બેઠકમાં ઘૂમવા મંડી. બધાય રાજાઓ ડોકાં લાંબા કરી રહ્યા છે, પણ કોઈને હાથણી વરમાળતી નથી. એ તો આઘે જઈને ઉકરડે બેઠેલા ચીંથરે હાલ રાજા ચંદણને વરમાળે છે.

અહો ! આ શું ? આ ભિખારીને હાથણી વરમાળે છે ! કાંઈક કારણ હોયા વગર વરમાળે નહિ. અરે હે ભાઈ ભિખારી ! તું કોણ છે ?

ક્યાંરો જાયો રે ક્યાંરો ઊપન્યો રે સાયબા !

કિયું રે કહીજે રે થારું ગામ !

રાજા ચંદણ તો કહીએ નામડો રે સાયબા !

લોયાણાગઢરો મારે રાજઃ આ જી, જી, જી.

સત રે ધરમ રે મેં તો કારણે રે

મેલ્યો લોયાણાગઢરો રાજ.

વિગતે બધી વાત કરી છે. વાત સૌને ગળે ઊતરી છે. રાજા ચંદણને તો ત્રાંબાવટીનાં રાજ સોપાણાં છે.

હવે આંહીં ગંગાજમનાને સામે ઘાટ જ્યાં સૂંડલો પડ્યો છે ત્યાં શું થયું ? મોરગઢના રાજા શિકારે નીકળ્યા છે. ઓલ્યો હરિનો કૂડકાવડિયો પોતે જ સૂવર બનીને દોડે છે. સૂવરની પાછળ મોરગઢનો રાજા ભાલો લઈને ઘોડો દોડાવે છે. સૂવર ગંગાજમનાને કાંઠે દોડે છે, ને જ્યાં સાયર-નીરનો સૂંડલો પડ્યો છે ત્યાં લગી રાજાને લઈ આવી તે અલોપ થઈ જાય છે.

ઘોડેથી ઊતરીને રાજા સૂંડલામાં જુએ તો બે બેલડાં બાળક મોંમાં અંગૂઠો ચૂસતાં સૂતાં છે.

અહો ! મારી અવસ્થા પાકી ગઈ, પણ શેર માટીની ખોટ છે. મારે ઘેર દીકરો જન્મ્યો તો નહિ, પણ એકને સાટે ગંગાજમનાએ મને બે દીધા.

એમ વિચારીને મોરગઢનો રાજા બે ય દીકરાને રાજમાં લઈ જાય છે. રાણીને ખોળે બેયને ધરી દ્યે છે, અને રાણીનાં તો થાનમાં ધાવણ, કૂખ ફાટી નથી તો ય વછૂટે છે. ડાબે જમણે થાનોલે બેય છોકરા ધાવવા લાગે છે.

હવે આંહીં ગંગાજમનાને આ કાંઠે રાણી મેણાંગરીનું શું થાય છે ? પોતે આખી રાત ધૂડના ઓરિયામાં લપાઈને બેઠી રહે છે. પ્રભાતને પહોર એક ગામનો કુંભાર ગધેડું લઈને માટી ખોદવા આવે છે. પણ ઓરિયાની ભેખડ હેઠ કાંઈક ઝળેળ ઝળેળ થતું જોઈને ગધેડું ભડકે છે. કુંભાર જઈને જુએ તો કોઈક બાઈ બેઠી છે, ને એની ઉઘાડી કાયા ઉપર ડાબે ખંભે કાંઈક ઝળકે છે. સૂરજ અને બાઈના ખંભાનું પદ્મ, બેયની કરણ્યું એક બની ગઈ છે. ઝળેકાર થઈ ગયો છે.

અરે, તું કોણ છો ? ડેણ છો ? ડાકણ છો ?

કે ભાઈ કુંભાર ! હું ડેણે નથી ને ડાકણે નથી. મરતલોકનું માનવી છું. દુઃખિયારી છું.

બાઈને જોતાં જ કુંભારે કળી કાઢી, સાચે જ કોઈક કુળવાન છે. કે બાઈ ! બેન! હાલ્ય મારે ઘેર. હું તને પાળીશ.

જેવો કુંભાર મેણાંગરીને લઈ ઘરે આવ્યો તેવી તો કુંભારણ છણકી ઊઠી.

એક રે છોડીને બીજી લાવિયો રે કુંભાર !

લાવિયો નેનકડી મારે શોક

આ...જી...જી...એ.

થારું વાંચ્છ્‌યું તો થારે નેણે પડજો કુંભારણ !

લાવીયો ધરમીઆવાળી બેન.

પીટ્યા કુંભારા ! મારે માથે નાનકડી શોક્ય લાવ્યો છો ને શું !

રાંડ કુંભારણ ! તારા મનનું ચિંતવ્યું તો તારી જ આંખમાં પડજો. હું તો ધરમની બેનને લાવ્યો છું.

કુંભારણને તો ખાતરી થઈ કે આમાં કાંઈ કૂડ નથી. બાઈને તો રાખી અને કહ્યુંઃ લે બેન, આ રોટલો જમી લે.

મેણાંગરીએ એ એક રોટલામાંથી ચોથઉં કૂતરાને ને ચોથીઉં ગાયને નીરેલ છે, બાકીનો અરધો પોતે ખાધો છે. ને પછી કહ્યું કે ભાઈ કુંભારા ! મને કાંઈક કામ બતાવો. હું મફત તો નહિ ખાઉં.

ઠીક બેન ! કામ તો બીજું શું, પણ તું નળિયાં ઉતાર. લીલાં તડકે મૂક. ને સૂકાં છાંયડે મૂક.

(૩)

મેણાગરી તો લીલાં નળિયાં તડકે મેલે છે, સૂકાં છાંયે. એમ થાતાં થાતાં થાતાં બાર વરસ વીતે છે. એમાં એક દિવસ લાખો વણઝારો એ ગામને પાદર પડાવ કરે છે. હીરા, મોતી, ઝવેરની ને સાચાં ચીરની લાખ પોઠ્યું છે લાખા વણઝારા હારે, અને ચાર તો એની પરણેલી મેવાડી રાણીયું છે. પણ કેવી છે ચારે ? સૂરજ ભગવાનને કહે છે કે પછેં ઊગજો. પેલી અમને ઊઠવા દેજો; એવી સુંદરી ને સતી છે ચારે.

પડાવ પડ્યો, ને દાસીયું કુંભારને ઘરે ઠામડાં લેવા ગઈ. ત્યાં એણે રાણી મેણાંગરીનાં કાદવમાં રોળાતાં રૂપ જોયાં. જોઈને આવી લાખાને કહ્યુંઃ એ લાખા !

પિંડી કહીજે આલણવેલણી હો વણઝારા !

જાંગરલો દેવળિયાવાળો થંભ;

આંખે પરવાળાંવાળી સાંય રે હો વણઝારા !

નાકડલું દીવડિયાવાળી જ્યોત.

નેણે ભમરા તો વાળી ભણસ રે વણઝારા !

કપાળ તો પૂનમિયાવાળો ચંદ;

મુંગાફળિયાં રે જકારી આંગળી હો વણઝારા !

હાથડલા ચાંપલિયારી ડાળ.

વીણી કહીજે વાશંગ નાગની હો વણઝારા !

પેટ પીપળરો પાંદ,

આવી વસતુ કુંભારા ઘર ન્યાળિયો હો વણઝારા;

હાલો સૈરૂં, જોવા જાઈં.

જેના પગની પિંડી વેલણ જેવી ગોળ છે, જાંઘ દેવળના થંભ જેવી છે, આંખો પરવાળાં જેવી, નાકની દાંડી દીવાની જ્યોત જેવી, નેણ તો ભમરાની પાંખ જેવાં, કપાળ પૂનમના ચંદ્ર જેવું, આંગળી મગની શીંગો જેવી કૂંણી, હાથની ભુજા ચંપાછોડની ડાળ જેવી, વેણી વાસુકિ નાગ જેવી અને પેટ પીપળાના પાંદ જેવું લીસું ને ચકચકતું. એવી એક વસતુ અમે કુંભારને ઘેર દીઠી.

લાખો વણઝારો ખડ ખડ હસીને કહે : “હવે રાખો રાખો. માટીની ચૂંથનાર તે કેવીક હશે !”

“અરે લાખા વણઝારા ! તારી ચાર મેવાડી તો એની આગળ ઘોડાની લાદ ઉપાડે એવી છે.” લાખે ઘડીક વિચાર કર્યો. પછી પોતે એક સાંઢ્ય તૈયાર કરી. સાંઢ્યના પાવરામાં હીરા, મોતી, ઝવેર ભરી લીધાં ને પછી કહે : “પોઠનો પડાવ ઉપાડી હાલતા થાવ, હું આવું છું.”

નવ લાખની પોઠ ઊપડી ગઈ, ને વાંસે લાખો સાંઢ્ય પલાણી કુંભારને ઘેર આવી ઊભો રહ્યો. સાંઢ્ય ઝોકારી ને કુંભારને બોલાી કૂંડું મગાવ્યું. એ કૂંડામાં પોતાના પાવરામાંથી તમામ હીરામોતી ઠાલવી દીધાં.

કે’, “કેમ લાખા વણઝારા ?”

કે’, “ભાઈ કુંભાર ! મારી વણઝારીને છોરુનો સમો છે. એટલે આ તારી બેનને મારી હારે પોઠ્યમાં મેલ્ય. અંતરિયાળ પોઠ પહોંચી ત્યાં છોરુનો સમો થયો છે, માટે તેડવા આવ્યો છું. હું પાછો આવીને મૂકી જઈશ.”

કુંભાર મેણાંગરીને કહે કે બેન ! તું જઈ આવ.

રાણી મેણાંગરી શું કરે ?

પારકે ઘર સાથી

આલે ઈ ખા

ને મેલે ત્યાં જા.

રાણી મેણાંગરી તો સાંઢ્ય માથે બેસી લાખા વણઝારા સાથે હાલી નીકળી. ગાઉ, બે ગાઉ, પાંચ ગાઉ, પણ ક્યાંય પોઠનો પત્તો નથી. ત્યારે પોતે કહ્યુંઃ “હે ભાઈ વણઝારા! તારી પોઠ ક્યાં છે ? તું મને કેટલેક લઈ જશે ?”

ત્યારે પછી લાખે વણઝારે પેટની કહી કે “હે પદમણી ! કેવી પોઠ્ય ને કેવાં છોરું! હું તો તને મોહીને લાવ્યો છું. ચાર મેવાડીને માથે તને મારે પાંચમી પાટ ઠકરાણી થાપવી છે.”

“અરે વીરા ! તારી જીભ દુવાય છે. તું આવા વેણ કાઢ મા. તું તો મારે માના જાયા બરોબર છો. ને મને મારા વીર કુંભારને ઘેર પાછી મૂકી જા.” લાખે વણઝારે તો રાણી મેણાંગરીને એક ગુણ્યમાં નાખીને સાંઢ્યને માથે ગુણ્યને બાંધી લીધી છે. ને સાંઢ્ય તો મન પવનને વેગે પંથ કાપી રહી છે.

થોડા રસા તો ઢીલા મેલજો રે વણઝારા !

રામને ભજ્યારી વેળા જાય;

થોડા બંધા તો ઢીલા મેલજો રે વણઝારા !

કેમ ઘાલી મને આડે ઊંટ ?

અણવાણી ટોળું ની થારા પોઠિયા રે વણઝારા !

થોડા બંધ તો ઢીલા મેલ્ય.

હે લાખા વણઝારા ! જરાક તો બંધ ઢીલા કર. મારે ઈશ્વરને ભજવાની વેળા થઈ છે. મને છૂટી કર, હું તો ઉઘાડે પગે તારી પોઠના પોઠિયા ચરાવીશ. મને આ ઊંટ માથે આડી શું કામ બાંધી છે ?

છેવટે લાખો વણઝારો પોઠ્યમાં પહોંચે છે. પોઠ્યે બરાબર મોરગઢના સીમાડા માથે પડાવ કર્યો છે. લાખાએ રાણી મેણાંગરીને રસોઈ રાંધવા હુકમ કર્યો છે. એ રસોઈ લાખુ એના બાપ ખાખુને જમાડવા લઈ ગયો છે. ખાખુ બુઢ્ઢો છે ને બેય આંખે આંધળો છે. ભોજન જમતાં જમતાં ખાખુ બોલી ઊઠે છે -

આ તો ભોજનિયાં લાગે ઓપરાં લાખુડા,

લાગ્યો એક સખળીવાળો હાથ,

આધા ઠળિયા ને આધા કાંકરા રે લાખુડા !

આધા પાંપણીયુંરા વાળ.

આ તો ભોજનિયાં લાગે ઓપરાં રે લાખુડા !

જીમિયા ચંદણ વાળે દુવાર;

આ તો ભોજનિયા લાગે ઓપરાં રે લાખુડા !

જીમિયા મેણાંગર વાળે હાથ.

લાખુનો બાપ ખાખુ બોલે છે કે “હે લાખુડા ! આજ સુધી તારી રાણીયું રાંધતી તે ભોજનમાં અરધા કાંકરા ને અરધા ઠળિયા આવતા, અરે એ કુમારજાઓની આંખોની પાંપણોના વાળ પણ મોઢામાં આવતા; પણ આજનું ભોજન તેથી ન્યારું છે. કોઈ સખળી, કોઈક કુળવંતી નારને હાથે, સુલક્ષણીને હાથે આ ભોજન નીપજ્યું છે. આવું ભોજન તો ફક્ત એક લોયાણાગઢમાં રાજા ચંદણને ઘેરે પામ્યો હતો, આવી રસોઈ તો એક રાણી મેણાંગરના હાથની જ ચાખી હતી.”

સાંભળીને લાખો ચોંકી ઊઠ્યો. હેં ! આ આંધળો ક્યાંક મારી વાત ચાહન કરી નાખશે ! એલા, મારા બાપને પણ એક ગુણ્યમાં બાંધી વાળો.

લાખુનો બાપ ખાખુ આંધળો તે દિવસે ગુણ્યમાં બંધાઈ ગયો.

રાત પડી. સેંકડો તંબૂ તાણેલ છે. નવ લાખ પોઠિયાને ગળે ટોકરીઓ રણકે છે. વચલા તંબૂમાં સવા કરોડનો ઢોલિયો છે, હીરની પાટી છે, પાયે પાયે જીંડુ રતન છે, ને એમાં લાખો બેઠો છે. સામે દારૂના ચાર સીસા પડ્યા છે. રાણી મેણાંગરીને બોલાવીને લાખે કહ્યું કે “હે સુંદરી ! તું પી ને મને પ્યાલીયું પા.”

મેણાંગરી ના પાડે છે, અને ફડા...ક ! ફડા...ક ! એના બરડા માથે લાખો કોરડા વાપરે છે. કોરડાને માથે બેવડ વળી જતી મેણાંગરી શું બોલે છે ? બોલે છે કે -

શેર શેર સોનું હું તો પે’રતી રે વણઝારા !

જોખાતી મોતિયા ભારોભાર,

શેર શેર સોનું હું તો પે’રતી વણઝારા !

જોખાતી ફૂલાં રે ભારોભાર.

એક દિ’યારો ઝોલો વાગિયો વણઝારા !

ગંગા લઈ ગઈ લોઢું માંય.

સાયર-નીર તો જેવા દીકરા રે વણઝરા !

રૈ ગ્યા ગંગા રે પેલે ઘાટ.

ઝીણા ઝીણા તો પડે કોરડા વણઝારા !

દઃખડાં લખ્યાં મારે શરીર.

દાંત તો દાતણે મારા દેખિયા રે વણઝારા !

મખડો દીઠો મારે ભરથાર.

સત ધરમરે કારણ હો વણઝારા !

મેલ્યો લોયાણાગઢરો રાજ.

કોરડો કાયા માથે પડે છે ને મેણાંગર બોલે છે, કે “અરે હે વણઝારા ! એક સમે હું શરીરે શેર શેર સોનું પહેરતી અને એવી સુકોમળ હતી કે ફૂલે ને મોતીએ જોખાતી. આજ કાળની થપાટ વાગી ને તારા તંબૂમાં પડી છું. ચંદણ સરીખો મારો નાથ, તેને ગંગા લોઢમાં લઈ ગઈ. સાયર ને નીર સરખા મારા દીકરા, ને ગંગાને સામે ઘાટ રહી ગયા. તારા ફટકા પડે છે ને મારી કાયા દુઃખે છે. મારા દાંત એક ફક્ત દાતણ સિવાય કોઈએ દીઠા નહોતા અને મારું મુખડું માત્ર મારા પતિએ જ દીઠું હતું. તેને બદલે અત્યારે મારી એબ તું જોઈ રહ્યો છે. આ બધું સતધરમને કારણે અમે લોયાણાગઢનું રાજ મૂકી દીધું તેને લીધે જ છે ના !”

(૪)

અધરાતને સમે લાખા વણઝારાની પોઠ્યના પડાવમાંથી, આ કોરડાના ફટકા, ને આ મેણાંગરીનાં કલ્પાંત બે જણાએ કાનોકાન સાંભળ્યાં. આ બે જણા ત્યાં સીમાડાની ચોકી કરતા હતા. ચોકીનો વારો તે રાતે આ બે જણાનો હતો. લાખાની પોઠ્યુંનું સવા લાખ તો દાણ લેવાનું હતું એટલે દાણ લેનારું મોરગઢનું રાજ સીમાડે આવી ચોકી રાખતું હતું.

બેય ચોકીદારોના કાન ખરેખરા તો ક્યારે ચમક્યા ? કે જ્યારે કલ્પાંતમાં “સાયર-નીર તો જેવા દીકરા રે વણઝારા !” એવું આવ્યું.

બેય જણાએ એકબીજાની સામે જોયું. એકે કહ્યું કે “હે ભાઈ સાયર !”

કે’, “બોલો ભાઈ નીર !”

કે’, “આ પૃથવીને માથે સાયર-નીર આપણે એક, કે બીજા છે ?ૂ

કે’, “ભાઈ ! એ તો બાપુને ખબર; પણ આપણે કાને આજ સુધી કોઈ સાયર-નીર આવેલ નથી.”

કે’, “ભાઈ ! આ કલ્પાંત કોઈક બાઈનાં છે.”

કે’, “હા ભાઈ ! એના બોલમાંથી ભણકારા આવે છે.”

કે’, “આપણા જેવા જ કોઈક બે બેટડાની મા લાગે છે.”

કે’, “ભાઈ ! લાખા વણઝારાનો ઢોલિયો ચોરીએ.”

તે દી રાતે, સાયર અને નીર નામના એ બે મોટા થયેલા રાજકુંવરોએ લાખા વણઝારાનો સવા કરોડનો ઢોલિયો ચોર્યો - જેને હીરની પાટી અને પાયે પાયે જીંડુ રતન.

ઢોલિયો ચોરાણો. મોરગઢમાં લાખા વણઝારાની ફરિયાદ ગઈ. રાજા પૂછે છે કે ચોકી કોની હતી ?

કે’, “કુંવર સાયર-નીરની.”

કે’, “બોલાવો કુંવરિયાને.”

કુંવરિયા ઘોડા પલાણીને આવી ઊભા રહ્યા. ચોરી કબૂલ કરી. “અરે, શા માટે ચોરી કરી ?”

કે’, “પિતાજી ! પહેલાં તો જવાબ આપો કે આ પચાસ ક્રોડ પૃથ્વીને માથે સાયર-નીર અમે બે કે બીજા છે ?”

કે’, “ભાઈ ! બીજા સાંભળ્યા નથી.”

“ત્યારે, હે પિતાજી ! હવે કહો, કે અમે બેય જણા તમારે ઘરે આવેલ કે જાયેલ?”

સવાલ સાંભળતાં જ રાજાને ધ્રાશકો પડ્યો : કે નક્કી કોઈક જાણભેદુ આને ભેટી ગયો !

કે’, “ભાઈ ! જાયેલા તો નથી, આવેલા છો. મારી રાણીને પેટ જન્મ્યા નથી. પણ ગંગાજમનાને કાંઠેથી કરંડિયામાંથી જડ્યા છો.”

કે’, “અમારાં માતાપિતા કોણ ?”

કે’, “લોયાણાગઢના રાજા ચંદણ જે અટાણે ત્રંબાવટીનું રાજ કરે છે.”

ચડ્યે ઘોડે બેય જણા ઊપડ્યા. દાતણ કરવાય ન રોકાણા. પહોંચ્યા ત્રંબાવટી. રાજા ચંદણને બાવડું ઝાલીને હલબલાવી કહ્યુંઃ “હાલો, ઘોડે પલાણો.”

કે’, “ભાઈ ! ક્યાં હાલું ?”

“અમારી માતુશ્રીને ઓળખી આપો.” એમ કહીને માંડીને વાત કરી.

કે’, “ભાઈ ! પેગડાં છોડો, દૂધ પીઓ.”

કે’, “મા અમારી ન ઓળખાય ત્યાં સુધી દાતણ અગરાજ છે.”

રાજા ચંદણને તેડીને મોરગઢ આવ્યા, અને લાખા વણઝારાના તંબૂમાંથી મેણાંગરીને કબજે લીધાં. પણ ઓળખવાં શી રીતે ? મોઢું તો કોઈને બતાવે તેમ નથી.

રાજા ચંદણ કહે કે “બેટા ! તમારી માને ડાબે ખંભે પદમ છે. ઈ પદમની ને સૂરજની કરણ્યું એક થઈ જાય છે. ઈ એની પાકી નિશાની છે. બાકી તો ભળતાં મોઢાંનાં માનવી ઘણાં હોય છે આ પૃથમીને માથે.”

“તો કેમ કરશું ?” કે’, “ભાઈ ! તંબૂમાં એક નાની ઊંચી બારી પડાવો. પછી આ તંબૂમાં આ બાઈ જળપોત પહેરીને નાવણ કરવા બેસે ને એના ખંભાના પદમની ને સૂરજની કરણ્યું એક થાય તો જ એ તમારી મા મેણાંગરી.”

રાણી મેણાંગરી તો થર થર ધ્રૂજે છે. અરે, આ રાજાઓ મળ્યા છે. એમાંથી કોઈનો હાથ મારા બાવડે પડશે તો શું થાશે ?

જળપોત પહેરીને મેણાંગરી નાવણ કરવા બેઠી છે. તંબૂમાં રાખેલી બારીમાંથી સૂરજની કરણ્યું બરાબર એના ડાબા ખંભાને માથે પડે છે. ખંભે પદમ છે એની, ને સૂરજની કરણ્યું એક થાય છે. એનું તો ધ્યાન ધરતી ઢાળું છે. એમાં રાજા ચંદણે જઈને એનું બાવડું ઝાલ્યું. ઝબકીને મેણાંગરીએ ઊંચે જોયું. ચંદણ બોલ્યા : “હવે ઝબક મા. હું ચંદણ છું. ને આ આપણા સાયર-નીર છે.”

ચારે જણાંના મેળા થયા. આંખ્યોના ધોરિયા વહેતા થયા.

એ ટાણે પાછો કૂડકાવડિયો હાજર થયો. “અરે હે મેણાંગરી ! માગ્ય, માગ્ય. હું તને ત્રૂઠ્યો છું.”

કે’, “ભાઈ ! માગું છું આટલું જ કે મને ત્રૂઠ્યો એવો કોઈને ત્રૂઠીશ મા !”

કે’, “તમારાં રાજપાટ પાછાં આપું છું.”

સાયર-નીર કહે : “બાપુ ! અમે આવશું. પણ આ મોરગઢના રાજા અમારા પિતા છે. એને અમે નહિ છોડીએ.”

કે’, “સાચું છે ભાઈ ! એને ન છોડાય. એને જીવ્યા પાળજો ને મુએ બાળજો.”

કે’, “બાપુ ! રજા આપો તો આ લાખા વણઝારાને કોરડા ફટકાવીએ.”

કે’, “ભાઈ ! એ હતો તો તારી માને આંહીં લઈ આવ્યો ને આપણા મેળા થયા. એનો તો ગણ માનીએ. તમારામાં તમપણું હોય તો લાખા વણઝારા માથે સવા લાખનું દાણ છે તે માફ કરાવો.”

લાખા વણઝારાનો ગણ માન્યો, સવા લાખનું દાણ માફ કરાવ્યું.

લોયાણાગઢ ગયા, સૂંડલો વાળી દેનાર બલુ ઘાંચાને બથમાં ઘાલી મળ્યા. બલુ ઘાંચાએ આજ આટલે વર્ષે દાતણ ફાડ્યું. ને રાજા ચંદણે બલુ ઘાંચા ભેગા બેસીને ભોજન ખાધું. બલુ ઘાંચાએ ગાયું કે -

ભલે જાયો ભલે ઊપન્યો રે રાજા !

અમર થારું કહિજેં રાજ;

બલુ ઘાંચારી કહિજેેં વીનતિ રે રાજા !

અખિયા અમર થાશે રા.

૧૩. ખાનિયો

ઈરાન દેશના બે ઉમરાવ દલ્લીના પાદશાહની કચેરીમાં એક દિવસ આવીને ઊભા રહ્યા. દલ્લીના પાદશાહે તો બહુ માનપાન દીધાં છે, અને પછી પૂછ્યું છે, કે “કહો, આવવાનું કારણ શું છે ?”

ત્યારે ઈરાનના ઉમરાવે કહ્યું કે “જહાંપના, અમે આ બે પૂતળીઉં લાવ્યા છીઅ. અમારો સવાલ એ છે કે બે પૂતળીઉંમાં અસલ કઈ અને નકલ કઈ ? એનો જવાબ આપવાનો છે. અને એ જવાબ આપો તે પછી અમારા ચાર સવાલ છે તેનો ખુલાસો આપો. એ ચાર સવાલ આ છે કે -

જાતની કજાત કોણ ?

કજાતની જાત કોણ ?

કચેરીના કુત્તા કોણ ?

મહેફિલના ગધ્ધા કોણ ?

આ બે પૂતળીઉં અને ચાર સવાલ લઈને અમે દેશેદેશ ફરીએ છીએ. એના ખુલાસા કોઈ આપી શક્યું નથી. દરેક દેશના રાજાએ અમને હાર્યનું લખત લખી દીધું છે. તમે પણ કાં તો ખુલાસા આપો ને કાં હાર્યનું લખત કરી આપો.”

“લાવો જોઉં એ બે પૂતળીઉં !”

કે’, “આ લ્યો.”

બેય પૂતળી જોઈને દલ્લીનો પાદશા વિચારમાં પડી ગયો. બેય પૂતળી એકસરખી છે. ક્યાંય તલભાર પણ ફરક નથી. રૂપ, રંગ, તોલ, સોનાં, બેયનાં એક જ છે. ફેરવી ફેરવીને જોવે છે પણ ખબર પડતી નથી કે અસલ કઈ ને નકલ કઈ.

પાદશાહે તો પૂતળીઉં પોતાની કચેરીના કાજીને ને પંડિતને, કવિને ને શાહિરને, સોદાગરને ને વેપારીને, તમામને બતાવી છે. એક હાથમાંથી બીજા હાથમાં પૂતળીઉં ફરે છે, પણ કોઈ કરતાં કોઈ કળી શકતું નથી કે એમાં અસલ કઈ ને નકલ કઈ.

ત્યારે ઈરાનના ઉમરાવોએ કહ્યું કે “હાંઉ જહાંપના ! લખી આપો કે તમે હાર્યા!”

સાંભળીને દલ્લીનો પાદશા તો સોળ કળાનો હતો તે એક કળાનો થઈ ગયો છે; કે હાય હાય ! ઈરાનના પાદશાની પાસે આપણે અક્કલમાં હાર્યા ગણાશું ને મલકમાં હલકા પડશું. કાજીઓનાં ને શાસ્ત્રીઓનાં ડાચાં પણ વકાસી રહ્યાં. મોટા મોટા કવિઓ સૂનમૂન થઈ ગયા. વાઢો તો છાંટો લોહી ન નીકળે !

વળી પાછા ઈરાનના ઉમરાવો બોલ્યા કે “જહાંપના, લખી આપો કે દલ્લી હાર્યું.”

પાદશા કહે કે “સબૂર ભાઈ ! મારી કચેરીના કાજી ને પંડિત ન કળી શક્યા તો ખેર; પણ વખત છે ને મારી વસ્તીમાંથી કોઈક પારખનારો નીકળી આવે. માટે આ પૂતળીઉંને લઈને એક સવારી કાઢો, અને દલ્લી શહેરની ગલીએ ગલીએ આ ઉમરાવોને હાથીની અંબાડીએ ફેરવો.”

પાદશાનું કહેવું સાંભળીને ઈરાનના ઉમરાવોએ મનમાં મનમાં હસવા માંડ્યું. કચેરીના માણસ પણ વિચારી રહ્યા, કે અરે ! દલ્લીની કચેરીનાં ડહાપણથી તો આડો આંક આવી રહ્યો. હવે વળી વસ્તીમાં કોણ વધુ ડાહ્યો ને ચતુરસુજાણ બાકી હશે તે પાદશા વધુ ભવાડો કરવા તૈયાર થયો છે !

બીજે દિવસે તો સવારી નીકળી છે. ઈરાનના બે ઉમરાવ હાથીની અંબાડીએ બેઠા છે. મ્યાનામાં બેય પૂતળીઉં રાખી છે અને એક થાળીમાં બીડદાર બીડું મૂકીને આગળ ચાલે છે. માર્ગે માર્ગે અને શેરીએ શેરીએ બીડદાર બોલતો જાય છે કે “હે દલ્લી શહેરનાં માનવીઓ ! આ બે પૂતળીઉંમાં અસલ કોણ ને નકલ કોણ એનો જવાબ આપવાનો છે. જે જવાબ આપી શકે તે આ બીડું જમી જાય. કોઈ જવાબ આપો. કોઈ બીડું જમો, આપણા દલ્લી શહેરની ને આપણા પાદશા સલામતની કોઈ આબરૂ રાખો. નીકર આપણે હાર્ય કહેવાશું.”

બીડદારના બોલ સાંભળીને હેમાશા ને મોતીશા શેઠ બહાર નીકળે છે, ભોગળ ભટજી અને ખોખલા પંડ્યા બહાર નીકળે છે, મિયાં પેપડીખાં અને હાંડીખાં બહાર નીકળે છે; પૂતળીઉંને તપાસી તપાસી જુએ છે, જોઈને પાછા ભોંઠા પડી ઘરમાં પેસી જાય છે. કોઈ કરતાં કોઈ અસલ કઈ ને નકલ કઈ તેનો જવાબ દઈ શકતા નથી.

એમ કરતાં કરતાં તો સરઘસ કાજીવાડે ગયું ને બીડદારે બરાબર પાદશાના વડા કાજીની મેડી સામે સાદ દીધો કે “છે કોઈ આ બે પૂતળીઉંમાં અસલ-નકલ પારખી દેનારો? હોય તો આ બીડું જમે.”

બીડદારના બોલ સાંભળીને વડા કાજીના ઘરમાંથી એક જુવાન છોકરો બહાર નીકળ્યો. એનું નામ ખાનિયો. ખાનિયો મોઢે બેઠી માખ પણ ઉડાડી ન શકે તેવો મુફલિસ હતો. એણે રસ્તામાં આવીને કહ્યું કે “ઊભા રો’, લાવો ઈ બે પૂતળીઉં.”

ખાનિયે પૂતળીઉં જોવા માગી ત્યારે આ બધા હસી પડ્યા; કે કોઈ નહિ ને આ કાજીના ચાકર ભૂખલ્યા ખાનિયાને શૂરાતન ચડ્યું ! પણ ફકર નહિ. આંઈ દલ્લી શે’રમાં તો રાઈનો કણ સૌ સરખો. લે ખાનિયા ! તું યે જોઈ લે બાપ ! તારી પાછી મનની મનમાં ન રહી જાય !

પૂતળીઉંને ફેરવી ફેરવી તપાસીને ખાનિયે કહ્યુંઃ “મને આ પૂતળીઉં થોડીક વાર ઘરમાં લઈ જાવા રજા છે ?”

કે’, “હા, રજા છે.”

ખાનિયે પૂતળીઉંને અંદર લઈ જઈને પી જોયું કે બેયને બેય કોર કાનમાં ઝીણાં વીંધાં છે.

ખાનિયે તો એક તાર લીધો, લઈને એક પૂતળીના કાનના વીંધમાં તાર નાખ્યો. તારને ઊંડો ને ઊંડો પેસાર્યો. ત્યાં તો તાર એક કાનેથી બીજા કાનમાં થઈને સોંસરવો બહાર નીકળ્યો.

ઠી...ક ! હવે બીજી પૂતળીના કાનમાં નાખી જોઉં.

બીજી પૂતળીના કાનમાં તાર નાખ્યો. નાખ્યો, નાખ્યો, ખૂબ નાખ્યો, પણ એ તાર બીજા કાનમાં તો ન નીકળ્યો, પણ પૂતળીના પેટમાં ને પેટમાં ઊતરતો ગયો.

ખાનિયાનું મોઢું મલકાઈ પડ્યું. એણે તો બહાર આવી, ચટ દેતુંક થાળીમાંથી બીડું ઉપાડી ટપ દેતુંક મોંમાં મૂકી દીધું.

“અરે હાં ! હાં ! હાં ! ખાનિયા ! આ તો પાદશાહી બીડું ! ખોટું ખાનારને પાદશા ઘાણીએ ઘાલી તેલ કાઢશે !” એમ માણસો કહેતા રહ્યા, ને ખાનિયો તો બીડું ચાવીને પેટમાં ઉતારી પણ ગયો. હોઠ તો એના રાતાચોળ થઈ ગયા.

“અરે ખાનિયા ! આ શો ગજબ !” કે’, “ગજબ ને ફજબ ! હાલો પાદશા સલામતની હજૂરમાં, અસલ-નકલનો જવાબ આપું.”

સવારી તો પાછી વળી. મોઢા આગળ ખાનિયો ને વાંસે માણસોની ઘીંઘર : મનખ્યો તો ક્યાંય માય નહિ, ને શેરીએ શેરીએ વાતું થાય કે “મૂઓ કાજીનો ગોલો ખાનિયો ન કરવાનું કરી બેઠો. અરેરે ! મૂઆને કાંધ મારશે પાદશા.”

કચેરીમાં આવી બીડદારે જાહેર કર્યું કે બીડું ખવાણું છે. એટલે તો પાદશાને બત્રીસ કોઠે દીવા થઈ ગયા છે. પણ એ બીડું તો કાજીને ગોલે ખાનિયે ખાધું એ જાણ થાતાં જ કાજીએ પોતાની દાઢી ખંજવાળવા માંડી. પાદશા પૂછે છે કે -

“હેં કાજી ! તમારો ખાનિયો એવો ચતુરસુજાણ છે !” કાજીની આંખની પાંપણ ધરતી ખોતરવા મંડી ગઈ. શેક્યો પાપડ પણ ન ભાંગી શકે એવો ખાનિયો આ શું ગાંડપણ કરી બેઠો !

લાવો ખાનિયાને.

ખાનિયો કચેરીમાં આવ્યો, પણ આવતાંની ઘડીએ જ એની સૂરત બદલી ગઈ. જે મોઢે માખ બણબણતી એ જ મોઢું ઝગારા મારવા મંડ્યું. ચીંથરાનો હતો તે હીરામોતીનો બની ગયો છે. કોઈની બીક વગર ખાનિયો તો પાદશાહની કચેરીમાં ઊભો છે. અને એના માલિક કાજી સાહેબ તો કાપ્યા હોય તો લોહી ન નીકળે એવા થઈ ગયા છે. “અરરર, આ ખાનિયે તો મારી ઓખાત બગાડી દીધી !”

પાદશા પૂછે છે કે “ખાનિયા, આ બીડું તેં ખાધું ?”

કે’, “હા જહાંપના.”

કે’, “બીડું શાને માટે ખાવાનું હતું ઈ જાણ છ ?”

કે’, “હા જહાંપના. પૂતળીઉંમાં અસલ કોણ ને નકલ કોણ તેની પરખ કરવા માટે.”

કે’, “બોલ ત્યારે, અસલ કઈ, ને નકલ કઈ.”

કે’, “જહાંપના ! આ છે તે અસલ.” એમ કહીને ખાનિયે બેમાંથી એક પૂતળીને માથે હાથ મૂક્યો.

બાદશાહે ઈરાનના શહેનશાહના ઉમરાવો સામે જોયું.

ઉમરાવો તો તાજુબ થઈ ગયા. “સાચી વાત !” બેઉએ ડોકાં હલાવ્યાં.

“અને બાપુ ! આ રહી તે નકલ.” એમ કહીને ખાનિયે બીજી પૂતળી બતાવી.

પાદશાહે ઈરાનવાળા ઉમરાવોની સામે જોયું. “સાચી વાત !” ઉમરાવોએ ડોકાં હલાવ્યાં.

ને આખી કચેરી તો સડક !

પણ એમ ન ચાલે. ઈ તો ખાનિયે આઠે આઠે અસલ નકલ કહી દીધી હોય ને સાચું પડી ગયું હોય. કે’, “ખાનિયા ! અસલ-નકલ કેમ પારખી તેનું કારણ કહેવું જોશે.”

“ખાસી વાત !” કહીને ખાનિયે પોતાના ખીસામાંથી તારનો ટુકડો કાઢ્યો.

તારનો ટુકડો વળી શેનો ? આ તે ખાનિયો કાંઈ રોનક કરે છે ! કચેરીવાળા બીજા બધા તો કાંઈ સમજ્યા નહિ, પણ ઈરાનવાળા ઉમરાવોએ કળી લીધું કે આ ખાનિયાએ ખરી પરીક્ષા કરી લાગે છે !

ત્યાં તો નકલ કહી હતી તે પૂળી હાથમાં ઉપાડીને ખાનિયે એના એક કાનેથી તાર નાખ્યો ને બીજે કાને છેડો નીકળ્યો. એ એણે બાદશાને, ઉમરાવોને, આખી કચેરીને બતાવીને પછી કહ્યું કે “જહાંપના ! જોઈ લ્યો આ નકલ ! માણસને એક કાને જે મરમની વાત પડે, તે પડ્યા ભેળી બીજે કાનેથી બહાર નીકળી જાય, જાણેલી વાત જરી વાર પણ પેટની અંદર ન ટકે, એનું નામ નકલ માણસ, એ સાચું ઈન્સાન નહિ - ભલે પછી ઘાટે-ઘૂટે એ રૂડું-રૂપાળું માણસ હોય, સોને-રૂપે શણગારેલું માણસ હોય, બીજી બધી રીતે ઠીકઠાક હોય.”

“વાહ ખાનિયા ! વાહ ખાનિયા !” આખી કચેરી તો ચિતરામણમાં આલેખાઈ ગઈ ને કાજી સાહેબની નાડ્યુંમાં પાછો જીવ આવ્યો.

પછી ખાનિયે બીજી પૂતળી ઉપાડી. નાખ્યો તાર એના કાનમાં, ને પેસાડ્યો અંદર. એક હાથ જેટલો તાર અંદર હાલ્યો ગયો, પણ બહાર ન નીકળ્યો. ક્યાં સમાઈ ગયો તેની પણ ખબર ન પડે !

ખાનિયો કહે કે “જોઈ લ્યો જહાંપના ! જોઈ લ્યો, જે અસલ ઓલાદનું ઇન્સાન હોય તેની વાત. એને કાને જે વાત આવે તે બહાર ન નીકળે, પણ ક્યાં ઊતરી જાય ? પેટમાં. બહાર ન પડે, પણ પારકી વાતું પેટમાં ને પેટમાં સમાય. છે તો આ યે ઓલી પૂતળીના જેવી. ચહેરે-મોરે, સાજે-શણગારે, સોને-રૂપે, કરામતે-કારીગરીએ, અદલ એકસરખી. પણ ફરક ફક્ત આ છે. એમ ઇન્સાન હોય છે તો સરખાં. તેવતેવડાં, તફાવત કાંઈ ઉપર તો છે નહિ; છતાં જેના પેટમાં વાતું સમાય તે અસલ, ને જેને કાને પડ્યા ભેળી સામે કાને બહાર નીકળી જાય તે નકલ.” પાદશાહે ઈરાનના બે ઉમરાવો સામે જોયું. ઉમરાવો કહે કે “નામદાર ! સાચો જવાબ. શાબાશ છે પરખનારને. અમરા રઝળપાટ ફળ્યા છે. દુનિયામાં ડાહ્યો માણસ મળ્યો છે. દલ્લી શહેરને સાત સાત રંગ છે.”

“રંગ છે ખાનિયાને.” એમ કહીને પાદશાએ ઊભા થઈ જઈ, ગાદી માથેથી હેઠા ઊતરી, ઊભેલા ખાનિયાની પાસે જઈને, એની પીઠ થાબડી એનો હાથ ઝાલ્યો. એને પોતાની ગાદી પાસે લઈ આવ્યા ને જમણે હાથે આસન આપ્યું.

કચેરીમાં તો “રંગ છે ! રંગ છે ! રંગ છે ખાનિયા ને !” એવા લલકાર થઈ રહ્યા. અને ઓલ્યા વડા કાજી સાહેબ જેને ઘેર ખાનિયો નોકર હતો, તેની આંખોમાંથી તો હરખનાં આંસુની ધાર ચાલી : કે વાહ મારો ખાનિયો !

પોશાક મંગાવો !

પોશાક આવ્યા.

સમશેર મંગાવો !

સમશેર આવી.

ખાનિયાને પાદશાહે પોશાક આપ્યો, તલવાર આપી, ને ખાનખાનાન એવું નામ આપ્યું.

ઈરાનના ઉમરાવ કહે કે “હવે નામદાર ! અમારા ચાર સવાલનો જવાબ આપોઃ

જાતની કજાત કોણ ?

કજાતની જાત કોણ ?

કચેરીના કુત્તા કોણ ?

મહેફિલના ગધ્ધા કોણ ?

ત્યારે પાદશાહે ખાનિયા સામે જોયું; “અરે હે ખાનખાનાન, આ ચાર સવાલના જવાબ પણ તમે જ આપો.” ખાનિયે કહ્યું કે “જહાંપના ! એ જવાબ હું આપું, પણ આંહીં નહિ.”

કે’, “ત્યારે ક્યાં ?”

કે’, “ઈરાનના શાહની કચેરીમાં. પણ શરત એટલી કે મને તમારો શેજાદો બનાવી, રાજવભો અને રૈયાસત મારી ભેળાં આપી, ડંકાનિશાન અને છત્રછડી સાથે ઈરાન મોકલો અને હું જે ખરચ ત્યાં કરું તે કરવાની છૂટ આપો.”

કે’, “કબૂલ છે.”

(ર)

ડેરા ને તંબૂ, પાલખી ને મ્યાના, જરજવાહીર અને જરિયાન, મેવા ને મીઠાઈઉં, શરબતો અને શરાબો, જે કાંઈ જોતું હતું તે લઈને શેજાદો ખાનખાનાન એક એકથી ચડિયાતા એવા થોડા અમીરો સાથે ઈરાનના નગરને પાદર એક દી સાંજરે આવીને ઊતર્યો, અને એણે હુકમ કર્યો કે “હાં મારો બાપ ! રાતોરાત આંહીં એવી રૈયાસત ખડી કરી દ્યો કે જાણે આપણું જ રાજ હોય; ખાવાનાં-પીવાનાં, તેલ ને અત્તરો, શાલ ને દુશાલા, દુપટ્ટા ને પાંભરિયું, હીરામોતીના હાર અને મંદિલ, બધાં તૈયાર રાખો. કાલ સવારે તો કચેરી આંહીં ભરવી છે.”

સવાર પડ્યું. ઈરાનના પાદશા તો ગાજતે વાજતે સરઘસ કાઢીને તેડવા આવ્યા. દલ્લીની કચેરીએથી બડો ઇલ્મી અને જ્ઞાની માણસ આવે છે એ વાતની તો ઈરનને બડી તાજુબી હતી. પૂતળીઉંનો ભેદ પારખનાર માણસની વાત તો બેય ઉમરાવોએ ઈરાનમાં આવીને કરી મૂકી હતી. એટલે ચાર સવાલના જવાબ આપવા એ જાતે આવે છે એથી તો આનંદ આનંદ થઈ રહ્યો હતો.

પાદર આવીને જુએ ત્યાં તો ઈરાનવાળાની આંખે ચક્કર આવી ગયાં. યા ખુદા! કેવી કરામત ! આ મેમાન આવે છે અને સામુંની રૈયાસત ઊભી કરી દીધી !

શેજાદો ખાનખાનાન સામે આવ્યો અને ઈરાનના શાહને સમિયાણામાં લઈ ગયો. જુએ તો બેઠક ખડી કરી દીધી છે. જેટલા ઉમરાવો-અમીરો, મેતા ને મસૂદીઓ, ખખા ને દોતિયા, તે તમામની બેઠકો પણ દરજ્જાવાર તૈયાર ! અરે ખાવાનાં-પીવાનાં પણ પીરસાઈ ગયાં. દલ્લીથી આવેલી તૈયાર મીઠાઈઓ મૂકી દીધી, શરબતો ને આસવોની સુરાઈઓ ગોઠવાઈ ગઈ હતી. એ તો કેમ જાણે દલ્લીનો શેજાદો ઈરાન આવ્યો નથી પણ ઈરાનનો પાદશાહ દલ્લીનો મેમાન થયો છે એવી માયા ખડી કરી દીધી.

મહેફિલ પતી ગઈ, એટલે કચેરી ભરી અને સોનારૂપાના ખુમચામાં ભેટસોગાદની ચીજું મંડી આવવા. શેજાદા ખાનખાનાને ઈરાનના એકેએક ખાન ઉમરાવને માંડી સોગાદું આપવાઃ કોઈને હાર તો કઈને ગંઠો, કોઈને મંદિલ તો કોઈને પાંભરી, કોઈને શાલ તો કોઈને દુશાલો, કોઈને કટાર તો કોઈને જમૈયો, કોઈને કાંઈ તો કોઈને કાંઈ.

એ એક જ વારમાં તો ઈરાનવાળા અંજાઈને આંધળાભીંત બની ગયા.

પછી શેજાદા ખાનખાનાને ઈરાનના બાદશાહ પાસેથી કોલ લીધો; કે આજ નહિ પણ રોજ, એક વાર તમારે તમારા અમીર-ઉમરાવો ભેળા આંહીં અમારે મુકામે ખાણું લેવું, ને એક વાર અમે તમારે મુકામે ખાણું લેશું.

હવે આમ રોજેરોજ સામસામી ગોઠ ચાલી રહી છે, દલ્લીનો શેજાદો ખાનખાનાન છૂટે હાથે ભેટસોગાદ ને ઈનામ-અકરામ વેરવા માંડ્યો છે, અને ઈરાનવાળા અમીરો-ઉમરાવો ભેટસોગાદો લેવા ટોળે વળે છે. કોઈ કરતાં કોઈની જીભ થાકતી નથી. એમ થાતાં થાતાં તો મહિનો-માસ વીત્યો, અને ચાર સવાલના જવાબ દેવાની વાત વિસારે પડી ગઈ. બધા રંગરાગ ને રોનક ઉપર ચડી ગયા, અને એક દી તો શેજાદા પાસે માગું આવ્યું, કે ઈરાનના વજીરની શેજાદી, રૂપરૂપનો અવતાર, ડહાપણનો દરિયાવ, ગુણનો ભંડાર, ઈ તમારી સાથે શાદી કરવા માગે છે !

કે’, “ખરેખર શું મારા પર મોહીને ?”

કે’, “હા, તમારા રૂપ પર, ગુણ પર, ઇલમ અને જ્ઞાન પર મોહીને.”

કે’, “તો ભલે.”

શેજાદાની ને વજીરની દીકરીની ગાજતે વાજતે શાદી થઈ. એમણે તો ત્યાં સંસાર માંડ્યો છે. બેય વચ્ચે પ્રેમની તો કાંઈ મણા નથી.

શેજાદાના જાસૂસો તો ઈરાનમાં ભમતા જ હતા. એને જે જે તપાસ કરાવવી હતી તે ચાલુ હતી. એમાં એક જાસૂસે આવીને ખબર આપ્યા કે ઈરાનના શાહની એક ખાસ ગુણકા છે, શાહનું જેટલું ચાલે તે કરતાં આ ગુણકાનું સવાયું ચલણ છે. એને તમારે મળવા જેવું છે.

આણીકોરથી ગુણકાએ પણ દલ્લીના શેજાદાની વાતું સાંભળી હતી. અસલ ને નકલ પુતળીઉંનો ભેદ પારખનારો કેવો ડાહ્યો હશે ! મેળાપ કરવા જેવો હશે ! ને પાછો આવો દિલાવર છે ! વળી આવેલ છે ચાર સવાલના જવાબ દેવા, પણ હજી જવાબ આપતો નથી એટલે કાંઈક ઊંડો ભેદ હશે, એમ તો આ ગુણકાને પણ થાતું હતું. વળી પોતાની મેડી હેઠળથી સવારી નીકળેલ ત્યારે જોયો પણ હતો. તેમાં એક વાર શેજાદાએ ગુણકા પાસે આવવાની રજા મંગાવી. જવાબ વાળ્યો કે “ઓહો ! મારાં એવાં ભાગ્ય ક્યાંથી ! ખુશીથી પધારો.”

બે ચતુર માનવી મળ્યાં, પછી તો ફરી ફરી મળવાનો રિવાજ રાખ્યો. મહોબ્બત બહુ ઘાટી થઈ ગઈ. એક પણ દિવસ શેજાદો ગુણકાને ઘેર ગયા વગર રહે નહિ.

આમ અમીર-ઉમરાવોને દરરોજ જમાડીજુઠાડી ઈનામ-અકરામ આપે છે, વજીરની દીકરી સાથે સંસાર ચલાવે છે, પાદશાની માનીતી ગુણકા સાથે રોજ મેળાપ કરે છે, અને મનમાં ને મનમાં કાંઈક બાજી ગોઠવી રહ્યો છે. એમ કરતાં કરતાં શેજાદાએ તો પાદશાનો નાનો દીકરો છે એને પણ પોતાની પાસે હેળવી લીધો. છોકરાને એવી તો માયા લગાડી દીધી કે ઘડી પલ પણ ઈરાનનો કુંવર છૂટો પડે નહિ.

હવે એક વાર પોતે ગુણકાને ઘેર બેસવા ગયો, અને કાંઈ કારણ પૂછ્યા કે કહ્યા વગર, કાંઈ વાતચીત પણ આદર્યા વગર, એકાએક લાલઘૂમ ડોળા કર્યા; પોતાની પાસે કોરડો હતો તે વીંઝ્‌યો અને ફડ ! ફડ ! ફડ ! ગુણિકાના બરડા ઉપર ત્રણ ઘા કોરડાના કરીને પોતે બોલ્યા-ચાલ્યા વગર ચાલ્યો આવ્યો.

ગુણિકા પણ સામો બોલ કાઢ્યા વગર ઊભી થઈ રહી. તે દિવસથી શેજાદો આવતો બંધ થયો. આ તે શું કારણ બન્યું તેનો એણે એક પલ વિચાર કર્યો. પણ પછી તો એ બધી વાતનો ઘૂંટડો એ મનમાં ગળી ગઈ. કાંઈક એને કાળ ચડે એવું બન્યું હશે, નહિતર આવો સુજાણ માણસ આવું કરે નહિ. ખેર ! જે હો તે ભલે હો ! મારે તો ચૂપ જ રહેવું. કોઈક દિવસ ભેદ ફૂટશે. એમ મન વાળીને ગુણકા બેસી રહી.

બીજા બે’ક મહિના વીતવા દઈને પછી એક દી શેજાદાએ પોતાની બેગમને પોતાની પાસે બોલાવીને કહ્યુંઃ “તારું એક કામ પડ્યું છે.”

કે’, “શું ?”

કે’, “હું ભારી ભીંસમાં આવી પડ્યો છું. મારે ઝેર ખાવાનો સમો આવ્યો છે.”

કે’, “પણ છે શું ?”

કે’, “છે તો એમ, કે દલ્લીથી ખરચી આવી નથી. મેં ઘણા માણસો મોકલ્યા, પણ દલ્લીથી પૈસાનો પત્તો નથી. ને આંહીં મારે માથે પચાસ-પચાસ હજારની ઉઘરાણી ઊભી છે. ને હવે તો ગામના વેપારીને વાયદા દઈ શકાશે નહિ.”

સાંભળી વજીરની દીકરીનું મોઢું દીવેલ પીધા જેવું થઈ ગયું. એ બોલી કે “તે એમાં હું શું કરું ?”

કે’, “તું કરી શકે એવું તો કોઈ ન કરી શકે. તારો બાપ વજીર છે. જઈને એટલું જ કહે, કે આપણે મૂંઝવણમાં છીએ, તો તરત તારા બાપ મને પૈસા ધીરશે.”

સાંભળતાં વેંત વજીરની દીકરીએ છણકો કર્યો કે “મારો બાપ તમને પૈસા ધીરે? ફતનદિવાળિયા થઈને ફરો, રોજ ઊઠીને ભેટસોગાદું આપો, પોતાની વાહવાહ વર્તવવા ફૂલણજી બનો, એમાં મારા બાપનો શું વાંક ! હું તો કાંઈ કહેવા જતી નથી.”

“પણ મારે ઝેર ખાવું પડશે.”

“ખાધાં ઝેર ! મને બીક બતાવો મા ઠાલા ! ઝેર ખાવું પડશે એવી ખબર હતી તો પહેલેથી વિચાર કરવો’તો ને ! રોજ ઊઠીને ઉડાઉવેડા તો કરી રહ્યા છો !”

“ઠીક લે, હવે તું બોલ મા બાપુ ! મારી ફજેતી થશે. કાંઈ નહિ તારા બાપુને ન કહે તો. હું જ વેંત કરી લઈશ.” એમ કહીને શેજાદો પોતાની બેગમ પાસેથી બહાર નીકળી ગયો. ને વળી આઠદસ દા’ડા જવા દીધા પછી પોતે એક દી બપોરે શિકારની સેલગાહે ઊપડ્યો. ઈરાનના નાના કુંવરને પણ ભેળો લીધો. પણ એને ભેળો લીધો છે એ ખબર કોઈને પડવા ન દીધી. શહેરથી આઘે ડુંગરામાં પોતે એક શિકારખાનું રાખેલું ત્યાં જઈને ખાધું-પીધું, ઈરાનના કુંવરને પણ ખવરાવ્યું-પિવરાવ્યું, ખૂબ આનંદ કર્યો. પછી એ નાના કુંવરને પોતાના માણસો સાથે હેળવી દઈ, રમતગમતમાં ચડાવી દઈ, માણસોને બધી ભલામણ કરી, પોતે એકલો પાછો વળ્યો. વેશપલટો કરીને એક ખાટકીને ઘેર ગયો. કે “ભાઈ, એક તાજો ઘેટો હલાલ કરી આપીશ ? જે લેવું હોય તે લે.”

કે’, “ભલે.”

તે જ વખતે હલાલી આપેલો ઘેટો લઈ, એક કપડામાં બાંધી, ઘોડા ઉપર નાખી, શેજાદો તો મારતે ઘોડે પોતાના પડાવમાં બરાબર રાત પડ્યે પેસી ગયો, અને પોતાની બેગમને ખબર પડે એ રીતે એક ખાડો ગાળવા મંડ્યો. પાસે હલાલેલ ઘેટો પોટકામાં બાંધેલ પડેલો. ફક્ત આંખો દેખાય તેમ રાખી હતી. લોહી ચાલ્યું જતું હતું.

બેગમ આવી અને આ લોહી, આ પોટકું, આ ખાડો વગેરે દેખીને એ તો હાંફળીફાંફળી બની ગઈ. કહે કે “અરે ખાવિંદ ! આ શું છે ?”

કે’, “ચૂપ રહેજે, કાંઈ બોલતી નહિ. કોઈને ખબર નથી. ઈરાનના શેજાદાને મારી નાખ્યો છે.”

“અરરર ! પણ શા માટે ?”

કે’, “ઘરાણાં માટે. આપણે ખરચીખૂટ છીએ. દલ્લીથી નાણાં આવ્યાં નથી. તને કહ્યું તો તેં કાંઈ મદદ દીધી નહિ. શું કરું ? ઈરાનના શેજાદાને માથે જરજવાહીર હતાં તે મારી મત બગડી. મારી નાખ્યો. હવે આંહીં દાટી દઉં છું. ભલી થઈને તું ચૂપ રહેજે.”

“હેં !!! હું ચૂપ રહું ! તું આવું કાળું કામ કરી આવ્યો ને હું ચૂપ રહું રોયા ! આવો ગઝબ !”

“અરે બાપુ ! ભાઈસાબ ! તારે પગે પડું. ચૂપ રહે.”

“રહ્યાં રહ્યાં ! નિમકહરામ ! જલ્લાદ ! ઊભો રે’જે તું.” એમ બોલતી તો વજીરની દીકરીએ જનાનામાંથી હડી કાઢી. જાય દોડતી ને રીડિયા પાડતીઃ

“અરે કોઈ દોડો રે દોડો ! આપણા ઈરાનના શેજાદાને મારી નાખ્યો. જરજવાહર માટે માર્યો. મારા રોયાએ માર્યો. રે કોઈ દોડો !” આખા નગરની વચ્ચે રીડિયા પાડતી પહોંચી એ તો બાપને ઘેર; ત્યાં વાંસેથી આંહીં શેજાદા ખાનખાનાને હલાલેલ ઘેટાની પોટકી ખાડામાં નાખી ઉપર ધૂળ વાળી દીધી હતી.

શહેરમાં તો આગ લાગે ને જેમ વામાં નેવે નેવે ફેલાય તેમ વાત ફેલાણી ને દેકારો બોલ્યો : પકડો હરામીને ! મારી નાખો કાળા મોઢાના ધણીને ! પકડો ને રિબાવી રિબાવીને મારો એ ઢોંગીને !

વજીર દોડ્યો બાદશા પાસે. બરાબર રાતની મિજલસ હતી. અમીર-ઉમરાવો બેઠા હતા, ખબર પડી કે “ઈરાનના શેજાદાને મારી નાખ્યો.”

“અરે કોણે ?”

“દિલ્હીના શેજાદાએ.”

“હોય નહિ.”

કે’, “નામદાર, હોય શું નહિ ! મારી દીકરી પોતે નજરે જોઈને ભાગી નીકળી છે.”

બોલાવો વજીરની દીકરીને.

એણે તો આવીને માંડીને વાત કહી, કે ખરચીખૂટ થઈ ગયો હતો, ને ખરચી માટે જ આ કાળું કામ કરીને મૈયત કાટી દીધી છે.

હાં કે છે કોઈ હાજર !

કે’, “એક કરતાં એકવીશ.”

કે’, “પકડો દલ્લીના શેજાદાને.”

હુકમ મળતાં તો દંગલ થયું. ફોજ ઊપડી. અને પાછળ ઊપડ્યા અમીરો-ઉમરાવો, કચેરીમાં બેસનારાઓ. દલ્લીના પડાવ ફરતો ઘેરો કરી દીધો. દલ્લીવાળા તમામને શેજાદાએ કહી દીધું હતું કે “ખબરદાર, કોઈએ કાંઈ બોલવાનું નથી. જે થાય તે જોયા કરવાનું છે.” એટલે દલ્લીવાળા કોઈએ ટંટોફિસાદ કર્યાં નહિ.

ઈરાનના લશ્કરે તો આવીને શેજાદાને પકડ્યો, ચોવડીએ બાંધ્યો અને ઈરાનના શાહનું ફરમાન મળી ગયું કે એ હરામીનું મોઢું મારે જોવું નથી, એને લઈ જઈને સવારના પહોરમાં જ શહેર બહાર સૌ જુએ તેમ કાંધ મારો.

સવારનો પહોર થયો. રોજ જે ઉમરાવો ને અમીરો શેજાદાના પડાવમાં મહેફિલ ઉડાવવા આવતા ને ભેટ સોગાદ લેતા, તેમણે આવીને શેજાદા પર થૂથૂકાર કર્યો. હે હરામજાદા ! હતો તો આ ને ? ચાર મહિના સુધી અમને આંધળાભીંત કરીને છેતર્ય, છેવટે પોત પરખાઈ ગયું.

શેજાદો તો માથું ઊંચું કરતો જ નથી. ઊભો ઊભો ચૂપચાપ સાંભળ્યા કરે છે. ન કહેવાનાં વેણ પોતે કાનોકાન સાંભળ્યાં. કાંઈ નહિ ! ફિકર નહિ જીતવા ! એ જ જો’તું હતું.

પછી તો શેજાદાને કાંધ મારવા લઈ ચાલ્યા. આગળ ચોકી, પાછળ ચોકી, વચ્ચે શેજાદો ચીંથરેહાલ દેખાવમાં, ચારેકોર લોકોનાં ટોળાં, મનખો ક્યાંય માય નહિ. તમાશાને કાંઈ તેડું હોય !

બુંગિયા ઢોલ વાગતા જાય છે ને હૈયેહૈયું દળાય છે. ઓલ્યા અમીર-ઉમરાવ શેજાદાને પાછળથી લાકડિયું ઘોદાવતા જાય છે અને મનખ્યાને કહેતા જાય છે કે “અમે તો પહેલેથી જ જાણતા હતા કે આમાં કાંઈક ખોટું છે, આ કોઈક બોદો માણસ છે, આ કોઈક ઢોંગી, હરામી માણસ છે. અમે તો પહેલેથી જ જાણતા’તા ! હા, અમે તો ધારી જ મૂક્યું હતું, કે આનું ભોપાળું નીકળશે.”

હવે જ્યારે આ દંગલ બરાબર ઓલી ઈરાનના બાદશાની માનેતી ગુણકાની મેડી સામે નીકળ્યું ત્યારે દેકારો એ ગુણકાને કાને પડ્યો. એણે ઝરૂખેથી ડોકું કાઢીને જોયું, તો મોઢા આગળ બંધૂકુંના પહેરા, વાંસે બંધૂકુંના પહેરાઃ વચ્ચે ચાલ્યો આવે છે એક માથું મૂંડેલો, ચૂનો ચોપડેલો, કાળું મોઢું કરેલો ચીંથરેહાલ જુવાન. અને માણસો એને માથે થૂંકતા આવે છે, લાકડિયુંના ઘોદા મારે છે, ગાળો દેતા આવે છે.

ગુણિકા પોતાની બાંદીને પૂછે છે કે “અરે બાંદી ! આ બધું શું છે ?”

કે’, “બાઈસાહેબ, ખબર નથી ? આ તો ઓલ્યો રોયો દલ્લીનો શેજાદો - એને કાંધ મારવા લઈ જાય છે. એણે તો રોયાએ આપણા શેજાદાને મારી નાખ્યા.”

કે’, “હેં ! શું કહે છે ? શા સારુ ?”

કે’, “બાઈ, ઘરાણાં સારુ.”

“અરે હોય નહિ.” એમ કહેતીક ગુણકા કટ કટ કટ મેડી હેઠળ ઊતરી અને રસ્તા માથે આવી ઊભી રહી. દંગલ નીકળ્યું એટલે તુરત એણે હાથ ઊંચો કર્યો.

બાદશાની માનીતી ગુણકા ! બાદશાના કરતાં સવાયો હુકમ એનો હાલે ! એનો હાથ ઊંચો થતાં તો દંગલ અટકીને ઊભું રહ્યું.

ગુણિકાએ આગેવાનને કહ્યુંઃ “રોકાઈ જાવ. ખબરદાર, જો આગળ ડગલું ય દીધું છે તો !”

“પણ બાઈસાહેબ ! પાદશા સલામતનું ફરમાન છે.”

“કાંઈ ફિર નહિ, ઊભા રહો. મારું ફરમાન છે.” સાચી વાત. ગુણકાનું ફરમાન એટલે તો પાદશાહના કરતાં સવાયું ફરમાન ! ને પછી ગુણકાએ કહ્યુંઃ “જાવ, બાદશા સલામતને જાણ કરો ને મારી અરજ પહોંચાડો, કે પોતે મારતે ઘોડે આંહીં પધારે.”

પાદશાહ હાજર થયા. ધૂવાંપૂંવાં થયા હતા. પૂછ્યું કે “કેમ રોક્યું ?”

કે’, “પણ સબૂર તો કરો જહાંપનાહ ! એનો ગુનો શું છે ?”

કે’, “આપણા શેજાદાને મારી નાખ્યો છે.”

કે’, “તે પહેલાં શેજાદાની મૈયત કાઢવાની હોય કે ગુનેગારને ઝટ કાંધ મારવાનું હોય ? ગુનેગારને કેદમાં રાખો. એ કાંઈ ભાગી જવાનો નથી. પહેલો શોક કે પહેલી સજા! પહેલાં તપાસ તો કરો કે શેજાદાની મૈયત ક્યાં પડી છે ?”

સાંભળીને બાદશા તો ટાઢોબોળ પડી ગયો. “હા, સાચું છે. આ તો કોઈને સૂઝ્‌યું જ નહિ. ચાલો, લાવો શેજાદાની મૈયત ક્યાં છે મૈયત ?”

મુએલા શેજાદાનું મડદું ગોતવા માણસો દોડ્યા. પણ મડદું હાથ આવે ત્યારે ને ! કેવું મડદું ને કેવી વાત !

અરે પણ મડદું તો એણે દાટેલું છે. ક્યાં દાટેલું છે ? એ તો વજીરની દીકરીને ખબર છે. બોલાવો વજીરની દીકરીને. વજીરની દીકરી આવીને કહે છે કે -

“એ જો અહીં દાટ્યું છે.”

“ખોદો.” ખોદ્યું. અંદરથી કાઢે ત્યાં તો ! - ઓય મારા ખુદા ! આ તો માણસની લાશ નહિ પણ ઘેટાની લાશ છે !

વજીરની દીકરીને તો વાઢી હોય તો લોહી ન નીકળે !

પણ ત્યારે શેજાદો ક્યાં છે ? એને મારીને ક્યાં નાખ્યો ? ક્યાં માર્યો ? કોણે જોયો? જરજવાહીર ક્યાં છે ?

દોટાદોટ અને હડિયાપાટીઃ આ આને પૂછે ને આ આને પૂછે. પણ સાચી વાતનો પત્તો મળે નહિ. કોઈ કે’ શેજાદાને અમે કાલ આંહીં જોયો’તો ને કોઈ કહે કે આંહીં !

પાદશા તો મૂંઝાણા. પૂછવા ગયા ગુણિકાને. ગુણિકા કહે કે “પણ ગુનેગારને તો પૂછો ! એનો જવાબ કેમ કોઈ લેતા નથી ?”

“હા ! એ વાત તો સાચી !” દલ્લીનો શેજાદો તો ભૂંડે હાલે કેદખાનામાં બેઠો હતો. બહારથી ભૂંડે હાલે પણ માલીકોરથી મલકાતો ! એને આવીને પૂછ્યું કે “અમારો શેજાદો ક્યાં છે ?”

કે’, “ભાઈ ! ફલાણે ફલાણે ઠેકાણે મારું શિકારખાનું છે, ત્યાં લહેર કરે છે. લઈ આવો.”

લઈ આવ્યા શેજાદાને. એને જીવતો જોઈને તો બધાને એક કોરથી હસવું ને બીજી કોરથી હાણ્ય ! મોઢાં બધાનાં કા...ળાં ધબ !

ગુણિકા કહે કે “જહાંપનાહ ! હવે તો ઓલ્યાને કેદમાંથી બહાર કાઢો ને માનપાનથી કચેરીમાં લાવી માફામાફી કરો. નીકર દલ્લીની હારે મોટાં વેર જાગશે. એ તો ઠીક, પણ એને પૂછો તો ખરા, કે આમાં શો ભેદ છે ?”

હેકડાઠઠ કચેરી ભરાણી છે. ગુણિકા પણ ચક નાખીને બેઠી છે. પાદશાની બેગમું પણ કનાત તણાવીને બેઠી છે. અમીરો ને ઉમરાવો, ખાન ને સરદાર, ખખા ને દોતિયા, મેતા ને મસૂદી, બધા પોતપોતાની બેઠક માથે તલપાપડ બેઠા છે. દલ્લીના શેજાદાનો જવાબ સાંભળવા સૌ એકકાન થઈ ગયાં છે.

એ ટાણે દલ્લીના શેજાદાએ ઊભા થઈને કહ્યું -

કે’, “ઈરાનના પાદશા સલામત ! આજ ચાર મહિનાથી જે કામે હું અહીં આવીને પડ્યો હતો, તે કામ કરવાનો આજ દિવસ છે. મને બહુ ખુશી થાય છે કે મારું એ કામ પાકી ગયું છે. દલ્લીથી ખાસ મારું આવવું તમારા ચાર સવાલના જવાબ આપવા માટે થયું છે. એ જવાબ ગોતતો ગોતતો જ હું આંહીં બેઠો હતો. મારું દરેક કામ એ જવાબ ગોતવા માટે જ ગોઠવાણું હતું. મારે આપને સાચા જવાબ દેવા હતા. મારે આપને નજરોનજર એ જવાબ બતાવવા હતા. એ સવાલ આ છે કે -

જાતની કજાત કોણ ?

કજાતની જાત કોણ ?

કચેરીના કુત્તા કોણ ?

મહેફિલના ગધ્ધા કોણ ?

આ ચારે સવાલના એક પછી એક જવાબ તો તમારી સામે મોજૂદ છે.

જાતની કજાત કોણ ?

તો તેનો જવાબ જોઈ લ્યો નજરોનજર ! આ મારી પોતાની જ બેગમઃ વજીરની દીકરીઃ કેવી ખાનદાન કુળની ઓરત ? ને વળી મારી સાથે પ્યારથી પરણી. હું રોજેરોજ પાણીને મૂલે નાણું વાપરતો’તો એની એને ખબર હતી. પણ ત્યારે એણે કોઈ દી મને ન ટપાર્યો, કે આ શી ફનાગીરી માંડી છે ! પણ મેં જ્યારે કહ્યું કે ખરચીખૂટ છું, દલ્લીથી ખરચી આવી નથી, વેપારીઓ ઉઘરાણી કરી રહ્યા છે, મારે ઝેર ખાવાની વેળા છે, તું તારા બાપને કહી મદદ કરાવ, ત્યારે એણે મને મેણાં દીધાં કે શા માટે ઉડાઉ બન્યા’તા ને કોણ આ પારકે પાદર દિવાળી કરવા કહ્યું’તું ! એ તો ખેર, પણ મેં કહ્યું કે હું શેજાદાને મારીને આવ્યો છું ત્યારે ય નથી એ વિચાર કરતી, નથી એ મડદું પણ જોવા રોકાતી, નથી એ તપાસ કરતી કે શેજાદાનાં જવાહીર લાવીને મેં ક્યાં મૂક્યાં છે, પણ એ તો લાજ-શરમ મૂકીને હડી કાઢે છે ગામ વચાળે. પોતાના ખાવિંદને વગર વિચાર્યે બદનામ કરે છે અને મને કાંધ મરાવવા સુધી જાય છે. માટે ઈરાનના પાદશાહ સલામત ! એ મૂળ તો જાતવંત ઓલાદ, પણ સ્વભાવે કજાત. જાતની કજાત કોણ ? એ સવાલનો જવાબ તમને મળી ગયો કે નહિ બોલો.”

“હા મળી ગયો !” બાદશાહ જવાબ દઈને હેઠે જોઈ ગયો. પાછું શેદાજે ચલાવ્યું -

કે’, “હવે જહાંપનાહ ! બીજો સવાલ -

કજાતની જાત કોણ ?

તો તેનો જવાબ છે આપની આ માનેતી ગુણકા. આંહીં આવીને મેં એની અક્કલ-હોશિયારીની ખ્યાતિ સાંભળી, મેં એની સાથે સંબંધ બાંધ્યો. એક વાર કાંઈ પણ કારણ વગર, કાંઈ કહ્યા કે કરાવ્યા વગર, પૂછ્યા કે ગાછ્યા વગર મેં એના મુલાયમ ડિલને માથે ફડ ! ફડ ! ફડ ! કોરડા ફટકારી દીધા, ને હું બોલ્યા કે ચાલ્યા વગર ચાલ્યો આવ્યો. ફરી મેં એનું મોઢું પણ જોયું નહિ. છતાં એ ગમ ખાઈને બેઠી રહી. એને લાગ્યું હશે કે આ દલ્લીનો પરોણો મૂરખ કે હેવાન નથી. આમ વર્તવાનું ઊંડું કારણ હશે, ને કોઈક દી એ કારણ બહાર આવશે, એવી ગમ ખાઈને એ ઘૂંટડો ગળી ગઈ એટલું તો ઠીક, પણ આજ મને કાંધ મારવા લઈ જાતા’તા તે ટાણે એણે બધું રોકાવ્યું, અને જહાંપનાહ ! તમે તથા તમારા ડાહ્યા કાજીઓ, ઇન્સાફના કરનારાઓ, અક્કલના દરિયાઓ જે એક મોટી ભીંત ભૂલ્યા તે તો તમને સૌને આ એક ગુણિકાએ યાદ કરાવી દીધી, કે પહેલી મૈયતને તો અવલ મંજલ પહોંચાડો ! એના કહ્યા પરથી તો આખો મામલો બદલ્યો, નીકર મારું માથું તો તમે ક્યારનું ઉડાવી દઈને પછી પોકે પોકે રોતા હોત. માટે જહાંપનાહ ! એ જાતની ગુણિકા છે, કજાત છે, પણ એ કજાતની જાત નીવડી છે. કહો શહેનશાહ ! તમારા બીજા સવાલનો જવાબ આવી રહ્યો ?” કે’, “હા, આવી રહ્યો, ભાઈ !” અને કચેરીમાં તો વાહ ! વાહ! થઈ રહી. “કમાલ ! કમાલ !” બોલાવા માંડ્યું. ને શેજાદાએ ફરીથી કહેવા માંડ્યુંઃ

કે’, “હવે જહાંપનાહ ! તમારા બે સવાલ બાકી રહ્યા. ત્રીજો સવાલ છે કે -

કચેરીના કુત્તા કોણ ?

તો જોઈ લ્યો જનાબ ! આપની સામે આ જેટલા બેઠા છે, આ ખાન, ઉમરાવ, કાજી, ખખા, દોતિયા વગેરે જેટલા છે, તેટલાનાં મોં સામે જુઓ. આજ ચાર ચાર મહિનાથી એ બધા મારે મુકામે આવીઆવીને રોજેરોજ ખાય છે, પીવે છે, મારાં ઇનામ-અકરામ લ્યે છે, બબે મોઢે મારાં વખાણ કરે છે, પણ આજ સવારે એ બધા શું કરતા હતા? હજી તો મારો વાંકગુનો પુરવાર પણ થયો નહોતો, ત્યાં તો મારા ઉપર થૂંકવા લાગ્યા, મને લાકડીએ ગોદાવવા લાગ્યા, ને મારી પાર વગરની બદબોઈ કરવા લાગ્યા. મારા અહેસાનને યાદ કરીને એમાંનો એક પણ મારે લાટે દિલગીર ન થયો, પણ બધા રાજી રાજીના રેડ થઈ ગયા, ને પોતે તો પહેલેથી જ મારું પોકળ જાણતા’તા એમ કહી મલકવા લાગ્યા. જહાંપનાહ ! એનું નામ ‘કચેરીના કુત્તા.’ ખરું કે નહિ ?”

“ખરું છે, ખરું છે, ખરું છે.” એવો એકલા પાદશાહે જવાબ વાળ્યો. બીજા બધા તો ધરતી ઢાળાં મોં ઢાળીને બેસી રહ્યા.

“હવે તો નામદાર ! છેલ્લો એક જ સવાલ રહે છે, કે -

મહેફિલના ગધ્ધા કોણ ?

આનો જવાબ હું ન આપત. પણ આપવાની ફરજ પડે છે. લાખ લાખ માફી માગું છું. પણ હે શહેનશાહ ! ઈરાન જેવી પાદશાહતનો ધણી ઊઠીને, ચાર મહિનાથી એક જ થાળીમાં જેની સાથે હાથ છે; જેની પોતે રગેરગ પારખે છે, તે જ પરોણાને વગર વિચાર્યે વગરપૂછ્યે કે ગાછ્યે, કેવળ એક લોંડીના કહ્યાથી પરબારો ગરદન મારવાનો હુકમ આપી દે, એ પાદશાહને હું ‘મહેફિલના ગધ્ધા’ કહું છું. બેઅદબી કરવા માટે શિર ઝુકાવું છું.” પાદશાહ ખડા થઈ ગયા. એણે જાહેર કર્યું કે “દલ્લીના શેજાદા ! અમારા ચારેય સવાલના તમે આપેલા જવાબ હરફેહરફ સાચા છે, ને અમને પોતાને પણ લાખ લાખ લ્યાનતું છે.”

એમ કહી, પોતે ઊભા થઈ, સામા જઈ, દલ્લીના શેજાદાને બથમાં ઘાલી, ભેટી પડ્યા ને પોતાની ગાદીને માથે જમણી બાંયે બેસાર્યો.

આમ ઈરાનમાં વાહવાહ કહેવરાવીને ખાનિયો પાછો દલ્લીમાં આવ્યો ત્યારે ત્યાં પણ એની વાહવાહ બોલી ગઈ. શેજાદો ખાનખાનાન પ્રથમ પહેલો જઈને પોતાના માલિક કાજીને પગે પડ્યો, કે “હે માલિક ! હું તો તમારો એનો એ ખાનિયો જ છું ને ખાનિયો જ રહીશ.”

બીજા રસપ્રદ વિકલ્પો