Why some individuals commit suicide? books and stories free download online pdf in Gujarati

Why some individuals commit suicide?

Why some individuals commit suicide?

Do not commit suicide:

Your living is determined not so much by what life brings to you as by the attitude you bring to life; not so much by what happens to you as by the way your mind looks at what happens

– Kahlil Gibran

હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે લગભગ દરેક ઉમરના લોકો આપઘાત કરતાં જોવા મળે છે. આ લોકો એમ સમજે છે કે હવે જીવન જીવવામાં કોઈ સાર નથી પછી તત્કાળ પોતાની જિંદગીનો અંત લાવી દે છે. પાછળ સગાવહાલા, માં- બાપ, ભાઈ-બહેન, પત્ની તથા કુમળા બાળકોને વિલાપ કરતાં છોડી જાય છે. આ એક ખુબજ ગંભીર સમસ્યા છે અને સમાજે તે તરફ ધ્યાન આપવું જોઈએ. આપણે કયા પ્રકારનો સમાજ બનાવી રહ્યા છીએ ?

(એ) ઉદગમ સ્થાન

આત્મ હત્યાનો વિચાર અને તેનો અમલ ઘણી નાની નાની સમસ્યાઓથી ઉદભવે છે. જ્યારે એમ લાગવા માંડે છે કે હવે કોઈ આરો ઓવારો નથી અને મન સંપૂર્ણ પણે થાકી જાય છે, કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે છેલ્લા ઉપાય તરીકે વ્યક્તિ આત્મ હત્યાનો આશરો લે છે. ચાલો જોઈએ કઈ બાબતો આત્મ હત્યા તરફ માણસને દોરી જાય છે. કયા એવા દોષો દૂર કરવાથી જીવન આનંદમય બની જાય છે. કેવા વિચારો કરવાથી માનસિક નબળાઈ દૂર થઈને મન મજબૂત બને.?

  • પૈસાનો અભાવ કે એકાએક દેવામાં ડૂબી જવું.
  • પરીક્ષામા કે બીજે ધાર્યું પરિણામ ન આવવું
  • ભણવા માટે માતા-પિતા અને અધ્યાપકો દ્વારા વધુ પડતું દબાણ
  • ઘરે અથવા તો સ્કૂલે મુક્ત વાતવારણનો અભાવ, ખેલવા કુદવાનો બિલકુલ સમય ન મળવો.
  • માતા-પિતા વચ્ચે ના કાયમના કજિયા.
  • ખુબજ ભાવનાશીલ સ્વભાવ ( એમોસનલ )
  • નોકરી ન મળવી , પ્રમોશન ન મળવું.
  • સામાજિક ઉપેક્ષા અને અપમાનિત થવાનો ડર, આબરૂ જવાની બીક
  • એકાએક સ્વજનનું મૃત્યુ
  • વિચિત્ર પ્રકારના માનસિક રોગ
  • પરેશાન કરનાર હઠીલા રોગ
  • પરિવાર તરફથી લાગણી કે સપોર્ટ ન મળવો.
  • અંધ શ્રધ્ધાનો શિકાર
  • ટૂંકમાં આવા લોકોને મદદની જરૂર હોય છે અને તે પણ તાત્કાલિક. હકીકતમાં આવા લોકો સામાજિક અને આર્થિક પરિસ્થિતીઓના શિકાર બનતા હોય છે. તેમને જીવન પ્રત્યેના સાચા અભિગમની ખબર હોતી નથી.

    ફક્ત સૌરાસ્ટ્રમા તા. ૩/૯/૨૦૧૧ થી ૨૦/૯/૨૦૧૧ સુધીમાં એટલેકે સત્તર દિવસમાં છ (સિક્સ) વિધ્યાર્થીઓએ આત્મ હત્યાથી જીવનનો અંત લાવી દીધો. વર્ષે – ૨૦૧૩માં આપણાં રાજયમાં કુલ ૬૧૭૭ આત્મ હત્યાઓ થઈ છે.

    ઊંચી ફી વસુલ કરતી શાળાઓમાં કે સરકારી શાળાઓમાં કોઈ કાઉન્સિલર નહોતા કે જે બાળકોને માર્ગદર્શન આપી શકે. ખરેખર તો બે કે ત્રણ સ્કૂલો વચ્ચે એક કાઉન્સિલર(સલાહકાર) હોવો જોઈએ. છેલ્લે એક પત્રકાર મિત્ર સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે રાજકોટ શહેર માટે આ આંકડો વધારે છે. આ મામલે રાજકોટ શહેર દેશમાં બીજા નબરે છે.રંગીલું રાજકોટ.

    આ તબક્કે હું એટલું જરૂર કહીશ કે જ્યારે કિશોર અવસ્થામાં સંતાનોને તમારી વધુમાં વધુ જરૂર હોય છે ત્યારે તમે તેનાથી વધુમાં વધુ દૂર હોવ છો. તમે પૈસા પાછળ દોટ મૂકી હોય છે અને તમારા સંતાનો પ્રેમ અને હૂંફ જંખતા હોય છે. આ ટીનેજર્સ, દિશાવિહીન માનસિકતામાથી પસાર થતાં હોય છે. આ એજ સંતાનો છે જ્યારે તે એકદમ નાના નાના ભૂલકાઓ હતા ત્યારે તમે તેમનો પળે પળે ખ્યાલ રાખતા હતા. પછી શું થોડા મોટા થઈ ગયા એટલે ગુનો થઈ ગયો ?

    તમારા સ્વપ્નોને તેમના સ્વપ્ન ન બનાવો..

    (બી) આ આત્મહત્યાની સમસ્યાને લગતી જાણકાર ડોક્ટરોની સલાહો પરત્વે આપ સૌનું ધ્યાન ખેંચું છું.

  • આ સમસ્યાને જંર્લાઇજ ન કરી શકાય, દરેક બાળકની સમસ્યા અલગ હોઈ શકે છે , માતા- પિતા બાળકની સમસ્યાને સમજે , તેનો પ્રોબ્લેમ આઇડેન્ટીફાય કરે.
  • બાળકની ખૂબીઓજ જ જોયે રાખવાને બદલે તેમની મર્યાદાઓ સમજો.
  • કોઈ બાળકને બધુજ આવડે છે તેવું ન હોય. તેને નથી આવડતું તે તેનો ગુનો નથી તેમ માનવું અને તેને મનાવવું.
  • બાળકને સતત કાઇક એવું દર્શાવો, વાત કરો જે પોજીટીવ હોય.
  • તે આશાવાદી બને તેવી વાત કરો.
  • સ્કૂલમાં પરીક્ષાઓનું પ્રમાણ ઘટાડવું જોઈએ.
  • સ્ટારબેચ, સુપર સ્ટારબેચ જેવા કોઈ ભેદ રાખવા ન જોઈએ.
  • ઓછા માર્કસના કારણે બાળક પોતાની માનવીય ઓળખ તથા સ્વમાન ગુમાવી બેસે તેવું વાતાવરણ ન હોવું જોઈએ.
  • રમત ગમતનું પ્રમાણ વધારવું જોઈએ, તેનાથી નેતૃત્વ અને આત્મવિશ્વાસ ખીલે છે.
  • હોસ્ટેલના વાતાવરણ અંગે પૂરતી તપાસ થવી જોઈએ.
  • બાળકો અને વાલીઓ વચ્ચે ઘરમાં ફ્રેંડલી વાતાવરણ હોવું જોઈએ. જેથી બાળકો પોતાના મનની વાત કે ઈચ્છા વ્યક્ત કરી શકે.
  • શાળાઓમાં કાઉન્શલિંગ સેન્ટર હોવા જોઈએ.
  • (સી) હવે થોડું વિચારીએ, જેથી હું મારા મૂળ વાત પર આવી શકું, આગળ આપણે આત્મહત્યા કરવા પાછળના વિવિધ કારણો જોયા અને ડોક્ટર સાહેબોની ખુબજ સરસ સલાહો પણ જોઈ. પરંતુ ફક્ત સલાહથી કામ સરી જતું હોય તો આ પ્રશ્ન આમ વિકરાળ મોં ફાડીને ન ઊભો હોત. સમાજે, માં-બાપે અને ટીચરોએ સમય પહેલા નિશાનીઓ પારખીને યોગ્ય પગલાં સત્વરે લેવા જોઈએ. અને તે માટે આ પ્રશ્નનું પૂરતું જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. અન્યથા અંધારામાં ગોળીબાર કરવા જેવી પરિસ્થિતી થશે. આત્મહત્યાના પ્રશ્નને નેવું ટકા મન અને તેના વિચારો સાથે નિસ્બત છે માટે થોડી ઘણી

    મનોવૈજ્ઞાનીક સમજણ જરૂરી છે. માનસિક પાવર કે તાકાત કેવી રીતે વિકસાવી શકાય કે કપરા સંજોગોમાં ટીનેજર કે મોટું માણસ આવા પગલાં ન ભરે. દરેકના સંજોગો અને સમસ્યાઓ અલગ-અલગ હોય છે પરંતુ ઉપાય એક જ છે અને તે છે મજબૂત મનોબળ અને જીવનની સાચી સમજણ

    જે માટે જીવનની ખુબીઓ સમજવી જરૂરી છે. અમુક હકીકતો સ્વીકારીને ચાલીયે તો સમસ્યાઓ વિકરાળ નહીં લાગે દોસ્તો.

    સુખ અને દુ:ખનું ચક્ર.

    આપણી દરેકની જિંદગીમાં જુદી જુદી ચાર જાતની વિરોધાભાસી પરિસ્થિતિઓ મોટાભાગે આવતી હોય છે.

    (૧) પ્રસંશા અને દોષારોપણ (૨) લાભ અને નુકશાન (૩) ખુશી અને દર્દ કે પીડા (૪) ખ્યાતિ અને બદનામી .

    કોઈ પણ નાનો માણસ કે મોટો માણસનું જીવન તપાસવાની છૂટ છે. આ સહજ છે. આની સહજતા સ્વીકારી લેવી જોઈએ. કુદરતના ક્રમમા જેમ રાત- દિવસ અને વારાફરતી ઋતુઓનું ચક્ર અવિરત ચાલે છે, બસ તેમજ. હા, ક્યારેક કોઈને થોડો ઘણો ડોજ વધાર થઈ જાય છે. પણ તેથી શું ? ક્યારેક વધારે લાભ મળતો હોય તો કેવા તે મેળવવા દોડી જાવ છો. પ્લાસ્ટિક જલ્દીથી ઓગળી જાય છે અને લોખંડને વાર લાગે છે. માટે જ જરા વધારે મજબૂત બનો. નાની વાતમાં લાગણીવેડા, રિસાઈ જવું, જગડા કરવા, જીદ કરવી આ બધી નબળા મનની નિશાનીઓ છે. માં- બાપ દુનિયાની તમામ વસ્તુઓ અને સુખ બાળકોને આપવા ઈચ્છતા હોય છે પરંતુ તેમની પણ મર્યાદાઓ હોય છે.

    આમ સુખ અને દુખની જીવનમાં અનિવાર્ય હાજરી સ્વીકારી લો અને સાથે સાથે એ પણ જાણો કે સુખ પછી દુખ રાહ જોઈને ઊભું હશે, તેજ રીતે દુખ પછી સુખ આવસે જ. માટે જેટલા તમે સુખમાં ખૂબ આનંદિત થઈને કૂદશો એટલા જ ઊંડા દુખની લાગણીઓમાં ડૂબકી મારશો. એટલેજ બંને પરિસ્થિતિઓમાં સમભાવ કેળવી ચાલવું સમજણનું કામ છે. કોઈ સિધ્ધી મેળવી હોય ત્યારે અને કોઈ નિષ્ફળતા હાથ લાગી હોય ત્યારે એમ બંને સંજોગોમાં વિચલિત ન થાવ ત્યારે તે બેલેંસેડ મનની નિશાની છે, સ્થિરતાની નિશાની છે. હવાઈ કિલ્લાઓ બનાવવાનું છોડી દો. તમારી ખામીઓ અને ઉણપો સમજો અને પછી ફળની આશા રાખો.

    મુકાબલો કરવો જરૂરી

    ઘણી બધી બાબતો જિંદગીમાં એવિ હોય છે કે જેની તરફ ઓછામાં ઓછું ધ્યાન અપાય તો મોટું કામ થઈ જાય. દા. ત. તમારા વિઘ્ન સંતોષી મિત્રો કે જે તમને કાયમ નીચા પાડવા કે નીચા દેખાડવાની કોશિશ કરતાં હોય છે. એવો બોસ કે જે તમને ખોટી રીતે હેરાન કરતો હોય, નાની નાની ભૂલો કાઢતો હોય. શું કામ તમારે આવી નાની વાતોને જીવન મરણનો પ્રશ્ન બનાવવો જોઈએ. શું કામ એવી માનભંગની કે અવગણનાની પળો વારેઘડીએ યાદ કરીને દુખી થવું જોઈએ. એવા લોકોને શું કામ યાદ કરવા જોઈએ કે જે લોકોએ તમારી પ્રથમથી જ કદર કરી નથી. આવા લોકો તેમની પોતાની ટૂંકી અને હલકી દ્રષ્ટિથી મૂલવતાં હોય છે. તેમના માપદંડ નીચા હોય છે. તેમનો સ્વાર્થ ન સધાય એટલે તરતજ તમારી ખોદણી ચાલુ કરી દેશે. માટે આવા લોકોને ઓળખી લઈ જવા દો. તમે જાતે તમારી કિમંત આંકો અને બીજાના અભિપ્રાયોને નેવે મૂકો.

    જિંદગી ખૂબ વિશાળ અને વહેતી નદી જેવી છે. જેમ જેમ આગળ વધો તેમ તેમ અડચણો પણ આવશે. તેથી શું થઈ ગયું ? કદાચ તમે ટોપ પર ન પહોચી શક્યા હોય, કદાચ ઓછા માર્કસ આવ્યા હોય, પ્રમોશન નથી મળતું, ઘરવાળી ભાગી ગઈ, છુટાછેડા થયા, મોટું નુકશાન આવ્યું, પરંતુ આ બધુ બરાબર જિંદગી નથી. આમેય આ બધાની કઈ કિમત નથી. તમારી પાસે બીજા ઘણા એવા ગુણો અને ખુબીઓ છે જેની તમને ખબર નથી. અને તેનાથી તમો મુકાબલો કરીને પાછા શાંતિમય સુખમય જીવન બનાવી શકો છો. વારે વારે મળતી નિષ્ફળતાનો સામનો કરવો તેજ બહાદુરીનું કામ છે. નહિતર તમારી પ્રગતિ અટકી જશે અને માનસિક અસરો હેઠળ આવવા લાગશો. માટે મકકમતાથી પાણી પહેલા પાળ બાંધો. પ્રેમ અને વિશ્વાસની તાકાતથી જીવનને સબળ બનાવો. આ બંને ગુણો બેંકમાં રહેલ બેલેન્સ જેવુ છે. બેલેન્સ હશે તોજ એટીએમમાંથી પૈસા નીકળશે. માટે પ્રેમ અને વિશ્વાસનું બેલેન્સ ભેગું કરવું પડશે. તમારામાં જેમ લોકોને વધુ વિશ્વાસ હશે તેમ તમને મુશ્કેલ સંજોગોમાં મદદ મળી શકશે. હંમેશા સ્વાર્થીપણું રાખ્યું હશે તો કોઈ તમારી મદદ નહીં કરે.

    હકારાત્મક વલણ : પોજિટિવ થિંકિંગ

    માણસનું મન પોજીટિવ અને નેગેટિવ બંને તરફ વિચારો કરવા ટેવાયેલું હોય છે. નેગેટિવ વિચારોની ખૂબ ખરાબ અસરો થતી હોય છે. જ્યારે પોજીટિવ વિચારોનું પરિણામ સારું આવતું હોય છે. આ સમજીને કાયમ માટે મનને હકારાત્મક વિચારો કરવાની ટેવ પાડવી જોઈએ. તે માટે થોડા મદદરૂપ માનસિક વલણો જોઈએ.

    ૧ – ભૂલોથી ગભરાસો નહીં, જ્યાં સુધી નવી નવી ભૂલો થાય ત્યાં સુધી માંનજો કે તમે પ્રગતિ કરી રહ્યા છો.

    ૨ – “ હજી સુધી “ શબ્દનો પ્રયોગ કરો. દા. ત. હજી સુધી આ મને નથી આવડતું. ભવિષ્યે ચોક્કસ મહેનતથી આવડશે.

    ૩ – જીવનમાં ક્યારેક પાછા પડ્યા હોવ ત્યારે પારોઠના પગલાં નથી ભરવાના પરંતુ જ્યાં હતા ત્યાં પાછા આવવા માટે પ્રયત્ન કરવાનો છે.

    ૪- ગણતરીપૂર્વક્ના જોખમો લેવામાં બીક ન રાખશો.

    ૫- જીવનનું વિશાળ ચિત્ર જોતાં શીખો . આ કઈ પરીક્ષા નથી કે એકાદ દાખલો ન આવડયો તો નાપાશ.

    ૬ – જે લોકોએ પોતાનો સર્વોચ્ચ પ્રયત્ન કરેલ છે તે લોકોએ કોઈ દિવસ અફશોસ નથી કર્યો. મહેનતમાં ખામી ન રાખશો

    ૭ – જીવનમાં સાચી પસંદગી કરો, સાચા, સારા, નિર્ણયો કરો જેથી કરીને પાછળથી ભોગવવું ન પડે. તમારી સાચી પસંદગી તમને આગળ લાવશે.

    ૮ – બહાનાબાજી છોડો. ભૂલ થાય તો બીજા પર ઢોળવાની ટેવ મૂકી દો.

    ૯ – જવાબદારી સ્વીકારતા શીખો, આળસ, બેજવાબદારી, અને મહત્વાકાંખ્શાની ઉણપ આ ત્રણેય તમને ધીરે ધીરે ખોખલા કરી નાખશે.

    ૧૦ – “ હું મહાન છું “ તેવા વલણમાથી મુક્તિ મેળવો, તે તમને આગળ વધવા નહીં દે, કોઇની સાચી સલાહ ગળે ઉતરવા નહીં દે. તેના બદલે મારે ઘણું શીખવાનુ છે તેવું વલણ અપનાવો..

    ૧૧ – પ્રેમ ખરીદી શકાતો નથી, એક તરફી પ્રેમ વ્યાજબી નથી. સાચા પ્રેમની ચકાસણી કરો.

    ૧૨ – “ ધેર ઈજ નો ફ્રી મીલ “ અથાર્ત મહેનતનો કોઈ વિકલ્પ નથી.

    છેલ્લે, આજથી પચાસ વર્ષ પછી કોઈનેય એ યાદ નહીં હોય કે તમે કઈ ગાડી ચલાવતા હતા, કયા બંગલામાં રહેતા હતા, કે શું ભોજન લેતા હતા. યાદ રાખશે તો એટલુજ કે તમોએ કોઈના જીવન બદલ્યા કે બદલવાની કોશિશ કરી.

    પ્રદીપકુમાર આર. રાઓલ

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED