પ્રેમનું પખવાડિયું Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું પખવાડિયું

પ્રેમનું પખવાડીયું

- વિપુલ રાઠોડ

આમ તો તૃષ્ણાને ઉંચાઈનો ફોબિયા છે પણ આજે આ મહાકાય ડેમ ઉપર પહોંચીને પણ તેને ઉંચાઈનો ભય લાગ્યો નહીં. કદાચ અંધારી રાતમાં ચંદ્રનાં શીતળ પ્રકાશથી ઝગમગતા પાણીની ઉંચી સપાટીનાં કારણે તેને ડેમની ઉંચાઈ અને ઉંડાઈનો ખ્યાલ આવી રહ્યો નથી. કદાચ તેના અંતરનાં ઉંડાણમાં ચાલતા વલોપાતમાંથી ઉદભવતો ભય વધુ ભયાનક હતો. ડેમની પાળ ઉપર અનુભવાતો પવન જાણે તેને કિનારની નજીક પહોંચતા રોકવા મથતો હતો પણ તૃષ્ણાના ડગલા મક્કમપણે આગળ વધતા હતાં. પાણીનો ખળખળાટ જાણે કશુક અશુભ બનવાનું હોવાની રોકકળ કરતાં હતાં. સામા પવને તેના પગ ડેમની કિનારે પહોંચી ગયા અને હવે તેણે આંખ બંધ કરીને એક પગ હવામાં ઉંચો કર્યો. પાણીથી તૃપ્ત ડેમમાં તૃષ્ણા ઝુકાવે તેની વચ્ચે હવે ક્ષણમાત્ર હતી. તે અંતિમ પગલું ભરવા જ જઈ રહી હતી કે કોઈ મજબૂત હાથે તેના હાથને અચાનક ઝાલી લીધો. તૃષ્ણા ભડકી ગઈ. આટલી કાળી રાત્રે આ નિર્જન ડેમ ઉપર કોણ? તેણે સફાળા મોઢું ફેરવીને જોયું તો આછા અજવાળામાં તેને કોઈ યુવક દેખાયો. તૃષ્ણાની આંખમાં રહસ્યમય છોછ હતો. પોતાને આપઘાતનો પ્રયાસ કરતાં કોઈએ ઝડપી લીધી હોવાથી તે ભોઠપ અનુભવતી હતી. બીજીબાજુ યુવકની આંખમાં ભય અને ગુસ્સો હતો. તેણે તૃષ્ણાને ખેંચીને પાછી વાળી અને કહ્યું...

'તમે અહીં આવ્યા ત્યારથી હું તમને જોઈ રહ્યો છું. મને કશુંક આવું જ બનવાની ગંધ આવતી હતી. જો કે તમે મને પણ બચાવી લીધો. મારું નામ સમીર છે. આવો થોડી વાત કરીએ. પછી તમને ઠીક લાગે તો તમે તમારું ધારેલું કરી શકશો.' સમીરનાં ચહેરા ઉપર એક મંદ મુસ્કાન હતી.

'તમે મને બચાવી એ તો મને સમજાયું પણ મેં તમને કેવી રીતે બચાવ્યા?' તૃષ્ણાનાં દિમાગ ઉપર સવાર થયેલું આપઘાતનું જનૂન ઓસરી ગયું હતું અને તે ભાનમાં આવી ગઈ હતી.

'હું પણ અહીં ડૂબી મરવા જ આવેલો' બોલીને સમીર મોટેથી હસ્યો. તે આગળ કહે છે ' જો કે નજર સામે તમને આપઘાત કરવાં જતાં જોઈને મારી માણસાઈ પોકારી ઉઠી. મને થયું કે જીંદગી આટલી સસ્તી પણ ન હોય કે પાણીનાં ભાવે જાય. એક છોકરી સાથે પ્રેમમાં મળેલો દગો મને આ પગલું ભરવા મજબૂર કરી અહીં ખેંચી લાવેલો. જો કે જોયા ત્યારે મને ઓચિંતા ખ્યાલ આવ્યો કે દગો તેણે આપ્યો છે, અપરાધી એ છે, તેની સજા મારે મારી જાતને શા માટે આપવી?' સમીરે છેલ્લા કેટલાક દિવસોથી પોતાના મનમાં સર્જાયેલી ગુંગળામણ પહેલીવાર બહાર કાઢી નાખી અને હળવાશ અનુભવી.

'મારી એક સગાઈ તૂટી ગયા પછી છેલ્લા પાંચ વર્ષથી સંબંધ નથી થતો. હવે હું થાકી ગઈ છું. હું મારા પરિવાર માટે બોજ હોય એવું લાગે છે. ખેર તમે મને અટકાવી તેનો આભાર. કદાચ મારું પણ આ પગલું ખોટું જ હોત.' તૃષ્ણાએ પોતાની કથની કહી.

આટલા ટૂંકા સંવાદમાં બન્ને વચ્ચે કોઈ નાતો બંધાઈ ગયો હતો અને સમીરે હજી પણ તૃષ્ણાનો પકડેલો હાથ છોડ્યો ન હતો. બન્ને ચાલતા ચાલતા ડેમ ઉપરથી નીચે ઉતરી રહ્યા હતાં ત્યારે જ અચાનક તૃષ્ણાનાં દિમાગમાં એક તોફાની વિચાર આવી ગયો અને તેણે કંઈપણ વિચાર્યા વગર એ અજાણ્યા યુવકને તે વાત કરી પણ દીધી. ક્યા કારણોસર તૃષ્ણા સમીર ઉપર આટલો ભરોસો કરી શકી તેનો પણ ખ્યાલ તેને ન રહ્યો. પણ તેણે કહ્યું ' પંદર દિવસ માટે તમે મારા બોયફ્રેન્ડ બની શકો? મેં ક્યારેય ગોલ્ડન પીરિયડ માણ્યો નથી. મારી સગાઈ એક જ દિવસમાં તૂટી ગયેલી. મને ક્યારેય એક પ્રેમીની હૂંફ મળી નથી. મારી વાત કદાચ અજૂગતી લાગશે પણ શું તમે...?' સમીર હજી અચંબામાંથી બહાર આવ્યો ન હતો ત્યાં જ તૃષ્ણાએ પોતાનો પરિચય પણ આપ્યો. 'હું તૃષ્ણા છું. મારા પપ્પા સરકારી કર્મચારી છે. અમે સામાન્ય મધ્યમવર્ગના છીએ. કદાચ તમને મારી માગણીથી શંકા ઉપજે પણ હું એવી કોઈ છોકરી નથી કે જે તમને કનડી શકે. આઈ મીન... હું ખરાબ નથી. સો ઈફ યુ કેન ટ્રસ્ટ મી... મારે પ્રેમનું પખવાડીયું જોઈએ છે.'

કોણ જાણે કેમ પણ સમીર તેને ના પાડવા અસમર્થ બની ગયો. 'મને કોઈ વાંધો નથી પણ મે એકવાર નીચોવીને પ્રેમ આપી લીધો છે. કદાચ તમને મારી પાસેથી કોઈ લાગણી નહીં મળે. પણ હા હું મિત્રતા નીભાવીશ. પંદર દિવસ સુધી દોસ્ત રહી શકીશ કદાચ...પણ ફક્ત પંદર દિવસ સુધી જ'

'ઠીક છે, પંદર દિવસ માટે તું મારો બોયફ્રેન્ડ અને હું તારી જસ્ટ ફ્રેન્ડ' તૃષ્ણાએ એક સુંદર મુસ્કાન સાથે પોતાનો હાથ સમીરનાં હાથમાંથી છોડાવ્યો, બન્ને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ અને ડેમની બહાર નીકળી છુટ્ટા પડ્યા. કાલથી બન્નેનાં કૃત્રિમ પ્રેમનું પખવાડીયું શરૂ થવાનું હતું અને કંઈક અલગ જ રોમાંચ સાથે બન્ને વિખુટા પડ્યા.

દિવસ - 1 : તૃષ્ણાએ સમીરને ફોન કરીને પોતે આજે ઘરે પોતાની વ્યસ્તતા હોવાના કારણે મળી નહીં શકે તેવું કહીને દિલગીરી વ્યક્ત કરી. સમીરે મજાકમાં તૃષ્ણાનો એક દિવસ વેડફાઈ ગયો હોવાનું કહીને આવતીકાલે મળીશું તેમ કહ્યું.

દિવસ - 2 : બન્ને એક રેસ્ટોરાંમાં મળ્યા અને આશરે ત્રણેક કલાક સુધી એક બીજાની વાતો કરી. પોતાના વિચારો, સ્વભાવ, શોખ, પરિવાર, સહિત પરસ્પર વ્યક્તિત્વનો પરિચય થાય તેવી ઘણી-ઘણી વાતો થઈ. બન્નેને એકબીજા સાથે ખુબ જ સહજતા અનુભવાઈ.

દિવસ - 7 : છેલ્લા ચાર દિવસ દરમિયાન રોજની મુલાકાતથી બન્નેને એકબીજા સાથે બંધાઈ ગયેલી આત્મિયતા હવે તેમની ચેષ્ટાઓમાં પણ વર્તાવા લાગી હતી. હવે વાત-વાતમાં એકબીજાનો હાથ પકડવો, તાળી મારી, ખભ્ભે હાથ મુકવો સહજ બની ગયું હતું. હવે ખુલીને બન્ને એકબીજા સાથેનો આ સમય માણતા હતાં. હવે બન્ને ભૂતકાળમાં આત્મહત્યા કરવાં તૈયાર થયા હોવાનું પણ લગભગ ભૂલી જ ગયા છે.

દિવસ - 10 : આઠમા અને નવમાં દિવસ બન્ને એકબીજાનાં ઘેર ગયા અને એકબીજાનાં પરિવારો સાથે મિત્ર તરીકે ઓળખાણ કરી. બન્ને એકબીજાનાં ઘેર જમ્યા હતાં અને આજે બન્ને એક ગાર્ડનમાં બેસીને અલક-મલકની વાતો કરતાં સમય પસાર કરી નાખ્યો.

દિવસ - 13 : આજે એક નવી રોમેન્ટિક ફિલ્મ જોવા બન્ને સિનેમા ગયા હતાં અને ફિલ્મનાં પ્રવાહમાં ક્યારે બન્ને એકબીજાને ગાઢ ચુંબન કરી બેઠા તેનો ખ્યાલ ન રહ્યો. તૃષ્ણાને પહેલીવાર આ અનુભૂતી ઝણઝણાવી નાખે છે. તો સમીરને આ ચુંબન પછી પોતે આપેલું માત્ર દોસ્તીનું વચન ભંગ થયું હોવાનો અફસોસ પણ થાય છે. પોતે મિત્રતાની મર્યાદા ઓળંગી હોવાની માફી તે માગે છે. ફિલ્મમાં બન્ને વચ્ચે અનાયાસે અદ્રશ્ય થયેલું અંતર જાણે નવું અંતર ઉભું કરી ગયું. પછી ફિલ્મ પુરી થવા સુધી બન્ને વચ્ચે કોઈ જ વાત થઈ નહીં અને બન્ને આવતીકાલે મળવાનું નક્કી કર્યા વગર જ છુટ્ટા પડી ગયા.

દિવસ - 14 : આખો દિવસ બન્ને અસમંજસમાં કાઢી નાખે છે. મોડી સાંજે આખરે તૃષ્ણાનો સંયમ તૂટે છે અને સમીરને એસએમએસ કરીને પોતે તેના પ્રેમમાં પડી હોવાનું જણાવે છે. જો કે તે સમીરને આવતીકાલે એટલે કે પંદરમાં અને છેલ્લા દિવસે જવાબ આપવા કહે છે. જો સમીરને પ્રેમ ન હોય તો બન્ને વચ્ચે મિત્રતાનાં આ પંદર દિવસ માટે તૃષ્ણા અગાઉથી તેનો આભાર પણ માને છે અને આ દિવસો માટેની ખુશી વ્યક્ત કરે છે. સમીર તૃષ્ણાનાં આ મેસેજથી અવઢવમાં ગરકાવ થઈ જાય છે અને આખી રાત વિચારીને કાઢી નાખે છે.

દિવસ - 15 : બપોરે સમીરને તૃષ્ણા સાથે મુલાકાત કરવાની હોવાથી તે સવારે બજારમાં ગયો અને એક ગિફ્ટ આર્ટિકલ શોપમાંથી કાર્ડ ખરીદી લાવ્યો હતો. કવરમાં બંધ કરેલા એ કાર્ડ સાથે બપોરે તે તૃષ્ણાને એક ગાર્ડનમાં મળ્યો. જ્યા સમીરે કાર્ડ તૃષ્ણાને આપે છે. જો કે તેને તરત જ ખોલવાની ના પાડી પોતે આઈસક્રીમ લઈ આવે પછી જ કાર્ડ ખોલવાનો આગ્રહ કરે છે. તૃષ્ણા આ કવરમાં પોતાના પ્રેમ પ્રસ્તાવનો જવાબ વાંચવા અધીર બની હોય છે પણ સમીરનો આગ્રહ જોઈને તે થોડીવાર રાહ જોઈ લેવા તૈયાર થઈ જાય છે. સમીર ગાર્ડનમાંથી બહાર નીકળી રોડને સામે પારથી આઈસક્રીમ લેવા રવાના થઈ જાય છે. બીજીબાજુ તૃષ્ણાથી રાહ જોઈ શકાતી નથી. તે કવર ખોલી નાખે છે. કાર્ડમાં લખેલું છે, 'આઈ લવ યુ ટૂ'. તૃષ્ણાની આંખ હરખનાં આંસૂથી છલકાય છે કે તરત જ ગાર્ડન બહાર રોડ ઉપર મોટો અવાજ થયો.

અચાનક લોકો ત્યાં એકઠા થવા લાગ્યા. તૃષ્ણાને કંઈક મોટી દૂર્ઘટના બની હોવાનો અંદાજ આવ્યો. ઘણીવાર સુધી સમીર પરત ન આવ્યો એટલે તે બેબાકળી બની ગાર્ડન બહાર લોકોનાં ટોળા ભણી ધસી ગઈ. તેનાં મનમાં સમીર સાથે જ કંઈક બન્યું હોવાનાં ભયનાં ભણકારા વાગવા લાગ્યા. તે ટોળે વળેલા લોકોની જેમ નજીક પહોંચતી ગઈ તેમ તેનો ઉચાટ પણ ઉછાળા મારવા લાગ્યો હતો અને ત્યાં પહોંચી ત્યારે તેને ધ્રાસકો પડ્યો. તેનો ભય સાચો ઠર્યો. એક ટ્રકે રસ્તો ઓળંગતા સમીરને ઠોકરે લીધેલો. સ્થળ ઉપર જ સમીર પોતાનો દેહ અને તૃષ્ણા માટેનો પ્રેમ છોડી ગયો હતો. આઈસ્ક્રીમ ઓગળીને સમીરનાં લોહીમાં ભળતો જતો હતો. તૃષ્ણા હૃદય ચીરી નાખતો કલ્પાંત કરતી રહી ગઈ...

..........................................